Related Questions

ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?

વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે ‘બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.’ એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેટલાં ‘એડજસ્ટમેન્ટ’ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય.

ઘરે શાંતિ જાળવો તમારા ઘરનાં લોકોની પ્રકૃતિ ઓળખીને 

હવે માનવ તો માનવ જ છે, પણ તમને ઓળખતાં નથી આવડતું. ઘરમાં પચાસ માણસ હોય પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવાં તો જોઈએ ને ! ઘરમાં એક જણ કાયમ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાવ ખરાં કે આ આવું જ છે ? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી ? આપણે જઈએ એટલે તપાસ કરવાની ના રહે.

કેટલાંકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય અને કેટલાંકને વહેલું સૂઈ જવાની ટેવ હોય, તે બંનેને મેળ શી રીતે પડે ? અને એક કુંટુંબમાં બધા ભેગા રહે, તે શું થાય ? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે “તમારામાં તો અક્કલ ઓછી છે. “ તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે. એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો. પણ આપણે અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈને ? તમારે મનુષ્યની પ્રકૃતિની વિવિધતાને ઓળખી લેવી જેથી તમને એડજસ્ટ થવાનું સરળ રહે.

ઘરમાં શાંતિ

પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા ઘરમાં શાંતિ અનુભવવાની ચાવી અહીં ખુલ્લી થઈ છે. તો ચાલો એ વિશે, તેમનાં જ શબ્દોમાં વાંચીએ.

પ્રશ્નકર્તા: મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તોય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાને કહેવું જોઈએ કે 'ભઈ, આપણે બધા ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી, વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો. એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને, ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણીય બરોબર બનાવીને આપે, નહીં તો પણ બગાડીને આપે.

આ તો કેટલી ચિંતા-ઉકળાટ ! કશોય મતભેદ જતો નથી, તોય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછોય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, 'ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ? અલ્યા શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું એનું નામ ધર્મ કહેવાય. આ તો કલેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે !

વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસ-વેર હતાં તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ?

દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને, આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુઃખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુઃખ થાય પછી. ત્યાર પછી પેલીય શું કહે, હં... તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધો હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને. શું કહેવાનું ? કાચ વાગ્યા નથીને, એવું કહેવાનું ?

જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ, એનો ઝગડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા, મૂઆ નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને, એ વસ્તુ બહાર નાખી આવ.

જેટલું મનાય એટલી શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે, શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એય સુખી થાય.

×
Share on