કાઢવી કચાશો બ્રહ્મચર્યના નિશ્ચયની

સંપાદકીય

જે યુવાન પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) પાસે આત્મજ્ઞાન પામે છે અને એના જીવનનો ધ્યેય બની જાય છે કે બ્રહ્મચર્ય પાળવું છે. નિશ્વય પણ પાક્કો થઈ ગયો છે, મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળી, જગત કલ્યાણના નિમિત્ત બનવું છે, એવાને દાદાશ્રી બ્રહ્મચર્યના નિશ્વયને કોણ નબળો બનાવી દે, તે રહસ્યો પકડાવે છે. ત્યાં જાગૃત કરે છે અને ચેતવે છે.

આજની સમજણ-જ્ઞાનથી નક્કી કર્યું છે કે મારે બ્રહ્મચર્ય પાળવું, પણ ગયા ભવના જ્ઞાન-સમજ પૂરેપૂરા બ્રહ્મચર્યની સમજણવાળા નહોતા તેનાથી આજનું મન બન્યું, તે બન્ને જાતનું મન બતાડે, વિષયનો મોહ પણ થાય અને બ્રહ્મચર્યનો ભાવ પણ થાય. ત્યાં સાધકે જાગૃતિ રાખવાની છે. આજના ધ્યેય પ્રમાણે ચાલવું છે, નહીં કે મનના કહ્યા પ્રમાણે. મનના કહ્યા પ્રમાણે ચાલે તે તો મિકેનિકલ કહેવાય, ક્યારે પડી જાય તે ન કહેવાય. મન તો વિરોધાભાસી હોય. બ્રહ્મચર્ય પાળવું છે તેય બતાડે ને પરણવું છે તેય બતાડે. પોતે જાગૃતિ રાખવાની છે અને સ્ટ્રોંગ નિશ્વય કરવાનો છે કે મારે કયે રસ્તે ચાલવું.

નિશ્વયને ધીમે ધીમે સમજણથી, જ્ઞાને કરીને દ્ઢ કરી નાખવાનો છે. છ મહિના પછી મન અવળું બોલે તો પણ પોતે ધ્યેય ચૂકી ના જાય. મન જોડે કેવી રીતે કામ લેવું તેની સુંદર જુદાપણાની ચાવીઓ દાદાશ્રી પકડાવે છે. હા, મન પોતાના સિદ્ધાંતને અનુરૂપ કહેતું હોય તો સ્વીકાર્ય છે, પણ ધ્યેયથી વિરુદ્ધ બતાડતું હોય તો તેનું હરગીજ નહીં ચલાવવાનું. મન તો બતાડે કે પતંગ ચગાવવી છે, ક્રિકેટ રમવું છે, ટી.વી.-ઈન્ટરનેટ જોઈ લઈએ, પત્તા રમવા બેસીએ, છાપા-મેગેઝીન વાંચીએ તે બધા ધ્યેયથી વિરુદ્ધ છે. તેમાં મનના કહ્યા પ્રમાણે નથી ચાલવાનું. તો ધ્યેય તરફ પ્રગતિ થાય.

નિશ્વય દ્ઢ હોય, તો તેને સિન્સિયર રહેવાથી પહોંચી વળાય. ત્યાં દાનતખોરી, પોલથી સિન્સિયારીટી તૂટે અને નિશ્વય ફળીભૂત ન થાય. નિશ્વય પોતાનો સિન્સિયારીટી, ગંભીરતા અને જ્ઞાનીના આશીર્વાદથી ધ્યેયની પૂર્ણાહૂતિ અવશ્ય થાય જ.

પ્રસ્તુત સંકલનમાં બ્રહ્મચર્યનો નિશ્વય દ્ઢ રાખવાનો, તેમાં પોલ મારવાથી સિન્સિયારીટી કેવી રીતે તૂટે છે, આજ્ઞા પાળવાથી કેવી મજબૂતી આવી જાય, વિષયની લીંક કેવી રીતે તૂટે તેની સર્વ ચાવીઓ સંકલિત થઈ છે, જે સાધકને નિરંતરાયપણે પૂર્ણાહુતિ થવામાં ઉપકારી નીવડશે.

દીપક દેસાઈ

કાઢવી કચાશો બ્રહ્મચર્યના નિશ્ચયની

નિશ્ચય પ્રમાણે ચાલો, નહીં કે...

આ દાદા કહે છે કે અમને ગમતું-ના ગમતું છે નહીં ને આપણે વળી ના ગમતા-ગમતાવાળા ક્યાંથી આવ્યા ? કઈ જાતના માણસો ? દુનિયાના બાદશાહ ?(!) મન તારું ઉપરી છે ? ક્યારથી ઉપરી છે ?

પ્રશ્નકર્તા : પહેલેથી જ બધું એવું. મનનું જ બધું ધારેલું કરવાનું.

દાદાશ્રી : જુઓ ને, ચારસો વર્ષ ઉપર કબીર સાહેબે કહ્યું, કેવા એ ડાહ્યા માણસ ! કહે છે, 'મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.' ડાહ્યા નહીં કબીર સાહેબ ?

પ્રશ્નકર્તા : ડાહ્યા કહેવાય.

દાદાશ્રી : અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે 'આને પૈણો' તો પૈણી જવું ?

પ્રશ્નકર્તા : ના, એવું ના થાય.

દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવુંય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ? કારણ કે તમારું પોતાનું જ ચલણ નથી. પોતાના ચલણવાળો એવું ના કરે.

આ કહે છે કે 'સ્મશાનમાં જાઉં છું તેનો મને કશો વાંધો નથી આવતો.' તેથી હું તમને કહેતો હતો કે મહીં મન કહેશે, 'હજુ તો આ છોડી (છોકરી) સરસ છે ને હવે વાંધો નથી. આપણને આ દાદાજીનું આત્મજ્ઞાન મળી ગયું. હવે કશું રહ્યું નથી. પેલાએ શાદી કરી છે, હવે ખાસ પુરાવામાં કંઈ ખૂટતું નથી. ચાલો ને, આ હવે આમાં ક્યાં ભૂલ થઈ ગઈ પાછી ? પાછો ફાધર (પિતાજી)નો આશીર્વાદ વરસશે.' એવું બધું મહીં કહેશે. અને જો તું ભૂલો પડીશ તો તે ફજેતો કરશે. અમે તો તમને કહીએ કે નાસી જશો. ત્યારે તું કહે, 'નાસીને અમે ક્યાં જઈએ ?' પણ શેના આધારે નાસ્યા વગર નહીં રહો તમે ? કારણ કે મનના કહ્યા પ્રમાણે તમે ચાલો છો. એ તો કોણ સ્ટ્રોંગ માણસ કહેવાય કે જે કોઈનુંય માને નહીં. મનનું કે બુદ્ધિનું કે અહંકારનું કે કોઈ ભગવાન આવે તેનુંય ના માને. તમારું તે શું ગજું ?

પ્રશ્નકર્તા : પોતે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનું કોઈ દિવસ સાંભળ્યું નથી.

દાદાશ્રી : એમ ? મન સવળું બોલે ખરું ?

પ્રશ્નકર્તા : હા, સવળું બોલે છે.

દાદાશ્રી : અવળું બોલ્યું નથી એટલે. થોડું ઘણું અવળું બોલે તેને તમે ગાંઠો નહીં પણ સાત દહાડા સુધી તમને છોડે નહીં અને એ પાછું મહીં કહેશે, 'આ જ્ઞાન બધું મળી ગયું છે, હવે વાંધો નથી. લોકોમાં આપણી વેલ્યુ (કિંમત) બહુ છે. આમ છે, તેમ છે.' બધું સમજાવી કરી આપણને ચલાવે !

પ્રશ્નકર્તા : એવું ના થાય હવે.

દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા હારુ તમને ચેતવીને કહીએ કે આમાં 'મન કા ચલતા' છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, એને બાજુએ રાખો. પણ આ મન તો પંદર-પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતોય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ? તમને જોડા પહેરતાં તો આવડતું નથી !

નિશ્ચયના પ્લાનીંગને અનુસરો...

આપણા ધ્યેય પ્રમાણે જ આપણો નિશ્ચય છે. આજના નિશ્ચય પ્રમાણે જ આપણે કરવાનું. આપણું આજનું પ્લાનીંગ (આયોજન) છે તે પ્રમાણે કરવાનું, મનના પ્લાનીંગ પ્રમાણે નહીં. નહીં તો એ થાય નહીં. આ બ્રહ્મચર્ય પળાય નહીં અને અહીં પણ રહેવાય નહીં. દાદા પાસેય ટકાય નહીં.

એટલે મનનું સંભળાતું હશે ? જરૂરિયાત પૂરતું સાંભળે, પછી બીજું પોતાનું ધાર્યું જ કરે. એ જ કહેવા માગું છું કે, અમારો સિદ્ધાંત છે. તારે માનવું હોય તો માન. ના માનવું હોય તો અમારે કંઈ જરૂર નથી. અમે 'વીટો' (વિશેષ અધિકાર) વાપરીશું.

પોતાનો નિશ્ચય કે મનનો નિશ્ચય ?

બ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો 'મને' કહ્યું હતું, એ પ્રમાણે આ પૈણવામાં મઝા નથી. તે આવું બધું 'મને' તને કહ્યું હતું ને તેં એક્સેપ્ટ કર્યું હતું.

પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયો ને પણ ?

દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે 'હવે જો આડું તું કરશે તો તારી વાત તું જાણું.' હવે તો આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારી દે, એટલે આપણો જ એ નિશ્ચય.

પ્રશ્નકર્તા : સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી 'આપણો', નહીં તો 'મન'નો ?

દાદાશ્રી : તો બીજા કોનો ? કંઈ એનો છે ? પણ અત્યારે અહીં આ મિલકતમાં 'આપણું' ક્યાં છે ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે ને તેય આપણી ઓરડીમાં રહે છે. તેય ચોરી કરે છે પાછો ઉપરથી ?

કો'કના ઘર ઉપરથી નળિયાનો ટુકડો પડે ને વાગે તોય કશું ના બોલે. કારણ કે ત્યાં મન કહે છે કે 'આપણે કોને કહીશું ?' એ તો એનું મન શીખવાડે છે એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિદ્ધાંત છે એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું.

અમે આખા દહાડામાં કેટલું મનનું માનતા હોઈશું ?

પ્રશ્નકર્તા : જરાય નહીં.

દાદાશ્રી : તો એવી શૂરવીરતા ના આવે ?

પ્રશ્નકર્તા : આવશે જ. દરેક વખતે આ મનના કહેવા પ્રમાણે નથી ચાલવાનું, એવું હાજર રહેવું જોઈએ ને ?

દાદાશ્રી : એ એની મેળે હાજર રહેશે જ. કેમ હાજર ના રહે ? ક્યાં જવાનું છે ? એક-બે વખત, થોડા વખત પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ. એટલે બે-ચાર-પાંચ વખતમાં કંટ્રોલમાં આવી જ જાય ને ! તેથી તો આપણે આ નવ કલમો બોલીએ. તે શક્તિ આવે પછી તમે બોલો ને એટલે ? નવ કલમો રોજ બોલવી.

ગાડું જવા દેવું કઈ દિશામાં ?

બ્રહ્મચર્યવાળો માણસ તો કેવો હોય ? હેય, સ્ટ્રોંગ (મજબૂત) પુરુષ ! ઊંચા મનોબળવાળો ! એ આવા તે હોતા હશે ? તેથી તો હું વારે ઘડીએ કહું છું કે 'તમે જતા રહેશો, પૈણશો.' ત્યારે તમે કહો છો કે એવા આશીર્વાદ તમે ના આપશો. મેં કહ્યું, 'હું આશીર્વાદ નથી આપતો. તમારો વેષ દેખાડું છું આ ! અત્યારથી જો નહીં ચેતો ને પોતાના હાથમાં લગામ લીધી નહીં તો ખલાસ ! ક્યાં ગાડું લઈ જાવ છો ?' ત્યારે કહે, 'બળદ જ્યાં લઈ જાય ત્યાં ! બળદ જે દિશામાં જાય એ દિશામાં ગાડું જવા દે કોઈ ? બળદ આમ જતા હોય તો મારી-ઠોકીને, ગમે તેમ કરીને, આમ લઈ લે. પોતાના ધારેલા રસ્તે જ લઈ જાય ને ?

પ્રશ્નકર્તા : ધારેલા રસ્તે લઈ જાય.

દાદાશ્રી : ને તમે તો બળદના ચલાવ્યા ગાડાં ચલાવો છો. 'એ આ બાજુ જાય છે તો હું શું કરું' કહે છે. (ધ્યેયથી વિરુદ્ધ મનનાં કહ્યા પ્રમાણ ચાલો છો.) તો એના કરતાં પૈણો ને નિરાંતે ! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહીં ને ! નિશ્ચયબળ છે નહીં. પોતાનું કશું છે નહીં. પોતાની કશી લાયકાત છે નહીં. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ?

પ્રશ્નકર્તા : ના જવા દેવાય.

દાદાશ્રી : તો કેમ આ ગાડાં જાય છે ?

પ્રશ્નકર્તા : આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું. નહીં તો ખબર જ નથી પડતી.

દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય.

સામાયિકમાં ચલણ, મનનું

પ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે. ગુલ્લી મારવાનું મન થઈ જાય.

દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવા-દેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? ચાલે છે, તો હજુય ચલણ એનું છે. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે.

પ્રશ્નકર્તા : પહેલાં શરૂઆતમાં હું બે-એક વર્ષ રેગ્યુલર (નિયમિત) સામાયિક કરતો હતો. ત્યારે એ મને ગમતું હતું.

દાદાશ્રી : તે તું 'ગમતું-નાગમતું' એ જ માર્ગે છે ને ? પાછો કહે છે કે મને ગમતું હતું ! મનનું માને એ માણસ જ ના કહેવાય. એ મશીનરી ના કહેવાય તો બીજું શું કહેવાય ? પોતાનું ચલણ ના હોય ? તમે પુરુષ થયા ને ?

સત્સંગમાં આવવાનું મન ના પાડે તો શું કરે ? ત્યાં મનનું માનો છો ? એવું માનો તો પછી રખડી મર્યા ને ! રહ્યું શું તે ? જાનવરોય એનું માને ને તમેય એનું માનો. ઘણી ખરી વખત મનના વિરુદ્ધ કરો છો કે નહીં ?

પ્રશ્નકર્તા : ઘણી વખત.

દાદાશ્રી : સારું. મનના ચલાવ્યે ચાલે, એ તો મિકેનિકલ (યાંત્રિક) કહેવાય. પેટ્રોલ મહીં પૂરીએ એટલે મશીન (યંત્ર) ચાલ્યા કરે. તનેય એવું થાય છે ? તો તો આપણે ના પૈણવું હોય તોય પૈણાવડાવે !

પ્રશ્નકર્તા : એમાં એવું ના થાય.

દાદાશ્રી : કેવા માણસ છો તે ? આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલવા દે, તો પછી પોતાનું ચલણ જ નથી.

પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઈચ્છા એટલી સ્ટ્રોંગ નથી.

દાદાશ્રી : ઓહો ! તો તો આ બધો ધર્મ કરવાની ઈચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહીં ને પાછો !

સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટમાં ઠેકાણે બેસે નહીં, તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતાં છાનોમાનો પૈણી જાય તો સારું.

આ બ્રહ્મચર્ય પાળે છે, તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ. કોઈ ડગાવે નહીં એવું. કો'કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે ?

હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે 'મને મહીંથી એવું જાગ્યું, એટલે સામાયિક કરતાં કરતાં ઊઠી ગયો !'

પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી.

દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહીં પણ મનના કહ્યા પ્રમાણે કરે, તે ના ચલાવી લેવાય.

પ્રશ્નકર્તા : 'આવું હું કરું છું' એ હજુ ખબર પડતી નથી, સમજાતું નથી.

દાદાશ્રી : સમજાતું જ નથી, નહીં ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. 'સમજાતું જ નથી', કહે છે.

આ ગાડાંનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે એમ ?

પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી.

દાદાશ્રી : શું જોવાનું હોય, તે દેખાય ?

પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું.

દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઊતરવાનું કહીએ ત્યારે દેખાય. મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાડાં જ ને ! પછી દેખાય શી રીતે ? 'દેખનારો' જુદો હોવો જોઈએ, પોતાના નિશ્ચયબળવાળો ! અત્યાર સુધી મનનું કહેલું જ કરેલું. તેને લીધે એ બધું આવરણ આવેલું.

પ્રશ્નકર્તા : સામાયિકમાં ફિલમની જેમ દેખાવું જોઈએ ને ?

દાદાશ્રી : શી રીતે દેખે પણ ? 'તમે' જોનાર નથી, ગાડાંના માલિક નથી ને ? માલિક થાય તો દેખાય. અત્યારે તો 'તમે' બળદના કહ્યા પ્રમાણે ચાલો છો. તે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું.

પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરું ?

દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય.

પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતાં નથી ને ?

દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું. ના નિશ્ચય હોય, મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય, તો નહીં કરવું. બાકી વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે. 'તે આપણે જોવું' એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો, એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરૂ થઈ ગયું.

મનથી થયેલા નિશ્ચય નબળા

પ્રશ્નકર્તા : આપ જ્યારે આ બતાડોને, પોતાને ના દેખાતું હોય તો આપણે કહેવાનું ઊલટું કે 'તારામાં આવું છે તો જ દાદા કહેને.' એટલે દેખાય.

દાદાશ્રી : આ કહું છું, તે બીજ નાખું છું.

પ્રશ્નકર્તા : તોય આલોચના જ્યારથી મેં આપી છે ને ત્યારથી નિશ્ચય ઘણો સ્ટ્રોંગ થઈ ગયો છે.

દાદાશ્રી : એ નિશ્ચય સ્ટ્રોંગ ના કહેવાય, નિશ્ચય તો કડક થયેલો હોય ત્યારે હું કહું એ. એકલો મનથી નિશ્ચય કરે ચાલે નહીં, નિશ્ચય વ્યવહારમાંય પણ નિશ્ચય હોવો જોઈએ.

અત્યારે તો તમારું મન તમને 'પૈણવા જેવું છે નહીં, પૈણવામાં બહુ દુઃખ છે' એવું હેલ્પ (મદદ) કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. તમારા 'મને' તમને સિદ્ધાંત બતાવ્યો કે 'આમ કરો.'

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવાનો સિદ્ધાંત મન બતાડે છે, એમ આ વિષય સંબંધીનું પણ મન જ બતાડે ?

દાદાશ્રી : એનો ટાઈમ (સમય) આવશે ત્યારે પછી છ-છ મહિના, બાર-બાર મહિના સુધી એ બતાવ બતાવ કરશે.

પ્રશ્નકર્તા : એ પણ મન જ ?

દાદાશ્રી : હા. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ) બધાં ભેગાં થાય ત્યારે. હું આ બધાંને કહું છું કે મનના કહ્યા પ્રમાણે શું ચાલો છો ? મન મારી નાખશે.

તમે જે બ્રહ્મચર્યનો નિયમ લીધો, તેય મનના કહ્યા પ્રમાણે જ કરેલું છે આ. આ છે તે જ્ઞાનથી સિદ્ધાંત નક્કી નથી કર્યો. 'મને' એમ કહ્યું કે, આમાં શું મઝા છે ? આ લોકો પરણીને દુઃખી છે, આમ છે, તેમ છે, એમ 'મને' જે દલીલ કરી, એ દલીલ તમે એક્સેપ્ટ (સ્વીકાર) કરી.

પ્રશ્નકર્તા : તો હજુ જ્ઞાને કરીને આ સિદ્ધાંત પકડાયો નથી ?

દાદાશ્રી : જ્ઞાને કરીને શાનો પકડાયો ? આ તો હજુ મનની દલીલ ઉપર ચાલ્યું. હવે જ્ઞાન તમને મળ્યું છે, તે હવે જ્ઞાનથી એ દલીલને તોડી નાખો. એનું ચલણ જ બંધ કરી દો. કારણ કે દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે. મનને દબાવી રાખવાનું નહીં. મનને વશ કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચ કચ કરીએ, તેમાં જીતે કોણ ? તને સમજાવીને હું જીતું તો તું પછી ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર જીતું તો ?

પ્રશ્નકર્તા : સમાધાન થાય તો મન કશું ના બોલે.

દાદાશ્રી : હા, સમાધાની વલણ જોઈએ. તમને આ બ્રહ્મચર્યનું કોણે શીખવાડેલું ? બ્રહ્મચર્યને આ લોકો શું સમજે ? આ તો એમ સમજી ગયેલો કે 'આ ઘરમાં ઝઘડા છે, તેથી પૈણવામાં મઝા નથી. હવે એકલા પડી રહ્યા હોઈએ તો સારું.'

પ્રશ્નકર્તા : એવું ખરું કે મન જેટલું વૈરાગ્ય બતાડે છે, એટલું પાછું એક વખત આવું પણ બતાડશે ?

દાદાશ્રી : મનનો સ્વભાવ શું ? એ વિરોધાભાસી, તે બન્ને તત્વ દેખાડે. માટે આ ચેતવાનું કહું છું.

પ્રશ્નકર્તા : મન એક વખત બ્રહ્મચર્યનું, વૈરાગ્યનું બતાડશે એવું રાગ પણ બતાડે એવું ખરું ?

દાદાશ્રી : હા. ચોક્કસ ને ! પછી એ રાગનું દેખાડે.

પ્રશ્નકર્તા : એવો ફોર્સ હોય ?

દાદાશ્રી : એથી વધારે હોય અને ઓછોય હોય. એનો કાંઈ નિયમ નથી.

સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ. ટાઢો ના લેશો. ને છતાંય રોજ બે મઠિયાં ખવડાવવાના. એ મન કહે કે, 'પાંચેક મઠિયાં ખાઈએ.' ત્યારે અમે કહીએ, 'ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.' એ હઉ કહું એટલું.

પ્રશ્નકર્તા : એટલે પાર્શિયલ (અંશતઃ) સિદ્ધાંતનું રાખ્યું ને પાર્શિયલ મનનું રાખ્યું, ત્યારે એનું સમાધાન થયું ને ?

દાદાશ્રી : ના, એવું નહીં. એ સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં, એને જરા નોબિલિટી (ઉદારતા) જોઈએ છે, ત્યાં આપણે નોબલ (ઉદાર) રહેવું જોઈએ.

આમાં તમને શું લાગે છે ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ?

પ્રશ્નકર્તા : મનથી જ કરેલો.

દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહીં તો હું તમને કહું જ નહીં ને ! કશુંય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિદ્ધાંતની વાત કરું જ નહીં. માણસ ના પહોંચી શકે.

જ્ઞાનથી થયેલા નિશ્ચયોનો પાવર

પ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાને કરીને થયેલો નિશ્ચય, એનું ડિમાર્કેશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ?

દાદાશ્રી : જ્ઞાને કરીને કરેલો નિશ્ચય તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. એમાં મન જોડે કેમ વર્તવું, એ તો બધી સમજણ હોય જ. એને પૂછવા ના જવું પડે કે મારે શું કરવું ? જ્ઞાને કરીને કરેલો નિશ્ચય, તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ? એટલે તમારે જાણવું જોઈએ કે કો'ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે ! જે 'મને' આ ટ્રેનમાં બેસાડ્યા તે જ 'મન' ટ્રેનમાંથી પાડી નાખે. એટલે જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે.

પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય, એ જ્ઞાને કરીને થઈ જવા માટે શું કરવું ?

દાદાશ્રી : હવે જ્ઞાને કરીને તમારે એને ફીટ કરી દેવાનું એટલે બ્રહ્મચર્યની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. પછી મન ગમે તેટલું બૂમ પાડે તોય તેનું કશું ચાલે નહીં. બે-પાંચ વર્ષ સુધી તું સામું બોલે અને પેલું કહે, 'પૈણ, પૈણ.' અને બધા સંજોગો વિપરીત થાય તોય આપણે ખસીએ નહીં. કારણ કે આત્મા બધાથી જુદો છે. બધા સંયોગો, વિયોગી સ્વભાવના છે.

પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનું મન સામું થાય જ નહીં ને આવું ?

દાદાશ્રી : ના, ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનાં ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના (એટલે કે મજબૂત) ફાઉન્ડેશન હોય. અને આ તો મહીં રોડાંનું (એટલે કે કાચું) ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ?

ધ્યેય વિરુદ્ધ વિચારો, ઉખેડી નાખો

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હિસાબ છે, તેથી આકર્ષણ થાય છે. તો તે હિસાબ પહેલેથી કેવી રીતે ઉખેડી દેવાય ?

દાદાશ્રી : એ તો તે ઘડીએ, ઓન ધી મોમેન્ટ કરે તો જ જાય. પહેલેથી ના થાય. મનમાં વિચાર આવે ને કે 'સ્ત્રી માટે બાજુમાં જગ્યા રાખીએ.' તે તરત જ એ વિચારને ઉખેડી દેવું. 'હેતુ શું છે' તે જોઈ લેવાનું. આપણા સિદ્ધાંતને અનુરૂપ છે કે સિદ્ધાંતની વિરુદ્ધ છે. સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો તરત જ ઉખેડીને ફેંકી દેવું. એ સ્ત્રી બાજુમાં બેસતાં પહેલાં આપણે સગવડ રાખીએ છીએ, એ વિચાર આવે ત્યાંથી જ ઉખેડીને ફેંકી દેવું. પછી એ સ્ત્રી બેસતાં સુધી તો એ વિચારને આપણે ઝાડ જેટલું કરી નાખીએ છીએ. પછી એ પાછું ના ફરે.

આજના જ્ઞાનથી, પાછલા જ્ઞાનને છેદો

આ તો 'મન કા ચલાયા' ચાલો છો. પોતાના વીલ પાવર (આત્મશક્તિ)થી નથી ચાલતા. ત્યાં આ નથી ગમતું અને આ ગમે છે, એ એનાં સાધનો, એ ખોટું કહેવાય. સૈદ્ધાંતિક હોવું જોઈએ. પણ શું થાય ? એમાં કામ કરતી વખતે સૈદ્ધાંતિક થઈ જાય, તો થઈ જાય.

મન તો ગયા અવતારનો અભિપ્રાય છે અને આજના જ્ઞાનના આધારે આ અભિપ્રાય છે.

પ્રશ્નકર્તા : એટલે મહીં વિરોધાભાસ ઊભા થયેલા.

દાદાશ્રી : સંઘર્ષણથી છે, તેથી જ આ જગત બધું ચાલી રહ્યું છે. મન કહે છે કે નોંધ લેવાની અને તમને આજનું જ્ઞાન કહે કે નોંધ લેવાની નથી. તે એમનું સંઘર્ષણ ચાલ્યા જ કરે.

પ્રશ્નકર્તા : આપણા વિજ્ઞાનમાં ગયા અભિપ્રાયથી મન ઊભું થયું તેને જોવાનું, એમાં ભળવાનું નહીં ને ?

દાદાશ્રી : જુએ તો તો પછી કામ જ થઈ ગયું ને ! જુએ એટલે પછી કશું રહ્યું જ નહીં. આ તો જુએ નહીં તેને માટે છે આ વસ્તુ. આ તો એના પ્રમાણે ચાલે છે ને પક્કડો પકડે છે પાછી. ચાલે તેનોય વાંધો નથી, પક્કડ પકડે છે તેનો વાંધો છે.

મહીંથી મન શું કહે ? 'આ ખાવ ને !' અમે કહીએ કે ભઈ, એ ખવાય નહીં. તમે બૂમો પાડો તો નકામું છે. અમે અમારા આજના જ્ઞાનના આધારે ચાલીએ. આજના અભિપ્રાયથી ચાલીએ. પાછલું જ્ઞાન કહે છે, ખાવ ને !

આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે કે 'પૈણવું જોઈએ.' એવું મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડોય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય.

ડિપ્રેશનમાંય આનંદ

અને મનમાં ડિપ્રેશન આવે તો એ રૂપ નહીં થઈ જવાનું, ત્યાં સામા થવાનું. કોઈ પણ કામમાં જ્યારે ડિપ્રેશન થાય ત્યારે આત્માનો અનુભવ થાય, જો આપણું આ જ્ઞાન લીધેલું હોય તેને ! એ ડિપ્રેશનમાંય સતત આનંદ રહેતો હોયને તે આપણી જગ્યા. એવી શોધખોળ કરી શકે એવું આ જ્ઞાન છે. કોઈ વખતે બહારની અડચણ આવી તોય મહીં આનંદ રહેતો હોય તે આપણી જગ્યા, એમ જગ્યા ખોળી કાઢે કે આ જગ્યા આપણી ને આ જગ્યા આપણી ન્હોય, બળી. નહીં તો ગમે તેવું કર્મ હોય તો કહી દેવાનું કે 'આ મારું ન્હોય' કે છૂટ્યું. કારણ કે આ તમારું ને આ બીજાનું. એમ જુદું પાડી આપ્યું છે ને !

પ્રશ્નકર્તા : 'મારું સ્વરૂપ નથી' એવું બોલાય ?

દાદાશ્રી : સ્વરૂપ ના બોલો તો ચાલે.

પ્રશ્નકર્તા : આ ફેરે અનુભવ સારો થયો પણ !

દાદાશ્રી : સારો થયો, નહીં ? અનુભવ વધતો હોય તો કામનું !

ડિપ્રેશન વખતે દાખવો સ્ટ્રોંગનેસ

ડિપ્રેશન તો સારામાં સારો વખત કહેવાય. લાભ ઉઠાવવો. ડિપ્રેશન આડે દહાડે આવે નહીં અને આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ ડિપ્રેશનમાં જ થયેલો છે. ડિપ્રેશનનો હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) લાભ જ લેવો. ડિપ્રેશન જવા ના દેવું. હવે લાભ લઈશ ને ? કેટલા ટકા ?

પ્રશ્નકર્તા : સો ટકા લાભ લેવો છે.

દાદાશ્રી : હંઅ... આ મૂઆ મારી જોડે રહે એ સમજતા નથી તો મને એમ થાય છે કે આ તો કેવા છે ? બ્રહ્મચર્ય પાળનારા હોય એ આવા હોય ? દેહને કહીએ, 'સળગ, એક બાજુ તું સળગું ને હું જોઉં. તું ભડકો થઈને સળગું તે હું જોઉં.' એવાં સ્ટ્રોંગ હોય !

આપણો સિદ્ધાંત બ્રહ્મચર્યનો...

પ્રશ્નકર્તા : આમાં આપણે સિદ્ધાંત કયો કહેવો ?

દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે. એટલે પછી મનનું સાંભળવું જોઈએ ?

પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું.

દાદાશ્રી : નથી જ સાંભળવું. એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો તું શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહેય છેડો નહીં મૂકે. દેહેય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે. તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સ્હેજ પણ કશું કરવું નહીં.

પ્રશ્નકર્તા : તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ?

દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે નાનામાં નાની બાબત માટે પણ સ્ટ્રોંગ રહેજો. સ્હેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે. એટલે મનને કહી દેવાનું કે આટલી બાબતમાં તારે અમારા કાયદાની બહાર સ્હેજ પણ જુદું ચાલવું નહીં. નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો. નહીં તો પછી મન લપટું પડી જાય.

પ્રશ્નકર્તા : પછી બીજા આપણા સિદ્ધાંત ?

દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, 'વધારે ખાવ.' ને ધ્યેયને નુકસાન ન કરતું હોય ને થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ. એવું નથી કહ્યું તમને ?

પ્રશ્નકર્તા : હા, બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ (વ્યક્તિગત) થયો. પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે અને જ્ઞાને કરીને જોવા જાય તો આખું જ ઓન ધી સ્પોટ (તરત) ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એનાં રિઝલ્ટ્સ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય, ત્યાં મન બતાડે તો શું કરવું ?

દાદાશ્રી : આપણો મુખ્ય સિદ્ધાંત બ્રહ્મચર્ય પાળવું છે, એ સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડું ઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ. અહીં ઘેર સૂઈ જજે. ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એનાં કરતાં પૈણી નાખજો. દહીંમાં ને દૂધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તોય 'નહીં માનું' એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું, જો તમારે સિદ્ધાંત પાળવો હોય તો.

પ્રશ્નકર્તા : મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય, તે માટે એના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ?

દાદાશ્રી : ચોગરદમ બધાં જ સંજોગો ફરી વળે. દેહેય પુષ્ટિ બહુ બતાવે. મન પણ પુષ્ટિ બતાવે. બુદ્ધિ એને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે.

પ્રશ્નકર્તા : મનનું સાંભળવા માંડ્યું, ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ?

દાદાશ્રી : મનનું સંભળાય જ નહીં. પોતે આત્મા-ચેતન, મન છે તે નિશ્ચેતન-ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે.

એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ 'ચાલ, હેંડ ત્યારે' કહો ને ! તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું ? પહેલું ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ?

પ્રશ્નકર્તા : હા, બનેલું.

દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ 'કહે કહે' કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા અભિપ્રાયને મન તમારું ખાઈ ના જવું જોઈએ. અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય, તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિદ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે 'તમે' સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા 'તમે'. 'મનકા ચલતા તન ચલે' જ હતું ને !

પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે.

દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે.

જ્ઞાનકળાથી કામ લો મન જોડે

મનનું સાંભળે એટલે તરત ચિંતા-ઉપાધિ શરૂ થઈ જાય. મન એ જ્ઞેય છે ને એના આપણે જ્ઞાતા છીએ. મનમાં ખરાબ વિચાર આવ્યા હોય તોય જાણવાના, સારા વિચાર આવે તોય સાંભળવાના (જાણવાના). મનનું સાંભળો ખરા ?

પ્રશ્નકર્તા : સાંભળીએ ખરા જ ને !

દાદાશ્રી : જૂની ઓળખાણ પહેલાની બહુ ! એકદમ છોડી ના દેવાય ને ? એકદમ ઓળખાણ છોડી દેવાય નહીં ને ? આપણને શરમ આવે ને ? મિત્રાચારી રાખેલી.

મન જ્ઞેય થઈ ગયું એ જ્ઞાની, એ જ્ઞાની પુરુષ કહેવાય !

પ્રશ્નકર્તા : અને મનમાં તન્મયાકાર થાય ત્યાં સુધી ?

દાદાશ્રી : તે બચ્ચાંઓ ઊભાં થાય પછી. તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું યોનિમાં બીજ નાખે છે. મનમાં તન્મયાકાર થયો કે યોનિમાં બીજ પડ્યું ! તેથી સંસાર ઊભો રહ્યો છે.

પ્રશ્નકર્તા : મનને જ્ઞેય જાણવાની પ્રક્રિયા...

દાદાશ્રી : એ જ જ્ઞાનીની નિશાની.

પ્રશ્નકર્તા : એમાં જ્ઞાનીઓની કેવી રીતે જાગૃતિ હોય છે ?

દાદાશ્રી : કેવી રીતે શાની ? એ તો પોતે થયો શુદ્ધાત્મા ત્યાંથી એ જ્ઞેય જ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : મહાત્માઓને જેને જ્ઞાન આપ્યું છે એ મનની વાત હજુ સાંભળે છે ?

દાદાશ્રી : એ જાણતો નથી અને જાણતો હોય તો હજુ પેલી પહેલાંની પ્રેક્ટિસ (મહાવરો) જતી નથી. પહેલાંની આદત છે તે એકદમ છૂટે નહીં ને !

પ્રશ્નકર્તા : એટલે શું જાણતો નથી ?

દાદાશ્રી : આપણે કહીએ કે, 'ભઈ, મન છે તો જ્ઞેય છે ને હવે તમે જ્ઞાતા છો. એમાં ચોક્કસ રહેજો.' એવું ઘણી વખત જાણતો હોય તે પછી મન સાથે વ્યવહાર કાયમનો જ રાખે છે. પછી એને કહીએ ત્યારે વળી થોડું ઘણું છોડી દે. પણ આ જે પહેલાંની ટેવ છે એ છૂટે નહીં ને ! આપણને ડૉક્ટરે કહ્યું કે જમણા હાથે ખાશો નહીં, તોય જમણો હાથ પેસી જાય. હેબિચ્યુએટેડ (ટેવ) થઈ ગયેલું છે. એટલે આપણે જાગૃતિ રાખવી પડે.

પ્રશ્નકર્તા : મનને મનાવે એટલે પૂરું થઈ જાય ?

દાદાશ્રી : ના, પૂરું ના થઈ જાય.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : આપણે આખો દહાડો નીકળી જાય ને અત્યારે.

પ્રશ્નકર્તા : એ તો ખાલી સંતોષ ખાતર. તે આગળ ઉપર પાછું કરવું તો પડે ને ?

દાદાશ્રી : ના, એ તો પાછી બ્રેક મારીએ ! જરા અત્યારની ઘડી ગઈ એટલે એની પાછળ સંચો લઈને ફરી વળીએ. અત્યારે ટાઈમ કાઢી નાખો. પોલીસવાળો વાંકો મળે તો સહેજ 'સાહેબ', સલામી કરીને પણ એકવાર છટકી જઈએ. પછી જોઈ લેવાશે. પણ અત્યારે વઢીએ એ ચાલે નહીં. અત્યારે આપણે હાથમાં આવી ગયા, પકડાઈ ગયા. એટલે કળાથી કામ લેવું પડે. એવું આ મન તો જડ છે, આપણે કળાથી કામ લઈએ એટલે ઠેકાણે આવી જાય. જડ છે એટલે લોકોને ગાંઠતું નથી ને !

પ્રશ્નકર્તા : ફરી આવો તાલ ખાય એમ નથી.

દાદાશ્રી : અને સરળ રીતે, ઓછી મહેનતે અને આનંદપૂર્વક પાછું. પેલાં તો કઠોર તપ કરવાનાં. એ સહન જ ના થાય. જોતાં જ ચીતરી ચઢે.

પ્રશ્નકર્તા : આપે એકવાર કહેલું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાં વ્યક્તિઓ જેવાં છે. એમને સમજાવીએ તો સમજી જાય એવાં છે પાછાં.

દાદાશ્રી : હા, જડ છે. જડ એટલે આમ ના ગાંઠે. કારણ કે સૂડી વચ્ચે સોપારી આવી એટલે સોપારીને કપાયે જ છૂટકો. પણ તે વખતે કપાય. પણ હવે સૂડીની વચ્ચે સોપારી આવે જ નહીં એવું કાર્ય કર્યા કરીએ.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને તેય આપણું જ્ઞાન છે. આપણે તો વાંધો જ નહીં. જ્ઞાન તો મનને જુએ છે. મન શું કરે છે, શું નહીં એવું જોઈ શકે એમ છે. અને આ મનની ઉપાધિ તો બહાર છે. એને ગોળીઓ ખવડાવવી પડે. છતાંય કોઈ વખત આપણે ખવડાવવી પડે તો ખવડાવી દેવી. એટલે કહીએને આપણે ગોળીઓ ખવડાવીને કામ લઈ લેજો. એક જ બાબત ભાવતી નથી એવું એને છે નહીં, એને તો બધી જ બાબત ભાવે. જેમાં ટેસ્ટ પડે તેમાં !

અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું, એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી. મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે. પરિચય મનનો છૂટો થયો, 'આપણે' છૂટા રહ્યા એટલે મન પણ પેલી વસ્તુથી છેટું રહ્યું. એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદેય ના આવે. પછી કહે તોય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ? તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિન-બે મહિના સુધી કચકચ કર્યા કરે, એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને !

આ સિદ્ધાંત પહેલેથી જાણેલો કામનો

અબ્રહ્મચર્યથી જ બધા રોગ ઊભા થાય છે. એટલે બ્રહ્મચર્ય પાળવું એ સિદ્ધાંત રાખવો જોઈએ અને તે પહેલેથી જ જાણવો સારો ! એંસી વર્ષે આ સિદ્ધાંત જાણીએ તો શું કામનો ? આપણું અસ્તિપણું એક જ જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. એટલે બને ત્યાં સુધી સિદ્ધાંતને પાળવો. અત્યારે ચારિત્રની કિંમત જ ઊડી ગઈ છે. બ્રહ્મચર્યની તો કિંમત જ ઊડી ગઈ છે ને ! સ્વચ્છ જીવન જીવવાની કિંમત જ ઊડી ગઈ છે ! પવિત્ર જીવન જ જીવવાનું છે.

વળગી રહેવું બ્રહ્મચર્યના સિદ્ધાંતને

મન આઈસ્ક્રીમ માગ માગ કરતું હોય તો તે આઈસ્ક્રીમ માગે, તે એના બ્રહ્મચર્યના સિદ્ધાંતને એટલું બધું નુકસાન કરતું નથી. તે એને થોડોક આઈસ્ક્રીમ આપવો, વધારે નહીં. એને ડિસ્કરેજ (ના હિંમત) ના કરો. બે ગોળીઓ પણ ખવડાવી દેવી. અને 'નહીં મળે, જાવ.' એવું દબાવવાનું, એ ના હોવું જોઈએ. એક ફક્ત પેલું (વિષયનું) આવે ત્યારે વિચારીને કામ લેવું કે, 'ભઈ, આ અમારો સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં તારે વચ્ચે આવવું નહીં !' જેમ આપણી સ્ત્રીને કહીએ છીએ કે 'મારા ધંધામાં તારે હાથ ઘાલવો નહીં અને અમે તમારામાં ડખલ નહીં કરીએ.' એવું નક્કી કરીએ એટલે પછી એ ના ઘાલે.

પતંગનો મોહ તોડાવે ધ્યેયને

પ્રશ્નકર્તા : બે-ત્રણ દિવસથી મને પતંગ ચગાવવાનું બહુ મન થાય છે, તો તે નહીં ચગાવવી ?

દાદાશ્રી : ચગાવવી ને !

પ્રશ્નકર્તા : તો એ મનના કહ્યા પ્રમાણે જ થયું ને ?

દાદાશ્રી : એના કહ્યા પ્રમાણે કરવું ખરું, પણ જોડે જોડે મનને કહેવાનું કે 'ભઈ, તારે ના ગમતુંય કરવું પડશે. તને ના ગમતું હોય તેય કરવું પડશે, તો તારું ગમતું કરું.' નહીં તો હું તને કાઢી મૂકીશ, એવી એની જોડે શરત લગાવવી.

પ્રશ્નકર્તા : એક બાજુ તમે ગમતું કરવાનું કહો છો અને બીજી બાજુ ના ગમતું કરવાનું કહો છો.'

દાદાશ્રી : આ પતંગ ચગાવવાની ઇચ્છા થાય એ ક્યારે બ્રહ્મચર્ય પાળી શકે ? આવા માણસને પેસવા દેવાતા હશે કંઈ ?

પ્રશ્નકર્તા : મેં રાત્રે નક્કી કરેલું કે હવે આપણે પતંગ નથી ચગાવવી અને સવારે ઊઠ્યો ત્યારથી જ મહીં થયા કરે કે, 'ચગાવવી તો જોઈએ જ ને !'

દાદાશ્રી : તે તો વળી બ્રહ્મચર્ય ક્યારે પળાય ? પીસ્તાલીસ વર્ષ પછી કહેશે કે 'હવે મારે પૈણવું છે.' તો ત્યારે વહુ ના મળે. રાહ જોઈએ તોય ના મળે. એટલે નિશ્ચયબળ જોઈએ.

પતંગની બાબતમાં તો બે મહિનાથી મન પાછળ નથી પડ્યું ને ? કેટલા કલાકથી પાછળ પડ્યું હતું ?

પ્રશ્નકર્તા : ચાર-પાંચ કલાકથી.

દાદાશ્રી : તે ચાર-પાંચ કલાક પર જ ઢીલું થઈ ગયું, તો છ મહિના સુધી પાછળ પડશે, 'પૈણો, પૈણો.' તે એમાં પુરાવા સહિત દેખાડશે બધું. તો શું થાય પછી ? મન કહેશે, પતંગ ઉડાડો એટલે પતંગ ઉડાડે. થોડીવાર પછી મન કહેશે કે બ્રહ્મચર્ય પાળ ! અલ્યા, બ્રહ્મચર્ય તો નિશ્ચયવાળાનું કામ છે. કંઈ તમારા લોકોનું કામ છે આ ? એ તો પુરુષાર્થી માણસ, પુરુષ થયેલો હોય ! આ પ્યાદાનું શું કામ છે તે ?

હું તો નાનપણથી જ કહેતો હતો, 'કઈ જાતના આ માણસો, આ છોકરાં ?' પતંગ ઊડાડવી એટલે શું ? લોકોને દેખીને, એનું સરવૈયું કાઢી આપે કે મને આમાં સુખ પડ્યું. લોકો દેખાડે એના પરથી પોતે સુખ માની લીધું. હું મારી જિંદગીમાં કોઈ દહાડો પતંગ વેચાતી લાવ્યો નથી. આ લોકો દોરા કરે તે હાથે પેલા ઘસરડા પડે ને કહેશે, 'જો મારા હાથ કેવા થઈ ગયા છે ?' હું તો શું કરું, 'તમે ઉડાડો ને હું જોઉં છું.' કિંમત જોવાની છે ! ઉડાડનાર તો મૂરખ માણસો હોય તે ઉડાડે. તે એને સમજણ નહીં હોવાથી આવું બધું ચાલ્યા કરે છે.

પ્રશ્નકર્તા : એ ના સમજાયું, કિંમત જોવાની છે એ કેવી રીતે ?

દાદાશ્રી : આ પતંગ જોઈએ ને, એટલે સૂર્યનારાયણેય આપણી આંખમાં થોડા થોડા દેખાય. એટલે બહુ ઉત્તમ ફળ આપે એવું છે, આ મકરસંક્રાંતિના ટાઈમમાં. તે આ સૂર્યને જોવા માટેનું જ છે, આ પતંગ ઉડાડવા માટે નથી. ઉડાડવી હોય તો ગમે તેમ બાંધી દો અને શક્તિ હોય તો ચઢ્યા કરે એની મેળે, દોરી ઉકલ્યા કરે. તેને આપણા લોકો બેભાનપણે ઉડાડવા જાય બિચારા ! ભાન જ નહીં ને કશું !

પ્રશ્નકર્તા : પછી ફટાકડાનું હતું ને એવું. તમે ફટાકડા ફોડતા ન હતા ને ?

દાદાશ્રી : એ દારૂખાનું ફોડનાર, મજૂરો ફોડે અને રાજા જુએ. કોઈ રાજાએ ફોડેલું નહીં. બધા રાજા ખુરશીમાં બેસીને જોયા કરે. નોકરો ફોડે પછી. તને ન્યાય શું લાગે છે ? તું રાજા હોઉં તો તું જાતે ફોડું કે જોઉં ?

પ્રશ્નકર્તા : રાજા હોઉં તો જોઉં !

દાદાશ્રી : અરે, તારામાં ને રાજાઓમાં શું ફેર છે ? આ ગાયકવાડને જુઓ તો એ જ વેષ છે. શું ફેર છે ? એમની પાસે નથી ગામ, તે તારી પાસેય નથી ગામ. હવે રાજા જ છે ને બધા ? ત્યારે તું શરીરે રૈયત (પ્રજા) છે ?

મને તાળો મેળવવાની ટેવ ને, એટલે આ ફટાકડામાં, પતંગમાં શું લાભ છે એ હું જોઈ લઉં. ફક્ત પતંગ ઉડાડવા જવું એ એક જાતની કસરત છે. બાકી, આપણે લાભ સાથે કામ રાખવું, આવી જરૂર નહીં.

તેં પતંગ નહીં ઊડાડવાનો નિશ્ચય કર્યો હતો ?

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાનું. એટલે રાત્રે નક્કી કર્યું કે હવે નથી ચગાવવી.

દાદાશ્રી : પહેલાં ચગાવતો હતો ?

પ્રશ્નકર્તા : બહુ ચગાવતો હતો.

દાદાશ્રી : દર સાલ ?

પ્રશ્નકર્તા : અઠવાડિયું ચગાવતો હતો, સવારથી સાંજ સુધી.

દાદાશ્રી : કેમ અઠવાડિયું જ ? સીઝન તો આવડી મોટી છે ને ?

પ્રશ્નકર્તા : પછી તો કોઈ ચગાવનારું હોય જ નહીં ને !

દાદાશ્રી : આ તો કોઈ હોય તો જ, એટલે બીજા લોકોની જરૂરિયાત છે આમાં.

પ્રશ્નકર્તા : અગાશીમાં ઉપર પેલી બૂમો પડે ને કે, 'પતંગ કપાયો, પતંગ કપાયો', એટલે મન થાય કે ચાલો જઈએ હવે.

દાદાશ્રી : પણ આપણે શું લેવાદેવા ? પતંગ-બતંગ હોય નહીં આપણને. હોતા હશે ? એ જો પતંગોમાં સો રૂપિયા ખર્ચાતા હોય તો આઠ પુસ્તકો ના આપણે છપાવીએ ? લોકોને હિતકારી થઈ પડે. પેલું કંઈ આવશ્યક છે ? એના વગર મરી જવાય ? મરી જવાય એ જ ચીજ કરવી પડે. અને છતાંય કહેશે, 'મને હજુ ખાવાનો શોખ રહી ગયો છે' તો હું કહું કે છો રહ્યો. તેથી સંતોષ થાય છે, એક જાતનો. શરીરનેય પણ સંતોષ થાય છે. બુદ્ધિનેય સંતોષ થાય છે. એનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : મારે કેવા પ્રકારનું આવરણ આવ્યું ?

દાદાશ્રી : એ હવે પૂછીને શું કામ છે તે ?

પ્રશ્નકર્તા : કાઢવું તો પડશે જ ને ?

દાદાશ્રી : આ જેટલું કહીએ એટલું કાઢતો જશે એટલે એક દહાડો એનો આરો આવી જશે, કે ભઈ, મનના કહ્યા પ્રમાણે તારે ચાલવું નહીં. મન પતંગ ચગાવવાનું કહે તો ના કહી દઈએ. ફક્ત મન એટલું કહે, અંદર એક લાડવો છે, તે અડધો ખઈ લઈએ, તો અડધો ખઈ જજે.

નિયમમાં આવે તોય ઘણું

જમવા બેસાડ્યા પછી જરા ભાતનું મોડું થાય તો શું થાય ? દાળમાં હાથ ના ઘાલે તો શાકમાં હાથ ઘાલે, ચટણીમાં હાથ ઘાલે. નિયમમાં ના રહી શકે અને જેને આ નિયમ રાખતાં આવડ્યો, એનું કલ્યાણ થઈ જશે !

અમે ઉપવાસ નથી કરતા પણ નિયમમાં રહી શકીએ કે ભઈ આટલું જ, પછી બંધ. હવે એ કરી લાવે છે પેલાં ઢોકળાં, તે અમારાથી આથી ચાર ગણા ખવાય એમ છે, ભાવે છેય એટલાં સરસ પણ 'ના'.

પ્રશ્નકર્તા : એ નિયમ જાગૃતિના આધારે રહે ?

દાદાશ્રી : બધાને જાગૃતિ તો હોય જ, પણ પેલો જે સ્વાદથી રંગાઈ ગયેલો છે ને, ત્યાં કંટ્રોલ રહી શકે નહીં. મુશ્કેલ છે કંટ્રોલ રહેવાનું. એ ખુદ જેટલો આત્મારૂપ થાય, એટલામાં કંટ્રોલ આવતો જાય.

પુરુષાર્થથી વધીને પરાક્રમે પહોંચો

દાદાશ્રી : તારે શું થાય છે ?

પ્રશ્નકર્તા : દિવસમાં એવો એવિડન્સ (સંયોગ) બાઝે તો વિષયની એકાદ ગાંઠ ફૂટી જાય, પણ પાછું તરત થ્રી વિઝન આમ મૂકી દઉં.

દાદાશ્રી : નદીમાં તો એક જ ફેરો ડૂબ્યો કે મરી જાય ને કે રોજ રોજ ડૂબે તો મરી જાય ? નદીમાં એક ફેરો જ ડૂબી મરે, પછી વાંધો છે ? નદીને ખોટ જવાની છે કંઈ ?

પ્રશ્નકર્તા : નદીને શી ખોટ જાય ?

દાદાશ્રી : ત્યારે ખોટ કોને જાય ?

પ્રશ્નકર્તા : જે મર્યો એને જાય.

દાદાશ્રી : એમ ? ત્યારે તું કહું છું ને, કે હજી તો મારે વિષયની ગાંઠ ફૂટે છે ?

પ્રશ્નકર્તા : આનું કારણ શું ?

દાદાશ્રી : એ તો તારે શોધી કાઢવાનું. એક તો આજ્ઞામાં રહેતા નથી અને કારણ પૂછો છો ?

શાસ્ત્રકારોએ તો એક જ વખતના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. બ્રહ્મચારીને માટે શું કહ્યું છે, કે એક વખત અબ્રહ્મચર્ય થાય એના કરતાં મરણ સારું. મરી જજે પણ અબ્રહ્મચર્ય ના થવા દઈશ.

નર્કમાં જેટલો ગંદવાડો નથી એટલો વિષયમાં ગંદવાડો છે, પણ આ જીવને બેભાનપણામાં સમજાતું નથી. જ્ઞાની પુરુષ એકલા ભાનમાં હોય, તે એમને આ ગંદવાડો આરપાર દેખાય. જેને દ્ષ્ટિ આટલી બધી કેળવાયેલી, તેને રાગ કેમ ઉત્પન્ન થાય ?

કર્મનો ઉદય આવે ને જાગૃતિ ના રહેતી હોય ત્યારે જ્ઞાનનાં વાક્યો મોટેથી બોલીને જાગૃતિ લાવે અને કર્મોની સામો થાય, એ બધું પરાક્રમ કહેવાય. સ્વ-વીર્યને સ્ફુરાયમાન કરવું એ પરાક્રમ. પરાક્રમ આગળ કોઈની તાકાત નથી.

પ્રશ્નકર્તા : બહુ 'એટેક' (આક્રમણ) આવે તો હાલી જાય છે.

દાદાશ્રી : એનું નામ જ આપણો નિશ્ચય કાચો છે. નિશ્ચય કાચો ના પડે, એ આપણે જોવાનું છે. 'એટેક' તો સંજોગ હોય એટલે આવે. આ ગંધ આવે તો એની અસર થયા વગર રહે નહીં ને ? એટલે આપણો નિશ્ચય જોઈએ કે મારે એને અડવા દેવું નથી. નિશ્ચય હોય તો કશું થાય નહીં. જ્યાં નિશ્ચય છે ત્યાં બધું જ છે. અહીં પુરુષાર્થનું બળ છે. આત્મા થયા પછી પુરુષાર્થ થયો, તેનું આ બળ છે, એ બહુ ગજબનું બળ છે. છતાં અમે શું કહીએ છીએ કે આપણામાં નબળાઈ છે તે જાણવું, પણ એની સામે શૂરાતન હોવું ઘટે, તો જ્યારે ત્યારે એ નબળાઈ જશે. શૂરાતન હશે તો એક દહાડો જીતી જશે, પણ પોતાને નિરંતર ખૂંચવું જોઈએ કે આ ખોટું છે.

કેટલાક લોકો એટલું તો જોર કરે છે વગર જ્ઞાને કે, 'અરે યાર જાને દે, હિંમતે મર્દા તો મદદે ખુદા'; જ્યારે આપણને તો જ્ઞાન હોય તો સમજણ ના પડે ? 'હિંમતે મર્દા તો મદદે ખુદા' એવું બોલેને, તો શૂરાતન ચઢી જાય એને તો. આપણું તો આ વિજ્ઞાન છે. વિજ્ઞાનીને તો હિંમત ના હોય એવું બને જ કેમ કરીને ? અમને તો આટલું કોઈ કહેનાર જ નહોતું મળ્યું. તમે તો બહુ પુણ્યશાળી છો કે તમને તો જ્ઞાની પુરુષ મળ્યા છે, નહીં તો લોક તો અવળે રસ્તે ચઢાવનારા મળે.

દાનત ચોર, ત્યાં નિશ્ચય થયો નથી

પ્રશ્નકર્તા : દાનત ચોર હોવી એ નિશ્ચયની કચાશ કહેવાય ?

દાદાશ્રી : કચાશ ના કહેવાય, આ નિશ્ચય જ નથી. કચાશ તો નીકળી જાય બધી, પણ એ તો નિશ્ચય જ નથી.

પ્રશ્નકર્તા : પણ આમ દાનત થોડીક થોડીક ચોર હોય કે આખી ચોર હોય, એવો ફેર હશે ને એમાં ?

દાદાશ્રી : ચોર થઈ એટલે આખો જ ચોર. થોડીક ચોર શા માટે ? આપણે મકાન બાંધવું હોય તો બારણાં પહેલેથી નકશામાં સુધારી લેવાં, અમારે બે બારીઓ જોઈશે. પછી ચોરીઓ કરવી એ સારું કહેવાય ? સહેજ પણ વિચાર કેમ આવે ? અબ્રહ્મચર્યનો વિચાર કેમ આવવો જોઈએ ? મેં તમને શું કહ્યું, ઉગતાં પહેલાં ઉખેડીને ફેંકી દેવું, નહીં તો આના જેવું જોખમ કોઈ નહીં.

પ્રશ્નકર્તા : દાદાએ એક-બે વાર ટકોર કરી, ચોર દાનત માટે, પણ હજુ વાત બરાબર પકડાતી નથી એમ.

દાદાશ્રી : પકડીને શું કામ છે તે ? જેમ લાતો વાગશે, મહીં લ્હાય બળશેને, તો એની મેળે પકડાશે. હવે તો અનુભવ શરૂ થશે ને ! પહેલી પરીક્ષા આપે અને પછી અનુભવ શરૂ થાય ને !

પ્રશ્નકર્તા : દાનત ચોર ન હોય, તો પછી વિચાર બિલકુલ આવતો બંધ થઈ જાય ?

દાદાશ્રી : ના, છો ને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે ? વિચાર બંધ ના થઈ જાય. દાનત ચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચનેય ગાંઠે નહીં, સ્ટ્રોંગ ! વિચાર જ કેમ આવે તે ?

પ્રશ્નકર્તા : હજુ થોડી દાનત ચોર ખરી.

દાદાશ્રી : ચોર દાનત હોય, તેય પોતે જાણે.

પ્રશ્નકર્તા : પછી કોઈ વાર વિચારો બહુ ફૂટે એ ?

દાદાશ્રી : વિચારો છો ને લાખ ફૂટે તો ય....

પ્રશ્નકર્તા : પછી આપણને જે અંદર સુખ હોય, એ ઓછું થઈ જાય.

દાદાશ્રી : એ સુખ ઓછું થાય તો તે તપે, લાલ-લાલ થઈ જાય. એ તો તે ઘડીએ તપ કરવું પડે ને ? સુખ ઓછું થાય માટે દુઃખ વહોરવું ?

પ્રશ્નકર્તા : એટલે મેં પૂછયું કે એ 'દાનત ચોર' છે એટલે થાય છે.

દાદાશ્રી : દાનત ચોર નહીં. આમાં તો ક્ષત્રિયપણું જોઈએ, ક્ષત્રિયપણું ! ચિત્તોડના રાણા શું કહેતા હતા ? નહીં નમવાનો, નહીં જ નમવાનો. તે રાજ-પાટ છોડ્યું પણ નમ્યો નહીં. નાસી ગયો પણ નમ્યો નહીં. નહીં તો બાદશાહે કહી દીધું હતું કે જો તમે નમો, તો પછી આ ગાદી ઉપર બેસી જાવ. ત્યારે કહે, 'ના. મારે એવી ગાદી ના જોઈએ. હું ચિત્તોડનો રાણો નહીં નમું.'

પ્રશ્નકર્તા : હજી પ્રકૃતિ હેરાન કરે છે પણ મહીં ખરું લાલ-લાલ થાય ત્યારે જ ખરો દાદાનો અનુભવ થાય છે.

દાદાશ્રી : એ તપ પૂરું કરવું પડે. પછી પેલો પાર વગરનો આનંદ રહે. એ વાડ કૂદ્યો કે પછી પાર વગરનો આનંદ !

ડગમગ નિશ્ચય એ પોલ

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય 'સ્વભાવમાં હોવું' એટલે શું ?

દાદાશ્રી : બ્રહ્મચર્ય 'સ્વભાવમાં રહેવું' એ શબ્દ ક્યાંથી લાવ્યો તું ? આત્મા સ્વભાવથી જ બ્રહ્મચારી છે, આત્માને બ્રહ્મચારી થવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : આપે પેલી વાત કરેલી કે જે પૂર્વે ભાવના ભાવેલી હોય, અત્યારે એને ઉદયમાં આવેલું હોય, તે બ્રહ્મચર્ય પાળે.

દાદાશ્રી : પૂર્વે ભાવના ભાવેલી હોય ત્યારે તો 'મારે બ્રહ્મચર્ય પાળવું છે' એવું સ્ટ્રોંગ બોલે, નહીં તો મહીં અદબદ થાય. શું થાય ?

પ્રશ્નકર્તા : ડગમગ થાય.

દાદાશ્રી : હા, ડગમગ થાય ને, કે આમ કરું કે તેમ કરું. ઘડીકમાં વિચાર બદલાય ને ઘડીકમાં વિચાર થાય. તારો વિચાર બદલાઈ જાય છે, કો'ક ફેરો ?

પ્રશ્નકર્તા : નથી બદલાતો.

દાદાશ્રી : કેટલા વખતથી નથી બદલાતો ?

પ્રશ્નકર્તા : ચાર મહિનાથી.

દાદાશ્રી : ચાર મહિના ? એટલે કંઈ આ છોડવો હજુ મોટો ના કહેવાય ને ? એને આવડો નાનો છોડવો કહેવાય. એ તો ગાયના પગ નીચે આવે તોય દબાઈ જાય.

પ્રશ્નકર્તા : કોઈને બ્રહ્મચર્ય માટે નિશ્ચય ડગુમગુ થાય, એ એની પૂર્વની ભાવના એવી હશે એટલે ?

દાદાશ્રી : ના, એવું નહીં, આ નિશ્ચય છે જ નહીં એનો. આ પહેલાંનો પ્રોજેક્ટ નથી અને આ જે નિશ્ચય કર્યો છે, એ લોકોનું જોઈને કર્યો છે. આ ખાલી દેખાદેખી છે એટલે ડગમગ થયા કરે છે, એના કરતાં શાદી કરને ભાઈ, શી ખોટ જવાની છે ? કોઈ છોકરી ઠેકાણે પડશે ! અને જે શાદી કરે, તેની જવાબદારી છે ને ? ના કરે તો જવાબદારી છે કંઈ એની ? બીજાએ શાદી કરી હોય ને તારે જવાબદારી આવે ? ભાર જેટલો ઊંચકાય તેટલો ઊંચકો. ભાર ઊંચકાવો જોઈએને આપણાથી ? અને ભાર ન ઊંચકાય તો એમ ને એમ કુંવારા રહો, બ્રહ્મચારી રહો; પણ બ્રહ્મચર્ય પળાવું જોઈએ ને ?

નિશ્ચયને તોડાવનાર...

પ્રશ્નકર્તા : આપણા નિશ્ચયને તોડાવે છે કોણ ?

દાદાશ્રી : એ આપણો જ અહંકાર. મોહવાળો અહંકાર છે ને ! મૂર્છિત અહંકાર !! જેમ દારૂ પીધેલો માણસ મહીં ફરતો હોય તેવો એ છે, તે તોડાવી નખાવે છે.

પ્રશ્નકર્તા : એવું હોય તો આપણે શું કરવાનું ?

દાદાશ્રી : કરવાનું તો કશું હોતું જ નથી ને ! દાદાની આજ્ઞા પાળે તો આવું તેવું હોય જ નહીં ને ! 'હું શુદ્ધાત્મા છું' પછી પેલું બધું જોયા કરવાનું. આજ્ઞા પાળે તો કશું છે જ નહીં. પણ 'આજ્ઞા શું છે' એ સમજ્યા જ નથીને હજુ ? એક સમભાવે નિકાલ કરે, તે થોડુંઘણું સમજીને કરે હજુ ! પેલો દારૂ પીધેલો ફરતો હોય, એટલે મોહ હલાય હલાય જ કરે ને ? અંદર જે અહંકાર છે, તે મોહનો દારૂ પીને આખો દહાડો ફર્યા જ કરે છે અને જ્યાં મોહવાળી વસ્તુ દેખે કે ત્યાં પાછો ખેંચાય.

પ્રશ્નકર્તા : ત્યાં આગળ નિશ્ચય કામ ના લાગે ?

દાદાશ્રી : નિશ્ચય તો બધુંય કામ લાગે, પણ પહેલેથી નિશ્ચય હોય અને દાદાની આજ્ઞામાં રહ્યા હોય ત્યારે કામ લાગે. દાદાની આજ્ઞાથી નિશ્ચય મજબૂત થાય. એ નિશ્ચય કામ લાગે, બાકી આમ ગાંઠવાળો નિશ્ચય ના ચાલે. નિશ્ચય કેવો હોય ? કે ખસે નહીં. ફરી બોલવું પણ ના પડે કે મેં નિશ્ચય કર્યો છે. આ તો ગાંઠ વાળે કે આજે આ નિશ્ચય કર્યો, 'હવે આ નથી ખાવું' ને કાલે પાછો ખાવા બેસે !

એટલે દાદાની આજ્ઞામાં રહે, ત્યાર પછી નિશ્ચય મજબૂત થાય. પછી એ નિશ્ચય તો બદલાય જ નહીં. અમારી આજ્ઞા પાળ્યા કરવી. આજ્ઞા સહેલી ને સરસ છે, રિલેટિવ ને રિયલ આખા દહાડામાં એક કલાક જોવું જ પડે ને ! એટલે નિશ્ચય મજબૂત થાય. નિશ્ચય મજબૂત કરનારી 'આ' આજ્ઞા છે. અમારી વાતોમાંથી સારભૂત ખોળી કાઢવું કે આમાં શું સારભૂત છે ? એટલું વાક્ય આપણે પકડી લેવું. બધાં વાક્ય તો ખ્યાલમાં રહે નહીં એવો તમારો ખોરાક છે !

પ્રશ્નકર્તા : નિશ્ચય કેવો કરવો જોઈએ ?

દાદાશ્રી : આપણે નિશ્ચય જે કર્યો હોય, તે ગામ જવાય. આત્મા અનંત શક્તિ સ્વરૂપ છે, તે શક્તિ પ્રગટ થઈ જાય. આત્મા એ નિશ્ચય સ્વરૂપ છે અને તમારો નિશ્ચય માંગે છે. ડગમગ ડગમગ ના ચાલે ! એક જ સ્ટ્રોંગ અભિપ્રાય આખી જિંદગી ત્યાગ કરાવડાવે ! અભિપ્રાય સહેજ કાચો હોય તો શું થાય ? એમાં કર્મના ઉદય આવે પછી માણસનું ચાલે નહીં, પછી સ્લીપ થઈ જાય. અરે, પૈણી હઉ જાય ! એ અભિપ્રાય પાકો નહીં, એટલે શું ? કે એમાં જરા છૂટછાટ રહેવા દીધેલી હોય.

ન રખાય અપવાદ બ્રહ્મચર્યમાં

આ ભઈ ખરું કહે છે કે આ ડગુમગુ થતું હોય, તેનો શો અર્થ ? એ ડગુમગુ થાય છે, એનું કારણ જ એટલું છે કે આજના આ બધાના હિસાબે આપણે કરવા જઈએ છીએ, દોડીએ છીએ અને દોડાતું તો છે નહીં, પાછું થોડીવાર બેસી રહેવું પડે છે.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી કોઈનું ડગુમગુ થતું હોય તો ?

દાદાશ્રી : ડગમગવાળાથી વ્રત લેવાય પણ નહીં અને વ્રત લે તો એમાં ભલીવાર આવેય નહીં. ડગુમગુ થાય છે, તે આપણે ના સમજીએ કે 'કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ?'

બ્રહ્મચર્યમાં અપવાદ રખાય એવી વસ્તુ નથી. કારણ કે માણસનું મન પોલ ખોળે છે. કોઈ જગ્યાએ આવડું અમથું કાણું હોય તો તેને મન મોટું કરી આપે.

પ્રશ્નકર્તા : આ પોલ ખોળી કાઢે, એમાં કઈ વૃત્તિ કામ કરે છે ?

દાદાશ્રી : એ મન જ કામ કરે છે, વૃત્તિ નહીં. મનનો સ્વભાવ જ એવો પોલ ખોળવાનો છે.

પ્રશ્નકર્તા : મન પોલ મારતું હોય તો, એને કઈ રીતે અટકાવવું ?

દાદાશ્રી : નિશ્ચયથી. નિશ્ચય હોય તો પોલ મારે શી રીતે તે ? આપણો નિશ્ચય છે, તો કોઈ પોલ મારે જ નહીં ને ? જેને 'માંસાહાર નથી ખાવું' એવો નિશ્ચય છે, એ નથી જ ખાતો.

પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં નિશ્ચય કરી રાખવા ?

દાદાશ્રી : નિશ્ચયથી જ બધું કામ થાય છે.

પ્રશ્નકર્તા : આપ જો નિશ્ચયનો આટલો બધો ભાર મૂકો છો, તો એ 'ક્રમિક માર્ગ' ના કહેવાય ?

દાદાશ્રી : ના, ક્રમિકને લેવાદેવા નહીં ને ! આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિક ક્યાંથી આવ્યું ? ક્રમિક તો આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, ત્યાં સુધીના ભાગને ક્રમિક કહેવાય છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી ક્રમિક હોતું જ નથી.

પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત કર્યા પછી નિશ્ચયબળ રાખવું પડે ?

દાદાશ્રી : પોતાને રાખવાનું જ નથી ને ?! આપણે તો 'ચંદુભાઈ' (ફાઈલ નં. ૧)ને કહેવાનું કે તમે બરાબર નિશ્ચય રાખો.

આ વાતના પ્રશ્નો પૂછવાના થાય તો એ પોલ ખોળે છે. માટે આ પ્રશ્નો પૂછવાના થાય ત્યારે એને 'ચૂપ' કહીએ, 'ગેટ આઉટ' કહીએ, એટલે એ ચૂપ થઈ જાય. 'ગેટ આઉટ' કહેતાંની સાથે જ બધું ભાગી જાય.

પોલના પ્રકારો સામે...

પ્રશ્નકર્તા : વ્રત બરાબર પળાય છે કે નહીં, એ આપણે કેવી રીતે સમજીએ ?

દાદાશ્રી : એ આપણી આંખો ચમકારા મારે છે કે નથી મારતી એ ખબર પડે ને ? જો કદી આપણને પેલા વિચારો ગમે. કારણ કે આત્મા થર્મોમિટર જેવો છે, તો તરત બધું ખબર પડી જાય કે અવળે રસ્તે ચાલ્યું.

પ્રશ્નકર્તા : એટલે પોતાનો નિશ્ચય પાકો છે. હવે પછી જે બને છે, એ તો આખો ઉદયનો ભાગ આવ્યો ને ?

દાદાશ્રી : ઉદયનો ભાગ કયો કહેવાય કે સંડાસ જવું નથી એમ કહે તે. અહીં ઘરમાં તો સંડાસ થાય નહીં ને ! એટલે સંડાસને ઠેઠ સુધી પકડી રાખે અને પછી જાય, એ ઉદય ભાગ કહેવાય. ગમે ત્યાં સંડાસ કરવા બેસે, એ ઉદય ભાગ કહેવાય નહીં. એ વિષયમાં શું થાય છે કે એ રસ ગમે છે, એ પહેલાંની ટેવ છે. ચાખવાની આદત છે, એટલે એ પછી ઉદય ભાગમાં હાથ ઘાલવા જાય છે. ઉદય ભાગ તો, બિલકુલ પોતે ના પાડે ને ઠેઠ સુધી સ્ટ્રોંગ, પોતે લપસવું નથી, એમ કહે છે. પછી લપસી પડે, એ વાત જુદી છે. લપસી પડનારો માણસ કેટલી સાવચેતી રાખે ? સાવધાનીપૂર્વક રહેવું, તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એટલે આ ડિમાર્કેશન બહુ સૂક્ષ્મ છે.

દાદાશ્રી : બહુ સૂક્ષ્મ છે.

પ્રશ્નકર્તા : અને પોતે જ કડક રહીને સમજી શકે. પોતે જ કડક થાય.

દાદાશ્રી : એ કડક રહેવું જોઈએ, પછી લપસી પડાય એ જુદી વસ્તુ છે. જેમ તળાવમાં તરનારો માણસ, એનો ડૂબવાનો પ્રયત્ન હોય જ નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે જે બ્રહ્મચર્ય સંબંધી નિશ્ચય થાય છે, એ શેના આધારે થાય છે ? શેના ઉપર આધાર રાખે ? સ્ટ્રોંગ નિશ્ચય ?

દાદાશ્રી : તમારે જે કરવું છે એના ઉપર. પાણીમાં છોકરો પડ્યો હોય રમવા, તરવા. એ શેના આધારે નિશ્ચય કરે છે બચવાનો ?

પ્રશ્નકર્તા : જીવવું છે એટલે.

દાદાશ્રી : એ જીવાશે તોય શું ને મરે તોય શું, તેનું શું થાય ?

પ્રશ્નકર્તા : ડૂબી જ જાય. પોતાને આમ બ્રહ્મચર્ય સંબંધી વિવેક આવે છે, એના આધારે જ આ નિશ્ચય થાય છે ?

દાદાશ્રી : એ તો સમજે, શું કરું તો સુખી થવાય ? સુખ ખોળે છે અને પોતાનો સ્વભાવ બ્રહ્મચારી જ છે !

દ્ઢ નિશ્ચય ત્યાં નિરંતરાય

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અંતરાયો ઊભા કર્યા છે અને પછી કહે છે કે મને દેખાતું નથી. તો તેના અનુસંધાનમાં થ્રી વિઝનની બાબતમાં ક્યાં અંતરાય અને કેવી રીતે અંતરાય નડે છે ?

દાદાશ્રી : નિશ્ચય કરે કે મારે હવે બ્રહ્મચર્ય પાળવું છે, એને કશું નડતું નથી. આ તો બધા બહાનાં કાઢે. આપણા મહાત્માઓ કેટલા નિશ્ચયવાળા છે આમ, જરાય ડગતા નથી. થ્રી વિઝન એ તો હેલ્પીંગ (મદદરૂપ) છે. પણ જેનો નિશ્ચય છે, જેને પડવું નથી, એ કેમ કૂવામાં પડે ? તારો નિશ્ચય પાકો છે ને ? એકદમ પાકો ?

પ્રશ્નકર્તા : એકદમ પાકો !

દાદાશ્રી : હં, એવું પાકું હોવું જોઈએ. બધા કેટલા પાકાં ! આ તો જેને નિશ્ચયનું ઠેકાણું નથી, તે આવું બધું ખોળ ખોળ કરે અને અંતરાયો પાડે. પોતે જ નક્કી કરે કે ભઈ, મારે નથી જ પડવું. એટલે ન જ પડે. પછી કોઈ ધક્કો મારવાનો છે કંઈ ? અને તો આનંદ રહે, આમ આવા અંતરાયો-બંતરાયો ખોળવાથી તો આનંદ રહેતો હશે ?

પ્રશ્નકર્તા : બીજા ઉપાયો પણ જોડે છે જ ને ! થ્રી વિઝન સિવાયના ઉપાયો છે જ ને પાછાં, પ્રતિક્રમણ છે એ બધું....

દાદાશ્રી : એ તો પ્રતિક્રમણ એ મનથી ભૂલ થયેલી હોય તો. નહીં તો પ્રતિક્રમણનીય શી જરૂર ? નિશ્ચય એટલે તેને કોઈ ડરાવતા નથી. આ તો બધું ઠેકાણું ના હોય તેને આ બધું છે. આ તો બીજા ઉપાયો શેને માટે ખોળે છે ? નિશ્ચય એટલે નિશ્ચય ! નથી પૈણવું એને નક્કી કરવું જોઈએ કે મારે નથી જ પૈણવું. પછી કોણ પૈણાવનાર છે ? અને પૈણવું છે એને નકામું હાય હાય કરવાની જરૂર નહીં, પૈણીને બેસી જવું. કોઈએ દહીંમાં ને દૂધમાં પગ રાખવો નહીં.

કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તોય ત્યાં ના ઊંઘે.

પ્રશ્નકર્તા : ત્યાં તો પ્રત્યક્ષ દેખાય ને કે પડી જઈશ અહીં.

દાદાશ્રી : હા, તે આમ પ્રત્યક્ષ એના કરતાંય ભૂડું છે આ તો. આ તો કેટલી મોટી ખાઈ છે ! અનંત અવતારની જંજાળ વળગે છે. એટલે મન મજબૂત થયું હોય તો થાય, નહીં તો આમ દહાડો વળે નહીં. આ કાચા મનથી આમ, આ દોરા સીવવાના ન્હોય. કેવું સ્ટ્રોંગ કે મરી જઉં પણ છૂટે નહીં.

પોલ નહીં તેટલો સ્ટ્રોંગ નિશ્ચય...

તારે નિશ્ચય મજબૂત છે ને ?

પ્રશ્નકર્તા : એકદમ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોલીએ તોય સ્ટ્રોંગ થઈ જાય છે.

દાદાશ્રી : એમ !

પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ થાય એટલે બધું આવતું જ જાય.

દાદાશ્રી : એ સિક્રેસી (ગુપ્તતા) મટે એટલે 'ઓપન ટુ સ્કાય' (એકદમ ખુલ્લો) થઈ ગયો. એ ગુપ્ત લઈને આ બધી સિક્રસી પછી. નહીં તો અમારી પેઠ બોલી શકાય, 'નો સિક્રેસી' (કશું ખાનગી નહીં).

નિરંતર સુખ ભોગવે છે, તેના મોંઢા તો જુઓ ! દિવેલ પીધા જેવું દેખાય. અને નથી ભોગવતા તેના ?

પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ છે અને મેં કોઈ સિક્રેસી નથી રાખી. આપને આલોચનામાં બધી જ વાત ઓપન (ખુલ્લી) કરેલી છે.

દાદાશ્રી : એ બધું બરોબર છે, પણ આવું બધું આ તોફાન ખોળવાનું જ ના હોય. નિશ્ચય એટલે કશું ખોળવાનું નહીં. એની મેળે જ આવીને ઊભું રહે. બીજી કશી જરૂર જ નહીં ને ! આવે તોય શું ને ના આવે તોય શું, તો તું તારે ઘેર રહે, કહીએ. એ ના આવે ત્યાં સુધી આપણે આવ આવ કરવું.

પ્રશ્નકર્તા : મને એમ રહ્યા કરે છે કે આટલો મારો નિશ્ચય સ્ટ્રોંગ છે. જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સંયોગ છે, આપ્તપુત્રો સાથે હું રહું છું. મારે આમાં બિલકુલ ઈન્ટરેસ્ટ નથી, છતાંય પણ આકર્ષણ કેમ રહ્યા કરે છે ?

દાદાશ્રી : આ આકર્ષણ થાય ને, તે પૂર્વનો હિસાબ છે તે આકર્ષણ થાય. તેને તરત ને તરત પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાનું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ.

દાદાશ્રી : હા. એ કંઈ આપણા નિશ્ચયને તોડતું નથી. આંખને કંઈ ઠીક લાગે તો ખેંચાય. એ તો છે તે એની મેળે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. એ ગયા અવતારની ભૂલ છે અને તે એવો હિસાબ હોય તો જ ત્યાં જાય, નહીં તો જાય નહીં કોઈ દહાડો. એ ભેગું થાય તો આકર્ષણ થાય. એ તો પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એનો બીજો શું હિસાબ ? એ તો થ્રી વિઝન હોય તોય દેખાય કે આકર્ષણ થાય. સમજાય એવી વાત છે કે નહીં ?

પ્રશ્નકર્તા : સમજાય છે ને. મને એમ હતું કે આવું સરસ જ્ઞાન મળ્યું છે અને આવા બધા સુંદર સંયોગો છૂટવાના આમ ભેગા થયા છે, તો જો પ્યૉર (ચોખ્ખા) થઈ જવાય એક આ બાબતમાં, તો બહુ સારું એમ.

દાદાશ્રી : હા, પણ પ્યૉર જ છે. નિશ્ચય છે ત્યાં સુધી પ્યૉર અને આવી ઈમ્પ્યૉરિટી (અશુદ્ધતા) માની તેય આપણી ભૂલ છે. આપણો નિશ્ચય હતો એટલે પ્યૉર રહે ! પછી ખેંચાણ થાય તેનાં ઉપાય ! ખેંચાણ તે કેવું, લપસી પડ્યા તેથી કંઈ ગુનો છે ? ફરી ઊભા થઈને ચાલ્યા. કપડાં બગડ્યા હોય તે ધોઈ નાખવાના. આપણે જાતે લપસી પડીએ તો ગુનો, લપસી પડ્યા તો ગુનો નથી.

પ્રશ્નકર્તા : મને અંદર એવો ખેદ થયા કરે છે કે આવું સરસ જ્ઞાન મળ્યું, છતાં આ સ્થિતિ કેમ હજુ અનુભવી રહ્યો છું ?

દાદાશ્રી : ના, એ તો બધાને એમ હોય. એ તો ઊલટું આપણે જો એ પ્રતિક્રમણથી ધોઈ નાખીએ તો દહાડો વળે, નહીં તો ઊભું રહ્યું કહેવાય. ગયા અવતારે સહીઓ કરેલી, તે (અત્યારે) છોડે નહીં ને !

વિષયી દાનત એ જ હેવાનિયત

દાદાશ્રી : બ્રહ્મચર્યનો કોર્સ પૂરો કરીશ ?

પ્રશ્નકર્તા : ચોક્કસ. પેલું તો જોઈએ જ નહીં. બ્રહ્મચર્યનો નિશ્ચય વર્તે આમ, પણ પુરુષાર્થમાં કચાશ પડી જાય, તો એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ પુરુષાર્થમાં કચાશ નહીં, નિશ્ચય એ જ પુરુષાર્થ.

પ્રશ્નકર્તા : નિશ્ચય હોય એટલે પેલી વસ્તુ રહે જ પછી.

દાદાશ્રી : તે ડિસ્ચાર્જમાં કચાશ હોય છે. કચાશ હોય એ ડિસ્ચાર્જમાં હોય, ચાર્જમાં ના હોય અને તે ડિસ્ચાર્જમાં હોય, તેની કિંમત નહીં.

પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં તો પહેલેથી સ્ટ્રોંગ રાખેલું છે અને હજુ પણ એ બાબતમાં વધારે જાગૃતિ રાખેલી છે છેક સુધી, પણ આ જે બીજા જે સંસારમાં પ્રસંગો બને ને....

દાદાશ્રી : બીજાનું કશું નહીં, બીજાની કિંમત જ નહીં. કિંમત જ આની છે, બ્રહ્મચર્યની. બીજા બધા મનુષ્યના દેહમાં પશુ (જેવાં) છે ! પાશવતાનો દોષ છે, બીજાની કિંમત જ નહીં.

પ્રશ્નકર્તા : બાકી વિષયમાં તો એટલે સુધી નક્કી છે કે હવે જો થાય તો ચંદુભાઈ (ફાઈલ નં.૧)ને ખલાસ કરી નાખું, પણ હવે તો આ ના જ જોઈએ.

દાદાશ્રી : તો બ્રહ્મચર્યનું સારું કહેવાય. એ સમજૂતી જોઈએ. બાકી હેવાનિયત હોય, તે તો અટકે નહીં ને !

વિષયોની લીંકો તૂટે આમ...

ગમે ત્યાં આગળ બેઠા હોય ને, અગર તો નોકરી કરતાં નવરા પડ્યા તોય આ (નિશ્ચયને મજબુત) કર્યા કરવું. ઓફિસમાં બેઠા હોય ને નવરા પડ્યા તોય નિશ્ચય મજબૂત કરીએ થોડીવાર, બે શબ્દ વાંચી લઈએ તોય શું વાર આમાં ? એટલે લીંક તૂટી જાય બધી. જે અંદર લીંકો ચાલે છે ને એ બધી તૂટી જાય, વેર વિખેર થઈ જાય. લીંકો વેર વિખેર કરવાની છે. લીંકોથી વિષય વધે છે.

મહીં આનંદ થાય છેને, એ સામાયિક-પ્રતિક્રમણ કરો છો તે ઘડીએ ? જાણે મુક્ત હોય એવું લાગ્યા કરે ને ?

પ્રશ્નકર્તા : આ જે બધું ચિત્ત ભટકતું હતું, મન જે વિચાર કરતું હતું એ બધું બંધ થઈ જાય, ત્યાં બધી વસ્તુઓ થંભી જાય છે.

દાદાશ્રી : બધું થંભી જાય. એવું છે ને તમે બીજી ગોઠવણી કરો તો વિષય તો છેટો ઊભો રહે એવો છે બિચારો. એ તો ભડકે બિચારો. જેમ સારાં માણસો અહીં ઊભા હોય, તે ઘડીએ હલકી નાતના લોક ના ઊભા રહે, એવી રીતે.

પ્રશ્નકર્તા : આ તમે જ્યારથી બે દિવસથી બોલ્યા છો ને, તો આમ જાણે પરાક્રમ જેવું ઊભું થઈ ગયું છે કે આમ જેટલી પોલંપોલો ચાલતી હતી, એ બધી બંધ થઈ ગઈ છે.

દાદાશ્રી : હા, બંધ થઈ જાય. એ તો દાદાના આ શબ્દો, પોલંપોલ બધું બંધ થઈ જાય. તમે સાચવી રાખો તો બહુ સરસ છે. મહીં ચોક્કસ ને આમાંય ચોક્કસ, પણ એટલું જો આમાં ચોક્કસ રહે તો આમાં ફર્સ્ટ ક્લાસ (એકદમ ચોક્કસ) થઈ જાય. એ આવડત છે ને એક જાતની ! અને કહ્યા પ્રમાણે કરીએ તો. ફરી ફરી આ તાલ નહીં પડે. આ છેલ્લી તક છે. ઉઠાવી લ્યો આ છેલ્લી તક.

ડિસાઈડેડપૂર્વક એ જ નિશ્ચય

પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ થવાં જોઈએ એ થતાં નથી.

દાદાશ્રી : એ તો જે કરવું હોય ને, એનો નિશ્ચય કરવો પડે.

પ્રશ્નકર્તા : નિશ્ચય કરવો એટલે એમાં કરવાનો અહંકાર આવ્યોને પાછો ? એ શું વસ્તુ છે ? એ સમજાવો.

દાદાશ્રી : કહેવા માટે છે, કહેવા માત્ર છે.

પ્રશ્નકર્તા : ઘણા લોકો એમ સમજે છે, મહાત્માઓમાં કે, આપણે કંઈ કરવાનું જ નહીં, નિશ્ચયે નહીં કરવાનો.

દાદાશ્રી : ના, મને પૂછે તો હું એને કહું કે, એ અહંકાર વગર નિશ્ચય શી રીતે થઈ શકે ? એ નિશ્ચય એટલે શું કે ડિસાઈડેડપૂર્વક કરવું. ડિસાઈડેડ એટલે શું ? આ નહીં ને 'આ' બસ. આમ નહીં ને આમ હોવું જોઈએ.

એવું આપણે રોંગ બિલિફ તો ના કહેવાયને, પણ આવી રીતે શબ્દથી બોલવું પડે તો વાત પહોંચે. નહીં તો પહોંચે જ નહીંને. પણ આ પહોંચે.

પરમ સુખ ચાખ્યા પછી ગંંદવાડો કોણ ચૂંથે ?

પ્રશ્નકર્તા : આજે સત્સંગ બહુ સરસ મળ્યો.

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય પર વાત નીકળી ને ! કાટ ચઢી ગયો હોય તે ખંખેરવું તો પડશે ને ? જૂના ગુના જેટલા થયા હોય તેને માફ કરી આપવા તૈયાર છું, પણ નવું હવે એમ કંઈ ચાલશે નહીં. હવે તમને સાચું સુખ મળ્યું. જ્યાં સુધી સાચું સુખ ના હોય ત્યાં સુધી આરોપિત સુખ ભોગવો. પણ હવે પોતાનું સુખ, પરમ સુખ કે જે તમે જ્યારે માંગો ત્યારે મળે એવું છે, તો પછી હવે તમારે શેને માટે આવું બધું જોઈએ ? કોઈ કહે કે પાછલું કર્મ નડે છે. તે એવું નડે ખરું પણ કર્મ નડ્યું કોનું નામ કહેવાય કે માણસ કૂવામાં અજાણથી પડી જાય ને, તેને પાછલું કર્મ નડ્યું કહેવાય. બાકી આમ જો નિશ્ચય હોય કે મારે નથી જ પડવું, એવી રીતે વિષયના કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય હોવો જોઈએ. પછી પડી જવાય તો તેનો ગુનો માફ કરીએ છીએ. હવે જાણીને પછી પેલા કૂવામાં પડે એનો ગુનો માફ નથી કરતા. પણ આપણે ત્યાં તો હું બધા ગુના માફ કરું છું. પછી હવે કેટલીક માફી આપીએ ? જ્યાં જોખમ ના હોય ત્યાં છૂટ આપીએ જ છીએ ને ! બધું જ ખાવા-પીવાની છૂટ આપીએ જ છીએ ને ! બધી છૂટ કંઈ નથી આપી ?

પોતાનો નિશ્ચય ને જ્ઞાનીનું વચનબળ

અમારા વચનબળથી કેટલાંક માણસોને બધું રેગ્યુલર (સામાન્ય) થઈ જાય છે. અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, આ બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે ! એવું આ અમારું વચનબળ છે. અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્ઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે.

અમે બ્રહ્મચર્ય વ્રત કોઈને આપતાં નથી અને આપીએ છીએ તોય અમે કહીએ છીએ કે અમારું વચનબળ છે, જબરજસ્ત વચનબળ છે, તે કર્મના ઉદયને ફેરવી નાખે તેવું વચનબળ છે, પણ તારી સ્થિરતા જો ના તૂટી તો. તારે બહુ મજબૂતી પકડી રાખવી જોઈએ. જ્ઞાનીના વચનબળ સિવાય બીજું કોઈ આ કાર્ય કરી શકે તેમ નથી, એટલું બધું જ્ઞાનીનું વચનબળ હોય છે !

અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શક્તિ છે, કે કામ કાઢી નાખે ! 'પોતે જો સહેજ પણ ડગે નહીં તો કર્મ એને નહીં ડગાવી શકે ! કર્મ ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ અને મનોબળને તો ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે. દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે.

પ્રશ્નકર્તા : મનોબળ એટલે શું ? બ્રહ્મચર્ય માટે આમ પાકું થઈ જાય, ડગે નહીં, એને મનોબળ કહેવાય કે ?

દાદાશ્રી : એ તો એક વાંદરો કૂદે, એટલે બીજોય પાછો કૂદે. એમ એક ફેરો જુએ પછી એ કૂદવાની હિંમત ધરાવે, એમ કરતું કરતું મનોબળ વધતું જાય; પણ જેણે જોયું જ ના હોય, તે શી રીતે કૂદે ?

પ્રશ્નકર્તા : એટલે આ વાતો સાંભળીએ એટલે કૂદે ?

દાદાશ્રી : પણ એ તો જોડે જોડે પોતાની મહીં ઇચ્છા હોય, પોતાની ભાવના એવી હોય ત્યારે એવી મજબૂતી થાય.

પ્રશ્નકર્તા : ભાવના તો મારે એવી જ છે.

દાદાશ્રી : તે એની મેળે જ મજબૂત થશે. એક બાજુ વાડ કરીએ ને પેલી બાજુની વાડમાં શિયાળવા કાણાં પાડે, તેને આપણે પૂરીએ નહીં ત્યારે શું થાય ? એ તો પાછળ બધાં 'હોલ' (કાણાં) પૂરતા જવું જોઈએ ને ? અને નવી વાડ કરતા જવું પડે. ભાવના એવી મજબૂત હોય તો બધુંય થાય.

પ્રશ્નકર્તા : પાછલાં હોલ પૂરવાનાં એટલે પ્રતિક્રમણ કરીને જ ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાનાં જ, પણ હજુ નબળાઈઓ જવી જોઈએ ને ? મન મજબૂત હોવું જોઈએ ને ? એ બાજુ દ્ષ્ટિ પણ ના જાય એવું હોવું જોઈએ. મનમાં નક્કી કર્યું હોય કે આ બાજુ નથી જ જોવું એટલે ના જ જુએ એ ! પછી પાછળ ભૂતાંની પેઠ ગમે એટલી બૂમો પાડે તોય પણ એ બાજુ ના જ જુએ, એ ભડકે જ નહીં ને ! એવું મનોબળ દિવસે દિવસે કેળવાય ત્યારે ખરું !

પ્રશ્નકર્તા : પેલી ઇચ્છા તો અંદરથી સહેજ પણ થતી નથી.

દાદાશ્રી : એ તો એવું લાગે. બે દહાડા માટે એવું લાગે, પણ એ તો દસ વર્ષનું સરવૈયું ભેગું દેખીએ ત્યારે સાચી વાત !

અમારી આજ્ઞા અને સાથે આ જ્ઞાનને સિન્સિયરલી એક્ઝેક્ટનેસમાં (નિષ્ઠાપૂર્વક યથાર્થપણે) રાખે તો અગિયાર વર્ષે ને કાં તો ચૌદ વર્ષે પૂર્ણાહુતિ થાય.

- જય સચ્ચિદાનંદ