'ક્રોધ-કષાય' નિર્જરે, પ્રતિક્રમણથી

સંપાદકીય

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી પણ હજુ કોઈ કોઈ વાર સ્થૂળ કે સૂક્ષ્મરૂપે ક્રોધ કષાયના પરિણામ ઊભા થઇ જાય એવું બને ખરુંને ? હકીકતમાં એ પ્રકૃતિનાં પરિણામ છે. પોતાના પરિણામ નથી, કારણ કે પોતે પ્રકૃતિથી જુદો પડે છે, ક્રોધ કરનારથી જુદો પડે છે. એટલે ગુસ્સો થાય તો પણ કર્મબંધ ના પડે. એ ડિસ્ચાર્જ પરિણામ છે.પણ એના થકી કોઇ પણ જીવને દુઃખ થયું હોય તો તેના ઉપાય તો કરવા પડેને ? કારણ કે આપણે મોક્ષે જવું છે અને કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ આપીને આપણે મોક્ષે જઈએ એ બને નહીં.

આપણને ક્રમણનો અધિકાર છે,અતિક્રમણનોનહીં.અતિક્રમણ કરવાનો કાયદો નથી,પણ અતિક્રમણ થયું ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. હવે જ્ઞાન પછી 'હું કરું છું' ભાવ નીકળી ગયો એટલે પ્રતિક્રમણ આપણે 'શુદ્ધાત્મા'એ નહીં કરવાનાં પણ, મન-વચન-કાયા (ફાઈલ નં. ૧) પાસે કરાવવાનાં.

પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય ? કે આ જે ભૂલ થઈ રહી છે, ખોટું થયું તેમાં હું સહમત નથી. પ્રતિક્રમણ તો આપણા અભિપ્રાય ફેરવવા માટે છે. પ્રકૃતિ એટલે આપણો જે ચારિત્રમોહ છે એ અભિપ્રાય રાખે પણ આપણે તો અભિપ્રાય રહિત થવું છે. આપણને ઈચ્છા નથી ફરી આવું કરવાની. આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ ના કરે તો સ્વભાવ બદલાય નહીં ને એવો ને એવો જ રહે.

ભગવાન શું કહે છે કે તું તારો મોક્ષ બગાડીશ નહીં. પ્રકૃતિ વાંકું કરે પણ, તું અંદર સીધું કરજે. પ્રકૃતિમાં ક્રોધ નીકળે ત્યારે ફાઈલ નંબર એકને કહેવું પડે, આ ખોટું થઇ રહ્યું છે, આવું ના હોવું જોઇએ. પ્રકૃતિ કોઇને બાધક થતી હોય તો પ્રતિક્રમણ કરાવવું પડે. પ્રતિક્રમણથી શું થાય કે સહેજેય મળ ચોંટે નહીં. અશુદ્ધ થઇ ગયેલા પુદ્ગલ નીકળે ત્યારે પ્રતિક્રમણ કરે એનાથી એ શુદ્ધ થઇ જાય. આપણે શુદ્ધ થયા પણ, ફાઈલ એકને શુદ્ધ કરવી એ આપણી ફરજ. એટલે પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) અંગુલિનિર્દેશ કરે છે કે શુદ્ધ જુઓ, ફાઈલોનો સમભાવે નિકાલ કરો અને અતિક્રમણ થયું ત્યાં પ્રતિક્રમણનો ઉપાય કરો એટલે આપણે છૂટ્યા. અજ્ઞાને કરીને બાંધેલા, જ્ઞાને કરીને કાઢ્યા એટલે આપણી જવાબદારી નહીં. જવાબદારીથી મુક્ત થઇશું ત્યારે જ છૂટી શકાશેને ?

પ્રસ્તુત સંકલનમાં પ્રતિક્રમણ એટલે શું, ક્રોધના પ્રતિક્રમણ કોણે કરવાના, ક્રોધ કરનાર કોણ, પસ્તાવા લેનાર કોણ, પ્રતિક્રમણ શાથી નથી થતા તેમજ પ્રતિક્રમણનું અંતિમ પરિણામ ઈત્યાદિ સંબંધી ગૂઢ રહસ્યો દાદાશ્રીએ સરળ શૈલીમાં ખુલ્લા કર્યા છે,જે મોક્ષાર્થીને ક્રોધ કષાય સામે જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ આદરવામાં સહાયભૂત બની રહેશે એજ અભ્યર્થના.

દીપક દેસાઈ

'ક્રોધ-કષાય' નિર્જરે, પ્રતિક્રમણથી

કષાયોને વાળી લે તે સમકિત

દાદાશ્રી : કોઈવાર ક્રોધ દેખા દે છે તમને ?

પ્રશ્નકર્તા : કો'ક દિ આવી જાય પણ પાછું તરત એને વાળી લઈએ.

દાદાશ્રી : વાળી લેવાય એવું રહ્યું છે ? તમારા કાબૂમાં આવી જાય ?

પ્રશ્નકર્તા : કાબૂમાં આવી જાય.

દાદાશ્રી : પછી પસ્તાવો થાય કે વાળી લેવાય ?

પ્રશ્નકર્તા : તરત જ, એ જ મિનિટે કે આ ખોટું થયું; આ મારો સ્વભાવ નથી.

દાદાશ્રી : ના, પણ વાળી લેવાય એવું નહીં ?

પ્રશ્નકર્તા : વાળી લેવાય એટલે બંધ.

દાદાશ્રી : વાળી લેવાનો શો અર્થ છે ? કે મને ક્રોધ આવે ને, આ ભાઈની ઉપર એટલે હું એમને ખબર ના પડે એ પ્રમાણે વાળી લઉં. પસ્તાવો કરે એ બીજું સ્ટેજ છે. તમારે વાળી લેવાતું નથી ?

પ્રશ્નકર્તા : પોતાનો વિચારો ફેરવી નાખે, વાળી નાખવું એટલે ?

દાદાશ્રી : પણ સામો તો દાઝી મર્યો ને ? વાળી લેવાનો અર્થ શું છે કે આપણને ક્રોધ ઉત્પન્ન થાય તે આપણને તરત ખબર પડી જાય એટલે તરત સામાના દાઝયા પહેલાં આપણે વાળી લઈએ.

જૈનના લક્ષણ કયાં ? ત્યારે કહે, ભગવાનની આજ્ઞાપૂર્વક ચાલવું. ભગવાનની આજ્ઞા ઓછી પળાય તો વાંધો નથી પણ જેને ક્રોધ-માન- માયા-લોભ થાય તે ઘડીએ પ્રતિક્રમણ કરે, તેને અમે જૈન કહીએ અને ક્રોધ-માન-માયા-લોભ વાળી લે તેને અમે સમકિત કહીએ. વાળી લે એટલે સામાને વાગતાં પહેલાં ગોળી બંધ, છૂટે નહીં.

ક્રિયા નહીં, ભાવની કિંમત

તને એકદમ ક્રોધ આવ્યો. તારે ક્રોધ નથી લાવવો છતાં એ આવે, એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : એ ક્રોધ આવ્યો તે એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે, 'જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.' કોઇ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું ફળ મળી જાય. એટલે ક્રોધ થવો એ સ્થૂળકર્મ છે અને ક્રોધ આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે 'ક્રોધ કરવો જ જોઇએ.' તો તે આવતા ભવનો ફરી ક્રોધનો હિસાબ છે. તારો આજનો ભાવ છે કે ક્રોધ ના કરવો જોઇએ, તારા મનમાં નક્કી હોય કે ક્રોધ નથી જ કરવો, છતાં પણ થઇ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું. આ સ્થૂળકર્મમાં તને ક્રોધ થયો તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને આવતા ભવનું બંધન નહીં થાય. કારણ કે સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ક્રોધ ના જ કરવો જોઇએ. અને હવે કોઇ માણસ કોઇની ઉપર ક્રોધ નથી કરતો, છતાં મનમાં કહેશે કે, 'આ લોકોની ઉપર ક્રોધ કરીએ તો જ એ સીધા થાય એવા છે.' તે આનાથી આવતા ભવે એ પાછો ક્રોધવાળો થઇ જાય ! એટલે બહાર જે ક્રોધ થાય છે તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મનું બિલકુલ બંધન નથી, જો આ સમજો તો. તેથી આ 'સાયન્સ' મેં નવી રીતે મૂકયું છે.

પછી ન રહ્યું વિચરનાર કોઈ

પ્રશ્નકર્તા : વિચારો આવે તેને જાણ્યા કરીએ તો છૂટા રહ્યા. વિચારોમાં તન્મયાકાર થાય તો આશ્રવ થયો અને તે સમય લેવાયો તો બંધ પડે ?

દાદાશ્રી : આશ્રવ ક્યારે થાય ? ક્રોધ-માન-માયા-લોભ એ જ ભાવ થાય ત્યારે આશ્રવ થાય. ત્યાં સુધી આશ્રવ થાય નહીં. વિચારોમાં તો પ્રમાદ થાય. પોતાની જગ્યામાં બેઠો હતો ત્યાંથી વિચર્યો. સારા વિચાર આવ્યા એટલે ગમ્યા એટલે ત્યાં વિચરી અને તન્મયાકાર થાય, એ પ્રમાદ કહેવાય. અને ખરાબ વિચાર આવે ત્યારે વિચરે નહીં. કંટાળી જાય ત્યાં ઊભો રહે. બીજા સ્પંદન થયા કરે. તેને કંઈ લેવાદેવા નથી. આ જ્ઞાન લીધા પછી વિચરનાર રહ્યો જ નહીં, એમાંથી જીવ તત્ત્વ તો ઊડી ગયું. હવે જે વિચરનાર છે તે અજીવ તત્ત્વ છે, એટલે પહેલાનું ડિસ્ચાર્જ છે આ બધું. પણ એ વિચારને આપણે જોયા કરવા જોઈએ. એની મહીં તન્મયાકાર થાવ, આપણે જો પ્રમાદ કરીએ તો એ ફરી ફરી પાછું ધોવું પડે. જેટલાં કપડાં આવે એટલાં ધોઈ નાખવા જ જોઈએ ને ? પાછા દસ રહેવા દઈએ તો પાછા ફરી આવે.

પ્રશ્નકર્તા : પણ આશ્રવ અને બંધની વચ્ચેની લક્ષ્મણરેખા કેવી રીતે જાણવી ?

દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ થાય એ આશ્રવ કહેવાય. અને પછી પાછળ જો પસ્તાવો થાય તો બંધ ના પડે. પસ્તાવો ના થાય અને એમ કહે કે આ કરવા જેવું જ છે, તો સજ્જડ બંબ ! 'મારે આમ કેમ થાય છે, મારે આ ના જોઈએ, ને આ શું થઈ રહ્યું છે.' એ પાછું ના બંધાવા દે. પણ જગતના લોકોને તો તરત જ એ ગમે એટલે ત્યાં આગળ બે જાતની પ્રવૃત્તિ ના હોય એમની. પ્રાકૃતિક પ્રવૃત્તિ હોય. અને આ જ્ઞાન પછી તો પ્રકૃતિ ને આત્મા બંને જુદી વસ્તુ છે. એટલે પ્રકૃતિ ક્રોધ કરે અને મહીં આત્મા (પ્રજ્ઞા) કહેશે, 'નહીં, આવું ના હોવું જોઈએ.' તેથી હું કહું છું કે તે ડિસ્ચાર્જ કહેવાય. પછી કર્મ બાંધે નહીં. કારણ કે કર્મ બાંધનારો તન્મયાકાર થયો તો બાંધે. પોતે જુદો રહીને કહે છે કે આમ ના હોવું જોઈએ, તો ના બાંધે. ચાર્જ ના થાય એનું નામ સંવર. તમે ગુસ્સો કરો તો યે તમારે સંવર કહેવાય ને એ ભાઈ ગુસ્સો ના કરે તો યે સંવર ના કહેવાય. એ તો મહીં જે ક્રોધના પરિણામ જામ્યા તે એનું આશ્રવ થયા કરે, એનો બંધ થાય. આશ્રવ તો અમુક ઉત્પન્ન થયું એને આશ્રવ કહે, પછી એનાથી બંધ થાય. તે આ બંધ મોળો પડે પ્રતિક્રમણ કરે એટલે. એ પ્રતિક્રમણ કરે છે ને, એટલે ગાંઠ વાળ્યા પછી આમ એને ઢીલી કરી નાખે ને પછી આવતે ભવ ઢીલી હોય તો આમ હાથ લગાડે કે છૂટી જાય. તમને તો બંધ પડે જ નહીં ને ! આપણું જે જ્ઞાન આપેલું છે ને, તે બંધ પડે નહીં. ગુસ્સો થાય તો યે બંધ ના પડે, એવું આ અક્રમ વિજ્ઞાન છે.

જુઓ, ક્રોધ-માન-માયા-લોભ મેં તમારા કાઢી નાખ્યા. જીવ તો જીવમાં મૂકી દીધો પણ અજીવ તો રહ્યો છે, અજીવ ભાવ રહ્યો છે. એટલે અજીવ ક્રોધ-માન-માયા-લોભ છે એ તમને નુકસાન ના કરે પણ કો'કને નુકસાન થતું હોય તે ઘડીએ પ્રતિક્રમણ કરાવડાવું પડે. ચંદુભાઈ જો અકળાયા હોય અને કોઈને નુકસાન થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો એ ભાઈના નામનું. કોઈને કિચિંત્માત્ર દુઃખ આપીને કોઈ મોક્ષે ગયેલો નહીં. રોજ રસ-પૂરીઓ ખાતો હશે એનો વાંધો નથી પણ આ દુઃખ આપીને મોક્ષે જાય એ બને નહીં. અહીં શું ખાય છે, પીવે છે, તેની ત્યાં કિંમત નથી. કષાયનો જ વાંધો છે ને અજાગૃતિ ના રહેવી જોઈએ.

પ્રકૃતિને જુદી રાખે તે સંયમી

હવે (આ જ્ઞાન લીધા પછી) ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં, કારણ કે તે આત્માના ગુણ જ નથી. એટલે આપણા મહાત્મા બધા સંયમી કહેવાય. સંયમી એટલે શું કે આ પ્રકૃતિ શું કરી રહી છે. તેનાથી વિરુદ્ધનો પોતાનો અભિપ્રાય ઊભો થઈ જાય, એ સંયમી છે.

પ્રકૃતિ ગુસ્સે થાય તો પોતાને ગમે નહીં. એ અભિપ્રાય જુદો થઈ જાય એ સંયમી. આમ ના હોવું જોઈએ, આ આડાઈ ના હોવી જોઈએ. પ્રકૃતિ તો એના પાઠ ભજવ્યા જ કરવાની. અસંયમી હોય તો પ્રકૃતિમાં એકાકાર થઈને પાઠ ભજવે અને સંયમી હોય તો એ પ્રકૃતિને જુદી રાખે, જુદી રાખ રાખ કરે. પ્રકૃતિમાં તન્મયાકાર થાય એય જુદું અને પ્રકૃતિ જે કરે, તેની ઉપર પોતે અભિપ્રાય જુદો પાડે એ સંયમી. એ ગમે તેવી પ્રકૃતિ હોય, પ્રકૃતિમાં તન્મયાકાર ના થાય એ સંયમી.

મહીંથી જ ચેતક ચેતવે

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે. એટલે ક્રોધ આવી જાય.

દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય.

પ્રશ્નકર્તા : પણ તે વખતે 'જ્ઞાન' પણ એટલું જ જોરદાર ચાલે છે.

દાદાશ્રી : હા, 'જ્ઞાને'ય જોરદાર ચાલે. આ 'અક્રમ વિજ્ઞાન' છે, એટલે મારંમાર, લડી કરીને પણ ઠેકાણે લાવી દે !

'જ્ઞાન' ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં પણ મહીં કહેશે કે 'ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.' અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.

એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમકિતબળ છે, જબરજસ્ત સમકિતબળ છે ! તે રાત-દા'ડા નિરંતર કામ કર્યા જ કરે !

પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ?

દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને માટે, તે ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય.

શું બને છે તે જુઓ

પ્રશ્નકર્તા : જ્ઞાન પછી જે સહજપણું રહેવું જોઈએ અને સામાને એડજસ્ટ થવાનું હોય, તે ના થાય તો શું કરવાનું ?

દાદાશ્રી : એવું બને તો એવું જોવું. 'આપણે' 'ચંદુભાઈ' શું કરે છે એ ફક્ત જોવું, એવું આપણું જ્ઞાન કહે છે.

પ્રશ્નકર્તા : આપણે સામાને 'એડજસ્ટ' ના થઈએ, એ આપણી આડાઈ કહેવાય ?

દાદાશ્રી : ના, એવું કશું નથી. સામાનો હિસાબ હોય એ પ્રમાણે બધું થાય.

પ્રશ્નકર્તા : પણ સામા માણસને આપણા ક્રોધવાળા વર્તનથી દુઃખ તો થાય ને કે આ મારું માન નથી જાળવતા.

દાદાશ્રી : તો તેનું આપણે 'ચંદુભાઈ' પાસે પ્રતિક્રમણ કરાવડાવવું, એમાં બીજો કશો વાંધો નથી.

આ શાકમાં કેટલી જાતો છે ?

પ્રશ્નકર્તા : ઘણી બધી.

દાદાશ્રી : એવું આ બધું શાકની જેમ જાતજાતનું છે. પ્રતિક્રમણ એકલો જ એનો ઉપાય છે.

પ્રશ્નકર્તા : તો એવા પ્રસંગોમાં આપણે આપણું છોડી દેવું કે આપણું પકડી રાખવું ?

દાદાશ્રી : શું બને છે એ 'જોવું.'

ત્યાં પ્રતિક્રમણ જ ઉપાય

પ્રશ્નકર્તા : ઘણીવાર તો આપણી પકડ બે-બે, ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલે છે. તે વખતે પ્રકૃતિ 'એડજસ્ટ' થતી નથી, કઢાપો-અજંપો થયા કરે, તેનો અફસોસ રહ્યા કરે છે.

દાદાશ્રી : આપણી પ્રકૃતિ કોઈને બાધક થતી હોય તો પ્રતિક્રમણ કરાવવું. પ્રકૃતિ તો બહુ જાતજાતનું દેખાડે.

પ્રશ્નકર્તા : પણ એવા સમયે આપણે ધારો કે 'એડજસ્ટ' ના થઈએ અને સામાને દુઃખ થયા કરતું હોય તો પછી શું કરવું ? આપણે 'એડજસ્ટ' થઈ જવું ?

દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ એકલું જ કરવાનું. 'એડજસ્ટ' થવુંય નહીં ને એ થવાતુંય નથી. આપણે 'એડજસ્ટ' થવું હોય તોય થવાય નહીં, ટિકિટ ચોંટે જ નહીં. તું ચોંટાડ ચોંટાડ કરું તોય ઊખડી જાય ! માટે સામાને આપણાથી દુઃખ થાય કે આપણે પ્રતિક્રમણ કરી લેવું.

કોઈને દુઃખ થતું હોય, તેથી કરીને આપણે 'એડજસ્ટ' થવું એવું લખ્યું નથી. એમ 'એડજસ્ટ' થવાતુંય નથી. એવો ભાવ જ, અભિપ્રાય જ ના હોવો જોઈએ કે 'એડજસ્ટ' થવું છે.

પ્રશ્નકર્તા : આ ના સમજાયું, ફરી સમજાવો !

દાદાશ્રી : 'એડજસ્ટ' થવાનો અભિપ્રાય જ ના હોવો જોઈએ. જ્યાં 'એડજસ્ટ' જ ના થવાય એવું હોય, ત્યાં આગળ 'એડજસ્ટ' થવાના અભિપ્રાયને શું કરવું છે ? એના કરતાં પ્રતિક્રમણ કરી લેવું, એ સારામાં સારું છે. 'એડજસ્ટ' થવાનો ભાવેય સારો નહીં. એ બધો સંસાર છે. આ રૂપે કે તે રૂપે, બધો સંસાર જ છે. આમાં ધર્મ નથી કે આત્મા નથી.

પ્રકૃતિ લખે અને પુરુષ ભૂંસે

પ્રશ્નકર્તા : પ્રકૃતિને છેદવાના ઉપાય એ પુરુષાર્થ વિભાગમાં જાય ?

દાદાશ્રી : હાસ્તો વળી. આ આડુંઅવળું સમજાવી દીધું કે ચાલ્યું ગાડું. પોતાની પ્રકૃતિની ભૂલો દેખાવી એ ના બને, કારણ કે પ્રકૃતિને પ્રકૃતિની ભૂલો ના દેખાય. ક્રોધ-માન-માયા-લોભ, અહંકારને, બુદ્ધિને પોતાની ભૂલો દેખાય નહીં. પોતે જ પ્રકૃતિને એટલે પોતાની ભૂલો દેખાય નહીં. દેખાય તે બહુ મોટી મોટી હોય જબરજસ્ત, તે દેખાય. બીજી અનંતી ભૂલો છે. નર્યો ભૂલોનો ભંડાર છે. પણ આમાં દેખાય નહીં. જો ભૂલો દેખાતી થાય તો ભગવાન થાય.

જ્ઞાન મળ્યા પછી ભૂલો શાનાથી દેખાતી થાય ? પ્રજ્ઞાશક્તિથી. આત્મામાંથી જે પ્રજ્ઞાશક્તિ પ્રગટેલી, એનાંથી બધી ભૂલો દેખાતી થાય અને એ ભૂલો આપણને દેખાતી થાય એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે ભાઈ, પ્રતિક્રમણ કરો. પેલી પ્રજ્ઞાશક્તિ ડાઘ દેખાડે એટલે આપણે કહીએ, આ ધોઈ નાખ. એટલે બધાય કપડાં ધોઈ નાખવા. બધા ડાઘના પ્રતિક્રમણ કર્યા એટલે ચોખ્ખા !

પ્રશ્નકર્તા : દાદા, આ જે પાટી (સ્લેટ) ભૂંસીને ચોખ્ખી કરી નાખી છે, હવે ફરીથી એમાં ચિતરામણ ના થાય એવી શક્તિ આપો.

દાદાશ્રી : પ્રકૃતિ લખે છે અને પુરુષ ભૂંસે છે. પ્રકૃતિ ભૂલથી લખી નાખે ને પુરુષ ભૂંસી નાખે. પ્રકૃતિ લખ્યા વગર રહે નહીં ને પુરુષ (આત્મા) થયા એટલે પુરુષાર્થથી પુરુષ ભૂંસી નાખે. આવી વીતરાગોએ શોધખોળ કરેલી. કારણ કે પ્રકૃતિને પુરુષાર્થ નથી, પુરુષ પુરુષાર્થવાળો છે.

પ્રકૃતિ તો અભિપ્રાય રાખે, બધુંય રાખે પણ આપણે અભિપ્રાય રહિત થવું. પ્રકૃતિ એટલે આપણોય આ ચારિત્ર મોહ જે છે ને તે અભિપ્રાય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. એનો ભરેલો માલ નીકળે છે.

ભૂલો તો ખબર પડવી જ જોઈએને !

પ્રકૃતિના ધક્કાથી કોઈની પર કોઈ માણસ (મહાત્મા) ઊગ્ર થઈ જાય છે, પણ તરત જ એની પાછળ પોતે શેમાં હોય છે ? 'આ ના થવું જોઈએ' એ ભાવમાં છે અને જગતના લોકો જે થઈ જાય છે, એ ભાવમાં જ છે. એટલે એ બેમાં બહુ ફેર છે. તમારે તો સહમત થઈને ચાલે છે ને બધું ?

પ્રશ્નકર્તા : એ બને. પણ પછી આજનો અભિપ્રાય જુદો પડી જાય.

દાદાશ્રી : પછી કેટલા ટાઈમે ? જાગૃતિ તો તરત કલાક-બે કલાકમાં આવવી જોઈએ. પણ માલ એવો કચરો ભરેલો, તે કેટલીય બાબતમાં (ભૂલ) ખબર જ પડતી નથી. તને નથી લાગતું એવું ? કેટલા કલાકમાં એ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું છે ? બે કલાકે, ચાર કલાકે કે બાર કલાકે પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું થયું. હજુય કેટલીક બાબતમાં (ભૂલ) થાય પણ તમને ખબર ના પડે. મને ખબર પડી જાય કે આ વાંકા ચાલ્યા. અમને ખબર પડે કે ના પડે ? છતાં અમે ચાલવા દઈએ. પાછું અમે જાણીએ કે હમણે રાગે આવી જશે.

પ્રશ્નકર્તા : ત્યાં આગળ શું કરવું જોઈએ ?

દાદાશ્રી : નહીં, એ કશું કરવાનું નહીં. ત્યાં બસ આ ઊંધું-ચત્તું થાય, એ પ્રતિક્રમણ કરતાં રહેવાનું. આ માર્ગ જ આખો પ્રતિક્રમણનો છે, શૂટ ઓન સાઈટનો માર્ગ છે. જો શૂટ ઓન સાઈટ (પ્રતિક્રમણ) ચાલુ રહેતું હોય તો જ તમે પહોંચી શકશો, નહીં તો પહોંચી નહીં શકાય !

પ્રકૃતિને જોવી એ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : ક્રોધ આવે તો તે ઘડીએ અંદર ભાવમાં થાય કે, આ ખોટું છે. તારે ક્રોધ ના કરવો જોઈએ. એ બરોબર છે ?

દાદાશ્રી : આપણે છે તે ચંદુભાઈને કહેવું કે ભઈ, અતિક્રમણ કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : પેલો ક્રોધ આવે તો આ બાજુ અંદર પેલું ઊભું થાય કે, આ ચંદુ શા માટે કરે છે ? આવું શું કામ કરે છે ? આ ખોટું છે. પણ કો'ક દહાડો એ ક્રોધ આપણને પાડી નહીં નાખે ને ? તો શું કરવું ?

દાદાશ્રી : આપણને કોઈ પાડી નહીં નાખે. એ બધાં મડદાં છે. જીવતાને શી રીતે પાડે ? પુદ્ગલમાત્ર મડદાલ છે. કોઈ નામ ના દે. 'હું તો દાદાનો, મારી પાસે ક્યાં આવો છો ? શરમ નથી આવતી. દાદા, દાદા, દાદા' કહીએ.

પ્રશ્નકર્તા : એટલે એમ થાય કે, ક્રોધ પાછો પરિભ્રમણમાં નાખી દે, નવા બંધ પાડે.

દાદાશ્રી : એ શું નાખતો'તો ? એ (ક્રોધ) બિચારા ન્યૂટ્રલ, નપુંસક જાતના લોક ! એ તો જે ક્રોધના દબાયેલા છે એને માટે. આપણે દબાયેલા નથી.

અને પ્રતિક્રમણ ના થતું હોય તેને એમ કહી શકો છો કે ભઈ, પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : ક્રોધની શરૂઆત થાય પછી પ્રતિક્રમણની શરૂઆત થાય ?

દાદાશ્રી : શરૂઆત થાય, બેઉ સાથે થાય.

પ્રશ્નકર્તા : ક્રોધ ચાલતો હોય, પાછું પ્રતિક્રમણ થાય. બેઉ ભેગું. મારામારી કરે બેઉ, અતિક્રમણ અને પ્રતિક્રમણ સામાસામી.

દાદાશ્રી : એટલે આ બધું છેદ ઊડી જાય હવે. હિસાબ ચોખ્ખો થઈ રહ્યો છે. આ પ્રકૃતિ છે અને તમે પુરુષ છો. પુરુષ એ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માને કશું અડે નહીં. શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. પ્રકૃતિને જોયા કરવી એ પુરુષાર્થ !

હવે તમે પુરુષ થયા અને આ થઈ પ્રકૃતિ. પ્રકૃતિ શું કરે છે એ જોયા કરવાનું. ચંદુભાઈ ખરાબ કરતા હોય કે સારું કરતા હોય, તે તમારે લેવાદેવા નહીં. તમે છૂટ્ટા, જોનારો છૂટ્ટો. આ જેમ મોટી હોળી જબરજસ્ત બળતી હોય, પણ જોનાર હોય ને. એક મકાન પોતાનું હોય અને હોળીની પેઠે સળગતું હોય પણ જોનાર હોય તેને દઝાય નહીં. અને મારું સળગ્યું કે તરત દઝાયો.

પ્રશ્નકર્તા : જોનારને 'મારું' હોય નહીં.

દાદાશ્રી : જોનારને 'મારું' હોય નહીં, પ્રેક્ષક કહેવાય. આપણને 'મારું' હોતું નથી. 'મારું' ઊડાડી મેલ્યું છે. 'મારું' તમે 'મને' અર્પણ કરી ગયા છે.જોયા કરો એટલે પ્રકૃતિ ચાલવા જ માંડે, એટલાં કર્મ ઊડી ગયાં.

રુચિ નહીં તો જોખમદારી છૂટી

પ્રશ્નકર્તા : એટલે આણે આમ કર્યું, તો હું પણ આમ કરીશ એવી જાતનો ગુસ્સો હોય, એ ચાર્જ થઈ જાય કે નહીં ?

દાદાશ્રી : ચંદુભાઈ એવી જાતનો ગુસ્સો કરતા હોય કંઈક, તોય પણ 'આપણને' ન ગમતું હોય તો એ ડિસ્ચાર્જ છે. આપણને ગમે નહીં, તમને રુચિ નથી તો તમે જોખમદાર નથી.

પ્રશ્નકર્તા : દાદા, અજ્ઞાનીને પણ જો રુચિ ના હોય...

દાદાશ્રી : તોય એ જોખમદાર. કારણ કે અજ્ઞાની એટલે હું જ ચંદુભાઈ છું. રુચિ ના હોય તોય જોખમદાર. રુચિ ના હોય તો અરુચિ હોય. કંઈક તો હોય એને. એટલે ગમે ત્યાં એને તો લપટાવાનું જ છે અને તમને અરુચિ ના હોય, પણ આવું ના થવું જોઈએ, એવું હોય !

ફાઈલો થાય ચોખ્ખી, પ્રતિક્રમણથી

પ્રશ્નકર્તા : કોઈએ ગાળ આપી, પછી આપણને થાય કે આને બે ગાળ આપવી છે અને પછી આપીએ ખરી. પણ પછી આપણે જોઈએ કે આ ચંદુભાઈને આ આવું મન થયું, પાછી આપી અને તેય પાછાં ચંદુભાઈને 'આપણે' જોઈએ, તો એ શું કહેવાય ?

દાદાશ્રી : આ બધું બની ગયું એને તું બસ 'જોયા' કરે તો છૂટી ગયું. તમારે લેવાદેવા નહીં. તારે જવાબદારી નહીં, ચંદુભાઈને જવાબદારી ખરી. તે ચંદુભાઈને પેલો સામો માણસ ટૈડકાવે, 'કેવા નાલાયક છો તે ! શું બોલ બોલ કરો છો ?' એટલે ધોલ-બોલ મારીય દે. એટલે જોખમદારી છે એના માથા પર ! પછી આપણે ચંદુભાઈને કહીએ, 'અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.' તમે તો જ્ઞાતા-દ્રષ્ટા થયા. એટલે પ્રતિક્રમણ તમારે નહીં કરવાનું. આપણે ચંદુભાઈને કહેવાનું કે જો તમે આ અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો. આપણી ફરજ શું ? કે એને ચેતવવો પડે.

પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈએ પ્રતિક્રમણ ના કર્યું, તો એ ચાર્જ થયું ને ?

દાદાશ્રી : ના, તોય ચાર્જ નથી થતું. ચાર્જ તો થાય જ નહીં.

પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરવું જોઈએ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલાં કપડાં ધોઈએને, એટલાં ચોખ્ખાં કરીને મૂકી દેવાનાં.

સજીવ-નિર્જીવ ક્રોધ

પ્રશ્નકર્તા : મને ક્રોધ આવે છે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : આ જ્ઞાન પછી તમને ક્રોધ થાય જ નહીં. પરવસ્તુમાં તાંતો રહે એને આપણે ક્રોધ કહીએ છીએ. આ જ્ઞાન પછી હવે તમને તાંતો રહે નહીં. હવે ઉગ્રતા રહી. એ પરમાણુના ગુણ રહ્યા.

આ જ્ઞાન લીધા પછી ક્રોધ-માન-માયા-લોભ બધુંય જતું રહે છે. આમને જો ક્રોધ થયો હોય ને, તો કોઈ બીજો એક માણસ કહેશે. 'ના.' આ ગુસ્સે થતા'તા. મેં કહ્યું, ગુસ્સો ને ક્રોધ બે જુદી વસ્તુ છે. ગુસ્સો એ પૌદ્ગલિક વસ્તુ છે. ક્રોધ એ પુદ્ગલ ને આત્માની તન્મયાકાર વસ્તુ છે. હવે એ ગુસ્સો થાય ને, એ ગુસ્સે થાય તોય ક્રોધ કેમ ના કહેવાય ? કારણ કે ક્રોધ હંમેશાંય હિંસકભાવ એની પાછળ હોય, ત્યારે આમને હિંસકભાવ ના હોય. આમને મહીં પાછળ પ્રતિક્રમણ કરતાં હોય જોડે જોડે. એક બાજુ ક્રોધ થતો હોય ને એક બાજુ પ્રતિક્રમણ કરતા હોય, એક બાજુ આ (ક્રોધ) થયાના પ્રતિક્રમણ કરતા હોય. મહીં કરો છો કે નહીં ? નિરંતર પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કરે છે, માટે હિંસકભાવ ત્યાં નથી.

અને તાંતો ના હોય. તાંતો એટલે શું ? રાતે કંઈ ઝઘડો થયો હોયને તે સવારમાં પ્યાલા ખખડે !

તાંતો જતો રહે એટલે જાણવું કે આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યાં નથી હવે. તમે શુદ્ધ જ થઈ ગયા હવે. તમે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી. 'ચંદુભાઈ' શું કરે છે, એને જોયા કરવું. ચંદુભાઈનું ચલાવશે કોણ ? 'વ્યવસ્થિત' નામની શક્તિ. અને બહુ સારું ચાલશે.

આ જગતના લોકોને સજીવ ક્રોધ છે અને તમને નિર્જીવ ક્રોધ છે. પણ નિર્જીવ ક્રોધ કોને નિમિત્તે થાય છે ? એને બિચારાને થોડુંક તો નુકસાન થાય ને ?

જાણનાર-કરનાર બેઉ જુદા

ચંદુભાઈ કોઈની જોડે જરા ગુસ્સો કરે તો આપણે જાણીએ કે આ છે તે ડિસ્ચાર્જ છે. એટલે આ એની મેળે ગુસ્સો કરીને ઊડી જશે ને એ ગુસ્સો ક્રોધ નથી. એ ક્રોધ ક્યારે કહેવાય ? ચંદુભાઈની મહીં 'આપણે' ભળીએને ત્યારે બે ભેગા થાય, ત્યારે ક્રોધ થાય. અને આ તો પોતે મહીં ના પાડે. તમને મહીં ઈચ્છા નહીંને ? ના. ના કહો છો ને કે ક્રોધ ના કરવો જોઈએ એવું ?

પ્રશ્નકર્તા : હાસ્તો. એવું થાય કે ન કરવો જોઈએ. એનો પછી પસ્તાવો પણ થાય.

દાદાશ્રી : તો તમે પહેલાં જે તન્મયાકાર થતા હતા તેને બદલે હવે તમે ના પાડો છો.

પ્રશ્નકર્તા : ક્રોધ આવ્યો હોય અને આપણે જો એને જાણ્યો તો તરત એ ક્રોધ ખલાસ થઈ જાય ?

દાદાશ્રી : ના, કશું લેવા-દેવા નહીં. કરનારો જુદો અને જાણનારો જુદો. 'આપણે' જાણનારા તરીકે રહીએ છીએ. ક્રોધ તો આપણને ગમતો નથી એટલે આપણે એના અભિપ્રાયથી જુદા જ છીએ. જુદા છીએ એટલે આપણને લેવા-દેવા નથી.

પ્રશ્નકર્તા : હજુ પણ કોઈક વખત ક્રોધ આવે છે.

દાદાશ્રી : તો છો ને આવે, આવે તેને આપણે શું ? કો'કને દુઃખ થાય તો આપણે ચંદુભાઈને કહેવું કે ભાઈ, પ્રતિક્રમણ કર.

પ્રતિક્રમણ કરનાર કરે છેને ! એટલે જે દોષ થયેલો છે, તેની માફી માગે છે. એટલે પ્રતિક્રમણ કરનાર પ્રકૃતિ છે અને માફ કરનાર ભગવાન છે. એટલે માફી માંગનારા જુદા છે ને માફી આપનારા જુદા છે. એ બેને બીજો સંબંધ નથી એમાં.

એ આપણે નથી જોવાનું

પ્રશ્નકર્તા : આપણે સામા માણસ પર ક્રોધ કરીએ, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ?

દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી. આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. સામો મળ્યો તો તે સામાનો હિસાબ હશે તેથી એ મળી ગયો હશે ! આપણી ઇચ્છા નથી છતાંય. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ?

પ્રશ્નકર્તા : ક્રોધ થઈ જાય છે.

દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, 'ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો.' પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે.

આપણાથી કોઈને દુઃખ ન હો

ચંદુભાઈ ગમે એટલા ક્રોધ કરતા હોય. જો તને, મને થાય છે એવું ભાન ના ઉત્પન્ન થાય તો તમે જોખમદાર જ નથી. એવું આ વિજ્ઞાન છે. બહુ ચોક્કસ રહેવું જોઈએ. અને વખતે એનાથી કોઈને દુઃખ થાય, આપણા ભાવોથી કંઈ દુઃખ થાય સામા માણસને તો આપણે કહેવું કે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો. અતિક્રમણ કેમ કર્યું કહીએ. આપણે જુદા, ચંદુભાઈ જુદા.

ચંદુભાઈ ગુસ્સામાં કો'કને દઝાડે તો ચંદુભાઈને કહેવું, પ્રતિક્રમણ કરી લો. એય વધારે પડતું થાય ને કોઈને દુઃખ થાય એવું હોય તો જ. ગુસ્સો-બુસ્સો ઓછું કરવાનું ના હોય એ.

આપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુભાઈને કહેવું કે, 'હે ચંદુભાઈ ! પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો. સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ, હવે ઠેકાણે આવ્યું ! મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડે ઓછી ભાંજગડ કરી નાખવી. પણ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ.

થાય પસ્તાવા, જ્ઞાનજાગૃતિથી

પ્રશ્નકર્તા : ક્રોધ થઇ જાય તે વખતે આપણને ખબર ના પડે કે 'આપણે' ભેગાં છીએ કે જુદાં છીએ.

દાદાશ્રી : ના, આ જ્ઞાન આપ્યા પછી તમને ક્રોધ થાય છે, તે ઘડીએ પાછળ પસ્તાવો થાય.

પ્રશ્નકર્તા : એ તો થોડો સમય પછી થાય ને, થઇ ગયા પછી !

દાદાશ્રી : હા, થયા પછી જ થાય, પણ વાંધો નહીં. પણ પસ્તાવો થાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પસ્તાવો થાય છે ને, એટલે તે ઘડીએ પસ્તાવામાં જ હતો, પણ તે ઘડીએ આપણને ખબર નહોતી પડી. જાગૃતિ એટલી ઓછી. અને જાગૃતિ ના હોય તો પેલામાં (જ્ઞાન નથી લીધું તેને) તો એવું પરિણામ ના થાય. એવું તેવું કશું થાય નહીં. ક્રોધ કરે એટલે ક્રોધ જ હોય.

ભરેલો માલ જ નીકળે

પ્રશ્નકર્તા : ક્રોધ આવે છે તેનું પ્રતિક્રમણ કરીએ છીએ પણ પછી પાછું ફરીથી ક્રોધ આવે છે.

દાદાશ્રી : એ તો આવે જ ને. એ જેટલા વખત આવે એટલા વખત ભરેલો છે. કારણ કે જેટલો ભરેલો માલ છે ને તે પહેલો ગુબ્બારો છૂટ્યો પછી બીજો ફૂટે, ત્રીજો ફૂટે.

પ્રશ્નકર્તા : બહુ ફૂટે છે એ તો અહીં કેટલીકવાર.

દાદાશ્રી : એ તો બહુ ફૂટવા દેવો, જલ્દી ફૂટી જાય તો સારું. એને લીધે આ ચોખ્ખું થઈ જાય પછી. આ ભરેલો માલ, ટાંકીમાં ખરાબ માલ ભર્યો હોય અને નવા (માલની) આવક ના હોય, તો જૂનો જે નીકળતો હોય તે જલદી નીકળે તો સારું.

પ્રશ્નકર્તા : એને જોયા કરવાનું ?

દાદાશ્રી : જોયા કરવાનું. તે જોયા કરીએ તો ખબર પડે કે શું માલ ભર્યો હતો ! તે આવો કચરો ભર્યો હતો ? ત્યારે કહે, હા. કેવો કચરો ભર્યો એ ખબર પડે આપણને !

પ્રશ્નકર્તા : ખબર તો પડે પણ દાદા, વિચારમાં પ્રતિક્રમણ નથી થયું.

દાદાશ્રી : હવે નવો માલ આવવાનો નથી, નવી આવક નથી.

પ્રશ્નકર્તા : હા, નવો આવવાનો નથી. જે ભરેલું હોય તે નીકળે છે બસ.

દાદાશ્રી : એટલે ડામરવાળું પાણી હોય, તે પછી એથી આપણને શું ? અલ્યા, પાણી ડામરવાળું છે ! અલ્યા મૂઆ, જવા દે. હવે લેટ ગો કરો, હવે ફરી આવવાનું નથી. હવે જવા દેને અહીંથી.

આપણે કહીએ છીએ ને, આપણા (મહાત્માઓને) બધાને ચાર્જ નહીં થાય. કારણ અહંકાર એમનો છૂટો રહે છે. એમને તો ગાળ દેતા જ મહીં અરેરાટી છૂટે છે ને કે આ ગુસ્સે ક્યાં થયો ? કારણ કે ગુસ્સો તમે કરતા નથી તે વખતે. એ તમે પોતે નહીં કરતા, તમે આનાથી જુદા રહ્યા છો. એટલે નવું બીજ ના પડે. તમે તન્મયાકાર ના થાવ ત્યારે ગુસ્સો કહેવાય અને તન્મયાકાર થાવ ત્યારે ક્રોધ કહેવાય. જગત આખું તન્મયાકાર થઇ જાય અને આપણા જ્ઞાનથી, પોતે તન્મયાકાર ના થાય. ગુસ્સે થાય ખરો પણ તન્મયાકાર ના થાય. એટલે એને ક્રોધ ના કહેવાય. એમાં હિંસકભાવ નહીં અને પેલો હિંસકભાવ હોય.

આપણે ત્યાં કોઈને ગુસ્સો આવતો હોય તો એ પ્રતિક્રમણ કરે એટલે ગુસ્સો 'પોતાને' આવતો નથી. 'પોતે' જુદો અને આ ગુસ્સો જુદો છે. એ જ્ઞાન હોવા છતાં પાછું પ્રતિક્રમણ કરે છે. પણ પ્રતિક્રમણ કરવાથી શું થાય કે સહેજેય મળ ચોંટે નહીં.

અતિક્રમણ કરે એ જ પ્રતિક્રમણ કરે

પ્રશ્નકર્તા : દાદા, હવે એણે ગુસ્સો કર્યો. હવે જો એને એનો પશ્ચાત્તાપ નહીં થાય તો તો એ એમ સમજશે કે આ ગુસ્સાનો મારો સ્વભાવ છે ને એ ચાલ્યા જ કરે છે.

દાદાશ્રી : ના. એવું નહીં કરવાનું. ગુસ્સો કરે એટલે સામાને દુઃખ થાય એવું થયું. માટે આપણે ચંદુભાઈને કહેવું જોઈએ કે, 'ચંદુભાઈ, આવું નહીં ચાલે, તમે પ્રતિક્રમણ કરો.'

પ્રશ્નકર્તા : એટલો પશ્ચાત્તાપ થવો જોઈએ ને, દાદા ?

દાદાશ્રી : થવો જ જોઈએ, પણ એ ચંદુભાઈ કરે. તમારે નહીં પશ્ચાત્તાપ કરવાનો. તમારામાં તો કશો આ રોગ જ નહીં આવવો જોઈએ. તમે તો વીતરાગ. તમે ન્યાયાધીશ. તમારે ચંદુભાઈને કહેવાનું કે, 'તમે પશ્ચાતાપ કરો. કેમ આ કર્યું ? આ અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.'

પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણેય ચંદુભાઈ, એનો દેહ જ કરે છે ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા નહીં ?

દાદાશ્રી : શુદ્ધાત્મા નહીં. અતિક્રમણ કરે તે જ પ્રતિક્રમણ કરે. અને પહેલાં જ્યાં શુદ્ધાત્મા ભળતો હતો, તે દા'ડે અતિક્રમણ કરે ત્યારે તે બેઉ ભેળું પ્રતિક્રમણ કરે અને હવે જુદું. હવે તો આ શુદ્ધાત્મા ભળતો નથી. એટલે પેલો એકલો છે, તે 'આપણે' ચંદુભાઈને કહેવાનું, પ્રતિક્રમણ કરો.

ડિસ્ચાર્જ ગુના, પ્રતિક્રમણથી માફ

પ્રશ્નકર્તા : કોઈની જોડે ક્રોધ થઈ ગયા પછી ખ્યાલમાં આવે અને એની આપણે માફી માગી લઈએ, તેની તે જ મિનિટે, તો એ શું કહેવાય ?

દાદાશ્રી : અત્યારે જ્ઞાન લીધા પછી ક્રોધ થઈ જાય ને અને પછી માફી માંગી લે, તો કશો વાંધો નહીં. થઈ ગયું છૂટું ! અને માફી આમ રૂબરૂ ના મંગાય એવું હોય તો અંદરથી માંગી લે, તો થઈ ગયું.

પ્રશ્નકર્તા : રૂબરૂમાં બધાની વચ્ચે ?

દાદાશ્રી : વાંધો નહીં, એવું ના માંગે કોઈ અને એમ ને એમ મહીં કરી લે તોય ચાલે. કારણ કે આ ગુનો જીવતો નથી. આ 'ડિસ્ચાર્જ' છે. 'ડિસ્ચાર્જ' ગુનો એટલે જીવતો ગુનો ન હોય આ ! એટલે એટલું બધું ખરાબ ફળ ના આપે.

પ્રશ્નકર્તા : અતિક્રમણથી જે ઉશ્કેરાટ હોય ને, એ પ્રતિક્રમણથી ટાઢો પડી જાય છે.

દાદાશ્રી : હા, ટાઢો પડી જાય. પ્રતિક્રમણ તો 'ચીકણી ફાઈલ' હોય તેમાં તો પાંચ-પાંચ હજાર પ્રતિક્રમણ કરવાં પડે, ત્યારે ટાઢું પડે. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તોયે આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએ ને તો એટલો ડાઘ આપણને રહ્યા કરે. પ્રતિક્રમણ કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ કરો.

પ્રતિક્રમણથી અભિપ્રાયમાં સહમતતા છૂટે

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અભિપ્રાય ઊભા થાય છે એનાં જ કર કર કરવાં પડે છે ને હવે ?

દાદાશ્રી : એ અભિપ્રાય ઊભો થયો એ પહેલાંના હિસાબથી થયો છે. હવે પ્રતિક્રમણ કરીએ તો ફરી અમે અભિપ્રાય બાંધતા નથી. એવું આમાં, આ વાતમાં અમે સહમત નથી, તે વખતે છૂટ્યો. પહેલાંનો બંધાયેલો અભિપ્રાય આ વખતે છૂટ્યો. અને એવું સમજાય એટલે કશું ડખલ રહે નહીં. તમારે ભૂલનું પ્રોટેક્શન (રક્ષણ) થતું હોય તે સુધારી લેવાનું. હા, બીજું કશું છે નહીં. ભૂલ થઈ, કોઈકને નુકસાન થાય એવું થયું તો પ્રતિક્રમણ કરી લીધું એટલે થઈ ગયું. એનો નિવેડો આવ્યો.

પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય છે ? આ જે ભૂલ થઈ રહી છે એમાં હું સહમત નથી. એ પ્રતિક્રમણ ઈટસેલ્ફ પ્રુવ (જાતે જ સાબિત) કરે છે આ, કે એમાં હું સહમત નથી. પહેલાં એ દોષમાં સહમત હતો કે આવું જ કરવું જોઈએ. હવે એમાં સહમત નથી. અભિપ્રાય ફર્યા એટલે થઈ રહ્યું. આ જગત અભિપ્રાયથી ઊભું રહ્યું છે.

અભિપ્રાયો કરાવે ક્રોધ

કોઈની જોડે ગુસ્સો આવતો હોય તો એની ઉપર આપણે ચકાસણી કરવી કે 'આ બધામાં આ ત્રણ જણ જોડે જ ગુસ્સો આવે છે, બીજા બધા ઉપર ગુસ્સો નથી આવતો. એનું શું કારણ છે ? એ ખોળી કાઢવું.' તો શું કારણ છે કે પેલા ત્રણને માટે આપણું મન અભિપ્રાય આપે છે કે આ નાલાયક છે, આમ છે, તેમ છે. તો મનને આપણે કહેવું કે ના, એવું નથી. એ નાલાયક નથી, બહુ સારા માણસ છે. એટલે પછી પાછલાં પરિણામ હશે એટલાં પૂરાં થઈ જાય એટલે ગુસ્સો બંધ થઈ જશે. પાછલાં એક્શન કરેલાં હોય એટલે રિએક્શન આવી જાય, પણ પછી બંધ થઈ જાય. જ્યારથી (હું શુદ્ધાત્મા છું) જાણ્યું ત્યારથી આપણે ચાર્જ બંધ કર્યું એટલે પછી ડિસ્ચાર્જ એકલું રહ્યું. સમજાય છે તને ? બહુ ઊંડી વાત છે. એટલે ગમે તેવો માણસ હોય તોય મન ના બગાડવા દેવું. આપણે આપણું મન સુધારી લેવું.

એક વખત કંઈ અથડામણ થઈ ને મન બગડ્યું, પછી બીજી વખત બગડ્યું, પછી ત્રીજી વખત બગડ્યું, પછી શું થાય ?

પ્રશ્નકર્તા : અભિપ્રાય પડી જાય.

દાદાશ્રી : અને ક્રોધ થઈ જાય એની ઉપર. પછી આપણે ના કરવો હોય તોય થઈ જાય, ને એવો ક્રોધ થાય કે એનું મન એટલું બધું તૂટી જાય કે આખી જિંદગી સુધી સંધાય નહીં. એવું તૂટી જાય. અને મન તો મોતી જેવું છે. એક ફેરો ક્રેક પડી કે પછી કામ ના લાગે. એ મોતીને તો રાખોડી બનાવીને ભસ્મ બનાવીને દવા કરવામાં મોકલવું પડે. એ મોતીની માળા ના બને પછી. એટલે આ મનને ચોક્કસ રાખવું જોઈએ.

આપણે એવું માનીએ છીએ, જેવો અભિપ્રાય માનીએ છીએ, એવું ખરું છે નહીં. એ બધી ખોટી વાત છે. તેથી આ બધો ગુસ્સો ઊભો રહ્યો છે. અને પછી આપણે બોલવું હોય તોય સામો ના બોલે. આપણે તરત સમજી જવું અને આપણે તરત ભૂંસી નાખવું. અભિપ્રાય પડવા જ ના દેવો. આ સાયન્ટિફિક વસ્તુ છે. પણ આમ સમજે તો તો બહુ ઉકેલ આવી જાય. અજ્ઞાનીઓનેય બહુ ઉકેલ આવી જાય. અભિપ્રાય આપતાં ઓછા થઈ જાય ને તો મન ચોખ્ખું થતું જાય. એકદમ ના ઓછું થાય, પણ થોડું થોડું ઓછું કરે ને !

બંધાયા અતિક્રમણથી જ

હવે ક્રોધ-માન-માયા-લોભ થવાનાં નહીં, છતાંય પણ જો ગુસ્સો થવા માંડે, કો'કને બહુ દુઃખ થાય એવું બોલી ગયેલું હોય, તો આપણે ચંદુભાઈને કહેવું કે, 'ચંદુભાઈ જરા પાંસરા રહો ને ! અને પ્રતિક્રમણ કરો, પશ્ચાત્તાપ કરો. શા માટે આવું કર્યું ?' કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : કહેવાય, કહેવું જ જોઈએ.

દાદાશ્રી : આમ ભલે ગવર્નમેન્ટ (સરકાર)ના મોટા ઑફિસર (સાહેબ) હોય, ત્યાં એમની શરમ નહીં રાખવી જોઈએ. આપણે કહેવું જ જોઈએ કે આ ચુંમોતેર વર્ષ થયાં, હવે તો જરા ધીમા પડો. એટલે આવું થયું હોય તો ક્ષમાપના માંગી લેવી, કોઈને વધારે પડતું દુઃખ થયું હોય તો. ક્રમણનો વાંધો નથી, અતિક્રમણનો વાંધો છે. એટલે અતિક્રમણ થાય તેનો સરકારેય ગુનો ગણે છે. આ બધા બોલે એનો વાંધો નથી. નવી જ જાતનું, તૃતીયમ્ બોલે, અને આ બધાના મનમાં એમ થાય કે, અરેરે, આવું કેવું બોલે છે ! એ અતિક્રમણ કહેવાય. જેની દાનત ચોર હોય તે અતિક્રમણ કહેવાય. ઇરાદો ખરાબ હોય તે અતિક્રમણ કહેવાય.

ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય, ભલે ક્રોધ ના થયો પણ દુઃખદાયી થઈ પડ્યો, તો આ તો પોતે 'શુદ્ધાત્મા છું' એમ માને છે પણ જેણે અતિક્રમણ કર્યું છે, તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ, તે ચંદુભાઈને તમારે કહેવું પડે કે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેણે અતિક્રમણ કર્યું, તેની પાસે પ્રતિક્રમણ કરાવો, તમારા પાડોશી (ફાઈલ નં.૧) પાસે.

કહેવાનો અધિકાર ક્યારે ?

અતિક્રમણ કરવાનો કાયદો નથી પણ અતિક્રમણ કર્યું એટલે તેનું પ્રતિક્રમણ કરવું પડે.

કહેવાનો અધિકાર છે પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે તેને જોતાં જ કહે કે 'તું આવો છું ને તું તેવો છું.' તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય અને તેનું પ્રતિક્રમણ કરવું પડે.

છોકરી જોડે એકદમ બહુ આકરા થઈ ગયા હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે, 'આટલા બધા આકરા શું કરવા થાવ છો ? બેબીને કેટલું ખરાબ લાગે ! અંદરખાને માફી માગી લો. બેબીને મોઢે કહેવાનું નહીં પણ અંદરખાને માફી માંગી લો. ફરી નહીં કરું આવું.' અને નહીં તો પછી માફી માંગવાની હોતી નથી, આપણે જો કશી કચકચ કે દુઃખ થાય એવું ના કર્યુ હોય તો !

પ્રતિક્રમણ કેમ નથી થતા ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાની ખૂબ ખૂબ ઇચ્છા હોય છતાં પ્રતિક્રમણ થતું નથી.

દાદાશ્રી : કરવું હોય તો બધુંય થાય.

પ્રશ્નકર્તા : કરવું હોય તો થાય એમ ?

દાદાશ્રી : એ રસ્તો ના ફાવે ? કેટલાકને તો પ્રતિક્રમણ કરવું જ હોય, તે એની મેળે થા થા કરે છે, બંધ જ થતા નથી.

પ્રશ્નકર્તા : એ કેમ પ્રતિક્રમણ થતા નહીં હોય, એનું શું કારણ ?

દાદાશ્રી : એ બીજી ડખલો. બીજી અવળી સમજણો પેસી ગયેલી ને તેને લીધે. બાકી કોરા કાગળવાળાને તો, એને પ્રતિક્રમણ કહ્યું કે તરત આ પ્રતિક્રમણ કર્યા કરે, એની મેળે. પછી તો બંધ કરવું હોય તોય ના થાય, એટલી આત્માની શક્તિ છે અંદર !

શેમાં પરિણામ ભારે ?

પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ આપણા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રિએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ શબ્દો જીભથી કાઢી નાખે છે પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે. તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?

દાદાશ્રી : જીભથી કરેને, તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે સામું આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે. એ અત્યારે બીજ રોપ્યું એટલે કૉઝીઝ કહેવાય. એટલે કૉઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે તો પ્રતિક્રમણ કરવું પડે, પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, 'મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?' એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે. આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય !

કષાયોના ખપે પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : હવે નિંદા કરી ત્યારે ભલે એને જાગૃતિ ન હોય, નિંદા થઇ કે ગુસ્સો આવ્યો. તે વખતે નિંદા કરી કહેવાય ?

દાદાશ્રી : તે એને જ કષાય કહે છે. કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે પણ છતાંય પોતે જાણતો હોય કે આ ખોટું થઈ રહ્યું છે. કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલેય ખબર ના હોય, એમને એમ જ જતું રહે. પછી થોડીવાર પછી ખબર પડે. એટલે બન્યું તે ઘડીએ 'જાણતો' હતો. (અને જ્યારે ખબર પડે ત્યારે ચંદુભાઈ પાસે પસ્તાવાપૂર્વક પ્રતિક્રમણ કરાવવા પડે.)

ત્યાં માફી માગવી મનોમન

પ્રશ્નકર્તા : દાદા, પશ્ચાત્તાપ કે પ્રતિક્રમણ કરીએ તો ઘણીવાર એવું હોય કે કોઈ ભૂલ થઈ ગઈ, કોઈની પર ક્રોધ થઈ ગયો, તો અંદરથી તો બળતરા થાય કે આ ખોટું થઈ ગયું, પણ પેલાની સામે માફી માંગવાની હિંમત ના હોય.

દાદાશ્રી : એવી માફી માંગવીય નહીં. નહીં તો એ તો પાછાં દુરુપયોગ કરે. 'હા, હવે ઠેકાણે આવી કે !' એવું છે, આ નોબલ જાત નથી. આ માફી માંગવા જેવા માણસો ન હોય. એટલે અંદર જ માફી માંગી લેવી, એના શુદ્ધાત્માને સંભારીને ! તે હજારોમાં દસેક જણ એવાં હોય કે માફી માગતાં પહેલાં એ વધારે નમી જાય. બાકી આ તો કહેશે, 'હા, જો ક્યારનો કહેતો હતો, માનતી ન્હોતી ને ? હવે ઠેકાણે આવી ને !' એટલે અંદર જ માફી માંગી લેવી, એના શુદ્ધાત્માનું નામ દઈને !

કરો પસ્તાવો હ્રદયપૂર્વક

પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ક્રોધ થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળ બળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ?

દાદાશ્રી : એ બે-ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. 'હે દાદા ભગવાન ! જબરજસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ! એની માફી માગું છું. આપની રૂબરૂમાં ખૂબ માફી માગું છું.' માફી કોણ માંગે ? તમારે નહીં માંગવાની, ચંદુભાઈએ માંગવાની. જે અતિક્રમણ કરે તે પ્રતિક્રમણ કરે. 'તમે' અતિક્રમણ નથી કરતા.

પૂરણ કરેલું થાય ગલન

પ્રશ્નકર્તા : અતિક્રમણ એટલા બધા હોય છે કે એક પ્રસંગ પૂરો ના કર્યો હોય ત્યાં બીજો તૈયાર હોય, ત્યાં આગળ પ્રતિક્રમણનો ઉપયોગ કરવા જતાં બીજો ફોર્સ એટલો બધો આવે છે કે એને પેન્ડિગમાં રાખવું પડે છે.

દાદાશ્રી : એ તો ઢગલેબંધ આવે. ઢગલેબંધનો સમભાવે નિકાલ કરશો, ત્યાર પછી ધીમે ધીમે એ જોર ઓછું થશે. આ બધું પુદ્ગલ છે. એટલે પુદ્ગલ શું કે પૂરણ જે કરેલું છે તે અત્યારે ગલન થાય છે. તેનો સમભાવે નિકાલ કરો.

નિકાચિત કર્મનો ઉપાય, પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : 'સમભાવે નિકાલ' કરવાનો દ્ઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે એ શાથી ?

દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે ? સોએક જગ્યાએ ?

પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે.

દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય. ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા 'ફોર્સ'થી નિકાચિત થયું હોય, તેટલાં જ 'ફોર્સ'વાળા પ્રતિક્રમણથી એ ધોવાય.

સરળ રીત, પ્રતિક્રમણની

પ્રશ્નકર્તા : આપણો મોટો દોષ દેખાય તો એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો મૂળ રીત એ હોય છે શબ્દોની, પણ એ શબ્દોની જંજાળ સ્તો ને ! એના કરતાં ના આવડે તો કહીએ, હે દાદા ભગવાન ! અગર તો જે ભગવાનને માનતો હોય, તે ભગવાનને યાદ કરવા કે મારાથી આ ભૂલ થઈ, આ ભાઈની જોડે ગુસ્સો વધારે થઈ ગયો, માટે હું ક્ષમા માગું છું. પસ્તાવો કરું છું. ફરી નહીં કરું. બસ આટલું જ બોલો તોયે ચાલે.

બાકી શબ્દોની જંજાળ તો બહુ. મોટા શબ્દો ચીતરેલા હોય બધા, પણ એ ક્યારે પાર આવે એ બોલ બોલ કરીએ તો ? પણ આ ટૂંકું બોલી જવું.

પ્રશ્નકર્તા : પણ અમુક કર્મોમાં ડાઘ જે પ્રમાણેનો હોય કે કોઇની જોડે વધારે બોલાચાલી થઇ ગઇ, તો એ મન લાંબું કરે અને કોઇની જોડે કોઇ એકાદ-બે, તો અમુકમાં પ્રતિક્રમણ બે-ત્રણ-ચાર વાર, એમ વધારે વાર કર્યા કરવા પડે કે એક વાર કરે તો આવી જાય બધામાં ?

દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું અને પછી જાથું કરી નાખવું. એકદમ બહુ પ્રતિક્રમણ ભેગા થઇ જાય ને, તો જાથું કરવું કે આ બધાં કર્મોના મારે પ્રતિક્રમણ થતાં નથી, આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઇને નહીં. 'હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.' એટલે પહોંચી ગયું.

ત્યાં જાથું પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : નાનપણથી જ મારું બોલવાનું કડક છે. મને એવું ના હોય કે એને દુઃખ કરીએ, તો પણ બધાને દુઃખ થાય છે, ક્રોધ થઈ જાય તો એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ? અત્યાર સુધી દુઃખ પણ થયા છે, તો એના પ્રતિક્રમણ કેવી રીતે કરવાના ?

દાદાશ્રી : બધા વાણીના જે જે દોષ થયા હોય ને, તે બધાની ક્ષમા માગું છું. આ વાણીથી જેને, જે જે માણસોને, જે જે લોકોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એવું ભેગું પ્રતિક્રમણ કરાય.

પ્રશ્નકર્તા : દાદા, આપની સાક્ષીએ જાહેર કરીને માફી માંગીને પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : ત્યાં આપની સાક્ષીએ બોલોને, તોય ચાલે. આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું, તો પહોંચી જાય.

ત્યારે પ્રતિક્રમણ થયું કહેવાય

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કરીએ ત્યારે આખી લાંબી પ્રતિક્રમણની વિધિ બોલવાની કે પછી એ આપણે ભાવથી ટૂંકમાં કરવાની ?

દાદાશ્રી : ભાવથી ટૂંકમાં જ કરી નાખવાનું. એ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તો અમે લખીએ એટલું જ છે. બાકી એમ ને એમ ચોખ્ખું કરીએ ને, તોય ચાલ્યું જાય.

પ્રશ્નકર્તા : દોષ માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી રાગ-દ્વેષનાં-કષાયના જે દોષ થયા હોય, એ બધું બોલવાનું ?

દાદાશ્રી : હા તે બધું બોલવું જોઈએ. લોકોની જોડેનું તો એમને એમ ચાલ્યું જાય. એમાં ક્ષમા માગીએ, પસ્તાવો કરીએ કે ચાલ્યું જાય.

પ્રશ્નકર્તા : આપણે જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થયું કહેવાય ? છૂટક છૂટક (એક-એક દોષનું) કરીએ ત્યારે.

ઉધારી ના પોષાય હવે

મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રતિક્રમણ કરતા નહોતા, તે બધા તલાવડા ભર્યા કર્મનાં. પ્રતિક્રમણ એટલે ચોખ્ખું કરી નાખવું. આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન પાંચસો-પાંચસો, હજાર- હજાર થશે ત્યારે કામ થશે.

જ્ઞાન હાજર કર્યું કે કાબૂમાં

પ્રશ્નકર્તા : પેલી કહેવત છે ને, અણી ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારા કષાયો ઉત્પન્ન થાય, કોઈની ઉપર ક્રોધ આવે, એના પર જો કાબૂ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ !

દાદાશ્રી : એવું છે ને, કાબૂ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે.

એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય એ જ કે, 'ચંદુભાઈ, કેમ છે, કેમ નહીં.' એ વાતો કરવા જેવી, એ જ ઉપાય. શું કહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ?

દાદાશ્રી : એવું કહેવાય. એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાનેય કરવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું, એવું માની લે.

નીકળી રહ્યું ત્યાં શું ઉપાય ?

સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલાવી જોઈએ.

પ્રશ્નકર્તા : સામાને શું થશે એનો વિચાર કરવા બેસે તો ક્યારે પાર આવે ?

દાદાશ્રી : એનો વિચાર આપણે નહીં કરવાનો. આપણે તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. બસ એટલું જ કહેવું.

પ્રશ્નકર્તા : પણ દાદાજી, ન બોલવું હોય છતાં બોલાઇ જાય.

દાદાશ્રી : એ બોલાઇ જાય તેની માફી માંગી લેવાયને !

પ્રશ્નકર્તા : પણ એ કેટલું બોલાઇ જાય, દાદાજી !

દાદાશ્રી : એ કેટલું તો બળ્યું, જેટલું પાવર ભર્યો હોય એટલો બધો જ પાવર ફૂટે. જેટલું દારૂખાનું લાવ્યા એટલું ફૂટે, ઓછું લાવ્યા તો ઓછું ફૂટે. લેતી વખતે કંઇ બાકી રાખ્યું નથી. બધી દુકાનોનું દારૂખાનું લઇ લીધું. અને હવે ફૂટ્યા વગર રહે કે ! એ આપણે જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : દાદાજી, પણ એમાં એક વસ્તુ છે કે આપણે ચાર-પાંચ માણસો ભેગા થઇએ ત્યારે જ દારૂખાનું ફૂટેને, એના કરતાં આપણે કોઇ સાથે ભેગા જ ના થઇએ તો ?

દાદાશ્રી : ના. એ ત્યાં પાછું દારૂખાનું ના ફૂટે તો દુકાનમાં પડી રહેશે એ. ફૂટી જાય તો સારું, બધા ભેગા થઇને. નહીં તો દુકાનમાં પડી રહે. એમાં દારૂખાનું તમારે રાખી મેલવું છે ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : ત્યારે ફૂટી જવા દોને અહીંથી !

પ્રશ્નકર્તા : દાદા, પણ બધું અંદર ને અંદર સૂરસૂરિયું કરી કાઢવું છે.

દાદાશ્રી : હા, સૂરસૂરિયુું થઇ જાય તો તો બહુ સારું. પણ સૂરસૂરિયું ક્યારે થઇ જાય, આ પ્રતિક્રમણ કરો ત્યાર પછી સૂરસૂરિયું થઇ જાય.

માફી માગી, ફરી ન કરવાનો કરો નિશ્ચય

પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું, કે મારાથી ના બોલાય તો સારું એવું ? શુદ્ધાત્માની સાક્ષીએ, મને બોલવાની...

દાદાશ્રી : તમારે ચંદુભાઈને કહેવું કે આવું કેમ બોલો છો ? એમની માફી માંગી લો કે ફરી આવું નહીં કરું. એવું કહો એનું નામ પ્રતિક્રમણ. આ જે બોલ્યો તેની માફી માગું છું અને ફરી નહીં કરું એવું બોલ્યા, એટલે પ્રતિક્રમણ થઇ ગયું. અને ચંદુભાઈને જરા બે શબ્દ કડકેય કહેવાય. કારણ કે ઘરના જ છે ને ! એ બહારના ઓછાં છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી વંટોળિયો જતો રહે તો કશુંય ના હોય. વંટોળિયો કંઇ કોઇની આબરૂ રાખે નહીં, સરકાર હોય કે ગમે તે હોય ! પણ તમારે જોયા કરવાનું, વંટોળિયામાં શું થયું ચંદુભાઈને !

પકડો વેગળી થાય, પ્રતિક્રમણથી

પ્રશ્નકર્તા : પહેલાંની અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીએ કે એ ખોટી છે, આવું ના હોવું જોઈએ. ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. એનાં કારણે બીજાં બધાં પર ક્રોધ આવે. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ?

દાદાશ્રી : એ આપણે છોડીએ છીએ ને છૂટી જઈએ છીએ. જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એનાં પ્રતિક્રમણ કરીએ તેમ તેમ વેગળી થાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય.

એમાં ભૂલ કોની ?

પ્રશ્નકર્તા : મારા નોકરને બે-ત્રણ બૂમો પાડી ઊઠાડ્યો, એણે જવાબ આપ્યો નહીં. એ જાગતો હતો. એના પર ખૂબ ક્રોધ આવ્યો તો એનું શું કરવું ?

દાદાશ્રી : ક્રોધ આવ્યો પછી તમને દોષ દેખાયો ખરો ?

પ્રશ્નકર્તા : દાદા, દોષ તો પહેલાં દેખાયો પછી જ ક્રોધ આવે ને ?

દાદાશ્રી : હા, એટલે ક્રોધ આવ્યો પણ પછી તો લાગ્યું કે આનો દોષ નથી. એટલે તમને તમારી ભૂલ દેખાઈ.

પ્રશ્નકર્તા : તરત ના લાગ્યું.

દાદાશ્રી : પછીય એ પેલાએ ભૂલ નથી કરી, માટે આ ભૂલ પોતે કરી લાગ્યું. પેલાએ ભૂલ કરી હોત તો પોતાનો દોષ દેખાત જ નહીં !

પ્રશ્નકર્તા : આવું અમારે રોજ બને ! ગુસ્સો આવી જ જાય.

દાદાશ્રી : તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ શેના આધારે પ્રતિક્રમણ ? પસ્તાવો કરવાનું કારણ ? એણે આવું કર્યું શા માટે ? ત્યારે કહે, એણે જે કર્યું તે તમારા કર્મના ઉદય છે. તે એણે આ ભૂલ કરી. કોઈ પણ માણસ ભૂલ કરે છે તે તમારા નિમિત્તે જ કરે છે. માટે તમારો જ કર્મનો ઉદય છે અને એણે ભૂલ કરી. એટલે તમારે પસ્તાવો ફરી કરી લેવો જોઈએ. તમારે ગુસ્સો થવાની જરૂર ન હતી, અહીં આ જગ્યાએ. એમ ને એમ પસ્તાવો કરાય નહીં. ગુનો દેખાતો હોય અને સાબિત ના થાય ત્યાં સુધી એનો પસ્તાવો શી રીતે થાય ? એ તો સાબિત થવો જોઈએ કે ભાઈ, પોતાના જ કર્મનો ઉદય છે. એવી એને સમજણ હોવી જોઈએ.

આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે. ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર છે. ભગવાનની હાજરીથી ચાલે છે આ. એટલે કોઈ પણ તમારી જોડે દોષ કરે તો તે તમારો જ પડઘો છે. દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાના જીવમાત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે. તમારા દોષથી એ રિએક્શન (પ્રત્યાઘાત) આવેલું છે. આત્માય વીતરાગ છે અને પ્રકૃતિય વીતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એટલું એનું રિએક્શન આવે.

ડિસ્ચાર્જ દ્વેષ, જ્ઞાન પછી

પ્રશ્નકર્તા : કામ કરતો ના હોય ને નોકરને કાઢી મૂકીએ તો તેનો દોષ લાગે કે પછી તે 'વ્યવસ્થિત' છે ?

દાદાશ્રી : એ દોષ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી, ત્યાં પુદ્ગલની સામસામી મસ્તી છે. રાગ-દ્વેષ છે ત્યાં સંડોવાય છે. જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ રહેતો નથી. ને જો રહેતો હોય તો તેનો ગુનો આપણને લાગે છે. પણ તે ડિસ્ચાર્જ દ્વેષ છે. એટલે લાંબો ગુનો લાગતો નથી.

કોઈ પણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય. જ્ઞાન પછી રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ નથી ત્યાં પુદ્ગલ સામસામી ટકરાય. તેને જુએ, જ્ઞાતા-દ્રષ્ટા તે આત્મા ! તેમાં જો તન્મયાકાર થાય તો માર ખાય. તન્મયાકાર ક્યારે થાય કે એમાં બહુ વણાઈ ગયેલું હોય તો તન્મયાકાર થાય, પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહેવું, જેથી ચોખ્ખું થઈ જાય.

ગુસ્સાનો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા. એટલી તમારી ફરજ.

ત્યાં જરૂર પર્સનાલિટીની જ

પ્રશ્નકર્તા : કારખાનામાં કારીગર બરાબર કામ ના કરતા હોય તો કડક બોલાઈ જવાય ત્યાં શું કરવું ?

દાદાશ્રી : જ્યાં સુધી તારામાં પર્સનાલિટી નહીં આવે ત્યાં સુધી તો બોલવું પડશે. તારે કડક બોલવું પડે. અને કોઇકને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણેય કરવું પડે. તે વાગે તો પ્રતિક્રમણ કરવાનું એવી રીતે. કારણ કે જે ફરજ છે તે તો બજાવવી પડે ને ? એમ કરતાં કરતાં ધીમે ધીમે પર્સનાલિટી ઉત્પન્ન થશે. આ સાચવી સાચવીને કામ લેશે ને, તે પર્સનાલિટી(ના લીધે) કશું બોલ્યા વગર કામ થયા કરે. આપણે એમને એમ હોય ને તોય બધા કામ કર્યા કરે.

પ્રશ્નકર્તા : કારીગર ને મારી વચ્ચે તંત ના પડી જાયને ?

દાદાશ્રી : ના, ના. એ તો પ્રતિક્રમણ કરે તો શું ના થાય ? તમે વઢો ને પછી પ્રતિક્રમણ કરો તો કશું જ ના થાય.

છેવટે તો પોતે જ ગુનેગાર

પ્રશ્નકર્તા : મારે કોઈકવાર વાઇફ પર ગુસ્સો થઈ જાય, એ દોષ દેખાયો કહેવાય ?

દાદાશ્રી : પણ 'તમને' ગુસ્સો ના થાય ને ?

પ્રશ્નકર્તા : મને, શુદ્ધાત્માને ના થાય.

દાદાશ્રી : હા, પણ એ તો તમને તમારો દોષ દેખાય. તમને આ દોષ દેખાય ને પણ ?

પ્રશ્નકર્તા : હા, દેખાય.

દાદાશ્રી : એટલે તમારો દોષ દેખાય પણ એનો (વાઇફનો) દોષ ના દેખાય ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : બસ, તે આપણે તો કોઈનો દોષ ના દેખાવો જોઈએ. તમારો દોષ, ચંદુભાઈનો દોષ દેખાય પણ બીજા કોઈનો દોષ ના દેખાવો જોઈએ.

પ્રશ્નકર્તા : એ જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે એનો (વાઇફનો) દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને ?

દાદાશ્રી : ના. એ તો એનો દોષ દેખાયો, એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે, પણ તમને વાઇફ દોષિત ના દેખાય. તમને એનો દોષ દેખાતો નથી, ચંદુભાઈનો દેખાય છે. એટલે તમારો પોતાનો દોષ કાઢો કે, 'આ તો ચંદુભાઈનો જ દોષ છે. પોતાનો જ દોષ છે આ તો !'

પ્રશ્નકર્તા : ગુસ્સો થઈ ગયા પછી એવું લાગે.

દાદાશ્રી : એ થઈ ગયા પછી પણ ચંદુભાઈ દોષિત લાગે ને તમને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો જ ગુનો કહેવાય ને ! એ થઈ ગયા પછી જ ગુનો ગણાય. સામાનો દોષ ના દેખાયો, પોતાનો દોષ દેખાય એટલે કે આ ચંદુભાઈનો દોષ તમને દેખાય. ચંદુભાઈ ગુનેગાર છે એવું તમને લાગે.

પ્રશ્નકર્તા : હા, દાદા. એવું જ થાય.

દાદાશ્રી : ચંદુભાઈને એ (વાઇફ) ગુનેગાર છે એવું લાગે પણ તમને ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે. ચંદુભાઈએ આમનો દોષ જોયો અને આમની જોડે ગુસ્સો કર્યો, માટે ચંદુભાઈ ગુનેગાર છે એવું તમને લાગે.

ત્યાં ગુસ્સો કરવો પણ નાટકીય

પ્રશ્નકર્તા : અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ, આમ કરવાનું છે, એક વાર, બે વાર, ચાર-પાંચ વાર કહીએ તોય એની એ જ ભૂલ કર્યે રાખે તો પછી ગુસ્સો આવે તો એનું શું કરવાનું ?

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તમને ક્યાં ગુસ્સો આવે છે ? ગુસ્સો તો ચંદુભાઈને આવે. એ ચંદુભાઈને પછી આપણે કહેવું, 'હવે દાદા મળ્યા છે. જરા ગુસ્સો ઓછો કરો ને.'

પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્પ્રુવ (સુધારો) નથી થતી, તો એને શું કરવું ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે ! એ કામ બરોબર કરતી નથી.

દાદાશ્રી : તે તો આપણે 'ચંદુભાઈ'ને કહેવું, એને જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા અમથા નાટકીય ઢબે લઢવું કે, 'આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ?' એવું બધું કહેવું.

અને પછી આવું કહી અને તરત પાછું 'ચંદુભાઈ'ને કહેવું કે, આને જરા કડક કહ્યું એટલે દોષ થયો, માટે પ્રતિક્રમણ કરો. એટલે પછી એની મનમાં માફી માંગી લેવી. પણ કહેવું અને પ્રતિક્રમણ કરવું. બેઉ સાથે કરવું. સંસાર વ્યવહાર તો ચલાવવો પડે ને !

પ્રશ્નકર્તા : પણ એને તે વખતે સામે દુઃખ થાય ને, આપે કહ્યું છે ને, બીજાને દુઃખ નહીં આપવાનું ?

દાદાશ્રી : એને દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો એને દુઃખ ના થાય, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એનો નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતા. દુઃખ તો ક્યારે આવે ? આપણો હેતુ દુઃખી કરવાનો હોય ને, કે એને સીધાં કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય.

જેટલાં પડ તેટલાં પ્રતિક્રમણ કરવા પડે

પ્રશ્નકર્તા : દાદા, આ ભાઈ પૂછે છે કે એકવાર ભૂલ થઇ હોય, પાછી માફી માંગે પછી બીજી વખત પાછો ક્રોધ થઇ જાય.

દાદાશ્રી : હા, પણ એ એવું છે ને કે આપણે ચંદુભાઇને કહેવું કે આવું ગુસ્સો ના કરશો, કહેવું કે પ્રતિક્રમણ કરો... એવું કહેવું એટલે બંધ થઇ જશે. ધીમે ધીમે બંધ થઇ જશે. એકદમ બંધ ના થાય. તમારે ચંદુભાઇને કહેવું કે આવો ગુસ્સો કરવાનો નથી અહીં આગળ, નહીં તો તમારું મન નહીં રહે. બીજા કોઇએ કહેવું ના પડે. આપણે આપણી મેળે જ કહેવું. હવે ડિપ્રેશન આવી ગયું હોય તો અરીસા પાસે લઇ જવું ને ખભો થાબડવો. ચંદુભાઇ, અમે છીએ તમારી જોડે.

આ ડુંગળી હોય છે (તેને કેટલા બધા પડ હોય છે !), તે આપણે બોલીએ એટલે એક પડ જાય પણ ફરીથી (બીજું) પડ આવીને ઊભું રહેને ! એટલે બહુ પડવાળી ભૂલો છે. દસ પડવાળી ભૂલો દસ વાર પ્રતિક્રમણ કરશો એટલે જતી રહેશે. પચાસવાળી પચાસે જતી રહે, બેવાળી બેમાં જતી રહે. અને પ્રતિક્રમણ કરીએ એટલે અવશ્ય જતું તો રહે જ, તરત જ. હવે આ ટાંકીમાં માલ ભર્યો છે એટલો જ નીકળવાની જરૂર છે. તે જેમ નીકળશે એમ દસ-બાર વર્ષે બધો ઘણો ખરો નીકળી જશે. ત્યારે હલકાંફુલ થઇ જશો.

કર્મો ભૂંસાઈ જાય, પ્રતિક્રમણથી

પ્રશ્નકર્તા : મને ને મારાં હસબંડને ક્રોધ ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એવું બધું થઈ જાય છે. તો મારે પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : તે ક્રોધ તું કરે છે કે એ ? ક્રોધ કોણ કરે છે ?

પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, 'કેમ તું આવું કરે છે ? કરેલા તે ભોગવવા જ પડે ને !' પણ આ પ્રતિક્રમણ કરે તો બધાં દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા, તે આપણે પાછાં ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.

એટલે ગુસ્સો આવી જાય. પણ પછી કહે કે, 'હે દાદા ભગવાન ! તમે તો ના કહ્યું છે અને મારે તો આ થઈ ગયું, એની માફી માગું છું.' એટલે ભૂંસાઈ જાય પછી.

પ્રશ્નકર્તા : આવું થવું ન ઘટે.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એ તરત થવું જોઈએ ?

દાદાશ્રી : હા, એટલે ભૂંસાઈ જાય પાછું. શાથી ભૂંસાઈ જાય ? પ્રતિક્રમણથી. બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે, માટે સંપૂર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તોય પણ એને થોડું ઢીલું થાય પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય. 'હે દાદા ભગવાન ! આવું ના હોવું જોઈએ.'

એ પુરુષાર્થ કે પરાક્રમ ?

પ્રશ્નકર્તા : ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ?

દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય.

પ્રશ્નકર્તા : તો પછી પરાક્રમ કોને કહેવાય ?

દાદાશ્રી : પરાક્રમ તો આ પુરુષાર્થનીય ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય. આ તો લ્હાય બળતી હોય તે દવા ચોપડીએ, એમાં પરાક્રમ ક્યાં આવ્યું ? એ બધાને જાણે, અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતાં કરતાં બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે એની મેળે. નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું કુદરતી બંધ થઈ જાય. પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સહુ સહુને ઘેર.

છૂટાય, સહમત ના થઈએ તો

ગુસ્સો થઈ જાય તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે. નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ ગયું. અને પ્રતિક્રમણ કરો તો આપણને ગુસ્સો ગમતો નથી એમ જાહેર થયું કહેવાય. એટલે એમાંથી આપણે છૂટા થઈ ગયા. મુક્ત થઈ ગયાં આપણે. જવાબદારી ઘટી ગઈ. આપણે એના વિરોધી છીએ, એવું જાહેર કરવા માટે કંઈ સાધન તો હોવું જોઈએ ને ? ગુસ્સો આપણામાં રાખવો છે કે કાઢી નાખવો છે ?

પ્રશ્નકર્તા : એ તો કાઢી નાખવો છે.

દાદાશ્રી : જો કાઢી નાખવો હોય તો પ્રતિક્રમણ કરો. તો પછી ગુસ્સાના વિરોધી છીએ આપણે ભાઈ. નહીં તો ગુસ્સામાં સહમત છીએ, જો પ્રતિક્રમણ ના કરીએ તો.

પ્રશ્નકર્તા : જે થવાનું હતું તે થઈ ગયું. પછી આપણે પ્રતિક્રમણ કરો કે ના કરો, એમાં ફરક જ ના પડે ને ?

દાદાશ્રી : ચાલે એવું છે. પણ હવે આ જો વધારે કરો તો બહુ ફાયદા થઈ પડે, હં કે. તમારે ચાલે એવું કરવું છે કે વધારે કરવું છે ?

પ્રશ્નકર્તા : કરવાની વાત નથી, હું તો સાયન્ટિફિકલી (વૈજ્ઞાનિક ઢબથી) પૂછું છું.

દાદાશ્રી : બધું જ નિકાલી છે, પણ અતિક્રમણ થાય ત્યાં આપણે વિચારી લેવું જોઈએ. નહીં તો પછી આપણો સ્વભાવ આપણામાં રહી જાય. આપણે આ સ્વભાવના વિરોધી છીએ એવું નક્કી તો થવું જ જોઈએ. આપણે એમાં સહમત નથી એ નક્કી હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : સહમત નથી એવું નક્કી થઈ ગયું હોય તો પછી એ પ્રતિક્રમણ તો મનમાં જ કરવાનું હોય છે ને ?

દાદાશ્રી : એ તો મનમાં જ. બધું જ મનમાં કરવાનું હોય છે. બીજું કશું કરવાનું નહીં. બોલવા જવાનું નહીં, મોઢે નહીં કરવાનું. આપણે એના વિરોધી છીએ. પ્રતિક્રમણ ના કરીએ પણ 'આ આપણને ગમતું નથી' એટલું બોલીએ તોય બસ થઈ ગયું. તમે છૂટાં થયાં એનાથી. એ તમારે પેલી ભાંજગડમાં ન રહેવું.

પ્રતિક્રમણથી ચોખ્ખું થાય વર્તન

પ્રશ્નકર્તા : આપણે જો કોઇની ઉપર ગુસ્સો કરીએ, તો તે ઘડીએ પેલું લક્ષમાં હોય કે આ ફાઇલની જોડે ગુસ્સો થાય છે ને એ તો શુદ્ધાત્મા છે અને આપણેય તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટા હોઇએ તો પછી પ્રતિક્રમણ કરવાની સ્ટેજ આવે જ નહીં ને ? આપણે શુદ્ધ ઉપયોગમાં જ હોઈએ તો પછી પ્રતિક્રમણ રહ્યું જ નહીં ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું સારું. કારણ કે તમે તમારી મેળે તમારા જ્ઞાનમાં રહ્યા, એટલે તમારું જ્ઞાન ચોખ્ખું કર્યું પણ આ વર્તન ચોખ્ખું ના કહેવાય ને ! અતિક્રમણ કર્યું ને, તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. તે પ્રતિક્રમણ હવે 'તમારે' કરવાનું નથી. 'જ્ઞાતા-દ્રષ્ટા' 'કરે' નહીં અને 'કરે' એ 'જ્ઞાતા-દ્રષ્ટા' નહીં. એટલે પ્રતિક્રમણ 'ચંદુભાઈ'ને જ કરવાનું. જેણે અતિક્રમણ કર્યું ને તેને જ 'આપણે' કહીએ, 'તમે' પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ, તમે પ્રતિક્રમણ કરો.

એ પ્રતિક્રમણ કરાવે કોણ ?

પ્રશ્નકર્તા : ગુસ્સો થયા પછી જે પસ્તાવો કરે છે તે જડનો ગુણ છે કે ચેતનનો ગુણ છે ?

દાદાશ્રી : એ તો જડનોય ગુણ નથી ને ચેતનનોય ગુણ નથી. એ તો પ્રજ્ઞાનો સ્વભાવ છે. આ જડ-ચેતનના ગુણો એવા ના હોય. ગુસ્સો કરવાનો ગુણ એવો હોય નહીં.

પ્રશ્નકર્તા : આ પસ્તાવો થાય છે એ કોણ કરાવે છે ?

દાદાશ્રી : એ બધું પ્રજ્ઞા કરાવે છે.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કોણ કરાવે છે ?

દાદાશ્રી : એ બધું આ પ્રજ્ઞા કરાવે છે.

ભૂલો દેખાતી થાય તો ભગવાન થાય. ભૂલો શેનાથી દેખાતી થાય ? એ તો છે તે, આપણી પ્રજ્ઞાશક્તિથી. આત્મામાં જે પ્રજ્ઞાશક્તિ પડેલી, એનાથી બધી ભૂલો દેખાતી થાય. ને એ ભૂલો દેખાડે આપણને, એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે 'ભાઈ, પ્રતિક્રમણ કરો.'

પેલી પ્રજ્ઞાશક્તિ ડાઘ દેખાડે એટલે આપણે કહીએ, 'ધોઈ નાખ, આ ધોઈ નાખ, આ ડાઘ ધોઈ નાખ.' એટલે ડાઘ બધા ધોઈ નાખે. પ્રતિક્રમણ કર્યું એટલે ચોખ્ખું.

તમે કોઇ જોડે ગુસ્સો કરતા હોય, તો હું તમને એટલું પૂછી લઉં કે તમે ચંદુભાઇ છો કે શુદ્ધાત્મા છો ? તો તમે કહો કે 'હું શુદ્ધાત્મા'. તો પછી મારે તમને કશું કહેવાનું જ ના રહ્યું. ગુસ્સો કરતો હોય તો હું જાણું, જે છે એ માલ નીકળી જાય છે. એને અટકાવવાનો આપણે અધિકાર નથી. 'આમ ના હોવું જોઇએ' એવું તમારે ચંદુભાઇને કહેવું જોઇએ ખરું. ચંદુભાઇને કહેવામાં વાંધો નહીં. કારણ પાડોશી છે ને, ફાઇલ નં. વન !

પ્રતિક્રમણ એ જ સાચો મોક્ષમાર્ગ

પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે, 'અલ્યા, મને ક્રોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા રાખો, પણ તે મારે કઈ રીતે ક્ષમા રાખવી ?' એટલે આમને ઉપદેશ કેવી રીતે આપવાનો હોય કે તમને ક્રોધ આવે તો તમે આવી રીતે, મનમાં પસ્તાવો લેજો કે મારામાં શી નબળાઈ છે કે મારાથી આવો ક્રોધ થઈ જાય છે. તે ખોટું થઈ ગયું મારાથી, એવો પસ્તાવો લેજો અને માથે કોઈ ગુરુ હોય તો એમની હેલ્પ લેજો અને ફરી એવી નબળાઈ ઉત્પન્ન ના થાય એવો નિશ્ચય કરજો. તમે હવે ક્રોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિક્રમણ કરો.

એટલે દિવસમાં કેટલાં અતિક્રમણ થાય છે અને કોની સાથે થયાં, એની નોંધ કરી રાખ અને તે ઘડીએ પ્રતિક્રમણ કરી લે.

પ્રતિક્રમણમાં આપણે શું કરવું પડે ? તમને ક્રોધ થયો અને સામા માણસને દુઃખ થયું તો એના આત્માને સંભારીને એની ક્ષમા માગી લેવાની. એટલે આ થયું તેની ક્ષમા માગી લે. ફરી નહીં કરું એની પ્રતિજ્ઞા લે. અને આલોચના એટલે શું કે અમારી પાસે દોષ જાહેર કરે કે મારો આ દોષ થઈ ગયો છે.

અક્રમના પ્રતિક્રમણ, દેવું વાળવા

આ અક્રમ માર્ગ છે એટલે જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ કરવા પડે, નહીં તો જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ ના હોય. આ સ્વરૂપનું જ્ઞાન પામ્યા, પણ મહીં (ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોનો) માલ સ્ટોકમાં છે તેથી અતિક્રમણ થાય અને તેનું પ્રતિક્રમણ કરી નાખવું પડે. એ પ્રતિક્રમણ આપણે 'શુદ્ધાત્મા'એ નહીં કરવાનાં, એ તો આ મન-વચન-કાયા (ફાઈલ નં.૧) પાસે કરાવવાનાં. 'હું કરું છું' એ ભાવ નીકળી ગયો એટલે સ્વરૂપે કરીને શુદ્ધ છીએ, એટલે 'પોતાને' પ્રતિક્રમણ કરવાના ના હોય. પોતે 'શુદ્ધાત્મા' પ્રતિક્રમણ કરે તો તો પોઇઝન થઇ જાય. 'પોતે' 'શુદ્ધાત્મા' પ્રતિક્રમણ ના કરે, પણ મન-વચન-કાયા પાસે કરાવડાવે. આ તો અક્રમ માર્ગ છે એટલે પહેલાં સ્વરૂપજ્ઞાનમાં બેસીને પછી દેવું વાળવાનું. અક્રમ માર્ગમાં તો પહેલાં બળતરા બંધ કરીને પછી દેવું વાળવાનું; જ્યારે ક્રમિક માર્ગમાં તો દેવું વાળતાં વાળતાં જ્ઞાનમાં આવે.

વિજ્ઞાન સમજી લાવો ઉકેલ

પ્રશ્નકર્તા : અમુક ટાઇમે 'શુદ્ધાત્મા છું' એવું રહે છે અને અમુક ટાઇમે સાચું બોલવું પડે, જૂઠું બોલવું પડે, ક્રોધ થઇ જાય, ત્યારે એમ થાય કે આ કેવી રીતે શુદ્ધાત્મા ? ડખોડખલ થઇ જાય છે.

દાદાશ્રી : એ તો બધું અનાત્મ વિભાગમાં છે. બે ભાગ જુદા પાડ્યા. તમે શુદ્ધાત્મા રહ્યા અને બીજો આ ભાગ રહ્યો, એ ભાગમાં બધું થાય છે, એ તમારે શું લેવાદેવા ? હવે તમને જોખમદારી નથી. ગુસ્સો થતાં છતાંય ક્રોધ નથી. બિલકુલેય ક્રોધ-માન-માયા-લોભ રહેતાં નથી. માટે આ જ્ઞાન તમે સમજો બરોબર. આ વિજ્ઞાન કોઈક ફેરો ભેગું થાય અને આ ભેગું થયું છે તો એને પૂરેપૂરું સમજી લો.

જય સચ્ચિદાનંદ