| વિજ્ઞાન, પ્રયોગપ્રયોગીનું સંપાદકીય આનંદની વાત છે કે ‘દાદાવાણી’ મેગેઝિન ૧૫ વર્ષ પૂરાં કરી ૧૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ‘દાદાવાણી’ ટીમના તમામ સેવાર્થીઓનો આશય એ જ છે કે મહાત્માઓને પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણી નિરંતર અલગ અલગ વિષયો પર મળ્યા જ કરે, જેથી તેઓ મોક્ષમાર્ગમાં પોતાની પ્રાકૃતિક કચાશોને ઓળખી તેમાંથી નીકળવવાનો પુરુષાર્થ આદરે. આહાર, ભય, નિદ્રા અને મૈથુન; આ ચાર સંજ્ઞાના આધારે ઉદ્ભવતી અવસ્થાઓ અને તેમાં તન્મય થવાથી ઊભા થતા પરિણામોની અસર કે જોખમો પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમથી સાચી સમજણ કોણ પ્રાપ્ત કરાવી શકે ? મનુષ્ય ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રયોગો કરી, શોધખોળ કરી માનવજાતના ઉત્કર્ષ કે વિનાશ માટે સહયોગી બની શકે પણ આ સંસાર એક પ્રયોગ છે અને સંસારી એ પ્રયોગી છે અને એથીય આગળ આ દેહ એક પ્રયોગ છે અને ‘પોતે’ પ્રયોગથી જુદો માત્ર પ્રયોગી છે એવી સૈદ્ધાંતિક સમજણ શું ભૌતિક વિજ્ઞાન પ્રદાન કરી શકે ? જ્યાં ભૌતિક વિજ્ઞાન આવી સમજ આપવા અસમર્થ હોય છે, ત્યાં આધ્યાત્મિક વિજ્ઞાનના સાયન્ટિસ્ટ પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાના જ્ઞાન અનુભવના આધારે ગુહ્યતમ રહસ્યોના વિજ્ઞાનને જેમ છે તેમ જગત સમક્ષ ખુલ્લું કરી શકે છે તે જાણીને અહો ! અહો !! અહો !!! થઈ જાય છે. ‘પુદ્ગલ’ એ ‘પ્રયોગ’ અને ‘આત્મા’ એ ‘પ્રયોગી’ સંબંધી ફોડ પાડી ‘જ્ઞાતા’‘જ્ઞેય’નું વિજ્ઞાન અહીં ખુલ્લું થાય છે. પહેલા, પ્રયોગથી ‘પોતે’ પ્રયોગ સ્વરૂપ થઈ ગયો હતો. તે જ્ઞાની પુરુષના જ્ઞાનપ્રયોગ પછી ‘પ્રયોગ’ (દેહ) અને ‘પ્રયોગી’ (આત્મા) બે જુદા છે એવી અનુભૂતિ પોતાને થાય છે. આ જગતમાં આ દેહ અને પંચેન્દ્રિયથી જે કંઈપણ અનુભવમાં આવે છે તે પ્રયોગ છે અને પોતે એ પ્રયોગથી સંપૂર્ણ જુદો એવો પ્રયોગી છે. આ આહારવિહારનિહાર બધું પ્રયોગ જ થઈ રહ્યો છે. આહારી આહાર કરે છે અને નિરાહારી માત્ર તેને જાણે છે એ સૂક્ષ્મ સમજના આધારે આહાર કોણ લે છે ? સ્વાદ કોણ લે છે ? ભોગવે છે કોણ ? તેનું વિજ્ઞાન સરળતાથી સમજી અનુભવની શ્રેણી ઉપર લાવી શકે છે. દાદાશ્રી કહે છે કે ‘પ્રયોગ કરનાર’ અને ‘પ્રયોગ’ હંમેશા જુદા જ હોય. પ્રયોગમાં શું શું થઈ રહ્યું છે તે જોવાનું અને જાણવાનું હોય. પ્રયોગ એ જ્ઞેય છે અને ‘પોતે’ જ્ઞાતા છે. જ્ઞેયને જાણે તો જ્ઞાતા હાજર રહે. પ્રયોગ થઈ રહ્યો છે એ જાણવું પ્રયોગીનો સ્વભાવ છે. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વહેલી સત્સંગ સરવાણીમાંથી પ્રયોગપ્રયોગીની સુંદર સમજણ અત્રે સંકલિત થયેલી છે. તેમાં આહારી કોણ ? નિરાહારી કોણ ? કર્તાભોક્તા કોણ ? કર્તાભોક્તાને જાણનાર કોણ ? ભોક્તાપદમાં શું પરિણતિ હોય ? પ્રયોગી તરીકે જ્ઞાતાપદમાં રહે તો શું પરિણામ અનુભવમાં આવે ? જ્ઞાની પુરુષ પ્રયોગી તરીકે કેવી જાગૃતિમાં રહેતા હતા અને એવી જાગૃતિમાં કેવી રીતે રહી શકાય, એની સરળ અને સૈદ્ધાંતિક સમજ આપણને સહુને ધ્યેય પ્રાપ્તિના પુરુષાર્થમાં અવશ્ય સહાયરૂપ થઈ પડશે એ જ અભ્યર્થના. દીપક દેસાઈ વિજ્ઞાન, પ્રયોગપ્રયોગીનું પ્રાપ્ત થયું લક્ષ, જ્ઞાની કૃપાએ દાદાશ્રી : ‘હું આત્મા છું’ એ લક્ષ બેસી ગયું છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ આત્મા એ જ પરમાત્મા છે ને એ જ અલખ નિરંજન છે. ક્યારેય આ લક્ષ ના બેસે. કોઈ સાધુ ને સંન્યાસીને, કોઈનેય લક્ષ બેસે નહીં. જ્ઞાની પુરુષ એ પાપ ધોઈ આપે અને જ્ઞાન આપે ત્યારે લક્ષ બેસે, નહીં તો લક્ષ બેસે નહીં. અને લક્ષ બેઠા પછી ભૂલાય નહીં. એટલે નિજસ્વરૂપનું ભાન રહેવું મહામુશ્કેલ છે. કોઈ કાળે બન્યું નથી તેવું નિજસ્વરૂપમાં રહેવાય તે બન્યું છે ! માટે કામ કાઢી લેવાનું. રહ્યો બાકી ‘ફાઈલોનો નિકાલ’ આપણે જુદા, ચંદુભાઈ જુદા. આપણને હવે પાપપુણ્ય અડે નહીં, કશુંય અડે નહીં. આપણે જ્ઞાતાદ્રષ્ટાપરમાનંદી અને ચંદુભાઈ એ ફાઈલ નંબર વન, પછી ફાઈલ નંબર ટુ, થ્રી, ફોર બધાનો ઉકેલ લાવવાનો. ચંદુભાઈને ભૂખ લાગે તો ફાઈલ નંબર વનને ભૂખ લાગી, એટલે આપણે પાડોશી રહ્યા, એટલે જોડે ને જોડે જવું પડે. પણ સમભાવે નિકાલ કરવાનો. આપણે કો’કને ઘેર જમવા ગયા હોય ને પૂરણપોળી જમતા હોય, તો તે કાચી હોય, બરોબર શેકેલી ના હોય અને ઘી વેજીટેબલ હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે એને (યજમાનને) ખોટું ના લાગે, એટલા માટે અરધી જ ખાજો, નહીં તો પેટમાં દુ:ખશે. કાચી છે અને પાછી વેજીટેબલ ઘીની છે. એવુું તમારે ચંદુભાઈને કહેવું. કારણ ‘તમે’ જાણકાર અને ‘ચંદુભાઈ’ ખાનાર. સારી શેકેલી હોય અને ચોખ્ખું ઘી હોય તો આપણે કહેવું કે ચંદુભાઈ બેત્રણ ખાઈને સૂઈ જાવ. આપણે સારું હોય તો કહેવું. આપણે સલાહ આપનાર રહ્યા. હવે સલાહ આપનાર પાડોશી તરીકે, પાડોશીની જેટલી ગરજ રાખવાની. પાડોશી રડે તો આપણે કંઈ રડવા લાગવાનુું ના હોય. આપણે ખભો થાબડવાનો હોય આમ અરીસા સામે, કે હું છું ને તારી જોડે, શું કરવા આમ કરો છો ? સંસારમાં તો રડનારો રડે, ઉપાધિ કરનારો ઉપાધિ કરે, આહારી આહાર કર્યા કરે, તેમાં આપણે શું લેવાદેવા ? હવે ન રહ્યો ખાનાર પોતે તમે રોજ ખાવ છો કે કો’ક દહાડો ખાવ છો ? પ્રશ્નકર્તા (મહાત્મા) : અમે ખાતા જ નથી. દાદાશ્રી : એ પોતે નથી ખાતા. હું પણ કાયમ નથી ખાતો. (મુમુક્ષુને) તમે ખાવ છો કોઈ દહાડો ? તમે તો હમણાં ચા પીધી અને નાસ્તોય કર્યો, લ્યો. અને આ લોકો તો ખાતાં નથી. એ ખાય તો તો એમને બંધન થાય. આ લોકોને જે દેખાય છે, તમને જે દેખાય છે કે આમણે ખાધું, પણ એમણે ખાધું નથી. ખાય છે કોણ અને નથી ખાતો કોણ, એમ જેને ભેદ છે, એવું ભાન છે, તે આત્મા થઈ શકે છે. એવો ભેદ જેને વર્તતો હોય, એવું ભાન જેને વર્તતું હોય તે આત્મા થઈ શકે છે. પ્રશ્નકર્તા : આ બહુ ઊંડી વાત છે. દાદાશ્રી : એમણે કોઈ દહાડો ખાધું જ નથી. (આ બાબતે) એમનું નામ દો તો તમને દોષ બેસશે. પ્રશ્નકર્તા : કેવી રીતે બેસે ? દાદાશ્રી : એ અણાહારી છે, અમે અણાહારી છીએ ને તમે તો આવું ‘આહારી કહો’, ‘તમે ખાનારા’ કહો તો તમને દોષ બેસશે. મને પૂછીને બોલવું જોઈતું’તું ને ! જગતના બીજા લોકોને કહેજો, સાધુઓને કહેજો, કે તમે ખાવ છો. એય કહેશે કે હા, અમે ખઈએ છીએ. અમારે આ છોડી દેવું છે, કહેશે. (મહાત્માને) તમારે કશું છોડી દેવું છે ? પ્રશ્નકર્તા (મહાત્મા) : અંદરથી છૂટી ગયું છે. દાદાશ્રી : શી રીતે ? પેલા વેગનનો આંકડો છૂટી ગયો એવું ? માન્યતા આખી તૂટી ગઈ. માન્યતા જે રોંગ હતી કે આ હું જ છું, આ જે દેખાય છે તે હું જ છું, એ માન્યતા તૂટી ગઈ છે અને હું (આત્મા) છું એ માન્યતા નક્કી થઈ ગઈ ને આ બધી (ફાઈલ) છે, તેય નક્કી થઈ ગયું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું, એ બધું નક્કી થઈ ગયુું. ખાનાર ને જાણનાર, વર્તે જુદા એટલે આપણે કહીએ છીએને, આહારી આહાર કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું. ચંદુભાઈ આજે વાડકો ભરીને રસ ખઈ ગયા, મહીં સૂંઠેય લીધી’તી, ત્રણ ચમચી ઘી પણ લીધું. બધું જાણો તમે ને આ (ચંદુભાઈ) ખાય. જાણનારો જાણે અને કરનારો કર્યા કરે. જ્યારે પેલો જાણનારો ને કરનારો એક જ હતો. જાણ્યું મહીં કે આ રસ નર્યો ઠોક્યો અને ખાધુંય મેં. જ્યારે હવે આ જડચેતન જુદાં પાડી દીધા. પ્રશ્નકર્તા : હા, નિરાહારી નિરાહાર રહે. એને કંઈ લાગેવળગે નહીં. આહારી આ પુદ્ગલે ખાધું ને પુદ્ગલે છોડ્યું. દાદાશ્રી : પોતે અણાહારી એટલે એકલુંં જાણ્યા કરે કે શું શું ખાય છે ! કોઈ કહે છે કે મેં ખાધું. પણ પુરવાર કરી આપ. આ સો ટકાની ભૂલ છે. તું આહારી આહાર કરે છે, તેને હું નિરાહારી જાણું છું, જોઉં છું જેમ છે એમ. એટલે કર્તાપણું ખલાસ થઈ ગયું. અહંકાર છે ત્યાં સુધી તારું કર્તાપણું છે. પણ કોઈ કર્તા નથી તે હું જાણું છું. મેં જે જ્ઞાન તમને આપ્યું છે, તેમાં જ તમને જે જે અનુભવમાં આવ્યું તે અનુભવજ્ઞાન છે. જેમ જેમ અનુભવ થતો જશે તેમ તેમ જાણ થશે. વ્યવહાર આત્માને જાણે ખરો આત્મા એમને એમ ગળી જઇએ તો મહીં શું ખબર પડી ? આત્મા ખસી જાય, જાણનાર ખસી જાય. આહારી આહાર કરે અને જાણનારો જાણે કે મહીં શું શું નાખ્યું છે ને શું નહીં. તેય પાછો ખરો આત્મા નહીં, વ્યવહાર આત્મા જાણે અને ખરો આત્મા (શુદ્ધાત્મા) તો વ્યવહાર આત્મા શું કરી રહ્યો છે તેય જાણે. જે શુદ્ધાત્મા આપ્યો છે તે તો બધાનો ઉપરી. અજ્ઞાનીને જાણપણું શાનાથી ? પ્રશ્નકર્તા : દાદા, આ જ્ઞાન ના હોય એને પણ આ ખારું છે, ખાટું છે, આટલી ખટાશ ઓછી છે, આટલી ખટાશ વધારે છે, બહુ ઝીણવટથી એને ખબર પડતી હોય તો ત્યાં કોણ જ્ઞાતા છે ? દાદાશ્રી : ત્યાં તો બુદ્ધિ છે ને ! પ્રશ્નકર્તા : એટલે આ ખરેખર જાણનારી બુદ્ધિ જાણે છે એની ઉપર ઉપયોગ હોય છે એવું છે ? આ કહેને અત્યારે કે આ ખવાયું એ ખાટું છે, ખારું છે, આવો સ્વાદ છે એવું બધું જાણે, એ તો અજ્ઞાની પણ જાણે છે. ત્યારે કહે, એ જાણનાર તો એ બુદ્ધિ જ રહીને ? તો આ જાણનાર એ જો અજ્ઞાનીમાં પણ આ બુદ્ધિ હોય, તો મહાત્માઓમાં છે તો એને પણ જાણનાર કોણ ? દાદાશ્રી : પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : ના, પણ આ સ્વાદનું ભેદાંકન બધું કરવું એ તો પેલું બુદ્ધિથી થાય જ છે ને ? દાદાશ્રી : એટલું ભાન તો હોય. એ આ ચાખે નહીં (આત્મા) પોતે. મહીં સ્વાદ આવે એ સ્વાદ કોણ ભોગવે છે ? એ ભોગવે છે એને જે જાણે એ આત્મા. પ્રશ્નકર્તા : પણ એ અજ્ઞાનીને પેલું જે સ્વાદનું છે એ પોતે પણ કહે કે આ દાંતથી બરોબર ચવાય છે. અહીં જરાક મને દુ:ખે છે એ બધું પોતે જાણતો હોય તો કહે કે જ્ઞાન પછી એ જાણનારની ક્રિયા, એ જાણવાની બધી ક્રિયા એ પણ અજ્ઞાનીની જેમ પેલી બુદ્ધિ કરી શકેને ? દાદાશ્રી : એ બુદ્ધિ કરે. પ્રશ્નકર્તા : હંઅ. તો પછી જ્ઞાન પછી એ જાણવાની ક્રિયા છે. દાદાશ્રી : એ છૂટો ના પડી શકે. (જ્યારે આ પોતે) જ્ઞાનથી જુદો રહે. જાણનારભોગવનાર જુદા પણ... પ્રશ્નકર્તા : અહીં જે જ્ઞાતા છે, એ જ્ઞાન પછી આ બધાને પણ જાણે. એની ઉપર જાણનાર એવું છે ? દાદાશ્રી : એ તો જ્ઞાતા છે એવું એ લોકોને ખબર ના પડે. ભોક્તા છે એવું ખબર પડે, એથી આગળ ના જઈ શકે. પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી કેવું રહે છે ? દાદાશ્રી : ભોક્તા અને જ્ઞાતા બેઉ રહે. મહાત્માઓને ભોક્તા જુદો પડ્યો અને પોતે જ્ઞાતા પદમાં આવ્યો. એટલે એ ભોક્તાની સાથે એક ના હોય કોઈ દહાડોય. એ ખાલી જુએ. જ્ઞાન પછી (પોતે) ભોક્તા જ નથી હોતો. પ્રશ્નકર્તા : અજ્ઞાનીને એ પોતે જ ભોક્તા હોય. જ્ઞાતા તો હોય જ નહીંને ! પણ એ બુદ્ધિના આધારે અમુક અમુક જાણી શકે પછી. દરઅસલ સ્વાદ ના આવે. દાદાશ્રી : એને (અજ્ઞાનીને) જાણનાર જુદો નથીને ! દરઅસલ સ્વાદ ના આવે. જાણનારો ને ભોગવનારો એ બે ભેગું છે. પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને જાણનાર અને ભોગવનાર જુદા પડ્યા. દાદાશ્રી : તમારે જુદા પડ્યા ખરાં પણ તમે તો ભોગવી લો છો. એટલે શું કહે છે ? પ્રશ્નકર્તા : હંઅ. આ તો જ્ઞાતા ખરા પણ ભોક્તા થઈ જાય છે. મહાત્માઓ પેલું જ્ઞાતાપદ છોડીને ભોક્તાપદમાં જતા રહે છે. દાદાશ્રી : થોડું થોડું બહાર નીકળે પાછો. ધીમે ધીમે મૂળ વસ્તુ જુદી છેને ! મૂળ ‘પોતે’ જુદો છે. પ્રશ્નકર્તા : એટલે છૂટું પડતું જાય એમ. દાદાશ્રી : હંઅ. ભોક્તા અને જ્ઞાતા જુદું જાણી ગયો છેને, એટલે જુદું પડતું જાય એ. ભોક્તપણાનું પરિણામ પ્રશ્નકર્તા : પેલો જ્ઞાતા ભોક્તાપદમાં જતો રહે તો શું પરિણામ આવે ? દાદાશ્રી : પરિણામ તો બીજું શું થાય ? જાગૃતિ ડીમ થઈ જાય. તારે કોઈ દહાડો ભોક્તાપદમાં રહેવાતું નહીં હશે, નહીં ? જ્ઞાતા પદમાં જ રહેને ? પ્રશ્નકર્તા : ભોક્તાપદેય રહે. દાદાશ્રી : વગર પૈણ્યે શાનો ભોક્તા તું ? આ તું બધું કાજુબાજુ ખઉં તેનો કે કઢી સારી થઈ તેનો ? બીજું શું આમાં કંઈ ટુથબ્રશ કરે તેમાં કંઈ ભોક્તાપણું આવતું હશે ? પ્રશ્નકર્તા : ના, એ ભોક્તાપદમાં આવી ગયો હશે એ કેવી રીતે એને ખબર પડે ? ભોક્તાપદમાં જતો રહ્યો છે એ પોતાને કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : સંતોષ થાયને. એના મોઢા પર સંતોષ લાગે આપણને અને ભોક્તાપદ કડવું હોય ને ત્યારે મોઢું બગડી જાય. પ્રશ્નકર્તા : એટલે અસરો એને થાય, ભોક્તાપદમાં જતો રહે તો ? દાદાશ્રી : અસર નહીં પણ સંતોષેય થાય એટલો અને અસંતોષેય એટલો થાય. પ્રશ્નકર્તા : અને એ ભોક્તાપદમાં ના રહેતો હોય તો એને શું થાય ? દાદાશ્રી : સંતોષઅસંતોષ, બેઉ ના થાય. પ્રશ્નકર્તા : એટલે ભોક્તાપદમાં સંતોષ રહેવો, સંતોષઅસંતોષની અસર થવી અને પ્રકૃતિની પણ પોતાની સ્વતંત્ર અસરો હોય છેને ? દાદાશ્રી : ભોક્તાપદ રહે તો એને શરીર પર બેઉ અસરો થાય અને જ્ઞાતાપદ રહે તો અસરો ના થાય. જ્ઞાતાપદમાં વધુ કેમ રહેવાય ? પ્રશ્નકર્તા : મહાત્માઓએ જ્ઞાતાપદમાં વધારે રહેવાય એની માટે કેવું હોવું જોઈએ ? આ ભોક્તાપદમાં જતો ના રહે અને જ્ઞાતાપદમાં વધારે રહેવાય એ કઈ રીતે બની શકે ? દાદાશ્રી : એ તો જાણે એટલે રહેવાય. જ્યાં સુધી આ પદને જાણીએ નહીં ત્યાં સુધી આમાં પેસે નહીં. જાણવાની જ જરૂર છે, બીજું કશું નહીં. સમજવાની જરૂર. એને માટે કોઈ ક્રિયા નથી હોતી. પ્રશ્નકર્તા : એટલે આ જાણવામાં કઈ રીતે જાણવાનું ? દાદાશ્રી : આ સત્સંગની વાત કરીએ તેથી મૂળ હકીકત શું છે એવું જાણવામાં આવે. પ્રશ્નકર્તા : એટલે આ ભોક્તા કોણ છે ને આપણે કોણ છીએ એવું જાણે ત્યારે ? દાદાશ્રી : એવું છેને, ભોક્તા કોણ છે ? જે કર્તા હતોને, તે એને ભોગવવાની ઇચ્છા હતી માટે એણે કર્યું આ અને એ જ ભોગવે. કર્તા એ શા હારુ કર્યું ? ભોગવવાની ઇચ્છાથી કર્યું. તે પછી તે જ ભોગવે. જેટલો (વધારે) ભોક્તા થઈ જાયને એકદમ, ભોક્તા વધારે પ્રમાણમાં થાય ત્યારે બુદ્ધિ બંધ થઈ જાય. એ જાણવામાં એનું ઓછું આવે અને બુદ્ધિ ક્યારે વધારે જાણે કે ભોક્તાપદ ઓછું હોય ત્યારે. એ બુદ્ધિ સમજી જાય પછી આપણને બુદ્ધિ વિગતવાર કહે કે આવું હતું અને પેલો તો કહેશે કે મને ઇલાયચીની તો ખબર જ ના પડી. બધા જ્ઞાનને જાણે આત્મા આ આઈસ્ક્રીમ કોણ કોણ ખાય છે ? ભાગ પાડ. વિભાજન કરો. ખાધો કોણે ? ચાખ્યો કોણે ? અનુભવ્યો કોણે ? ભોગવ્યો કોણે ? જાણ્યો કોણે ? એક જ આઈસ્ક્રીમ. હવે જેણે આઇસ્ક્રીમ ખાધો જ નથી, તેને અંધારામાં આઇસ્ક્રીમ આપીએ તો તે કલ્પના કર્યા જ કરે કે આઇસ્ક્રીમ ઠંડા જ સ્વભાવનો હશે ? દૂધનો સ્વભાવ પણ એવો જ ઠંડો હશે ? ઇલાયચી પણ ઠંડા સ્વભાવની હશે ? પણ આઇસ્ક્રીમ અને તેની મહીંની વસ્તુઓનો જેને પૃથક પૃથક બુદ્ધિજન્ય અનુભવ હોય, તે બધીય વસ્તુઓને ગુણોને આધારે પૃથક પૃથક જાણે અને આઇસ્ક્રીમ ઠંડો શાથી લાગે છે તેય જાણે. તે બુદ્ધિગમ્ય અનુભવથી જાણે. બુદ્ધિતત્ત્વ જ્યારે સંસારમાં આટલું બધું કામ કરે છે તો આત્મતત્ત્વ શું ન જાણે ? એ તો ડિરેક્ટ પ્રકાશ છે. સ્વાદ પારખવાની શક્તિ કોની ? આપણે રાત્રે અંધારામાં બેઠા હોય અહીં આગળ અને એક જણ આવીને કહેશે, ‘લ્યો પ્રસાદ’. ત્યારે કહે, ‘અલ્યા, તારો હાથ તો મને દેખાતો નથી.’ એટલે પછી આમ મોઢું આપણું જોઇને પછી કહે, ‘લ્યો મોઢામાં મૂકું, મોઢું પહોળું કરો’ તો આપણને મૂકી આપે એ શિખંડ. પછી પૂછે કે ‘શું છે આ ?’ તો અંધારામાં કહે કે ના કહે ? દેખાતું તો છે નહીં તો પણ ? પ્રશ્નકર્તા : જીભ કહે. અંદર ખબર પડી જાય પછી કે શું ખાધું એ. દાદાશ્રી : તેં જોયું નથી, કર્યું નથી પણ તોય સમજાયને ? શિખંડ છે એવું કહેને ? પછી મહીં શું શું હતું ? ત્યારે કહે, સાકર હતી. બીજું શું હતું ? ત્યારે કહે, બદામ પણ હતી. ત્રીજું શું હતું ? ત્યારે કહે, પિસ્તા હતા. ચોથું શું હતું ? ત્યારે કહે, ઇલાયચી હતી. પાંચમું કશું હતું ? ત્યારે કહે, હા, લીલી દ્રાક્ષ હતી. અને સહેજ ખાંડ વધારે છે કે ઓછી છે એ ખબર પડે કે ના પડે ? લ્યો, તમને દેખાતું છે નહીં છતાં કેટલું બધું તમે જાણો છો ? મહીં જાયફળ પણ છે, એવું તમને સ્વાદ આવે. તરત કહી આપો તમે, બધું વિગતવાર તમે કહી આપો. અંધારું છે ને શી રીતે ખબર પડી ? આંખોએ તે જોયું નથી. ત્યારે કહે, બધી પાંચેય ઇન્દ્રિયની પાછળ જાગૃતિનું પ્રમાણ છે. હવે તમે (આ જ્ઞાન લીધા પછી) જાણકાર છો. જાણકાર છે તે ભોગવનારો નથી, જાણકાર જાણકાર છે. પ્રશ્નકર્તા : બરોબર, જાણકાર જાણકાર છે. દાદાશ્રી : આ આત્માની શક્તિ જુઓ. બીજી કોઇ ઇન્દ્રિયોએ જોયું નથી. જીભ ઉપર મૂકતાંની સાથે જ આત્માએ કહી આપ્યું કે આમાં આ છે. એ આત્માની શક્તિ કેટલી ! એવી અનંત શક્તિવાળો આત્મા છે ! અંતે તો એ પ્રયોગી ગમે એટલા મોહ હશે તોય રાત્રે શિખંડની શોધખોળ કરે, તો શિખંડ એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા. જ્ઞાતાજ્ઞેય જ્ઞાનથી શું થાય ? અંદર શું શું નાખ્યું તે બધુંય કહેશે. પ્રશ્નકર્તા : હા, બધું કહી આપે. દાદાશ્રી : અને સહેજ જો કદી ગંધ આવતી હોય ને, સહેજ હિંગનો પાસ લાગી ગયેલું એવું વાસણ હોય, તેમાં જો અડેલું હોયને, તે પછી કહેશે, પણ સહેજ હિંગ નાખેલી લાગે છે. અલ્યા, નાખી નથી, ફક્ત પાસ અડ્યો છે. હવે કેટલી બધી શોધખોળ કરે છે ! ખબર ના પડે બધી ? ત્યારે તેે એવું શું યંત્ર છે કે આ બધું ખબર પડે છે ? કારણ કે છેવટે પોતે પ્રયોગી જ છે, એટલે ખબર પડે છે. પ્રશ્નકર્તા : પ્રયોગી ઊંઘે નહીંને એટલે ખબર પડે. દાદાશ્રી : હા, એને ખબર પડે, બધી ખબર પડે. જાગ્રત રહે છે. એટલે અંધારામાંય એને ખબર પડે. એટલે પછી હું એને કહું, કે શાથી આવું આ બધું થાય છે, જુદું પડે છે અંધારામાં ? આટલી બધી કેપેસિટી શાથી ? ત્યારે હું કહું કે, આટલા બધા મોહમાં હોવા છતાં એ પ્રયોગી પોતાનો પ્રયોગી સ્વભાવ છોડતો નથી, આટલી મૂર્છામાં રહેવા છતાંય. એટલે આફટર ઓલ બોલું છુંને ! ગમે એટલા સંસારી મોહ છે, એ બધાને બાદ કરતાંય પણ એ પ્રયોગી છે. આફ્ટર ઓલ હી ઈઝ પ્રયોગી (અંતે તો એ પ્રયોગી). ‘આફટર ઓલ’નો શો અર્થ થાય ? છેવટે આટલું બધું હોવા છતાં, આટલા બધા મોહનાં સાધનો હોવા છતાંય પણ એ છેવટે તો પ્રયોગી જ છે. જ્ઞેયને જાણે ‘જ્ઞાયક’ આ શિખંડ મોઢામાં અંધારી રાતે ઘાલી દે તો ? બધું ખબર પડે, નહીં ? અને પછી કહેશે, ‘અરે બધું ખરું, પણ લવિંગેય લાગે છે !’ લવિંગ ના હોય ત્યારે કહે, ના, કંઇ પડી ગયું હશે પણ લવિંગ લાગે છે. કલ્પનામાં ના આવે એવું ખોળી કાઢે. એને મહીં વગર લાઇટે શી રીતે જ્ઞાન થાય છે ? પ્રશ્નકર્તા : આ જ્ઞાનની કોને ખબર પડી ? એ જે લવિંગનો ટેસ્ટ આવ્યો એ કોને ખબર પડી ? દાદાશ્રી : જ્ઞાયકને. પ્રશ્નકર્તા : એ પહેલી ખબર જ્ઞાયકને પડે છે. પછી પેલું અજ્ઞાનતાથી અહંકાર કરે છે ? દાદાશ્રી : એ બહારનાં લોકોને. પ્રશ્નકર્તા : પણ એમનેય જ્ઞાયકનું જ પેલું લાઇટ તો ખરુંને ? દાદાશ્રી : ના, એમને જ્ઞાયક નહીં, જ્ઞાયક ઊભો જ ના થાય. પ્રશ્નકર્તા : તો એમને જાણપણું શાનાથી હોય છે ? એ બરોબર ખોળી કાઢે કે આ લવિંગ જ છે, આ એલચી છે, જરા ખોરી છે. દાદાશ્રી : એ તો અહંકાર છે. પ્રશ્નકર્તા : પ્રકાશ, જ્ઞાન, આત્માનું ખરુંને ? દાદાશ્રી : બુદ્ધિના પ્રકાશથી. પ્રશ્નકર્તા : લોકોને બુદ્ધિના પ્રકાશથી હોય અને જ્ઞાન પછી મહાત્માઓને આત્માના પ્રકાશથી એનું ડિમાર્કેશન કેવી રીતે હોય છે ? એની ખબર કેવી રીતે પડે ? દાદાશ્રી : બુદ્ધિનો પ્રકાશ એટલે અહંકારનો પ્રકાશ અને આ તો નિરહંકાર, આત્માનો પ્રકાશ. અહંકાર જતો નથી રહેતો, જ્ઞાન આપીએ ત્યારે ? અને પેલો તો ચંદુભાઇનો જ પ્રકાશ. પ્રકાશ કરનારો જ હું અને પ્રકાશ દેખાય છેય મને. આ તો જ્ઞાયકને દેખાય છે, જ્ઞાયક સ્વભાવને. આત્મા જ્ઞાયક સ્વભાવી છે. પ્રશ્નકર્તા : પણ એલચીનો સ્વાદ એને પૃથક્કરણથી નોંધ થયો હોય, કે ‘આને એલચી કહેવાય, એલચીનો સ્વાદ આવો હોય.’ ત્યાર પછી એને આ એલચી છે એવું ભાન થાય છેને ? દાદાશ્રી : હાસ્તોને ! પ્રશ્નકર્તા : એટલે એવું સમજવા માટે તો બુદ્ધિ ખરીને ? દાદાશ્રી : આત્માને સર્વ પ્રકાશનું ભાન છે. બુદ્ધિ તો જેટલું ચાખે એટલાનું ભાન. પ્રશ્નકર્તા : પણ દાદા, આત્માનો પ્રકાશ જો બધું જ જાણી શકતો હોય, પણ જે બધી રિલેટીવ વસ્તુઓ છે, જેનું એને જ્ઞાન એટલે કે એ જાણપણું, એકેયની ઓળખાણ થઇ નથી. કોઇએ ઓળખાણ કરાવી નથી, તો પણ એને સમજાવી શકે ? દાદાશ્રી : પોતાને અને પરને, સ્વનેપરને, બધું જાણકાર છે. રિલેટીવ પર કહેવાય અને સ્વ એટલે રીયલ. બધું જ જાણે, સ્વપર પ્રકાશક. ભોગવે છે માત્ર અહંકાર પ્રશ્નકર્તા : દાદા, એનો અર્થ એ થયોને કે આ ખાવામાં આનંદ આવ્યો એવું જે કહે છે એ અહંકાર છે ? દાદાશ્રી : અહંકાર જ ભોગવે છે આ બધું. શિખંડ મોઢામાં મૂક્યા પછી મહીં ટેસ્ટ આવે ત્યારે તપાસ કરીએ કે આ કોણ ટેસ્ટ ચાખે છે ? હું તો ‘શુદ્ધાત્મા’ છું, ત્યારે ખબર પડે કે ઓહોહો ! અહંકાર બધું ભોગવે છે આ ! અહંકારને શાથી આમાં ટેસ્ટ પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે મારે આ જોઈએ છે, મારે આવું જોઈએ છે, તે પ્રાપ્ત થયું, એટલે એ આનંદમાં આવી ગયો ને આનંદમાં આવ્યો એટલે પછી એને મસ્તી લાગે. બાકી આ તો બધું અહંકારનું જ છે. બીજું મન, બુદ્ધિ, ચિત્ત એ તો બધા એનાં ‘હેલ્પર’ (મદદનીશ) છે. જે છે તે અહંકારને છે. ખાવાનું સારું લાગ્યું તેનો વાંધો નથી, તન્મયાકાર થાય તેનોય વાંધો નથી. તેના પર જાગૃતિ રહેવી જોઈએ. આત્મા તન્મયાકાર થતો નથી, અહંકાર તન્મયાકાર થાય છે. સંસાર પ્રયોગ, સંસારી પ્રયોગી કઢી કરનાર અને કઢી બે જુદાં હોય કે એક જ હોય ? પ્રશ્નકર્તા : જુદાં હોય. દાદાશ્રી : કઢી અને કઢી કરનાર, કઢી એ પ્રયોગ છે. કઢી એ પ્રયોગ નહીં ? આ સાયન્ટિસ્ટોનો મોટો પ્રયોગ હશે, તો કઢી એય આમનો પ્રયોગ હશેને ? અને તે અઢાર વખત ઊભરા આવે ત્યારે કઢીપાક થયો કહેવાય. પેલો દૂધપાક થાય છે, એવી રીતે આ કઢીપાક થયો. તે આપણે કઢીપાક એય પણ પ્રયોગ છેને ? પ્રશ્નકર્તા : હા, પ્રયોગ છે. દાદાશ્રી : એ કંઇ જેવી તેવી વાત છે ? એટલે પ્રયોગી હોશિયાર હોય તો જ કઢી સારી બનાવેને ? પ્રશ્નકર્તા : હા, તો જ સારી બનાવે. દાદાશ્રી : આ સંસાર એટલે પ્રયોગ અને સંસારી એટલે પ્રયોગી. તે પ્રયોગી આ પ્રયોગ કરી રહ્યો છે. કઢીનો બનાવનારો કઢી બનાવી રહ્યો છે. એવી રીતે આ સંસારી સંસાર નામનો પ્રયોગ કરી રહ્યો છે. તે એની મહીં વસ્તુઓ બધી નાખે છે, આ નાખે છે, તે નાખે છે, લાડવા નાખે છે, ઢોકળાં નાખે છે, હાંડવો નાખે, બધું નાખે. એમાં શું પ્રયોગ થાય છે ? પછી વાયુ થઇ ગયો, એમ કહે. પછી બૂમો પાડે કે વાયુ થઇ ગયો, પિત્ત થઇ ગયો, કફ થઇ ગયો, તાવ ચઢી ગયો, પણ તે કોને ચઢ્યો ? પ્રયોગને ચઢ્યો, આપણને ચઢતો નથી અને પછી ઊભરાયને તો કઢી ઊભરાય ત્યારે આમ હાથ ઘાલીને લઇએ તો ? પ્રશ્નકર્તા : દઝાઇ જવાય. દાદાશ્રી : તે એવી રીતે આ ઊભરાય ત્યારે સંસારમાં હાથ ઘાલે છે લોકો. એના લાકડાં કાઢી લેવાનાં. આમ હાથ ઘાલીને લઇ લેવાનું ? પ્રશ્નકર્તા : ના લેવાય. દાદાશ્રી : તો તમે તો અત્યાર સુધી એવું જ લેતા હતા, મને મળતા પહેલાં ? પ્રશ્નકર્તા : હા, એટલે જ દાઝતા હતા. દાદાશ્રી : હવે લાકડાં કાઢી લઇએ તો ? પ્રશ્નકર્તા : પછી કંઇ ના થાય. કઢીનો ઊભરો વિરમી જાય. દાદાશ્રી : ત્યારે કહે છે લાકડાં નથી તોય ઊભરાય છે. ત્યાં આગળ નીચે દેવતા ભારે છે. એટલે ત્યારે દેવતા કાઢી લઇએ અને નહીં તો તે ઘડીએ લાકડાં કાઢતા વાર લાગે એવું હોય તો થોડું પાણી રેડી દઇએ તોય ટાઢું થઇ જાય કે ના થઇ જાય ? પ્રશ્નકર્તા : થઇ જાય. દાદાશ્રી : હાથથી ઊભરાને કાઢવા જઇએ તો ? પ્રશ્નકર્તા : દાઝી જવાય. દાદાશ્રી : તેથી આ જગત એકલું દાઝેલું ન હોય, પણ મોઢાં પણ બધાં બગડી ગયેલાં છે. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવું કરતું હશે કોઇ ? કઢી આમ હાથથી ઊભરાઇ જતી હોય તો એવું કરે કોઇ ? પ્રશ્નકર્તા : ના. પ્રયોગ તો જોવાનો ને જાણવાનો આ સંસાર એટલે પ્રયોગ છે અને સંસારી એટલે પ્રયોગનો કરનારો. પ્રયોગ અને પ્રયોગનો કરનારો બે જુદા હોય. હવે એ પ્રયોગને એણે જોયા કરવાનો કે આ નાખ્યું, ફલાણું નાખ્યું. આ મહીં છે તે આપણે પેલાં એમાં છે તે સોડા નાખીએ છીએને તો ઊભરાય છે. શેનાથી આમ થયું, કેમ લીલો રંગ થઇ ગયો, કેમ પીળો રંગ થઇ ગયો ? ત્યારે કહે, ‘હળદર નાખી તેથી પીળો થઇ ગયો. એ બધું આપણે જાણવું જોઇએ. અને કઢી ઊભરાઇ કેમ ? ત્યારે કહે, નીચે લાકડાં વધારે સળગે છે એટલે કઢી ઊભરાય છે. તે તો આપણાં લોક પછી ઊભરાય એટલે એનો ઉપાય જાણે નહીં, એટલે હાથથી આમ કઢી કાઢવા જાય છે. એટલે પ્રયોગી માણસ પ્રયોગમાં હાથ ઘાલે છે. પ્રયોગમાં પોતે પ્રયોગી સ્વરૂપ થઈ ગયો. મહીં હાથ નાખે છે અને કહે છે કે હું દાઝયો. અલ્યા મૂઆ, પ્રયોગ જુદો છે આ ! પ્રયોગ તો જોવાનો ને જાણવાનો. પ્રયોગીનો દરજ્જો છોડશો ન કદી પ્રશ્નકર્તા : બહારથી ઝઘડો આવે ત્યારે પણ એ જ રીતે ધ્યાન રાખવાનું ? પ્રયોગી તરીકે રહેવાનું અથવા જ્ઞાતાદ્રષ્ટા તરીકે રહેવાનું ? દાદાશ્રી : ઝઘડા થાય તો એ ઝઘડોય પ્રયોગનો છે, આપણો નથી. ઝઘડો શમે છે તેય પ્રયોગનો છે, ઝઘડો ઊભો થાય છે તેય પ્રયોગનો છે. ઝઘડામાં મારંમાર થાય છે તેય પ્રયોગ છે અને પાછા ફૂલહાર થાય છે તેય પ્રયોગ છે. પ્રશ્નકર્તા : પછી એને ફૂલહાર કરીને ફૂલસ્ટોપ (પૂરું) કરી દેવાનુંને ? દાદાશ્રી : નહીં, પ્રયોગ એની મેળે થાય છે જ. એની મેળે એ પ્રયોગ એવી રીતે થયા જ કરવાનો છે. તમારો દરજ્જો છે પ્રયોગી તરીકેનો, તે છોડી ના દેશો અને પ્રયોગમાં હાથ ઘાલશો તો દઝાઇ મરશો. કારણ કે હંમેશા સાયંટિસ્ટ હોય તે પ્રયોગમાં હાથ ઘાલે નહીં. વસ્તુ નાખે તે લીલી થઇ જાય એટલે સમજી જવું કે આમાં પરિણામ આવું આવ્યું. બીજી વસ્તુ નાખે, એને પાછું ચંચળ થઇને હાથ ના ઘાલે કે આ શું બગડી ગયું. બગડી ગયું એમ કરીને હાથ ના ઘાલે કે આ શું બગડી ગયું ! તે આપણાં લોક હાથ ઘાલે, એટલો જ ફેર છે. પ્રયોગીએ ધ્યાન શું રાખવાનું ? હવે આપણે વિજ્ઞાનની પ્રયોગશાળામાં કંઈ પ્રયોગ કરતા હોઈએ તો બધી વસ્તુઓ મહીં નાખીએ, હવે એને આંગળી ઘાલીને જોઈએ છીએ એ વસ્તુને કે ચીપીયો મૂકીને ? પ્રશ્નકર્તા : ચીપીયો મૂકીને. દાદાશ્રી : એટલે આ તો પ્રયોગ છે. આમાં હાથ ના ઘાલી દેવાનો. હાથ ઘાલી દો છો ને પછી બૂમાબૂમ કરો છો. એ તો આમ રીતસર જોઈ અને વસ્તુને ચીપીયાથી કામ લેવાનું. હવે પેલા પ્રયોગમાં તો ભૂલે નહીંને ! એ આંખે દેખીતો પ્રયોગ છે ને આ આંખે દેખાતો નથી એટલે ભૂલ ખઈ જાય છે. આય પ્રયોગ જ છે. પ્રયોગ શું થઈ રહ્યો છે એને જોયા કરવાનું છે. પહેલાં પ્રયોગથી પોતે જ પ્રયોગ સ્વરૂપ થઈ ગયો હતો અને હવે (જ્ઞાન પછી) પ્રયોગી ને પ્રયોગ બે જુદા છે. પણ જુદા થયાં પછી હાથ ઘાલે તે ચાલે તે કેમ ? લોકોય વઢે, કહેશે, ‘અલ્યા, કઈ જાતના તમે સાયન્ટિસ્ટ થયા તે ? તમને કેવું લાગે છે ? તમને સમજાયું ? મેં જુદું કરી આપ્યું. તે પ્રયોગી અને પ્રયોગ તમે એકાકાર થઈ ગયા હતા, તે મેં જુદું કરી આપ્યું. તમે આ પ્રયોગી ને આ પ્રયોગ. પ્રયોગ જોયા કરવાનો. લીલો થયો, લાલ થયો, આમ થયો, તેમ થયો. એટલે આપણે બીજો કોઈ મસાલો નાખવાનો પાછો મહીં પણ આંગળી નહીં ઘાલવાની. પહેલા ઘાલતા હતા તે તો જાણે ભાન નહોતું તેથી. હવે ભાન આવ્યા પછી જો આવું કરીએ તો આપણી ભૂલ છેને ! પ્રયોગ ને પ્રયોગી બે જુદા હોય કે એક જ હોય ? પ્રશ્નકર્તા : જુદા હોય. આપણે જુદા ને પ્રયોગ જુદો દાદાશ્રી : તો બસ. એ પહેલાં એક થઈ ગયેલું હતું. હું જ છું ચંદુભાઈ. અલ્યા, ચંદુભાઈ તો પ્રયોગ છે. કેટલી બધી વસ્તુ ભેગી થઈને ચંદુભાઈમાં લોહી થાય છે, માંસ થાય છે, સંડાસ થાય છે. બધું એ કંઈ સંડાસવાળા આપણે છીએ ? ન્હોય. આપણે જુદા ને આ પ્રયોગ જુદો. એટલે આપણા લોક નથી કહેતા, બટાકા ખાધા વાયુ થઈ ગયો. ત્યારે કહે, મૂઆ, પ્રયોગ છે એમાં. તે તારે જાણવું જોઈએ, હવે થોડી સૂંઠ ફાક. આપણા લોક કેરીઓ ખાય છે ને ! અલ્યા ! વાયડુ છેને ! વાયુ થાય છેને, કેરીઓ શું કરવા ખઉં છું ? સૂંઠ નાખી છેને, કહે છે. આટલી નાખી છે. આમ સમજે છે પ્રયોગ છે આ બધો. પ્રયોગી ને પ્રયોગ બે જુદા જ છે. પ્રયોગ અને પ્રયોગી બે જુદા હોય કે એક હોય ? ‘ચંદુ’ એ પ્રયોગ છે ને ‘પોતે’ પ્રયોગી છે. હવે પ્રયોગને જ પ્રયોગી માની બેઠો છે. પ્રયોગમાં વસ્તુઓ કાઢવાની હોય, નાખવાની હોય. જ્યારે પ્રયોગીમાં પૂરણગલન ના હોય. આ પ્રયોગમાં ખાવાનું નાખવાનું હોય ને સંડાસમાં બાથરૂમમાં ગલન કરવાનું હોય. તમે અને ચંદુભાઈ બે જુદા છે. આ તો પ્રયોગની મહીં તમે પોતે તન્મયાકાર થઈ ગયા છો, તદ્રૂપ થઈ ગયા છો. ડિપ્રેશનના આધારે કે એક્ટ્રેશનના આધારે જે વિચારો આવે છે તે બધા વિચારો ખોટા છે. નોર્માલિટીથી જે વિચારો આવે છે તે જ કરેક્ટ છે. પ્રયોગને કૃષ્ણ ભગવાને ક્ષેત્ર કહ્યું ને પ્રયોગીને ક્ષેત્રજ્ઞ કહ્યું. પોતે ક્ષેત્રજ્ઞ છે. ભૂલ્યો ભાન પોતે, પ્રયોગોની મૂર્છનામાં પ્રયોગી તું પોતે. એટલે આ છે તે ચંદુ અને તું જે છું પોતે શુદ્ધાત્મા સ્વરૂપે. પ્રયોગની અંદર બધું નાખવાકરવાનું, પ્રમાણ બધું, પ્રયોગ બધો ચાલે જ છે આ. એટલે પ્રયોગી પોતે છે. આ પ્રયોગની મૂર્છનામાં પોતે પડ્યો, એટલે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો. પ્રયોગોમાં હાથ ઘાલવા જાય. અત્યારે તમે બે વસ્તુઓ નાખીને ઉકાળતા હોય, એમાં હાથ ઘાલીએ તો શું થાય ? તેમાં ખબર પડી જાય પણ આમાં ખબર નથી પડતી, એટલે હાથ ઘાલવા જાય છે. ભિન્નતા પછી વર્તાતી નથી. હું જુદો છું એ વર્તાય નહીંને પછી. પ્રશ્નકર્તા : મૂળ પ્રયોગી કોણ ? દાદાશ્રી : એ આત્મા જ પ્રયોગી. આ તો એ ભાષામાં સમજાવવા માટે બોલેલા કે પ્રયોગી માણસ છે તે પ્રયોગથી જુદો છે. તે આ પ્રયોગથી આ પ્રયોગી જુદો છે, એવું સમજાવવા માટે કહે છે. આત્મા પ્રયોગી છે, નહીં કે અપ્રયોગી છે. તેની તુલના કરવાની નહીં, એ સમજાવવા માટે છે. પ્રશ્નકર્તા : જેમ પ્રયોગ કરનાર પ્રયોગથી જુદો છે એવી રીતે દેહથી આત્મા જુદો છે ? દાદાશ્રી : આ દેહ પ્રયોગ છે, એનાંથી જુદો છે આત્મા. એમાં ડખલ ના કરશો. આ તો વિજ્ઞાન છે. તે વિજ્ઞાનમાં જે કહ્યાથી જુદું કરે તો નવી જ જાતનો પ્રયોગ થઈ જાય ! આ તો જગત આખુંય પ્રયોગ કરી રહ્યું છે અને પોતે પ્રયોગી છે, પ્રયોગમાં પોતે હાથ ઘાલે તો શું થાય ? પ્રયોગમાં તો જે નાખીએને, એનાં પછી રિઝલ્ટ જોયા કરવાના હોય, બીજું કશું કરવાનું ના હોય ! તેના બદલે કહે છે, ‘ખરી મજા આવી.’ આ કહ્યું કે મૂઓ ફસાયો. પ્રયોગ ને પ્રયોગી એક સ્વરૂપે થઈ ગયા. તમે શુદ્ધાત્મા પ્રયોગી અને આ બહાર પ્રયોગ કર્યા છે, તે એમાંથી દહીં નાખો, મીઠું નાખો, છાશ નાખો, એ બધું નાખો. મહીં શું શું થાય છે, વાયુ થઈ જાય, કફ થઈ જાય, આ બધાં તમારે રિઝલ્ટ જોયા કરવાના. તેને બદલે હું જ છું, હું જ છું, હું જ છું, તે પેલું રિઝલ્ટ જોવાનું રહી ગયું. અને પાછો શું કહે ? હું કરુંું છું અને હું જાણું છું. આ કર્યુંય મેં અને જાણ્યુંય મેં. અલ્યા મૂઆ, કર્તા ને જાણનાર એક ના હોય. આ તો મિક્ષ્ચર થઈ ગયું છે કંઇક. જાણે એ કોઈ દા’ડો કરી શકે નહીં. કરે એ કોઈ દા’ડોય જાણી શકે નહીં. તો આ શું ? આ તો મિક્ષ્ચર થઈ ગયુંુ છેે. એટલે મિશ્રચેતન થઈ ગયું છે. મિશ્રચેતન છે પણ ચેતન જેવાં લક્ષણ દેખાય, પણ ચેતન એમાં બિલકુલ હોય નહીં. એટલે વાત બહુ ઝીણવટથી સમજવાની જરૂર છે. જોયા કર પ્રયોગી, પ્રયોગને હંમેશ એવી રીતે આપણે શરીરમાં જે નાખ નાખ કરીએ છીએ, ખાવાનુંપીવાનું તે બધું પ્રયોગ છે. એને જુઓ ને જાણો. અને લઢંલઢા થાય છે તેય પ્રયોગ છે. એનેય જુઓજાણો. આ પ્રયોગ જે ચાલી રહ્યો છે, તેને જુઓ ને જાણો. તમે પ્રયોગી છો, નહીં કે પ્રયોગ છો. એટલે શું શું જોવાનું ? પ્રશ્નકર્તા : જે કંઇ થાય તે જોતા રહેવાનું. દાદાશ્રી : ચંદુભાઇને કોઇ ગાળો ભાંડે તોય તમારે ચંદુભાઇનું મોઢું જોવું અને ગાળો ભાંડનારનુંય જોવું. બન્નેનાં મોઢાં જોવા, એનું નામ પ્રયોગી કહેવાય. પ્રશ્નકર્તા : એ ખરો પ્રયોગી ? દાદાશ્રી : ખરો પ્રયોગી. હવે વાત અઘરી નથીને ! પ્રશ્નકર્તા : ના, અઘરી નથી. દાદાશ્રી : અનસોલ્વેબલેય (ઉકેલી ના શકે તેવી) નથીને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : શાથી પણ સોલ્વેબલ (ઉકલે તેવું) થયું નહોતું ? પ્રશ્નકર્તા : કોઇ બતાવનાર જોઇએને ! ચોપડીમાં તો બધું લખ્યું હતું એટલે આમ આમ કરવાથી આમ આમ થાય પણ... દાદાશ્રી : કશું વળે નહીંને ! પ્રયોગ અને પ્રયોગી જુદા છે એવું કોઇ જગ્યાએ લખ્યું નથી. એક જ છે, આ હું જ છું, કહે છે. પ્રશ્નકર્તા : એટલે દાદા, આપણે જમીએ એ પણ પ્રયોગ કરીને જોયા કરવાનું ? શરીરમાં ખાવાનું નાખીએ તે ? દાદાશ્રી : તેય આપણાં લોકો પાછા કહે છેય ખરાં, મને વાયુ થઇ ગયો. મેં કહ્યું, ‘શાથી ?’ ત્યારે કહે, ‘બટાકા ખાધા છે.’ એ તો આ પ્રયોગ તું જાણું છું ત્યારે પાછા મૂઆ શું કરવા કહે છે કે મને વાયુ થઇ ગયો ! હવે એ જુદો છે ને તું જુદો છે. ઢોકળાં ખાધા ને ઝાડા થઇ ગયા છે ત્યારે તું જાણું છું પ્રયોગમાં શું થયું તે. ઢોકળાં ખાવાથી ઝાડા થઇ ગયા એવું જાણું છું તું અને પાછો તું પ્રયોગી છું ! એવું ના કહે ? પ્રશ્નકર્તા : કહે, એમ જ કરે છે બધાં. દાદાશ્રી : ચા પીધી તે ઊંઘ ના આવી. અલ્યા મૂઆ, તે તું પ્રયોગ જાણું છું કે આ ચા પીધી એટલે ઊંઘ ના આવે, તો ઊંઘ ના આવી તે પ્રયોગ છે અને ચા પીધી તેય પ્રયોગ છે, તું જાણ. હવે તારે આને ઊંઘ આવવા દેવી હોય તો તારે ચા બંધ કરી દેવડાવી. આ પ્રયોગમાં ચા નહીં નાખવાની. ન થશો પ્રયોગ સ્વરૂપ પ્રશ્નકર્તા : પણ પેલો સ્વાદ હોયને બધો, સ્વાદથી બહુ ખવાય છેને ! સ્વાદથી જ બધું ખવાયા કરેને ! દાદાશ્રી : સ્વાદ એટલે પ્રયોગમાં હાથ ઘાલવો. હજુ સ્વાદ આવે છે પ્રયોગમાં ? પ્રશ્નકર્તા : કોઇ કોઇ ખાવાની બાબતમાં ભૂલી જવાય, જમતી વખતે. દાદાશ્રી : શું ભૂલી જવાય ? પ્રશ્નકર્તા : એય (ખાવાનું) સારું બન્યું હોય ત્યારે ! દાદાશ્રી : પણ મેં કહ્યું છેને, સારું લાગે તે રોફથી ખાવ. પણ આ પ્રયોગ છે એને ના ભૂલો. પ્રશ્નકર્તા : બરાબર, આ પ્રયોગ છે એ નહીં ભૂલવાનું. દાદાશ્રી : નહીં તો ખબર શી રીતે પડે, રોફથી ના ખાય તો ? એટલે મેં શું કહ્યું હતું, કે તમે રોફથી ખાવ. એ શું કહેવા માંગતા હતા ? અમે આ સ્વાદથી ખઇએ છીએ તે ખોટું છે તો સ્વાદથી ના ખાવ તો ખબર શું પડે કે મહીં શું હતું કે શું નહીં ? પ્રશ્નકર્તા : ન ખબર પડે. દાદાશ્રી : એટલે તમે મૂર્ખ બનો. તમારે પ્રયોગમાં તો બધી વાત બહાર પાડવી જોઇએ કે બદામ હતી, ફલાણું હતું. એટલે સ્વાદિષ્ટ રીતે ખાવું જોઇએ. હું દરેક ચીજ એટલી બધી સ્વાદિષ્ટ રીતે ખઉં છું, ભલે ને ખીચડીકઢી ખઉં પણ સ્વાદિષ્ટ રીતે. તમે દૂધપાક ના ખાવ એટલા સ્વાદથી હું ખીચડીકઢી ખઉં છું. પણ હું પ્રયોગરૂપે નથી થતો, પ્રયોગી તરીકે જ રહું છું. સ્વાદ ચાખીને છોડો પ્રશ્નકર્તા : તો આ સ્વાદથી વધારે ખવાઇ જાય, તે વખતે પોતે પ્રયોગી જ રહેવાનો ? દાદાશ્રી : સ્વાદ પ્રયોગનો છેે, એમાં આપણે શી લેવાદેવા તે ? પ્રયોગી ને પ્રયોગ બે જુદા રહેવા જોઇએ કે ના રહેવા જોઇએ ? આ તમારી સમજણ શું કહે છે ? પ્રશ્નકર્તા : હા, રહેવા જોઇએ. દાદાશ્રી : હવે ખરો ન્યાય શું કહે છે કે સ્વાદ ચાખીને છોડો. આ શિખંડ છે તે એમને એમ ગળી જવાનો શો અર્થ છે ? ચોંટી ના પડે એટલા સારુ ! એટલે પ્રયોગી ઊડી ગયો. હવે એ વાતની આ લોકોને ખબર જ નથી. પ્રશ્નકર્તા : એબ્સંટ માઈન્ડેડ (મનની ગેરહાજરી) રહે તો ના ચાલે ? દાદાશ્રી : એબ્સંટ માઈન્ડેડ તો ચલાવાય જ નહીં ને ! અને માઈન્ડ એબસન્ટ રહે તો થોડો વખત ચલાવી લેવાય, પણ ચિત્ત એબ્સંટ ના રહેવું જોઈએ. આ જે શિખંડ ખાય છે ને એની મહીં ચિત્ત કામ કરી રહ્યું છે કે મહીં શું છે ? ત્યારે ચિત્ત જોઈને કહે, ઈલાયચી દેખાય છે, વાટેલી છે. મહીં એકબે દાણા આખાય છે, કહેશે. આ ખાય તો એને ખબર પડે ? પ્રશ્નકર્તા : હા, પડી જાય એ તો. દાદાશ્રી : એ ચિત્ત કામ કરે છે. ચિત્તની પ્રેઝન્સ (હાજરી) છે. પ્રયોગીને પ્રાપ્ત પરમાનંદ પ્રશ્નકર્તા : હા, બરાબર. એટલે પ્રયોગની અંદર આનંંદ પડવાનું કારણ પણ એ જ હશે કદાચ ? દાદાશ્રી : પ્રયોગમાં આનંદ હોય જ નહીં. પ્રયોગમાં શાતા અને અશાતા હોય. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુ:ખ. અનુકૂળ આવ્યું એ સુખ અને પ્રતિકૂળ આવ્યું એ દુ:ખ. કો’ક ફેરો હાથ ઘાલ્યો, એકદમ લાય બળવા માંડી અને કો’ક ફેરો હાથ ઘાલ્યો તો સરસ ઠંડક લાગી. પ્રશ્નકર્તા : પ્રયોગમાં હાથ ઘાલવાથી ઘડીકમાં સુખ લાગે અને ઘડીકમાં દુ:ખ લાગે. દાદાશ્રી : એમાં સુખ લાગે છે ત્યારે રાજી થાય છે અને દુ:ખ લાગે છે ત્યારે ચિઢાયા કરે છે. ત્યારે મેલને પૂળો ! પ્રયોગમાં હાથ ઘલાય જ નહીં. પ્રશ્નકર્તા : અને પ્રયોગમાં હાથ ઘાલ્યા વગર રહે તો આનંદ મળેને ? દાદાશ્રી : તો પરમાનંદ મળે. તે આ ઘાલે એવો નથી પાછો. આ તો લોકોના હાથ ઘાલતા દેખે છે. એટલું હુંય કંઇ છોડું એવો છું કે, કહેશે ! તે એ લોકોનું દેખીને કરે છે. આ બધા પ્રયોગી હાથ ના ઘાલે તો એય ના ઘાલે પછી. પણ આ તો લોક ટેવ છે કે પ્રયોગમાં હાથ ઘાલતા આવ્યા છે અને લોકોને શિખવાડતા જાય છે. પ્રયોગી પ્રયોગ સ્વરૂપ થાય તો ? પ્રશ્નકર્તા : તો આપણે પ્રયોગ કરતા કરતા હાથ ન ઘાલીએ તો સુખદુ:ખ ના આવે ? દાદાશ્રી : હાથ ન ઘાલીએ એટલે. એટલે એને સુખદુ:ખ જેવી વસ્તુ જ નથી, એને શાતાઅશાતા કહે છે. શાતાઅશાતા પણ આપણી ગામઠી ભાષામાં એને સુખદુ:ખ કહો, તો સુખ અને દુ:ખ ઉત્પન્ન ન થાય તો એને પરમાનંદ નિરંતર રહે અને જેને સુખ ઉત્પન્ન થયું, તેને દુ:ખનો પ્રયોગ ઓટોમેટિક (એની મેળે) મળી આવશે અને દુ:ખ ઉત્પન્ન થયું માટે સુખનો પ્રયોગ પાછો મળી આવશે. એટલે પ્રયોગી હતો તે પ્રયોગ સ્વરૂપ થઈ ગયો. તેનું ફળ આ ભોગવટો આવ્યો. પ્રશ્નકર્તા : શેઠ પોતે હતો, એનો નોકર થઈ ગયો એ. માલિકની જગ્યાએ નોકર થઈ ગયો. દાદાશ્રી : ના, એવું નહીં. માલિક ને નોકરને લેવાદેવા નથી આમાં, આ તો પ્રયોગી અને પ્રયોગ, બે એકાકાર હોય જ નહીં, એવું આખું જગત એક્સેપ્ટ કરે. બધા જ લોકો એક્સેપ્ટ કરે. કઢી અને કઢીનો બનાવનાર બે એક હોય એવું કોઈ કહે નહીં. કઢી જુદી અને તમે જુદા ! તમે જાતે કરી છે ? કઢી ઊભરાય ત્યારે હાથ ઘાલે ? પ્રશ્નકર્તા : તમે જ્ઞાન આપો પછીથી તો એવું કોણ કરે ? તમે ફોડ પાડીને સમજાવો, પછી કોઈ ન કરે. દાદાશ્રી : એ તો પાછળથી બહાનું કાઢે કે ઊભરાઈ જતી હતી. ત્યારે આપણે કહીએ કે ઊભરાય ત્યારે લાકડાં કાઢી લેવાના. એનું જ્ઞાન સમજો. લાકડાં કાઢી લે અને લાકડાં ના કઢાય એવી સ્થિતિમાં હોય, દઝાવાય એવું હોય, લાકડાં બળી રહ્યા હોય અને મહીં હાથ ઘાલીએ તો દઝાવાય એવું હોય, સાણસી હોય નહીં, તો પાણી રેડી દે ઝટ. એનો ઉપાય જાણવો જોઈએ. એટલે પ્રયોગી થઈશ તો ઉપાય જાણીશ. પ્રયોગ સ્વરૂપ થઈશ તો ઉપાય નહીં જાણું. નહીં જાય પ્રયોગ, વ્યવસ્થિત બહાર પ્રશ્નકર્તા : પ્રયોગ થઈ જાય તો એને સુખદુ:ખ મળે એટલું જ ને કે બીજું પણ કંઈ રિઝલ્ટ (પરિણામ) મળે ? દાદાશ્રી : સુખદુ:ખ મળ્યું એટલે બીજ પડ્યા, અને બીજ પડ્યા એટલે સંસાર ચાલુ થઈ ગયો પાછો. સંસાર કાયમ માટે ચાલુ થઈ ગયો. પોતાનો આનંદ છૂટ્યો કે (પ્રાપ્ત થાય એટલે) બીજ પડવાનું અટકે. હવે પોતાના આનંદમાં બેસે એવું મેં તમને કરી આપ્યું છે. છતાં એક અવતાર જરાક ભૂલચૂક થયા કરે તો બીજે અવતારે રાગે પડી જશે. અને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે. પ્રયોગી માણસને એમ કહ્યું છે કે તારો પ્રયોગ આથી બહાર બગડશે નહીં, એવું વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે. અનાદિથી ટેવ પડી એટલે... પ્રશ્નકર્તા : તો અમે લોકો આ પ્રયોગમાં ક્યાં ભૂલ કરીએ છીએ ? દાદાશ્રી : તમે લોકો પ્રયોગી છો, તે ઘડીએ એ ખ્યાલ ખોઇ નાખો છો. કારણ કે ટેવ પડી છે ને અનાદિની, કઢીમાં હાથ ઘાલવાની અને પછી બૂમાબૂમ કરવાની. પછી ઉનાળામાં બરફ અડાડવાની ટેવ પડેલી હોય. તે ઠંડક લાગે છે તેય ટેવ પડી ગયેલી. અમને ઠંડક લાગે છે તેય ટેવ નથી અને પેલીય ટેવ નથી. પ્રશ્નકર્તા : તો આ પંખો ચલાવીને પવન ખઇએ એવી જ ટેવને ? દાદાશ્રી : એ ટેવ જ બધી. પંખો ખાવાનો વાંધો નથી, પણ પંખો ખાઈ ને ‘હાશ’ બોલવું એ વાંધો છે. ‘હાશ’ કહ્યું એટલે તન્મયાકાર એમાં થયો, એ પ્રયોગમાં થયો તન્મયાકાર. એ પ્રયોગી તરીકે રહો. એટલે કે આપણે તો કહેવું કે ઓહો ! ચંદુભાઇ તો હાશ બોલ્યા, ચંદુભાઇને સંતોષ થયો. જુઓ પ્રયોગના પરિણામ, પ્રયોગી થઈ પ્રશ્નકર્તા : પણ એનાથી શો ફાયદો થાય ? આપણે જમતી વખતે જ બહુ ધ્યાન રાખવાની જરૂર છે ? દાદાશ્રી : ના, ના. બધું ધ્યાન રાખવાની શેની જરૂર ? ધ્યાન રહે છે જ, મહીં મોઢામાં ઘાલ્યું તોય, શિખંડ છે ખ્યાલમાં રહે ! નથી રહેતું ? પ્રશ્નકર્તા : ના, પણ પેલું વધારે ખવાઇ જાય છે એ એને મુશ્કેલીઓ કરે છે. દાદાશ્રી : વધારે ખવાય એ તો પ્રયોગ છે. ઓછું ખવાય કે વધારે ખવાય એ પણ પ્રયોગ છે. પ્રશ્નકર્તા : હા, પણ એની હદ હોયને ? એની હદ રાખવાની કે નહીં ? દાદાશ્રી : ના, એ તો બીજે દહાડે એના પ્રયોગનું ફળ આવશે ને, અજીર્ણ થાય ત્યારે. પ્રશ્નકર્તા : હા, એ તો આવશે જ. દાદાશ્રી : એટલે આપણે બીજે દહાડે જાણવું કે આ આમ કરવાથી આ આમ થયું, અજીર્ણ થયું. માટે હવે આમ કરવાની જરૂર છે. એ પ્રયોગી માણસ બધું જોયા જ કરે. પ્રયોગમાં શી હકીકત બને છે, તેનું પરિણામ શું આવે છે એ જોયા કરે, પરિણામની નોંેધો કરે. પેટ બાંધતું નથી, સ્વાદ બાંધે છે પ્રશ્નકર્તા : પણ પેલા પ્રયોગમાં શું થઇ જાય છે કે પેટ કહે છે કે હવે નથી ખાવું, પણ સ્વાદ કહે કે ખાવું છે. દાદાશ્રી : ધરાઈને ખાવા માટે ખોરાક નથી, ભૂખ્યાએ (સમજીને) ખાવાનું છે. પેટને તો વાંધો જ નથી. પેટ બાંધતું નથી. એ સ્વાદ કહે છે તેય બરાબર છે, કારણ કે ખાવું છે તે કહે છે. ખાય છે બરાબર, પેટ ના કહે છે તેય બરાબર છે અને પછી સ્વાદેય એની મેળે બંધ કરશે, પેટમાં ઉભરામણ થશે એટલે. પ્રશ્નકર્તા : હા, પણ એમ કંઇ હંમેશા ત્યાં સુધી ઓછું જવાય ? એ લેવલ સુધી જમ્યા કરવું એ સારું નહીંને ! પેટ ના કહે અને જીભ કહે કે ખાવ, એવું કંઇ રોજ ઓછું ચાલે ? દાદાશ્રી : ના, એમાં પ્રયોગનો વાંધો નથી. પ્રશ્નકર્તા : પ્રયોગનો વાંધો નથી ? દાદાશ્રી : કોઇ જાતનો વાંધો નથી. (તમે) પ્રયોગી તરીકે રહો. પ્રશ્નકર્તા : પ્રયોગી તરીકે રહો અને વધારે ખાવ તો પણ વાંધો નથી ને ? દાદાશ્રી : વધારે ખાવ તેનું ફળ તો બીજે દહાડે ઓછું ખાશો, એ નિયમ જ છે. પ્રશ્નકર્તા : એમાં સંપૂર્ણ ઉતરવાનો પ્રયત્ન કરીશું. દાદાશ્રી : એમ ! ત્યારે સારું. સ્વાદ લેનારનો ગુનો જલેબીનો ગુનો નથી, ખાનારનોય ગુનો નથી, ગળપણનો સ્વાદ લેનારનો ગુનો છે. ખાવામાં કોઈ જાતનો ગુનો છે જ નહીં, આપણું અક્રમ વિજ્ઞાન આવું કહે છે. પ્રશ્નકર્તા : ગળપણનો સ્વાદ જીભ તો બતાડ્યા વગર રહે નહીંને ! જીભની ઉપર ખબર પડી જાયને કે આ ગળ્યું છે. દાદાશ્રી : જલેબી ગળી લાગે છે તેય જડનો ગુણ છે. ગુણ જડનો છે, ભાવ (રાગદ્વેષ) આત્માનો છે. અહીં કેમ ગળ્યું થયું અને અહીં કેમ ખાટું થયું ? ગુણ તો છે એમનો પોતાનો, પણ ભાવ આત્માનો છે. આ ભાવનો આપણે અભાવ કરી નાખીએ, પછી છે તે તમે ખાવ તો વાંધો નથી. પછી પુદ્ગલ પુદ્ગલને ખાય છે. ભાવને તમારે અભાવ કરી નાખવો ના જોઈએ ? અગર તો આપણી નવી સિસ્ટમ પ્રમાણે એમ કહેવું જોઈએ કે આહારી આહાર કરે છે અને હું તો નિરાહારી છું. એટલે પેલો ભાવ નીકળી જ ગયોને ! પછી આપણો ભાવ નીકળી જાય. ઉડાવવો ખાવાનો મોહ આમ પ્રશ્નકર્તા : પોતાને જે ખાવાનો મોહ હોય, એ આખો કેવી રીતે ઉડાવવો ? દાદાશ્રી : એણે શું ખાધું એ બધું જાણવું આપણે, આખા દહાડામાં શું ખાધું તે ! માંગીને ના ખાવું જોઇએ અને ચંદુભાઈને કહી દેવું જોઇએ કે માંગીને ના ખાવું. જે થાળીમાં આવે તે ખાજે, કહીએ. પ્રશ્નકર્તા : એવું તે શું કર્યું કે અમે આવો મોહ ભરી ભરીને લાવ્યા ? દાદાશ્રી : ગમ્યું તેથી. ના ગમત તો ના લાવત. ના ગમ્યું હોય તો (મોક્ષે) જતાં રહેત. આશીર્વચને મોહ ક્ષય પ્રશ્નકર્તા : તમે પેલું શું બોલવાનું કહ્યું’તું ? દાદાશ્રી : અમે દાદા ભગવાનના આશીર્વાદ લીધા છે. તે હવે ખાવાની વૃત્તિઓ, તમે છૂટી જાવ. હે ખાવાની વૃત્તિઓ, તમે છૂટી જાવ, એવી રીતે બોલવાનું. અત્યારે જઈને બોલો. બપોરે બોલજો, સાંજના બોલજો. ત્રણ વખત બોલજો, જાઓ. તે સારામાં સારું હથિયાર છે ને ? પ્રશ્નકર્તા : હા, દાદા, બેસ્ટ. આહારીથી પોતે જુદો, નિરાહારી પ્રશ્નકર્તા : જમવાનો વિચાર આવે, એ પોતે આહારી થાય છે તેટલા માટે આવે છે ? નહીં તો પછી એને જમવાનું ભેગું થાય ત્યારે ખઇ લે, પણ પેલું વિચારણામાં ના હોય. દાદાશ્રી : આહારીને જ વિચાર આવે. પછી મહીં થાય કે મને ભૂખ લાગી. એ આહારીને સુખ લાગે. આપણા જ્ઞાનને જે સમજ્યા છે ને તે ચાર લાડવા ખઇ જાય તોય અમે જાણીએ કે આ આત્મા છે. દૂધપાક વધારે લેવાઇ જાય તેથી કંઇ ગુનો થયો ? પ્રશ્નકર્તા : એ ગુનો ના કહેવાય. દાદાશ્રી : ઓછો લેવાય તેને ઇનામ આપવું ? પ્રશ્નકર્તા : ના, બરોબર. એ બેઉ પોતાનો ધર્મ નથી. પછી જો તાવ આવ્યો, તો કહે છેને, મને તાવ આવી ગયો ? એની જ અસરો થાય છે. એવું આમાં અસર થાયને ? દાદાશ્રી : તાવમાં અસર થાય, આમાં ના થાય. પ્રશ્નકર્તા : ના. પછી આ જે દાઢ દુ:ખેને, તો પછી કહે કે, આ મારી દાઢ દુ:ખી. આમ એ બોલે તો એની અસર થાયને ? પણ તમે એક વખત બોલેલા કે પછી આ અંદરથી પાછું લૂછી કાઢું કે આ અંબાલાલની દાઢ દુ:ખે છે, મારી નહીં. દાદાશ્રી : બોલ્યા પણ લૂછી કાઢવું. પ્રશ્નકર્તા : એવું આમાં, ચાર વાડકા દૂધપાક પીએ એનો વાંધો નહીં કે બે પીએ એનો વાંધો નહીં, પણ આ અંદરથી પોતાને રહેને, કે ખાનારો આ છે, પોતે નિરાહારી છે. દાદાશ્રી : એમને એમ જ રહે, આપણે કહેવુંય ના પડે. જ્ઞાનીનો ઉપયોગ કેવો ? હું જમું છું તે તમે જોવા આવજો. હું જમું છું ત્યારે ભાત ને દાળ ભેગું કરતો નથી. કો’ક દહાડો કરું વળી. બાકી ભાતદાળ, શાકબાક બધું જુદું, રોટલી ચાવતો હોય તે ઘડીએ શાક મોઢામાં ના મૂકું. જુદા જુદા ટેસ્ટ લઈને ખઉં છું. નહીં તો ટેસ્ટ ના લઈએ તો આત્મા હાજર ના થાય, જાણકાર હાજર ના થાય. હું કંઈ તમને એવું નથી કહેતો કે તમે આવું કરજો. હું આવી રીતે કરું છું. અને જોડે જોડે કોણ ખઈ રહ્યું છે, કોણ ચાવી રહ્યું છે, કેવો સ્વાદ છે, તે સ્વાદ કેવો છે, કોણ ભોગવી રહ્યું છે અને હું શું કરી રહ્યો છું, આ બધું સાથે જાણતો હોઉં, એકએક કોળિયે. સ્વાદ ભોગવી રહ્યો છે, આનો સરસ સ્વાદ છે, તે અમે ખબર આપીએ. કારણ કે હું જાણકાર. એટલે હું ખબર આપું કે બહુ સરસ છે. એટલે પેલો ભોગવનાર, હું જાણકાર. એવી રીતે આ બધું જ કરે છે ! તે મને જમતા જરા ટાઈમ લાગે છે. તમે ચાર રોટલી ખાવ ને હું એક રોટલી ખાઉં પણ ટાઈમ તમારોમારો બધો સરખો થઈ જાય. જ્યારે મને થોડી વાર લાગે. ત્યારે કોઈ કહેશે, ઘૈડપણમાં દાંત નહીં હોય એટલે તમે બહાનું કાઢો છો. ત્યારે તેવું યે નથી. હું તમારા કરતાં વધારે ચાવીને ખઉં છું. ભલે ઓછા દાંત હશે પણ તમારા કરતાં વધારે ચાવીને ખઉં છું. કારણ કે હું ઓગાળું છું ત્યાં સુધી મહીં ઉતરવા જ નહીં દેતો. એ રોટલી અહીં હતી એ લોટ રૂપે હતી. તે લોટ રૂપે તોય જરા એ હતી. પણ હું તો ઓગાળીને રસ રૂપે કરું છું. પછી ઉતરવા દઉં છું. એટલે ચાવતો નથી એવું યે ના કહેવાય ને ! તમે તો થોડું થોડું કાચું રહેતું હોય તોય મહીં ઉતારી પાડો ને ? પ્રશ્નકર્તા : હું તો ધાબું, ભરી દઉં છું મહીં. કોઈ મહેમાન જોડે જમવા બેઠાં હોય તો ઘરના માણસ એમ કહે કે જરા ધીરે ખાજો, પેલાને હજુ બેસવાનું છે. જ્ઞાતા જાણે જુદા જુદા જ્ઞેયને એટલે મને એવી રીતે ખાવાની ટેવ છે તે બધું જુદું જ ખઉં. પછી જાણું ભોગવનારો ભોગવે છે ને જાણનારો જાણે છે. આત્માની પરિણતિ તીક્ષ્ણ થતી જાય. પ્રશ્નકર્તા : તીક્ષ્ણ થાય. સૂક્ષ્મ ને તીક્ષ્ણ બન્ને. દાદાશ્રી : હં, અનંત શક્તિનો ધણી ! એના પર્યાય એટલા બધા તીક્ષ્ણ છે ને, ન પૂછો વાત. પણ આ પહોંચવું જોઇએને ? અમુક હદ સુધી પહોંચશે. એટલે એની મેળે જ ચાલશે પછી. જ્ઞાની વર્તે આત્મા રૂપે જુદા પ્રશ્નકર્તા : દાદા, આ વેસ્ટર્ન પદ્ધતિ છે, પશ્ચિમના દેશોની કે પહેલા ટેબલ ઉપર બેસીએ અને મેનુ મૂક્યું હોય એટલે પછી સૂપ કહે તો, સૂપ પહેલા આવે. એ સૂપ પી લેવાનો. પછી બીજો કોઈ ખોરાક આવે. પછી ત્રીજો આવે. એમ કરી કરીને ચાલે અને એક પછી એક જમતા જાય. ભેગું ન કરે આપણી માફક ખીચડો. દાદાશ્રી : હા, કારણ કે એ ભોગવે છે. એ ભોક્તા છે, પેલી ભોજ્ય વસ્તુ છે. હું છેલ્લા પ્રકારનું ભોગવું છે અને તે વાત તમને સમજણ પાડું હવે કે આમાં કોણ ખાય છે તે ઘડીએ ? આ ખાતી વખતે બધા આમ કરે છે, આમ તોડે છે ને બધું મોઢામાં જીભ ઉપર મૂકે છે, ત્યાં જીભ ઉપર શું થઈ રહ્યું છે ? ત્યાં ચવાય છે, પેલો રસ પડે છે ઉપરથી. તે બધું મિક્સ્ચર થાય છે પછી અંદર. હવે તે ઘડીએ એ રસ, એનો સ્વાદ જે છે એ સ્વાદ કેવો છે, એને જાણનાર પણ જુદો છે. સ્વાદ ભોગવે છે તેનો તે ભોગવનાર પણ જુદો છે. અને એ ભોગવનાર ભોગવે છે, તેને જાણે છે તે આત્મા છે. ભોગવે છે તે આત્મા નથી. એટલે હું તે રૂપે, હું આત્મા રૂપે જુદો રહું છું. જો ભેગું કરીને ખાય તો... હવે બધું વિશ્લેષણ જીભનું છે. તેય આપણે જાણીએ કે જીભથી સહેજ નીચે ઊતરે છે તે પાછું કશું માલુમ નથી પડતું. એટલે હું નીચે ઊતરતા પહેલાં ફરી પાછું લાવું છું. ફરી ઓન સ્ટેજ (જીભ) ઉપર લાવું છું. ફરી જોઉં છું તે પાછો ભોક્તા ફરી દેખાય છે અને જ્ઞાતાય રહે છે. ભોક્તા રહે એટલે જ્ઞાતાય રહેવું જોઇએ. હવે આપણે ભેગું કરીને ખઇએ તો ભોક્તાને ભોગવવાની વસ્તુ યથાર્થરૂપે ન મળે, એટલે જ્ઞાતાને યથાર્થ રૂપે જાણવાનું ના મળે. એટલે એ મને કહે છે, ‘સાધુઓની પેઠ તમે ભેગું કરીને ખાવ.’ ત્યારે મેં કહ્યું, ‘ના, એ તો અમારે તો જ્ઞાતા ઊડી જાય આખો. જ્ઞાતા નિર્બળ થઇ જાય.’ એમને તો જ્ઞાતાને નિર્બળ કરવો જ છે. એમને જીભને ચોંટી ના પડે એટલા માટે આ બધો પ્રયોગ કરે છે અને આપણે જીભને ભલેને ચોંટે પણ આપણને જ્ઞાતા તરીકે ખબર પડેને ? પેલું ભેગું કરીએ તો શું થાય ? આત્મા ભેળો થઈ જાય. બધા જ્ઞેય જુદાં જુદાં હતાં, તે બધાં જ્ઞેયને ભેગાં કર્યાં ને એક જ્ઞેય બનાવ્યું અને તે આત્મા જ્ઞાતા બન્યો. જેટલા જ્ઞેય એટલા જ્ઞાતા. એટલે જ્ઞેય ચોખ્ખા રાખવા જોઈએ. જો જ્ઞાની થવું હોય તો જ્ઞેય જુદાં જુદાં હોવાં જોઈએ. આ તો ભેગું કરીને ખાય છે એટલે પેલો આત્મા ખસી ગયો તે વખતે. સ્વાદની આસક્તિ કાઢવાનો ઉપાય ? કેટલાક સાધુઓ બધું ભેગું કરીને ખાય છે, શું ભેળું કરે છે ? પ્રશ્નકર્તા : દાળ, ભાત, શાક, રોટલી વગેરે. દાદાશ્રી : દાળ, ભાત, શાક, લાડવો, રોટલી, વેઢમી, શિખંડ બધું ભેગું કરીને ખાય છે. અલ્યા, માણસ થઈને આવું કરું છું ! ત્યારે મેં સાધુને પૂછયું’તું, જ્ઞાન નહોતુું ત્યારે. મેં કહ્યું, ‘બાપજી, આનો હેતુ શો ? ને આમાં શો લાભ ?’ ત્યારે કહે, ‘આગળથી અમારા ગુરુઓએ આવું આ બધું રાખેલું છે.’ ત્યારે મેં કહ્યું, ‘પણ શો હેતુ આમાં, મને કહોને ?’ ત્યારે કહે, ‘જીભે સ્વાદ ચોંટી ના પડે, નહીં તો સ્વાદ ચોંટી પડે.’ પ્રશ્નકર્તા : સ્વાદની બધી આસક્તિ નીકળી જાય એટલા માટે તો ભેગું કરીને પછી ખાય છે. દાદાશ્રી : માનો કે નીકળી ગઈ પછી શું ? પછી મેં બાપજીને કહ્યું, ‘આ કૂતરાને શિખંડ અને પૂરીઓ મૂકીએ તો ભેગું કરીને ખાય કે જુદું ?’ ત્યારે કહે, ‘એ જુદું જુદું ખાય !’ મે કહ્યું, ‘એને કશું થતું નથી. તમને કેમ થઈ જાય છે ?’ હવે આ એક (લૌકિકની સામાન્યભાવે) વાત કરી. એમની પર આપણને ચીઢ નથી. એ એની જગ્યાએ કરે છે એ બરોબર છે. કારણ કે એમનું સ્ટાન્ડર્ડ છે. એ સ્ટાન્ડર્ડમાં આવું કરવું પડે છે. એ ખોટું નથી. એ સ્વાદ નહીં પણ બેસ્વાદ પ્રશ્નકર્તા : પણ દાદા, એવું છે ને, કે આ બધું ભેગું કરીને જ્યારે ખાય ત્યારે તો એનો પણ કંઈક એવો સ્વાદ તો ઊભો થાય, જેમ એક જ વસ્તુને ખાવાથી સ્વાદ ઊભો થાય, એમ બધી વસ્તુ ભેગી કરીને ખાય તો એનો પણ એક સ્વાદ તો ગમે તે ઊભો થાયને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : એનો બિલકુલ સ્વાદ ના હોય ? કંઈક હશે તો ખરો ? દાદાશ્રી : નથી થતો, નથી થતો. શોભે નહીંને ! શિખંડ ને દાળ ને એ બધું ભેગું કરીએ... પ્રશ્નકર્તા : કંઈ પણ બેભરમો તો સ્વાદ ખરોને ? દાદાશ્રી : ના, ના, એ બેસ્વાદ લાગે. પ્રશ્નકર્તા : બેસ્વાદ લાગે. પછી બેસ્વાદથી ટેવાઈ જાય એટલે એને સારો લાગે ! દાદાશ્રી : નહીં, એ તો બેસ્વાદ લાગે, એટલે એવું બેસ્વાદેય ના લાગે. એ કોઈ સ્વાદરહિત લાગે. એટલે ભૂખ મટે એની. પ્રશ્નકર્તા : ભૂખ મટે તો પણ આવી સ્થિતિમાં જે ભેગું કરીને ખાય અને ખાધા પછી એને માનસિક રીતે સંતોષ થાય ખરો કે ‘આ મેં ખાધું’ એમ ? દાદાશ્રી : ભૂખ મટે. સ્વાદ વસ્તુ ઊડી જાય છે. પ્રશ્નકર્તા : તે દાદા, સ્વાદ ઊડી જાય કે સ્વાદ પછી વધે કો’ક ફેરો ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : સ્વાદ બધે ઊડી જાય ? દાદાશ્રી : હા, ઊડી જાય. આ પુદ્ગલ છેટું રાખોને, તો આ છેટું રહી શકે એમ છે. આપણે નિરંતર સિનેમા જોવા નહીં જઈએ, તો સિનેમાની વૃત્તિ વધશે નહીં, ઘટી જશે ને તમને સિનેમા પછી ગમશેય નહીં. એટલે એ વસ્તુ ખોટી નથી. એ પણ એની જગ્યામાં બરોબર છે. જ્ઞેય ખસ્યા તો જ્ઞાતાપણું ખસ્યું (બહારના લોક) જે ભેળું કરીને ખાય છે, તેને જાણનાર ખસી જાય છે. આ તો મરચું આવે એટલે ખબર પડે કે તે તીખું છે. તે આત્મા જાણે ને જુએ. આ ભેગું કરીને ખાનારને તો આત્મા ખસી જાય. જુદા જુદા સ્વાદને જાણે, એ જ્ઞેય છે તો આત્મા જ્ઞાતા છે. આમાં ભેગું કરીને ખાવ એટલે જ્ઞેય જ ના રહ્યુંને ! ડખો થઈ ગયો. પેલું તો મહીં ખબર પડે. હવે એ જ્ઞેયો છે તો જ્ઞાતા છે. શાસ્ત્રકારોએ શું કહ્યું ? જ્ઞેયને ખસેડશો તો આત્મા ખસી જશે. એટલે હું કહુું છું કે એવી રીતે ખાવ કે જ્ઞેયને જ્ઞાતા જાણે બધું આ. જ્ઞેય જાણે તો જ્ઞાતા હાજર રહે. હવે આ ઝીણી વાત જગતને શી રીતે સમજાય ? અમે કેટલાય વખતથી આમ ટેસ્ટફુલ રીતે દરેક વસ્તુ ખઈએ. હું દાળ ને ભાતેય ભેગાં નથી કરતો ઘણો વખત તો. ભાતેય જુદો અને દાળેય જુદી, એવી રીતે તો ટેસ્ટ એનો જાણવા મળે. એ જ્ઞેય છે. જ્ઞાતાને એમ ખાતરી થાય કે, ‘ના, ચોખાનેય ઈનામ આપ્યું. બાકી લોકોને તો બેઉ સરખું(!) ભૈડ્યું મહીં. છતાં જેમને પોષાતું હોય તે ભલે કરે. એમને માટે આપણે વિરોધ નથી. પણ આ તો આપણે માટે કામનું નથી. એટલે આપણે સમભાવે નિકાલ કરો, એમ કહ્યું. કંઈ શિખંડ ને દાળ બે ભેગાં ના કરાય ! સ્વાદેન્દ્રિય જીતવાની અનોખી રીત એ જ્ઞેય છે તો જ્ઞાતા છે. હવે એ દાળ અને શિખંડ ભેગું કરીને આપે તો શું ખબર પડે ? એટલે જ્ઞાન થવામાં વસ્તુ નિમિત્ત છે. જો શિખંડ ખાધો તો એ નિમિત્ત છે તો એ જ્ઞાન થઈ ગયું બધું આ. નહીં તો કેમ ખબર પડે ? એટલે આ લોકો જે મહીં ભેગું કરીને ખાય છે ને એનાથી એમને શું લાભ થાય છે ? કે જીભ લપ લપ નથી થતી. અને પેલો જુદું ખાનારને મનમાં એમ થયા કરે કે શિખંડ સરસ હતો. તે શિખંડને ચોંટે. પણ આ હિતકારી છે, જે પેલું ચોંટવા જ ના દે તો. આ ચોંટે છે શાથી ? તમારે શિખંડ બહુ સારો છે એવું મહીંથી બોલી જવાયું તો એની પાછળ કહેવું કે શિખંડ તો આપણને ભાવતો જ નથી, એવું બોલવું. ખાવું ને મહીં ભાવતો નથી એમ બોલ્યા કરવું. એ સાઈકોલોજીકલ ઈફેક્ટને મારી નાખે છે. પ્લસમાઈનસ, પ્લસમાઈન્સ કર્યા જ કરવું અને છેદ ઊડાડી દેવાનો આપણે. આત્માનો આત્મા જ રહે, બાકી બીજું બધું છેદ ઊડી જાય. પરિણામ જણાય પ્રયોગના, પ્રયોગીની હાજરીમાં એટલે નિરાંતે ખાવ, સારી રીતે. શિખંડબિખંડ બધું સારી રીતે ખાવ. અને શિખંડ ખાતા હો કે જલેબી ખાતા હોય, તમે એમને એમ ગળીને એ ખાઈ લો, તો એ પ્રયોગીની ગેરહાજરી થઈ જશે. પ્રયોગીની ગેરહાજરીમાં પ્રયોગ થઈ રહ્યો છે. આ હું મઠિયું ખઇ અને મોઢામાં રહેવા દઉં છું ક્યાંય સુધી, એના ભાગ પાડું છું કે એક વાર તો જ્ઞાને કરીને જાણી લઇએ કે ‘આ શાનું બનેલું છે ને શું છે, શું નહીં ?’ જ્ઞાન બધું કહી આપે, કે આ મઠનો લોટ છે, આટલું મીઠું લાગે છે, મરચું જરા ઓછું છે તેથી આવું લાગે છે. હિંગ નાખેલી છે એ ખબર પડે. પહેલું જ્ઞાને કરીને જાણી લઇએ, મહીં મોઢામાં રાખીને. પછી શું કરીએ ? એને મહીં ઓગાળીને ચાવીએ એટલે એનો રસ થાય. રસ થાય એટલે આપણે કોણ ચાવે છે, કોણ ભોક્તા છે આનો ? આ રસ સરસ લાગે છે એ ભોક્તા કોણ ? એટલે એવી રીતે ચાવું છું કે એ ભોક્તા પણ ખબર પડે. અને એ ભોક્તાને કેવી રીતે ભોગ્યમાન થાય છે, એના જ્ઞાતા તરીકે હું રહું છું. મઠિયું ખવાયું પણ આ બધા ખેલ પણ મહીં ચાલે ! અને હકીકતમાં એવું જ છે. ભોક્તા અહંકાર છે. તે ભોક્તાને સારી રીતે ભોગ્યમાન થાય અને પેલો જ્ઞાતા જાણે. ભોક્તા એ પાછો ટેસ્ટથી ભોગવે છે. આ ટેસ્ટથી ભોગવે છે એવુંય જાણે. ટેસ્ટથી ભોગવતો હોય તો વાંધો નહીં. એનું છે અને એ ભોગવે છે, એમાં આપણને કંઇ લેવાદેવા નથી. દુ:ખનેય ટેસ્ટથી જ ભોગવે છેને ? પ્રશ્નકર્તા : સારી રીતે ભોગ્યમાન કોણ થાય છે ? ભોક્તા છે તો અહંકાર છે અને સારી રીતે ભોગ્યમાન કોણ થાય છે ? દાદાશ્રી : સારી રીતે એ જ, અહંકાર જ સારી રીતે ભોગ્યમાન થાય છે. તે એનો આપણે વાંધો નહીં ઉઠાવવાનો, કારણ કે કડવું આવે તોય પાછું એવી રીતે ભોગવવું જ પડશેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એય સારી રીતે અનુભવ લેશેને ? આમાં સારી રીતે લે છે, એવું પેલામાં નહીં આવે. આપણે બેઉને જાણવાનું, બન્ને સ્થિતિને. સુખ શેમાં ? જમવામાં સુખ છે કે જમવાનું પ્રમાણસર ખાવામાં સુખ છે ? પ્રશ્નકર્તા : પ્રમાણસર ખાવામાં. દાદાશ્રી : અને પ્રમાણથી વધારે ખવાયું તો ? એ સુખ જ ના કહેવાય. સુખ તો એનું નામ કહેવાય કે જેટલું પ્રમાણ... પછી દુ:ખ જ ના આવે. એ આત્માનું સુખ અને આ તો પૌદ્ગલિક સુખ. ઓછું પ્રમાણ ખાધું હોય તો વિચાર આવ્યા કરે, જરા વધારે હોત તો સારું પડત અને વધારે થયું તોય તરફડામણ થાય. રિલેટીવમાં જેટલું સુખ લીધું એટલી રિયલમાં ખોટ જાય. પવન ખાવો તેનો વાંધો નથી, પણ તેના પર જાગૃતિ રહેવી જોઈએ. ખાતી વખતે શાક સારું લાગ્યું તેનો વાંધો નથી પણ તેના પર ઉપયોગ રહેવો જોઈએ. મનના ક્લેઈમનો નિકાલ, સમભાવે પ્રશ્નકર્તા : દાદા, ખાવા બેસીએ ત્યાં સુધી ખબર હોય કે આ ખાવાથી આવું નુકસાન થાય છે. પણ પ્લેટ લઈને આમ ખાવા જઈએ કે ઊડી ગયું. પછી તો હેય... શોધી શોધી, વીણી વીણીને ઝાપટી મારીએ અને પછી પસ્તાઈએ કે અરેરે ! બહુ ખવાઈ ગયું. દાદાશ્રી : અમારે તો આ ચીજ વધારે આવી, એટલે આ (બીજી) ચીજ કાઢી નાખવાની. આ આપું એટલે પેલું કાઢી નાખવાનું. રૂપિયા ભારેય તોલ વધારે ના જાય. મનને દેખાડવાનું. મન કહેશે, મમરા લાવો, તો મમરા મંગાવીએ. બબ્બે દાણાં મમરા ખવડાવીએ. એ જો આટલા (થોડાક) મમરા ખાય એટલે શાંતિ. મનને પટાવાનુંં. ચા (માટે) કહે, તે આજ ત્રણ દહાડાથી કે’ કે’ કરતું હતું, ત્યારે આજે એ આપી. પણ આપી દઈએ ખરા. નહીં તો એ ક્લેઈમ માંડતો રહેશે તો આગળ પછી દાવો માંડે. પાછું એની બૂમ ના રાખીએ, કારણ કે તો જ નિકાલ થાય, નહીં તો નિકાલ ના થાય. એટલે અમારું મન બૂમ ના પાડે. કોઈ દહાડો કોઈ ચીજની અમારા મનમાં ઈચ્છા હોય જ નહીંને ! એ તો જમવા બેઠા હોય ત્યારે મનમાં એમ થાય કે આ લઈએ થોડું. એની રીતે આવે એ પ્રમાણે બધું બરાબર. અને નાસ્તો તો, આજ જરાં મીઠું વધારે પડીને આવે તો સારું, એવી ઈચ્છા હોય. પ્રશ્નકર્તા : પણ એ તો બહુ પ્રેમથી બનાવે કે દાદા કેમ કરીને વધુ ખાય એમ ! દાદાશ્રી : ના, પણ ઈચ્છા એવી હોય કે મહીં કશું જરાક વધારે પડીને આવે તો સારું. સારો નાસ્તો થાય એટલે અમને બ્લેક (કાળો) દિવસ જેવો લાગે. પણ એની પર ચીઢ નહીં ચઢાવાની, એય એલાઉડ (સ્વીકાર્ય). યાદ આવ્યું ત્યાં સમજવું કે આ ચોંટ્યું પ્રશ્નકર્તા : દાદા, આપે પેલું કહ્યું હતું ને કે યાદ ના આવે તો બધી ચીજ ખાવાની છૂટ. અને જે યાદ આવી જાય તેનો રસ્તો કેવી રીતે કરવો ? દાદાશ્રી : ઓળખવું, ઓળખી રાખવાનું. બધી ચીજ ખાવ, ફરી તમને મેમરીમાં આવે નહીં તો. ફરી મેમરીમાં આવે તેને ઓળખી લેવું કે ભઈ ચોંટી પડ્યા આ આની ઉપર. ઓળખવું ના પડે ? પ્રશ્નકર્તા : ઓળખી રાખવું પડે. દાદાશ્રી : એ ચંદુભાઈની જોડે હમણે સ્પર્ધામાં ઉતરવા જેવું નથી બહુ. એ કહે કે, ‘મજા આવી ને તમને ?’ ત્યારે કહેવું, ‘મને તો સમજણ પડતી નથી આમાં કશી !’ એને કંટાળે એવું કરવું. અને આપણે કહેવા લાગીએ, ‘સરસ, હંઅ !’ તો એ નવું બાંધતો જાય. સરસ બોલ્યા કે એ આપણને દોરડું લઈને આવે ને આમ માર માર કરે. યાદ આવે છે તેનું કારણ ભૂતકાળનું છે. ભૂતકાળમાં આવું થયેલું હશે, ભૂલ તેની છે. નહીં સમજ પડી, નહીં ? પ્રશ્નકર્તા : દાદા, બહુ જ ઝીણી વાત કીધી. દાદાશ્રી : જે યાદ આવ્યા કરે છે, એને એની વાતમાં આપણે કહીએ કે બહુ સરસ વાત કીધી તો વધારે ચોંટી પડે. એને બદલે કહીએ કે ના, મને બહુ સમજ નથી પડતી એટલે પેલો કંટાળે. પછી છોડી દે આપણને. નહીં તો વધારે ને વધારે વળગ્યા કરત. છૂટ્યો પ્રયોગ, પ્રયોગીદ્રવ્યથી ભગવાને કહ્યું કે પ્રયોગીદ્રવ્યની સાથે તન્મયાકાર થઇ ગયું હતું અને તે પ્રયોગીદ્રવ્યથી પ્રયોગ (કરવાથી) છૂટો પડી ગયો. પ્રયોગીદ્રવ્ય સાથે એકાકાર થઇ ગયો હતો, તે આ જ્ઞાનપ્રયોગ કરવાથી જુદું પડી ગયું. આ પ્રયોગીદ્રવ્યની સાથે એકાકાર થઇ ગયું છે. જેમ એક સાયંંટિસ્ટ પ્રયોગ કરેને તો એમાં હાથ ઘાલી દે અને એક થઇ જાય, અને પછી જો દુ:ખ થાય એને, એના જેવું આ થયું છે. આપણે હાથ કાઢી નાખીએ પછી તારે જોયા જ કરવાનું આ, પ્રયોગ શું થઇ રહ્યો છે તે. દઝાય એટલે પછી ત્યાં સાયન્ટિસ્ટ કાચો. પ્રયોગ, વ્યવસ્થિતના તાબામાં આ ચંદુભાઇ તો એક જાતનો પ્રયોગ છે. એય હમણે પાઇનેપલ નાખે, દાળ નાખે, કઢી નાખે, એનું શું પરિણામ આવે છે ? એ બધું આ થઇ રહ્યું છે. પ્રયોગ થઇ રહ્યો છે. એને આપણે જોયા કરવાનું કે ભઇ, આપણે આ ફલાણું નાખ્યું હતું તે આ પ્રયોગ બગડ્યો, વાયડો થઇ ગયો. વાયડો એટલે હવે આમ કરવાનું, આમ નાખવાનું, આપણે જોયા કરવાનું અને પ્રયોગ પાછો ‘વ્યવસ્થિત’ છે, એટલે આપણા હાથમાં નથી. (આપણી) સત્તા નથી એટલે આપણે જોયા કરવાનું. આ પ્રયોગ જ છેને બધો ! પ્રયોગોનો તું જાણકાર આપણે રોજ પેટમાં ખાવાનું નાખવું પડે છે ને ? જો ‘મિકેનિકલ’ ના હોયને તો એક જ ફેરો ખાધું એટલે ફરી એ કામ પૂરું થઇ જાય. એક ફેરો ખાધા પછી ફરી ખાવું ના પડે. આ તો પૂરણ કરીએ ને પાછું ગલન થાય. બધું ‘મિકેનિકલ’ છે. તું ‘પોતે’ આનાથી જુદો છે. તું ‘પોતે’ આ ‘મિકેનિકલ’નો ‘જાણનાર’ છે. આ મશીનરી એક પ્રયોગ છે અને તું પ્રયોગી છે. આ પ્રયોગોનો તું ‘જાણકાર’ છે કે આ શું પ્રયોગ થઇ રહ્યા છે ! ‘ચંદુભાઇ’માં શું શું ફેરફાર થઇ રહ્યો છે ! તેના બદલે તું કહે છે કે ‘હું ચંદુભાઇ છું’, તે એટલી બધી ભૂલ કેમ પોષાય ? પોતે એ પ્રયોગમાં પડતો હતો અને હવે પ્રયોગની બહાર નીકળ્યો. એટલે એને હવે સમજાયું કે આપણી ભૂલ થઇ હતી. પ્રશ્નકર્તા : મોટી ભૂલ થઇ હતી. દાદાશ્રી : હા, તે ભૂલ થાય પણ તે ઘડીએ દઝાવાયને ? પ્રશ્નકર્તા : હા, દઝાવાય. દાદાશ્રી : ત્યારે એ દાઝવાનું જેટલું લમણે લખેલું એટલું દઝાવું જ પડે. પ્રશ્નકર્તા : હા, છૂટકો જ નહીં. દાદાશ્રી : હા, છૂટકો જ ના થાયને ! પણ દઝાયેલું થયેલું હોય તો અનુભવજ્ઞાન થાય, સચોટ જ્ઞાન થાય. દઝાયેલા હોય ને એટલે પછી મનમાં ફિટ થતું જાય કે હવે ફરી નથી કરવું, ફરી નથી કરવું, ફરી નથી કરવું, એમ કરતો કરતો બંધ થઇ જશે. પ્રયોગી, ‘કેવળજ્ઞાન’ સ્વરૂપ પ્રયોગ ને પ્રયોગી બે જુદા જ છે ત્યાં આગળ. પ્રયોગમાં આંગળી ઘાલીએ ત્યારે દઝાઇએ એટલે ફરીવારથી આપણે નક્કી કરીએ કે હવે ફરી નહીં ઘાલવી. પછી ફરી ભૂલ થઇ જાય, પાછું ગોથું ખઇ જાય તો ફરી ઘાલી દે. એમ કરતાં કરતાં કોઇ એક દહાડો જ્ઞાન ફિટ થઇ જશે, પણ મૂળ જ્ઞાન પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. બીજું કશું છે નહીં આ. એટલે આ દુનિયા બધો પ્રયોગ છે અને આપણે પ્રયોગી છીએ. પ્રયોગી (મૂળ સ્વરૂપે) કેવળજ્ઞાન સ્વરૂપ હોય. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન, બીજું કંઇ જ નહીં ? દાદાશ્રી : બીજું ડખો કરે નહીંને ! પણ જ્યારથી અનુભવી થાય ત્યાર પછી. જ્યાં સુધી કાચો છે ત્યાં સુધી હાથ ઘાલે જ. એ ઊભરાયું, એ ઊભરાયું, એ ઊભરાયું ! અલ્યા, ઊભરાયું તો તે પ્રયોગ ઊભરાયો, તું ક્યાંં ઊભરાયો છું ? તું ક્યાં હાથ ઘાલે છે તે ? પ્રશ્નકર્તા : પ્રયોગ ઊભરાયો, તું તો કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. દાદાશ્રી : હં, તારે જોવાનું છે. લાકડાં ખેંચી લેવાના તે ઘડીએ. લાકડાં ખેંચી લેવાના અને હવે પેલું છે તે મહીં એસિડ ના નાખીશ. એ એસિડ નાખ્યો તેથી જ આ લાલ ભડકા ભભૂકી નીકળ્યા. જાણવું એ પ્રયોગીનો સ્વભાવ એક ભાઈ મને કહે છે, ‘દાદાજી, મારે આ કારખાનું, કેમીકલનો ધંધો, મહીં જીવાતની બહુ છે તે એની હિંસા થયા કરે છે. તે હવે હું શું કરું ?’ મેં કહ્યું, ‘પોક મેલ દાદાના નામની, હે દાદા રે ! હું તો નરી જીવાત જ માર માર કરું છું.’ અલ્યા, એ પ્રયોગ ને તું પ્રયોગી જુદા છે. તારે લેવાદેવા શું તે એમાં ? માથે શું કરવા લે છે ? માથે લઈએ તો જોખમદારી તારી. જેટલું તું માથે લઉં એટલી જોખમદારી તારી. કાયદો શું કહે છે કે જે માથે લે, એટલી જોખમદારી એની ! અને આ લોક માથે લે છેય ખરાં. પ્રશ્નકર્તા : તો અમે લોકો ખેતી કરીએ અને જીવડાં મરે ત્યારે એ પ્રયોગ કેવી રીતે જોવાનો ? દાદાશ્રી : એ તો પ્રયોગ જ છે બધું. એ બળદ, એ જમીન, એ બધું સાધન આપણને આમ દેખાવું જોઈએ. બધી જ ફિલ્મ દેખાવી જોઈએ. પ્રયોગ થઈ રહ્યો છે એ જાણવું એ પ્રયોગીનો સ્વભાવ. હવે એથી વધારે ઊંડો ઉતરે તો એ પ્રયોગી ગુનેગાર છે. આનું રિઝલ્ટ (પરિણામ) આવું આવ્યું, આનું રિઝલ્ટ આ જીવડાં મરી ગયાં અને ફલાણું મરી ગયું, એ બધાં રિઝલ્ટને તારે જોવાના. રિઝલ્ટનો જોખમદાર તું નથી. તારે જોવું જોઈએ, નહીં તો હાથ ઘાલવા જઈશ તો રિઝલ્ટના ફળ તારે ભોગવવા પડશે. પ્રશ્નકર્તા : સંસારના ઝઘડાની અંદર પણ એ પ્રયોગી જ છે ? દાદાશ્રી : એ ઝઘડો એ પ્રયોગ જ છે. આમ ફૂલહાર ચઢાવવા, ગરબા ગાવા બધું પ્રયોગ જ છે. આ બધું ચાલી રહ્યું છે એ બધું પ્રયોગ છે. આંખે દેખાય છે એ પ્રયોગ છે, કાને સંભળાય એ પ્રયોગ છે, નાકે સુંઘાય એ પ્રયોગ છે, વાણીથી બોલાય છે એ પ્રયોગ છે, ચખાય છે એ પ્રયોગ છે. બધા પ્રયોગ જ છે. એ પ્રયોગને તમે જાણો. વાત બરાબર સમજે તો અઘરી નથી. પણ ના સમજીએ તેનું બધું આ, કરોડો શાસ્ત્રો વાંચીએ તોય નહીં સમજણ પડે. મોક્ષમાં કોને ન પેસવા દે ? પ્રશ્નકર્તા : અમે ચાપાણી પીએ, ખાઈએ એ આસક્તિ તો ખરીને ? દાદાશ્રી : જ્ઞાનીને આસક્તિ ના હોય. તમને આસક્તિ ના હોય. એટલે આમને બધાને કહેલું છેને, ચાપાણી, નાસ્તોબાસ્તો બધું કરજો. કેરીનો રસ ને રોટલી ખાજો નિરાંતે. અહીંયા કોઈ દહાડો રસ ખાધો ના હોય, તે પછી મોક્ષમાં કોણ પેસવા દે ? મૂઆ, તારા મોઢા પરથી તો આવો ભૂખડી બારસ જેવો લાગે છે ! એ તો બધેય ધરાઈને ફરતો હોય, એને મોક્ષમાં પેસવા દે. પ્રશ્નકર્તા : દાદા, અક્રમ ને ક્રમમાં બહુ ફેર છે ને ? આ ક્રમિક માર્ગમાં આ બધું જોયું હોય. દાદાશ્રી : ક્રમમાં (આવું બધું) ના ચાલે. એ ક્રમમાં તો ગળ્યું ખવાય નહીં, બીજાને આપી દેવું પડે. નહીં તો જીભને ચોંટી પડે. અને આમને તો કહ્યું, ‘જા, ખાજે નિરાંતે.’ કારણ કે એ પોતે ખાતો નથી, ફાઈલ (નં.૧) ખાય છે. પુદ્ગલ પુદ્ગલને ખાય અને તમે એમાં જ્ઞાતાદ્રષ્ટા. એ શું બોલો છો તમે ? આહારી..... પ્રશ્નકર્તા : આહારી આહાર કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું. દાદાશ્રી : હા, અને પછી નાસ્તો આવે ત્યારે શું બોલો ? અલ્પાહારી અલ્પાહાર કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું. અને ફરાળ કરે ત્યારે શું બોલે ? ફરાળી ફરાળ કરે છે ને હું નિરાહારી માત્ર તેને જાણું છું. તે આ બે છે તે પેલા સફરજન હતા, બીજું આ હતું, બધું જાણનાર હું અને ખાનાર આ, આહારી. પ્રશ્નકર્તા : હું કશું કર્તા નથી, એમ આ ખાવાનો કર્તા હું નથી. દાદાશ્રી : હં, આ આત્માએ કોઈ દહાડો કશું ચાખ્યું જ નથી. હવે વગર કામનો આરોપી બનાવ્યો છે ને, કોઈ પણ ગુના વગર એને માર માર કરે છે. આત્મા એવો હોતો હશે ? આ ખાવુંપીવું બધું સ્થૂળ છે અને આત્મા તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, તે બેને શી રીતે મેળ પડે ? તે નહીં સમજણથી આખી દુનિયા માર ખાય છે. આ તો આહારી જ આહાર કરે છે. પુદ્ગલ પુદ્ગલને ખાય. આત્મા પુદ્ગલ ના ખાય, કોઈ દહાડોય. આહારી જ આહાર કરે છે. આ તો વગર કામનો પોતે અહંકાર કરે છે, ‘મેં ખાધું.’ અરે ! તું શું ખાવાનો હતો તે ? અને ખાવાનો હતો તે જ્યારે તાવ ચઢે ત્યારે ખઈ જોને ? ત્યારે કહે, ‘મેં ખાધું પણ ઊલટી થઈ ગઈ !’ ‘મેં’ જાણે ખાતો હતો, તે ઊલટી કેવી રીતે થઈ જાય ? ત્યારે કહે, ‘નથી ખવાતું, મારે ખાવું છે પણ ખવાતું નથી.’ એક પુદ્ગલને જોયા કરે તો ? આ વિજ્ઞાન આપણું જુદી જાતનું છે. એટલે અહીં આગળ આ વિજ્ઞાનમાં કશી લેવાદેવા નથી. જો લીલોતરી ખાતો હોય તોય વાંધો નથી. ના ખાય તો શરીરને હિતકારી, ફાઈલ વનને હિતકારી. ચંદુલાલ જલેબી ખાતા હોય તેનો વાંધો નથી. પણ ખાતી વખતે ટેસ્ટથી ખાય છે, પછી મહીં ભાવ કરે છે કે બીજી થોડીક લઈએ, એ આપણે જાણવું જોઈએ. એટલે આપણે જ્ઞાતાદ્રષ્ટા અને એ છે તે કર્તા. પુદ્ગલ એના કર્તાભાવમાં છે અને આપણે જ્ઞાતાભાવમાં છીએ. આહાર કેટલો કર્યો, તે પ્રમાણમાં નિહાર થયો છે કે નહીં, તેય આપણે જાણીએ. આહારી, વિહારી, નિહારી બધું આ પાડોશી અને તેને આપણે ‘સ્વરૂપ’ માનતા હતા કે હુું જ ચંદુભાઈ છું. આહાર કરતી વખતે એટલી જાગૃતિ રહેવી જોઈએ કે ચંદુભાઈ આહાર કરે છે ને તમે જાણ્યા કરો છો, એવી જાગૃતિ આપણી રહેવી જોઈએ. ધીમે ધીમે એમ કરતાં કરતાં જાગૃતિ આવશે. એમ એમ જાગૃતિ વધશે. આ ચંદુલાલ શું કરી રહ્યા છે, એને જોયા કરે તો એ કેવળજ્ઞાનમાં પહોંચે. ચંદુલાલ સવારના પહોરમાં ઊઠીને શું કરી રહ્યા છે ? દાતણ કેવુંં કરે છે ? દાતણ કરતી વખતે ઘાંટા કેવા કાઢે છે, એ બધું જુએ તો ઠેઠ સુધી પહોંચી જાય. એને જુએ ને જાણે, બસ. પૂર્ણાહુતિ, આજ્ઞાપાલનથી જ આપણો અક્રમ માર્ગ શું કહે છે ? આ ફાઈલ છે, તે ખાય છે તો તારે શું લેવાદેવા ? તું જો ને, શું ખાય છે ને શું નહીં ! કેવો સુંદર રહસ્યવાળો માર્ગ છે અને અવિરોધાભાસ ! આ વૈજ્ઞાનિક ઢબ છે આખી. વિજ્ઞાન ક્યારે ન કહેવાય કે વિરોધાભાસ આવે ત્યારે. સિદ્ધાંત અને વિજ્ઞાન બે એક જ હોય. સિદ્ધાંત, સિદ્ધ થયેલી વસ્તુઓ. પોતાનું ગામ જોઈ લીધું એટલે શો ભો રહ્યો ? સૌથી સારું આ દાદાની પાંચ આજ્ઞામાં રહેવું, એના જેવું એકુંય નહીં. જે કોઇ આવ્યું એના શુદ્ધાત્મા જુઓ. ચંદુભાઇ શાના આધારે ટક્યા છે ? રિલેટીવના આધારે અને તમે શુદ્ધાત્મા. બે આજ્ઞા પાળી ને ફાઇલનો સમભાવે નિકાલ કરવો. આ તો અનંત અવતાર મોહાગ્નિથી જ ભટક્યા, હવે દાદાની આજ્ઞામાં તમે રહો તે મોહાગ્નિ ઠરી જાય, એટલે છૂટકો થઇ ગયો. આપણી આ પાંચ આજ્ઞામાં રહે તો બહુ કામ કાઢી નાખે. પછી ખાવાનો કશો સવાલ જ નહીંને ! ખાનાર ખાય છે. આપણે અહીં તો આહારી આહાર કરે છે અને આપણે ક્યાં આહાર કરીએ છીએ ? આપણે આપણા સ્વરૂપમાં રહીએને, તો ‘કામ કાઢી નાખે.’ જય સચ્ચિદાનંદ
|