મહાદેવજી આમ થવાય !
મહાદેવજીમાં જઈએ છીએ ત્યારે દરેકે દરેક મહાદેવજીના દેરામાં બોલીએ છીએ. મહાદેવજીના દેરામાં અમે જઈએ. અહીંથી બસ લઈને જતાં હોઈએ, મહાદેવજીનું દેરૂં આવે ત્યાં ઊતરીએ. એટલે અમે જઈએ ત્યાં બોલીએ, દર્શનેય પહેલાં કરીએ અને પછી બોલીએય ખરા. શું બોલીએ ?
મહાત્માઓ : ''ત્રિશૂલ છતાંયે જગત ઝેર પીનારો શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું.''
દાદાશ્રી : આમ અમે ડાકોરમાં રણછોડજી મંદિરમાં જઈએ અને ડાકોરમાં અમને ફેરવે છે, તે આખું ગામ દર્શન કરે છે. કારણ કે રણછોડજી જાતે જ આવ્યા છે, કો'ક દહાડો આવે. તો લોકોને બધાંને ઈચ્છા થાય. ત્યાં અમે બોલીએ, 'શ્રી રણછોડરાયનું હ્રદયકમળ હું જ છું.'
દાદાશ્રી : તમારે મહાદેવજી થવું છે કે નથી થવું ?
પ્રશ્નકર્તા : થવું છે.
દાદાશ્રી : તો હવે રસ્તો દેખાડું ! સહેલો છે. કશો વાંધો નથી. આજથી નક્કી કરો કે ઘેર બૈરી કે આજુબાજુવાળા શું કહે કે 'તમે નાલાયક છો', તો આપણે એ પ્યાલો પી જવાનો. આશીર્વાદ આપીને પી જવાનો. બાપ કહે, 'તમે આવા છો', ભાઈબંધ કહે, 'તમે આવાં છો.' તો આશીર્વાદ આપીને પી જવાનો. એવા પ્યાલા, ઝેરના પ્યાલા પીશો ? તો તમે મહાદેવજીના સાચા ભગત. પીઓ ખરા ? તમે તો ગુસ્સે થઈ જાવ ! અને હું તો આખી જીંદગી એવા પ્યાલા પીને મહાદેવજી થયો. આ એમ ને એમ થયો નથી ! તમારાથી પીવાશે ?
ઝેરના પ્યાલા પીવે જ ને કંટાળી કંટાળીને ? એ તો આખું જગત પી રહ્યું છે. આ તો રાજીખુશીથી પી ને ઉપકાર માનવાનો. એવાં ઝેરના પ્યાલા પીવાના બંધ કરી દેશો કે ? પીજો ને ?
હસતે મુખે ઝેર પીવે...
આ શું કહે છે ?
'હસતે મુખે ઝેર પીવે, નીલકંઠી ખાનદાન.
નિઃસ્પૃહ અયાચકને ખપે નહીં માન-તાન.'
હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે 'હસતે મુખે ઝેર પીવો.' કો'ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે 'પ્યાલો' આપી જાય, તે પીવો તો પડે ને ! રડી રડીને ય પણ પીવો તો પડે જ ને ? એ 'પ્યાલો' કંઈ ઓછો એના માથામાં મરાય છે ? પીવો તો પડે જ ને ?
પ્રશ્નકર્તા : હા, પીવો પડે.
દાદાશ્રી : જગત રડી રડીને પીવે છે. આપણે હસીને પીવું ! બસ, એટલું જ કહે છે. જગત શું કરીને પીવે છે ? રડી રડીને, કે 'આણે આમ કર્યું ને આણે આમ પાયું ને આણે તેમ પાયું.' પોતાની પાસે એક તો આનંદ છે જ, પણ હસ્યા એટલે તેનો સાયકોલોજી આનંદ પણ થાય. સાયકોલોજી શું કહે છે કે 'તમે હસો તો તમને આનંદ થાય.' ને પેલો સ્વાભાવિક આનંદ તો આપણી પાસે છે જ. મૂળ સ્વાભાવિક આનંદ અને આ સાયકોલોજિકલ આનંદ, બે ભેગું થયું પછી ચા કેવી સરસ બને ? સરસ ના બને ?
પ્રશ્નકર્તા : સરસ બને.
દાદાશ્રી : અને પેલું તો ચા ય બગડી જાય ને બધું ય બગડી જાય. એટલે આ શું કહે છે કે હસીને ભોગવો.