પ્રકૃતિ પર નથી ઈશ્વરની ય સત્તા !
પ્રશ્નકર્તા :ગીતાનું પેલું વાક્ય કહે છે, 'પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ'. એટલે પેલું ભગવાને એમ કહ્યું છે ગીતામાં કે મારા વડે આ સૃષ્ટિ સર્જાય છે.
દાદાશ્રી : બરોબર છે. એમાં ગીતામાં અમુક બાબત તો ખુલ્લી કરી છે. કેટલીક બાબતો એવી રાખી છે કે જ્યાં અધ્યાહાર રાખ્યું છે. આ 'હું' જ્યાં કહે છે પોતે, ત્યાં આ 'શુધ્ધાત્મા'ની વાત છે. એ કૃષ્ણ ભગવાન નથી. હવે લોકો છે તે પોતપોતાની ભાષામાં સમજે. અને આ પ્રકૃતિ એ તો એમાં કોઈ જાતની આપણી, મનુષ્યની કોઈ ક્રિયા ચાલે એવી નથી, ઈશ્વરનું ય ચાલે એવું નથી. એ બધું આ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એક્ઝેક્ટ માણસ રૂપાળા-બુપાળા, કદરૂપા-બદરૂપા, બધું એના હાથમાં છે અને તોલી-તોલીને, જરાય ફેર ન પડે.
પ્રશ્નકર્તા : પણ એ માણસ કદરૂપા કે સારા રૂપાળા થવાનું, જે કરે છે વ્યવસ્થિત શક્તિ, તેનો આધાર શેના ઉપર ?
દાદાશ્રી : એ આધાર આપણો જ. આપણા જે ભાવ પૂર્વે હતા, જે ભાવમાં અવસ્થિત થયા હતા આપણે, તેનું આ આની મારફત 'વ્યવસ્થિત' થઈને આવે છે.
જગત ચાલે સ્વભાવથી જ !
કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !'
કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જગત સ્વભાવથી જ ઊભું થઈ ગયું છે. સ્વભાવથી જ ચાલે છે. એવું ગીતામાં 'સ્વભાવથી જ થયેલું', કહેલું છે. એટલે સ્વભાવથી જ થઈ રહ્યું છે.
જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે 'વ્યવસ્થિત' નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે. છતાં તેમાં આખા વડની શક્તિ છે, શક્તિ રૂપે આખો વડ તેમાં સમાયો છે. 'વ્યવસ્થિત' સંયોગ તેમાં ભેળા કરી આપે અને વડ રૂપે પરિણમે સ્વભાવથી.
'વ્યવસ્થિત' જગતને ચલાવનાર છે. એ જગતની ક્રિએટર નથી. જગત તો સ્વભાવથી બનેલું છે. અને 'વ્યવસ્થિત' છે તે સ્વભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં. આ જગતનાં 'મૂળ તત્વો' છે તે સ્વભાવિક છે. તે રિલેટીવમાં આવે છે ત્યારે વિભાવિક થાય છે.
જગત બંધ થઈ જશે તો ? બંધ થાય એવું જ નથી. કારણ કે જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોકો કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું-મોડું બંધ થાય જ. મોક્ષે જાય છે તે ય સ્વભાવથી જ થાય છે ! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહિ. રામચંદ્રજી ગયા. કૃષ્ણ ભગવાન ગયા તો ય જગત ચાલ્યું ! આ જગત કોઈએ બનાવ્યું નથી. આ તો સ્વભાવથી જ ચાલે છે ! એટલે આ જગતનો સ્વભાવ જ કેવો છે ? પરિવર્તનશીલ, નિરંતર ચેન્જ થયા જ કરે હરેક વસ્તુનો.
છે જગતમાં બન્ને, જડ ને ચેતન !
એટલે કૃષ્ણ ભગવાને ફોડ પાડ્યો કે આત્મા અને અનાત્મા - બે વસ્તુ છે. આ જડને જ જો આત્મા માને તો પછી આત્માની શી દશા થશે ? જો બધે જ ઘઉં છે તો વીણવાનું શું રહ્યું ? ઘઉં ને કાંકરા ભેગાં હોય અને કહે કે આ એકલા ઘઉં જ છે તે પછી વીણવાનું જ ક્યાં રહ્યું ?
જ્ઞાનીઓ જાગૃત ત્યાં જગત...
પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને કહ્યું, 'જ્યાં જગત જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ ને જ્યાં જગત ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ.' એ ના સમજાયું. એ સમજાવો.
દાદાશ્રી : જગત ભૌતિકમાં જાગે છે ત્યાં કૃષ્ણ ઊંઘે છે ને જગત આત્મામાં ઊંઘે છે ત્યાં કૃષ્ણ ભગવાન જાગે છે. છેવટે અધ્યાત્મની જાગૃતિમાં આવવું પડશે. સંસારી જાગૃતિ એ અહંકારી જાગૃતિ છે ને નિર્અહંકારી જાગૃતિ એનાથી મોક્ષ છે