www.dadabhagwan.in
                   


   પરમ પૂજ્ય નીરુમા


મૂળ ચરોતર પટેલ જ્ઞાતિના અને વસો ગામના વતની પૂજ્ય ડૉ. નીરુમા નો જન્મ તા. ૨ ડિસેમ્બર ૧૯૪૪ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ધનાઢ્ય અમીન પરિવારમાં થયો હતો. પાંચ મોટા ભાઈઓના એકની એક બહેન હોઈ સમગ્ર પરિવારમાં ખૂબ લાડકવાયા હતા. નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી કારર્કિદી રહી હતી. તેમને નાની ઉંમરમાં મંદિર જવું, લૌકિક ક્રિયાકાંડ કરવા તે બધું વેસ્ટ ઓફ ટાઈમ લાગતું. શાળાનું શિક્ષણ મુંબઈ ખાતે લઈ, ઔરંગાબાદમાં ડૉક્ટરની પદવી મેળવી. યુવાન વયે શિક્ષણ પૂરું થવાનાં છેલ્લાં વર્ષોમાં, ૧૯૬૮માં એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે તેમણે તેમના મોટા ભાઈ પાસેથી સાંભળ્યું કે વડોદરામાં કોઈ અંબાલાલ મૂળજીભાઈ પટેલ (પરમ પૂજ્ય દાદા ભગવાન) રહે છે, જેમને આત્માનું જ્ઞાન થઈ ગયું છે અને બે કલાકમાં આપણને પણ આત્માનું ભાન કરાવી શકે તેમ છે અને પછી આ જીવનમાં કોઈ સુખ-દુઃખ આપણને હલાવી ના શકે. ત્યારે એમણે જીંદગીમાં પહેલી જ વાર 'આત્મા' શબ્દ સાંભળ્યો. પછી તો એમણે પ.પૂ. દાદાશ્રી પાસેથી ૮ જુલાઈ ૧૯૬૮ના રોજ આત્માનું જ્ઞાન મેળવ્યું. પછી ભણવાનું ચાલુ રાખતા એમ.ડી. થયા પણ એમને વધારે ને વધારે આત્માનું જ ખેંચાણ રહેતું. એમને લાગ્યું કે દુનિયામાં ડૉક્ટરો તો ઘણાં થશે પણ આત્માના ડૉક્ટર કોઈ ભાગ્યે જ થશે. અને જો આત્માનું જ્ઞાન આવી સહેલાઈથી બે જ કલાકમાં મળતું હોય અને પછી સંસારની કોઈ પણ ઉપાધિ-ચિંતા ના થતી હોય, નવા કર્મ ના બંધાતા હોય તો પછી કેમ હું પૂજ્ય દાદાજીને આ જગતકલ્યાણના કાર્યમાં સહાયરૂપ ના બનું ! આથી વધારે ઊંચી વર્લ્ડમાં બીજી કઈ વસ્તુ હોઈ શકે ?! તે પછી તેમના જીવનમાં દુઃખ, ટેન્શનના પ્રસંગો આવ્યા જેવાં કે ઘરમાં વ્હાલસોયા પિતાશ્રીનું અવસાન થયું, મેડીકલની પરીક્ષા આવી પણ અંદરની નિર્લેપતા, મુક્તતા અનુભવાતી હતી, ચિંતા-ઉપાધિ થતાં નહતાં. ત્યારે તેમને અનુભવ થયો કે ઓહોહો ! આ અજાયબ, અદ્ભૂત, ક્રિયાકારી દાદાશ્રીનું આત્મવિજ્ઞાન છે જે જીવનનાં દરેક પ્રસંગોમાં જીવનમુક્ત દશામાં રાખે છે. ત્યારે જ એમણે નિશ્ચય કર્યો કે દાદાશ્રીની આજીવન સેવા કરવી અને તેમના જ સાંનિધ્યમાં રહેવું. જ્ઞાની પુરુષની ઓળખાણ પડતાં જ ભગવાન શ્રીકૃષ્ણ પાછળ દીવાની મીરાંબાઈની જેમ તેમણે પોતાનું સમગ્ર જીવન પ.પૂ. દાદાશ્રીના સુચરણોમાં સમર્પિત કરી દીધું હતું.


ત્યારબાદ ૧૯૬૮ થી ૧૯૮૮ સુધી સતત વીસ વર્ષ દાદાશ્રીની સેવામાં ચોવીસેય કલાક દિનરાત રહ્યા. તેઓ દાદાશ્રીના સત્સંગ, તબિયત, ભોજન તથા અન્ય તમામ બાબતો ખૂબ જ કાળજીથી સાચવતા હતા. દાદાશ્રીએ તેમની સેવા વિશે કહેલું કે 'નીરુબેન, તમે મધરની જેમ અમારી નર્સરી કરી છે, દીકરીની જેમ ચાકરી કરી છે અને નર્સની જેમ સેવા કરી છે.' પૂજ્ય ડૉ. નીરુમા વીસ વરસ સુધી પ.પૂ. દાદાશ્રીની સાથે ગામેગામ, દેશવિદેશ ફરી જગતકલ્યાણના કાર્યમાં તેમણે ખૂબ સેવા આપી હતી.


દાદાશ્રી જે કંઈ બોલતા, તેની ઓડિયો કેસેટમાં રેકોર્ડ કરવાનું નીરુમા ક્યારેય ચૂકતા નહીં અને એ ઓડીયો કેસેટોમાંથી શબ્દેશબ્દ ઉતારેલી જ્ઞાનવાણીનું સંકલન કરી આપ્તવાણી ભાગ ૧ થી ૧૪, 'સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય', 'આપ્તસૂત્ર', 'મૃત્યુ સમયે, પહેલાં અને પછી', 'વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી', 'વાણીનો સિધ્ધાંત', 'કર્મનું વિજ્ઞાન', 'મા-બાપ છોકરાનો વ્યવહાર', 'પતિ-પત્નીનો વ્યવહાર' 'પૈસાનો વ્યવહાર' તથા અન્ય વિવિધ વિષયો પર ઘણાં બધાં પુસ્તકોનું જગત કલ્યાણાર્થે સંકલન કર્યું છે. જે જગતને માટે આજે કિંમતી જ્ઞાનનો ખજાનો બની ગયો છે. પ.પૂ. દાદાશ્રીની ઈચ્છા હતી કે આપ્તવાણીની ૧૪ શ્રેણીઓ બહાર પડે. જે તેમની સ્થૂળ હાજરીમાં નવ શ્રેણી સુધી જ શક્ય બન્યું હતું. પૂજ્ય નીરુમાએ બાકીની શ્રેણીઓ બહાર પાડવાનું દાદાશ્રીને વચન આપેલ. જે તેઓ જતાં અગાઉ પૂર્ણ કરીને ગયા છે. જ્ઞાનીઓની અદ્વિતિયતા આ પરથી સ્પષ્ટપણે વર્તાય છે કે તેઓ પોતાનું વચન ક્યારેય તોડતા નહીં. તેઓ સદા પ.પૂ. દાદાશ્રીની વાણીનું જ સંપાદન કરતાં રહ્યા. પોતે જાતે ક્યારેય પોતાના પુસ્તકો લખ્યા નહીં. તેઓ કહેતાં મારી પાસે જે કંઈ છે તે પ.પૂ.દાદાશ્રીની કૃપાથી જ અને તેમની જ વાત છે, તો પછી હું મારું શા માટે લખું ? કેવી અદ્ભૂત દ્ષ્ટિ હતી એમની !

પ.પૂ. દાદાશ્રીએ દેહ છોડતાં પહેલાં પૂજ્ય નીરુમાની જ્ઞાનપ્રગતિ જોઈને સંતોષ વ્યક્ત કરી કહ્યું હતું કે 'અમે ખૂબ રાજી છીએ, અમને આનંદ થઇ ગયો ને નીરુબેન ધારે ત્યારે મહીંથી દાદા બોલશે. આ નીરુબેન જગત કલ્યાણનું બહુ મોટું નિમિત્ત છે. એમને અમે જુદા નહીં કરીએ. બીજા બધાને છોડીશું પણ એમને નહીં છોડીએ.' અને સાચે જ દાદા પૂજ્ય નીરુમાના હ્રદયમાં બિરાજતા હતા.

પ.પૂ. દાદાશ્રીનો દેહવિલય ૧૯૮૮માં બીજી જાન્યુઆરીએ સંપૂર્ણ આત્મસમાધિમય થયેલો. ત્યારબાદ તેમનું જગતકલ્યાણનું મિશન તેમના અંતેવાસી ડૉ. નીરુબહેન અમીને પૂરજોશમાં ઉપાડી લીધું. તેમના સત્સંગ કાર્યની શરૂઆત ૧૯૮૮માં પ.પૂ. દાદાશ્રી મુંબઈમાં પૂજ્ય નીરુમાના ઘર મિસ્ત્રી બિલ્ડિંગ દાદર ખાતે સત્સંગ કરતા હતા ત્યાંના એક ફલેટથી થઈ હતી. શરૂઆતમાં તો ખૂબ જ ઓછા મહાત્માઓની સહાય અને કોઈ પણ જાતની સગવડતા ન હોવા છતાં ગામેગામ દોડી જઈ લોકોને દાદાશ્રીનું જ્ઞાન પહોંચાડતા હતા. ત્યારે ન તો તેમની પાસે કોઈ વાહન હતું કે ન તો સેવા-સાથમાં વધારે મહાત્માઓ હતા. પરંતુ કલ્યાણની ભાવનાથી નિસ્વાર્થપણે કાર્ય કરતાં જ રહ્યા. અને તેના જ ફળ રૂપે અનુકૂળ સંજોગો મળતાં ગયાં અને દાદાશ્રીના જ્ઞાનનો પ્રસાર ખૂબ ઝડપીથી તેમના થકી થવા લાગ્યો. ત્યાર બાદ ૧૯૯૨-૯૩માં અમદાવાદમાં વરુણ એપાર્ટમેન્ટ નવરંગપુરામાં ત્રણ ફલેટોમાં સત્સંગ કેન્દ્ર સ્થપાયું હતું. જ્યાં તેઓ છ વર્ષ રહ્યાં હતાં. તેમણે ૧૯૯૯માં અમદાવાદ ખાતે સાબરમતી નદીના કિનારે 'દાદા દર્શન' બિલ્ડિંગમાં ચાર માળનું સત્સંગ કેન્દ્ર સ્થપાયું હતું. જ્યાં તેઓ ૩ વર્ષ રહ્યા હતા. જ્ઞાનપ્રસાર વધતાં દરેક કેન્દ્રમાં જગ્યા સાંકડી પડવા માંડી.

પરિણામે ૨૦૦૨ની સાલમાં અડાલજ ખાતે વિશાળ ત્રિમંદિર સંકુલ તેમના માર્ગદર્શન હેઠળ સ્થપાયું હતું. આ ત્રિમંદિર સંકુલમાં તેમણે નિષ્પક્ષપાતી ત્રિમંદિર જેમાં શ્રી સીમંધર સ્વામી, યોગેશ્વર શ્રીકૃષ્ણ, શીવ ભગવાન, અંબા માતાજી, ગણપતિજી, હનુમાનજી, પદ્માવતી દેવી તથા બીજાં દેવ-દેવીઓ-ભગવંતોની સ્થાપના કરી હતી. ત્રિમંદિરની નીચે દસેક હજાર માણસ બેસી શકે તેવો વિશાળ સત્સંગ હોલ બંધાવ્યો હતો. પ.પૂ. દાદાશ્રીની ઈચ્છા અનુસાર વડીલો માટેનું ઘર 'નિરાંત'નું ખાતમૂહુર્ત તેમના શુભ હસ્તે ૨૦૦૫માં થયું હતું, જે હાલ નિર્માણાધીન છે. પ.પૂ. દાદાશ્રીની ભાવના હતી કે આત્મજ્ઞાન પામેલા મહાત્માઓ માટે એક એવું નગર હોય કે જ્યાં મહાત્માઓ જો એક જગ્યાએ હોય તો વધુ સારી રીતે તેમની આજ્ઞા પાળી શકે. આ ભાવના સાકાર કરવા પૂજ્ય નીરુમાએ ત્રિમંદિર અડાલજ પાસે સીમંધર સીટી બંધાવ્યું હતું. સીમંધર સીટીમાં તેઓ લગભગ સાડા ત્રણ વર્ષ રહ્યા. આ સંકુલમાં તેમણે ગુજરાતમાં આવેલ વિનાશક ભૂકંપગ્રસ્ત કુટુંબોના બાળકો માટે ગુરુકૂળ તથા આજુબાજુના ગામોના લોકો રાહત દરે તબીબી સુવિધાઓ મળે તે હેતુ અંબા આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી હતી. ગોધરા પાસે ટુવા ગામમાં પણ આવી જ હોસ્પિટલ બંધાવી હતી.

દાદાશ્રીના અંતિમ શ્વાસ સુધી જોડે રહી, પ.પૂ. દાદાશ્રીની કૃપા તેમજ જ્ઞાનસિધ્ધિ પામી તેમણે ગુજરાતના ગામેગામ, ભારતમાં ઘણાં બધાં શહેરોમાં તથા વિદેશોમાં બધે ફરી લાખો લોકોને જ્ઞાનવિધિ કરાવીને આત્મજ્ઞાન પ્રાપ્તિના સરળ રસ્તે દોરીને નિરંતર આત્મસુખમાં રાચતા કરી દીધા હતા. દાદાશ્રીની જબરજસ્ત કૃપા તેઓશ્રીને સિધ્ધ થઈ હતી. જેના પરિણામે તેમના માધ્યમ દ્વારા જ્ઞાન પામી લાખો લોકો નિજાનંદમાં રાચે છે.

પૂજ્ય દાદા ભગવાનનો જે સિધ્ધાંત હતો, કે તેઓ પોતાનો જીવનનિર્વાહ પોતાના જ પૈસામાંથી કરતા હતા. તેને પૂજ્ય નીરુમા ચૂસ્તપણે વળગી રહ્યા. એમાં ખાસ કરીને એ કોઈની પાસેથી દાન-દક્ષિણા લેતાં નહોતાં. એમનો પોતાનો નિજી ખર્ચો એમના જ પૈસાથી પૂરો કરતા. કારણ કે દાદાજી કાયમ કહેતાં કે ધર્મમાં વેપાર ના કરાય પણ વેપારમાં ધર્મ અચૂક કરજો. જ્યાં લક્ષ્મી અને વિષયનો સંબંધ છે ત્યાં તો ધર્મ પણ નથી.

દાદાશ્રીએ કોઈ પણ સંપ્રદાય સ્થાપ્યો નહતો કે નહોતા કોઈ વારસદાર સ્થાપ્યા. તેઓશ્રી કહેતાં કે જગત જેને સ્વીકારશે તે જ અમારો સાચો વારસદાર ગણાશે. પૂજ્ય નીરુમા પણ તેમની જેમ જ કોઈના ગુરુ બન્યા નહોતા કે કોઈને પોતાનો ધર્મ કે ગુરુ છોડવાનું કહેતા નહોતા. તેઓ પોતે કોઈ પણ વાડા-સંપ્રદાયમાં નહોતા રહેતા અને ન તો કોઈને ધર્મ-સંપ્રદાયમાં રહેવાનું કહેતા, કેવળ એક આત્મજ્ઞાનને જ મહત્વ આપતા હતા. પૂજ્ય નીરુમાએ દાદાશ્રીના જ્ઞાનનાં સાચા વારસદાર તરીકે આદર્શ કાર્ય કરી દેખાડ્યું છે.

પૂજ્ય નીરુમા પાસે યુવાનો અને યુવતીઓ પણ મોટી સંખ્યામાં આવતા હતાં અને એમાંથી ઘણાં તો આજીવન બ્રહ્મચર્ય પાળી પોતાનું શેષ જીવન જગતકલ્યાણ અર્થે સમર્પી દીધું હતું. ઘણાં બધાં યુવાન-યુવતીઓ તથા ભૂલકાંઓ 'નીરુમા, નીરુમા' કરતાં મોક્ષપંથ કાપી રહ્યા હતાં હસતાં, રમતાં ને આત્મસુખ માણતાં માણતાં નિશ્ચિંતતાથી ! દાદાશ્રીની સ્થૂળ ગેરહાજરીમાં પણ તેઓશ્રીએ પ્રગટાવેલી જ્યોત પૂ. ડૉ. નીરુમા દ્વારા અનેક દીપમાળાઓ પ્રગટી હતી. એમના નિમિત્તે પામેલા આત્મજ્ઞાન દ્વારા આજે ઘણાંના ઘરો સ્વર્ગ સમાન થઈ ગયાં છે, કૌટુંબિક વેરઝેર સમી ગયા છે. પૂજ્ય નીરુમાની ગેરહાજરી તેમના માટે ન પૂરાય એવી ખોટ સમાન અને જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેવું લાગે છે છતાં તેઓ પ.પૂ.દાદાશ્રીનું પૂજ્ય નીરુમા પાસેથી પામેલ આત્મવિજ્ઞાન જીવનમાં પચાવ્યું છે અને તેના આધારે આવી પરિસ્થિતિમાં પણ અડગ રહી શકે છે અને આ જ્ઞાનથી અંદરથી નિરાકૂળતાનો અનુભવ કરી શકે છે.

તેમના લોકોના સાથેના વ્યવહારિક જીવનની એક વિશેષ ખૂબી રહી. તેઓ સામેની વ્યક્તિની પ્રકૃતિ સચોટ ઓળખી શકતાં હતાં. તેમની નિકટ રહેતાં તમામ અનુયાયીઓને પ્રાકૃતિક દોષોની ખામીઓ બતાવતાં અને તેમાંથી નીકળવાની યથાર્થ કૂંચીઓ આપતા. હરકોઈને કોઈ ભૂલ થાય તો તેમની નજીક જતાં ખૂબ તાપ લાગતો, કારણ કે તેમને લાગતું કે પૂજ્ય નીરુમાને બતાવ્યા વગર ખબર પડી જશે. તેઓ ક્યારેક ખૂબ પ્રેમથી, તો ક્યારેય વઢીને પણ સામાનો રોગ કાઢતા હતા. તેમનું વઢવાનું બધાને આશીર્વાદ જેવું લાગતું અને બધાને એવો અનુભવ થતો કે જે દોષ કાઢવા હું ખૂબ મથામણ કરતો હતો, તે તેમણે ખૂબ સરળતાથી કાઢી આપ્યો.

૧૯૮૭માં પ.પૂ. દાદાશ્રીએ પૂજ્ય નીરુમાને કહેલ કે 'તમારે આખા જગતના મધર થવાનું છે.' આ જ ભાવના સાકાર બની દસેક વર્ષ પહેલાં જ્યારે તમામ અનુયાયીઓ તેમને 'નીરુબેન'ને બદલે 'નીરુમા' કહેવા લાગ્યા. તેમના રહેઠાણનું નામ 'વાત્સલ્ય' ધરાવતાં પૂજ્ય નીરુમા ખરેખર એક અજોડ વાત્સલ્યમૂર્તિ સમાન જ હતા. તેમનો સાચો પ્રેમ તેમને મળેલ હરેક વ્યક્તિએ ચાખ્યો છે, માણ્યો છે અને જીવનમાં અનુભવ્યો છે. તેમનો દિવ્ય અને નિસ્વાર્થ પ્રેમ કોઈપણ ભૂલી શકે તેમ નથી. તેમના પ્રેમને યાદ કરતાં દરેક મહાત્માની આંખમાં ટપટપ અશ્રુધારા વહેવા માંડે છે. દેહવિલયના બે દિવસ અગાઉ જ તેમણે સવારે લખ્યું હતું કે 'સૌ પ્રેમથી રહેજો.' દરરોજ વાત્સલ્યના ઝરૂખે બેસતા પૂજ્ય નીરુમા જાણે હમણાં હાથ ઊંચા કરીને 'જય સચ્ચિદાનંદ' કરશે એવું સદા મનમાં ભાસ થયા કરે છે.

તેમના જીવનનો એક જ ધ્યેય હતો, એક જ ભાવના હતી કે 'જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન લોકો સુધી પહોંચાડી જગત કલ્યાણનું કાર્ય કરવું. પોતાના મન-વચન-કાયા નિરંતર જગતકલ્યાણાર્થે વાપરવા. જગતભરના જીવો સુખ-શાંતિને પામે, મોક્ષમાર્ગને પામે.' પૂ. દાદાશ્રી જેમને શ્રી સીમંધર સ્વામીનું અનુસંધાન હતું તેમની મહત્વતા પૂ. નીરુમા ગામે ગામ ફરી વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી, જેઓ હાલ આપણી પૃથ્વી જેવા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે એમનું મહત્વ સમજાવી રહ્યા હતા અને હજારો જૈનો-જૈનેત્તરો તેમનું મહત્વ સમજી વર્તમાન તીર્થંકરની ભક્તિ કરતાં થયાં છે અને મોક્ષમાર્ગમાં આગળ વધી રહ્યા છે.

દાદા ભગવાનની પ્રેરણાથી તથા પૂજ્ય ડૉ. નીરુમાના આદર્શ રાહબળના પરિણામે સૌ પ્રથમ મહેસાણા જીલ્લાના કટોસણ ગામમાં નાનકડું ત્રિમંદિર સ્થપાયું હતું. ત્યારબાદ ચલામલી (જી.વડોદરા), દાદા દર્શન (અમદાવાદ, સાબરમતી નદીના કિનારે), ભાદરણ (પ.પૂ.દાદાશ્રીનું વતન), અડાલજ (જી.ગાંધીનગર), વાસણા (જી.વડોદરા) તથા રાજકોટ ખાતે ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિરોનું નિર્માણ થયેલ છે. પ.પૂ. દાદાશ્રી કહેતાં કે શ્રી સીમંધર સ્વામી ભગવાનના ફોટાં-પ્રતિમા ઘેર-ઘેર હશે અને દરરોજ તેમની આરતી થશે ત્યારે આ દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે. આ ભાવના સાકાર કરવા પૂજ્ય નીરુમાના હસ્તે હજારો સીમંધર સ્વામીની પ્રતિમાજીઓની પ્રાણપ્રતિષ્ઠા થયેલ, જે લોકોના ઘરોમાં, ઓફિસોમાં મૂકાયેલ અને બધાંનો અનુભવ હતો કે તેમનું ઘર સુખ-શાંતિમય અને સ્વર્ગ સમાન બની ગયું છે.

એમના દર્શન કરતાં જ કોઈને એ સ્ત્રી પર્યાય લાગતો નહોતો. તેમની અંદર પ્રગટ થયેલ પુરુષ (પોતાના આત્માની સાચી ઓળખાણ) પ્રચંડ પુરુષાતનની ઝાંખી કરાવે છે. સ્ત્રી પરમાણુનું એક પણ સ્પંદન એમના તરફથી કોઈને પકડાતું નહતું. સ્ત્રી શક્તિ જ્ઞાનની કેટલી ટોચે પહોંચી શકે છે તેનો ક્યાસ કાઢવા એમના સાંનિધ્યમાં રહેવાનો લ્હાવો એક દીવ્ય અનુભૂતિ સમાન બની ગયો હતો. તેમના આવાં જોરદાર વ્યક્તિત્વથી ભલભલા પુરુષો પોતાનાથી કોઈ ભૂલ થાય તો તેમની નજીક આવતાં ડરતાં.

પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનના ટીવી સત્સંગ કાર્યક્રમોની શરૂઆત ગુર્જરી ચેનલ પર 'તીર્થંકરોનું યથાર્થ તત્ત્વદર્શન'થી થઈ હતી. ત્યાર બાદ સંસ્કાર, આસ્થા, ઝી આલ્ફા ગુજરાતી, દૂરદર્શન (ગુજરાત) તથા દૂરદર્શન (નેશનલ) પર પ્રસારિત થઈ રહ્યા હતાં, જેમના કેટલાંક કાર્યક્રમો આજે પણ ચાલુ છે. વિદેશોમાં પણ વિવિધ ટીવી ચેનલો પર સત્સંગ કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે. જે તમામ લોકો દ્વારા ખૂબ જ આવકાર્ય બન્યા છે. જેના થકી લાખો કુંટુંબમાં સાસુ-વહુ, પતિ-પત્ની, માબાપ-છોકરાં, બોસ-આસીસ્ટન્ટ વચ્ચે થતાં ઝઘડાં-અણબનાવો બંધ થઈ ગયાં હતાં.

તેમની હાજરીમાં દર વર્ષે સત્સંગ શિબિરો, પર્યૂષણ પર્વ, ગુરુપર્ણિમા, દાદા ભગવાનની જન્મજયંતિ, તથા વિશેષ તહેવારોની ઉજવણી થતી હતી. પ.પૂ. દાદાશ્રીના આત્મવિજ્ઞાનની ઊંડી જ્ઞાનસંબંધી સમજ માટે છેલ્લા કેટલાંક વર્ષોથી મહાત્માઓ માટે વિશેષ પારાયણ સત્સંગ કાર્યક્રમ કરતા હતા. સત્સંગ શિબિરો દરમ્યાન તેઓ હજારો લોકોને વ્યસનોથી મુક્ત થવાં વિધિ કરાવતાં હતા.

પ.પૂ. દાદાશ્રી કાયમ પબ્લીસીટીથી દૂર રહ્યા. પૂજ્ય નીરુમાને પણ કાયમ તેમની જેમ જ ઈતર જાહેર કાર્યક્રમો માટે સદા ઉપેક્ષા જ રહી. તેઓ નાછૂટકે આવાં કાર્યક્રમોમાં ભાગ લેવાનું પસંદ કરતા. તેમને લોકકલ્યાણ માટે સત્સંગ કાર્યક્રમો જ સદા ગમતા.

લોકકલ્યાણની પ્રવૃતિઓના ભાગ રૂપે પૂજ્ય નીરુમાએ ગુજરાતમાં આવેલ વિનાશક ભૂકંપ વખતે સૌરાષ્ટ્રના ત્રણ ગામડાંને દત્તક લીધાં હતાં અને તેમના ઘરો બંધાવી આપ્યા હતાં. બેએક ગામડાંઓમાં નવી સ્કૂલો બંધાવી હતી. ત્યાંના બાળકોને ગુરૂકૂળમાં ઉચ્ચ શિક્ષણ માટે રાખ્યા હતા. અડાલજમાં પણ ફ્રી મેડીકલ કેમ્પો યોજાવડાવ્યા હતા. સિધ્ધપુર ખાતે નર્મદા અને સરસ્વતીના નીરના મહાસંગમ કાર્યક્રમમાં હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા.

પ.પૂ. દાદાશ્રીના દેહવિલય બાદ પૂજ્ય નીરુમા સત્સંગ-જ્ઞાનવિધિ કરતાં. પરિણામે લોકોમાં ખૂબ પૂજ્યભાવ ઉત્પન્ન થતો અને તેઓ તેમના ફોટા ઘરમાં-ઓફિસમાં રાખવા માંગણી કરતા. પરંતુ તેમણે ક્યારેય પોતાના ફોટાની વહેંચણી કરી નહતી. તેઓ કહેતાં કે મૂળ જે જ્ઞાની પુરુષ થઈ ગયા હોય તેના જ ફોટા લોકોને અપાય. અને દાદાશ્રીના જ ફોટા તેમણે લોકોને અપાવ્યાં, પોતાના નહિ. જ્ઞાનીનો આવો જબરજસ્ત પરમ વિનય બીજે ક્યાં જોવા મળે !

પરમ પૂજ્ય દાદા ભગવાનના અંતેવાસી આત્મજ્ઞાની પૂજ્ય નીરુમાનો કાળક્રમે દેહવિલય સંપૂર્ણ આત્મસમાધિમાં તા. ૧૯મી માર્ચના રોજ અમેરિકાથી ભારત પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં જ થયો. તેમની અંતિમ યાત્રા તા. ૨૪ માર્ચ સવારે ત્રિમંદિર અડાલજ સંકુલમાં તેમના રહેઠાણ 'વાત્સલ્ય' પાસે જ કરવામાં આવી. ભારતભરમાં ઠેકઠેકાણેથી, વિવિધ ગામો-શહેરોમાંથી તથા અમેરિકા, કેનેડા, યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વિગેરે વિદેશોમાંથી પણ હજારો અનુયાયીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા. સીમંધર સીટીમાં જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યાં જ તેમની સમાધિ બનાવવામાં આવશે. પ.પૂ. દાદા ભગવાનની જગતમાં કોઈપણ જીવને કોઈપણ પ્રકારે દુઃખ ન થાય તે ભાવના તેમના રોમરોમમાં વસેલી હતી. આ જ ભાવના પૂજ્ય નીરુમાના જીવનમાં સદા રહી, જેને કુદરતે પણ યારી આપી કે તેમને જીવનના અંતિમ દિવસોમાં કેન્સરનું નિદાન થયું અને તેમણે ખૂબ ઝડપી મોક્ષપંથે પ્રયાણ કર્યું. અને એવી જગ્યાએ દેહ છોડ્યો જ્યાં કોઈ મહાત્માઓ હાજર નહોતા. તેમને તેમના જવાનો અણસાર અગાઉથી આવી ગયો હતો પરંતુ લોકોને ખબર પડે તો દુઃખ થાય, માટે તેમણે કોઈને આની ખબર પડવા દીધી નહતી. છેક છેલ્લી ઘડી સુધી તેમની જબરજસ્ત ખુમારી દેખાતી હતી.

તેમની અંતિમ ભાવના તેમણે તેમના સહાધ્યાયી આપ્તપુત્ર શ્રી દીપકભાઈ દેસાઈને જણાવ્યું હતું કે 'આ જગત કલ્યાણનું મિશન મારું મિશન નથી, આ તો પ.પૂ. દાદા ભગવાન અને શ્રી સીમંધર સ્વામી ભગવાનનું મિશન છે, જગત કલ્યાણનું આ મિશન નિરંતર ચાલુ જ રહેવું જોઈએ.' પૂ. નીરુમાના સહાધ્યાયી આપ્તપુત્ર શ્રી દીપકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ.પૂ. દાદા ભગવાનની અસીમ કૃપાથી તેમના ગયા પછી પણ જગતકલ્યાણનું મિશન જેવી રીતે ચાલુ રહ્યું હતું તેવી જ રીતે પૂ. નીરુમાના ગયા પછી આ જગતકલ્યાણનું મિશન અખંડ ચાલ્યા જ કરશે અને તેમના આશીર્વાદથી અનેકગણું વધુ ચાલ્યા કરશે.

પ.પૂ. દાદાશ્રીએ પૂજ્ય નીરુમાની હાજરીમાં આપ્તપુત્ર શ્રી દીપકભાઈ દેસાઈને જ્ઞાનસિધ્ધિના આશીર્વાદ આપેલ અને પૂજ્ય નીરુમાએ લગભગ બે વર્ષ અગાઉ શ્રી દીપકભાઈ પાસે જ્ઞાનવિધિ (આત્મસાક્ષાત્કારનો ભેદવિજ્ઞાનનો જ્ઞાનપ્રયોગ) કરાવવાનું ચાલુ કરાવેલ. કદાચ તેમના જવાનો સંકેત તેમને અગાઉથી જ આવી ગયો હોય ! પૂજ્ય નીરુમા પછી પણ પૂજ્ય દીપકભાઈ દેસાઈ થકી આત્મજ્ઞાનની લીંક ચાલુ રહેશે

Pujya Niruma and Pujya  Deepakbhai

નીરુમાના હસ્તે લખેલા પદો
google
Web www.dadabhagwan.in
show bar