Related Questions

શું કાળાં નાણાંને દાનમાં આપવા જોઈએ?

એરણચોરી, સોયદાન !

પ્રશ્નકર્તા : ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ?

દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાં ય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે છે. એવું છેને, કે આ દુષમકાળમાં દાન કરવાની લોકોની પાસે લક્ષ્મી જ નથી હોતી. દુષમકાળમાં જે લક્ષ્મી છે એ તો અઘોર કર્તવ્યવાળી લક્ષ્મી છે. માટે એનું દાન આપે તે તો ઊલટું નુકસાન થાય છે, પણ છતાંય આપણે કોઈક દુઃખીયા માણસને આપીએ, દાન કરવા કરતાં એની મુશ્કેલી દૂર કરવા માટે કરીએ તે સારું છે. દાન તો નામના કાઢવા માટે કરે, તેનો અર્થ શું ? ભૂખ્યો હોય તેને ખાવાનું આપો, કપડાં ના હોય તો કપડું આપો. બાકી આ કાળમાં દાન આપવા રૂપિયા ક્યાંથી લાવે ? ત્યાં સૌથી સારું તો દાન-બાન આપવાની જરૂર નથી. આપણા વિચારો સારા કરો. દાન આપવા ધન ક્યાંથી લાવે ? સાચું ધન જ નથી આવ્યુંને ! ને સાચું ધન સરપ્લસ રહેતું ય નથી. આ જે મોટાં મોટાં દાન આપે છેને તે તો ચોપડા બહારનું, ઉપરનું નાણું આવ્યું છે તે છે. છતાંય દાન જે આપતા હોય તેને માટે ખોટું નથી. કારણ કે ખોટે રસ્તે લીધું અને સારા રસ્તે આપ્યું, તોય વચ્ચે પાપમાંથી મુક્ત તો થયો ! ખેતરમાં બીજ રોપાયું એટલે ઊગ્યું ને એટલું તો ફળ મળ્યું !

charity

પ્રશ્નકર્તા : પદમાં એક લીટી છેને કે, ‘દાણચોરી કરનારાઓ, સોયદાને છૂટવા મથે.’ તો આમાં એક જગ્યાએ દાણચોરી કરી અને બીજી જગ્યાએ દાન કર્યું, તો એ એટલું તો પામ્યોને ? એવું કહી શકાય ?

દાદાશ્રી : ના, પામ્યો ના કહેવાય. એ તો નર્કમાં જવાની નિશાની કહેવાય. એ તો દાનતચોર છે. દાણચોરે ચોરી કરી અને સોયનું દાન કર્યું, એના કરતાં દાન ના કરતો હોય ને પાંસરો રહેને તોય સારું. એવું છેને કે છ મહિના જેલની સજા સારી, વચ્ચે બે દહાડા બાગમાં લઈ જાય એનો શો અર્થ ?

આ તો શું કહેવા માંગે છે કે આ બધા કાળાબજાર, દાણચોરી બધું કર્યું અને પછી પચાસ હજાર દાન આપીને પોતાનું નામ ખરાબ ના દેખાય, પોતાનું નામ ના બગડે એટલા માટે આ દાન આપે છે. આને સોયનું દાન કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે સાત્ત્વિક તો એવા આજે નથીને ?

દાદાશ્રી : સંપૂર્ણ સાત્ત્વિકની તો આશા રાખી શકાય જ નહીંને ! પણ આ તો કોને માટે છે કે જે મોટા માણસો કરોડો રૂપિયા કમાય અને આ બાજુ એક લાખ રૂપિયા દાનમાં આપે. તે શા માટે ? નામ ખરાબ ના થાય એટલા માટે. આ કાળમાં જ એવું સોયનું દાન ચાલે છે. આ બહુ સમજવા જેવું છે. બીજા લોકો દાન આપે છે એમાં અમુક ગૃહસ્થ હોય છે, સાધારણ સ્થિતિના હોય છે, એ લોકો દાન આપે તેનો વાંધો નથી. આ તો સોયનું દાન આપીને પોતાનું નામ બગડવા ના દે, પોતાનું નામ ઢાંકવા માટે કપડાં બદલી નાખે છે ! ખાલી દેખાવ કરવા માટે આવાં દાન આપે છે !!

અત્યારે તો ધનદાન આપે છે કે લઈ લે છે ?! ને દાન થાય છે તો ‘મીસા’નાં (દાણચોરીનાં).

એ નાણું પુણ્ય બાંધે !

પ્રશ્નકર્તા : બે નંબરના રૂપિયાનું દાન આપે તો તે ન ચાલે ?

દાદાશ્રી : બે નંબરનું દાન ના ચાલે. પણ છતાંય કોઈ માણસ ભૂખે મરતો હોય અને બે નંબરનું દાન આપે તો પેલાને ખાવા માટે ચાલેને ! બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ?

પ્રશ્નકર્તા : લઈ લે.

દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય.

પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે હમણાંના જમાનામાં, તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?

દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે, એના કરતાં આમાં નાખી દોને !

×
Share on