ગજબના પુરુષ કૃષ્ણ ભગવાન !
પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાન વિશે થોડુંક કહો આજે !
દાદાશ્રી : કૃષ્ણ ભગવાનની ક્યાં વાત થાય ? એ તો વાસુદેવ નારાયણ કહેવાય પણ તે આપણા લોકો એને લીલામાં લઈ ગયા... ને બધું જાતજાતનું ચિતરી માર્યું. બાકી કૃષ્ણ ભગવાન એ તો યોગેશ્વર કૃષ્ણની વાત !
કૃષ્ણ તો ગજબના પુરુષ થઇ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે. કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.
પ્રશ્નકર્તા : નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું ?
દાદાશ્રી : જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય ! ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઇ રહ્યું છે અખંડ બ્રહ્મચર્ય ! કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આ કેવી રીતે તે તમને સમજ પાડું. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, 'ચોરી નથી કરવી,' તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. 'શું ચાર્જ થઇ રહ્યું છે' તે એનો હિસાબ છે ! એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, 'આ લોકોનું આમ પડાવી લઉં', તો એ દાન ગણાતું નથી. આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રહ્યો છે, જે ચાર્જ થાય છે તે ગણાય !
પ્રશ્નકર્તા : તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કહ્યા છે ?
દાદાશ્રી : એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ઊલટું, એમના ચારિત્ર્યને દુષ્ચારિત્ર્ય કહી વગોવણું થયું છે. કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું કે બધી ચીજના ભોક્તા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય !
દર્શન, રિલેટિવ ને રિયલ !
જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. કૃષ્ણ ભગવાનને તો કોઇ ઓળખી જ શક્યું નથી. કોઇએ વાંસળીવાળો, તો કોઇએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણ ભગવાનને બનાવ્યા. અલિયો વ્હોરાજી છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ, આ બધો વેપાર છે ! કૃષ્ણ ભગવાન એવાં ના હોય, તમે જેવા કલ્પો છો તેવાં તે નથી. મૂર્તનાં દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે.
આ કૃષ્ણ ભગવાનના ફોટાનાં દર્શન કરીએ તો તે 'રિલેટિવ'ને પહોંચે. 'અહીં' પગે લાગે, તે તેના આત્માને જ 'ડાયરેક્ટ' પહોંચે. કારણ કે વીતરાગ સ્વીકાર ના કરે ને ? હંમેશાં 'રિલેટિવ' ને 'રિયલ' બેઉ દર્શન હોય, ત્યાં જ મોક્ષ છે.
નિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે : 'રિલેટિવ' ને 'રિયલ'. ફોટાનાં દર્શન કરતાં 'રિલેટિવ'ની ટપાલ તો કૃષ્ણ ભગવાનને પહોંચે અને 'રિયલ'માં આપણા આત્માની જ ભક્તિ થાય છે.
વૈકુંઠ એટલે...
કૃષ્ણ ભગવાન કહે છે કે વૈકુંઠમાં તેડી જઈશ. કૃષ્ણ ભગવાનની ભક્તિથી વૈકુંઠમાં ચિત્ત જાય. ત્યાર પછી કરવું ના પડે કશું. એટલે વૃત્તિઓ જ ઊભી ના થાય કશી. કુંઠિત થઈ ગયેલી હોય બધી અને ત્યાર પછી જ મોઢા પર ટેન્શનરહિત હાસ્ય આવે નહીં તો ટેન્શન જ ખેંચ્યા કરતું હોય. વૃત્તિઓ બધી જ્યાં જાય ત્યાં ટેન્શન કરે.
સુદર્શન ચક્ર !
પ્રશ્નકર્તા : કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું ?
દાદાશ્રી : એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે ! સુદર્શન એટલે સમ્યક્ દર્શન, તેનાં લોકોએ ચક્રો ચીતરી માર્યા ! તે લોકો એવું સમજ્યા કે ચક્ર લોકોને કાપી નાખે છે !
નાથિયો કાળિનાગ ?!
પાંચ હજાર વર્ષ પહેલાં કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કૃષ્ણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું, તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું ? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી ? તે શું તેમને મદારી નહોતા મળતા ? પણ કોઇ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ !