રહેવું 'પોઝિટિવ', વ્યવહારમાં હંમેશાં...

સંપાદકીય

વ્યવહારમાં સહજ રીતે થઈ જતા વાણી-વર્તન, મનન, આચાર-વિચાર, અભિપ્રાય, પોઝિટિવ કે નેગેટિવ વલણ માટે આપણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું જ નથી ને ! પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહે છે કે આ ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે : ૧) કોઈને કિંચિત્માત્ર દુઃખ આપણા થકી ન હો, એ પોઝિટિવ અહંકાર, એનાથી સુખી થવાય. ૨) સહેજ અપમાન થયું તો એનું વેર વાળે, તે નેગેટિવ અહંકાર, એનાથી દુઃખી થવાય. ૩) અને મોક્ષે જવું હોય તો આરોપિત ભાવથી, અહંકારથી મુક્ત થા.

જીવનમાં નેગેટિવ શા કારણથી ઊભા થઈ જતાં હોય છે ? ધાર્યા પ્રમાણે ના થાય તો અપમાન મળે, માન બરોબર ન સચવાય તો, મોહ-અપેક્ષા પ્રમાણે ના મળે તો, કોઈ નુકસાન કરે તો ત્યાં નેગેટિવ ઊભા થાય. જેને છૂટવું છે, તેણે નેગેટિવના કારણો શોધી કાઢી પોઝિટિવથી ભાગાકાર કરે અને જ્ઞાનથી છેદ ઊડાવે તો જ એ કર્તાપણાની, માનની, મોહની, લોભની ગાંઠ તૂટે અને જીવનમાં શાંતિ થાય, મોક્ષમાર્ગે આગળ વધાય.

જેમ સિક્કાની બે બાજુ હોય તેમ જીવનવ્યવહારમાં બે જાતના પરિણામ હોય જ, 'પોઝિટિવ' અને 'નેગેટિવ'. કોઈપણ પોઝિટિવ લાઈન ભગવાન પક્ષી છે, નેગેટિવ લાઈન શૈતાન પક્ષી છે. જગતમાં નેગેટિવ દુઃખ આપશે અને પોઝિટિવ સુખ આપશે. આત્મા પોઝિટિવ પક્ષ છે ને બુદ્ધિ નેગેટિવ પક્ષ છે. જેનું મન કાયમ પોઝિટિવ થઈ ગયું તે જ ભગવાન. નેગેટિવ તો સંસારી વાતોમાં સમય બગાડે ને ગૂંચવે, સુખ ના આવવા દે અને સંસારમાંથી બહાર ના નીકળવા દે. સંસાર વ્યવહારમાં નેગેટિવ ભાંગવામાં જેટલો સમય નકામો જાય છે તેના કરતાં પોઝિટિવમાં જોઈન્ટ થઈ જાય તો નેગેટિવ ઓટોમેટિક ભાંગી જશે. એટલે દાદાશ્રી કહે છે વ્યવહારમાં પોઝિટિવ રહેજો, નેગેટિવ ના થશો. પોઝિટિવ રહે તો સંસારની કોઈ અડચણ અડે નહીં.

પોઝિટિવ-નેગેટિવ અંગેની સાચી સમજ દાદાશ્રીના શ્રીમુખે નીકળેલી સત્સંગ સરવાણીમાંથી પ્રાપ્તિ થાય છે, જેથી જીવનમાં આશા-નિરાશા, ચડતી-પડતી કે સુખ-દુઃખના પ્રસંગોમાં નોર્માલિટીમાં રહી, સાચું સમાધાન મેળવી, જીવન ખરા અર્થમાં જીવવા લાયક બની જાય છે. દાદાશ્રી સૈદ્ધાંતિક સમજ આપતા કહે છે, 'જીવનમાં એક પ્રિન્સિપલ રાખવો, હંમેશા પોઝિટિવ રહેવું. નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.' એટલે શું કરવાનું ? જ્ઞાન મળ્યા પછી હવે નેગેટિવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. એટલે પોઝિટિવ એની મેળે રહેશે. પછી વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ પણ નહીં ને નેગેટિવ પણ નહીં અને એ જ વીતરાગ દશા. એ દશા સુધીની પ્રગતિ પામવા માટે, પોઝિટિવ પુરુષાર્થમાં આવવાની સાચી સમજ સહુ કોઈને અત્રે મળી રહે, એ જ અભ્યર્થના સાથે...

દીપક દેસાઈ

પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે ?

પ્રશ્નકર્તા : મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું કામ આ ૨૮ વર્ષની ઉંમરે મારી પાસેથી એણે છીનવી લીધી, એની કોઈ જાણ નથી. મને એમ થાય છે કે આ ભગવાન આવું શું કામ કરે છે ?

દાદાશ્રી : એવું છે, લોખંડને મૂળ સ્વભાવમાં લાવવું હોય તો ઉપર કાટ કાઢવા માટે ગરમ કરવું પડે છે, પછી ઠોકવું પડે કે ના ઠોકવું પડે ?

પ્રશ્નકર્તા : સાફસુફી કરવી પડે.

દાદાશ્રી : એવું મનુષ્યનાં ઉપર છે તે આ બધો માર પડે છે ને, તે ચોખ્ખો કરે છે. સમજાય છે ને ? નહીં તો આ તમારી પત્ની જીવતી હોય અને એમને એમ તમારે ચાલ્યા કરે, તો તમે કંઈ દવા-બવા કરો નહીં.

પ્રશ્નકર્તા : એ તો ખરું કહ્યું, દાદાજી. જ્યારે એ હતીને ત્યારે હંુ વાંચતોય બધું નાસ્તિક ને લખાણ લખતોય નાસ્તિક. એટલે લાયબ્રેરીમાં ધાર્મિક પુસ્તક હાથમાં આવે ને ત્યારે ફેંકી દેતો'તો કે આ વચ્ચે ક્યાં આવે છે. એ બધી ખોટી ઝંઝટ છે.

દાદાશ્રી : તમે તો કોઈ દવા કરો નહીં ને રોગ રહી જાય. રોગ વધતો જાય. આ તો તમારી દવા થઈ રહી છે.

પ્રશ્નકર્તા : પણ હંુ ધાર્મિક ન્હોતો છતાંય એ પરિસ્થિતિમાં હું આટલો અશાંત ન્હોતો, જેટલો અત્યારે છું.

દાદાશ્રી : અશાંત ન્હોતાં પણ તો યે દુઃખ તો થયાં જ કરે ને, મતભેદ પડે તો ! એની જોડે કોઈ દા'ડો મતભેદ તો પડ્યો હશે ને ?

પ્રશ્નકર્તા : બહુ જવલ્લે, ક્યારેક બન્યું હશે ને એ એકાદ-બે દિવસથી વધારે નહીં ચાલ્યું હોય.

દાદાશ્રી : હા, પણ વસ્તુસ્થિતિમાં એમ છે. આ કંઈક અમથો કાગળ આવે ને, કે ભઈ, તમે આમ કર્યું છે, તોય અસર થાય. દરેક વસ્તુની અસરો થાય. આ આખું શરીર ઈફેક્ટિવ છે.

પ્રશ્નકર્તા : એ વખતે દાદા, મારો એપ્રોચ એવો રહેતો'તો ને કે ધારોકે ગમે તે મુશ્કેલી આવે કે કંઈપણ આવે ને, તો ર્ત્ ીૃર્ ીણુશ્રફૂ દ્દં ફિંૂદ્દ દ્દત્ર્શ્વં્યત્ર્ િંજ્ઞ્દ્દ. હું એને પાર કરી જઈશ. એટલે એ કોન્ફીડન્સ (આત્મવિશ્વાસ) જેને કદાચ મારો ઈગો (અહંકાર) જ કહેવાય, એ ઈગો જ છે. અને હું સહેજપણ અશાંતિ, આવી કોઈ દ્વિધા કે એવું કશું ન્હોતો અનુભવતો, ઓલરાઈટ. હું એમાંથી નીકળવાનો જ છું અને દુનિયાની પેલી ભૌતિક મુશ્કેલીઓ આ તે, જે કંઈ આવે એમાંથી નીકળ્યા ખરું, પણ અહીં આગળ માર ખાઈ ગયો.

દાદાશ્રી : આ જે જીવન જીવાય છે, એમાં બે જાતનાં રિઝલ્ટ (પરિણામ) હોય છે. જ્યારે પોઝિટિવ રિઝલ્ટ હોય છે, ત્યારે તમારા ધારેલા પ્રમાણે બધું થયા કરે. ઊંધું નાખો તોય છતું થાય.

એટલે તમને બધા એવિડન્સ મળ્યા જ કરે. સંજોગો ભેગા થયા કરે, તમારી ઈચ્છાપૂર્વકનાં. પણ જ્યારે નેગેટિવ આવે, તે ઘડીએ તમારી ઈચ્છાથી અવળું જ પડે બધું. તે આ પોઝિટિવ-નેગેટિવ બે શક્તિઓ કામ કરી રહી છે. તમારે એ બે શક્તિઓને વશ રહેવું પડે.

પોઝિટિવ-નેગેટિવની અસરો

પ્રશ્નકર્તા : આપણે આત્મા છીએ, મૂળભૂત રીતે આત્મા સ્વરૂપ હોઈએ તો આ નેગેટિવ ને પોઝિટિવ શક્તિઓને આપણે કંઈ કહેતાં નથી તો આપણને એ કેમ હેરાન કરે છે ?

દાદાશ્રી : પણ મૂળ રૂપે આત્મસ્વરૂપ થાય, તો પછી પોઝિટિવ-નેગેટિવ શક્તિઓ તમને અડે નહીં. પછી અસર ના કરે. પણ અત્યારે મૂળરૂપે આત્મસ્વરૂપ હજુ થયાં નથી ને !

પ્રશ્નકર્તા : આ પોઝિટિવ-નેગેટિવ જે થાય છે, એ ભ્રમ છે ને કે અહંકારને લીધે થાય છે ?

દાદાશ્રી : ના, એ ભ્રમ નથી, સાચી વાત છે. આપણા ધાર્યા પ્રમાણે બધું જ થયા કરે, આપણે જે જે ધારીએ ને તે બધું જ થયા કરે, ઊંધું નાખીએ તોય છતું થાય, એવું એ પોઝિટિવનો સ્વભાવ છે અને બીજો ટાઈમ, એવો નેગેટિવનો ટાઈમ આવ્યો કે બધું નાખીએ તોય, છતું નાખીએ તોયે ઊંધું પડે બધું.

નેગેટિવને જ પોઝિટિવ મનાયું ત્યાં...

પ્રશ્નકર્તા : દાદા, તમે નિષેધાત્મક ક્રિયાઓની વાત કરો છો એ હું સમજી ગયો. નિષેધાત્મક-નેગેટિવ, બાહ્યમાં નેગેટિવ, અમુક વસ્તુ નથી થઇ શકતી. દા.ત. જૂઠું બોલવું એ ખરાબ છે.

દાદાશ્રી : એવું છે ને, (જૂઠું બોલવું) જે પોઝિટિવ છે નહીં, તો (ખરાબ છે એવું) નેગેટિવની કેમની વાત કરું છું ? પોઝિટિવ છે ?

આ પોઝિટિવ, ઇઝ ઇટ કરેક્ટ ? જો પોઝિટિવ કરેક્ટ હોય તો નેગેટિવ ખોટું કહેવાય. પણ પોઝિટિવ કરેક્ટ છે જ નહીં તો પછી નેગેટિવને કેમનું ખોટું કહેવાય ? એટલે નેગેટિવ કરવાનું શા આધારે કે આ માનેલું પોઝિટિવ તારું હંડ્રેડ પરસેન્ટ રોંગ છે બધું. માટે નેગેટિવ શા માટે કહે છે, કે ભઇ, પોઝિટિવ કંઇક જુદી વસ્તુ છે, આ ન્હોય એ કહેવા માંગું છું.

પ્રશ્નકર્તા : પણ એને માટે જ્ઞાનની ઉપલબ્ધિ જોઇએ ને, એ તમે આપો ત્યારે બને ને ?

દાદાશ્રી : ના, એમ નહીં. એ આપો ત્યારે એમ નહીં. બુદ્ધિથી સમજાય એવી વાત છે એ. આપીએ એ જ્ઞાન જુદું છે અને આમ બુદ્ધિથી સમજાય એવું છે કે ભઇ, તું પોઝિટિવ જાણતો નથી ને નથી ત્યાં પોઝિટિવ માની બેઠો છે. એટલે અમે તને કહીએ છીએ, કે આ પોઝિટિવને માનું છું, એ તો નેગેટિવ છે. અમે તને નેગેટિવને રસ્તે ચઢાવતા નથી, પણ તું પોઝિટિવ જે માનું છું તે જ નેગેટિવ છે. એટલે તને વિચાર આવે કે ઓહો ! ત્યારે તો પોઝિટિવ શું હોવું જોઇએ ? એવો વિચાર આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : હા, એ પોઝિટિવ તો જાણવું છે જ.

દાદાશ્રી : તને એમ લાગે છે ને કે આ નેગેટિવ રસ્તો હું નથી બતાડતો ! હું એમ કહું છું કે જે તેં પોઝિટિવ માન્યું છે, એ બધું નેગેટિવ છે.

પ્રશ્નકર્તા : હા, બરાબર.

દાદાશ્રી : હવે એ નેગેટિવ છે, ત્યાં પોઝિટિવ શું હોવું જોઇએ, એ વિચાર આવવો જોઇએ કે ના આવવો જોઇએ ? એટલે અમારો આ નેગેટિવનો રસ્તો નથી, હું તને પોઝિટિવ સાચું ખોળવાનું કહંુ છું. આ નેગેટિવને પોઝિટિવ માનો છો, તેથી કરીને સુખ નહીં થાય.

કંઈ શક્તિ હશે મનુષ્યમાં ?

માણસનામાં શક્તિ ખરી ? તારામાં શક્તિ ખરી ?

પ્રશ્નકર્તા : શક્તિ એટલે કઈ શક્તિની આપ વાત કરો છો ?

દાદાશ્રી : કોઇ પણ શક્તિ છે ?

પ્રશ્નકર્તા : શક્તિ તો છે જ, શક્તિ વગર ભક્તિ કેવી રીતે કરવાની ?

દાદાશ્રી : કઇ શક્તિ છે તારામાં કહેને ?

પ્રશ્નકર્તા : શારીરિક શક્તિ છે.

દાદાશ્રી : એમ ? અત્યારે પાડો સામો આવે તોય તું હરાવી પાડું ?

પ્રશ્નકર્તા : ના, એ રિલેટીવની વાત કરી. એની શક્તિ મારાથી વિશેષ હોય. એટલે એ સાપેક્ષ છે.

દાદાશ્રી : તો એને શક્તિ કહેવાય જ નહીં. જે શક્તિમાં ઉપરી વધારે શક્તિવાળો હોય ત્યારે એ શક્તિ કહેવાય જ નહીં ને ! એને શક્તિ કેમ કહેવાય ? સંડાસ જવાની શક્તિ ખરી તારી ? તે સંડાસ જવાની શક્તિ નથી ને મૂઆ બૂમાબૂમ કરે છે આખી દુનિયા. તારી પોતાની શક્તિ છે કે ? સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : હં. ભગવાનનેય નહોતી, મને નથી ને કોઇને છે નહીં અને અમથા ઉછાળા માર્યા કરે કે 'મેં આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ને...' નર્યા ઉછાળા માર માર કરે છે. ત્યારે ઊંઘવાની શક્તિ છે ? ગમે ત્યારે ધારું તો ઊંઘી જઉં ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે ઊઠવાની શક્તિ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી કઇ શક્તિ છે ? તું મને કહે મને કઇ શક્તિ છે ? ખોટી માની લીધેલી વાતો બધી. આમ કરી નાખું ને તેમ કરી નાખું. પોતાનું ભાન આમાં નામેય નથી. આ તો આજુબાજુ ખબર રાખેલી હોય એટલે ભાન ઉત્પન્ન થાય. પોતાનું ભાન એક જરાયે નથી અને બધુંય માથે લઇને ફરે છે. પોતાના ભાન વગર વ્યવહાર આખોય નભી રહ્યો છે, સ્હેજેય ભાન નથી.

કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે...

પ્રશ્નકર્તા : દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી જોયેલું હોય, એટલે એ નેગેટિવ જ એને પછી પોઝિટિવ જેવું થઇ જાય છે, તકલીફ એ છે.

દાદાશ્રી : ના, પોઝિટિવ થઇ જતું નથી, એ પોઝિટિવ માને છે ખાલી. બિલીફ જ છે. હવે બિલીફ એટલે આપણી પાસે બે લાખ રૂપિયા બેંકમાં છે એવી બિલીફ માનવાથી કંઇ આપણને બેંકમાં સ્વીકારે ખરાં ? ઓલ ધીઝ આર રોંગ બિલીફ્સ. એટલે આ રસ્તે કોઇ દહાડો કોઇ માણસ સુખી દેખાય નહીં. આ રસ્તો જ એવો ઊંધો છે કે કોઇ માણસ સુખી હોય નહીં. વડો પ્રધાન હો કે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા હો કે રાજા હોય, બધા જ દુઃખી. સુખી ક્યારે દેખાય કે પોતે રાઇટ અન્ડરસ્ટેન્ડીંગ (સાચી સમજ) ઉપર આવે, પોઝિટિવ ઉપર આવી જાય. કરેક્ટ પોઝિટિવ ઉપર આવી જાય. આ માનેલું પોઝિટિવ તો ઇનકરેક્ટ છે. આ તો ખોટું પોઝિટિવ, જ્યાં નેગેટિવ છે તેનું પોઝિટિવ માની બેઠાં. નથી માની બેઠાં ? શું નામ તમારું ?

પ્રશ્નકર્તા : ચંદુભાઇ.

દાદાશ્રી : તું ખરેખર ચંદુ છું ? ચંદુ તારું નામ નહીં ?

પ્રશ્નકર્તા : નામથી ખાલી.

દાદાશ્રી : તો તું કોણ ? માય નેમ ઈઝ ચંદુ તો તું કોણ ? ફલાણાનો છોકરો, જો આટલી જ સમજ છે ને ? તું ચંદુ છું, એમ કરીને ક્યાં સુધી ચાલાવ્યા કરીશ ?

પ્રશ્નકર્તા : આખી જિંદગી સુધી અંધારામાં ને અંધારામાં ચાલ્યા છીએ, તો એ અંધારા ઉલેચીએ તો કેવી રીતે જાય ?

દાદાશ્રી : અનંત અવતારથી અંધારામાં ચાલ્યા છીએ. ભટક ભટક ભટક ભટક ભટક અને જીવે પોઝિટિવ જોયું જ નથી. જો પોઝિટિવ જુએ તો તો ઠેકાણે પડી જાય.

પ્રશ્નકર્તા : પોઝિટિવની ઓળખ જ જતી રહી છે.

દાદાશ્રી : ઓળખ જ જતી રહી છે અને પોઝિટિવને જ નેગેટિવ માને છે. નેગેટિવને પોઝિટિવ માને છે.

પ્રશ્નકર્તા : દુર્ગંધ જ જો જો કરી ને, સુગંધનો ખ્યાલ જ નથી આવ્યો !

દાદાશ્રી : એનુંં ભાન જ શી રીતે આવે ? એટલે પછી અમે એને ભાનમાં લાવીએ. જ્ઞાન આપી ભાનમાં લાવીએ. ત્યાર પછી કહે કે હા, આ.. આ તો ન હોય, આ તો ચંદુભાઈ હંુ ન્હોય.

પરિણામ, આપણી ભૂલનું જ

પ્રશ્નકર્તા : હવે આપણે કર્તાભાવ રાખીએ નહીં. આપણે કર્તા નથી એવા ભ્રમમાં ને ભ્રમમાં કોઇ ખોટી ક્રિયા થઇ ગઇ અને પછી એનો દોષારોપણ આપણે કોઈ ઉપરવાળાને, સુપર પાવરને આપીએ તો એ ખોટું કહેવાય કે બરાબર કહેવાય ?

દાદાશ્રી : એવું કહેવાતું હશે ? ભૂલ આપણી જ છે. બધી આપણી ભૂલ. ચંદુના નામ ઉપર ઇનામ આવે તો તું લઇ જઉં ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તારી લાયકાતથી ઇનામ આવ્યું અને તારી ગેરલાયકાતથી તે આમ ખોટંુ થયું. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. આમાં બીજા કોઇની ડખલ જ નથી. વાવમાં જઇને, છેલ્લે પગથિયે જઇ પાણી પાસે બેસીને તું વાવને કહું કે 'તું ચોર છે' તો એ શું કહે ?

પ્રશ્નકર્તા : પડઘો પડે, 'તું ચોર છે' એમ.

દાદાશ્રી : એટલે આપણને ના ગમતું હોય, એ 'ચોર' કહે તે, તો આપણે કહીએ કે 'તું રાજા છું'. આ બધું જ તારું પ્રોજેક્શન છે. આ દરેક જીવ પોતાનું પ્રોજેક્શન, એમાં ભગવાનને વચ્ચે ઘાલે છે બિચારા, વગર કામના.

પ્રશ્નકર્તા : હા, એ જ કહેવા માગું છું. ખોટા ભ્રમમાં રહીને ખોટું કાર્ય કરે છે.

દાદાશ્રી : હં. એટલે ભ્રમમાંથી બહાર નીકળવાનો રસ્તો ખોળવો જોઇએ.

પોઝિટિવ પુરુષાર્થનો રસ્તો

તું કંઇ કરી શકતો હોય તો તું શું કરી શકું એમ છું, એ એક રસ્તો હું તને કહું. જ્યાં સુધી પુરુષ થયો નથી ત્યાં સુધી પુરુષાર્થ હોઇ શકે નહીં. પુરુષ અને પ્રકૃતિ, બેનું વિભાજન થાય ત્યારે પુરુષાર્થ શરૂ થાય. ત્યાં સુધી માણસ કશું કરી શકતો નથી. છતાં પણ કરે છે તે હું બતાવું તને. નથી કરી શકતો છતાં પણ કરે છે.

હવે તારે એક જણની જોડે વઢવાડ થઇ, બીજાની જોડે વઢવાડ થઇ, પછી એમાંથી અને બીજા પુસ્તકો વાંચવાથી તને પોતાને ખ્યાલ આવે છે કે વઢવાથી જોખમ વધે છે. અને આ રસ્તો સારો નથી, તો તું પછી નક્કી કરું કે ના, આપણે હવે વઢવું નથી ! ત્યારે કહે, સામો માણસ મારે તે ઘડીએ તો ? ત્યારે કહેશે, સમતા રાખી લેવાની. એ સમતા રાખવી એ પુરુષાર્થ કહેવાય. એ તું કંઇ પુરુષાર્થ કરું છું એમ કહેવાય. એક્સેપ્ટ થઇ શકે ? એ તને સમજાય એવી વાત છે ને ?

પ્રશ્નકર્તા : સમજાયું.

દાદાશ્રી : હા. બીજું એ કે તને રસ્તામાંથી એક પાકિટ જડ્યું અને તે ઘડીએ તું વિચાર કરું કે મારું પાકિટ ખોવાઇ ગયું હોય તો મને કેટલું દુઃખ થાય, એવો વિચાર તું કરું અને પછી મનમાં એમ વિચાર થાય કે આનો ધણી ક્યારે મળે તો હું એને આ પાકિટ આપી દઉં, એ તારો પુરુષાર્થ કહેવાય. એટલે આવી રીતે જો તું પકડું તો તે કંઇ પોઝિટિવ ઉપર આવ્યો. હું પોઝિટિવ ઉપર લાવવા માંગું છું. અત્યારે નેગેટિવને પોઝિટિવ માનું છું તે બધું પુરુષાર્થ નથી, પણ પોઝિટિવ આવવું જોઇએ. સમજાયું કે ના સમજાયું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ફાધરનો ગુનો હોય પણ ફાધર જોડે કકળાટ વધારીએ તો છેવટે એનું શું થાય ? બે રસ્તા જુદા થઇ જાય, સેપરેટ થઇ જાય. એનાં કરતાં આપણે ભેગાં રહેવાની જરૂર છે અને હજુ બીજું મકાન બંધાયું નથી ત્યાં સુધી અહીં પડી રહેવું પડશે. તો એ કકળાટ કરતાં હોય તો આપણે છે તે શાંતિ રાખવાની, સમતા રાખવાની એ પુરુષાર્થ ગણાય કે ના ગણાય ?

પ્રશ્નકર્તા : ગણાય.

દાદાશ્રી : એ સમતા રાખવાની. સમતાનો અર્થ એ કે એ કકળાટ કરતાં હોય ને આપણે મનમાં કકળાટ કરીએ એનું નામ સમતા નહીં. એ મોઢે કકળાટ કરતાં હોય ને આપણે મન બગડે નહીં એનું નામ સમતા. સમતા તો એનું નામ કહેવાયને ?

પ્રશ્નકર્તા : એનું નામ જ કહેવાય, હા. પેલું તો...

દાદાશ્રી : આ હું તને પોઝિટિવ ઉપર લઇ જવા માંગું છું. નેગેટિવ ઉપર લઇ જઇએ તો માણસ ખલાસ થઇ જાય.

પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ

પ્રશ્નકર્તા : નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ જાય ?

દાદાશ્રી : નાસ્તિક કહે છે તે ? હવે નાસ્તિક જેવું આ જગતમાં કોઈ હોતું નથી. આ ફક્ત પોઝિટિવ લાઈન જ બધી ભગવાન પક્ષી છે. પોઝિટિવ લાઈન આખી ભગવાન પક્ષી છે અને નેગેટિવ લાઈન છે, એ શૈતાન પક્ષી છે.

એટલે પોઝિટિવ લાઈનમાં હોય છે જ, દરેક માણસ કોઈ નીતિમાં હોય, ભગવાનને ના માનતો હોય પણ નીતિમાં, બીજી રીતે પણ પોઝિટિવમાં હોય છે. જેટલું પોઝિટિવ છે એ ભગવાન પક્ષી છે. એના પર પુસ્તક લખાય, પોઝિટિવ ને નેગેટિવ ઉપર.

પ્રશ્નકર્તા : પુસ્તિકા લખાય પણ પુસ્તક ના લખાય.

દાદાશ્રી : ના, આ લહેર કરતા હોય તોય મોટું પુસ્તક લખાય એટલું બધું વિવરણ છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, તમે જે આ પોઝિટિવ છે એમ કહો છો, તે નેગેટિવના વિરૂદ્ધનું છે ? નેગેટિવમાં દ્વંદ્વ સ્વભાવીવાળો પોઝિટિવની વાત કરો છો ?

દાદાશ્રી : બેઉ સામાસામી દ્વંદ્વ જ કહેવાય. એક છે તો બીજું છે, એનું નામ દ્વંદ્વ. એક છે તો આમાં પ્રતિકારી છે, એને દ્વંદ્વ કહેવાય. પણ વસ્તુસ્થિતિમાં દ્વંદ્વ જ હોય બધું. પણ આ તો આપણે આમ સહેજેય સમજીએ કે ભાઈ, આ વાત આ બોલ્યો, એ પોઝિટિવ વાત છે, આ વાત બોલ્યો એ નેગેટિવ વાત છે અને એવું ભેદ આપણને સમજણ પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : હા, પણ એ દ્વંદ્વ બુદ્ધિથી સમજણ પડે.

દાદાશ્રી : આ નીતિ એ પોઝિટિવ વાત છે ને અનીતિ એ શૈતાન વાત છે. ચોરી કરવી એ શૈતાન વાત છે. એ બધું જ આ કયો પક્ષ છે એટલું જ જોવાનું, આ પોઝિટિવ આખોય ભગવાન પક્ષ છે.

રિયલમાં આવે તો જ પોઝિટિવમાં આવે

પોઝિટિવપણું વધી જાય એટલે બહુ થઈ ગયું. પણ પોઝિટિવપણું એમ ને એમ વધે એવું નથી. પોતે પ્રયત્ન કરવા જાય તો પોઝિટિવ અને નેગેટિવ, બેઉ ઉત્પન્ન થાય. કારણ કે પોતાને ખબર નથી કે કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. એ તો પોતે રીયલમાં આવે તો જ વ્યવહારમાં પોઝિટિવમાં આવે. 'નેગેટિવ' 'પોઝિટિવ' ના થાય ને 'પોઝિટિવ' 'નેગેટિવ' ના થાય. કારણ બન્ને દ્વંદ્વ છે ને 'પોતે' દ્વંદ્વાતીત છે !

'પોઝિટિવ' લાવવા 'પોઝિટિવ' રસ્તો

પોઝિટિવ એટલે શું ? કશું કાઢવાનું નહીં, કશું ખસેડવાનું નહીં, માત્ર લાવવાનું.

આપણે આ તેલનું પીપડું ભરેલું હોય ને કોઈ કહેશે કે તેલ ખાલી કરી નાખો, ત્યારે આપણે પૂછીએ કે મહીં શું ભરવું છે ? ત્યારે એ કહે કે પાણી. એટલે આપણે એને કહેવા માંડીએ કે મહીં પાણી રેડ, તેલ એની મેળે ખાલી થઈ જશે. અગર તો મહીં ઘઉં નાખવા હોય કે જે નાખવું હોય તે નાખવા માંડ. એટલે તેલ બધું નીકળી જશે. વળી ખાલી કરો ને ભરો, એના કરતાં મહીં નાખવા માંડને. એટલે આ બધું નીકળી જશે. આ ઘઉં ને પાણી એ તો બુદ્ધિના ખેલથી દેખાય છે. પણ ત્યાં ઉકેલ કેવો છે કે મહીં આ પોઝિટિવ નાખો એટલે પેલું નેગેટિવ એની જગ્યા છોડીને બહાર નીકળી જાય. એટલે જે જગ્યા છોડીને એની મેળે નીકળી જાય છે, એને આ લોકો કાઢ કાઢ કરે છે, ઉલેચ ઉલેચ કરે છે. અજ્ઞાનને ઉલેચે તે ક્યારે પાર આવે ? અજ્ઞાનને આ પ્યાલે પ્યાલે ઉલેચ ઉલેચ કરીએ તો ક્યારે અજવાળું થાય ? સવાર થાય ? એના કરતાં અજવાળું કર ને !

જેવો પુરુષાર્થ તેવા પરિણામ

સદ્ભાવ કરવો, ઊંચો ભાવ કરવો એ 'પોઝિટિવ' પુરુષાર્થ. એનાથી ઊર્ધ્વગતિ થાય. ઊંધો ભાવ લે તે 'નેગેટિવ' પુરુષાર્થ. એનાથી અધોગતિમાં જાય. અને સાચો પુરુષાર્થ તો 'પોતે' પુરુષ થઈ પુરુષાર્થ કરે તો મોક્ષે જાય !

પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં

શોર્ટ કટમાં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું ચંદુલાલ છું' એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતાં હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુઃખ મિક્ષ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર ! અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા ! આટલાં ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણ વાક્યો સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા !

એટલે આ ત્રણ જ વાક્યો છે; (૧) સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર, કોઇને કિંચિત્ માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય, એવો અહંકાર એ પોઝિટિવ અહંકાર (૨) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર. પોતાનું સહેજ અપમાન થઇ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઇને કહી આવે કે, 'પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.' અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર (૩) મોક્ષે જવું હોય તો 'આરોપિત ભાવ'થી મુક્ત થા.

નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય. કો'કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઇ ગઇ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઇએ. કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઇ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.

આપણને લાગતું હોય કે 'આવો સાહેબ, આવો સાહેબ' કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો. 'આપ્તવાણી-૧'માં લખ્યું છે તેમ, વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઇને કહેવું કે 'તું ચોર છે' તો એ સામું કહેશે કે, 'તું ચોર છે' અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે, 'તું રાજા છે, તું રાજા છે.' તો એય બોલશે કે 'તું રાજા છે, તું રાજા છે.' એવું આ (વાવ સ્વરૂપ) જગત છે !

ભૂલો જ તમારી ઉપરી

આ જગત સ્પંદન સ્વરૂપ છે. તારો ઉપરી કોઈ નથી. કોઈપણ માણસને ગેરેન્ટી બોન્ડ જોઈતો હોય તો હું લખી આપું કે તારો કોઈ ઉપરી જ નથી. કોઈ જીવનો કોઈ ઉપરી જ નથી અને કોઈ જીવનામાં કોઈ ડખલ કરી શકે એવો કોઈ જન્મ્યો જ નથી, છતાં આ જગતનું કેટલું પઝલ સમ થઈ ગયું છે ! ઉપરી કોણ છે ? ત્યારે કહે એની બ્લંડર્સ અને મિસ્ટેક્સ બે જ ઉપરી છે. એની બ્લંડર્સ ક્યાં છે ? જ્યાં પોતે નથી ત્યાં આરોપ કરે છે એ બ્લંડર્સ છે. એ બ્લંડર્સ ગયા પછી શું રહ્યું ? ત્યારે કહે, મિસ્ટેક્સ. સામો ગાળ દેવા આવે આપણે ના સમજીએ કે આ પહેલાની કાંઈક મિસ્ટેક છે એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો. એ ગાળો ભાંડતા જાય અને આપણે છે તે આશીર્વાદ આપતા જવું.

પ્રશ્નકર્તા : હા, આપણા કર્મનો નિકાલ થાય છે.

દાદાશ્રી : ગાળ ભાંડે તે તો આપણે સમજ્યા કે આ પરિણામ આવ્યું એમાં એ ગુનેગાર નથી, પરિણામનો દાતા છે.

પ્રશ્નકર્તા : એ નિમિત્ત થયો.

દાદાશ્રી : આપણો હિસાબ છે.

બીજા જીવો જોડે કંઈ પણ નેગેટિવ વર્તન કરવું એ બધી ભૂલો, બીજા જીવો જોડે પોઝિટિવ વર્તન કરવું એમાં ભૂલો નથી.

બ્લંડર્સ ને ભૂલો એ જ તમારી ઉપરી. બીજું કોઈ ઉપરી છે નહીં. જો ભૂલો કરતા બંધ થઈ ગયા તો તમારો કોઈ ઉપરી નથી.

પોઝિટિવ અહંકારમાં સમાયો ધર્મ

હવે ધર્મ તો કેવો છે ? પોઝિટિવ અહંકારમાં ધર્મ આવી જાય. આ તો બધાં શાસ્ત્રો શું કહે છે, 'દયા પાળ, સત્ય બોલ, ચોરી ના કર.' અલ્યા, થાય છે એવું ? એટલે આ લોકોએ પુસ્તક ઊંચા મૂકી દીધાં. લોકોએ શું કર્યું ? કે આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે થતું નથી માટે આ પુસ્તક કામનાં નથી. દયા પળાતી નથી, સત્ય બોલાતું નથી. આ પુસ્તકે તો એવું જ લખ લખ કર્યું છે ને ! એટલે લોકોએ અભરાઈ પર ચઢાવી દીધાં.

જગત પરિણામ ફેરવવા માંગે છે. હવે એ પરિણામ શી રીતે ફરશે, જ્યાં બધા જ આચાર ફરી ગયા છે ! એ તો પહેલાં સેકડે પાંચ ટકા આચાર બગડેલા હોય, ત્યારે લોકો કહેતા હતા કે, 'ભાઈ, આપણે આચાર શુદ્ધ કરો, આચાર શુદ્ધ કરો.' આ તો પંચાણું ટકા આચાર બધા બગડી ગયા છે તેનું શું થાય તે ? નાદારી નીકળી છે જ્યાં આચારની ત્યાં ! તે આપણે આ નવી શોધખોળ કરી છે ! અને તેય ખરેખર જે 'ડિસ્ચાર્જ' છે, એને 'ચાર્જ' માને છે. તે આપણે કાઢી નંખાવ્યું કે ભઈ, તમારે 'ડિસ્ચાર્જ'ને 'ચાર્જ' માનીને શું અર્થ છે ? મિનીંગલેસ વાત. આચાર વચ્ચે ધર્મમાં આવતો જ નથી. જો તમે 'આચાર હું કરું છું' એમ કહેશો તો આચાર ફરી ઊભો થશે. એટલે ધર્મ ઊભો થશે પણ શુદ્ધતા નહીં આવે. શુદ્ધતા 'ડિસ્ચાર્જ'માં નહીં આવે.

એટલે કાળને અનુરૂપ જ્ઞાન આપો !

સમજો વાત, જ્ઞાનીની ભાષામાં

મૂળ વસ્તુસ્થિતિમાં, દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે 'નિયમથી અનીતિ કર !'

પ્રશ્નકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે દાદા આ શું કહેવા માગે છે ? પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે !

દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે 'તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?' એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં.

'ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી' રાખવાની. પણ આ વાક્ય હવે અસર વગરનું થઇ ગયું છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, 'ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિસનેસ.' પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઇ ગયા છે. 'બીવેર ઓફ થીવ્ઝ'નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ 'ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી'નું લોકો બોર્ડ મારે છે, છતાંય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને નવાં સૂત્રોની જરુર છે. માટે અમે કહીએ છીએ કે 'ડીસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિશનેસ'નું બોર્ડ મૂકજો.

નવ કલમોથી પોઝિટિવના પંથે

સત્સંગ એટલે સત્નો યોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો યોગ થવો તે અને નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે.

આ પોઝિટિવ અહંકાર માટે આ બધા ધર્મ ચલાવી રહ્યા છે, એક માત્ર પોઝિટિવ માટે જ. અમે કહીએ છીએ કે આ પોઝિટિવ અહંકાર માટે તું આ નવ કલમો લખી લે અને એ પ્રમાણે કરવા માંડને ! તેમાં બધા ધર્મ આવી ગયા. કોઈનું નેગેટિવ ના કરીશ.

નેગેટિવને ભાંગવાનો જેટલો ટાઇમ યુઝલેસ જાય છે એનાં કરતાં પોઝિટિવમાં જોઇન્ટ થઇ જાય તો એની મેળે, ઓટોમેટિકલી ભાંગી જશે. પણ આ નેગેટિવને ભાંગવામાં બહુ ટાઇમ જાય છે આ લોકોને ! અશુભ કર્મો દૂર કરવામાં મૂઆ, નકામો ટાઇમ શું કરવા બગાડે છે ?

મોક્ષ, આત્મધર્મથી

પ્રશ્નકર્તા : અધર્મ કાઢવા માટેની હકીકત શી ?

દાદાશ્રી : અધર્મેને ક્યાં કાઢવાનો છે ?

પ્રશ્નકર્તા : આત્મા પોતાના મૂળ ધર્મમાં આવે એની વાત કરો.

દાદાશ્રી : હા, આત્મા પોતાનાં ધર્મમાં આવે. પોતાનાં ધર્મમાં આવે ત્યાં આપણે અધર્મ શબ્દની જરૂર નથી. કારણ કે આ ધર્મ ને અધર્મ બન્ને દ્વંદ્વ છે.

અધર્મ શબ્દ શું છે ? ઓપોઝિટ શબ્દ છે. ખોટું કરવું એનું નામ અધર્મ અને સારું કરવું એનું નામ ધર્મ. પણ બેઉમાં કર્તાભાવ છે અને આ આત્માનો સ્વભાવિક ધર્મ સહજ એટલે આત્મા પોતાનાં ધર્મમાં આવે. એટલે અધર્મ તમે શબ્દ બોલ્યા ને, તેનો આ મેં ફોડ પાડી આપ્યો.

પ્રશ્નકર્તા : એને નેગેટિવ સેન્સમાં નહીં લઈએ, અમે પોઝિટિવ સેન્સમાં લઈ જઈશું. આ વાતને પોઝિટિવ સેન્સમાં લઈ જઈશું.

દાદાશ્રી : એ બરોબર છે, એનો વાંધો નહીં. પણ આ તો તમને કહું છું, અધર્મ શબ્દની વ્યાખ્યા કહું છું. વ્યાખ્યા સમજવી પડે ને, આપણે ? એનાં કરતાં આપણે સીધું બોલીએ કે આત્મા પોતાનાં ધર્મમાં આવે તો મોક્ષ થાય. બીજું બધું આ ધર્મમાં તો છે જ.

સ્વસત્તા ક્યાં ?

તમારા હાથમાં ફેરફાર કરવાની કશું સત્તા નથી અને બીજી સત્તા જે છે, એ તમને ખબર નથી.

પ્રશ્નકર્તા : હા, એ શક્તિની આપણને કોઈ ખબર નથી.

દાદાશ્રી : જે પોતાની સત્તા છે એ ખબર નથી. તે એ ખબર વગર સત્તા પડી રહી છે અને જે સત્તા નથી ત્યાં આગળ સત્તા માનો છો. એટલે તમે ફોરેન ડીપાર્ટમેન્ટને હોમ ડીપાર્ટમેન્ટ માનો છો અને હોમ ડીપાર્ટમેન્ટની તમને ખબર જ નથી. કારણ કે ફોરેનને હોમ માન્યું. એટલે બધું પરદેશનું કરો, તેમાં તમારું શું આમાં ? એટલે હોમ ડીપાર્ટમેન્ટમાં આવે તો કામ થાય.

ધી વર્લ્ડ ઈસ ધી પઝલ ઈટસેલ્ફ. ધેર આર ટુ વ્યુપોઈન્ટસ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રીયલ વ્યુપોઈન્ટ. બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ, યુ આર ચંદુભાઈ, એન્ડ બાય રીયલ વ્યુપોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. એ રીતે, અમે આત્મધર્મમાં લાવી દઈએ.

પ્રશ્નકર્તા : દાદા, આપની વાતથી આવી રીતે સાંભળીને કે ચોપડીથી, એ તો જાણે સમજાય છે, પણ એને લીધે અશાંતિ ઓછી નથી થતી. એવું કંઈ કરી આપો કે ચોપડી કે સાંભળવાની જરૂર ના પડે ને હોમ ડીપાર્ટમેન્ટમાં રહી જવાય, એવું કરી આપો.

દાદાશ્રી : સ્વતંત્ર થવું છે ? તો 'આ બધાથી હંુ પરતંત્ર થઈ ગયો છું, પરવશ થઈ ગયો છું, મનનો પરવશ થઈ ગયો છું, બુદ્ધિનો પરવશ થઈ ગયો છું, એ બધાથી સ્વતંત્ર મારે થવું છે', એવી હમણાં ભાવના કરો. પછી જ્ઞાન આપીશું ત્યારે એવું કરી આપીએ.

'શું નથી' જાણવું કઈ રીતે ?

પ્રશ્નકર્તા : હવે મને પેલી 'નેગેટિવ સાઈડ' જરા કહોને કે 'નેગેટિવ સાઈડ' કેવી રીતે જાણવી ?

દાદાશ્રી : એ તો હું તમને જ્ઞાનવિધિના દહાડે બધો ફોડ પાડી આપીશ. તે ઘડીએ નેગેટિવનો બધો ફોડ પડી જશે. પછી આ વાતોની મઝા આવે ! તે પછી તમને પોતાને પહોંચે, હું શું કહેવા માગું છું તે !

એટલે આ લોકોને કહું છું કે 'શું નથી' એ જાણી લાવ. ત્યારે એ કહે કે, ''મારે 'શું નથી' એ કેવી રીતે જાણવું ?'' તો હું કહી દઉં કે, 'માય' (જેટલું માનું છું) એટલું કાઢ. 'મારા હાથ' એ તું (પોતે) નથી, 'મારું માથું' એ તું (પોતે) નથી, 'મારી આંખો' એ તું (પોતે) નથી, એ બધું બાદ કર્યા કર. પછી મનને બાદ કર. માય માઈન્ડ, માય ઈગોઈઝમ, માય સ્પીચ, બધું બાદ કર. ત્યારે કહે, 'તો તો મારું કલ્યાણ જ થઈ જાય. આવી જ રહે તરત !' તો કર ને ! પણ આ બાદ શી રીતે કરે બિચારો ? પેલાં પાપ ભસ્મીભૂત થવાં જોઈએ ને !

આ બધું જગત કેવું છે ? આમ કરે ત્યારે આમ અટકે, આમ કરે ત્યારે આમ અટકે. એટલે બધું સાપેક્ષ, એક આવે તો બીજી પાછી એને અપેક્ષા રહેતી હોય. એટલે અમે પાપ ભસ્મીભૂત કરીએ ત્યાર પછી 'આ છું' ને 'આ નથી' એ બધું સમજાઈ જાય. બાકી 'શું નથી' એ અમે એક ફોરેનર્સને આપ્યું હતું. અમે લોનાવાલા ગયેલાં ને, ત્યાં આગળ એ લોકો આવેલાં. તે કહે છે, 'અમને કંઈક આપો.' ત્યારે મેં કહ્યું કે, 'સેપરેટ આઈ એન્ડ માય વીથ જ્ઞાનીસ્ સેપરેટર.' મારું સેપરેટર હું તને આપીશ નહિ, પણ હું તને સેપરેશનનો અંદર રસ્તો બતાડું છું. તે રીતે તું 'મારું' બાદ કર, આ બાદ કર, આ બાદ કર. પણ હવે એ શી રીતે પામે ? એનાં પાપો નષ્ટ થયા સિવાય એ પામે શી રીતે ? કારણ કે એ પાપ છે ને, તે આ જ્ઞાન ઉપર આવરણ લાવી નાખે. એટલે પહેલાં પાપ નષ્ટ થવાં જોઈએ. એ પાપ છે તેથી યાદ રહેતું નથી ને ! અને આમને શુદ્ધાત્મા લક્ષમાં કેમ રહે છે ? કારણ કે (જ્ઞાનવિધિમાં) પાપ નષ્ટ થયાં એટલે નિરંતર લક્ષમાં રહ્યા કરે !

પ્રશ્નકર્તા : એ જે સૂક્ષ્મ પડદો છે, એ 'રીમૂવ' થઈ જવો જોઈએ ને ?

દાદાશ્રી : તે 'રીમૂવ' અમે કરી દઈએ ! પછી શુદ્ધાત્માનું લક્ષ કાયમ રહે.

પોઝિટિવના પક્ષે આત્માનુભવ થાય દ્ઢ

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી 'શુદ્ધાત્મા' બોલીએ શું સાયકોલોજીકલ ઈફેક્ટ છે ?

દાદાશ્રી : ના, એ સાયકોલોજીકલ ઈફેક્ટ નથી.

પ્રશ્નકર્તા : દાદા, હું જ્યારે 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બોલું ત્યારે...

દાદાશ્રી : બોલવાની જરૂર નથી, એની મેળે જ આવે અંદરથી, 'હું શુદ્ધાત્મા છું'.

પ્રશ્નકર્તા : તો દાદા, હું બહુ ભયમાં હોઉં ત્યારે જ ઓટોમેટીકલી આવે, બીજી વખતે નથી આવતું.

દાદાશ્રી : તો એ જ સાચું, એ જ સારું. એ છે તે આઈ-માયનું સેપરેશન થઈ ગયું. એ મહીં ભય લાગે ત્યારે મહીં થઈ આવે તે ઘડીએ. આઈ-માયનું સેપરેટ થઈ ગયેલું જ છે, તેથી થઈ આવે છે.

તારા પપ્પા-મમ્મીને સેપરેટ થયું એટલે દોડતા આવ્યા. તનેય સેપરેટ થયેેલું છે, પણ તું ગુંચવાય ગયેલો છે. એટલે તનેે બધું ગુંચાયા કરે.

પ્રશ્નકર્તા : કેવી રીતે ગુંચવાઈ ગયેલો છું ?

દાદાશ્રી : ભય લાગે છે ત્યારે તો પછી તને સમજણ પડે છે ને !

પ્રશ્નકર્તા : હા, ભય લાગે ત્યારે.

દાદાશ્રી : તમારું સેપરેટ જ થઈ ગયેલું છે. તમે હવે ગુંચાવ છો તે તમારું પોતાનું જ, તમે અવળી બાજુ રહો છો, નેગેટિવ બાબતમાં રહો છો. પોઝિટિવ સાઈડમાં રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : પોઝિટિવમાં કેવી રીતે રહેવાય ?

દાદાશ્રી : તમે રહો છો પોઝિટિવમાં, તો પણ તમારું મન, બુદ્ધિ છે તે તને ફેરવ-ફેરવ કર્યા કરે છે. ખોટી શંકાઓ ઊભી કરે છે કે મારું થઈ ગયું નથી. તમે મારી જોડે કેમ રહો છો ? મારી જોડે કેમ ગમે છે ? કારણ કે મારું બિલકુલ પોઝિટિવ થઈ ગયું છે, હંડ્રેડ પરસન્ટ થઈ ગયું છે.

પ્રશ્નકર્તા : દાદા જે કહે છે, એ બધી વાત સાયન્ટિફિક અને સાચી છે પણ મને એ એક્સપિરીઅન્સ (અનુભવ)માં નથી આવતી.

દાદાશ્રી : એક્સપિરીઅન્સ થઈ ગયો છે તે જ આ. એક્સપિરીઅન્સમાં આવે છે તે તમને સમજાતું નથી. એક્સપિરીઅન્સ તમનેે અહીં મારી પાસે તેડી લાવે છે ને એક્સપિરીઅન્સ જ મારી જોડે રાખે છે.

પ્રશ્નકર્તા : દાદા, તમે તે દિવસે એવું કહ્યુંં કે 'હજુ આ જ્ઞાન તો કોઈને અનુભવમાં આવ્યું નથી. ખાલી હું કહું ને શબ્દથી પેલો સમજે ને બોલે એટલું જ.

દાદાશ્રી : એ તો અનુભવ બધાને આવી ગયેલો છે. હું જે કહેવા માંગું છું એ જુદું કહેવા માંગું છું.

પ્રશ્નકર્તા : એ અનુભવ ને તમે કહો છો એ અનુભવમાં શું ફરક છેે ?'

દાદાશ્રી : એની તો વાત કરાય જ નહીં. વાત જ તમારી કામની નહીં. તમે તો મેઈન લાઈન ઉપર આવી જાવ.

પોતે બ્રહ્માંડનો માલિક છતાં...

આ તો બધાં અંતરાય છે. નહીં તો તમે આખા બ્રહ્માંડના માલિક છો. ત્યારે કહે, 'કેમ અનુભવ નથી થતો ?' બધા અંતરાય છૂટી ગયા તો તમે માલિક છો જ. અંતરાય કોણે ઊભા કર્યા ? ભગવાન મહાવીરે ? ત્યારે કહે, 'ના, તેં જ જાતે.' 'યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સીબલ ફોર યોર લાઈફ.' પોતે ને પોતે ઊભા કર્યા છે. 'જરા ઝીણવટથી ના ચાલીએ તો પછી આપણું ગાડું કેમ નભે ?' અહીં આગળ અંતરાય કહે છે, કે ઝીણવટનો હિસાબ ગોઠવી દો. 'આ ભઈને જાડું નહીં ફાવે,' કહેશે. હા, મૂઆ અનંત શક્તિનો તારે આવો ડખો વિચારવાની જરૂર જ ક્યાં રહી તે ? જે રીતે ચાલે તે ઈઝીલી (સરળતાથી) જોયા કરને છાનોમાનો ! 'હું શું કરીશ ?' કહેશે. 'ત્યાં આગળ ભાડું ખૂટી પડે તો લોજમાં શી રીતે જઈશ ?' અલ્યા આવું ના બોલાય. બધું તૈયાર જ છે આગળ. આ બોલવું, એ જ એના અંતરાય. અને એ એને પછી ફળ ના આપે ? પોતે જ અંતરાય પાડનારો છે. આ પોતાના ઊભા કરેલા અંતરાય છે બધેય. દરેક શબ્દે શબ્દે અંતરાય પાડે છે. બિલકુલ નેગેટિવ બોલે તેના અંતરાય પડે ને પોઝિટિવના અંતરાય ના પડે.

અંતરાયોથી આંતરાયું સુખ

પ્રશ્નકર્તા : હવે આ જે અંતરાય છે, તેની અંદર કેટલાંક છે તે પોઝિટિવ અંતરાય હોય ને કેટલાંક નેગેટિવ હોય, જમવા માટે એણે પ્રમાણસર લીધું, આપણે કહીએ કે તું જરા વધારે લે, એને આગ્રહ કરીને દબાણ કરીને, વધારે ખવડાવીએ તો એ અંતરાય ખરો ?

દાદાશ્રી : તો અંતરાય તૂટ્યો. જમવામાંથી ઉઠાડી મેલ્યો તો અંતરાય બાંધ્યો. (જો) હું લોકોને કહંુ, 'ભિખારીને કંઈ આપવા જેવું નથી.' એટલે મારાથી અપાય જ નહીં પછી. આપવું હોય તોય ના અપાય. આંતર્યું એનું નામ અંતરાય. ખાતાં ખાતાં કોઈને ઉઠાડી મેલ્યો, 'ઊઠ, તમે બીજી નાતના, અહીં કેમ આવ્યા છો ?' મોટો અંતરાય, જબરજસ્ત ! બીજી નાતના હોય ને, તે પહેલાં લોકો ઉઠાડી મેલતા હતા, મેં જોયેલા બધાં. આ લોકોએ કંઈ અંતરાય પાડવાના બાકી રાખ્યા છે ? અને જો દુઃખી થયા છે, દુઃખી થયા છે ! અંતરાય, આંતરો પાડે પોતે જાણી-જોઈને.

નેગેટિવ વિચરવાની પણ હદ

શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે લોકો.

જુઓ ને, કેટલે સુધી વિચાર કરી નાખે ! દુકાન એક બાર મહિના ના ચાલી હોય તો 'દુકાન નાદારી થઈ જશે અને નાદારી પછી આવી થશે ને, ત્યાર પછી મારી સ્થિતિ આવી થશે.' આ લોકો ત્યાં સુધી વિચારી નાખે ! ક્યાં સુધી વિચારી નાખે ? તે એક માણસ મને કહે છે, 'વિચાર કર્યા વગર ચાલતું હશે ? વિચાર કર્યા વગર દુનિયા શી રીતે ચાલે ?' ત્યારે મેં કહ્યું, 'તું આ બોમ્બે સીટીમાં ડ્રાયવરની જોડેની સીટમાં બેસે અને ડ્રાયવરને કહે કે 'તું શું શું વિચાર કરું છું ? હવે આમ આમ જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એવા વિચાર કરું છું ? એ શું કરે ?' એવા કોઈ વિચાર ન કરે. એટલે દરેક માણસે અમુક હદ સુધીનો વિચાર કરવો. પછી પોતાનો વિચાર બંધ કરી દેવો, સ્ટોપ જ કરી દેવો જોઈએ, દરેક બાબતમાં. તે આપણે આ મરી જવાની વાત હોય તો આપણે તરત સ્ટોપ કરી દઈએ છીએ, પણ આમાં વેપારમાં નથી કરી દેતા. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે, વિચારની પણ અમુક હદ હોય.

દાદાશ્રી : સ્ટોપ કરતાં આવડે છે. નથી આવડતું એવું નહીં. આ તો (એમાં જ) રમણતા કરે છે. અક્કલની કોથળી ચલાવે છે. છોકરો આજથી લડે છે તો 'હું ઘૈડો થઉં ત્યારે, મારું કોણ ?' 'અલ્યા મૂઆ ! આવું અહીં સુધી વિચારી નાખ્યું !' આજના દહાડાનું જ, ભગવાને આવતી કાલનું વિચારવાનું ના કહ્યું છે. થીંક ફોર ટુડે, નોટ ફોર ટુમોરો ! (આજ માટે વિચારો, આવતી કાલ માટે નહીં.) અને તે અમુક બાબતમાં. ગાડીમાં બેઠો હોય, પછી 'અથડાશે તો શું થઈ જશે ? અથડાશે તો શું થઈ જશે ?' છોડોને, એ વિચાર બંધ કરી દેવાનો. આ તો એવા વિચાર કરે છે ઠેઠ, 'દુકાનમાં નાદારી આવી ગઈ, ત્યાર પછી શું સ્થિતિ ને ત્યાર પછી શું સ્થિતિ ? શુક્કરવારીમાં ભીખ માંગવી પડશે.' એય પાછો બૈરીને કહે, 'ભીખ માંગવી પડશે.' 'મૂઆ, કંઈથી જોઈ આવ્યો ?' 'આ મેં વિચારી નાખ્યું' કહેશે. હવે આ અક્કલનો કોથળો ! હવે આને અક્કલખોર કહેવા ? અક્કલ એનું નામ કે નિરંતર સેફસાઈડ રાખે. કોઈ પણ જગ્યાએ સેફસાઈડ તોડે, એને અક્કલ જ કેમ કહેવાય ? અને અક્કલ તો સેફસાઈડને સાચવી લે ત્યાં સુધી કરી શકે એમ છે.

એટલે માણસ કેટલું વિચારવાનું એ સમજે તો બહુ થઈ ગયું, ઘણાં દુઃખો ઓછાં થઈ જાય. અને બીજું 'ભોગવે એની ભૂલ' નક્કી કરી લે તો ઘણા દુઃખો ઓછા થઈ જાય. ત્રીજું 'અથડામણને ટાળે', તો ઘણાં દુઃખો ઓછાં થઈ જાય.

ચાર્જ પરમાણુ થાય ડિસ્ચાર્જ

આ બધું પરમાણુની અસરવાળું છે, જે જે પરમાણુ ભેગા (ચાર્જ) કર્યા છે, તેવા (ડિસ્ચાર્જ થતી વખતે) વિચાર છપાઈ જાય છે અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે. જો પોતે જ વિચારતા હોઈએ તો ગમતા જ વિચાર આવે. પણ જેવા પરમાણુ ભર્યા છે તે નીકળે છે. વિચારો સંયોગોને આધીન છે.

દરેક પરમાણુનો એક ખૂણો પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય. આપણા દેશમાં બધાએ જ એકી અવાજે વરસાદને 'વેલ કમ' કહેવું જોઈએ. આ તો વરસાદ આવે, પણ ત્યારે કોઈ કહે, 'હમણાં ના પડીશ.' કોઈક કહે, 'જલદી પડજો', કોઈક વળી કહે કે 'બે દિવસ પછી પડજો.' નવાં કપડાં પહેર્યાં હોય ને વરસાદ આવેને તો વરસાદને ગાળો દે. દરેક પોતપોતાની સગવડતા પ્રમાણે વરસાદને કહે. એટલે બિચારો વરસાદ પણ શું કરે ?

શંકાની કાણ શાને ?

વેપારની ખબર ચાર-પાંચ દહાડાથી ખરાબ આવતી હોય તો અહીં આગળ પોસ્ટમેન પેઠો કે તરત મન બતાવે આજ શેની ખબર આવશે ? ત્યાં આપણે શું કરવું ? પોઝિટિવ રહેવું જોઈએ કે આજે સરસ ખબર આવશે. પેલાને બોલાવીએ અહીં આગળ પછી મહીં કાણ નીકળે, તે પછી બાજુએ મૂકી દેવાની. પણ પોઝિટિવ રાખવું આપણે તો.

બુદ્ધિ નેગેટિવ, પોઝિટિવ આત્મા

આત્મા પોઝિટિવ છે અને બુદ્ધિ નેગેટિવ છે. બુદ્ધિ વિચારો કરાવડાવે, 'આમ નથી થવા દેતું ને આમ નથી થવા દેતું.' અલ્યા, 'નથી થવા દેતું' એને જોવાનું નથી, 'શું થવા દે છે' એ જોવાનું છે. તો બહુ રીતે મહીં, ચોગરદમની મદદ કર્યા કરે.

એટલે બુદ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન થવા ના દે. અને 'મારું કશું જ અધૂરું નથી', આમ કહેવું, 'ધન્ય છે આ દિવસ !' શ્રીમદ્ રાજચંદ્રને એક 'સમકિત પ્રકાશ્યું' તેમાં તે કહે છે, 'ધન્ય રે દિવસ આ અહો !'

એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ વાતો હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે. ગૂંચવે અને સુખ ના આવવા દે.

નેગેટિવ શબ્દોની અસરો કેવી ?

એક માણસ છે તે વિચારીને એના મનમાં એમ વહેમ પડ્યો કે વરસ દહાડાથી આ દુકાનમાં છે તે દરરોજ નુકસાન આવ્યા જ કરે છે અને પાછા મહેતાએ ચોરી કરવા માંડી છે. માટે આ દુકાન હવે રહે નહીં. અક્કલવાળો હોય તે એને વહેલી ખબર પડે અને ઓછી અક્કલવાળાને મોડી ખબર પડે. અક્કલવાળો વહેલો હિસાબ કાઢી નાખેને કે આ દુકાન નાદારીમાં જાય. કારણ કે મનમાં એમ નક્કી થયું કે નાદારી, એ ડિસિઝન આવ્યું. એટલે પછી તે શબ્દ એને અસર જ કર્યા કરે. જ્યાંં સુધી એ શબ્દ ખસે નહીં. એટલે હું શું કહું છું તમને જે કાંઈ વિચાર આવે, તે મારે ત્યાં રિડિરેક્ટ કરી દો. ગો ટુ દાદા. નહીં તો અસર કરશે બધું. એક શબ્દ તો બહુ અસરવાળો છે. અસરવાળી ચીજો છે આ, એ ના કરશો. મને તાવ આવ્યો હોય તો હું કોઈ દહાડો કહેતો નથી કે 'મને તાવ આવ્યો'. એ કહું તો અસર થાય.

આપણે લોક કહે છે ને 'મારું મગજ ચાલતું જ નહીં' ! મેર ડફોળ આવું બોલ્યો ? 'મારું મગજ ચાલતું જ નહીં', કહેશે. એ તો ત્યાં કાયમ બોજો રહે અને બોજો રહેવાથી પછી બંધ થઈ જાય ધીમે ધીમે. તમે બોલ્યા ને સહી કરી આપી. એટલે પછી તમે રિડિરેક્ટ કરજો દાદાને ત્યાં, કશો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : રિડિરેક્ટ કરવાનું આપે ઉત્તમ બતાવ્યું છે.

દાદાશ્રી : હા. પણ, મારે ત્યાં મોકલો. હું બધાંને એ જ કહું છું કે બધું મારે ત્યાં મોકલી આપજો, બા. તારે બોજો તો આવવાનો જ. મનુષ્ય છું, એટલે બોજો આવવાનો.

નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી

પ્રશ્નકર્તા : પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય ને ! જે પોઝિટિવ વિચાર કરે મારું સારું જ થવાનું છે. મારે આમ થવું છે !

દાદાશ્રી : હા, તો તો વાંધો નહીં. પણ પેલો જે નેગેટિવ શબ્દ છેને તેને એકવાર ખસેડી મૂકવો જોઈએ. પછી પોઝિટિવ વિચાર કરવો. નહીં તો એકબાજુ પેલા શબ્દનું દબાણ વધતું જાય અને પેલો શબ્દ વધતો જાય. બેનું એ થાય નહીં. બાદબાકી કરી નાખવી જોઈએ પહેલી. એ શબ્દ ઉડાડી દેવો જોઈએ.

'આ તો મને આંખે ઓછું દેખાય છે,' કહેશે. ૩૫ વર્ષનો હતોને, કહે છે. 'ઓછું દેખાય છે.' અલ્યા, આંખ બદલાવી નાખને. આંખના પર્યાય બદલાય નહીં ? કંઈ કાયમ આંખના (ઓછું દેખાય છે) એ જ પર્યાય રાખવા છે તારે ? મેં કહ્યું બોલ કે 'આંખે મને સારું દેખાય છે'.

પ્રશ્નકર્તા : આંખે સારું દેખાય છે.

દાદાશ્રી : આ એવું વધુ પડતું બોલે, આંખે મને સારું થયું, તો આંખ સારી દેખતી થાય પછી આજે મને ૭૪ વર્ષ થયા, પણ હું ૪૨ વર્ષનો હોઈશ કે નહીં હોઈશ ? ત્યારે આપણા લોકો શું કહે, કે '૪૨ વર્ષનો છે, એટલે પેલું પેપર વંચાય નહીં.' પેલા ઝીણી અક્ષર આવેને આમ ત્યારે લોકો પાસે સાંભળેલું કે બેતાળીસ વર્ષ થાય એટલે બેતાલા આવે. ત્યારે મેં કહ્યું, ૪૨ વર્ષે થયા એટલે બેતાલા આવ્યા ત્યારે. એટલે પછી ચશ્મા લાવ્યો. ચશ્મા લાવ્યા ને પછી વર્ષ-દોઢેક વર્ષ પહેર્યા. પછી એક જણ મારા ચશ્મા આમ મૂક્યા'તાને, તે આમ લઈને આમ જોવા માંડ્યો. પછી 'હું જરા પેપર વાંચું' કહે છે. મેં કહ્યું, 'વાંચો ને !' 'શું વાત કરું, આ તમારા ચશ્માથી મને બહુ સરસ દેખાય છે' કહે છે. ત્યારે મેં કહ્યું 'હવે લઈ જાઓ. હવે પાછો ના લાવશો.' પછી તરત મેં વાંચવા માંડ્યું તો મને દેખાવા માંડ્યું. ઝીણા અક્ષર બધાં દેખાયા. અત્યારેય ઝીણા અક્ષર બધા દેખાય. સાંજે સાડા છ વાગ્યેય વંચાય. દહાડે સૌ કોઈ વાંચે પણ સાંજે સાડા છ વાગ્યે એ હું વાંચું છું. એટલે શું બોલવું જોઈએ આપણે ?

પ્રશ્નકર્તા : સારું છે, પોઝિટિવ.

દાદાશ્રી : 'નેગેટિવ બોલ્યા' કે એવું નીચે ઉતારીને મૂકી દો (બાજુ પર મૂકી દો). તમે જો નીચે ઉતારીને મૂકી દો અગર તો દાદાને રિડિરેક્ટ કરી દો. એને કોઈ ટીકીટો હોતી નથી. મૂળ ધણી નહીં મળવાથી એ (નેગેટિવિટી) ત્યાં રહે છે અત્યારે (પોતાની પાસે જ).

જ્ઞાની વર્તે પોઝિટિવ

પ્રશ્નકર્તા : દાદાને સંભળાતું નથી ને !

દાદાશ્રી : એ તો આપણા જ્ઞાન લીધેલા ડૉક્ટરો મહીં હોયને પાછા, ફોરવર્ડ થયેલાં, તે બધાં ડૉક્ટરો આવું ખોળે કે દાદાની સેવા ક્યા હિસાબે મને મળે. તે એટલે કાનના ડૉક્ટરો આ ખોળે. મને કહે, 'દાદાજી, તમને ઓછું સંભળાય છે ને તે હું કરી આપું.' મેં કહ્યું, 'શાયડી મૂકવી છે તારે ?' શાયડી તમને સમજો છો, આ સુથારને ત્યાં શાયડી હોય છે ને ! મેં કહ્યું, 'કાણું પાડવું છે.' ત્યારે કહે, 'ના, એવું નહીં. હું કંઈ કરી આપું. પછી મશીન મૂકી આપું.' મેં કહ્યું, 'એનાથી ફાયદો શો ?' ત્યારે કહે, 'ઘણાં લોકોને ફાયદો થાય અને તમને આનંદ રહેને ?' મેં કહ્યું, 'મને મારો આનંદ ઓછો થયો નથી અને તું આવું કરીશ, તો આનંદ ઓછો થશે. કારણ કે આ જે દેવું છે મારું, તે પતી જવું જોઈએ ને !' આ ખોડ છે, તે કોઈ પણ જાતના દેવા વગર હોય જ નહીંને ! દેવા સિવાય કોઈ ખોડ હોય ખરી ? કેમ બોલ્યા નહીં ?

પ્રશ્નકર્તા : દેવા વગર ખોડ ના હોય.

દાદાશ્રી : ત્યારે કહે, 'એવું તમે શું દેવું કર્યું હશે પૂર્વ ભવમાં ?' મેં કહ્યું, 'દેવું એવું કરેલું કે, એ દેવું તો તું સાંભળું તો તને આધાશીશી ચડે.' ત્યારે મને કહે, 'શું કરેલું એવું ?' મેં કહ્યું, '(આગલા ભવોમાં) આ તમારા જેવા પ્રતિષ્ઠિત માણસો બધા કહે, અમારી વાત સાંભળો તો ગણકારું નહીં, યુઝલેસ.' મારા મનમાં યુઝલેસ લાગ્યા કરે. અક્કલનો કોથળો આ ! બધું 'યુઝલેસ, યુઝલેસ' કર્યા કરે. એટલે સાચી વાતેય સાંભળી નહીં. ભગવાન જૂઠી વાત ના સાંભળે તેને તો ચલાવી લે છે પણ સાચી વાત તો સાંભળવી જોઈએને ! ત્યારે એ અહંકાર કેટલો હશે ? એનો આ દંડ છે. શેનો દંડ છે આ ? દંડ પૂરો ચૂકતે નહીં કરી આપવો જોઈએ આપણે ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : અમે માનતા નથી, સમજતા નથી.

દાદાશ્રી : ના માનો તે વાત જુદી છે પણ આ એનો દંડ છે અત્યારે. અને એ અમારે ચૂકતે કરી દેવાનો છે. અને વખતે આ અવતારમાં જ ચૂકતે થયેલો તમે દેખો, તમે એમ જ માનો કે દાદાના કાન સારાં થઈ ગયા. શાથી એ હશે ? તમને એમ લાગે કે દાદા એ કાને સાંભળતા થઈ ગયા. હવે કેટલાક લોકો, સગાસંબંધીઓ હોય ને, તે તો એમ કહે છે, તમે સાંભળો છો પૂરું પણ મતલબ બહેરા છો. આપણા મહાત્માઓ ના બોલે. મેં કહ્યું, હા, જો આ મતલબ છે મારે. જરૂરિયાત હોય તો સાંભળે ને ના જરૂરિયાત હોય તો છોડી દે.

પ્રશ્નકર્તા : એવું છે ? ખરેખર એવું છે ?

દાદાશ્રી : ના, એવું નહીં. સાંભળવાની જરૂર જ નથી લાગતી મને. શું સાંભળવાનું ? આ કળિયુગનો કાગારોળ. આ દુષમકાળના બોલ એટલે શું ? કાગારોળ કહેવાય. આ કંઈ સંગીત છે ?

છોકરો આવીને કહે, 'અક્કલ વગરના ઊઠોને, તમે જમવા હેંડોને અમથા.' 'અલ્યા મૂઆ ! તમે અક્કલ વગરના કહ્યું ના હોત તો મને જમવાનુંય ભાવત. હવે મારે નથી જમવું.' આ દુષમકાળ. એટલે આ કાળમાં જેને કાને ઓછું સંભળાય તે પોતાની જાતને ભાગ્યશાળી માનજો.

ચિંતવે તેવું થાય

પ્રશ્નકર્તા : આ પોઝિટિવ દ્ષ્ટિને લીધે આ ઉંમરે પણ દાદા એકદમ યંગ દેખાય છે.

દાદાશ્રી : એ રોજ બધા કહે છે. પછી હુંય અરીસામાં જોઉં, દેખાય આ કેવા ? મનેય યંગ દેખાય છે. બધાં કહે એટલે પછી અસર થાયને મહીં. બાકી 'હું ઘૈડો છું' એવું કોઈ દહાડો બોલું નહીં. કારણ હું તો શુદ્ધાત્મા છું, ઘૈડો તો, દેહ થાય. એ બોલે નહીં. અમારા પૂછ્યા સિવાય શી રીતે બોલે ? વ્યવહારમાં કહે કે 'ભઈ, આ ઘૈડા છીએ.' પણ 'હું ઘૈડો છું' એવું ના બોલાય. કારણ કે 'હું તો શુદ્ધાત્મા છું' એટલે અમારા હિસાબ બધા જુદી જાતના હોય. 'હું શુદ્ધાત્મા' થઈને 'હું ઘૈડો છું' ખરેખર બોલ્યા, તો તમે તેવા થઈ જશો. એટલે તમે કહો કે હું ઘૈડો થયો, એ તમે તમારે માટે નથી બોલતા, પણ અંદરખાને જાણતા હોય કે હું જુદો ને આ તો ચંદુભાઈના માટે બોલાય છે. એટલે તમને અસર ના થાય. બધું ઇફેક્ટિવ છે. આ વર્લ્ડમાં એક શબ્દ બોલ્યા કે ઇફેક્ટિવ છે બધું !

'ચંદુભાઈ' કહે કે મારી તબિયત બગડી છે. તો 'આપણે' અંદરખાને સમજવું કે એ ચંદુભાઈની તબિયત બગડી છે, પણ મારી તો નહીં જ ને !

પ્રશ્નકર્તા : હા, દાદા. ચંદુભાઈને માટે કહેવાનું. અને 'તબિયત સારી છે' એવું પોઝિટિવ બોલવાનું આપણે.

દાદાશ્રી : એટલે 'તબિયત સારી છે' એવું કહો. ચંદુભાઈ કહે કે 'મારી તબિયત ખરાબ છે.' ત્યારે આપણે કહીએ, 'ના, સારી છે.' એમાં બીજું કંઈ લાંબું હોય નહીં, પણ શાંતિ રહે એને ! બાકી તમે પોતે જ કહો કે, 'મારી તબિયત સારી છે', તો સારી થઈ જાય. તમે પોતે જ કહો કે 'મારી તબિયત ખરાબ છે', તો ખરાબ થઈ જાય. એટલે જેવું ચિંતવે એવો એ થઈ જાય !

સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય છે.

દુઃખ ઊભા નેગેટિવ વલણથી

પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય ?

દાદાશ્રી : પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે. નહીં તો નેગેટિવ જ જુઓને. આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. આ પોતાની મિલો હોવા છતાંય ! માટે સમજવાની જરૂર છે.

જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને ! કંઈ બધાને મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને ! ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો, કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છેને, તો સુખ ક્લેશમાં હોય ખરું ? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે. દુઃખ હોય ને તો એને બહાર કાઢે.

ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ

જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ થાય એ સમજણ કહેવાય. ઓછી સમજણવાળો સંકુચિત થતો જાય. જેટલું માઈન્ડ સંકુચિત, તે કહેશે, હું સમજું છું પણ એ માણસ કશું સમજતો નથી. પણ જેનું ઓપન માઈન્ડ હોય ને, તે સમજ્યા કહેવાય.

જેટલું ઓપન માઈન્ડ ને, એટલું એ બહુ ઊંચી વસ્તુ કહેવાય. આપણે માઈન્ડ શેમાં છે, એટલું સમજવું જોઈએ. આપણને ઠોકર ના વાગે ને ઓપન માઈન્ડ થાય, તો આપણે જાણવું કે કેવું ઓપન માઈન્ડ રાખ્યું છે ! શા સારુ તને કહું છું આ ? અત્યારે માઈન્ડ આવું સંકુચિત થઈ ગયું છે. ભવિષ્યમાં તારે સંકુચિત રહેશે તો બિડાઈ જશે. પછી કોઈ મહીં કશું સારી વસ્તુ નાખેને તોય મહીં પેસે તો ને ? એટલે માઈન્ડ ઓપન કરી નાખજે. છતાંય તે ઓપન રહેશે નહીં. પાછા મહીંવાળા શું કરશે ?

પ્રશ્નકર્તા : ઉછાળો મારશે.

દાદાશ્રી : મહીંવાળા તને કહેશે કે શું સાંભળવા જેવું છે ? ત્યારે આપણે એવું કહીએ, 'અહીં ચૂપ બેસો.' મહીંવાળા તારાથી જુદા છે. એ બધા 'ક'વાળા છે. શું શું નામ છે ? એ 'ક' વાળાનું ? મહીં ક્રોધક છે તે તને ક્રોધ કરાવનાર છે, લોભક છે તે લોભ કરાવનારા છે. ચેતક છે તે ચેતવનારા છે. ભાવક એ તને ભાવ કરાવનારા છે. મહીં હશે ખરા ?

પ્રશ્નકર્તા : હોયને, દરેકમાં હોય જ છે.

દાદાશ્રી : એ હોય જ બધા. તે એ બધાથી ચેતવાનું છે. એમને કાઢતાં કાઢતાં તો મારો દમ નીકળી ગયેલો. કેટલો વખત થયેલો ત્યારે નીકળેલા. એ આડવંશ છે, પોતાની વંશાવળીનો માલ નથી એ. બહારથી આવીને પેસી ગયેલાં છે. લોક જાણતાંય નથી કે મારે મહીં કોણ બોલે છે. મારે કાર્ય કરવું હોય અને મહીંથી ત્રીજી જાતની સલાહ આપે તો આપણે ના સમજીએ કે આ કોઈ ત્રીજું છે ? એવું બને ખરું ? અનુભવમાં આવ્યું તને ?

પ્રશ્નકર્તા : બને જ છે ને !

દાદાશ્રી : એ મહીં તીસરી જાત છે. એટલે આ તને ચેતવ્યો. મેં તારું માઈન્ડ બિલકુલ સંકુચિત જોયું. આવું સંકુચિત ના રાખીએ. નહીં તો આવડી મોટી ફિલોસોફી નીકળે શું ? માઈન્ડ ઓપન રાખીએ. ગમે તેનું એકવાર સાંભળીએ. સાંભળી અને આપણને ઠીક ના લાગે તો કાઢી નાખવું. અને ઠીક લાગવાની બાબતમાંય બહુ ઊંડા ના ઊતરવું. આપણને પાંચ વાક્યો જેના ગમ્યાં હોય ને તો છઠ્ઠું મહીં લખી લેવું. એટલો થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે કે ના રાખવો પડે ?

હમણાં પંદર દહાડા પર એક સ્ટીમર કોઈ જગ્યાએ ડૂબી હોય અને આજે વેપાર માટે તમારે ત્યાં આગળ જવાનું થયું, તો આજ સ્ટીમરમાં બેસતી વખતે તમને મહીં શું થાય ? ગભરામણ થઈ જાય, કેમ ? મહીંથી બૂમ પડે કે ડૂબશે તો ?

પ્રશ્નકર્તા : આમ આપણાથી કોઈને અભિપ્રાય આપી ના શકાય પણ જો ઓપન માઈન્ડ હોય તો અભિપ્રાય આપી શકાય, એવું આપે કહ્યું. એટલે આ ઓપન માઈન્ડ એટલે શું કહેવા માગો છો ?

દાદાશ્રી : આ બધાં સંકુચિત માઈન્ડ, કે 'આટલું મારાથી થાય ને આટલું ના થાય.' ઓપન માઈન્ડ એટલે નેગેટિવ એ નેગેટિવ ને પોઝિટિવ એ પોઝિટિવ, બેઉ સમજે અને પોઝિટિવમાં રહેવાનું એટલે નેગેટિવ આવે નહીં. સંકુચિત માઈન્ડ એટલે નેગેટિવમાં રહેવું હોય. તે પછી પોઝિટિવ ના આવે. ઓપન માઈન્ડના તો ઓછા માણસ હોય ને ! તમે ગમે તે ધર્મની વાત કરો તો એના મનમાં પાણી હાલે નહીં ત્યારે એ ઓપન માઈન્ડ કહેવાય, નહીં તો સંકુચિતતા.

મન શંકાવાળું છે ને એટલે પેલું અવળું દેખાય. મન શંકાવાળું હોય તો શુદ્ધ કરીને જવું પડે એવું છે. આ સાચી વાત લોકોને હાથ ના લાગે.

નથી ખોટો કોઈ જગત માંહી

મારું શું કહેવાનું છે કે, અત્યારે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે ગયા ને ત્યાં લાગે કે આપણે ધાર્યા હતા જ્ઞાની અને નીકળ્યા છે ડોળી ! હવે આપણે ત્યાં ગયા એ તો પ્રારબ્ધના ખેલ છે ને ત્યાં મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરેરે ! આવા નાલાયકને ત્યાં ક્યાં આવ્યો ? એ નેગેટિવ પુરુષાર્થ આપણો મહીં થયો છે, એનું ફળ આપણે ભોગવવું પડે એને નાલાયક કહ્યાનું ફળ આપણે ભોગવવું પડે, પાપ ભોગવવું પડશે. અને વિચાર આવવો એ સ્વભાવિક છે, પણ તરત જ મહીં શું કરવું જોઈએ પછી ? કે 'અરેરે ! મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ ?' એવું તરત જ, સવળા વિચાર કરીને આપણે લૂછી નાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : માફી માંગી લેવી જોઈએ ?

દાદાશ્રી : હા, મનમાં માફી માંગી લેવી જોઈએ. ભગવાનને સંભારીને કે 'દાદા'ને સંભારીને, પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરેરે ! એ ગમે તેવો હોય, મારા હાથે કેમ અવળું થયું ? સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે અને ખોટાને ખોટું કહેવામાંય બહુ દોષ છે. જબરજસ્ત દોષ ! કારણ કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધે એને ખોટો બનાવ્યો છે. એ ખોટો નથી. પ્રારબ્ધ એટલે શું ? એના સંજોગોએ એને ખોટો બનાવ્યો, એમાં એનો શો ગુનો ?

આ સમજાયું ? બહુ ઝીણી વાતો છે. આ બધી બહુ ઝીણી વાતો છે. સાયન્ટિફિકલી સમજીએ તો એનો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ આવે નહીં.

એટલે આટલું ટૂંકંુ મહીં સમજી જાય ને, આ પ્રારબ્ધ ને પુરુષાર્થ, એવું બધું સમજી જાય ને, તો એનું ગાડું સીધું પડી જાય. આ ભાવ ના બગડવા દે કોઈ જગ્યાએ. જ્યાં ભાવ બગડે ને તરત ભાવ સુધારે ત્યાં તો વાંધો જ નથી.

જગતમાં પોઝિટિવ જ સુખ આપશે

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં તો કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઇ કંઇ ઉતારી લેશે તો ? હવે આમાં તો શબ્દો ટેપ થાય એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી, મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે, 'આ નાલાયક છે.' તો તે પેલાને મહીં ટેપ થઇ ગયું ! એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય, અક્ષરેય ના બોલાય. કારણ કે બધું ટેપ થઇ જાય, એવી આ મશીનરી છે ! બોલવું હોય તો સારું બોલજો કે, 'સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઇ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

પ્રશ્નકર્તા : કડવું તો જોઇતું જ નથી.

દાદાશ્રી : કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઇ મારે તોય એને કડવું ના કહેશો. એને કહીએ કે, 'તારો ઉપકાર માનું છું.'

ભગવાને તો કહ્યું છે કે આ કાળમાં કોઇ ગાળ ભાંડી ગયો હોય તેને જાતે જમવા બોલાવજો. એટલી બધી વાઇલ્ડનેસ હશે કે એને ક્ષમા જ આપજો. જો કંઇ 'રીવેન્જ' (બદલો) લેવા ગયાને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. આ કાળમાં 'રીવેન્જ' લેવાનો ના હોય. આ દુષમ કાળમાં નરી વાઇલ્ડનેસ હોય. શું વિચાર ના આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે ! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસો જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, 'સલામ સાહેબ.' આ કાળમાં તરત માફી આપી દેવી, નહીં તો તમારે ખેંચાવું પડશે. આ જગત વેરથી ઊભું રહ્યું છે.

આ કાળમાં કોઇને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તોય જવાબદારી ના આવે. માટે 'પોઝિટિવ' રહેજો. આ બધું પોઝિટિવ ઉપર જગત ઊભું રહ્યું છે. જગતમાં 'પોઝિટિવ' જ સુખ આપશે અને 'નેગેટિવ' બધું હશે તે દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે ?

બે જ વસ્તુ છે : 'પોઝિટિવ' ને 'નેગેટિવ'. 'નેગેટિવ' રાખીએ તો કુદરત 'હેલ્પ' કોને કરે ? આપણી 'ડિક્ષનરી'માં 'નેગેટિવ' ના હોવું જોઈએ.

અક્રમથી પોઝિટિવના પંથે

આખું જગત 'નેગેટિવ'માં ભટકી ભટકીને મરી ગયું. આ 'અક્રમ' તો સરસ 'પોઝિટિવ' માર્ગ છે !

પોઝિટિવ લે એનો તો કશો વાંધો નથી. પોઝિટિવ લો, અમારું બધું પોઝિટિવ હોય જ છે ને ! અમે આખો દહાડો બોલ બોલ કરીએ છીએ, ગમે તેટલી ટેપ થાય પણ પોઝિટિવ. અમે આખો દહાડો બોલ બોલ જ કરીએ છીએ, પણ કશું નેગેટિવ નહીં. નેગેટિવ વિચાર નહીં, નેગેટિવ વર્તન નહીં. પાછું આપણું આ વિજ્ઞાન કેવું છે ? આપણું આ જે ટેપ થાય ને, તે નિકાલી થાય છે. એટલે આ વળી નવી જ જાતનું આપણું છે આ, નિકાલી બાબત તરીકે. જગત આખાને ફરી ફરી એ ઉદયમાં આવવાનું અને તમારે આ નિકાલ થઈ જવાનું. કારણ તમે તે કર્તારૂપે નથી કરતાં. કર્તા થાય તો કર્મ બંધાય. એટલે જગત આખાને તો બહુ જોખમદારી છે.

નેગેટિવની કેટલી બધી જોખમદારી !

ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ગાળો ભાંડે. ન્યાય-અન્યાય તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો જગતનું એક થર્મોમીટર છે કે કોને કેટલો તાવ ઉતરી ગયો ને કેટલો ચઢ્યો ? જગત ક્યારેય ન્યાયી બનવાનું નથી અને અન્યાયીયે થઇ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.

આ જગત છે ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા, તો અત્યારે ના હોય ? આ ચાલ્યા જ કરવાનું. પહેલેથી આ મશીનરી એવી જ છે. એને ગમ પડતી નથી. પોતાની જવાબદારીઓનું ભાન નથી. માટે બેજવાબદારીવાળું બોલશો નહીં, બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઇનું સારું કરવું હોય તો કરવા જજો, નહીં તો બૂરામાં પડશો જ નહી ને બૂરું વિચારશો નહીં. કોઇનું બૂરું સાંભળશોય નહીં. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે !!!

પોઝિટિવ 'બોલ'ની પોઝિટિવ અસરો

એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે ?' ત્યારે મેં કહ્યું કે 'આ નેગેટિવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે.' કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.

હંમેશાં પોઝિટિવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટિવ બોલો. પોઝિટિવમાં નેગેટિવ ના બોલાય. પોઝિટિવ થયું, એમાં નેગેટિવ બોલીએ એ ગુનો છે અને પોઝિટિવમાં નેગેટિવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. 'કાંઈ જ બગડ્યું નથી' એમ બોલતાંની સાથે મહીં કેટલોય ફેરફાર થઈ જાય. માટે પોઝિટિવ બોલો.

સ્યાદ્વાદનો હેતુ

વાણીનું એવું છે કે એ બે વ્યુપોઇન્ટ 'એટ-એ-ટાઇમ' ના બતાવી શકે. એટ-એ-ટાઈમ એક શબ્દ નીકળે, તે નેગેટિવ ને પોઝિટિવ બન્ને ભેગું ન બતાડી શકે. કાં તો પોઝિટિવ બતાડે, કાં તો નેગેટિવ બતાડે. ફરી નેગેટિવ બોલે એ વાત જુદી છે, પણ એટ-એ-ટાઈમ બન્ને ભાવ બતાડી શકે નહીંને ! એટલે વ્યક્ત કરવા બીજું વાક્ય બીજી વખત બોલવું પડે. 'દર્શન'માં 'એટ-એ-ટાઇમ' સમગ્ર રીતે જોઇ શકાય, પણ તેનું વર્ણન કરવું હોય તો કોઇ પણ માણસ 'એટ-એ-ટાઇમ' વ્યક્ત ના કરી શકે. તેથી વાણી સ્યાદ્વાદ કહેવાય છે.

વાણીમાં નેગેટિવ અને પોઝિટિવ, એ બે એકી સાથે બોલી શકાય નહીં. એકી સાથે બોલે તો કાં તો નેગેટિવ બોલે તો પોઝિટિવ અધૂરું રહી જાય અથવા પોઝિટિવ બોલે તો નેગેટિવ અધૂરું રહી જાય. એટલે એકી સાથે ના બોલાય ને ? એટલે પછી વીતરાગોએ કહેવું પડ્યું કે જગત અનાદિ-અનંત છે ! પોઝિટિવ ને નેગેટિવ સાથે ના બોલાયું, એટલે આવું અનાદિ-અનંત કહેવું પડ્યું !

કેવો સરળ ઉપાય !

સ્યાદ્વાદ એટલે શું કહેવા માગે છે ? શબ્દો આપણો ભાવ પૂર્ણપણે દર્શાવી શકતા નથી. એક શબ્દથી આપણે બે ભાવ બતાવી શકતા નથી. બેઉ ભાવ બતાવવાની ઇચ્છા હોય તોય નહીં. એટલે શબ્દ પછી લડશે બધા. માટે બને એટલું ઓછું બોલો અને બહુ જરૂરનું હોય તો લખીને આપવું. એમાં બધા ભાવ બતાવી શકાય. આગળનું વાંચવાનું અને પાછળનું વાંચવાનું. બોલવામાં તો એક શબ્દમાં બે ભાવ હોઈ શકે નહીં. એટલે ભગવાન 'સ્યાદ્વાદ' બોલ્યા અને મેં કહ્યું કે 'આ બોલે છે એ બધી ટેપરેકર્ડો છે' !

પોઝિટિવ દ્ષ્ટિથી એન્કરેજમેન્ટ

આ જગતમાં હંમેશાં 'પોઝિટિવ' લો. 'નેગેટિવ' તરફ ચાલશો નહીં. 'પોઝિટિવ'નો ઉપાય થશે. હું તમને ડાહ્યો કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાંય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને 'એન્કરેજ' ના કરીએ તો એ આગળ વધેય નહીં.

મૂરખ કહીએ તોય બગડી જાય ને બહુ ડાહ્યો કહીએ તોય બગડી જાય. કારણ કે ડાહ્યો કહીએ એટલે એના અહંકારને 'એન્કરેજમેન્ટ' મળી જાય અને મૂરખ કહો તો 'સાયકોલોજિકલ ઈફેક્ટ' અવળી પડે. ડાહ્યા માણસને ૨૫-૫૦ વખત મૂરખ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે, 'ખરેખર શું હું ગાંડો હોઈશ ?' એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય 'તારા જેવો ડાહ્યો આ જગતમાં કોઈ નથી' એમ કરી કરીને 'એન્કરેજમેન્ટ' આપું છું.

દુનિયામાં કોઈને અક્કલ વગરનો કહેશો નહીં. અક્કલવાળો જ કહેજો, તું ડાહ્યો છે, એવું જ કહેશો તો તમારું કામ થશે. એક માણસ એની ભેંસને કહેતો હતો કે 'તું બહુ ડાહી છે બા, બહુ અક્કલવાળી છો, સમજણવાળી છો.' મેં એને પૂછયું, 'ભેંસને તું આમ કેમ કહે છે ?' ત્યારે એણે કહ્યું કે, 'આવું ના કહું તો ભેંસ દૂધ દેવાનું જ બંધ કરી દે.' ભેંસ જો આવું સમજે છે તો માણસો શું ના સમજે ?

પોઝિટિવ સ્પંદનના પરિણામ પોઝિટિવ

આપણે વાવમાં જઈને કહીએ કે, 'તું બદમાશ છે.' તો વાવ પણ કહેશે, 'તું બદમાશ છે' અને આપણે કહીએ કે, 'તું ચૌદ લોકનો નાથ છે.' તો તે પણ આપણને કહે કે, 'તું ચૌદ લોકનો નાથ છે.' માટે આમાં આપણને જેવું ગમે છે તે બોલવું. એવું 'પ્રોજેક્ટ' કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી.

માણસમાં નેગેટિવ હોય છે તે ગૂંચવાડામાં નાખે છે. માટે પોઝિટિવ જ રહો. આ જગતમાં જ્યાં સુધી માણસ ભયથી ધ્રૂજે છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ધર્મ પામી શકે નહીં. અમે 'તમારો કોઈ બાપોય ઉપરી નથી' કહીને તમારો ભય-ફફડાટ ચોગરદમનો કાઢી નાખીએ છીએ ને બીજું કંઈ ભય લાગતો હોય તો એ તમારો કાઢી નાખીએ, તેનો અર્થ નેગેટિવમાં લઈ જાવ તો ખરાબ થાય. એવી છૂટ આપવા નથી માંગતા !

જ્ઞાનથી પામ્યા પોઝિટિવ પદ

પ્રશ્નકર્તા : આપે તો એટલો બધો સરળ-સુગમ માર્ગ બતાવી દીધેલો છે, પણ પછી જો સતત જાગૃતિ નહીં રાખીએ અને પાંચ આજ્ઞાઓ જો નહીં પળાય તો દાદાએ જે જ્ઞાન આપ્યું છે તે શસ્ત્રરૂપે પરિણમશે.

દાદાશ્રી : તો રખડી જાય. છતાં ડહોળાઈ ગયેલું ઘી દિવેલમાંથી નહીં જાય, ઘણાં અવતાર ઓછાં થઈ જશે. પણ આ જે તમે ધારો છો એ સ્થાને જલ્દી નહીં પહોંચો, પાંચ આજ્ઞાઓ બંધ થઈ ગઈ તો. આ કાળ જ આખો કુસંગનો કાળ છે. ઘરમાં કુસંગ, ઓફિસમાં કુસંગ, વ્યાપારમાં કુસંગ, જ્યાં જુઓ ત્યાં કુસંગ, કુસંગ, કુસંગ. હવે એવાં કાળમાં જો આ પાંચ આજ્ઞા ના હોય તો એ કોઈ કુસંગ એને ખઈ જાય. એટલે પાંચ આજ્ઞા પાળે એટલે એને કુસંગ અડે નહીં. નહીં તો અહીં (સત્સંગમાં) પડી રહો, પાંચ આજ્ઞા ના પાળવી હોય તો મારી જોડે (સત્સંગમાં) પડી રહો, તોય કુસંગ નહીં અડે.

છતાં આ જ્ઞાન લે છે ત્યારથી એને પોઝિટિવ ભાવ તો થઈ જ જાય મહીં. એટલે આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી એણે પોતે પોઝિટિવ રહેવું જોઈએ. નેગેટિવ સેન્સ નહીં રાખવી જોઈએ. પોઝિટિવ એટલે આપણી ખુશી હોવી જોઈએ એમાં. પોઝિટિવ સેન્સ રાખે છે બધાં અને આ સંસારની કોઈ અડચણ ના અડવા દે પાછી. જો એ પોતે બરોબર રહે ને તો સંસારની અડચણ ના અડવા દે એવી અંદર ગોઠવણી થઈ જાય છે. કારણ કે આત્મા પ્રાપ્ત ન્હોતો થયો એટલે ભગવાન પ્રાપ્ત ન્હોતા થયા તોય સંસાર ચાલતો હતો, તો પ્રાપ્ત થયા પછી એ બગડી જાય ? ત્યારે કહે, ના બગડે.

નેગેટિવને 'લેટ ગો' કરતાં શીખો

પ્રશ્નકર્તા : હજુ એમ થાય કે આપણો વ્યવહાર એ કુટુંબ સાથે કે જે અમુક હોય તેમની સાથે સારી રીતે થવો જોઈએ. એટલી ભાવના તો ખરી જાણે.

દાદાશ્રી : સારી રીતે થવો જોઈએ, એ એક (ભાવમાં) હકીકત છે આપણે, પછી બને એ પણ સાચું છે. છેવટે આપણી હકીકતમાં એવું હોવું જોઈએ, કે આપણે ઈન્ડિયા જવું છે. પણ પછી પ્લેન તૂટી પડે તે પણ સાચી વાત છે. એને કંઈ ના કહેવાય તે ?

પ્રશ્નકર્તા : ના, ના.

દાદાશ્રી : હજુ અમારે ઈન્ડિયામાં પહોંચ્યુંુ નહીંને, તે આમ કેમ કર્યું ? એટલે આનો બીજું કંઈ ઉપાય નહીં. આપણે પોઝિટિવ હિસાબ રાખવો, નેગેટિવ બને તેને લેટ ગો કરવું.

પોઝિટિવ સેન્સથી આવે ઉકેલ

પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરવું જ નથી હોતું છતાં થઈ જાય છે ?

દાદાશ્રી : મારું કહેવાનું છે કે, એ થઈ જાય તેનો આપણને વાંધો નથી, તમે પ્રતિક્રમણ કરો ને ! અમે એનો વાંધો ઊઠાવ્યો જ નથી કે કેમ તમે આમ કરો છો ? તમે પ્રતિક્રમણ કરો, એમ કહીએ છીએ. અમે કોઈને કાઢવા માંગતા નથી. આપણા અહીં 'નેગેટિવ સેન્સ' (નકારાત્મક) જ નથી, 'પોઝિટિવ સેન્સ' (હકારાત્મક) છે. અમે કોઈનું નિકંદન કાઢવા માંગતા નથી. 'તમે રહો' કહીએ અને અમે પ્રતિક્રમણ કરીએ, એટલે એ એની મેળે જતાં રહેશે.

તમે કોઈને ટૈડકાવો તે તો પ્રકૃતિ છે, તેનો વાંધો નથી પણ તેનું જો તમે 'પ્રતિક્રમણ' કર્યું તો તે 'પોઝિટિવ' ગુનો છે ને 'પ્રતિક્રમણ' ના કર્યું, તો તે 'નેગેટિવ' ગુનો છે !

આપણે હવે કામ કાઢી લો ! પ્રતિક્રમણ કર્યા કરજો. એ એનો ઉપાય અને એ જ એનો ઈલાજ ! 'તમારે' કશું લેવા-દેવા નહીં, આત્માને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. આપણા મહાત્માઓને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. કારણ કે એ શુદ્ધાત્મા છે, નામરૂપ નથી 'પોતે'.

પ્રશ્નકર્તા : ભૂતકાળમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જે મુંઝાઈ ગયા હોય અને પૂર્વે જ્યારે એવાં ને એવાં કામ કરી ચૂક્યાં હોય, તો આજે એનાં પરિણામો ઉદયમાં આવે તો શું કરવું ?

દાદાશ્રી : એ તો એ જ આવે ને ! એ જ આવવાનાં ને ! પણ આજે એને જ્ઞાને કરીને છોડીએ. તે દા'ડે જ્ઞાન નહીં એટલે છોડાય નહીં. હવે આપણે જ્ઞાને કરીને છોડી શકીએ. પ્રતિક્રમણ તેને લીધે કરવાનું. તે દા'ડે પ્રતિક્રમણ કર્યાં નથી. અપ્રતિક્રમણ દોષ લાગેલો છે. જગત આખું આ દોષને લઈને ઊભું રહ્યું છે. જ્યારે પ્રતિક્રમણ થાય છે, ત્યારથી છૂટકારો થવા માંડે છે.

આપણે પોઝિટિવ રાખો

હવે 'દાદા'નાં જ્ઞાનને તો આપણે દીપાવવાનો પ્રયત્ન કરવાનો છે પણ છતાંય ના દીપ્યું તો રહ્યું. એનો કંઈ તાંતો ઓછો પકડવાનો છે ? આપણા પ્રયત્નો 'પોઝિટિવ' હોવાં જોઈએ. સંજોગો 'નેગેટિવ' કરે, તેને આપણે શું કરવાના હતા ? એવી પકડ પકડાતી હશે ? પણ ના, આ તો તાંતા જ હોય છે કે હરાવવા જ ! હાર-જીતના ખેલ ! અમે તો કોઈને હરાવવું એ ભયંકર જોખમ માનીએ છીએ. પછી પેલો આપણને હરાવવાની તૈયારી કરે, એના કરતાં એને જીતાડીને મોકલી દો ! તો ભાંજગડ નહીં. સામાને જીતાડીને મોકલી દઈએ. પછી છે કશી ભાંજગડ ? આપણા તરફની વાત જ ના રહેને ! પછી એ બીજો વેપાર ચાલુ કરી દે. એને હરાવીએ તો આપણા તરફની બધી ભાંજગડ ઊભી ને ? જીતાડીને મોકલીએ તો બીજો વેપાર ચાલુ કરી દે એ !

એટલે આ 'અક્રમ વિજ્ઞાન' બહુ સારું છેને ! આ 'દાદા'ના કહ્યા પ્રમાણે ચાલેને, તો આ બધી ભરહાડથી છૂટા થઈ જવાય, મહીં આપણે નાટકીય રહીએ ને આ લોકો જોડેના વ્યવહારનો ઉકેલ આવે. વ્યવહાર બધો ઉકેલીએ નહીં તો લાલ વાવટો ધરે. આ તો કોઈ લાલ વાવટો ધરે જ નહીં ને ! આ રસ્તો જ ક્લિયર રસ્તો છે, આ 'વિજ્ઞાન' જ જુદી જાતનું છે. આપણે કોઈની પાસે કશું લેવાનું કંઈ કપટ નથી, એ નિર્વિવાદ વાત છે. અને કોઈની જોડે આપણને 'આ આપણું ને આ પરભાર્યું' એવું કશું છે નહીં, એ પણ નિર્વિવાદ વાત છે. એટલે આપણે પછી શી ભાંજગડ ?

કાયદાની બહાર આપણાથી ચલાય ?

એ તો પછી કો'ક દહાડો એ ડાહ્યા થઈ જશે. એ ડાહ્યા નહીં થાય તો આપણે તો થઈશું છેવટે. આપણે ક્યારે ડાહ્યા કહેવાઈએ ? એમને આપણે ડાહ્યા કહીએ તે દહાડે. માટે પોઝિટિવ છે આપણું. એમનું સ્વીકારી લેવું છે આપણે. એ વાંકંુ બોલે પણ આપણે વાંકું ના બોલાય. એ કાયદાની બહાર ચાલે, આપણે ના ચલાય.

પ્રશ્નકર્તા : તમે થોડું વાંકંુ બોલો તો ચાલે, અમારાથી બોલાય નહીં.

દાદાશ્રી : અમેય ના બોલીએ પણ એના મગજનો પારો ચઢેલો હોય તો તે કાઢવા બોલીએ, પણ લોહી નીકળ્યું હોય તો તરત પાછી દવા ચોપડી દઈએ.

સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો

મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને, હાથ તો નથી ભાંગ્યોને ! એટલી તો બચત થઈ ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો બીજો તો નથી ભાંગ્યોને ! બે હાથ કાપી નાખ્યા ત્યારે કહે, પગ તો છે ને ! બે હાથ ને બે પગ કાપી નાંખે તો કહેવું કે હું જીવતો તો છું ને. આંખે તો દેખાય છે ને ! લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં, હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને ? ભગવાને સમ્યક્ દ્ષ્ટિથી જોયું. જેથી નુકસાનમાં પણ નફો દેખાય.

આપણને ગાળો દે તો એ ખાવાની (જમે કરી લેવાની). આપણે નેગેટિવ નહીં, પોઝિટિવ લેવાનું. જગતમાં નેગેટિવ તો છે જ. આપણે પોઝિટિવ રાખવું પણ નેગેટિવથી કંટાળવું નહીં.

જ્ઞાની વાળે પોઝિટિવ પંથે

હું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો. જો એ સારો હોયને, તો એને સારામાં પુષ્ટિ આપી દઉં. એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઊડી જાય. આ જગતને નેગેટિવ અત્યાર સુધી અથાડ અથાડ કરેલું !

જો આ પોઝિટિવ માટે તો શાસ્ત્રકારોએ શું કહ્યું ? જો તારે પોઝિટિવ કરવું હોય તો વીજળીનો ઝબકારો તે ઘડીએ એ મોતી પરોવી લે, એમ કરતી કરતી માળા પૂરી થશે, કહે છે. એ ઝબકારો કાયમ રહ્યો કે ના રહ્યો એનું ઠેકાણું નથી.

સૈદ્ધાંતિક વાત, જ્ઞાનીની

આપણો સિદ્ધાંત શું છે ? પોઝિટિવ. નેગેટિવ નહીં, તલવાર લઈને આવ્યો તો આપણા હાથમાં તલવાર હોય તો નીચે મૂકી દેવાની. પોઝિટિવ આપણું. કતલખાનું ખરું પણ અહિંસક કતલખાનું. જીવહિંસા ના થાય. ભ્રષ્ટાચારી ગુણો બધા કતલ થઈ જાય અને સદાચારી ગુણો ઉત્પન્ન થાય. બહારના ગુણો બધા બદલાઈ જાય.

મૂળ ભગવાન મહાવીરના વખતથી ચાલતું આવ્યું છે કે પોઝિટિવ મોક્ષે વહ્યા જાય અને નેગેટિવ તદ્દન ઊંધા રસ્તે ચાલ્યા જાય. એટલે આપણે જીવનમાં એક પ્રિન્સીપલ રાખવો. હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.

અમારું મન છે તે વર્ષોનાં વર્ષો ગયા પણ એક સહેજેય નેગેટિવ થયું નથી. સહેજેય, કોઈપણ સંજોગોમાં નેગેટિવ થયું નથી. લોકોને આ મન જો પોઝિટિવ થઈ જાય, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટિવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટિવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ નહીં ને નેગેટિવેય નહીં !

- જય સચ્ચિદાનંદ