Related Questions

કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું એટલે શું?

love

તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે કોલેજના ફ્રેન્ડસર્કલમાં દેખાદેખી એ બધાને પરિણામે તેઓ આકર્ષણમાં સપડાય છે. કોઈ વ્યક્તિ માટે અંદર ફીલિંગ્સ શરુ થાય, એની હાજરીથી ખેંચાણ થાય ને અંદર ગમે, દિવસ રાત એ વ્યક્તિના જ વિચારો આવ્યા કરે, કલ્પનાઓ અને ચિંતવન શરુ થાય. એવું લાગે છે કે પોતે પ્રેમમાં પડ્યા! ઘડીમાં સાતમાં આસમાને હોય એવો અહેસાસ થાય તો ક્યારેક જમીન જગ્યા આપે તો અંદર સમાઈ જવા જેવું લાગે. દશા જોઈએ તો ઉતર-ચડ, ઉતર-ચડ થયા જ કરે. શું ખરેખર આ પ્રેમ છે?

આ કહેવાતો પ્રેમ ખાલી આકર્ષણ પૂરતો સીમિત નથી રહેતો. જયારે આકર્ષણનું વહેણ બંને તરફ વહેતું હોય ત્યારે એકબીજા સાથે મીઠી મીઠી લાંબી વાતો થાય, પરિચય વધે, એકાંતમાં મળવાનું શરુ થાય. આગળ વધીને મર્યાદા ચૂકાય અને લપસે. આજકાલ યુવાનોને આ બધી મજા કરવામાં ખોટું નથી લાગતું. પણ એ મજાની સજા આવે ત્યારે સહન નથી થતું. પછી પ્રેમના નામે દગા-ફટકા, છેતરપીંડી અને વિશ્વાસઘાત થાય. સંબંધ તૂટે પછી હતાશા અને ડિપ્રેશન આવી જાય. જીવન જીવવા જેવું ન લાગે. કલ્પનાઓથી સુખ મેળવવાના જે હવાઈ મહેલ બાંધ્યા હતા, એ વાસ્તવિકતામાં ભાંગી પડતા એટલું જ દુઃખ પડે.

આવી રીતે ફસાઈને કેટલાય યુવાન છોકરા છોકરીઓ છેતરાય છે. કોઈ ચારિત્રથી લૂંટાય છે, તો કોઈ પૈસાથી! આજે જેની સાથે ફરતા હોય એ કાલે બીજા સાથે ફરે છે એવી ખબર પડે એટલે દુઃખી દુઃખી થઈ જાય. તો હકીકતમાં પ્રેમ ક્યાં છે? જો પ્રેમ હોય તો પ્રેમી તરફથી દુઃખ કેમ આવે છે? ઝઘડા કેમ થાય છે? બંને છૂટા કેમ પડે છે? આવા તકલાદી સંબંધોને કેવી રીતે ચકાસી શકાય? ખાસ કરીને ટીનેજમાં શું ધ્યાન રાખવું જોઈએ?

યુવાનો કહેવાતા પ્રેમના આવા લોભામણા સ્વરૂપ પાછળ વાસ્તવિકતા શું છે, સાચો પ્રેમ કેવો હોય અને જીવનમાં ક્યાં સુધી, કેટલી લિમિટ રાખવી તે સમજી લે, તો તેઓ ખોટી દિશામાં આગળ વધતા અટકી શકે છે.

ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ કે દગા-ફટકાનો ટ્રેન્ડ?

love

ભારતીય આર્યસંસ્કૃતિ પ્રમાણે જીવનના પચ્ચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે, જેમાં પહેલાના સમયમાં યુવાનો શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી ગુરુ પાસે શિક્ષા મેળવતા. પણ આજકાલ પશ્ચિમની સંસ્કૃતિના વધતા જતા પ્રભાવને કારણે, ટીનેજમાં પહોંચેલા બાળકો સ્કૂલમાં હોય ત્યારથી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ રાખવાનો ટ્રેન્ડ શરુ થઈ ગયો છે. એમાંથી પછી તેઓ કહેવાતા પ્રેમમાં પડે છે.

બદલાતા જમાના સાથે છોકરા-છોકરીઓ સ્કૂલ કે કોલેજમાં એકબીજા સાથે વાત જ ના કરે એવો પ્રતિબંધ લાદવો મુશ્કેલ છે. એટલે જ્યાં સુધી તેમની વચ્ચે ચોખ્ખી ફ્રેન્ડશીપ હોય ત્યાં સુધી ચલાવી લેવાય. પણ દેખાદેખીથી બધા જ વિદ્યાર્થીઓમાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ રાખવાનું દબાણ ઊભું થવું, અને એમ કરવામાં પોતે ગર્વ અનુભવવો એ અયોગ્ય થઈ પડે છે.

કુમળી વયે બાળકોની સમજણ પરિપક્વ નથી હોતી. સાથે હરવું-ફરવું, મુવી જોવા જવું, મોજમજા કરવી એને તેઓ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રાખવા એવું માને છે. નથી લગ્નની ઉંમર હોતી, કે નથી લગ્નની કોઈ વાત કે વિચાર! ખોટું તો ત્યારે થાય છે જયારે ઘરમાં જાણ કર્યા વગર, ચોરીછૂપીથી મળવાનું ચાલુ થાય છે. મા-બાપને જાણ થાય અને તેઓ રોકે તો ઉલટા સામા થાય છે, ધમકીઓ આપે છે. મા-બાપ તેમને સંકુચિત અને જૂની ઘરેડના (ઓલ્ડ ફેશનના) લાગે છે. તેઓ સમજી નથી શકતા કે મા-બાપ જ તેમનું સૌથી વધુ હિત ઈચ્છે છે. આ કાળમાં બનતા ભયાનક કિસ્સાઓને લઈને તેઓ બાળકોની સલામતી માટે અમુક રોકટોક કરે છે. પણ છોકરા-છોકરીઓ તેને પ્રતિબંધ સમજીને વિરોધ કરે છે.

ટીનેજરો જ નહીં, પણ યુવાનોમાં પણ લગ્ન પહેલા આવા સંબંધો બાંધવાનો ટ્રેન્ડ છે. શરૂઆતમાં તો એમને મજા આવે છે. પછી બે-પાંચ વર્ષ પછી જોઈએ તો એ જ લોકો ખૂબ દુઃખી હોય છે. જે વ્યક્તિને પોતાની માની હોય, જેના ઉપર ખૂબ વિશ્વાસ રાખ્યો હોય, જેની પાસેથી આધાર લીધો હોય, ત્યાં જ દગો થાય છે. આ બધાની અસર તેમના ભણતર કે કારકિર્દી ઉપર તો પડે જ છે, પણ ચિત્તવૃત્તિઓ વિખરાઈ જતા આખી માનસિકતા નબળી થઈ જાય છે. ત્યારે તેમને સમજાય છે કે મા-બાપની વાત માની લીધી હોત તો સારું થયું હોત.

લગ્ન પહેલા છોકરા-છોકરીઓ સાથે ફરે તેને ઘણી વખત “લફરું” એટલે કે અફેર પણ કહેવાય છે. એક પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી એક પ્રસંગનું સુંદર વર્ણન કરીને “લફરું” શબ્દનો યથાર્થ અર્થ શું તે સમજાવે છે.

દાદાશ્રી : તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું? તે પુરાવા ભેગા થાય, બધા ‘એવિડન્સ’ ભેગા થાય એટલે લફરું વળગી જાય.

પ્રશ્નકર્તા : લફરું એ શું છે?

દાદાશ્રી : હા, તે હું કહું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફિસર હતો. તે એના છોકરાને કહે છે, ‘આ તું ફરતો હતો, તે મેં તને દીઠો, તે જોડે લફરાં શું કરવા ફેરવે છે?’ છોકરો કોલેજમાં ભણતો હતો, કોઈ ગર્લફ્રેન્ડ જોડે એના બાપે દીઠો હશે. એને લફરું આ લોકો નથી કહેતા, પણ આ જૂના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરને મનમાં એમ થયું કે ‘આ મૂરખ માણસ સમજતો નથી પ્રેમ શું છે એ. પ્રેમને સમજતો નથી ને માર ખાઈ જશે. આ લફરું વળગ્યું છે તે માર ખાઈ ખાઈને મરી જશે.’ પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એના ફાધરે કહ્યું કે, ‘આ લફરાં શું કામ કરવા માંડ્યો?’

તે પેલો છોકરો કહે છે, ‘બાપુજી, શું કહો છો આ તમે? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો? એવું ના બોલાય.’ ત્યારે બાપ કહે છે, ‘નહીં બોલું હવે.’

એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને તે આણે જોઈ. એટલે એનાં મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે ‘આ લફરું વળગાડ્યું છે’, તે એવું આ લફરું જ છે.

એટલે પુરાવા ભેગા થાયને તો લફરાં વળગી જાય, પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાતદહાડો પેલાને ઊંઘ ના આવે. બને કે ના બને એવું? પેલા છોકરાએ જ્યારે જાણ્યું કે ‘આ તો લફરું જ છે. મારા બાપ કહેતા હતા એ ખરી વાત છે.’ ત્યારથી એ લફરું છૂટવા માંડ્યું. એટલે જ્યાં સુધી ‘ગર્લફ્રેન્ડ’ કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે?

પ્રશ્નકર્તા : તો પછી આ મોહ અને પ્રેમ, એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય?

દાદાશ્રી : પ્રેમ છે જ નહીં, તો પછી પ્રેમની વાત શું કરવા કરો છો? પ્રેમ છે જ નહીં. બધો મોહ જ છે આ તો. મોહ! મૂર્છિત થઈ જાય. બેભાનપણે, બિલકુલ ભાન જ નથી.

જયારે મા-બાપ કે હિતેચ્છુ ચેતવતા હોય ત્યારે એમની વાત માનવા તૈયાર નથી હોતાં. પણ પછી જયારે કહીકત આંખ સામે આવે છે, ત્યારે ડહાપણ આવે છે કે આ પ્રેમ નથી, લફરું છે! પૂર્વના રાગ દ્વેષથી આજે સંજોગો ભેગા થાય, આકર્ષણ થાય અને લફરું વળગી જાય! પછી બહુ પુણ્ય જાગે ત્યારે આ છોકરાને થયો એવો અનુભવ થાય, સાચી સમજણ પાડતો સંજોગ બાઝે. લફરાને લફરું જાણે ત્યારથી એ છૂટવાની શરૂઆત થાય.

ડેટિંગમાં યુવાનો શોધે પ્રેમ કે શિકાર?

love

પશ્ચિમના દેશોમાં ડેટિંગની શરૂઆત થઈ ત્યારે એનો આશય હતો લગ્ન પહેલા એકબીજા સાથે જાહેર સ્થળોએ મળવું અને એકબીજા સાથે લગ્ન માટેની લાયકાત ચકાસવી. આજે ડેટિંગના ઘણા માધ્યમો આવી ગયા છે. રૂબરૂ મળતા પહેલા ફોન, ચેટ, વિડીયો કોલ કે ઈન્ટરનેટ અને ફોન એપ્લિકેશન દ્વારા પણ ડેટિંગ શરુ થયું છે. ટેકનોલોજીના કારણે આખી દુનિયામાં ટીનેજર્સ અને યુવાનોમાં ડેટિંગનું કલ્ચર રાફડાની જેમ ફાટી નીકળ્યું છે. ભવિષ્યમાં લગ્ન કરવાનો ઉદ્દેશ વિસરાઈ ગયો છે અને આજે, આ ઘડીએ મજા કરી લેવાનો અભિગમ વ્યાપી ગયો છે.

ચાર-છ મહિના એક વ્યક્તિ સાથે ડેટિંગ કરવું, હરવું-ફરવું અને મળવું, અથવા એક રાત માટે મોજમજા કરવી, મર્યાદા ઓળંગવી, પછી બ્રેક-અપ થવું એ બધું નોર્મલ થઈ ગયું છે. થોડો વખત થયો ન થયો, બીજા ડેટિંગ પાર્ટનરની શોધમાં નીકળી પડવું. ઘણા તો એક સાથે ડેટ કરે અને બીજા એક-બે બેકઅપમાં રાખે. એક સાથે તૂટે તો બીજામાં પડે. આ બધામાં છોકરા છોકરીનું મન બગડે છે અને શીલ પણ તૂટે છે. આજે એક વ્યક્તિ સાથે ડેટિંગ કરીએ અને એ છ મહિના-વર્ષ પછી છોડીને જાય તો પછી એનો અર્થ શું? એ ચક્કરમાં પોતાની અને સામી વ્યક્તિની લાગણીઓ દુભાય છે. સમય અને શક્તિ ઉંધી દિશામાં ખર્ચાઈ જાય છે.

ખાસ કરીને ટીનેજમાં ડેટિંગ ખતરનાક સાબિત થઈ શકે છે. નાદાન વયે સંબંધોની કે લાગણીઓની જટિલતા સમજાતી નથી. એકથી વધુ અફેર અને બ્રેક-અપ થાય ત્યારે પોતાની જાતને કેવી રીતે સાચવવી એની સમજણ ખૂટે છે. પરિણામે તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે. ઘણી વખત ઈન્ટરનેટના માધ્યમોથી થતા પરિચયમાં, ખોટા પ્રોફાઈલ સાથે ડેટિંગ કરનાર વ્યક્તિની ચુંગલમાં ફસાવાના કિસ્સાઓ પણ બને છે.

સેફસાઈડ એમાં જ છે કે, ભણવાની ઉંમર હોય ત્યારે ડેટિંગથી દૂર જ રહેવું. અઢાર-ઓગણીસ વર્ષના છોકરા-છોકરીઓની ઉંમર કાંઈ ડેટિંગ પાર્ટનર શોધવા માટેની નથી, પણ કારકિર્દી ઉપર ધ્યાન આપવા માટે છે. ડેટિંગ શરુ થાય એટલે ભણવાની બુકમાં એ વ્યક્તિના ફોટા દેખાય. પરીક્ષામાં રિઝલ્ટ બગડતું જાય.

આજકાલના યુવાનોની એવી દલીલ હોય છે કે આ બધાથી તેમની કારકિર્દી ઉપર અસર નથી થતી. છતાં પણ સૂક્ષ્મમાં ચિત્ત ફ્રેક્ચર થાય જ છે, ચંચળતા વધે છે, સ્થિરતા અને મનોબળ તૂટે છે. માનસિક શક્તિઓ હણાતા નિર્બળતા આવે છે અને સહનશક્તિ ઘટે છે. તેઓ મોહના સાધનો જેમ કે ટીવી, મુવી, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટમાં રચ્યાંપચ્યાં રહે છે. જીવતા માણસો સાથે વ્યવહાર કરવાનું ફાવતું નથી. નાની નાની વાતમાં ડિપ્રેસ થઈને ખોટું પગલું ભરી દેતા અચકાતા નથી. ઘણા ડિપ્રેશન, એડીક્શન કે વ્યસનનો ભોગ પણ બને છે. આ જોખમો ઉપર દ્રષ્ટિ જાય તો ડેટિંગથી દૂર રહી શકાય.

લગ્નની ઉંમર થાય અને કોઈ વ્યક્તિ સાથે પરિચય કેળવવો હોય, તો ત્યાં એક મિત્ર જેવો વ્યવહાર રાખવો જોઈએ. જાહેર જગ્યાઓએ મળવું, એકબીજાના શોખ, વલણ, સ્વભાવ વગેરે ઓળખવા. કોઈ એકને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તરીકે પસંદ કર્યા હોય તો પછી એની સાથે જ લગ્ન કરવા અને આખી જિંદગી તેને સિન્સિયર રહેવું. એમાં જો સામી વ્યક્તિ લગ્ન માટે બંધાવા તૈયાર ના હોય તો ત્યાં ચેતવું. પણ તેમાં મર્યાદા ન જ ચૂકાવી જોઈએ.

લગ્ન પહેલા શારીરિક સંબંધો બંધાય એ પાશવતા છે. એનાથી અધોગતિના પાપકર્મ બંધાય છે. નિયમ એવો છે, કે એક વ્યક્તિ આવા દોષ થયા હોય તો એની સાથે હિસાબ બંધાય, અને એ આવતે ભવ જ્યાં જાય ત્યાં આપણે જવું પડે. જયારે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ડેટ કરે, એકબીજાને ભોગવે અને પછી છૂટા પડીને બીજા સાથે ફરે, ત્યારે બેમાંથી એક વ્યક્તિ આંટી રાખી શકે, વેર વાળી શકે. કારણ કે જેટલું વધારે અટેચમેન્ટ હોય એટલો જ દ્વેષ થાય. પછી ભવોભવ છોડે નહીં, વેર વસૂલે.

ફ્રેન્ડશીપ સિન્સિયર અને મોરલ હોવી જોઈએ

પરમ પૂજ્ય દાદા ભગવાનને પણ યુવાનોએ ડેટિંગ અને ફ્રેન્ડશીપ વિશે પ્રશ્ન પૂછ્યો છે. તેઓશ્રીના જવાબમાં યુવાનોને સાચી દિશા મળે છે.

પ્રશ્નકર્તા: ઇઝ ડેટીંગ એ સીન? ડેટીંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે? એમાં કંઈ વાંધો છે?

દાદાશ્રી: હા. છોકરાઓ સાથે ફરવાની ઇચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.

પ્રશ્નકર્તા: અહીંયા તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડે ય ફરે.

દાદાશ્રી: ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ!

પ્રશ્નકર્તા: તો શું કરવું એ લોકો એ?

દાદાશ્રી: એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. અનસિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.

પ્રશ્નકર્તા: હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી અનસિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.

દાદાશ્રી: તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને! લગ્ન જ કરવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ઇન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.

આપણે લગ્ન કર્યા પછી આખી જીંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશીપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. અનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે ફ્રેન્ડશીપ મોરલ બાઉન્ડ હોવી જોઈએ. મોરલ એટલે આપણને જે ભેગું થયું એને આપણે સિન્સિયર અને એ આપણને સિન્સિયર. આજકાલ તો ચાર મહિના છોકરા-છોકરીઓ જોડે રહે પછી કહે કે, “અમારું બ્રેક-અપ થઈ ગયું. કારણ કે, હું બીજાને લાઈક કરું છું.” જયારે સાથે હતા ત્યારે એકબીજાને સામસામે આશાઓ આપી હોય, કે “તું મારી, હું તારો, આપણે લગ્ન કરીશું”. પછી બ્રેક-અપ થાય એટલે સામાને મોટો આઘાત લાગે. મજા કરીને ફેંકી દે, પછી બીજા સાથે મજા કરે. સામાની જિંદગી સાથે રમત રમે. પણ એમને ખબર નથી કે આવતો અવતાર આના શું પરિણામ આવશે. એટલે ફ્રેન્ડશીપ મોરલ બાઉન્ડ હોવી જોઈએ, અને આખી જિંદગી સંબંધ નભાવવાનો હોય તો જ અટેચ થવું જોઈએ.

યુવાનો માટે લગ્નના પાત્રની પસંદગી

love

આજકાલ છોકરા-છોકરીઓ એકબીજાના રૂપ કે સ્ટાઈલથી આકર્ષાય છે, તો કેટલાક પૈસાથી. પરમ પૂજ્ય દાદા ભગવાન યુવાનોને સાચી સમજણ આપતા કહે છે કે, રૂપ જોઈને પ્રેમ ના કરશો પણ મિજાજ જોઈને પ્રેમ કરજો. મિજાજ એટલે વ્યક્તિનો સ્વભાવ. જો હાર્ટિલી મિજાજ હોય તો પ્રેમ કરીએ તો ચાલે, પણ સ્વાર્થ બુદ્ધિ હોય ત્યાં ચેતવું.

પરમ પૂજ્ય દાદા ભગવાન આવા પ્રેમને ચકાસવાની ચાવી આપે છે.

પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે?

દાદાશ્રી : એકલો જ મોહ! ઉપર મોઢું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને! હમણે અહીં આગળ ગૂમડું થાયને તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી ચાખી જુએને તો ખબર પડે. મોઢું બગડી જાય તો બગડી જાય, પણ મહિના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોઢું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, ‘આનું મોઢું જોવાનું મને નથી ગમતું.’ ‘ત્યારે અલ્યા, સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું ને હવે આવું નથી ગમતું?’ આ તો મીઠું બોલતા હોયને એટલે ગમે. અને કડવું બોલે તો કહે, ‘મને તારા જોડે ગમતું જ નથી.’

લગ્ન પહેલા છોકરા છોકરીઓ પ્રેમમાં પડે છે, આકર્ષણમાં ખેંચાય છે. આજકાલ તો ઘણા લગ્ન પહેલા સાથે એક ઘરમાં (લિવ-ઈન રિલેશનમાં) રહે છે. પણ નજીકથી જોઈએ તો વાતે વાતે બંનેમાં મતભેદ, આર્ગ્યુમેન્ટ કે ઝઘડા થતા જ હોય છે. પ્રેમ તો હોતો જ નથી. ધાર્યું ના થાય એટલે ઝઘડે. મોહ પૂરો ના થાય તો ઝઘડે. અપેક્ષા પૂરી ના થાય એટલે ઝઘડે. છેવટે બંને દુઃખી જ હોય છે.

ખાસ કરીને છોકરીઓ ઘરમાં મમ્મી-પપ્પા સાથે કકળાટ થાય, એટલે હૂંફ મેળવવા બહાર બોયફ્રેન્ડ ખોળે છે અને આવા પ્રેમમાં ફસાઈને બહુ છેતરાય છે. ખરેખર હૂંફ મળતી નથી. ઘરમાં મા-બાપ જે અઢાર-વીસ વર્ષ પ્રેમ અને હૂંફ આપે એની કિંમત નથી રહેતી. અને બહાર બે સારા શબ્દો બોલે, માન આપે તો એના માટે જિંદગી લૂંટાવી દે છે. લગ્ન માટે પૂછે, તો છોકરો એની વાત ટાળે છે. ઘણીવાર તો લગ્નનું પ્રોમિસ આપીને ભોગવી જાય છે, અને પોતાનો સ્વાર્થ સાધીને છોડી દે છે.

ગમે તેવો પ્રેમ ભાસે પણ લગ્ન પહેલા ચારિત્ર બગાડવા ના દેવું જોઈએ. કારણ કે, જ્યાં ખરો પ્રેમ હોય ત્યાં વિષય ના હોય, કોઈ પ્રકારની લાલચ ના હોય.

જનમ જનમના સાથી કહીને નોતરે બરબાદી

ફિલ્મોમાં બતાવે કે રોમિયો અને જુલિયેટ, લૈલા અને મજનૂ પ્રેમમાં એકબીજા માટે કુરબાન થઈ ગયા. એને ઉત્કૃષ્ટ પ્રેમનું ઉદાહરણ કહે છે અને યુવાનો તેને અનુસરે છે. ઘણા યુવાનો પ્રેમમાં પડે, પછી ઘરમાંથી વિરોધ આવતા ‘જનમ જનમના સાથી છીએ’ એમ માનીને એકસાથે જીવન ટૂંકાવી નાખે છે. એના મૂળમાં એકબીજા માટેનું વધારે પડતું અટેચમેન્ટ હોય છે જેના રિએક્શનમાં બહુ નુકશાન થાય છે. બેઉ એકબીજા પાસેથી હૂંફ ખોળે છે. પછી જયારે એના ઉપર ઘા પડે છે, ત્યારે “એના વગર હું કેવી રીતે રહી શકીશ?” એવી અસલામતીના ભયથી જીવન ટૂંકાવે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન આને પ્રેમ નહીં, પણ ઈમોશનલપણું કહે છે.

પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય?

દાદાશ્રી : રખડેલ પ્રેમ! એને પ્રેમ જ કેમ કહેવાય? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય! અને કહેશે, ‘આવતા ભવમાં એકલા જ જોડે હોઈશું.’ તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય!!

પ્રશ્નકર્તા : ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં?

દાદાશ્રી : ઈચ્છા રાખ્યે કંઈ દહાડો વળે? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને! આ તો ઈમોશનલપણું છે.

જીવનનો ધ્યેય શું છે એ સમજયા વગર આંધળાપણામાં યુવાનો આવી રીતે જીવન બરબાદ કરી નાખે છે. પાછું એ કલ્પના જ હોય છે કે સાથે મરીશું અને આવતે ભાવ સાથે હોઈશું. પણ કલ્પના અને વાસ્તવિકતામાં બહુ ફેર હોય છે. મનુષ્યનો આવતો ભવ એના કર્મો પ્રમાણે નિશ્ચિત થાય છે. એટલે ફરી સાથે જન્મ થવાની કોઈ ગેરન્ટી નથી હોતી.

આજના યુવાનોને સાચી સમજણ મળે તો તેઓ વાળો તેમ વળે એવા છે. તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાનની આવી સાચી વાતો આખા જગતમાં ફેલાય તો ઘણા ટીનેજરો અને યુવાનોનું જીવન વેડફાઈ જતા અટકી જાય.

×
Share on