અવળું-સવળું તે ન્હોય મારું સ્વરૂપ સંપાદકીય અનંત જન્મોથી લૌકિક દ્ષ્ટિથી અવળો ચાલતો જીવ જ્ઞાની પુરુષની કૃપા થતાં સવળીએ ચઢે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થકી અવળું જ્ઞાન છૂટે છે અને સવળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. 'હુ ચંદુભાઈ' નહીં પણ 'હુ શુદ્ધાત્મા છું' એનું ભાન થાય છે. દર્શનમોહ જાય છે અને ચારિત્રમોહ રહે છે. આ ડિસ્ચાર્જ મોહને જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહી સમભાવે નિકાલ કરી નાખવાનો રહે છે. નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયા પછી પણ ફાઈલ નં. ૧થી 'અવળા-સવળા' કર્મો થયા કરવાના, કારણ કે પ્રકૃતિ ઉકલી રહી છે. જેવી આપણી પ્રકૃતિ ઉકલે છે તેમ બીજાની પણ પ્રકૃતિ ઉકલી રહી છે અને એ પરપરિણામ સંયોગાધીન છે. તત્ત્વ દ્ષ્ટિએ તો શુદ્ધાત્મા અને સંયોગ બે જ વસ્તુ છે. સંયોગ અવળોય નથી ને સવળોય નથી. અવળું-સવળું એ પૌદ્ગલિક ભાવ છે. સંયોગો વિયોગી સ્વભાવના છે. એ એમની જગ્યા ખાલી કરવા આવેલા છે. એટલે આપણે અદીઠ તપ કરવાનું. જે મોક્ષમાર્ગના પ્રવાસીને ચોથો પાયો મજબૂત કરવામાં પૂરક બની રહે છે. 'હુ શુદ્ધાત્મા છું' એ પ્રતીતિ પ્રાપ્ત થઈ ગઈ. હવે જાગૃતિ થકી આદરાતો પુરુષાર્થ એ સવળું આવવાની ક્રિયા કહેવાય છે. પોતે શુદ્ધાત્મા એક્ઝેક્ટ થાય નહીં, જ્યાં સુધી પૂર્ણ અનુભવ દશા પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી જેટલું અવળું ચાલ્યા હતા તેટલું પાછું સવળું આવવું પડે. હવે જ્ઞાન પ્રાપ્તિ પછી અવળા કરેલા તેને સવળા કરવાની જરૂર છે. સમભાવે નિકાલ નથી કર્યો માટે સમભાવે નિકાલ કરવાની જરૂર છે. એટલે ગુણાકાર કરેલી રકમને ભાગાકાર કરીને અને ભાગાકાર કરેલી રકમને ગુણાકાર કરીને નિઃશેષ કરવાની રહે છે. આપણે હવે કઈ જાગૃતિ રાખવાની રહે છે કે કંઈ પણ અવળી અસર કરે એ આપણું ન્હોય અને આપણું એ અવળી અસર કરે નહીં. આપણું ધ્યેય પ્રતીતિની પૂર્ણાહુતિ કરવાની છે એ ના ભૂલવું જોઈએ. આત્માની આરાધના એ અનુભવની વસ્તુ છે. આ ભવે જ અનુભવની શ્રેણી ચઢતા ચઢતા સ્પષ્ટવેદન સુધી પહોંચવું છે એ નિશ્વયની પૂર્ણાહુતિ માટે જેટલી આજ્ઞા પળાતી જાય તેમ તેમ આવરણ તૂટતા જાય ને જાગૃતિ વધતી જાય અને એમ પછી અનુભવ શ્રેણી ચઢતા જાય. આત્માની અનુભવની કક્ષા કોને કહેવાય ? આ જે બધું રિલેટીવ છે, તે અસર થાય છે ત્યાં સુધી નિર્બળતા છે. જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે તે એ અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ કહેવાય. અંતે તો એ અનુભવ દશામાં આવવાનું છે કે અવળા-સવળા બન્નેય પુદ્ગલ પરિણામ છે અને એ પરિણામોનો જ્ઞાતા-દ્રષ્ટા એવો હંુ કેવળ શુદ્ધાત્મા છું. પ્રસ્તુત સંકલન સહુ મહાત્માઓને અંતિમ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચવા માટેના પુરુષાર્થ કરવામાં સહાયક બની રહેશે એ જ અભ્યર્થના. દીપક દેસાઈ આત્મચિંત્વના કોની ? પ્રશ્નકર્તા : આત્મા ચિંતવે તેવો થઈ જાય, તો તે ચિંતવે છે કોણ ? દાદાશ્રી : 'પ્રતિષ્ઠિત આત્મા' જ ચિંતવે છે. 'મૂળ આત્મા' તો કશું ચિંતવતો જ નથી. ચિંતવવાનો જે ભાવ કરે છે ને તે જ 'પ્રતિષ્ઠિત આત્મા' છે. 'દરઅસલ આત્મા' તો એવો છે જ નહીં. એ તો પ્યોર ગોલ્ડ (શુદ્ધ સોનું) જ જોઈ લો. એટલે આપણે શું કહીએ છીએ કે શુદ્ધનું ચિંતવન કરીશ, તો તે રૂપ થઈશ અને બીજું ચિંતવન કરે તો તેવું થાય. પ્રશ્નકર્તા : પણ એ ચિંતવન તો 'પ્રતિષ્ઠિત આત્મા'નું જ ને ? દાદાશ્રી : હા, એનું જ. પેલો મૂળ આત્મા તો કશું જ કરતો નથી. 'પ્રતિષ્ઠિત આત્મા' જો 'આમનો' થઈ જશે તો 'શુદ્ધાત્મા' થઈ જઈશ ને અવળો થશે તો અવળું થશે, એવું આપણે કહીએ છીએ. એટલે આ જગતની પ્રતીતિ અવળી બેઠી કે સવળી બેઠી છે, એના ઉપરથી ચાલ્યું. અવળી બેઠેલી પ્રતીતિ આ સંસારમાં ભટક્યા જ કરે અને સવળી બેઠી એટલે મોક્ષે લઈ જાય. બેસાડનાર નિમિત્તની જરૂર છે. સ્વ-ભજના સ્વરૂપજ્ઞાન પછી હવે સ્વરૂપજ્ઞાન મળ્યું ત્યારથી તમારે શુદ્ધાત્માનું ચિંતવન થયા કરશે. છતાં જે લાગે છે કે, 'હું આમ છું', 'મને આમ થયું', આ બધો મોહ છે. આ સત્સંગ કરીએ છીએ, તે પણ બધો મોહ જ છે પણ આ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ કોને કહેવાય ? કે સમભાવે નિકાલ કરી નાખીએ, તો એ ઊડી જ ગયો. એ પછી આપણને અડે નહીં અને પેલો ખરો મોહ તો પોતાને ચોંટ્યા વગર રહે જ નહીં. આ દર્શનમોહ ગયેલો એટલે ચારિત્રમોહ એકલો બાકી રહ્યો. એને 'ડિસ્ચાર્જ' મોહ કહેવામાં આવે છે. જ્ઞાન ન હોય તેને તો હવે 'ડિસ્ચાર્જ મોહ'માં તો 'હું આમ છું ને તેમ છું' એવી બધી કલ્પના રહ્યા કરે. તેથી તેવો થઈ જાય પાછો અને સ્વરૂપ જ્ઞાન પછી 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું રહ્યા કરે. એટલે શુદ્ધ થયા કરે અને 'ચંદુલાલ'(વાચકે ચંદુલાલની જગ્યાએ પોતાનું નામ સમજવું)ને તો જે થવાનું હોય તે થાય, જે એનો પ્રકૃતિ સ્વભાવ છે એ તો નીકળવાનો જ. 'તેને' ને 'તમારે' લેવાદેવા નથી. ફક્ત એનો નિકાલ કરી નાખવાનો છે. આપણો હાથ કાપી નાખે, ગમે તેટલું તોફાન કરે તોય તેને બીજી દ્ષ્ટિથી ના જુઓ. તેને શુદ્ધાત્મા દ્ષ્ટિથી જુઓ. અવળો વિચાર આવ્યો એટલે અવળું 'વ્હીલ' ફર્યું. અવળા વિચારે સંસાર બંધાયો, સવળા વિચારેય સંસાર બંધાયો ને 'અવિચારે' મોક્ષે જાય ! અવળું-સવળું એ પ્રકૃતિ માત્ર (સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયા પછી) 'હું શુદ્ધાત્મા છું' બોલ્યો, ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો, 'હું આમ છું, તેમ છું' એ બધું વિકલ્પ. એનાથી બધો સંસાર ઊભો થાય. અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાંય છે તે આ ચંદુભાઈને તો બેઉ કાર્યો ચાલુ રહેવાનાં. સારાં ને ખોટાં બેઉ ચાલુ રહેવાનાં કે નહીં રહેવાનાં ? અવળું-સવળું બેઉ કર્યા વગર રહે નહીં, પ્રકૃતિનો સ્વભાવ. કોઈ એકલું સવળું કરી શકે નહીં. કોઈ થોડું અવળું કરે, કોઈ વધારે અવળું કરે. ના કરવું હોય તોય થઈ જવાનું એટલે એ શું કહે છે કે 'તું શુદ્ધાત્મા છું' એ નક્કી કરીને આ બધું અવળું-સવળું 'જો'. કારણ કે તેને અવળું થયું એટલે તારા મનમાં એમ કલ્પના નહીં કરવાની કે મારે અવળું થયું. મારો શુદ્ધાત્મા બગડ્યો. શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો અવળું-સવળું થાય છે, એ તો પરિણામ આવેલાં છે. પહેલાં ભૂલ કરી'તી તેનાં પરિણામ છે. એ પરિણામને જોયા કરો, સમભાવે નિકાલ કરો અને અવળું-સવળું તો અહીં આગળ લોકોની ભાષામાં છે. ભગવાનની ભાષામાં અવળું-સવળું કશું છે જ નહીં. પ્રશ્નકર્તા : આપણે જે બોલીએ છીએ કે 'હું શુદ્ધાત્મા છું' એ પ્રતિષ્ઠિત આત્મા બોલે છે ? દાદાશ્રી : એ બોલે નહીં. આત્મામાંથી પ્રજ્ઞા છૂટી પડી, તે એ બોલે છે કે 'હું શુદ્ધાત્મા છું' અને પ્રતિષ્ઠિત આત્માને એ જુએ છે કે આ ભમરડો શું કરી રહ્યો છે ! એ શુદ્ધાત્મા થઈને જુએ છે. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જુએ છે ? દાદાશ્રી : અત્યારે પ્રજ્ઞા જ બધું કામ કરી લેવાની. જ્યાં સુધી મોક્ષે ના જઈએ, જ્યાં સુધી આ સામાન (ડિસ્ચાર્જ કર્મો) છે ત્યાં સુધી પ્રજ્ઞા. આ સામાન બંધ થયો કે પ્રજ્ઞા મહીં શુદ્ધાત્મામાં ભેગી જ થઈ જાય. અવળું કે સવળું ચાલતું હોય પણ... જ્ઞાતા-દ્રષ્ટા થયો કે સમકિત થઈ ગયું. શું શું થઈ રહ્યું છે એનો જ્ઞાતા-દ્રષ્ટા થયો, કર્તાપણું છૂટ્યું એટલે થઈ ગયું. મહીં છૂટેલું ને છૂટેલું જ રહેવું જોઈએ. ફરી પાછો લબદાવો ના જોઈએ. છૂટેલો રહે એટલે પંદર ભવે તો મોક્ષે લઈ જ જાય, ગમે તેવું હોય તો પણ. પ્રશ્નકર્તા : એકવાર છૂટે તોય પંદર ભવે મોક્ષે લઈ જાય ? દાદાશ્રી : હા, છૂટેલો જ રહે તો અવળું ચાલતું હોય કે સવળું ચાલતું હોય પણ એ મહીં છૂટેલો રહે તો, છૂટી જાય પંદર ભવે. પ્રશ્નકર્તા : એવું છૂટેલું રહે તો ? દાદાશ્રી : એટલે જ કાળજી રાખવી પડે. એ બહુ લબદાયેલા હોય છે. પછી ખાતરી શી રીતે રહે, ગમે તેવું હોય તોય ? પ્રશ્નકર્તા : હવે એવી ખાતરી થાય છે કે છૂટી જવાશે. દાદાશ્રી : ચોક્કસ છૂટી જવાશે. પણ આ આપણી દ્ષ્ટિફેર ના થવો જોઈએ. પ્રશ્નકર્તા : ના થાય. કો'ક વખત આમ અમુક ક્ષણ થઈ જાય પણ પછી પાછું ઠેકાણે આવી જાય. દાદાશ્રી : હા, આવી જાય. આમ લપસી જવા ફરે, પણ પોતે દ્ષ્ટિ છોડે નહીં એટલે થઈ ગયું. આ જ્ઞાન આપણું એવું છે કે તન્મયાકાર થાય નહીં. સામાને ખબર ના પડે, પણ આ જ્ઞાન જ પોતે એવું છે. સ્વાભાવિકથી જ, કે જેમ એક દહીં હોય ને ખૂબ એને ઘોળીને વલોવી નાખીએ પછી માખણ કાઢી અને પાછું ફરી છાશમાં નાખીએ અને ફરી વલોવીએ તો પેલું માખણ ફરી એક ના થઈ જાય, જુદું જુદું રહ્યાં કરે. એવી રીતે આ અમે જે આત્મા આપ્યો છે ને, તે જુદો ને જુદો રહ્યાં કરે છે, ભેળસેળ થાય નહીં. પોતે ગૂંચાય તોય તન્મયાકાર ન થાય. પણ એ ગૂંચાય છે તે ભાગ કાઢી નાખવો પડે, શંકા પડતો ભાગ સત્સંગમાં આવીને સમજીને કાઢી નાખવો પડે. એટલું સવળું ચાલે ત્યારે ઉકેલ આવે પ્રશ્નકર્તા : આપણે જે 'હું શુદ્ધાત્મા છું'નું ધ્યાન ધરીએ છીએ તે ઘડીએ 'હું શુદ્ધાત્મા છું' જે બોલે છે તે પુરુષ બોલે છે કે પ્રકૃતિ બોલે છે ? દાદાશ્રી : એ તો 'હું' બોલે છે, 'હું'. જે સ્વરૂપ આપણે 'હું' થયા તે બોલે છે. પહેલાં 'હું' છે તે 'ચંદુભાઈ છું' બોલતા હતા. હવે 'હું' શુદ્ધાત્મા થયા, તે બોલે છે. પહેલાં 'હું' છે તે 'હું' આરોપિત ભાવમાં હતું, તે સ્વભાવમાં આવી ગયું. એ પોતે પુરુષ જ બોલે છે. પ્રશ્નકર્તા : આ વિધિ કરીએ છીએ ત્યારે 'હું શુદ્ધાત્મા છું' એવું બોલીએ છીએ ત્યારે શું થાય છે ? દાદાશ્રી : બહારનો ભાગ સ્થિર થઈ જાયને ત્યારે એ સ્થિરતાનો એને અનુભવ થાય. પ્રશ્નકર્તા : એટલે ત્યાં વધારે સ્થિર થાય ને બહાર વધારે અસ્થિર રહે એમ ? દાદાશ્રી : અહીં (આત્મામાં ઉપયોગ) મૂકે એટલે સ્થિર થઈ જાય. સ્થિર થાય એટલે ત્યાં આગળ આપણી વાત પહોંચે. આપણે 'શુદ્ધાત્મા' બોલીએ તે ત્યાં આગળ સ્વભાવને પહોંચે અને દહાડે દહાડે આવરણ તૂટતાં જાય. પ્રશ્નકર્તા : આ 'હું' જે છે એ પ્રકૃતિ છે કે આત્મા છે ? દાદાશ્રી : 'હું' ? 'હું' શબ્દ વસ્તુ જુદી છે, પણ 'હું'નો દુરુપયોગ થયો છે. 'હું' શુદ્ધાત્મામાં, આત્મામાં વપરાય તો વાંધો નથી અને બીજી જગ્યાએ, આરોપિત ભાવે વપરાય તો અહંકાર કહેવાય. એટલે જગત અહંકારી છે. અને 'હું' ગુરુ થયો પાછો, એટલે ગુરુ એટલે ભારે ને ભારે એટલે ડૂબે ! એટલે આ 'હું છું' તે અવળી જગ્યાએ વપરાતું હતું. અસ્તિત્વ તો છે જ. પોતે 'હું છું' એમ છે જ પણ 'હું શું છું ?' એ ભાન નહીં હોવાથી 'હું ચંદુભાઈ છું', 'હું ડૉક્ટર છું', 'હું ક્લેક્ટર છું', 'આમનો સાળો થાઉં, આમનો બનેવી થાઉં.' આવું બોલ બોલ બોલ કરતો હતો. તે બધું ખોટું નીકળ્યું. હવે 'હું શુદ્ધાત્મા છું' એ સાચું નીકળ્યું. અવળું જવાની ક્રિયા હતી, તે સવળું આવવાની ક્રિયા કહેવાય છે આ. પોતે શુદ્ધાત્મા 'એક્ઝેક્ટ' થાય નહીં ત્યાં સુધી જેટલું અવળું ચાલ્યા હતા, તે પાછું સવળું આવવું પડે. 'હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' બોલેલા તે એટલું જ પાછું આપણે 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બોલીએ ત્યારે ગાડું આગળ ચાલે. પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર જ બોલે છેને ? જે અવળો ચાલ્યો હતો તે જ હવે... દાદાશ્રી : 'હું', પોતે જ 'હું' બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે. અહંકાર ના બોલે. 'હું', 'હું' પોતાનું સ્વરૂપ જ. હવે સ્વરૂપ જાતે બોલે નહીં. પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. શુદ્ધાત્મા આપણે બોલીએ છીએ, તે શુદ્ધાત્માય પોતે શબ્દ નથી. હવે તમારી શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ 'હું'નુું અસ્તિત્વ, 'હું શુદ્ધાત્મા છું' એ જ ભાન છે. ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગે. એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવાદેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ, 'એ'(ભાન) થાય. આ બધું વચગાળાનું કહેવાય છે. પ્રકૃતિ કેવી રીતે બદલાય ? પ્રશ્નકર્તા : વરસોથી જે પ્રકૃતિ સ્વભાવ પડ્યો હોય એ કેવી રીતે બદલાય ? દાદાશ્રી : આપણી પ્રકૃતિને આપણે જાણીએ કે આ પ્રકૃતિમાં આ ભૂલ છે. એટલું જાણીએ એટલે બસ, એ બદલ્યો કહેવાય. ભૂલને ભૂલ જાણો તો બહુ થઈ ગયું. ભૂલને ભૂલ જાણવી એ જ મોટો પુરુષાર્થ છે. પ્રકૃતિ તો હોય, પ્રકૃતિ બદલાય નહીં ! એ પડી ગયેલી (બંધાઈ ગયેલી) પ્રકૃતિ જાય નહીં. પ્રશ્નકર્તા : પ્રકૃતિને જોવાથી પ્રકૃતિના દોષો ઓછા થઈ જાય ? દાદાશ્રી : એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથીને ! આપણી કાઢવાની ભાવના હોય તો ઓછાં થઈ જાય ને ના કાઢવાની ભાવના હોય તો રહે. પ્રશ્નકર્તા : પણ એ તો પ્રકૃતિમાં ઘણાં ગુણો સારા પણ છે અને ઘણાં અવળા પણ છે. દાદાશ્રી : બધા કાઢવા હોય તો બધા કાઢવાના, નહીં તો અમુક થોડા અવળા એકલા કાઢવાના, જે આપણને દુઃખદાયી હોય. અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે. સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ !!! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ દુનિયામાં ! સમકિત એટલે સવળી દ્ષ્ટિ. આ અવળી દ્ષ્ટિ તો શું કરે ? 'આણે મારું નુકસાન કર્યું, આણે મને ફાયદો કર્યો, આણે મારું અપમાન કર્યું, મને દુઃખ દીધું, આણે સુખ આપ્યું' કહેશે. દુઃખ દેનારો કે સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર ! બધું અંદર જ છે. ક્રોધ-માન-માયા-લોભ એ જ દુઃખ આપનાર છે અને એ જ તમારા દુશ્મન છે. બહાર કોઈ દુશ્મન નથી. બહાર તો નિમિત્ત છે. દ્ષ્ટિ અવળી છે તે નિમિત્તને બચકાં ભરાવડાવે છે. સમકિત થાય તો જાણવું કે ઉકેલ આવ્યો. નિશ્ચય તો કરવો જ પડે પ્રશ્નકર્તા : તમે ઘણીવાર એમ કહો છો, કે ભાવ કરો, હવે તો તમે આ જ્ઞાન આપો ત્યારે ભાવ તો તમે કાઢી નાખો છો ! દાદાશ્રી : આ ભાવ તો નિશ્ચય છે. પુરણ ભાવ ઊડી ગયો, ગલન ભાવ રહ્યો. જીવતો ભાવ ઊડી ગયો, નિર્જીવ ભાવ રહ્યો હવે, ડિસ્ચાર્જ ભાવ. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ ભાવમાં પછી કરવાનું કંઈ રહ્યું નહીં ને ? એ તો એની મેળે થયા જ કરે છે ને ? દાદાશ્રી : પણ ભાવ નક્કી કરવો જોઈએ ને ! આપણે જે ગામમાં જવું છે એ નક્કી તો કરવું પડે ને ! પ્રશ્નકર્તા : એટલે ભાવનો અર્થ નિશ્ચય થયો ? દાદાશ્રી : જે ના થતું હોય તેનો આપણે નિશ્ચય કરવો પડે. હા, નિશ્ચય કરો તો થાય ને ! વ્યવસ્થિતમાં છે એમ કરીને બેસી રહીએ તો ચાલે કંઈ ? એ તો વ્યવસ્થિતનો અર્થ એવો નહીં કરવાનો ! બધું થયા કરે છે, પણ એવું ના બોલાય કે બધું થયા કરે છે, એટલે પ્રયત્નને ખસેડ્યો કહેવાય. એટલે પોતે શું થાય છે એ જોયા કરે તો વ્યવસ્થિત છે. પણ એવું ભાન હોય નહીં. અને પછી કહે, બધું ચાલ્યા જ કરે છે, એવું તેવું બોલે તો અવળું થાય બધું. 'ચંદુભાઈ શું કરે છે' એ તમારે જોયા કરવાનું. એટલું જ તમારે કરવું જોઈએ. 'આપણે' પુદ્ગલ પક્ષને નહીં લેવાદેવા પ્રશ્નકર્તા : દાદા, જે આત્મા આપ્યો છે ને, એનો પૂરેપૂરો અનુભવ આમ કેવી રીતે આખો દિવસ રહે ? દાદાશ્રી : હા, પણ અવળો રહેતો હતો, તે સવળો રહેવા માંડ્યો એટલે આપણે પૂછી પૂછીને આગળ ચાલવા માંડીએને ! પેલું પાંચસોની ખોટવાળું હોય તે નિકાલ આવી ગયો પણ જેમાં પાંચ હજારની ખોટ ગઈ હોય એ વાર લાગે, તે આપણે જોયા જ કરવું પડેને ! પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : જેના ઉપર ભાવ હતો, તેની ઉપર જ અભાવ કરવાનો છે. એટલે અભાવ રહેતો હોય તો આપણે જાણવું કે અહીં ભાવ બહુ રહેતો હતો, તેનું આપણને કડવું મળે છે. એ પક્ષમાં બેસીએ એટલે સમજાય નહીં. સ્વતંત્ર થવું હોય તો એ બધું સમજી જવાય એવું છે. એના પક્ષને આપણે કામ જ શું છે ? નહીં લેવા, નહીં દેવા. ક્રિયા અહંકારની ને આપણે તેના જ્ઞાતા પ્રશ્નકર્તા : રોજિંદા વ્યવહારની બધી ગોઠવણી કરતી વખતે શુદ્ધ ઉપયોગમાં રહી શકાય ખરું ? દાદાશ્રી : વ્યવહાર કરતાં શુદ્ધ ઉપયોગમાં રહી શકાય એવું પૂછે, એ શુદ્ધ ઉપયોગને જાણતો નથી કાં તો વ્યવહારને જાણતો નથી. પ્રશ્નકર્તા : એનો ડિફરન્સ જરા સમજાવો. દાદાશ્રી : દરેક વ્યવહાર, ક્રિયા અને જ્ઞાતા બેઉ સાથે જ ચાલે. બેનો સાથે જ વ્યવહાર હોય. પ્રશ્નકર્તા : વ્યવહારમાં એ બેનું સાથેપણું હોય જ ? દાદાશ્રી : હોય જ, બધું સાથે જ છે પણ એની એને જાગૃતિ નથી. પ્રશ્નકર્તા : એટલે દાદા, વ્યવહાર જે કરે છે, ક્રિયા જે કરે છે તે અને જે જ્ઞાતા જુએ છે, એ બન્ને જુદા જ છે પણ સાથે છે. દાદાશ્રી : વ્યવહાર એ ક્રિયા કહેવાય અને આ ઉપયોગ એ જ્ઞાન કહેવાય. એક બાજુ જુઓ ને એક બાજુ ક્રિયા થાય, બન્ને સાથે જ ચાલે. જુદું જુદું ચાલે નહીં કોઈ દહાડો. દરેક ટાઈમમાં આત્મા હાજર હોય જ. આત્મા ગેરહાજર થાય નહીં, ક્રિયા ગેરહાજર થાય. પ્રશ્નકર્તા : દરેક ક્રિયા વખતે જાગૃતિ રાખવી એ મુખ્ય વસ્તુ થઈને ? દાદાશ્રી : જાગૃતિ રાખવાની હોય નહીં, એ હોય જ. આ તો અવળા ડાફાં મારે એટલે પછી ઊંધું થઈ જાય. આત્મા છે તે બીજે ક્યાં ગયો ? એ ક્રિયા કરતી વખતે કોણ કરે છે પછી ? અહંકાર ક્રિયા કરે, એને જ્ઞાતા જુએ. બરોબર ક્યાં નહોતું ને ક્યાં બરોબર થઈ ગયું ? એવી શું ચૂક થઈ ગઈ ? એ બધું આત્મા જુએ. એની એને ખાત્રી થઈ જાય પછી. અવળી અસર કરે એ આપણું ન્હોય આપણું વિજ્ઞાન શું કહે છે કે આ લાઈન ઓફ ડિમાર્કેશન પડી. પછી આ છોડવો આપણો નહીં. એને આપણો માનીએ તો દુઃખ થાય. આ છોડવો કેમ સૂકાયો ? અલ્યા ભઈ, પણ ન્હોય આપણો. આ તો બીજાનો છે. આપણું નહીં તેને આપણું માનીએ ત્યાંથી ભૂલ થાય છે. પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવ્યો કે એને છોડી જ દેવું કે આપણું છે નહીં પછી શું ? એ તો માલિકી લઈને બેઠા હતા. દાદાશ્રી : આપણે માલિકી છોડી દેવાની. વગર કામનું આ બોજો.... પ્રશ્નકર્તા : દાદા, આપે જ્ઞાન અમને આપ્યું તે વખતે તો અમે સમર્પણ કરી દીધેલું છે, પણ છાનાછપનાં અમે લઈ જઈએ પાછાં. દાદાશ્રી : કારણ કે અવળો અભ્યાસ છે. દાક્તરે કહ્યું હોય કે જમણા હાથે જમશો નહીં. જરા અહીંયાં થયું છે એ દુખાવો વધી જશે. તોય પાછું જમતી વખતે મહીં જમણો હાથ પેસી જાય. એટલે લાઈન ઓફ ડિમાર્કેશન નાખેલીને, એ 'આપણું ન્હોય.' અને એટલું ખ્યાલમાં રાખવું કે જે કંઈ દુઃખ આપે, કંઈ અવળી અસર કરે એ 'આપણું ન્હોય.' અને આપણું એ અવળી અસર કરે નહીં. બસ, આ બે વાત સમજી લો. સહેલી છે ને, બસ ! શક્તિઓના આવરણનું કારણ પ્રશ્નકર્તા : એટલે જે જુએ છે એ તો કશું બોલતા જ નથી, ખાલી જુએ જ છે. દાદાશ્રી : જુએ જ છે. એનો ઉપરી કોઈ નથી. એને કોઈ વઢનાર ના હોય, કશું ના હોય. અનંત શક્તિઓ પડેલી છે. પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને, એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. ચંદુભાઈનું રક્ષણ કરો છો ને ? ઉઘાડે છોગે કરો છો ને ? એટલે જ શક્તિઓ ખીલતી નથી ! આ આજ્ઞા પાળીને રહે ને, તોય નિરંતર સમાધિ જાય નહીં. 'તમે' તમારી ખુરશી ઉપર અને 'ચંદુભાઈ' એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાવ છો, તેની આ ઉપાધિ છે. પહેલાંની ટેવ પડેલી છે તે ! તમારે તો બહારથી ખસી જઈને પોતાની સીટ ઉપર બેસવાનું છે. હવે આપણી સીટ કઈ ? મહીં ચાર-પાંચ જાતની સીટો છે. તે આપણી કઈ સીટ કે જ્યાં એકદમ ઇઝી લાગે, એ આપણી સીટ. સહેજ ઘસારો લાગે તો જાણવું કે આ બીજી સીટ આવી. ખૂંચે તો જાણવું અગર શોક લાગે તો સમજી જવું કે આ શોક લાગ્યો. એ બધી સીટ ઉપર નહીં બેસતાં, આપણી સીટ ઉપર બેસવું. કો'ક તો મસાલો ચોપડે, 'ચંદુભાઈ સાહેબ, તમે તો બહુ લાયક માણસ છો, ઘણા સારા છો.' પણ એ ચોપડે તો આપણે ચોપડાવવું ? ચંદુભાઈ એ સીટ આપણી નથી. ત્યાંથી તો દાદાએ ખસેડ્યા. 'હું ચંદુભાઈ છું' એટલે તો માર ખાતા હતા. અવળા વિચારે જાણો કે સીટ બદલાઈ કંઈ પણ ભોગવટો આવે, તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી ન્હોય. તે ત્યાંથી ઊઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવું. આપણી સીટ ઉપર બેસી જવું પણ તું તો ત્યાં બેસી રહું છું, જાણે ડબલ ચાર્જ આપવાનો હોય એ રીતે ! કંઈ પણ મન અવળું વિચાર કરે કે તરત જ આપણે જાણવું કે આ બીજી ઊંધી સીટ ઉપર છું, આ મારી સીટ ઉપર નથી. પોતાની સીટ ઉપર જતા રહેવું તરત. બહુ વાર બેસી રહું છું, નહીં ? પ્રશ્નકર્તા : હા, દાદા. એવું થાય છે. દાદાશ્રી : તેથી તારું મોઢું બગડેલું દેખાય છે. મેં કહ્યું, 'આ મોઢું કેમ બગડેલું છે ?' કોઈ પણ અડચણ આવે, તો આપણી પોતાની સીટ ઉપર જતું રહેવું તરત. જે દોષો થઈ ગયાં તેની પાછી માફી માંગવાની. જગત ગૂંચાયા કરવા જેવું ન્હોય. ગૂંચામણ થાય, કશું શરીરમાં ગૂંચાવા માંડ્યું કે તરત ઊઠીને આપણી ખુરશી પર બેસી જવું. એને 'જોયા' કરવું, 'ચંદુભાઈ, તમે કેમ ગૂંચાવ છો?' કહીએ. ચંદુભાઈ આડા થાય ત્યારે પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પણ ક્રોધ આવે તો એ પણ ડિસ્ચાર્જ કહેવાય ? દાદાશ્રી : ક્રોધ કોને આવે છે, એ 'જોઈ' લેવું. પ્રશ્નકર્તા : બહુ વખત આવ આવ કરે તોય ડિસ્ચાર્જ કહેવાય ? દાદાશ્રી : સો વખત આવે કે પાંચસો વખત આવે તે બધુંય ડિસ્ચાર્જ જ કહેવાય ને ! આપણે એવું કહેવું જોઈએ કે 'ચંદુભાઈ, બહુ અકળાય અકળાય કરો છો, તે બધાની માફી માગો.' તમે કહેતા નથી એવું ? ભૂલ તો એક્ઝેક્ટ થઈ ગયેલી. પ્રશ્નકર્તા : આપણે એને બહુ કહીએ, ચંદુભાઈને આપણે બહુ ઠપકો આપીએ તોય એ આડા થાય તો શું કરવું ? દાદાશ્રી : તો આડા થયા, તે 'જોયા' કરવાના. કરવાનું કશું હોય નહીં. આત્મામાં કરવાની શક્તિ જ નથી. આત્મા અક્રિય સ્વભાવનો છે ને જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી છે. બધું કરવાનું છે તે આ પુદ્ગલનું છે. જે જડ (મેટર) વસ્તુ છે, એની છે ને ક્રિયા બધી. પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને બીજાને ગોથું વાગી જાય તો શું કરવું પછી ? દાદાશ્રી : માફી મંગાવવી. 'આડા થઈ ગયા, એની માફી માગો' કહીએ. આ અક્રમ વિજ્ઞાન કેટલું સુંદર છે કે તમારે કશું કરવાનું નહીં અને ઊલટું 'ચંદુભાઈ'ને કહેવાનું, ઠપકો આપવાનો, 'તમે આની જોડે શું કરવા ચિડાયા ? આવું કેમ કરો છો ?' કહીએ. 'ચંદુભાઈ'ને કહેવું કે 'તારું કહ્યું હું બધું કરીશ પણ એક કલાક અમારા કહ્યા પ્રમાણે રહેજે.' એક કલાક દાદાની આજ્ઞામાં રહેવાનું ને પછી 'ચંદુભાઈ'ના કહ્યા પ્રમાણે કરવાનું. એનેય પાછું જોવાનું. ધ્યેયથી વિરૂદ્ધ કરાવતા હોય તો નહીં માનવાનું. અવળા-સવળા ભાવ પુદ્ગલના પ્રશ્નકર્તા : એક દાખલો એવો આપ આપતા હતા કે રાત્રે બાર વાગ્યે કોઈ આવે અને આપણો ભાવ ના બગડે એ પુરુષાર્થ અને અસર જ ના થાય એનું નામ પરાક્રમ. દાદાશ્રી : તે ભાવ આપણે નહીં કરવાનો, એ તો આપણે જોવાનું. અવળો ભાવ ન થાય, તો એ અવળો ભાવ આપણે નથી કરતા. એ જે ભાવ કરે છે તે જુદો છે, આપણે તો જોવાનું. એ અમે તમને દાખલો આપીએ, તો જ તમે સમજોને, નહીં તો શી રીતે સમજો ? અવળો ભાવ કરો એટલે એ કરનાર છે તે પુદ્ગલ ને તમે શુદ્ધાત્મા. અવળો ભાવ કરે છે, તે પુદ્ગલ કરે છે ને સવળો કરે છે તેય પુદ્ગલ કરે છે. પણ એ સવળો કે અવળો ભાવ કરે, તેના જાણનાર તે શુદ્ધાત્મા. પણ તેય અમે તમને એવું જ કહીએ ને, તમે અવળો કર્યો એટલે એ જો સવળો કરીને આવે તો તે, બેય તમારે જોવાના. પણ અવળો ન હોવો જોઈએ, એવું કહેવા માંગીએ છીએ અને અવળો હોય તોય પણ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ. દુશ્મન સામો આવીને ઊભો રહે ને અણગમો થાય કે તુર્ત જ વારણ મૂકી દેવું, તેના માટે સહેજ પણ અવળો વિચાર આવવા દેશો નહીં. સામો 'અનંત ઉપકારી છે' એમ માનજો. ભરેલો માલ નીકળવો જ જોઈએ પ્રશ્નકર્તા : દાદા, જે પ્રસંગ બન્યો હોય, એ આપણા ધ્યેયને નુકસાન કરતો હોય, એને આપણે વિચારે કરીને આખો એને સમજી લઈએ. જેથી ફરી એ વસ્તુ ના બનવી જોઈએને ? દાદાશ્રી : ના, એ બને જ, બનવી જ જોઈએ. ના બને તો ખોટું કહેવાય. મહીં જેટલો માલ ભરેલો છે એટલી બનશે. નહીં ભરેલો હોય એ નહીં બને. તારે તો પ્રતિક્રમણ કર્યા કરવાના. ના બનવી જોઈએ, એ પાછો કરનાર કોણ છે આનો ? કરનાર તો અકર્તા કિરતાર થયો. આ તો સમજણ નહીં ત્યારે આવું બોલે છે ને ! પ્રશ્નકર્તા : દાદા, એવું થઈ જાય છે. તેથી મેં પૂછ્યું, કે આ ફરી આવું કેમ થઈ જાય છે ? દાદાશ્રી : આપણે ઊંધું ને અવળું કરેલું એટલે પછી શું થાય ? દરેક કામમાં ના થાય, અમુક જ કામમાં થાય. પ્રશ્નકર્તા : એ બોધ લેવાની અને તારણ કાઢવાની એ શક્તિ કેવી રીતે ખીલે, દાદા ? દાદાશ્રી : છે જ શક્તિ મહીં. બોધેય લીધેલો છે. ખોટું છે એય જાણે છે પણ અટકે નહીં ને ? માલનો જથ્થો વધારે ભરેલો, તે અટકે નહીં અને ઓછો ભરેલો હોય તો અટકી જાય. પ્રશ્નકર્તા : અમારું સ્વરૂપ આટલું બધું શુદ્ધ થશે ત્યારે અમારો એક-બે અવતાર પછી મોક્ષ થશે ને ? દાદાશ્રી : સ્વરૂપ તો શુદ્ધ થઈ ગયું. હવે દુકાન કાઢવાની બાકી રહી છે. દુકાનદાર માણસ હતો, તે દુકાન વધાર્યા કરતો હતો. પછી મહીં થાકી ગયો અને બહુ દુઃખી થયો. ત્યારે કહે, 'બળી, હવે દુકાન કાઢી નાખવી છે.' એટલે દુકાન કાઢી નાખવાની શરૂઆત કરી. પણ એ પૂરેપૂરી કાઢી શી રીતે નાખે ? એ તો કોઈ જ્ઞાની પુરુષ આ જન્મમાં મળી આવે તો. જ્ઞાની પુરુષ એના રસ્તા દેખાડે કે દુકાન કેવી રીતે પછી કાઢી નાખવી ! જે બધી શરતો જ્ઞાની પુરુષે કહી હોય, એ શરતોથી પછી બધો સમભાવે નિકાલ કરી નાખવો. આમ અજ્ઞાનતાથી અવળું વીંટે આ મન-વચન-કાયા, એ વ્યવસ્થિતના તાબે જ છે અને વ્યવસ્થિતની પ્રેરણાથી જ આ મન-વચન-કાયા ચાલી રહ્યાં છે, એમાં કહે છે, 'મેં ચલાવ્યું, હું ચલાવું છું.' એવા આમાં સ્પંદન કરવાની જરૂર નથી. તું શા માટે સ્પંદન કરે છે ? તું તારા સ્વરૂપમાં રહે. તું શું કરવા ઈગોઈઝમ (અહંકાર) કરે છે ? આપને સમજાયું ને, કે હું શું કહેવા માંગું છું ? આ બધું 'વ્યવસ્થિત'ને જ તાબે છે અને વ્યવસ્થિત જ ચલાવી રહ્યું છે. વ્યવસ્થિત જ રહે છે. પણ એ જ્ઞાન આ બધા લોકોને અપાય એવું નથી. કારણ કે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય, જ્યાં સુધી 'હું શું છું' એવું નક્કી ના થાય ત્યાં સુધી આ 'વ્યવસ્થિત'નું જ્ઞાન આપીએ તો પોતાની જાત સિવાયનું આની બહારનું બધું વ્યવસ્થિત કહે અને એટલે પછી સૂઈ રહે. કહેશે, કશો વાંધો નથી. એટલે અવળા ભાવ કરે અને એનો આવતો ભવ બગડે. આ ભવમાં ના બગડે. કારણ કે આ ભવમાં ના બગડે એવું વ્યવસ્થિત છે. એ બહુ સમજવા જેવું છે. એ વાત બહુ ઊંડી છે. સવળો સંજોગ પામ્યા 'વ્યવસ્થિત'ની શોધથી પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિત છે, એનાં શું કોઝ પડેલા ? દાદા ક્યાંથી વ્યવસ્થિત શોધી લાવેલાં ? દાદાશ્રી : આ અવતારોથી એ જ શોધતો હતો કે આ શેનાં આધારે ચાલી રહ્યું છે. લોક કહે છે કે મારા કર્મો ચલાવે છે. તો મૂઆ, સૂર્ય-ચંદ્ર કોણે ગોઠવ્યા ? આ બધી મુશ્કેલી ઊભી થાય છે તો ખરેખર કોણ કરે છે ? હુ ઈઝ રિસ્પોન્સિબલ ? તે આ વ્યવસ્થિત એટલે ઘણાં અવતારની શોધખોળ છે. બહુ ઊંચી શોધખોળ આપી છે આ કાળમાં. તેથી અમે કહ્યું છે ને, ૮૦ હજાર વર્ષ સુધી આ જ્ઞાનનો પ્રભાવ રહેશે, પછી તીર્થંકરો થશે એટલે આ પ્રભાવ ઊડી જશે. તીર્થંકર હોય તો બીજાની જરૂર નહીં. જ્યાં સુધી એવાં પુરુષ ના હોય ત્યાં સુધી આ ગુંચવાડો લોક શી રીતે કાઢે ? દિવસ જ શી રીતે કાઢે ? મહીં વિચાર અવળો આવ્યો, તે દહાડો શી રીતે કાઢવો ? અને અમનેય ખબર ન્હોતી કે આવું કોઈ જ્ઞાન પ્રગટ થવાનું છે. પણ આ વ્યવસ્થિત અમારી ઘણાં અવતારની શોધખોળ હતી. કેટલાય અવતાર તો અમે કોઈ પણ ક્રિયા વગર જ સંસારમાં રહ્યા છીએ. એને જોવા માટે, તપાસવા માટે કે ચાલે છે કે બંધ થઈ જશે. પ્રશ્નકર્તા : કોઈ પણ ક્રિયા વગર ? દાદાશ્રી : એટલે બધો હિસાબ કાઢીને પછી જડ્યું કે ધીસ ઈઝ ધ ફેક્ટ (આ સત્ય છેે). પછી એ ફેકટ તમને આપ્યું છે. એમ ને એમ તો આપીએ તો લોક માર્યા જાય. ઊંધે રસ્તે ચઢાવ્યા કહેવાય. આ પાછું જ્ઞાન આવરાઈ જવાનું. જ્ઞાન તો પ્રગટ થાય છે, પાછું આવરાઈ જાય. આવરાઈ જાય એ પાછું આમનું ચાલતું ચાલતું તેનું છે તે ઘસિયું ગાડું ચાલ્યા કરે પાછું. આમાં પુણ્યશાળી લોકો લાભ ઉઠાવીને ચાલ્યા જશે. ન દેખાય અંધારું પ્રકાશને કદિ પ્રશ્નકર્તા : અજ્ઞાની 'વ્યવસ્થિત'ની બહાર જઈ શકે ? દાદાશ્રી : વ્યવસ્થિત તો કેવું છે ? ડિસ્ચાર્જ એકલું જ વ્યવસ્થિત છે, ચાર્જ વ્યવસ્થિત નથી. પ્રશ્નકર્તા : નવું ચાર્જીંગ ગમે તે થાય. દાદાશ્રી : ગમે તેવું થઈ જાય. કો'કે સળી કરી કે નવી જ જાતનું. ચંદુભાઈ સવળો ચાલે તો આપણે છૂટીએ જે વ્યવસ્થિત થતું હોય તેનું અવ્યવસ્થિત આપણે ના કરવું. પ્રશ્નકર્તા : વ્યવહારમાં કો'ક વખત હજી એવું થઈ જાય છે તો શું કરવું ? દાદાશ્રી : સાંજે ચંદુભાઈને થોડો ઠપકો આપવાનો, એવું એકાદ મહિનો ઠપકો આપીએ એટલે બંધ થઈ જાય. એવું છે, કે વ્યવસ્થિતની બહાર વ્યવહારમાં કશું થતું જ નથી. અને વ્યવહાર જેટલો ફેરવવા જાય છે ને તેટલો મહીં ભરેલો અહંકાર છે. એટલે એટલું આપણે સમજી લેવાનું કે આ વ્યવસ્થિત છે તેનું આપણે અવ્યવસ્થિત કરીને શું કામ છે ? તેમ છતાં બોલાઈ જવાયું, તે પહેલાંનો ભરેલો માલ છે. કારણ કે આપણું આ અક્રમ છે ને, તે કર્મો ખપાવ્યા વગર આવ્યા છીએ એટલે ભરેલો માલ નીકળે. પ્રશ્નકર્તા : પણ કોઈ વખત જાણી જોઈને કહેવું પડે એટલા માટે કહું છું. દાદાશ્રી : ના, કહેવા માટે તો આ જગતમાં કંઈ છે જ નહીં. એ પૂછે તો કહેવા જેવું. એ પૂછે કે આ શું કરવાનું છે ? ત્યારે આપણે કહેવાનું. બાકી, મનમાં તો ઇચ્છા કેવી રાખવી કે આ ના પૂછે તો સારું. પેલું તો વગર પૂછ્યે જ માલ આપ આપ કરીએ. ઘરાક ના કહે ને આપણે માલ આપ આપ કરીએ તો ઘરાકને અકળામણ ના થાય ? તે ઘરાક પછી આપણને માથામાં જ મારે. પણ એ પૂછે તો જવાબ દેવો પડે. અમને કોઇક પૂછવા આવે તો અમે જાણીએ કે આ વળી ક્યાં ઉપાધિ આવી ? ધર્મની બાબત પૂછવા આવે તો ઠીક છે, પણ વ્યવહારની બાબત પૂછવા આવે તો તો ઉપાધિ સ્વરૂપ લાગે. પણ અમે વ્યવહારમાં કશું બોલીએ નહીં ! મીઠું વધારે હોય તોય અમે બોલીએ શું કરવા તે ? બોલીએ તો ઉપાધિ થાય ને ? વ્યવહાર તો વ્યવસ્થિત જે પ્રમાણે ચલાવે છે એ શુદ્ધ વ્યવહાર છે અને તેમાં 'આપણે' ડખો કરીએ એ અશુદ્ધ થયું. એટલે ડખો કરવો નહીં ને ડખો થઇ જાય તો કર્મો ખપાવ્યા વગરનાં છે એટલે થઇ જાય છે. તો સાંજે આપણે પા કલાક બેસી અને ચંદુભાઈને ઠપકો આપવાનો. આપણે કહેવાનું કે 'જો તમે વગર કામનાં તે વખતે બાબા જોડે માથાઝીક કરી હતી. આ વહુ જોડે માથાઝીક કરી. આ ખોટું કર્યું, આમ ના કરવું જોઈએ, આવું કરાતું હશે ?' તે ચંદુભાઈને ઠપકો આપીએ ને મહિના સુધી ઠપકો આપીએ તો ચંદુભાઈનું બંધ થઈ જાય. ચંદુભાઈ પણ સમજુ છે, પણ ઠપકો આપનાર જોઈએ, કોઈ વઢનાર તો જોઈને ! એટલે આપણે ઠપકો આપવાનો. નહીં તો અવળું માનીને એ અવળું ચાલ્યા કરે અને ચંદુભાઈનું અવળું ચાલ્યું એટલે આપણુંય અવળું ચાલ્યું. અહીં પૂના જવાનું હોય તેને બદલે ચંદુભાઈ અમદાવાદની ગાડીમાં બેઠાં, તો પછી આપણેય અમદાવાદ જવું પડેને ? માટે ચંદુભાઈ સવળાં ચાલે એવો રસ્તો આપણે કર કર કર્યા કરવાનો. તે ચંદુભાઈયે છૂટે અને આપણેય છૂટીએ. પ્રશ્નકર્તા : આપણે સમજીએ છીએ કે આ અહંકાર છે, છતાં એ ચઢી બેસે છે. દાદાશ્રી : ચઢી બેસે છે તેનો વાંધો નથી. ચઢી બેસે છે તે તો હકીકત બની. એમાં આપણું કંઇ ચાલે નહીં. પણ સાંજે ઠપકો આપીએ ને ? આપણે નોંધ રાખીએ કે 'અમુક ટાઇમે આમ કર્યું હતું, અમુક ટાઇમે આ કર્યું હતું, આ ભઇ જોડે અમથી વગર કામની માથાફોડ કરી હતી.' એ બધાનો ચંદુભાઈને ઠપકો આપીએ એટલે આપણે છૂટી ગયાં. પછી આપણે જવાબદાર ના રહ્યાં, અને એટલે ચંદુભાઈની જવાબદારી છૂટી જાય છે. કારણ કે આપણી જવાબદારી છૂટી ગઇ કે ચંદુભાઈની જવાબદારી પણ છૂટી ગઈ અને કોઈને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે તો કહીએ કે, 'ચંદુભાઈ, અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.' પ્રશ્નકર્તા : વ્યવહાર વધી જાય એટલે આજ્ઞામાં ઓછું રહેવાય. દાદાશ્રી : એ જેટલો છે એટલો વ્યવહાર જ છે, બીજો નવો કંઈ ઉત્પન્ન થવાનો નથી. માટે આ બધો ઉકેલ થાય છે. ગભરાવાનું કોઈ કારણ નહીં. બધી આજ્ઞા પળાય એવું નક્કી કરવું. જેટલા સંજોગો એટલી ફાઈલ અને તે વિયોગી સ્વભાવના છે. માટે સમભાવે નિકાલ કરજો. અવળાને સવળા કરવાની જરૂર હવે પ્રશ્નકર્તા : આપણે આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાની કેમ જરૂર પડે ? દાદાશ્રી : પહેલાં અવળો કર્યો છે, એટલે હવે સવળો કરવાની જરૂર છે. સમભાવ નથી કર્યો અને ઊંધા રસ્તે કર્યો છે, માટે હવે સમભાવ કરીએ. પહેલાં ગુણાકાર કરેલી રકમ હોય, તેનો આપણે ભાગાકાર કરીએ એટલે હતી તેની તે જ આવી જાયને અને પહેલાં ભાગાકાર કરેલી હોય, તેનો ગુણાકાર કરીએ તો ફરી એની એ આવી જાયને ! એટલે એ બેઉને નિઃશેષ કરી નાખવાના. એટલે સમભાવે નિકાલ કરવાનો. ચીકણી ફાઈલોની સામે સમભાવ ચીકણી ફાઈલ આપણી નજીકમાં જ હોય પાછી, બહાર આઘીપાછી ન હોય. ચીકણી એટલે આમ ધો ધો કરીએને, સાબુ લઈને ધોઈએ તોય ના જાય. જેમ ડામરવાળું કપડું થયું હોયને, એને સાબુ ઘસીએ તો શું થાય ? ઊલટો ડામર સાબુ પર ચોંટી જાય. આ આવી ફાઈલો ! ત્યાં આગળ જાગૃતિ મૂકવી પડે છે કે સાહેબ, હવે હું શું કરું ? મારો તો સાબુ ઊંચા ભાવનો અને આ સાબુ ઘસ્યો તો સાબુને આ ચોંટે. જ્યારે જ્ઞાની પુરુષ ઘાસલેટ લાવશે એની મહીં બોળી નાખવાનું. બે લીટર બગડે, પણ આ બોળી નાખવાનું કે પત્યું. જ્ઞાની પુરુષ રસ્તો દેખાડે. નહીં તો એ પાણીએ જાય નહીં. જેમ જેમ પાણી રેડો તેમ વધારે ચીકણું થાય. આપણા લોકો પાણી રેડ રેડ કરે, ચીકણી ફાઈલ માટે ! ન તોડાય ભાવ, સમભાવનો પ્રશ્નકર્તા : હવે એ ફાઈલ મોક્ષમાર્ગમાં રૂકાવટ કરતી હોય અને સમભાવે નિકાલ થતો નથી, તો એ ફાઈલને પછી લાલ લૂગડે બાંધીને અભરાઈ ઉપર મૂકી દઈએ. પછી કહીએ, 'હું જ્યારે સાવધાન થઈશ ત્યારે જોઈશ. પણ હમણાં તું જા.' તો ચાલે કે ના ચાલે ? દાદાશ્રી : એવું કંઈ કરવાનું નહીં. 'સમભાવે નિકાલ કરવો છે' એવી તમારે ભાવના રાખવાની, બીજું કશું નહીં. એટલે સામા માણસને માટે આપણો ભાવ બગડે નહીં. નિકાલ થયો કે ના થયો, એની તમારે શી ભાંજગડ ? સહેલું મૂકીને અઘરું શું કરવા કરો છો ? એટલે આવું સરળ છે, સહેલું છે. સરળ એટલા માટે કે આજ્ઞા જ તમારે પાળવાની છે. તમારે બીજું જોવાનું નથી. બીજું તો માણસથી બની શકે નહીં. આમ સમભાવે નિકાલ ના થાય ત્યારે શું કરવું ત્યાં? માથું ફોડવું ? નાળિયેર વધેરીએ એમ કંઈ માથું વધેરાય? જે થયું એ સાચું, કરેક્ટ. પણ તમારો ભાવ એક્ઝેક્ટ હોવો જોઈએ. પ્રશ્નકર્તા : કેટલીક વખત અમે એવું આપની પાસેથી માગીએ છીએ કે દાદા, આ ફાઈલોનો નિકાલ કરવા માટેની આપ શક્તિ આપો. દાદાશ્રી : હા, એ માંગણીય કરવી. પણ માંગણી કરીને પાછાં આપણા કામમાં પડી રહેવું. માંગણી છોડવી નહીં. માંગણી તો ફાઈલ જોરદાર હોય એટલે આપણે માંગણી કરવી પડે. પણ માંગણી કરીને રાહ નહીં જોવાની. રાહ જોવી એ ગુનો છે. પ્રશ્નકર્તા : દાદા, એવું છે કે સામાના મનનું સમાધાન જ્યારે ના થાય ત્યારે બૂમો પાડે ? દાદાશ્રી : એવું કશું નથી ! એ બૂમો બધું કર્મના આધીન પાડે છે. સમાધાન થયા પછીય પાડે, બળ્યું. આપણે શું નક્કી કરવાનું કે દરેક ફાઈલનું સમાધાન કરવું છે. એ સામે ગમે તે થાય, એ વળી ગમે તે હોય તો પણ સમાધાન જ કરવું તેવો નિશ્ચય રહેવો જોઈએ. થયું કે ના થયું એ જોવાનું નહીં. એ તો કયા કર્મને ઉદયે શું થાય એ તને ના સમજણ પડે. પણ આ તમે કોઈકનો ગુનો નહીં કરવાનું નક્કી કર્યું, ત્યારથી જ તમે બિનગુનેગાર ઠર્યા. ગમે તેવી ખરાબ ફાઈલ હોય, ગમે તેવી સારી હોય, મારો ગુનો હોય કે એનો ગુનો એ મારે જોવાનું નહીં, ફાઈલનો સમભાવે નિકાલ જ કરવાનો મારો ધર્મ. આપણે નક્કી કર્યું છે એટલે પછી વાંધો જ નહીં. આપણે જવાબદાર કેટલા છીએ, આપણે નક્કી નથી કર્યું તેના જવાબદાર છીએ. લોક તો અવળા જોડે અવળું, સવળા જોડે સવળું, ઊંધું-છતું કર કર કરે, પણ આપણે તો અવળા જોડેય સવળું રહેવું જોઈએ ને સવળા જોડેય સવળું રહેવાનું ને બધાં જોડે સવળું રહેવું છે. કારણ કે આપણે બીજા ગામના પ્રવાસી છીએ, આ ગામના પ્રવાસી નથી. આપણે મોક્ષમાર્ગના પ્રવાસી છીએ, સંસારમાર્ગના પ્રવાસી નથી. સંસારમાર્ગના પ્રવાસી હોય તો ખોટું છોડવાનું ને સારું કરવાનું છે પાછું. પ્રશ્નકર્તા : દાદા, છતાં કો'ક દિવસ ચંદુભાઈ એકદમ બોમ્બ ફોડી દે છે. દાદાશ્રી : એ તો ફૂટી જાય, વાંધો નહીં. એવું ગભરાવાનું નહીં રાખવાનું. ફૂટી જાય તેય જોવું કે 'ઓહોહો ! ચંદુભાઈ, તમારું તો કહેવું પડે.' ચંદુભાઈ જોડે જરા માથાકૂટ કરવી, તેય બહુ વઢવું નહીં. આપણો નિશ્ચય ના તૂટવો જોઈએ. આ આવો ને આની ભૂલ, તારી ભૂલ છે ને મારો શાનો ગુનો ? એ બધું ના હોવું જોઈએ. ભૂલ આપણી જ. કોની ભૂલ છે, તેનો સવાલ નથી. સમભાવે નિકાલ કરવાનો. ફાઈલોનો વિલય ક્યારે ? પ્રશ્નકર્તા : દાદા, જે આપણી આ વ્યવહારની ફાઈલો ખરી, ચીકણી ફાઈલો કહીએ, તો એનો સંપૂર્ણ વિલય થયો ક્યારે કહેવાય ? દાદાશ્રી : આપણે માટે એ અવળું બોલે તોય મનમાં દુઃખ ન થાય તો આપણે વિલય થઈ ગયો. આપણા તરફનું પહેલું થાય, પછી એના તરફનું થઈ જાય. એક બાજુ આપણે છે તે અવાજ કરીએ એટલે પેલું પ્રતિઅવાજ થાય પણ અમુક હદ સુધી. પછી આપણો અવાજ બંધ થઈ જાય એટલે પછી એ બંધ થઈ જાય. એટલે આપણને એ ગમે તે અવળું-સવળું કરે તોય પણ એની પર દ્વેષ ન થવો જોઈએ. એટલે આપણું છૂટી ગયું. પ્રશ્નકર્તા : આપણા તરફથી વિલય થઈ ગયો હોય, પણ સામા તરફથી થયો નહીં હોય તો ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. દુઃખ આપણા તરફથી ના થયું હોય, તો દુઃખ આપણને થાય નહીં. આપણને દ્વેષ હોય તો દુઃખ થાય. દ્વેષ ના હોય તેને દુઃખ જ નહીંને ! શું બની રહ્યું એ જ ન્યાય પ્રશ્નકર્તા : પણ દાદા, અહીંયા એવું બને છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ સોંપેલું હોય અને દાદાને જોયા એટલે કામ બાજુ ઉપર મૂકી અને ત્યાં જતા રહે છે, હવે એનું શું કરવું ? તો એવું મારામાં ના થવું જોઈએ ને કે આ દાદાનું કામ હું કરી રહ્યો છું તે દાદા જ છે અહીં આગળ અને મારે ન જવું જોઈએ ત્યાં આગળ. દાદાશ્રી : એવું દરેકની પ્રકૃતિ ના હોય ને ! પ્રશ્નકર્તા : દાદા, પણ આ તો સર્વાંશ એવું થયું છે, પેલી ગોપીઓની માફક થઈ ગયું છે. આ તો ગોપીઓની માફક ધણી ને એનું ઘર-બર બધું મૂકીને એકદમ દોડતી દોડતી બધી જાય, એવી બધાની દશા થઈ ગઈ છે. દાદાશ્રી : આ આમ જ હોય. આ જે છે ને એ જ ન્યાય છે. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે છે. કોઈ એકલો ભાત જ ખાતો હોય એ કહેશે કે હવે બધાને ભાત જ ખવડાવો, તો શું રહે ? ભાત આપણી પાસે આવે ભાગ્યે ! એ બધું હિસાબ છે તે પ્રમાણે ! અને આપણે કોઈને તેડી લાવીએ ને, તેનેય કહી દેવું કે આ લોકોને એવી કંઈ કશી પડેલી નથી, એટલે છેવટે આવું હોય, તેવું હોય, તેને એ જોશો નહીં. એમની પાસે વીતરાગતા જોવા જેવી છે. હા, અહીં તો આવું જ હોય. પ્રશ્નકર્તા : પણ ડિસિપ્લીન રાખવાથી નુકસાન શું છે ? શા માટે ના રાખવી જોઈએ ? દાદાશ્રી : એને માટે કર્તા આત્મા મૂકવો પડે. પ્રશ્નકર્તા : કર્તા મૂકવો પડે ત્યાં આગળ અને એ તો શક્ય જ નથી, આ જ્ઞાનમાં એ શક્ય જ નથી. દાદાશ્રી : અને પેલું તો જે છે એ નીકળે છે. પ્રશ્નકર્તા : આ શંકાનું સમાધાન થઈ ગયું, દાદા. પણ આ પેલા સંસ્કારો છે તે એને ગોદ-ગોદ કર્યા કરે છે. દાદાશ્રી : આ છે એ બરોબર છે. અમેય હિસાબ કાઢી નાખેલો ને, પહેલાં અમને મનમાં એમ લાગેલું કે આવું અવળું કેમ થાય ? પછી કાઢી નાખેલું આ. આ તો નિવેડો લાવવાનો છે. અહીં તો વીતરાગતા જોવાની છે, પ્રેમ જોવાનો છે. અવળું-સવળું એ પૌદ્ગલિક ભાવ પ્રશ્નકર્તા : અવળા સંયોગોમાં ચેતનભાવ પૌદ્ગલિક ભાવને પામે છે. પછી જાગૃતિ આવે છે કે પૌદ્ગલિક ભાવ પામ્યા તો ત્યાં જાગૃતિ માટે શું કરવું ? દાદાશ્રી : એવું છેને, શુદ્ધાત્મા અને સંયોગો, બે જ છે. એમાં કોઈ અવળોય નથી ને સવળોય નથી. સંયોગ આપણે એને અવળો કહીએ ત્યારે અવળો થાય ને સવળો કહીએ ત્યારે સવળો થાય. કડવું ને મીઠું બે તો રહેવાનું જ, પણ આ કડવું કહે તો કડવું લાગે, ઇફેક્ટ થાય ત્યારે. કડવું-મીઠું તો રહેવાનુંને ! સૌ સૌનો સ્વભાવ છે. પ્રશ્નકર્તા : એટલે અવળું કે સવળું એ જો દેખ્યું તો તે પૌદ્ગલિક ભાવ આવી ગયો. દાદાશ્રી : અવળું-સવળું એ જ પૌદ્ગલિક ભાવ. અવળું છે જ નહીં. આ દેખાય છે તે જ હજુ કચાશ છે. સંયોગો છે અને પાછાં વિયોગી સ્વભાવવાળા છે. કોઈ કહેશે કે, સાહેબ, અહીં દેવતા પડ્યો અને આ બાજુ બરફ પડ્યો. બેઉમાં ફેર નથી ? ત્યારે કહે, ફેર ખરો, બેઉ સંયોગો જ છે. પણ અવળા-સવળા કોઈ છે જ નહીં અને પાછાં વિયોગી સ્વભાવના છે. બરફ અહીં પડ્યો હોયને, તો કોઈ ખસેડી ના નાખે. અહીં દેવતા પડ્યો હોય તો હું ના ખસેડું તો બીજા ખસેડી નાખે. એટલે એ સંયોગો એમની જગ્યા ખાલી કરવા આવેલા છે. તો પછી તમારે ધીરજ તો પકડવી પડેને, ત્યારે તપ કરવાનું ભગવાને કહ્યું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને તપ. એ અવળો નથી, તમારે તપ કરવામાં કચાશ છે. ચાર પાયા તો કરવાં જ પડે ને ? ત્રણ પાયાનો ખાટલો હોય તો એક બાજુ પડી જ જાય ને ! ચાર પાયાનો ખાટલો જોઈએ. તેથી લખ્યુંને કે, દાદા અદીઠ તપ કરે છે. અદીઠ તપ એ છેલ્લું તપ કહેલું છે. અમે છેલ્લું તપ કર્યા કરીએ. આત્મા ને અનાત્માના બેના સાંધા વચ્ચે, અનાત્મા ભણી જાય જ નહીં. ફોરેન ડિપાર્ટમેન્ટમાં જાય જ નહીં, હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે. ત્યાં તપ રાખવાનું, એ અદીઠ તપ. તે તમારે આ તપમાંથી તપતાં તપતાં પછી આગળ અદીઠ તપ સુધી આવે. તપથી પ્રગટે આત્મઐશ્વર્ય પ્રશ્નકર્તા : દાદા, તે અદીઠ તપ કરીએ, તે કર્તાપદમાં નહીં જાય ? દાદાશ્રી : ના, અદીઠ તપ એટલે આત્માનું જ તપ, પુરુષનો પુરુષાર્થ. દાક્તરે કહ્યું હોય કે હવે બે દા'ડા ટકે એવો નથી અને પેલો ટકે એવો હોય, એના મનમાં એમ થાય કે વળી આ હારુ શું થશે ? તે મહીં ઘાલમેલ ઘાલમેલ કર્યા કરે, એ ઘડીએ તપ કરવાનું. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાં કૂદાકૂદ કરે, તે જોયા કરવાનું. આપણી વાત છે કે બીજી ચીજની છે ? હા, તો ટકવાની. તો એ જશે તો જશે પણ આપણે તપ કર્યા કરવાનું. આપણી વસ્તુઓ પ્રગટ થાય છે. ઊલટું એનાથી ઐશ્વર્ય પ્રગટ થાય છે. કેવું ઐશ્વર્ય પ્રગટ થાય? એક ફેરો તપ કરવાથી તો કેટલું બધું ઐશ્વર્ય પ્રગટ થાય ! આખું ઘર બળતું હોય, એકનું એક ઘર હોય તે બળતું હોય, એ જવાનું ત્યાં આગળ. ડોલો ઝાલીને બધે પાણી નાખવાનું. બહાર બાહ્ય ક્રિયા બધી કરવાની પણ મહીં તપ રહે. આમાંથી આપણું છે જ કયું તે ? આ આપણું નથી એવું રહે ! અવળા-સવળામાં ડૂબે નહીં તે 'હંુ' આ બધું, સંજોગ બધા જવાના. એની મહીં હાયવોય કશી કરવી નહીં, જોયા કરવું. હાયવોયથી કર્મ બંધાય અને જોયા કરવાથી કર્મ બંધાય નહીં, છૂટા થઈ જાય. હાયવોય તો આખું જગત કરે જ છે ને ! એ અણસમજણથી, સમજણ નહીં પડવાથી આ લોકો કર્મ કરે બિચારા. એ લોકોને ભાન નથી. અને આ તો કોઈને માટે ખરાબ ભાવ ના રહે ને તો આપણી અંદરેય આમ રામરાજ જેવું લાગ્યા કરે, નહીં ? પ્રશ્નકર્તા : હા, લાગેને ! બરોબર છે. દાદાશ્રી : આ વિજ્ઞાન કેટલું સુંદર છે ! કેવી અજાયબી છે ! નહીં તો હિમાલયમાં દોડધામ કરે તોય કશું વળે નહીં ! બૈરાં-છોકરાં છોડીને નાસોને તો ય, એકલા પડી રહો તોય કશું વળે નહીં ! અને આ તો બૈરાં-છોકરાં સાથે રોફ માર્યા જ કરોને પછી ! રોફ મારો છો ને ? પ્રશ્નકર્તા : મારીએ ને ! દાદાશ્રી : આ બધા સંજોગો છે, તે સારો સંજોગ આવે ને ખોટોય આવે. સારો સંજોગ આવે ત્યારે લોકો રોફ મારે અને પછી ખોટો આવે ત્યારે પછી રડાવે. એટલે બધા દુઃખદાયી છે આ. રોફ મારવો તેમાંય મઝા નથી અને આમાંય મઝા નથી. રોફ મારેલો સંજોગ આવે ત્યારે જ પછી પેલો આવે ને ! પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : અને રોફ મારેલો મફતમાં જતો રહે છે ! આપણે ટ્રેનમાં કેવા રોફમાં બેઠેલા હોય, પણ એ તો કંઈ પુસ્તક વાંચતા હોઈએ ને પછી ઊંઘતા હોઈએ, ભોગવટો ના થાય અને ખરાબ આવે તે ઘડીએ ? કાંટા વાગતા હોય અને ચાલવાનું થાય ત્યારે ? એટલે આ સંજોગ માત્ર દુઃખદાયી છે. એટલે સંજોગ બધા દાદા હું તમને સોંપી દઉં છું, વોસરાવી દઉ છું, હું જુદો ને સંજોગ જુદા. કેટલાંય સંયોગ ભેગા થાય ત્યારે માણસને ખાવાનું મળે છે. કેટલાં સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે છે. વધારે સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે. અવળાને માટે સંયોગો વધારે જોઈએ છે. સવળાને માટે ઓછાં જોઈએ. સંજોગ-ધંધા બધા સારા ચાલતા હોય, બધા રોફભેર ચાલતા હોય, ત્યારે જ નક્કી કરી રાખવું કે અવળા ફરશે ત્યારે મારે શું કરવું ? કોઈની આગળ લાચારી ના કરવી પડે. એટલું બધું આપણું જ્ઞાન છે ને કે 'હું શુદ્ધાત્મા છું', બન્યું તે વ્યવસ્થિત. સંજોગો તો બધા જે સવળા હોય તે અવળાય આવે. અવળામાં ડૂબે નહીં અને સવળામાંય ડૂબે નહીં. આ જગતનો સ્વભાવ કેવો ? રડવાનો ટાઈમ આવે ત્યારે રડવું આવે. પછી હસવાનો ટાઈમ આવે ત્યારે હસે, ચિઢાવાનો ટાઈમ આવે ત્યારે ચિઢાય, કો'કને આપવાનો વખત આવે ત્યારે આપી દે, લેવાનો વખત આવે ત્યારે લઈએ લે, એવો જગતનો સ્વભાવ. આપણે એવું આમાનું કશું ના હોય. અહંકારની જ આ ભાંજગડ આ જ્ઞાન મળ્યા પછી સંસાર આપણો જે વાંકોચૂકો ચાલતો હતોને, તે સીધો થતો જાય. ઊલટો આપણને સરળ થઈ પડે. મુશ્કેલી વધારે પડતી હોય તે ઓછી થતી જાય. દહાડે દહાડે જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામેને એમ મુશ્કેલી ઓછી થતી જાય. બધું કામ સરળ થઈ પડે. આ સંસાર વાંકો કોણે કરેલો છે ? અહંકારે વાંકો કર્યો છે. બાકી, સંસાર સ્ટ્રેઇટ લાઈનમાં જ હતો પણ અહંકારે જરાક લીટા વાંકાચૂંકા કરી નાખ્યા. આ અહંકારની જ બધી ભાંજગડ છે. સંજોગો તમારા આધીન જ છે, તમે અહંકારે કરીને ડખલ કરો છો. આ જેટલો અહંકારનો સામાન છેને, એ બધો સંપૂર્ણ મૂળ સાથે કાઢી નાખવામાં ના આવે, ત્યાં સુધી ફરી બધું ઊભું થઈ જતાં વાર નહીં લાગે. કેવા સંયોગોમાં ક્યારે ઊભું થઈ જાય એ કહેવાય નહીં. માટે આનું શું કરવાનું ? અજ્ઞાનતા તો ગઈ હવે. હવે અહંકારને ખોદવાનો પ્રયત્ન રાખવો પડે. આ જરૂરિયાત જેટલો અહંકાર એ તો ડ્રામેટિક છે જ. પણ મહીં બીજો ગૂંચાયા કરે છાનોમાનો, એ ખબર પડે નહીં. એ ગાંડો અહંકાર બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે પાછો. એને ઓળખી કાઢવાનો. એક ફેરો 'જ્ઞાની પુરુષ' પાસે જે પેઠો અને પછી એનામાં જો કદી અહંકારથી ગાંડપણ ઊભું થાય તો તો એ માર્યો જ જાય ને ! નહીં તો અહીં પેસીશ જ નહીં, છેટો રહેજે. છેટેવાળા બોલે તેને બહુ જોખમ નથી આવતું, પણ અહીં પેસીને અવળું બોલે તેને ગાંડો અહંકાર કહેવાય. એ ગાંડો અહંકાર પોતાને બહુ માર ખવડાવે, છતાંય અમે એને બચાવ બચાવ કરીએ ! એક જ ધાર રાખીએ, કરુણા જ રાખીએ એના ઉપર ! સવળો અહંકાર ભગવાન બનાવે પ્રશ્નકર્તા : અહંકાર ઇટસેલ્ફ (પોતે જ) જ આડાઈ કહેવાયને ? અહંકાર પોતે જ આડાઈ સ્વરૂપ કહેવાય ને ? દાદાશ્રી : અહંકાર તો, અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવો છે. એ અહંકાર બધુંય કરે. એમાંથી જ ઊભું થયેલું છે. અહંકાર ખોટો નથી. આ જ્ઞાનીઓનો અહંકાર સવળો ચાલેને તે છેલ્લા પદમાં બેસાડીને, ઠેઠ ભગવાન સુધી લઈ જાય. અહંકાર શુદ્ધ થતો થતો અશુદ્ધમાંથી અશુભમાં આવે, અશુભમાંથી શુભમાં આવે, શુભમાંથી શુદ્ધ થાય પણ અહંકાર તેનો તે જ. પ્રશ્નકર્તા : આ તો આપનું વાક્ય એવું નીકળેલું કે અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવો છે. એટલે અહંકારને ઓળખવાનો ? દાદાશ્રી : અહંકારને ઓળખે તો બહુ થઈ ગયુંને ! કોઈ અહંકારને ઓળખી શકે નહિને ? પ્રશ્નકર્તા : એ ના સમજાયું. અહંકારને ઓળખવો એટલે શું ? દાદાશ્રી : અહંકારને ઓળખે એટલે આખા પુદ્ગલને ઓળખવું. 'હું'ના કહેનારને સારી રીતે ઓળખવો. આખા પુદ્ગલને ઓળખ્યું, તો ભગવાન જ થઈ ગયોને ! સવળી શક્તિથી વિરમે સંસાર આત્મશક્તિઓને આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મવીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મવીર્ય ઘટતું લાગે ત્યારે પાંચ-પચીસ વખત મોટેથી બોલવું કે, 'હું અનંત શક્તિવાળો છું.' એટલે શક્તિ ઉત્પન્ન થાય. મોક્ષે જતાં અનંત અંતરાયો છે. તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે. આ અવળી શક્તિથી સંસાર ઊભો થઈ ગયો. હવે સવળી શક્તિ એટલી બધી છે કે જે બધાં જ વિઘ્નો તોડી આપે. તેથી જ તો આપણે પેલું વાક્ય બોલાવીએ છીએ, 'મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.' જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નોનો નાશ થઈ જાય. બાકી મોક્ષ તો આ રહ્યો, તમારી પાસે જ પડ્યો છે. મોક્ષ કંઈ છેટો છે ? વચ્ચે અંતરાય પડ્યા છે. સવળાને અવળું દેખાડે ગાંડો અહંકાર દરેકમાં ગાંડો અહંકાર હોય. એ ગાંડો અહંકાર સવળાને અવળું દેખાડે. ગાંડો અહંકાર તો ઘરની જે તમારી છ-સાત 'ફાઈલો' હોયને, એ બધીય ફાઈલોનું અવળું જ દેખાડતો હોય. વીતરાગ વિજ્ઞાન શું કહે છે કે ઘરની બધીય ફાઈલની પ્રકૃતિને જીતો. જીતો એટલે? એ બધા તમારી પર ખૂબ રાજી થાય. તેથી એમને દુઃખ ના થાય, એવી રીતે જીતો. બહાર દુનિયા જીતવાની નથી, તમારી ઘરની ફાઈલો છે એને જીતો. દુનિયા જીતાયેલી જ છે. તમારી ફાઈલને મૂકીને નાસી છૂટ્યા ને સાધુ થઈ ગયા, તો દહાડો વળે નહીં. એ ફાઈલને જીતવી પડશે. એ ફાઈલ જ તમારે માટે આવેલી છે. ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે. કશું સમજવા જ ના દે. ઊંધું ને ઊંધું બાફ બાફ કરે. ફાઈલના દોષ જોયા અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્યો, પોતાના દોષોનો બચાવ કર્યો. પોતે પોતાને કહે કે ના, તમારો દોષ નથી. એટલે પોતે ને પોતે બચાવ કરી નાખે. વકીલ તેનો તે જ, જજ તેનો તે જ અને આરોપી તેનો તે જ. બોલો, શી દશા થાય ? પોતે આરોપી હોય, પોતે વકીલ હોય ને પોતે જજ હોય તો કેવું જજમેન્ટ (ચુકાદો) આવે ? અને આ તો સામાને ગુનેગાર જોયો ને પોતાનો બચાવ કર્યો ! જ્ઞાતા-દ્રષ્ટાપદને ચેતવનારો પ્રશ્નકર્તા : જ્યાં જ્ઞાતા-દ્રષ્ટાપણું છે ત્યાં પછી ચેતવાની વસ્તુ જ ક્યાં રહી ? દાદાશ્રી : પણ જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય ત્યારે ચેતવેને, કે આમ ના હોય. પ્રશ્નકર્તા : હા, તો એ જે ચેતવાની સ્ટેજ છે એ કઈ સ્ટેજ કહેવાય ? દાદાશ્રી : એ ઉદયકર્મને આધીન ધક્કો વાગે ને છૂટી જાય પાછું. તે ઘડીએ 'ચેત' કહેને ! પછી ત્યાં આગળ લાવે પાછું. ચેતવનાર છે ને પણ, 'ચેત' ના કહે તો કાચું પડી જાય. પ્રશ્નકર્તા : બરાબર છે. પણ આ મૂળ સ્ટેજ ના કહેવાયને ? દાદાશ્રી : મૂળની ક્યાં વાત રહી, એ તો ચેતવનાર ના હોય તો કાચા પડી જઈએ. મૂળ સ્ટેજ આવ્યા પછી કશું કરવાનું રહેતુંય નથીને ! જ્ઞાતા-દ્રષ્ટામાં જેટલુ રહેવાય છે એટલું રહે છે. બીજી અડચણોને લીધે નથી રહેવાતું. તો પણ ચેતવીનેય પણ ત્યાં પાછાં અવાય છે. બીજા અંતરાયો હોયને ! બાકી જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા પછી અંતરાય ના હોય. તેને તો કશું બાકી જ નથીને ! અંતરાય હોય તેને ચેતવાનું. પ્રશ્નકર્તા : આ જે ચેતવવાની સ્ટેજ છે ને, એ લાંબા સમય સુધી ચાલે છે. મૂળ વસ્તુ જુદી છે, તેમ છતાં એ ચાલ્યા જ કરે છે. દાદાશ્રી : એ ચાલ્યા કરે. એ ચાલ્યા કરવાનું છે. તેમાં આપણે વધારે જોર કરવાનું છેને ! અવળું છે એને સવળું કરવાનું છેને ! પ્રશ્નકર્તા : હવે આમાં પોતાનામાં તન્મયાકાર એને પોતાને થવું છે. તો એનાં બધાં બારણાં બંધ થઈ જાય છે. જે પોતાનું જ્ઞાન જાણવાનું છે, તે સંપૂર્ણ બંધ થઈ જાય છે. આગળની સ્ટેજમાં નથી અવાતું. દાદાશ્રી : એવું છે, બીજી પ્રતીતિ બેસે એવી નથી, એ જ પૂર્ણાહુતિ. પ્રતીતિની પૂર્ણાહુતિ કરવાની છે. બીજી કશી પૂર્ણાહુતિ કરવાની નથી. આ આચાર-બાચારની પૂર્ણાહુતિ કરવાની નથી. અને પ્રતીતિ બીજી નહીં બેસે ! એટલે મહીં છોને માથાકૂટ કરતો હોય, તેય જો જો કર્યા કરવું. બુદ્ધિને ના પેસવા દેવી, નહીં તો બુદ્ધિ માણસને જંપવા દેતી નથી. પ્રશ્નકર્તા : બુદ્ધિ તો બહુ હેરાન કરે છે. દાદાશ્રી : હા, એ પ્રતીતિનાં બારણાં વાસી દે. પ્રતીતિના દરવાજા બંધ કરાવી દે. નહીં તો હવે બીજી કંઈ પ્રતીતિ બેસે એવું છે જ નહીં. પછી એથી વધારે શું જોઈએ તે ? આત્માની આરાધના એ તો નિરંતર અનુભવવાની વસ્તુ છે. આત્માનો અનુભવ તો નિરંતર રહેતો જ હોય. મહીં ચેતવે છે તે જ આત્મા. ચેતવે છે ખરો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પહેલાં કોઈ ચેતવતું ન હતું, તે અજ્ઞાન હતું. હવે મહીં ચેતવે છે, 'એય, આમ આમ'. ચેતવે છે ને ? પ્રશ્નકર્તા : એમાં લોભ એક રહે છે તે પ્રત્યક્ષ જોવો છે. દાદાશ્રી : હેં ? એ અક્ષવાળી જોવાની ચીજ ન હોય. અક્ષ એટલે આંખથી. એ આંખથી દેખાય એવી ચીજ નહીંને ! એ અનુભવી શકશો. આ સાકર જો તમારા મોઢામાં મૂકશું એટલે તમે કહો, હવે સમજાઈ ગયું. બસ, છેવટે સમજી જવાની જરૂર. પ્રતીતિ બેસે, એનું નામ (આત્મા) જોયો. આમ આંખથી નહીં પણ પ્રતીતિ બેસે, પછી લક્ષ બેસે, એનું નામ (આત્મા) જાણ્યો. અને પછી વીતરાગતા રહે, એનું નામ (આત્મ) અનુભવ. એટલે પહેલે દહાડેથી જ પ્રતીતિ બેસી જાય છે, તે ઘડીએય આત્માને તો જોઈ લીધો હોય છે! વીતરાગતા પ્રગટ ક્યારે ને કેવી રીતે ? પ્રશ્નકર્તા : અમને મહાત્માઓને સંપૂર્ણ વીતરાગતા ક્યારે પ્રગટ થાય ? દાદાશ્રી : એકડે એકથી સો સુધી લખતો હોય તો કંઈ એકદમ સો આવી જાય ? પ્રશ્નકર્તા : ના, ના આવે. દાદાશ્રી : એટલે વીસ લખ્યા પછી એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ આપણે આગળ લખાય છે કે નહીં એ જોવું. એટલે એ તો પૂરું થઈ જાય. એ જ પૂરું કરે છે. આપણે પૂરું કરવાની જરૂર નથી. એ સ્પીડ જ પૂરું કરશે. પહેલાં છે તે રાગ-દ્વેષ કેમ ઓછાં થાય એ જોવું. હવે પલ્ટી ખાધી અવળાપણાની સવળાપણામાં, એટલે હવે વીતરાગતા કેમ વધે, પૂર્ણ થાય એ તરફ દ્ષ્ટિ ગઈ. પહેલાં રાગ-દ્વેષ ઓછાં કરવાની હતી. જગત આખું રાગ-દ્વેષ ઓછાં કરવા હારુ માથાકૂટ કરે છેને ! આખો દહાડો જો ઉપાધિ, જો ચિંતા, જો ટેન્શન, ત્રિવિધ તાપ ભયંકર ! આપણને વીતરાગતા કેવી, થોડી અમથી વીતરાગતા, એક અંશ પણ વીતરાગતા, એ રાગ-દ્વેષનું સર્વાંશપણું ગયું કહેવાય! એક અંશ પણ વીતરાગતા મહીં રાગ-દ્વેષના રસ સર્વાંશપણે ઉડાડી દે. રાગ-દ્વેષ દેખાય ખરાં, પણ મહીં રસ ના હોય. એ વીતરાગતા તો જુઓ !!! કાયમ હાજર રહેશે આ જ્ઞાન જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થયા એ જ પરિણામ તમને તીર્થંકર પાસે બેસાડશે. સ્વભાવ બદલાયા પછી અહીં કોની જોડે રહેવા દે ? માબાપ ક્યાંથી લાવે ? તીર્થંકર જન્મે તો તે રાજાને ઘેર જન્મે, સારે ઘેર. પણ ભાઈબંધો તો, આજુબાજુમાં પટેલ-વાણિયા હોય તે જ ભાઈબંધ હોયને ? ના. તે પહેલાં દેવલોકો ઉતરી ગયા હોય. એ દેવલોકો મનુષ્ય રૂપમાં આવીને એમની જોડે રમે. નહીં તો પેલા સંસ્કાર ખોટા પડી જાય. એટલે બધું સંજોગો પ્રમાણે મળી આવે. તમારી તૈયારી હોય તો બધા સંજોગો તૈયાર છે. તમે વાંકા તો બધા વાંકા. તમે સીધા થયા તો દુષમકાળ નડતો નથી. તમને જ્ઞાની પુરુષ મળ્યા, આવું જ્ઞાન મળ્યું. ભલેને આવાં સાત દુષમકાળ હોય, આપણને શું વાંધો ? આપણે આપણા જ્ઞાનમાં હોઈએ. આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું નથી. કોઈનું ખરાબ થાય એવા ભાવ ક્યારેય ઉત્પન્ન થાય નહીં. એટલે ધર્મધ્યાનનું ફળ એક અવતાર થાય પાછો. કોઈને બે થાય, કોઈને એક થાય અને કોઈને આ જ્ઞાન મળવાથી, લાંબુંયે લંબાય પણ એ છૂટકારો છે એ નક્કી. કારણ કે કર્મ બંધાતાં અટકી ગયા. પ્રશ્નકર્તા : વચ્ચે અમુક અવતારો પછી જો છૂટકારો થવાનો હોય, તો પછી આગલા અવતારોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહે કે ? દાદાશ્રી : સ્થિતિ તો, અહીં ૯૯ સુધી પહોંચ્યા હોય, તો ૯૯થી ફરી તમારે ચાલુ થાય. આ ભાઈને ૮૧ સુધી હોય તો ૮૧થી ચાલુ થાય. પ્રશ્નકર્તા : એટલે આવતાં અવતારમાં પણ કર્મ ના બંધાય, એ સ્થિતિ ચાલુ જ રહે ? દાદાશ્રી : બધી સ્થિતિ ચાલુ રહે. જે જ્ઞાન તમે લઈને આવ્યાને, તે તો અહીં છેલ્લી સ્થિતિ વખતે, મરણ સ્થિતિ વખતે હાજર રહેવાનું અને પછી આવતે ભવ ત્યાં હાજર રહેવાનું. પ્રશ્નકર્તા : હવે બીજો ભવ કરે, તે વખતે આપણને આ જ્ઞાન કંઈ યાદ આવી જાય ? દાદાશ્રી : એ તો નિમિત્ત બધું ભેગું થાય. નિમિત્ત વગર તો ના થાય. નિમિત્ત મળે પણ તે જ્ઞાનનું નિમિત્ત નહીં. એ તો અવળું નિમિત્તેય મળે. અવળું નિમિત્ત મળે, તો જ્ઞાન હાજર થઈ જાય. કો'ક અવળું કરનારું, હેરાન કરનારું મળે તે, એટલે આપણે વિચારમાં પડીએ, વિચારોમાં પેલું જ્ઞાનનું લાઈટ થઈ જાય. અગર તો કોઈ સાધુ મહારાજ પાસે વાત સાંભળવા ગયા, ત્યાં મહારાજ વાત કરતા હોય તો મનમાં એમ વિચાર આવે કે આવું ના હોય, આમ હોય. એ છે તે જ્ઞાન હાજર થઈ જાય, ને લાઈટ થઈ જાય. એટલે નિમિત્ત મળીને પછી જ્ઞાન હાજર થઈ જાય. પ્રશ્નકર્તા : એ જે બાકી એક-બે જન્મો રહ્યા, એની અંદર આ જાગૃતિ ને આ માર્ગદર્શન... દાદાશ્રી : એ તો જોડે રહેવાનું બધું. આ જાગૃતિ, આ જ્ઞાન બધું અહીંથી જેવું છૂટ્યું ને એવું જ ત્યાં હાજર થઈ જશે. નાની ઉંમરમાંથી જ લોકને અજાયબી થાય એવું થશે. તેથી કૃપાળુદેવને, એમની નાની ઉંમરમાં છે તે આ લખી શકતા'તા ને બધું. જો જ્ઞાન હાજર ના થતું હોય તો નાની ઉંમરમાં કરી શકે નહીં. પ્રશ્નકર્તા : અત્યારે આ અવતારમાં અક્રમ મળ્યું છે અને પછીના અવતારમાં પછી ક્રમિકમાં જવું પડશે કે અક્રમ જ રહેશે ? દાદાશ્રી : પછી રહ્યું જ નહીંને ! આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે થઈ રહ્યું, ખલાસ ! પછી ગમે તે, બધું નિકાલી છે. અક્રમ મળો કે ક્રમ મળો, એને આપણે લેવાદેવા નથી. આપણું આ જ્ઞાન હાજર ને હાજર રહેશે, ઠેઠ એક-બે અવતાર સુધી. પ્રશ્નકર્તા : દાદા, આ ભવમાં તો તમારું જ્ઞાન મળ્યું અને આજ્ઞા પણ મળી, તો હવે આવતા ભવમાં એ આજ્ઞા કોઈ આપશે કે આપણે લઈને જ જઈશું કે શું થશે ? દાદાશ્રી : આ આજ્ઞા આ ભવ પૂરતી જ છે. પછી આગળ આજ્ઞા તમારા જીવનમાં વણાઈ ગયેલી હશે, તમારે પાળવી નહીં પડે. આ ભવ પૂરતી તમારે પાળવી પડશે. સારી રીતે પાળશો તો આવતા ભવમાં તમારે વણાઈ ગયેલી હશે. એ તમારું જીવન જ આજ્ઞાપૂર્વક હશે ! પ્રશ્નકર્તા : તે બીજા અવતારે પણ અત્યારની ફાઈલો પાછી સાથે આવશે ? દાદાશ્રી : ફાઈલો જોડે ફરી કકળાટ કર્યો હશે તો જોડે આવશે, નહીં કર્યો હોય તો નહીં આવે. નિયાણું માત્ર મોક્ષનું પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ કહે છે કે અમે મહાવિદેહે ક્ષેત્રમાં જવાનાને ? દાદાશ્રી : કેટલાકને અહીં આવીને પછી જવાનું હોય, એકાદ અવતાર કરીને. મહીં કંઈ હિસાબ બાંધેલો હોય તે આપી દેવો પડેને ! પણ ત્યાં જવાના. આ જ્ઞાન લેતાં પહેલાં એકાદ કંઈક એવું ખરાબ કર્મ બાંધી દીધું હોય. તે હિસાબ તો ચૂકવવો જ પડે. એટલે એનો દંડ થયેલો હોય, તે દંડ તો ભોગવવો જ પડેને ! અને ભોગવી લે એ છૂટો. અવતાર એટલે દંડ. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી કોઈ કાયમ માટે રખડી પડે ખરો ? દાદાશ્રી : રખડી પડેને ! જ્ઞાન પરિણામ પામે નહીં, પછી અર્થ ના રહ્યોને ! અવળું ચાલ્યું, અવળું જ. બધાનું અવળું જ બોલ બોલ કરે તો ? પ્રશ્નકર્તા : અવળું એટલે કેવું ? દાદાશ્રી : કોઈક અવળું બોલે એટલે આ તમારી વાત નીકળે એટલે આવડી આવડી ચોપડે. એવા લોકો ના હોય ? પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનની વિરાધના કરે એ ? દાદાશ્રી : જ્ઞાનની, જ્ઞાનીની અને જ્ઞાનીના ફોલોઅર્સની ને બધાંની વિરાધના કરે. 'આ ચોપડી મારા હાથમાં આવે તો ફેંકી દઉંં' કહે. પછી તો એના પુસ્તકોનીય વિરાધના કરે. પુસ્તકો ફેંકે આમ. 'ચાલ હટ, આ ચોપડીઓ લાવ્યો, તો દરિયામાં નાખી દઈશ, નહીં તો સળગાવી દઈશ.' ફોટાઓની વિરાધના કરી મેલે, ફોટા બાળી મેલે. પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું છે એની વાત છે ? દાદાશ્રી : હા, તે બધું ફરી જાયને ! પ્રશ્નકર્તા : જ્ઞાનીના મહાત્મા હોય, એની પણ વિરાધના ના થાય ? દાદાશ્રી : જ્ઞાનીના મહાત્માઓ એટલે જ્ઞાની જ કહેવાયને ! આ મહાત્માઓ એટલે શું વાત કરો છો ? કે જેણે પોતાના હથિયાર નીચે મૂક્યા છે. કોઈને મારવાનો ભાવ નથી, કોઈને લૂંટી લેવાની ઇચ્છા નથી, કોઈ પાસેથી પડાવી લેવાની ઇચ્છા નથી, એવાં જેણે હથિયાર બધાં નીચે મૂકી દીધા, ક્રોધ-માન-માયા-લોભનાં ! અનંત અવતારની ખોટો છેને, તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું પડે ? દાદાની પાછળ પડવું જોઈએ. દાદા ના હોય તો દાદાના કહેલા શબ્દોની પાછળ પડવું જોઈએ. એની પાછળ પડીને, અનંત અવતારની ખોટ એક અવતારમાં વાળી દેવાની. કેટલા અવતારની ખોટ ? આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા, એ બધી ખોટ તો ખરીને ? એ ખોટ કાઢવી પડે કે ના કાઢવી જોઈએ ? હવે તો ભેખ માંડવાનો છે કે આ એક જ, બીજું નહીં. ના હોય તો મોક્ષનું નિયાણું કરી નાખવાનું એટલે લાંબા અવતાર ના થાય. બે-ત્રણ અવતાર થતા હોય તેય ના થાય ! અમુક તારીખે મુંબઈ જવું છે તે આપણા લક્ષમાં રહે, એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું ? મુંબઈ જવું છે એ લક્ષમાં રહેને ? ભૂલી જવાય ? પ્રશ્નકર્તા : ના ભૂલાય. દાદાશ્રી : એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા. વહેલું આવે, મોડું આવે, પણ એ બાજુ જવા નીકળ્યા, જેટલું જોર કરીએ એટલું આપણું. આ જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે, ને નહીં તો સૂક્ષ્મ દાદા હોય તોય પેલું ટ્રેઈનની માફક ચાલે. તે જેટલું પ્લેનથી જવાય એટલું સાચું. છતાં બધો ઉકેલ આવી જશે. ફક્ત એક અવતાર જ બાકી રહેવો જોઈએ, તેય પુણ્ય ભોગવવામાં. અમારી આજ્ઞા પાળીને, તેની જબરજસ્ત પુણ્યૈ ભેગી થાય. રક્ષણ, તે લક્ષણ પોતાપણાનાં તમારે પોતાપણું છે કે નથી ? પ્રશ્નકર્તા : કોઈ વાર ઊભું થઈ જાય. દાદાશ્રી : નહી તો શું રહે ? આત્મા તરીકે રહે ? પોતાપણું ના રહે એ નિરંતર જાગૃત હોય. જેટલી જાગૃતિ નથી એટલું બધુંય પોતાપણું જ છે. કોઈ તમને કહે કે 'તમે ખરાબ છો.' તો તરત પોતાપણું ઊભું થાય ને ? પ્રશ્નકર્તા : કોઈક વાર થઈ જાય. દાદાશ્રી : કોઈક વાર થાય કે રોજેરોજ થાય ? ક્યારે ના થયું એ કહો ને ! આ તો બધું પોતાપણું જ છે ને ! જે પોતે રક્ષણ કરે ત્યાંથી પોતાપણું, પોતાનું રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું પોતાપણું. પ્રકૃતિનું માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે, પણ તે હજુ પોતાપણું જતું નથી ને ! પ્રશ્નકર્તા : 'મારું ખરું છે' એ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાપણું જ રહે ને ? દાદાશ્રી : ખરું-ખોટું હોતું જ નથી. એ પોતાપણાનો વાંધો નહીં. બીજાં બધાં બહુ પોતાપણાં હોય ને ! સહેજ કહેતાં પહેલાં તો ફાટી જાય. પ્રકૃતિનું રક્ષણ કરે, તે રક્ષણ તો કરે પણ કપટ કરીને અવળું હઉ ફેરવી નાખે. ત્યાં આગળ પોતાપણું ડબલ થઈ ગયું. પોતાની તનતોડ રક્ષા કરવી, એનું નામ પોતાપણું. અત્યારે તો પોતાપણું સાચવે, પણ પાછાં કળા કરીનેય ખસી જવા માગે એવું હઉ કરે. એટલે ઉપરથી કળા હઉ કરે. કળા એટલે કપટ કરે. પોતાપણાનો અર્થ સમજી ગયાં ને ? હજુ પોતાની જાતની રક્ષા કરે છે અને તે કપટ કરીને, કળા કરીનેય રક્ષા કરે છે. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું કહ્યું, તો પછી એ ભાગ કપટમાં ક્યારે જાય ? દાદાશ્રી : બધું પોતાપણું પ્રકૃતિનાં રક્ષણમાં જ જાય પણ અમુક કપટ ના હોય એ પોતાપણું સારું કહેવાય, સુંવાળું કહેવાય ને પેલું કપટવાળું એ ખરાબ કહેવાય. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. કળા કરીનેય રક્ષણ કરે, કપટ કરીનેય રક્ષણ કરે, એ ડબલ પોતાપણું. દાદાશ્રી : હા, એ ડબલ પોતાપણું. છોકરાઓ પણ રક્ષણ કરે છે, પણ કળા કરીને ના કરે. પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ કપટ કર્યું, કળા કરીનેય પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યું, તો એ શું કહેવાય ? દાદાશ્રી : તે એટલું પાતળું કપટ હોય તો ખબર પડે, કપટીનેય ખબર પડે. જાડું કપટ હોય તો ખબરેય ના પડે. સરળ છતાં સૂક્ષ્મ આડાઈઓ પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં વાક્ય આવે છે કે, ''જ્ઞાન થતાં પહેલાં અમે આખો આડાઈનો સમુદ્ર ઓળંગ્યો. એટલે એક-એક આડાઈને અમે ભાંગી ત્યારે આ જ્ઞાન પ્રગટ થયું.'' દાદાશ્રી : હા, બધી બહુ આડાઈઓ હતી. લોકોને દેખાય નહીં, પણ અમને લાગે કે મહીં આડાઈઓ છે. લોકોને જો કે સરળ લાગે. એ નાની નાની આડાઈઓ, સૂક્ષ્મ આડાઈઓ, અહંકારી આડાઈઓ હતી. દેહની આડાઈઓ નહીં, રિસાય એવી નહીં. અહંકારની આડાઈ ! મને પોતાને ખબર પડે કે આ ભાઈની જોડે અવળું ફર્યું છે આ. પેલાને આ ખબર ના પડે. પ્રશ્નકર્તા : એ આડાઈમાં જાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાની સાચી વાત હોય ને આપણે બધું અવળું કરીએ તો એ અહંકાર, ગાંડપણ જ કહેવાય ને ! પ્રશ્નકર્તા : તો આડાઈ છે એ અહંકારની જ વિકૃતિ છે ને ? દાદાશ્રી : અહંકાર જ, બુદ્ધિને કશું લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : પણ એ અહંકારની વિકૃતિ જ ને ? દાદાશ્રી : વિકૃતિ જ. વિકૃતિ એટલે કેવી ? લોક પાછળ કહેશે, 'જવા દો ને, જરાક ક્રેક છે, એનું નામ ના લેશો.' અલ્યા, એન્જીન ચાલે છે ને હેડ શી રીતે ક્રેક ? દ્ષ્ટિ બદલાઈ, દ્રવ્યકર્મથી પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રનું વચનામૃત છે ને, તેમાં આ ડેફિનેશન આવી આપી છે કે ભાવકર્મ જે બંધાય છે, એનું જે રિઝલ્ટ આવે એ દ્રવ્યકર્મ. દાદાશ્રી : એ બરોબર છે. પણ એ રિઝલ્ટ લોકો એમની ભાષામાં સમજે છે. એ રિઝલ્ટ એટલે આવતાં ભવના ચશ્મા. અને લોકો એમ સમજે છે કે અહીં આગળ આ દ્રવ્ય આવ્યુંને... એ ભાષાય છે, એ કંઇ ખોટી નથી, પણ એવું નથી એ દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનો અર્થ સમજાય ને તો તો બહુ કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મનું તમે શું કહેવા માંગો છો ? દાદાશ્રી : હવે દ્રવ્યકર્મ શું છે કે આંખે પાટા બંધાવીને આ બધું દેખાડે છે. એટલે 'દ્ષ્ટિ' બદલાઈ જાય છે, એ બધું દ્રવ્યકર્મથી છે. આ શરીર જે ઊભું થયું છે, એ દ્રવ્યકર્મના આધીન જ થયું છે. પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં આપણે જે દ્ષ્ટિથી જગતને જોઈએ, એ દ્ષ્ટિ એ દ્રવ્યકર્મના ચશ્મા છે ? દાદાશ્રી : દ્રવ્યકર્મના આધારે એ 'દ્ષ્ટિ' છે અને એ દ્ષ્ટિથી આપણે અવળા ચાલ્યા છીએ. એનો આધાર દ્રવ્યકર્મ ખરું, પણ એ દ્ષ્ટિ દ્રવ્યકર્મ ના કહેવાય. આ ચશ્મા તમે કહો છોને, તે દ્રવ્યકર્મ જ કહેવાય, એ બરાબર છે. નોકર્મ એટલે ડિસ્ચાર્જ થતાં કર્મ અને ભાવકર્મ એટલે ચાર્જ થતાં કર્મ. વચ્ચે દ્રવ્યકર્મ ઊડી જતાં નથી. આપણેે ઊંધી દ્ષ્ટિ' કાઢી નાખીએ છીએ. એટલે એ (મૂળ) દ્ષ્ટિ પેલી બાજુ દ્રવ્યકર્મમાં જતાં રહી જાય છે. એ ઊંધી 'દ્ષ્ટિ' જ ઊડી જાય છે. આ દ્રવ્યકર્મ ઊડી જવાથી તમને દ્ષ્ટિ બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ ? પ્રશ્નકર્તા : હા, એ બદલાઈ. દાદાશ્રી : પણ એમને દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મ છે તે દ્ષ્ટિને ઊંધી દેખાડે છે. દ્રવ્યકર્મના આધારે દ્ષ્ટિ અવળી-ઊંધી થઈ ગઈને ! ઊંધી દ્ષ્ટિનાં આધારે જગત ચાલી રહ્યું છે અને એનાં આધારે ભાવકર્મ થાય છે. નહીં તો ભાવકર્મ થાય જ નહીં, જો દ્રવ્યકર્મ ના હોય તો. દ્રવ્યકર્મથી એ દ્ષ્ટિ છે. જે છે તેનાથી કંઈ વિપરીત દેખાડે. વિપરીત દેખાય, એટલે વિપરીત ચાલે પછી. પ્રશ્નકર્તા : આ જે આપ જ્ઞાન આપો છો, ત્યારે અમારાં ચાર્જ થતાં કર્મો બંધ થઈ જાય છે, તે આ દ્ષ્ટિ બદલી નાખો છો તેથી ને ? દાદાશ્રી : એ મૂળ દ્ષ્ટિ ઊડી જવાથી ભાવકર્મ બંધ થઈ જાય છે. આત્મજ્ઞાની અને તેમના આશ્રયવાન જ દ્રવ્યકર્મને સમજી શકે. દ્રવ્યકર્મ એટલે પરિણામ પામી ગયેલું હોય, 'ઇફેક્ટ' હોય તે. પડે આમ અંતરાય જ્ઞાન-દર્શન તણા પ્રશ્નકર્તા : દર્શનાંતરાય ને જ્ઞાનાતંરાય શેનાથી પડે છે ? દાદાશ્રી : દરેક બાબતમાં આડું બોલે છે ને, આ બધા સાધુઓ-મહારાજો વ્યાખ્યાનમાં જે સમજણ આપે છે, ત્યાં આગળ વ્યાખ્યાનમાં પોતે સમજતો કશું ના હોય ને આડું બહુ બોલે, એ જ દર્શનાંતરાય ને જ્ઞાનાંતરાય પાડવાનો રસ્તો. એવું ના બોલાય. એ ગમે તેવા આચાર્ય હોય, મહારાજ હોય, એમને જેવી સમજણ પડે તેવું બોલતાં હોય પણ એમનું આડું ના બોલાય. દર્શનાંતરાય ને જ્ઞાનાંતરાય પાડનારું જ એ છે ને ! ત્યાં તો પ્રમાણમાં બહુ ઓછું પડે, પણ અહીં તો બહુ જ મોટું પડી જાય. કેટલીય ચોરાશીઓ ફરે એવું તો અહીં પડી જાય. જે જ્ઞાની પુરુષ મોક્ષદાતા છે, મોક્ષનું દાન આપવા આવ્યા છે. જ્ઞાન-બ્યાન નહીં, મોક્ષનું દાન, તો પછી એવું જ્ઞાન આપનારા ને લેનાર ભેગાં થઈ જાય પછી કશો અંતરાય રહે ? કોઈ જાતનો અંતરાય રહે ખરો ? અંતરાયકર્મ તૂટે તો તે ઘડીએ વાર નથી લાગતી. આત્મા ને મોક્ષને કેટલું દૂર છે ? કશું જ દૂર નથી. એ અંતરાય પડેલા એટલું જ દૂર છે. પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય કેવી રીતે તૂટે ? દાદાશ્રી : એ અંતરાયો જ્ઞાની પુરુષ તોડી આપે. અજ્ઞાનતા તો જ્ઞાની પુરુષ કાઢી આપે, અંતરાયેય જ્ઞાની પુરુષ કાઢી આપે. પણ અમુક અંતરાય ના તૂટે. જે જ્ઞાનીનાંય ગજા બહારનાં અંતરાય, જેમાં વિનય ધર્મ ખંડિત થતો હોય તે. વિનય ધર્મ તો મોક્ષમાર્ગમાં મુખ્ય વસ્તુ છે. પરમ વિનય ! જ્ઞાની પુરુષ માટે એક અવળો વિચાર, એક અવળી કલ્પના ના આવવી જોઈએ. એક અવળી કલ્પના શું કરી નાખે ? પોતાની મા માટે કલ્પના નથી આવતી, તો જ્ઞાની પુરુષને માટે તો ? અહીં આડું ટેડું ના ચાલે. સહેજ વિનયમાં ખામી આવે તો મોક્ષ ઊડી જાય. પરમ વિનય એટલે આંતરિક વિનય જોઈએ, બહુ જબરજસ્ત વિનય જોઈએ. આરાધના એટલે ઊંચે ચઢવું. ઊંચે ચઢેલા જોડે આપણે 'જોઈન્ટ' રાખીએ તો ઊંચે ચઢાય અને એમનું અવળું બોલીએ તો નીચે પડીએ. 'જ્ઞાની' સંગાથે પાંસરા ચાલીએ આપણો આ સત્સંગ છોડશો નહીં. લોકો આમ શીખવાડે, તેમ શીખવાડે તોય આ સત્સંગ છોડશો નહીં. અહીં આવો એટલે ભગવાનની કૃપા ઉતરી એટલે પાછું રાગે પડી જશે. એને કંઈ વાર લાગતી નથી. એટલે આવી બધી તો મુશ્કેલીઓ આવવાની. તેથી તો આપણે કહીએ છીએ ને, 'મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.' પણ સામો એય એની અનંત શક્તિવાળો છે ને, કે એ મોક્ષે જવા જ ના દે. એટલે ભગવાને કહ્યું કે, 'જ્ઞાની પુરુષ'ને આધીન થઈને ચાલવું, એમના કહેવા પ્રમાણે ચાલવું. એ ગાંડું-ઘેલું કહે તો પણ ચાલ્યા જજો. કારણ કે વીતરાગતા છે. પોતાની બુદ્ધિથી ના સમજાય તો નક્કી કરવું કે એમના નવ 'ઇક્વેશન' સમજાય અને એક ના સમજાયો તો એમની ભૂલ ના કાઢશો અને 'મારી ભૂલથી નથી સમજાયો' એવું જાણજો. કારણ કે નવ સમજાયા તો દસમો કેમ નથી સમજાતો ? એટલે એમની ભૂલ ના કાઢશો. એ ભૂલ ભાંગીને બેઠા છે. બુદ્ધિ તો ભૂલ દેખાડે, 'જ્ઞાની પુરુષ'ની યે ભૂલ ખોળી કાઢે. એક અવતારનું મરણ હોય તો ચલાવી લેવાય, પણ 'જ્ઞાની પુરુષ'ની વિરાધના કરે તો લાખો અવતારનું મરણ થાય છે. કોની વિરાધના, વીતરાગની ? આ 'અંબાલાલ મૂળજીભાઈ'ને ગાળો ભાંડવી હોય તો સો ભાંડજો, તમને ના ફાવતું હોય તો ભાંડ ને ! બાકી, સમજ્યા વગર જ લોક ગુનો કરી બેસે. માટે તો આપણે ગુપ્ત રાખવું પડ્યું, ગુપ્ત જ રાખ્યું છે ! મેં કહ્યું છે કે આ બહુ ઊંચી જગ્યા ઉપર તમને તેડી જઉં છું. ત્યાંથી ગબડ્યા કે હાડકાનો ટુકડોય જડશે નહીં. માટે કાં તો મારી જોડે ઉપર આવશો નહીં અને આવવું હોય તો ચેતીને ચાલજો. મોક્ષ સરળ છે, એક જ અવતારી વિજ્ઞાન છે આ. પણ જો આડું-અવળું કરવું હોય તો ઉપર ચઢશો નહીં, અમારી જોડે આવશો નહીં. એવું બધાને કહેલું જ છે. બહુ ઊંચો રસ્તો છે. છતાંયે ઉપર આવેલા પાછા મને કહે છે કે 'આ હજુ સળી કરશે, આમ કરશે.' પણ અમે તેને બંધન એવું રાખી મૂક્યું હોય કે એ પડે નહીં. જેમ સરકાર પેલી રેલિંગો કરે છે ને, એવું અમે આવું સાધન રાખીએ. અત્યાર સુધી કોઈને પડવા દીધો નથી. - જય સચ્ચિદાનંદ |