જાણો કળા, નિષ્ક્લેશ જીવન જીવવાની સંપાદકીય મનુષ્યના જીવનમાં જન્મથી મૃત્યુ પર્યત પ્રસંગોની હારમાળા સર્જાતી હોય છે. એ પ્રસંગોને અનુરૂપ આચરાતી ક્રિયાઓના વ્યવહારમાં આશય તો સુખપ્રાપ્તિનો જ હોય છે પણ ક્યાંક એવી ભૂલ થઈ જાય છે, જેથી જીવનમાં ક્લેશ-કંકાસનું સામ્રાજ્ય વ્યાપી જાય છે. સુખ-શાંતિને બદલે દુઃખ-વિષાદ વ્યાપી જાય છે, જીવન જીવવાનો આનંદ લુપ્ત થઈ જાય છે. આ કાળમાં સારું ખાવા-પીવાનું, સારી સગવડો, આટલી બધી જાહોજલાલી તો પછી ક્લેશ-કંકાસ કે દુઃખ ઉત્પન્ન થવાનું કારણ શું ? ત્યારે કહે, સમજણનો અભાવ. જીવનમાં હિતકર શું અને અહિતકર શું એટલો તો વિચાર કરવો જોઈએ ને ? બુદ્ધિ જો વિકાસ પામેલ હોય, સમજણવાળી કરેલી હોય તો ઘરમાં કે બહાર ક્યાંય ક્લેશ થાય એવું નથી. એક જ ઘરમાં રહેવું પછી ઘરમાં રહેતી વ્યક્તિઓ વચ્ચે ક્લેશ હોવો જ ના જોઈએ. એટલે આ જગત સમજવા જેવું છે, પોતાની સમજે નહીં પણ જ્ઞાની પુરુષની દ્ષ્ટિએ ! જ્ઞાની પુરુષ લોંગ સાઈટ (દીર્ધ દ્ષ્ટિ) આપી દે એટલે જગતની હકીકત વાસ્તવિક સ્વરૂપે દેખાય, પછી ક્લેશ-કકળાટ ના થાય, તોડફોડ ના થાય, મનભેદ-મતભેદ ના થાય અને સર્વેનું હિત થાય. પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનદ્ષ્ટિથી વાત સરળ રીતે સમજાય એમ છે કે ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી પણ અજ્ઞાનતાથી ક્લેશ ઊભા થાય છે. પોતે કેમ વર્તવું એ જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય છે. જીવનમાં દુઃખનું કારણ અણસમજણ છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તો દુઃખ ના લાવે પણ દુઃખનેય બહાર કાઢે. એટલે એ કળા જાણવાની જરૂર છે અને એ કળા જ્ઞાનીના જ્ઞાન થકી સહેજે જાણી શકાય તેમ છે. ક્લેશ ભાંગી શકે, મતભેદ ટળી શકે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે. ક્લેશ-કષાય થવા એ આપણી નબળાઈ છે અને એ નબળાઈમાંથી મુક્ત થવાય એવો પુરુષાર્થ મનુષ્ય થઈને નહીં કરીએ તો ક્યારે કરીશું ? ક્લેશ રહિત જીવન જીવવાની આવડત તો આવડવી જ જોઈએ ને ! ક્લેશ રહિત જીવન વ્યવહારથી જ સાચા ધર્મની શરૂઆત થાય છે, એ મોક્ષના પાયાનું પ્રથમ ચરણ છે. ક્લેશ રહિત થયો તો જાણવું કે હવે આપણું મોક્ષનું સ્ટેશન નજીકમાં છે. જ્ઞાનપ્રાપ્તિ પછી આપણા જીવનનો ધ્યેય મોક્ષપ્રાપ્તિનો છે. એ ધ્યેયની પૂર્તિ માટે નિઃષ્ક્લેશ જીવન જીવતા જીવતા મન-વચન-કાયાથી કોઈને પણ દુઃખ ના થાય અને પ્રેમ સ્વરૂપ કઈ રીતે થઈ શકાય તેની સચોટ સમજ પરમ પૂજ્ય દાદાશ્રીની સત્સંગ સરવાણીમાંથી પ્રાપ્ત થાય છે. એ સમજને જીવન વ્યવહારમાં અપનાવી નિઃષ્ક્લેશ જીવન વ્યવહારની કળા શીખી લઈ, ફાઈલોનો સમભાવે નિકાલ કરી જીવન ધ્યેય સિદ્ધ કરવાના પુરુષાર્થમાં લાગી જઈએ તેવી અભ્યર્થના. દીપક દેસાઈ જાણો કળા, નિષ્ક્લેશ જીવન જીવવાની રક્ષણમાં હોય તેનું ના કરાય ભક્ષણ પ્રશ્નકર્તા : મારી પત્ની સાથે મારે બિલકુલ બનતું નથી. ગમે તેટલી નિર્દોષ વાત કરું, મારું સાચું હોય તો પણ એ ઊંધું લે. બાહ્યનું જીવનસંઘર્ષ તો ચાલે છે, પણ આ વ્યક્તિસંઘર્ષ શું હશે ? દાદાશ્રી : એવું છે, માણસ પોતાના હાથ નીચેવાળા માણસને એટલો બધો કચડે છે, એટલો બધો કચડે છે કે કશું બાકી જ નથી રાખતો. જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તોય એનું રક્ષણ કરવું જોઈએ. આ વિદેશી સૈનિકો અત્યારે અહીં કેદી છે, છતાંય સરકાર તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડ કચડ કરે ને ઉપરીને 'સાહેબ, સાહેબ' કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો 'સાહેબ, સાહેબ' કહે અને ઘેર 'વાઇફ' સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. 'મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?' એમ કરીને ઘરનાંને ફફડાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લે ને. ઘરનાંને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રૂજે ! હવે આ ઘોર અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે ક્લેશ ? આ તો ક્લેશ થતો હોય ત્યાં કોઈ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો ક્લેશ શાને ? 'સમય વર્તે સાવધાન' બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સાવધ કર્યા કે 'સમય વર્તે સાવધાન'. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, 'સમય વર્તે સાવધાન' તે ગોર સમજે, પરણનારો શું સમજે ? સાવધાનનો અર્થ શું ? તો કહે, પત્ની ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે. 'સમય વર્તે સાવધાન', તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું. પણ લોકોને તો દાળમાં મીઠું વધારે પડ્યું, તે બધા ઉપર કકળાટ કરે, એમ નહીં કે આપણે એડજસ્ટ થઈએ. ત્યારે મુખ્ય વાત એ જ કે ભઈ, આજ દાળમાં મીઠું વધારે છે, તો આપણે સમય આવ્યો એટલે સાવધ થઈ જવાનું અને જરા ઓછી ખાવાની પણ બૂમાબૂમ નહીં કરવાની ને સમય વર્તે સાવધાન થવાનું એટલા સારુ કહે છે, પણ સમય પ્રમાણે વર્તતા જ નથીને ! આર્યને શોભે, આ અનાડી વર્તન ? ઘરમાં ક્લેશ ના થવો જોઈએ. કોઈનાં ઘરમાં ક્લેશ થતો હશે ? પ્રશ્નકર્તા : ક્લેશ તો થાય જ ને ! દાદાશ્રી : એ તો આપણા આર્ય લોકોના ઘરે તો થાય નહીં, અનાર્યને ત્યાં થાય. આપણે તો આર્ય લોકો. આપણે ત્યાં ક્લેશ ક્યાંથી થાય ? પ્રશ્નકર્તા : પણ એ હકીકત છે ને ક્લેશ થાય છે તે. દાદાશ્રી : ના થવો જોઈએ. પ્રશ્નકર્તા : ના થવો જોઈએ એ બધી વાત બરાબર, પણ થાય છે એનું શું ? દાદાશ્રી : એટલી અણસમજણ કાઢી નાખશો તો નીકળી જાય એવો છે ક્લેશ. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને આ તો એક જણ જો કકળાટ કરે તો એ એકલો જ દુઃખી. આમાં સાંભળનારને દુઃખ થયું કે ના થયું ? દુઃખ થવું તે પોતાની અણસમજણ છે. પ્રશ્નકર્તા : ક્લેશ ન કરવો હોય તોય થાય તો આને કોણ પહોંચી વળે ? દાદાશ્રી : સોનું પહોંચી વળે. સોનું પહોંચી ના વળે ? સોનું પહેરાવે એટલે ઠંડા થઈ જાય. જોડે રહેવાનું અને પાછું ક્લેશ વગર રહેવું એનું નામ જીવન કહેવાય. ક્લેશ ના થવો જોઈએ. ઘરમાં કોઈને દુઃખ ના થવું જોઈએ. રોજ ધણીને પૂછવું કે તમારે કશું દુઃખ થતું હોય તો મને કહો. એવી રીતે તનેય પૂછે એ. સંસ્કારી કોને કહેવાય ? સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે ? પ્રશ્નકર્તા : ક્લેશ ના હોય તે. દાદાશ્રી : ત્યાર પછી આવું ? આપણે સંસ્કારી. પૈણવા જઈએ તો પૈઠણ આપે લોકો. કોના પર પૈઠણ આપે છે ? ઘરમાં વાઈફને મારવા હારુ આપતા હશે ? પહેલાં તો પૈઠણો શેની આપતા'તા, કે આ ઘરમાં તો કકળાટ જ નહીં બિલકુલ ! ઘરમાં કોઈ કકળાટ નહીં, કોઈને દુઃખ ના આપે, એ સ્થિતિ આપણને હોવી જોઈએ ને ? કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ, કોઈને ભય ના પામવા દો. અત્યારે તો ઘરમાં વાઈફ હોય.... આપણા જતાં પહેલાં ભડકતી હોય, એને ભડકાવીને આપણને શું સુખ પડે ? સુખ આપતાં સુખ મળે પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ. દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તોય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં બધા માણસોને કહેવું જોઈએ કે 'ભઈ, આપણે બધા ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખાઓ. આનંદ કરો, મઝા કરો.' એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એજ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે. સ્વભાવ ભણી જવું એનું નામ ધર્મ કકળાટ કરવા જેવું છે જ નહીં આ જગત. આ તો કેટલા ચિંતા-ઉકળાટ ! કશોય મતભેદ જતો નથી, તોય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછોય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, 'ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ?' અલ્યા, શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે ! જે ઘરમાં ક્લેશ નહીં ત્યાં ભગવાન હાજર હોય, ક્લેશ થયો કે ભગવાન જતા રહે. અને ભગવાન જાય એટલે લોક આપણે શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે. તમને કકળાટ ગમે છે ? પ્રશ્નકર્તા : ના. સમજો શું હિતકર, શું અહિતકર દાદાશ્રી : જ્યાં કકળાટ છે, ક્લેશ છે, ત્યાં આગળ એ ઘર સારું ના લાગે. અને ઘરમાં કકળાટ કરવાનું કારણ હોતું જ નથી. આપણા ભારતીયોને તો હોતું જ નથી પણ આ અણસમજુ માણસ શું કરે ? મેડનેસ (ગાંડપણ)ને લઈને કકળાટ જ કર્યા કરે. પ્રશ્નકર્તા : જેમ કે અમુક માણસોનો સ્વભાવ જ એવો હોય કકળાટ કરવાનો, તો ? દાદાશ્રી : એટલે જ કહું છુંને કે દુઃખ નથી પણ દુઃખ ઊભાં કરે છે, ઇન્વાઇટ (આમંત્રિત) કરે છે. કોઈને દુઃખ જ નથી કોઈ જાતનું. ખાવા-પીવાનું બધુંય છે, કપડાં-લત્તાં છે, રહેવાનું ફ્રી (મફત) છે, બધું સાધન છે પણ દુઃખ ઊભાં કરે છે. બહુ થોડા ટકા પાંસરો માલ છે. બાકી રબીશ મટીરિયલ (કચરો માલ) છે બધા. રબીશ છતાં વિચારશીલ છે, ડહાપણવાળો છે. બુદ્ધિ એમની છે તે વ્યભિચારિણી બુદ્ધિ છે, થોડીક બુદ્ધિ ડેવલપ (વિકાસ) થયેલી છે તે અવ્યભિચારિણી થઈ શકે એમ છે. સારા ટચમાં આવે તો ફેરફાર થઈ જાય. સંસ્કારની જરૂર છે. સાવ જડ નથી આ. ખોટી ખોટી પણ ખરાબ પણ બુદ્ધિ ઊભી થઈ. પહેલાં તો ખરાબેય નહોતી. ખરાબ થઈ હોયને તો એને સંસ્કારી કરી શકાય. બુદ્ધિ ડેવલપ થયેલી હોયને તેથી ! કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુદ્ધિ ; અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુઃખ જ આપે અને અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખાં ઘી મળે, દહીં મળે, કેવો સરસ ખોરાક ! જિંદગી સરળ છે છતાંય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી. આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ? પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી ? આપણે પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો એ આપણને હિતકારી છે. રાંડ્યા તેના શોકને શું કરવાનું છે ? બે જણ પૈણવા બેસે છે ત્યાં જ બે જણમાંથી એક જણે રાંડવાનું તો છે જ. આ પૈણ્યાનો સોદો જ એવો કર્યો છે અને એમાં કકળાટ શો પછી ? જ્યાં સોદો જ એવો હોય ત્યાં કકળાટ હોતા હશે ? બેમાંથી એકે નહીં રાંડવાનું ? રઝળપાટનું કારણ, વેર આ જગતે ન્યાય જ કોઈ દહાડોય જોયો નથી. અણસમજણને લઈને આ બધું છે. બુદ્ધિની જો સમજણ હોય ને, તોય બહુ થઈ ગયું ! બુદ્ધિ જો વિકાસ પામેલી હોય, સમજણવાળી કરેલી હોય તો કોઈ ઝઘડો થાય એવું જ નથી. હવે ઝઘડો કરવાથી કંઈ કપ-રકાબી આખા થઈ જાય છે ? ખાલી સંતોષ લે એટલું જ ને ? ને ઊલટો કકળાટ થાય એ પાછો જુદો, મનમાં ક્લેશ થઈ જાય તે જુદો. એટલે આ વેપારમાં તો એક તો પ્યાલા ગયા તે ખોટ, બીજું આ ક્લેશ થાય તે ખોટ ને ત્રીજું નોકર જોડે વેર બંધાયું તે ખોટ ! નોકર વેર બાંધે કે 'હું ગરીબ', તેથી આ મને અત્યારે આવું કહે છે ને ? પણ એ વેર કંઈ છોડે નહીં અને ભગવાનેય કહ્યું છે કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમ તો વેરની કબર ખોદી નાખે એવો છે. વેરથી તો વેર વધ્યા જ કરે, નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી ! આ મનુષ્યો શેનાં રઝળે છે ? શું તીર્થંકરો ભેગા નથી થયા ? ત્યારે કહે, 'તીર્થંકરો તો ભેગા થયા, તેમનું સાંભળ્યું-કર્યું, દેશનાય સાંભળી; પણ કશું વળ્યું નહીં.' શેની શેની અડચણો આવે છે, ક્યાં ક્યાં વાંધા આવે છે, તે વાંધા ભાંગી નાખીએ. વાંધા પડે છે, એ ટૂંકી દ્ષ્ટિ છે. તે 'જ્ઞાની પુરુષ' લોંગ સાઇટ (દીર્ધ દ્ષ્ટિ) આપી દે. એ લોંગ સાઇટના આધારે બધું 'જેમ છે તેમ' દેખાય ! ક્લેશથી શું પ્રારબ્ધ બદલાય ? પ્રશ્નકર્તા : ક્લેશ ના થાય તેના માટે શું કરવાનું? એનો રસ્તો શું ? દાદાશ્રી : શેના શેના માટે ક્લેશ થાય છે, એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં. પ્રશ્નકર્તા : પૈસા માટે થાય છે, છોકરાઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય. દાદાશ્રી : પૈસા બાબતમાં શું થાય ? પ્રશ્નકર્તા : બચતા નથી ને બધા વપરાઈ જાય છે. દાદાશ્રી : એમાં ધણીનો શો ગુનો ? પ્રશ્નકર્તા : કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈ વાર. દાદાશ્રી : એટલે ક્લેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તોય ક્લેશ ના કરવો. કારણ કે ક્લેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતાં ડબલ કિંમતનો ક્લેશ થાય છે અને ચારસો ડૉલરનો ક્લેશ કરવો એના કરતાં બસો ડૉલર ગયા એ ગયા. પછી ક્લેશ ના કરવો. પછી વધવું-ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે. કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્ય પાકે તો વારેય ના લાગે, પૈસા વધવાને. પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ ક્લેશ કરીએને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો ક્લેશ થઈ જાય. એટલે ક્લેશ તો કરવો જ ના જોઈએ. ક્લેશ-કકળાટના ફાયદા શા ? ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને ? શું વહેંચીને લઈ જવાનું છે ? ઘરમાં ભેગું ખાવું, પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે કે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોયને, તો છોકરાંનાં જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાંય સારા થાય. કકળાટ કરો પણ બગીચામાં... ક્લેશ તમારે કરવો જ હોય તો બહાર જઇને કરી આવવો. ઘરમાં જો કકળાટ કરવો હોય તો તે દહાડે બગીચામાં જઇને ખૂબ લડીને ઘેર આવવું. પણ ઘરમાં 'આપણી રૂમમાં લડવું નહીં.' એવો કાયદો કરવો. કો'ક દહાડો આપણને લડવાનો શોખ થઇ જાય તો બીબીને આપણે કહીએ કે, ચાલો, આજે બગીચામાં ખૂબ નાસ્તા-પાણી કરીને ખૂબ વઢવાડ ત્યાં કરીએ. લોકો વચ્ચે પડે એવી વઢવાડ કરવી પણ ઘરમાં વઢવાડ ના હોય. કિંમત વધુ, વ્યક્તિની કે વસ્તુની ? જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ, એનો ઝઘડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા મૂઆ, નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને, એ વસ્તુ બહાર નાખી આવ. જે ઘરમાં ક્લેશ નહીં, ત્યાં ભગવાન હાજર હોય. આ ફોટામાં ભગવાન નથી, પણ જ્યાં ક્લેશ નથી ત્યાં હાજર હોય. ત્યારે આપણે હવે આ સોફા હારુ ક્લેશ કરવો ? નાખી આવો બહાર. જેટલું મનાય એટલી શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે. શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એય સુખી થાય. એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે. અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય. ક્લેશનું કારણ, અજ્ઞાનતા પ્રશ્નકર્તા : ક્લેશ થવાનું મૂળ કારણ શું ? દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી. પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભો થવાનું કારણ સ્વભાવ ના મળે તેથી ? દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર એનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ 'જ્ઞાન' મળે તો તેને એક જ રસ્તો છે, 'એડજસ્ટ એવરીવ્હેર !' આપણામાંથી ક્લેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં ક્લેશ ત્યાં માણસપણું જતું રહે પછી. તે આમ ઘણા પુણ્યથી માણસપણું આવે, તેય હિન્દુસ્તાનનું માણસપણું અને તે તમને પાછા અહીં (અમેરિકામાં). તમને રોજ ચોખ્ખું જ મળે છે, મેલું ખોળો તોય જડે નહીં, કેટલા પુણ્યશાળી છો ! ક્લેશ થવો અજ્ઞાન-આધીન પ્રશ્નકર્તા : ઉદયકર્મને આધીન હશે, કંકાસ થવાનું ? દાદાશ્રી : ના, ક્લેશ અજ્ઞાનથી ઊભો થાય છે ! ક્લેશ ઊભો થાયને, તે બધા નવાં કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી. પ્રશ્નકર્તા : ઉદયકર્મ ક્લેશવાળું નથી હોતું ? દાદાશ્રી : એ હોઈ શકે જ નહીંને. અજ્ઞાનતાથી, પોતે અહીં કેમ વર્તવું એ જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય છે. અત્યારે મારે અહીં ખાસ ફ્રેન્ડ હોય, તે ઓફ થઈ ગયા એવી ખબર અહીં આવીને કોઈ મને આપે, એટલે તરત જ શું થયું, આ જ્ઞાનથી એને નિવેડો આવી જાય. એટલે પછી ક્લેશ થવાનું કંઈ કારણ જ નહીંને ! આ તો અજ્ઞાનથી મૂંઝાય કે મારો ભાઈબંધ મરી ગયો ને પછી બધો ક્લેશ થઈ જાય. ક્લેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી ક્લેશ બધો ઊભો રહ્યો છે. અજ્ઞાનતા જાય એટલે ક્લેશ દૂર થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે ક્લેશ ઉત્પન્ન થાય એ પહેલાં જ ઉદયકર્મને આપણે જોઈ લેવા જોઈએ ? દાદાશ્રી : જોઈ લેવાનો સવાલ નથી. મહીં છે તે આ શું છે એ જાણી લેવું જોઈએ. હું કોણ ? આ બધું શું છે ? એ જાણી લેવું જોઈએ, સાધારણ રીતે. આપણે એક માટલી હોય, તે માટલી છોકરો ફોડી નાખે, તોય કોઈ ક્લેશ કરતું નથી ઘરમાં અને કાચનું આવડું વાસણ હોય તે બાબો ફોડી નાખે તો ? ધણી બૈરીને શું કહે, કે તું સાચવતી નથી આ બાબાને. તે મૂઆ, માટલીમાં કેમ ન બોલ્યો ? કારણ કે એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ નથી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતા ને કિંમતવાળામાં જ ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બેય ઉદયકર્મને આધીન છે, ફૂટે છે તે. પણ જો આપણે માટલી પર ક્લેશ નથી કરતાં એનું શું કારણ ? એટલે ક્લેશ ઉદયકર્મને આધીન નથી, એ અજ્ઞાનતાને આધીન છે. પ્રશ્નકર્તા : હા, અજ્ઞાનતાને આધીન છે પણ ક્લેશ થવો અથવા એવી કોઈ પ્રક્રિયા થવી એ માનસિક પ્રક્રિયા નથી ? દાદાશ્રી : ક્લેશ એ માનસિક છે, પણ અજ્ઞાનને આધીન છે એટલે શું, કે એક માણસને બે હજાર રૂપિયા ખોવાઈ જાય તે એને માનસિક ચિંતા-ઉપાધિ થાય. તે બીજા માણસને ખોવાઈ જાય તો બીજો કહેશે, મારા કર્મના ઉદય હશે તે પ્રમાણે થયું હવે. તે આમ જ્ઞાન હોય, સમજણ હોય તો નિવેડો લાવે. નહીં તો ક્લેશ, પૂર્વ જન્મનો કંઈ ઉદયકર્મનો ક્લેશ નથી હોતો. ક્લેશ તો અજ્ઞાનતાનું ફળ છે. દુઃખનું કારણ, અણસમજણ કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું બને કે ના બને ? કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે. કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુઃખે ને બહાર પણ દુઃખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તોય એનો ફેરફાર થવાનો નથી. પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ. દાદાશ્રી : હા, પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય તે ? જીવન જીવવાની કળા તો જાણો જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને ! કંઈ બધાને મોક્ષ હોતો નથી, પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને ? ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો, કઈ રીતે જીવન જીવવું ? સુખને માટે ભટકે છેને ? તો સુખ ક્લેશમાં હોય ખરું ? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તો દુઃખ ના લાવે, દુઃખ હોય ને તો એનેય બહાર કાઢે. આપણે તો મૂળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછાં થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે, પ્રકાશ કરવાનો છે. અહીં ક્યાં સુધી અંધારામાં રહેવું ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાઓ, મતભેદ જોયેલા તમે ? પ્રશ્નકર્તા : ઘણા. દાદાશ્રી : ક્યાં ? કોર્ટમાં ? પ્રશ્નકર્તા : ઘરે, કોર્ટમાં, બધે ઠેકાણે. દાદાશ્રી : ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ, ત્યાં મતભેદ શાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે ત્રણ જણ એમાં મતભેદ શાના ? પ્રશ્નકર્તા : ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે. દાદાશ્રી : આ ત્રણમાં જ ? એમ ! પ્રશ્નકર્તા : જો કોન્ફ્લીક્ટ (અથડામણ) ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે ! દાદાશ્રી : ઓહોહો ! મજા તેથી આવે છે ! તો તો પછી રોજ જ કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ, કોન્ફ્લીક્ટની મજા લેવી હોય તો. પ્રશ્નકર્તા : એ તો ના ગમે. દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ ! મતભેદ સસ્તો થાય કે મોંઘો ? થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં ? પ્રશ્નકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાંય થાય. દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, મજા આવે છે એમાં કે મજા મારી જાય છે ? પ્રશ્નકર્તા : મજા મારી જાય છે. દાદાશ્રી : તો આવું મજા મારી જાયને ! ઘરમાં તો ધણી ને સ્ત્રી બન્ને હોયને, પણ મજા મારી જાય તો એ ધણી શેના તે ? ધણી ને સ્ત્રી બેઉ જુદા જુદા ગામમાં રહેતા હોય તો મજા મારી જાય. પણ જોડે રહેતા હોય ને મજા મારી જાય, એ કેવું ? પ્રશ્નકર્તા : કોઈક વખત થાય એવું. સંસારી જીવન છે એટલે થાય. દાદાશ્રી : એટલે આ દિવાળીનો દહાડો આખા વર્ષમાં એક જ દહાડો આવે છે એવુંને ? તો તો ઉજવણી કરવી જોઈએ. પ્રશ્નકર્તા : દરેકને ઘેર રોજેય થાય ને એવું ! દાદાશ્રી : કોને ઘેર નથી થતું, કોઈ આંગળી ઊંચી કરો જોઈએ ! આ બેન ખરું કહે છે, મજા મારી જાય છે. જીવન શાંત અને ડહાપણવાળું જીવન જોઈએ. બેન હાથ ઊંચો નથી કરવા દેતી. તમારે કરવો હોય તોય નથી કરવા દેતી. પ્રશ્નકર્તા : ગુના બહુ મોટા એટલે હજી કેસ ચાલ્યા કરે છે. દાદાશ્રી : તમારે તો કોઈક દહાડેય ડખો થઈ જતો હશેને ? ડખો થઈ જાયને, મતભેદ ? પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે. દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસાર ચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ છે. પ્રશ્નકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છેને ! દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશોય અડતો નથી. સંસાર નિરપેક્ષ છે. સાપેક્ષેય છે અને નિરપેક્ષેય છે. એ આપણે આમ કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશુંય નહીં, કશું લેવાદેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે ! પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે. એ તો સંસાર છેને ! દાદાશ્રી : આપણા લોકો તો, રોજ વઢવાડ થાય છેને, તોય કહે છે કે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? કેમ આવું બોલે છે ? શું થાય છે તેની તપાસ કરવી પડે. મતભેદોનું સરવૈયું શું ? ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ? પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી. દાદાશ્રી : હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં, બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા લઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાંય ઘા રૂઝાતો નથી. સવારમાંય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમેય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ. એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે ? પ્રશ્નકર્તા : બીજી તો શું દવા ? શાંત રહેવાનું. દાદાશ્રી : ક્યાં સુધી શાંત રહો, એ મતભેદ મટાડે નહીં ત્યાં સુધી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ તો ફરી ઊભો થવાનો પાછો. જ્યાં મતભેદ ઊભા થતા હોય અને જ્યાં ભયવાળી જગ્યા હોય ત્યાં રહેવાય જ કેમ કરીને ? પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : તો જવું ક્યાં ? એટલે મતભેદ રહિત થઈ જવું ત્યારે સિક્યોરિટી (સલામતી) થઈ. શી બાબતમાં ઘેર મતભેદ પડે ? પ્રશ્નકર્તા : બે માણસ જુદા હોય, એટલે કંઈ ને કંઈ તો મતભેદ પડે જ. દાદાશ્રી : ના, અમારે મતભેદ નથી પડતા કોઈની સાથે. પ્રશ્નકર્તા : પણ અમારે તો મતભેદ જોરદાર પડે છે. દાદાશ્રી : એવું ના રાખવું જોઈએ. આપણે સમું કરવું જોઈએને ? રીપેર કરી નાખવું જોઈએ. પ્રશ્નકર્તા : હા, રીપેર પણ દરરોજ થાય છે, થોડું થોડું. દાદાશ્રી : પણ રોજ રોજ એ ઘા પડેલો રહે, બળ્યું. ઘા જાય નહીં ને ! ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય ! માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને. તે આપણું ઘૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને. અત્યારે તો મનમાં કહે, કે જોરદાર છે ભઈ, એટલે થોડોક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને ! ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે ? મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજરજવાબ મળી જાય. અહીંયાં હાજરજવાબ જ ન મળે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવા મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે તેને આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારુ બગાડો છો ? પ્રશ્નકર્તા : વિચારોનો મતભેદ મેઈન હોય, આચાર-વિચારમાં ફરક પડી શકે ને ? દાદાશ્રી : તે મતભેદથી પછી શું ફાયદો નીકળે એનું સરવૈયું ? પ્રશ્નકર્તા : બેની સમજણમાં ફેર હોય તો મતભેદ થાય. દાદાશ્રી : એમ ! પણ ધીમે ધીમે મતભેદ કાઢી નાખવો છેને ? મતભેદો ના થાય એવો પ્રયત્ન કરો છો ? પ્રશ્નકર્તા : સમજવાની કોશિશ કરીએ. દાદાશ્રી : આખી રાત વિચાર્યા કરો, સમજવાનું ? પ્રશ્નકર્તા : એટલી વાર ના લાગે. દાદાશ્રી : ત્યારે કેટલી વાર ? સમજવાની કોશિશ કરી હોય તે ફરી વાર ઘરમાં મતભેદ પડે નહીં ફરી પડતો નથીને પછી ? પ્રશ્નકર્તા : એ વસ્તુમાં પછી ફરી મતભેદ ના પડે. દાદાશ્રી : હા, પણ ફરી પાછું એના માટે પડે જ છે. ફરી એક વખત નહીં, પછી તો પચ્ચીસ વખત પડે છે. પ્રશ્નકર્તા : એ મતભેદ પડે છે પછી, પણ એ જ વસ્તુ માટે નહીં. દાદાશ્રી : ત્યારે ? ફરી એની એ જ વસ્તુ માટે થયા કરે. કપ-રકાબી પડી ગયાં નોકરના હાથથી, એટલે બેન કહેશે કે એના બિચારાના હાથથી પડી ગયાં, તમે શું કરવા અકળાવ છો ? ત્યારે તમે કહો કે, ના આટલું બધું નુકસાન થયું અને પછી તમે વિચારીને પાછા મતભેદને કાઢી નાખો. પાછા ફરી પડે ત્યારે પાછું આવું જ થાય. એટલે આમાં કશું વિચારતાં આવડતું જ નથી ને ! વિચાર તો એનું નામ કહેવાય કે ફરી મતભેદ પડે નહીં. સોલિડ (નક્કર) કામ થાય. આ તો કોઈ કામ થતું નથી ને અહીં જ ભમ્યા કરો છો. ગોળ ગોળ ફરે એ કેટલા માઈલ ચાલે ? એનો એન્ડ (અંત) આવે ખરો ? પ્રશ્નકર્તા : ગોળ ગોળ ફરો તો એનો એન્ડ ના આવે. દાદાશ્રી : ત્યારે એવું જ છે આ બધું. ગોળ ગોળ ફર્યા કરે છે બિચારા, મનુષ્યમાત્ર બધાય, ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે છે અને પાછું ફરી મનુષ્યપણું મળશે કે નહીં એનું ઠેકાણું નથી પાછું. માટે મનુષ્યમાં આવે ત્યારે આવું ખાવાપીવા ને મોજ-મજા હોય, પછી પેલા ખરાબ વિચારો થવાથી જાનવરમાં જાય પાછા. એટલે સમજવું જોઈએ કે આ શું છે, શું નથી. આ જગત કેવી રીતે બન્યું, શી રીતે ચાલે છે, આપણે કોણ છીએ, આપણે શા માટે છીએ, આપણે શું કરવાનું છે ? એ જાણવાનું છે. એ બધું જાણવું જોઈએ. ભીંત સાથે અથડાયા તેમાં દોષ કોનો ? પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામે આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને ? દાદાશ્રી : આ ભીંત જોડે લડે, તો કેટલો વખત લડી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને માર માર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતા હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે. આવું સમજવાનું, પછી કોઈ મુશ્કેલી નથી. પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે ને એ વધારે ક્લેશ કરે. દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તો ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઈ ? મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા છે). કોઈની આટલી સત્તા નથી. આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને છે. અને એના નિમિત્તે જે અથડામણ છે એ તો છોડવાની નથી, નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં ! માટે તમે ભીંત જેવા થઈ જાઓને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલા છે તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ને તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઈ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને 'હેલ્પ' કરે. ક્લેશ વગરનું ઘર, મંદિર જેવું જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, 'સાહેબ, તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર વધારે બંધાવીશું, પણ ઘેર આવશો નહીં !' જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું 'ગેરેન્ટી' આપું છું. ક્લેશ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. મતભેદ ટળે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે, એટલી બુદ્ધિ પણ આવી શકે તેમ છે. જાણ્યું એનું નામ કે કોઇની જોડે મતભેદ ના પડે. મતિ પહોંચતી નથી તેથી મતભેદ થાય છે. મતિ ફૂલ (પૂર્ણ) પહોંચે તો મતભેદ ના થાય. મતભેદ એ અથડામણ છે, 'વિકનેસ' (નબળાઈ) છે. કંઇક ભાંજગડ થઇ ગઇ હોય તો તમે થોડી વાર ચિત્તને સ્થિર કરો અને વિચારો તો તમને સૂઝ પડશે. ક્લેશ થયો એટલે ભગવાન જતા રહે કે ના જતા રહે ? પ્રશ્નકર્તા : જતા રહે. દાદાશ્રી : ભગવાન અમુક માણસોને ત્યાંથી જતા જ નથી, પણ ક્લેશ થાય ત્યારે કહે, 'ચાલો અહીંથી, આપણને અહીં નહીં ફાવે. આ કકળાટમાં મને નહીં ફાવે.' એટલે દેરાસરમાં ને મંદિરમાં જાય. આ મંદિરમાંય પાછો ક્લેશ કરે. મુગટ, દાગીના લઇ જાય ત્યારે ભગવાન કહેશે કે અહીંથી પણ હેંડો હવે. તે ભગવાનેય કંટાળી ગયા છે. જેને ઘેર ક્લેશ થાય એટલે ભગવાનેય કહેશે, 'બળ્યું, આ ઘરમાં તો અવાય નહીં, હેંડો બીજી જગ્યાએ જઈએ.' એટલે ઘરમાં પછી બરકત આવે નહીં કશી બાબતમાં. પછી કહેશે, આટલું આટલું કમાયો પણ કંઈ બરકત આવતી નથી. એ તો મહીં ઘરમાં ક્લેશ-કંકાસ ના થાય તો લક્ષ્મીદેવી રાજી થાય. નિર્મળ લક્ષ્મી ત્યાં નિઃષ્ક્લેશ વ્યવહાર પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ? દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી, તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ 'પટેલ' સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું, 'પેલી રકમ હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્કમટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે મહીં પેલો 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. સન્માર્ગે વાપરી સાધો સુમેળ પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ? દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઇ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઇ પુણ્યશાળીના હાથે જ લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય તે બહુ ભારે પુણ્ય કહેવાય. લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં દુઃખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાંય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઇ જાય. કઇ બેન્કમાં આની સેઇફ સાઇડ છે એ ખોળવું પડે ને પાછાં સંગાવહાલાં જાણે કે તરત જ દોડે, મિત્રો બધા દોડે. કહે, 'અરે યાર, મારા પર આટલોય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઇએ છે.' તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાંય દુઃખ થાય. ક્લેશ-કલુશિત લક્ષ્મી આજની લક્ષ્મી 'પાપાનુબંધી પુણ્ય'ની છે. એટલે તે ક્લેશ કરાવે એવી છે. એનાં કરતાં ઓછી આવે તે સારું, ઘરમાં ક્લેશ તો ના પેસે! આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઇ જાય છે. ફક્ત ભાખરી ને શાક સારું, પણ બત્રીસ જાતની રસોઇ કામની નહીં. કારણ કે એ રસોઇ ખાધા પછી ક્લેશ થાય તો શા કામનું ? આ કાળની તો લક્ષ્મી આવે ને ક્લેશ લાવે. પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી દુઃખ આપીને જાય, નહીં તો એક જ રૂપિયો, ઓહોહો ! કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાંને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાંને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે. ક્લેશના નાસ્તા ! આ તે કેવો સંસાર ? એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, 'બે હજાર જ પડ્યા છે !' અને આખો દહાડો હાય વોય, હાય વોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલે બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તોય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે ! અને આ તો દુષમકાળ, તો આ દુઃખ-મુખ્યકાળમાં જીવો કેવા હોય તે ? કકળાટવાળા. આખો દહાડો કકળાટ, કકળાટ, કકળાટ. અંતરશાંતિ ના રહે. રૂપિયાથી કોઈ શાંતિ થાય નહીં. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !' મેં કહ્યું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યાં, નહીં ?' બેન કહે, 'ના, તોય નાસ્તા કાઢવાનાં, પાઉંને માખણ ચોપડતાં જવાનું.' તે ક્લેશેય ચાલુ ને નાસ્તાય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાંઓ છે ? ક્લેશ ના હોવો ઘટે તેવું નક્કી તો કરો આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઇએ, એટલી તો આપણને આવડત આવડવી જોઇએ. બીજું કંઇ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, 'ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતા રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો.' ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઇ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ક્લેશ કરતો હોય તોય ઓઢીને સૂઇ જવું, એય થોડી વાર પછી સૂઇ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો? સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય તેની બહુ કિંમત છે. અને છતાં ક્લેશ થાય તો એજ્યુકેટેડ (શિક્ષિત) લોકો જ અત્યારે ઘેર ઝઘડો વધારે કરે છે ! એજ્યુકેટેડ કોનું નામ કહેવાય, કે સવારથી સાંજ સુધી એના ઘરમાં સહેજ ક્લેશ ના હોય ! પ્રશ્નકર્તા : તો એવું ના થાય કે એક પાર્ટી સમજ્યા જ કરે અને એક છે તે ડોમિનેટ કર્યા કરે એટલે વન વે જેવું ના થઈ જાય ? દાદાશ્રી : ના, એવું ના થાય. બેઉ સમજી જાય. અને તે આપણે ધીમે રહીને વાતચીત કરીએ કે જો હું સમજી ગયો છું અને તમે હજુ પૂરેપૂરું સમજી નથી લીધેલું લાગતું, તો સમજી લો પૂરેપૂરું આપણે. ફરી આપણી ભાંજગડ ન થાય. અને દાદાજી કહેતા હતા એવું ક્લેશ ના થાય. ઘરમાં ક્લેશ નહીં ત્યાં ભગવાન અવશ્ય હોય જ, ભગવાન ત્યાંથી ખસે નહીં. કો'ક ફેરો એમ કરતાં સ્લિપ થઈ ગયું અને ક્લેશ થઈ ગયો તો બેઉ જણે બેસી અને ભગવાનના નામ પર પસ્તાવો કરવો કે હવે નહીં કરીએ. અમારાથી ભૂલચૂક થઈ. માટે તમે અહીંથી ઊઠશો નહીં હવે, જશો નહીં, એવું કહીએ. આપણે થઈ જવું ઝઘડાપ્રૂફ પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતાં હોઈએ છતાં ઘરમાં બધાં સામેથી રોજ ઝઘડા કર્યા કરે તો ત્યાં શું કરવું ? દાદાશ્રી : આપણે 'ઝઘડાપ્રૂફ' થઈ જવું. 'ઝઘડાપ્રૂફ' થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને 'ઝઘડાપ્રૂફ' કરી આપીશું. ઝઘડો કરનારોય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઈએ. 'વર્લ્ડ'માંય આપણને કોઈ 'ડિપ્રેસ' ના કરી શકે એવું હોવું જોઈએ. આપણે 'ઝઘડાપ્રૂફ' થઈ ગયા પછી ભાંજગડ જ નહીંને ? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તોય વાંધો નહીં અને છતાંય નફ્ફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે. પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે. પ્રશ્નકર્તા : તો એ બીજ કેવી રીતે દૂર થાય ? દાદાશ્રી : ધીમે ધીમે 'સમભાવે નિકાલ' કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ ખૂબ કરવાં પડે. આપણું કશું કોઈ લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તોય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વ ભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તોય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી. હવે વેર બધાં છોડી નાખવાનાં. માટે કો'ક ફેરો અમારી પાસેથી 'સ્વરૂપ જ્ઞાન' મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં. અમે તમને રસ્તો દેખાડીશું. ત્યાં વિચારીને કરજો કામ ક્લેશથી કોઈ મુક્ત થાય નહીં જગતમાં. જ્ઞાની પુરુષ એકલા જ મુક્ત કરાવડાવે. એ તમે આવડા મોટા થયા ત્યારે ઉપાય ખોળી કાઢેલો નહીં ? પ્રશ્નકર્તા : ના દાદા, હું સાચી વાત કરું છું. દાદાશ્રી : મારી પાસે તો બધાય સાચી વાત કરે. પણ ક્લેશ કાઢવો પડે ને ? એનો નિકાલ કરવો જ પડે ને ? પ્રશ્નકર્તા : હા, કાઢવો પડે. દાદાશ્રી : હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું (ક્લેશ કાઢવાનું) થઈ જશે. ઘડા ઉપર ઢાંકણું ઢાંકી દઈએ તો ? આ તો મનુષ્યને ભાન જ નથી. ખાય છે, પીવે છે, તેય ભાન નથી. આપણે આ ભાન વધારવાની જરૂર છે. આ તો ભાન અહંકારમાં જ બધું પેસી ગયું છે. હું આમ છું ને તેમ છું એવું નહીં, મારે બધું જાણવાનું બહુ બાકી છે એવું સમજાવું જોઈએ. જ્ઞાનને માટે ખુલ્લું રાખવું જોઈએ. ઘડા ઉપર ઢાંકણું ઢાંકી દઈએ પછી કોણ પાણી રેડે ? તમને ગમી વાત ? કઈ વાત ગમી તમને, કહો ? પ્રશ્નકર્તા : ઘડા પર ઢાંકણું ન ઢાંકવું જોઈએ એમ એ વાત ગમી. દાદાશ્રી : બેનોએ પણ ક્લેશ ના કરવો જોઈએ ને પુરુષોએ પણ, બેઉ એ એક દહાડો સંપી લેવું જોઈએ, કે આ દાદાજી કહે છે એ પ્રમાણે આપણે કોન્ટ્રાક્ટ નવેસરથી કરી લો. ક્યાંય ભાંજગડ નહીં. એ અકળાય તો તમારે શાંત થઈ જવાનું ને બેસી રહેવાનું. અને પછી અકળામણ ઠંડી થવા આવે તે ઘડીએ ચા લઈને આવવાનું. પ્રશ્નકર્તા : પણ દાદા, કોન્ટ્રેક્ટ કર્યો હોય ને બેસી રહેવું હોય ને બેસે નહીં તેનું શું ? શાંત ના રહેવાય ને ઝઘડી પડાય તો શું કરવું ? દાદાશ્રી : ઝઘડી પડાય તોય આપણે એમને કહેવું કે આ બે પૂતળાં ઝઘડે છે. આ તમને જ્ઞાન હોય એટલે બે પૂતળાં ઝઘડે છે એ જુઓ આપણે, એની ફિલમ જોઈ લો. આવું વિચાર્યું છે કદી ? અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઈફ'ની જોડે વ્યવહાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો 'વાઈફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે, તો પછી કાલે નાટક કર્યું તેનું શું ? એ વિચાર કરવો પડે ને ? આ લોકો તલ શેકી શેકીને વાવે છે તેથી બધી મહેનત નકામી જાય છે. ઝઘડા થતા હોય ત્યારે લક્ષમાં હોવું જોઈએ કે આ કર્મો નાચ નચાવે છે. પછી એ નાચનો જ્ઞાનપૂર્વક ઉકેલ લાવવો જોઈએ. સબ સબકી સંભાલો પ્રશ્નકર્તા : ઝઘડા કરનાર બન્ને જણાએ આ સમજવું જોઈએ ને ? દાદાશ્રી : ના, આ તો 'સબ સબકી સંભાલો'. આપણે સુધરીએ તો સામેવાળો સુધરે. આ તો વિચારણા છે કે ઘડી પછી જોડે બેસવાનું છે તો પછી કકળાટ શાને ? શાદી કરી છે તો કકળાટ શાને ? તમારે ગઈ કાલનું ભૂલાઈ ગયું હોય ને અમને તો બધી જ વસ્તુ 'જ્ઞાન'માં હાજર હોય. જો કે આ તો સદ્વિચારણા છે તે 'જ્ઞાન' ના હોય તેને પણ કામ આવે. આ તો અજ્ઞાનથી માને છે કે એ ચઢી વાગશે. કોઈ અમને પૂછે તો અમે કહીએ કે, 'તુંય ભમરડો ને એય ભમરડો, તે શી રીતે ચઢી વાગશે ? એ કંઈ એના તાબામાં છે ?' તે એ 'વ્યવસ્થિત' (સંજોગો)ના તાબામાં છે. અને વાઈફ ચઢીને ક્યાં ઉપર બેસવાની છે ? તમે જરા નમતું આપો એટલે એ બિચારીના મનમાંય ઓરિયો (ઓરતા) પૂરો થાય કે હવે ધણી મારા કાબૂમાં છે ! એટલે સંતોષ થાય એને. સગવડ વધી, પણ સમજણ ? પહેલાનાં કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તોય ચલાવી લેતા. અને અત્યારે કશાની તાણ નહીં તોય આટલો બધો કકળાટ, કકળાટ, કકળાટ ! તેમાંય ધણીને 'ઇન્કમટેક્સ'-'સેલ્સટેક્સ'ના લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય અને ઘેર બઈસાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, 'મારા ધણી વસમા છે.' આવા સંસારમાં ગમે છે તમને આ બધું ? સંસાર કડવો નથી લાગતો ? પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે. દાદાશ્રી : એટલે ઘરમાં ક્લેશ ના થવો જોઈએ, બસ. કંઈ પણ થાય, ઊંધું-ચત્તું થાય પણ ક્લેશ ન થવો જોઈએ. ઘરમાં ઝઘડા ના થવા જોઈએ એ ધર્મ હોવો જોઈએ, બસ. વાણીની વઢવાડો વસમી પ્રશ્નકર્તા : કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે પણ મન અને હ્રદય સાફ હોય છે. દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય પણ સામાને હ્રદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. એવું છે ને, બોલનાર તો હ્રદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય. પ્રશ્નકર્તા : સામાને ઘણી વખત અસર નથી થતી. દાદાશ્રી : થયેલી ! એ તો દેખાવ કરે એટલું જ. અંદર બધું અસર કરે. મન તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. શબ્દ વખતે ખરાબ નીકળ્યો પણ સામાને અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ પર ઘા કરે. કેટલાક તો એવા બોલ બોલે છે, તે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. એટલે આ તો જાત-જાતનાં લોક. બોલ-શબ્દ બહુ વસમો છે. શબ્દ જો ના હોય ને, તો કામ જ થઈ જાય. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજાસહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. બોલ તો એક્સ્પેન્સ (ખર્ચો) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય. વાણીના પર્યાયોની અસરો બાકી એક માણસને તમે કહો કે તમે જૂઠા છો. હવે જૂઠા કહેતાંની સાથે તો એટલું બધું વિજ્ઞાન ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે ને, તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. એટલા બધા પર્યાય ! માટે શબ્દ બોલાય નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. બોલાય નહીં એવું તો આપણે કહી શકાય નહીં. કારણ કે વ્યવસ્થિત છેને ! પણ બોલાય તો પ્રતિક્રમણ કરો એ આપણી પાસે સાધન છે. પ્રશ્નકર્તા : ધણી-ધણીયાણીઓમાં જે ઝઘડા થાય છે, એ ઉપરવાળા કરાવે છે કે બુદ્ધિથી થાય છે ? દાદાશ્રી : ઉપરવાળો તો આવું કરાવે જ નહીંને ! આ તો તમારી અણસમજણથી થાય છે. સમજણવાળો ના કરે અને સમજણ વગરનો કરે. પ્રશ્નકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ? વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તોય કોઈ સમજે નહીં, એનું શું કરવાનું ? દાદાશ્રી : એવું કશુંય નથી. વિચાર સમજણ પડે છે બધાંય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે એવું. તેમ બધાના વિચાર ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકેય ભાન નથી બળ્યાં. આ તો મનમાં બેઠાં છે કે હું બી.એ. ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો ક્લેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે. પ્રશ્નકર્તા : વાણીથી કશોય ક્લેશ ના હોય પણ મનમાં ક્લેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં બહુ હોય, તો એ ક્લેશ વગરનું ઘર કહેવું ? દાદાશ્રી : એ વધારે ક્લેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ ક્લેશ હોય જ અને પછી આપણને કહે, 'મને ચેન પડતું નથી.' તે ક્લેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના ક્લેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવું બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી ! બોલીને ના બગાડો સંસાર આ બારણાં ખખડે તોય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય તો તમને ગમે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું પણ આ તમે જે બોલો છોને, તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે ! પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે ને લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણીજોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી ઘૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, 'આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈને પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણીજોઈને પડી રહેવું પડે. એટલે આબરૂ જ જાયને ! એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો-બઘડો કેમ કરો છો ? લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો, બહાર જઈને કરજો અને બહેનો તમેય કરશો નહીં, હોં ! ઈચ્છા નથી છતાં થઈ જાય... પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં ક્લેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું ? દાદાશ્રી : જે કાર્ય પૂરું થવાનું થાય ત્યારે ઇચ્છા ના હોય તોય કાર્ય થયા કરે. ત્યારે થયા પછી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : આપણે મનથી એમ ઈચ્છીએ કે આની જોડે નથી બોલવું, કંઈ કજીયો નથી કરવો, નથી ઝઘડવું અને છતાંય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, ક્લેશ થઈ જાય છે, બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે ? દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેપ્સ (પગથીયા) પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાંય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય, બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તેય જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવેય થાય અને ઊંધું કાર્ય થાયેય ખરું, બેઉ થાય. આ બધું કરવાનો ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી છેડો-અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે 'કમીંગ ઈવેન્ટસ કાસ્ટસ ધેર શેડોઝ બીફોર' (જે બનવાનું હોય, તેના પડઘા પહેલેથી પડે). મીઠી વાણી, ખપે મોક્ષદ્વારે ભગવાન શું કહે છે ? હજુ તમે મોક્ષમાર્ગના દરવાજે રહીને હજુ દરવાજાની ધજા જોઈ છે. દરવાજામાં આવશો ત્યારે મીઠી વાણી થઈ જશે. વાણી મીઠી થયા વગર દરવાજામાં પેસાતું નથી. એ એની નિશાની હોવી જોઈએ ને કંઈ કે ના હોવી જોઈએ ? જેટલી કડવી વાણી હોયને, તેમાંથી કડવાટ ઓછી થઈ જાય. પાછી ખારી વાણી નીકળે. ખારીલી વાણી હોય છે ને, તે ખારી ઓછી થઈ જાય. તીખી વાણી નીકળે છે ને, તે તીખી વાણી ઓછી થતી જાય. આ વાણીમાં કશું મહીં મરચું નાખવામાં આવે છે ? જો વગર મરચે-મીઠે, લોક કેવું કહે છે ? આવી તીખી વાણી બોલ બોલ ના કરશોે. અલ્યા, મેં મરચું નાખ્યું નથી ને શું કરવા આમ બોલ બોલ કરે છે ? છતાંય લોક તીખી વાણી બોલે છે ને ! કડવી વાણી મીઠી થઈ જાય તો કેવું સરસ કામ કાઢી નાખે ! એટલે એ શબ્દ ધીમે ધીમે મીઠો થવો, મધુરતા આવવી જોઈએ. એ ધીમે ધીમે મધુરતા આવે ત્યારે પછી એ શબ્દ બીજાને વહાલાં લાગે, વઢે તોય વહાલાં લાગે. કષાય ના હોય તો કશું વઢવામાં વાંધો નથી, કષાયનો વાંધો છે. પ્રશ્નકર્તા : પણ વાણી મધુર થવી જોઈએ. દાદાશ્રી : મધુર થવી જોઈએ. વેરવી ના થાય. મધુર કરેલી તો પછી જીવ્હાગ્રે રહે. એવી મધુર કરેલી કામની નહીં. ક્લેશભાવ ઓછો થતો જાય, પ્રેમ વધતો જાય તેમ વાણી મીઠી થતી જાય. વાણી મીઠી ક્યારે થાય ? જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે. પ્રેમ વધે ત્યારે. પોતાનાં ઘરનાં માણસો પર પ્રેમ તો સહુ કોઈને હોય, પણ જ્યારે પોતાનાં ઘરનાં માણસ જેવો બીજા ઉપરેય પ્રેમ વધતો જાય ત્યારે છે તે વાણી મધુર થતી જાય અને ત્યારે બે ધોલો મારો તોય એને પ્રેમ જ લાગે. પ્રેમથી જ સુધરે દુનિયા એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ પોતે જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ 'વીકનેસ'નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે. હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત. પ્રશ્નકર્તા : ઘણી વખત સામો માણસ આપણે પ્રેમ કરીએ છીએ તોય સમજી નથી શકતો. દાદાશ્રી : પછી આપણે શું કરવું ત્યાં આગળ ? શીંગડું મારવું ? પ્રશ્નકર્તા : ખબર નહીં શું કરવું પછી ? દાદાશ્રી : ના, પેલું શીંગડું મારે પછી આપણેય શીંગડું મારીએ, એટલે પેલુંય શીંગડું મારે પછી ચાલુ લડાઈ. જીવન ક્લેષિત થઈ જાય પછી. પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ? દાદાશ્રી : શું કરવાનું ? શાંત રહેવાનું આપણે. બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ? પ્રશ્નકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ. દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ ! બીજું શું કરવું ? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ? પ્રશ્નકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે. દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય ? છોકરાં જોડે કરો 'ડીલીંગ', સમજણથી પાછું જેમ ઉંમર વધેને, તેમ પોતે એ જાણે કે મારી ભૂલ થાય નહીંને, છોકરાની ભૂલ બહુ થાય છે. પોતાની ભૂલ તો બહુ થાય, પણ પોતે માને કે પોતાની ભૂલ થાય નહીં, જાણે મેજીસ્ટ્રેટ ના હોય. છોકરો પાછો કહેય ખરો કે તમારામાં અક્કલ નથી. તોય એ મનમાં વિચાર કરે કે આ નાનો છે, સમજણ નથી. અલ્યા મૂઆ, એ કહે છે તો તોલી તો જો. આપણામાં અક્કલ છે કે નહીં તે તોલવી ! એ કહે તો તોલવી ના જોઈએ કે 'મારામાં અક્કલ નથી', તે લાવ તોલ તો કરવા દે ? તો મહીં વિચાર કરે તો ખબર પડે ને કે કશું અક્કલ નથી. અક્કલ હોય તો આવું હોય નહીં. અક્કલ હોય તેને ત્યાં ક્લેશ ના હોય. અક્કલવાળા હોયને, તેને ત્યાં બધા શાંતિથી ખાય-પીવે. ઓછું હોય તો ઓછું ને ઘણું હોય તો ઘણું, પણ ક્લેશ ના હોય. તે અહીં કેટલા ક્લેશ વગરનાં ઘર હોય ? પ્રેમ સાચવી કરવો વ્યવહાર અમે જ્યાં જ્યાં ગયાં ને અમેરિકામાં, તે બધાય છોકરાંની બૂમો પાડતાં હતાં કે 'દાદાજી, અમારા છોકરાઓનું શું થશે ?' ત્યારે મેં કહ્યું, 'શું વાંધો આવે ?' તે કાલે સવારે 'મેરી'ને (વિદેશીને) પૈણીને લાવે તો મારે શું કરવું? એનાં ભેગું ભણવાનું. અને 'મેરી' જોડે પૈણે તો મારી શી દશા થાય, કહે છે. ત્યારે મેં કહ્યું, 'મેરી'ની સાસુ થજો. એમાં શું ખોટું છે ? સાસુ થવાનું ના ફાવે મેરીના ? એ આવ્યા પછી કંટાળીએ તો ચાલે નહીં, તે પહેલાં ચેતીએ. ભેગાં રાખશો તો ક્લેશ ઊભા થશે અને એનું જીવન બગડશે અને આપણું બગાડશે. જો પ્રેમ જોઈતો હોય તો એને જુદો રાખી અને પ્રેમ સાચવો, નહીં તો જીવન બગાડશો. નહીં તો આમાં પ્રેમ ઘટી જશે. હંમેશાં એની વાઈફ (પત્ની) આવી હોય ને, તો આપણે એમ ભેગો રાખવા જઈએ તો વાઈફનું કહેલું એ માનશે, તમારું નહીં માને. અને વાઈફ કહેશે, કે 'આજ તો બા છે તે આવું બોલતાં હતાં અને તેવું બોલતાં હતાં.' ત્યારે કહે, 'હા, બા એવા જ છે.' એ ચાલ્યું તોફાન. હવે એનાં કરતાં છેટે રાખવાં અને રોજ સાસુ થવું એની ઘેર જઈને એ સારું. છેટેથી બધું સારું. પ્રેમમાં આપણે આંધળા થઈ જવાની જરૂર છે ? પ્રેમમાં આંધળા ના થઈ જવું જોઈએ ને ? ત્યારે તમારા વહુને હઉ ઘેર રાખવી છે અને છોકરાંને ઘેર રાખવો છે ? પાછો તે બાપો થાય ત્યાં સુધી ? એક છ મહિનામાં કકળાટ ઊભો થશે એવી વસ્તુ જ ના કરશો. છોકરો મોટો થાય તો આપણે આ ફોરેનવાળાને પેઠે રાખવું. અઢાર વર્ષનો થાય બાબો, એટલે પછી તું જુદો રહે, કહીએ. આપણું 'ડીલીંગ' બહુ ઊંચું છે, ફોરેનવાળા કરતાં. જુદો રહ્યા પછી એકતા જેવું જ ડીલીંગ રાખીએ છીએ, પેલા નથી રાખતાં બરાબર. કારણ કે હવે આ જમાનો જુદી જાતનો છે. જમાના પ્રમાણે ના વર્તીએ તો મૂર્ખ થઈએ. સંસ્કાર સિંચનથી કલ્યાણ પ્રશ્નકર્તા : બાળકોમાં ક્લેશ ના થાય તે માટે સંસ્કાર સિંચન કેવી રીતે કરવું ? દાદાશ્રી : નાનાં છોકરાં-છોકરીઓને સમજાવવું કે સવારે નાહીધોઈને ભગવાનની પૂજા કરવી ને રોજ ટૂંકામાં બોલે કે, 'મને તથા જગતને સદ્બુદ્ધિ આપો, જગતકલ્યાણ કરો.' આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય અને મા-બાપનું કર્મબંધન છૂટ્યું. બીજું, છોકરાંને આ તમારે 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' (આરતી એ બધું) રોજ બોલાવવું જોઈએ. આરતીથી વિરમે ક્લેશ પ્રશ્નકર્તા : ઘેર આરતી કરીએ તેનું મહત્વ શું ? દાદાશ્રી : આરતી કરીએ, એનું મહત્વ બીજું કંઈ નહીં, આરતીનું ફળ મળે તમને. આરતીનું ફળ, અહીં મારી હાજરીમાં જે મળે ને એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પેલું તો આપણું ગોઠવણીવાળું, પણ તોય આરતીનું ફળ બહુ ઊંચું મળશે, ઘરે કરશે તોય. એટલે બધાએ ગોઠવી દીધેલું આવું બધું. આખો દહાડો દૂષિત વાતાવરણ ઊભું ના થઈ જાય ને ! નર્યા ક્લેશના વાતાવરણવાળા ઘરો છે. હવે તેમાં આરતી ગોઠવાઈ ગયેલી હોય ને, તો આખો દહાડો કંઈક છોકરાં, બધામાં ફેર પડી જાય ! અને આરતીમાં છોકરાં-બોકરાં બધાં ઊભાં રહે. એ છોકરાંનાં મન સારાં રહે પછી. અને અકળાયેલાં છોકરાં હોય ને, તે છોકરાંને શું ? આ તાપ, અકળામણ અને બહારનાં કુસંગ. તે કુચારિત્રના જ વિચાર આવ આવ કરે. એમાં આપણું આ છે ને, તે ઠંડક આપે, તે પેલા વિચાર ઉડાડી મેલે. બચાવવાનું સાધન છે આ, બહુ સુંદર છે. કેટલાંક તો બે વખત કરે છે, સવારમાં ને સાંજે. છોકરાં ઊભાં રહે ને ? અને મોટાઓને ક્લેશ ના થાય. નર્યું ક્લેશનું જ વાતાવરણ છે. અત્યારે તો ક્લેશ ના ઊભો કરવો હોય, પૈસા હોય, બધુંય સાધન હોય, તેનેય ક્લેશ તો મહીં પેસી જ જાય. ટેબલ ખખડાવે, જમવા બેઠા પછી. ખખડાવે કે ના ખખડાવે ? તમે આમ કર્યું ને તમે આમ કર્યું, ચાલ્યું પછી. ના ચાલે ? એટલે કેટલાંકે ઘરમાં એવું નક્કી કરેલું કે આપણે જમ્યા પછી બધાં, છોકરાં-બૈરી અને ધણી બધાં સાથે બોલવું, આપણી 'વિધિ-આરતી-અસીમ જય જયકાર હો' એ બધું. એટલે છોકરાંં બધાં રેગ્યુલર થઈ જાય ને ! ડાહ્યાં થઈ જાય ! બીજે દહાડે બહાર ફરવા જવાનું કહેતો હોય ને, તો કહે, 'આપણે પેલું બોલો, પેલું બોલો.' એવું કહે. ફરવા જવાનું રહેવા દે અને સંસ્કાર પડે. જેને ત્યાં આ 'દાદા'ની આરતી ઊતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી એ તો વીરતી છે ! જેને ઘેર આરતી થાય એને ઘેર તો વાતાવરણ આખું જ ફેરફાર થઇ જાય. પોતે તો 'શુદ્ધ' થતો જાય ને ઘરનાં બધાં છોકરાંનેય, બધાંનેય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને તો ઘેર 'દાદા' હાજર થાય ! અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઇમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખુંય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું-પવિત્ર થઇ જાય ! ક્લેશ રહિત દશા, ત્યાં ખરો આનંદ પ્રશ્નકર્તા : એવી કઇ ચીજ છે દુનિયામાં કે જે આનંદ પમાડે ? દાદાશ્રી : 'જ્ઞાની પુરુષ'ને જોતાં જ આનંદ આવે. નિરંતર આનંદમાં રહેવું એનું નામ જ મોક્ષ. કોઇ ગાળો ભાંડે, ગજવું કાપે તોય આનંદ ના જાય એનું નામ મોક્ષ. મોક્ષ કોઇ બીજી વસ્તુ નથી. 'જ્ઞાની પુરુષ'ને નિરંતર પરમાનંદ જ રહે. જ્યાં સુધી વ્યવહાર આત્મા છે ત્યાં સુધી માનસિક આનંદ છે. આત્મા જાણ્યા પછી આત્માનો આનંદ પ્રાપ્ત થાય. શબ્દરૂપે સાંભળેલા આત્માથી કામ ના થાય, યથાર્થ સ્વરૂપે હોવું જોઇએ. મહીં ભરપટ્ટે આનંદ જીવમાત્રને ભરેલો પડ્યો જ છે, પણ એ આત્માનો આનંદ આવતો બંધ થઇ ગયો છે. કષાય, ક્લેશ, રાગદ્વેષ થાય તેનાથી આત્મા પર આવરણ આવે ને આનંદ ચાલ્યો જાય. ગાયના શિંગડા પર રાઇનો દાણો મૂકે ને જેટલી વાર ટકે એટલી જ વાર જો આત્માનો આનંદ ચાખે તો એ પછી જાય નહીં, એક ફેરો દ્ષ્ટિમાં બેસી ગયો માટે. સાચો આનંદ એકધારો રહે, બહુ તૃપ્તિ રહે. એ આનંદનું વર્ણન ના થાય. સમજણ સજાવે સંસાર વ્યવહાર પ્રશ્નકર્તા : ક્લેશને કારણે માણસને થોડી વૈરાગ્ય તરફ વૃત્તિ જાય છે એવું કહી શકાય ? દાદાશ્રી : ક્લેશને કારણે જે વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોયને, એ વૈરાગ્ય તો માણસને સંસારમાં વધારે ઊંડો ઉતારે, એના કરતાં એ વૈરાગ્ય ના આવે તો સારું. વૈરાગ્ય તો સમજણપૂર્વકનો હોવો જોઈએ. સમજણપૂર્વકનો વૈરાગ્ય કામનો છે, બાકી આ બીજા બધા વૈરાગ્ય તો કામના જ નહીં. કોઈ જાનવરને પોતાની જાત ઉપર વિશ્વાસ ખલાસ નથી થતો. આ મનુષ્ય સિવાય બધી જાતિ છે, તેમને પોતાની જાત પરનો વિશ્વાસ ખલાસ નથી થતો. આ એકલાં મનુષ્યો જ બિલકુલ પામર જીવો છે. બુદ્ધિ વાપરે છે એટલે પામર થયેલાં છે. આને ભગવાને નિરાશ્રિત કહેલાં છે, બીજાં બધાં આશ્રિત છે. આશ્રિતને ભો ના હોય. કાગડા, બધાં પંખીઓ એ બધાંને છે કશુંય દુઃખ ? જે જંગલમાં ફરનાર છે, શિયાળ, એ બધાનેય કશાં દુઃખ નથી. ફક્ત આ મનુષ્યોનો સંગ કર્યો, એ કૂતરાં, ગાયો એ બધાં દુઃખી હોય છે. બાકી, આ મનુષ્ય એ મૂળ તો દુઃખી છે અને એમના સંગમાં આવે છે તે બધાંય દુઃખી થાય છે. મનુષ્યો અણસમજણથી દુઃખી છે. સમજણ લેવા ગયો તેથી દુઃખી છે. જો સમજણ લેવા ના ગયો હોત તો આ અણસમજણ ઊભી ના થાત. દુઃખ એ બધું અણસમજણનું પરિણામ છે. પોતે મનમાં એમ માને કે, 'મેં આ જાણ્યું, આ જાણ્યું.' અલ્યા, શું જાણ્યું તે ? જાણ્યું છતાંય વહુ જોડે તો વઢવાડ મટતી નથી. કોઈ દહાડો વહુ જોડે વઢવાડ થાય છે તેનો નિકાલ કરતાંય તને આવડતું નથી, પંદર દહાડા તો મોઢાં ચઢેલાં હોય છે. કહેશે, 'શી રીતે નિકાલ કરું ?' જેને વહુ જોડે વઢવાડ થયેલી નિકાલ કરતાં ના આવડે ત્યાં સુધી એ ધર્મમાંય શું સમજવાનો છે ? પાડોશી જોડે વઢવાડ થયેલી હોય તો નિકાલ કરતાં ના આવડે, તે કામનું શું ? વઢવાડનો નિકાલ કરતાં તો આવડવું જોઈએ ને ? આજ કોઈ પણ પ્રકારનું મનુષ્યોને ભાન રહ્યું નથી. મોક્ષનું ભાન ના રહ્યું તેનો તો વાંધો નથી. મોક્ષનું ભાન તો નથી હોતું, પહેલેથી જ નથી હોતું, પણ સંસારનાં હિતાહિતનું ભાન જોઈએ કે ના જોઈએ ? સંસારમાં મારું શી રીતે હિત થાય ને શી રીતે અહિત થાય, એટલું ભાન તો જોઈએ કે ના જોઈએ ? આને મનુષ્યપણું કેમ કહેવાય ? મનુષ્યપણું તો એને કહેવાય કે બાર મહિનામાં દિવાળી જેમ એક જ ફેરો આવે છે, પણ લાભપાંચમ સુધી એના પડઘા રહે છે, એવું આખા વર્ષમાં પાંચ દહાડા બહુ ત્યારે આફત આવે અને બીજા સામાન્ય રીતે સારા દિવસો જાય. પણ આ તો રોજ આફત ! આફત વગર તો દિવસો જ કોઈ નહીં ! મોક્ષના હાઈવેમાં રહેવું આપણે આવા બધા રસ્તા છે ને ઊંધા રસ્તા પણ છે, પણ હાઈવેની વાત જુદી છે. બીજા બધા રસ્તા બહુ હોય હાઈવે કરતાં. હાઈવેની અંદર તો ઘરમાં બૈરી-છોકરાં બધાં હોય તોય ક્લેશ ના થાય ત્યારે જાણવું કે આપણે હાઈવે ઉપર છીએ, નહીં તો આડા ફાંટે ! રસ્તા બધા બહુ છે. એનું લેવલ કંઈક હોવું જોઈએને ? અને આપણે ત્યાં આગળ હાઈવેમાં રહેવું. ક્લેશ ના રહે તે સાચો ધર્મ જ્યાં ક્લેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે ત્યાં ક્લેશ ના થાય. આ ઘેર-ઘેર ક્લેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ? સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઈએ છે કે શું કરવાથી ક્લેશ ના થાય, એટલું જ જો આવડી જાય તોય ધર્મ પામ્યા ગણાય. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો સ્વર્ગની નજીકનું તો થવું જોઈએને ? ક્લેશરહિત થવું જોઈએ. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી. જેલની અવસ્થા હોય ત્યાં 'ડિપ્રેશન' (હતાશ) નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં 'એલિવેશન' (ઉન્મત્તતા) નહીં, એવું હોવું જોઈએ. ક્લેશ વગરનું જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો. તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઈએ છે. કારણ કે બંધન કોઈને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું સ્ટેશન છે મોક્ષનું. અમે તો જ્ઞાન થયું, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ, પણ એ પહેલાંય ક્લેશ ન હતો. પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ, કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત. 'માય ફેમિલી' ત્યાં ભાંજગડ શાને ? મારેય ઘેર હીરાબા (ધર્મપત્ની) છે, તેમની જોડે મારે મતભેદ ઓછા થઈ ગયા બધા, બંધ થઈ ગયા. કારણ કે 'માય ફેમિલી' કહેતાં શીખ્યો. ધીસ ઈઝ માય ફેમિલી. માય ફેમિલીનો અર્થ શું થાય ? ત્યારે કહે, ત્યાં તો ભાંજગડ હોય નહીં. વિચારભેદ હોય પણ ભાંજગડ ના હોય, ક્લેશ તો ના જ હોય. જો ડખલ કરવી હોય ને તો બહારવાળા જોડે જઈને કરી આવો, ફેમિલીમાં ના થાય. આ વન ફેમિલી કહેવાય. એટલે કાલથી બંધ કરી દો, એય તમારી જોડે બંધ કરી દેશે. ફેમિલી કોને કહેવાય ? ફેમિલી એટલે શું ? ફેમિલીમાં જરાય ક્લેશ ના હોય એનું નામ ફેમિલી કહેવાય અને આપણા લોકો તો બધા ફેમિલીમાં જ કચ્ચરઘાણ વાળી દે છે. ફેમિલી એટલે ફેમિલી, એમાં કોઈ માણસ કોઈની કશી ભૂલ ના કાઢે. આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા રૂપિયા આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને બેનો તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. એટલે આ ઝઘડા બધા ઊભા થાય છે આ ગાંડપણનાં, મેડનેસ છે ખાલી ! થોડું વાઈલ્ડપણું (જંગલીપણું) કહેવાય. એ ના હોવું જોઈએ. આપણને શોભે નહીં. કેટલા સંસ્કારી મા-બાપના દીકરાઓ તમે ! સંસ્કારી દેશના, આર્ય પ્રદેશના. આપણને આ શોભે નહીં. અને જે ભૂલ ના જાણતા હોય તે આપણે કહેવી જોઈએ કે આ રીતે આ ન થવું જોઈએ. એટલે ઘણું ખરું આ ઝઘડા બધા બંધ થઈ જાય. ત્યારે દુનિયાથી નિવેડો આવે એવું છે ને કે ક્લેશ અને કંકાસને લઈને આ દુનિયા ઊભી રહી છે. એ ક્લેશ ને કંકાસ બંધ થઈ જાય આપણા ઘરમાં તો પછી દુનિયાનો કંઈ નિવેડો આવી જાય. ક્લેશ-કંકાસ, તે આપણા ઘણા મહાત્માઓને ઘેર તપાસ કરી બધાને પૂછી આવ્યો, ત્યારે કહે, અમારે ત્યાં ક્લેશ-કંકાસ હવે રહ્યો નથી. થોડો-ઘણો જરા સળગતા સળગતા પહેલાં ઓલવી નાખીએ છીએ. તે કોઈને ખબર ના પડે કે થઈ ગયો ! એક મહિનામાં બે દહાડા જ ક્લેશ થાય તોય બહુ થઈ ગયું. ક્લેશ-કંકાસ દુનિયામાં હોવો ના જોઈએ. આપણે આ બહાર પૂછી જોઈએ તો કેટલાંય ઘરો નીકળશે, ક્લેશ-કંકાસ વગરનાં આપણા મહાત્માઓનાં ! ક્લેશનો અભાવ, સહજ ભાવે પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય, એને ત્યાં પણ ક્લેશ ના થતો હોય, એ શું કહેવાય ? દાદાશ્રી : એને દેવ જેવું કહેવાય, પણ એ શક્ય નથી આ કાળમાં ! કારણ કે ક્લેશ છેને, તે ચેપી રોગની પેઠ અસર કરે છે. ચેપી રોગ હોયને, એવી રીતે અસર કરે છે. ઘેર ઘેર પેસી ગયો છે ક્લેશ ! પ્રશ્નકર્તા : જ્ઞાન ન લીધું હોય, તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય એ બેમાં ફેર શું ? દાદાશ્રી : પેલો તો ક્લેશનો જે અભાવ હતોને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતાં હતાં અને જ્ઞાન પછી આ સહજભાવે અભાવ રહે, પેલું કર્તાપણું છૂટી જાય. એડજસ્ટ થઈ લાવવો ઊકેલ અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય તેટલાં પૂરતું આપણે 'એડજસ્ટ' થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો, ઝઘડો થયા પછી વાઈફને હોટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ. જગતની કોઈ વસ્તુ આપણને ફીટ થાય નહીં. આપણે એને ફીટ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ફીટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે એડજસ્ટ એવરીવ્હેર. આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી. લેવું પ્રાર્થનાનું એડજસ્ટમેન્ટ પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ? દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, 'દાદા ભગવાન! આને સદ્બુદ્ધિ આપજો.' આટલું કહેવું પડે. કંઈ એને અદ્ધર ના લટકાવાય, ગપ્પું નથી. નહીં તો છેવટે પ્રાર્થનાનું 'એડજસ્ટમેન્ટ' ! ન ચલાવાય આપણી દ્ષ્ટિથી કોઈને પ્રશ્નકર્તા : આ નજીકની ફાઇલ અને ચીકણી ફાઈલ, એ બધી જ ક્લેઈમવાળી કહેવાય ? દાદાશ્રી : ચીકણી ફાઈલો બધી પોતાની ભૂલો છે એ. પ્રશ્નકર્તા : એ કઇ ભૂલ ? દાદાશ્રી : જેટલો પારકાં જોડે નોબલ રહે છે, ઓપન માઇન્ડ, એટલો અહીં ઓપન માઈન્ડ રહેતો નથી. એટલે પછી શોધખોળ કરેલી અમે, તે ઓપન માઇન્ડથી જ અમે ચાલેલા. એટલે અમારે આમની જોડેય ફાવે ને આમની જોડે ફાવે. આ તો ઓપન માઇન્ડથી ચાલતાં નથી, મનમાં એમ છે કે હું એનું સીધું કરી આપું, આવી રીતે ના ચાલવું જોઈએ. પ્રશ્નકર્તા : હા, દાદા એવું જ છે. દાદાશ્રી : આપણી દ્ષ્ટિએ ચલાવવો છે એને, ચાલે છે જે દ્ષ્ટિએ એ નહીં ચાલવા દેવાનો. એ વીતરાગ મતની વિરુદ્ધ છે, એ વીતરાગોના સામાવળીયા કહેવાય છે. જે પોતાની દ્ષ્ટિએ બીજાને ચલાવડાવે, એ વીતરાગોના સામાવળીયા કહેવાય. પ્રશ્નકર્તા : ચાનક લાગે એવું વાક્ય છે કે વીતરાગોના સામાવળીયા થાવ છો તમે આવું કરીને ! દાદાશ્રી : છે જ સામાવળીયા, તેથી જ દુઃખ છે ને ! કશુંય ફરે નહીં. તૂટી જાય ત્યાં સુધી ખેંચે એટલું જ. કેટલાક ડાહ્યા હોય તે કહેશે, 'ભઈ, તૂટ્યા પછી ગાંઠ વાળવી.' તેના કરતાં આપણે તૂટવા જ ના દઈએ એ શું ખોટું ? પછી ગાંઠ વાળવાનું ના સમજે એ. તૂટ્યા પછી ગાંઠ વાળવી, તેના કરતાં ડાહ્યા થઈ જાવ ! પ્રકૃતિ ઉકલે એમાં દોષ કોનો ? પ્રશ્નકર્તા : કોઈ વખત એવું થાય તો સમજણ પાડવા માટે કંઈક કહેવું કે નહીં ? દાદાશ્રી : બળ્યું, પારકાંને સમજણ પાડો છો ? તે આ કંઈ નિશાળિયાં છે આપણાં ? આ તો હિસાબ લેવા આવ્યા છે, રાગ-દ્વેષના. એટલે કહેવાની ઇચ્છા જ ના રાખવી. આ કંઈ નિશાળિયાં ન્હોય. નિશાળિયાં કોનું નામ કહેવાય કે જેને શીખવાડીએ-વઢીએ તો એ સ્વીકાર કરે. આ તો સામા થાય છે તો બળ્યું એ શી કમાણી ? કોઈ દહાડો કોઈને વઢું છું હું ? પ્રશ્નકર્તા : નથી વઢતા. દાદાશ્રી : બધા વાંકાચૂકા નહીં હોય ? મારા કહેવા પ્રમાણે ચાલે ? મારા ધાર્યા પ્રમાણે કોઈ ચાલતાં હશે ? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે ચાલે. ખુલાસાઓ મેળવી કામ કાઢી લો પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે જ્યારથી આવ્યો છું ત્યારથી આપ એક શબ્દકોષ જેવા જ મને દેખાવ છો. ડિક્ષનરી જેવા જ હો ! જ્યારે કંઈક અમે ગૂંચવાઈએ ત્યારે આપની પાસે પૂછવા આવીએ એટલે તરત જ એનો ખુલાસો આપો છો ! દાદાશ્રી : મેં બધા ખુલાસા, બધું દર્શન પ્રાપ્ત કરેલું છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું દર્શન પ્રાપ્ત કરેલું છે. જેનો જે ગૂંચવાડો હોય તેનો ખુલાસો તરત મળશે. તેનું જ્ઞાન પૂર્ણતાએ થયું નથી પણ દર્શન તો છે જ. સમજમાં આવી ગયું છે. કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે. અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી હુંય 'દાદા ભગવાન, દાદા ભગવાન' કર્યા કરું. એ અનુભવમાં આવ્યું નથી ને ! આ ઊંચામાં ઊંચી, આટલી જો આવડત આવે જગતમાં, આટલું ડહાપણ ફરી વળેને, તો કામ કાઢી નાખે જગતના લોકોનું !
- જય સચ્ચિદાનંદ |