ક્રોધનું સ્વરૂપ, જ્ઞાનીની દ્ષ્ટિએ

સંપાદકીય

જીવનમાં ક્રોધ તો કોઈ ને કોઈ કારણસર થઈ જતો જ હોય છે. આપણે એ બાબતમાં ક્યારેય ગંભીરતાથી વિચાર્યું છે ખરું કે આ ક્રોધનું સ્વરૂપ શું ? એના પરિણામ શું અને એ શાથી તે ઉદ્ભવતો હશે ?

સામાન્ય રીતે મનુષ્યને કંઈ સૂઝ ના પડે, આગળનો રસ્તો ના જડે, ધાર્યું પરિણામ પ્રાપ્ત ના થાય, પોતાની વાત સામો સમજી ના શકતો હોય, પોતાને કંઈ નુકસાન થાય, કોઈ અપમાન કરે, પોતાનો અહંકાર ના પોષાય, માન કે લોભના રક્ષણ કરવા માટે એમ વિવિધ કારણોસર ક્રોધ થઈ જતો હોય છે.

આ ક્રોધ આવવો એ અજાગૃતિનું પરિણામ છે. ક્રોધ હંમેશા હિંસકભાવ સહિત હોય અને તાંતાવાળો હોય. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. એ પોતાને તો બાળે પણ બીજાને પણ બાળે. ક્રોધ એ તો ઉઘાડી નબળાઈ છે. એ પોતાની નબળાઈ પોતાને જ નુકસાન કરે. એને પોતાને ખબર ના પડે કે મેં બધું ધૂળધાણી કરી નાખ્યું. કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય પણ અંદર બધુ ખલાસ થઈ જાય.

ક્રોધ ક્યારે કહેવાય કે આત્માની બળતરા થાય. બળતરા થાય એટલે જાળ લાગ્યા કરે. એની બીજાને અસર થાય તે કઢાપો કહેવાય અને અજંપામાં પોતે એકલો બળ્યા કરે પણ તાંતો બન્નેમાં હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ કહેવાય. ગુસ્સો એ ડિસ્ચાર્જ પરિણામ છે, અહંકાર રહિત છે, જ્યારે ક્રોધ એ ચાર્જ છે, કારણ કે અહંકાર સહિત હોય.

આ ક્રોધ રૂપી કષાય શાના આધારે ઊભો રહ્યો હશે ? લોકો કહે છે ને, 'મને' ક્રોધ આવે છે. હવે 'મને થાય છે' એવું બોલી એ આધાર આપે છે, તેથી ક્રોધ ટકી રહે છે. હવે પોતે જો ક્રોધનું રક્ષણ ના કરે તો ક્રોધથી મુક્ત થઈ શકાય તેમ છે. પણ ક્રોધ કરવો જોઈએ એમ કરીને ક્રોધનું ઉપરાણું લે એટલે ક્રોધને એનો ખોરાક મળી રહે. પછી એ કેમ કરીને જાય ? લોકો કહે છે કે અમને ક્રોધ ગમતો નથી પણ તેને કાઢવો શી રીતે ? 'ક્રોધને બંધ કરો, બંધ કરો' એમ ઉપદેશ તો કેટલાય કાળથી મળ્યા કરે છે પણ એનાથી કશું વળ્યું નહીં ને ઉપરથી તો ક્રોધ વધતો ચાલ્યો. તો પછી તેનો ઉપાય શું ?

ક્રોધ એ તો પરિણામ છે. પરિણામને કેમ કરીને બંધ કરાય ? પરિણામ શાના આધારે આવે છે એ જાણવાનું છે. કારણ વગર પરિણામ હોઈ શકે નહીં. એટલે જો કારણને બંધ કરવામાં આવે તો જ પરિણામ ફેરફાર થઈ શકે. પરિણામને હલાવ્યા વિના કારણને નાશ કરવાનો માર્ગ અનુભવી આત્મજ્ઞાની વિના કોણ સમજાવી શકે ?

'હું ચંદુલાલ છું' એટલે કે દેહરૂપે પોતે વર્તે છે ત્યાં સુધી મહીં ક્રોધ-માન-માયા-લોભ રહ્યા છે. હવે જ્ઞાની પુરુષ જ્યારે આપણને જ્ઞાનજાગૃતિમાં લાવી આપે, 'હું શુદ્ધાત્મા છું'નું ભાન થાય, પોતાના નિજસ્વરૂપમાં આવે ત્યાર પછી જ બધું 'જેમ છે તેમ' દેખાય અને ત્યાર પછી જ ક્રોધ-માન-માયા-લોભ જાય.

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન ઉદ્બોધિત જ્ઞાનવાણીમાંથી થયેલ આ સંકલનમાં ક્રોધના વિવિધ પ્રકારો, ક્રોધ થવાના કારણો, તેના પરિણામો, ક્રોધનો ખોરાક, ક્રોધથી મુક્ત થવાની સમજણ વગેરે જ્ઞાનની સૂક્ષ્મતાએ વર્ણવેલી છે, જે ક્રોધને વિગતે સમજીને, તેનાથી મુક્ત થવાના પુરુષાર્થમાં પૂરક બની રહેશે એ જ અભ્યર્થના.

દીપક દેસાઈ

ક્રોધનું સ્વરૂપ, જ્ઞાનીની દ્ષ્ટિએ

ક્રોધ થવાનું કારણ શું ?

પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ?

દાદાશ્રી : દેખાતું બંધ થઈ જાય એટલે ! માણસ ભીંતને ક્યારે અથડાય ? જ્યારે એને ભીંત દેખાતી ના હોય ત્યારે અથડાઈ પડે ને ? એવું મહીં દેખાતું બંધ થઈ જાય એટલે માણસથી ક્રોધ થઈ જાય. આગળનો રસ્તો જડે નહીં એટલે ક્રોધ થઈ જાય. ક્રોધ કરવો ને ભીંતમાં માથું પછાડવું, એ બેઉ સરખું છે. એમાં બિલકુલેય ફરક નથી.

ક્રોધ ક્યારે આવે છે ? ત્યારે કહે, દર્શન અટકે છે એટલે જ્ઞાન અટકે છે, એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. માન પણ એવું છે. દર્શન અટકે છે, એટલે જ્ઞાન અટકે છે એટલે માન ઊભું થઈ જાય છે.

પ્રશ્નકર્તા : દાખલો આપીને સમજાવો તે વધારે સરળ થશે.

દાદાશ્રી : આપણા લોક નથી કહેતા કે કેમ બહુ ગુસ્સે થઈ ગયા ? ત્યારે કહે, 'કશું મને સૂઝ ના પડી એટલે ગુસ્સે થઈ ગયો.' હા, કંઈ સૂઝ ના પડે ત્યારે માણસ ગુસ્સે થઈ જાય. જેને સૂઝ પડી એ ગુસ્સે થાય ? ગુસ્સે થવું એટલે એ ગુસ્સો પહેલું ઈનામ કોને આપે ? જ્યાં સળગ્યું ત્યાં. પહેલું પોતાને બાળે, પછી બીજાને બાળે.

ક્રોધ એટલે પોતાની એસેટ્સ સળગાવીને સામાની લાયબિલિટી ઊભી કરવી તે.

સહેજ કો'કે મશ્કરી કરી તોય ક્રોધ થઇ જાય. કોની મશ્કરી કરે છે ? પ્રકૃતિની. અને 'પુરુષ' (આત્મા) થયો નથી એટલે ક્રોધ થઇ જાય છે.

ક્રોધ એ પ્રગટ અગ્નિ

ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું નામ ક્રોધ. એટલે પહેલાં પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે.

મોટા મોટા ઘાસનાં પૂળા કોઈના ખેતરમાં બધાં ભેગા કર્યા હોય, પણ એક જ દીવાસળી નાખવાથી શું થાય ?

પ્રશ્નકર્તા : બળી જાય.

દાદાશ્રી : એવું એક ફેરો ક્રોધ કરવાથી આખું છે તે, બે વર્ષમાં કમાયો હોય તે ધૂળધાણી કરી નાખે. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. એને પોતાને ખબર ના પડે કે મેં ધૂળધાણી કરી નાખ્યું. કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય, અંદર બધું ખલાસ થઈ જાય. આવતા ભવની બધી તૈયારી હોય ને, તેમાં થોડું વપરાય જાય. અને પછી બહુ વપરાઈ જાય તો શું થાય ? અહીં મનુષ્ય હતો, ત્યારે રોટલી ખાતો'તો, પાછો ત્યાં રાડાં (ઘાસ) ખાવા (જાનવરમાં) જવું પડે. આ રોટલીમાંથી રાડાં ખાવા જવું પડે, એ સારું કહેવાય ?

અજાગૃતિના પરિણામે ક્રોધ

ક્રોધ શું છે ? જેને કોઈને ક્રોધ આવતો હોય તે અજાગૃતિ છે. જાગૃતિ નથી એમ કહેવાય. ક્રોધ આવવો તે અજાગૃતિ, લોભ આવવો તે અજાગૃતિ. જેટલું જેટલું અજાગૃતિ ઓછી થઈ, જાગૃતિ થાય તેમ તેમ ઓછું થતું જાય. ક્રોધ કરીને જે પસ્તાય છે તે થોડીક જાગૃતિ છે તેથી, નહીં તો ક્રોધ એ અજાગૃત દશા પણ થોડી જાગૃતિ છે એટલે પસ્તાય છે. અને પસ્તાય છે તો ધોઈ નાખશે. ક્રોધ કર્યા પછી ખબર પડી જાય અને પછી ધોઈ નાખે તો એ જાગૃતિ કહેવાય. પણ ક્રોધ કર્યા પછી ખબર જ નથી પડતી એ અજાગૃત દશા.

ક્રોધ પરિણામ, હાનિ-વૃદ્ધિને આધીન

કોઈ માણસ ક્રોધ કરે છે તે ક્રોધની શરૂઆત અને ક્રોધનાં અંતે, સાડા દશે ક્રોધ શરૂ કર્યો તે ઘડીએ એની સ્થિતિ અને ક્રોધ અગ્યારે પૂરો થયો તે ઘડીએ એની સ્થિતિ, બેમાં ફેર ખરો સ્થિતિમાં ?

પ્રશ્નકર્તા : ફેર ખરો.

દાદાશ્રી : શો ?

પ્રશ્નકર્તા : ઓછું થતું જાય.

દાદાશ્રી : તે કેવી રીતે ઓછું થાય તે હું તને સમજાવું કે ક્રોધ નીકળે ત્યારે એકદમ ૧૦૦૦ સુધી ચઢી જાય, નીકળતાની સાથે, પછી એક ક્ષણ જાય એટલે ૯૫૦ થાય, બીજી ક્ષણે ૯૦૦ થાય, ત્રીજી ક્ષણે ૮૫૦ થાય, ચોથી ક્ષણે ૮૦૦ એમ ડાઉન થતો જાય. કારણ કે એ પછી ઘટ્યો પછી ફરી ક્રોધ થાય, ત્યારે પાછું વધવા માંડે. એકદમ વધીને થાય. એટલે આ જગત આખું હાનિ-વૃદ્ધિને આધીન છે.

ક્રોધ એ ઉઘાડી નબળાઈ

આ ક્રોધ-માન-માયા-લોભ, એ બધી નબળાઈ કહેવાય. નબળાઈ રૂપી આવરણ છે અને એ નબળાઈ જાય તો પરમાત્મા પ્રગટ થાય.

આ નબળાઈ જાતે કાઢવા જશો તો એકુંય નહીં જાય. ઊલટી બે વધારે પેસી જશે. માટે જેની નબળાઈ નીકળી ગઈ છે, તેની પાસે જાવ તો ત્યાં તમારો ઉકેલ આવે. સંસારનો ઉકેલ જ ના આવે. આખું જગત ભટક ભટક કરે છે. એનું કારણ જ એ છે કે તરણતારણહાર પુરુષ મળવો જોઈએ. તમારે તરવું છે એ નક્કી છે ને ?

બંધાયેલો છૂટે શી રીતે ?

તમારે કાઢવું છે બધું ? શું શું કાઢવું છે કહો ? લિસ્ટ કરીને મને આપો. એ બધું કાઢી આપીએ. તમે ક્રોધ-માન-માયા-લોભથી બંધાયેલા છો ?

પ્રશ્નકર્તા : એકદમ.

દાદાશ્રી : એટલે બંધાયેલો માણસ પોતાની જાતે શી રીતે છૂટો થાય ? આમ ચોગરદમ હાથ-પગ બધું બંધાયેલું હોય સજ્જડ, તે શી રીતે છૂટો થાય પોતે ?

પ્રશ્નકર્તા : એને કોઈનો સહારો લેવો જોઈએ.

દાદાશ્રી : બંધાયેલાની હેલ્પ લેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : ના, સ્વતંત્ર હોય એની હેલ્પ લેવી જોઈએ.

દાદાશ્રી : આપણે કોઈને પૂછીએ કે ભઈ, અહીં કોઈ છૂટા છો ? મુક્ત છો ? તો અમને આ હેલ્પ કરો. એટલે મુક્ત થયેલો હોય તે (મુક્ત) કરી આપે. બાકી, બીજું કોઈ ન કરી આપે.

ક્રોધનો આધાર શો ?

આ ક્રોધ-માન-માયા-લોભ બધું શાનાથી ઊભું છે ? શાના આધારે ઊભું છે ? લોકો કહે છે ને કે, 'મને ક્રોધ આવે છે.' હવે આ 'મને થાય છે' એ આધાર આપે છે, તેથી પેલી વસ્તુ ટકી રહી છે. 'જ્ઞાની પુરુષ' આધાર લઇ લે એટલે પેલું ઓગળી જાય. ધીમે ધીમે ક્રોધ ઓછો કરવા જાય તો થાય તેવું નથી અને વખતે ક્રોધ ઓછો થાય તો પાછું પેલી બાજુ માન વધે ! એટલે આ તો કેવું છે કે પોતાનું ભાન નામેય નથી અને માથે બધું લઇને ફરે છે ! આ તો 'પોતાના' ભાન વગર જ વ્યવહાર આખો નભી રહ્યો છે, સહેજેય ભાન નથી.

મોટી હિંસા, ઈમોશનલપણામાં

તારી ઈચ્છાથી થાય છે કે ઈચ્છા વગર થાય છે ? તારી પરવાનગી લઈને ક્રોધ થાય છે કે પરવાનગી લીધા વગર થાય છે ?

પ્રશ્નકર્તા : હું એમને એમ એકદમ ગુસ્સે થઈ જઉં છું. એમને એમ જ થઈ જાય.

દાદાશ્રી : ઈમોશનલ થઈ જવાય, નહીં ? ઈમોશનલ. મોશનમાં રહેવાનું નથી ?

બુદ્ધિ ઈમોશનલ હોય, જ્ઞાન મોશનમાં હોય. આ જેમ પેલી ટ્રેન મોશનમાં ચાલે છે, તે જો ઈમોશનલ થાય તો ?

પ્રશ્નકર્તા : એક્સિડન્ટ થાય.

દાદાશ્રી : આમ આમ કરતી કરતી ચાલે તો એક્સિડન્ટ થાય. તો એવી રીતે આ માણસ ઈમોશનલ થાય ને, તો કેટલાંય જીવો મહીં મરી જાય છે. ક્રોધ થયો કે કેટલાંય નાના નાના જીવો મરીને ખલાસ થઈ જાય અને પોતે પાછો કહે છે, હું તો અહિંસા ધર્મ પાળું છું. જીવ મારવાની હિંસા તો કરતો જ નથી. પણ અલ્યા, ક્રોધથી નર્યા જીવડાં જ મારું છું, ઈમોશનલપણામાં !

હિંસકભાવ અને તાંતો ત્યાં ક્રોધ

કોઠીની મહીં દારૂ ભરેલો હોય, તે ફૂટે ત્યારે ઝાળ લાગે અને મહીં બધો દારૂ પૂરો થઇ જાય એટલે એની મેળે કોઠી શાંત થઇ જાય. તેવું જ ક્રોધનું છે. ક્રોધ એ ઉગ્ર પરમાણુઓ છે. તે જ્યારે 'વ્યવસ્થિત'ના નિયમના હિસાબે ફૂટે ત્યારે બધેથી બળે. અમે ઉગ્રતા રહે તેને ક્રોધ નથી કહેતા, ઉગ્રતા જુદી વસ્તુ છે. ક્રોધમાં તાંતો રહે તે જ ક્રોધ કહેવાય. ક્રોધ તો ક્યારે કહેવાય કે આત્માની બળતરા થાય. બળતરા થાય એટલે ઝાળ લાગ્યા કરે અને બીજાને પણ તેની અસર લાગે. તે કઢાપા રૂપે કહેવાય અને અજંપા રૂપે અંદર જ એકલો બળ્યા કરે, પણ તાંતો તો બન્નેય રૂપમાં રહે.

ક્રોધની વ્યાખ્યા છે કે ક્રોધ હંમેશાં હિંસકભાવ સહિત હોય અને તાંતાવાળો હોય. અને હિંસકભાવ હોય ત્યારે ચાર્જ ને ડિસ્ચાર્જ બેઉ થાય. ક્રોધ-માન-માયા-લોભની પાછળ હિંસકભાવ હોય. અને બીજું તાંતો રહે, તાંતો. તાંતો એટલે ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી ઊઠ્યો, આખી રાત બેઉ જાગતા પડ્યા રહ્યાં. પછી સવારમાં એ (પત્ની) ચા મૂકેને તો ચાનો પ્યાલો આમ ટકરાવે. બૈરીએ ચાનો પ્યાલો સહેજ પછાડીને મૂક્યો એ તાંતો કહેવાય. રાતનો તાંતો અત્યારે છે. ત્યારે તમેય તાંતામાં બોલો, 'હં, હજુ પાંસરા થતા નથી !' એ બધું તાંતો કહેવાય.

આનું નામ ક્રોધ. પછી તાંતો ગમે તેટલાં વખતનો હોય ! અરે, કેટલાંકને આખી જિદંગીનો હોય ! બાપ બેટાનું મોઢું ના જુએ અને બેટો બાપનું મોઢું ના જુએ ! ક્રોધનો તાંતો તો બગડી ગયેલા મોઢા ઉપરથી જ જણાઇ જાય.

તાંતાની અસર કેવી ?

તાંતો એ એવી વસ્તુ છે કે પંદર વર્ષ પહેલાં મારું અપમાન કર્યું હોત તો, તે પંદર વર્ષ સુધી મને ભેગો ના થયો હોય, એ માણસ મને આજે ભેગો થાયને, તો ભેગો થતાની સાથે જ મને બધું યાદ આવી જાય એ તાંતો. બાકી, તાંતો કોઈનો જાય નહીં. મોટા મોટા સાધુ મહારાજોય તાંતાવાળા, રાતે જો તમે કંઈ સળી કરી હોયને તો પંદર-પંદર દહાડા સુધી બોલે નહીં એ તાંતો !

પંદર વર્ષ ઉપર તમને નુકસાન કરી ગયો હોય, તે તમને કોઈ દહાડો યાદ જ ના આવતો હોય પણ એ ભેગો થઈ જાય કે તરત પેલો તાંતો હાજર થઈ જાય કે આ પેલું નુકસાન કરી ગયો હતો. કે આ તો આપણી દુકાનનો દશ હજારનો માલ ચોરી ગયો હતો તે જ આ. હિસ્ટ્રી-બીસ્ટ્રી બધુંય યાદ આવે.

પ્રશ્નકર્તા : હા, પેલું નુકસાન કરનારો આવ્યો.

દાદાશ્રી : એનું નામ તાંતો.

પ્રશ્નકર્તા : હા, એ તાંતો. એ અંદર હતું મહીં.

દાદાશ્રી : હવે ભગવાને શું કહ્યું છે એ તાંતાને ? ત્યારે કહે, મિથ્યાત્વનો તાંતો, નિરંતર હોય અને સમ્યક્ત્વનો તાંતો નિરંતર. ક્ષાયક સમકિતનો રહે એ તાંતો ત્યારે પેલો તાંતો ઊડી ગયેલો હોય. આ હવે તમને પેલો (સમકિતનો) તાંતો બેઠો.

પ્રશ્નકર્તા : સમકિતનો તાંતો.

દાદાશ્રી : પેલો તાંતો બેઠો. જો કે એને તાંતો કહેવાય નહીં. તાંતો પેલાને જ કહેવાય. જ્યાં આગ્રહ હોય ત્યાં તાંતો કહેવાય. એટલે તાંતો જાય નહીં અને અહીં (જ્ઞાન પામેલા મહાત્માઓને) આવો તાંતો ના હોય.

ના રહે તાંતો, જ્ઞાન પછી

હવે ક્રોધ-માન-માયા-લોભ ગયા, તેની નિશાની શું ? ત્યારે કહે, આપણને તાંતો ના રહે, નહીં તો ચાલીસ વર્ષેય તાંતો જાય નહીં. આ તો કોઈ નાક કાપી ગયું હોય તો એની ઉપરેય બીજે દા'ડે તાંતો ના રહે. ભયંકર વિરાધના કરી ગયો હોય તોય તાંતો ના રહે. અને પેલું તો થોડુંક જ નુકસાન કરી ગયો હોયને તો ચાલીસ વર્ષ સુધી તાંતો ના જાય. ભેગો થાય કે તરત યાદ આવે કે આ પેલો આવ્યો. અને હવે તો સાંજે કશું ભાંજગડ થઈ હોયને, તો સવારમાં એને તાંતો ના રહે. રહે છે હવે તાંતો ? એટલે લોભનો તાંતો ના રહે, ક્રોધનો તાંતો ના રહે, કશાનો તાંતો ના રહે. આપણને એવું તેવું તાંતો-બાંતો ના હોય. સરળ થઈ જાય, જાણે રાતે કશું બન્યું જ નથી. એ રાતે ને રાતે ફાઈલોનો નિકાલ જ થઈ જાય, તાંતો ના રહે.

ક્ષાયક દર્શને, ગયો તાંતો મિથ્યાત્વનો

ભગવાને ક્રોધ-માન-માયા-લોભ તાંતાને જ કહ્યા છે. જો તાંતો છે તો ક્રોધ-માન-માયા-લોભ છે અને તાંતો નથી તો અજીવના ગુણ છે, નિર્જીવના ગુણો છે. એટલે તાંતો કોને રહે કે જેને મિથ્યાત્વ હોય. આખા જગતના જીવોને મિથ્યાત્વ તાંતો રહેવાનો અને આ તમને સમ્યક્ત્વ તાંતો બેસી ગયો કાયમનો, નિરંતર સમ્યક્ત્વ. એટલે ક્ષાયક દર્શનનો તાંતો બેસી ગયો, એટલે પેલો તાંતો ઊઠી ગયો. તમને આ તાંતો રહ્યો, એટલે આ વધારે યાદ રહે. જ્યાં આ તાંતો હોય, ત્યાં આત્મા હોય. એટલે આ ક્ષાયક દર્શન બેસાડ્યું છે આખું, નિરંતર. આનો તંત રહેવાનો, નિરંતરનો તાર. ક્ષાયક સમકિત કહેવાય આ. એટલે આ પ્રતીતિને તાંતો કહે છે, નિરંતર પ્રતીતિ. 'હું શુદ્ધાત્મા છું' એની પ્રતીતિ નિરંતર બેઠેલી છે.

ક્રોધ ભોળો છે. ભોળો પહેલો નાશ થાય. ક્રોધ એ તો બોમ્બાર્ડીંગ છે. એ દારૂગોળો છે. એ દારૂગોળો જ્યાં હોય ત્યાંથી લશ્કર લઢે. ક્રોધ ગયો એટલે લશ્કર લઢે જ શું કામ ? ભાગી જવાનું. બધાં ભાગી જવાનાં. કોઈ ઊભું નહીં રહેવાનું.

જીવન જ કષાયથી વણાયેલું ત્યાં

આ ક્રોધ-માન-માયા-લોભ જે છે ને, એમાં લોભની પ્રકૃતિ એવી છે કે પોતાને ધણીનેય માલમ ના હોય કે મને મહીં કેટલો લોભ છે ! એટલે લોભ એટલો બધો કપટવાળો છે. ક્રોધનો સ્વભાવ ભોળો છે. ધણીને તો શું પણ પારકો માણસેય કહી જાય કે આટલો બધો ક્રોધ શું કરો છો ? પણ લોભની તો પોતાને ખબર જ ના પડે, લોભથી માણસ બધું ઊંધું ચાલે છે ને ! અને લોભની પ્રકૃતિ જાય એવી નથી, અનંત અવતાર સુધી લોભની પ્રકૃતિ ના જાય. કારણ કે લોભની રાગપ્રકૃતિ છે, એ દ્વેષપ્રકૃતિ નથી. રાગપ્રકૃતિ ઠંડકવાળી હોય એટલે એ પ્રકૃતિ છૂટવા નથી દેતી. એ તો બહુ ભારે પ્રકૃતિ છે. લોભ અને કપટ, એ બે રાગપ્રકૃતિમાં જાય ને ક્રોધ અને માન, એ દ્વેષપ્રકૃતિમાં જાય. દ્વેષપ્રકૃતિનું તો આપણને પકડાઈ જાય, પણ રાગપ્રકૃતિ તો પકડાય નહીં. ધણીનેય ના પકડાયને ! કારણ કે એમાં તો એટલી બધી મીઠાશ વર્તતી હોય ને ! લોકોને તો માન અને અપમાનની જ પડેલી છે ને બધી !

પ્રશ્નકર્તા : દાદા, એ પહેલેથી ચાલ્યું આવતું હશે ને ?

દાદાશ્રી : અનાદિકાળથી જ બધું આનું આ જ માન અને અપમાન ! મનુષ્યમાં આવ્યો ત્યાંથી માન અને અપમાન, નહીં તો બીજી વંશાવળીમાં, બીજી યોનિમાં એવું કશુંય નથી. અહીં મનુષ્યમાં ને ત્યાં દેવલોકોમાંય માન-અપમાનની બહુ ધમાલ છે !

પ્રશ્નકર્તા : અહીં આવતા વેંત જ આ બધું ક્યાંથી શીખી ગયો ?

દાદાશ્રી : આ તો શીખીને જ આવેલો છે. આ જુઓને, આ બાબો કેટલા વરસનો થયો ?

પ્રશ્નકર્તા : પાંચ વરસનો.

દાદાશ્રી : તો પંચોતેર ગયા અવતારનાં અને પાંચ આ અવતારના, એટલે બોલો, અત્યારે એંસી વરસનો થયો ને ?

પ્રશ્નકર્તા : આ બીજી યોનિમાં માન-અપમાન પછી ભૂલી જતા હશે ?

દાદાશ્રી : ભૂલી જાય બધું, આ અહીંથી ગયો ત્યારથી જ બધું ભૂલી જાય છે, યાદ ના રહે. આ ચોથે દહાડે શું થયું હતું, તે તમને યાદ છે ?

પ્રશ્નકર્તા : ના, પણ તો પછી વેર-ઝેર, માન-અપમાન એ બધું યાદ રહે ને આ બધું સારું સારું કેમ ભૂલી જાય છે ?

દાદાશ્રી : ના, એ વેર-ઝેરેય યાદ નથી રહેતું. આ ક્રોધ-માન-માયા-લોભ એટલું જ સંજ્ઞા રૂપે રહે છે. આ ચાર સંજ્ઞાઓ કાયમ રહે છે, બાકી વેર-ઝેર તો પછી થાય છે. પણ આ ચાર, ક્રોધ-માન-માયા-લોભ પહેલેથી હોય છે. આવતાં જ એનું અપમાન થાય કે બૂમાબૂમ કરે. હવે, આ પેલી છોકરાંને ખાવાની ગોળીઓ હોય છે ને, એ પિપરમીટ અહીં આગળ હોય, તે આ બેબીને અને આ બાબાને લેવાની હોય તો જે લોભિયો હોય તે વધારે લઈ લે. આપણને ખબર પણ પડે કે આ લોભિયો છે. લોભિયો જેમાં ને તેમાં આગળ હોય.

પ્રશ્નકર્તા : પશુયોનિમાં પણ ક્રોધ-માન-માયા-લોભ હોય ને ?

દાદાશ્રી : બધે હોય, પણ એ સંજ્ઞા રૂપે હોય એટલે વાંધો નહીં. એ ક્રોધ-માન-માયા-લોભ ગણાય નહીં, એનું કર્મ ના બંધાય.

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભની પ્રકૃતિ જન્મતા વેંત જ જીવને હોય છે ?

દાદાશ્રી : અરે, અહીંથી જોડે લઈને જ જાય છે અને ત્યાં જોડે જ વાપરે છે.

પ્રશ્નકર્તા : લોભપ્રકૃતિ, માનપ્રકૃતિ એનાથી ભાવકર્મ થાય ?

દાદાશ્રી : એનાથી જ બધાં ભાવકર્મ ઉત્પન્ન થવાનાં. એ જે ક્રોધ-માન-માયા-લોભ છે, એનાથી અંધાપો બંધાય છે અને તેનાથી પછી ભાવ ઊંધા-છતાં કરે છે. એ અંધાપો તૂટવા માટે ક્રોધ-માન-માયા-લોભ જાય તો જ અંધાપો તૂટે ને તો ભાવ ચોખ્ખા થાય. અહંકારથી આંધળો થયો છે, લોભથી આંધળો થયો છે, ક્રોધથી આંધળો થયો છે અને કપટથી આંધળો થયો છે; ચારે રીતે આંધળો, આંધળો ને આંધળો થઈને ફરે છે.

મોક્ષે જતાં કોણ રખડાવે છે ? ક્રોધ-માન-માયા-લોભ. લોભનું રક્ષણ કરવા માટે કપટ છે, તે આંગળ કપડું વેચતાં કાપી લે. માનનું રક્ષણ કરવા ક્રોધ છે. આ ચારેયને આધારે લોક જીવી રહ્યાં છે.

ક્રોધ પોતે જ અહંકાર

એ કહે છે કે ક્રોધ બંધ કરવો છે. અલ્યા, ક્રોધ બંધ ના થાય, એમ ને એમ ક્રોધ બંધ કરવો હોય તો શી રીતે થાય ? ક્રોધને ઓળખ. ક્રોધ શું છે ? શાથી ઉત્પન્ન થાય છે ? એનો જન્મ શા આધારે થાય છે ? એની મા કોણ ? બાપ કોણ ? શી રીતે જન્મ થાય છે ? દવાખાનું કયું ? મેટર્નીટી વોર્ડ કયો ? બધું તપાસ કર્યા પછી ક્રોધને ઓળખાય.

લોકો કહે છે, આ મારા ક્રોધની દવા શું કરવી ? મેં કહ્યું, તમે અત્યારે શું કરો છો ? તો કહે, ક્રોધને દબાવ દબાવ કરીએ છીએ. મેં કહ્યું, ઓળખીને દબાવો છો કે વગર ઓળખ્યે ? ક્રોધને ઓળખવો તો પડશે ને ? ક્રોધ ને શાંતિ બે જોડે જોડે બેઠેલા હોય છે. હવે આપણે ક્રોધને ના ઓળખીએ તો શાંતિને દબાવી દે તો શાંતિ મરી જાય ઊલટી ! એટલે દબાવવા જેવી ચીજ નથી, મૂઆ. ક્રોધને દબાવે છે. અલ્યા, દબાવવા જેવી ચીજ ન્હોય એ !

આમાં એવું હોય છે કે એકને દબાવે તો બીજો વધે અને કહે કે મેં ક્રોધને જીત્યો એટલે પાછું માન વધે. ખરી રીતે ક્રોધ સંપૂર્ણ રીતે નથી જીતાતો. દ્રશ્ય (વ્યવહારમાં જે દેખાય છે તે)ક્રોધને જીત્યો કહેવાય.

એ ચાર પાડા છે, ક્રોધ-માન-માયા-લોભ ! તેમાં ક્રોધના પાડાને જરા દબાવીને સાંકડો કરે છે, ત્યારે માનનો પાડો વધારે જાડો થાય છે ! આમાં શું ફાયદો કાઢ્યો ? માનનો પાડો વધ્યો. લોક તો એક પાડાને દબાવે ને ? પણ એવું નથી કરવાનું. ક્રોધ એ શું છે, તેને ઓળખવાની જરૂર છે.

ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ ત્યારે પકડાય કે ક્રોધ એ અહંકાર છે. ત્યારે મને કહે, શું કરીએ ? ત્યારે મેં એને સમજ પડી કે ક્રોધ એ અહંકાર છે. કેવા પ્રકારનાં અહંકારથી ક્રોધ થાય છે, તેની તપાસ કરવી જોઈએ આપણે.

આ ક્રોધ કેમ ઉત્પન્ન થયો ? ત્યારે કહે કે, 'આ બહેને કપ-રકાબી ફોડી નાખ્યાં એટલે ક્રોધ ઉત્પન્ન થયો.' હવે કપ-રકાબી તોડી નાખ્યા, તેમાં આપણને શું વાંધો ? ત્યારે કહે, 'આપણે ઘેર ખોટ આવી.' અને ખોટ આવી એટલે એને ઠપકો આપવાનો પાછો ?

ત્યારે આપણે અહંકાર કેવો છે ? આ કપ-રકાબીમાં ખોટ જશે એવો અહંકાર છે. નફા-નુકસાનનો અહંકાર છે આપણને. એટલે નફા-નુકસાનના અહંકારને વિચારીને નિર્મૂળ કરો. ખોટા અહંકારને સંઘરી રાખીને ક્રોધ થયા કરે. ક્રોધનો ઉપાય છે. અહંકાર કરવો, ઠપકો આપવો, આ બધું ઝીણવટથી જો વિચારવામાં આવે તો વિચાર કરવાથી એ બધો અહંકાર ધોવાઈ જાય એવો છે.

એ સંજોગ નિવાર્ય કે અનિવાર્ય ?

હવે આ કપ-રકાબી ભાંગી ગયા તે નિવાર્ય છે કે અનિવાર્ય છે ? અનિવાર્ય સંજોગ હોય છે કે નથી હોતા ? નોકરને શેઠ ઠપકો આપે કે, 'અલ્યા, કપ-રકાબી કેમ ફોડી નાખ્યા ? તારા હાથ ભાંગલા હતા ? ને તારું આમ હતું ને તેમ હતું.' જો અનિવાર્ય હોય તો એને ઠપકો અપાય ? જમાઈના હાથે કપ-રકાબી ફૂટી ગયા હોય તો ત્યાં કશું બોલતા નથી ! કારણ કે એ સુપીરિયર આવ્યો, ત્યાં ચૂપ ! અને ઇન્ફીરિયર આવ્યો ત્યાં છિટ્ છિટ્ કરે !!! આ બધા ઇગોઈઝમ (અહંકાર) છે. આ સુપીરિયર આગળ બધા ચૂપ થઈ નથી જતા ? આ દાદાના હાથે કશું ફૂટી ગયું હોય તો કોઈના મનમાં કશું આવે જ નહીં અને પેલા નોકરના હાથે ફૂટી જાય તો ?

જાણનારાને ઓળખો તો જાય ક્રોધ

પ્રશ્નકર્તા : આપણે બધા જ જાણીએ છીએ કે આ ક્રોધ આવ્યો એ ખરાબ છે. એ જાણવા છતાં ક્રોધ થઈ જાય છે, એનું નિવારણ શું ?

દાદાશ્રી : કોણ જાણે છે ? જાણ્યા પછી ક્રોધ થાય જ નહીં. ક્રોધ થાય છે માટે જાણતા જ નથી, ખાલી અહંકાર કરો છો કે 'હું જાણું છું.'

એવું છે ને, જે ક્રોધી છે એ જાણે નહીં. લોભી છે એ જાણે નહીં, માની એ જાણે નહીં, જાણનારો જુદો છે. અને આ બધા લોકોને મનમાં એમ થાય છે કે આ જાણું છું છતાં કેમ થાય છે ? હવે 'જાણું છું' એ કોણ તે ખબર નથી. 'કોણ જાણે છે' એ ખબર નથી, એટલું જ શોધવાનું છે. 'જાણનાર'ને શોધી કાઢીએ તો બધું જાય એવું જ છે. જાણતા નથી, જાણ્યું તો એનું નામ કહેવાય કે જતું જ રહે, ઊભું જ ના રહે.

પ્રશ્નકર્તા : ક્રોધ થઈ ગયા પછી ખ્યાલ આવે કે આપણે ક્રોધ ન કરવો જોઈએ.

દાદાશ્રી : ના, પણ જાણ્યા પછી ક્રોધ ના થાય. આપણે અહીં બે શીશીઓ મૂકી હોય, ત્યાં આગળ કોઈએ સમજણ પાડી હોય કે આ દવા છે અને બીજી શીશીમાં પોઈઝન છે. બેઉ સરખી દેખાય પણ એમાં ભૂલચૂક થાય તો સમજાયને કે આ જાણતો જ નથી. ભૂલચૂક ના થાય તો કહેવાય કે જાણે છે, પણ ભૂલચૂક થાય છે માટે એ જાણતો નહોતો એ વાત નક્કી થઈ ગઈ, એવું ક્રોધ થાય છે ત્યારે કશું જાણતા નથી અને અમથા જાણ્યાનો અહંકાર લઈને ફર્યા કરો છો. અજવાળામાં ઠોકરો વાગે ખરી ? એટલે ઠોકરો વાગે છે ત્યાં સુધી જાણ્યું જ નથી. આ તો અંધારાને જ અજવાળું કહીએ છીએ તે આપણી ભૂલ છે. માટે સત્સંગમાં બેસીને 'જાણો' એક વાર; પછી ક્રોધ-માન-માયા-લોભ બધુંય જતું રહે.

એટલે આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ક્યાં સુધી ઊભી રહી છે ? 'હું ચંદુલાલ છું અને આમ જ છું' એમ નક્કી છે ત્યાં સુધી ઊભી રહેશે. આપણી પ્રતિષ્ઠા જ્યાં સુધી કરેલી છે કે 'હું ચંદુલાલ છું', આ લોકોએ પ્રતિષ્ઠા કરી આપણી અને આપણે એ માની લીધી કે 'હું ચંદુલાલ છું', તે ત્યાં સુધી આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યા છે મહીં.

પોતાની પ્રતિષ્ઠા ક્યારે જાય કે 'હું શુદ્ધાત્મા છું ભાન થાય ત્યારે.' એટલે પોતાના નિજસ્વરૂપમાં આવે ત્યારે પ્રતિષ્ઠા તૂટી ગઈ, ત્યારે ક્રોધ-માન-માયા-લોભ જાય, નહીં તો જાય નહીં. નહીં તો માર માર કરે તોય ના જાય ને એ તો વધ્યા કરે ઊલટાં. એકને મારે ત્યારે બીજો વધે, ને બીજાને મારે ત્યારે ત્રીજો વધે.

ક્રોધથી શક્તિ રુંધાય

દરેક માણસમાં શક્તિનો ધોધ તો હોય છે. શક્તિનો ધોધ પાર વગરનો, અનંતી શક્તિ છે. એ ચીઢાય છે ત્યાં આગળ શક્તિનો ધોધ બંધ થઇ જાય છે. હા, ગુસ્સો થયો એવું થયું ત્યાં શક્તિનો ધંધો બંધ થઇ ગયો. તે જ્યાં સુધી ગુસ્સે ન થાય ત્યાં સુધી શક્તિનો ધોધ ચાલુ છે.

આમાં સારો કોણ ?

આપણે ખૂબ ગુસ્સે ભરાયા હોય તો સામો આપણને શું કહે ? કે ભઈ, આમાં આટલા બધા ઉગ્ર થવાની કંઈ જરૂર નથી. સામો ઠંડું બોલે તો આપણે જાણવું કે આ લોભિયો છે. લોભિયાને પારખ શક્તિ જ એ છે. ત્યાં આગળ એ સમકિત થયેલો નથી. અને આ ઉગ્ર થાય છે ક્ષત્રિય છે. તે લોભિયા કરતાં ક્ષત્રિય સારો. અને ક્ષત્રિય કરતાં કોણ સારું ? ત્યારે કહે, સમકિત પ્રાપ્ત થનારો. તે પેલો ઉગ્ર થાય તોય પોતાને ઉગ્રતા ઉત્પન્ન થાય જ નહીં. સામો ઉગ્ર થાય તોય પોતે ના થાય. એ ઉપશમ પ્રાપ્ત કર્યું. એ ભગવાનના જ્ઞાનનો સંપૂર્ણ અધિકારી. સામો ઉગ્ર થાય તો આપણું જ્ઞાન તો તરત જ કહે ને આ કષાયમાં મૂકવા આવ્યો છે, તે આપણને સમજાય કે ના સમજાય ? આપણું જ્ઞાન તો તરત જ કામે લાગે એવું છે. એટલે આપણા જ્ઞાન આગળ કષાયના વાતાવરણમાંય જો એને સમતા રહેને તો ખરું કહેવાય. એવું આપણું આ જ્ઞાન છે, રાખી શકાય એવું છે.

ફેર, ક્રોધ અને ગુસ્સામાં

પ્રશ્નકર્તા : ગુસ્સો અને ક્રોધનો તફાવત શું ?

દાદાશ્રી : ગુસ્સામાં ને ક્રોધમાં તો બહુ તફાવત ! ગુસ્સો તો પૌદ્ગલિક વસ્તુ છે.

પ્રશ્નકર્તા : પૌદ્ગલિક એટલે ?

દાદાશ્રી : એ તો આ સ્ટવ સળગાવીએ તો ગરમ ન થાય ? એવી રીતે આ પુદ્ગલ ગરમ થાય. બીજા સાધનો, બીજા સંજોગો મળ્યા એટલે આ પુદ્ગલ ગરમ થાય, એ ગુસ્સો કહેવાય. અને ક્રોધ તો ક્યારે કહેવાય કે સામાને બાળી મેલે ને પોતે બળે પાછો. ગુસ્સો તો ડિસ્ચાર્જ પુદ્ગલ છે. ક્રોધ એ ચાર્જ છે અને ગુસ્સો એ ડિસ્ચાર્જ છે. ચાર્જ થાય એટલે કર્મ જ બંધાયને ! અને આ ગુસ્સો ડિસ્ચાર્જ છે, એટલે કર્મ બંધાય નહીં.

ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર સહિત હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ કહેવાય. અને છોકરા જોડે બાપ ગુસ્સે થાય (એના હિત માટે) એ ક્રોધ ના કહેવાય. એ ક્રોધમાં અહંકાર ના ભળે માટે એ ગુસ્સો કહેવાય. ત્યારે ભગવાને કહ્યું કે ભઈ, આ ગુસ્સો કરે તોય એનું પુણ્ય જમે કરજો. ત્યારે કહે, આ ગુસ્સો કરે છે તોય ? ત્યારે ભગવાન કહે, ના, ક્રોધ કરે તો પાપ છે, ગુસ્સાનું પાપ નથી. ક્રોધમાં અહંકાર ભળેલો હોય અને તમારે ગુસ્સો થાય ને, તો મહીં તમને ખરાબ લાગે છે ને ?

પ્રશ્નકર્તા : અત્યાર સુધી આ ગુસ્સો અને ક્રોધ એ બેને એક જ સમજતો હતો, આજે મને આપે સમજાવ્યું કે આ ગુસ્સો અને ક્રોધ બે જુદા જુદા છે, પણ હજુ કંઈ જરા એવી રીતે દ્ષ્ટાંત આપીને સમજાવો કે આને ગુસ્સો કહેવાય અને આને ક્રોધ કહેવાય.

દાદાશ્રી : અમે વઢીએ, ઠપકો આપીએ, આવું બધું કરીએ પણ કોઈને ખોટું ના લાગે. અમારા શબ્દોથી કોઈના મનને ગોબો ના પડે. ગોબા વગર બહાર નીકળે, વઢીએ-કરીએ તોય !

અને આ લોકોનો ક્રોધ છે, તેનાથી વાસણ બળી જાય. ક્રોધ સામા માણસને બાળી મેલે. બહાર મોઢે ક્રોધ ના કર્યો હોય, પણ લોકોને અંદર ગુસ્સો હોય છે ! તે પણ આપણને બાળી મેલે. અને મોઢે બોલ્યો હોયને અને અંદર તમે ના કહેતા હોય, ચંદુભાઈ ગુસ્સે થાય તો તમે મહીં ના કહો ખરાને કે ભઈ શા હારુ ? એવું નથી બનતું તમારે ?

પ્રશ્નકર્તા : હા, થાય છે, થાય છે.

દાદાશ્રી : માટે તમારી ઇચ્છા નથી આ. તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમારી ઇચ્છા હવે નથી. એટલે એટલું જ આ જડ પરમાણુ એકલું જ બૂમાબૂમ કરે છે. એની અસર પેલા ઉપર બહુ ના થાય. અને થાય તો બીજે દહાડે સમું થઈ ગયેલું હોય. ફરી ગોબો રહે નહીં.

પ્રશ્નકર્તા : ગુસ્સો બોલ્યા વગર પણ થઈ શકે ?

દાદાશ્રી : ગુસ્સા (બોલ્યા) વગર એમ ને એમ એ થઈ જાય.

પ્રશ્નકર્તા : અને ક્રોધની અંદર તો માણસ બોલે જ.

દાદાશ્રી : ક્રોધમાં તો અંદર ક્રોધ કરતો હોય એ અને બહાર મોઢું ઠંડું દેખાડતો હોય તોય આપણને મહીં એની બળતરા લાગ્યા કરે, એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : અંદર ગુસ્સો હોય કોઈ વાર, એ ખબર પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : પડે જ.

દાદાશ્રી : અને મોઢે ગુસ્સે કરતો હોય તો ના ખબર પડે. એનું કારણ કે પોતે મહીં નથી એવો.

પ્રશ્નકર્તા : હવે આ બન્ને વસ્તુ જો કાઢી નાખવી હોય, ક્રોધ અને ગુસ્સો બેઉ કાઢી નાખવા હોય તો અહંકાર જો જતો રહે તો ?

દાદાશ્રી : એમાં છે ને, પેલો જે ગુસ્સો છે એ ડિસ્ચાર્જ અહંકારનો છે અને ક્રોધ છે એ ચાર્જ ને ડિસ્ચાર્જ બન્ને ભેગા છે. અને ડિસ્ચાર્જ અહંકારનો જો ક્રોધ આપણે કાઢી નાખીએ તો આપણે મરી જવું પડે. એ છોને રહ્યો, એ છોને જીવે.

પ્રશ્નકર્તા : એ છોને રહ્યો અને એ બહુ નુકસાનકર્તા છે નહીં.

દાદાશ્રી : નથી. આપણે તો પહેલેથી વહુને કહી રાખવાનું કે જો આ ચંદુભાઈનો સ્વભાવ તું જાણે છે ને, તે જરા ઉગ્ર છે ને તું કંટાળીશ નહીં, કહીએ, હુંય સાંભળું ને તુંય સાંભળજે.

પ્રશ્નકર્તા : અને દાદા, આ ગુસ્સો જે છે, એ અંદર ભરેલો જે છે, તો એ માલ નીકળી જાય તો સારું ને ?

દાદાશ્રી : નીકળીને ઓછો થતો જાય દહાડે દહાડે, વધે નહીં. એટલે દસ-બાર વર્ષે ખાલી થઈ જાય બધું. આ કોથળો ખાલી થઈ જાય. પછી આપણે હવે પેલા હોય જ નહીં લફરાં.

તન્મયાકાર થાય ત્યાં ક્રોધ

જ્યારે ચંદુભાઈ ગુસ્સો કરે, એ પોતે મહીં પસ્તાવો કર્યા કરે કે અરે, આમ કેમ થાય છે, આમ કેમ થાય છે ? પોતાને આ ગમતું નથી છતાં થઈ રહ્યું છે આ. કારણ કે ઇફેક્ટ છે. તમને ગમે તે ઘડીએ ? ના ગમે. એટલે પોતે છૂટાં રહે. પોતાને ગમે નહીં અને આ થયા કરે છે. એમાં પોતાનો એક પણ અભિપ્રાય નથી, એકતા નથી આ. આત્મા છૂટો પડી ગયો. પહેલાં એકતા હોય ત્યાં સુધી ક્રોધ હતો. જેની પાછળ હિંસકભાવ હોય, એનું નામ ક્રોધ. અને જેની પાછળ હિંસકભાવ નથી એટલે આત્મા જુદો છે, આત્માને ગમતું જ નથી આ, ત્યાં ક્રોધ ના કહેવાય.

શુદ્ધાત્માને ગુસ્સો છે જ નહીંને ! ગુસ્સો કોને આવે છે ? ચંદુભાઈને ગુસ્સો આવે છે, એમાં તું તો ભળતો નથી. તન્મયાકાર ના થાય એટલે ક્રોધ ના કહેવાય, ગુસ્સો કહેવાય. એ ગુસ્સો તો થાય. એ ગુસ્સો મહીં ભરેલો છે, તે ડિસ્ચાર્જ થયા વગર રહે નહીંને ? ક્રોધ ના થવો જોઈએ. ક્રોધ તો પોતે તન્મયાકાર થાય, આત્મા ભેગો થાય ત્યારે ક્રોધ થાય અને એ ક્રોધ કહેવાય.

આર્ત-રૌદ્રધ્યાન નહીં તે ધર્મધ્યાન

તમે કો'કની ઉપર ક્રોધ કર્યો એ રૌદ્રધ્યાન થઇ ગયું. અને આ કો'કની ઉપર ક્રોધ કરે અને પછી પસ્તાવો કરે એ આર્તધ્યાન થયું કહેવાય. એ રૌદ્રધ્યાનમાં નથી જતું, કારણ કે આ ક્રોધ ખરેખર ક્રોધ નથી, આ તો ગુસ્સો છે. ખરેખર ક્રોધ તો તાંતો હોય, કાલે કર્યો હોય ને તો આજ યાદ આવે. ભૂલે કે ? ના ભૂલી જાય ને ખરેખરો ક્રોધ તો ?

કેટલાક માણસ ક્રોધ કર્યા પછી, 'ક્રોધ કરવા જેવો જ હતો' એમ કહે છે. એટલે એ રૌદ્રધ્યાન, સભર રૌદ્રધ્યાન થયું ! ડબલ થયું ! ક્રોધથી તો રૌદ્રધ્યાન થયું પણ 'કરવા જેવો હતો' એ થયું તે રાજીખુશીથી કરે છે, માટે ડબલ થયું અને પેલો છે તે પસ્તાવો કરે છે, માટે એ આર્તધ્યાનમાં જાય છે. રૌદ્રધ્યાન પણ પસ્તાવો કર્યો માટે એ આર્તધ્યાનમાં જાય. કારણ કે પસ્તાવાપૂર્વકનું કરે છે.

કોઇ ગાળ ભાંડે ને ક્રોધ થાય તે રૌદ્રધ્યાન છે. હવે કોઇ ગાળ ભાંડે ત્યારે આટલું જ્ઞાન હાજર થાય કે ગાળ ભાંડનારો નિમિત્ત છે અને આ મારાં જ કર્મના ઉદયનું ફળ આવ્યું છે, માટે આમાં કોઇ ગુનેગાર છે જ નહીં. એવું સમજાય અને પોતાને ક્રોધ ના થાય ત્યારે ધર્મધ્યાન થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવું તે ધર્મધ્યાન છે.

અસંયમ ઉપર સંયમ, એ જ સંયમ

પ્રશ્નકર્તા : આ ચિઢાઈ ઊઠવું એ શું છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિ છે, એને આપણે જોયા કરવું તે પણ એક સંયમ છે. પણ પોતાને ખરાબ છે એમ લાગ્યા કરે, ત્યાં આ આજ્ઞા પાળેને એટલે સંયમ ઉત્પન્ન થાય. એ સંયમ એ જ પુરુષાર્થ. એટલે આ આપણા અક્રમ વિજ્ઞાનના આધારે કે જેનાથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન જાય એ સંયમ કહેવાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય, એનું નામ સંયમ કહેવાય.

ક્રોધ-માન-માયા-લોભ ચંદુભાઈને થાય, પણ 'પોતાને' એમ થાય કે આ ના હોવું જોઈએ. સ્વરૂપે કરીને તમને એમ જ લાગે કે આ ના હોવું જોઈએ. બન્ને ક્રિયા સાથે થતી હોય, ચંદુભાઈ ક્રોધ કરતા હોય અને તમને મહીં અંદર એમ થતું હોય કે આ ના હોવું જોઈએ. એ બે ક્રિયા સાથે થાય, એનું નામ સંયમ. અસંયમ ઉપર સંયમ, એનું નામ સંયમ. આ જગતના લોકોને શું થાય ? અસંયમ ઉપર અસંયમ. એટલે વાત છે ટૂંકી ને સમજ્યા વગરનું બફાયા કરે છે બધું.

ક્રોધના બે ભાગ, કઢાપો ને અજંપો

વર્લ્ડમાં કોઇ માણસ ક્રોધને જીતી શકે નહીં. ક્રોધના બે ભાગ, એક કઢાપા રૂપે અને બીજો અજંપા રૂપે. જે લોકો ક્રોધને જીતે છે તે કઢાપા રૂપે જીતે છે. તમે બેઉને ઓળખો છો કે એકને ઓળખો છો ?

પ્રશ્નકર્તા : બેઉને ઓળખું છું.

દાદાશ્રી : એમ ? આ બેમાં કોણ મોટો ભાઈ ?

પ્રશ્નકર્તા : કઢાપો જ મોટો.

દાદાશ્રી : હા, કઢાપો મોટો ને ભોળો છે, પેલો અજંપો એ નાનો ને કપટી છે. એટલે કઢાપો કરે ત્યારે લોકોય કહેશે કે, 'ભઈ, બે પ્યાલા ફૂટી ગયા એમાં આટલો બધો કઢાપો શું કરવા કર્યા કરો છો ?' ઘરનાં હઉ કહેશે કે, 'છોને, ફૂટી ગયો, તમે બેસોને નિરાંતે, જરા શાંતિ રાખોને !' કઢાપો ભોળો ખરોને, એટલે લોક જાણી જાય અને અજંપો તો મહીં થાય. કેટલાક શેઠિયા આબરૂ ના જાય એટલા માટે કઢાપો નથી કરતા, પણ મહીં અજંપો કર્યા કરે. ત્યારે એ અજંપો કપટી અને નાનો છે. એટલે આવતા અવતારના લાઈનબંધ હિસાબ બાંધી આપે. એટલે આ સહીઓ કરાવી લે છે બધી. જેને કઢાપો થાય તેને અજંપો મહીં થાય ખરો જ, પણ પેલો અજંપો એકલો હોય એ તો બહુ મોટો જોખમી હોય. પણ જ્યારે કઢાપો ને અજંપો બે વહેંચી ખાતા હોય ત્યારે કઢાપો વધારે ખઈ જાય, એટલે અજંપાને ભાગ બહુ થોડું જાય. પણ આ શેઠિયા કઢાપો કરે નહીં, અજંપો એકલો કર્યા કરે. શેઠિયાઓ જાણે કે આ બધા લોક મારી નબળાઈ જાણી જશે એટલે શેઠિયાઓ મોઢે કઢાપો ના કરે, મહીં અજંપો કર્યા કરે કે, 'આ મોંઘા ભાવના પ્યાલા ફોડી નાખ્યા. આ બધા બેઠાં છે એ જાય એટલે નોકરને બે તમાચા મારી દઉં, આને તો હવે કાઢી મેલવો છે.' આવું ને આવું મહીં કર્યા કરે.

કઢાપો-અજંપો ગયો કે થયો ભગવાન

લોક શું કહે છે કે, કઢાપા-અજંપા વગર મનુષ્ય જ ના હોય. કોઈને પ્યાલા ફૂટી જાય ને કઢાપો-અજંપો થાય, ત્યારે કોઈને પેન ખોવાઈ જાય ને કઢાપો-અજંપો થાય. કો'કને પોતાની મોટર ડ્રાઈવરે જરાક ખરાબ કરી નાખી હોય તો કઢાપો-અજંપો થાય, કંઈનો કંઈ કઢાપો-અજંપો થયા વગર રહે જ નહીં. કોઈને પોતાનું ડાઈનીંગ ટેબલ કોઈએ બગાડ્યું હોય તો કઢાપો-અજંપો થઈ જાય, તે આખો દહાડો કઢાપો-અજંપો જ કર્યા કરે અને કઢાપો-અજંપો ગયો, તેને જગત ભગવાન જ કહે !

હવે શાથી આવડું મોટું પદ કહ્યું હશે ? કારણ કે કોઈ પણ માણસ કઢાપા-અજંપા વગરનો ના હોય. એટલે કઢાપો-અજંપો આટલો જ શબ્દ જેનામાંથી ગયો એ ભગવાન કહેવાય. એ ભગવાન આપણું થર્મોમીટર !

ડબલ ક્રોધ, સહન કરવું એ

પ્રશ્નકર્તા : ક્રોધ આવે તો દબાવવો કે કાઢી નાખવાનો ?

દાદાશ્રી : ક્રોધ દબાવ્યો દબાવાય એવી વસ્તુ નથી. એ તો આજે દબાવ્યો, કાલે દબાવ્યો, સ્પ્રિંગને બહુ દબાવીએ તો શું થાય ? એક દહાડો એ આખી ઊછળે. અત્યારે તાત્કાલિક તમે ક્રોધને દબાવો છો તે ઠીક છે, પણ જ્યારે ત્યારે એ નુકસાનકારક છે.

ક્રોધની વાણી ના નીકળે એટલે સામાને ના વાગે. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ કહેવાય છે એવું નહીં પણ મહીં ધુમાય તેય ક્રોધ છે. આ સહન કરવું એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો 'સ્પ્રિંગ' ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું ? આનો તો જ્ઞાનથી ઉકેલ લાવી નાખવાનો.

ક્રોધ એ મોટી નબળાઈ

પ્રશ્નકર્તા : માણસને ક્રોધ ડગલે ને પગલે આવી જાય છે, તો એ ક્રોધ જલદી ના આવી જાય એ માટે શું કરવું ?

દાદાશ્રી : દરેક માણસને ક્રોધ થતો હશે ?

પ્રશ્નકર્તા : આપણે સાચાં હોઈએ છતાંય આપણું કોઈ ખોટું કરી નાખે, એટલે મહીં એના પર ક્રોધ થાય.

દાદાશ્રી : હા, પણ તમે સાચાં હોય ત્યારે ને ? તમે સાચાં હો ખરાં ? તમે સાચાં છો, એવું તમને ખબર પડી ?

પ્રશ્નકર્તા : આપણને આપણો આત્મા કહેતો હોય ને, કે આપણે સાચા છીએ.

દાદાશ્રી : આ તો તમે ને તમે જજ, તમે વકીલ ને તમે જ આરોપી, એટલે તમે સાચાં જ ને ? તમે પછી જૂઠા થાવ જ નહીં ને ? પેલાનેય એવું હોય કે હું જ સાચો છું. આપને સમજાય છે ? ક્રોધ તમને જ થાય છે કે બીજા કોઈનેય થાય છે ?

પ્રશ્નકર્તા : ક્રોધ તો બધાને થઈ જાયને !

દાદાશ્રી : પણ આ ભાઈને પૂછો, એ તો ના કહે છે.

પ્રશ્નકર્તા : સત્સંગમાં આવ્યા પછી ક્રોધ ના થાય ને !

દાદાશ્રી : એમ ? એમણે શી દવા પીધી હશે ? દ્વેષનું મૂળ જતું રહે એવી દવા પીધી.

પ્રશ્નકર્તા : પણ મારે એ પૂછવું હતું કે અન્યાય માટે ચીઢ ચઢે, એ તો સારું છે ને ? કોઈ વસ્તુ માટે આપણે દેખીતી રીતે અન્યાય થયેલો જોઈએ ત્યારે જે પ્રકોપ થાય એ યોગ્ય છે ?

દાદાશ્રી : હવે એ સારું ક્યારે કહેવાય કે ફોરેનમાં એક્સ્પોર્ટ થાય ત્યારે સારું કહેવાય. એ એક્સ્પોર્ટ થાય ખરું ?

પ્રશ્નકર્તા : હા, એ એક્સ્પોર્ટ થઈ શકે !

દાદાશ્રી : પણ લેનારાં સામા ઘરાક ખરાં ? એનો કોઈ ઘરાક મળે નહીં ને ! એવું છે, કે આ બધું ક્રોધ ને ચીઢ, એ બધી નબળાઈઓ છે, ખાલી વિકનેસ છે. આખા જગત પાસે એ વિકનેસ છે, પછી કોણ તમારું ઉત્પાદન લેનાર છે ? રોજ ચીઢ અહીંથી એક્સ્પોર્ટ કરો તો કોઈ લે નહીં. પેલાં કહેશે, 'અમે જ તમને ઊલટાં મોકલી આપીએ ! અને મોકલવાનો ચાર્જ પણ બધો અમારો.' એમ ઉપરથી કહે !

ત્યાં કેમ ક્રોધ નથી કરતા ?

પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્ષ્ટિએ સાચો પણ હોય. પણ હું મારી દ્ષ્ટિએ ક્રોધિત થાઉં, તો શા કારણે ક્રોધિત થઈ જાઉં છું ?

દાદાશ્રી : તમે આવતાં હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ક્રોધ બહુ કરો ?

પ્રશ્નકર્તા : નહીં, એ તો 'હેપન' (બની ગયું) છે.

દાદાશ્રી : ના, પણ ક્રોધ ત્યાં આગળ તમે કેમ કરતાં નથી ? એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ક્રોધ કેવી રીતે થાય ?

પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી.

દાદાશ્રી : અને હમણે બહાર જાય ને એક છોકરો છે તે એ ઢેખાળો (પથ્થર) મારે અને આપણને વાગે ને લોહી નીકળે એટલે આપણે એને ક્રોધ કરીએ. શાથી ? પેલાએ મને ઢેખાળો માર્યો, માટે લોહી નીકળ્યું ને એટલે ક્રોધ કરે કે કેમ માર્યો તેં ? અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો પથ્થર પડે અને માથામાં લોહી નીકળે તો પછી જોઈ લે પણ ક્રોધ ના કરે !

આ તો એના મનમાં એમ લાગે કે આ જ કરે છે. કોઈ માણસ જાણી જોઈને મારી શકતો જ નથી. એટલે ડુંગર ઉપરથી ગબડવું અને આ માણસ પથ્થર મારે એ બેઉ સરખું જ છે. પણ ભ્રાંતિથી એવું દેખાય છે કે આ કરે છે. આ વર્લ્ડમાં કોઈ માણસને સંડાસ જવાની શક્તિ (સ્વતંત્ર) નથી.

ધાર્યું કરાવવા ક્રોધ

આપણે એમ જાણીએ કે જાણીજોઈને કોઈએ માર્યો નથી, એટલે આપણી પાસે કંટ્રોલ છે ક્રોધનો. તો આપણે એમ જાણીએ છીએ કે જાણીજોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં કંટ્રોલ રાખી શકીએ છીએ. કંટ્રોલ તો છે જ, એની મેળે. એટલે ત્યાં ક્રોધ નથી કરતો. પછી કહે છે, 'મને ક્રોધ આવી જાય છે. મારો સ્વભાવ ક્રોધી છે.' મૂઆ સ્વભાવથી ક્રોધ નથી આવી જતો. ત્યાં પોલીસવાળા ટૈડકાવે તે ઘડીએ કેમ ક્રોધ નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ક્રોધ આવે, પાડોશી પર, 'અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ક્રોધ આવે ને 'બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ક્રોધ એમ ને એમ સ્વભાવથી માણસને આવી શકતો નથી. આ તો એને એનું ધાર્યું કરવું છે.

પ્રશ્નકર્તા : એને કેવી રીતે કંટ્રોલ કરવો ?

દાદાશ્રી : સમજણથી. આ જે તમારી સામે આવે છે, એ તો નિમિત્ત છે અને તમારા જ કર્મનું ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો છે. હવે એવું સમજાય તો ક્રોધ કંટ્રોલમાં આવે. જ્યારે પથ્થર ડુંગર પરથી પડે છે તેવું જુઓ છો ત્યારે ક્રોધ કંટ્રોલમાં આવી જાય છે. તો આમાંય સમજી લેવાની જરૂર છે કે ભઈ, આ બધું ડુંગર જેવું જ છે.

ત્યાં કેવો ડાહ્યો ?

રસ્તામાં બીજો કોઈ ગાડીવાળો ખોટે રસ્તે આપણી સામે આવતો હોય તો ના વઢેને ? ક્રોધ ના કરે ને ? કેમ ? આપણે અથાડીને તોડી પાડો એને, એવું કરે ? ના. તો ત્યાં કેમ નથી કરતો ? ત્યાં ડાહ્યો થઈ જાય છે કે હું મરી જઈશ. ત્યારે મૂઆ આ ક્રોધમાં તો તેનાં કરતાં વધારે મરી જાવ છો, પણ આનું ચિત્રપટ દેખાતું નથી ને પેલું દેખાય છે ઊઘાડું, એટલો જ ફેર છે ! એના કરતાં અહીં વધારે મરી જાઉં છું. ત્યાં રોડ ઉપર સામું ના કરે ? ક્રોધ ના કરે, સામાની ભૂલ હોય તોય ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : પેલો 'રૉંગ' (ખોટે) રસ્તે આવ્યો તોય ? શું વાત કરો છો ? સામો 'રૉંગ' (ખોટે) રસ્તે આવ્યો તો ગાડી અથાડી મારે ?

પ્રશ્નકર્તા : કોઈક વાર, દાદા.

દાદાશ્રી : ના, પણ એ રૉંગ રસ્તે આવ્યો, તો તું જાણીજોઈને અથાડું ? ના. તે ઘડીએ ગુસ્સો કેમ નથી આવતો ? ત્યાં તો પાંસરો થઈ જાય છે. એને જ્ઞાન છે કે, 'હું મરી જઈશ આમાં તો.' ત્યારે પેલું આનું શું પરિણામ આવે છે, એનું ભાન નથી. તેથી આ કરે છે. મેં કેવો એને ટૈડકાવીને સીધો કરી નાખ્યો ! મોટો સીધો કરી નાખનારો આવ્યો ! ગાડી સીધી કરી નાખ સામાની ! સામાની ગાડી સીધી ના કરવી જોઈએ ? ભૂલ કરે છે ને ? ફરી ભૂલ જ ના કરે એવું કરવું જોઈએને ? આ તો વહુ છે એટલે ગુસ્સો કરીએ. પોલીસવાળા જોડે કેમ નથી કરતો ? ત્યાર પછી ત્યાંથી ના સમજીએ કે આપણે બાયલા મૂઆ છીએ ! આપણામાં કહેવત છે, 'નબળો ધણી બાયડી પર શૂરો હોય.' કોની પર શૂરો હોય ? પોલીસવાળા પર શૂરો થઈ જાને ! એક જ દહાડો થઈ જા, હેંડ. આ તો કહેશે, બધું જ કંટ્રોલમાં છે પણ આ બધાં ખોટું બોલે છે. મારો સ્વભાવ ગુસ્સોે થઈ જાય એવો છે, આમ તેમ ! બધું તારામાં સ્વભાવનો કંટ્રોલ છે !

એમાં દોષ કોનો ?

પ્રશ્નકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે.

દાદાશ્રી : ખોટું છે એવું ન્યાય કોણ કરે ?

પ્રશ્નકર્તા : આપણી બુદ્ધિ જેટલું કામ કરે, એ પ્રમાણે કરીએ.

દાદાશ્રી : હા, એટલો ન્યાય થાય.

પ્રશ્નકર્તા : પણ એવું છેને, કે એક માણસને આપણે પચ્ચીસ રૂપિયા રોજનો પગાર આપતા હોય અને એ માણસ પાંચ રૂપિયાનું પણ કામ ના કરતો હોય તો આપણને એમ તો લાગે ને કે આ બરોબર નથી ?

દાદાશ્રી : પણ શાથી એ કામ નહીં કરતો હોય ? કયા કારણથી એ કામ નહીં કરતો હોય ?

પ્રશ્નકર્તા : એનો પ્રમાદી સ્વભાવ એટલા માટે.

દાદાશ્રી : એવાં માણસ બધા લોકોને મળતા હશે ?

પ્રશ્નકર્તા : બધાને મળતા હોય એમ કેમ કહેવાય ?

દાદાશ્રી : તો તમને જ એવો માણસ કેમ ભેગો થયો ? એનું કંઈ કારણ તો હશેને ?

પ્રશ્નકર્તા : આગળનાં મારાં કર્મો એવાં હોય એટલે મને ભેગો થયો.

દાદાશ્રી : તો પછી એનો શો દોષ ? તો એની ઉપર ગુસ્સો કરવાનું કારણ જ ક્યાં રહ્યું ? ગુસ્સો તો તમારી જાત ઉપર કરો કે, ''ભઈ, 'મેં' એવાં કેવાં કર્મ બાંધ્યાં કે આ મને આવો મળી આવ્યો ?'' પોતાની નબળાઈ તો પોતાને જ નુકસાન કરે. 'ભોગવે એની ભૂલ.' એ કામ ના કરે ને તમે ગુસ્સો કરો તો તમને દુઃખ થાય એટલે ભૂલ તમારી છે. એ તો એવો ને એવો જ રહેશે, કાલે પણ એવું જ કરશે અને ઉપરથી તમારા ચાળા પાડશે. તમે પાછા ફરો કે તમારી પાછળ મશ્કરીઓ કરશે, કહેશે કે, 'ચક્કર જ છે ને, જવા દોને એને !'

પ્રશ્નકર્તા : તો એને આપણી પાસે બેસાડીને, સમજાવીને કહેવું કે, 'તારાથી આટલું કામ કેમ નથી થઈ શકતું ? જ્યારે બીજા તો કેવું સરસ કામ કરે છે.' એને આવડતું ના હોય તો શીખવાડીએ, એવું કરવું ?

દાદાશ્રી : હા, એને સમજ પડે, એને લાગણી ઉત્પન્ન થાય, એ રીતે સમજાવવું જોઈએ.

આપણને આ ગમે કે ના ગમે ?

પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ?

દાદાશ્રી : એવું છે ને કે આ જે ક્રોધ કરે છે, ગાળ બોલે છે, એ પોતાની જાત ઉપર કંટ્રોલ નથી એટલે આ બધું થાય છે. કંટ્રોલ રાખવા માટે પહેલા કંઈક સમજવું જોઈએ. કો'ક આપણી ઉપર ક્રોધ કરે, તો આપણને સહન થાય છે કે નહીં, એ જોવું જોઈએ. પોતે ક્રોધ કરીએ, તે પહેલાં આપણી ઉપર કોઈ કરે એવું, તો આપણને સહન થાય ? આપણને ગમે કે ના ગમે ? આપણને જેટલું ગમે એટલું જ બીજા જોડે વર્તન કરવું.

એ તને ગાળ ભાંડે અને તને વાંધો ના આવતો હોય, ડીપ્રેશન ના આવતું હોય તો તમારે કરવાનું, નહીં તો બંધ જ કરી દેવાનું. ગાળો ભંડાય જ નહીં આ તો. આ તો એક જાતની પાશવતા છે. અન્ડરડેવલપ્ડ પીપલ્સ (અવિકસિત લોકો) ! પાશવતા એક જાતની, અનકલ્ચર્ડ (અસંસ્કૃત) !

પોતે મશીનરી ગરમ થવા દે ?

પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : ગરમ તો થઈ જ જાય ને ! એમના હાથમાં ઓછું છે ? મહીંલી મશીનરી હાથમાં નહીં ને ! આ તો જેમ તેમ કરીને મશીનરી ચાલ્યા કરે. પોતાના હાથમાં હોય તો કોઈ મશીનરી ગરમ થવા જ ના દે ને ! આ દુનિયામાં કોઈ ગરમ ના થાય. આ સહેજ પણ ગરમ થઈ જવું એટલે ગધેડા થઈ જવું ! મનુષ્યપણામાં ગધેડો થયો ! પણ એવું કોઈ કરે જ નહીં ને ! પોતાના હાથમાં નથી ત્યાં પછી શું થાય તે ?

ભયંકર નિર્બળ સ્વભાવ

એવું છે, આ જગતમાં કોઈ કાળે ગરમ થવાનું કારણ જ નથી. કોઈ કહેશે કે, 'આ છોકરો આમ કૂવામાં પડે એવું લાગતું હતું.' આમ કૂવામાં પડે તોય એ ગરમ થવાનું કારણ નથી, ત્યાં તારે ઠંડા રહીને કામ લેવાનું છે. આ તો તું નિર્બળ છે માટે ગરમ થઈ જાય છે. અને ગરમ થઈ જવું એ નિર્બળ સ્વભાવનો છે, ભયંકર નિર્બળતા કહેવાય. એટલે વધારેમાં વધારે નિર્બળતા હોય તેથી તો ગરમ થાય છે ને ! એટલે જે ગરમ થાય છે તેની તો દયા ખાવી જોઈએ કે આ બિચારાને આમાં કશુંય કંટ્રોલમાં નથી. જેને પોતાનો સ્વભાવેય કંટ્રોલમાં નથી, એની દયા ખાવી જોઈએ. ગરમ થવું એટલે શું ? કે પોતે પહેલું સળગવું અને પછી સામાને બાળી મેલવું. આ દીવાસળી ચાંપી એટલે પોતે ભડભડ સળગવું ને પછી સામાને બાળી મેલે. એટલે ગરમ થવાનું પોતાના હાથમાં હોય તો કોઈ ગરમ થાય જ નહીં ને ! બધાને ગરમી થતીય નથી ને ! બળતરા કોને ગમે ?

કોઈ એવું કહે કે, 'સંસારમાં ક્રોધ કરવાની કેટલીક વખત જરૂર પડે છે.' ત્યારે હું કહું કે, 'ના, કોઈ એવું કારણ નથી કે ત્યાં ક્રોધ કરવાની જરૂર હોય.' ક્રોધ એ નિર્બળતા છે, એટલે તે થઈ જાય છે. ભગવાને એટલે 'અબળા' કહ્યું છે. પુરુષ તો કોનું નામ કહેવાય ? ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેને ના હોય, એને ભગવાને 'પુરુષ' કહ્યા. એટલે આ પુરુષો દેખાય છે એમને પણ 'અબળા' કહ્યા છે; પણ આમને શરમ નથી આવતી ને, એટલા સારાં છે ! નહીં તો 'અબળા' કહીએ તો શરમાઈ જાયને ? પણ આમને કશું ભાન જ નથી. ભાન કેટલું છે ? નાહવાનું પાણી મૂકો તો નાહી લે. ખાવાનું, નહાવાનું, ઊંઘવાનું એ બધાં ભાન છે, પણ બીજું ભાન જ નથી. મનુષ્યપણાનું જે વિશેષ ભાન કહેવામાં આવે છે કે આ સજ્જન પુરુષ છે, એવી સજ્જનતા લોકોને દેખાય, એનું ભાન નથી.

મૂળ આ બેના ગુરખાઓ

પ્રશ્નકર્તા : માણસે આ સંસારમાં બધી મુસીબતોનો શાંતિથી સામનો કરવો જોઈએ પણ તે થતો નથી, તેનું શું કરે ?

દાદાશ્રી : કેમ કરીને કરે ? આ ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ છે, તો મુસીબતોનો સામનો શી રીતે થાય ? ક્રોધ અમથો બેસી ના રહે. એ તો માન નામનો શત્રુ પેઠેલો હોય ત્યારે જ એ બેસી રહે. ક્રોધ તો માનનું રક્ષણ કરવા માટે હોય. એટલે જ્યાં સુધી માન છે ત્યાં સુધી (ક્રોધ રૂપી) ગુરખો રહેવાનો જ.

પ્રશ્નકર્તા : એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ, એમ ?

દાદાશ્રી : અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે. (ક્રોધ) એ ગુરખો છે. 'માને' ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે, 'તેલ કાઢી નાખજે.' અને પેલો એક લોભ છે, તેણેય એક ગુરખો રાખ્યો છે. તે કપટ (નામનો ગુરખો) રાખ્યો છે. એને જ 'માયા' કહી. અને લોભ જતો રહે તો એ માયા જતી રહે. ક્રોધ છે એ માનનો ગુરખો. 'મૂરખ છો, અક્કલ વગરના છો' એવું કોઈકે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, 'ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું.'

ક્રોધ-માન કરતાં કપટ અને લોભની ગાંઠો ભારે. તે જલદી ના છૂટે. લોભને ગુનેગાર શાથી કહ્યો ? લોભ કર્યો એટલે બીજાનું લૂંટી લેવાનો વિચાર કર્યો તે. આજવાના પાણીના બધા જ નળ એક જણ ખોલી નાખે તો બીજાને પાણી મળે કંઇ ?

રક્ષણ એ જ ખોરાક

આ જે ક્રોધ-માન-માયા-લોભ છે, એમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંયે માનને માટે પછી માયા થોડીઘણી વપરાય. કપટ કરીને પણ માન મેળવી લે. લોભિયો ક્રોધી હોય નહીં અને એ ક્રોધ કરે ત્યારે જાણવું કે આને લોભમાં કંઈ અડચણ આવી છે, જેથી ક્રોધ કરે છે. બાકી લોભિયાને તો ગાળો ભાંડે ને તોયે એ તો શું કહેશે કે, 'આપણને તો રૂપિયો મળી ગયોને, છોને બૂમાબૂમ કરતો.' લોભિયો એવો હોય. કારણ કે કપટ બધું રક્ષણ કરે જ ને. કપટ એટલે માયા. કપટ અને ક્રોધ રક્ષકો છે બધા.

પ્રશ્નકર્તા : ક્રોધ શા માટે કરે ?

દાદાશ્રી : ક્રોધ તો પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે.

પ્રશ્નકર્તા : માયા એટલે કપટ એમ આપે કહ્યું, એટલે કપટની અંદર જ વિષયો છે ?

દાદાશ્રી : ના, કપટની અંદર વિષયો એવું નથી, વિષયને ભોગવવા માટે હથિયાર વાપરે છે આ કપટનું ! તે વિષયને વધુ ભોગવવાની લાલચ એ લોભ અને એ લોભ કરતાં જો કદી વચ્ચે કોઈ આડો આવે ત્યાં કપટ કરી નાખે. મૂળ બે જ જણ, પણ બે એમના ગુરખા ! આ તો માન ને લોભ એ બે હોય જ નહીં, તો રક્ષક ક્યાંથી રહે ? રખા-બખા સાથે બધું ચાલ્યું જાય.

કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે છે.

આખા જગતને કષાય નથી ગમતા, છતાં આખા જગતના કષાયો ઈચ્છાપૂર્વકના છે. ક્રોધ કરવાનું ગમે નહીં છતાં કહેશે કે ક્રોધ વગર તો ચાલે નહીં ને !

અને કેટલાંક તો ક્રોધ કરે છે ને કહે, 'ક્રોધ ના કરે તો ચાલે જ નહીં મારું ગાડું. મારું ગાડું બંધ થઈ જાય.' એવુંય કહે.

ભૂલ સ્વીકારીએ ભૂલ ભાંગે

આ ક્રોધ કર્યો છે તે ખોટું કર્યું છે, એવી સમજણ પડે કે ના પડે ? હવે સમજણ પડી હોય કે સાલું આ વધારે પડતું છે. એટલે પોતાની ભૂલ સમજણ પડી છે. ત્યાર પછી શેઠ આવ્યા બહારથી અને એમણે કહ્યું કે 'મહારાજ, આ શિષ્ય જોડે આટલું બધું થાય ? પાછો ત્યાં આગળ નવી જાતનું કહે, 'ક્રોધ કરવા જેવો છે. તે બહુ વાંકો છે.' અલ્યા, તને પોતાને સમજણ પડેલી છે કે આ ભૂલ થયેલી છે ને પાછું આ ઉપરાણું લઉ છું ? કઈ જાતનો ઘનચક્કર છું ? શેઠને ત્યાં શું કહેવું જોઈએ કે, 'મને ભૂલ સમજાઈ છે. હું હવે ફરી આવું નહીં કરું.' તો એ ભૂલ ભાંગે.

છોકરાંને મારે, ખૂબ ક્રોધે થઈને મારે, પછી બાઈ કહેશે, 'આવું શું કરવા બિચારા છોકરાને માર્યો ?' ત્યારે કહેશે, 'તું ના સમજે, મારવા જેવો જ છે.' એટલે ક્રોધ સમજી જાય કે, 'ઓહોહો, મારો ખોરાક આપ્યો !' ભૂલ તો નથી જાણતો પણ હજુ મારવા જેવો છે, એવો અભિપ્રાય આપ્યો છે. માટે આ મને ખોરાક આપે છે.' આને ખોરાક આપ્યો કહેવાય. આપણે ક્રોધને એન્કરેજ કરીએ, ક્રોધને સારો ગણીએ, એ એને ખોરાક આપ્યો કહેવાય. ક્રોધને 'ક્રોધ ખરાબ છે' એવું જાણીએ તો એને ખોરાક ન આપ્યો કહેવાય. ક્રોધનું ઉપરાણું ખેંચ્યું, એનો પક્ષ લીધો તો એને ખોરાક મળી ગયો. તે ખોરાકથી તો જીવી રહ્યા છે. લોક તો એનો પક્ષ લે ને ? આ ચારેય ક્રોધ-માન-માયા-લોભ છે, એમાં એક ફર્સ્ટ મેમ્બરનો પ્રેમ હોય, બીજો એનાથી ઓછો હોય એમ... જેનું ઉપરાણું બહુ, એની પ્રિયતા વધારે.

કષાયો પણ ખોરાકથી જીવે

એ ક્રોધ-માન-માયા-લોભ જરા લાલચુ સ્વભાવનાં છે. એ શું કહે છે ? 'દાદા'થી કંઈક છૂટા પડી જાય તો પછી આમની પર ચઢી બેસું. કોઈક દહાડો ચંદુભાઈ 'દાદા'ની પાસે જાય નહીં, જો સત્સંગથી ખસી જાય, તો આપણે ફરી એકવાર ચઢી બેસીએ - એવી ચોર દાનતવાળા છે. ચોર દાનત છે એમની. એટલે ખાધા-પીધા વગર પણ ત્રણ વર્ષ સુધી એ લોકો ભૂગર્ભમાં રહે છે. એમનું આયુષ્ય ત્રણ વર્ષ સુધી ભૂખે રહે એવું છે. ત્યાં સુધી ભૂગર્ભમાં બેસી રહેશે.

ખોરાક ન આપવાનો પ્રયોગ

તમે 'દાદા'ને પંદર દહાડે-મહિને મળશો તોય વાંધો નહીં. પણ એવું ત્રણ વર્ષ સુધી એ પ્રયોગ તમે રાખજો. વધારે રખાય એટલો તમને વધારે લાભ છે. અને નહીં તોય પંદર દહાડ-મહિને પણ આવજો. તો પેલા એમ જાણે કે ''આ કંઈ હજુ 'દાદા'નો પરિચય છોડતા નથી.'' એટલે અહીં વધારે અવાય તો સારું, લાભ છે ને ઓછું અવાય તોય પણ અહીંનો આશરો રાખજો. આપણે હવે ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપવો નહીં.

આ ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ સુધી જો ખોરાક ના મળે તો એની મેળે જ પછી ભાગી જાય, આપણે કહેવું જ ના પડે. કારણ કે દરેક વસ્તુ પોતપોતાના ખોરાકથી જીવતા રહ્યા છે અને આ જગતના લોકો શું કરે છે ? દરરોજ આ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપ્યા કરે છે, રોજ જમાડે છે અને પછી એ તગડા થઈને ફર્યા કરે છે.

કદી નથી કર્યું રક્ષણ 'અમે'

મારે નાનપણમાંથી લોભ નહોતો પણ માન બહુ ભારે હતું, એટલે ક્રોધેય ભારે !

પ્રશ્નકર્તા : માનમાં જરાક પણ મગજમારી થઈ એટલે તમે કોપાયમાન થઈ જાવ, એમ ને ?

દાદાશ્રી : માનમાં એક વાળ જેટલું ઊભું થાય ને, તો ભયંકર ઉત્તાપના થાય અને સામોય ધ્રૂજી જાય બિચારો ! એવો ક્રોધ, તે સામાને બાળી મૂકે એવો ક્રોધ નીકળે. એવો જબરજસ્ત ક્રોધ હતો. કારણ કે બીજો લોભ નહીં ને ! ઘણા ફેરા તો મારા ક્રોધથી, એ જે અજ્ઞાનતામાં મારો ક્રોધ હતો એ જો ખરેખરો ઉકળ્યો હોય તો સામો માણસ ત્યાં ને ત્યાં જ મરી જાય. એક ભાઈ તો મરી જવાનો હતો, તે મારે જોવા જવું પડ્યું હતું ને એને માથે હાથ ફેરવ્યો ત્યારે રાગે પડ્યું. એટલે અમે આ સ્થિતિમાં હતા. ઘેર કંઈ લાંબા રૂપિયા હતા નહીં. ખાલી ઉપરનો ડોળ, દેખાવ ! એમાં આ ઉપાધિ-ચિંતા પાર વગરની !

(આ જ્ઞાન થયા પછી) ક્રોધ-માન-માયા-લોભ કોઈ ચીજને અમે રક્ષણ નથી કરી. ક્રોધ થઈ ગયો હશે ત્યારે કો'ક કહેશે કે 'આ ક્રોધ કેમ કરો છો ?' ત્યારે હું કહી દઉં કે 'આ ક્રોધ એ બહુ ખોટી વસ્તુ છે. મારી નિર્બળતાને લઈને થઈ ગયો આ.' એટલે અમે રક્ષણ નથી કર્યું.

વાળ્યા વળી જવું

પોલીસના પંજામાં આવ્યા પછી જબરદસ્ત ક્રોધી હોયને એ બરફ જેવો દેખાય મોઢાં પરેય, જાણે હું ભગવાન થઈ ગયો ! એ જાણે 'બોલીશ તો વધારે મારશે. ત્યારે હારો જેલમાંં ઘાલી દેશે.' પરિણામને સમજેે છે. બધી બહુ સત્તાઓ છે. એને આવડે એવું. આ હમણે પેલાં ગયાને ત્યારે મને ખબર પડી કે આ હારુ, આ તો હાથમાં આવે એવો કેસ છે. આ તો વગર કામના લોકો માર ખાય છે ! પણ ટેવ છે ને ! એ તો વાળ્યા વળે નહીં, હાર્યા વળે. હવે અમે અમારી જાતની સિસ્ટમ રાખી'તી. વાળ્યા વળી જવું. એટલે પછી હારવાનો તો વખત જ ના આવેને !

પ્રશ્નકર્તા : પછી ક્યાંથી આવે ?

દાદાશ્રી : આ તો હમણે જ મને વિચાર આવ્યો કેે લોકો આ શી રીતે ? તે હું સમજી ગયો વાતને, કે શું પોલ છે આમાં ! આખી પોલ સમજી ગયો લોકોની. પછી કહે, મારે ક્રોધ જતો નથી.

કેવો સચોટ ઉપાય !

અત્યારે તમે ચંદુભાઈ છો અને પાદરામાં છે તે પાંચ-પચાસ માણસ બેઠેલું છે અને તમે ત્યાં રહીને (પસાર થાવ ત્યારે) કોઈ કહે કે ચંદુભાઇ, તમે આ અમારું બધું નુકસાન કરી નાખ્યું. તમે કમઅક્કલના માણસ છો, આમ છો, તેમ છો એ બધું બોલે, તો તમને શી અસર થાય ?

પ્રશ્નકર્તા : ક્રોધનો ભાવ જાગે.

દાદાશ્રી : એમ ! મહીં એ ક્રોધને નિર્મૂળ કરવા માટે શું પ્રયત્ન કરો ?

પ્રશ્નકર્તા : તે વખતે ક્ષમાભાવ ધારણ કરવાનો.

દાદાશ્રી : ક્રોધ કરવાના ટાઈમે ક્ષમાભાવ ?

પ્રશ્નકર્તા : ક્રોધનો ભાવ જાગે તે વખતે ક્ષમા ધારણ કરવી.

દાદાશ્રી : એ તો બહુ સારો રસ્તો, ક્ષમા ધારણ કરવી તો ! પણ ક્રોધને મારવા માટે શું કરો છો ? ક્રોધને ઓછો કરવા માટે ?

પ્રશ્નકર્તા : સમભાવ.

દાદાશ્રી : આમાં તમને શા બદલ ક્રોધ લાગે ? શા બદલ તમને ક્રોધ લાગવો જોઈએ ?

પ્રશ્નકર્તા : હું માની લઉં. 'હું ચંદુભાઈ' માન્યું ને એટલે. પણ દાદા, 'હું' ને 'મારું'નો ભેદ આપના સિવાય કોઈ પાડી ના શકે. મુશ્કેલી ત્યાં છે ને !

દાદાશ્રી : ના, ના પાડે તો યે સમજાય એવી વાત છે કે ભઈ, તમારે એટલું જ સમજવું જોઈએ, ભલે તમે ચંદુભાઇ છો, પણ તમારે એટલું તો સમજવું જોઈએ કે મારા કર્મના ઉદયથી આ બોલે છે. હવે આપણા કર્મના ઉદય એ બોલી રહ્યો હોય તો આપણે શું કરવું જોઈએ ? કે ભઈ, આ માણસ મને આ કર્મમાંથી મુક્ત કરે છે. માટે એનો ઉપકાર માનવો જોઈએ, ગુણ માનવો જોઈએ. તે ઉપકાર એમને એમ પગે લાગીને નહીં, પણ અંદર હ્રદયથી ઉપકાર માનીએ તો શું થાય ? કે એના તરફનો અભાવ ભાવ તૂટી જાય. ઉપકાર માનવાથી અભાવ ભાવ તૂટવા માંડે છે. ઉપકાર માનવાનો. બાકી એવું ઉપકાર નથી માનવાનો પણ અભાવ ભાવ એની પર ના થાય. કારણ કે એનો શો દોષ છે ? એ તો જ્યારે ભોગવશે ત્યારે ભોગવશે પણ આપણે તો અત્યારે આપણા કર્મમાંથી મુક્ત થયા.

જ્યાં ક્રોધ આવતો હોય ત્યાં ક્રોધ ના કરે, તે શુભ ચારિત્ર કહેવાય. શુભ ચારિત્રથી સંસારમાર્ગ સુધરે, જ્યારે મોક્ષ તો શુદ્ધ ચારિત્રથી જ થાય.

ક્રોધ ઓછો થાય જ્ઞાનથી

ભગવાને કહેલું કે, 'જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.' આત્મજ્ઞાન દરેક મનુષ્યે મનુષ્યે જુદાં હોય, પણ એકલું વીતરાગ ભગવાનનું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, 'આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.' એથી તો નર્યો કેફ ચઢે. એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં.

પ્રશ્નકર્તા : ઇગોઇઝમ ઓગળી શકે ?

દાદાશ્રી : હા, અમારી વાણી જ એવી છે કે જેનાથી ઇગોઇઝમ ઓગળી જાય. આ વાણીથી તો ક્રોધ-માન-માયા-લોભ બધું જ ઓગળી જાય. 'જ્ઞાની પુરુષ' પાસે બધી જ ચીજ હોય, એનાથી બધું જ ઓગળી જાય.

જેનાથી અહંકાર ઓછો થાય એનું નામ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય એ વીતરાગી જ્ઞાન કહેવાય અને જે વર્તનથી, જે ક્રિયાથી, જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય એ ભગવાનની કહેલી, આજ્ઞાપૂર્વકનું કહેવાય. આ તો ઈગોઈઝમ વધી ગયો એ જ દુઃખ છે.

જ્ઞાનીને ઓળખવા કેમ રીતે ?

પ્રશ્નકર્તા : આપ કહો છો જ્ઞાની થકી અહંકાર ઓગળે તો 'જ્ઞાની'ને ઓળખવા શી રીતે ?

દાદાશ્રી : એમને સળી કરો ને ફેણ ના માંડે તો જાણવું કે સાચા જ્ઞાની છે. પરીક્ષા તો કરવી પડે ને ? બાપજીમાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય તો તરત દુકાન બદલવી.

જો દુકાન પર બોર્ડ માર્યું હોય કે ક્રોધની દુકાન ને શાંતિ ખોળવા જાઓ તો દા'ડો વળે ? ના વળે. માટે દુકાનદારને પહેલાં પૂછી લઇએ અને ચોક્કસ કરી લઇએ. બાપજીને કહીએ કે, 'તમે કહો તો છ મહિના-બાર મહિના બેસી રહેવા તૈયાર છું, પણ મને જો મોક્ષ મળતો હોય તો, મુક્તિ મળતી હોય તો, મારી બધી જ ચિંતા જતી રહેતી હોય તો. નહીં તો હું બીજી દુકાન શોધું.' અનંત અવતાર આ જાતજાતની દુકાનોમાં હપ્તા જ ભર ભર કર્યાં છે ને ! છતાંય મોક્ષ તો ના જ મળ્યો. માટે બાપજીને કહીએ કે, 'જો મોક્ષ આપી શકતા હો તો હું હપ્તા ભરું.' આમ સળી કરી જોવાથી કાંઇ હિંસા નથી થઇ જતી અને પછી બાપજી જો ગુસ્સોે થઇ જાય તો તો તરત જ જવાબ મળી ગયો, એમ સમજી જવુંં ! આ દુકાનમાં તો મોક્ષ મળે એવું છે જ નહીં. છતાંય બાપજીને રાજી કરીને, સો-બસોનો ખર્ચો કરીને, આટલેથી જ પત્યું સમજી નીકળી જવું.

પ્રશ્નકર્તા : 'જ્ઞાની'ની પરીક્ષા કરીએ એમાં અવિનય થાય, એમને ખોટું લાગે, ને ખરા 'જ્ઞાની' હોય તો દોષેય લાગે ને ?

દાદાશ્રી : જો ખરા જ્ઞાની મળ્યા હોય તો પછી એ તો તમારું કલ્યાણ જ કરે, અજુગતું થાય તોય કલ્યાણ કરે. ને જે ક્રોધે ભરાય, ફેણ માંડે તો આપણે એમની માફી માગી, પાંચ-પચાસનાં ચશ્મા લાવી આપીને ખુશ કરવા. તેમ કરતા ઠંડા ના થાય તો એમ કહેવું કે 'બાપજી, મારું મગજ જરા ચક્રમ છે. હમણાં જ ઘેર બૈરી જોડે લઢીને આવ્યો છું.' એટલે એ ખુશ થઇ જાય. ક્યાં સુધી આપણો ટાઇમ ત્યાં બગાડીએ ?

જ્ઞાની ન હોય ક્રોધી

પ્રશ્નકર્તા : જ્ઞાનીને ક્રોધ થતો હશે ?

દાદાશ્રી : ના થાય, બહુ નિર્બળતા કહેવાય ક્રોધ તો.

પ્રશ્નકર્તા : મોટા મોટા મુનિને તો બહુ ક્રોધ થતો હતો, શ્રાપ આપેલાં !

દાદાશ્રી : પછી સાપના અવતારમાં આવે છે પણ. તેથી આપણે સાપ પૂજવાનાને ! તેથી આપણે નાગને પૂજીએ છીએ. એ ક્રોધ ખપાવવા માટે પાછા સાપના અવતારમાં આવે એટલે આપણે પાછા પૂજવા પડે નાગપાંચમને દહાડે. થોડો વખત યોગી થવાનું, વધારે વખત યોગી ના થવું જોઈએ. નહીં તો ક્રોધ થઈ જાય. જ્ઞાન માર્ગ જ બરોબર છે. યોગ માર્ગ તો સાપ થાય પછી. હેય, ફેણ માંડે આમ હડહડાટ અને યોગી ત્યાં બેઠો હોય ને તમે છંછેડો તો ફેણ માંડે. માંડે કે ના માંડે ? એટલે આપણે ના જાણીએ કે આ ફેણીયામાં જશે ! સાપમાં જવાનો મૂઓ. પછી સાપમાં એક-બે અવતાર થઈને પાછો અહીં આવી જાય. તે સાપમાં એ સ્વભાવ ખપાવી દે. એ જે સ્વભાવ થયો તો ને ગુસ્સાનો, તે ખપાવી દે.

ક્રોધ હોય ત્યાં સુધી જ્ઞાની યે ના કહેવાય ને યોગીએ ના કહેવાય. યોગી તો બહુ ક્રોધી હોય. પણ યોગી આત્મયોગી હોવા જોઈએ. આત્મયોગીને ક્રોધ ના હોય. પણ એ, આ કાળમાં હોય નહીં. આ બધા દેહયોગી, મનોયોગી કહેવાય. આ મનનાં યોગી કહેવાય. ચક્રોની અંદર યોગ કર્યા કરે. એમાં કશું દહાડો વળે નહીં, એકાગ્રતા રહે. એકાગ્રતાથી સિદ્ધિઓ ઉત્પન્ન થાય, તે પાછો અજ્ઞાનતા છે એટલે સિદ્ધિ વટાવી ખાય. સિદ્ધિ વટાવી નાખે, રૂપિયા રોકડા કરી નાખે.

આત્માના સાધક, બાધક નહીં

પ્રશ્નકર્તા : આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં ?

દાદાશ્રી : હા, તે આપણે એના બાધક ગુણ જોઈ લઈએ તો ખબર પડી જાય. આત્મદશા સાધનારો માણસ સાધક એકલો જ હોય, બાધક ના હોય. આત્મદશા સાધે તે સાધુ કહેવાય. સાધુઓ હંમેશા સાધક હોય અને આ સાધુઓ જે છે અત્યારના, એ તો દુષમકાળને લઈને સાધક નથી, સાધક-બાધક છે. સાધક-બાધક એટલે બૈરી-છોકરાં છોડ્યા, તપ-ત્યાગ બધું કરે છે, તે સામાયિક-પ્રતિક્રમણ કરીને આજ સો રૂપિયા કમાય છે, પણ પછી શિષ્ય જોડે કંઈ ભાંજઘડ પડી તે શિષ્ય જોડે આકરો થઈ જાય, તો દોઢસો રૂપિયા ખોઈ નાખે પાછો ! એટલે બાધક છે ! અને સાચો સાધુ બાધક ક્યારેય પણ ના થાય. સાધક જ હોય. જેટલા સાધક હોયને તે જ સિદ્ધદશાને પામે !

અને આ તો બાધક, તે સળી કરતાં પહેલાં ચીઢાતા વાર નહીંને ! એટલે આ સાધુઓ નથી, ત્યાગીઓ કહેવાય. તે અત્યારના જમાનાના હિસાબે આમને સાધુ કહેવાય. બાકી અત્યારે તો સાધુ-ત્યાગીઓનો ક્રોધ ઊઘાડો દેખાઈ જાય છેને ! અરે, સંભળાય છે હઉ ! જે ક્રોધ સંભળાય એવો હોય એ ક્રોધ કેવો કહેવાય ?

પ્રશ્નકર્તા : અનંતાનુબંધી ?

દાદાશ્રી : હા, જે ક્રોધ ખખડાટ કરે, સંભળાય આપણને એ અનંતાનુબંધી કહેવાય. ભગવાને ક્યાં સુધીનો ક્રોધ ચલાવી લીધો છે સાધુઓ માટે ? (ચારિત્રવાન) માટે કે જ્યાં સુધીનો ક્રોધ, સામા માણસને દુઃખદાયી ના થઈ પડે. એટલા ક્રોધને ભગવાને ચલાવી લીધો છે. મારો ક્રોધ મને એકલાને જ દુઃખ આપે, પણ બીજા કોઈને દુઃખ ના આપે, એટલો ક્રોધ ભગવાને ચલાવી લીધો છે.

ક્રોધ, નિવાર્ય-અનિવાર્ય

ક્રોધ-માન-માયા-લોભ બે જાતનાં : એક વાળી શકાય તેવાં - નિવાર્ય. બીજાં વાળી ના શકાય તેવાં - અનિવાર્ય ! દા.ત. કોઈની ઉપર ક્રોધ આવ્યો હોય તો તે અંદરને અંદર ફેરવી શકાય અને તેને શાંત કરી શકાય, તે વાળી શકાય તેવો ક્રોધ. આ સ્ટેજે પહોંચે તો વ્યવહાર ઘણો જ સુંદર થઈ જાય !

બીજા પ્રકારનો ક્રોધ તે વાળી ના શકાય. લાખ પ્રયત્ન કરે પણ કોઠી ફૂટ્યા વગર રહે જ નહીં. તે વાળી ના શકાય તેવો અનિવાર્ય ક્રોધ. આ ક્રોધ પોતાનું અહિત કરે ને સામાનુંય અહિત કરે.

જાગૃતિથી કષાયો બાઉન્ડ્રીમાં

ભગવાને શું કહ્યું હતું કે ક્રોધનું વિચારે કરીને એનું પૃથક્કરણ કરી નાખો. જો કે વિચારે કરીને કરતા તો ઘણાં અવતાર નીકળી જાય. વિચાર કરવાના અવસર પહેલાં તો ક્રોધ થઈ જાય છે. એ તો બહુ જાગૃતિ હોય તો જ ક્રોધ ના થાય, પણ એ જાગૃતિ આપણે અહીં 'જ્ઞાન' આપીએ છીએ એટલે ઉત્પન્ન થાય છે. પછી ક્રોધ-માન-માયા-લોભ એની 'બાઉન્ડ્રી'માં આવી જાય છે. જાગૃતિ ઉત્પન્ન થાય. એટલે તમને ક્રોધ થતાં પહેલાં જ જાગૃતિ આવી જાય અને પૃથક્કરણ થઈ બધું સમજાય કે કોણ ગુનેગાર છે ? આ શી હકીકત બની ? બધું સમજાઈ જાય, પછી ક્રોધ કરે જ નહીં ને !

તો નિવેડો આવે

પ્રશ્નકર્તા : દાદા, આપે જે કીધું કે હું આ રીતે ફેરવી દઉં. પણ એ જે વસ્તુ થઈ રહી હોય ક્રોધ, એને આધાર તમે આપ્યો, એ ઓળખાવો જોઈએ ને ?

દાદાશ્રી : શું ?

પ્રશ્નકર્તા : તમે એ ક્રોધ કર્યો અને ક્રોધ કરવા જેવો હતો તો એ આધાર આપ્યો જ કહેવાય ને, દાદા ?!

દાદાશ્રી : 'એ કરવા જેવો હતો' એવો આધાર આપ્યો. અંદર પેલો સમજી જાય, કે આ પોતે જાણે છે કે વધારે પડતો થયો છે તોય પોતાની આબરૂ રાખવા માટે, 'કરવા જેવો હતો' કહે. ત્યારે મૂઆ સાચું રડને ! તે તું પોતે જાણું છું કે વધારે પડતા થઈ ગયો. કહી દે ને, કે ભઈ, આજ વધારે પડતું થયું છે. કહે તો એનો નિવેડો આવે. પણ બધા ઊંધું બોલે કે ના બોલે ?

પ્રશ્નકર્તા : બોલે ને !

દાદાશ્રી : પેલાને, માનને સાચવવાનું. તમે હઉ એવું કહેલું ?

પ્રશ્નકર્તા : બહુ, દાદા.

દાદાશ્રી : એમ ? ત્યારે, દાદા મળ્યા તો બધું રાગે પડી ગયું. અમે મૂળ જ્ઞાન તો આપીએ. તમારો દીવો સળગાવી આપીએ. પછી આ વ્યવહારિકે આપીએ, બેઉ. પછી રહ્યું શું તે ?

ક્રોધ એ પરપરિણામ

ક્રોધ થાય છે પણ એ પહેલાનાં પરિણામ છે. આજના મારા પરિણામ નથી આ. હું તો આજે શુદ્ધાત્મા જ છું અને આ હું કરતો નથી. આ પહેલાના પરિણામ. હું જોયા કરું છું અને જે ભોગવટો આવે તે ભોગવાઈ જાય છે. આજે એમ કહે કે મને ક્રોધ થયો, તો ફરી પાછું બગડી ગયું અને શુદ્ધત્મા બોલવાનું. ગમે તેવું સારું-ખોટું થઈ જાય તો યે પણ શુદ્ધ જ છું. એ એનો કર્તા થાય છે, હું નથી.

ક્રોધ એ પરભાવ

ક્રોધ એ પરભાવ છે. આપણા મહાત્માઓને જે ક્રોધ આવે છે તે પરભાવ છે. જેમાં ડંખ નથી એ પરભાવ કહેવાય છે. ડંખવાળો ક્રોધ ના કરતો હોય તોયે ક્રોધ કહેવાય છે. એ સ્વભાવ કહેવાય છે. ડંખ એ સ્વભાવ છે અને ક્રોધ પરભાવ છે. જગતને ડંખ હોય જ. તેથી તો કોઈ ક્રોધ કરેને, તેની જોડે છોકરો કચકચ કરીને જતો રહે. ફરી ભેગો થાય ત્યારે આંખ જોઈ લે કે ડંખ છે કે નથી. જો ડંખ ના લાગે તો વાતચીત કરે.

આત્મા ભળે તો ક્રોધ

પરપરિણતિને ગુસ્સો કહેવાય છે અને સ્વપરિણતિને ક્રોધ કહેવામાં આવે છે. એની એ જ પરિણતિ જો સ્વ ગણવામાં આવે તો ક્રોધ કહેવાય છે. અને એની એ પરિણતિ સ્વ ના ગણાય, તો એ પેલો ગુસ્સો કહેવાય છે. ગુસ્સો એ પરપરિણતિ છે અને પુદ્ગલ પરિણામ છે. જ્યારે ક્રોધ એ ચેતન પરિણામ છે. એટલે આપણે બધાનામાં ક્રોધ હોય તોય ગયો છે એમ કહીએ છીએ. એવું શાથી કહીએ છીએ ? કારણ કે ક્રોધ ક્યારે કહેવાય ? આત્મા ક્રોધની અંદર તન્મયાકાર થાય તો ક્રોધ કહેવાય. નહીં તો ક્રોધ કહેવાતો જ નથી. તન્મયાકાર થાય તો સામાને ખોટું લાગે, નહીં તો સામાને ખોટું ના લાગે.

હવે તન્મયાકાર બે પ્રકારનું છે. મૂળ આત્મા તો જાણે તન્મયાકાર થતો જ નથી. આ જે આત્મા આપ્યો છે, તે તન્મયાકાર થતો જ નથી. પણ પ્રતિષ્ઠિત આત્મા જે છેને, એ તન્મયાકાર થાય તો ખોટું લાગેને કોઈને ! પ્રતિષ્ઠિત આત્મા જે ભળે છેને, પછી કદરૂપું લાગે. નહીં તો સામા માણસને કદરૂપું કેમ કરીને લાગે ? પ્રતિષ્ઠિત આત્માય ના ભળવો જોઈએ, ત્યાં આગળ જાગૃતિ રાખવી જોઈએ.

નોર્માલિટીની જ જરૂર

કોઈ તને ટૈડકાવે તો તું ઉગ્ર થઈ જાઉં ને ?

પ્રશ્નકર્તા : હા, થઈ જાઉં છું.

દાદાશ્રી : તો એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય ?

પ્રશ્નકર્તા : બેઉ કહેવાય.

દાદાશ્રી : ના, ના, એ તો નબળાઈ જ કહેવાય.

પ્રશ્નકર્તા : કો'ક જગ્યાએ તો ક્રોધ હોવો જ જોઈએ.

દાદાશ્રી : ના, ના, ક્રોધ એ તો પોતે જ નબળાઈ છે. અમુક જગ્યાએ ક્રોધ હોવો જોઈએ, એ તો સંસારી વાત છે. આ તો પોતાનાથી ક્રોધ નીકળતો નથી એટલે એવું બોલે કે ક્રોધ હોવો જ જોઈએ. તને ખબર છે, હિમ પડે છે તે ? હવે હિમ એટલે બહુ જ ઠંડી હોય ને ? તે હિમથી ઝાડવા બળી જાય, બધો કપાસ, ઘાસ બધું જ બળી જાય. એવું તું જાણે છે કે ? એ શાથી ઠંડીમાં બળી જતું હશે ?

પ્રશ્નકર્તા : 'ઓવર લિમિટ' ઠંડીને લીધે.

દાદાશ્રી : હા, એટલે જો તું ઠંડો થઈને રહે તો એવું શીલ ઉત્પન્ન થાય. વળી, ઉગ્રતા એ તો નબળાઈ જ છે ને !

પ્રશ્નકર્તા : પણ દાદા, વધારે પડતું ઠંડા થવું એ પણ એક નબળાઈ જ છેને ?

દાદાશ્રી : વધારે પડતા ઠંડા થવાની જરૂર જ નથી. આપણે તો લિમિટમાં રહેવાનું છે, એને 'નોર્માલિટી' કહે છે. બીલો નોર્મલ ઇઝ ધી ફીવર, એબાવ નોર્મલ ઈઝ ધી ફીવર, નાઇન્ટી એઇટ ઇઝ ધી નોર્મલ. એટલે આપણને નોર્માલિટી જ જોઈએ.

એ નિર્બળતા કહેવાય કે બળવાનપણું ?

પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું તો એ નિર્બળતા ના કહેવાય ?

દાદાશ્રી : ના. ઓહોહો ! અપમાન શાંતિથી સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય ! અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચકચ કર્યા જ કરે છે ને, જીવમાત્ર લઢમ્લઢા કર્યા કરે છે ! એ બધી નિર્બળતા કહેવાય. અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગેને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે. એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તોય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય.

ખરી રીતે નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું જોઈએ, પણ આ કળિયુગમાં એવાં મનુષ્યો જ નથી રહ્યાં ને ! અત્યારે તો નિર્બળને જ માર માર કરે અને બળવાનથી તો ભાગે. બહુ ઓછાં માણસો છે કે જે નિર્બળની રક્ષા કરે અને બળવાનની સામો થાય. એવાં હોય ત્યારે એને તો ક્ષત્રિય ગુણ કહેવાય. બાકી જગત આખુંય નબળાને માર માર કરે છે, ઘેર જઈનેય ધણી બાયડી પર શૂરો થઈને બેસે. ખીલે બાંધેલી ગાયને મારીએ તો તે કઈ બાજુ જાય ? અને છૂટી મૂકીને મારે તો ? નાસી જાય ને ! નહીં તો સામી થાય.

મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં, પોતાનાં દુશ્મનને પણ રંજાડે નહીં, એનું નામ બળવાનપણું કહેવાય છે. અત્યારે કોઈ તમારી ઉપર ગુસ્સે થતો હોય ને તમે તેના પર ગુસ્સે થાવ તો તે બાયલાપણું ના કહેવાય ? એટલે મારું શું કહેવાનું કે આ ક્રોધ-માન-માયા-લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી ? પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઈ હશે ખરું ને ? એનું શીલ નામનું જે ચારિત્ર છે, એનાથી જાનવરો પણ વશ થઈ જાય. વાઘ, સિંહ, દુશ્મનો બધા, આખું લશ્કર વશ થઈ જાય ! ક્રોધ-માન-માયા-લોભ એ તો ખુલ્લી નબળાઈ છે અને બહુ ક્રોધ થાય ત્યારે આ હાથ-પગ આમ ધ્રૂજતા જોયા નથી તમે ?

પ્રશ્નકર્તા : શરીર પણ ના પાડે કે તારે ક્રોધ કરવા જેવો નથી.

દાદાશ્રી : હા, શરીરેય ના પાડે કે આપણને આ શોભે નહીં. એટલે ક્રોધ તો કેટલી બધી નબળાઈ કહેવાય !

સમ્યક્ ઉપાયે ક્રોધ જાય

એક ભાઈ મને કહે કે, 'અનંત અવતારથી આ ક્રોધને કાઢીએ છીએ, પણ એ ક્રોધ કેમ જતો નથી ?' ત્યારે મેં કહ્યું કે, 'તમે ક્રોધ કાઢવાના ઉપાય નહીં જાણતા હો.' ત્યારે એ કહે કે, 'ક્રોધ કાઢવાના ઉપાય તો શાસ્ત્રમાં લખ્યા છે એ બધાય કરીએ છીએ, છતાં પણ ક્રોધ નથી જતો.' ત્યારે મેં કહ્યું કે, 'સમ્યક્ ઉપાય હોવો જોઈએ.' ત્યારે કહે કે, 'સમ્યક્ ઉપાય તો બહુ વાંચ્યા પણ એ કશું કામ આવ્યા નહીં. પછી મેં કહ્યું કે, 'ક્રોધને બંધ કરવાનો ઉપાય ખોળવો એ મૂર્ખતા છે, કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. જેમ તમે પરીક્ષા આપી હોય ને રિઝલ્ટ આવ્યું, હવે હું રિઝલ્ટને નાશ કરવાનો ઉપાય કરું, એના જેવી વાત થઈ. આ રિઝલ્ટ આવ્યું એ શેનું પરિણામ છે, તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે.'

આપણા લોકોએ શું કહ્યું કે, 'ક્રોધને દબાવો, ક્રોધને કાઢો.' અલ્યા, શું કરવા આમ કરે છે ? વગર કામના મગજ બગાડો છો ! છતાં ક્રોધ નીકળતો તો છે નહીં. તોય પેલાં કહેશે કે, 'ના સાહેબ, થોડો ઘણો ક્રોધ દબાયો છે.' અલ્યા, એ મહીં છે ત્યાં સુધી એ દબાયેલો ના કહેવાય. ત્યારે પેલા ભાઈ કહે કે, 'તો આપની પાસે બીજો કોઈ ઉપાય છે ?' મેં કહ્યું, 'હા, ઉપાય છે, તમે કરશો ?' ત્યારે એ કહે 'હા.' ત્યારે મેં કહ્યું કે, 'એક વાર તો નોંધ કરો કે આ જગતમાં ખાસ કરીને કોની ઉપર ક્રોધ આવે છે ?' જ્યાં જ્યાં ક્રોધ આવે એને 'નોટ' કરી લે અને જ્યાં ક્રોધ નથી આવતો તેને પણ જાણી લે. એક વાર લિસ્ટમાં નાખી દે કે આ માણસ જોડે ક્રોધ નથી આવતો. કેટલાક માણસ અવળું કરે તોય એની પર ક્રોધ ના આવે અને કેટલાક તો બિચારો સવળું કરતો હોય તોય એની પર ક્રોધ આવે, એટલે કંઈક કારણ હશે ને ?

પ્રશ્નકર્તા : પેલા માટે મનની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ હશે ?

દાદાશ્રી : હા, ગ્રંથિ બંધાઈ ગયેલી છે. તે ગ્રંથિ છોડવા હવે શું કરવું ? પરીક્ષા તો અપાઈ ગઈ. જેટલી વખત એની જોડે ક્રોધ થવાનો છે એટલો વખત થઈ જવાનો છે અને એના માટે ગ્રંથિ પણ બંધાઈ ગયેલી છે, પણ હવેથી આપણે શું કરવું જોઈએ ? જેના ઉપર ક્રોધ આવતો હોય એના માટે મન બગડવા ના દેવું જોઈએ. મન સુધારવું કે ભઈ, આપણા પ્રારબ્ધના હિસાબે આ માણસ આવું કરે છે. એ જે જે કરે છે એ આપણા કર્મના ઉદય છે માટે એવું કરે છે. એવી રીતે આપણે મનને સુધારવું. મન સુધાર સુધાર કરશો અને સામાની જોડે મન સુધરે એટલે પછી એની જોડે ક્રોધ આવતો બંધ થાય. થોડો વખત પાછલી ઇફેક્ટ છે, પહેલાંની ઇફેક્ટ, એટલી ઇફેક્ટ આપીને પછી બંધ થઈ જશે.

સાચી સમજણે વિરમે ક્રોધ

આ જરા ઝીણી વાત છે. ઝીણી છે અને લોકોને જડી નથી. દરેકનો ઉપાય તો હોય જ ને ? ઉપાય વગર તો જગત હોય જ નહીં ને ! જગત તો પરિણામને જ નાશ કરવા માંગે છે. એટલે ક્રોધ-માન-માયા-લોભનો ઉપાય આ છે. પરિણામને કશું ના કરો, એના કૉઝીઝને ઉડાડો તો આ બધાય જતાં રહેશે. એટલે પોતે વિચારક હોવો જોઈએ. નહીં તો અજાગૃત હોય તો શી રીતે ઉપાય કરે ?

પ્રશ્નકર્તા : કૉઝીઝ કેવી રીતે ઉડાડવાં, એ ફરી જરા સમજાવોને !

દાદાશ્રી : આ ભાઈ જોડે મને ક્રોધ આવતો હોય તો પછી હું નક્કી કરું કે આની જોડે ક્રોધ આવે છે, એ મારાં પહેલાંના એના દોષો જોવાનું પરિણામ છે. હવે એ જે જે દોષો કરે તે મન ઉપર ના લઉં તો પછી એના તરફનો ક્રોધ બંધ થતો જાય, પણ થોડા પૂર્વપરિણામ હોય એટલાં આવી જાય, પણ પછી બીજું આગળ બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : બીજાના દોષ જોવાય, તેનાથી ક્રોધ આવે છે ?

દાદાશ્રી : હા. એ દોષો જોઈએ છીએ, એને પણ આપણે જાણી રાખવું કે આ પણ ખોટાં પરિણામ છે. એટલે આ ખોટાં પરિણામ જોવાનું બંધ થઈ જાય, તે પછી ક્રોધ બંધ થઈ જાય. આપણે દોષ જોવાનું બંધ થઈ ગયું એટલે બધું બંધ થઈ ગયું.

જય સચ્ચિદાનંદ