Related Questions

મારે મારી પત્ની સાથે કેવી રીતે સુમેળ રાખવો?

પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય, અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં સહવાસમાં રહેવું પડતું હોય, ફરજિયાત, તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા'તાં ? તો કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું'તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માગી લો. માફી માગ માગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે.

pratikraman

સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે ? એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે માફી માગ માગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માગ માગ કરો, એના નામની. જેના તરફ જે જે દોષ કર્યા હોય, હે ભગવાન ! હું ક્ષમા માગું છું. આ દોષોનું પરિણામ છે, તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર તમે માફી માગ માગ કરો, ભગવાન પાસેથી, તો બધું ધોવાઈ જશે.

આ તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે 'આ મારો મોટો દીકરો, શતાયુ.' પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ 'દાદા' દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે

કોઈના હાથમાં પજવવાની ય સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાની ય સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય.

બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે.

એક માણસ જોડે તમારે બિલકુલ ફાવતું નથી, તેનું જો તમે આખો દહાડો પ્રતિક્રમણ કરો, બે-ચાર દિવસ સુધી કર્યા કરો તો પાંચમે દહાડે તો તમને ખોળતો આવે અહીંયા. તમારા અતિક્રમણ દોષોથી જ આ બધું અટક્યું છે.

×
Share on