ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને સંપાદકીય મનુષ્ય ભલે ગમે તેટલો ગુણવાન હોય પણ અહંકાર રૂપાળો ના હોય તો બધું નકામું કહેવાય. અહંકાર તો રૂપાળો હોવો જોઈએ. લોકો સ્વીકાર કરે એવો હોવો જોઈએ. એવો અહંકાર શુદ્ધ થતાં થતાં એટલે સુધી ડેવલપ થઈ શકે કે પરમાત્માને અને એને એક જ અંશનો ફેર રહે. અને એજ અહંકાર જો ઊંધો ચાલે તો પોતાનું તો અકલ્યાણ કરે પણ અનેકોને નુકસાન કરે. એ વિભાવિક અહંકારમાં ગર્વ, મદ, મત્સર, માન, અભિમાન, દંભ, ઘમંડ વગેરે પ્રકારો છે તેમાં ગાંડો અહંકાર પણ એક પ્રકાર છે. જે લોકોને પસંદ ના પડે, તેમાં વ્યવહારિકતા ના દેખાય, દુનિયાથી નવી જાતનું દેખાડે, લોકોને દુઃખ આપે એ બધો ગાંડો અહંકાર કહેવાય. પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આ ગાંડા અહંકાર વિષે વિશેષ ફોડ પાડતા કહે છે, મોક્ષમાર્ગની પ્રગતિમાં આ પણ એક મોટુંભયસ્થાન છે. આ ગાંડો અહંકાર બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. પોતાને એમ જ લાગે કે પોતાનામાં આવો અહંકાર નથી પણ એ આટલો નાનો થઈને બેસી રહેલો હોય, એને વધતા વારેય ના લાગે. એને ઓળખી લેવો પડે. તે જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ. હવે એ ગાંડો અહંકાર શું કરે ? તો કહે, * સવળાને અવળું દેખાડે, * સત્ય વાતનો સ્વીકાર ના કરવા દે, * પોતે સાચો છે, પોતાની વાત સાચી છે એ આગ્રહ રાખી બીજાને દુઃખ આપે, * પોતાના ડહાપણે બધું કામ કરવા જાય ને ગૂંચો પાડ-પાડ કરે, * બુદ્ધિનું ઉપરાણું લે અને ભેદ પાડે, * બીજાને નુકસાન થાય-પાયમાલ થઈ જાય તેવા ભાવ કરે, * સામા નિમિત્તને બચકાં ભરે, * પોતાની જાતનું, પોતાની વાતનું, પોતાની માન્યતાનું રક્ષણ કરે, * જેમાં ને તેમાં નેગેટિવ જુએ, * હુંહોશિયાર છું માનીને બીજા બધામાં ડખલો કરે, * માન પોષવા કપટ કરે અને ના પોષાય તો બીજાનું અપમાન કરે, ખરાબ ઈચ્છે, * બીજા બધાના દોષ જુએ અને પોતાને ચોખ્ખો જુએ કે હુંબહુ ડાહ્યો, * હુંજાણું છું, હુંવિશેષ છું, હુંકંઈક છું, મારામાં આવડત છે, મારા વગર ચાલે જ નહીં એમ એનો કેફ રખાવે, * પોતાને જ્ઞાનજાગૃતિ પૂર્ણ ના હોય પણ તેવી જાગૃતિ વર્તે છે તેવી વાતો કરે, આડંબર દેખાવ કરે * પોતે પૂર્ણતાએ પહોંચ્યો છે એમ માની તેના કેફમાં જુદો ચોકો માંડે, પંથ સ્થાપે. આવાં તો અનેક પ્રકારે ગાંડા અહંકારનું પોત પ્રકાશે છે. અહીં અક્રમમાં જ્ઞાન પછી અહંકાર નિકાલી હોય છે છતાં તેમાં ચેતતા રહેવાનું છે. પોતે આત્મા થયા, હવે આ મારું ને આ તારું, હુંસાચો ને તું ખોટો એ પકડ શેના માટે ? હવે આત્મા થઈને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો તેને લપાટ મારીને કાઢી મૂકવાનો. નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે અને તેનું રક્ષણ નથી કરવાનું. એ અહંકારને મૂળ સાથે સંપૂર્ણ કાઢી નાખવામાં ના આવે તો ફરી બધું ઊભું થઈ જતા વાર ના લાગે. માટે હવે આપણું ધ્યેય એ હોવું ઘટે કે એ ગાંડા અહંકાર સામે જાગૃતિનો પુરુષાર્થ માંડી તેને નિર્મૂળ કરી આત્મઅનુભવ દશાની શ્રેણીઓ સિદ્ધ કરી શકીએ. દીપક દેસાઈ ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને અહંકાર શું છે ? પ્રશ્નકર્તા : અહંકાર શું છે ? ક્યાંથી આવ્યો ને કોને આવ્યો ? દાદાશ્રી : 'હું ચંદુભાઈ છું' એ જ અહંકાર. જ્યાં તું નથી ત્યાં તું પોતાપણાનો આરોપ કરે છે તે જ 'અહમ્'. તું 'સ્વક્ષેત્ર'માં રહે તો તું આત્મા જ છે અને 'હું ચંદુભાઈ છું' એ કલ્પિત જગ્યાએ આરોપ કરે, તે જ અહંકાર. એ વિનાશી ચીજ છે. ક્યાંયથી આવવાનો નથી. એ ઊભો થઈ જાય છે ને નાશ થાય છે. પોતે નથી ત્યાં માની લીધું કે હુંઆ છું, એનું નામ અહંકાર. આરોપિત ભાવ એનું નામ અહંકાર. 'હુંચંદુભાઈ છું' એ પહેલો અહંકાર, 'આનો ધણી છું' એ બીજો અહંકાર. આનો ફાધર છું, મામો છું, કાકો છું, એ બધા અહંકાર. પોતે જે છે તે કહે, તે નિર્અહંકાર. પોતે રિયલમાં શુદ્ધાત્મા છે ને 'હુંશુદ્ધાત્મા છું' તે ભાન સહિત બોલે, તો તે અહંકાર ના ગણાય. અહંકારનો ગુણધર્મ શું ? પોતે કંઈ જ ના કરે છતાં ખાલી માને કે, મેં કર્યું ! અહંકાર સૂક્ષ્મ વસ્તુ છે, ક્રિયાઓ સ્થૂળ છે. સૂક્ષ્મ, સ્થૂળ ક્રિયા કઈ રીતે કરી શકે ? અહંકારના પ્રકાર પ્રશ્નકર્તા : અહંકારના પ્રકાર ખરા ? દાદાશ્રી : રિલેટિવ વસ્તુને 'હુંછું' કહ્યું તે જ અહંકાર. ગર્વ, મદ, મત્સર, અભિમાન, માન, અપમાન એ બધા જુદાજુદા શબ્દો જુદીજુદી વખતે વપરાય છે. તે બધા સ્થૂળ અર્થ સમજવા છે. તેથી જ્ઞાનીઓને જુદાં જુદાં નામ આપ્યાં. અહંકારના બે પ્રકાર : એક નિર્જીવ ને બીજો સજીવ. અક્રમના 'મહાત્માઓ' જીવે, નિર્જીવ અહંકારથી. કર્તાપણાનો અહંકાર જાય, પછી રહે માત્ર ભોક્તાપણાનો. અહંકાર જાય ક્યારે ? અહંકાર ખોટો છે, એવું સ્વીકાર્ય બને ત્યારે. જ્યાં કકળાટ થાય કે સમજી જવું, કે પોતાનો જ અહંકાર ખોટો છે. એટલું સમજ્યો તો તે અહંકાર જાય. સંપૂર્ણ અહંકારરહિત શી રીતે થવાય ? આપણે 'શુદ્ધાત્મા' છીએ એની સંપૂર્ણપણે ખાતરી થાય, એનું નિરંતરનું લક્ષ બેસી જાય ત્યારે અહંકાર જાય, પણ ખાતરી થયા પછીય પડછાયારૂપ અહંકાર રહે, મૂળ અહંકાર જાય. પડછાયારૂપ એટલે 'ડ્રામેટિક' અહંકાર. ક્રમ-અક્રમમાં અહંકાર અહંકાર એટલે શું ? ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે. ક્રમિક માર્ગ શું ? ત્યારે કહે, 'અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઇ ગયો છે તે શુદ્ધ કરવાનો.' તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતા કરતા જવાનું અને જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઇક કામ થાય. વિભાવિક અહંકારમાં માન આવે, દંભ આવે, ઘમંડ આવે, આ એના પ્રકારો. ભાઇ કરતો હોય સો રૂપિયાની નોકરી, પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બની ફરે, તે લોક કહે, 'દંભીની પેઠે ફરે છે.' આ કેવું ? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. ઘમંડી હોય તેને કોઇનો હિસાબ જ ના હોય. બધાંને કહે, 'એમાં શી વાત છે ? શું છે એ ?' એમ બધી વાતનો ઘમંડ રાખે ને ઘેર બૈરીને પૂછીએ તો કહેશે કે, 'એમનામાં તો જરાય બરકત નથી.' વિભાવિક અહંકારમાં તો જાતજાતના અહંકાર, એ બધાંને ધો ધો કરવા પડે ! ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે અને જો રસ્તામાં 'કેન્ટિનવાળો' મળે તો વેહ થઇ પડે ! આપણો અક્રમ માર્ગ એવો જોખમવાળો માર્ગ નથી, સિક્યુરિટી સહિતનો માર્ગ, રખેને કેન્ટિનવાળો સામો આવે પણ એ મૂંઝાઇ જાય, આપણને એનાથી વાંધો ના આવે ! કર્મચેતના - કર્મફળચેતના અહીં અક્રમ માર્ગમાં અમારું 'જ્ઞાન' પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય, પણ તે 'નિકાલી અહંકાર' હોય. 'નિકાલી અહંકાર' એટલે કેવું ? કે વાળો તેમ વળી જાય, ગાંડાં ના કાઢે. જ્યારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે, તેમાં 'મારે આ કરવાનું છે, મારે આ ત્યાગવાનું છે' એ રહે. ત્યાગ કરવો અને વર્તવો, એ જુદું હોય. જેને ત્યાગ વર્તેલો હોય એને પોતે શેનો ત્યાગ કર્યો છે, તે યાદેય ના હોય ! ત્યાગ વર્ત્યો કોને કહેવાય ? સહજ ભૂલી જવાતું હોય ! હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે, 'મેં બીડી ત્યાગી છે.' એટલે વર્તેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે ! એ ત્યાગનો અહંકાર ના હોય ! પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વર્ત્યો છે માટે પાંસરો રહેને ! શું કરવા ત્યાગને ગા ગા કરે છે? એનો અહંકાર શું કરવા કરે છે ? વર્તેલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલાં લફરાં ઓછાં થયાં એટલી ઉપાધિ ઓછી થઇ ગઇને ! અને આપણો મોક્ષમાર્ગ કેવો છે ? અક્રમ માર્ગ છેને, એટલે પહેલાનાં લફરાં હોય તેને રહેવા દેવાનાં, નવાં ઊભાં નહીં કરવાનાં અને જૂનાં કાઢવાનાં, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય ! એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મચેતના છે, એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળચેતના છે. છતાં એ નૈમિત્તિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગ્યું ને પેલું બાકી છે, એવું રહ્યા કરે. હવે ત્યાગ્યું એ પહેલાંના અહંકારથી ને પાછો નવું કર્મ બાંધતો જાય. 'જ્ઞાની પુરુષ' તો જેનાથી કર્મ બંધાય છે તે આખું જ ઉડાડી દે. આ તો કેટલું સહેલું છે ! સરળ છે !! સહજ છે !!! વળે અહંકાર, બે માર્ગે પ્રશ્નકર્તા : આપણે જે ભાવના કરીએ છીએ, એનાથી આ પાપ કે પુણ્ય બંધાય છે, તો એ ભાવના કોની ? દાદાશ્રી : અહંકારની. જેને સુખ જોઈએ છે એની ભાવના છે કે હું પુણ્ય કરું તો મને પુણ્ય બંધાય. જોઈએ છે સુખ પણ એ એની ભાવના ફળતી નથી. અને અહંકારના માર્યા, એને જ્ઞાન નહીં હોવાથી, શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી પોતે દુઃખી થાય, એની સમજણ નહીં હોવાથી, દુઃખની ભાવના ઊભી થતી જાય છે. અહંકારના બે રસ્તા કરવા જેવા છે. જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે આવવું જોઈએ. જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકારથી મુક્ત કરી શકે. બાકી બીજો કોઈ તમને અહંકારથી મુક્ત કરી શકે નહીં. જો સાંસારિક સુખો જોઈતાં હોય, તો અહંકારને સુંદર બનાવો. લોકો પસંદ કરે એવો અહંકાર જોઈએ, કે 'ચંદુભાઈ, કહેવું પડે ! કેવા બેસ્ટ માણસ છે !' બધા એમ કહે. એ અહંકાર સુંદર કહેવાય. તો તમને સાંસારિક સુખ મળશે. કદરૂપો અહંકાર - રૂપાળો અહંકાર ખોટા અહંકારથી સુખ મળતું નથી. અહંકાર નોર્મલ હોવો જોઈએ. લોકોને ઠીક લાગે એવો હોવો જોઈએ. એટલે રૂપાળો અહંકાર જોઈએ. કદરૂપો અહંકાર સારો કે રૂપાળો સારો ? પ્રશ્નકર્તા : રૂપાળો સારો. દાદાશ્રી : હા, રૂપાળો અહંકાર સારો. કદરૂપો અહંકાર હેંડતા-ચાલતાં કહે, 'શું સમજે છે ? ભલભલાને હું પૂછતો નથી !' નહીં પૂછનારો આ તું ગાંડા શું કરવા કાઢે છે તે ? ભલભલાને નહીં પૂછનારો મોટો આવ્યો ! અત્યારે પોલીસવાળો પકડશેને, તે ઘડીએ સંડાસ થઈ (ખબર પડી) જશે ! જુઓ, આવું ગાંડું ના બોલીએ, રીતસર બોલીએ બધું, લોકોને સારું લાગે એવું બોલીએ. મગજ ચગી જાય કે નથી ચગી જતું ? જાણે ભેંસનો ભઈ આવ્યો હોય એવું કરે ! ભેંસનો ભઈ જોયેલો કે નહીં જોયેલો ? હેં ! મારે ગોથું તે બધું સામાને તોડી નાખે, એવો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર એટલે ગાંડુ દેખાય એવું કરવું તે. ગાંડો અહંકાર કેવો ? પ્રશ્નકર્તા : એનું સાચા અર્થમાં ના સમજાયું. સાચો અહંકાર એટલે આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે ? દાદાશ્રી : ના, ધાર્યા ઉપર નહીં. ધાર્યું તો બધા ઘણા માણસો કરે છે. અહંકાર એટલે ગાંડું દેખાય એવું, એનું નામ ગાંડો અહંકાર કહેવાય. વ્યવહારિકતા ના દેખાય. આ બધા લોકો વ્યવહારિક કામ કરે છે તેમાં કોઈનું ખોટું, કોઈને ગાંડું કહેવાતું નથી. પણ જેને ગાંડું કહેવામાં આવે તેને અહંકાર કહે લોકો. દુનિયાથી નવી જ જાતનું દેખાડે એ અહંકાર. પ્રશ્નકર્તા : પોતાને ખબર ના હોય ? દાદાશ્રી : એ તો ભાન જ ના હોય ને કશું ! ખબરની વાત ક્યાં પણ ભાન જ ના હોયને ! હું શું ગાંડું કરી રહ્યો છું કે શું બોલી રહ્યો છું, એ ભાન ના હોય. ત્યારે તો અહંકાર એવો નીકળે બધો. આ પચાસ માણસ બેઠા હોયને પણ એક જણે ઊંધું કર્યું, તો લોકો તરત કહેશે, 'આ અહંકારી મૂઓ !' વ્યવહારિકતા હોવી જોઈએ, બધા લોકોને એક્સેપ્ટ (સ્વીકાર) થાય, કબૂલ થાય એવી. આપણે જે કરીએ તો બધા લોકો કહેશે કે 'ના ભઈ, સારું કામ કર્યું આપે.' અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો એક્સેપ્ટ કરે એવો અહંકાર હોવો જોઈએ. આ તો ગાંડો અહંકાર હોય છે તે લોકોને પસંદ ના પડે. પ્રશ્નકર્તા : ગાંડો અહંકાર, એ બાબતમાં વિશેષ જાણવું છે. દાદાશ્રી : કોઈ કહેશે, 'હું તો આખો ડુંગર ઊડાડી દઉં, એવો છું.' તો આપણે બધા કહીશું કે આ ગાંડો છે કે શું ? એ કેવો અહંકાર કરે છે ? પ્રશ્નકર્તા : ગાંડો. દાદાશ્રી : પણ એવા અહંકારને આપણે ગાંડો નથી કહેતા. એના જેવો દાખલો લેવા કહ્યું, અહીં બીજી બધી વાતો છેને કે, 'હું આમ કરી નાખું ને તેમ કરી નાખું'. હવે એનાથી કશું થાય નહીં ને અહંકાર બોલે. એ બધા ગાંડા અહંકાર જ ભર્યા છે. જેને થાય એવું હોયને તો તે અહંકારેય ના કરે. પ્રશ્નકર્તા : પણ આ ગાંડો અહંકાર છે એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો. મને કોઈ કહે કે 'દાદાજી, તમે અક્કલ વગરના છો', એટલે હું સમજું, ત્યાં મારો ગાંડો અહંકાર ઊભો ના થાય. એટલે મને દુઃખ આવે જ નહીંને ! એનો અહંકાર એને દુઃખ આપે, તે મને શું દુઃખ આપવાનો છે ? ગાંડો અહંકાર બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. એને ઓળખી કાઢવાનો. પ્રશ્નકર્તા : એ અહંકારનો નશો તો દારૂ કરતાં વધારે હોય છે, તે તો ઊતરે જ નહીં, નિરંતર ઊતરે નહીં. દાદાશ્રી : આ સાધુ એમ નક્કી કરે કે મારામાં 'વંક જડાય પછીમાં' એ હોવું ના જોઈએ, આ મહાવીર ભગવાને કહ્યું હતું એવું. તો પછી 'વંક જડાય પછીમાં' ઉપર લક્ષ રાખ્યા કરવાનું. તો એનો ઉકેલ આવે એવો છે. એવી રીતે આપણામાં 'વંક જડાય પછીમાં'ની ભાંજગડ નથી પણ અહંકારનો ડખો લક્ષમાં રહેવો જોઈએ. ગાંડો અહંકાર હોય જ. એના ઉપર લક્ષ રાખ્યા જ કરવું પડે. હજુ નીકળે છે કે નથી નીકળતો એ ગાંડો અહંકાર ? હજુ છે ? પ્રશ્નકર્તા : હવે બહુ નથી. થોડો થોડો પડ્યો છે, બહુ નથી. દાદાશ્રી : ના, પણ એ બેસી રહેલો હોય. આટલો નાનો થઈને બેસી રહ્યો હોય. તો કાલે વધતાંય એને વાર ના લાગે. જડમૂળથી ઉખાડી નાખવો જોઈએ તો કામ નીકળી ગયું. પ્રશ્નકર્તા : કેવી રીતે ઉખાડવો ? ભાવના કરવાની ? દાદાશ્રી : ના, લક્ષ જ રાખ્યા કરવાનું. એટલે બીજી બાજુ પ્રયત્ન થાય. ઊંધું ચાલે ત્યાં આગળ કહેવું કે 'વંક જડાય પછીમાં' છો ? દરેકમાં ગાંડો અહંકાર હોય. એ ગાંડો અહંકાર સવળાને અવળું દેખાડે. ગાંડો અહંકાર તો ઘરની જે તમારી છ-સાત 'ફાઈલો' હોયને, એ સાતેય ફાઈલોનું અવળું જ દેખાડતો હોય. વીતરાગ વિજ્ઞાન શું કહે છે કે ઘરનાની પ્રકૃતિને જીતો. જીતો એટલે ? એ બધા તમારી પર ખૂબ રાજી થાય. તેથી એમને દુઃખ ના થાય, એવી રીતે જીતો. બહાર દુનિયા જીતવાની નથી, તમારી ઘરની સાત ફાઈલો છે એને જીતો. દુનિયા જીતાયેલી જ છે. તમારી ફાઈલને મૂકીને નાસી છૂટ્યા ને સાધુ થઈ ગયા, તો દહાડો વળે નહીં. એ ફાઈલને જીતવી પડશે. એ ફાઈલ જ તમારે માટે આવેલી છે. ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે. કશું સમજવા જ ના દે. ઊંધું ને ઊંધું બાફ બાફ કરે. ફાઈલના દોષ જોયા અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્યો, પોતાના દોષોનો બચાવ કર્યો. પોતે પોતાને કહે કે ના, તમારો દોષ નથી. એટલે પોતે ને પોતે બચાવ કરી નાખે. વકીલ તેનો તે જ, જજ તેનો તે જ અને આરોપી તેનો તે જ, બોલો, શી દશા થાય ? પોતે આરોપી હોય, પોતે વકીલ હોય ને પોતે જજ હોય તો કેવું જજમેન્ટ (ચુકાદો) આવે ? અને આ તો સામાને ગુનેગાર જોયો ને પોતાનો બચાવ કર્યો ! બીજાના દોષ જોવા એ ગાંડો અહંકાર ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી.' એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે પણ જે કહે કે, મારામાં બે-ચાર જ દોષ દેખાય છે. તે અનંત દોષથી ભરેલો છે ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ? કૃપાળુદેવે કહ્યું, 'દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય ?' તે વાત તો લોક ગાયા જ કરે એટલું જ. 'હું તો દોષ અનંતનો...' તે એ ગાયા કરે. કોઈનેય પોતાનો દોષ નહીં દેખાયેલો. જ્યારથી દોષ દેખાવાના થાયને, ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમ દહાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાયો છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. માલ એવો છે, દોષ પોતાના દેખાતા નથી. નળીયું ને તળીયું કશું દેખાતું નથી. એક ફેરો જો દેખાય જાય ને થઈ રહ્યું પછી તો. પછી પેલો ગાંડો અહંકારેય ના ઊભો થાય, એક ફેરો ઓળખી ગયા પછી. અહંકારનો સ્વભાવ છે કે પેલા પાછલા દોષ જો જો જ કરવાનો ધંધો. પ્રશ્નકર્તા : પેલી વાત નીકળી હતી ને, પેલો દોષ થયા કરે છે એક બાજુ પ્રતિક્રમણ થયા કરે છે ને એક બાજુ પાછું દોષ થયા કરે છે. તો હમણાં કીધું કે આ દોષ જોવાનો ધંધો જ અહંકારનો છે. એટલે દોષ થયા કરવાનું કારણ મૂળ અહંકાર છે ? દાદાશ્રી : આ અહંકારનું જ ગાંડપણ છે. બીજાના દોષ દેખાય છે તે આપણા જ દોષનો પડઘો છે. મોટામાં મોટો આપણો જ દોષ છે. એને ગાંડો અહંકાર કહેવાય ! મારું ખરું એ જ અહંકાર મતભેદ પડે ત્યાં આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. ઉપાય શેના માટે ખોળવાના ? આ તો પોતાનો 'ઈગોઈઝમ' છે કે 'આ મારું ખરું છે ને પેલાનું ખોટું છે.' વ્યવહારમાં જે 'ખરું-ખોટું' બોલવામાં આવે છે તે બધું 'ઈગોઈઝમ' છે. છતાં વ્યવહારમાં કયું ખરું કે ખોટું ? જે મનુષ્યોને કે કોઈ જીવને નુકસાનકારક વસ્તુઓ છે, એને આપણે ખોટી કહીએ. વ્યવહારને નુકસાનકર્તા છે, સામાજિક નુકસાનકર્તા છે, જીવોને નુકસાનકર્તા છે, નાના જીવોને કે બીજાં જીવોને નુકસાનકર્તા છે, એ બધું આપણે ખોટું કહીએ. બીજું કશું 'ખરું-ખોટું' હોતું જ નથી, બીજું બધું 'કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઇંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી. એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઇંગ કેવું છે ! એ બધું ડ્રોઇંગ સમજી લઈએ ને, તો પછી આપણને એનાં પરથી પ્રીતિ ઊઠી જાય. પકડ, પોતાના અહંકારથી જ કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં. બધું વિનાશી સત્ય છે, તો પછી એમાં શું પકડ પકડવાની ? તેમ છતાં સામો એની પકડ પકડે તો અમે છોડી દઈએ. આપણે કહી છૂટીએ એટલું જ, આપણે આપણી ભાવના દર્શાવી જોવી કે 'ભઈ, આવું છે !' પણ એની પકડ પકડો નહીં. પોતાના જ્ઞાનની જેને પકડ નથી, એ મુક્ત જ છે ને ! પ્રશ્નકર્તા : પોતાનું જ્ઞાન એટલે કયું જ્ઞાન ? દાદાશ્રી : પોતાના જ્ઞાનની પકડ નથી, એનો અર્થ શું કે પોતાનું જ્ઞાન બીજાને સમજાવે તે ઘડીએ પેલો કહે, 'ના, તમારી વાત ખોટી છે.' તો તે પોતાની વાતનો આગ્રહ કરે, એનું નામ પકડ કહેવાય. એક વખત વિનંતી કરવાની કે, 'ભઈ, ફરી તમે વાત સમજો તો ખરા.' અને પછી એ કહેશે, 'ના, સમજી લીધું. તમારી વાત જ ખોટી છે.' તમારે પછી પકડ છોડી દેવાની. એવું કહેવા માગીએ છીએ અમે. 'હું માનું નહીં' એમ બોલવું એ તો મોટામાં મોટો અહંકાર છે ! આજે શું વાર થયો ? પ્રશ્નકર્તા : શુક્રવાર. દાદાશ્રી : અમે કો'કને કહીએ, 'શુક્રવાર'. તો પેલો કહે, 'ના, શનિવાર.' તો અમે કહીએ, 'ફરીવાર જરા તમે જુઓ તો ખરા.' ત્યારે એ કહે છે, 'ના, શનિવાર જ થયો છે.' એટલે અમે ફરી પકડીએ નહીં, છોડી દઈએ. અને સંસાર એકલામાં નહીં, જ્ઞાનમાં ય એવું. અમે પોતાના જ્ઞાનની યે પકડ પકડીએ નહીં. આ ક્યાં માથાફોડ કરીએ ? આખી રાત માથાફોડ કરીએ, પણ એ તો ભીંત જેવો છે. જે પોતાની પકડ છોડતો નથી, તો એના કરતાં આપણે છોડી દેવી સારી. નહીં તો એ જે પકડવાનો અહંકાર છે તે જાય નહીં ત્યાં સુધી છૂટાય નહીં, આપણી મુક્તિ થાય નહીં. 'હું સાચો છું' એ અહંકારેય કાઢવો પડશે અહંકાર હંમેશાં પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે. જગતને 'ખોટું છે' એમ જાણે ત્યાં દ્વેષ થાય ને 'સાચું છે' એમ જાણે ત્યાં રાગ થાય. અમે તો 'આ ખોટું છે' એમ ખાલી જાણીએ અને તેનું નામ જ 'જ્ઞાન' ! 'મારું સાચું છે' એ એક પ્રકારનો અહંકાર છે, એનેય કાઢવો તો પડશે ને ? હવે બહાર બીજો કોઈ વાત કરતો હોય તો આપણું સાચું છે, આ અમે પકડ્યું છે તે સાચું છે. એટલું માણસમાં રહે, આ જ્ઞાન મળ્યા પછી. એને ભગવાને અહંકાર કહ્યો. આ અહંકારેય કાઢવો પડશે. પણ આપણો અક્રમ જ્ઞાનના આધારે મડદાલ અહંકાર છે. એટલે જ્યારે ત્યારે નીકળી જવાનો. ક્રમિકમાં જીવતો અહંકાર હોય, આ મડદાલ અહંકાર. ડ્રામેટિક બધું, ક્રોધ-માન-માયા-લોભ બધું ડ્રામેટિક. ગાંડો અહંકાર નિમિત્તને બચકાં ભરે આ ટ્રેન અટકી જાય ત્યારે કોઇ ગાંડો બોલે, 'રેલ્વેવાળા નાલાયક છે, ડિસમિસ કરવા જોઇએ બધાંને.' અલ્યા, આ તું કોને બચકાં ભર ભર કરે છે ? નોકરીવાળા તો વીતરાગ હોય (!) ને ટ્રેન પણ વીતરાગ હોય (!), પણ અહંકાર પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ને ! આપણે આ અણસમજણમાંથી છૂટ્યા ! બહાર તો અણસમજણનું તોફાન ચાલ્યું છે. આ ગટરમાં પાણી ભરાયેલું હોય, તો સુધરાઇવાળાને કંઇ કેટલીય ગાળો ભાંડે કે, 'ગટરનાં ઢાંકણાં ખોલતાં નથી ને સાફ કરતા નથી.' ઘેર ક્યાંંકથી દાળ લાવી હોય તે ચઢે નહીં, તો વેપારીને ગાળો ભાંડે ને યાદ આવે તો ખેડૂતનેય ગાળો આપે, તે કેટલાંય બચકાં ભરે ! આ તો એને કહીએ કે, 'બાજુવાળાને પૂછી આવ તો, એની દાળ ચઢી હોય !' પણ આ બચકાં ભરવાનો સ્વભાવ પડી ગયો છે ને ! ઘેર સારી રસોઇ બનાવી હોય તો બધાંને ઘેર કહી આવે, તે અહંકાર. આ બધાંને બચકાં ભરે તેય અહંકાર. આ અહંકાર તો બોલે કે, 'હું કંઇક છું.' એને પૂછીએ કે, 'તું શું છો ?' તો એ કહે, 'એ તો ખબર નથી, પણ હું કંઇક છું !' આ કોઇને ત્યાં ચેવડો ભાવથી મૂક્યો તો પેલો કહે, 'મને આ ના ફાવે, મને નહીં જોઇએ.' એમ ચીઢથી બોલે. આ જ કદરૂપો અહંકાર. 'આ મને નહીં ફાવે' એમ બોલ્યો એ જ 'મેડનેસ' છે, નર્યો 'ઈગોઈઝમ' છે. 'નહીં ફાવે' એમ બોલવું એ ગુનો છે. આ દિવાળીના સારા દિવસે એ ચેવડાના બે દાણા મોઢામાં મૂક, તો સામાની ભાવનાને ઠોકર નહીં વાગે, તો એ અહંકાર રૂપાળો દેખાશે. અમને તો પોઇઝન આપે તોય સામાની ભાવના હોય, સામો ભાવથી આપતો હોય તો તે પોઇઝન પણ પી લઇએ ! પણ અમારી પાસે એનું મારણ હોય ! 'અક્રમ જ્ઞાની' એટલે શું ? કે અહંકાર એકદમ રૂપાળો હોય, મજૂર પાસે પણ જઇને બેસે ને તમારી જોડે પણ બેસે; પણ ક્યાંંય કદરૂપા ના દેખાય ! રૂપાળા જ દેખાય ! 'ક્રમિક માર્ગ'ના જ્ઞાની તો પોતાથી નીચેના હોય તેને ત્યાં ના જાય, કહે, 'હું મારું ફોડી લઇશ પણ ત્યાં નહીં જાઉં.' તે અહંકાર કદરૂપો હોય. આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું. 'દાદા'ને અહીં આવવું હોય તોય એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય ! આપણો અહંકાર, 'એ' અહંકાર જેવો રૂપાળો દેખાવો જોઇએ ત્યારે દશા ઓર જ હોય ! હું-પણાનો અહંકાર અહંકાર આંધળો હોય એટલે બધું ઊંધું-છતું કરે. સ્વભાવથી જ આંધળો છે, સહેજ બુદ્ધિની આંખે થોડુંઘણું જુએ છે અને બુદ્ધિની સલાહથી ચાલે છે. એ બુદ્ધિ જ્યાં કહે ત્યાં એ એની સહી કરે. બુદ્ધિ એનો વડોપ્રધાન અને પોતે પ્રેસિડન્ટ. બાકી આમ પોતે આંધળો છે, એને દેખાય નહીં કશુંય. એ બુદ્ધિ કહે કે ભઈ, આ પ્રમાણે કરી નાખો. એટલે સહી કરી આપે. પણ 'કરું છું' એવો અહંકાર. હા, બસ, હુંપણાનો, એ હું પદ કહેવાય. બાકી, અહંકાર ઓગળી ગયા પછી પોતાનું હિત સચવાય, હિતની સમજણ પડે, નહીં તો અહંકાર છે ત્યાં સુધી આંધળો છે. અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે જાણપણા પર આવરણ આવે એવો અહંકાર છે ! અહંકારથી અંધ થઈ જાય, જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ નુકસાન કરે. અહંકાર શું ના કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે ને અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે ! 'હું કંઈક છું' એ ગાંડો અહંકાર અહંકાર તો રૂપાળો હોવો જોઇએ, લોકોને ગમે તેવો હોવો જોઇએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ કે, 'તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં માન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધાં ? કઇ કઇ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?' ભાઇ પાસે, બાપા પાસે, જો કિંમત જોવા જાય ને તો ચાર આનાય કિંમત ના હોય ! 'તમે કોઇના હ્રદયમાં બેઠા નથી.' ચાર જણના હ્રદયમાં બેઠા હો તો ય સારું, તો એ અહંકાર ગાંડો ના કહેવાય, રૂપાળો કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક 'આ જાય તો સારું' એવું મનમાં રાખે, એ જ કદરૂપો અહંકાર ! કોઇ મોઢે ચોખ્ખું ના બોલે, મનમાં કહેશે કે, 'આપણે શું ? એનાં પાપે મરશે.' સૌ-સૌના ઘાટમાં, સૌ ઘાટવાળા જ હોય, એમાં એક 'જ્ઞાની પુરુષ' મોઢે ચોખ્ખું કહી દે ! જે અહંકારથી પહેલા આણામાં ફૂલાં પડે, બીજામાં ફૂલાં, ત્રીજામાં ફૂલાં, એમ દરેક આણામાં ફૂલાં જ પડે તો કહીએ કે અહંકાર ડાહ્યો છે; પણ આ તો વખતે પહેલા આણામાં ફૂલાં પડે, પણ બીજા, ત્રીજા ને આઠમામાં તો, 'યુ.... ગેટ આઉટ, યુઝલેસ' કહે, એ અહંકાર શા કામનો ? આ ગાંડા અહંકારને તો કહીએ કે, 'તને ક્યાં માન મળ્યા ? ક્યાં તાન મળ્યા ? ક્યાં સ્વાદ મળ્યા ? શું કામ અહંકાર કરે છે ? ક્યાં ૧૩૦૦ રાણીઓ છે તારે ? ક્યાં બાગબગીચા હતા તારે ? આ શાં તોફાન માંડ્યા છે ? એવું શું છે તે આ ગાંડાં કાઢે છે ? હે ચક્રમ અહંકાર, તું તો ગાંડો છે !' એવું એને કહીએ એટલે એ સમજે. આ તો કહેશે, 'હું કંઇક છું', પણ શામાં છે તે ? એ અહંકારને પ્રતાપે તો દુઃખી થયેલો. આપણે જોવા જઇએ ને - પહેલું આણું, બીજું આણું ને છેક બારમું આણું જોવા જઇએ તો સમજાય કે નર્યું એ અહંકારે જ દુઃખ આપ્યું ! આ તો ગાંડો અહંકાર કહેવાય. જેને લોકો એક્સેપ્ટ ના કરે ને અહંકાર પોતે 'હું કંઇક છું' એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવર્તીને અહંકાર હોય, પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાહ્યો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે, 'તમે કયા ખૂણામાં શાંતિથી સૂઇ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે, 'આવો, આવો, તમારા વગર તો ગમતું નથી ?' પણ આ તો લોક કહેશે કે, 'તમારાથી તો પહેલાં અજવાળું હતું તેય અંધારું થઇ ગયું.' આવાં અપમાન ખાધાં છે ! અપમાનનો પાર ના આવે એટલાં અપમાન થયાં છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ? એનો પક્ષ શો લઇએ ? ચક્રમ અહંકાર એજ મોટો શત્રુ આ તો પોતાની પોઝિશન (આબરૂ) તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે 'મારી શી કિંમત ?' આ તો ચક્રમ અહંકાર કહેવાય. અમારેય જ્ઞાન પહેલાં અહંકાર હતો, પણ તે ડાહ્યો અહંકાર, ચાર-પાંચના હ્રદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી, તોય અમને તે અહંકાર ખૂંચતો હતો કે, 'આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે !' અહંકાર તો રૂપાળો હોવો જોઇએ. દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું ? દેહ કદરૂપો હોય તો ચાલે પણ અહંકાર કદરૂપો ના જોઇએ. કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય, તે લોક 'આવો સાહેબ, આવો સાહેબ' કહે ! આ અહંકાર શેના હારુ ? એને જીવતો જ કેમ રખાય ? જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને, 'આ અમારું, આ તમારું' એ શાને માટે ? આ અહંકાર તો ગાંડી વસ્તુ કહેવાય ! એને રસ્તા પર નાખી દીધેલી હોય તોય ના લેવાય ! આત્મામાં જ રહેવાનું, આત્મા જ થઇને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનો. જેટલો અહંકાર ભારે એટલી મુશ્કેલી વધારે આ અહંકારે તો દાટ વાળ્યો છે, બીજું કશું જ નથી. જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે. ડાહ્યો અહંકાર પોતાનું ડહાપણ ના ઘાલે, જ્યારે ગાંડો અહંકાર તો ખોતરે ! એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે ! ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય, એટલે ત્રીસ દહાડા આધીન રહે અને એકત્રીસમે દહાડે ફેંકી દે. એટલે આ વૃતિઓ ક્યારે આઘીપાછી થઇ જાય એ કહેવાય નહીં. જેટલો અહંકારનો રોગ ભારે એટલી મુશ્કેલી વધારે. આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને ! અહંકારથી ગાંડપણ ઊભું થાય તો ? એક ફેરો 'જ્ઞાની પુરુષ' પાસે જે પેઠો અને પછી એનામાં જો કદી અહંકારથી ગાંડપણ ઊભું થાય તો તો એ માર્યો જ જાય ને ? નહીં તો અહીં પેસીશ જ નહીં, વીતરાગ રહેજે, છેટો રહેજે. છેટાવાળા બોલે તેને બહુ જોખમ નથી આવતું, પણ અહીં પેસીને અવળું બોલે તેને ગાંડો અહંકાર કહેવાય. એ ગાંડો અહંકાર પોતાને બહુ માર ખવડાવે. ત્યાં કેવી જ્ઞાનીની કરુણા ! તમે મારી જોડે છો અને તમારો તાવ મટી જશે થોડા વખતમાં, પછી તમે મારી જોડે જ છો. લિફ્ટ માર્ગ છે આ તો. હા, તમે મારી જોડે વાંકા થઈ જાવ તો બગડે તમારું. મારામાં કોઈ એવા લક્ષણ નથી કે તમે મારી જોડે વાંકા થાવ. મારું એવું લક્ષણ વાંકું હોય ને તમે વાંકા થાવ તો જુદી વાત છે. તમે તમારી મેળે વાંકા થાવ, તે ન હોવું જોઈએ. તમારા કર્મો તમને વાંકા કરે તો, એ તમારે સમજી લેવાનું ને એવું તમારે પોતાની જાતને કહેવું જોઈએ કે 'ભઈ, અહીં હઉ તું આ જગ્યાએ પાંસરો નથી રહેતો ?' એટલે મહીં કર્મ અવળું દેખાડે તે ઘડીએ આપણે કહીએ, 'અહીંય પાંસરો નથી રહેતો ? નહીં તો તને ડિસમિસ કરીશ.' બુદ્ધિ તમને ખોતરે, છતાંય અક્રમ છે તે રક્ષણવાળું છે, ઠેઠ સુધી રક્ષણવાળું છે. અમને ગાળો દઈ ગયો હોય તેનીય અમે રક્ષા કરીએ છીએ. કારણ કે ગાળો દે છે તે એના પોતાના હિસાબથી નથી દેતો, એને મહીં કર્મના ભૂતાં ફરી વળ્યા છે. અમને સમજણ પડી ગઈ કે આ ભાઈનું બિલકુલ 'કરેક્ટ' છે, તો અમે બિલકુલ સરળ રહીએ, બીજું કશું નહીં અને આ ભાઈ આડું રાખે છે તો પણ અમે જવા દઈએ પણ તે સમજીને જવા દઈએ. અમે જાણીએ કે આ આડું રાખે છે, કારણ કે એની શક્તિ વધારે હોય નહીં, માટે આડું કરે છે એ ! પણ તેય સમજીને કરુણા રાખીએ. 'થાય તે કરી લેજે' એ કેવો અહંકાર ? આ જગત તો બહુ વસમું, તે ભગવાન મહાવીરનેય હેરાન હેરાન કરી નાખે એવું છે. ભગવાનનેય પૂછનારા મળ્યા હતા કે, 'તમે આમ કેમ કર્યું ?' અરે, મને હઉ પૂછેને ! કારણ કે એને અધિકાર છે. ગમે તે માણસ ગમે તે પૂછે. અરે ! ગાંડાય કાઢે ! અમને તો એમેય કહે કે, 'તમારામાં અક્કલ નથી.' ત્યારે હું કહું કે, 'પહેલેથી જ નહોતી, તેં તો આજે જ જાણ્યું, પણ હું તો પહેલેથી જ જાણું છું !' હવે એ એની જોખમદારી ઉપર બોલી રહ્યો છે ને ! પણ અમારે એને સમજાવીને વાળી લેવો પડે, કારણ કે એને બહુ મોટો દોષ બેસે ને ! જેમ કૂતરું બહુ ભસતું હોય તો તેને આમ હાથ ફેરવીએ ત્યારે એ ટાઢું પડે ! એવું આ મનુષ્યો બહુ ભસતા હોય ત્યારે આપણે હાથ ફેરવીએ ત્યારે એ ટાઢા પડે. બહુ ઉગ્ર હોય ત્યારે જ બિચારો આવું કરે ને ! દુઃખનો માર્યો કરે ને ! સુખનો માર્યો કોઈની જોડે કોઈ કષાય કરે ? સુખિયો માણસ બીજા જોડે કષાય કરે ? પણ પોતે દુઃખવાળો તે સામા જોડે કષાય કરે, એટલે અમે એને ટાઢો પાડીએ અને પછી પાછું વિરાધના તોડી નખાવડાવું ! કારણ કે એણે સમજણપૂર્વક નથી કર્યું, અણસમજણથી કર્યું છે. આ બધાં અણસમજણથી જ ગુના થઈ ગયા છે. સમજણપૂર્વકનો એક ગુનો નથી કર્યો એવા આજના મનુષ્યો છે, બહુ સારામાં સારા મનુષ્યો છે; પણ ખાલી સમજણના ફાંકા પડી ગયા છે ! અને પહેલાં તો સમજણપૂર્વક ગુના કરતા હતા. 'હું જાણું છું, બૂઝું છું કે તું મહાવીર છે, તું આખા બ્રહ્માંડનો નાથ છે એનેય હું જાણું છું, પણ તારાથી થાય તે કરી લેજે.' એવાય જાણીને કરનારાં માણસો હતા. પણ એ મોટાં માણસો કહેવાય. કારણ કે આવડો મોટો ગુનો, આવાં મોટા માણસ જોડે કરવો, તે કંઈ નાનાં છોકરાનું કામ છે ? ના. તે પછી અહીંથી સીધો જ જાય; સાતમી નર્કમાં ! ત્યાંથી દેવલોકમાં જાય ને પછી અહીં આવીને વીતરાગ ધર્મ પામીને મોક્ષે જતો રહે ! કારણ કે વીતરાગો જોડે લડ્યાને ! ભગવાને કહ્યું હતું કે લડો તોય વીતરાગ જોડે લડજો પણ ગાળો ના દઈશ. તારે જો લડવાની ઇચ્છા હોય તો વીતરાગ જોડે લડજો. સારું કરીને લડજો, મારંમાર કરજો, તો એમની જોડે હિસાબ બંધાશે; નહીં તો આ લોકો જોડે તો લડીશ જ નહીં. જો તું અમેરિકન જોડે લડીશ તો તને ત્યાં પાછું જવું પડશે, 'મેરી' જોડે પૈણવું પડશે અને 'મેરી' ડાયવોર્સ લેશે ત્યારે તારી શી દશા થશે ? એટલે આવું છે આ બધું ! આ કર્મોની ગતિઓ સમજાય નહીં. ગાંડા અહંકારથી નુકસાન પોતાને જ આ ગાંડો અહંકાર મારી નાખે, પોતાની જાતને બહુ નુકસાન કરે અને ઘરના માણસ બિચારા હેરાન હેરાન થઈ જાય. એટલે સ્ત્રીઓ કહેતી હતી કે 'અમે પારકા ઘરની ડાહી આવી છે, તેથી હવે ઘરાં ચાલે છે.' બા એવું કહેતાં હતાં. બધાં બૈરાં શું કહે છે કે બધા પુરુષો ગાંડા અને સ્ત્રીઓ ડાહી આવી છે તો ઘરાં ચાલે છે, એવું કહેતાં હતાં. ગાંડો અહંકાર. મહીં આપણી પાસે મિલકત હોય જબરજસ્ત અને અહંકાર પાર વગરનો, એટલે આ અહંકારથી બધી વિકૃતિ થઈ ગઇ છે. અમારો અહંકાર નીકળી ગયો ત્યારે ખબર પડી કે આ કેવું ગાંડપણ હતું ! એ છૂપો અહંકાર ઓળખાયો ત્યારે ? મારા બ્રધર (ભાઈ) મણિભાઈ તો સિંહ જેવા, આમ બહાર નીકળેને તો સો માણસ તો બીને આઘુંપાછું થઈ જાય, આંખો દેખીને આઘાપાછા જતા રહે. એ તે દિવસે પાવર કેટલો ? હું હઉ ભડકતો હતો. એ શું પાવર ! જબરજસ્ત પાવરવાળો માણસ ! દેખાવ તો ભવ્ય ! બધી રીત આમ ભવ્ય ! બોલો હવે, પછી પાવર હોયને, આ મગજમાં ? પાવર ચઢી ગયેલો હોયને ? એટલે મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે અને મને બહુ ડાહ્યો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે ? તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, 'કઈ રીતે તમે મને અહંકારી કહો છો ? મારામાં ક્યાં અહંકાર દેખાય છે ?' ત્યારે કહે, 'તારો અહંકાર એ છૂપો અહંકાર છે. મને બધું સમજાઈ ગયું છે.' પણ અંદરખાને મારી ઊંડી ગાંઠ અહંકારની ! એ મને કહેતા હતા પણ મારા માન્યામાં નહતું આવતું. મેં કહ્યું, 'અહંકારી તો એ છે !' પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. તે ઊંડી ગાંઠની પછી મને ખબર પડી, એમના ઓફ (અવસાન) થઈ ગયા પછી. મારી ગાંઠ ફૂટીને ત્યારે ખબર પડી કે ઓહોહો ! ખરું કહેતા હતા મણિભાઈ ! અને પછી બહુ કૈડવા માંડ્યો. કૈડે તો સહન ના થાય. શી રીતે સહન થાય ? એ અહંકારની ગાંઠપછી જતીય રહી ! અહંકાર ક્યારે ગાંડુંકાઢે તે કહેવાય નહીં ઊંધું જોયું તો ઊંધો દંડ મળે. જેટલો નફો કાઢ્યો એટલી જ ખોટ સામે આવે છે. એટલે તદ્દન ખોટું નથી આ જગત ! અને કોઈને નફો ઉઘરાવતાં આવડે તો તે શુભ ધ્યાનમાં રહી શકે. પણ તો તે આખો નફો કાઢી ના શકે. માણસને અશુભ થયા વગર રહે જ નહીં. એટલે જ્યારે શુદ્ધ દશા થાય ત્યારે જ બધું ચોખ્ખું થાય. નહીં તો ત્યાં સુધી ચોખ્ખું થાય નહીં. કારણ કે અહંકાર ક્યારે ગાંડુંકાઢે એ કહેવાય નહીં. મદમસ્ત થયેલો છે એ, મદ ભરેલો છે અને તે જ અહંકારનું સ્વરૂપ ક્યારે ગાંડું કાઢે તે કહેવાય નહીં. કોઈ સળી કરે તો ગમે તેવું ગાંડું કાઢે. અને રાજાને સળી કરી હોય તો બધાને 'ઊભાં ઊભાં જલાવી દો' એવું કહેશે અને તે ઘડીએ ભાન ના થાય કે આનું શું પરિણામ આવશે ! અહંકારનો સ્વભાવ, સત્તામાં હોય તેટલું બધું વાપરી નાખે. સગો ભાઈ છે તેય શું નક્કી કરે ? 'આ એક ફેરો ખેદાન-મેદાન થઈ જાય તો પાંસરો થાય એવો છે.' સગો ભાઈ છે તેય અહંકારીનું અવળું કરવા તૈયાર થાય. જમાઈઓ મનમાં રાહ જુએ કે અત્યારે અહંકાર કરે છે પણ એક દહાડો એની રેવડી બેસાડી દઈશું. ખોદ ખોદ કરે, ચોગરદમથી. ખોદીને ઝાડ તોડી પાડે ને કકડભૂસ પડી જાય ! છોડે નહીં. બહુ અહંકાર કરોને, તો ભાઈઓ શું કહે કે 'ખત્તા ખાય તો સારું, પાંસરા થાય, નહીં તો પાંસરા થશે નહીં.' એટલે બહુ અહંકારીને ભાઈઓ શું કહે ? કેમ કરીને પડે આ. એવી ભાવના અંદર રહે. એ અહંકારમાં કેવો ખરાબ ગુણ છે, તે પેલા ભાઈઓ તો કહે, પણ વાઇફનાં મનમાંય એમ થાય કે બહુ ચઢી ગયા છે, 'હે ભગવાન ! એવો ધક્કો આપજો કે પાંસરા થઈ જાય.' બોલો હવે, એ અહંકાર એવો કેવો ગુણ છે કે આપણા ઘરનાં માણસોનેય મેળ ના ખાય. અહંકાર તો કોઈને ગમે જ નહીં. કંઈ રીતસર હોય, નોર્મલ હોય તો કામનો ! અને શેના પર અહંકાર કરે ? આપણી પાસે નથી રાજ... અરે, બાથરૂમમાં નહાવાનું જ ઠેકાણું ના હોય, ત્યાં આગળ વગર કામના આપણે અહંકાર કરીએ છીએ ને ! આટલા રૂમમાં ૫૦ માણસ હોયને તો અથડાયા વગર રહે નહીં. કારણ કે અહંકાર ફાટ્યા વગર રહે નહીંને ! બંદુકિયો તરત ભડાકો થાય. અને આ જો ગાંડો અહંકાર નહીં, તો કો'કની લાત લાગી હોય તોય કશું નહીં. તમારી સાચી વાત હોય, ત્યાં સમજણ નહીં પડે તો અથડામણ ઊભી કરે. સમજ જો પડી પછી તો અથડામણ હોય જ નહીંને ! અને પોતાનો ઇગોઇઝમ કામ કરતો હોય પાછો. દરેકને ઇગોઇઝમ જુદોને ! સીધાંને સીધો અહંકાર આવે. વાંકાને વાંકો અહંકાર આવે. અહંકાર એક જ પ્રકારનો ને રંગ જુદા જુદા લાગે ! આ અહંકાર ના હોત તો દુનિયા આવી ગાંડી ના હોત. અહંકારને લઈને દુઃખો છે. કામ કર્યે જાવ તેનો વાંધો નથી પણ અહંકાર નકામાં તોફાનો માંડે છે. માનમાં મૂડી વગરનો ગાંડો અહંકાર આ જ્ઞાન થયા પહેલાંની વાત કરું છું. ત્યારે મારું 'દિમાગ' જરા સારું ચાલે. એટલે લોકોને સલાહ આપવાની સિસ્ટમ (આદત) હતી. એટલે સલાહ આપવા બેસી જવાનું બહુ અને પેલા લોકો માનનું પીરસેય ખરા અને આપણે જમીએય ખરા ! એ મને કહેશે, 'મારે તો એવું થઈ ગયું, આવું થઈ ગયું છે.' એટલે આપણે એને કહીએ, 'પેલા બારણે રહીને નીકળી જા ને, એની મેળે હઉ થશે' તે પાછલું બારણું દેખાડીએ, બેક ડોર ! હું લોકોને ખોટી સલાહ આપતો હતો. ગુનેગારોને છટકબારી આપવી હોય ઈન્કમટેક્ષમાં, તો હું સલાહ આપું કે એ છૂટી જાય. પણ તે પાછલે બારણે રહીને કાઢી મૂક્યા બરાબર. એ પછી મને સમજાયેલું. મારી પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને પાછલે બારણેથી આ માણસ છૂટા કર્યા અને પાછું ઈન્કમટેક્ષ આગળ કેવી રીતે છૂટી જવું તેય દેખાડેલું. કારણ કે મને શું લાભ થયો એની પ્રત્યે ? મને માન આપે છે. હું માન ભૂખ્યો હતો. માન ભૂખ્યો નહીં પણ ભિખારી ! જેમ ભિખારી ભીખ માંગ્યા કરે ને, એવી રીતે માન માટે ! હા, આવાં કેટલાંય ગુના થયેલા હોય ! અમારે કંઈ વકીલાત હતી ? વકીલો પૈસા હારુ કરે, અમે માન હારુ કરતા. બધું એકનું એક જ છે ને ? બધી વકીલાત જ છે ને ? એક માણસ બીજા માણસને મારતો હોય એમાં પેલા મારનાર માણસને સમજાવટ કરીને જો કદી પાછો પાડવામાં આવે, એનું નામ બીજા ઉપર બચાવ્યાનો ઉપકાર કરવો. એટલે આને પણ નુકસાન ના થાય ને પેલાને પણ નુકસાન ના થાય ને, એવી રીતે છૂટે. પછી આની ફી લઈએ અને બીજાની ફી ના લઈએ એ કંઈ બચાવ્યો કહેવાય ? અને જે મદદ માંગવા આવ્યો ને, ચોરેય મદદ માંગવા આવ્યો તો ચોરને મદદ આપેલી. 'હા દાદા, તમે તો મારું કામ કાઢી નાખ્યું' એવું કહે પછી. બસ આટલું જોઈએ. પ્રશ્નકર્તા : માન ! દાદાશ્રી : આટલો અહમ્ પોષે એટલે બધું એનું કામ થઈ ગયું. જવાબદારી બધી લઈએ. એ તો જાણે ને કે ભગવાન જેવા છે. આ તો મારા દુઃખને હારુ એ બધું કરેલું એવું સમજે. પોતે પોતાને માટે કંઈ નહોતાં કરતાં. આટલો અહંકાર તો હોવો જ જોઈએ. નહીં તો સારું કામ કોઈ કરે જ નહીં કોઈ. અને તે મનેય અહંકાર હતો તેથી કરતો હતો, બહુ ભારે અહંકાર. એક દહાડો અંબાલાલભાઈ કહે ને બીજે દહાડે અંબાલાલ બોલે તો આખી રાત ઊંઘ ના આવે. મને એવો બધો અહંકાર. ગાંડો અહંકાર તેમાં મૂડી વગરનો અહંકાર. મૂડી ખૂટેલી નહીં કોઈ દહાડોય. ગાંડો અહંકાર કરે વાણીથી ઘા બધી શક્તિઓ ઈગોઈઝમ ખાઈ જાય છે, તે માર ખવડાવે. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. હં, પછી આ આમ કેમ કર્યું, આ આમ... અલ્યા મૂઆ ! પાંસરો મરને ! ચા પીને છાનોમાનો, મોઢું ધોઈને. અને બીબીય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે જરા આ બાબાને હીંચકો નાખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે ! ત્યારે પાછો ધણી કહેશે, 'તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.' કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે ? ડખો કરે એ અહંકારનું ગાંડપણ પ્રશ્નકર્તા : ડખો નહીં કરો કહ્યુંને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ ? ઘરમાં બહુ માણસો હોય તોય ? દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ. પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ? દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય ! પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ? દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય. પ્રશ્નકર્તા : ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ? દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય ! પ્રશ્નકર્તા : આ કડક વાણી-કર્કશ વાણી હોય, એને શું કરીએ ? દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે 'હું વિનંતી કરું છું, આટલું કરજો.' 'હું વિનંતી...' એટલો શબ્દ ઉમેરીને કરે. પ્રશ્નકર્તા : હવે આપણે એમ કહીએ કે, 'એય થાળી અહીંથી ઊંચક' અને આપણે ધીમે કહીએ, 'તું થાળી અહીંથી ઊંચક.' એટલે એ જે બોલવાનું જે પ્રેશર છે.... દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય. પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું. દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું 'હું વિનંતી કરું છું, તે આટલું કરજોને !' મહીં શબ્દ ઉમેરવો પડે. અહંકાર એ ક્રોનિક રોગ કોઈ ગાળ ભાંડે તો કશું થાય તમને ? પ્રશ્નકર્તા : અહંકાર ઘવાય, તો થાય તો ખરુંને ! દાદાશ્રી : અહંકાર ઘવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને ? અહંકારને તાજો રાખવો છે તમારે ? ફ્રેશ ? તમને અહંકારની બહુ જરૂર છે ? પ્રશ્નકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોયને ? દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીંને ! એને લીધે છે આ બધું. એક જણ ફ્રેન્ચ કટ રાખતો હતો. તે આટલે સુધી આમ વાળ રાખે. તે હેરકટીંગ સલુનવાળાથી સહેજ વધારે કપાઈ ગયું, તે ચીડાઈને પેલાને બે-ચાર ધોલ મારી દીધી ! 'અલ્યા, થોડુંક વધારે કપાઈ ગયું, એમાં શું બગડી ગયું ?' પણ આ અહંકાર કેવો કામ કરે છે ને ? તમારે એવો અહંકાર કરે કે ? તોફાન માંડે કે ? ડાહ્યો છેને ? કોઈકનો અહંકાર ડાહ્યો હોય. કોઈનો અહંકાર ગાંડો હોય ! એ અહંકારના બેઝમેન્ટ (પાયા) પર પડી રહેલા હોય. લોકોને 'અક્કલ વગરના' કહે. અને એ અક્કલનો કોથળો ! તે સાવ ખલાસ થઈ જાય, પથ્થર થઈ જાય માણસ ! કોઈને અક્કલ વગરના કહેવાય નહીં, એની મહીં આત્મા છે. એટલે જોખમદારી કેટલી ? આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો એ રોગ વધારી આપે ! 'હું અક્કલવાળો છું' એય ગાંડપણ કોઈ કહેશે, 'આ ચંદુભાઈમાં અક્કલ નથી', તો અસર થાય તમને કશી ? પ્રશ્નકર્તા : થાય તો ખરીને. દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ? પ્રશ્નકર્તા : નથી એટલે જ થાય. દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે ? ત્યારે તમે એમ કહો કે હું કલેક્ટર છું ? પ્રશ્નકર્તા : નથી તો કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી કલેક્ટરમાં, અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે હું કંઈક છું, અક્કલવાળો. પ્રશ્નકર્તા : તેમાં અહંકાર ઘવાય છે. દાદાશ્રી : અહંકાર મહીં ઘવાય છે ને હું કંઈક અક્કલવાળો છું. અક્કલનો કોથળો બજારમાં વેચવા જાય તો ચાર આનાય ના આવે. કોઈ લે નહીં. કારણ કે બધા અક્કલના કોથળા, કોણ લે ? તમારે કોઈ કંઈક બોલી ગયો હોય તો તરત થાય કે હું કંઈક છું. હું તો પહેલેથી અક્કલવાળો છું એવું માને. શું કહો છો ? તમારે એવું માને કે ? પ્રશ્નકર્તા : હા, બરાબર. પહેલેથી જ પોતે માને કે હું અક્કલવાળો છું, આમ જ છું બધું. મને કોઈ શું કહી જાય ! દાદાશ્રી : એવું તો કો'ક દહાડો જ હોયને ? પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન નહોતું લીધું ત્યારે હતું કે મને કોઈ શું કહી જાય, અહંકાર એવો હતો પણ હવે બધું એડજસ્ટ કરી લઉં. દાદાશ્રી : 'હું હોશિયાર છું' એવું રહે ? પ્રશ્નકર્તા : હા, રહે. દાદાશ્રી : એ રોગ બહુ મોટામાં મોટો. પ્રશ્નકર્તા : પણ હવે બિલકુલ રહેતું નથી. દાદાશ્રી : એમ નહીં, કોઈક વખત રહે છે એવું ? પ્રશ્નકર્તા : 'હું હોશિયાર છું' એવું તો નથી રહેતું કોઈ દિવસ, પણ મને કોઈ કહી ના જાય, બસ એની સાવચેતી રાખેલી. દાદાશ્રી : કોઈના દબાણમાં ન આવું, એવું કશુંક હતુંને ? પ્રશ્નકર્તા : હા, એવું ખરું. દાદાશ્રી : 'હું કંઈક છું' એ હતુંને, એ જ રોગ. અને એ જ રોગથી અથડાય છે. જ્ઞાન મળે તોય આ રોગ ના જાય. એટલે આ રોગ હજુ રહ્યો હોય તો કાઢી નાખવો. બાકી, આ જ્ઞાન મળ્યા પછી પણ આ રોગ રહ્યા કરે છે. પછી આપણે 'એને' કહીએને, તો સમજી જઈને ધીમે ધીમે આ રોગ કાઢે છે. પણ કહ્યું ના હોય તો અંદર રહી જાયને. એ રોગ નીકળી જવો જોઈએ. લક્ષણો, 'હું કંઈક છું'ના પ્રશ્નકર્તા : 'હું કંઈક છું' એવા રોગનાં લક્ષણો શું ? દાદાશ્રી : એના બહુ લક્ષણ હોય બધાં, અજ્ઞાની જેવા જ લક્ષણ હોય બધાં. પોતાનું ધાર્યું કરે, ફલાણું કરે, માન આપે તો પછી મીઠું લાગે. ઘણાખરા આવા રોગ, બધા બહુ લક્ષણ હોય. માન આપે ને કડવું ના લાગે તો એ જ્ઞાન રહે નહીં એને. માન જો આપતા હોયને તો જ્ઞાનવાળો માણસ તો કંટાળી જાય કે આ માન કોને જાય છે ? ચંદુલાલને માન જાય છે, ચંદુલાલનું શું કરવું ? એટલે આ રોગથી તો બહુ સાચવવા જેવું છે. 'હું સમજું છું' એય ગાંડપણ સામો મોટી ઉંમરનો હોય તોય કહેશે, 'તમે સમજતા નથી, તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડાં જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે 'તમારામાં અક્કલ નથી.' સામાન્ય માણસ તો અણસમજણના માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે, પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે. 'તમે સમજતા નથી' એવુંય ના બોલાય. આપણે તો એમ કહેવાય કે, 'ભઈ, વિચારો તો ખરાં ! તમે જરા વિચાર તો કરો.' બાકી કોઈને 'સમજતા જ નથી' કહીએ, તો પછી આ બધા ડફોળ જ છે ? આવું બોલે છે કે નથી બોલતાં લોકો ? પ્રશ્નકર્તા : બોલે છે, આ બુદ્વિવાળા એમ જ બોલે છે કે 'આને સમજ નથી.' દાદાશ્રી : હા, એવું બોલે. સામાને 'તમે ના સમજો' એવું કહેવું એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. 'તમે ના સમજો' એવું ના કહેવાય પણ 'તમને સમજણ પાડીશ' એવું કહેવું. 'તમે ના સમજો' કહે તો સામાના કાળજે ઘા વાગે ! અહંકાર તો એવી વસ્તુ છે, જેમ ચારસો વોલ્ટ પાવર હોય તે શું કહે છે ? અહીં અડશો નહીં, જોખમ છે. એવું અહંકાર વસ્તુ જોખમ છે. એ તો ચારસો વોલ્ટ જેવું છે. એને છંછેડશો નહીં. છંછેડીને શું સ્વાદ કાઢવાનો ? પ્રશ્નકર્તા : ક્લેશ, ક્લેશ, ક્લેશ ! દાદાશ્રી : ક્લેશ ! અને બચકું હઉ ભરે, સાપની પેઠે. જેમ સાપ ફૂંફાડો મારીને બચકું ભરી લે ને ? મનુષ્ય જુદી જાતનું બચકું ભરે પણ બચકું ભરી લે ! 'હું જોઈ લઈશ' એ ગાંડો અહંકાર પ્રશ્નકર્તા : દાખલા તરીકે મારે ઇન્કમટેક્ષમાં એક ફાઈલ બાકી છે. હવે ઇન્કમટેક્ષના ઓફિસરને આ જ્ઞાન નથી, એટલે એને અહંકાર છે. હવે એ અહંકારે કરીને મારું બગાડી શકે ખરો ? દાદાશ્રી : ના, તમારું કશું ના બગાડે, તમે એનો અહંકારે કરીને જો જવાબ ન આપો તો. પ્રશ્નકર્તા : હું એની પાસે જતોય નથી. મારે એની પાસે જવાની જરૂર નથી પણ આ ફાઈલ રૂટિનમાં આવે છે. દાદાશ્રી : એનો વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ એ અહંકારી ઓફિસર હોય તો મને કંઈ કરી ન શકે ? દાદાશ્રી : એને સંડાસ જવાની શક્તિ નથી તો તમને શું કરે ? તમારું ક્યારે કરે કે તમે કહો કે એવા ઓફિસરને 'હું જોઈ લઈશ'. પ્રશ્નકર્તા : એવું તો કોઈ કરે નહીં. દાદાશ્રી : હા, તમે સહજ છો, નમ્ર છો, તો તમને કંઈ ન થાય. તમે કંઈ ગોદા મારતા નથી, ત્યાં વ્યવસ્થિતમાં કોઈ ફેરફાર ના થાય. એની શક્તિ જ નથી બિચારાની ! ના બોલાય, 'કોની તાકાત છે ?' પ્રશ્નકર્તા : હવે એક તરફથી એની સંડાસ જવાની શક્તિ નથી, કહો છો અને બીજી તરફથી કહો છો, એને અહંકાર છે. દાદાશ્રી : એ તો ગોદો મારીએ તો, એની સામો ગોદો મારવાની શક્તિ છે. એટલે કોઈ શબ્દને આપણે ઉછાળવા ના જોઈએ. અમે પહેલાં એટલું બધું અપમાન કરતા, અહંકારને લઈને કે દુનિયામાં કોઈ કશું કરી શકે એમ નથી. કોની તાકાત છે, એવું બધું બોલતા. તે એવું બોલતા હવે બંધ થઈ ગયા ! એવું બોલવામાં શું થાય ? કોઈ દેવના મનમાં ખટકે, કે હેં, તાકાતની વાતો કરે છે, હવે હું જોઈ લઉં, કહેશે ! એ સામાને છંછેડ્યો કહેવાય. એ બોલાય નહીં. પ્રશ્નકર્તા : એટલે જ્યાં સુધી આપણે છંછેડીએ નહીં ત્યાં સુધી આપણા વ્યવસ્થિતમાં કંઈ ડખોડખલ ના થાય ? દાદાશ્રી : ના, કોઈના અહંકારને આપણે કશું પણ ન કરીએ તો કોઈ કશું કરે નહીં. કોઈના અહંકાર જોડે આપણે શું લેવાદેવા ? નહીં તો અમે તો બહુ બોલતા'તા આવું. અરે, હું તો એટલો બધો અજ્ઞાન દશામાં હતો કે કોની તાકાત છે ? વર્લ્ડમાં કોઈ તાકાત નથી આમ કશું કરી શકે ! પણ એ તો બધું સમજાયું કે આ તો દેવલોકો સાંભળે તો એમને થાય કે આ વળી બબૂચક શું બોલી રહ્યો છે, આ બધો અહંકાર છે. જ્યાં જુઓ ત્યાં, દેવગતિમાંય અહંકાર છે. બધે અહંકારથી જીવન છે અને મોટા માણસને અહંકાર ચઢ્યા વગર રહે નહીં. એટલે આપણાથી કંઈ ના બોલાય. વિનયમાં રહો, અવિનય નહીં કરો તો કોઈ તમારું નામ લેનાર નથી. મેં કર્યું અને હું કરીશ એય ગાંડો અહંકાર એક મહારાજ કહેતા'તા, 'હું કરીશ તો થશે ને !' મેં કહ્યું, 'ત્યારે કરતા કેમ નથી ?' ત્યારે એ કહે, 'મારી ભાવના છે, હું કરીશ.' 'કરી નાખોને, બા ! અનંત અવતારથી આટલી ચોવીસીઓ વટાવી ખાધી, તોય અહીંના અહીં ભટક ભટક કર્યા કરો છો, તો કરનાર હો તો કરી નાખો ને ? અલ્યા, ઝાડે ફરવાની (સંડાસ જવાની) સત્તા નથી, તો શું કરવાનો તે ? વગર કામનો શું કામ ઈગોઈઝમ કરે છે તે ?' આ જેટલું બોલે છે, એને અહંકાર કહેવાય છે. 'મેં કંઈ કર્યું ને હું કરીશ' એવું બોલે છે, એ ડબલ અહંકાર કહેવાય. ગાંડો અહંકાર પાડે અંતરાય દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. તે બોલતાં ના આવડે તો મૌન રહેવું સારું. તેમાંય ધર્મમાં બહુ જ જોખમ છે, વ્યવહારનાં જોખમ તો ઊડી જાય. ધર્મમાં આડુંઅવળું બોલે, 'તમે કંઇ જ સમજતા નથી ને હું જ સમજું છું' એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઇ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઇ કહે કે, '' 'જ્ઞાની પુરુષ' આવ્યા છે, ચાલો આવવું હોય તો.'' ત્યારે તમે કહો કે, ''હવે એવા તો 'જ્ઞાની પુરુષ' ઘણાય જોયા છે.'' આ અંતરાય પડ્યો ! હવે મનુષ્ય છે એટલે બોલ્યા વગર તો રહે જ નહીં ને ! તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે 'જ્ઞાની પુરુષ' આવ્યા છે, પણ મારાથી જવાતું નથી તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોતે અણસમજણથી અંતરાય પાડે છે, તેની તેને ખબર નથી. કેટલાક કહે કે, 'આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?' એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું ના બને એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. 'આત્મવિજ્ઞાન' માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્લું સ્ટેશન છે. જેના પરોક્ષના અંતરાય તૂટ્યા હોય એમને પ્રત્યક્ષના અંતરાય હોય જ. એટલે એમને પરોક્ષ જ મળે. અને પ્રત્યક્ષના અંતરાયો તો બહુ મોટા મોટા પડેલા હોય છે, તે તૂટે તો તો અનંત અવતારનું સાટું વળી જાય. અહંકારનું રક્ષણ ના કરાય પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે વાણી છે તે અહંકારથી નીકળે છે. દાદાશ્રી : એવું છે ને કે વાણી બોલે તેનો વાંધો નથી, એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ. પ્રશ્નકર્તા : રક્ષણ ના હોવું જોઈએ, એનો અર્થ આપણે સાચા છીએ એવી ભાવના ના હોવી જોઈએ એમ ? દાદાશ્રી : અમે સાચા છીએ, એનું નામ જ રક્ષણ કહેવાય. અને રક્ષણ ના હોય તો કશું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈનેય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે. હું નાના છોકરાને બહુ મારું તોય તેમને કશુંય ના થાય અને તમે જો રીસમાં જરાક ટપલી મારી હોય તો એ રડારોળ કરી મૂકે ! એટલે એને વાગ્યાનું દુઃખ નથી, અહંકાર ઘવાયો તેનું દુઃખ છે ! શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે અહંકાર એક એવો ગુણ છે કે જે બધા માણસને આંધળોભૂત બનાવે. ભાઈઓમાં પણ દુશ્મની થઈ જાય. સગો ભાઈ ક્યારે પાયમાલ થઈ જાય એવું વિચારે ! અરે, સગો બાપ પણ છોકરાને એવાં આશીર્વાદ આપે કે ક્યારે એ પાયમાલ થઈ જાય ! અહંકાર શું નુકસાન ના કરે ? એટલે આપણે અહંકારને ઓળખી રાખવો જોઈએ કે 'આ આપણો કોણ છે તે ?' પ્રશ્નકર્તા : પણ અમારું કામ કરવા માટે અમારે અહંકાર તો જોઈએ જ ને ? દાદાશ્રી : એ કામ કરવાનો અહંકાર હોય જ. એની કોણ ના પાડે છે? પણ એ અહંકારને જાણવો જોઈએ કે અહંકારમાં આવાં ગુણો છે. એટલે આપણને એની પર પ્રેમ રહે નહીં, આસક્તિ રહે નહીં. અહંકાર સામે ઉછળે ગાંડો અહંકાર પ્રશ્નકર્તા : આપણે ગમે તેટલું કરીએ, પણ સામો ના સુધરે તો શું કરવું ? દાદાશ્રી : પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા. તેનાથી લોક ઊલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે ! આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ 'મીનિંગલેસ' (અર્થહીન) છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે, 'આવું ના કરીશ.' ત્યારે સામો કહે કે, 'જાવ, અમે તો એવું જ કરવાના !' આ તો સામો ઊલટો વધારે અવળો ફર્યો ! આમાં અહંકારની જરૂર જ નથી. અહંકારથી સામાને દબડાવી-કરીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી, ત્યાં તેને બધા કાયમ 'સીન્સિયર' હોય, ત્યાં 'મોરાલિટી' હોય. આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખૂંચે છે. નાના છોકરાનેય જરાક 'અક્કલ વગરનો', 'મૂરખ', 'ગધેડો' એમ જો કહ્યું તો તેય વાંકો ફાટે ને 'બાબા, તું બહુ ડાહ્યો છે' કહીએ કે તરત એ માની જાય. 'અહંકાર નુકસાનકર્તા છે' એવું જાણી લો, ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે. જાતનું રક્ષણ એ ગાંડો અહંકાર જ્ઞાની પુરુષની આગળ રક્ષણ કરવું એ ભયંકર ગુનો છે. પોતાની જાતનું રક્ષણ કરવું એને ગાંડામાં ગાંડી બુદ્ધિ કહેવાય. જ્ઞાની પુરુષ જેને રાગ-દ્વેષ નથી, ત્યાં આગળ પોતાનું સાચું કરે છે ? પ્રશ્નકર્તા : હું જવાબ આપતો નથી. જવાબ આપું છું તો તમે ગુસ્સે થાવ છો. દાદાશ્રી : જ્ઞાની પુરુષમાં ગુસ્સો તમે એકલાએ જ જોયો. કોઈએ જોયો જ નથી. એ કેટલું બધું ઘનચક્કરપણું કહેવાય ! જ્ઞાની પુરુષમાં ગુસ્સો હોય નહીં. આ કઈ જાતની આંખ છે તમારી ? જ્ઞાની પુરુષના શબ્દ સ્ટ્રોંગ હોય, ગુસ્સો હોતો હશે ? ગુસ્સો હોય ત્યાં જ્ઞાની ના કહેવાય. ગુસ્સો હોય તેને જાનવર કહેવાય. તમને પારખતાંય ના આવડ્યું કે આ ગુસ્સો છે કે શું છે ? પોતાનું સ્વરક્ષણ કરે એ તો ગુનો છે. એ સ્વચ્છંદ કહેવાય, ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) કહેવાય. જ્ઞાન મળ્યા પછી જો કદી સ્વચ્છંદ રહેતો હોય તો ભયંકર દુઃખ જ કહેવાય. જ્ઞાની પુરુષમાં ગુસ્સો દેખાય તો તો થઈ રહ્યું ને ! તમે ખેંગાર થઈ ગયેલા છો, અક્કલના કોથળા થઈ ગયેલા છો. હવે સમજીને શુદ્ધાત્મા થઈ જાવ. આ તો દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ રાખવાથી ડફોળ કહેવાય. અક્કલ તો કોનું નામ કહેવાય કે આગળ લાઈન ક્લિયર થયા કરે અને મોઢું તો હસતું ને હસતું રહે. આ તો અક્કલના કોથળા કહેવાય. લાઈન ક્લિયર હોય નહીં, જ્યાં જાય ત્યાં ગૂંચવે ઊલટું ! બુદ્ધિનું દોઢ ડહાપણ પ્રશ્નકર્તા : આ બુદ્ધિ ગૂંચો પાડે છે એ શું છે ? દાદાશ્રી : ગૂંચો એ આ ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) છે. ઓવરવાઈઝનેસ એટલે શું કે પોતાનાં ડહાપણે બધું જ કામ કરવા જાય. દરેકમાં એ પોતાનું ડહાપણ વાપર્યા કરે. આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે, પણ તોય પોતાનું ડહાપણ વાપરે કે દવા ત્રણ વાગે પીવાની કહી છે. હવે સવા ત્રણ વાગે પીશું તો શું વાંધો છે ? એટલે પોતાનું ડહાપણ મૂક્યા વગર રહે નહીં, એની બધી ગૂંચો ઊભી થઈ જાય. બુદ્ધિને લઈને સંસાર ઊભો રહ્યો છે. બુદ્ધિ ગાંડા કાઢેને તો આપણે બુદ્ધિને કહીએ તને મૂકી આવીશું. બુદ્ધિ પછી શું કરાવડાવે ? બુદ્ધિ સ્વચ્છંદ કરાવડાવે. મહાવીર ભગવાનની પાસે બેસી રહેતો હોય તોય સ્વચ્છંદ કરાવે, 'ભગવાન તો કહે પણ આપણે તો આમ...' આ બુદ્ધિ આવું કરાવે. આપણા એક મહાત્માએ બુદ્ધિને એક ફેરો ફટકારી હતી. આવું ઊંધું બોલીને એક ફેરો, તે એને હંટરથી ફટકારીને તેલ કાઢી નાખ્યું કે, 'શું સમજે છે તું ? આ હું સમજી શકું છું. તું મને મૂરખ બનાવે છે ? આમનાં વાક્યો પર તું આટલી બધી વકીલાત કરે છે ? જેનાં વાક્યો છેલ્લાં વાક્યો કહેવાય, ત્યાંય પણ પાંસરી નથી રહેતી ?' બુદ્ધિ તો બૈરી જોડે કચકચ કરાવે કે છોકરા જોડે કચકચ કરાવે, પણ અહીંયાં ? બુદ્ધિ તો જંપીને બેસવા ના દે. વઢવું એ છે ગાંડો અહંકાર જીભની, વાણીની ભાંજઘડ અને ઘડભાંજ એ શું છે ? એ અહંકાર છે પૂર્વભવનો. એ અહંકારથી જીભ ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઊભી થાય. આજે તો જે જે દુઃખો છે તે મોટા ભાગે તો જીભનાં, વાણીનાં સ્પંદનોનાં જ છે. કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડને ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો 'તેં આમ કર્યું, તેં આમ કર્યું' કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ. આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જે બોલીએ છીએ, તે અહંકાર છે. જગત બધું નિયંત્રણવાળું છે. વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે. એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. 'હું જ ચલાવું છું' એ ગાંડો અહંકાર જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે અને આ સંસારનું તો કશું આઘુપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે 'ચંદુભાઈ' (ફાઈલ નં.૧)ને કહેવું, 'કામ કર્યે જાવ.' પછી આઘુપાછું થાય તોય વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા-લઢવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોય ને, તે બધું વઢે, લઢ્યા કરે. આ ગાયો ભેંસો કંઈ રોજ લઢે છે કે કોઈ દહાડો ? કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચ કચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવામાં આવે છે. મનમાં એમ માને કે 'મારા વગર ચાલશે નહીં. આ બધું બગડી જશે.' એ અહંકારને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા-કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું. જગતમાં કોઈને એક અક્ષરેય કશો કહેવો નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાયને તો એ રોગ મોટામાં મોટો ! બધાં પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું તે ? અક્ષરેય બોલવાનો બંધ કરી દેજો. એટલા માટે તો અમે આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતના જ્ઞાન વગર માણસ બોલ્યા વગર બેસી ના રહે. કારણ કે નોકરના હાથે પ્યાલા ભાંગી ગયા એટલે મૂઓ બોલ્યા વગર રહે જ નહીં ને ! કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે આમ તેમ છે ?' પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે એ 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું 'વ્યવસ્થિત' જ થયું. માટે અક્ષરેય બોલવાનું બંધ કરી દેવું. બોલવું એને ભગવાને ભયંકર રોગ કહ્યો છે. હા. બોલે તો, જ્ઞાની એકલા બોલે, તેય એમની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઈચ્છાઓનાં આધારે એ બોલે છે. બીજાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારુ બોલવું પડે તે ? અને એમની વાણી સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય. અને પેલી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી જાય, ભયંકર પાપ લાગે. સહેજેય બોલાય નહીં આ જગતમાં, સહેજેય બોલવું એનું નામ કચકચ કહેવાય. આપણે બહાર પૂછીએ કે, 'શું તારા કાકા કહેતા'તા ?' 'એ કાકા કચકચ કર્યા કરે છે વગર કામના.' ત્યારે શું આ બધાં જનાવરાં છે મૂઆ, કાકો કચકચ કરે છે તે ? અરે મૂરખ, શું કરવા બોલ બોલ કરે છે તે ? ચક્કર, નથી બોલવા જેવું. હા, એ બોલવાનું, તે બોલનારાની તો વાણી કેવી હોય ? કે જે બોલેને, તે પેલો સાંભળ સાંભળ કરે કે 'શું કહ્યું કાકા ? શું કહ્યું કાકા ?' આ તો બોલતાં પહેલાં જ છે તે પેલા કચકચ કરે. તે 'તમે કચકચ તમારી રહેવા દો, વગર કામના ડખો કર્યા કરો છો' કહેશે. એટલે એક જ કામ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુસહુના કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો-કરશો નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે તો છોકરાઓને, વાઈફને કંઈ કહેતા હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતાં હોયને એવું સાધારણ આમ... દાદાશ્રી : હા, નાટકી ભાવ રાખે તો વાંધો નહીં. જો સામા કચકચ કરતાં હોય ને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. એમનાં હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ? દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ. અહંકાર સજીવન થાય ક્યારે ? પ્રશ્નકર્તા : કોઈ મને કહે કે તમે આવા છો, તેવા છો, પાગલ છો એવું કહે, તો તેનું ઉપરાણું ના લેવું, રક્ષણ ના કરવું. કહેવું કે અમે તો પહેલેથી જ આવા છીએ. ઉપરાણું લીધું કે રક્ષણ કર્યું તો નિર્જીવ અહંકાર છે તે સજીવ થઈ જાય એ વાત સાચી ? દાદાશ્રી : એ સજીવ થઈ જતો નથી, પણ ઉપરાણું લીધું એટલે આપણે ડખો વધારે કરવો પડે. એટલી વખત આ ઉપરાણું લીધું તે આખી રાત ડખામાં જાય. એ જે કહે ને (આપણે કહીએ કે) તમે કહો એવા, તો ઉકેલ આવી ગયો. આપણે એની જોડે પ્લસ-માઈનસ કરવા જઈએ તો આખી રાત પળોજણનો નિવેડો ના આવે. એટલે આપણે કહીએ કે તમે કહો છો એવા છીએ. એવી વાત કરીએ એટલે ફાઈલનો કંઈક નિકાલ થઈ ગયો. પ્રશ્નકર્તા : તમે કહો છો એવા છીએ, એમ આપણે હાર કબૂલ કરી લીધી એનું શું પછી ? દાદાશ્રી : જે હાર કબૂલ કરે છે, એને પછી બીજું કરવાનું રહ્યું શું ? આ તો અમારી રીત બતાવી દીધી. અમે જે રીતે ચાલ્યા તે રીત. અજ્ઞાન દશાનો અહંકાર સજીવ કહેવાય. સ્વરૂપજ્ઞાન થયા પછી એ નિર્જીવ થઈ જાય છે. એ નિર્જીવ અહંકારનું જો ઉપરાણું લીધું કે 'હું આવો નથી' તો એ પાછો સજીવ થઈ જાય. નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે, તેનું રક્ષણ કરવાનું નથી. અને એ જો પાંચ આજ્ઞા ચૂક્યો કે અહંકાર સજીવ થવા માંડ્યો. આ અહંકાર સજીવ થયો એટલે પહેલાં જે મૂળ હતોને ત્યાં આવીને ઊભો રહ્યો. તમે જો આજ્ઞા ચૂકો તો એ સજીવ પણ થઈ જાય, વાર ના લાગેને ! ઘણાં લોકોને પાછો સજીવ થઈ ગયોને ! આજ્ઞા ચૂક્યા, પાંચ આજ્ઞા છોડી દો એટલે બધું સજીવ થઈ જાય. જેટલાએ છોડી દીધું છે, એને સજીવ થઈ ગયો છેય ખરો. પાંચ આજ્ઞા નહીં હોય તો આ તમારું કુસંગ ખઈ જશે. આ ચોગરદમ કુસંગ છે તે તમારી અહંકારની નિર્જીવતાને આખી ખઈ જશે. 'મારા વગર નહીં ચાલે' એય ગાંડપણ પ્રશ્નકર્તા : સજીવ એટલે કેવો અહંકાર ? દાદાશ્રી : સજીવ એટલે મારા વગર ચાલે જ નહીં, 'હું જ કરું છું', નહીં તો કોણ કરી શકે ? કોઈ ના કરી શકે. એ ઇગોઇઝમ કરે છેને, એ સજીવ અહંકાર છે. પ્રશ્નકર્તા : જ્યાં એને એમ લાગે કે મારા વગર ન ચાલે, તેને તમે સજીવ અહંકાર કહો છો ? દાદાશ્રી : આ દરેક ક્રિયા કરે છે, તે 'હું કરું છું' એવું ભાન છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજાનેય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી 'હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે' કહે તો ઊલટો લોહી કાઢશે ! એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે ! અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ જુદું ! પ્રશ્નકર્તા : હું કહું કે મારા વગર આ ચાલે નહીં, એવું જો કહ્યું, એમાં ક્યાં બંધાઈ જાય છે ? દાદાશ્રી : 'મારા વગર ચાલે નહીં', એવું કહેવાની જરૂર શેના માટે હોય છે ? આ કોઈ મોટા માણસ એમ કહે કે હું ના હોઉં તો આ જગતનું શું થશે ? ત્યારે લોક શું કહે કે તમારા જેવા કેટલાય આવ્યા ને ગયા ! પ્રશ્નકર્તા : બાકી કોમનસેન્સવાળો માણસ 'મારા વગર નહીં ચાલે' એવો અહંકાર નથી કરતો, તો એમાં બંધાવાનું ક્યાં આવ્યું ? દાદાશ્રી : ના, આ બધાય લોકો સજીવ અહંકાર જ કરી રહ્યા છે. એવું છેને, આ ઘરમાં પેલો શું કહે છે, 'મારા લીધે ચાલે છે, નહીં તો હું ના હોઉં ને તો તારી દશા જ બેસી જાય એવું છે.' આવું કહે ત્યારે પેલી બાઈ પાછી શું કહેશે, 'આ જુઓને ! કરવાવાળા આવ્યા ! એ તો હું છું તે આ ચાલે છે, નહીં તો તો આ છોકરીઓ રખડી જાય.' ત્યાં પેલો ડ્રાઈવર કહેશે, 'મેં બચાવ્યો.' ત્યારે પેલા બચનારાને આપણે પૂછીએ, ત્યારે એ કહે, 'એ તો હું વધારે કૂદ્યો તેથી બચી ગયો. એ શું બચાવવાનો હતો !' ત્યારે પેલો પોલીસવાળો કહે છે, 'એ તો હું હતો, તેથી તમે બચી ગયા.' એટલે એ બધું ગાંડપણ છે. અહંકારીને માથે જ બધું જોખમ આ રાજા શું કહે છે કે, મેં લાખો માણસોને મારી નાખ્યા. રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા, તેમણે માર્યા. રાજા વગર કામની જોખમદારી લે છે ! માર્યા હોય પેલા લડવૈયાએ પણ રાજા કહે કે મેં માર્યા. ગાંડું જ બોલે છે. એ લોકોને ફળ કેવું મળે છે ? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. 'મેં માર્યું' ત્યારે કહે કે લે. આ તો એમ જ જાણે કે ઓહોહો ! આ દુનિયામાં મારી આબરૂ વધી ગઈ. હા, એક બાજુ આબરૂ વધી ગઈ, પણ એનું ફળ આવશે, તે તારે એકલાને જ ભોગવવાનું. અહંકાર જે કરે તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મના ઉદયે રાજા બનાવ્યા એમને. પણ એ અહંકાર કરે, 'મેં કર્યું !' કે માર પડ્યો. ચિંતા કરાવે ગાંડો અહંકાર પ્રશ્નકર્તા : આપે સત્સંગમાં એકવાર કહ્યું કે, 'ચિંતા એ અહંકારની નિશાની છે.' દાદાશ્રી : હા, ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? એના મનમાં એમ લાગે છે કે હું આ ચલાવી લઉં છું, તેથી એને ચિંતા થાય છે. આનો ચલાવનાર હું છું. એટલે આ છોડીનું શું થશે, આ છોકરાનું શું થશે, એમ કહે. આનું શું થશે, આમ શું થશે, આ મકાન પૂરું નહીં થાય તો શું થશે ? એ ચિંતા પોતે માથે લઈ લે છે. પોતે પોતાની જાતને કર્તા માને છે. હું જ માલિક છું અને હું જ કરું છું, એમ માને છે. પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતા વહોરે છે. કર્તાભાવ હોય તેથી ચિંતા હોય, પણ કર્તાભાવ તો માણસ માત્રમાં હોય. આ તો ગાંડો અહંકાર છે. ચિંતા કરવી એ મેડ (ગાંડો) અહંકાર છે. બધાય પ્લેનમાં રોફથી સિગારેટ પીયા કરતા હોય અને આ એકલો અક્કરમી ચિંતા કર્યા કરતો હોય કે આ પડી જશે તો શું થશે ? શું થશે ? ત્યારે મૂઆ, લોક ધુમાડા કાઢે છે એ તો જો. એવું સમજવું ના પડે ? ત્યારે એ કેવો અહંકાર કહેવાય ? આપણે ધુમાડા કાઢનારને કહીએ કે આ ભઈને આવા વિચાર આવે છે. ત્યારે એ કહે, 'એ કેવો માણસ છે ? ગાંડો છે ?' એટલે ચિંતા હોવી જ ના ઘટે. અહંકારનું ગાંડપણ, 'હું કંઈક છું' પ્રશ્નકર્તા : 'હું કંઈક છું' એ મહીં હોય તો માર બહુ ખાવો પડે ? દાદાશ્રી : માર ખાવો જ પડેને ! પણ માર ખાયને એટલે પછી છોડી જ દેને, 'હું'પણું છૂટતું જાયને ! માર ખાધા વગર છૂટે નહીં. અનુભવ થવો જોઈએ. પ્રતિક્રમણથી જાય નહીં એ. પ્રશ્નકર્તા : એ પોતાનું 'હું'પણું હોય, કંઈક છું, હું આ કરી શકું છું, એ શાનાથી જાય ? દાદાશ્રી : માર ખાય તો જ છૂટે, નહીં તો છૂટે નહીં. પ્રશ્નકર્તા : માર ખાય તો એને ભૂલ ખબર પડે એ વસ્તુ જુદી છે, પછી એના રિએક્શનમાં ઊંધા ટ્રેક પર ચાલે એવુંય બનેને ? દાદાશ્રી : કોઈ અવળો થઈ જાય, અવળો ખરેખરો થઈ જાય. જો કે આપણા જ્ઞાનમાં ના થાય, પણ બીજા જ્ઞાનમાં તો થઈ જાય. આપણું જ્ઞાન તો એને હેલ્પ કરે, પાછું જોવડાવે કે મારી કંઈ ભૂલ થાય છે. એવી ખબર પડે, થોડે છેટે જાય તોય ! પ્રશ્નકર્તા : એ તો પછી પોતાને બળતરા થાયને ? દાદાશ્રી : એ બળતરા જ એને કહે કે, આ ભૂલ થઈ ગઈ. એટલે પાછો ફરી જાય. કારણ કે બળતરા વગરના દિવસ જોયા છે એણે. એટલે એને બળતરા થઈ કે પાછો ફરી જાય. એટલે લોકો કહે છે ને કે દાદા તમારા જ્ઞાનમાં પેઠા પછી હવે આઘુંપાછું જતું રહેવું હોય તો હવે અહીંથી જવાય જ નહીં. નહીં તો બળતરા ઊભી થઈ જાય અને બળતરા સહન થાય નહીં પાછી. પ્રશ્નકર્તા : આજુબાજુનો વ્યવહારેય એવો હોય કે પોતાની કંઈક ગિફ્્ટ હોય, તેમાં પોતાનો અહંકાર પોષાય. અને એવી એને ટેવ જ પડેલી છે કે જ્યાં જાય ત્યાં પોતાને બધા આમ આમ કરે (માન આપે), તમે કંઈક આમ આમ છો, કહે. એટલે પછી મહીં એ બધું મીઠું લાગેને. એટલે પોતાનું 'હું'પણું આખું ક્રેક (ગાંડો અહંકાર) થતું જાયને ? દાદાશ્રી : પણ એ નિર્જીવ છે. આપણા જ્ઞાન આપ્યા પછી જીવ નથી રહેતો. પ્રશ્નકર્તા : જીવ નથી રહેતો, પણ નિર્જીવ હેરાન કરેને ? દાદાશ્રી : નિર્જીવ વધે નહીં. જે છે એટલાનો ઉકેલ આવી જાય. પ્રશ્નકર્તા : બીજાને એ નુકસાન થાયને ? દાદાશ્રી : એ તો નુકસાન થાય. પોતાને ને બીજાને, બન્નેવને નુકસાન થાય. પણ નિર્જીવપણું છે એટલે બેઉને એટલું બધું ના થાય, જ્ઞાનમાંથી પડી જાય એવું ના થાય. નહીં તો એમને આ જ્ઞાન ક્યારનુંય ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હોત. પણ આ તો જરાક ડખો કરે છે કે, 'હું કંઈક છું', 'હું કંઈક છું' તે 'હું'નું રહી ગયું છે. તે હું કાઢવા ફરું છું પણ નીકળતું નથી. એ 'હું' સેન્સિટિવ થયો એટલે આ બધો ડખો થાય. મેં કહ્યું, 'અરે ! નથી કશામાં ! હું જ નથી ને કશામાં, તો તમે ક્યાંથી આવી ગયા ?' તો પણ એમને 'હું' જતું નથી. નહીં તો આ જ્ઞાન પ્રગટ થાય, દીપી નીકળે એવું છે. 'હું'ને વળી શું કરવું છે ? 'હું'ને તો કાઢવાનો છે. એટલે અમારી રીત તમને સમજાવી દઉં. કશામાં ડખો જ કરવા જેવો નથી. એ સંપૂર્ણ મૂળ સાથે કાઢી નાખવામાં ના આવે, ત્યાં સુધી ફરી બધું ઊભું થઈ જતાં વાર નહીં લાગે. કેવા સંયોગોમાં ક્યારે ઊભું થઈ જાય એ કહેવાય નહીં. માટે આનું શું કરવાનું ? અજ્ઞાનતા તો ગઈ હવે. હવે અહંકારને ખોદવાનો પ્રયત્ન રાખવો પડે. આ જેટલો સામાન છેને બધો અહંકારનો (તે કાઢી નાખવો પડે), આ જરૂરિયાત અહંકાર એ તો ડ્રામેટિક છે જ. પણ મહીં બીજો ગૂંચાયા કરે છાનોમાનો, એ ખબર પડે નહીં. જય સચ્ચિદાનંદ |