સીધું-વાંકું જાણે તે આત્મા

સંપાદકીય

વ્યવહારમાં ઘણી વાર અનુભવમાં આવતું હોય છે કે આપણે સીધો વ્યવહાર કરતા હોઈએ પણ સામો વ્યક્તિ થકી વાંકો વ્યવહાર જ થતો હોય અને એવું પણ બનતું હોય છે કે સામી વ્યક્તિનો સીધો અને સરળ વ્યવહાર હોય પણ આપણાથી એની જોડે મનથી, વાણીથી કે વર્તનથી વાંકો વ્યવહાર થઈ જતો હોય છે. આનું કારણ શું હોઈ શકે ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) તેનો ફોડ પાડતાં કહે છે કે આ બધી અહંકારની જ ભાંજગડ છે. અજ્ઞાન માન્યતાથી જે વાંકી દ્ષ્ટિ થઈ ગઈ છે તેનાં આ પરિણામ છે.

જગતમાં વાંકું કે સીધું એ બુદ્ધિની અપેક્ષાએ છે. વાંકો ને સીધો, લાયક ને નાલાયક એ બધાં દ્વંદ્વવાળો સમાજ છે. ભગવાનની દ્ષ્ટિએ વાંકું કે સીધું કશું હોતું જ નથી. બધાં જ્ઞેય જ છે. આપણને અનુકૂળ ના આવ્યું એટલે વાંકું કહ્યું, ખરાબ કહ્યું અને અનુકૂળ આવ્યું એટલે સીધું કહ્યું, સારું કહ્યું, એ વાંકું કે સીધું દ્વંદ્વ છે. આધાર-આધારી છે. સમજી લેવાની જરૂર છે કે વાંકાં કે સીધાં પરિણામ એ આપણા જ કોઝની ઈફેક્ટ છે. એટલે આપણે ભૂલ કોઈની કાઢવાની ના હોય.

જ્ઞાની પુરુષ થકી આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી વાંકી દ્ષ્ટિ સીધી થઈ જાય છે. દ્ષ્ટિ સમ્યક્ થાય છે. જ્યાં સુધી વાંકી દ્ષ્ટિ હતી ત્યાં સુધી મોહ હતો અને પરિણામે કર્મ બંધાતાં હતાં. જ્ઞાન પછી મૂળ મોહ જાય છે અને ચારિત્ર મોહ બાકી રહે છે. હવે જે કાંઈ વાંકું કે સીધું મન-વચન-કાયાથી ઉદયમાં આવે છે તે ભરેલો માલ નીકળે છે. દરેકની પ્રકૃતિ ઊકલી રહી છે એ સમજ્યા પછી રાગ-દ્વેષ કરવાના ના હોય ને ?

દાદાશ્રી કહે છે કે જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટા નથી, અથડામણ થઈ ત્યાં આપણી જ ભૂલ છે. અને આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. આપણા લીધે સામાને વાંકું પડે, ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટંુ એવું કોઈ બોલ્યું હોય તેને દાબી દેવું તેનું નામ માણસ કહેવાય.

આપણે હવે ફક્ત માણસ નહીં પણ મહાત્માપદમાં આવ્યા. આપણને શું જાગૃતિ હોવી ઘટે કે આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થાય. આપણે હવે છૂટવું છે. એટલે વાંકા જોડે એડજસ્ટમેન્ટ લઈ ઉકેલ લાવો. જેટલા એડજસ્ટમેન્ટ લેશો એટલી શક્તિઓ વધશે. ઊંધામાં વપરાતી શક્તિઓને સીધામાં વાળવાની છે, મોક્ષમાર્ગે પ્રગતિ સાધવામાં વાળવાની છે. ઉદયમાં આવતી ભિન્ન-ભિન્ન પ્રકૃતિઓને રાગ-દ્વેષ વગર જોવાની છે ને સમતાભાવે નિકાલ કરવાનો છે. વિજ્ઞાન શું કહે છે કે રાગ-દ્વેષ ના કરો, વીતરાગ થઈ જાઓ.

એ વીતરાગતાના પદ સુધી પહોંચવા માટેના આપણા પુરુષાર્થમાં ખૂટતી સાચી સમજ અત્રે સંકલિત દાદાશ્રી ઉદ્બોધિત સત્સંગ સરવાણી દ્વારા આપણને સહુને મળી રહેશે એ જ અભ્યર્થના...

દીપક દેસાઈ

માર ખાય તો થાય ઈન્વેન્શન

પ્રશ્નકર્તા : દાદા, સીધા, સરળ ને સેવાભાવી માણસોનો વિકાસ ખરાબ માણસો કરતાં કેમ ઓછો પડી જાય છે ?

દાદાશ્રી : ખરાબ માણસોનો વિકાસ થાય જ નહીં. પણ ખરાબ માણસની ખરાબી વધતી જાય પછી એને માર પડે, ત્યારે એનું 'ઇન્વેન્શન' ચાલે. ત્યાર બાદ ખરાબ માણસ પેલા સીધા માણસ કરતાં આગળ વધી જાય અને પેલો સીધો માણસ ધીમે ધીમે આગળ વધ્યા કરતો હોય ! એનું તો બે કલાકેય બોરસદ ના આવે ! એને કંઈ અડચણેય ના આવે. ભૂલો પડ્યો, કંઈ ના જડ્યું, ત્યારે 'ઇન્વેન્શન' થાય !

કુદરતનો નિયમ એવો છે કે જેટલા મોક્ષે ગયેલા, તેમાંથી એંસી ટકા નરકે ગયા પછી જ મોક્ષે જાય છે ! નરકમાં ના ગયો હોય તો મોક્ષે જવા ના દે ! માર પડવો જ જોઈએ. ખાવાનું-પીવાનું બધું મળ્યા કરે, 'આવો પધારો, પધારો' બધાં કરે તો 'ઈન્વેન્શન' અટકી જાય.

જ્યાં 'હું કરું છું', 'હું કર્તા છું', 'હું ભોક્તા છું' - જ્યાં સુધી આ 'હુંપણું છે' ત્યાં સુધી સત્ધર્મ નથી ઉત્પન્ન થતો. આ લૌકિક ધર્મ ઉત્પન્ન થાય. અલૌકિક ધર્મ તો માર ખાય ને તો જ મહીં 'ઇન્વેન્શન' થાય, નહીં તો શી રીતે 'ઇન્વેન્શન' થાય ?

આત્મા કોઈને જડે એવો જ નથી, ફક્ત તીર્થંકર સાહેબોને જડેલો. જગતે જે આત્મા માન્યો છે તેવો આત્મા નથી. આત્માસંબંધી જે જે કલ્પનાઓ કરેલી છે તે બધી કલ્પિત છે. પણ જે છે એમની ભાષામાં એમને માટે બરોબર છે. કુદરતે એમને માટે હિસાબ ગોઠવેલા છે, તે પ્રમાણે ભોગવે છે. શાસ્ત્રોમાં આત્માનું શબ્દજ્ઞાન આપેલું છે તે સંજ્ઞા જ્ઞાન છે. જો સંજ્ઞા જ્ઞાની પાસેથી સમજી જાય તો આત્માની પ્રતીતિ થાય અને છેવટે કેવળજ્ઞાન થાય.

વાંકા જોડે વાંકા થઈએ તો ?

પ્રશ્નકર્તા : દુનિયા વાંકી છે પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું ?

દાદાશ્રી : એવું છે કે કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોવડાવી નાખવા ફરે છે, તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા ? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા, તો પછી આપણી પાસે રહ્યું શું ? સામાન બધો ખલાસ થઈ ગયો ! અને પછી નાદારી નીકળે !

પ્રશ્નકર્તા : એટલે એના કરતાં મૂર્ખામાં રહેવું સારું ?

દાદાશ્રી : ના, આ જગતમાં કોઈ મૂરખ નથી એવું છે જ નહીં. જ્યાં બધાં મૂર્ખા જ છે એમાં છોને એ મૂર્ખા કહેતા ! એટલે તમારે મનમાં એમ ના રાખવું કે મને મૂર્ખો માને છે. એ પછી ભાંજગડ શી ? સરળતા તો બહુ અવતારે કમાણી થાય; તો એ કમાણી ખોઈ નાખવી એ તો બહુ જોખમ છે. અને તમે તો વકીલ, કોઈ દહાડો ખોવો જ નહીં. વિચાર કરીને કરો કે આવડી મોટી મૂડી તો ખોઈ નખાતી હશે ? માટે આ ભલે થોડું ઘણું મળે, તેનો કંઈ વાંધો નથી. તમને મૂર્ખા માને, એમાં જે માને એની જોખમદારી છે, એને દોષ લાગશે. બોલે એની જોખમદારી છે, એમાં તમને શું ? તમે સરળ રીતે વર્તો છો. સરળતા એ તો બહુ ઊંચી વસ્તુ છે. વાંકા જોડે સરળ રહેવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી, એ સહેલી વસ્તુ નથી. હવે જે કમાણી કરી હોય અને તમારે તે ખોઈ નાખવી હોય તો તમારે આ બધા જોડે બાથંબાથ કરવું.

પોતાના દોષ ના દેખાય તો ?

પોતે અનંત દોષનું ભાજન છે, છતાંય પોતાનો એક પણ દોષ દેખાતો નથી. પોતાના 'સેલ્ફ'નું વલણ થયા પછી આ 'ચંદુભાઈ' પર તમારો પક્ષપાત ના રહે ત્યારે દોષો દેખાય. અત્યારે તો હું ચંદુભાઈ અને જજેય તમે, વકીલેય તમે અને આરોપીય તમે ! બોલો હવે, એકેય દોષ દેખાય ? આનો ક્યારે પત્તો પડે ? આમ ક્યાં સુધી ભટક ભટક કરીએ ?

હવે કાળ બધો વિચિત્ર આવવાનો છે. 'જ્ઞાની પુરુષ' મળ્યા એટલે ભાવના ભાવીને આપણે આપણું કામ કાઢી લેવાનું. 'જ્ઞાની' પાસે સીધા થવું પડશે. આડાઈ નામે ના ચાલે.

આપણે 'જ્ઞાની પુરુષ'ના કહ્યા પ્રમાણે ચાલવું કારણ કે 'જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? જે બધી રીતે પાંસરા થઈ ગયેલા હોય ! તે ગાળો લેવામાંય પાંસરા ને ગાળો આપવામાંય પાંસરા. પણ ગાળો આપતી વખતે તો ગાળો આપે નહીં, કારણ કે પાંસરા થયેલા હોય એટલે આપે જ નહીં ને ! અમે તો પહેલેથી જ પાંસરા થઈ ગયેલા છીએ. ને તમારેય આડાઈ તો કાઢવી જ પડશે ને ? બધી આડાઈ ક્યાં સુધી ચાલશે તે ? એ તો મહીંથી કોઈક ફેરો નીકળે ત્યારે આડાઈની ખબર પડે. નહીં તો 'જ્ઞાની પુરુષ'ની પાસે આવે ત્યારે ખબર પડે કે 'ઓહોહો ! હજુ આટલી આડાઈ ભરાઈ છે !'

નડે માત્ર આડાઈઓ

માટે સીધા થવાની જરૂર છે. જો હું સીધો થઈ ગયો છું તો છે ભાંજગડ કશી ? કેટલાય અવતારનો માર ખા ખા કરીને આ સીધો થઈ ગયો છું. કશું આડાઈ જ નથી ને, હવે. તમે કહો કે 'નીચે હેંડો' તો નીચે હેંડીએ. અમારે આડાઈ નામ ના હોય. તોય કોઈ કહેશે, 'તમે આવા છો, તેવા છો.' પણ એ તો એવો 'જે' છે તેને એ કહે છે. હું પેલાને ખોટોય નહીં કહું કે તું ખોટો છે. અને એ કોને કહે છે તેય હું સમજી જઈશ. એ મને કહેતો નથી, પણ મારા 'પાડોશી'ને કહે છે.

પ્રશ્નકર્તા : તમારા પાડોશી કોણ ?

દાદાશ્રી : આ 'એ. એમ. પટેલ' ઇઝ ધી ફર્સ્ટ નેબર. 'હી ઇઝ કોન્ટ્રેક્ટર ઓલ્સો, ઇન્કમટેક્સ પેયર ઓલ્સો'! એને એ કહે છે. લોક કહેશે, 'સંસારમાં જ્ઞાન થાય નહીં.' અરે, 'ઇન્કમટેક્સ પેયર' છે અને 'કોન્ટ્રેક્ટ'નો નાગો ધંધો કરે તોય 'જ્ઞાન' થયું ! એ જુઓ તો ખરા ! માટે આ સંસારમાં શું નડે છે ? તારી આડાઈ જ નડે છે અને મેં તો મારામાં બહુ આડાઈઓ દેખી હતી. અને એ આડાઈઓ બધી ખલાસ થઈ તો હું 'જ્ઞાની' થઈ ગયો. મહીં આડાઈ ના રહે તો જાણવું કે જ્ઞાની થઈ ગયા.

સમજવા જેવી વાત 'જ્ઞાની'ની

'જ્ઞાની પુરુષ'ની ત્રિકાળ સિદ્ધ વાત કહેવાય. એ એક ફેરો બોલ્યા હોય ને, તે તીર્થંકરોય એ જ કહેતા હોય. 'જ્ઞાની પુરુષ'ની વાત દરઅસલ સીધી છે. મોક્ષ પણ સીધો છે. મોક્ષમાં બધાને પેસવા દે છે. કંઈ ના પેસવા દે એવું છે નહીં. પણ મોક્ષને માટે લાયક હોવો જોઈએ. ત્યાં તો મોક્ષમાં વાંકાચૂકા ચાલે તો પેસાય એવું નથી. એના કરતાં પહેલેથી પાંસરા થઈ જઈએ એ શું ખોટું ? મોક્ષ અઘરો નથી પણ 'જ્ઞાની પુરુષ'ની વાત સમજાઈ તો કામનું છે. ના સમજાઈ તો ગૂંચો પડશે.

પાંસરા તો થવું પડશે ને ?

પ્રશ્નકર્તા : આડાઈઓ કેમ જતી નથી ?

દાદાશ્રી : શી રીતે જાય તે ? ઘણા દહાડાનો મુકામ કરેલો. અને પાછું ભાડાનો કાયદો, પેઠા પછી ખસે નહીં. અહીં રહેવા આવેલી એ આડાઈ ખસે કે પછી ?

મેં એક જણને કહ્યું, 'આટલી બધી આડાઈ શું કરવા કરો છો ? થોડી આડાઈ ઓછી કરો ને ?' ત્યારે એ કહે છે, 'દુનિયામાં આડાઈ વગર તો ચાલે નહીં.' ત્યારે મેં કહ્યું, 'આ સાપનેય દરમાં પેસતી વખતે સીધું થવું પડે. જો મોક્ષે જવું હોય તો પાંસરા થાવ ને ! નહીં તો લોક પાંસરા કરશે, ત્યાર પછી મોક્ષે જવાશે. એના કરતાં જાતે જ પાંસરા થઈ જાવ ને !' લોક તો મારી મારીને પાંસરા કરે, એના કરતાં જાતે પાંસરા થઈ જઈએ, એ શું ખોટું ? માટે જાતે જ પાંસરા થઈ જાવ. લોક મારી મારીને પાંસરા કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : કરે. પણ તોય લોકો પાંસરા થતા નથી ને ?

દાદાશ્રી : પણ જ્યારે ત્યારે તો પાંસરા થયા વગર છૂટકો જ નથી ને ! કડવો અનુભવ થાય ને, પછી આડાઈ એની મેળે જ છૂટી જાય. આ તો આડાઈઓ પાર વગરની છે. કોઈ અવતારમાં કોઈ પાંસરો કરનાર મળ્યો નથી. અને જો મળ્યો હોત તો આમ ભટકત નહીં. એટલે બધું થાય પણ પાંસરો ના રહે. તે આ જગત શું કરે છે ? મારી મારીને પાંસરો જ કરે છે. હજુ પાંસરો નથી થતો ? તો મારો એને ! તે પછી બઈ મારે, છોકરાં મારે, બધા લોક મારે ને એને પાંસરો કર કર કર્યા કરે.

મને તો કેટલાય અવતારથી લોકોએ મારી મારીને પાંસરો કરી નાખ્યો, ત્યારે હું ડાહ્યોડમરો થઈ ગયો. જ્યારે હું પાંસરો થયો ત્યારે જુઓ મારે 'આ' જ્ઞાન મળી ગયું ને !

જ્ઞાની પ્રરૂપે વીતરાગ ધર્મ

આ ફક્ત અમારું જ્ઞાન, એનું એ જ વિજ્ઞાન છે. પણ આ (લૌકિક જ્ઞાન) ગલીકૂંચીઓવાળું છે. અત્યારે લોક ગલીકૂંચીઓમાં પેસી ગયા છે અને તે આડી ગલી એકલીમાં નહીં પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાંસી. ફરી જડે જ નહીં પાછો. હવે ત્યાં જ્ઞાન પહોંચાડવું એટલે બહુ સહેલું ના હોય.

મહાવીર ભગવાન જાતે જ કહીને ગયા છે કે અમારા શિષ્યો બધા વાંકા ને જડ થશે. કારણ કે એ નિયમ જ હોય છે. આ એકલી ચોવીસીનો નહીં, બધી ચોવીસીઓનો નિયમ એવો જ હોય.

જૈન ધર્મનો કંઈ દોષ છે આમાં ? આ કાળચક્ર એવું છે એટલે. હવે આ કાળચક્રમાં આવું જ હોય. આ તો જ્ઞાની પુરુષ કોક ફેરો હોય છે. દરેક પાંચમા આરામાં હોય છે જ. નહીં તો આ જગતનું, આ છેલ્લા તીર્થંકરના શાસનનું શું થાય ? જંગલ થઈ જાય. એટલે આવું કંઈ ને કંઈ એક પુષ્ટિ હોય છે. એ હોય છે ને તે ચાલ્યા કરે છે. શાસન દીપશે. અત્યારે બહુ સરસ દીપશે.

આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેઈટ ફોરવર્ડ ! આ સ્ટ્રેઈટ લાઈન ને આ સ્ટ્રેઈટ લાઈન. નોર્થ, નોર્થ-વેસ્ટ, સાઉથ-વેસ્ટ, એવું બધું પણ એક્ઝેક્ટ ફિગરનું. અને આ તો અત્યારે કંઈ ગલીની મહીં ગલી ને તેની મહીં ગલી. અને ગોળ કૂંડાળું ફરીને પાછા ત્યાંના ત્યાં જ આવે. એટલે આ અક્રમ જ્ઞાન આવ્યું.

ઊંધી માન્યતા છૂટે સીધા જ્ઞાનથી

આપણે અહીંયા આગળ રાત્રે સૂઇ ગયા હોયને અને દહાડે છે તે ભૂતની વાતો સાંભળી-વાંચી હોય, રાત્રે એકલા સૂઇ ગયા હોય અને જોડેની રૂમમાંથી ઉંદરડાએ પ્યાલો ખખડાવ્યો, તે રાત્રે સાડા બાર વાગ્યે આપણા મનમાં અસર થઇ કે ભૂત આવ્યું. એટલે ભડકના માર્યા જોવાય ના જઇએ. આખી રાત વેદન કર્યા કરીએ. અને સવારમાં વહેલાં ઊઠતાં જ ત્યાં તપાસ કરીએ ત્યારે તો ઉંદરડાએ કર્યું હોય.

એ ભૂત છ કલાક આટલું બધું હેરાન કરે છે તો આ અજ્ઞાનતાનું ભૂત પેઠેલું અનંત અવતાર હેરાન કરે. બાકી નહીં તો તમે મુક્ત જ છો. તમને કોઇ બંધન છે જ નહીં. પણ તમને એવી અસર થવી જોઇએ, અનુભવ એવો થવો જોઇએ.

ઔર સબ સંત પુરુષો બતાતા હૈ. કૈસા બતાતા હૈ ? ઐસા કાનબુટ્ટી પકડો ! 'અરે ભઇ, આ તો મારો દમ નીકળી જાય છે. મારો હાથ દુઃખે છે નેે ! આમ સીધું પકડાયને !' તે સીધું ના પકડાવે. કારણ કે એણે વાંકું પકડેલું છે અને મેં તો સીધું પકડેલું છે તે સીધું પકડાવી દેવડાવું. કારણ કે હું જોઇને બોલું છું. જગતના સંતો નીચે રહીને વિચારીને બોલે છે, જ્યારે હું ઉપર રહી અને વગર વિચાર્યે આંખો મીંચીને બોલું છું. કારણ કે બધું મારા અનુભવમાં આવેલું છે ને ઉપર ચઢેલો છું. હું ઉપર ચઢીને બોલું છું આ અને લોકો નીચે રહીને વર્ણન કરે છે. તેનો માર ખવડાવ્યોને બધો !

જ્ઞાની મળ્યે કામ કાઢી લો

વાસ્તવિકતાવાળું જગત કોઈ કાળે લોકોના લક્ષમાં જ નથી આવ્યું, જ્યારે એવા જ્ઞાનીઓ થઈ ગયા ત્યારે લક્ષમાં આવેલું. પણ તે જ્ઞાનીઓના લક્ષમાં આવેલું. જ્ઞાનીઓએ જે બધા લોકોને કહ્યું, તે લોકોના લક્ષમાં નથી આવ્યું. અમુક માણસો મોક્ષે ગયા તે જ્ઞાનીની કૃપાથી મોક્ષે ગયા પણ એ વાત સમજાઈ નથી. આ કુદરતનો ગહન કોયડો છે, તે આમાંથી કોઈ છૂટેલું નહીં. જે છૂટ્યા તે કહેવા રહેલા નહીં. હું એકલો છૂટ્યા પછી કહેવા રહ્યો. માટે સંભાળીને કામ કાઢી લો. અમે તો તમારું કામ કઢાવવા માટે બેઠા છીએ.

કેવી કરુણા ! વાંકા જોડેય સીધા

અમે કહીએ કે 'તમે અહીં આવજો, અમે તમને મોક્ષ આપીશું, અમે તમને જ્ઞાન આપીશું, તમને આમ કરી આપીશું.' આ એક જાતની ખટપટ જ છે ને ?

પ્રશ્નકર્તા : એ કરુણાભાવ પ્રગટ થયો છે.

દાદાશ્રી : હા, કરુણાભાવ. પણ તેય છે તે ખટપટ તો ખરી જ ને ! કરુણાભાવ તો તીર્થંકરોમાંય છે પણ એ એક અક્ષરેય બોલે નહીં. કોઈ આમ ખાડામાં પડતો હોય તોય બોલે નહીં. પોતે જ્ઞાનમાં જુએ પણ કશું બોલે નહીં. પેલો સીધો થાય તો એને બધુંય આપે અને વાંકો થાય તો કશુંય બોલે નહીં. અમે તો પેલો વાંકો થાય તો કહીએ, 'ભઈ, શું કરવા વાંકો થાય છે ?' શાથી ? અમારી આમાં શી લાલચ છે ? અમને મનમાં એક ઇચ્છા છે કે અમારા જેવું સુખ આમને બધાને વર્તો. આ દુઃખમાંથી બચો. કંઈ પણ ઇચ્છા છે ને, આવી ? એ ખટપટપણું જ છે ને ! આને ખટપટિયું ના કહેવાય ? અમને લોક પૂછે છે ને, 'તમે વીતરાગ છો ?' ત્યારે મેં કહ્યું, 'અમે ખટપટિયા વીતરાગ છીએ.' અને મહાવીર ભગવાન ખટપટિયા નહીં, ચોખ્ખા વીતરાગ ! જેટલો ઉદય હોય એટલું જ કરે પણ અમારો ખટપટિયો ઉદય હોય ઉદય ખટપટ મિશ્રિત હોય અને ભગવાનને મિશ્રિત ના હોય.

ખટપટિયા વીતરાગનો અર્થ લોકોએ પોતાની ભાષામાં નહીં લઈ જવો જોઈએ. કારણ કે તમારા હિતને માટે જ ખટપટ કરવી પડે છે. મારું પોતાનું હિત તો સંપૂર્ણ થઈ ગયેલું જ છે.

મોક્ષ એટલે મુક્ત ભાવ

આ જ્ઞાન જ તમને એવું આપ્યું છે કે કશાની જરૂર જ ના પડે. દાદા જોડે બેસીને દાદા જેવા ના થવાય તો તે આપણો જ દોષ છે ને ? આ જ્ઞાન તો ક્રિયાકારી છે. નિરંતર અંદર કામ કર્યા કરે છે. તમારે અંદર કંઈ કરવું પડે છે કે ?

પ્રશ્નકર્તા : એની મેળે થયા કરે છે.

દાદાશ્રી : હવે આવું ક્રિયાકારી જ્ઞાન થયા પછી જો મોક્ષ ના થાય તો આપણી જ ભૂલ છે ને ! મોક્ષ તો અહીં જ થઈ ગયેલો હોવો જોઈએ. મોક્ષ કંઈ લેવા જવાનો નથી. મોક્ષ એટલે આપણો મુક્ત ભાવ. આ બધું હોવા છતાં પણ આપણે મુક્ત અને આ બધું ના હોવાપણું ક્યારેય બનવાનું નથી, માટે પહેલેથી ચેતી જાઓ. આ બધાની હાજરીમાં જ મુક્ત થવું પડશે. બંધન હોય તો જ મુક્ત ભાવ અનુભવી શકોને ? બંધન ના હોય તો મુક્ત ભાવને શી રીતે અનુભવી શકો ? મુક્ત ભાવ કોણે અનુભવવાનો છે ? જે બંધનમાં આવેલો છે તેણે અનુભવવાનો છે.

અહીં તમને આંખે પાટા બાંધી થાંભલા જોડે દોરડેથી જબરજસ્ત બાંધ્યા હોય, પછી છાતી આગળના દોરડાનો એક આંટો હું બ્લેડથી કાપી નાખું તો તમને મહીં ખબર પડે ખરી ? તમને અહીં આગળથી એ દોરડું છૂટ્યું એ પોતાને અનુભવ થાય. એક વખત એ સમજી ગયો કે હું મુક્ત થયો એટલે કામ થઈ ગયું.

એવું માણસને મુક્તપણાનું ભાન થવું જોઈએ. એ મોક્ષભાવ કહેવાય. મને નિરંતર મુક્તપણાનું ભાન રહે છે, 'એની વ્હેર', 'એની ટાઈમ'. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કોઈ મને પ્રતિબંધ કરે નહીં. વસ્તુ પ્રતિબંધ કરનારી નથી. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દે દે કર્યા કરે છે.

પ્રતિબદ્ધતાનું કારણ, વાંકી દ્ષ્ટિ

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિબંધ કોણ કરે છે ?

દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન પ્રતિબંધ કરનારું છે. તમારી દ્ષ્ટિ વાંકી છે, તો જ પ્રતિબદ્ધ કરે છે.

જ્ઞાની પુરુષ, મુક્ત પુરુષ મળ્યા સિવાય કોઈએ કોઈ દહાડો મોક્ષની આશા રાખવી નહીં. લાખ શાસ્ત્રો વાંચો તોયે શાસ્ત્રોથી દ્ષ્ટિ બદલાશે નહીં. શાસ્ત્રો તમારી દ્ષ્ટિ બદલે નહીં. દ્ષ્ટિ તમારી હતી, તેવી ને તેવી રાખે. અને ઊલટી, વાંકી દ્ષ્ટિને મજબૂત કરી આપે. જ્ઞાની પુરુષ દ્ષ્ટિ બદલી આપે. ખાલી દ્ષ્ટિ જ. દ્ષ્ટિ જ ભિન્ન છે. તમે આમ જોઈ રહ્યાં છો, હંુ આમ જોઈ રહ્યો છું. હું તમને દ્ષ્ટિ જ ફેરવી આપું છું. પણ એ જ્ઞાની પુરુષનું કામ. જ્ઞાની પુરુષની કૃપા સિવાય, ભગવાનની કૃપા સિવાય ક્યારેય પણ ના થાય. એ માટે વીતરાગ વિજ્ઞાન જોઈએ.

'જ્ઞાની' કૃપા થકી દ્ષ્ટિ બદલાય

પ્રશ્નકર્તા : એટલે મુખ્ય તો અંતર્મુખ દ્ષ્ટિ હોવી જોઈએ.

દાદાશ્રી : એવું છે ને, આ કેટલાક લોકો તો મહીં જો જો કરે છે. અલ્યા, મહીં કશુંય નથી ! મહીં તો 'જ્ઞાની પુરુષ'ના દેખાડ્યા પછી દેખાય. નહીં તો મહીં તો આમ આંખ મીંચીને સ્ત્રીઓ બધું દેખાય.

પ્રશ્નકર્તા : એટલે અંતર્મુખ થવા કોઈના ટેકાની જરૂર પડે !

દાદાશ્રી : એ તો કૃપા હોય ત્યારે અંતર્મુખ થવાય. કૃપા સિવાય અંતર્મુખ કેમ કરીને થાય ? નહીં તો લોકોને મહીં કારખાનાં દેખાય. ને મોટું મોટું ચિતરામણ દેખાય !

પ્રશ્નકર્તા : એ કૃપા ક્યારે થાય ?

દાદાશ્રી : કૃપા તો 'જ્ઞાની પુરુષ'નાં દર્શન કરે, એમનો વિનય કરે, એમની આજ્ઞામાં રહે ત્યારે થાય. બાકી એમ ને એમ તે કૃપા થતી હશે ? અથવા કંઈ સામાવાળિયા થવાથી કૃપા થાય ? એવું સામાવાળિયા થાય તોય 'જ્ઞાની પુરુષ'ને વાંધો નથી, પણ સામાને કેટલું બધું નુકસાન થાય ! અમને તો ગાળ દે તોય વાંધો નથી પણ આમાં તમારી શી દશા થાય ? એટલે અમે તમને સમજણ પાડીએ કે પાંસરા રહો.

અહીં 'જ્ઞાની પુરુષ' આગળ સીધું થઈ જવાનું હોય. અહીં આગળ વાંકું ના ચાલે. અહીં તો આજ્ઞામાં રહેવાનું હોય. કારણ કે આ 'જ્ઞાની પુરુષનાં' તો દર્શન જ કરવા ના મળે.

કર્મની ફાચરો વાંકી ચૂકી હોય ત્યાં

પ્રશ્નકર્તા : તમે જ્ઞાન આપો છો, તેમાં કેટલાકને તરત જ ફિટ થઈ જાય છે અને ઘણાને કેટલીય માથાફોડ કરો તોય તે ફિટ થતું નથી, તો તેમાં શું શક્તિ ઓછી હશે ?

દાદાશ્રી : એ શક્તિ નથી. એ તો કેટલાક કર્મની ફાચરો વાંકીચૂકી લાવ્યા હોય, તો કેટલાકની ફાચર સીધી હોય. તે સીધી ફાચરવાળો તો જાતે જ ખેંચી કાઢે ને વાંકી ફાચરવાળાને અંદર ગયા પછી વાંકી હોય, તે આમ ખેંચે તોય એ નીકળે નહીં. આંકડા વાંકા હોય ! અમારી ફાચરો સીધી હતી કે ઝટપટ નીકળી ગઈ. અમને વાંકું ના આવડે. અમારે તો એકદમ ચોખ્ખમ્ ચોખ્ખું ને ખુલ્લમ્ ખુલ્લું ! અને તમે તો કંઈક વાંકું શીખ્યા હશો. છો તો તમે સારા ઘરના, પણ નાનપણમાં વાંકું પેસી ગયું તે શું થાય ? મહીં વાંકા ખીલા હોય તો ખેંચતાં જોર આવે ને વાર લાગે !

ચીંધ્યો સરળ માર્ગ જ્ઞાનીએ

જે માર્ગ ઉપર હું ચાલ્યો છું એ માર્ગ ઉપર તમને ચલાવું છું અને હું તો તમારાથી એક ડગલું જ આગળ છું. તમે ખાલી મને ફૉલો કરો (અનુસરો) છો એટલું જ. હું કંઈ વધારે આગળ રહ્યો નથી. મેં મારી પાસે હતી, એ બધી વસ્તુ તમને આપી દીધી. ગુપ્ત રાખે, તે કોણ રાખે ? જેને ગુરુ રહેવું હોય તે. ગુરુ બધી ચાવીઓ શિષ્યોને ના આપે. મારે તો ગુરુ રહેવું જ નથી. મને તો તમે મારા જેવા થાવ, એ જ ઇચ્છા. હું પાછો ગુરુનો ધંધો ક્યાં લઈ બેસું, કાયમ ગુરુ થયા કરવાનો ? બિઝનેસ છે ને એ તો ?

એક જણ મને કહે છે, 'આ ગુરુઓ આવા વાંકાં કેમ ?' મેં કહ્યું, 'આ લાકડાં વાંકાં છે ત્યાં સુધી કરવતી વાંકી જ જોઈએ. આ લાકડાં જ વાંકાં છે.' ત્યારે એ કહે, 'હવે એ ક્યારે સીધાં થશે ?' મેં કહ્યું, 'આ લાકડાં સીધાં થશે એની મેળે. આ બફારો આવ્યો છે ને ?' તે હવે સીધાં થશે એવો બફારો આવ્યો છે. તે ગમે તેવું લાકડું વાંકું હશે તો પોતે સીધું થઈ જશે. આડાઇઓ બધું નીકળી જશે, માર ખાઈ ખાઈને અને પછી ગુરુ એવા સારા આવશે. જો જો તો ખરા !

એમાં ન કોઈ વાંક જ્ઞાનીનો

પ્રશ્નકર્તા : દાદા, એવો તમારો ભાવ છે કે અમે તમારાથી નજીક છીએ, પણ સાચે જ અમે નજીક છીએ એટલા તમારાથી ?

દાદાશ્રી : હા. તમને તાવ આવતો હોય તેથી મને વાંધો નથી, પણ તમે મારી જોડે છો અને તમારો તાવ મટી જશે થોડા વખતમાં, પછી તમે મારી જોડે જ છો. લિફ્ટ માર્ગ છે આ તો. હા, તમે મારી જોડે વાંકા થઈ જાવ તો બગડે તમારું. મારામાં કોઈ એવાં લક્ષણ નથી કે તમે મારી જોડે વાંકાં થાવ. મારું એવું લક્ષણ વાંકું હોય ને તમે વાંકા થાવ તો જુદી વાત છે. તમે તમારી મેળે વાંકા થાવ, તે ન હોવું જોઈએ.

તમારાં કર્મો તમને વાંકા કરે તો, એ તમારે સમજી લેવાનું ને એવું તમારે પોતાની જાતને કહેવું જોઈએ કે 'ભઈ, અહીં હઉ તું પાંસરો નથી રહેતો ?' એટલે મહીં કર્મ અવળું દેખાડે તે ઘડીએ આપણે કહીએ, 'અહીંય પાંસરો નથી રહેતો ? નહીં તો તને ડિસમિસ કરીશ.' બુદ્ધિ તમને ખોતરે, છતાંય અક્રમ છે તે રક્ષણવાળું છે, ઠેઠ સુધી રક્ષણવાળું છે. અમને ગાળો દઈ ગયો હોય તેનીય અમે રક્ષા કરીએ છીએ. કારણ કે ગાળો દે છે તે એના પોતાના હિસાબથી નથી દેતો, એને મહીં કર્મનાં ભૂતાં ફરી વળ્યાં છે. એવું ના ફરી વળે ? છતાંય આપણી શી ફરજ હોય ત્યાં ? કોઈને એક્સિડન્ટ થયો હોય તો આપણી ફરજ શી હોય ?

પ્રશ્નકર્તા : બચાવવાની, મદદ કરવાની.

દાદાશ્રી : હા, એને કેમ કરીને પાટો બાંધી દેવો, કેમ કરીને રાગે પાડી દેવું. આપણી ફરજ આ હોય.

જ્ઞાન થકી સીધો ચાલે સંસાર

આ જ્ઞાન મળ્યા પછી સંસાર આપણો જે વાંકોચૂકો ચાલતો હતોને, તે સીધો થતો જાય. ઊલટો આપણને સરળ થઈ પડે. મુશ્કેલી વધારે પડતી હોય તે ઓછી થતી જાય. દહાડે દહાડે જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામેને એમ મુશ્કેલી ઓછી થતી જાય. બધું કામ સરળ થઈ પડે. આ સંસાર વાંકો કોણે કરેલો છે ? અહંકારે વાંકો કર્યો છે. બાકી, સંસાર સ્ટ્રેઇટ લાઈનમાં જ હતો પણ અહંકારે જરાક લીટા વાંકાચૂકા કરી નાખ્યા. આ અહંકારની જ બધી ભાંજગડ છે. જીવનો સ્વભાવ મૂળથી જ વાંકો છે અને તેનો માર ખા ખા કરે છે. વીતરાગ જેવા ડાહ્યા થઈ જાય ને તો કશી ખોટ નથી.

પ્રશ્નકર્તા : એવું ખરું કે વાંકાને વાંકો જ અહંકાર આવે ને સીધાને સીધો જ અહંકાર આવે ?

દાદાશ્રી : જુદા જુદા જ.

જેમ આ આકાશમાંથી વરસાદનું પાણી પડે છે તે મીઠું છે પણ લીમડો પીવે તો કડવું થઈ જાય, આંબો પીવે તો જુદું થઈ જાય. દરેક જુદું જુદું થાય. દરેક જુદા જુદા સ્વભાવનું દેખાય. એવું મનુષ્યમાં એ અહંકાર છે તે એક જ પ્રકારનો, રંગ જુદા જુદા લાગ્યા કરે.

ફેર, શ્રદ્ધા અને પ્રતીતિમાં

પ્રશ્નકર્તા : આપણે એમ કહીએને કે જ્ઞાન પ્રાપ્તિ પછી શ્રદ્ધા બેઠી, તો એને પ્રતીતિ કહેવાય ? પ્રતીતિ એટલે શું ? શ્રદ્ધા ?

દાદાશ્રી : શ્રદ્ધા એ બધાં સ્ટેજ કહેવાય અને પ્રતીતિ એટલે એક્ઝેક્ટ આવી ગયું. પ્રતીતિ એટલે આખી માન્યતા સો ટકા ફરી અને 'હું શુદ્ધાત્મા જ છું' એ જ વાત ચોક્કસ થઈ ગઈ અને 'હું શુદ્ધાત્મા છું' એ શ્રદ્ધા બેસે પણ ઊઠી જાય પાછી અને પ્રતીતિ ઊઠે નહીં. શ્રદ્ધા ફરી જાય, પ્રતીતિ ફરે નહીં.

એ પ્રતીતિ એટલે આપણે આ લાકડી અહીં ગોઠવી છે તેની ઉપર બહુ દબાણ આવે, તો આમ વાંકી થઈ જાય પણ સ્થાન છોડે નહીં. ગમે એટલો કર્મોનો ઉદય આવે, ખરાબ ઉદય આવે, પણ સ્થાન છોડે નહીં. 'હું શુદ્ધાત્મા છું' એ ઊડી ના જાય.

અને ગાઢ પ્રતીતિ એટલે શું ? થોડીઘણી વાંકી થાય, વધારે વાંકી ના થાય, ગમે એટલું દબાણ આવે તોય. વાંકી થાય તે લોકો કહેશે, આ ઊડી, ઊડી, ઊડી. પણ ના, સ્થાન છોડે નહીં તે ગાઢ પ્રતીતિ !

અનુભવ, લક્ષ ને પ્રતીતિ. પ્રતીતિ એ પાયો છે. એ પાયો થયા પછી લક્ષ ઉત્પન્ન થાય, પછી 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષમાં રહ્યા જ કરે નિરંતર. અને જ્યારે નવરાશમાં બેઠા હોય અને જ્ઞાતા-દ્રષ્ટા થયા થોડી વાર એ અનુભવ. હવે જ્ઞાતા-દ્રષ્ટા તે બહારનું નહીં જોવાનું, આ પ્રકૃતિને જ જોયા કરવાની કે આ પ્રકૃતિ શું ગાંડાં કાઢે છે !

પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈને (ફાઈલ નં. ૧) જ જોયા કરવાના ?

દાદાશ્રી : તેને જ જોયા કરવાના. ડહાપણ શું કરે છે તે જોવાનું, ગાંડપણ શું કરે છે તે જોવાનું. આપણે એ ગાંડપણ કરે તો એની પર ચિઢાવું નહીં અને ડહાપણ કરે તો એના પર રાગ નહીં રાખવો. આપણે તો વીતરાગ રહેવું. ગાંડપણ કરે તો એ કરે છે, આપણે શું ? પહેલાંના સંબંધો તે પ્રકૃતિથી છૂટા થઈ ગયા. પ્રકૃતિના જવાબદાર ક્યાં સુધી હતા, 'હું શુદ્ધાત્મા છું' એ પ્રતીતિ નહોતી બેઠી ત્યાં સુધી. પછી આપણે એના જવાબદાર નથી !

વાંકી દ્ષ્ટિ સીધી થઈ તો હવે ?

આત્મા ને દેહને બે જુદા પાડે એવું વિજ્ઞાન મેં આપ્યું, એટલે તારી દ્ષ્ટિ જે વાંકી હતી તે સીધી થઈ ગઈ. વાંકી દ્ષ્ટિ હતી ત્યાં સુધી તને મોહ હતો અને ત્યાં સુધી કર્મ બંધાતાં'તાં. ત્યારે કહે છે, 'હજુ સાહેબ મોહ તો મને રહ્યો છે. હજુ તો કપડાં સારાં પહેરીએ છીએ, ઘડિયાળ જોઈએ છે, ચશ્માં જોઈએ છે, આમ જોઈએ છે, તેલ જોઈએ છે, અત્તર જોઈએ.' એ ચારિત્ર મોહ છે, ડિસ્ચાર્જ મોહ ! ચારિત્ર મોહ, એને હવે મનમાં એમ ના થાય કે ફરી ફરી આવું પ્રાપ્ત હો. જે આવ્યું એ નિકાલ કરી નાખ. ખારું આવ્યું તો ઓછું ખા. સારું આવ્યું તો ખા નિરાંતે પણ નિકાલ કરી નાખ. સમભાવે નિકાલ કરે છેને ? બસ ત્યારે, એના જેવું પછી રહ્યું જ શું તે ?

જેની દ્ષ્ટિ એવી વાંકી હોય તેને વાંકું દેખાય, સીધી હોય એને સીધું દેખાય. એટલે આપણે આપણી મેળે ચાલ્યા જવાનું, નિરાગ્રહી રહેવાનું.

ભેદ, વ્યવહાર ને નિશ્ચય ચારિત્રના

પ્રશ્નકર્તા : 'ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના નિર્વાણ નથી.' એવું કહ્યું છે ને ?

દાદાશ્રી : ચારિત્ર એ તમારી ભાષામાં ચારિત્ર તમને શું સમજાયું છે એ કહો, જે તમને સમજાયું હોય.

પ્રશ્નકર્તા : ચારિત્ર એટલે સારી રીતે વર્તન કરવું તે, સ્ટ્રેઈટ ફોરવર્ડ જેને કહીએ. વાંકોચૂકો કે ક્રુકેડ નહીં એ ચારિત્રવાન કહેવાય. પ્રામાણિક હોય, ઓનેસ્ટ હોય, મોરલ હોય.

દાદાશ્રી : એવા તો ઘણા સીધા માણસો મળે, એને ચારિત્ર કેમ કહેવાય તે ? આ તો મોક્ષનું કારણ જે ચારિત્ર છે, તેને વિશે કહ્યું છે. પેલું ચારિત્ર તો સીધો માણસ હોય તો કોઈ 'વાહ વાહ' બોલે, કોઈ પૈસા ધીરે એને, બસ. તે બીજું કોઈ કારણ એનું છે નહીં. અને તોય કેટલાક અવળું બોલે.

ચારિત્ર બે પ્રકારનાં. એક નિશ્ચય ચારિત્ર અને એક વ્યવહાર ચારિત્ર. વ્યવહાર ચારિત્ર એટલે કોઈ પણ વિષય ઉપર વૃત્તિ નહીં. ભગવાને જે વ્યવહાર ચારિત્ર કહ્યું છે, એ તો બહુ ઊંચી વસ્તુ છે. વ્યવહાર ચારિત્ર તો વીતરાગના મતને જાણે કે વીતરાગોનો અભિપ્રાય શો છે ! પોતાનો અભિપ્રાય શો છે તે તો જુદી વસ્તુ છે પણ વીતરાગોના અભિપ્રાય માન્ય રાખીને બધું કામ કરે એ વ્યવહાર ચારિત્ર. વીતરાગના અભિપ્રાયને નક્કી રાખીને કે આ પ્રમાણે વીતરાગનો અભિપ્રાય, એ પ્રમાણમાં જ ચાલ્યા કરે, પછી પોતાથી જેટલું થાય એટલું, એ વ્યવહાર ચારિત્ર.

અને ખરું ચારિત્ર કોેને કહેવાય કે બધું ખાતો-પીતો હોય પણ જ્ઞાતા-દ્રષ્ટા રહે એ ખરું ચારિત્ર. આત્મા પોતાના સ્વભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટામાં આવે એ ખરું ચારિત્ર. એ ચારિત્ર વિના મોક્ષ નથી. 'આત્મા' જ્ઞાતા-દ્રષ્ટા છે. 'તમે' જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એ જ ચારિત્ર અને તે જ મોક્ષનું કારણ ખરું. અને મોક્ષ એટલે સર્વ દુઃખોથી મુક્તિનું કારણ એ, અને પછી એવો મોક્ષ થયા વગર નિર્વાણ થાય નહીં. નિર્વાણ એટલે આત્યંતિક મુક્તિ !

કુચારિત્રનું જાણપણું એ જ ચારિત્ર

પ્રશ્નકર્તા : પણ ચારિત્રમાં આ બધું આવવું જોઈએ ને ?

દાદાશ્રી : ચારિત્રમાં લાવવાની જરૂર નથી. કુચારિત્ર જાણે, એનું નામ ચારિત્ર. સારા ચારિત્રની મસ્તી આવે એ કુચારિત્ર, એ ભયંકર જોખમદાર.

પ્રશ્નકર્તા : તો અમારે ક્ષાયક સમકિતનો અહંકાર આવે તે...

દાદાશ્રી : જ્ઞાન આપીએ તો અહંકાર તો ના આવે પણ મસ્તી આવે, એય ખોટું પાછું !

પ્રશ્નકર્તા : તમે તો પછી કોઈ જાતનો આનંદ આવવા જેવી જગ્યા જ નથી રહેવા દેતા.

દાદાશ્રી : બળ્યું, આનંદ તો, પોતાના સ્વરૂપમાંથી આનંદ લો ને ! આભાસી આનંદ શું લેવાનો ? મસ્તીઓ લેવાની હોય ? મસ્તી તો, આ બહારના લોકો લૌકિક ધર્મને ધર્મ માને છે, એ લોકો મનની મસ્તીમાં, દેહની મસ્તીમાં, વાણીની મસ્તીમાં, આખું જગત મસ્તીમાં ભમી રહ્યું છે. બાવા-બાવલી, સાધુ-સંન્યાસીઓ બધાં મસ્તીમાં જ પડ્યાં છે. તેય આખો દહાડો મસ્તી ના રહે. થોડીક વાર, પછી પાછું હતું તેનું તે. પછી મસ્તી આવે ! અને અહીં તો મસ્તી ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : પણ અમે તો બીજી બધી મસ્તી છોડી અને અમે હવે દાદાની મસ્તીમાં રહીએ છીએ.

દાદાશ્રી : એ મસ્તી ના ગણાય. બાકી, સારા ચારિત્રની મસ્તી હોય, તે ઊલટું નુકસાન કરે છે. એના કરતાં કુચારિત્રનું 'જાણપણું' એ ફાયદો કરે છે. કુચારિત્રને 'જાણે' એ આત્મચારિત્ર.

પ્રશ્નકર્તા : અમે કુચારિત્રને 'જાણ્યું' તો ખરું, પણ પોઝિટિવ ચારિત્રના કોઈ પણ જાતના આનંદ વગર જીવવાનું ?

દાદાશ્રી : 'જાણે' તે ઘડીએ આનંદ હોય જ ને 'કરે' તે ઘડીએ દુઃખ હોય.

પ્રશ્નકર્તા : હવે અમારું કુચારિત્ર 'જાણ્યું', તે વખતે તો આનંદ શેનો હોય ? એ તો દુઃખ-વૈરાગ થાય કે આ કુચારિત્ર 'જાણ્યું'.

દાદાશ્રી : કુચારિત્રનો સ્વભાવ જ એવો છે કે પોતાનું એ જાણપણું ખોવાઈ જાય. જો એટલી બધી જાગૃતિ થયેલી હોય અને કુચારિત્રમાં જ્ઞાન હાજર રહે, 'જાણપણું', તો એ ઊંચામાં ઊંચું ચારિત્ર છે.

પ્રશ્નકર્તા : પણ વંકાયેલું દેખાય તે વખતે દુઃખ તો થાયને ?

દાદાશ્રી : એ ન્હોય વંકાયેલું. ભગવાનને ત્યાં વંકાયેલું નથી, સમાજમાં વંકાયેલું છે. સમાજ શું કહે છે ? એટલે આ વાંકો ને આ સીધો, આ નાલાયક ને આ લાયક એ બધાં દ્વન્દ્વવાળો સમાજ છે. ભગવાનને ત્યાં એક જ વસ્તુ છે. બધાં જ્ઞેય જ છે.

ચારિત્રમોહનો ન થાય તિરસ્કાર

ક્ષાયક સમકિત હોય અને વર્તન વાંકું હોય કે સીધું હોય તો પણ એ ચારિત્રમોહ છે. શાસ્ત્રની વિરુદ્ધ હોય તોયે ચારિત્રમોહ છે અને શાસ્ત્રને અનુકૂળ હોય તોયે એ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ એટલે આ મોહ દેખાય છે મોહ જેવો, પણ એ ચારિત્રમોહનીય છે. ચારિત્રમોહનીય એટલે ખસેડ્યો ખસેડી શકાય નહીં અને ગ્રહણ કરેલો ગ્રહણ કરી શકાય નહીં. એનો તો ઉકેલ લાવવાનો છે ને નિકાલ કરી નાખવાનો. કારણ કે રાજીખુશીથી ભરેલો માલને ! હવે તિરસ્કાર કરાય નહીં. હવે કડવો લાગ્યો. પણ ભરતી વખતે મીઠો જ છે એવું માનીને જ ભરેલોને ? એટલે આ ભાઈનો માલ ભરેલો તે જુદો, તમે ભરેલો માલ તે જુદો પાછો. આ કંઈ નવી જ જાતનો માલ ! પેલાનો છે એ જુદો, આનો જુદો, એવું બધા જુદા જુદા !

વર્તન સીધું કે વાંકું એ છે ચારિત્રમોહ

આત્મજ્ઞાન પછી બધી મનની ક્રિયા, બધી વાણીની ક્રિયા, બધી દેહની ક્રિયા સારી હો કે ખરાબ હો, એ બધો ચારિત્રમોહ.

એટલે મનના વિચારો એ શું છે, એ સમજી ગયા ને ? એ ચારિત્રમોહ છે. વાણી કઠોર બોલાય કે કર્કશ બોલાય કે સ્યાદ્વાદ બોલાય એ બધો ચારિત્રમોહ જ છે. પછી વર્તન સીધું હોય કે ગાંડું હોય, એ બધો ચારિત્રમોહ જ છે.

આ અત્યારે જે બધી જૂની આદતો નથી ગમતી તેય ચારિત્રમોહ છે અને જે આદતો ગમે છે તેય ચારિત્રમોહ છે. જે સુવિચારો છે, કુવિચારો છે તેય ચારિત્રમોહ છે અને ખરાબ વાણી છે તેય ચારિત્રમોહ છે. માટે ખરાબ વાણી હોય તો ડિસ્કરેજ ના થઈ જશો અને સારી વાણી હોય તો બહુ એલિવેટ ના થઈ જશો. એવી રીતે ખપાવો.

'વાંકું-સીધું' જેવું વીંટેલું તેવું ઊકલે

પ્રશ્નકર્તા : દાદા, એટલે દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ છે એ તો આપોઆપ ડિસ્ચાર્જ થયા જ કરેને ?

દાદાશ્રી : ચારિત્રમોહ એટલે જે મોહ પરિણામ પામેલો છે. એટલે ઓગળ્યા જ કરે એની મેળે, તમારે કશું કરવું ના પડે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ. તમે તમારા સ્વભાવમાં રહો તો તમને કશો વાંધો નથી. વકીલ વકીલાત કરે અને તે લોકો કહે, આ વકીલ વકીલાત કરે છે, શી રીતે એને ચારિત્રમોહ કહેવાય ? હું કહું કે એને જ ચારિત્રમોહ કહે છે. જેવો વીંટ્યો હતો તેવો ઊકલે. વાંકો વીંટ્યો'તો, તો વાંકો નીકળ્યો. સીધો વીંટ્યો'તો, તો સીધો નીકળ્યો. પણ વીંટ્યો'તો તે એવો નીકળે.

ભગવાન કેટલા ડાહ્યા ! આમાં અપવાદ મૂક્યા હોત તો મુશ્કેલી ઊભી થાતને ? ત્યારે કહે, જેવો વીંટ્યો'તો એવો. વકીલાત કરીને જૂઠો કેસ હતો તો તેને સાચો કરી નાખ્યો. અલ્યા ભઈ, સાચો કરી નાખ્યો પણ વીંટ્યો'તો એવો મોહ છે. તેય પણ એ તો પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે. આજે એની માલિકી ધરાવતા નથી, પછી શી જવાબદારી ? એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું છે નહીં. વાંકો-સીધો તમે જેવો ભર્યો હોય તેવો. વાંકો-સીધો આ જગતની બુદ્ધિની અપેક્ષાએ છે, સમાજ વ્યવસ્થાની અપેક્ષાએ છે. બાકી ભગવાનને ત્યાં તો આ વાંકો ને આ સીધો એવું કશું હોતું જ નથી. સીધું-વાંકું તો આપણને અનુકૂળ ના આવ્યું એટલે વાંકું કહ્યું અને આપણને અનુકૂળ આવ્યું એને આમ સીધું કહ્યું. આપણને અનુકૂળ ના આવતું હોય, તે બીજાને અનુકૂળ આવતું હોય માટે કંઈ આપણું આ વાંકું કહેવાય ? એ તો સહુ સહુનો હિસાબ છે. કલ્પના જ છે એક જાતની. વાંકા અને સીધાથી તમારી દ્વન્દ્વાતીત દશા થઈ છે. એટલે 'તમારે' તો ખાલી જોવાનું. દાદાની આજ્ઞા જ પાળવાની. બીજું કંઈ નહીં. જે આવે એ, કચરો હોય કે સારું હોય. જેવી પરીક્ષા આપી'તીને એવા માર્ક્સ આવ્યા છે, એ જોયા કરવાનું. પરીક્ષા આપતી વખતે દાદાને પૂછીને નહોતી આપી, તમે તમારી મરજીથી આપી'તી !

પ્રશ્નકર્તા : પણ હવે પરીક્ષા પછી આ તમારી સિફારસ ચાલેને ? જે કરતા હોય એ, પાસ થવાની, માર્ક્સ મૂકવાની.

દાદાશ્રી : ના. પણ હવે જે તમે નવું કરી રહ્યા છો, એ મારી પાસે છે. પહેલાંનું કરેલું તે તો આવી રહ્યું છે, તે જોયા કરો પછી તમને બંધન નથી એમ હું કહું છું.

ચારિત્રમોહ એટલે આપણે ત્યાં પ્રારબ્ધ કહે છેને ! પ્રારબ્ધ એકલું રહ્યું એવું કહે છેને ? એ ચારિત્રમોહ. પ્રારબ્ધ ભોગવવાનું રહ્યું. એ જ્ઞાતા-દ્રષ્ટા રહીને ભોગવ.

પ્રશ્નકર્તા : એટલે જે વીંટાળીને લાવ્યા છીએ એ ઊકલે છે એને ચારિત્રમોહ કહેવાનો ?

દાદાશ્રી : હા. જે માલ વીંટાળીને લાવ્યા છોને એ પાછો ઊકલે એને ચારિત્રમોહ કહે. અને ભગવાન કહે છે, 'પાછો ઊકલે એમાં રાગ-દ્વેષ ના કરીશ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે.'

જાણકાર જે છે એ જ આત્મા

પ્રશ્નકર્તા : જ્યારે કંઈ પણ કામ આવે, ત્યાર પહેલાં જાગૃતિ હોય અને પછી એ જતું રહે બધું. એ કામ વખતે આખું પરોવાઈ જવું પડે અને પછી પૂરું થાય પછી પાછું આમ જ્ઞાનની વાતો શરૂ થાય...

દાદાશ્રી : ત્યાં આત્મા પરોવાતો જ નથી.

પ્રશ્નકર્તા : હવે ત્યાં જાગૃતિ કેવી રીતે રાખવી એમ ?

દાદાશ્રી : એ અહંકાર-બુદ્ધિની જાગૃતિ હોય છે.

પ્રશ્નકર્તા : એટલે જે પરોવાયા વગર કામ થાય નહીં પૂરું ?

દાદાશ્રી : એ બુદ્ધિ પરોવાય છે. પોતાના મનમાં એવું લાગે કે હું પરોવાઈ ગયો. એટલે એવી અસર થાય.

પ્રશ્નકર્તા : એટલે ત્યાં શું રહેવું જોઈએ ?

દાદાશ્રી : ત્યાં તો જાણકાર રહેવું જોઈએ કે બુદ્ધિ પરોવાઈને આ ગાડું ચાલ્યું અને સારું થયું ને ખોટું થયું એ જાણે છે તે આત્મા છે. પેલો કહે છે કે હું પરોવાઈ ગયો, તો એ પછી સારું-ખોટું કોણે જાણ્યું ?

પ્રશ્નકર્તા : બરોબર. એટલે એ આખા વ્યવહાર વખતે પોતે જાણકાર જ હતો.

દાદાશ્રી : જાણકાર જે રહે છે એ જ આત્મા. આમાં ઘૂસી ગયો એ આત્મા ન હોય.

પ્રશ્નકર્તા : એ ઘૂસી ગયા જેવું લાગે છે.

દાદાશ્રી : એ બુદ્ધિ ને અહંકાર.

પ્રશ્નકર્તા : એટલે ત્યાં એવું સમજી લેવાનું કે ખરેખર આપણે એમાં ઘૂસી જતા નથી ?

દાદાશ્રી : એવું સમજવાનું જ હોય. કારણ કે પછી આપણે કહીએ પણ... 'થયું સીધું કે વાંકું ?' ત્યારે કહે, 'થયું સીધું.' ઘૂસી જનારને ખબર ના હોય. સારું થયું કે ખરાબ થયું એ ઘૂસી જનારને ખબર હોય નહીં.

પ્રશ્નકર્તા : પણ જે ક્ષણે વ્યવહાર થઈ રહ્યો છે, તે ક્ષણે આવું જાગ્રત રહેવું, એ બે એટ એ ટાઈમ બની જાય છે કે પછી બે વચ્ચે અંતર રહે છે ?

દાદાશ્રી : એટ એ ટાઈમ હોય જ, અંતર કશું છે જ નહીં. એની માન્યતામાં ફેર રહે છે. એ માન્યતામાં ફેર હોય તોય પછી કહીએ કે આ જાણ્યું કોણે ? એ જાણે છે તે આત્મા. ઘૂસી ગયો, એનું નામ આત્મા નહીં. એકાકાર થઈ ગયો, એનું નામ આત્મા નહીં. આત્મા કોઈ દહાડો અહંકાર થઈ શકે નહીં, એ તો જાણકાર તરીકે રહે છે ને ! આત્મા છૂટો જ રહે છે, જાણકાર જ રહે છે. ઘૂસી ગયું એવું લાગ્યું હોય તો પછી ફરી પ્રતિક્રમણ કરીને ફરી પાછું આવી જવું જોઈએ કે મારી ભૂલ થઈ. ઘૂસી જતો જ નથી. પહેલાંની આ ટેવ હતી. એની એ ટેવ અત્યારે ચાલુ છે.

ન બોલાય 'હવે વાંધો નથી'

ઘણા લોકોના આચાર સારા હોય છે પણ અંદર બહુ જ ખરાબ હોય છે અને આચાર ભલે આપણા મહાત્માઓના ખરાબ હોય તોય પણ અંદર કેવા ડાહ્યા !

પ્રશ્નકર્તા : આ વાત સિદ્ધાંતની છે પણ કેટલીક વખતે અમારાથી શું થાય છે કે દાદાનું આ વચન છેને, તે આ એકાંતિક વચન પકડી લેવાય છે કે અમારા આચાર-બાચારનું કંઈ નહીં, એ બધું અંદરનું જુઓ હવે એ.

દાદાશ્રી : એ પકડી લે છે, બસ. એ પકડી લેવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે કે આવું બની જાય તો ભય નહીં રાખવો જોઈએ. પણ પકડી લો તો તમારું કાચું રહી જશે.

પ્રશ્નકર્તા : પકડી લઈએ છીએ ને એના બચાવમાં બેસી જઈએ છીએ.

દાદાશ્રી : નહીં, બચાવમાં ના બેસાય. હંમેશાં એવું છે ને કે જેમ કૂવામાં નથી પડવું એવો નિશ્ચય તમારો દ્ઢ હોય છે ને ! સો-બસો કૂવા હોય અહીં આગળ અને ત્યાં થઈને રસ્તે આવવા-જવાનું હોય, તો અંધારામાં કંઈ પડતા નથી. કારણ કે તમારો નિશ્ચય છે કે મારે ગમે તે થાય પણ કૂવામાં નથી પડવું, એટલે એ ના પડાય. પણ તમે જો કૂવાના બચાવમાં જાવ તો પડાય. તમારો નિશ્ચય તો જોઈએ ને આ તો હું શેના માટે કહું ? તમને પકડી લેવા માટે નહીં, તમને ભયરહિત બનાવવા માટે કહું છું. તમારા આ બાહ્યાચાર આવા છે, વાંકા છે તેનો વાંધો રાખશો નહીં. એનો અર્થ તમારે પકડી લેવાની જરૂર નહીં. તમારે તો એમ જ રાખવાનું કે આ ન જ થવું જોઈએ, બસ. પછી થઈ ગયું, એને લેટ ગો કહીએ છીએ. આપણે શું કહ્યું ? 'વ્યવસ્થિત' કોને કહીએ છીએ કે ભઈ, ઉઘાડી આંખે ગાડી હાંક અને તે સાવધાનીપૂર્વક હાંક અને પછી અથડાઈ તે 'વ્યવસ્થિત.' પછી ગુનો તમારો થઈ જાય તેનો વાંધો નથી, એ 'વ્યવસ્થિત' છે પણ આ સાવધાનીપૂર્વક હોવું જોઈએ.

આ એક ભવ પૂરતું મેં 'વ્યવસ્થિત' આપી દીધું છે. વ્યવસ્થિત એટલે કોઈ ડર રાખ્યો નથી. જે બનવાનું જ છે, જેટલું જેટલું એ ડિસાઈડેડ છે એ બનવાનું છે. પણ તમારે હમણાં બોલાય નહીં પણ ડિસાઈડેડ છે. જે એમાં કિંચિત્ ફેરફાર થવાનો નથી, માત્ર તમે ભય વગરનું જીવો. આ તો નિર્ભય જ્ઞાન. એની મારી ગેરંટી. એટલે ભય રાખવાનો અર્થ નહીં. ભય રાખશો તેથી કંઈ એ ઘટી નથી જવાનું કે વધી નથી જવાનું. તમારી ખોટ ખાશો. ભય તો આપણને ક્યારે એક્સિડન્ટ થાય ને ખલાસ થઈ જવાશે, ખબર છે ? તો કેમ એનો ભય નહીં રાખતા? એનો ભય રાખવા જેવો નહીં ?

આપણા વાંકે સામો વાંકો

શેઠ ઈનામ આપતા હોય તે આપણું 'વ્યવસ્થિત' અને જ્યારે આપણું વ્યવસ્થિત' અવળું આવે ત્યારે શેઠના મનમાં એમ થાય કે 'આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ.' એટલે શેઠ પગાર કાપી લે, એટલે મનમાં એમ થાય કે 'આ નાલાયક શેઠિયો છે, આ નાલાયક મને મળ્યો.' પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે એ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ! માટે કંઈક ભૂલ છે, હિસાબ કાઢવામાં બીજી કંઈક ભૂલ છે. શેઠિયો વાંકો નથી, આ તો આપણું 'વ્યવસ્થિત' ફરે છે ! આ ઘઉં સંગ્રહનાર છે એ વાંકા નથી, આપણને ઘઉં નથી મળતા તો તે આપણું 'વ્યવસ્થિત' વાંકું છે. એટલે આપણે શું કહીએ છીએ કે ભોગવે એની ભૂલ. એ ઘઉંના સંગ્રહનાર તો જ્યારે પકડાશે ત્યારે એમની ભૂલ, ત્યારે એ ગુનેગાર થશે. અત્યારે પકડાયો નથી. હજી તો મોટરોમાં ફરે છે માટે ભોગવે તેની ભૂલ !

ગાળો ખાધી તેય વ્યવસ્થિત, માર ખાધો તેય વ્યવસ્થિત ને ઈનામ મળ્યું તેય વ્યવસ્થિત. વ્યવસ્થિત કહેવાનો ભાવાર્થ શો છે ? કે તું કરવા ગયો સમું ને થઈ ગયું અવળું તો વ્યવસ્થિત કહેજે. એટલે પછી આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય.

પ્રશ્નકર્તા : આ વાણી-વર્તન-વિચાર જે કંઈ થાય તે બધું 'વ્યવસ્થિત'ને હિસાબે જ છે?

દાદાશ્રી : હું ય 'વ્યવસ્થિત' જાણું અને તમારે ય 'વ્યવસ્થિત' જાણવાનું. કોઈ બોલે કે 'તમે પક્ષપાતી છો', તોય મને એમાં કંઈ અસર થાય નહીં. હું જાણું કે 'એ વ્યવસ્થિત છે. એ જે બોલે છે તેય વ્યવસ્થિત' એટલે અમને અસર થાય નહીં ને ! અમે તો તરત જ સમજીએ ને કે 'આ વાણીય વ્યવસ્થિત. ત્યારે બીજાની વાણી વ્યવસ્થિત નહીં ?'

એટલે અમને એની અસર થાય નહીં. અમે તો બાજુએ મૂકી દઈએ. 'બરાબર છે, કરેક્ટ છે' એવું હઉ કહીએ. કારણ કે વ્યવહાર જેવો હતો એવો બોલે છે. એમાં કંઈ નવું બોલતો નથી અને તે વ્યવહાર વ્યવહાર જ છે. એની કશી આપણે લેવાદેવા નથી, આપણે શી વગર કામની ભાંજગડ ? એ તો આપણે છોડ્યો હવે. આપણે એનાથી છેટા રહીને બીજે ગામ જવું છે. હવે આની જોડે આપણે લેવાદેવા નથી, તો એમાં પાછું મહીં હાથ ઘાલીને શું કામ છે ?

વાંકા જોડે એડજસ્ટ થઈ લાવો ઉકેલ

જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ 'એડજસ્ટમેન્ટ' આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે 'ડિસ્એડજસ્ટ' થઈએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને 'એડજસ્ટ' થઈને કામ લેવું છે, પછી એને પૂછીએ કે, 'ભઈ, તારી શી ઇચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.' તેને એડજસ્ટ થઈ જઈએ.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને ?

દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશીય કહે કે 'બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફિટ' થાય નહીં. આપણે એને 'ફિટ' થઈએ, તો આ દુનિયા સરસ છે. અને એને 'ફિટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરિવ્હેર' ! આપણે એને ફિટ થઈએને તો વાંધો નથી.

મુખ્ય વસ્તુ 'એડજસ્ટમેન્ટ' છે. 'હા'થી મુક્તિ છે. આપણે 'હા' કહ્યું તો પણ 'વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ 'ના' કહ્યું તો મહા ઉપાધિ !

વીતરાગ વાટે જ આવે આરો

'જ્ઞાની' તો સામો વાંકો હોય તોય તેની જોડે 'એડજસ્ટ' થાય. 'જ્ઞાની પુરુષ'ને જોઈને ચાલે તો બધી જાતનાં 'એડજસ્ટમેન્ટ' કરતાં આવડી જાય. આની પાછળ 'સાયન્સ' શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઈ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તોય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય તો એ આનાકાની કરતો હોય તોય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખેને ?

આટલું જ ઓળખવાનું છે કે આ 'મશીનરી' કેવી છે, એનો 'ફ્્યૂઝ' ઊડી જાય તો શી રીતે 'ફ્્યૂઝ' બેસાડી આપવો. સામાની પ્રકૃતિને 'એડજસ્ટ' થતાં આવડવું જોઈએ. અમારે જો સામાનો 'ફ્્યૂઝ' ઊડી જાય તોય અમારું 'એડજસ્ટમેન્ટ' હોય. પણ સામાનું 'એડજસ્ટમેન્ટ' તૂટે તો શું થાય ? 'ફ્્યૂઝ' ગયો એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફ્્યૂઝ નાખી આપે તો પાછું રાગે પાડે, ત્યાં સુધી એ ગૂંચાય.

તો અહીં સીધા કેમ ના રહેવાય ?

પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં કારણે કે અકારણે કટુ વચન બોલવાં પડે તો એ પાપ કે દોષ છે ?

દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબના ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવાં વચન ના બોલાય, ધીમે રહીને, આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. 'અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.' એવાં પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ. તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ?

પ્રશ્નકર્તા : આપણે અનેક વાર સમજાવીએ, છતાં એ ના સમજે તો શું કરવું ?

દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને ધીમે રહીને સમજણ પાડીએ. આપણે આપણા પડોશીનેય એવું કડવું વચન બોલીએ છીએ ?

પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ?

દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલોય એની મેળે જ પડે છે. એ તો નાખનાર તો વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી એની મેળે જ પડે છે. તમારા જ બધા હિસાબ ચૂકતે થાય છે. આ દુનિયામાં બધા હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. માટે છોકરાં જોડે સીધું બોલજો, સારી ભાષા બોલજો.

છોડ રોપ્યો હોય, તમારે એને વઢ વઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે, એવું તેવું વઢ વઢ નહીં કરવાનું. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ છોકરાઓ તો મનુષ્ય છે ! અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ !

હંમેશાં પ્રેમથી જ દુનિયા સુધરે. એના માટે એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ ના સમજે, આપણો પ્રેમ સમજે નહીં, તો પછી આપણે શું કરવું ?

દાદાશ્રી : શું કરવાનું ? આપણે શાંત રહેવાનું. શાંત રહેવાનું, આપણે એને બીજું શું કરીએ ? એને કંઈ મારીએ ?

પ્રશ્નકર્તા : પણ આપણે હજુ એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ.

દાદાશ્રી : તો આપણે તે ઘડીએ કૂદીએ ! બીજું શું કરવું ? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ?

પ્રશ્નકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે.

દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય!

મૂળ ભૂલ, 'ઓર્ગેનાઈઝર'ની

પ્રશ્નકર્તા : મારી જીભ ઉપર કાબૂ થાય, એવું કંઈક કરો ને ! કારણ કે હું વધારે બોલું છું.

દાદાશ્રી : તે હુંય આખો દહાડો બોલ બોલ જ કરું છું. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું ? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.

પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં આમ બોલી જાય.

દાદાશ્રી : એવું છે ને કે આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને એમની જોડે રહે છે. રાતદહાડો કામ કરે છે પણ લડતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર (સંચાલક) વાંકા છીએ. ભૂલ આપણી છે.

ના રાખવું ચલણ આપણું

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! ઘરમાં ચલણ ચલાવવા જાય તો અથડામણ થાય ને ! આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય ને તે વખતે કોઈ આવે ને આ જોઈને કહે કે 'ઓહોહો ! તમારું તો ઘરમાં ચલણ બહુ સરસ છે !' ત્યારે આપણે કહીએ કે, 'નહીં, ચલણ એનું જ ચાલે છે.' અને જો તમે એમ કહ્યું કે હા, અમારું જ ચલણ છે તો પેલી પગ દબાવવાના છોડી દેશે. એના કરતાં આપણે કહીએ, 'ના, એનું જ ચલણ છે.'

પ્રશ્નકર્તા : એને માખણ લગાવ્યું ના કહેવાય ?

દાદાશ્રી : ના, એને 'સ્ટ્રેઈટ વે' (સરળ રસ્તો) કહેવાય અને પેલા વાંકાચૂકા રસ્તા કહેવાય. આ દુષમકાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે.

આપણે જ સીધા થઈ જઈએ તો

પ્રશ્નકર્તા : એડજસ્ટમેન્ટ લેવાતું નથી. પછી જરા ઉકળાટ થઈ જાય, વ્યાકુળતા આવી જાય.

દાદાશ્રી : આ જ્ઞાન તો પચાસમે વર્ષે મને થયું, પણ હું તો ચાલીસ વર્ષની ઉંમરે કઢીમાં પાણી રેડી દેતો'તો, ખારી થાય ત્યારે. તે હીરાબા એક ફેરો જોઈ ગયાં. તે કહે, 'પાણી રેડ્યું ! પાણી રેડ્યું !' મેં કહ્યું, 'હવે નહીં રેડું.' હું સમજી જઉં. ચૂલા ઉપરેય પાણી રેડીને જ મોળી કરે છે ને ? આપણે નીચે મોળી કરો. અરે, નહીં તો હું શું કરું ? થોડો શીરો પડ્યો હોયને મારી થાળીમાં, તે ગળપણ કશું હોય ને તે કઢીમાં ચોળી દઉં અને મોળી કરી નાખું. ગમે તે રસ્તે ખાવાલાયક કરી નાખું. પછી ખાંડ-ગોળ કશું માંગું નહીં. એટલે જાણે નહીં કે આ તો કઢી ખારી થઈ ગઈ. એવું કહેવા-કરવાનું નહીં. કશું માંગું-કરું નહીં. અમારે ત્યાં બધાને પૂછો તો કહે, 'ના, દાદાજી બોલ્યા નહિ, કોઈ દહાડોય !' હું શું કરવા બોલું ? બોલનારા બધા ! હોશિયાર છે ને !

પછી સ્ત્રીઓ (પુરુષો આખો દહાડો કચકચ કરે ત્યારે) અંદર અંદર શું કહે, 'એ કાળમુખા જ છે !' બીજા બધા શબ્દો બહુ આવડે પણ કહે નહીં. તે મૂઆ આવો તો અપજશ આપણને આપે તેના કરતાં આપણે સીધા રહોને ! પાંસરા થઈ જાવને ! કઢી ખારી શેના આધારે થઈ ? ત્યારે કહે, 'આધારના આધારે આવી આ. એનો આધાર છે. એમ ને એમ નથી, નિરાધાર નથી.' આ તો ગાંડપણ. નહીં સમજણ પડવાથી 'એણે કઢી ખારી કરી' કહે. મૂઆ, એ તે આવી કરતી હશે ? એને તો સો રૂપિયા આપીએ તોય કઢી બગાડે નહીં. આ કહે, 'પણ મારા છોકરાનું શું થાય ?' કંઈક આધારથી આ બનાવી છે.

દુઃખ બધાં પોતે વાંકા થયા તેનાં

એટલે તમે હવે ઘરે કઢી ખારી થાય તો બૂમાબૂમ ના કરતા, 'કઢું ખારું થયું છે' કરીને ! કઢી ખારી થાય ત્યારે લોકો શું કરે ? બૂમાબૂમ કરે કે ? નવા જ જાનવરને ? પોતાની વાઈફે કર્યું હોય તેની મહીં ગુનો કાઢે. તે આ મૂઆ ધણી થતાં ન આવડ્યું ! પોતાની વાઈફે કર્યું છે, એમાંય તેં ખોડ કાઢી ! તે ક્યાં પાંસરો મરીશ, કહીએ. અને પાછો કહે, 'માય વાઈફ (મારી પત્ની).' અલ્યા મૂઆ ! તારી વાઈફ તો ખોડ શું કરવા કાઢું છું ! આ એક જાતની અંદરખાને લડાઈઓ ચાલ્યા કરે છે પછી. અને પછી જીવન યુઝલેસ (નકામું) કરી નાખ્યું છે ! એટલે આ વાંકા થવાથી દુઃખ આવ્યું છે બધું ! સીધા થવાની જરૂર છે.

ભૂલ કોઈની કાઢવાની ના હોય. વાઈફની ભૂલ કાઢવાની ના હોય. વાઈફે ધણીની ભૂલ ના કાઢવાની હોય. સાધારણ ચેતવણી આપવી, કે ભઈ આજે... તેય જમી રહ્યા પછી. આ તો જમતી વખતે મૂઓ બગડે. એટલે બધું આજ રસ-રોટલી હોયને તોય એ ખાવામાં મજા ના આવે. તમને સમજાય છે મારી વાત? જાગૃતિમાં તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ ? ઘરમાં બિલકુલ શાંતિ રહેવી જોઈએ, અશાંતિ થવી જ ના જોઈએ. અશાંતિ કરવાથી આવતા ભવને નુકસાન કરો છો, આવતો ભવ બંધાય છે, સ્ત્રી જોડે વેર બંધાય છે.

અમારે તો ઘરમાંય કોઈ જાણે નહીં કે 'દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના 'વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એ બરાબર કબૂલ. એ હવે અમને સમજણ પડી ગઈ, બરાબર એડજસ્ટ થઈ ગયું.

દાદાશ્રી : વગર કામનું. નહીં તો આપણે એ ડખો કરીએ એમાં તો કઢી બગડી જશે. કારણ કે મગજ એમનું ઠેકાણે ના હોય, તે કઢીમાં મીઠું વધારે પડી જાયને તો એ ખાઈ લેવું પડે એના કરતાં કહીએ, બહુ સારી છે. મોઢે કહેવામાં શું વાંધો છે ?

પ્રશ્નકર્તા : અને દાદા એવું જો કીધું હોય કે ખારી છે તો બીજે દિવસે મોળી થઈ જાય. કારણ કે એ ઇમોશનલ થઈ જાય પછી.

દાદાશ્રી : વાત ખરી છે, તેટલા માટે તો હું અહીં કોઈ દહાડો જમતી વખતે બોલતો નથી એનું શું કારણ ? કે હું કહું કે જરા મીઠું વધારે છે તો કાલે બીજે દહાડે ઓછું નાખશે. એના કરતાં બોલવાનું નહીં. એટલે એની મેળે રેગ્યુલર રહેશે. કોઈ દહાડોય બોલ્યો નથી.

તું કહે કે આ ખરાબ છે ને આ સારા છે. તું ઓપિનિયન આપે એટલે મન રચાયું. ઓપિનિયન નહીં આપવો. એમ ને એમ જે જે હોય તે કરોને ! કઢી ખારી છે, તે ના ખાવી હોય તો ના ખાઓ પણ આપણે ઓપિનિયન નહીં આપવો કે કઢી ખારી છે. નહીં તો મન ઊભું થશે, સાચવજો. એટલે ઓપિનિયન ના હોય તો મન બંધ થઈ જાય એ વાત સાચી.

અભિપ્રાયની જ ભાંજગડ બધી

જેને કોઈ પણ જાતનો અભિપ્રાય નથી, એને મન ના હોય. આ સારું ને આ ખોટું, આ આમ ને આ તેમ, ફલાણાભાઈ સારા, માર-તોફાન, એ અભિપ્રાયોથી મન બંધાયેલું છે. એ અભિપ્રાય જાય નહીંને પાછા ! હવે એ અભિપ્રાય અત્યારે નવેસરથી પાછા કરીએ તો પાછો નવો ગૂંચારો ઊભો થયા કરે.

ખાવ ખરા પણ અભિપ્રાય ના કરો. અભિપ્રાય એવા કરો કે આ ના ખાવું જોઈએ. બાકી અભિપ્રાય ઊભા ના કરવા જોઈએ કે આ સારું છે ને આ કડવું છે. આ અભિપ્રાય ઊભા થયા કે મન થયું.

આ અભિપ્રાયને લઈને તો વહુ લાવે છે ખરો ને પછી ગમતી નથી, એનું શું કારણ ? ત્યારે કહે, એનો અભિપ્રાય. કહેશે, 'બરોબર નથી, આ બહુ જાડી છે.' આ લાવ્યા ત્યારે પાતળી હતી, પછી જાડી ના થઈ જાય ? પણ પછી કંટાળ્યા કરે, તે અભિપ્રાયને લીધે જ. અભિપ્રાયોનું દુઃખ છે ને, નહીં તો અભિપ્રાય એમ બાંધ્યો હોય કે આ પાતળી માંયકાંગલી કરતાં તો જાડી હોય તે સારી. તો પછી ભાંજગડ નહીં ને ! કેટલાક લોકોને માંયકાંગલું માણસ ગમતું જ નથી. તે આ અભિપ્રાય બાંધ્યા છે તેની ભાંજગડ ને !

પ્રશ્નકર્તા : કોઈના માટે આપણે ઓપિનિયન (અભિપ્રાય) બાંધીએ તો એનું રિઝલ્ટ (પરિણામ) શું આવે ?

દાદાશ્રી : ફસામણ ! બીજું શું ? આપણે શું લેવા ઓપિનિયન બાંધવાના ? આપણને અધિકાર શું ? એનું ફળ ફસામણ આવે. ખરાબ ઓપિનિયન બાંધીએ તોયે ફસામણ અને સારો બાંધીએ તોય ફસામણ.

જીવનમાં ન પસ્તાયા કદી

લગ્ન કર્યા એટલે 'પ્રોમિસ' કર્યું આપણે. એટલે પ્રોમિસ તો બધું પાળવું જ જોઈએ ને ! કોન્ટ્રેક્ટ કર્યો છે આ, તે આપણે પાળવો જ પડે ને ! હું હઉ પાળું જ છું ને ! છૂટકો જ નહીં ને ! અને સ્ત્રી શું દુઃખદાયી છે ? અલ્યા, તારી અક્કલ દુઃખદાયી, તેમાં સ્ત્રી શું કરે તે, તું વાંકો છે તેમાં ? જીવન જીવતાં આવડ્યું હોય તો પસ્તાવો જ ના કરવો પડે. મારે જિંદગીમાં પસ્તાવો જ નથી કરવો પડ્યો. આખી જિંદગી કોન્ટ્રેક્ટનો ધંધો કર્યો તોય પસ્તાવો નથી કર્યો. અને ભાગીદાર જોડે ચાલીસ વર્ષથી જોડે રહ્યા પણ મતભેદ નહીં પડ્યો, એક પણ મતભેદ નહીં !

પ્રશ્નકર્તા : મતભેદ બંધ કરવાનો આપ શું રસ્તો બતાડો છો ?

દાદાશ્રી : આ તો હું રસ્તો એ બતાવું, કે 'એડજસ્ટ એવરિવ્હેર.' એ કહે કે ખીચડી બનાવી છે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું અને તમે કહો કે ના, અત્યારે આપણે બહાર જવું છે. સત્સંગમાં જવું છે, તો એમણે 'એડજસ્ટ' થઈ જવું જોઈએ. જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું.

પ્રશ્નકર્તા : તો પહેલું બોલવા માટે મારામારી થશે.

દાદાશ્રી : હા, એમ કરજે. મારામારી કરજે, પણ 'એડજસ્ટ' એને થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી, એ સત્તા કોના હાથમાં છે તે હું જાણું છું. એટલે આમાં 'એડજસ્ટ' થઈ જાય તો વાંધો છે ભઈ ?

પ્રશ્નકર્તા : ના, જરાય નહીં.

દાદાશ્રી : બેન, તને વાંધો છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી એનો નિકાલ કરી નાખોને ! એ પહેલાં બોલે, કે આજે ડુંગળીનાં ભજિયાં, લાડવા, શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું. અને તમે બોલો કે આજે વહેલું સૂઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. તમારે કોઈને ત્યાં જવાનું હોય તોય બંધ રાખીને વહેલા સૂઈ જવું. કારણ કે પેલાની જોડે ભાંજગડ થશે એ જોઈ લેવાશે. પણ આ પહેલી અહીં ના થવા દેવી. આ તો ભઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં પેલી ભાંજગડ કરે. એટલે એ પહેલાં બોલે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું.

પ્રશ્નકર્તા : પણ એમને આઠ વાગ્યે મિટિંગમાં જવાનું હોય, અને બહેન કહે કે હવે સૂઈ જાવ, તો પછી એમણે શું કરવું ?

દાદાશ્રી : એ કલ્પનાઓ નહીં કરવાની. કુદરતનો નિયમ એવો છે કે 'વ્હેર ઇઝ એ વીલ, ધેર ઇઝ એ વે' (મન હોય તો માળવે જવાય). કલ્પના કરશો તો બગડશે. તે દહાડે એ જ કહેતી હતી કે તમે જાવ જલદી. પોતે ગેરેજ સુધી મૂકવા આવશે. આ કલ્પના કરવાથી બધું બગડે છે.

અંતે ભૂલ તો ભાંગવી પડશે ને ?

પ્રશ્નકર્તા : આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, કે સ્ત્રીએ પતિને જ પરમેશ્વર તરીકે માનવો અને એની આજ્ઞામાં રહીને ચાલવું. તો અત્યારે આ કાળમાં કેવી રીતના એ પાળવું જોઈએ ?

દાદાશ્રી : એ તો પતિ જો રામ જેવા હોય તો આપણે સીતા થવું જોઈએ. પતિ વાંકો થયો તો આપણે વાંકા ના થઈએ તો શી રીતે ચાલે ? સીધું રહેવાય તો ઉત્તમ, પણ સીધું રહેવાય નહીં ને ! માણસ શી રીતે સીધો રહી શકે, ગોદા માર માર કરે પછી ? પછી પત્ની તે શું કરે બિચારી ? એ તો પતિએ પતિધર્મ પાળવો જોઈએ અને પત્નીએ પત્નીધર્મ પાળવો જોઈએ. અગર પતિની થોડી ભૂલો હોય તો નભાવી લે એ સ્ત્રી કહેવાય.

તમને સમજાયું ને, આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે ? અને ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને ! ભૂલ ભાંગવી ના પડે ?

પ્રશ્નકર્તા : ભાંગવી પડે, દાદા.

દાદાશ્રી : જો કેવી ડાહી છે ત્યાર પછી.

પ્રશ્નકર્તા : હા, દાદા. એ તો બહુ સારા હતા. મેં કચકચ કરીને બગાડી નાખેલા. હવે બધું પાછું સીધું થાય છે, તમારી કૃપા થઈને એટલે !

જાતે જ સુધરી જઈએ તો ?

કોઈ કહેશે કે 'ભઈ, એને સીધી કરો.' અરે, તુ એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે 'વાઈફ'ને સીધી કરવા જશો નહીં. જેવી હોય તેને 'કરેક્ટ' કહીએ. આપણે એની જોડે કાયમનું સાઢું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વીખરાઈ પડશે ! બંનેના મરણકાળ જુદા, બંનેનાં કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે !

પ્રશ્નકર્તા : એની જોડે કર્મ બંધાયા હોય તો બીજા અવતારમાં, ભેગાં તો થાયને ?

દાદાશ્રી : ભેગાં થાય પણ બીજી રીતે ભેગાં થાય. કો'કની ઔરત (સ્ત્રી) થઈને આપણે ત્યાં વાતો કરવા આવે. કર્મના નિયમ ખરાને ! એટલે આપણે એને સીધી કરીએ પણ આ તો ઠામ નહીં ને ઠેકાણુંય નહીં. કો'ક પુણ્યશાળી માણસ એવો હોય કે જે અમુક ભવ જોડે રહે. જુઓને નેમિનાથ ભગવાન, રાજુલ સાથે નવ ભવથી જોડે જ હતા ને ! એવું હોય તો વાત જુદી છે. આ તો બીજા ભવનું જ ઠેકાણું નથી. અરે, આ ભવમાં જ જતાં રહે છે ને ! એને 'ડિવૉર્સ' (છૂટાછેડા) કહે છે ને ? આ ભવમાં જ બે ધણી કરે, ત્રણ ધણી કરે !

આપણે એને સુધારવા માટે પ્રયત્ન ના કરવો. બહુ સુધારવાથી તો બગડે. એ ખુશી હોય તો પ્રયત્ન કરવો. નહીં તો સુધારવા માટે એની ના ખુશી હોય ને આપણે સુધારવા ફરીએ તો એ આવી રીતે સુધારાય નહીં. સુધારવાનું હોય તો આપણે છે તે સુધરેલા જોઈએ. અત્યારે અમારી પાસે બધી છોકરીઓ ડાહી થઈ જાય છે. સ્ત્રીઓ બધી ડાહી થઈ જાય છે. હું પોતે સુધર્યો પછી કેમ ના થાય તે ? મારી પાસે તમે ડાહ્યા થઈ જાવ કે ના થઈ જાવ ?

પ્રશ્નકર્તા : હા, થઈ જ જઈએ ને !

સીધો થયેલો જ સામાને સુધારી શકે

પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે.

સામાને સુધારાવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો કોક મળી જ જશે.

આપણે જ ચેતીને ચાલો

દરેક વાતમાં આપણે સામાને 'એડજસ્ટ' થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય! આપણે જોડે શું લઈ જવાનું છે ? માટે તમારે એમને સીધા કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, 'એડજસ્ટ એવરીવ્હેર'.

ટૈડકાવવાની જગ્યાએ તમે ના ટૈડકાવી એનાથી વાઈફ વધારે સીધી રહે. જે ગુસ્સો નથી કરતો, એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઈને કોઈ દહાડોય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે.

પ્રશ્નકર્તા : તો પછી એ સીધી થઈ જાય ?

દાદાશ્રી : સીધા થવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી.

પ્રશ્નકર્તા : પણ એ અઘરું બહુ છે.

દાદાશ્રી : ના, ના, એ અઘરું નથી. એ જ સહેલું છે. ગાયનાં શિંગડાં ગાયને ભારે.

પ્રશ્નકર્તા : આપણને પણ એ મારે ને ?

દાદાશ્રી : કો'ક દહાડો આપણને વાગી જાય. શિંગડું મારવા આવે તો આપણે આમ ખસી જઈએ, તેવું અહીં પણ ખસી જવાનું.

સુધારવું તો ક્યારે કહેવાય કે વાઈફ ગમે તેવી અકડાઈ જાય, પણ આપણે ઠંડક ના મૂકીએ, ત્યારે સુધારી કહેવાય.

તમારે સુધારવાનો અધિકાર કેટલો છે ? જેમાં ચૈતન્ય છે તેને સુધારવાનો તમને શો અધિકાર ? આ કપડું મેલું થયું હોય તો એને આપણે સાફ કરવાનો અધિકાર છે. કારણ કે ત્યાં સામેથી કોઈ જાતનું 'રિઍક્શન' નથી. અને જેમાં ચૈતન્ય છે એ તો 'રિઍક્શન'વાળું છે, એને તમે શું સુધારો ? આ પ્રકૃતિ પોતાની જ સુધરતી નથી ત્યાં બીજાની શું સુધરવાની ? પોતે જ ભમરડો છે. આ બધા 'ટોપ્સ' (ભમરડાં) છે. કારણ કે એ પ્રકૃતિને આધીન છે, પુરુષ થયો નથી. પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. આ તો પુરુષાર્થ જોયો જ નથી.

ફરજિયાત જગતમાં ક્લેશ શાને ?

જેનો રસ્તો નથી એને શું કહેવાય ? જેનો રસ્તો ના હોય તેની કાણ-મોંકાણ ના કરાય. આ ફરજિયાત જગત છે ! ઘરમાં વહુનો ક્લેશવાળો સ્વભાવ ના ગમતો હોય, મોટા ભાઈનો સ્વભાવ ના ગમતો હોય, આ બાજુ બાપુજીનો સ્વભાવ ના ગમતો હોય, તેવા ટોળામાં માણસ ફસાઈ જાય તોય રહેવું પડે. ક્યાં જાય તે ? આ ફસામણનો કંટાળો આવે પણ જવું ક્યાં ? ચોગરદમથી વાડો છે. સમાજની વાડો હોય. 'સમાજ મને શું કહેશે ?' સરકારનીય વાડો હોય. જો કંટાળીને જળસમાધિ લેવા જૂહુના કિનારે જાય તો પોલીસવાળા પકડે. 'અલ્યા ભઈ, મને આપઘાત કરવા દેને, મરવા દેને નિરાંતે !' ત્યારે એ કહે, 'ના, મરવાય ના દેવાય. અહીં આગળ તે આપઘાત કરવાના પ્રયાસનો ગુનો કર્યો માટે તને જેલમાં ઘાલીએ છીએ.' મરવાય નથી દેતા ને જીવવાય નથી દેતા, આનું નામ સંસાર ! માટે રહોને નિરાંતે ! આવું છે ફરજિયાત જગત !

માટે જેમ તેમ કરીને 'એડજસ્ટ' થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, નાછૂટકેય આપણે (કર્મોનું) દેવું પૂરું કરવું પડે. ના ગમે તોય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તોય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવેને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાંય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમનેય પાછા આપણે ના ગમતા હોઈએ. એટલે આમાં મઝા કાઢવા જેવું નથી.

અથડામણ એ આપણી જ અજ્ઞાનતા

જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટાં નથી, મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણીજોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે 'ભઈ, મને આ સમજણ પડતી નથી.' બાકી, લોક ભૂલ કરતાં જ નથી. લોકો મતભેદ પાડે એવા છે જ નહીં. જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ?

કોઈનીય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતા જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે 'એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?' ત્યારે કહે, 'ના.' 'બસ, અમારે એટલું જ જોઈએ.'

આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, એનું નામ માણસ કહેવાય.

સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતો નથી ને ! 'ચોરી કરી કે દાન આપ્યું' એવું કશું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તોય 'જય સચ્ચિદાનંદ' ને દાનેશ્વરી જાય તોય 'જય સચ્ચિદાનંદ'. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બન્ને રોગિષ્ઠ છે. ચોરને ચોરી કરવા પાછળ ઇરાદો શો છે ? 'પૈસા લાવીને સુખી થઈ જઉં.' અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે ? કે 'પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી થઉં.' એટલે બન્ને સરખા છે. ભગવાન બેઉને રોગિષ્ઠ કહે છે, નીરોગી નથી કહેતા. નીરોગી એટલે, કોઈ પણ જાતનું જેને આવું કશું દ્વંદ્વ રહ્યું નથી તે નીરોગી છે, એ વીતરાગ છે. તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ?

પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.

દાદાશ્રી : હા. અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !' એટલે થઈ ગયો ઉકેલ. પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું તો કોઈ દહાડોય આ પઝલ સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે 'હું તો પહેલેથી જ વાંકો છું.'

દ્વેષ થયો ત્યાં પ્રતિક્રમણ

આ તો બધી જંજાળ છે. તને કોઈના માટે જેટલા અવળા વિચાર આવે, એટલાં પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો'ક એવા વિચાર આવે, તેનાં પ્રતિક્રમણ કર કર કરવાં બસ. એ ભૂંસી નાખવા તરત. પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એનાં પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી.

પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેથી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે ખરાબ કરતી હોય તો એના રિએક્શનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?

દાદાશ્રી : જીભથી કરેને, તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે તરત આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે. અત્યારે એ બીજ રોપ્યું એટલે કૉઝીઝ કહેવાય. એટલે કૉઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.

'એ' તો ખપે રોકડું જ

પ્રશ્નકર્તા : અનાદિકાળથી પ્રતિક્રમણ તો કરતો આવ્યો છે, છતાં છુટકારો તો થયો નથી ?

દાદાશ્રી : સાચાં પ્રતિક્રમણ કર્યાં નથી. સાચાં પ્રત્યાખ્યાન ને સાચાં પ્રતિક્રમણ કરે તો એનો ઉકેલ આવે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. હવે મારાથી એક શબ્દ જરા વાંકો નીકળી ગયો, એટલે મારે અંદર પ્રતિક્રમણ થઈ જ જવું જોઈએ, તરત જ ઑન ધી મોમેન્ટ. આમાં ઉધાર ના ચાલે. આ પ્રતિક્રમણ વાસી રખાય નહીં. એટલે એક મિનિટ પણ પ્રતિક્રમણ ચૂકશો નહીં. ડહાપણપૂર્વક કામ કાઢી લેવાનું છે. અત્યારે કંઈ કાળાબજારનો માલ લાવ્યા, તે પછી કાળાબજારમાં વેચવો તો પડે જ પણ આપણે કહેવું કે પ્રતિક્રમણ કરો. પહેલાં પ્રતિક્રમણ નહોતો કરતો. તે બધાં કર્મનાં તલાવડાં ભર્યાં, પ્રતિક્રમણ કર્યાં એટલે ચોખ્ખું કરી નાખ્યું. આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન પાંચસો-પાંચસો, હજાર-હજાર થશે ત્યારે કામ થશે.

એનાં પ્રતિક્રમણોની નથી જરૂર

પ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે એનો તો આપણે સમભાવે નિકાલ કરી શકીએ પણ આ ફાઈલ નંબર એકનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવોને ! કારણ કે ફાઈલ નંબર એકના જ બધા ડખા હોય છે.

દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતા રહે. વાંકો હોય કે ચૂકો હોય, એને ફાઈલની સાથે ભાંજગડ બહુ ના હોય. એને જોવાથી જ જતા રહે. સામો ફાઈલવાળો ક્લેઈમ માંડે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. આમાં કોઈ દાવા માંડનારો નહીં ને ! દાવો માંડનાર કોઈ નહીં એટલે એને જોવાથી જ જતા રહે. ખરાબ વિચાર મનમાં આવતા હોય, થોડા આડા આવતા હોય, બુદ્ધિ ખરાબ થતી હોય, એ બધું 'જોયા' જ કરવાનું. જે જે કાર્ય કરતા હોય તેનો વાંધો નહીં, આપણે તો એ 'જોયા' કરવાનું.

અક્રમની આ અનોખી ડિસ્પેન્સરી

પ્રશ્નકર્તા : અમુક જાતની ઓગળી જાય એવી ગાંઠો, કઠણ ગાંઠો, વક્ર, આડી ગાંઠો જોવાથી કેવી રીતે ઓગળે ?

દાદાશ્રી : આપણી દવા એવી છે ને, તે બધી ગાંઠો ઓગળ્યા જ કરે. આપણે જોયા કરવાનું. એ દવા ઠેઠ મોક્ષે લઈ જાય એવી છે અને જૂનો સંસાર રોગ માત્ર નાશ કરી નાખે. સંસાર રોગ તો ક્રોનિક થઈ ગયેલા છે. ક્રોનિક એટલે મૂળ ગાંઠ હોવી જોઈએ ને તેના કરતાં વાંકીચૂકી ગાંઠો થઈ ગઈ છે. વાંકીચૂકી એટલે ક્રોનિક, દવાથીય મટે નહીં એવું. તે આ જ્ઞાન છે, તેનાથી આ સંસારરોગ બધો મટશે અને મોક્ષે લઈ જશે. એટલે જેમ જેમ આ વખત ગયો ને, તેમ તેમ એક બાજુ આરોગ્યતા ઉત્પન્ન થાય, પાછું તેનું સારી રીતે રક્ષણ કરે. નહીં તો મોક્ષે જવાય જ નહીંને ! આ કામ તમને સોંપ્યું હોય તો તમારાથી ના થાય. એ મહીં ક્રિયાકારી જ્ઞાન જ કામ કર્યા કરે. એટલે વાંકીચૂકી બધી ગાંઠો ઓગળી જાય. આપણે જોયા કરવાનું, બીજું કશું કરવાનું નહીં. મનમાં એમ નહીં રાખવાનું કે આમ કેમ થાય છે ? હજુ તો આ ઓગળ્યા કેમ નથી કરતી ? આપણે જોયા કરવાનું. આપણે જોઈએ નહીં ત્યારે ભૂલ થઈ કહેવાય. આપણે એનું નિરીક્ષણ ના કરીએ ત્યારે ભૂલ થઈ કહેવાય.

નિવેડો લાવો જ્ઞાને કરીને....

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કર્મો બંધાય ખરાં કે ?

દાદાશ્રી : વાંકું બોલે તો કર્મો બંધાય નહીં પણ છૂટેય નહીં. કર્મ છૂટે ક્યારે કે એ જ્ઞાનપૂર્વક હોય, એટલે સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક એનો નિવેડો થાય. અજ્ઞાને કરીને બાંધેલા તે જ્ઞાને કરીને એનો નિવેડો કરી લાવીએ ત્યારે છૂટીએ. અત્યારે ના ગમે તોય એનો જ્ઞાને કરીને નિવેડો લાવવો પડે. 'હું શુદ્ધાત્મા છું' થઈને એ બધું જોયા કરીએ, એ રીતે બધો નિવેડો લાવવો પડે.

આવું બન્યું નથી... માટે કામ કાઢી લો

આ તો સરળમાં સરળ મોક્ષમાર્ગ છે, સહેલામાં સહેલો મોક્ષ ! આવી સરળતા કોઈએ નથી આપી ! સ્ત્રી-છોકરાં સાથેય કર્મ ના બંધાય. અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે. ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે ! બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદુપયોગ કરવો હોય એ કરજો.

- જય સચ્ચિદાનંદ