Related Questions

શા માટે આપણે બીજાની ભૂલો જોઈએ છીએ?

પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ?

દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ દાદાને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને પોતાની ભૂલ જ જોવી છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના.

જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો ?

પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષો ના જોવા હોય છતાં જોવાઈ જાય અને ભૂતાં વળગે તો શું કરવું ?

દાદાશ્રી : જે ગૂંચવે છે એ બુદ્ધિ છે, એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણાં કાળની છે અને પાછો ટેકો છે. તેથી એ જતી નથી. જો એને કહ્યું કે મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય છે, તેને કહ્યું કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવડાવીએ તો ચાલે ? તેમ બુદ્ધિને એકેય વખત ધક્કા ના ખવડાવીએ. આ બુદ્ધિને તો તદ્દન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે. જ્યારે સમ્યક્ બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઈ જાય છે.

પ્રશ્નકર્તા : દોષ છૂટતાં નથી તો શું કરવું ?

દાદાશ્રી : દોષ છૂટે નહીં. પણ એને આપણી વસ્તુ ન હોય એમ કહીએ તો છૂટે.

પ્રશ્નકર્તા : પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું ?

દાદાશ્રી : આ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે ? છતાં એ જ્ઞેય ને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ, તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઈએ. ટેકો ના મળે તો એને પડ્યે જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. આ જગત આધારથી ઊભું રહ્યું છે. નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતાં આવડે નહીં ને ! એ તો જ્ઞાનીઓના જ ખેલ ! આ જગત તો અનંત 'ગુહ્ય'વાળું, એમાં 'ગુહ્યમાં ગુહ્ય' ભાગને શી રીતે સમજે ? 

×
Share on