Related Questions

ક્રોધના પ્રકાર કયા?

ક્રોધની તીવ્રતા મુજબ પ્રકાર

અનંતાનુબંધી ક્રોધ : ક્રોધથી સામી વ્યક્તિને એવાં શબ્દો સંભળાવી દીધા જેનાથી સામાનું મન એવું ભાંગી ગયું, કે જિંદગીભર ન સંધાય. આવું કાયમનું મન તૂટી જાય એવો ક્રોધ એટલે અનંતાનુબંધી ક્રોધ, જે અનંત અવતાર સુધી રખડાવી મારે એવો આ ક્રોધ. જેમ પથ્થરની ભેખડની વચ્ચે તિરાડ પડી જાય, એક ફૂટ કે કે બે ફૂટની, પછી એમાં વચ્ચે ગમે તેટલી વસ્તુઓ પડે, તો પણ મૂળ ફાટ કાયમ માટે રહે. એવી જ રીતે સામાનું મન ભાંગી ગયું તે આખી જિંદગી સુધી ફરી ના સંધાય એવો તીવ્ર ક્રોધ એટલે અનંતાનુબંધી ક્રોધ.

અપ્રત્યાખ્યાની ક્રોધ: બીજા પ્રકારનો ક્રોધ એટલે અપ્રત્યાખ્યાની ક્રોધ. એક વખત ભારે ક્રોધથી વ્યક્તિને દુઃખ અપાઈ ગયું હોય, અને એ એક-બે વર્ષ સુધી આપણી સાથે બોલે નહીં તે અપ્રત્યાખ્યાની ક્રોધ કહ્યો. જેમ ખેતરની જમીનમાં તિરાડ પડી હોય અને એકાદ વર્ષમાં સંધાઈ જાય, તેમ વર્ષે બે વર્ષે સામાના ઘા રુઝાય, અને એ પોતાનું દુઃખ ભૂલી જાય. શાસ્ત્રોની ભાષામાં જે ક્રોધ થઈ ગયા પછી કરનારે તેના પસ્તાવા નહોતા લીધા, પશ્ચાત્તાપ નહોતા કર્યા, અને આટલા લાંબા સમય સુધી સામાને તેની અસર રહી એ ક્રોધને અપ્રત્યાખ્યાની ક્રોધ કીધો.

પ્રત્યાખ્યાની ક્રોધ:  ક્રોધ કર્યા પછી પોતે પસ્તાવો કરે, અને પંદર દિવસમાં સામો બધું ભૂલી જાય, બેઉ પાછા બોલતા થઈ જાય તો એ અપ્રત્યાખ્યાની ક્રોધ કહેવાય. જેમ દરિયાની રેતીમાં લીસોટો પાડીએ તો એ કેટલી વારમાં ભૂંસાઈ જાય? પવન આવે એટલે રેતી જેવી હતી તેવી થઈ જાય. તેવી જ રીતે ક્રોધની અસર ભૂંસાતા કલાક-બે કલાક થઈ જાય. વ્યક્તિનું મન થોડા દિવસોમાં સંધાઈ જાય તો એ પ્રત્યાખ્યાની ક્રોધ કહ્યો.

સંજ્વલન ક્રોધ: સૌથી ઓછી તીવ્રતાવાળો ક્રોધ જેની અસર બહુ ઓછી રહે તેને સંજ્વલન ક્રોધ કહ્યો. જેમ પાણીમાં લીસોટો કરીએ તો આગળ લીસોટો થતો જાય અને પાછળ એ ભૂંસાતો જાય, તેમ સામાને વાગે નહીં તેવો ક્રોધ એટલે સંજ્વલન ક્રોધ.

ક્રોધના નાના સ્વરૂપો

ક્રોધનું નાનું સ્વરૂપ છે અણગમો કે ‘ના ગમતું’ થવું. બહાર ક્રોધ ના થાય પણ અંદર કોઈના માટે દ્વેષ થાય, અભાવ થાય એ પણ ક્રોધનું જ સ્વરૂપ છે.

કોઈ અપમાન કરે, આપણને માન ઓછું મળે કે પછી આપણું ધાર્યું ન થાય ત્યારે અંદર જે અકળામણ થાય, અંદર અહંકાર છંછેડાયો હોય અને એ સહન કર્યા કરે એ બધું પણ ક્રોધનો જ પ્રકાર છે.

બહાર ઇમોશનલ થવું, અપસેટ થવું, રઘવાટ ઊભો થવો એ બધુંય ક્રોધનો પ્રકાર છે. તેમજ સોલ્યુશન ના આવે ત્યારે અંદર ગૂંગણામણ કે સફોકેશન થાય એ પણ ક્રોધનું જ સ્વરૂપ છે.

આપણને કોઈની આદત જેમ કે, કોઈની અવાજ કરીને જમવાની આદત, કોઈની બ્રશ કરવાની આદત, ચૂસકી સાથે ચા પીવાની આદત, સૂતી વખતે નસકોરાં બોલાવવાની આદત વગેરે ઉપર ઈરીટેશન થાય, એ પણ નાના પ્રકારનો ક્રોધ છે.

કઢાપો-અજંપો

કઢાપો એટલે સ્થૂળ ક્રોધ, જે બહાર બધાને ખબર પડી જાય. જયારે અજંપો એટલે સૂક્ષ્મ ક્રોધ, જેમાં અંદર નેગેટિવ કે દ્વેષ થાય, બળતરા રહ્યા કરે. અજ્ઞાનદશામાં અજંપો પોતાને એકલાને બાળે, જયારે કઢાપો પોતાને પણ બાળે અને સામાને પણ દઝાડે.

સિત્તેર વર્ષના ઘરડા કાકા રસોડામાં બે પ્યાલા ફૂટી ગયા હોય ને અવાજ સાંભળે, તો બોલે, 'એ શું ફૂટ્યું?' બે પ્યાલામાં જાણે આત્મા ફૂટી ગયો હોય એવો કઢાપો-અજંપો થાય. નોકરના હાથે પ્યાલા ફૂટ્યા હોય તો 'નોકરો જ ફોડ ફોડ કરે છે, તારા હાથ ભાંગેલા છે?' એવું બોલ બોલ કર્યા કરે!

કઢાપો-અજંપો બંધ થાય તો એ માણસ ભગવાન કહેવાય. કોઈને પ્યાલા ફૂટી જાય તો કઢાપો-અજંપો થાય, તો કોઈને પેન ખોવાઈ જાય ત્યારે કઢાપો-અજંપો થાય. કોઈને પોતાની કાર ડ્રાઈવરે સહેજ ખરાબ કરી નાખી હોય તો કઢાપો-અજંપો થાય. કોઈને પોતાનું ડાઈનીંગ ટેબલ કોઈએ બગાડ્યું હોય તો કઢાપો-અજંપો થઈ જાય. એટલે મનુષ્યને કોઈને કોઈ કારણે કઢાપો-અજંપો થયા વગર રહે જ નહીં. આખો દિવસ કઢાપો-અજંપો જ કર્યા કરે અને જેનો કઢાપો-અજંપો ગયો, તેને જગત ભગવાન જ કહે!

કઢાપો અને અજંપો એ બેમાં તીવ્રતા કોની વધારે? પરમ પૂજ્ય દાદા ભગવાન કઢાપો અને અજંપો વચ્ચેનો સ્પષ્ટ ભેદ દર્શાવે છે.

દાદાશ્રી : “કઢાપો મોટો ને ભોળો છે, પેલો અજંપો એ નાનો ને કપટી છે. એટલે કઢાપો કરે ત્યારે લોકો ય કહેશે કે, 'ભઈ, બે પ્યાલા ફૂટી ગયાં એમાં આટલો બધો કઢાપો શું કરવા કર્યા કરો છો?!' ઘરનાં હઉ કહેશે કે, 'છોને, ફૂટી ગયો, તમે બેસોને નિરાંતે, જરા શાંતિ રાખોને!' કઢાપો ભોળો ખરોને, એટલે લોક જાણી જાય અને અજંપો તો મહીં થાય.

કેટલાક શેઠિયા આબરૂ ના જાય એટલા માટે કઢાપો નથી કરતા, પણ મહીં અજંપો કપટી ને નાનો છે એટલે આવતા અવતારના લાઈનબંધ હિસાબ બાંધી આપે, એટલે આ સહીઓ કરાવી લે છે બધી. જેને કઢાપો થાય તેને અજંપો મહીં થાય ખરો જ, પણ પેલો અજંપો એકલો હોય એ તો બહુ મોટો જોખમી હોય.

પણ જ્યારે કઢાપો ને અજંપો બે વહેંચી ખાતો હોય ત્યારે કઢાપો વધારે ખઈ જાય, એટલે અજંપાને ભાગ બહુ થોડું જાય. પણ આ શેઠિયા કઢાપો કરે નહીં, અજંપો એકલો કર્યા કરે શેઠિયાઓ જાણે કે આ બધા લોક મારી નબળાઈ જાણી જશે એટલે શેઠિયાઓ મોંઢે કઢાપો ના કરે, મહીં અજંપો કર્યા કરે કે, 'આ મોંઘા ભાવના પ્યાલા ફોડી નાખ્યા. આ બધા બેઠાં છે એ જાય એટલે નોકરને બે તમાચા મારી દઉં, ‘આને તો હવે કાઢી મેલવો છે.' આવું ને આવું મહીં કર્યા કરે.

એટલે કઢાપો-અજંપો જેને જાય, એને તો ભગવાન જ કહેવાય. હવે શાથી આવડું મોટું પદ કહ્યું હશે? કારણ કે કોઈ પણ માણસ કઢાપા-અજંપા વગરનો ના હોય, એટલે કઢાપો-અજંપો આટલો જ શબ્દ જેનામાંથી ગયો એ ભગવાન કહેવાય, એ ભગવાન આપણું થર્મોમીટર!”

ઉદ્વેગ

ઉદ્વેગ એ ક્રોધનો જ પ્રકાર છે. ઉદ્વેગ એટલે માથું ફાટું ફાટું થાય, ચેન ના પડે, મોઢું દીવેલ પીધેલું થઈ જાય. પોતાની ધારણા પ્રમાણે ના થાય ત્યારે ઉદ્વેગ થઈ જાય. ઉદ્વેગ આખી રાત ઊંઘવા ના દે. જેમ કે, ધંધામાં કોઈ સોદો મંજૂર થયો હોય અને પછી સામો માણસ ફરી જાય તો ‘મારો નફો જતો રહ્યો!’ એમ કરીને આપણને ઉદ્વેગ થાય. ધંધામાં એક ખોટ તો ગઈ, અને ઉદ્વેગથી બીજી ખોટ ઊભી કરી. બુદ્ધિ જ ઉદ્વેગ કરાવે છે.

ઉદ્વેગ બહુ જોખમી છે. ઉદ્વેગમાં પોતાનું ભાન ખોઈ નાખે અને કેટલાં કર્મ બંધાઈ જાય. એક ક્ષણવાર ઉદ્વેગમાં રહેવા જેવું નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે માણસ ઉદ્વેગમાં આવીને મોટા ગુના કરી નાખે છે.

પ્રશ્નકર્તા : મતભેદને કારણે ય ઉદ્વેગ તો થાય ને?

દાદાશ્રી : હા. મતભેદથી ય ઉદ્વેગ થાય. 'એક્સેસ' બધું થઈ જાય ત્યાર પછી ઉદ્વેગ શરૂ થઈ જાય. એની હદથી પેલી બાજુ થાય ત્યારે. આ માણસ છરી મારે છેને, ચપ્પુ મારે છેને, એ ઉદ્વેગ થાય છે ત્યારે મારે છે.

પ્રશ્નકર્તા : ઉદ્વેગ એટલે અજંપો કહી શકાય?

દાદાશ્રી : અજંપો તો બહુ સારો. અજંપો તો, પ્યાલો પડી જાય તો ય અજંપો થાય. અજંપો તો સરળ કહેવાય. ઉદ્વેગ તો માથામાં ઝાટકા લાગતા હોય એવું લાગે. અને આ અજંપો તો પ્યાલા પડી જાય એટલે અજંપો ને કઢાપો થયા કરે. આ તો બહુ મોટું જોખમ થયું હોય ત્યારે ઉદ્વેગ થાય. ‘ઇમોશનલ' થયો કે ઉદ્વેગ શરૂ થઈ જાય. ઉદ્વેગ તો એને ઊંઘવા ય ના દે ને!

પ્રશ્નકર્તા : પણ 'ઇમોશનલ' લોકોને તો ચિંતા વધારે થાય ને?

દાદાશ્રી : ચિંતા નહીં, ઉદ્વેગ બહુ થાય. અને એ ઉદ્વેગ તો મરી જવા જેવો લાગે. 'મોશન' એટલે વેગમાં અને 'ઇમોશનલ' એટલે ઉદ્વેગ.

પ્રશ્નકર્તા : હવે વેગ એ પણ ગતિમાં છે ને?

દાદાશ્રી : વેગ તો નિરંતર હોવો જ જોઈએ. વેગ, 'મોશન' તો હોવું જ જોઈએ. જીવતાને વેગ અવશ્ય હોય, ને તે 'મોશન'માં હોય. કોઈ પણ જીવને વેગ અવશ્ય હોય. જે ત્રસ્ત જીવ છે, એટલે જે આમ ત્રાસે છે, આ હાથ અડાડીએ તો નાસી જાય છે, ભાગી જાય છે, જેને ભય લાગે છે, એ બધાને વેગ અવશ્ય હોય. પણ જે એકેન્દ્રીય જીવો છે, આ ઝાડપાન છે, તેને વેગ ના હોય. એમનો વેગ જુદી જાતનો હોય. પણ આ વેગ તો બીજાં બધાં જીવોને હોય જ. તે વેગમાં તો હોય જ, નિરંતર 'મોશન'માં, ને એ બધા વેગને આઘોપાછો કર્યો એટલે આ 'ઇમોશનલ' થઈ જાય, એ ઉદ્વેગ કહેવાય. આ ગાડી 'ઇમોશનલ' થાય તો શું થાય?

પ્રશ્નકર્તા : નુકસાન થાય. 'એક્સિડન્ટ' થાય ને લોકો મરી જાય.

દાદાશ્રી : એવું આ દેહમાં ય બધાં મહીં જીવો મરી જાય છે. તેની જોખમદારી અને પછી પોતાના ઉદ્વેગની ઉપાધિ થાય, તે બીજી જોખમદારી.

ઉદ્વેગ કેવો હોય? કે અહીંથી પાટા ઉપર પડતું નંખાવે, નદીમાં પડતું નંખાવે, નહીં તો બીજું કશું પી લે. ઉદ્વેગ એટલે વેગ ઊંચે ચઢ્યો, અહીં મગજમાં ચઢી જાય અને પછી પડતું નાખે. નહીં તો માંકણ મારવાની દવા ખાલી કરી નાખે. 'અલ્યા, શીશી ખાલી કરી?' ત્યારે એ કહે, 'હા, હું પી ગયો.'

ઉદ્વેગવાળો માણસ બચે નહીં. અરે, ઉદ્વેગ થાય ત્યારે તો દર્શન કરવા અહીં ના આવવા દે. ઉદ્વેગ વસ્તુ તો બહુ મોટી છે. બધાએ કંઈ ઉદ્વેગ જોયો જ ના હોય.

×
Share on