મુક્તિનું શ્રેષ્ઠ અંગ, ક્લેશ ભાંગવો તે

સંપાદકીય

તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે જીવનમાં ક્લેશ શાથી થાય છે અને તેનું પરિણામ શું આવશે ? અત્યારના કાળમાં તો જ્યાં જુઓ ત્યાં ક્લેશનું જ વાતાવરણ જોવા મળતું હોય છે. શાસ્ત્રવાંચન કે ધર્મધ્યાન કરવા છતાં પણ જીવનમાં ક્લેશ થઈ જતો હોય તો પછી એને ધર્મ કહેવાય જ કેમ ? જ્યાં ક્લેશ છે ત્યાં ધર્મ નથી અને ધર્મ છે ત્યાં ક્લેશ નથી. યથાર્થ ધર્મ તો એ છે કે જીવનમાં ક્લેશ જ ઊભો ના થાય. જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસેય ના રહે અને લક્ષ્મીજી પણ ચાલવા માંડે.

ચિત્તમાં ક્લેશ નહીં તે બધા જ ધર્મોનો ધર્મ. જો આ પદ પ્રાપ્ત થાય તો પુનર્જન્મ જાય. મન ક્લેશ રહિત થયું તે મુક્તિ. ક્લેશ ઘટ્યો તો રિલેટિવ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને ક્લેશનો નાશ થયો તો રિયલ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. રિયલ ધર્મથી મોક્ષ છે. ક્લેશ વગરનું જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો. આ ક્લેશ રહિત થવાય શી રીતે ? જ્ઞાની પુરુષ જ્ઞાનાગ્નિથી ક્લેશ બીજ બાળી નાખે. તે પછી ક્લેશ ઊભો ના થાય.

જીવનમાં ક્લેશ ઉદ્ભવવામાં બહારનો સંયોગ તો એક નિમિત્ત હોય છે. પણ પોતાની ખોટી માન્યતાથી, બીજાને કર્તા માનવાથી, બીજાને દોષિત જોવાથી, ધાર્યું પરિણામ ન મળવાથી, અહંકારથી અંદરની પરિણતિ બદલાય છે ને તેનાથી ક્લેશ ઉદ્ભવે છે. આ અહંકારને લઈને જ મનુષ્યની બધી શક્તિ આવરાઈ જાય છે. જો અહંકાર નોર્માલિટીમાં આવે તોય સંસારમાં ક્લેશ ના થાય.

મતભેદ એ ક્લેશ કહેવાય છે અને ક્લેશ છે ત્યાં સંસાર ઊભો છે. જગતમાં કોઈ એવું કારણ નથી કે જે કિંચિત્માત્ર પણ ક્લેશ કરવા યોગ્ય હોય. સંસાર જાગૃતિ કોને કહેવાય કે જે પોતાના ઘરમાં ક્લેશનો પ્રસંગ જ ના ઊભો થવા દે અને એ જ ખરો બુદ્ધિશાળી કહેવાય. અથડામણના પ્રસંગમાંય સ્હેજ પણ ક્લેશ ઊભો ના કરે એને જ ખરી ખાનદાની કહી છે.

મનુષ્ય સંસારમાં સુખ ખોળે છે અને સુખની ઈચ્છા તૃપ્ત ન થવાથી ક્લેશ કરે છે. જ્યાં સુખ ખરેખર છે જ નહીં ત્યાં સુખની અપેક્ષા રાખવી વ્યર્થ છે. આત્મામાં જ પરમ સુખ છે પણ કલુષિત ભાવને લઈને એ સુખ આવરાય છે. કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય ત્યારથી ભગવાન પદ પ્રાપ્ત થયું ગણાય. પોતાના કલુષિત ભાવ સંપૂર્ણ જાય, અને એના નિમિત્તે સામાનેય કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય તે ભગવાન ગણાય. પરમ પૂજ્ય દાદાશ્રી એ પદમાં હતા અને તેમણે જ્ઞાનસિદ્ધિથી મહાત્માઓને એવું જ્ઞાન આપ્યું કે ક્યારેય ક્લેશ ના થાય અને વીતરાગી સુખ રહે. 'ક્લેશ ભાંગ્યો એનું નામ જ મુક્તિ.' એક જ અવતાર ક્લેશ વગરનું જીવન જીવ્યો તોય મોક્ષ પામવાની લિમિટમાં આવી ગયો. ફાઈલોનો સમભાવે નિકાલ કરે તો ક્લેશ થાય જ નહીં. ક્લેશ રહિત ભૂમિકા કરવી એ મોટો પુરુષાર્થ કહેવાય. બધાં મહાત્માઓ એવો પુરુષાર્થ આદરી, મુક્તિસુખની પૂર્ણ અનુભવ દશા પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના.

દીપક દેસાઈ

ક્લેશ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : ક્લેશ કોને કહેવાય ?

દાદાશ્રી : ઓહો... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે એનું નામ ક્લેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે ક્લેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત ક્લેશમાં જાય. મોઢું ચઢાવીને ઘરમાં બેસે, તે ક્લેશ કહેવાય.

ક્લેશમાં તો શું હોય ? જીવ બળ્યા જ કરે. ઓલવો તોય ઓલવાય નહીં. જીવ એ બાળવાની વસ્તુ નથી ! કપડું બળતું હોય તો બળવા દેજે પણ જીવ ના બાળીશ. આ તો આખો દહાડો, રાત-દહાડો ક્લેશ કર્યા જ કરે. થોડીવાર મોહની જગ્યામાં ડૂબી જાય ને પછી પાછાં ક્લેશમાં બળ્યા કરે. આખું જગત ક્લેશમાં જ ડૂબેલું છે. આજે તો બધાં 'ક્લેશવાસી' જ છે. એ તો મૂર્છાથી ભૂલાઈ જાય છે. બાકી ક્લેશ ભાંગે નહીં ને ક્લેશ ભાંગ્યો તો મુક્તિ.

ક્લેશની જરૂર જ ક્યાં ?

કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ?

પ્રશ્નકર્તા : દુનિયા કકળાટ વગર તો ચાલે નહીં. એ તો કોઈ કોઈક વાર કકળાટ તો થવો જોઈએ ને !

દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. માણસને ત્યાં કકળાટ કેમ હોય ? કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ?

સારું સારું ખાવાનું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી, એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર (લક્ષ્મી) મળે. એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ?

પ્રશ્નકર્તા : વિચારવું જોઈએ, પણ બધાની રીત જુદી જુદી હોય છે.

દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડૉલર, ડૉલર. અને જ્યારે હાથમાં આવે ત્યારે હજાર ડૉલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી વસ્તુ ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એણે કંઈ જે વસાવ્યું એને જો જો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, એટલે બીજું લઈ આવે. આખો દહાડો ઘડભાંજ, ઘડભાંજ, દુઃખ, દુઃખ ને દુઃખ ! ત્રાસ, ત્રાસ ને ત્રાસ ! અલ્યા બળ્યું, આવું જીવન કેમ જીવાય તે ! આવું મનુષ્યપણું શોભે ? ક્લેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ, કશું થવું ના જોઈએ.

અહંકારથી આવરાયું 'સ્વ' સુખ

કોઈ ગાળ ભાંડે તો તમને કશું થાય ?

પ્રશ્નકર્તા : અહંકાર ઘવાય તો થાય તો ખરુંને !

દાદાશ્રી : અહંકાર ઘવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને ? તમારે અહંકારને તાજો રાખવો છે ? ફ્રેશ ? તમને અહંકારની બહુ જરૂર છે ?

પ્રશ્નકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોયને ?

દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીંને ! આ બધું એને લીધે છે.

અહંકારે આંતર્યો આત્મઉજાસ

પ્રશ્નકર્તા : અમારી બધી શક્તિઓ આવરાવાનું મુખ્ય કારણ અહંકાર જ છે ?

દાદાશ્રી : અહંકારને લઈને જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છેને ! અહંકાર હંમેશાંય આંધળો હોય. હવે અહંકારના ભાગ પાછા પાડીએ, એના ડિવિઝન પાડીએ કે, આ અહંકાર કયા વિષયમાં ? આને લોભમાં અહંકાર વધારે છે, આને માનમાં અહંકાર વધારે છે, એવું બધા અહંકાર. એટલે આ અહંકાર જ આંતરે છે, એવું તમને લાગે છે ?

પ્રશ્નકર્તા : અહંકારને લીધે જ ટક્કર થાય ?

દાદાશ્રી : આ બધી ભાંજગડ જ અહંકારની છે.

પોતે અહંકાર ભૂખ્યો હોય તો સામાને પોષે નહીં અને તો કામ થાય નહીં. ઊલટા તણખા ઝરે. તમારે તણખા ઝરતા હતા કે નહોતા ઝરતા ?

પ્રશ્નકર્તા : હા, વીજળી થતી હતી, કડાકા- ભડાકા સાથે !

દાદાશ્રી : અહંકાર તો એવી વસ્તુ છે, જેમ ૪૦૦ વોલ્ટ પાવર હોય તે શું કહે છે ? અહીં અડશો નહીં, જોખમ છે. એવું અહંકાર વસ્તુ જોખમ છે. એ તો ૪૦૦ વોલ્ટ જેવું છે. એને છંછેડશો નહીં. છંછેડીને શું સ્વાદ કાઢવાનો ?

પ્રશ્નકર્તા : ક્લેશ, ક્લેશ, ક્લેશ !

દાદાશ્રી : ક્લેશ ! અને સાપની પેઠે બચકું હઉ ભરે. જેમ સાપ ફૂંફાડો મારીને બચકું ભરી લેને ? મનુષ્ય જુદી જાતનું બચકું ભરે, પણ બચકું ભરી લે !

અહંકારથી મુક્ત કેમ થવાય ?

પ્રશ્નકર્તા : આ અહંકાર ખોટો છે, એવું આપણને કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છીએ ને સંતપુરુષો પણ એ જાતની સલાહ આપે છે, પણ એ અહંકાર જતો કેમ નથી ?

દાદાશ્રી : અહંકાર ક્યારે જાય ? આપણે એને ખોટો છે, એવું સ્વીકાર કરીએ ત્યારે જાય. સ્વીકાર એટલે, વાઈફની જોડે કકળાટ થતો હોય તો આપણે સમજી જવું કે આપણો અહંકાર ખોટો છે. એટલે આપણે એ અહંકારથી જ પછી અંદર એની માફી માગ માગ કરવી. એટલે એ અહંકાર જતો રહે.

અહંકાર નોર્મલ રહે તોય ક્લેશ ટળે

મહાવીર ભગવાનની આજ્ઞામાં રહે તો અમુક હદ સુધી અહંકાર ઘટી શકે ખરો પણ નોર્મલ રહે. નોર્મલ અહંકાર રહે ત્યારે સંસારમાં ક્લેશ ના થાય. તેને સંસારમાં અડચણ ના પડે. ઘરમાં સહેેજેય ક્લેશ કે અંતર ક્લેશ એવું ના થાય. એવું હજુય આપણા ક્રમિક માર્ગમાં છે એટલું, પણ તેય કો'કને હશે. થોડા માણસને ક્લેશ ના થાય, અંતરમાં ક્લેશ ના થાય. પણ તેય અહંકાર મોક્ષ કરવા માટે કાઢવો પડશે. એ અહંકાર જાય અને 'હું જે છું' એ રિયલાઇઝ (ભાન) થાય તો થઈ રહ્યું, પછી કંઈ બંધાય નહીં.

અહંકાર વિલય થાય એટલે મુક્તિ

પ્રશ્નકર્તા : અહંકાર કરતો હોય તો જ પુણ્ય અને પાપ શબ્દ વપરાય.

દાદાશ્રી : એ બરોબર છે. અહંકાર કરતો હોય તો જ પાપ-પુણ્ય શબ્દ વપરાય. પણ અહંકાર છે તે આમાં થોડોક ચેન્જ મારે, બીજું કંઈ લાંબો ચેન્જ મારે નહીં. એ તો બની ગયેલી વસ્તુ છે. એ ઈટ હેપન્સ છે અને નવું પાછું થઈ રહ્યું છે. નવી ફિલ્મ થઈ રહી છે અને આ જૂની તો ફિલ્મ ઊકલે છે.

અહંકાર છે તો પાપ ને પુણ્ય હોય. અહંકાર ગયો એટલે પાપ-પુણ્ય ગયાં. અને અહંકાર લોકો ઓછો કરે છેને, તેનું ફળ ભૌતિક સુખ આવે. અહંકાર વધારે કર્યો તેનું કર્મ બંધાય, તે ભૌતિક દુઃખ આવે. અહંકાર ઓછો કરવાથી કંઈ અહંકાર જાય નહીં, પણ તે ભૌતિક સુખ આપનારું છે. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.

જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી નવું ચીતર્યા વગર રહે જ નહીં ને ! આપણે ગમે તેટલું સમજણ પાડીએ પણ નવું ચીતર્યા વગર રહે જ નહીં ને ! અહંકાર શું ન કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે. જો અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે.

આવરાય સુખ, કલુષિત ભાવથી

ક્લેશ કરાવનારું કોણ ? અજ્ઞાન !

જેટલું ઊંધું ચાલ્યા તેટલો 'અહંકાર' વધે ને જેટલો 'અહંકાર' ઓગળે તેટલું સુખ વર્ત્યા કરે. અમારે 'અહંકાર' ખલાસ થઇ ગયો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. દુઃખમાંય સુખ રહે તે ખરું સુખ. કોઇ અપમાન કરે ત્યારેય પોતાને મહીં સુખ લાગે ત્યારે એમ થાય કે, 'અહોહો ! આ કેવું સુખ !'

સમજણ સજાવે સંસાર વ્યવહાર

ખરેખર તો આ દુનિયામાં ક્લેશ જેવી વસ્તુ જ ક્યાં છે ? ક્લેશ એટલે અણસમજણ. જ્યાં જ્યાં સમજણ નથી ત્યાં ક્લેશ છે અને જ્યાં જ્યાં સમજણ નથી ત્યાં દુઃખ છે. આ દુઃખેય વસ્તુ છે જ નહીં. દુઃખ એ તો સમજણના અભાવનું દુઃખ છે.

વીતરાગ વાણીથી સર્વ દુઃખોનો ક્ષય થાય. મત અને ગચ્છ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ તો શું પણ ધર્મ પણ પામ્યા ના કહેવાય, બૂઝયો ના કહેવાય!

પ્રશ્નકર્તા : બૂઝયો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : ક્લેશ જાય, ચિંતા જાય, ત્યારે બૂઝયો કહેવાય. જેને ગાળો ભાંડે તોય ક્લેશ-ચિંતા ના થાય, ધોલ મારે તોય ક્લેશ ના થાય, હમણાં ગાડીમાં બેસાડે તોય ક્લેશ નહીં ને ગાડીમાંથી તરત ઉતારી પાડે તોય ક્લેશ નહીં, તો એ બૂઝયો કહેવાય ! નહીં તો બૂઝયો જ કેમ કહેવાય?

આત્મામાં પરમ સુખ જ છે, પણ કલુષિત ભાવને લીધે એ સુખ આવરાય છે. આ સુખ ક્યાંથી આવે છે ? વિષયોમાંથી ? માનમાંથી ? ક્રોધમાંથી ? લોભમાંથી ? આ કશામાંથી ના આવે તો સમજવું કે આ સમકિત છે.

જ્યાં કંઇ પણ દુઃખ થતું નથી ત્યાં આત્મા છે.

ક્લેશ રહિત દશાથી મુક્તિ

'ક્લેશના વાતાવરણમાં જેને જરાય ક્લેશ ના થાય, એનું નામ મોક્ષ.'

ભગવાન કહે છે, કે આ સંસાર ક્યાં સુધી ? ત્યારે કહે, ક્લેશવાસી મન રહે ત્યાં સુધી. મન ક્લેશરહિત થયું તો મુક્તિ. પછી જ્યાં મન જાય ત્યાં સમાધાન રહે.

મુક્તિનું સર્વશ્રેષ્ઠ અંગ એ ક્લેશ ભાંગવો તે. ક્લેશ ભાંગ્યો એ મોટામાં મોટંુ સુખ છે. ભલે જ્ઞાન ના હોય પણ ઘરમાં ધરમ-કરમ છે, એમ ક્યાં સુધી કહેવાય ? ત્યારે કહે, ઘરમાં ગમે તેવાં વાતાવરણમાં પોતે સહન કરી લે ને અથડામણોમાંય ક્લેશ ઊભો ના કરે, ભડકો ના કરે, એને જ ખાનદાની કહી છે. ત્યાં સુધી ભગવાનનો વાસો રહે. ઘરમાં ક્લેશ હોય ત્યાં બધું જ ખલાસ થઈ જવાનું. ભગવાનનો વાસો તો ના જ રહે અને લક્ષ્મીજી પણ ચાલવા માંડે !

ધર્મિષ્ઠ ઘર હોય તો ક્લેશ ના થવા દે અને કદાચ વરસને વચલે દહાડે થઈ જાય તો બારણાં બંધ કરી દે ને ઘરમાં ને ઘરમાં જ દબાવી દે. અને તેવો ક્લેશ ફરી ના થાય તે જ લક્ષમાં રાખે. કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય. ઘરમાં ક્લેશ ના રહેવો જોઈએ. ઘરમાં ક્લેશ રહેને ત્યાં સુધી સંસાર જ કામનો નહીં.

મુખ્ય વસ્તુ જ એ છે. ક્લેશ જાય તો ધર્મમાં આગળ વધાય અને આત્મજ્ઞાન તો હજુ બહુ આગળ રહ્યું. પહેલાં ક્લેશ જવો જ જોઈએ. કોઈને ઘેર ક્લેશ ગયેલો નહીં, સાધુ-સંન્યાસીઓ બધાયને. મોટામાં મોટી વસ્તુ ક્લેશ જવો તે. નર્યું ક્લેશમાં જ જીવે છે બિચારાં. મોઢાં ઉપર દિવેલ ચોપડી ફરતા હોય એવું લાગે પછી.

મતભેદ ટળે તો જાય ક્લેશ

પ્રશ્નકર્તા : ક્લેશ વગરનું જીવન કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો અમારી પાસે સત્સંગમાં બેસો, તો તમને ક્લેશ જતો રહે એવી બધી સમજ પાડીએ. આ અંધાધૂંધીથી ક્લેશ ઊભો થયો છે. અણસમજણથી આ બધાં દુઃખો છે. બાકી અમેરિકામાં આવ્યા પછી દુઃખો બિલકુલેય નથી. આ તો બધા દુઃખો ઇન્વાઇટ કરેલાં છે. તમારે કોઈ દહાડો મતભેદ થાય છે ?

પ્રશ્નકર્તા : મતભેદ તો ઘરમાં રહેવાના. દરેકના વિચારો સરખા ન હોયને !

દાદાશ્રી : હા, એવા મતભેદનો વાંધો નથી પણ મતભેદમાંથી ક્લેશ ઊભા થાય તેનો વાંધો છે. એટલે આપણે મતભેદનું નામ લઈએ છીએ ને ! એવો મતભેદ તો હોય, સ્વભાવિક રીતે. આ કહેશે, 'ખોટું થયું.' ત્યારે પેલા કહેશે, 'ના, નથી ખોટું !' પણ એમાંથી ક્લેશ ન થવો જોઈએ. ગમે તે રસ્તે ક્લેશને હાંકી મેલજો બહાર. મતભેદને પછી મિટાવી દેવો. વખતે મતભેદ થઈ ગયો હોય, તો પછી આપણે એવો કંઈક રસ્તો કરીને મટાડી દેવો ઝટ.

ક્લેશ વધીને પરિણામે કંકાસમાં

ઘરમાં મતભેદ રહે નહીં એટલું કરી દો. ખાવ-પીઓ, મજા કરો પણ ક્લેશ ના હોવો જોઈએ, કંકાસ ના હોવો જોઈએ. તમે કંકાસ જોયેલો ?

પ્રશ્નકર્તા : હં, આ કંકાસની વાત કરી, તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ?

દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ.

પ્રશ્નકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે ક્લેશ થઈ જાય. ક્લેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ ને સ્ત્રી વચ્ચે ક્લેશ થઈ ગયો. એ પુરુષો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી અને ક્લેશનો કરી દે કંકાસ. તે મોઢું ચઢાવીને ફર્યા કરે, જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે.

પ્રશ્નકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ?

દાદાશ્રી : આપણે ક્લેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ આપણે જ ક્લેશ કરીને સળગાવીએ છીએ, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોઢું બગડી ગયું મારું તો, આમ તેમ કરીને ક્લેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે.

ક્લેશનું કારણ દ્વેષ છે. ભગવાને શું કહ્યું કે દ્વેષ ના રાખશો. ના ગમે તો ઉપેક્ષા કરજો. ઉપેક્ષા એટલે ના ગમતું હોય છતાં દ્વેષ નહીં.

ક્લેશની ફસામણ તો કેવી ?

આ ક્લેશ વધી જાય તેને કંકાસ કહેવાય. તે કંકાસિયા જોડે મૈત્રીભાવ લોક શી રીતે રાખી શકે ? આ તો ખાટી છાશ ત્યાં મોળી કરવા જેવું, તેથી તે પોતેય ખાટાં થઈ જાય. એનાથી તો દૂર રહેવાય તો સારું અથવા તો જ્ઞાની થયા હોય તો સારું. જ્ઞાની હોય તે તો જાણે કે આવી રેકર્ડ તો ચોગરદમ વાગે. મહીં આત્મા તો ચોખ્ખો છે ને ! પણ (સંસાર રૂપી) જેલમાં આવી ફસાયા છે, તે થાય શું ? તે ક્લેશની ફસામણ તે કેવી ? ઘરનાં બધા એક ઉપર તૂટી પડે. પછી ઘરમાં જ વોર (યુદ્ધ), તે શી દશા થાય ? જો ભાઈબંધે કહ્યું હોય, કે ઘેર જમવા આવજે. ત્યારે પેલો બિચારો કહે, 'ના, ભઈ, મારાથી નહીં અવાય. અહીં ઘેર પાછો ક્લેશ થશે.' તે બિચારાને શાંતિથી સૂવાય ના મળે. ક્ષણે ક્ષણ ક્લેશ, તેય ફરજીયાત ભોગવવો પડે. અહીં ઘેરને ઘેર, એ જ ક્લેશમય વાતાવરણમાં રહેવું પડે. કેવાં કર્મોનો ઉદય ! તેય પાછાં પોતાના ને પોતાના ! આ તો વેદનાથી મુક્ત ના થવાય એવું જગત છે !

સુખિયાના શરણમાં જ સુખ

અત્યારે તો બધે ક્લેશનાં મોજાં ફરી વળ્યાં છે. ખાતી વખતેય ક્લેશ અને જો આથી વધારે થાય તો માકણ મારવાની દવા લાવે. સહન ના થાય એટલે મૂઆ માકણ મારવાની દવા પી લે. તે શું એનાથી અંત આવી ગયો ? આ તો આગળ ઠેલ્યું, તે અનેકગણું કરીને ભોગવવું પડશે ! તેના કરતાં ગમે તેમ કરીને આ વખત કાઢી નાખને ! આ તો નરી અણસમજણ જ છે.

આ દુઃખો ક્યાંથી આવ્યા ? દુખિયા માણસનાં શરણાં લીધા તેથી જ. સુખિયા માણસનું શરણું લીધું હોય તો દુઃખ આવે જ શાને ? 'દાદા' તો સંપૂર્ણ સુખિયા, તે તેમનાં શરણાં લીધા પછી વાંધો જ ક્યાંથી ? જેટલા ઘાટવાળા છે ને કંઈ પણ ઘાટ છે તે દુખિયા. તેવાનું શરણું લે, તે પછી દુઃખી જ થાયને ! જે દુખિયો હોય તે પોતાનું દળદળ ફેડી શક્યો નથી, તો તે આપણું શું ફેડી શકશે ? જે પૂર્ણ સ્વરૂપ છે, અનંત સુખના ધામ છે, જેને કોઈ પણ જાતનો ઘાટ નથી, કોઈ ઈચ્છા રહી નથી ત્યાં આગળ જાય અને તેમનું શરણું લીધું તે પછી પૂર્ણ જ થવાય.

ક્લેશ ભાંગ્યો એ જ મોક્ષ

ભગવાને કશાનેય બંધન કહ્યું નથી ! ખાય છે, પીવે છે એ પ્રકૃતિ છે પણ આત્માનો (પોતાનો) ક્લેશ ભાંગ્યો એ જ મોક્ષ. બાકી ખીચડી હોય કે કઢી, એમાં કશું આઘુંપાછું થવાનું નથી.

ક્લેશમય વાતાવરણ તો આવ્યા જ કરે. આ તડકો નથી પડતો ? આ બારણા હવાથી ફટાફટ નથી થતાં ? એમ તો થયા કરે. બારણાં ભટકાતાં હોય તો જરા દૂર ઊભા રહે. આ ક્લેશનું વાતાવરણ ના હોય, તો મુક્તિ ચખાય શી રીતે ? દાદાનો મોક્ષ એવો છે કે ચોગરદમથી ક્લેશનું વાતાવરણ છતાં મુક્તિ રહે !

ગમે ત્યારે ગમે તેવું વાતાવરણ આવે છતાં ક્લેશ ના થાય, તો તું બધાં શાસ્ત્ર ભણી ચૂક્યો. બહાર ગમે તેવું વાતાવરણ આવે અને તેથી ઊલટી થવા જેવું પણ લાગે ને જેમ તેને દાબ દાબ કરે ને ચોખ્ખો દેખાડે, તેમ મહીં ક્લેશ થયા છતાં ભડકો ના થાય તો સમજવું કે શાસ્ત્ર ભણી રહ્યો. આ તો ગુરુ-શિષ્યનેય ક્લેશ થઈ જાય !

ક્લેશ થાય તે કાળ તો જેમ તેમ વીતી જાય, પણ તે વખતે અનંત અવતારનું બાંધી લીધું. અનંત અવતારથી ક્લેશબીજ ભરેલાં છે તે સામગ્રી મળતાં જ ક્લેશ ઊભો થાય. જ્ઞાની પુરુષ ક્લેશબીજ ભરેલાં હોય તેને બાળી મૂકે, તે પછી ક્લેશ ઊભો ના થાય.

શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, કે જેને ઘેર એક દિવસ ક્લેશ વગરનો જશે, તેઓને અમારા નમસ્કાર છે !

'ચિત્તમાં ક્લેશ નહીં તે બધા જ ધર્મોનો ધર્મ.' જો આ પદ પામો તો પુનર્જન્મ જાય.

જ્યાં નહીં ક્લેશ ત્યાં છે ધર્મ

આ ક્લેશ કાઢવા ધર્મો કરવા પડે એ પ્રાકૃત ધર્મો છે અને મોક્ષ એ આત્મધર્મથી પ્રાપ્ત થાય !

જ્યાં ક્લેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે ત્યાં ક્લેશ ના થાય. આ ઘેર ઘેર ક્લેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ?

સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઇએ છે કે શું કરવાથી ક્લેશ ના થાય, એટલું જ જો આવડી જાય તોય ધર્મ પામ્યા ગણાય.

ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો મોક્ષની વાત કરવી, નહીં તો મોક્ષની વાત કરવી નહીં. સ્વર્ગ નહીં તો સ્વર્ગની નજીકનું તો થવું જોઇએ ને ? ક્લેશરહિત થવું જોઇએ, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે 'જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી.' જેલની અવસ્થા હોય ત્યાં 'ડિપ્રેશન' નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં 'એલિવેશન' નહીં, એવું હોવું જોઇએ. ક્લેશ વગર જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો. તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઇએ છે. કારણ કે બંધન કોઇને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું મોક્ષનું સ્ટેશન છે.

ક્લેશ ના થાય તો જાણવું કે આપણે આ સાચા માર્ગ ઉપર છીએ. મુક્તિનો ધર્મ જુદો છે અને સંસારનો ધર્મ જુદો છે. સંસારનો ધર્મ સાચો ખરો પણ એના ઘરમાં ક્લેશ ના રહે. અને જો ક્લેશ છે ને પછી કહે છે કે અમારો ધર્મ સાચો તો એ મતાર્થીઓ છે. મતનું જ રક્ષણ કરે છે, પોતાના આત્માનું રક્ષણ કરતા નથી. એટલે ક્લેશ ઘરમાં ના રહે ત્યારે જાણવું કે આપણે કંઈક ધર્મ પામ્યા. આ તો નકામું અણસમજણથી માથે બોજો લઈને ફર્યા કરે છે. હું કંઈક કરું છું. હું ફલાણા ધર્મનો છું, વળી ફલાણા સંપ્રદાયનો છું. અલ્યા મૂઆ, ઘરમાં તો ક્લેશ બહુ છે. તમારા મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે. જ્યાં ધર્મ હોય ત્યાં મોઢાં ઉપર દિવેલ હોય ? પેલું મહીં કૈડ્યા કરે છે. તે આ ધર્મ સમજ્યા નથી એટલે !

ક્લેશ ને ધર્મ બે સાથે ચાલતા હોય તો ક્લેશ ઓછો થતો જવો જોઈએ. જો ઓછો થતો જાય તો જાણવું કે ધર્મની અસર થાય છે. પણ ઓછો જ ના થતો હોય તો શું ? અને જ્યાં ક્લેશ થાય ત્યાં અધર્મ જ છે. કમ્પ્લિટ અધર્મ, ધર્મના નામે તે અધર્મ જ કરી રહ્યા છે. તોય આવી દુનિયા ચાલે છેને !

ક્લેશથી બગડે ભવોભવ

ક્લેશ એટલે ભયંકર સંસારરોગ. જેનાથી ક્લેશ ઉત્પન્ન ના થાય એને ધર્મ કહેવાય. સંસારમાં ખાય-પીએ તેનો વાંધો નથી, પણ જે ક્લેશ ઉત્પન્ન થાય છે એ ના હોવો જોઇએ. ભગવાન શું કહે છે કે મોક્ષ ના મળે તેનો વાંધો નથી, પણ ક્લેશ ના થાય તો સંસારમાં રહેવું સારું. ક્લેશ તો ભયંકર રોગ કહેવાય, ટી.બી. કરતાંય ખરાબ રોગ કહેવાય. ક્લેશ ના ગયો તો તું ધર્મ જ નથી જાણતો એમ ભગવાને કહેલું. ક્લેશ થાય તો જાનવરની ગતિ આવે. માટે બે વાતો શીખી લેવાની છે. ક્લેશ ના થતો હોય તો સંસારમાં રહેવું, નહીં તો મોક્ષનો માર્ગ ખોળવો. જ્યાં જરાક પણ ક્લેશ છે ત્યાં ધર્મ નથી અને જ્યાં ધર્મ છે ત્યાં ક્લેશ નથી. ક્લેશ એટલે તો માનસિક રોગ કહેવાય, એને લીધે તો આવતો ભવ બગડે. દેહને રોગ થાય તો એને માટે દવા કરીએ છીએ, તો પછી ક્લેશના રોગની દવાની તપાસ ના કરવી જોઇએ ? એની તો તરત તપાસ કરવી જોઇએ કે કયા કારણથી ક્લેશ થયો છે !

નિશ્ચયથી પણ વિરમે ક્લેશ

જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી, એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. 'ક્લેશ નથી જ કરવો' એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે અને જ્યાં ક્લેશ છે, ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને !

વેરથી ઊભા ક્લેશ

આજે તો આ લોકને સહન કરવાનું જરાય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તોય મહાન પુરુષનું એક દહાડાનુંય દુઃખ ના હોય, છતાંય ગા ગા કરે !

અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે જગતના લોક તો વેરથી જ બંધાયા છે, અને તેથી તો મોઢું દિવેલ પીધેલા જેવું દેખાય છે ! વેરથી ક્લેશ થાય. આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વીતરાગના ફણગા ફૂટે, પણ આ ઓળખે કેવી રીતે ? સાપવાળા પાર્શ્વનાથ ને સિંહવાળા મહાવીર સ્વામી !!! આ કેરીને ઓળખે કે રત્નાગિરિની કે વલસાડી ! પણ ભગવાનની ઓળખાણ એમને નથી પડતી !!! હવે આમને ક્યાં પહોંચી વળાય ?

કોઇનેય આપણાથી દુઃખ ના થાય એ સુખી થવાનો માર્ગ !

કેવી હિન્દુસ્તાનની દશા !

હિન્દુસ્તાનમાં સો ઘરો હોય, તેમાં પચાસ ઘર બહુ ત્યારે તો દુર્જનનાં હોય અને પચાસ સજ્જનનાં હોય, તો એ પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળાં હોય ને પિસ્તાલીસ ઘરો તો ક્લેશ વગરનાં હોય, એવું આ હિન્દુસ્તાન ! જો ડાહ્યાનું હિન્દુસ્તાન હોય તો પિસ્તાલીસ ઘરોમાં ક્લેશ ના હોય. સો ઘરોમાં પચાસ તો દુર્જનનાં ઘરો હોય, એ તો જાણે ક્લેશ-કંકાસમાં જ જીવે, પણ બીજા પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળાં, બીજા પિસ્તાલિસ ઘર ક્લેશ વગરનાં હોય, સેકડે ૪૫ ટકા, પણ આ તો હજારે શું લાખોમાં પણ એક ઘર ક્લેશ વગરનું નથી.

પોતાનો જ હિસાબ તેમાં કોણ દોષિત ?

અનંત કાળથી ભટક ભટક કરીએ છીએ, છતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અટક્યાં નથી. તેથી તેમને સમજવા જોઇએ. ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું જોઇએ. સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઇએ. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. આ ખમાવવું કેમ ? મફતમાં કેમ ખમાવાય ? ના, જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે.

રૌદ્રધ્યાન અને આર્તધ્યાન બે જ કૈડે છે, બીજું બહારનું કૈડતું નથી. ક્રોધ-માન-માયા-લોભ ખસેડ્યા ખસેડાય તેમ નથી. ડૉક્ટરે ખાંડ ખાવાની ના કહી હોય, તો કેવું જાગ્રત રહેવાય છે ? જો ડૉક્ટરે કહ્યું હોય કે, 'તમને હાર્ટ એટેક આવ્યો છે ને મીઠું બિલકુલ ખાવાનું નહીં, ખાશો તો બીજો એટેક આવશે ને તમે મરી જશો.' ત્યારે તમે કેવા એલર્ટ રહો છો ! ત્યાં કેમ ચેતતા રહો છો ? આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ તો અનંત કાળના મરણ છે. માટે તેમને બંધ કરવાં જ છે એમ નક્કી કર્યું કે તરત જ ૫૦ ટકા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થઇ જાય ! તમારે ભક્તિ-બક્તિ, સામાયિક કે પૂજા-પાઠ જે કરવું હોય તે કરવાનું, જે ગુરુને આરાધ્યા હોય તેમની આરાધના કરવાની; પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય તેટલું કરવાનું.

ક્લેશથી ઊભો આ સંસાર

સાચા ભક્તની નિશાની શી ? સ્વચ્છંદ ના હોવો જોઈએ, અભિનિવેશ ના હોવો જોઈએ, દ્ષ્ટિરાગ ના હોવો જોઈએ, ક્લેશ ના થાય, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય.

આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય તો ધર્મધ્યાનમાં આવ્યો કહેવાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે નવા કર્મો બંધાતા અટકે, પણ તેમ (એમને એમ) બને તેવું નથી. એ તો અમે 'સ્વરૂપ જ્ઞાન' આપીએ ત્યાર પછી જ 'બહાર' ધર્મધ્યાન શરૂ થાય ને 'મહીં' શુકલધ્યાન વર્તે અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઇ જાય. આ અક્રમ માર્ગ છે એટલે બાહ્ય ક્રિયા મિથ્યાત્વી જેવી એની એ જ રહે પણ ધ્યાન આખું બદલાઇ જાય !

ભગવાને કહેલું ધર્મધ્યાન હોય તોય નિઃક્લેશ હોય, ક્લેશ ના હોય. પૈસા ઓછા-વત્તા થાય પણ નિઃક્લેશ હોવું જોઇએ. આવું ક્લેશ રહિત ઘર ખોળવું મુશ્કેલ છે. મતભેદ એ ક્લેશ કહેવાય છે અને ક્લેશ છે ત્યાં સંસાર ઊભો છે. જેનો ક્લેશ ભાંગ્યો એ ભગવાન પદમાં આવ્યો ગણાય.

નાના પ્રકારના ક્લેશ થાય ને પછી તેનું મોટું સ્વરૂપ થઇ જાય. આ મતભેદમાં ને ક્લેશમાં મહાપરાણે મળેલો મનુષ્ય અવતાર એળે જાય. જેટલો ટાઇમ ક્લેશ કરે એટલો ટાઇમ એ જાનવરની ગતિ બાંધે ! સજ્જનતામાં જાનવરનું ના બંધાય.

દ્વેષથી ત્યાગેલું રાગથી ભોગવે

જ્યાં સુધી તને રાગ-દ્વેષ છે, ત્યાં સુધી તું વીતરાગી થયો નથી. જો લીંબું ત્યાગ્યાં હોય અને પછી કોઇ ખોરાકમાં ભૂલથી લીંબું નિચોવાયું હોય તો ચિડાયા કરે. આનો અર્થ એ કે જે રાગથી ત્યાગ્યું હોય તે દ્વેષથી ભોગવવું પડે ને દ્વેષથી ત્યાગ્યું હોય તે રાગથી ભોગવવું પડે. કોઇને બીડીની બાધા હોય, તેને બીડી પીવડાવીએ તો તેને એમ થઇ જાય કે, મારી બાધા તોડાવી નાખી, તે તેને મહીં ક્લેશ થઇ જાય. રાગદ્વેષથી ત્યાગવું એટલે શું ? કે જ્યારે ગમતું હોય છતાં દ્વેષથી ત્યાગી દે કે મને નથી ગમતું, છતાં જ્યારે વસ્તુ સામી આવે ત્યારે પાછો ટેસ્ટ આવી જાય. દ્વેષથી ત્યાગતાં રાગથી ભોગવે. આ તો બધાએ રાગથી ત્યાગેલું તેથી દ્વેષથી ભોગવવું પડે.

અત્યારે તો જ્યાં જ્યાં હરીફ, ત્યાં ત્યાં દ્વેષ હોય છે. જ્યારે બીજી બધી જગ્યાએ વીતરાગ રહે, પણ જો જાણે કે, મારાં કરતાં ઊંચે પદે છે, તે દ્વેષ આવી જાય. એથી અમે કહીએ છીએ ને, કે બિનહરીફ થવાનું છે. બે હીરાના વેપારી હોય ને હરીફ બને તો દ્વેષ થઇ જાય, પાછા રાગેય એના પર થાય તે પાછા સાથે ચા પીએ.

બંધન, અજ્ઞાન પ્રત્યેના રાગથી

ભગવાન રાગ શાને કહે છે કે 'હું ચંદુલાલ', 'હું જમ્યો' તેને રાગ કહે છે અને 'હું નિરાહારી માત્ર તેને જાણું છું' તે રાગ નહીં. 'હું અને મારું' તે રાગ.

અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ 'રાગ' અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે 'વીતરાગ'.

આ બધાએ રાગનો અર્થ અવળો લીધો છે. તેઓ વિષયો પર રાગ છે એને રાગ કહે છે; પણ એ તો આકર્ષણ ગુણ છે, આસક્તિ છે. આખું જગત 'રાગ'માં ફસાયું છે. આસક્તિ એટલે આકર્ષણ.

વિચારો, ક્લેશ કરાવનારું કોણ ?

પ્રશ્નકર્તા : આ ધ્યાન શૂન્યતામાં લઇ જાય છે ? તેનાથી કશો ફાયદો થાય ?

દાદાશ્રી : ના, એ તો સ્પંદન વધારે છે, 'અહંકાર' વધારે છે.

પ્રશ્નકર્તા : આ જે શરીરમાં ચક્રો છે, એ ચક્રો જેવું કશું નથી ?

દાદાશ્રી : છે, એ બધાં ચક્રો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન (શરીરમાં શક્તિ સ્થાપનારા) છે અને ત્યાં આગળ ચક્રો ઉપર ધ્યાન કરવાથી એકાગ્રતા થાય, મન સારું થાય, સ્થિરતા આવે પણ અહંકાર વધી જાય. સાચું જ્ઞાન જ એકલું એવું છે કે જે 'કાઉન્ટર વેઇટ' માંગતું નથી. બાકી આ બીજા બધા 'કાઉન્ટર વેઇટ' માંગે એવી વસ્તુઓ છે. જે વસ્તુ લો તેની સામે બદલામાં બીજી વસ્તુ આપવી પડે. એટલે એકાગ્રતા કરો તો અહંકાર વધી જાય ને આમ ખોટ ખાય ! એક યથાર્થ જ્ઞાનનો રસ્તો એકલો જ સેફસાઇડવાળો છે કે જેનાથી બીજું ઊભું થાય નહીં.

આ 'મેડિટેશન'થી પોતાને શો ફાયદો થયો એ આપણે વિચારવું જોઇએ. આપણો ક્લેશ ઘટ્યો ? જો આપણો ક્લેશ ઘટ્યો તો 'રિલેટિવ' ધર્મ પ્રાપ્ત થયો કહેવાય ને ક્લેશનો નાશ થયો તો 'રિયલ' ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. ક્લેશ કરાવનારું કોણ છે ? અજ્ઞાન. જેટલા 'રિલેટિવ' ધર્મો છે, તે અજ્ઞાનમાં રાખનારા છે.

તુર્ત ફળે તે ધર્મ

જ્યાં કંઈ પણ ક્લેશ છે ત્યાં ભગવાનેય નથી ને ધર્મેય નથી.

ધર્મ તો કોને કહેવાય ? જે તરત ફળ આપે. તરત ફળ આપનારો હોય તો જ ધર્મ, નહીં તો અધર્મ. આ ક્રોધ તરત જ ફળ આપે છે ને ? જેમ અધર્મ તરત ફળ આપે છે, તેમ ધર્મનું ફળ પણ તરત જ મળવું જોઇએ. સ્વરૂપનું અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી જો સાચો ધર્મ કરે તોય એના ઘરમાં ક્લેશ ના થાય. જ્યાં કષાય છે ત્યાં ધર્મ જ નથી. કષાય છે ત્યાં લોકો ધર્મ ખોળે છે, તે જ અજાયબી છે ! લોકોને પરીક્ષા કરવાનું ગજું જ નથી. સમ્યક્ દર્શન પ્રાપ્ત થયા પછી એને સંસાર ગમે જ નહીં. તેથી જ સમ્યક્ દર્શન શું કહે છે કે, 'મને પ્રાપ્ત કર્યા પછી તારે મોક્ષે જવું જ પડશે ! માટે મને સેવતા પહેલાં વિચાર કરજે.' તેથી તો કવિએ ગાયું છે ને કે,

'જેની રે સંતો, કોટિ જન્મોની પુણ્યૈ જાગે,

તેને રે સંતો, દાદાનાં દર્શન થાયે રે,

ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે.'

ખટકારો એટલે શું કે એક વખત 'દાદા'ને ભેગો થયો તો પછી ફરી અહીં દર્શન કરવાનું મન થયા કરે. એથી અમે કહીએ છીએ કે, 'જો તારે પાછા જવું હોય મને ભેગો થઇશ નહીં અને ભેગો થયો એટલે તારે મોક્ષે જવું પડશે ! જો તારે ચાર ગતિમાં જવું હોય તો તેય આપું. અહીં તો મોક્ષનો સિક્કો વાગી જાય એટલે મોક્ષે જવું જ પડે.' અમે તો તમને કહીએ છીએ કે અહીં ફસાશો નહીં અને ફસાયા પછી નીકળી શકશો નહીં.

સમજણ શમાવે ક્લેશ પરિણામ

લોકોને ઘેર ક્લેશ ના થાય, ક્લેશીત જીવન ના રહે એવો ધર્મ જ બતાવવાનો છે. અત્યારે આ ધર્મ તો અપસેટ થઈ ગયો છે, એટલે આ લોકો ક્લેશીત જીવન જીવે છે. નહીં તો આ જૈનો, વૈષ્ણવો કંઈ ગુનેગાર છે ? એવું નથી. છતાંય કેમ ચિંતાઓ આટલી બધી છે ? કારણ કે આખું જીવન જ ક્લેશીત છે. આખો ધર્મ જ આમ હતો, તે અત્યારે આમ ઊંધો થઈ ગયો છે. એટલે જે આમ ઊંધું થયેલું છે, તેને ફરી પાછું આમ ઊંધું કરી આપીશું. બહુ જ સહેજમાં જ ક્લેશ વગરનું જીવન થાય એવું છે ! અને આ લોકોને વગર મહેનતનો ધર્મ આપીશું. આમનાં મોઢાં ઉપર તો દિવેલ ફરી વળેલું છે, આમની પાસે શું મહેનત કરાવડાવીએ ? મોઢાં ઉપર દિવેલ નથી દેખાતાં બહાર લોકોને ? મોઢાં ઉપર દિવેલ ચોપડીને ફરતાં હશે ? એનું શું કારણ ? આ લોકોને મહેનત આપવા જેવી નથી, તપ-ત્યાગ કરાવવાં જેવું નથી, દુઃખી જ છે બિચારાં. પાછું કહેશે, 'ફલાણું ખાવાનું છોડી દો.' અલ્યા, એ એકલું જ તો ભાવે છે બિચારાંને, એ શું કરવા છોડાવી દે છે ? એને ત્યાગ કરાવવા જેવો જ નથી. એને સુખ જ નથી કોઈ જાતનું ! કરુણા આવે એવું થઈ ગયું છે ! અમને આમ દેખાય બધું, તે અમને કરુણા આવે કે આમાંથી, આ દુઃખોથી આ લોકોને મુક્તિ થાય.

જ્યાં ક્લેશ થાય ત્યાં ભગવાન ના રહે, ભગવાન જતા રહે. ભગવાને શું કહ્યું ? ભક્તને ત્યાં ક્લેશ ના હોય. પરોક્ષ ભક્તિ કરનારને ભક્ત કહ્યા ને પ્રત્યક્ષ ભક્તિ કરનારને ભગવાને 'જ્ઞાની' કહ્યા, ત્યાં તો ક્લેશ હોય જ ક્યાંથી ? પણ સમાધિ હોય !

ક્લેશ રહિતનું મન થયું તે 'મોક્ષ' અને ક્લેશ સાથેનું મન તે 'સંસાર'.

નોર્માલિટીથી મોક્ષ

'અમારી' એક ઇચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઇલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને. એબોવ નોર્મલ ઇઝ ધી ફીવર, બિલો નોર્મલ ઇઝ ધી ફીવર. ૯૭ ઇઝ ધી બિલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર, ૯૮ ઇઝ નોર્માલિટી ! એબોવ નોર્મલ અને બિલો નોર્મલ બન્નેય ફીવર છે. આ વાત તો ડૉક્ટરો એકલા લઇને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય ! ઊંઘવામાં, ખાવામાં-પીવામાં, બધામાં નોર્માલિટી જોઇશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઇ ગઇ છે, તે બધે પોઇઝન ફરી વળ્યું છે. એમાં કોઇનો વાંક નથી, બધા કાળચક્કરમાં ફસાઇ ગયા છે !

વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઇ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડ્યો ? આ તો બધા કૂવા છે, આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડ્યા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે. તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે, કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે, શાસ્ત્રો પાછળ પડ્યા તે તેની જ પાછળ ! અલ્યા, એક ખૂણા પાછળ જ પડ્યા છો ? મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે ! છતાં ખૂણા વાળ્યા એટલે એનાં ફળ તો મળશે જ, પણ મોક્ષ જો જોઇતો હોય તો એ કામનું નથી. તારે જો ચતુર્ગતિ જોઇતી હોય તો ભલે એકની પાછળ પડ. મનુષ્યમાં ફરી જન્મ મળે, બધે વાહ વાહ મળે, એવું હું તને અહીંયાં આપી શકું તેમ છું. પણ આ તો ક્યાં સુધી ? પછી જ્યાં જાય ત્યાં કપાળ કૂટો ને ક્લેશ ઊભો થાય, એવું માગવા કરતાં ઠેઠનો તારો મોક્ષ લઇ જાને મારી પાસે ! કાયમનો ઉકેલ આવે એવું કંઇક લઇ જા અહીંથી !

એક-એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ ? કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઇ ગઇ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઇએ, 'મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઇ પણ દુશ્મન નથી, દેવમાત્ર પણ દુશ્મન નથી એવા 'મોક્ષદાતા પુરુષ'નું નિમિત્ત જોઇએ.

જરૂર, ભાવનિદ્રામાંથી જાગવાની

આખું જગત ભાવનિદ્રામાં છે. ભાવનિદ્રા એટલે સ્વભાવમાં ઊંઘ્યો તે, ને પેલી દેહનિદ્રામાં તો સ્વભાવમાં ઊંઘે અને પરભાવમાંય ઊંઘે છે તે. દેહનિદ્રામાં દેહનુંય ભાન ના રહે. દેહનિદ્રામાંથી દેહનું ભાન આવે ત્યારે બીજી બાજુ ભાવનિદ્રા રહે. પોતે પોતાનું બેભાનપણે અહિત જ કર્યા કરે છે. ક્રોધ-માન-માયા-લોભ એ ભાવનિદ્રાને લીધે થાય છે. કોઇને કિચિંત્માત્ર દુઃખ થાય છે તેય ભાવનિદ્રાને લીધે થાય છે. આખું જગત ભાવનિદ્રામાં છે, એમાંથી જાગો. હું તો એક જ તમને કહેવા આવ્યો છું કે જાગો.

તારે જાગવું છે કે ઊંઘવું છે ? આમ ક્યાં સુધી ઊંઘ્યા કરીશ ?

પ્રશ્નકર્તા : હું તો જાગતો જ છું ને ?

દાદાશ્રી : 'કોણ કહે છે કે તું જાગતો છે ?' જાગતો હોય તો તો કોઇની જોડે ક્લેશ ના થાય, કંકાસ ના થાય, કોઇની જોડે મતભેદ ના પડે, ચિંતા ન થાય.

કેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ ? આપણાં ઘરમાં ક્લેશ ક્યારેય પણ ના થાય, એવી આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. બીજું બધું ચાલે પણ અંતરક્લેશ ના થવો જોઈએ.

આ અંતરક્લેશ અને શોક, બેમાંથી આ દુઃખો બધાં, આ બધાં રોગ ઊભાં થાય છે અને આવું જ્ઞાની પુરુષનો, આ અક્રમનો આનંદ જો ભોગવે ને તો રોગો બેસી જાય પાછાં. એ નોર્મલ આવી જાય પછી.

કલુષિત ભાવ જાય તો પામે પૂજ્ય પદ

પ્રશ્નકર્તા : આપણે ના કરવો હોય તોય સામો આવીને ક્લેશ કરી જાય તો ?

દાદાશ્રી : હા. આનું નામ જ જગતને ! એટલે જ કહ્યું ને, કે એવી 'ગુફા' ખોળી કાઢ કે તેને કોઇએ જાણેલી ના હોય ને તને કોઇ ઓળખી જાય નહીં, એવી 'ગુફા' ખોળ. આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક ક્લેશ કરાવશે, નહીં તો રાતે બે મચ્છરાં આવીનેય ક્લેશ કરાવે ! જંપવા ના દે ! માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો ક્લેશ ના થવા દઇશ. તારો ક્લેશ ભાંગ્યા પછી બીજાનો ક્લેશ ભાંગી આપે એટલે તું લોકપૂજ્ય પદમાં આવ્યો કહેવાય !

આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજ્ય છે, લોકપૂજ્ય છે. પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે, પણ કલુષિત ભાવ નીકળી જાય તો ! કલુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય ! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઇએ. પોતાને, સામાને, કોઇ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઇ પડે. 'અમે' અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુદ્ગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે 'પોતે' તો નિરંતર 'અમારા સ્વરૂપ'માં જ રહીએ છીએ પણ આ પુદ્ગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદ્ગલેય લોકપૂજ્ય થઇ પડ્યું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે, અરે ! ટેરિલીનનાં પણ કપડાં પહેરે છે ને છતાંય લોકપૂજ્ય પદ છે ! એય આ કાળનું આશ્ચર્ય છે ને ! અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આશ્ચર્ય છે !

ક્લેશ વિરમે અક્રમ જ્ઞાનથી

આ 'અક્રમ માર્ગ' તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઇ જાય તેવું છે. એટલે પોતાને તો ક્લેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ ક્લેશ ના થાય અને સામો ક્લેશવાળો આપણા અકલુષિત ભાવથી ઠંડો પડી જાય, આખો ભાવ જ ચેન્જ મારે ! આ મકાન કોઇ દહાડો કલુષિત હોતું નથી. પણ પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ રૂમ મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય.

કલુષિત ભાવ નીકળી જાય તો પુદ્ગલ પણ પૂજ્ય થાય એવું આ જગત છે ! પછી ગમે તે હો, મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો, જેના એ કલુષિત ભાવ નીકળી જાય તે લોકપૂજ્ય થાય ! આ ઓલિયા હોય છે ને, તેમાં ઘણા કલુષિત ભાવો નીકળી જાય છે, તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે. છતાં ઓલિયાને એ નેચરલી છે, વિકાસક્રમના રસ્તામાં આવતાં જ થઇ જાય છે. એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો 'જ્ઞાન' મળ્યા પછી જ થાય. ત્યાર પછી 'સ્વક્ષેત્ર'માં બેસે એટલે કલુષિત ભાવો ઓછા થઇ જાય. નહીં તો ત્યાં સુધી એક કલુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય ! આપણી પાસે એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય ત્યાં સુધી એ બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ ક્યારે ભેગો થાય ? પુરુષ (આત્મા) થાય ત્યારે. એટલે પછી બધું લશ્કર પોતા પાસે સાબૂત હોય. ગાર્ડ ના હોય તો તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ?

ક્લુષિત ભાવ ઉત્પન્ન ના થાય તો

કલુષિત ભાવ દહાડે દહાડે ઓછા ના થયા તો માનવતા જ ન રહે, પાશવતા રહે.

ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી ? લોકપૂજ્ય હોય ત્યાં સુધી. જે લોકનિંદ્ય નથી એને કળિયુગમાં ભગવાને લોકપૂજ્ય કહ્યા. આ કળિયુગમાં આટલો લાભ લોકોને મળ્યો કે તારી કળિયુગમાં નિંદા નથી થતી, માટે તું લોકપૂજ્ય પદમાં છે ! ભગવાન આમાં ડાહ્યા હતા, પણ ભક્તો એટલા ડાહ્યા નથી કે ભગવાને મને લોકપૂજ્યપદ આપ્યું છે, માટે મારે ડાઘ પડવા ના દેવો જોઇએ. નહીં તો લોકપૂજ્ય તો ના હોય ! એ હોય તો બે કે ત્રણ જ હોય, આખા જગતમાં ! આ ગુરુને શિષ્ય પૂજે છે એ તો પોલીસવાળાની પેઠ. પાછળ શિષ્ય કહેશે કે જવા દોને એની વાત, એવું કહે. કૃપાળુ દેવ લોકપૂજ્ય હતા. લોકપૂજ્ય એટલે ઊંચામાં ઊંચું ગોત્ર. ભગવાન બધાં લોકપૂજ્ય હતા.

કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય, ત્યારથી ભગવાનપદ ઉત્પન્ન થયું ગણાય. અને કલુષિત ભાવો સંપૂર્ણ જાય તથા તેમના નિમિત્તે સામાનેય કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય, તે ભગવાન ગણાય !

શી ભૂલ રહી જાય છે ?

કાળજી રાખવાના ગુણાકારથી તો આખું જગત રઝળપાટ કરે છે. કાળજી રાખવાની તો જરૂર જ નથી ને નહીં કાળજી રાખવાની, નિષ્કાળજી રાખવાની, એના ભાગાકાર કરવાની પણ જરૂર નથી. કાળજીના ગુણાકાર કરવાની જરૂર નથી અને નિષ્કાળજીના ભાગાકાર કરવાની પણ જરૂર નથી. આ તો આખો દહાડો કાળજીમાં ને કાળજીમાં, કાળજીમાં ને કાળજીમાં ! છતાં કશું ધોળતાં નથી ને નથી કશું કોઈ બરકત આજે આવતી ! આટઆટલું ખાતાં-પીતાં, આટલી કમાણી હોવા છતાં કોઈ સુખી નહીં ? આ કઈ જાતનું ? વ્યવહારમાં એવું નિષ્ક્લેશ તો હોવું જોઈએ ને ? વ્યવહાર કંઈ ક્લેશવાળો ઓછો હશે ? વ્યવહાર તો નિષ્ક્લેશ જ છે, ફક્ત એને જીવન જીવતાં નથી આવડતું, એટલે એને ક્લેશ ઊભો થઈ જાય છે.

અખતરો તો કરી જુઓ

ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને ! અખતરો કરવામાં શું વાંધો છે ? ત્રણ દિવસના ઉપવાસ કરે છે ને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધાં ભેગાં થઇને નક્કી કરો કે 'દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ.' પછી જુઓ.

આ તે કેવું ભણતર ?

આ જગતમાં કોઈ કાળે કાણ કરવા જેવું જ નથી. ફક્ત વીસ-એકવીસ વર્ષની જુવાન છોકરી હોય ને એને કંઈ છૈયું-છોકરું ના હોય ને તે વિધવા થઈ હોય તો તેની કાણ કરવા જેવી ખરી. કાણ એટલે ક્લેશ કરવા જેવી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં ! તોય આખો દહાડો ક્લેશ, ક્લેશ ને ક્લેશ ! અલ્યા, શું ભણ્યા ? તમે કેવું ભણ્યા છો ? આનું નામ ભણતર જ ના કહેવાય ને ! 'થીયરી' ઑફ 'રિલેટિવિટી' સમજવી જોઈએ ને ?

ફરજો બજાવવાની પણ ક્લેશ વગર

આ તો 'રિલેટિવ' સગાઇઓ છે. આપણે આપણી ફરજ બજાવવી. માટે જક્કે ના ચઢો, તરત વાતનો ઉકેલ લાવી નાખો. તેમ છતાં સામો માણસ બહુ બાઝે તો કહીએ કે, 'હું તો પહેલેથી જ ડફોળ છું. મને તો આવું આવડતું જ નથી.' એવું કહી દીધું એટલે પેલો આપણને છોડી દે. જે તે રસ્તે છૂટી જાઓ અને મનમાં એમ નહીં માની બેસવાનું કે બધાં ચઢી બેસશે તો શું કરીશું ? એ શું ચઢી બેસે ? ચઢી બેસવાની કોઇ શક્તિ જ ધરાવતું નથી. આ બધાં કર્મના ઉદયથી ભમરડા નાચે છે ! માટે જેમ તેમ કરીને આજનો શુક્રવાર ક્લેશ વગર કાઢી નાખો, કલ કી બાત કલ દેખ લેંગે. બીજે દહાડે કંઇક ટેટો ફૂટવાનો થયો તો ગમે તે રીતે તેને ઢાંકી દેવો, ફિર દેખ લેંગે.

ચિંતા મિટાવે તે મોક્ષમાર્ગ

સંસારમાં હોય ને ચિંતામાં જ રહે અને એ ચિંતા ના મટે, તો પછી એને કેટલાય અવતાર રહ્યા ! કારણ કે ચિંતાથી જ અવતાર બંધાય.

પ્રશ્નકર્તા : ચિંતા બંધ કરવા શું કરવું ?

દાદાશ્રી : એ તો 'જ્ઞાની પુરુષ'ની પાસે આવીને કૃપા લઈ જવાની, પછી ચિંતા બંધ થઈ જાય અને સંસાર ચાલ્યા કરે.

પ્રશ્નકર્તા : ઘરમાં વડીલ હોય તો એમને ચિંતા થાય ને ?

દાદાશ્રી : ચિંતા બધી અણસમજણથી થાય છે. મજૂરો ચિંતા નથી કરતાં ને શેઠિયા લોકો ચિંતા કરે છે. મજૂરો એકુંય ચિંતા નથી કરતા, કારણ કે મજુરો ઊંચી ગતિમાં આવવાના છે અને શેઠિયાઓ નીચી ગતિમાં જવાનાં છે. ચિંતાથી નીચી ગતિ થાય, માટે ચિંતા ના હોવી જોઈએ. ચિંતાથી કશું વધી જાય ખરું ?

પ્રશ્નકર્તા : નથી વધતું.

દાદાશ્રી : વધતું નથી ? તો પછી એ ખોટો વેપાર કોણ કરે ? જો ચિંતાથી વધી જતું હોય તો તે કરવું. તમને ચિંતાનો શોખ છે ?

પ્રશ્નકર્તા : ના, શાંતિ જોઈએ છે.

દાદાશ્રી : ચિંતા તો અગ્નિ કહેવાય, આમ થશે ને તેમ થશે ! ચિંતા એ તો અહંકાર છે ! કો'ક કાળે જૈન થવાનું આવે ને ત્યારે ચિંતામાં રહ્યા તો મનુષ્યપણુંય જતું રહે. કેટલું બધું જોખમ કહેવાય ? તમારે શાંતિ જોઈતી હોય તો ચિંતા કાયમની બંધ કરી આપું.

ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય ! વીતરાગ ભગવાનનાં જે દર્શન કરે ત્યારથી જ ચિંતા બંધ થવી જોઈએ, પણ દર્શન કરતાંય નથી આવડતું.

પ્રશ્નકર્તા : આપની પાસે તો અમે બાળક છીએ.

દાદાશ્રી : હા, એટલે જ કહું છું કે દર્શન કરતાંય નથી આવડતું. દર્શન કરવાનું તો, જ્ઞાની પુરુષ શીખવાડે કે આવી રીતે દર્શન કરજો ત્યારે કામ થાય. આ ચિંતામાં તો અગ્નિ સળગ્યા કરે. શક્કરીયાં જોયેલાં ? શક્કરીયાં ભરહાડમાં મૂકે ને બફાય એના જેવું થાય !

આવી સુંદર શાકભાજી લઈ આવે છે, લાવીને ખાય છે ને ચિંતા કરે છે; ઘરનાં લૂગડાં પહેરીને ચિંતા કરે છે. ચિંતા પાર વગરની છે. તમારે તો કોઈ દહાડો ક્લેશ-કંકાસ થઈ જાય ને ?

પ્રશ્નકર્તા : ગમે એટલા આનંદમાં બેઠાં હોઈએ ને, પણ કંઈક એવો શબ્દ નીકળી જાય તે ક્લેશ ઊભો થઈ જાય !

દાદાશ્રી : ખરું તો ક્યારે કહેવાય કે મહિનામાં એકાદ દહાડો જરા ક્લેશ થઈ જાય, રોજ રોજ ક્લેશ ના હોય. આપણને ગમતું ના હોય છતાંય આવું બને છે ને ? તો એ કોણ કરતું હશે ? તમારે ના ગમતા હોય તે જ શબ્દો નીકળી જાય. બધાનું કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા જાય તો શાંતિ થાય.

ન ક્લેશનો વાસ ત્યાં ભગવાનનો નિવાસ

આ સંસારમાં મનુષ્યો, હિન્દુસ્તાનની સ્ત્રીઓ-પુરુષો દિવસો કેવી રીતે કાઢે છે, એય અજાયબી છે ને ! કેટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ જાય છે, તોય પણ સાંજે બધાને શાંત કરીને આટલા ઝઘડાનો નિકાલ કરીને પછી મા સૂઈ જાય. જ્યાં સુધી ઘરમાંથી ક્લેશ ના જાય ત્યાં સુધી ભગવાનનો વાસ ના હોય. ક્લેશ તો દરેકને ના જ કરવો હોય ને ? પણ એની મેળે ક્લેશ થઈ જાય, તે શું કરે ? ક્લેશ તમે સમજ્યા ? તમે એકલા સ્વતંત્ર રહો છો કે ફેમિલી સાથે છો ?

પ્રશ્નકર્તા : ભાઈ-બહેન, મધર-ફાધર બધાં સાથે જ રહું છું.

દાદાશ્રી : ઘરમાં, એ વાતાવરણમાં કોઈક દહાડો ક્લેશ થઈ જતો હશે ને ?

પ્રશ્નકર્તા : કોઈક વાર થાય.

દાદાશ્રી : પછી કોણ કાઢી મેલે એ વાતાવરણને ? એ ક્લેશનું વાતાવરણ ઘરમાં આખી રાત એમને એમ રહે છે કે કાઢી મેલો છો ?

પ્રશ્નકર્તા : કાઢી મૂકીએ છીએ.

દાદાશ્રી : શી રીતે કાઢી મેલો ? લાકડી મારીને ? આ લોકોને ક્લેશનું વાતાવરણ કાઢી મૂકવાની ઇચ્છા છે, પણ શેનાથી કાઢે ?

પ્રશ્નકર્તા : ક્લેશ ભૂલી જવાનો ને આનંદનું વાતાવરણ કરવાનું.

દાદાશ્રી : એવું છે, આ બધી લાઇફો ફ્રેક્ચર થઈ ગયેલી છે, માઇન્ડ ફ્રેક્ચર થઈ ગયાં છે, બુદ્ધિ ફ્રેક્ચર થઈ ગઈ છે, એવા જમાનામાં માણસો શું ખોળે છે ? એટલે હવે ફરી માઇન્ડની મજબૂતી થવી જોઈએ. માઇન્ડની મજબૂતી ક્યારે થાય ? જ્ઞાની પુરુષનાં દર્શન કરે, ખાલી દર્શનથી જ માઇન્ડની મજબૂતી થઈ જાય.

તૂંડે તૂંડે મતિ ભિન્ન

આ કંઈ એક જાતનાં તૂંબડાં છે ? કેટલા પ્રકારનાં તૂંબડાં છે ? જેટલાં તૂંબડાં એટલી મતિ. તૂંડે તૂંડે મતિ ભિન્ન ! તે તૂંડ તો ક્યાં સુધી કહેવાતું હતું કે જ્યાં સુધી ઘરમાં ક્લેશને પેસવા નહોતા દેતાં, એટલી તો ચોકસાઈ હતી, ત્યાં સુધી એ તૂંડ કહેવાતા હતા ! અત્યારે તો ક્લેશને પેસવા દે છે એટલા ભોળા છે માટે તૂંબડાં કહેવાય. અત્યારે તો ક્લેશ પેસી ગયો હોય છે કે નહીં ? ઘણી વાડ કરે તોય પેસી જાય છે ને ? બારણાં વાસેલાં રાખે, પાછા ચાંપ રાખે કે ઘંટડી વાગે તો જ બારણું ઊઘડે, પણ તોય છેવટે મોરી વાટે પણ ક્લેશ પેસી જાય. શાથી તૂંબડાં કહ્યા કે ઘરનું ખાય છે, ઘરનાં લૂંગડાં પહેરે છે, કંઈ બધાં ચોરીઓ કરતાં નથી અને પછી ક્લેશ કરે છે. ઘરમાં ઉત્પાદન થાય ને ઘરમાં જ વાપરે, આવું લોક થઈ ગયું છે !

હવે ક્લેશમાં ઘવાયેલાં માણસો, તે મન ઘવાઈ ગયેલાં હોય. મનમાં ઘાયલ થયેલાં છે, ચિત્તનાં ઘાયલ થયેલાં છે, અહંકારનાં ઘાયલ થયેલાં છે ! આમના અહંકાર જ ઘાયલ થયેલાં છે, એમને શું વઢવાનું ? આમને વઢો તો તમારા બોલ નકામા જાય. કેટલાક ચિત્તનાં ઘાયલ થયેલાં હોય છે તે બેચિત્ત જેવા જ ફર્યા કરતા હોય. કેટલાકનું મન ઘાયલ થયું હોય તે આખો દહાડો અકળાયેલો ને અકળાયેલો ફર્યા કરે, જાણે આખી દુનિયાની અગ્નિ એને ભરખી જવા ના આવી હોય ?

વીતરાગતાની અનોખી રીત

પ્રશ્નકર્તા : જો આપની સામે કોઈ રિસાય તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો ?

દાદાશ્રી : બિલકુલ વીતરાગભાવથી ! ખેંચ-બેંચ અમને નહીં, એને મનાવવાની ભાવના નહીં. આપણને એમ લાગે કે મનાવવાથી વાંકું થાય એવું છે, તો બિલકુલ બંધ ! અને આપણને લાગે કે મનાવ્યાથી સીધું થાય એવું છે, તો એકાદ શબ્દ અમે કહીએ કે, 'ભાઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો, બેસોને નિરાંતે. ભૂલચૂક તો મારીય થાય ને તમારીય થાય' એમ કહીને એને બેસાડીએ. પણ ખેંચ નહીં, વીતરાગતા હોય. નિરંતર વીતરાગતા હોય ! અને એના તરફ કિંચિત્માત્ર અભાવ નહીં અને ભાવ નહીં. અને પછી 'દાદા ભગવાન'ને કહી દેવાનું કે એની પર કૃપા ઉતારો. અને 'ચંદુભાઈ' અને 'ચંદુભાઈ'નાં મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવાં 'તમારા' 'શુદ્ધાત્મા'ને કહી દઉં કે 'ચંદુભાઈ'ની ઉપર કૃપા ઉતારો. તે બધાં 'કનેક્શન' હું મેળવી આપું. પછી વીતરાગતાથી રહું. એ રિસાયેલો ને હું આ સીધો, વ્યવહાર અમારે ચાલ્યા કરે ! થોડો વખત એ મૂંઝાયા કરે, પછી નીકળી જાય બધું.

પ્રશ્નકર્તા : તો દાદા, એવું ખરું ને, કે રિસાળ માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની રીત એને આપોઆપ છોડવી પડે ?

દાદાશ્રી : એવાને અમે જરાય પ્રોત્સાહન આપીએ નહીં, કોઈ દહાડો ના આપીએ. એવો માણસ પ્રોત્સાહનથી અવળો થાય છે.

નોંધ કરાવે ક્લેશ

આ છોકરાં જોડેય વીતરાગતાથી રહેવાથી તે બહુ સારાં થાય છે. એ છોકરાંનેય પ્રોત્સાહન આપીએ તો છોકરાં અવળાં ચાલે. વીતરાગતા જોઈએ ! છોકરાં આવે એટલે હાથ ફેરવવો, ના આવે તો કંઈ નહીં, એવું ! આવે તો હાથ ફેરવવો ને 'હીટ હીટ' કરે તો કંઈ નહીં. પછી ફરી આવે તો હાથ ફેરવવો. એ કશું કરે એ આપણે ધ્યાનમાં લેવાનું નહીં, આપણે વીતરાગ રહેવું. એ કશું કરે, તેને આપણે ગણવાનું નહીં, નોંધ કરવાની નહીં.

પ્રશ્નકર્તા : એ બહુ મોટી વસ્તુ છે ને !

દાદાશ્રી : નોંધ નહીં ! નોંધ તો ક્લેશ કરાવડાવે. નોંધ જરાય નહીં. કોઈનાં સારુ નોંધ નહીં કરવાની. આ બધાને અમે વઢીએ પણ નોંધ નહીં. એક કલાકેય નોંધ નહીં. નોંધ રાખીએ તો અમારું મગજ બગડી જાય. અમે તો નોંધપોથી જ કાઢી નાખેલી.

ક્લેશના મૂળમાં રાગ-દ્વેષ

પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં એક જગ્યાએ વાંચ્યું છે કે રાગથી દ્વેષના બીજ પડે છે અને દ્વેષથી રાગના બીજ પડે છે એ જરા સમજાવો, એ કેવી રીતે બને ?

દાદાશ્રી : બેઉ સામસામી જ છે. પેલું પેલું ઊભું કરે અને પેલું પેલું ઊભું કરે. વીતરાગને અડે નહીં.

પ્રશ્નકર્તા : રાગથી દ્વેષ કેવી રીતે ઊભો થાય એ જરા સમજાવો.

દાદાશ્રી : તમને બહુ રાગ હોયને તોય છે તે અતિ થાય એટલે દ્વેષ થાય.

પ્રશ્નકર્તા : અતિ થાય એટલે દ્વેષ થાય એક સિદ્ધાંત થયો, પણ એ સિદ્ધાંતનો દાખલો આપીને સમજાવોને.

દાદાશ્રી : આ રોજ ઘરમાં કકળાટ છે, એનું કારણ જ એ છે. રાગનું કારણ છે. એ અતિ થાય એટલે દ્વેષ થાય. રોજના રાગનું પરિણામ આ દ્વેષ આવે છે.

ક્લેશનું કારણ દ્વેષ છે. બહુ રાગ થાય ત્યારે અણગમો ઉત્પન્ન થાય. અમુક હદ સુધીનો પરિચય રાગમાં પરિણમે છે અને 'રીજ પોઈન્ટ' આવે તે પછી આગળ વધે તો દ્વેષમાં પરિણમે. દ્વેષ થાય છે તે વખતે જ રાગનાં કારણો સેવાય છે. અને આ બધાનાં મૂળમાં રાગ-દ્વેષ એ 'ઈફેક્ટ' છે ને અજ્ઞાન એ 'કોઝ' છે !

બુદ્ધિથી પણ ટળે ક્લેશ

ક્લેશવાળું જીવન એ મનુષ્યજીવન કહેવાય જ નહીં ને ! કારણ કે કોઈ જાનવરોય ક્લેશ નથી કરતાં. આ જાનવરો મહીં દુઃખ પડે ને વેદના થાય ત્યારે આંખમાંથી પાણી પડી જાય, રડે ખરાં. પણ મનુષ્ય સિવાય કોઈ ક્લેશ કરે જ નહીં. મનુષ્યમાં તો ક્લેશ હોતો હશે ? છતાંય કોઈ એવી ભૂલ રહી જાય છે કે જેથી ક્લેશ ઉત્પન્ન થાય છે, કંઈક ભૂલ રહી જાય છે ને ! ભગવાને કહ્યું હતું કે ક્લેશ કાઢી નાખવા માટે જ્ઞાનની જરૂર નથી, બુદ્ધિની જરૂર છે. બુદ્ધિ તો સારી રીતે પ્રકાશમાન થઈ શકે એવી છે, તેનાથી ક્લેશ બધો નિર્મૂલન થઈ શકે એમ છે. પણ જુઓને, ક્લેશનાં તો આખાં કારખાનાં કાઢ્યા છે.

કોઈ પણ બુદ્ધિશાળી હોય અને હું પહેલામાં પહેલું પૂછું કે તમારા ઘરે ક્લેશ છે ? અને મહિનામાં એકાદ દહાડો થતો હોય તો વાંધો નહીં પણ... ત્યારે કહે છે, 'એ તો ચાલુ જ રહે છે.' ત્યારે મેં કહ્યું, 'તમારામાં બુદ્ધિ છે જ નહીં. તમારા મનમાં માની બેઠા એટલું જ.'

બુદ્ધિશાળી કામ તો સરસ કરી શકે પણ બુદ્ધિ રાઈટ સાઈડ પર જાય ત્યારે. રાઈટ સાઈડ પર જતી નથી અને રોંગ સાઈડમાં ફર્યા કરે છે. રાઈટ સાઈડમાં જેની બુદ્ધિ ગયેલી હોયને, તે ઘરમાં ક્લેશ ના રહેવા દે. બુદ્ધિથી એનો હિસાબ કરી કરીને કાઢ કાઢ કરે તો ક્લેશ જતો રહે. પણ બધા બુદ્ધિશાળીઓને ત્યાં મેં વધારે પડતા ક્લેશ જ જોયા. ત્યારે એક જણ મને કહે છે કે, 'આ શું કહેવાય ?' મેં કહ્યું, 'આ તો ઘનચક્કર કહેવાય !' ક્લેશ નીકળી જાય ઊલટો તેની જગ્યાએ ક્લેશ વધ્યો તમારે ત્યાં ? આમ ન હોવું જોઈએ.

ખરો બુદ્ધિશાળી કોણ ?

કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, અવ્યભિચારિણી બુદ્ધિ એટલે સ્ટ્રેઈટ વે. એની લાઈનમાં બીજા કોઈની ડખલ ના હોય અને એ કોઈનામાં ડખલ કરે નહીં એવી બુદ્ધિ.

એક ભાઈ તો બહુ બુદ્ધિશાળી હતા, તે મેં એમને સાધારણ પૂછ્યું કે 'ઘરમાં કંઈ ક્લેશ છે ?' 'ત્યારે કહે, ક્લેશની વાત તો જવા દો પણ ઘરમાં બેસવાનું જ ગમતું નથી.' મેં કહ્યું, 'આટલો બધો બુદ્ધિશાળી તો બુદ્ધિ ક્યાં ગીરવે મૂકી આવ્યો છો કે શું કર્યું છે ?' બુદ્ધિશાળી ડહાપણપૂર્વક રસ્તો ખોળી કાઢે. કાલે વહુ સામી થઈ હોય તો એનો ઉપાય ખોળી કાઢે. ફરી પાછું એટેક કરવાનું ઊભું ના કરે. એટેક કેમ બંધ થાય એવું શોધી કાઢે. સામો એટેક કરીને પછી નવી લડાઈ ઊભી ના કરે. 'ફરી સામો એટેક કરીશ તો આપી જ દઈશ છેવટે !' એવું ના કરે. સ્ત્રીની સામે પુરુષનો એટેક એ ભયંકર ગુનો છે.

મોક્ષે જતાં બુદ્ધિ ડખલ રૂપ છે અને સંસારમાં બુદ્ધિ એને હેલ્પ કરે છે. એ પણ નોર્માલિટીવાળી બુદ્ધિ હોવી જોઈએ. વધારાની બુદ્ધિ હોયને, તે તો બૈરી કહેશે, 'આખો દહાડો કકળાટ જ કર્યા કરે છે.' એવું કહે પછી. ત્યારે વધુ પડતા બુદ્ધિશાળી હંમેશાં કકળાટ જ કર્યા કરે.

હવે ખરો બુદ્ધિશાળી કોનું નામ કહેવાય ? જે કકળાટ બંધ કરી દે. કકળાટ ઊભા થવાની જગ્યાએ કકળાટ બંધ કરતો જાય. તેથી અમને પાકા કહ્યા ને ! ગમે તેવી ખરાબ આફતોમાં આવ્યા હોય ને, તોય બધું નિકાલ કરી દઈએ.

એ સમજવાની જ જરૂર

પ્રશ્નકર્તા : તો એવી બુદ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ?

દાદાશ્રી : એ તો એની મેળે બુદ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુદ્ધિ વધતી ગઈ.

પ્રશ્નકર્તા : બુદ્ધિનો જે મળ હોય, બુદ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ?

દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. આપણને નેસેસિટી છે ત્યાં સુધી એ ઊભી રહી છે અને હજુ તો બુદ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે કે, હજુ બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢ્યા છે. આ તો બુદ્ધિને જ ખેડ ખેડ કરી છે. પછી ખાતર નાખે, એ બુદ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢ ડાહ્યા છે. બુદ્ધિનો વધારે પડતો ઉપયોગ કર્યો.

જ્ઞાન પ્રકાશ વધે તો બુદ્ધિ ઘટે

જ્ઞાન પ્રકાશ વધે તો જ બુદ્ધિ ઘટે. નહીં તો જ્ઞાન પ્રકાશ એક બાજુ ના હોય તો બુદ્ધિ ઘટે નહીં.

પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને ?

દાદાશ્રી : ના, જ્ઞાન પ્રકાશમાં બધું માલુમ પડે એવું છે. આ પ્રકાશથી તો બધું દેખાય એવું છે, ક્લિયર (સ્પષ્ટ). તેમ છતાં આ સંસાર આપણે જેટલો ચલાવવાનો છે, નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ ના ચાલે. એમાં છે તે પેલું જે લાઈટ છે, તે એની જોડે હોય જ. બુદ્ધિનું લાઈટ, ડિમ લાઈટ એની જોડે, હરેક કાર્યમાં હોય જ. જે જરૂરિયાત છે એ બુદ્ધિ તો મારામાં પણ રહેવાની. બિનજરૂરિયાત બુદ્ધિ કઈ કે જે તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે, બધું આડાઅવળું બતાવ બતાવ કરે, ડખો કરી નાખે, ઈમોશનલ કરી નાખે કે નથી કરતી ? તે એ બુદ્ધિ ઘટાડવાની કહું છું. પેલી બુદ્ધિ તો જે છે, એ તો એની મેળે કુદરતી જ ઊભી થવાની. એની જોડે જ રહેવાની, ડિમ લાઈટ તો હોય જ ને ! ફુલ લાઈટ જોઈએ જ નહીં ત્યાં આગળ, સંસાર ચલાવવા માટે.

આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર અંતઃકરણ રૂપે છે, એનો વાંધો નહીં પણ આ તો વધારાની, એક્સ્ટ્રા બુદ્ધિ છે તે કામની જ નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગરનો પણ જે સીધે-સાદે, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ બેનો ડિફરન્સ (ફેર) શું ?

દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતા હતા અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય.

જ્ઞાન પછી ના રહે ક્લેશ

પ્રશ્નકર્તા : જ્ઞાન હોવા છતાં, આપની પાસેથી જ્ઞાન લીધું છે છતાં કોઈક વાર મન ક્લેશવાળું થઈ જાય છે, એનું શું કારણ ?

દાદાશ્રી : આ ક્લેશ જ ના કહેવાય. એ તો જરા મનની વિહ્વળતા કહેવાય. મન સહેજ વિહ્વળ થાય, એને ક્લેશ ના કહેવાય. એટલે એને જોયા કરવાનું. તમારે મનમાં પેસવાનું નથી, તન્મયાકાર નહીં થવાનું. એ તો આમાં પછી હવે અડવાનું જ ક્યાં રહ્યું ? એ તો જરાક ભૂલ થાય, તો પછી પાછું બટન ના જાણતા હોય તો પછી શિયાળાને દહાડે પંખો ચાલવા માંડે. પણ એ જાણી રહ્યા પછી કશુંય નહીં પાછું.

પ્રશ્નકર્તા : એટલે આપણે જ્ઞાન પછી એની સામે જોયા કરીએ એટલે એ વિચાર બંધ થઈ ગયા કહેવાય ?

દાદાશ્રી : બંધ થયા કે ના બંધ થયા તે આપણે જોવાનું નથી. જે જોયું તે અડે નહીં. જેમ આ હોળી છે તે હોળી સળગતી હોય, પણ આપણે જોઈએ તો આંખ દાઝે ખરી ? કેમ જોઈએ એટલે દાઝે નહીં ? જોવાથી કશું ના થાય, તમે આંગળી ઘાલો તો થાય. આ ખરાબ વિચાર આવ્યો, એમ કરીને આંગળી ઘાલો તો થાય.

મન જ્યારે સારા-ખોટા વિચાર કરે, ગમે તેવા, તો એ મન છે એ વાત ખાતરી થઈ ગઈ. ખરાબ વિચાર ને ખોટા વિચાર સામાજિક અપેક્ષાએ છે, ભગવાનની અપેક્ષાએ નથી. ભગવાનની અપેક્ષાએ તો મન સ્વભાવમાં છે.

જેને મનથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી, તેનો સંસાર આથમી ગયો !

કલુષિત ભાવનો અભાવ થયો, એ જ મોક્ષ !

ક્લેશ સામે જાગૃતિ

હવે પહેલું તો ઘરમાં ક્લેશ-કંકાસ કશું રહેવું ના જોઈએ. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા અને ચંદુભાઈ (વાચકે ચંદુભાઈ બદલે પોતાનું નામ સમજવું) જુદા. ચંદુભાઈ છે તે વાઇફ જોડે કશુંક અકળાતા હોય ત્યારે ચંદુભાઈને કહીએ, 'શું કામ આમ કરો છો ? આખી જીંદગી આવું ને આવું કર્યું.' તમારે તમારી જાતને ઠપકો આપવાનો. સામસામી ઠપકો આપીએને તો ક્લેશ થાય અને તમારે ચંદુભાઈને કહેવું, ના ફાવે ? ચંદુભાઈને કહેવું, 'આમ શું કરવા કરો છો ? ઘરમાં તો એક ફેમિલિ આપણું !'

ખોટું થાય ત્યાં ઠપકો આપવો જોઈએ. ખભો થાબડીએ ને ઠપકો આપીએ. પાછો ખભો થાબડીએ ને કહીએ, 'અમે છીએ તારી જોડે.' એમ કરતું કરતું રાગે આવી જાય. વખતે બહુ હોય તો આપણે ઠપકો આપવો કે 'ચંદુભાઈ, કેમ આમ તોફાન માંડ્યા છે ? આ લક્ષણ સારા કહેવાય ? આમ શું કરો છો ?' પણ આપણા હાથમાં કશું સત્તા જ નથીને ? પણ આપણે છૂટા પડી ગયા. આપણે જ્ઞાતા-દ્રષ્ટા. પાડોશી તરીકે સલાહ આપીએ એટલું જ. માલિકી જ નહીંને ! માલિકી હોય તો જ જવાબદારી હોયને ? આ 'નો રિસ્પોન્સિબિલિટી'. ચંદુભાઈ જે જે કરે તેની રિસ્પોન્સિબિલિટી તમારી નહીં, એવી રીતે તો આ જ્ઞાન આપ્યું છે.

ન ખોળ ન્યાય, 'જો' માત્ર પરિણામને

આ જગતના લોકો 'વ્યવસ્થિત' જાણતા નથી એટલે ખત્તા ખાય જ છે ને ! 'આમ કર્યું હોત તો આમ થાત, તેં આમ બગાડ્યું ને તેમ બગાડ્યું.' તેનો ક્લેશ ઉત્પન્ન થાય છે. લોક 'વ્યવસ્થિત' જાણતા જ નથી ! નહીં તો કપ ફૂટી ગયા હોય તે વખતે 'વ્યવસ્થિત' સમજતાં હોય તો ભાંજગડ જ ના થાય ને ! પણ 'વ્યવસ્થિત'ની બહાર જાય છે જ ને (સામાને કર્તા જુએ છે ને) ! એ બહાર જતાં રહે છે એય 'વ્યવસ્થિત' છે. એમનું એવું વ્યવસ્થિત છે ! કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી અજ્ઞાન વ્યવસ્થિત. 'વ્યવસ્થિત' પોતાના પર આધાર રાખે છે. એ એવું ગોઠવાયેલું નથી, દરેકના પર આધાર રાખે છે. હવે એ રિઝલ્ટ જે આવે છે ને તેની મહીં પોતે કહે છે કે આવું કેમ ? પોતે ન્યાય કરે છે. ત્યાં આગળ ન્યાય કરવાનો નથી. રિઝલ્ટ જોયા કરવાનું છે. કારણ કે રિઝલ્ટ આપણા હાથમાં નથી. એને જોયા કરવાનું-જે આવે એ કરેક્ટ, સાહજીક છે. પણ આપણે શું કહીએ છીએ, આમ કેમ અવ્યવસ્થિત થયું ?

પ્રશ્નકર્તા : ગમે તે પરિણામ આવે એ જોયા કરવાનું ?

દાદાશ્રી : હા. 'વ્યવસ્થિત' એટલે શું કે મારો હિસાબ છે તે પેલા (કુદરતના) કોમ્પ્યુટરમાં જાય છે ને એનાં પરિણામ આવે એ બધું 'વ્યવસ્થિત' ગોઠવાઈ ગયેલું હોય. 'વ્યવસ્થિત' એટલે આ કુદરતનાં બીજા સંજોગો ભેગા થઈને ક્રમસર ગોઠવાઈ ગયેલું હોય. એટલે આ 'પોતાનાં' ઉપર આધાર રાખે છે. વ્યવસ્થિત એ કંઈ એવું છાપેલું નથી. તમે જેવાં ભાવ કરો, તેવું વ્યવસ્થિત જ ગોઠવાયેલું આવે.

હવે મૂંઝવે વ્યવહાર કષાયો

જ્ઞાન પછી કષાયો ધીમે ધીમે મોળા થઈ જાય. આ કષાયો, ખાલી વ્યવહાર કષાયો છે. ખરેખર નિશ્ચય કષાયો નથી આ. પણ તે મોળા થતાં જાય. છેવટે વ્યવહાર કષાયેય ન હોવા જોઈએને ?

પ્રશ્નકર્તા : આ જે વ્યવહાર કષાયો છે એ જ બહુ મૂંઝવે છેને !

દાદાશ્રી : ના, આપણા જ્ઞાન પછી કષાયો મૂંઝવતા હશે ?

પ્રશ્નકર્તા : એ કષાયો આ ફાઈલ નંબર એકમાં થાય છે, એ બહુ મૂંઝવે છે. એટલે આકુળતા થાય, ક્લેશ થયા રાખે પછી.

દાદાશ્રી : એ તમને થતો નથી ને પણ ?

પ્રશ્નકર્તા : માન્યતામાં તો એમ છે જ કે મને નથી થતો. પણ તોય અનુભવ જે છે ને, એ અનુભવ ગમતો નથી.

દાદાશ્રી : એ તમે એટલું જ કહો કે, આ 'મારું ન્હોય' એટલે તમને અડે જ નહીં. જે માન્યતામાં છે એ જ તમે બોલો તો અડે નહીં કે આ 'મારું ન્હોય.' એ તમે 'મારું નહીં' નહીં બોલો તો મહીં પેસી જશે.

પ્રશ્નકર્તા : પણ એ ઘડી ઘડી બોલવું પડે ?

દાદાશ્રી : હા, એ તો બોલવું જ પડેને તે ઘડીએ. પેલાં મહીં પેસવાની તૈયારી કરે તો આપણે ના સમજીએ કે, 'એય, મારું નહીં. પારકા ઘરનું અહીં ક્યાં પેસવા આવ્યો છું ?' આવી રીતે બોલવું પડે. વ્યવહાર એનું નામ કે શબ્દેશબ્દ બોલવો પડે.

પ્રશ્નકર્તા : કલાક પછી ખ્યાલ આવે કે આ 'મારું નથી.'

દાદાશ્રી : પણ એ બોલીએ તો ફરી આવે જ નહીંને ! 'જતું રહું છું' જ કહે. આપણને અડે નહીં આ તો.

અવ્યાબાધ સ્વરૂપીને ક્લેશ જ ના હોયને

આખો સંસાર શાનાથી ઊભો છે ? ક્લેશથી.

આ જગતમાં કોઈ પણ એવું કારણ નથી કે જે કિંચિત્માત્ર પણ ક્લેશ કરવા યોગ્ય હોય. એટલે મહીં દુઃખ પરિણામ થાય એવું કોઈ કારણ નથી. કારણ કે આત્મા પોતે સુખ પરિણામવાળો છે ! પોતે આત્મા છે, એનું સુખ કોઈ લઈ શકે એવુંય નથી, અવ્યાબાધ સ્વરૂપ છે. પોતાની પાસે જાહોજલાલી છે અને આપણે આ પરભારી વસ્તુમાં, 'ફોરેન ડીપાર્ટમેન્ટ'માં એટલું બધું ન રાખવું જોઈએ. ફોરેન એટલે ફોરેન, ત્યાં સુપરફલ્યુઅસ રહેવું !

દાદાએ જ્ઞાન આપ્યું, આપણી કોઈ ચીજ રહી નહીં હવે ! ઊલટું આ મન-વચન-કાયા હતા તે દાદાને સોંપીને આવ્યા, ત્રણ-ત્રણ પોટલાં સોંપી દીધાં. હવે દાદાને સોંપ્યા, તેમને પૂછ્યા સિવાય આપણે વપરાય જ નહીં, આમ જોવા જાય તો. પણ અમે છૂટ આપી કે ભઈ, ફાઈલોનો નિકાલ કરજો.

સંયોગો છે વિયોગી સ્વભાવના

જેટલા સંજોગો એટલી બધી ફાઈલ. એ પછી મનુષ્ય રૂપે હો કે બીજા રૂપે હો કે આ રૂપે હો. જેટલા સંજોગો એટલી ફાઈલ અને તે વિયોગી સ્વભાવના છે. માટે સમભાવે નિકાલ કરજો. આ ત્રણ જણ આવ્યા, સમભાવે નિકાલ કરી નાખ્યો, છે કાંઈ બૂમાબૂમ ? અમારે રોજ દસ-પંદર ફાઈલ આવતી હશે કે નહીં આવતી હોય ?

પ્રશ્નકર્તા : ઘણી બધી.

દાદાશ્રી : એ બધાંનો નિવેડો લાવું, સમભાવે નિકાલ કરું. કોઈ અવળા સ્વભાવનો હોય, કોઈ એવા સ્વભાવનો. સમભાવે નિકાલ તો કરવો પડેને ?

એ તો અમારા લક્ષમાં હોય જ કે આ શુદ્ધાત્મા છે અને અત્યારે મારે આ ફાઈલ રૂપે છે. ફાઈલને મારે શું કરવું, તે મારે સમજવાનું ! બે દ્ષ્ટિ હોય અમારી, નિશ્ચયથી તો નિર્દોષ છે, વ્યવહારથીય નિર્દોષ છે અને પછી આ ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો. હવે મારા નામનો કોઈ જગ્યાએ ક્લેઇમ ના નોંધાય. એટલે કોઈ સંયોગ નડતો નથી એવું વિજ્ઞાન આપ્યું છે. એટલે સુધી સંયોગ કે પોતાની બેગ ઊઠાવી જતો હોય તો વ્યવહારથી કચકચ કરે, પણ અંદરથી પેટમાં પાણી ના હાલવું જોઈએ. બધું સંયોગ જ છે ને ! અને એ કંઈ કાયમને માટે હોતું નથી.

સંયોગો વિયોગી સ્વભાવના જ છે. કોઈ પણ સંજોગ તને બાઝશે, એ વિયોગી સ્વભાવના છે. માટે તમારે એને ખસેડવો નહીં પડે. નહીં તો વીતરાગ કોઈ થાત નહીં.

શુદ્ધાત્મા ને સંયોગો બે જ છે. તે બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરોને !

આપણી જ ગુનેગારીનો નિકાલ બાકી

આપણે શુદ્ધાત્મા થયા, ત્યારે કહે, 'આ ફાઈલ નંબર વન.' જે આપણી ગુનેગારી હતી, તે આપણે એનો નિકાલ કરી નાખવાનો છે, એમાં બીજા કોઈની ગુનેગારી ન્હોતી. આ ગુનેગારી છે ત્યાં સુધી આપણે શુદ્ધાત્મારૂપ થઈ ગયા નથી. કારણ કે આ ફાઈલનો નિકાલ કરવો, ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા થઈએ નહીં, ત્યાં સુધી અંતરાત્મા થવાય. અંતરાત્માના બે કામ, ફાઈલોનો નિકાલ કરવાનો ના હોય તો શુદ્ધાત્માનાં ધ્યાનમાં જાય અને ફાઈલનો નિકાલ કરવાનો થાય તો ફાઈલનો નિકાલ કરે.

ફાઈલ એકનો નિકાલ

પ્રશ્નકર્તા : ફાઈલ નંબર એકનો ખરેખરો નિકાલ ક્યારે કર્યો કહેવાય ?

દાદાશ્રી : ફાઈલ નંબર એક ખૂબ ઊકળી હોય, તે ઘડીએ ઠંડું પડે ત્યારે જાણવું કે આ ફાઈલનો ખરો નિકાલ થયો.

પ્રશ્નકર્તા : એ સમજાવો બરોબર.

દાદાશ્રી : ઊકળે તો ખરીને, પણ હવે તો બંધ થઈ જવાનુંને ! હંમેશાંય આ જે સંયોગ છેને વિયોગી સ્વભાવના છે. એટલે એની મેળે વિયોગ થઈ જ જવાનો. ત્યાં સુધીમાં આપણે સ્થિરતા છોડવી નહીં. એ તો જતું રહેશે. એ તો આપણા કરેલા છે. મહીં કોઈકની ઓછી ડખલ છે ? કોઈકની ડખલ હોય તો વાત કહેવા જઈએ કે આવું મને થાય છે. આ તો બોલાયેય નહીંને ? આપણી ડખલનું પરિણામ આપણે સમજવું ના જોઈએ ? અને છેટા રહીને જુઓ એટલે જતું રહે એવું છે.

પ્રશ્નકર્તા : દાદા, આ ફાઈલ નંબર એકનો નિકાલ કરુંને, હવે અંદર જે કંઈ થતું રહે છે એ બરોબર દ્ષ્ટિમાં આવ્યા રાખે તો એનો મતલબ એ થયો કે ફાઈલ નંબર એકનો નિકાલ થાય છે ?

દાદાશ્રી : કેમ ના થાય પણ ? પહેલાં તો આપણી જોડે ફાઈલ નંબર એક બાજુ એવી દ્ષ્ટિ જ નહોતી. જે કરતાં હોય તે 'હું જ કરું છું' કહેતા હતા. હવે તો ફાઈલ નંબર એક કરે છે, તેને તમે જાણો છો.

પ્રશ્નકર્તા : એક તો જાણે શું છે કે અંદરથી ક્લેશ ઉત્પન્ન થતો હોય અને આપણે જાણતા પણ હોઈએ.

દાદાશ્રી : ક્લેશ થાય જ નહીં. આ વિજ્ઞાન જ એવું છે કે ક્લેશ ના થાય.

પ્રશ્નકર્તા : તો જે કંઈ અંદર થાય છે એ શું છે ?

દાદાશ્રી : એ સફોકેશન છે, ગૂંગળામણ છે. ગૂંચવાડા ઊભા થાયને, કશું સમજણ ના પડે, તેથી એ તમને મહીં ગૂંચાય.

પ્રશ્નકર્તા : દાદા, આ સફોકેશન દૂર કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો જ્ઞાની પુરુષની આજ્ઞાઓ બરોબર પદ્ધતિસરની પાળો.

ફાઈલ એકનો નિકાલ, સૂક્ષ્મતાએ

હું આપણા મહાત્માઓને પૂછું છું કે, 'પહેલા નંબરની ફાઈલનો સમભાવે નિકાલ કરો છોને ?' ત્યારે કહે છે, 'પહેલા નંબરની ફાઈલ ઉપર શું નિકાલ કરવાનો હોય ?' અલ્યા, ખરી ફાઈલ જ પહેલા નંબરની છે. આપણે જે દુઃખી છીએ, આપણને અહીં જે દુઃખ લાગે છેને, તે અસહજતાનું દુઃખ છે. મને કોઈકે પૂછ્યું હતું કે 'આ ફાઈલ નંબર ૧, એને ફાઈલ ના ગણીએ તો શું વાંધો ? એ શું કામનું છે ? એ કંઈ બહુ ખાસ હેલ્પીંગ નથી.' ત્યારે મેં આવો જવાબ આપ્યો કે, 'બધું બહુ જ આ જીવે આ ફાઈલ જોડે તો માથાકૂટ કરી છે. અસહજ બનાવી દીધો છે.'

પ્રશ્નકર્તા : મહાત્માઓને 'હું શુદ્ધાત્મા છું' ભાન થયું, એટલે ધ્યેય પ્રાપ્ત થયો કહેવાયને ?

દાદાશ્રી : પણ એ ધ્યેયની પૂર્ણાહુતિ થવી જોઈએને ! ધ્યેયની પૂર્ણાહુતિ. એટલે 'હું શુદ્ધાત્મા છું', એ ધ્યેયપૂર્વક જ ચાલવાનું.

ધ્યેય પૂર્તિને આરે

સખત ઠંડી પડી હોય તો ઓઢવાનું યાદ ના આવે ને આત્મા જ યાદ રહ્યા કરે.

પ્રશ્નકર્તા : એ ધ્યેયપૂર્વક કહેવાય ?

દાદાશ્રી : એ ધ્યેય.

પ્રશ્નકર્તા : હવે ત્યાં આજ્ઞાપૂર્વકવાળો કેવો હોય ? આજ્ઞામાં રહેતો હોય, તો એને ઠંડી પડે ને તો એનું કેવી રીતે એડજસ્ટમેન્ટ હોય ?

દાદાશ્રી : એ તો આજ્ઞાપૂર્વક રહેતો હોયને, તેને વાંધો નહીં, સમભાવે નિકાલ કરતો હોય. પણ ખરો ધ્યેયવાળો તો પેલો કહેવાય. બહુ જ ઠંડી પડે ત્યારે ઓઢવાનું ખોળે નહીં પણ આત્મામાં હોય.

છતાં આત્મા પ્રાપ્ત કરવાથી કકળાટ ગયો એ બહુ મોટામાં મોટો તમને ફાયદો, કકળાટ નહીંને !

પ્રશ્નકર્તા : તો પણ પેલું કીધુંને, પેલું ધ્યેયપૂર્વક ના હોય તો એ ગાદી ઉડાડી દે.

દાદાશ્રી : થોડા અવતાર વધારે થાય.

પ્રશ્નકર્તા : થોડા એટલે કેટલા ?

દાદાશ્રી : પણ એ ગણતરીના અવતારમાં આવી ગયો. એક જ અવતાર ક્લેશ વગરનું જીવન જીવ્યો તોય લિમિટમાં આવી ગયો.

આત્માનુભાવ એટલે શું કે જ્ઞાન મળતાં પહેલાં જે અનુભવ થતા હતા, તેના કરતાં જ્ઞાન મળ્યા પછી નવા પ્રકારના અનુભવ થાય છે ને એ અનુભવ ધીમે ધીમે વધતા જાય ને જાગૃતિ વધે. સંપૂર્ણ જાગૃતિ એ સંપૂર્ણ અનુભવ.

જાગૃતિની શરૂઆત...ક્લેશ રહિત ભૂમિકા

પહેલી પુદ્ગલમાં જાગૃતિ આવવી જોઇએ. આત્મભાન થયા પછી પુદ્ગલમાં ઊંઘે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાનાં છોકરાં દૂધ ઢોળાઇ જાય તો કચકચ કરે છે ? ના. શાથી ? તો કહે, 'અજ્ઞાનને લઇને જ.' પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પુદ્ગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે. ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે. આ બાળકોને વ્યવહાર જાગૃતિ નથી. કોઇને વ્યવહાર જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિ હોય તો ઘરમાં કે બહાર મતભેદ ના પડે, કોઇનીય અથડામણમાં ના આવે. સંસારમાં જાગૃતિ કોને કહેવાય કે પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ ના આવવા દે. વ્યવહારની જાગૃતિમાં લોભ, કપટ, મોહ જબરાં હોય ને નિશ્ચયની જાગૃતિમાં તો ક્રોધ, માન, માયા, લોભ ખલાસ થઇ ગયાં હોય. 'ઊંઘવું શું ને જાગવું શું તે તો સમજવું પડશે ને ? લોક તો એમ જ સમજે કે આ 'પી. એચ. ડી.' થયા છે. જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણના ચારેય ભાગનાં દરેક કાર્ય વખતે હાજર રહે તેનું નામ જાગૃતિ !

જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઇ પણ સંયોગોમાં કલેશિત ના થાય ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા 'સ્ટેપિંગ'માં બીજાથી પણ પોતે કલેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઇને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય? ક્લેશરહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.

છેલ્લા પ્રકારની જાગૃતિ કઇ કે જગતમાં કોઇ દોષિત જ ના દેખાય તે.

જ્ઞાતા-જ્ઞેય રૂપે જગતમાં સંપૂર્ણ જ્ઞાન હાજર રહે તે સંપૂર્ણ જાગૃતિ.

ક્લેશ ભાંગ્યો એનું નામ જ મુક્તિ

જ્ઞાની પુરુષ મળ્યા પછી તો ગમે તેવા ક્લેશના વાતાવરણમાંય મહીં ક્લેશ ઊભો જ ના થાયને ! આ 'દાદા'એ મહાત્માઓને કેવું જ્ઞાન આપ્યું છે ! ક્યારેય ક્લેશ ના થાય અને વીતરાગ સુખ રહે ! ક્લેશ ભાંગ્યો, તેનું નામ જ મુક્તિ. અહીં જ મુક્તિ થઈ ગઈ !

- જય સચ્ચિદાનંદ