જીવનમાં જે જે સામે આવ્યું તેનું રિયલાઈઝેશન પૂરેપુરું કર્યા વિના માનવ તેને અપનાવતો નથી. બધું જ રિયલાઈઝેશન કર્યું માત્ર સેલ્ફનું જ રિયલાઈઝેશન નથી કર્યું ! અનંત અવતારથી 'હું કોણ છું'ની ઓળખાણ જ અટકી છે, તેથી જ તો આ ભટકામણનો અંત નથી આવતો ! એની ઓળખાણ શી રીતે થાય ?
એ તો જેને એની ઓળખાણ થઈ ગઈ હોય એ જ વ્યક્તિ અન્યને સહેલાઈથી ઓળખાણ કરાવી શકે ! એવી વિભૂતિ એટલે સ્વયં 'જ્ઞાની' જ ! જ્ઞાની પુરુષ કે જેને આ જગતમાં કંઈ જ જાણવાનું કે કંઈ જ કરવાનું બાકી નથી રહ્યું તે ! એવા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી આ કાળમાં આપણી વચ્ચે આવીને આપણી જ ભાષામાં આપણને સમજાય એવી સાદી તળપદી ભાષામાં હરકોઈને પાયાનો પ્રશ્ન 'હું કોણ છું'નો સહજમાં ઉકેલી આપે છે.
એટલું જ નહીં, પણ આ જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? કર્તા કોણ ? ભગવાન શું છે ? મોક્ષ શું છે ? જ્ઞાની પુરુષ કોને કહેવાય ? સીમંધર સ્વામી કોણ છે ? સંતો, ગુરુઓ ને જ્ઞાની પુરુષમાં શું તફાવત ? જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? જ્ઞાની શું કરી શકે ? તેમાં ય પરમપૂજ્ય દાદાશ્રીનો અક્રમ માર્ગ શું છે ? ક્રમે ક્રમે તો મોક્ષમાર્ગે ચઢતા જ આવ્યા છે, અનંત અવતારથી, પણ 'લિફટ' (એલિવેટર) પણ મોક્ષમાર્ગે હોઈ શકેને ? અક્રમ માર્ગથી આ કાળમાં સંસારમાં રહીને પણ મોક્ષ છે અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એની સંપૂર્ણ સમજ અને દિશાની પ્રાપ્તિ પરમ પૂજ્ય દાદાશ્રીએ કરાવી છે.
'હું કોણ છું'ની ઓળખાણ પછી શું અનુભૂતિ રહે, સંસાર પુરો કરતાં કરતાં પણ સંપૂર્ણ નિર્લેપ આત્મસ્થિતિની અનુભૂતિમાં રહેવાય. આધિ-વ્યાધિ ને ઉપાધિમાં ય નિરંતર સ્વસમાધિમાં રહેવાય. એવો હજારો મહાત્માઓને અનુભવ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ પછીનો છે !