અભેદતા, આખા વિશ્વ સંગે સંપાદકીય આ કાળમાં ભેદ વગરની સ્થિતિની કલ્પના પણ કરી શકાય ખરી ? ઘરમાં ભેદ, જ્ઞાતિમાં ભેદ, સમાજમાં ભેદ, ધર્મમાં ભેદ, કેટલાક ભેદ. અરે ! પોતે આત્મા છે અને પોતે પોતાથી જ અજાણ એ જ મોટામાં મોટો ભેદ નહીં ? ભેદ પાડવાનું કારણ શું ? ત્યારે કહે, ભેદ બુદ્ધિ. બુદ્ધિ ભેદ પાડે છે કે આ મારું ને આ તારું, હંુ સાચો ને તું ખોટો, હંુ સારો ને તું ખરાબ, હંુ ઊંચો ને તું નીચો... જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી પોતાપણું છૂટે નહીં અને પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી અભેદ કઈ રીતે થવાય ? જ્યારે આપણો અહંકાર ના પોષાય ત્યારે સામી વ્યક્તિ જોડે ભેદ પડે, દ્વેષ થાય અને અહંકાર પોષાય ત્યારે રાગ થાય. એટલે રાગ-દ્વેષ કરી મનુષ્ય પોતે જ પોતા જોડે ભેદ પાડે છે. જીવમાત્રમાં ભગવાન છે ને પોતે ભેદ પાડે, એટલે ભગવાનથી ભેદ પડ્યો, પછી પોતે ભગવાન જોડે અભેદ કેવી રીતે થાય ? વ્યવહારના વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના ભેદ સાચી સમજણથી જાય અને જીવ-શિવનો ભેદ આત્મજ્ઞાન થકી જાય. જ્ઞાની પુરુષ થકી જ્ઞાન પ્રાપ્ત થયા પછી સ્વરૂપનું ભાન થાય છે ત્યારથી નિશ્ચયથી અભેદ થવાની શરૂઆત થાય છે. જેમ જેમ સંસાર છૂટતો જાય, પ્રારબ્ધ ખૂટતું જાય, ફાઈલોનો જેમ જેમ નિકાલ થતો જાય તેમ તેમ અભેદતા ઉત્પન્ન થતી જાય. ખરી અભેદતા એટલે શું ? જગત નિર્દોષ લાગે, પોતે સ્વરૂપમાં તન્મયાકાર રહે અને ભગવાન જોડે એક થઈ જાય. જ્યારે 'હંુહી'માં અભેદતા રહે ત્યારે જ પોતે પરમાત્મા સ્વરૂપ થઈ જાય ! વીતરાગો હંમેશાં એ દશામાં વર્તતા હોય. એવા વીતરાગ જ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આ કાળનું એક અમૂલ્ય નજરાણું બની રહ્યા. જીવમાત્ર જોડે અભેદ ભાવે વર્તી અભેદતાનું એક ઉદાહરણ બની રહ્યા. પોતે તો અભેદતા પામ્યા પણ અનેકોને અભેદતાના રાહ પર રાચતા કરી દીધા એ કંઈ જેવી તેવી સિદ્ધિ કહેવાય ? જ્ઞાની પુરુષ નિષ્પક્ષપાતી હોય, જીવમાત્ર જોડે વીતરાગ હોય. નિરંતર આત્મ સ્વરૂપમાં રહે અને અભેદ રૂપે વર્તે. બધામાં હંુ જ બેઠેલો છું એવું રહે. કોઈ ગાળ ભાંડે તો હંુ જ બોલું છું ને હંુ જ સાંભળું છું એવો ઉપયોગ રહે એટલે ભેદ નહીં, પણ સંપૂર્ણ અભેદ ભાવ. અભેદતા થઈ એ જ પ્રેમ. પ્રેમ એ જ ખુદ પરમાત્મા છે. જગત જોડે અભેદતા ક્યારે કહેવાય ? પ્રેમ સ્વરૂપ થાય તો. દાદાશ્રીની ભાવના હતી કે જે સુખ, જે દશા હંુ પામ્યો તે સહુ પામો. એટલે તેઓ કહેતા કે મહાત્માઓ હવે જ્ઞાન પછી સેફસાઈડની બાઉન્ડ્રીમાં આવી જવા જોઈએ. એટલે શું કે સામી વ્યક્તિ આપણને જુદા માને તો પણ આપણે એને એક માનીએ. આપણી એની જોડે અભેદતા તૂટવી ના જોઈએ. જેટલી અભેદતા રહે એટલી આત્માની પુષ્ટિ થાય છે. દાદાશ્રીના 'અભેદતા'ના વિશાળ અભિગમને જીવનમાં અપનાવી, દાદાના જ્ઞાનને દીપાવી, આખા જગત જોડે અભેદતા દાખવી, ભરત ક્ષેત્રના ઋણથી મુક્તિ થઈ એકાવતારી પદ પામવાના ધ્યેયને સિદ્ધ કરવાના પુરુષાર્થમાં લાગી જઈએ તે જ અભ્યર્થના. દીપક દેસાઈ જ્ઞાની અભેદ, દાદા ભગવાન જોડે પશ્નકર્તા : આપનામાં 'જ્ઞાની' કોણ અને 'દાદા ભગવાન' કોણ એ નથી સમજાતું. દાદાશ્રી : જ્ઞાનનાં વાક્યો જે બોલે છે એમને વ્યવહારમાં 'જ્ઞાની' કહેવાય છે. અને મહીં પ્રગટ થયા છે એ વગર તો જ્ઞાન વાક્યો નીકળે નહીં. મહીં પ્રગટ થયા છે એ 'દાદા ભગવાન' છે. અમારે પણ એ પદ લેવું છે એટલે અમે પણ 'દાદા ભગવાન'ને નમસ્કાર કરીએ. અમુક ટાઇમ અમે 'દાદા ભગવાન' જોડે અભેદ રહીએ, તન્મય રહીએ અને વાણી બોલતી વખતે મહીં 'ભગવાન' જુદા ને 'અમે' જુદા ! એટલે જેટલો કાળ અમે ભગવાન જોડે ભેગા રહીએ, અભેદભાવ હોય, એટલો કાળ સંપૂર્ણ સ્વરૂપ હોઈએ અને વાણી બોલીએ ત્યારે જુદું પડી જાય. સ્વ સાથે જ્ઞાની, ભેદ-અભેદભાવે ! અમે વાત કરીએ ત્યારે વાતમાં ના હોઈએ, વાતથી પર હોઈએ. વાતમાં હોઈએ તો બીજી જ મિનિટે અમે બદલાઈ જઈએ પણ અમે બદલાઈએ નહીં. 'અમે' એટલે આ બાહ્ય દેખાય છે, તે 'અમે' નથી. આ દેખાય છે, તેના 'અમે' માલિક નથી. ટાઈટલેય અમારી પાસે નથી. મનના-વાણીના-દેહના માલિક 'અમે' નથી. 'અમે' કહીએ છીએ, ત્યારે 'દાદા ભગવાન'ની વાત કરીએ છીએ. અમે અમુક સ્ટેજમાં હોઈએ, ત્યારે 'દાદા ભગવાન' અને અમુક સ્ટેજમાં 'જ્ઞાની' હોઈએ. પ્રશ્નોના ખુલાસા આપે તે 'જ્ઞાની'. એટલે જ્યારે આ સત્સંગની વાતો ચાલે છે ત્યારે મારે જ્ઞાની તરીકે રહેવું પડે છે. અને નહીં તો અભેદભાવે રહી શકું છું. એટલે હું ભેદભાવે અને અભેદભાવે બંને રીતે રહી શકું છું. જ્યારે સંપૂર્ણ વીતરાગ તો અભિન્નભાવે જ રહેતા હતા. અમારે એટલી કચાશ છે કે આટલો ભેદભાવ જરા રહે છે. આટલો ફેર, જ્ઞાની ને ભગવાનમાં પશ્નકર્તા : જ્ઞાની અને ભગવાનમાં શું ફેર છે ? દાદાશ્રી : જ્ઞાનીમાં અને ભગવાનમાં એટલો ફેર કે જ્ઞાની સમજી શકે, બધુંય જોઈ શકે, જાણી શકે નહીં. આ જે દેખાય છેને, એ તો ભાદરણના પટેલ છે ને હું તો જ્ઞાની પુરુષ છું અને દાદા ભગવાન જુદા છે, એ તો પરમાત્મા જ છે, ચૌદ લોકનો નાથ છે. મારે ત્રણસો સાઠ ડિગ્રી પૂરી ના થઈ ને ત્રણસો છપ્પને ઊભું રહ્યું. તેથી અંદર જે પ્રગટ થયા છે તે ભગવાનને ને મારે માટે જુદાપણું રહ્યું છે. જો મને આ ત્રણસો સાઠ થયું હોતને, તો અમે બન્ને એકાકાર થઈ જાત. પણ આ હવે જુદાપણું રહ્યું છે. કારણ કે આ આટલું નિમિત્ત હશેને, આ લોકોનું (કલ્યાણનું) કાર્ય કરવાનું, એટલે જુદાપણું રહ્યું છે. ચૌદ લોકના નાથ પ્રગટ ત્યાં પશ્નકર્તા : આપ જે કહો છો ને મહીં ચૌદ લોકના નાથ પ્રગટ થઈ ગયા છે, તો એ ચૌદ લોકના નાથ જે આપને પ્રગટ થયેલા અનુભવમાં આવે છે એ કઈ રીતે અનુભવ થાય ? દાદાશ્રી : બધાને એકતા લાગવી જોઈએ. જગતના જીવમાત્ર જોડે એકતા લાગવી જોઈએ. ભેદ-અભેદ ના લાગવું જોઈએ. પશ્નકર્તા : એટલે આપને એકતા સ્પષ્ટ લાગે ? દાદાશ્રી : જીવમાત્ર જોડે એકતા લાગવી જોઈએ. એકતા જ લાગ્યા કરે એટલે કોઈનો દોષ દેખાય નહીં. નિર્દોષ જ દેખાય બધું, એજ પૂર્ણ દશા. પછી પાર વગરની અનંત શક્તિઓ હોય. પશ્નકર્તા : એ શક્તિઓ કેવી ? આપણને શક્તિઓથી બધી ખબર પડે ને ? દાદાશ્રી : બધું હોય ને ! પણ આ બધી સંસારથી મુક્ત કરનારી શક્તિઓ, સંસારી શક્તિઓ નહીં. સંસારમાંથી મુક્ત કરનારી એટલે બધાને અડચણ હોય તે પ્રમાણે બધાને કરી આપે કે ભઈ, તું આમ કરજે, તું આમ કરજે. પશ્નકર્તા : એટલે આપને શક્તિઓ અનુભવમાં આવે ? દાદાશ્રી : બધી અનુભવમાં આવે અને પ્રગટ થાય. મારું નથી એમ કહીએ છીએ એનું શું કારણ ? કે અમારામાં કિંચિત્માત્ર દોષ જેને આ જગત સમજી ના શકે એવા દોષને, એ સૂક્ષ્મતમ દોષો તે પણ એ દેખાડે અમને. એટલે એ દેખાડનારા છે અને અમે જાણનાર છીએ. એમના દેખાડવાથી અમે જાણ્યો આ દોષને. એટલે પૂર્ણ અવતાર છે ! ચૌદ લોકનો નાથ, પૂર્ણ પ્રગટ ! કોઈ દોષ દેખાડ્યા વગર રહે નહીં. આ તમને તમારી સ્થિતિ પ્રમાણે પ્રગટ થાય અને તે પ્રમાણે તમને દેખાડે. પશ્નકર્તા : જ્ઞાની પુરુષ દ્વારા ભગવાનનો સંપર્ક થાય કે નહીં ? દાદાશ્રી : નિરંતર. એ થોડોક જ ટાઈમ ના હોય. જ્યારે આ બોલવું પડે, વાતચીત કરવી પડે, ત્યારે જરા જુદું રહેવું પડે, નહીં તો અભેદ સ્વરૂપે જ હોય. એટલે તે વખતે ભગવાન થયેલાં હોય, પણ તે વખતે આ શબ્દો ના હોય. પશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : અમે ભગવાનને શી રીતે ઓળખીએ કે અમારે જે સૂક્ષ્મતર દોષો, સૂક્ષ્મતમ દોષો હોય તે અમને બતાડે. અમે તમારા બધાં જ દોષ દેખાડી દઈએ. પણ અમારા જે સૂક્ષ્મતમ દોષો છે તે ભગવાન બતાડે. તેના પરથી ઓળખીએ કે આ ભગવાન આવ્યા. ઠેઠ, બધું જ, જે સર્વસ્વ જાણે છે, એના સર્વજ્ઞપણામાં જરાય કચાશ નથી એવું સર્વજ્ઞ (પદ) છે. આત્માની સગાઈ એ અભેદતા પશ્નકર્તા : તે અંદર પ્રગટ થયેલા છે, તેનો અનુભવ સ્વસત્તાને લીધે રહે ? દાદાશ્રી : નહીં, અભેદતા લાગવી જોઈએ ને ! પશ્નકર્તા : દાદા, એ અભેદતા વિશે સમજવું છે, કોની સાથે અભેદતા ? દાદાશ્રી : આત્મા જોડે. પશ્નકર્તા : એટલે પુદ્ગલની આત્મા જોડે અભેદતા ? દાદાશ્રી : પહેલા પુદ્ગલ જોડે અભેદતા હતી, પછી હવે આત્મા જોડ અભેદતા કરવાની. પણ એ તો જેને જ્ઞાન મળ્યું હોય તેને. જ્ઞાન ન મળ્યું હોય તો શી રીતે થાય ? અને સૃષ્ટિને ગમતુંય નથી. સૃષ્ટિને આ બધું જોઈએ જ છે. આ તો જે સંસારથી કંટાળ્યા હોય, આ હિન્દુસ્તાનના લોકો, તેને માટે છે. બહારના લોકો તો અહીં આગળ હજુ ઘણા કાળ સુધી આવું ડેવલપ થતો થતો આગળ જશે. હજુ પુનર્જન્મનેય સમજતાં નથી. પ્રતીતિ પરમાત્માની, પમાડે પૂર્ણત્વ જ્યારે મૂઢ દશામાં આવે ત્યારે મૂઢાત્મા કહેવાય. 'હું ચંદુલાલ છું, હું કલેક્ટર છું' એ શું કહેવાય ? એ મૂઢાત્માની મૂઢ દશા છે. અને નાશવંત ચીજોમાં સુખ માને છે. પોતે અવિનાશી અને નાશવંત ચીજો વિનાશી, એ બેનો ગુણાકાર કોઈ દહાડોય થાય નહીં. છતાં ભ્રાંતિથી ભૌતિકમાં સુખ માને છે એટલે 'મૂઢાત્મા' કહ્યો. આ તો અનંત અવતારનાં સંશયો ભરેલા છે. એ બધાં 'જ્ઞાની પુરુષ' ફ્રેક્ચર કરી આપે ત્યારે 'પોતે' સંશયરહિત થાય અને ત્યારે પરમાત્માની પ્રતીતિ બેસે. એ જે શ્રદ્ધા થાય છે એ 'રાઇટ બીલિફ' છે. હવે 'જ્ઞાની પુરુષ' જ્યારે એને પરમાત્માની પ્રતીતિ કરાવડાવે કે 'આ જગત બધું મારું ન હોય, પોતે પરમાત્મા જ છે' ત્યારે 'હુંપણું' પરમાત્મામાં અભેદ થઈ જાય. પહેલાં સંપૂર્ણ અભેદ ના થાય, પ્રતીતિભાવે અભેદ થાય. પહેલું પ્રતીતિભાવે છે, પછી જ્ઞાનભાવે અભેદ થાય. એટલે પહેલાં પ્રતીતિ બેસવી જોઈએ કે 'હું પરમાત્મા છું.' અત્યારે 'હું ચંદુલાલ છું' એ 'રોંગ બીલિફ' બેઠી છે. 'હું કલેક્ટર છું' એ રોંગ બીલિફ છે. એ બધી 'રોંગ બીલિફો' 'જ્ઞાની પુરુષ' 'ફ્રેકચર' કરી આપે અને 'રાઇટ બીલિફ' બેસાડી આપે. 'પોતે' એને 'એક્સેપ્ટ' કરે, પોતાનું મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું એને 'એક્સેપ્ટ' કરે, 'પોતે' સંશયરહિત થાય, નિઃશંક થાય ત્યારે કામ થાય. દેહમાં, મનમાં, વાણીમાં 'હું'પણું રાખે છે, તેનાથી ભગવાન છેટા રહે છે અને 'સ્વરૂપ'માં 'હું'પણું રાખે છે, તેની સાથે ભગવાન અભેદ થઈ જાય છે ! ભગવાન શું કહે છે ? તમે જો ચંદુભાઈ છો તો આપણે ભેદ છે અને જો તમે શુદ્ધાત્મા છો, અભેદ છો, તો આપણે બે એક છીએ ! શરણાગતિ એટલે શું ? અભેદભાવ. શરણાગતિ એટલે હું, તું એક જ છીએ, એકભાવ ! સંસારની બીજી બધી ચીજો પરથી ભાવ છૂટી જાય તો 'અમારી' જોડે અભેદતા ઉત્પન્ન થાય. જ્યાં સુધી ભગવાન જોડે જુદાઈ છે, જ્યાં સુધી 'હું ચંદુ છું' ત્યાં સુધી તે ભેગાં ના થાય. કહેશે, 'તું તારું ફોડી લે. ચંદુ, આ તારું છે, એટલે તું ચિંતા કરું છું ને ?' ચિંતા તમે કરો છો ને ? એટલે ભગવાન કહે છે, 'તું તારું ફોડી લે.' અને ભગવાનની જોડે એકતા થઈ જાય તો થઈ રહ્યંું, કામ થઈ ગયું ! પશ્નકર્તા : પ્રભુશ્રીએ કહ્યું'તું કે ભેદનો પણ ભેદ જાણવાનો છે, તો મારે એ ભેદનો પણ ભેદ જાણવો છે. દાદાશ્રી : ભેદનો ભેદ, એટલે અભેદ સ્થિતિ. કોઇની જોડે જુદાઇ નહીં, આ બધો ભેદ છે, એનો ભેદ જો જાણવો હોય તો અભેદ સ્થિતિ. જ્યાં સુધી ભેદને જુવે છે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થયો નથી. અભેદ જુવે ત્યારે આત્મા પ્રાપ્ત થયો કહેવાય. આ તો આપણે બધા પેકીંગે કરીને જ જુદા જુદા દેખાઈએ છીએ. આત્માએ કરીને આપણે બધા એક જ છીએ. કોઈ લીમડાનું, કોઈ સીસમનું, કોઈ સાગનું ને કોઈ બાવળનું પેકીંગ છે પણ અંદર માલ એક સરખો જ છે. જ્ઞાનીને ન જુદાઈ કોઈ જોડે આ કંઈ વાત તમને ફીટ થઈ ? આમાં કંઈક થઈ હોય તો આગળ બીજી નવી વાત કરું. કંઈ ફીટ ના થાય તો ફરી બોલજો. આપણે એ ફીટ કરવા સાથે કામ છે અને હું ને તમે એક જ છીએ. કોઈ વસ્તુ ના ગમે તો મારે પાછી લેવાની અને આપણે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે. આપણે એનો વાંધો નહીં રાખવાનો. તમને કંઈક શરમ લાગે છે, મને કંઈ શરમ લાગતી નથી. એટલે આપણે એકના એક છીએ. આપણે બધા એક જ ધર્મના છીએ, એક જ દેશનાં છીએ. મારે ને તમારે જુદાઈ છે નહીં. મારાથી ભડકવાનું કંઈક કારણ નથી. તું મને ટૈડકાવે તો ચાલશે પણ હું તને નહીં ટૈડકાવું એ નક્કી માનજે. હું ને તમે જુદા છીએ એવું માનશો જ નહીં. હંુ તમારી મહીં બેઠેલો છું. બધાની મહીં હંુ બેઠેલો, ગધેડામાં હંુ બેઠેલો, કૂતરામાં હંુ બેઠેલો, વાંદરામાં બેઠેલો, બધામાં, તમારામાં બેઠેલો છું. મારે તમારી જોડે જુદાઈ છે નહીં. તમે મારી જોડે જુદાઈ રાખશો નહીં. અને તમે મારી જોડે જુદાઈ રાખશો તો તમારી ભૂલ છે. જ્ઞાની પુરુષને કોઈની સાથે જુદાઈ ના હોય, જ્ઞાનીને ભેદબુદ્ધિ ના હોય, વ્યવહારને સેબોટેજ ના કરે. વ્યવહારને અખંડ રાખે. જ્ઞાની આત્મસ્વરૂપ હોય તે બધાંને એક જ સ્વરૂપે જુવે. એટલે આપણે બધાં એકને એક જ છીએ. તમને વખતે જુદાઈ લાગે પણ મને ના લાગે જુદાઈ. મને જુદાઈ નહીં લાગતી હોય એનું શું કારણ હશે ? કહો, એનું કારણ મને કહો. પશ્નકર્તા : કક્ષા તો જુદી ખરી જ ને ! દાદાશ્રી : ના, કક્ષા-બક્ષા કશું નહીં. મને જુદાઈ જ ના લાગે ત્યાં, કક્ષા ને ના કક્ષા. કક્ષાની દ્ષ્ટિ જ નહીં મારી. આ બધાંય બેઠાં છે એની જોડે જુદાઈ નહીં. સહેજે જુદાઈ ના લાગે. એકતા જ લાગ્યા કરે. પશ્નકર્તા : જેવું આપને લાગે છે એવું અહીં આ બધાને તો નહીં જ લાગતું હોય ને ? દાદાશ્રી : બધાને લાગે, પણ એ બધા એ સ્થિતિએ પહોંચશે ત્યારે બધાને એવું લાગશે. પશ્નકર્તા : એમની કક્ષા કે સ્થિતિ તો જુદી ખરી જ ને ? દાદાશ્રી : લોકોને સ્થિતિ જુદી, મને સ્થિતિ જુદી ના લાગે. કારણ કે જેના આધારે સ્થિતિ દેખાય છે આ જુદો, તે જુદો જ એ થર્મોમીટર મારી પાસે છે નહીં. શેના આધારે આ જુદું દેખાય છે ? પશ્નકર્તા : એ દરેકની કેપેસીટી જેને કહેવાય, ઓછી-વત્તી છે. દાદાશ્રી : તમને ઘરમાં એકતા લાગે છે? પશ્નકર્તા : ઘરમાં એકતા નથી હોતી, કુટંુબમાંય નથી હોતી. દાદાશ્રી : તો ક્યાં એકતા લાગે છે ? પશ્નકર્તા : અહીં આ બધામાં એકતા લાગે, પણ ઘરમાં નથી લાગતું, એવું બને છે ઘણીવાર. હવે એક ઘરમાં બધા એકમત નથી થતાં, તો આટલા બધાં અહીં કેવી રીતે થાય છે ? દાદાશ્રી : છતાંય આપણે ત્યાં પચીસ હજાર માણસ ભેગું છે જ. આપણે ત્યાં અજાયબી છે ને ! આપણે ત્યાં જુદાઈ પડી નથી કોઈ દા'ડોય. જરાય જુદાઈ પડી નથી. મારી જોડે અગિયાર વર્ષથી સંબંધ હોય કે પંદર વર્ષથી, પણ તે જુદાઈ નહીં, એક મિનિટેય નહીં. તમને મારી જોડે જુદાઈ લાગે પણ મને તમારી જોડે જુદાઈ ના લાગે. આ બધા બેઠા છે તે બધાની જોડે મને જુદાઈ ના લાગે. એવું શું મારી પાસે હથિયાર હશે ? પશ્નકર્તા : ના, એ તો એકબીજાના સંબંધ ઉપર આધાર રાખે છે ને ! દાદાશ્રી : ના, સંબંધનો એમાં સવાલ જ ક્યાં છે ? શાથી જુદાઈ મને ના લાગે અને તમને જુદાઈ કેમ લાગે છે તે સમજાવું. વસુધૈવ કુટુમ્બકમ્ આ બધી તમારી પોતાની જ વાત છે, મારી વાત નથી આ. તમને હું જુદો લાગું છું પણ મને તમે જુદા નહીં લાગતા, કારણ કે હું આત્મા રૂપે જોઉં છું બધું, અને મારા પોતાના રૂપે જ જોઉં છું. મને તમે અવળું-સવળું બોલો તોય જુદું ના લાગે, કારણ કે હું વન ફેમિલી રીતે જોઉં છું. અને તમે તમારી ફેમિલીને જ ફેમિલી નથી ગણતા. એક ફક્ત અમારી વાઇફ, હીરાબાને છોડીને બેઠો એટલે આ બધી આખી આવડી મોટી ફેમિલી મારી થઇ ગઇ, નહીં તો એમની એકલી ફેમિલી સાચવીને બેસી રહ્યો હોત તો શું થાત ? આ તો આખી દુનિયા મારી ફેમિલી થઇ ગઇ. પશ્નકર્તા : પણ દાદા, હવે તમને મળ્યા પછી બીજા બધા જોડે પણ બહુ અભેદતા હોય એવું અનુભવાય. દાદાશ્રી : ન્હોય એ, એ લેવાદેવા નહીં. આત્મા જોડે જ અભેદતા. આ બીજા જોડે પ્રેમ. આમ એક જ કુટુંબ જેવું લાગે. એવી અભેદતાનો અર્થ શું ? કે આત્માથી સગાઈ, આત્માની સગાઈ. પુદ્ગલની સગાઈ નહીં. આત્માની સગાઈ એ અભેદતા. આપણે અભેદતા શેને લીધે ? તો કહે, આત્માની સગાઈને લઈને. પશ્નકર્તા : હવે એવું અહીં મહાત્માઓ જોડે વર્તાય છે. વર્તાય છે કન્ટિન્યુઅસ... દાદાશ્રી : એ તો વર્તાયને ! મહાત્માઓ જોડે વર્તાય જ. સગાવહાલા તો ટોણોય મારો, આ લોકો ટોણો મારે નહીં. ઊલટાં આપણી મદદમાં જ હોય. અભેદ આત્મદ્ષ્ટિ પશ્નકર્તા : દાદા, આપણે ઝાડ-પાન બધાના શુદ્ધાત્માને નમસ્કાર કરીએ તો એની જોડે પણ અભેદતા કહેવાય, એ જે અભેદતા લાગે તે ? દાદાશ્રી : હા, અમે ગાડીમાં બેઠા હોઈએ અને પછી અમદાવાદ જતા હોય તો તમે બધાં જુદું જુઓ, હું જુદું જોઉં. અમારે દર્શન ક્રિયા ચાલુ હોય, જ્ઞાનક્રિયા બંધ થઈ જાય, જ્ઞાનક્રિયા ક્યારે કહેવાય ? આ લીંબડો, આ આંબો, એવું વિગતવાર તપાસ કરીએ ત્યારે જ્ઞાન ક્રિયા કહેવાય. નહીં તો સામાન્યભાવે જોવું એ દર્શન ક્રિયા કહેવાય. એટલે સામાન્યભાવે છતાં અભેદ આત્માની દ્ષ્ટિથી જોતા જોતા જઈએ. અમે જીવમાત્રની સાથે અભેદતાથી, આવડાં ઝાડ, પાન, વેલો બધા દેખાય, એમાં આત્મા જોઈએ. એની જોડે અભેદતાથી અમે જઈએ, ઠેઠ અમદાવાદ સુધી ! પોતાપણું જાય તો અભેદ થવાય અહીં તો અભેદભાવ છે. તમે ને હું બધા એક જ છીએ. મને તમારા કોઈથી જુદાઈ લાગતી જ નથી. આ આટલા પચાસ હજાર માણસો છે છતાં તેમની જોડેય મને જુદાઈ નથી ને આ દુનિયા જોડેય મને જુદાઈ લાગતી નથી. આ તો તમને જુદાઈ લાગે છે. એટલે હું એક તો, આ પચાસ હજાર માણસો (આ બધા મહાત્માઓ) છે તેમાં અભેદ રહું છું અને 'સેકન્ડરી', આખા જગત જોડે અભેદ રહું છું. મારે બીજી કોઈ જગ્યાએ કોઈ જોડે ભેદ નથી. એટલે પેલું 'સેકન્ડરી' અભેદ છું અને આ 'ફર્સ્ટ' અભેદ આટલો છું. મારે બીજું કશું જોઈતું નથી. મારે બુદ્ધિ જ નથી. એટલે અમને અભેદ લાગે, બધું પોતાનું જ લાગે. બુદ્ધિ હોય ત્યાં સુધી જ ભેદ પડે. બાકી બુદ્ધિ નહીં, ત્યાં ભેદ શો ? બુદ્ધિ તો ભેદ પાડે, જુદાઈ દેખાડે કે 'આ મારું ને આ તારું.' જ્યાં બુદ્ધિ જ નથી, ત્યાં 'મારું-તારું' રહ્યું જ ક્યાં તે ? આ તો ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે - 'હું જુદો ને આ જુદો.' હવે જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી પોતાપણું છોડે નહીં ને ! ને બુદ્ધિ હોય ત્યાં સુધી બુદ્ધિ ભેદ પાડે છે ને ! એ પોતાપણું જાય તો અભેદ થવાય. પોતાપણું ગયું એનો અર્થ જ જુદાઈ જતી રહી. ન જુદાઈ જગતમાં કોઈથી આખી દુનિયા જોડે મારે સ્હેજ પણ જુદાઈ નથી, એમને જુદાઈ છે મારી જોડે. કારણ કે એમાં એમનો પોતાનો દોષ નથી. એમની ભેદબુદ્ધિ છે, બુદ્ધિ ભેદ કરાવે છે ને મારે તો આત્મા જોડે જ વ્યવહાર છે. આ આની જોડે વ્યવહાર જ નથી. તમે કરોડ રૂપિયાના માલિક હો, મારે શું કામ છે ? મારે તો તમે આત્મા છો એટલું જ જોવાનું. કરોડવાળાને કરોડનો બોજો, અબજવાળાને અબજનો બોજો. એ એની મેળે બોજો ઊંચકીને ફરે. જેટલાં શીંગડા ભારે હોય એટલાં બોજા જ છે ને બધાં ! પશ્નકર્તા : એ તો આપે કહ્યું એમ, બુદ્ધિનો પરિપાક છે. દાદાશ્રી : હા, બુદ્ધિનો પરિપાક છે. બુદ્ધિથી સરહદો આંતરી દીધી. બધી સરહદો, બધા જ આકાશની, આ ફલાણું ને આ પંજાબ એ બુદ્ધિથી સરહદો આંતરી દીધી. પશ્નકર્તા : સામાન્ય રીતે બુદ્ધિ વધારે હોય ત્યાં સરળતા ઓછી હોય છે અને સરળતા ઓછી હોય ત્યાં ભાગલા વધુ હોય. દાદાશ્રી : સરળતા ખલાસ કરી નાખે, બુદ્ધિ વધારે હોય તો ! આ મારામાં પહેલેથી બુદ્ધિ ઓછી હતી. તે બહુ સારો ફાવ્યો... જ્ઞાન પછી અભેદ દશા વર્તે, આ ભેદ કોણ કરાવડાવે છે ? બુદ્ધિ ! આ મારું અને આ તમારું ! બુદ્ધિ પડાવે ભેદ મત એ સંસારના ભેદનું કારણ છે ને સત્ એ અભેદનું કારણ છે. આત્મા અભેદ છે, ભેદબુદ્ધિથી સંસાર છે ! બુદ્ધિએ ભેદ દેખાડ્યા અને દિવ્યચક્ષુ અભેદ દેખાડે. સ્વચ્છંદ શું કરે કે અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય ત્યાં ભેદ પાડી આપે. 'આમ કરીશ તો જ મારી કિંમત રહેશે' એમ કરીને ભેદ પાડી આપે. કોઈ મારી જોડે રિસાયું હોય તો તે શાથી રિસાય ? ભેદ પડે ત્યારે. આને જ 'માયા' કહી. 'આત્મદર્શન' થયા પછી ભેદબુદ્ધિ ના રહે. પછી અભેદતા રહે ને 'બુદ્ધિ' એ કરીને વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહે. વ્યવહારમાં જે ભેદ દેખાય એ તો વિવેક છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય. પછી જુદાઈ લાગે નહીં, અભેદ દ્ષ્ટિ થાય. 'હું'-'તું'ના ભેદ ના જ્ઞાનીને કદિ પશ્નકર્તા : એટલે જ કહ્યું છે ને કે જ્ઞાની પુરુષ તો કોઇ પણ જીવને એનાં આત્મરૂપે જ જોતા હોય છે ? દાદાશ્રી : હા, એ આત્મારૂપી અને પોતાનાં રૂપે જ જુવે એ. એને જુદાઇ ના લાગે. જુદાઇ રાખે તો એ જ્ઞાની નહીં. હમણે ગાળ ભાંડતો હોય તો તેની જોડે જુદાઇ ના રાખે. એ તો એની અણસમજણને લઈને ભાંડે બિચારો ! પણ જવાબદાર માણસ તો એવું ન કરેને ? જવાબદાર માણસ સામો એવો દાખલો ના બાંધેને ! 'વિપરીત બુદ્ધિની શંકા, તે સુણતા ગૈબી જાદુથી; છતાં અમને નથી દંડ્યા, ન કરીયાં ભેદ હું-તું થી.' અમારી પર શંકા કરી જાતજાતની તોય પણ અમે 'તું આવો છે, તું આવો છે,' એવું નથી બોલ્યા. હું ને તું બે ભેદ નથી પાડ્યા. આપણે ત્યાં હું-તુંનો વિચાર જ નથી હોતો ને, તેથી કવિ એ લખે છે. એને અનુભવમાં આવ્યું ત્યારે જ લખે ને ! જ્ઞાનીનો ઉપયોગ કેવો ? બધા સાથે મને બેસાડીને કોઈ મને ગાળો ભાંડે, ત્યારે હંુ કયા ઉપયોગમાં રહંુ ? હંુ જ બોલું છું ને હંુ જ સાંભળું છું, એવા ઉપયોગમાં હંુ રહંુ, ઓન ધી મોમેન્ટ. એટલે શુદ્ધાત્મા હાલી ન જાય. એક તો એની સાથે ભેદભાવ નથી, ઉપરાંત એની સાથે અભેદભાવ, પછી ડખો જ નહીં ને ! ભેદ પડે તો ભાંજગડ ઊભી થાય. મારનાર અને માર ખાનારને ભેદ નહીં. એટલે ડખો જ નહીં. રિલેટિવમાં લઘુતમ, રિયલમાં અભેદ અમે આ જગતમાં બે ભાવે રહીએ છીએ. લઘુતમ ભાવ અને અભેદ ભાવ, આ બે જ અમારી મુખ્ય બાઉન્ડ્રી છે. અમે વ્યવહારથી લઘુતમ ભાવે રહીએ છીએ. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે બધું છે તે અંતઃકરણ અને ક્રોધ-માન-માયા-લોભ એ બધો વ્યવહાર છે. વ્યવહારથી અમે લઘુતમમાં છીએ. નિશ્ચયથી અમે શું છીએ ? ગુરુતમ ભાવમાં છીએ. અને આમ સ્વભાવે કરીને અભેદ સ્વરૂપ છીએ. તમારાથી અમે જરાય જુદા પડ્યા નથી કે આમનાથીય જુદા નથી પડ્યા કે કોઈનાથી જુદા નથી પડ્યા ! મોટા આચાર્યોથીય જુદો નથી કે આ કોઈ ગધેડો જાય છે તો એનાથીય જુદા નથી ! એટલે મને આખા જગતમાં જુદો કોઈ લાગતો જ નથી. અહીં આવ્યા છે એટલાં જ મારાં છે, એવું નહીં. આ બધાં જ મારાં છે અને હું બધાંનો છું ! જેટલી અભેદતા રહે એટલી પોતાના આત્માની પુષ્ટિ થાય છે. હા, બધું આ જુદાઈ માને છે તેથી તો પોતાના આત્માની બધી શક્તિ છિન્ન-ભિન્ન થઈ ગઈ ને ! અભેદતા એ જ શક્તિ. મારી સાથે જેટલી અભેદતા રાખશો તેટલી શક્તિ પામશો. અભેદભાવ ઉત્પન્ન થયોને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તને શક્તિ વધી ગઈ. અભેદ દ્ષ્ટિ એટલા થાય ભગવાન આ તમને દોષિત દેખાય છે એનું શું કારણ છે કે તમારી દ્ષ્ટિ વિકારી થયેલી છે. મારા-તારાની બુદ્ધિવાળી છે. આ મારું ને આ તારું એવા મારા-તારાના ભેદવાળી છે. જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી. અભેદ દ્ષ્ટિ થઈ એ ભગવાન કહેવાય. આ અમારું ને આ તમારું એ સામાજિક ધર્મો હોય બધા. આ સામાજિક ધર્મોએ તો ગૂંચવાડો ઊભો કર્યો છે. વ્યવહાર બધો સામાજિક છે અને નિશ્ચય અભેદ છે. અભેદ ત્યાં ન મતભેદ અભેદ હોય તો મતભેદ ના પડે. મારે આખા જગત જોડે મતભેદ નથી પડતો, તો હંુ તો અભેદ જ છું. તમે ગાળો ભાંડો તોય મને ભેદ નહીં પડતો ને ફૂલેય ચઢાવો તોય મને ભેદ નહીં. જેને ફૂલ જોઈતા નથી એને ગાળ સ્પર્શે જ નહીં. દેહનો માલિક જ નથી, એને મતભેદ હોય ? જુદાઈ માનવાથી જ આ ભાંજગડ ઊભી થઈ ને ! તમારે હવે કોઈની જોડે જુદાઈ રહે છે ? પશ્નકર્તા : હા, પણ એ જુદાઈ બધી કાઢવી છે. દાદાશ્રી : શું વાત કરો છો ? જુદાઈ કાઢ્યા વગર તો છૂટકો જ નથી ને ! અભેદ થવું પડશે ને ? દાદાની જોડે અભેદ રહેવાય છે કે ? પશ્નકર્તા : તમારાથી અલગ થયો એટલી જ વાર. તો જ જુદાઈ લાગે ને ! દાદાશ્રી : અને અલગ થયો એટલે ઊંધો થયો. અમારે તમારી જોડે અલગતા નથી પણ તમને મારી જોડે અલગતા છે. જ્યાં ન એટીકેટ ત્યાં સહજ ભાવ આ દાદાની જોડે પચ્ચીસ હજાર માણસો અભેદ રૂપે રહે છે. એ ઘરનાં માણસની જોડે અભેદ હોય કે ના હોય પણ દાદાની જોડે બધાં એક હોય. પશ્નકર્તા : દાદા, એટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે થતું હશે ? દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસ અભેદતા રાખે છે. આ પચ્ચીસ હજાર માણસો છે, પણ બધાંય માણસોનાં સંપૂર્ણ મન વશ વર્તતા નથી. ત્રણ-ચાર હજાર માણસનાં સંપૂર્ણ મન વશ વર્તે છે. પશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ? દાદાશ્રી : બધી જ ખબર પડે ને ! કે આ માણસને સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્તે એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય ! જ્યાં એટીકેટ ના હોય, જ્યાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય. સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ. સહેજાસહેજ જે બની આવે ને એ ! મન વશ થાય જ્ઞાનથી આપણા હિન્દુસ્તાનમાં કોઈ પાંચ માણસનાં મન કોઈનેય વશ વર્ત્યા નથી. એ પરથી બધું જોઈ લેજો ને! આ તો આપણાં લોકોને ટેસ્ટ લેતા નથી આવડતું. એટલે શી રીતે આ સમજાય ? બાકી આ રીતે ટેસ્ટ લેવા જાય ને તો ખબર પડે. પશ્નકર્તા : આ તમે જે ટેસ્ટ મૂક્યો ને, એમાં તો એકેય પાસ ના થાય. દાદાશ્રી : આ એટલા માટે ટેસ્ટ મૂક્યો ! નહીં તો આ તો બધા એમ જ જાણે કે પોતાને મન વશ થવા જ માંડ્યું છે. છતાં આ જ્ઞાન પછી તમને અમુક અંશે મન વશ થયું છે, તે આટલા વર્ષમાં આટલું થયું તો બીજા એટલા વર્ષમાં તો ઝપાટાબંધ થઈ જવાનું. મતભેદ મટાડવાનો ઉપાય એક જણ મને કહે છે કે, 'ઘરમાં અમારે મતભેદ રહે છે તો તે કેવી રીતે જાય ? તેનો ઉપાય બતાવો.' મેં તેને કહ્યું, 'મોટી ઉંમરવાળા મતભેદવાળા હોય છે, જ્યારે નાનાં છોકરાંને તો મતભેદ હોતો નથી. જેને અહંકાર હોય ને જાગૃતિ હોય તેને મતભેદ પડ્યા કરે. એટલે જેને અહંકાર જાગ્રત થયો હોય તેણે સવારના પહોરમાં પાંચ વખત બોલવું જોઈએ કે 'આપણે બધાં એક જ છીએ અને આપણામાં જુદાઈ નથી.' એ પાંચ વખત બોલે અને એવું નક્કી કરે, એટલે આખો દહાડો એટલું રહે. પછી બીજે દહાડે પાછું ફરી બોલવું પડે, નહીં તો પાછું પેલું 'ચાર્જ' કર્યું હતું તે 'પાવર' ઊતરી જાય ! ઘરમાં ત્રણ માણસ હોય તે ત્રણેય માણસે આ પ્રમાણે બોલવું જોઈએ. પશ્નકર્તા : જેને જેને મતભેદો છે એ બધાં આ મુદ્દા પર એકમત કેવી રીતે થાય ? એમાંય મતભેદ પડે તો ? દાદાશ્રી : ના, ના, એમ નહીં. એ તો એમાં આપણે કહીએ ને, કે જો મતભેદ આપણે ટાળવો હોય, મતભેદ તમને ના ગમતો હોય તો આપણે બધાં ભેગાં થઈને 'દાદા'ના કહ્યા પ્રમાણે કરીએ. ત્યારે કહેશે કે શું કરીએ ? તો કહેવું કે, 'દાદાજીએ કહ્યું છે કે ''આપણે બધા એક જ છીએ, આપણામાં કંઈ જુદાઈ નથી'' એવું પાંચ વખત બોલો.' આમ કરતું કરતું રાગે પડી જાય. પશ્નકર્તા : આપણે બધા એક જ છીએ, એવું કેટલાક બોલે છે ને ! દાદાશ્રી : એ તો લાગે એવું, પણ આમ અલગતા રહેવાની. જ્યાં સુધી એ ગેડમાં બેસે નહીં ત્યાં સુધી અલગ જ લાગે. મોંઢે બોલીએ ખરાં કે આપણે એક જ છીએ, પણ ગેડમાં બેસે નહીં ત્યાં સુધી અલગ જ લાગ્યા કરે. એ ગેડમાં બેસવું જોઈએ. સિદ્ધાંત, અભેદતાનો પશ્નકર્તા : ગઈકાલે આપે આખી રાત (જન્મજયંતીના આગલા દિવસે) પ્રતિક્રમણ કર્યાં એની પાછળ કયો પ્રિન્સિપલ (સિદ્ધાંત) કામ કરે છે ? દાદાશ્રી : અભેદતાનો ! આ પચ્ચીસો (મહાત્માઓ) જોડે અભેદ હતું. પચ્ચીસો નહિ, આખા શહેર જોડે અભેદ હતું. છતાં કોઈ આંખોય કાઢી ગયા, કોઈ દર્શનેય કરી જાય. પ્રેમ તેં જોયો બધે ! કૃષ્ણ ભગવાનના વખતમાં આવો પ્રેમ ન હતો ! ગોપીઓમાં નહોતો ઊભરાયો ! ખુલ્લો આત્મા ચાલ્યો બેઠો, બેઠો, બેઠો (શોભાયાત્રામાં બગીમાં બેઠા) ! ખુલ્લો આત્મા, દેહ (ભાવ) વગરનો આત્મા ચાલ્યો ! બજાર વચ્ચે ! ને જો આનંદમાં, આનંદમાં, આનંદમાં હતું લોક ! અભેદતા એ જ નિદિધ્યાસન જેને દાદાનું નિદિધ્યાસન રહે, તેને બધાં જ તાળાં ઊઘડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિદિધ્યાસન છે ! બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે અને 'જ્ઞાની'ના નિદિધ્યાસનનું સાક્ષાત્ ફળ મળે છે. એ નિદિધ્યાસન, પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપે, તે રૂપ કરી આપે. કારણ કે 'જ્ઞાની'નું અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. એટલે તે રૂપ કરી નાખે. 'જ્ઞાની'નું નિદિધ્યાસન નિરાલંબ બનાવે. પછી 'આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયાં નહીં' એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે, 'જ્ઞાની'ના નિદિધ્યાસનથી. ભેદબુદ્ધિથી ઊભો ભેદ પશ્નકર્તા : દાદા, આપે જે કહ્યું છે, તે આત્માનું હિત. આત્મા નિરંતર જાગૃત છે તો આત્માના હિતની ક્યાં વાત છે ? દાદાશ્રી : હા, આત્માનું હિત, આત્મા તો પોતે તો જાગૃત છે ને સંપૂર્ણ જ છે. ત્યાં આગળ આપણે અભેદતા ઉત્પન્ન થઇ નથી. ત્યાંથી ભેદબુદ્ધિ થઇ છે. એટલે હું જુદો ને આત્મા જુદો. અભેદતા ઉત્પન્ન થાય એટલે થઇ રહ્યું, ખલાસ થઇ ગયું. 'આત્મા તે જ હું છું' એવું ભાન થાય ત્યારે થઇ રહ્યું. ભગવાન જોડે તમે ભેદ પાડ્યો, તમે ભગવાન જ છો પણ એ ભેદ પાડ્યો ને એટલે સ્વાર્થ થયો. આ જુદો ને હંુ જુદો, આ જુદો ને હંુ જુદો, એટલે સ્વાર્થ થયો. જુદાઈ ના હોય ને અભેદતા હોય તો કશું સ્વાર્થ ના હોય. 'હંુ હી'માં અભેદતા રહે તો... જ્યાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માંગવો. જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? ત્યારે કહે, આત્મજ્ઞાન માટે. પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ! જગતમાં તો બધે 'તુંહી તુંહી' ગાય છે, તે ભગત અને ભગવાન જુદા ગણે. અલ્યા ! એક ફેર 'હું...હી, હું હીં' ગાને ! તોય તારું કલ્યાણ થઇ જાય. 'તુંહી તુંહી' ગાય તો ક્યારે પાર આવે ? પણ લોકો 'તુંહી તુંહી' શાને માટે ગાય છે ? વ્યગ્રતામાં 'તું' હતું તે હવે 'તારા' એકમાં એકાગ્ર થયું છે, એવું 'તું' ગાય છે; પણ આ 'તુંહી' ગાવાથી કશું વળે નહીં, 'હુંહી'નું કામ થાય. 'તુંહી'માં 'તું' ને 'હું'નો ભેદ રહે, તે ઠેઠ સુધી ભગત ને ભગવાન બે જુદા જ રહે; જ્યારે 'હુંહી'માં અભેદતા રહે, 'પોતે' જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય ! પછી કૃષ્ણની જોડે તમે અને તમારી જોડે કૃષ્ણ, બસ એક જ રૂપ થતું જાય, અભેદતા ઉત્પન્ન થતી જાય. જેમ જેમ સંસાર છૂટતો જાય, તમારો પ્રારબ્ધ ખૂટતું જાય તેમ અભેદતા ઉત્પન્ન થાય. પ્રારબ્ધ જાગૃતિપૂર્વક ભોગવાઈ જાય એટલે અભેદ થઈ જાય. જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. મૂર્તનાં દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે. સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નર્યું શુદ્ધ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ને સુખ ઉત્પન્ન થયું તે જ્યોત, આ દીવો તે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તે જ કૃષ્ણ, દ્શ્ય તે કૃષ્ણ નથી. વીતરાગોને અભેદતા સહુ સંગે જૈન, વૈષ્ણવ, શૈવ એ બધા રિલેટિવ ધર્મો છે, સ્ટાન્ડર્ડનાં ધર્મો છે, વ્યુ પોઇન્ટનાં ધર્મો છે. જેને જે વ્યુપોઇન્ટથી દેખાયું તે જ સાચું માનીને બેસી ગયા અને એ જ પક્ષમાં પડ્યા. મોક્ષ ક્યારે થાય ? કેવળ દર્શન ક્યારે થાય ? સાચું સમકિત, સમ્યક્દર્શન ક્યારે થાય ? આખા જગતમાં ક્યાંય, કોઇ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે ! પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય. પક્ષ શાથી પડે ? અહંકારીઓ પોતાનો અહંકાર પોષવા પક્ષ પાડે ને નિરહંકારી 'જ્ઞાની પુરુષ' બધાંને એક કરે. 'જ્ઞાની પુરુષ' નિષ્પક્ષપાતી હોય, 'વીતરાગો' નિષ્પક્ષપાતી હોય. કોઇ નાત જાત સાથે પક્ષ નહીં, સંપૂર્ણ નિષ્પક્ષપાતી. દરેક માણસ સાથે અભેદતા ! અરે ! એક નાનામાં નાનો જીવ હોય તોય તેની જોડે 'વીતરાગ'ને અભેદતા હોય ! સચ્ચિદાનંદ સ્વરૂપની ભજનાથી કલ્યાણ (જ્ઞાની પુરુષ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય એટલે) સચ્ચિદાનંદ સમજીને ગાશે તેનુંયે કલ્યાણ થઈ જશે. કારણ કે એ શબ્દ જ નિષ્પક્ષપાતી છે. અનાદિથી જીવ પક્ષમાં જ પડેલો છે, તેથી પક્ષનું જ વલણ થઈ ગયું હોય છે. ફક્ત જ્ઞાનીની વાણીમાં જ પક્ષપાત ન હોય. વાણી, વર્તન, વિવેક મનોહર હોય. અભેદતાનું જ્ઞાન અને ભાન હોય તે જ પરમાત્મા. ભેદબુદ્ધિથી જુદાઈ પશ્નકર્તા : અહીં આપની પાસે આ વાત જાણી ખૂબ આનંદ થયો. દાદાશ્રી : આનંદ થાય ને ! આત્માની વાત કાઢે ત્યાંથી જ આનંદ થાય. આપણે જુદાઈ છે નહીં. પણ તમને એમ લાગે કે જુદાઈ છે. એ મારામાં બુદ્ધિ નહીં એટલે અમારે જુદાઈ ના લાગે. પણ તમારામાં બુદ્ધિ ખરીને, તે બુદ્ધિ ભેદ પડાવે છે. એટલે બુદ્ધિ જો ઓછી થઈ જાય અને જુદાઈ ના લાગે તો બહુ સારું પડે. ભેદબુદ્ધિ હોય ત્યાં સુધી જુદાઈ લાગે, 'હું ચંદુલાલ ને આ રાયચંદ' અને મહાવીર જુદા, નેમીનાથ જુદા, કૃષ્ણ જુદા, બધામાં ભેદ લાગે; ને 'જ્ઞાની પુરુષ'ને ભેદબુદ્ધિ ના હોય, એ આત્મસ્વરૂપમાં રહે અને બધે અભેદ જુએ. જ્ઞાની પુરુષ જોડે કોઈને જુદાઈ લાગે જ નહીં. કારણ કે એમનું મન આખા જગતથી જુદું ના હોય. મારે કોઈ સાથે જુદાઈ નહીં ને ! કારણ કે એમાં જે આત્મા રહેલો છે તે હંુ જ છું. બધે હંુ જ છું પછી જુદાઈ મારે કોની જોડે ? આ બેબી જોડેય નહીં ને આની જોડેય નહીં. અમને તો બધાનામાં હું જ બેઠેલો છું એવું રહે. રીયલ સ્વરૂપ જાણી લઇએ એટલે અભેદતા આવે. અભેદતા રહે ત્યાં જ સાચી વસ્તુ છે ને જ્યાં સુધી બુદ્ધિ રહે ત્યાં સાચી વસ્તુ ના હોય. જ્ઞાની મળે આવે ઉકેલ વીતરાગો નિષ્પક્ષપાતી હોય. તેમને બધામાં અભેદતા લાગે. કાળચક્રના આધારે લોક માર ખા ખા કરે છે. જો 'જ્ઞાની પુરુષ' મળે તો માર ખાવાના ના હોય. જ્ઞાની મળે તો ઉકેલ આવે. જ્ઞાની પુરુષના દર્શન કરવાથી મન સારું થાય, મન મજબૂત થાય, વાણી સારી થાય, વિચાર સારા થાય. દર્શનથી જ પાપ ધોવાઈ જાય. જ્ઞાની પુરુષની હાજરીથી જ ફેરફાર થઈ જાય. મેં કંઈ મોટો ઉપદેશ નથી આપી દીધો, છતાં વાતાવરણથી ફેરફાર થઈ જાય. અભેદની પાસે અનુભવાય અભેદતા પશ્નકર્તા : એટલે તો દાદાની પાસે આવ્યા પછી એટલો બધો આનંદ વર્તે છે. દાદાશ્રી : તો દાદામાં આનંદ કેટલો હશે ? પશ્નકર્તા : આ પાણી જે આવે છે તે જ જો આટલું બધું છે તો મૂળ સ્ત્રોતમાં કેટલું બધું હશે ! પણ આની વિશિષ્ટતા એ છે કે દાદા પાસે આવનારને દાદા ગમે તેમ હોય પણ અભેદતા લાગે છે. દાદાશ્રી : પોતે અભેદ રહે છે એટલે, બધા પાસે જ. કારણ કે અમારી દ્ષ્ટિ અભેદ થઈ ગઈ. કોઈનામાં દોષ જોતા નથી ને ! દોષ જુએ કે જુદો પડ્યો. પશ્નકર્તા : પણ દાદા, આ અભેદતા જે લાગે છે તે આ પ્રત્યક્ષતાને લીધે જ ને ? દાદાશ્રી : બીજું શું ત્યારે ? ગયેલા હોય એની જોડે અભેદ શું ? ગયેલા હોય તેના કોણે ગાણા ગાવાના ? એ સાંભળતાય નથી. આપણે લેવા-દેવાય નથી. જે ગયેલા હોય તેને શું કરવાના આપણે ઝાલીએ ? સાહેબ, તમે તો સિદ્ધ થઈને બેઠા હવે. હું શું કરવા તમને ઝાલવા આવું ? મારું શું થાય ? ઝાલવા આવું તો મારા હાથમાં તમે ઝલાવ નહીં અને તમે છૂટા ને છૂટા રહો, ને હું રખડી મરું. મારો તો અહીં જે હાથ ઝલાશે તેનો ઝાલીને આવીશ. મારે કંઈ તમારી જરૂર નથી. એ સાહેબ ત્યાં બેઠા ને એમને જ કંઈ તમારી જરૂર નથી. આપણે તો અહીં જરૂરિયાતવાળા દાદાએ હું મળીશ, એમની સાથે આવીશ, કહીએ. પશ્નકર્તા : હંુ જ દાદામાં ને દાદા જ મુજમાં ! દાદાશ્રી : દાદા એ તમારામાં બેઠાં છે. એટલે આપણે અભેદતા જ થઈને ! અમારે બીજી કંઈ જુદાઈ તો છે જ નહીં. પશ્નકર્તા : દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, એમાં જે બે મિનિટ એકાકાર થઇ જાય તો ઘણા દુઃખો ઓછા થાય ? દાદાશ્રી : અનંત અવતારનાં દુઃખ ઓછાં થઇ જાય. એકાકાર નહીં પણ અભેદતા થઇ ગઇ ! સંસારમાં વ્યવહારિક અભેદતા હોય છે સ્ત્રી અને પુરુષની, પણ અંદરોઅંદર લઢે ત્યારે ? અને દાદા જોડે તો નિશ્ચયની અભેદતા ઉત્પન્ન કરે છે. એટલે દાદાની જે મિલકત છે એ તમારી મિલકત થઇ. અભેદતા ત્યાં અભયદાન પશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ? દાદાશ્રી : હવે એવું ક્યારે બને, જાણો છો ? અભેદતા હોય ત્યારે. આવી હિંમત ક્યારે આવે ? અભેદતા હોય ત્યારે. ને ગમે તે દોષ થાય તેનો વાંધો નથી. બધાં દોષો હું તોડી નાખવા તૈયાર છું. તમારા લાખો દોષો હું તમને એક કલાકમાં તોડી નાખવા તૈયાર છું, પણ તમારી તૈયારી જોઈએ. નિર્દોષને દોષ અડે શી રીતે ? મારી પાસે આલોચના કરે એટલે મારી સાથે અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવો જ પડે. પોતાની ખાનગી કોઈ એક વાત કહેવી હોય તો શાથી લોકો વાત નથી કરતાં ? પછી પેલો દબડાવ દબડાવ જ કરે. લગામમાં આવી ગયું ને ! દબડાવે કે ના દબડાવે ? અને આપણે આ દબડાવવા હારુ નથી કરતાં. આપણે એને છૂટો કરવા માગીએ છીએ કે હું તારા દરેક ગુના તને માફ કરી આપું. આ 'દાદા ભગવાન' પ્રગટ થયા છે !!! જગતમાં મોટામાં મોટું વાક્ય જ આટલું છે. ખરું સમજવાનું જ આ છે કે આ અમારી પાસે આલોચના કરે ને કર્મ ભસ્મીભૂત થઈ જાય. ક્રમિક માર્ગ એ જુદી વસ્તુ છે અને આ અભેદ, અભેદ ધર્મ છે, ભેદ જ નહીં, જુદાઈ જ નહીં ! જેટલાં પ્રમાણમાં અમારી પાસે ખુલ્લું કરે તે તેટલો અમારી સાથે અભેદ થયો, ને જેટલો અભેદ થયો એટલો સ્પષ્ટ અનુભવ થાય ! સ્પષ્ટ વેદન થાય એટલે એ પરમાત્મા જ થઈ ગયો કહેવાય. જેને સાંસારિક દુઃખનો અભાવ વર્તે, કપટ જતું રહે એટલે મહીં સ્પષ્ટ અનુભવ થવા માંડે. કપટને લઈને અનુભવ અસ્પષ્ટ રહે છે. તૂટે ભેદ જીવ-શિવનો, જ્ઞાની થકી પશ્નકર્તા : આ ભેદ તોડવા સૂક્ષ્મ ક્રિયાઓ હોય ? એ સૂક્ષ્મ દેહે જાણી શકે ? દાદાશ્રી : એવું છે, 'જ્ઞાની પુરુષ' પોતે વધુ આગળનું જાણવા માટે બધું કરી શકે. 'જ્ઞાની પુરુષ'ને જીવ-શિવનો ભેદ ગયેલો જ હોય. છતાં એથી આગળનું જાણવું હોય તો બીજી સૂક્ષ્મ રીતે બધું આગળનું જાણી શકે. બાકી, તાપસ કશું જાણી શકે નહીં. પશ્નકર્તા : એમાં પછી સ્વામી અને સેવક એ ભેદ રહે કે ના રહે ? દાદાશ્રી : પછી ભેદ ના રહે, અત્યારે ભેદ રહે. ભગવાન ને હંુ, બે ભેદ રહે. પેલું ભેદ ના રહે. જીવ-શિવનો ભેદ ઊડી જાય. એનો એ જ જીવ છે, એનો એજ શિવ છે, એનો ભેદ ઊડી જાય. (ભેદ ઉડાડવો છે ખરો ? ભેદ ઉડાડવાની ઇચ્છા થાય છે ? પશ્નકર્તા : આત્માને એમ કહી દીધું છે તારે એ ભેદ ઊડાડયે જ છૂટકો છે. દાદાશ્રી : હા, ખરું, ખરું ! ઊડાડ્યે જ છૂટકો છે, અને અસલ જ્યોતિ સ્વરૂપ થઇ જાય, પોતાનું સ્વરૂપ અને તેમાં તન્મયાકાર થઇ જાય ત્યારે શિવરૂપે થાય. જ્યાં સુધી શિવરૂપ ના થાય ત્યાં સુધી મહીં ભગવાન જોડે અભેદતા ના થાય. ઈચ્છા, એક અભેદતાની જ (આ કશું ગમે છે ખરું ?) પશ્નકર્તા : પોતાને છૂટવું છે માટે ગમે છે. દાદાશ્રી : છૂટવું છે કે દાદાની જોડે અભેદ થવું છે ? પશ્નકર્તા : પોતાના દોષોથી છૂટવું છે માટે ગમે છે. દાદાની જોડે તો અભેદતા જ જોઈએ. દાદાશ્રી : દાદાની જોડે અભેદતા એટલે છૂટવાનું જ હોય. પેલું તમે ગમે એટલી ક્ષમાપના માંગો ગમે એની પાસે તોય નકામું. એવું આ અક્રમ વિજ્ઞાન આ ગુરુનો માર્ગ ન્હોય ! આ કોઈ ધર્મ નથી કે કોઈ વાડો નથી. હું તો કોઈનોય ગુરુ થયો નથી, થવાનોય નથી. લક્ષણ જ મારા ગુરુ થવાનાં નથી. જે પદમાં હું બેઠો છું એ પદમાં તમને બેસાડું છું. ગુરુપદ-શિષ્યપદ મેં રાખ્યું નથી. નહીં તો બધે તો લગામ પોતાની પાસે રાખે. જગતનો નિયમ કેવો ? લગામ છોડી ના દે. પણ અહીં તો એવું નથી. અહીં તો અમે જે પદમાં બેઠા છીએ તે પદમાં તમને બેસાડું છું. આપણે જુદાઈ નથી. તમારામાં ને મારામાં કોઈ જુદાઈ નથી. તમને જરા જુદાઈ લાગે, મને જુદાઈ ના લાગે. કારણ કે તમારામાં હું જ બેઠેલો છું, એમનામાંય હું બેઠેલો છું. પછી મારે જુદાઈ ક્યાં રહી તે ? અને અહીં તો ગુરુપૂર્ણિમા હોય જ નહીં ખરી રીતે ! આ તો ગુરુપૂર્ણિમા ઉજવે છે એટલું જ છે, એક દર્શન કરવાનાં નિમિત્તે ! બાકી અહીં ગુરુપૂર્ણિમા ના હોય. આ 'ગુરુ'યે ન્હોય ને 'પૂર્ણિમા'યે ન્હોય ! આ તો લઘુતમ પદ છે !! અહીં તો તમારું જ સ્વરૂપ છે આ બધું, આ અભેદ સ્વરૂપ છે. આપણે જુદા છીએ જ નહીં ને ! ગુરુ થાય તો તમે ને હું - શિષ્ય ને ગુરુ બે ભેદ પડ્યા. પણ અહીં ગુરુ-શિષ્ય કહેવાતું જ નથી ને ! અહીં ગુરુયે નથી ને શિષ્યેય નથી. અહીં ગુરુ-શિષ્યનો રિવાજ જ નથી. કારણ કે આ તો અક્રમ વિજ્ઞાન છે !!! આત્મજ્ઞાન થકી પ્રાપ્ત અભેદતા પશ્નકર્તા : આપે કહ્યું ને કે ૧૯૫૮માં મને જ્યારે જ્ઞાન થયું ત્યારે હું અભેદ થઈ ગયેલો દાદા ભગવાન જોડે, પછી છે તો મને ભેદ પડી ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે દાદા ભગવાનનું ઐશ્ચર્ય શું છે ! એવી જ રીતે કે આપ જ્યારે અમને બધાને જ્ઞાન આપો છો ત્યારે અમને પણ એ અમારા... દાદાશ્રી : તમને સમજાવ્યું કે ચંદુ જુદો અને હું જુદો, એટલે હું ખરેખર શુદ્ધાત્મા છું, એવું દાદા કહે છે, એ પ્રતીતિ બેઠેલી છે. પશ્નકર્તા : એટલે અમને પણ એવી અભેદતા જ્ઞાન આપો ત્યારે સ્પર્શી ગયેલી ખરી ? દાદાશ્રી : સ્પર્શી ગયેલી ખરી એમ નહીં, અભેદતા થાય ત્યારે જ તમે મારી પાછળ પડો, નહીં તો પડો નહીં ને ! મારે કંઈ તમને બોલાવા નથી આવવું પડતું. તમે તે દહાડે જે સુખ ચાખ્યું છે, એ જ તમને અહીં તેડી લાવે. પશ્નકર્તા : અને પછીથી એ જે તે વખતે અભેદતા થઈ ગઈ, ત્યાર પછીથી જે છૂટું પડી જવાય છે એટલે એ તે વખતનું જે ઐશ્ચર્ય દેખાય છે. દાદાશ્રી : એ ઐશ્ચર્ય-આનંદ એ બધું ચાખ્યું. એટલે હવે એવું ને એવું ખોળખોળ કરે છે. એટલે પછી આ કરતાં કરતાં બધું પેલું ખલાસ થતું જશે અને થઈ જશે એવું. આત્મા સંગે અભેદતા 'હું શુદ્ધાત્મા છું' એનું નિરંતર લક્ષ રહે છે ? પશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા. દાદાશ્રી : એ આત્મધ્યાન કહેવાય છે, એ શુક્લધ્યાન કહેવાય છે. 'શુક્લધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ.' નહીં તો એક ઘડીવાર આત્મા યાદ ના રહે. એક અજાણ્યો માણસ હતો ને, તે શુદ્ધાત્મા જાણી લાવ્યો. તે પછી બીજે દા'ડે છે, તે મનમાં યાદ કરવા માંડ્યો. પેલો શબ્દ શું હશે, પેલો શબ્દ શું હશે ? પા કલાક સુધી યાદ ના આવ્યું. એ યાદગીરી નથી આ. આ તો સાક્ષાત્કાર છે અને અભેદતા છે. અભેદતાની પ્રાપ્તિ એટલે શું ? પશ્નકર્તા : 'સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ' એવું ચરણ વિધિમાં અમે માંગીએ છીએને, તો એ અભેદતા એટલે શું ? દાદાશ્રી : અભેદતા એટલે તન્મયાકાર. આપણે ભગવાન જોડે એક થઇ જઇએ. અત્યારે જે જુદા છે ને, શુદ્ધાત્મા ને તમારે ભેદ કેટલો છે કે અત્યારે પ્રતીતિએ કરીને શુદ્ધાત્મા થયા. શ્રદ્ધા સંપૂર્ણ બેસી ગઇ, 'હું શુદ્ધાત્મા છું' એની ખાત્રી થઇ. થોડો અનુભવ થયો પણ તે રૂપ થયા નથી. એટલે તે રૂપ કરી દો, એવું ભગવાનને કહે છે એ અભેદતા. પશ્નકર્તા : એટલે બિલકુલ ભેદ નહીં. દાદાશ્રી : ભેદ છે, હજુ ભેદ છે, મારે તમને હજુ શુદ્ધાત્મા કરવા પડે છે. પછી કરવાં ના પડે, અભેદ થવાનું. પશ્નકર્તા : 'શુદ્ધાત્મા' જોડે અભેદ 'અહંકાર' થાય છે ને ? દાદાશ્રી : ના, અહંકાર નહીં. વ્યવહાર નિકાલ કરવા માટે જે આ પ્રજ્ઞા જુદી પડી, તે હવે એક થઇ જાય, એટલે કામ થઇ ગયું. પશ્નકર્તા : કોણ કોની જોડે અભેદ થાય છે ? દાદાશ્રી : પ્રજ્ઞા ને શુદ્ધાત્મા. બે જુદા છે તે એક થઇ જાય. અત્યારે 'હું પણું' પ્રજ્ઞામાં વર્તે છે. આપણે જે વર્તીએ છીએ તે પ્રજ્ઞામાં વર્તીએ છીએ. હવે અહંકારમાં વર્તતા નથી. એટલે 'હું' ચંદુભાઇમાં વર્તતો હતો, ત્યારે અહંકારમાં કહેવાય. અત્યારે પ્રજ્ઞામાં વર્તીએ છીએ. એટલે નથી શુદ્ધાત્મા, એટલે 'અંતરાત્મા' જેને કહેવામાં આવે છે. આ અમારી પ્રજ્ઞા લગભગ આત્મામાં સ્થિર થઇ ગયા જેવી જ હોય. એટલે અમારે 'શુદ્ધાત્મા' બોલવું ના પડે કે કશું વિચારવું ના પડે. અને તે રૂપે અભેદતા જેવું જ લાગે. સહેજ ચાર ટકાએ કરીને બાકી છે. અને તમારે અભેદ થવાનું છે. ધીમે ધીમે રહીને આ ફાઇલોનો જેમ જેમ નિકાલ થતો જાય, તેમ તેમ અભેદ થતો જાય. ફાઇલોનો પૂરેપૂરો નિકાલ થઇ ગયો કે અભેદ થઇ ગયો. આ બધી ફાઇલોની જ ભાંજગડ છે. પણ એ અત્યારે છે તે પ્રજ્ઞા સ્વરૂપે છે અને પ્રજ્ઞા એ ભગવાન(આત્મા)નો અમુક ભાગ છે. જ્યારે કામ પૂરું થઈ જશે એટલે એક થઈ જશે પાછી. ભગવાન ને આત્મા એક જ. એ આત્મા જ્યારે ભૌતિકમાંથી છૂટી અને પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. નિરંતર સ્વરૂપની રમણતા એ જ પરમાત્મા અને સ્વરૂપની રમણતાય ખરી અને આય રમણતા ખરી, ત્યાં સુધી અંતરાત્મા, એ જ પ્રજ્ઞા ! બુદ્ધિથી ભેદ, પ્રજ્ઞાથી અભેદ પશ્નકર્તા : આ જે અભેદતા થાય છે એ ઊંચામાં ઊંચી કક્ષાની બુદ્ધિ કહેવાય કે ના કહેવાય ? દાદાશ્રી : ના, એ અભેદતા એટલે બુદ્ધિનો અભાવ, એ જ્ઞાનભાવ. જ્ઞાનથી એક છીએ બધા અને બુદ્ધિથી જુદાં જુદાં છીએ. પશ્નકર્તા : એમાં પ્રજ્ઞા આવે કે ન આવે ? દાદાશ્રી : એ જ છે ને ! એ પ્રજ્ઞાથી બધા એક જ છીએ પણ બુદ્ધિથી આપણે જુદા જુદા છીએ. અમે એ બુદ્ધિ અમારામાં ખલાસ કરેલી. અમે જેમ તેમ કાઢ કાઢ કરેલી, જેમ ઉદય આવે તેમ તેમ નિકાલ કરી નાખેલો. ઉદય સંઘર્યો નહીં. મૂળ ગયા અવતારમાં (બુદ્ધિને) કાઢેલી, તેથી આ અવતારમાં બહુ કાઢવી ના પડી, પહેલાં કાઢેલીને. જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી પોતાની પૂર્ણ દશા કહેવાય નહીંને ! એ બધા જ દોષો જાય ત્યારે એ પોતાની દશા ઉત્પન્ન થાય, ત્યાં સુધી ભલે ગમે તે સૂક્ષ્મતમ દોષ હોય પણ દોષ છે ત્યાં સુધી એ દશા પોતાની કહેવાય નહીં. પોતાનું કહેવું એ જોખમ છે. લોકોને સમજણ ના હોય તો જોખમદારી લે, પણ સમજણવાળો તો કોઈ જોખમદારી લે નહીંને ! 'નિકાલ' શબ્દની ઈફેક્ટ પશ્નકર્તા : આપે ફાઈલોનો નિકાલ, એ 'નિકાલી' શબ્દ જે પ્રયોજ્યો છે, એમાં માણસને સાયકોલોજિકલ ઇફેક્ટ જ થાય છે. આ 'નિકાલ' શબ્દ જ એવો છે. દાદાશ્રી : ઇફેક્ટ જ થાય છે, 'નિકાલ' શબ્દની. આ એકેએક શબ્દ ઇફેક્ટિવ છે, 'નિકાલ' એકલું નહીં, 'રિયલ ને રિલેટિવ' તો એટલું બધું ઇફેક્ટિવ માણસને પડી જાય છે, એટલે આ બધાં શબ્દો ઇફેક્ટિવ છે અને 'નિકાલ' તો બહુ મોટો શબ્દ છે. આ એક-એક શબ્દ, આ તો આજે નહીં એનું પાછળેય એનું પૃથક્કરણ થશે હજુ તો. 'નિકાલ' શબ્દ સારો લાગે છે ને ? આ 'નિકાલ' શબ્દ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી. કોઈ શાસ્ત્રમાં હોય નહીં ને ! 'સમભાવે નિકાલ કરજો !' એ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ ! અને લોકો તો આ વિજ્ઞાનથી એવા ખુશ થઈ ગયા છે ! પશ્નકર્તા : આ 'નિકાલ' શબ્દ વાપર્યા પછી કોઈ ઠેકાણે પકડ નથી, નહીં તો બધે જ પકડો હતી. દાદાશ્રી : હા, પકડ જ હોય અને આ તો નહીં ગ્રહણ, નહીં ત્યાગ, નિકાલ ! આપણું આ સમભાવે ફાઈલના નિકાલમાં જપ-તપ-ત્યાગ બધુંય એમાં આવી જાય. સમભાવે નિકાલનો અર્થ જ એવો છે એ આત્માને આત્મા બનાવનારો છે. આમ વાતો કરતાં હોય કે 'હવે આ દુકાનોનો બધો નિકાલ કરી નાખવો છે' એટલે આપણે સમજી જઈએ કે શું નિકાલ કરવા માંગે છે અને પછી એનું પરિણામ કેવું થશે, તે પણ આપણે સમજી જઈએ. 'નિકાલ' શબ્દ બોલે ત્યાં સમજી જઈએ અને 'વેચી દેવું' કહે તો સમજણ ના પડે. કારણ કે શું સામાન હશે ને વેચાતી કોને કહે છે ? પણ 'નિકાલ' કહે એટલે તરત સમજી જાય કે આ નિકાલ કરી નાખવાનો હોય. નિકાલી છે એટલે તારી નિકાલી ને આની નિકાલી. આપણે જુદા ને આ નિકાલી જુદું. એટલે અભેદતા ઉત્પન્ન થાય. આ એટલી બધી સાયન્ટિફિક વસ્તુ છે કે જ્યારે આનું પૃથક્કરણ કરશે ને, જ્યારે એ ફોરેનના સાયન્ટિસ્ટો મને ભેગા થશે, ત્યારે આ વાત વધારે સમજાશે. જો એવો જોગાનુજોગ બેઠો ને, મને ભેગા થયા તો એને બધી આગળની રૂપરેખા બધી આપીશ. પછી બૈરી-છોકરાં એ તો નિકાલી બાબત છે, એની આ ગ્રહણીય બાબત નથી. ત્યાગની બાબત હોય તોય એ વળગણ થયું. ગ્રહણની બાબત હોય તોય વળગણ થયુંને ! એ નિકાલ બાબતનું વળગણ ના રહ્યું. વક્તા-શ્રોતાનો સંબંધ, અભેદતાનો પશ્નકર્તા : વ્યવહારમાં વક્તા તમે છો કે જે જગતનું કલ્યાણ કરે એવા હોય અને અમે શ્રોતા, એ બે વચ્ચે કેવો સંબંધ થાય છે ? દાદાશ્રી : અભેદતાનો સંબંધ હોય. આ વ્યક્તિ જ પોતે અભેદ હોય, એટલે અભેદતાનો જ સંબંધ હોય. પશ્નકર્તા : જ્યારે એ અભેદતાનો સંબંધ જળવાય, ત્યારે વક્તા અને શ્રોતા એ હોય છે ખરા ? દાદાશ્રી : ડિઝાઈનમાં (બધાના મંગળદાસ) જુદું દેખાય. ફોટામાં દેખાય એવું જુદું. પશ્નકર્તા : આપણે ફોટા સાથે સંબંધ કેટલો ? દાદાશ્રી : (મંગળદાસ એ) ફોટો જ છે બધું. (આત્મસ્વભાવથી) એક જ છે બધું પણ આ ફોટાને લીધે બધું જુદું દેખાય છે. સ્પેસ જુદી હોવાથી જુદું જુદું દેખાય છે. પશ્નકર્તા : પણ એ ફોટામાં (મંગળદાસમાં) આપણે (શુદ્ધાત્માએ) ક્યાં સુધી રાચવું ? દાદાશ્રી : જ્યાં સુધી (બાવાના) વિકલ્પો છે ત્યાં સુધી ફોટા (મંગળદાસ) છે. નિર્વિકલ્પી (શુદ્ધાત્મા) થયા એટલે નિર્વિકલ્પીને ફોટો તો હોય પણ એ ફોટો જતો હોય. જતો એટલે પરિણામરૂપે હોય. તે ઘડીએ કૉઝરૂપે ના હોય. નવો ફોટો ના છપાયેલો હોય. પશ્નકર્તા : જે વ્યક્તિ નિર્વિકલ્પ વક્તા છે, તેમની અને શ્રોતા વચ્ચે અભેદતા હોય છે પણ શ્રોતા એના રોજબરોજનાં જીવનમાં અટવાતાં, તેની અસર વધારે કેમ રહેતી નથી ? દાદાશ્રી : નિરંતર અસર રહે, એક ક્ષણ વાર બાદ નહીં તેવી. પશ્નકર્તા : આપનો એવો સામાન્ય અનુભવ છે ખરો ? દાદાશ્રી : સામાન્ય અનુભવથી જ બોલું છું આ. પશ્નકર્તા : આપને માટે નહીં, શ્રોતાઓને માટે. દાદાશ્રી : હા, શ્રોતાઓને માટે જ કહું છું. મારી પાસે શ્રોતાઓ (મંગળદાસ)ને તો નિરંતર (શુદ્ધાત્માથી) અભેદતા રહે. શ્રોતા નિરંતર 'એક ભાવ'ને (શુદ્ધાત્મા ભાવને) પામેલા છે. આ તો વાસ્તવિકતા છે, હકીકત છે. આ કંઈ પોલંપોલ નથી. તીર્થંકરોની અભેદતા કેવી ? પશ્નકર્તા : આ કાળમાં આપ ઉપદેશ આપો તો બધાને કંઈ કામ લાગી શકે ? દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ અમે એક ક્ષણવાર ના કરીએ, કોઈ દહાડોય. ઉપદેશ તો અહંકારી આપે. અમારે અહંકાર નહીં ને, એટલે દેશના હોય. પશ્નકર્તા : તમારી દેશના છે એમ શેના ઉપરથી કહ્યું ? દાદાશ્રી : કારણ કે વાણીના માલિક નથી ને ! અઠ્ઠાવીસ વર્ષથી આ વાણી નીકળ્યા કરે છે પણ અમે એના માલિક ના હોઈએ. ભગવાનેય વાણીના માલિક નહીં અને ક્રમિક માર્ગમાં તો ઠેઠ સુધી વાણીના માલિક. ત્યાં તો જ્યાં સુધી બારમા ગુંઠાણામાં ના આવે ત્યાં સુધી કોઈની દેશના ગણાય નહીં. કારણ કે બારમા ગુંઠાણામાં આવે ત્યારે છેલ્લો અહંકાર જાય. અને આ તો નિર્અહંકારી, એટલે આ ઉપદેશ ના કહેવાય. અમારામાં અહંકાર બિલકુલ હોય નહીં, એટલે અમે કહીએ છીએ ને, કે આ અમારું ટેપરેકર્ડમાંથી નીકળે છે. પણ તે તમે પ્રશ્શન પૂછો, એટલું જ અમારી પાસે નીકળે છે. આ રેકર્ડ બોલે એ તમે સાંભળો છો, એવું અમે પણ સાંભળીએ છીએ. આમાં 'આમ કરો કે તેમ કરો' એવું અમને આગ્રહ ના હોય. દેશનામાં કોઈ પણ પ્રકારનો આગ્રહ ના હોય. અમારે તો કશુંય દબાણ ના હોય. પશ્નકર્તા : એમાં એવું ખરું કે એનાં બધા પરિણામ બતાડે ? દાદાશ્રી : હા, બધું બતાડે. હિતાહિત બધું બતાડે. આખો નકશો બધું જ બતાડે. પણ તને અનુકૂળ આવે તો આ કર, નહીં તો પેલું કર. એટલે બે જણની દેશના હોય. એક, તીર્થંકર ભગવાનની દેશના હોય અને બીજું, ભેદવિજ્ઞાની પુરુષની દેશના હોય. પણ અમને આમાં 'હું' અને 'તમે' એવા ભેદવાળા ખ્યાલ સાથે રહે છે. પેલામાં તીર્થંકરોને એ ભેદનો ખ્યાલ ના હોય. અભેદતા હોય, વીતરાગતા રહે. એટલે અમારી કચાશ ક્યાં આગળ છે, તે અમારું આ ઓપન કર્યું. મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, જે બોલ્યા એ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલતી હતી અને આ અમારી પણ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. બાકી ક્રમિક માર્ગના જ્ઞાનીઓને એ બોલે એ ઓરિજિનલ ટેપરેકર્ડ ના હોય. એ તો પોતે જ, 'હું જ બોલ્યો' એમ કહેશે. છતાં એમનું જ્ઞાન જતું રહેતું નથી. એ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ જ કહેવાય. પણ 'હું બોલ્યો, મારાથી ખરાબ બોલાયું, મારાથી આ સારું બોલાયું' કહેશે. ક્રમિક માર્ગે અભેદતા કેમ પમાય ? પશ્નકર્તા : ક્રમિક માર્ગે તો ભેદ પાડીને ચાલવાનું છે, તો એ અભેદતામાં કેવી રીતે જાય ? દાદાશ્રી : જાય છેને પણ, રસ્તો છે ! ગયા છે પણ ! એટલે આ જ્ઞાન દશા થયેલી હોય તેને, બીજા કોઈથી ના બોલાય. આ જૈન પારિભાષિક શબ્દો શું છે ? એ છેલ્લી દશાવાળા જ બોલી શકે. ક્રમિક માર્ગના જ્ઞાની પુરુષોય ના બોલી શકે. કારણ કે જ્યાં સુધી સાઠ ટકાના જ્ઞાની હોય તો ચાળીસ ટકા અહંકાર ખુલ્લો હોય. ચાળીસ ટકા બાકી રહ્યું તેનો અહંકાર હોય. તે ત્યાં સુધી 'વ્યવસ્થિત' ના બોલાય. અહંકાર ડખો કર્યા વગર રહે નહીં. 'મારે કરવાનું રહ્યું' એવું કહે. એમને કરવાનું રહ્યું ને 'અહીં' કશું કરવાનું ના હોય. 'વ્યવસ્થિત' તો અહંકાર ખલાસ થઈ જાય પછી 'વ્યવસ્થિત' બોલાય. એટલે આ બધાને આપણે અહંકાર બંધ કર્યા પછી 'વ્યવસ્થિત' આપીએ છીએ. ક્રમિક માર્ગમાં પુરુષ (આત્મા) તરીકે કર્તા થાય નહીં અને આપણું જ્ઞાન તો બધા પુરુષ તરીકે કર્તા થયેલા. પ્રકૃતિ જુદી અને પુરુષ જુદો, પુરુષ તરીકે કર્તા થયા. જ્યારે પેલામાં પુરુષ થાય નહીંને ! એ તો ઠેઠ પૂરું થાય ત્યારે પુરુષ થાય. ટીકા ત્યાં નહીં અભેદતા પશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે 'આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે, આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.' તો નિંદા અને ટીકામાં ફેર ? દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા. પછી આગળ વાંચો. પશ્નકર્તા : 'કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનનેય બાધક છે, સમકિતનેય બાધક છે.' દાદાશ્રી : સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય, એ ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. ટીકા બધી રીતે બાધક છે. ટીકા કરવાની નવરાશ જ ના હોવી જોઈએ. આજ તો લોક તમારી ટીકા હઉ કરે. 'પોતે શું કરી રહ્યા છે ?' તેનું બિચારાને ભાન નથી, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો'કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં. આ દુખિયા લોક છે તે કરે તો ભલે અને એથી આનંદ રહેતો હોય તો કરે. ન કોઈ દિસે દોષિત આ જગમાં આ તો 'તારું ખોટું છે' એવું શેને માટે આપણે કહીએ છીએ કે તમને સમજવા માટે, આ બીજા લોકોની વાત કરીએ છીએ. બીજા લોકોની ટીકા કરવા માટે વાત નહીં કરવાની. ટીકા હોય જ નહીં કોઈ જગ્યાએ અને જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં. મારે કોઈની જોડે જુદાઈ ના હોય. સાધુ જોડેય જુદાઈ ના હોય, પણ આ તો મારે હકીકત કહેવી પડે કે આ ફૂલમાં સુગંધ છે અને આ ફૂલમાં સુગંધ નથી. અમે તો આ દુનિયાથી એક ક્ષણવાર જુદા રહ્યા નથી. કોઇ જીવથી, નાનામાં નાના જીવથી માંડીને કોઇની જોડે અમને જુદાઇ નથી. અને આ જગતમાં અમને કોઇ દોષિત દેખાતો નથી. અમને બાય રિયલ વ્યુ પોઇન્ટ પરમાત્મા દેખાય છે ને બાય રિલેટીવ વ્યુપોઇન્ટ નિર્દોષ દેખાય છે. શું દેખાય છે ? નિર્દોષ. ગમે તેવો તોય એ એનાં પોતાના દોષથી દોષિત નથી. પોતે એવા સંજોગોમાં આવી ગયો છે, તે દોષિત દેખાય છે, પણ ખરેખર દોષિત છે નહીં. પશ્નકર્તા : સેન્ટરમાં પહોંચે છે પછી દોષ રહેતો જ નથી. દાદાશ્રી : પછી દેખાય જ નહીં ને દોષિત ! પશ્નકર્તા : પણ ખરાબ માણસ વગોવાય એનો વાંધો શું ? દાદાશ્રી : નહીં, મારા નિમિત્તે ના બનવું જોઈએ. બધા બહુ વગોવનારા છે, બહાર બધા છે જ ને ! મારા નિમિત્તે ના થવુંુ જોઈએ. કારણ કે આ જગતમાં કોઈની સાથે મેં જુદાઈ રાખી નથી. કોઈ જીવમાત્ર સાથે મેં જુદાઈ રાખી નથી. એટલે મને વગોવવાનું તો ના જ શોભેને. આ તો તમને વાત કરું, વ્યવહારિક વાત વગોવાય તો નહીં જ. કારણ કે ગૉડ ઈઝ ઈન એવરી ક્રિચર વેધર વિઝીબલ ઓર ઈનવિઝીબલ. (જીવમાત્રની અંદર શુદ્ધાત્મા ભગવાન બિરાજેલા છે.) અભેદતા વર્તે તે શુદ્ધાત્મા પશ્નકર્તા : શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર શો ? દાદાશ્રી : શુદ્ધાત્મા તો ભગવાન છે. મહાત્મા તો, આ કોઈ પણ બીજા કરતાં જરા ટોપ હોય તો એને મહાત્મા કહેવાય છે. કષાય કરતો હોય ત્યાં સુધી મહાત્મા કહેવાય નહીં. 'ચંદુભાઈ' ક્રોધ કરે પણ 'પોતે' અંદરથી ના પાડ્યા કરે. 'અરેરે, આ કેમ થાય છે, આ ના થવું જોઈએ' એવું એને રહે. એ આંતરિક સંયમ કહેવાય. આંતરિક સંયમ રહે, એને મહાત્મા કહેવાય. બાહ્ય સંયમ તો હોય કે નાય હોય. આ તો વ્યવહારથી આપણે મહાત્મા કહીએ છીએ, પણ છે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ તમને પ્રતીતિ સ્વરૂપે થયેલાં છે. એ પ્રતીતિ જ્યારે પૂરી થશે, ત્યારે અનુભવ દશા સંપૂર્ણ થશે. અત્યારે પ્રતીતિ-લક્ષ-અનુભવ એ ચઢ-ઉતર થયા કરે, પણ સંપૂર્ણ અનુભવ વર્તે, જ્યારે બધાં જોડે અભેદતા લાગે, ત્યારે છે તે શુદ્ધાત્મા થઈ શકે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે. સમજણથી ન તૂટે અભેદતા પશ્નકર્તા : આપની દ્ષ્ટિમાં કેવું હોય ? આ લોકો (આપ્તપુત્રો, બ્રહ્મચારીઓ) કેવા તૈયાર થવા જોઈએ ? દાદાશ્રી : સેફસાઈડ ! બીજું જ્ઞાન ના હોય, તેનો વાંધો નહીં. બીજા લોકોને ઉપદેશ આપવાનો, એવું તેવું ના હોય તેનો વાંધો નહીં. એમના જે સિદ્ધાંતને એમાં સેફસાઈડ રીતે રહી શકે. પશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત ? દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું નહીં, બધી રીતનો સિદ્ધાંત. કષાય કોઈની જોડે ના થાય. કોઈની જોડે કષાય કરવો એ ગુનો છે. જ્ઞાન મળ્યા પછી કષાય કરવો, એ શોભે જ નહીં ને ! બ્રહ્મચર્ય અને કષાયનો અભાવ. પશ્નકર્તા : સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ? દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદાં માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે એે બુદ્ધિના આધીન છે એટલે. જુદાં માને ને ? આપણને બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા ! પશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ? દાદાશ્રી : એ સારું ઊલટું. એ તો એને બુદ્ધિ છે, એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ! પશ્નકર્તા : તો આપણે એની જોડે કઈ રીતે અભેદતા રાખવી ? દાદાશ્રી : પણ એ કરે છે, એ તો પરવશ થઈને કરે છે ને બિચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવાં. પણ આપણા પ્રયત્ન શું હોવા ઘટે કે આપણી જોડે અભેદતા જે એની છે એ તૂટવી ના જોઈએ. આપણી ગેરસમજણ અભેદતા તોડાવે એ ગુનો છે. સમજણ અભેદતા તોડાવે નહીં ને ! નિવેડો તો લાવવો તો પડશે ને ! પ્યૉર હાર્ટ ત્યાં જ એકતા એકતા આવી ગઈ એ 'હાર્ટની પ્યૉરિટી' (હ્રદયની ચોખ્ખાઈ) કહેવાય. મારે બધાંની જોડે એકતા આવી જાય, કારણ કે હાર્ટ 'પ્યૉર' જ છે ને ! મને તો બધા અભેદ જ લાગે. તમે કહો કે અમારે ત્યાં આવશો ? તો અમે આવીએ. અમે દરેક જગ્યાએ દર્શન કરવા પણ જઈએ. અમને કોઈ જાતનો વાંધો નહીં. અમને જુદાઈ લાગે નહીં, અમે પ્રેમ સ્વરૂપ થઈ ગયેલા, બધે પ્રેમ જ સ્વરૂપ. અમારે પ્રેમ સિવાય બીજું નહીં. પશ્નકર્તા : તમે દિલના એટલા પ્યૉર છો કે એક વખત મળ્યા પછી અલગ ન થઇ શકે. દાદાશ્રી : હં. એટલો બધો પ્યૉર છું ને, આખા બ્રહ્માંડ, આખી દુનિયાના જીવમાત્ર જોડે હું એક સ્વભાવે રહું છું. ફોરેનના હોય કે ગમે તે હોય, ક્રિશ્ચિયન હોય કે આફ્રિકન હોય પણ બધે એકતા જ, જુદાઇ નહીં. ગાય-ભેેંસ જોડે, કોઇની જોડે જુદાઇ નહીં, એકતા જ. એ જ પ્યૉર, શુદ્ધ પ્રેમસ્વરૂપ એ જ પરમાત્મા છેે. જે વધે નહીં, ઘટે નહીં એ પરમાત્મા. બંધાયા પ્રેમને તાંતણે પશ્નકર્તા : દાદા, એટલે તો અમને એમ થાય છે કે અમારે તમને ક્યાંય જવા દેવા નથી. દાદાશ્રી : ના, ના, ના જાય. લોકોનો એટલો બધો સખત પ્રેમ છે, એ પ્રેમ જ જીવાડી રહ્યો છે. સખત પ્રેમ, જબરજસ્ત પ્રેમ ! હંુ અહીં (અમેરિકા) આવવા નીકળું ત્યારે ત્યાં લોકો જે રડે છે, ખૂબ રડે છે. તે હંુ એમ કહંુ, હંુ તમારી જોડે જ રહીશ. એમ તેમ કરીને પટાવીને આવતો રહંુ. અટાવીપટાવીને આવું, શું થાય તે ? પશ્નકર્તા : દાદા, તમે બહુ નાટક કરો છો ? દાદાશ્રી : ના, પણ શું કરું તે પણ ? આ ડ્રામા (નાટક) છે. હંુ કહંુ છું ને ! આ વર્લ્ડ પોતે જ ડ્રામા છે. પણ (બાવો, એ.એમ.પટેલમાં) તન્મયાકાર રીતે રહું છું. અમારે (હું) તમારાથી જુદાઈ નથી. એટલે અમારું નાટક ખરેખર (સુપરફલ્યુઅસ રહીએ એવું) નહીં, (પણ હાર્ટિલી) એક્ઝેક્ટલી છે. જ્ઞાનીનો અભેદ પ્રેમ વિખૂટા નહીં પડવું, એનું નામ જ પ્રેમ. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ. અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. ભેદ હોય તો સારું કામ કરી આવે ને, તો ખુશ થઈ જાય. પાછો થોડીવાર પછી નબળું કામ, ચાના પ્યાલા પડી ગયા તો ચિડાઈ જાય. એટલે (આસક્તિવાળો) એબૉવ નોર્મલ, બિલો નોર્મલ થયા કરે. પેલું (પ્રેમવાળો) એ કામ જુએ નહીં. મૂળ સ્વભાવનાં દર્શન કરે. પશ્નકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય એ શું છે ? દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં અભેદતા હોય. એટલે જગત જોડે અભેદતા ક્યારે કહેવાય ? કે પ્રેમસ્વરૂપ થાય તો. આખા જગત જોડે અભેદતા કહેવાય. એટલે ત્યાં આગળ બીજું કશું દેખાય નહીં, પ્રેમ સિવાય. આસક્તિ ક્યારે કહેવાય છે ? કે જ્યારે કોઈ સંસારી ચીજ લેવી હોય ત્યારે. સંસારી ચીજનો હેતુ હોય ત્યારે. આ સાચા સુખને માટે તો ફાયદો થશે, એનો વાંધો નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઊઠી જશે. પશ્નકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના હ્રદયના જ પ્રેમનું પરિણામ છે એમ જ ? દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય. મારે વઢવું ના પડે. હું કોઈને લડવા માગતો નથી. મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે 'હું પ્રેમથી જગતને જીતવા માગું છું.' કારણ કે હથિયાર મેં નીચે મૂકેલાં છે. જગત હથિયારને લઈને એ સામા થાય છે. ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલાં છે એટલે હું વાપરતો નથી. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ડિપ્રેસ ન થઉં ને હાર ચડાવો તો એલીવેટ ન થઉં, એનું નામ પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ શુદ્ધ પ્રેમમાં નહીં. મનુષ્યો તો રૂપાળા હોય તોય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપોય રૂપાળો દેખાય. શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય. આ તો કુદરતનો 'લૉ' છે, નેચરલ લૉ ! કારણ કે (શુદ્ધ) પ્રેમ એ ખુદ પરમાત્મા છે. આસક્તિ ત્યાં ન અભેદતા વ્યવહારમાં અભેદતા રહે તેનું કારણ પણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં. જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે. અને પરમાણુ મળતાં ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય. માટે આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિમાં હિતાહિતનું ભાન ના હોય. પ્રેમમાં સંપૂર્ણ હિતાહિતનું ભાન હોય. આસક્તિ તો એબવ નોર્મલ અને બિલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈપણ જાતનો ફેરફાર થાય જ નહીં. આસક્તિ એ તો જડની આસક્તિ છે, ચેતનની તો નામેય નથી. સર્વમાં હું ભાળે તે પ્રેમમૂર્તિ હવે જેટલો ભેદ જાય, તેટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થવા માટે આપણામાં શું જવું જોઈએ ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે. એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આમાંથી જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે. તમને 'પોઈન્ટ ઓફ વ્યૂ' સમજાયું ? આ જુદી જાતનું છે અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. કહેશે, 'આ અમારું ને આ તમારું.' પણ અહીંથી જતી વખતે 'અમારું-તમારું' હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય. પ્રેમ એટલે આ બધું જ 'હું' જ છું, 'હું' જ દેખાઉં છું. નહીં તો 'તું' કહેવું પડશે. 'હું' નહીં દેખાય તો 'તું' દેખાય. બેમાંથી એક તો દેખાય જ ને ? વ્યવહારમાં બોલવાનું આમ કે 'હું, તું.' પણ દેખાવું જોઈએ તો 'હું' જ ને ! તે પ્રેમસ્વરૂપ એટલે શું ? કે બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું, અભેદભાવ જ માનવો. 'આ જુદાં છે' એવીતેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે. અમારે જ્ઞાનીઓને ભેદ ના હોય. ક્રાઈસ્ટ શું ને અલ્લાય શું ? ને કૃષ્ણ કે મહાવીરેય શું ? અમારે બધેય અભેદતા હોય. જ્યારે લોકોમાં ભેદબુદ્ઘિ તે આ અમારા ક્રાઈસ્ટ ને અમારા આ. ભેદબુદ્ઘિથી તો ઘઉંમાં કાંકરા નાખે છે ને ચોખ્ખાં ઘઉંમાં કાંકરા ભેળવે છે. સાત્વિક નહીં, શુદ્ધ પ્રેમ 'આ' પ્રશ્નકર્તા : અત્યારે દુનિયામાં બધા લોકો શુદ્ધ પ્રેમ માટે વલખાં મારે છે. દાદાશ્રી : આ શુદ્ધ પ્રેમનો જ રસ્તો છે. આપણું આ જે વિજ્ઞાન છેને, કોઈ પણ જાતની, કોઈ પણ પ્રકારની ઇચ્છા વગરનું છે. એટલે શુદ્ધ પ્રેમનો રસ્તો આ જાગ્યો છે. નહીં તો આ કાળમાં હોય નહીં. પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે. પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ અને સાત્વિક પ્રેમનો જરા ભેદ સમજાવો. દાદાશ્રી : સાત્વિક પ્રેમ એ અહંકાર સહિત હોય અને શુદ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય. સાત્ત્વિક પ્રેમમાં અહંકાર એકલો જ હોય. એમાં લોભ ના હોય, કપટ ના હોય, એમાં માન એકલું જ હોય. અહમ્ - હું છું, એટલું જ ! પોતાને અસ્તિત્વનું ભાન હોય અને શુદ્ધ પ્રેમમાં તો પોતે અભેદ સ્વરૂપ થઈ ગયા હોય. પ્રેમસ્વરૂપ થયે આવે અભેદતા ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે એને, તો પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ એટલે શું ? કે કોઈ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, જીવમાત્ર નિર્દોષ જ છે. મને કોઈ દોષિત દેખાતું નથી. દોષિત વિભક્ત અવસ્થાથી છે, વિભાજન અવસ્થાથી. ભેદ સ્વરૂપથી છે. ભેદબુદ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદબુદ્ધિ ગઈ, જેને અભેદતા ઉત્પન્ન થઈ ત્યાં દોષિત જેવું કશું છે જ નહીં. જગતમાં પ્રેમ જ છે. સારા દેખાય છે તેય ભ્રાંતિ અને દોષિત દેખાય છે તેય ભ્રાંતિ. બન્ને એટેચમેન્ટ-ડિટેચમેન્ટ છે. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જ્યારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. આ મારા-તારા એ ક્યાં સુધી લાગે છે ? કે જ્યાં સુધી બીજાને જુદા ગણીએ છીએ. એની જોડે ભેદ છે ત્યાં સુધી આ મારા લાગે છે તેથી. તે આ એટેચમેન્ટવાળાને મારા ગણીએ છીએ ને ડિટેચમેન્ટવાળાને છે તે પારકાં ગણીએ છીએ, એ પ્રેમ સ્વરૂપ કોઈ સાથે રહે નહીં. એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે. એટલે એ પ્રેમથી આપણને ત્યાં આગળ પોતાને બધું જ દુઃખ વિસારે પડી જાય. એટલે પ્રેમથી બંધાયું એટલે પછી બીજું કશું બંધાવાનું રહ્યું નહીં. પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ? જે અત્યાર સુધી ભૂલો થઈ હોય, તે માફી માંગી લઈએ ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. જેની જોડે પ્રેમ સ્વરૂપ થવું હોયને તે આ રીતે કરવું તો તમને પ્રેમ ઉત્પન્ન થશે. પ્રેમ કરવો છે કે નથી કરવો ? પશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : અમારી આ રીત હોય બધી. અમે જે રીતે તર્યા છીએ એ રીતે બધાને તારીએ. તમે પ્રેમ ઉત્પન્ન કરશો ને ? પ્રેમ સ્વરૂપ થઈએ ત્યારે સામાને અભેદતા હોય. બધા અમારી જોડે એ રીતે અભેદ થયેલા છે. આ રીત ખુલ્લી કરી નાખી. ને અભેદતા વર્તે વિશ્વ સંગે દુઃખ અડે નહીં ત્યારે જાણવું કે હવે સહજ પ્રકૃતિ થઈ ગઈ અને દહાડે દહાડે અભેદતા વધતી જાય. આ રૂમમાં જે બધા બેઠા છે તેની મહીં અભેદતા વર્તે પછી એમ કરતાં કરતાં આખા ગામ જોડે અભેદતા વર્તે. પછી આખા હિન્દુસ્તાન જોડે અભેદતા વર્તે, આખી દુનિયા જોડે અભેદતા વર્તે. બાળક જેવો નિર્દોષ થાય ત્યારે જ્ઞાન પ્રગટ થાય. ઘરમાં દશ માણસ હોય તો બધાને પોતાનાં જ માને છે. હવે આ બધું મારું જ છે ને અમે જ છીએ, અમે એક જ છીએ. એટલું માને છે તો આનંદ આવે છે તો આખું ગામને એક માને તો કેટલો આનંદ આવે ? અને જિલ્લાને આખો એક માને તો કેટલો આનંદ આવે ? અને ગાંધીજી આખા હિન્દને એક માનતા'તા તો એમને કેટલો આનંદ આવતો હશે ? પણ પછી માણસ શી રીતે થાકે ? અને અમને આખા બ્રહ્માંડનો આનંદ આવે છે, આખા વિશ્શવનો ! જો કે હવે આખું બ્રહ્માંડેય મારું છે. મારે તો કોઈ જગ્યાએ જુદાઈ છે જ નહીં પણ જેટલું અત્યારે દેખાય એટલું બાઉન્ડ્રી તો દેખાય એટલી જ ને ! બાઉન્ડ્રી કેટલી ? દેખાય એટલી જ. બધે ભાવથી બધે શું ? તમે આવ્યા તો તમને તમારી પૂરતી જ વાત કરુંને ? બીજા જોડે શી રીતે વાત કરું ? આમાં આવ્યો જ નહીં તે છતાંય મારો નથી એવું તો મારાથી કહેવાય નહીં. હું જીવમાત્ર સાથે અભેદભાવે રહું છું. અમેરિકામાં જઉં છું, આખો દિવસ બધેય ફરું છું અને અમેરિકાવાળાય લખીએ મોકલે છે કે તમે અમુક દિવસ આવીને મને છે તે વિધિ કરાવી ગયા. કંઈ ખબરેય ના હોય ત્યાંથી. એટલે અહીં કાયદો નહીં ! તેથી નો લૉ લૉ. કયો કાયદો ? નો લૉ લૉ. લૉ ખરો પણ નો લૉ. 'ફાઉન્ડેશન', અક્રમ વિજ્ઞાનનું જગતના શિષ્ય થવાની દ્ષ્ટિ વેદી નથી, તે જગતમાં 'મહાવીર' થઈ શકે નહીં. બાળક હોય, મૂરખ હોય, તે બધાનાં શિષ્ય થવાની દ્ષ્ટિ ! લઘુતમ એ તો આપણું કેન્દ્ર જ છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુરુતમ પ્રાપ્ત થાય. આપણી તો નવીન 'થિયરી'ઓ બધી, તદ્દન નવી ! આ વિજ્ઞાન કંઈ એમ ને એમ ફાઉન્ડેશન વગર નથી. 'આ' વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' શું ? લઘુતમભાવમાં રહેવું અને અભેદ દ્ષ્ટિ રાખવી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્ષ્ટિ રાખવી એ જ આ અક્રમ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. આમ તો આખા જગત જોડે અભેદ થવું ! ભેદ એટલે સંસાર અને અભેદતા એ પરમાત્માપણું ! જેટલી લોકોની જોડે અભેદતા વર્તે એટલું પરમાત્માપણું પ્રગટ થાય જય સચ્ચિદાનંદ |