અહો ! અદભૂત વીતરાગ ચારિત્ર જ્ઞાનીનું ! સંપાદકીય આ કાળમાં આ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનની હયાતી નથી ત્યારે આપણને સાચી વીતરાગતાના દર્શન ક્યાં જોવા મળે ? સાચી વીતરાગતા તો જ્યાં પૂર્ણ વીતરાગ ભગવાન કે જ્ઞાની પુરુષ જેઓ વીતરાગ પદને પામ્યા હોય તેમની પાસેથી જ જોવા-જાણવા મળે. વીતરાગતાની જીવતી પ્રતિમા પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસેથી વીતરાગ દશા કેવી હોય, વીતરાગોનું ચારિત્ર કેવું હોય તેનું અનુભવસિદ્ધ પ્રમાણ અને સાચી સમજણ જોવા-જાણવા મળે છે. આવું અનુપમ વીતરાગ ચારિત્ર તેઓની વર્તતી આંતર દશાનું પ્રમાણ છે. એવાં વીતરાગ જ્ઞાની પુરુષની દશા કેવી હોય ? તો કહે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અપ્રતિબદ્ધપણું હોય, એટલે એમને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું કોઈ બંધન રહ્યું નથી. કોઈપણ સંજોગ બાધક ના હોય કે કોઈપણ સંજોગથી બંધાય નહીં, તેથી નિરંતર સ્વતંત્રપણું હોય. ઉદયાધીન વર્તે તેથી નિરંતર સમાધિ દશા હોય. સંપૂર્ણ વીતરાગ દશા હોય, કરવું-ના કરવુંથી પર હોય, રાગ-દ્વેષ રહિત હોય, ક્રોધ-માન-માયા-લોભ ના હોય. નિરંતર વર્તમાનમાં જ વર્તે. ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં એટલે રહ્યું શું ? વર્તમાન. તેથી હંમેશા ટેન્શન રહિત દશા હોય, પૂર્ણ સહજતા હોય. સંપૂર્ણ અપ્રયત્ન દશા, પોતાપણું નહીં તેથી કુદરત રાખે તેમ રહે, ડખોડખલ ના હોય, બાળક જેવા નિર્દોષ હોય, બુદ્ધિ-અહંકાર વગરની દશા અહીં જોવા મળે. સંપૂર્ણ પ્યૉરિટી હોય, માન-લક્ષ્મી-કીર્તિ-વિષયની ભીખ ના હોય, નિરીચ્છક દશા હોય, માન-અપમાનથી પર હોય, નિર્અંતરાય પદ હોય, નિરાલંબ હોય. સર્વજ્ઞ હોય, સર્વ તત્ત્વોના જ્ઞાતા હોય. એક સમય પણ પર સમયમાં ના જાય, નિરંતર સ્વસમયમાં હોય. જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્ગ્રંથ હોય. એમનામાં મુક્ત હાસ્ય નિરંતર જોવા મળે. જ્ઞાની પુરુષ વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય, ચાર વેદોના ઉપરી કહેવાય. તીર્થંકર ભગવાનનું ચારિત્ર, તેમને વર્તતી દશાનું અનુભવભૂત પ્રમાણ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને વર્તતી દશા ઉપરથી આવી શકે. જાણે નાપાસ થયેલા તીર્થંકર જ કહો ને ! આવાં અનુપમ જ્ઞાની પાસેથી આપણને માત્ર બે જ કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારથી દ્વેષભાવ ખલાસ થઈ જાય છે અને વીતરાગતાની શરૂઆત થાય છે. આપણું અંતિમ લક્ષ તો જ્ઞાની જેવી વીતરાગ દશા પામવાનું છે. જેમ જેમ વીતરાગ ચારિત્ર જોઈએ-જાણીએ, સમજતા જઈએ, તેમ તેમ આપણામાં પણ તેવું વીતરાગ ચારિત્ર ઉત્પન્ન થવા માંડશે તે નિઃશંક છે. પ્રસ્તુત સંકલન આપણને સહુને જ્ઞાની પુરુષની જેવી પૂર્ણ વીતરાગ દશા પામવાની સમજ બક્ષશે એ જ અભ્યર્થના. દીપક દેસાઈ અહો ! અદભૂત વીતરાગ ચારિત્ર જ્ઞાનીનું ! અપ્રતિબદ્ધતા પ્રતિબદ્ધ કરનારું કોણ ? પ્રશ્શનકર્તા : એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ ? કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલીફો પ્રતિબદ્ધ કરે છે. દાદાશ્રી : રોંગ બિલીફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા એટલે બંધાયાને ? માટે એ પ્રતિબદ્ધ કરે છે. તોય એ આપણા જ્ઞાનીઓ માટે રોંગ બિલીફો છે. બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું, તે પોતાને અદ્ધર જ બાંધે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય, તો ત્યાં હોટલમાં બોલાવ્યા વગર છોડે નહીં ! જલેબી એને બાંધે છે. વ્યસન કરે પ્રતિબદ્ધતા અમેય ચા પીતા હતા તે ૫૫ વર્ષથી ચા પીતા'તા. આજે બોંતેર વર્ષ થયા. અમને પોતાનેય એમ લાગે કે આ ના હોવું ઘટે. અત્યારે જો કે મને કોઈ વ્યસન નથી, બે વર્ષ ઉપર જતી રહી. પણ શા આધારે અત્યાર સુધી રહ્યું એ ? એ આપને સમજાય છે ? વ્યસનને શું કહેવાય ? પ્રતિબદ્ધતા કહેવાય. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જેને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અપ્રતિબદ્ધપણું હોય ત્યારે એને જ્ઞાની પુરુષ કહેવાય. તે અમુક ટાઈમ થાય એટલે હું ચા માંગું. એટલે પ્રતિબદ્ધ ખરુંને ! એક કલાકમાં જે જ્ઞાની પુરુષ મોક્ષ આપે. કલાકની અંદર જ, આટલા બધા માણસો જે મોક્ષ પામ્યા છે, છતાં આવું ચા પીવે તો આ આશ્ચર્ય તો કોને કહેવું ? અને પોતાને મનમાં એમ થાય કે આ ના હોવું જોઈએ, આ શોભે નહીં. પણ જ્ઞાની થયા એટલે નિર્અહંકારી થયા. એટલે અમારાથી છોડાય નહીં. સંત પુરુષ છોડી શકે. કારણ કે એ અહંકારી હોય. અને અમે જ્ઞાની, નિર્અહંકારી હોઈએ. તેથી કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી જે રહી ગયું એ રહી ગયું. પછી ફેરફાર થાય નહીં. એનું શું કારણ ? કે ફરી અહંકાર ઊભો કરવો પડે પાછો. ગયેલો અહંકાર ફરી ઊભો કરવો પડે. એટલે અમારે શું કરવું પડે ? એની મેળે ખરી પડે ત્યાં સુધી જોયા કરવું પડે. આ ખરી પડે એ વાત તમને સમજાય ખરી ? એની મેળે ખરી પડતું જાય, દા'ડે દા'ડે. ત્યાગ એ અહંકારનો ગુણ છે. અહંકાર હોય તો જ ત્યાગ થઈ શકે. નહીં તો ત્યાગ થઈ શકે નહીં. એટલે ખરી પડે. તે ચા મારી ખરી પડી કહેવાય ના રહી ને ખરી પડી ! છેલ્લી ચા પીધી પછી મને એ યાદ નથી આવી ! એનું નામ ખરી પડી કહેવાય. એની મેળે જ સહજ છૂટી જાય બધું. હવે અમને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું કોઈ બંધન રહ્યું નથી. બુદ્ધિ જતી રહી. હવે છે કશી મિલકત અમારી પાસે ? આ દેહના માલિક અમે નથી, આ વાણીના માલિક નથી અને આ મનના માલિક નથી. આ માલિકીપણું બધું ઊડી ગયું છે. છતાંય ચાર ડિગ્રી જેટલું પાછું અંબાલાલ થવું પડે છે, પણ તે નિર્જીવ અહંકાર. વિચરે અપ્રતિબદ્ધ સદા પ્રશ્શનકર્તા : જ્ઞાની માટે પણ સંજોગ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુલક્ષીને જ આવે ને ? દાદાશ્રી : સંજોગોને આધારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે. સંજોગો પેલા ગોઠવાયેલા હોય. જ્ઞાની પુરુષ, એ બંધાય નહીં. અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષ જેને કોઈ વસ્તુ પ્રતિબદ્ધ કરનારી છે નહીં. વસ્તુ એટલે સંયોગ, દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી ને ભાવથી એ પોતે બંધાય નહીં. પ્રશ્શનકર્તા : એટલે જેણે આત્મા જાણ્યો, એ ટાઈમ-સ્પેસની બહાર રહેતો થઈ જાય છે ? દાદાશ્રી : હા, બહાર રહેતો થઈ જાય. ટાઈમ-સ્પેસની પડેલી જ ના હોય એને. એટલે કાળથી અને ક્ષેત્રથી અપ્રતિબદ્ધપણું હોય. પ્રશ્શનકર્તા : એટલે જ્ઞાની પુરુષ ભાવથી પ્રતિબદ્ધ ના હોય. દાદાશ્રી : ના, ના. ભાવથી યે ના હોય, ક્ષેત્રથી યે ના હોય, ટાઈમથી યે ના હોય. પ્રતિબદ્ધતપણું થાય એ જ બંધનને ! પ્રશ્શનકર્તા : અપ્રતિબદ્ધ એટલે શું ? દાદાશ્રી : કોઈ ગમતું ક્ષેત્ર હોય ને, હવે અહીં પડી રહેવાય તો સારું અને નબળું હોય તો અહીંથી ઊઠાય તો મારું, એવું ના હોય. તમને તો એ (ગમતી) જગ્યા છોડવાનું થાય તો ભારે પડી જાય, દ્રવ્ય-ક્ષેત્ર સાથે બંધન થઈ જાય અને અમારે આ બંધાય નહીં. એટલે એ છોડતાં તમને ખૂંચે પણ અમને ખૂંચે નહીં. 'બેઠાં છીએ તે હવે અહીંયા જ ઠીક પડશે.' એવું કશું અમારે હોય નહીં. પેલા કહેશે, 'ના, તમે અહીં બેસો.' ત્યારે કહે, 'ત્યાં.' પેલાં કહે, 'અહીં.' ત્યારે કહે, 'ત્યાં.' 'આ રસોઈમાં.' ત્યારે કહે, 'એ ચાલશે.' તે ક્ષેત્ર બદલાય, દ્રવ્ય બદલાય પણ ભાવનું પ્રતિબદ્ધપણું ના પામે. ભાવ ખરો પણ પ્રતિબદ્ધપણું ના પામે. અમને કહેશે, નીચે સૂઈ જાવ તો નીચે સૂઈ જઈએ, ઉપર સૂઈ જાવ તો તેવું. આ રૂમમાં સૂઈ જાવ તો આ રૂમમાં, બાથરૂમમાં સૂઈ જશો ? ત્યારે કહે, 'હા, બાથરૂમમાં સૂઈ જઈશું.' અમારે કશું ભાંજગડ જ નહીંને ! એ ક્ષેત્ર-કાળની ભાંજગડ નહીં અમને. અમારી સ્વતંત્રપણાની મસ્તીમાં જ રહેવાનું, કાળથી પરતંત્ર નહીં. તમારા અને અમારામાં ફેર કેટલો ? તમને આ બાંધે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ અમને બાંધે નહીં. અમારું મન બંધાય જ નહીંને, ટેસ્ટેડ હોય. હીરા દેખાડો પણ બંધાય નહીં. તેથી ન શ્રમ આશ્રમનો અહીં અમારે આશ્રમ-બાશ્રમ ના હોય. એટલે મેં તો પહેલેથી કહ્યું છે કે જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય કે જે આશ્રમનો શ્રમ ના કરે. હું તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરું એવો માણસ છું. અહીં કોઈ જગ્યાએ સાધન ના હોય તો ઝાડ નીચે બેસીનેય નિરાંતે સત્સંગ કરીએ. અમારે કશો વાંધો નથી. અમે તો ઉદયાધીન હોઈએ. અને મહાવીર ભગવાન ઝાડ નીચે જ બેસીને સત્સંગ કરતા હતા, એ કંઈ આશ્રમ ખોળતા ન હોતા. અમારે ઓરડીય જોઈએ નહીં ને કશુંય જોઈએ નહીં. અમારે કંઈ જરૂર જ નહીં ને ! કોઈ ચીજની જરૂર નથી. પ્રશ્શનકર્તા : અપ્રતિબદ્ધ વિહારી શબ્દ વપરાયો છે એમના માટે. દાદાશ્રી : હા, અમે નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરીએ છીએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા જ્ઞાની પુરુષ ! આખા વર્લ્ડમાં દર્શન કરવા યોગ્ય હોય. સંપૂર્ણ ભીખ રહિત ત્યાં ભક્ત ને ભગવાન અભેદ લૌકિક ધર્મમાં 'બાપજી, અમારું આમ કરો' એટલું કરો તો બાપજી ખુશ થાય. પણ તે ચાલે. કારણ કે અહંકાર વગર તો જીવાય જ શી રીતે ? પણ લક્ષ્મી કે વિષયો ધર્મમાં ના પેસવા જોઇએ. જો હું લક્ષ્મી લઉં, તો લોકોય ભિખારી ને હુંય ભિખારી, તો પછી 'જ્ઞાની પુરુષ'માં ને લોકોમાં ફેર શો રહ્યો ? એટલે 'જ્ઞાની પુરુષ' તો કોઇ ચીજના ભિખારી ના હોય. એમને કોઇ ચીજની ઇચ્છા ના હોય. અહીં તો માનની ભીખ, લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ, કીર્તિની ભીખ, શિષ્યોની ભીખ-કોઇ પણ પ્રકારની ભીખ ના હોય. કોઈ પણ પ્રકારની ભીખ ના હોય ત્યારે આ ભગવાન પદ પ્રાપ્ત થાય ! જ્યાં કોઇ પણ પ્રકારની ભીખ છે ત્યાં ભગવાન અને ભક્ત જુદા છે ને કોઇ પણ પ્રકારની ભીખ નથી ત્યાં ભગવાન અને ભક્ત એક થઇ ગયા, અભેદ થઇ ગયા ! જગતની સત્તા કયાં ઝૂકે ? ભીખ કેટલા પ્રકારની હશે ? માનની ભીખ, લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, માનની ભીખ. બધી જાતની ભીખ, ભીખ ને ભીખ ! ત્યાં આપણું દળદર શું ફીટે ? જ્યાં કોઈ પણ જાતની ભીખ છે, તો તે શી રીતે ભગવાન કહેવાય ? જાતજાતની ઈચ્છાઓ હોય ! ભગવાન નિરીચ્છક હોય. ભગવાનને નિરંતર સમાધિ હોય ! જેની આ જગતમાં સર્વસ્વ પ્રકારની ભીખ ગઇ હોય, તેને આ જગતની સત્તા હાથમાં આવી જાય. અત્યારે મારા હાથમાં આવી ગઇ છે. કારણ કે મારી સર્વસ્વ ભીખ છૂટી ગઇ છે. જ્યાં સુધી નિર્વાસનિક પુરુષ ના મળે ત્યાં સુધી સાચો ધર્મ પ્રાપ્ત થાય નહીં. નિર્વાસનિક પુરુષ તો જગતમાં કોઇક ફેરો મળે. ત્યારે આપણું મોક્ષનું કામ થાય. પ્યોર જ પ્યોર બોલે પ્રશ્શનકર્તા : આપ આવું બોલ્યા. બીજું કોઈ આવું કહેતું નથી. દાદાશ્રી : હા, પણ પ્યોર થયો હોય તો બોલેને ! નહીં તો બીજા શી રીતે બોલે ? એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ દુનિયાનાં સુખો જોઈએ છે. એ શું બોલે તે ? એટલે પ્યૉરીટિ હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આ વર્લ્ડનું સોનું અમને આપે તોય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તોય અમારે જરૂર નથી. લક્ષ્મી અને સ્ત્રી, બે બિલકુલ જોઈએ નહીં. અમને સ્ત્રીસંબંધી વિચાર જ ના આવે. ઉપરથી દેવીઓ આવે તોય અમને વિષયનો વિચાર આવે નહીં. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ? ભીખ ગયે પ્રાપ્ત આ પદ મને આ જ્ઞાન પ્રગટ થયું ત્યારે મને પણ ઉલ્લાસ આવ્યો કે આવું અજાયબ જ્ઞાન ! ગજબની સિદ્ધિઓ ઉત્પન્ન થઇ છે ! અમને કોઈ પણ જાતની ભીખ ન હતી, તેથી આ પદ મળ્યું છે. જે સર્વશ્રેષ્ઠ પદ, જે આખા બ્રહ્માંડમાં મોટામાં મોટું પદ, તે પ્રાપ્ત થયેલું છે. છતાં આ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. હવે આ પદના આધારે તમને એ જ દશા પ્રાપ્ત થાય. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થઇ જાય. આવું કોઇ વખત બનતું નથી ને બન્યું તો આપણું કામ કાઢી લેવાનું છે. નિરીચ્છક ઈચ્છાથી ઊભા અંતરાય પ્રશ્શનકર્તા : આપણને જે વસ્તુની બહુ જ ઈચ્છા હોય, એ વસ્તુ ભેગી ના થાય. પછી એનું દુઃખ રહે. દાદાશ્રી : ઘણી ઈચ્છા હોયને એ વસ્તુ ભેગી થવાની તો ખરી જ, પણ બહુ જ ઈચ્છા થાય, એટલે મોડી ભેગી થાય એ. અને ઇચ્છા ઓછી થઇ જાય ત્યારે જલ્દી ભેગી થાય. ઈચ્છા અંતરાય કરે ઊલટું. પ્રશ્શનકર્તા : જેની આપણને ઈચ્છા હોય એ વસ્તુ આપણને ભેગી જ ના થાય ? દાદાશ્રી : ભેગી થાય પણ ઈચ્છા ઓછી થાય ત્યારે ભેગી થાય. ઈચ્છાવાળી ચીજ ભેગી તો થવાની જ. ઈચ્છા કરવાથી જ અંતરાય છે. જેમ જેમ ઈચ્છા ઘટતી જાય તેમ તેમ અંતરાય તૂટતા જાય. ત્યારે પછી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય. જે થવાનું હોય તેની પહેલાં ઈચ્છા ઊભી થાય. અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. અમને એકેય અંતરાય કેમ નથી ? કારણ કે અમને સંપૂર્ણ નિરીચ્છક દશા છે. અમને ઈચ્છા જેવી વસ્તુ જ ના હોય. ઈચ્છા બે પ્રકારની, એક ડિસ્ચાર્જ ઈચ્છા અને એક ચાર્જ ઈચ્છા. એટલે નવો હિસાબ બંધાય. ડિસ્ચાર્જ એટલે, હમણે ભૂખ લાગી હોય ને તો માણસ આમ જુએ એટલે આપણે જાણીએ કે આ ભાઈને ઈચ્છા થાય છે. પણ આ ડિસ્ચાર્જ ઈચ્છા કહેવાય. એટલે અમને એવી કંઈ ડિસ્ચાર્જ ઈચ્છા થઈ હોય તો એ વસ્તુ અમારી ઉપર આવીને પડે. અમારે પ્રયત્ન ના કરવો પડે. અંતરાય એટલાં બધાં તૂટી ગયેલાં કે હરેક વસ્તુ ઈચ્છા થતાંની સાથે જ આવીને પડે. નિર્અંતરાયકર્મ કહેવાય. આથમતી ઈચ્છા તો જ્ઞાનીનેય હોય અમે નિરીચ્છક કહેવાઈએ છીએ કે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી હવે. છતાં જો અહીં આગળ બપોરે એક વાગી ગયો હોય અને દોઢ વાગે એટલે આમ કરીને જોઈએ મહીં, કેમ આજ જમવાનું કોઈ આપતું નથી ? ત્યારે શા હારુ કહીએ ? એ પોતે કંઈ મેનેજર છે તે આ બધું જુએ છે ? ત્યારે કહે, ના, ખાવાની ઈચ્છા છે. આ ઈચ્છાઓ બધી ડિસ્ચાર્જ ઈચ્છાઓ છે. એ ભાવો ડિસ્ચાર્જ છે, સૂર્યનારાયણ ઉગતાં અને આથમતાં, તે આથમતાંય એવાં જ દેખાય. પણ તે આ ઈચ્છા હમણે ઘડી પછી બંધ થઈ જવાની છે. સંપૂર્ણ નિરીચ્છક દશા, જ્ઞાનીની ઇચ્છા એ પરવશપણું છે. જગતમાં નિરીચ્છક પુરુષ હોય તો તે એક 'જ્ઞાની પુરુષ' જ હોય. નિરીચ્છક એટલે જેને કોઇ પણ પ્રકારની ઇચ્છા ના હોય. દેહનું સ્વામિત્વપણું છૂટી ગયું હોય. આવા 'જ્ઞાની પુરુષ' આપણને નિરીચ્છક બનાવે. પોતાના (આત્માના) ઉપયોગમાં ક્યારે રહેવાય ? જ્યારે બધી ઇચ્છાઓ મંદ થઇ જાય ત્યારે. જ્યારે ત્યારે તો મંદ કરવી જ પડશે ને ? કિંચિત્ માત્ર ઇચ્છા એ ભીખ છે. અમે સંપૂર્ણ નિરીચ્છક થયા છીએ ત્યારે જ આ જ્ઞાનીપદ પ્રાપ્ત થયું છે ! અંતરાય તૂટે એટલે પોતાની ઇચ્છા પ્રમાણે ભેગું થાય, સહેજે બધું જ ઇચ્છા મુજબ થઈ જાય. મોક્ષે જનારની બધી જ ઇચ્છાઓ પૂરી થાય ત્યારે જ મોક્ષે જવાય. 'જ્ઞાની પુરુષ'ને કોઇ વસ્તુની ઇચ્છા ના હોય એટલે એમને નિર્અંતરાય પદ હોય, હરેક વસ્તુ સહેજાસહેજ આવીને પડે. ભિખારીપણું છૂટે તો તમે પોતે જ પરમાત્મા છો. ભિખારીપણાથી જ બંધન છે. નિર્અંતરાય પદ પરમાત્મા ઐશ્વર્ય અટકયું ઇચ્છાથી તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. 'હું ચંદુભાઇ છું' બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, 'તું મને ચંદુ કહે છે ?' આ અણસમજણથી બોલ્યો તોય અંતરાય પડે. મનુષ્ય તો પરમાત્મા છે, અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે. ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો ! નહીં તો 'પોતે' જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો. ભગવત્ શક્તિ એમાં જેટલાં અંતરાય થાય એટલી શક્તિ અંતરાય, આવરાય. નહીં તો ભગવત્ શક્તિ એટલે જે બધી ઈચ્છાઓ કરે, એ હરેક ચીજ સામે આવે. તેમાં આ જેટલાં અંતરાય પાડે, એટલી શક્તિ આવરાય. નિર્અંતરાય પદ જ્ઞાનીને અમારે અંતરાય હોતાય નથી. અમે નિર્અંતરાય પદમાં છીએે. બધી ચીજવસ્તુઓ અમે જ્યાં બેઠા હોય ત્યાં હાજર થાય છે. તેમાં અમે એ ચીજવસ્તુનો વિચાર કર્યો નથી, છતાંય હાજર થાય છે. તમને કેમ નથી એવું થતુંુ ? ત્યારે કહે, અંતરાય પાડ્યા છે. આ મને ખબર નહીં, આ મને આમ ના થાય. ત્યારે પેલી વસ્તુ શું કહે છે ? 'તને ના ખબર હોય, તો એમ ને એમ બેસી રહે. મારું અપમાન શું કરવા કરે છે ?' વસ્તુ જે છે ને આ બધી, તે મિશ્રચેતન છે. આ લાકડુંય છે તે મિશ્રચેતનનું બનેલું છે. તે આ પુદ્ગલમાં આવે. આ છે તે પરમાણુ ન્હોય. એનેય જો કદી તમે દ્વેષ કરશો તો એનું ફળ તમને આવશે. આ ફર્નીચર મને પસંદ ના પડ્યું. ત્યારે ફર્નીચર કહેશે, 'તારે ને મારે અંતરાય.' ફરી એ ફર્નીચર તમારી પાસે ના આવે, એવો નિયમ છે. આ લોકોએ જાતે જ અંતરાય પાડ્યા છે. બધેય આ પોતાના ઊભા કરેલા અંતરાય છે. દરેક શબ્દે શબ્દે અંતરાય પાડે છે. બિલકુલ નેગેટિવ બોલે તેના અંતરાય પડે ને પોઝિટિવના અંતરાય ના પડે. અંતરાય એટલે પોતાના ધાર્યા પ્રમાણે સફળ ના થાય. નહીં તો ધારેલું એટલે ઈચ્છા થતાંની સાથે જ હાજર થાય એવું છે. ત્યારે કહે, કંઈ પણ પુરુષાર્થ ના કરવો પડે ? ત્યારે કહે, ના, ઈચ્છારૂપી પુરુષાર્થ કે ઈચ્છા થવી જોઈએ. અમારે ઘણો ખરો ભાગ એઈટી પરસેન્ટ અમારી ઈચ્છા થતાંની સાથે જ તરત બધું હાજર હોય અમારે. તે ઈચ્છા ના થાય તોય આવ્યા કરે બધી વસ્તુઓ. પ્રશ્શનકર્તા : તમે કીધું કે અમારે એઈટી પરસેન્ટ આ પ્રમાણે થાય, બાકીના વીસ ટકાનું શું ? દાદાશ્રી : એ વીસ ટકાની અમને પડેલી ના હોય. ઈચ્છા થાયને જો કદી ભેગું ના થાય તો મોડું ભેગું થાય. મોડું એટલે બે-ત્રણ દહાડા પછી થાય. પણ એનો ઉકેલ આવી જાય અમારો. અને પેલું જે તરત ભેગું થાય, આમ ઈચ્છા થતાંની સાથે કે હવે જવું છે, તે પહેલાં કો'કની ગાડી આવીને ઊભી રહી હોય. પ્રશ્શનકર્તા : ના, એટલે મારે એ જાણવું હતુંુ કે સેન્ટ પરસેન્ટ કેમ નહીં ? તમે એઈટી પરસેન્ટ કેમ કીધું ? દાદાશ્રી : સેન્ટ પરસેન્ટ નહીં, એટલા અમેય અંતરાય પાડેલા, થોડા મોળા. નહીં તો અમારેય છે તે અંતરાય કશું ના હોત, પણ કંઈક વીસ ટકાનું નથી એટલું બધું, પણ છે થોડું. પણ એનાં કરતાં અમે વીસ કહીએ તો સારું લાગે, એ પાછળથી મનમાં એમ ના થાય કે ભૂલ થઈ ગઈ. એનાં કરતાં પાંચ-દસ ટકા પહેલેથી વધારે ભર્યા હોય તો વાંધો તો નહીં, એંસી ટકા ઓછા છે કંઈ આ કાળમાં ? એંસી ટકા માર્ક આવે. એટલે તમે અમારું બધું નહીં જોયેલું ? અમારી બધી જરૂરિયાત, બધી સામી ચાલી આવે ને ? પ્રશ્શનકર્તા : અંતરાય તોડવા માટે શું કરવું ? દાદાશ્રી : જ્ઞાની પુરુષો તો પોતે નિર્અંતરાય પદમાં રહેતા હોય. કોઈ અંતરાય જ નહીં. તે એમની પાસે બેસવાથી બધા અંતરાય તૂટી જાય, ખાલી બેસવાથી જ. એમની જોડે ગપ્પા મારીએે તોય ! મેં તમને અંતરાય બધા તોડવાનો રસ્તો કરી આપ્યો છે. આ બધી આજ્ઞા આપી છે ને, તે બધા અંતરાય તૂટી જાય, તે સમભાવે નિકાલ કરો. નિરાલંબ નિરાલંબ દશા એ જ એબ્સોલ્યુટ સ્થિતિ મનુષ્યને મોક્ષની ઇચ્છા તો બધી બહુ છે, પણ મોક્ષનો રસ્તો મળતો નથી. એટલે અનંત અવતારથી રઝળપાટ જ કર્યો છે અને અવલંબન વગર જીવાતું નથી. તે આધાર ખોળે છે. માણસ નિરાલંબ રહી શકે નહીં ને ! જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ નિરાલંબ રહી શકે નહીં, અવલંબન ખોળે જ કશું ! ફક્ત જ્ઞાની પુરુષ આધારી ના હોય, નિરાલંબ હોય. કોઈ આલંબન નહીં. જગત અવલંબનથી જીવી રહ્યું છે, આધારથી જીવી રહ્યું છે. જ્યારે એ આધાર નિરાધાર થાય ત્યારે કલ્પાંત કરે. જ્ઞાની પુરુષ પોતે ઍબ્સોલ્યુટ થયા હોવાથી એમને આધાર-આધારી સંબંધ રહ્યો નથી. જગતમાં એકલાં જ્ઞાનીને કોઈ વસ્તુનો આધાર ન્હોય. આત્માનો જ આધાર, જે નિરાલંબ છે ! જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે. એ અવલંબન અમારું હોય જ નહીં ને ! અમે નિરાલંબ હોઈએ ! સહેજેય અવલંબન ના હોય આ દેહનું કે પૈસાનું, કોઈ પણ એવું. આત્મા નિરાલંબ છે, એને કોઈ આધારની જરૂર નથી. એને કોઈનું અવલંબન જરૂર પડે નહીં. આત્મા તો આ ઘરોની આરપાર નીકળી જાય એવો છે, ડુંગરની આરપાર નીકળી જાય એવો છે. જગત આખું અવલંબનવાળું છે. આખુંય જગત, દેવલોકથી માંડીને ચારેવ ગતિના જીવો અવલંબનમાં ખદબદ ખદબદ ખદબદ.... નિરાલંબને સ્વતંત્ર કહ્યો, ઍબ્સોલ્યુટ કહ્યો. નિરાલંબ દશા આ 'જ્ઞાની'ની પ્રશ્શનકર્તા : તમારી દશા છે, અમે જોઈએ છીએ પણ અમને કંઈ ખ્યાલ નથી આવતો, કે પરમ જ્ઞાનની અંદર જે દશા હોય છે એ દશા કેવી હોય ? દાદાશ્રી : હા, એ દશા અમે જ જાણીએ. હું સમાધિની બહાર નીકળતો જ નથી. અત્યારેય મારી સમાધિ નિરંતર ચાલ્યા કરે છે. આ અંબાલાલ પટેલ તે હું ન્હોય, આ અહંકાર તે હું ન્હોય, આ ચિત્ત તે હું ન્હોય, બધી ચીજની પાર હું છું. આ શુદ્ધાત્મા યે હું ન્હોય. શુદ્ધાત્મા તો આ લોકો બન્યા છે તે. હું તો શબ્દરૂપેય નથી. હું દરઅસલ સ્વરૂપે છું, નિરાલંબ સ્વરૂપે છું પણ ચાર ડિગ્રી હજુ ખૂટે છે. જે મારી પૂરી થઈ નથી, ત્યાં સુધી મારી ઈચ્છા શું છે કે 'આ જે સુખ હું પામ્યો છું એવું સુખ લોકો પામો' એટલી ઈચ્છા રહી. તમને શબ્દનું અવલંબન છે, 'હું શુદ્ધાત્મા છું' એ અવલંબન છે. અમારે શબ્દનું અવલંબન પણ ના હોય. તમેય (અમુક અંશે) નિરાલંબ સ્થિતિમાં આવ્યા છો. બહુ મોટી સ્થિતિ કહેવાય. આ પદ તો દેવલોકોનેય ના હોય. મોટા મોટા ઋષિ-મુનિઓએ કોઈએ જોયેલું નહીં, એવું પદ છે આ. માટે કામ કાઢી લેજો. નિરાલંબ સ્થિતિ હું ભોગવું છું. ઘણા વખતથી મેં જોયેલી છે, નિરાલંબ સ્થિતિ. એમાં કોઈ અવલંબનની જરૂર ના પડે. અને આ જગતના લોકો તો રાતે એકલું રહેવાનું હોય તોય હૂંફ ખોળે. એકલાને તો ઊંઘેય ના આવે. અમે બિલકુલ નિરાલંબ હોઈએ. અમારી નિરાલંબ પરિસ્થિતિ છે છતાં બધાની વચ્ચે રહું છું, ખઉં છું, પીઉં છું, હરું છું, ફરું છું, બધું જ છે અને નિરાલંબ થઈ શકે છે માણસ. એ અત્યારે થઈ શકે છે. આ અક્રમ વિજ્ઞાન એવું છે કે નિરાલંબ થઈ શકે એમ છે. માટે જેની જેની ભાવના હોય, તે થઈ શકે છે. રિલેટિવમાંથી એબ્સોલ્યુટ તરફ કોઈ અવલંબન ના રહે એવું, નિરાલંબ થઈને અમે બેઠા છીએ એટલે અમારી પર ગમે તેવા પ્રયોગ કરો તોય પણ અમને સ્પર્શે નહીં. કારણ કે નિરાલંબ સ્વરૂપ છે અમારું. અવલંબનવાળાને પકડે કે હું ચંદુભાઈ છું, ફલાણો છું, હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાની છું, એય અવલંબન કહેવાય. કોઈ આપણો ઉપરી નહીં ને અન્ડરહેન્ડ નહીં, બસ નિરાલંબ, અવલંબન નહીં કોઈ જાતનું. અવલંબન એ જ છે તેે બંધન છે. આ દેહ હોવા છતાં અમે નિરાલંબ સ્થિતિને જોઈ શકીએ ને અનુભવી શકીએ છીએ અને બંધન સ્થિતિનેય અનુભવી શકીએ છીએ. બંને સ્થિતિને અનુભવી શકીએ છીએ. છેલ્લી વાત, નિરાલંબ ! તો જ મોક્ષ કહેવાય. અમે નિરાલંબ સ્વરૂપને પકડેલું હોય એટલે જગતની કોઈ ચીજ અમને અડે નહીં, નડેય નહીં. એટલે એ સ્થિતિમાં અમે બેઠેલાં, નિરાલંબ. એ સ્થિતિ એટલે અમને તો કોઈ જગ્યાએ મતભેદ ના હોય, કશું જ ના હોય ને ! કારણ કે કોઈ અવલંબન જ અડે નહિ ને ! અમારી દશા નિરાલંબ !! એટલે અમે સમજી શકીએ કે જો અમે અત્યારે આ દશાએ પણ નિરાલંબ રહી શકીએ છીએ, તો વીતરાગો કેવાં નિરાલંબ રહેતાં હશે ! સ્વભાવે કરીને નિરાલંબ હું અત્યારે નિરાલંબ સ્થિતિમાં છું. છતાં અવલંબનેય છે અને નિરાલંબેય છે. નિરાલંબ સ્થિતિને હું અનુભવી શકું છું. પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે 'મારે આલંબન પણ છે ને હું નિરાલંબ પણ છું.' તો આપને શેનું આલંબન હોય ? દાદાશ્રી : આ તમારા બધાનું. પ્રશ્શનકર્તા : દેહનું આલંબનેય ખરુંને, દાદા ? દાદાશ્રી : દેહનું આલંબન તો ખાસ નથી. જેટલું તમારું આલંબન છે એટલું આ દેહનું નથી. કારણ કે મારો ધ્યેય છે કે આ મારું સુખ એમને કેમ પ્રાપ્ત થાય ને કેમ જલ્દી પ્રગટ થાય ! આમાં દેહમાં તો કંઈ આલંબન નહિ, દેહ તો પાડોશી તરીકે, ફર્સ્ટ નેબરર તરીકે છે. એનું ટાઈટલ (માલિકીપણું) મેં ફાડી નાખ્યું છે. એટલે હું મનનો માલિક નથી, આ દેહનો માલિક નથી અને વાણીનો માલિક નથી. ફક્ત કેવળ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ એ જ પરમ જ્યોતિ છે. કેવળ, ભેળસેળવાળું નહીં. નિર્ભેળ એ પરમ જ્યોતિ છે અને એ જ્યોતિ અમે જોઈ લીધી અને નિરાલંબ થયેલા છીએ છતાં આલંબનમાં રહીએ છીએ. નહીં તો છેલ્લી વાત, ઠેઠની વાત કોઈ બહાર ના પડે. આ ઠેઠની વાત બહાર પડી આજે. પ્રશ્શનકર્તા : નિરાલંબ રહીએ છીએ છતાં આલંબનમાં છીએ એ જરા વધારે ફોડ પાડોને. દાદાશ્રી : અમે અમારા સ્વભાવે કરીને નિરાલંબમાં રહીએ છીએ અને આ છે તે વિશેષભાવમાં એટલે દેહભાવમાં અવલંબન છે. તે (દેહભાવવાળો) અવલંબનવાળો રોફ મારતો હોય તો એ ટાઈમે 'અમે' નિરાલંબ થઈ જઈએ, બસ. રોફ નથી મારતા (અહંકાર નથી કરતા) ત્યાં સુધી અમે અવલંબનમાં રહીએ. એ રોફ મારે એટલે અમે નિરાલંબ થઈ જઈએ. એને શું કહીએ કે બસ, બહુ થઈ ગયું. આઈ ડોન્ટ વોન્ટ. રોફ મારે એટલે સમજી ગયા ? પોતાનો આધાર પ્રાપ્ત થયો છે એ બધા જ્ઞાની, એ પછી નિરાલંબ થઈ શકે. આ પુદ્ગલનું અવલંબન મને જોઈશે નહીં. હવે નક્કી થઈ ગયું છે કે મારે આ પુદ્ગલનાં અવલંબનની જરૂર નથી. એ અવલંબન વગર હું તરીશ. છતાં પણ હજુ પુદ્ગલનું અવલંબન લેવું પડે છે. એ હજુ બધો પાછલો હિસાબ છે પણ નક્કી થઈ ગયું છે કે હવે પુદ્ગલનું અવલંબન નહીં હોય તો ચાલશે. એ નિરાલંબ થવા માંડે. પુદ્ગલનું અવલંબન ના લે એ પરમાત્મા. પોતાનાં આધારે જીવે એ પરમાત્મા અને પુદ્ગલના આધારે જીવે એ મનુષ્ય (જીવાત્મા). જ્ઞાની બે પ્રકારના. એક શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરેલું હોય અને તેના અનુભવમાં જ રહેતા હોય તે. પણ શુદ્ધાત્મ સ્વરૂપ એ શબ્દનું અવલંબન છે અને બીજા પ્રકારના જ્ઞાની નિરાલંબ હોય. નિરાલંબ તીર્થંકરો હોય. તેમ છતાંય અમે પણ નિરાલંબમાં છીએ. અમને શુદ્ધાત્મ સ્વરૂપ, શબ્દમાં નથી. જેનું અવલંબન જ કોઈ નથી. પેલું અવલંબન શબ્દનું અને આ નિરાલંબ છે. અગિયારમું આશ્ચર્ય છે આ ! નાપાસ થયેલા તીર્થંકર તે આ કાળમાં જોવાનું મળ્યું ને ! રાગ-દ્વેષ રહિતનું જીવન જોવાનું મળ્યું. ગુસ્સો થાય છતાં ક્રોધ ના કહેવાય. પરિગ્રહ છતાં અપરિગ્રહી એવું આપણું જીવન જોવાનું મળ્યું. હું નિરાલંબ આત્મામાં છું. જે તીર્થંકરોનો જે નિરાલંબ આત્મા હતો, એટલે નાપાસ થયેલો તીર્થંકર જ કહોને ! કેવળજ્ઞાન સ્વરૂપ અંતમાં વિજ્ઞાન સ્વરૂપ બાકી પરમાત્મા નિરાલંબ છે અને એક્ઝેક્ટ પરમાત્મા છે. જ્યાં કશા અવલંબન નથી, જ્યાં કશું જ નથી. જ્યાં રાગ-દ્વેષ કે શબ્દ કશુંય છે નહીં. કોઈ શબ્દ જ નહીં ત્યાં આગળ. અને નર્ર્યું આનંદનો કંદ, વિચારતાં જ આનંદના કંદ ઉત્પન્ન થાય. અમે જે આત્મા જોયો છે, એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા જોયેલો છે. નિરાલંબ આત્મા જોયેલો છે એટલે શું કે ત્યાં શ્રદ્ધા પણ નથી, ત્યાં કેવળ છે. કેવળજ્ઞાન એ જ નિરાલંબ આત્મા. એટલે કેવળજ્ઞાન અમે જોયું, નિરંતર વર્ત્યું નહીં. જે અત્યારે વ્યવહારમાં આ એનો અર્થ ચાલે છે, એવો કેવળજ્ઞાનનો અર્થ નથી. કેવળજ્ઞાન અમે જોયું, પેલો અર્થ ખોટો પડ્યો. કેવળ છે જ્યાં આગળ, કેવળજ્ઞાન જ્યાં શબ્દ પણ નથી, અવલંબન નથી એવો ઉપયોગ, ઍબ્સોલ્યુટ જ્ઞાનમાત્ર ! ભલેને આ જગત કલ્યાણની ભાવના રહી, પણ પોતે થયા છે તો ઍબ્સોલ્યુટ ! ઍબ્સોલ્યુટ એટલે નિરાલંબ. સ્વતંત્ર કેવળ, કેવળ જ, બીજું કંઇ મિક્ષ્ચર (ભેળસેળ) નહીં. વર્તે વર્તમાનમાં સદા વર્તમાનમાં રહેવું એ જ વ્યવસ્થિત હું શું કહું છંુ કે વર્તમાનમાં રહેતાં શીખો. તમને વર્તમાનમાં રહેવા માટેનાં બધા રક્ષણો આપ્યા છે અને અમે વગર રક્ષણે રહીએ છીએ. પ્રશ્શનકર્તા : વર્તમાનમાં શી રીતે રહેવાય ? દાદાશ્રી : ભૂતકાળ ભૂલી જઈએ તો ! ભૂતકાળ તો ગોન એને આજે યાદ કરીએ તો શું થાય ? વર્તમાનનો નફો, ખોઈએ અને પેલું ખોટ તો છે જ. ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો કહે, જે જે ભૂતકાળની ફાઈલો મનમાં ઊભી થઈ તે અત્યારે નિકાલ નહીં કરવાની ? તો કહે, 'ના, એ તો રાતે દસ-અગિયાર વાગે આવો. એક કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું, અત્યારે નહીં.' અત્યારે તો પૈસાની ખોટેય આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ ? પ્રશ્શનકર્તા : વર્તમાનમાં. દાદાશ્રી : હં, ઘડીવાર પેલા અમને આમ કહી ગયા હતા, એવું હું યાદ કરું તો અત્યારે છે તે વર્તમાન, તેય ખોઈ નાખું. થઈ ગયું ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો. અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું, બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી ચૂક્યા તો ચૂક્યા. એ થઈ ગયો ભૂતકાળ અને 'કોર્ટમાં શું થશે ?' એ ભવિષ્યકાળ એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો ! અમને તો આવું પૃથક્કરણ તરત જ થઈ જાય. અમને 'ઓન ધી મોમેન્ટ' બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય. તમને જરા વાર લાગે. પ્રશ્શનકર્તા : તમારી સાથે એક વાત થઈ હતી કે 'વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ.' દાદાશ્રી : બધું જ્ઞાન, બધા પાંચેય વાક્ય હાજર રહેવા જોઈએ. જે હાજર રહે, એનું નામ જ જ્ઞાન. પ્રશ્શનકર્તા : તો અમારી એવી કઈ ભૂલ છે જેથી એટ એ ટાઈમ હાજર નથી રહેતું ? પછી પાછળથી યાદ આવે છે ? પછી સમભાવે નિકાલ થાય છે. એટલે આ બાબતમાં વધુ અમારે જાણવું છે. દાદાશ્રી : મૂળ વસ્તુ તો વ્યવસ્થિત એટલે શું કે અવ્યવસ્થિત ગયું હવે અને આ વ્યવસ્થિત રહ્યું. અમારી લાઈફમાં હવે વ્યવસ્થિત રહ્યું બધું. એટલે એ વ્યવસ્થિત એટલે ભવિષ્યની ચિંતા કરવાની ન્હોય, ભૂતકાળ ભૂલી જવાનું અને નિરંતર વર્તમાનમાં રહેવું એ વ્યવસ્થિત. અમે કેરી ખાતા હોઈએ અગર ખોરાક લેતા હોય, તે ઘડીએ આ સત્સંગ અમને યાદ ના રહે. તમે બહાર આવ્યા હોય ને, એ જ્ઞાન અમને કહ્યું હોય કે ચંદુભાઈ આવ્યા છે, તો અમે જમતા હોય, તે ઘડીએ યાદ આવે ને તમારું, તો અમે એને કહીએ કે થોડીવાર પછી આવજો. હમણે જમી લેવા દો. તમે આવ્યા, એ તો ભૂતકાળ થઈ ગયો. એટલે અમે વર્તમાનમાં રહીએ. આ જમવાનું આવ્યું ને, હે ય... હાફુસની કેરીઓ ખાવ નિરાંતે ! ખાવું થોડુંક, પણ ચાવી ચાવીને... પ્રશ્શનકર્તા : ઉપયોગપૂર્વક. દાદાશ્રી : એ બીજું કશું નહીં, વર્તમાનમાં જ. અમે વર્તમાનમાં રહીએ. તેથી લોકો કહે, 'દાદા, તમે ટેન્શનરહિત છો !' મેં કહ્યું, 'શેનું ટેન્શન મૂઆ ?' વર્તમાનમાં રહે તો ટેન્શન હોતું હશે ? ટેન્શન ભૂતકાળમાં ખોવાઈ જાય તેને હોય. ભવિષ્યનું ગાંડપણ કરે તેને હોય, અમારે ટેન્શન શું ? વર્તમાનમાં રહે, એને ભગવાને 'જ્ઞાની' કહ્યા ! વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંય ! એટલે નિરંતર વર્તમાન વર્ત્યા કરે ! એટલે હું વર્તમાનમાં રહું છું ને તમને વર્તમાનમાં રહેવાનું શીખવાડું છું. એમાં વાંધો છે ? કાયદેસર છે પાછું. ભગવાને વર્તમાનમાં રહેવાનું જ કહ્યું છે. વીતરાગતા ન કર્તા પણ કેવળ જ્ઞાતા પ્રશ્શનકર્તા : આપને આ જે એક્સિડન્ટનો પ્રસંગ બન્યો. તેની અંદર આપની જે દશા જોવાની મળી, તે અમને તો એમ લાગ્યું કે ભગવાન મહાવીરને જે ઉપસર્ગ બધાં થયેલાં, એનું અમને અહીંયા ડેમોન્સ્ટ્રેશન મળ્યું. પણ બહારનાં લોકો, જેને દાદાનું જ્ઞાન મળ્યું નથી, એવા કેટલાક જ્યારે આ પ્રસંગના અંગે પૂછે છે તો એને અમારે શું જવાબ આપવો ? એ બાબતમાં કંઈ સમજ પડતી નથી. દાદાશ્રી : બહારના લોકોને શું અસર થઈ ? પ્રશ્શનકર્તા : કારણ કે સાધારણ તમે એમ કહો છો કે અમે જ્ઞાની છીએ, 'ચાહે સો માંગી લો,' તો પછી એ (જ્ઞાન નથી લીધું તે) કોઈ પૂછે છે, 'જો આ પ્રમાણે હતું તો પછી જ્ઞાની પુરુષને આ અકસ્માત થયો, તેની અંદર એ કશું ના કરી શકે ?' દાદાશ્રી : એ કશું ના કરી શકે. કારણ કે એ પોતે જુદા છે. હા, વસ્તુ બની છે એનાથી એ પોતે જુદા છે, એટલે વસ્તુને માટે એ જો કંઈ કરવા જાય તો રાગ છે એમ કહેવાય અને ના કરે તો દ્વેષ છે એમ કહેવાય. એટલે એમને કરવું-ના કરવું કંઈ હોય નહીં, જોયા જ કરે બસ. રાગમાં વીતરાગ જ્ઞાનીઓનો સમભાવ જગતે જોયો નથી દુષમકાળમાં, પાંચમા આરામાં. સમભાવ ને રાગમાં વીતરાગ. આમને તો વીતરાગતામાં વીતરાગ. રાગમાં વીતરાગતા હોય તે સાચી વીતરાગતા. તો તમે રાગ વગર વીતરાગતા કરવાં માંડ્યા. અરે મૂઆ, બીજ તો છે નહીં. શેનો આધાર ? કંઈ આધાર જોઈશે કે ના જોઈએ ? કહે છે, રાગ બધાં છોડી દો. ત્યારે પણ વીતરાગતા શી રીતે લાવીશ ? રાગ તો જ્ઞાની પર બેસે તો, પ્રશસ્ત રાગ, એ જ મોક્ષે લઈ જાય. જે તમારો ગાંડો રાગ હતો, અપ્રશસ્ત રાગ હતો, તે જ્ઞાની મળવાથી એ પ્રશસ્ત થઈ ગયો. એ જ મોક્ષે લઈ જાય. નિરંતર વીતરાગ દશા 'જ્ઞાની પુરુષ' નિરંતર શુદ્ધ ઉપયોગમાં જ હોય. 'જ્ઞાની' નિર્ગ્રંથ હોય, તેથી એક ક્ષણવાર પણ એમનો ઉપયોગ ક્યાંય અટકે નહીં. મનની ગાંઠ ફૂટે ત્યારે ગાંઠવાળો તો પા કલાક, અડધો કલાક એક જ વસ્તુમાં રમણતા કરે; 'જ્ઞાની' ક્યાંય એક ક્ષણ અટકે નહીં તેથી તેમનો ઉપયોગ નિરંતર ફર્યા જ કરે, તેમનો ઉપયોગ બહાર ના હોય. 'જ્ઞાની' ગૃહસ્થદશામાં રહે પણ ગૃહસ્થી ના હોય, નિરંતર વીતરાગતા એ જ એમનું લક્ષણ ! અમારે ઉપયોગમાં ઉપયોગ રહે. પ્રશ્શનકર્તા : અમે તમને પ્રશ્નોત્તરી કરીએ ત્યારે તમે શેમાં હો ? દાદાશ્રી : અમે એના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ જ અમારો ઉપયોગ. આ શબ્દો નીકળે તે રેકર્ડ બોલે છે, એમાં અમારે કંઇ લેવાદેવા નહીં. એના પર ઉપયોગ રહે એટલે અમને ખબર પડી જાય કે ક્યાં ભૂલ થઇ ને ક્યાં ઉપયોગ નથી રખાતો. આ 'રેકર્ડ' સાંભળો તો તમને કેવું સ્પષ્ટ સમજાય કે આમાં આ ભૂલ છે ને આ 'કરેક્ટ' છે ! તેવું અમને અમારી વાણીની 'રેકર્ડ' વાગતી હોય ત્યારે રહે. જેવા ભાવ તેવું ફળ પ્રશ્શનકર્તા : તમે અમને વિધિમાં શું આપી દો છો ? દાદાશ્રી : આપે એ તો ભિખારી થઇ જાય, અમે આપીએ નહીં તેમ જ અમે સ્વીકારીએય નહીં. અમે વીતરાગ હોઇએ. તેથી તમે આપો તે સો ગણું થઇને તમને પાછું મળે. તમે એક ફૂલ આપો તો તમને સો મળે ને એક ઢેખાળો આપો તો તે સો મળે ! પ્રશ્શનકર્તા : અને આપ કૃપા વરસાવો છો તે શું છે ? દાદાશ્રી : તે પણ આ જ છે. જેવો ભાવ તમે મૂકો તેનું સો ગણું થઇને તમને મળે. સંપૂર્ણ વીતરાગતા એ ભગવાન જ્ઞાની પુરુષને મળ્યાને ત્યારથી જ વીતદ્વેષ કર્યા છે. પછી જેમ જેમ ફાઈલોનો નિકાલ થયે વીતરાગ થતાં જાય અને સર્વસ્વ ફાઈલોનો નિકાલ થઈ ગયો એ વીતરાગ થઈ ગયો. એવાં જ્ઞાની પુરુષ સંપૂર્ણ વીતરાગ હોય. એક-બે અંશ જરા કચાશ હોય, બાકી સંપૂર્ણ વીતરાગ ! વીતરાગતા જેમ જેમ વધતી જતી હોય, તેટલી રાગ-દ્વેષ રહિતતા થાય. અને તેટલો મોક્ષ આપણને સમજાતો થાય, પૂર્ણ દશા ઉત્પન્ન થતી જાય. સંપૂર્ણ વીતરાગતા એ ભગવાન કહેવાય. જો તારા ભાવમાં એટેક નથી તો તું મહાવીર જ છું, એવું શાસ્ત્રો કહે છે. તે જ્યારથી મારા એટેક બંધ થઈ ગયા ત્યારથી મારી જાતને મહાવીર જ માનતો'તો, હું કહું નહીં એટલું જ. ભગવાને કહ્યું છે તે જ વસ્તુ હશે, મારી પાસે બીજી વસ્તુ ખોળવાની રહી નહીં. હા, એક જણની ભૂલ થાય પણ વીતરાગોનું ખોટું તો કહેવાય જ નહીં, પણ એ લખનારની ભૂલ થઈ હોય તો ! વીતરાગની તો ભૂલ માનું નહીં કોઈ દહાડોય. ગમે તેવો મને ફેરવવા આવે તો વીતરાગની ભૂલ મેં માની નથી. નાનપણમાંથી યે, જન્મે વૈષ્ણવ હોવા છતાં મેં એમની ભૂલ નથી માની. કારણ કે આવાં ડાહ્યા પુરુષો ! જેનું નામ સ્તવન કરવાથી કલ્યાણ થઈ જાય ! પૌદ્ગલિક રાગથી પર વીતરાગ જ્ઞાનીઓ એટલે તો વીતરાગ કહેવાય. પૌદ્ગલિક રાગ જ્યાં સ્હેજે નથી એવા વીતરાગ. પૌદ્ગલિક રાગ-દ્વેષ નથી રહ્યાં. જ્ઞાની કોને કહેવાય કે સંસારી પ્રવૃત્તિ એમનામાં ના હોય. ક્રોધ-માન-માયા-લોભ ના હોય. વીતરાગ થયા હોય તે 'જ્ઞાની' કહેવાય. અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલ (આ નામરૂપી શરીર)ને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે 'અમે' સ્વીકારીએ નહીં. 'અમને' અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય ! રાગ-દ્વેષ રહિત એ ચારિત્ર જાગૃતિથી દર્શન ઊંચું આવે ને સ્થિરતાથી ચારિત્ર પ્રગટે. જ્ઞાન-દર્શન તો મેં આપેલું છે તે અને ચારિત્ર જાણવું-જોવું ને સ્થિર થવું. આપણે કીધું હોય જે બધું એ થયા કરે આખો દહાડો, તે જાણો-જુઓ ને સ્થિર રહો. શું બને છે તે જોયા જ કરો. ખોટ આવતી હોય તેય જોયા કરે ને નફો આવતો હોય તેય જોયા કરો. છોકરો મરી જાય તેય જોયા કરો, છોકરો જન્મે તેય જોયા કરો. એનો કંઈ વાંધો નથી. ખાલી જોયા કરવાનું, રાગ-દ્વેષ નહીં. ક્રિયા તેની તે જ રહે. ભગવાને શું કહ્યું, બહારની ક્રિયા, દેહની ક્રિયા તેની તે જ હોય, અજ્ઞાની જેવી હોય પણ જો રાગ-દ્વેષ નથી તો એ વીતરાગ ધર્મને પામ્યો કહેવાય. એ ચારિત્ર કહેવાય. રાગ-દ્વેષ રહિત થવું એનું નામ ચારિત્ર. અમને રાગ-દ્વેષ કોઈ જગ્યાએ ઉત્પન્ન ના થાય. ગમે તેવું નુકસાન ધંધામાં આવ્યું હોય, તમારા નિમિત્તે આવ્યું હોય તોય નહીં. 'જ્ઞાની' તો સામો વાંકો હોય તોય તેની જોડે 'એડજસ્ટ' થાય, 'જ્ઞાની પુરુષ'ને જોઈને ચાલે તો બધી જાતનાં એડજસ્ટમેન્ટ કરતાં આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. જ્યાં આકર્ષણ બંધ થયું કે વીતરાગતા ઉત્પન્ન થાય. તે અહીં તમારું આકર્ષણ બંધ થયું. હવે વીતરાગતા ઉત્પન્ન થાય. અમારેય માલ પહેલાં ભરેલો તો ખરો, પણ આકર્ષણ ના હોય અમારે. જરાય આકર્ષણ નહીં. એટલે ત્યાં પછી અમને વીતરાગતા રહે. મોહના બજારમાં સંપૂર્ણ વીતરાગ આ હું લગ્નમાં આવું તેથી લગ્ન મને ચોંટી ગયું ? આ અમે લગ્નમાં જઈએ પણ સંપૂર્ણ વીતરાગ રહેવાય. અમારે જ્યારે મોહના બજારમાં જઈએ ને ત્યારે સંપૂર્ણ વીતરાગ થઈ જવાય અને ભક્તિના બજારમાં જઈએ ત્યારે જરા વીતરાગતા ઓછી થઈ જાય. સ્ટોર પણ નમસ્કાર કરે આ 'વીતરાગ'ને ! અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. 'હેંડો, દાદા' કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દ્ષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દ્ષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દ્ષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દ્ષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ? મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્ષ્ટિ બગડી જાય ને ? પ્રશ્શનકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે. દાદાશ્રી : હા, અમારી દ્ષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછો તિરસ્કારેય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગેય નહીં, દ્વેષેય નહીં. વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન ! શંકા સુણતા ગેબી જાદુથી એક ફેરો એવું બનેલું કે અહીં તો બધાના માથા ઉપર હાથ આમ મૂકીએ છીએ ને, એવું એક સ્ત્રીના માથા ઉપર હાથ મૂક્યો હતો. એના ધણીના મનમાં વહેમ પડ્યો. ફરી કોઈ ફેરો ખભે હાથ મૂકાઈ ગયો હશે, તે એને ફરી વહેમ પડ્યો. 'દાદા'ની દ્ષ્ટિ બગડી ગઈ લાગે છે, એવું એના મનમાં ઘૂસી ગયું. હું તો સમજું કે આ ભલા આદમીને વહેમ પડ્યો છે, હવે એ વહેમનો ઉપાય શું થાય તે ? એટલે દુઃખી થતો હશે એમ માનું. પછી એણે મને કાગળ લખ્યો કે, 'દાદાજી, મને આવું દુઃખ થાય છે. આવું ના કરો તો સારું. તમારાથી, જ્ઞાની પુરુષથી આવું ના થાય.' પાછો મને ભેગો થાય, મારા સામું જુએ, ત્યારે એના મનમાં એમ થાય કે 'દાદાજી' પર કોઈ અસર દેખાતી જ નથી. પછી બે-ત્રણ દહાડા પછી ફરી એ ભેગો થયો. ત્યારે અમારે તો જાણે કશું બન્યું નથી, એવી રીતે અમે તો 'સચ્ચિદાનંદ' કર્યા. એવું પાંચ-સાત વખત બન્યું. તે કંઈ અસર ના દેખાય, એટલે મનમાં એ થાકી ગયો. એને મહીં ગભરામણ થઈ ગઈ, કે 'આ શું ? કાગળ લખ્યા પછી પહોંચ્યો, પછી વાંચીને આવે છે તોય પણ કશી અસર તો દેખાતી નથી.' અલ્યા, ગુનેગારને અસર દેખાય. ગુનેગારને 'ઇફેક્ટ' થાય. અમને 'ઈફેક્ટ' જ શાની ? તે અમે ગુનેગાર જ નથી ત્યાં આગળ ! તું ગમે તેટલા કાગળ લખે કે ગમે તે કરે તો મને વાંધો નથી. કાગળનો જવાબ જ નથી મારી પાસે. મારે વીતરાગતા છે. આ તો તું તારા મનમાં એવું સમજી બેસે છે. એ પછી મને કહે છે, 'તમને કશું થયું હતું ?' મેં કહ્યું, ''મને શું થાય તે ? તને શંકા પડી છે. પણ 'હું' એમાં છું જ નહીં ને ! એટલે મને વાંધો જ નથી ને !'' અમારી પર શંકા થાય તોય તેનો અમને વાંધો નથી. શંકા થાય એ બધી એની પોતાની નબળાઈઓ છે. અમારી પર કોઈકને શંકા આવેને, તો પછી એ છોડે કે એને ? ઊંઘમાંય એને પજવ પજવ કરે. અમારું શુદ્ધ ખાતુંને, એટલે બધાનું શુદ્ધ કરી આપે. તેથી કવિએ લખ્યું છે ને, કે વિપરીત બુદ્ધિની શંકા, તે સૂણતા ગેબી જાદુથી, છતાં અમને નથી દંડ્યા, ન કરિયા ભેદ 'હું'-'તું'થી. કવિએ બહુ ભારે વાક્ય લખ્યું છે ને, કે શંકા કેવી છે ? સાચી શંકા નથી આ, પણ વિપરીત બુદ્ધિની શંકા છે આ ! અને અમે 'જ્ઞાની પુરુષ', તે અમારી ઉપરેય શંકા કરી ? જ્યાં બધું નિઃશંક થવાનું, જે પુરુષે આપણને નિઃશંક કર્યા, તેની ઉપરેય શંકા ! પણ આ તો જગત છે, શું ના કહે ? તે શંકા પાછો હું સૂણું, તેય ગેબી જાદુથી અને પછી પાછો વીતરાગતાથી જોઉં ! વીતરાગતા છતાંય ખટપટ અમે ખટપટિયા વીતરાગ કહેવાઈએ, સંપૂર્ણ વીતરાગ નહીં. અમે એક જ બાજુએ વીતરાગ નથી. બીજી બધી બાજુએ સંપૂર્ણ વીતરાગ છીએ. અમે ખટપટિયા તે ફલાણાને કહીએ કે પેલા ભઇને અહીં તેડી લાવજો. આવો તમને મોક્ષ આપીએ. મોક્ષ આપવા માટે બધી જ ખટપટ કરી છૂટીએ ! પ્રશ્શનકર્તા : એજ થાય છે ને બહાર કે આ શેના હારું કરે છે ? પોતે વીતરાગ છે, તો પછી આ ખટપટ શેની ? દાદાશ્રી : આ ખટપટ શેના માટે ? આ ખટપટિયા વીતરાગ છે. પણ આ બોલે એ ના સમજે, તો હવે એનો ઉપાય શો ? પ્રશ્શનકર્તા : એ તો દાદા, જે આપની પાસે આવે અને સમજે તો એનો મતભેદ જાય, પણ ન આવે એને તો મતભેદ રહેને ? તીર્થંકરોના વખતમાં પણ એવું જ હશેને ? દાદાશ્રી : એ બરોબર છે, પણ એ તીર્થંકરો ખટપટ ના કરે ને ! અમે ખટપટ કરીએ ને ! અમે તો આમથી બચાવી લઈએ ને આમથી આમ બચાવીએ. પેલા તો બોલે એટલું જ. સાંભળનારને ના ઠીક લાગે તો જતો રહે. અમારે તો ખટપટ, બેસાડી બેસાડીને બોલ બોલ કરીએ. (સંપૂર્ણ વીતરાગ તીર્થંકરોને) વીતરાગોને તો સહેજેય રાગ-દ્વેષ નહીં. એટલે (ખટપટ) કરી શકે જ નહીં અને અમારે તો સ્હેજ આ ચાર ડિગ્રી ઓછી છે એટલે અમારામાં કરી શકવાની શક્તિ. એટલી જ ભાંજગડ છે. આ કામ ફુલ કરે. જ્યારે પેલા પૂર્ણાહૂતિ છે. એટલે આવો વારો કોઇ દા'ડો આવતો નથી. પેલામાં કરી શકવાની શક્તિ નહીં અને આમનામાં શક્તિ, એટલો જ ફેર. અમારે તો આમ કરજો, તેમ કરજો અને એ વીતરાગને તો કશુંય નહીં. એમના દર્શનથી જ આપણું કલ્યાણ થઇ જાય. કેવું કે સાચાં દર્શન થઇ ગયા, કરતાં આવડવા જોઇએ. જેવું જેને આવડે એવું એને લાભ. બસ, એ વીતરાગ, પણ એની વીતરાગતાને જેણે ઓળખી, એના બાપની વીતરાગતા. જેટલી જેટલી ઓળખી એટલો એને લાભ. એ પોતે કશું આવી બાબતમાં હાથ ઘાલે નહીં. વાણી સહજ ભાવથી નીકળ્યા કરે, બસ. એટલે એ ખટપટીયા નહીં. અમે ખટપટીયા, કે આ બેનને તેડી લાવજો. કારણ કે અમે જાણીએ છીએ કે અમારો છેલ્લો અવતાર નથી. એટલે અમારાથી આ બધું બોલાય અહીં આગળ. અને એ એવું ના બોલે કે તમારો કોઇ ઉપરી નથી કે તમારામાં કોઇ આંગળી ઘાલી દે એવું નથી. એવું તેવું ના બોલે. કારણ કે એમને તો જે મોક્ષમાં જવાના હોય તે દર્શન કરીને પામો, ન જવાના હોય તે ન પામો, વીતરાગ. જે પામવાના હોય તે પામો, ના પામવાના ના પામો. અને અમારે આટલો આગ્રહ હોય. હજુ અમે ખટપટ કર્યા કરીએ. અમે ખટપટીયા વીતરાગ કહેવાઈએ. વીતરાગતા પ્રગટ ક્યારે ને કેવી રીતે ? પ્રશ્શનકર્તા : આપની વીતરાગતા મહાત્માઓમાં ક્યારે ને કેવી રીતે ઉતરશે ? દાદાશ્રી : જેમ જેમ મારા ટચમાં રહેશે તેમ તેમ એ, આ તો ગોખીને શીખવાનું નથી, જોઈને શીખવાનું છે. આંખ્યો સામું જુએ લોકો. આંખ્યોમાં કેમ લોકો, જીવમાત્ર જુએ છે, ત્યારે કહેશે, 'આંખમાં બધું વંચાય, ભાવ ! શું ભાવ છે તે બધુંય વંચાય.' એટલે લોક સમજી જાય કે આ ભઈ છે એને ઘરમાં પેસવા ન દેશો. એની આંખમાં બરોબર સારા ભાવ નથી, કહેશે. એવી રીતે જ્ઞાનીની આંખમાં વીતરાગતા દેખાય, કોઈ જગ્યાએ રાગ કે દ્વેષ એવું કશું દેખાય નહીં. કુરકુરીયા રમતા ના હોય કોઈ જાતનાં. લક્ષ્મીની, કોઈ પણ પ્રકારની ભીખ ના હોય, એવું કશું હોય નહીં, એકલી વીતરાગતા હોય. એ જોતાં જોતાં પોતાને આવડી જાય. બીજું કશું આમાં છે નહીં. આ તો ધંધાની વાત કરું છું કે, એક ફેરો મેં એક જણને કહ્યું, 'આ આમાં શું કરવાનું છે તે ? નહીં જેવી ચીજમાં આ તેં આટલો ટાઈમ બગાડ્યો'તો.' ત્યારે કહે, 'પણ મને કોઈએ કરી બતાવ્યું જ નથી. નહીં તો હું જલ્દીથી કરી નાખત.' ત્યારે મેં એક દા'ડો કરી બતાવ્યું, તે બીજે દહાડે એણે કરી બતાવ્યું. નહીં તો બે મહિનાથી થતું ન્હોતું. તો એની જે કળા હતી, એ દેખાડી દીધી. એય કળા શીખી ગયો ને એય કરવા માંડ્યો. એટલે આ આમ થિયરેટીકલથી નહીં દા'ડો વળે, પ્રેક્ટિકલી જોઈશે. થિયરેટીકલ તો ખાલી જાણવા માટે જ છે. પ્રેક્ટિકલી એટલે શું ? પ્રેક્ટિકલમાં તો જ્ઞાની પુરુષને જોવાથી, એની પાસે ટચમાં આવવાથી બધું પ્રાપ્ત થઈ જાય. સહેજાસહેજ પ્રાપ્ત થાય. પરિણામે પદ તીર્થંકરોનું તીર્થંકરને તો ભાવકર્મ હોય જ નહીં ને ! ભાવકર્મ તો પહેલાં થયેલાં. તીર્થંકર થયા પછી ભાવકર્મ હોય નહીં. આ અમને હજુ ભાવકર્મ ખરાં ! આ આટલો ભાવ કે લોકોનું કલ્યાણ કેમ કરવું તે ! એમણે તો કલ્યાણ કરવાના ભાવ કરેલા, તે દહાડે જ આ તીર્થંકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ જ થયા કરે છે. એટલે એમને કેવળ કરુણા ! ભગવાન મહાવીર જે ક્રિયા કરી રહેલા હોય તે દેખાતી હોય, પણ પોતે એમાં હોય નહિ. અને હું આમાં હોઉં, હું કારણમાં હોઉં અને એ કાર્યમાં હોય. કાર્ય એટલે પૂર્ણ થઈ ગયો. એ બોલે તો જ કાર્ય પૂરું થાય. પ્રશ્શનકર્તા : સમજાયું. પણ મને એમ થાય કે વીતરાગ દશા પામ્યા પછી ભાવના કેમ થાય ? એ તો સંપૂર્ણ ઈચ્છા રહિત થઈ જાય ને ? દાદાશ્રી : એમને કલ્યાણ કરવાની ભાવના ના હોય. એમને હવે કલ્યાણ કરવાની જે ભાવના હતી, તે એનું એ ફળ ભોગવે છે અત્યારે, તીર્થંકરપણું ભોગવે છે. મને કલ્યાણ કરવાની ભાવના ખરી, એટલે હું ખટપટિયો વીતરાગ કહેવાઉં ને એ સાચા વીતરાગ કહેવાય. જેમ એક માણસ પરીક્ષા આપ્યા પછી, ક્યારેય પણ સ્કૂલમાં ના જતો હોય તોય પરિણામ તો આવે જ ને ? એના નામથી પરિણામ આવે કે ના આવે ? પ્રશ્શનકર્તા : આવે. દાદાશ્રી : એવું આ તીર્થંકરના નામથી પરિણામ આવેલું છે અને આ હું પરીક્ષા આપું છું. એટલે આ મને ભાવ ખરો કે આ લોકોનું કલ્યાણ થાય. મારું કલ્યાણ થયું એવું લોકોનું કલ્યાણ કેમ કરીને થાય એવી મારી ભાવના ખરી. એમને એવું ના હોય. એમણે પહેલાંના અવતારમાં કરેલું, તેનું ફળ આવ્યું. બહુ ઝીણી વાત છે આ બધી. નથી ઉતાવળ કેવળજ્ઞાનની પ્રશ્શનકર્તા : પણ તોય દાદા પૂરા વીતરાગી કહેવાય ને ? દાદાશ્રી : પૂરા વીતરાગી ના કહેવાય. ત્રણસો સાઠમાં ચાર ડિગ્રી ઓછી... પ્રશ્શનકર્તા : પણ દાદા, તમે ત્રણસો સાઠ ડિગ્રી થાઓ એટલે એ જ વીતરાગ, બરોબર ને ? દાદાશ્રી : હા, પણ વીતરાગ થઈ શકે નહીં આ કાળમાં, આ ક્ષેત્રે ન થાય. એટલે અમે એવી ઉતાવળ કરતાં નથી. અમારે ઉતાવળેય શું છે ? અમારો પુરુષાર્થ આ બાજુ વળ્યો. લોકોને લાભ થાય. અહીં જો થઈ શકાતું હોત તો અમે અમારો પુરુષાર્થ પેલી બાજુ વાળત. આ તો થઈ શકાતું નથી. માટે અમારે છે તે પુરુષાર્થ આ બાજુ વાળ્યો. પ્રશ્શનકર્તા : બહુ પુરુષાર્થ કરે તો પણ ચાર ડિગ્રી આ કાળમાં ન જાય ? દાદાશ્રી : પુરુષાર્થ કરીએ જ શા માટે ? અહીં પરીક્ષા થવાની જ નથી તો વાંચીએ શું કરવા ? પરીક્ષા થવાની હોય ત્યાં વાંચીએ. અત્યારે અહીં વાંચવા માંડું તો લોકો કહેશે, કેમ પરીક્ષા આવી તમારે ? ના, ભઈ, પરીક્ષા તો બહુ દહાડા બાકી છે. ક્યાં માથાકૂટ કરું ? આત્મા તીર્થંકરોએ જે જ્ઞાનમાં જોયો, એ જ આત્મા છેલ્લો છે. અને તે આત્મા મેં જોયો છે ને જાણ્યો છે. સંપૂર્ણ નિર્ભય બનાવી શકે, સંપૂર્ણ વીતરાગ રાખી શકે એવો એ આત્મા છે, પણ સંપૂર્ણપણે મને હજી અનુભવાયો નહીં. કારણ કે કેવળજ્ઞાન ન હોવાથી સંપૂર્ણ અનુભવાયો નહીં. એટલે એટલી કચાશ રહી છે. બાકી એ આત્મા તો જાણવા જેવો છે ! હવે અમે આ વાતો શા માટે કરીએ છીએ ? જાણવા માટે છે આ ! અને તે હું નથી કરતો પાછો. તેય ટેપરેકર્ડ છે. હું કરતો હોઉં તો હું પકડાઉં. હું પકડાઉં એવો છું નહીં. વીતરાગોએ શું કર્યું ? આખા જગતને ઓટીમાં ઘાલી અને વીતરાગ થઈ બેઠા. સહજતા સહજતા એટલે જ અપ્રયત્ન દશા પ્રશ્શનકર્તા : સહજતાની વ્યાખ્યા શું ? દાદાશ્રી : સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. મન-વચન-કાયા કામ કરનારા છે પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજ દશા. જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જે નિરંતર અપ્રયત્ન દશામાં હોય તે. જગત આખું પ્રયત્ન દશામાં ('હું' ભળીને) છે અને તમે યત્ન દશામાં ('હું' ભળ્યા વગર) છો. સારું-ખોટું કરો છો, તેમાંથી ડખો કરો છો, તમને એમ થશે કે આ પુદ્ગલની વંશ જતી રહેશે તો શું થશે ? આ પુદ્ગલની વંશ કોઈ દહાડો જતી નથી. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. એને યત્નેય ના હોય ને પ્રયત્નેય ના હોય. પ્રશ્શનકર્તા : આપને આત્મા જુદો વર્તે, એટલે પ્રત્યેક આત્મ પ્રદેશે પ્રદેશે બધી જગ્યાએ જુદો વર્તે ? દાદાશ્રી : હં, બધી જગ્યાએ. છે જ જુદો, તમારેય જુદો છે. જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. 'આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.' એમ ડખલ કરવા જાય કે અસહજ થાય. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ ન સંભવે. ત્યાગેય સંભવે નહીં ને અત્યાગેય સંભવે નહીં. ત્યાગ કરો એ અહંકાર છે અને ગ્રહણ તેય અહંકાર છે. સહજ ! સહજ આગળ કોઈ ત્યાગેય નથી અને અત્યાગેય નથી. એ પોતે ઉદયાધીન વર્તે છે. એટલે જેમ પોટલું લઈ જાય ને, એમ મુંબઈ યે જાય ને પોટલાની પેઠ પાછાં આવેય ખરાં. જ્ઞાની અસહજ નથી અમારે સાહજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર ન જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહે. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે ઉપયોગમાં રહેવાય. અમારી આ સાહજિકતા કહેવાય. સાહજિકતામાં બધો વાંધો નહીં. કોઈ જાતની ડખલ જ નહીં ને ! તમે આમ કહો તો આમ ને તેમ કહો તો તેમ. પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ? અમને તો 'ગાડીમાં જવાનું છે' કહે તો તેમ. એ પાછાં કાલે કહેશે કે 'આમ જવાનું છે' તો તેમ. 'ના' એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત ના હોય, એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું. પ્રશ્શનકર્તા : સહજ સ્થિતિ વખતે પોતાનો ઉપયોગ કેવો હોય ? દાદાશ્રી : બિલકુલ કમ્પ્લિટ ! દેહ સહજ તો આત્મા બિલકુલ કમ્પ્લિટ ! પ્રશ્શનકર્તા : તો એની બહારની પ્રત્યે દ્ષ્ટિ જ ના હોય ? દાદાશ્રી : એ બધું કમ્પ્લિટ હોય, બહાર એ બધું દેખાયા કરે. દ્ષ્ટિમાં જ આવી ગયું બધું અને એ જ સહજ આત્મસ્વરૂપ, તે પરમ ગુરુ. જેનો આત્મા આવો સહજ રહેતો હોય, તે જ પરમ ગુરુ ! પ્રાજ્ઞ સહજ : અજ્ઞ સહજ પ્રશ્શનકર્તા : સહજાત્મ સ્વરૂપ એટલે શું ? દાદાશ્રી : આ દેહ સહજ થઈ જાય તો આત્મા તો સહજ જ છે. આ બધો રિલેટિવ ભાગ છે, એ સહજ થઈ જાય તો પેલો તો સહજ જ છે. પોતાને તો કશી ભાંજગડ જ નથી. પ્રશ્શનકર્તા : આપની પાસે આવીને માત્ર સહજ થઈ જવાનું છે ? દાદાશ્રી : સહજ જ ! અમારો સહજ સ્વભાવ છે ને, એ દેખીને સહજ થઈ જાય માણસ. એ દેખીને એમ નક્કી કરે તો એ સહજ થઈ જાય. પ્રશ્શનકર્તા : પછી આપ એમ કહો છો કે, જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી તમને સહજ નહીં થવા દે ? દાદાશ્રી : આ બુદ્ધિ જ સંસારમાં ભટકાવે છે અને બુદ્ધિને લઈને સંસાર ઊભો રહ્યો છે અને બુદ્ધિ હોય ત્યાં સુધી સહજ થાય નહીં. જેટલી બુદ્ધિ ઓછી થઈ એટલો વધુ સહજ થયો. જ્ઞાની પાસે જ્ઞાનવાદ, ન હોય બુદ્ધિવાદ અમારું નાનાં બાળક જેવું હોય. એટલે એ જ્ઞાનવાદ હોય, બુદ્ધિવાદ ના હોય. બુદ્ધિવાદ હંમેશાં ઈમોશનલ કરે, મારા-તારાનો ભેદ બતાવે અને જ્ઞાનવાદ ભેદ બતાવે નહીં ને ઈમોશનલ ના કરે. પ્રશ્શનકર્તા : પ્રાણીઓને પણ સહજ સ્વભાવ હોય છે અને જ્ઞાનીનોય સહજ સ્વભાવ, તો એ બેમાં ફરક શું ? દાદાશ્રી : પ્રાણીઓનો, બાળકનો અને જ્ઞાનીનો, આ ત્રણેયના સહજ સ્વભાવ હોય. જ્યાં બુદ્ધિ જોરદાર હોય ત્યાં આગળ સહજ સ્વભાવ નહીં. લિમિટેડ બુદ્ધિ ત્યાં સહજ સ્વભાવ. બાળકને લિમિટેડ બુદ્ધિ, પ્રાણીઓને લિમિટેડ બુદ્ધિ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય. એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય. જ્ઞાની સદા સહજ પ્રશ્શનકર્તા : પણ ફેર શું પડે, જ્ઞાનીમાં ને બાળકમાં ? દાદાશ્રી : બાળક અજ્ઞાનતાથી અને આ સજ્ઞાનતાથી છે. પેલું અંધારામાં અને આ પ્રકાશમાં. પ્રકાશ વગર માણસ સહજ રહી શકે નહીં ને ! એટલે જ્યારે બુદ્ધિ જાય ત્યારે પછી સહજ રહી શકે, નહીં તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુદ્ધિ ઈમોશનલ જ કરે. જ્ઞાની પુરુષ અને બાળક, બે સરખા કહેવાય છે. ફક્ત ભેદ કયો છે, બાળકને ઊગતો સૂર્ય છે અને જ્ઞાની પુરુષને આથમતો સૂર્ય છે. પેલાને અહંકાર છે પણ એને અહંકાર જાગૃત થવાનો બાકી છે અને આમને અહંકાર શૂન્ય છે. અમે આમ દેખાઈએ ભોળા, પણ બહુ પાકા હોઈએ. બાળક જેવા દેખાઈએ, પણ પાકા હોઈએ. કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો 'પ્રોગ્રેસ' ક્યાં છોડીએ ? સહજભાવ હોય ત્યાં 'હું' ના હોય અને 'હું' હોય ત્યાં સહજપણું ના હોય, બે ભેગા રહી શકે નહીં, એક જગ્યાએ. એ આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિક. એ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ને દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે 'હા' કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ. અમારે એવું નહીં, પણ સહજભાવ. સહજતામાં પહેલું કોણ ? પ્રશ્શનકર્તા : જ્ઞાન થઈ જાય એ પછી પ્રકૃતિ સહજ થાય કે પ્રકૃતિ સહજ થાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય, એમાં ક્રમ કયો ? દાદાશ્રી : આપણે આ જ્ઞાન આપીએ છીએને ત્યારે દ્ષ્ટિ બદલાય જાયને પછી પ્રકૃતિ સહજ થતી જાય. પછી સંપૂર્ણ સહજ થાય. પ્રકૃતિ બિલકુલ સહજ થાય. એટલે આત્મા તો સહજ છે જ, બસ થઈ ગયું. છૂટું થઈ ગયું. અને પ્રકૃતિ સહજ એટલે તો બહારનો ભાગ જ ભગવાન થઈ ગયો, અંદરનો તો છે જ. અંદરનો તો બધાંયનામાં છે. પ્રશ્શનકર્તા : દેહની સંપૂર્ણ સહજતા એ ભગવાન. આત્માની સહજતા એ ભગવાન ના કહેવાય. દાદાશ્રી : આત્મા તો સહજ જ છે. 'દેહની સંપૂર્ણ સહજતા એ ભગવાન' એ બરોબર છે, એ વાત સાચી છે. દેહની સંપૂર્ણ સહજતા થઇ જાય એટલે ભગવાન. દેહ સહજ ભાવે કો'કને ધોલ મારતો હોય તોય ભગવાન ! પ્રશ્શનકર્તા : આત્મા સહજ થાય તો દેહ એની મેળે સહજ થાય, એટલે એ શું કહે છે ? દાદાશ્રી : આ વ્યવહાર આત્મા સહજ થાય તો દેહ સહજ જ થઈ જાય, પણ મૂળ આત્મા તો સહજ છે. આ વ્યવહાર આત્માની જ ભાંજગડ છે બધી. પ્રશ્શનકર્તા : આપે કહ્યું ને, સહજ ભાવે ધોલ મારવાની, તો સહજ ભાવે ધોલ હોઈ શકે ? દાદાશ્રી : હા, હોઈ શકે. જ્ઞાનીનો કેવો સહજ વ્યવહાર ! પ્રશ્શનકર્તા : દાદા બધાને જે બૂટની પ્રસાદી આપે છે ને... દાદાશ્રી : એ બધું સહજ ભાવે. સહજ ભાવ એટલે 'હું મારું છું' એ ભાન ના હોય, 'હું મારું છું' એ જ્ઞાન ના હોય ને 'હું મારું છું' એ શ્રદ્ધા ના હોય, એનું નામ સહજ ભાવ. અને સહજ ભાવથી અમે મારીએ, એટલે કોઈને દુઃખ લાગે નહીં ! અમારું બધું સહજ હોય. એટલે સહજતા પર જવાનું છે. આ સહજતાનો માર્ગ. નો લૉ લૉ, સહજતા પર લઈ જવા માટે છે. લૉ (કાયદો) હોય તો સહજતા કેમ થાય ? અત્યારે હું અહીં બેઠો છું, એવુું બેસે નહીં. આવું કશું આવ્યું હોયને તો અડે નહીં. એ બધી વાત એ સાહજિકતા નહીં. સાહજિક એટલે જેમ અનુકૂળ આવે તેમ રહે. બીજો વિચાર જ ના આવે કે આ લોકો મને શું કહેશે કે એવું તેવું બધું ના હોય. અમે સહજ હોઈએ આખો દહાડોય. કારણ કે આ દેહના માલિક અમે ક્ષણવારેય ના હોઈએ. આ વાણીના માલિક નહીં અને આ મનના માલિક નહીં. શરીરનું માલિકીપણું છવ્વીસ વર્ષથી જતું રહ્યું અને છવ્વીસ વર્ષથી સમાધિ જાય નહીં, એક સેકન્ડેય. અમને ધોલો મારે તોય અમારી સમાધિ. અમે એને આશીર્વાદ આપીએ. શરીર સ્વભાવે ઈફેક્ટિવ સહજ એનું નામ કે જેવો શરીરનો સ્વભાવ છે ને, ઊંચું-નીચું બધું થયા કરે ! શરીર ઊંચા-નીચું થાય એ સહજ અને આત્માના પરપરિણામ નહીં, એ સહજ. સહજ આત્મા એટલે સ્વપરિણામ અને શરીર ઊંચા-નીચું થાય, એ એના સ્વભાવમાં જ કૂદાકૂદ કરે આમ. આમ દીવાસળી સળગતી હોયને, નાખી પછી નીચેથી છેડો ઊંચો થઈ જાય, એ શું ? એ સહજ પરિણામ છે. દેહના બધા જ પરિણામ બદલાય. અજ્ઞાનીને ના બદલાય. અજ્ઞાની આમ સ્થિર થયો, તેવો ને તેવો. અહંકાર છે ને ! આને અહંકાર નહીં, એટલે આંખો રડે, બધું જ કરે. પ્રશ્શનકર્તા : તે વખતે એ એની પ્રકૃતિ રડે ત્યારે એ અંદર પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય ? દાદાશ્રી : બરોબર છે. પ્રશ્શનકર્તા : એ પ્રકૃતિને કંઈ કંટ્રોલ કરતાં નથી ? દાદાશ્રી : પ્રકૃતિ, પ્રકૃતિના ભાવમાં જ હોય છે, એને કંટ્રોલ કરવાની તમારે જરૂરત નથી. તમે સહજ ભાવમાં આવ્યા તો આ સહજ ભાવમાં જ છે. અહીં આગળ મારે બૂટ વગર, આરસના પથ્થરા ઉપર રહીને જવાનું હોયને તે બૂમાબૂમ કરું, એય દઝાયો દઝાયો દઝાયો તો એ જ્ઞાની, નહીં તો આમ દબાવી દે, બોલે નહીં તો જાણવું કે અજ્ઞાની મૂઓ છે. હજુ ચોક્કસ કરે, ચોક્કસ રાખે. સહજ એટલે શું ? જેમ છે તેમ કહી દે. સહજને જોવાથી થવાય સહજ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભઈ, આત્મા તો સહજ છે. તું હવે આ પુદ્ગલને સહજ કર. હવે 'સહજ શી રીતે થાય ?' સહજને જોવાથી સહજ થઈ જાય છે. જ્ઞાનીને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જાય છે. જ્ઞાની પુરુષની પાસે રહ્યો, તે એની મેળે સહજતા ઉત્પન્ન જ થઈ જાય છે. અનાદિ કાળથી પાર વગરની ચંચળતા ઉત્પન્ન થઈ છે, તે ચંચળતા ધીમે ધીમે ધીમે ઠરતી ઠરતી સહજતા ઉત્પન્ન થઈ જાય છે. મને કોઈ ગાળ ભાંડતો હોય, તે વખતે મારી સહજતા જોઈને તમને મનમાં એમ થાય કે ઓહોહો, આવું ! તે તમને તરત આવડી ગયું. જોયું કે આવડી ગયું. પછી તમને ગાળ ભાંડે તોય સહજતા આવડી જાય. નહીં તો લાખ અવતારેય શીખાય નહીં. જ્ઞાની પુરુષ પાસે રહેવાથી બધા જ ગુણો પ્રગટ થયા કરે એની મેળે, સહજ પ્રગટ થાય ! દાદાની અનોખી સાહજિકતા પ્રશ્શનકર્તા : 'જ્ઞાની પાસે પડી રહો' એવું જે કીધું તે, પડી રહો એટલે પછી આ જ બધું જોવાનુંને ? દાદાશ્રી : હા. એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી સહજતા ! કેવી નિર્મળ સહજતા છે ! કેટલાં નિર્મળ ભાવ છે ! અને અહંકાર વગરની દશા કેવી હોય, બુદ્ધિ વગરની દશા કેવી હોય, એ બધું જોવાનું મળે. એ બે દશાઓ તો આમ જોવાની મળે જ નહીં ને ! અહંકાર વગરની દશા ને બુદ્ધિ વગરની દશા જોવાની ન મળે. જ્યાં ને ત્યાં બુદ્ધિશાળીઓ ! તે આમ વાત કરે ને, તોય નાક આમ ચઢેલું હોય ! કશું સહજ ના હોય. ફોટો પાડેને તે ઘડીએ નાક ચઢી જાય ! અને ફોટાવાળા અમને જુએ તો એને ફોટો ના લેવાં હોય તોય લઈ લે, કે આમના ફોટો પાડવા જેવા છે ! એ સહજતા ખોળે. તમે ફોટા લો તો તમે એમ કહો કે તમે હાથ જોડો તો અમે હાથ જોડીએ, બસ. બીજું મારે શું ? કારણ કે અમને એવું ના મનમાં થાય કે આ મારો ફોટો લે છે, નહીં તો વિકૃત થઈ જઈએ. અમે સહજમાં જ હોઈએ. બહાર ગમે એટલાં ફોટા લેવા આવે તો ફોટાવાળાય સમજી જાય કે દાદા સહજ જ છે. તરત જ ચાંપ દબાવે. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારેય નહીં કરવું પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ. અમને સાહજિક જ, જેવા દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેનાં તે જ સ્વભાવના દેખાઈએ. સાહજિકતામાં ફેર ના પડે. કારણ સર્વજ્ઞ અબુધ થયે પ્રાપ્ત સર્વજ્ઞ પદ કોમન સેન્સ બહુ ઊંચી વસ્તુ છે. તે જ્યાં જરૂર હોય ત્યાં એપ્લીકેબલ થઈ જાય. અમારામાં સો ટકા કોમન સેન્સ હોય. તમારામાં કોમન સેન્સ એક ટકોય ના હોય. ગૂંચ આવે ત્યારે દોરો તૂટ્યા વગર, કપાયા વગર ઉકેલી નાખવું તે કોમન સેન્સ છે. આ તો મૂઆ એક ગૂંચ ઉકેલવા જાય ને પાંચ બીજી પાડે તેમ છે. તે તેનામાં કોમન સેન્સના માર્ક શી રીતે મૂકાય ? અરે, ભલભલા વિદ્વાનોમાં વિદ્વત્તા હોય પણ કોમન સેન્સ ના હોય. બુદ્ધિ સંપૂર્ણ પ્રકાશમાન થયેલી હોય પણ અમારા જ્ઞાનપ્રકાશ આગળ તે ખૂણામાં બેસી રહે. સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ આગળ બુદ્ધિ એ તો સૂર્યની સામે દીવડા સમાન છે. અમારી પાસે સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ છે. તેથી અમારામાં બુદ્ધિ નામેય નહીં. અમે પોતે અબુધ છીએ. એક કિનારે અબુધ પદ પ્રાપ્ત થાય તો સામે કિનારે સર્વજ્ઞ પદ હારતોરા લઈને નિયમથી જ સામું ઊભું જ હોય. અમને એક કિનારે અબુધ પદ પ્રાપ્ત થયું ત્યાં સામે કિનારે સર્વજ્ઞ પદ આવીને ખડું થયું. અબુધ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે. અમે અબુધ છીએ, સર્વજ્ઞ છીએ. સર્વજ્ઞ સિદ્ધિથી કરે કલ્યાણ આ આત્મા છે ને, તે મિક્ષ્ચર સ્વરૂપે રહેલો છે. આત્મા અને અનાત્મા બન્નેય પોતે પોતાના ગુણધર્મ સાથે રહેલા છે અને તે છૂટા પાડી શકાય તેમ છે. સોનામાં તાંબું, પિત્તળ, રૂપું એ બધું ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય તો કોઈ સાયન્ટિસ્ટ એના ગુણધર્મ ઉપરથી છૂટાં પાડી આપી શકે કે નહીં ? તરત જ પાડી શકે. તેવી જ રીતે આત્મા ને અનાત્માના ગુણધર્મો જે કમ્પ્લીટ જાણે છે અને જે અનંત સિદ્ધિવાળા એવાં સર્વજ્ઞ જ્ઞાની છે તે તેનું પૃથક્કરણ કરી આપી છૂટા પાડી શકે. અમે જગતના (અધ્યાત્મ સંબંધી) સૌથી મોટામાં મોટા સાયન્ટીસ્ટ છીએ. આત્મા અને અનાત્માના પરમાણુ-પરમાણુનું પૃથક્કરણ કરી, બન્ને છૂટા પાડી નિર્ભેળ આત્મા તમારા હાથમાં એક કલાકમાં જ આપીએ છીએ. જ્ઞાની પુરુષ જે સર્વજ્ઞ છે તે તમારા ભાવમન આગળ દાટો મારી આપે. એટલું નવું મન ચાર્જ ના થાય અને કેવળ ડિસ્ચાર્જ મન જ રહે. તે પછી તેની ઈફેક્ટને જ જોવાની અને જાણવાની. સર્વજ્ઞે દીઠું કેવળજ્ઞાનમાં પ્રશ્શનકર્તા : આ સર્વજ્ઞ જે વાણી બોલતા હશે, એ બધું અનંત અવતારનું સ્મૃતિજ્ઞાન ને એ બધું જોઈને બોલતા હશે ને ? દાદાશ્રી : જોઈને બોલે. પણ અનંત અવતારનું એ સ્મૃતિ જ્ઞાન, એમને કંઈ જરૂર નથી. એમને તો આ બધું પ્રત્યક્ષ દેખાય એટલું જ બોલે. બીજી બધી કશી જરૂર નથી. અનંત અવતારનું શું થયું ને શું નહીં, એ કંઈ એમને જરૂર નથી. ઉપયોગ મૂકે તો દેખાય. બાકી એમને કંઈ આવી જરૂર ના હોય. એમને તો કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય. હવે કેવળજ્ઞાનમાં બીજું કશું જગતમાં દેખવાનું હોતું નથી. કયા તત્ત્વ સનાતન છે, તે દેખાય છે અને સનાતન તત્ત્વની અવસ્થા દેખાય છે, બીજું કશું દેખાતું નથી. આપણા લોક તો શુંનું શુંય સમજે છે કે મહીં શુંય દેખાતું હશે ! સર્વજ્ઞ કોને કહેવાય ? પ્રશ્શનકર્તા : 'સર્વજ્ઞ' કોને કહેવાય ? દાદાશ્રી : એક તત્ત્વનો જ્ઞાતા જ્ઞાની કહેવાય. આત્મા એકલો જ જાણ્યો તે તત્ત્વજ્ઞાની કહેવાય. જેણે બધાં જ તત્ત્વો જાણ્યાં, જુદાં જુદાં દરેક તત્ત્વો શું કરી રહ્યા છે તે પણ જાણે, તે સર્વજ્ઞ કહેવાય. આ કવિએ અમારા માટે 'સર્વજ્ઞ' લખ્યું છે, ખરેખર તો આ કારણ સર્વજ્ઞ છે. 'સર્વજ્ઞ' તો ૩૬૦ ડિગ્રીના હોય ત્યારે સર્વજ્ઞ કહેવાય. આ તો અમારું ૩૫૬ ડિગ્રીનું છે. અમે સર્વજ્ઞના કારણનું સેવન કરીએ છીએ. પોતે એક સમય પણ પરસમયમાં ના જાય, નિરંતર સ્વસમયમાં હોય તે 'સર્વજ્ઞ'. અમે સંપૂર્ણ અભ્યંતર નિર્ગ્રંથ હોઈએ. અમને જે વેષે જ્ઞાન થયું હોય તે વેષમાં ફેરફાર ના થાય. અમને આ કપડાં કાઢી લો તોય વાંધો નથી અને રહેવા દો તોય વાંધો નથી. અમને લૂંટી લે તોય વાંધો નથી. પ્રશ્શનકર્તા : આપને કેટલાં કર્મોનો અભાવ હોય ? દાદાશ્રી : અમને બધાંય કર્મોનો અભાવ હોય. ફક્ત આ દેહના પોષણ માટે જરૂર હોય તેટલું હોય. તે કર્મ પણ સંવરપૂર્વકની નિર્જરા રૂપે હોય. બીજો કોઈ અમને વિચાર જ ના હોય. પ્રશ્શનકર્તા : એટલે કે તમને અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટેલું હોય ? દાદાશ્રી : બધુંય પ્રગટ થઈ ગયેલું હોય. ફક્ત ચાર ડિગ્રી જ કમી હોય. જેટલું કેવળજ્ઞાનીને જ્ઞાનમાં દેખાય, એટલું અમને સમજમાં આવી ગયું હોય. પેલું કેવળજ્ઞાન કહેવાય, અમારું કેવળદર્શન કહેવાય. અમે નિર્ગ્રંથ કહેવાઈએ. જેને બહારની ગાંઠ ના હોય ને, અંદરની ગાંઠ હોય, તે ગાંઠ મહીં ખેંચે એટલે અમે વાતચીત કરતા હોય તે વખતે તમે શુંય વિચારમાં પડી ગયા હો ! એ ગાંઠો ખલાસ ના થાય, ત્યાં સુધી નિર્ગ્રંથ થાય નહિ. પહેલો નિર્ગ્રંથ થાય. 'પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ.' એ નિર્ગ્રંથ હોય, અંદરની ગાંઠો હોય નહીં. કેટલીક ગાંઠો પડી જાય એટલે હાસ્ય ઊડી જાય. જેમ જેમ ગાંઠ તૂટતી જાય તેમ તેમ હાસ્ય ખૂલતું જાય. મુક્ત હાસ્ય જોઈએ. ભૂત, ભવિષ્ય જાણે તે કાળ વર્તમાન જ પ્રશ્શનકર્તા : સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય પર્યાય જાણે ? દાદાશ્રી : વર્તમાનમાં બધા પર્યાયને જાણે એવું. કૃપાળુદેવે આનો બહુ સારો અર્થ કર્યો છે. એક સમયે આ પર્યાય આવા હતા તે પણ જાણે ને આ પર્યાય આવા થશે એવું પણ જાણે, સાવ આવા થઈ ગયા એવુંય જાણે. ત્રિકાળજ્ઞાન એકલા સર્વજ્ઞને જ હોય. એટલે એ સર્વજ્ઞ બધું જે જાણે છે એક કાળે તો તે ભવિષ્યકાળ ને ભૂતકાળ રહ્યું જ નહીં પછી, વર્તમાન કાળ જ છે બધું. દાદા છે વર્લ્ડની ઑબ્ઝર્વેટરી આત્મા જાણ્યાનું ફળ મોક્ષ. અનંત પીડામાં પણ મોક્ષ છે. જેણે આત્મા જાણ્યો તે સર્વ તત્ત્વોનો જ્ઞાતા-દ્રષ્ટા થયો. તમને આ બધી વાત ગમે છે ? સાયન્સ છે આ તો. આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ આ સાયન્સ ઉત્પન્ન થયું નથી. પહેલી જ વખત આ બહાર પડે છે લોકોમાં ! અમારી પાસે બધો જ માલ છે. તેથી જ કહીએ છીએ કે 'અમે સર્વજ્ઞ છીએ.' જેની પાસે માલ ન્હોતો તે 'તું હી તું હી' બોલતા ને જેની પાસે માલ છે તે 'હું હી હું હી' બોલે. અને અમારી પાસે આ માલ (આત્મવિજ્ઞાન) છે તેે અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. ધીસ ઈઝ ધ કેશ બેન્ક ઑફ ડીવાઈન સોલ્યુશન ઈન ધ વર્લ્ડ. ધીસ ઈઝ ધ વર્લ્ડસ્ ઓબ્ઝર્વેટરી. આ દાદા ચાર વેદના ઉપરી છે. એટલે તમારા મનમાં બધા ખુલાસા થઈ જવા જોઈએ અને તો જ સમજાય અને તો જ નિવેડો આવે. દાદાનું ચારિત્ર પ્રશ્શનકર્તા : દાદાના ચારિત્રના જેમ જેમ દર્શન થાય છે, નજીકથી જોવા મળે છે, ત્યારે એમ જ થાય અમારામાં આ ચારિત્ર પ્રગટ થાવ. દાદાશ્રી : એ તો થઈ જાય, તમારે ચિંતા યે ના કરવી પડે. જોતાં આવડવું જોઈએ, બસ. આમાં પ્રયત્ન કરનારો રહ્યો જ ક્યાં તે ? પ્રયત્ન કરનાર તો પોતે અકર્તા થયો છે. અકર્તા પ્રયત્ન શી રીતે કરે ? પ્રશ્શનકર્તા : પ્રયત્ન રહ્યો ન હોય ત્યારે સહજ પ્રાપ્ત થાય ? દાદાશ્રી : પ્રયત્ન થાય તેય સહજ કહેવાય. કારણ કે એ ભોક્તાપદનો અહંકાર છે, કર્તાપદનો અહંકાર નથી. એ ભોક્તાપદનો અહંકાર પ્રયત્ન કરે તેય સહજ જ છે. એ પ્રયત્ન કહેવાય નહીં, પણ એ તો આપણે બોલવું પડે, શબ્દ પહોંચતો જ નથી ત્યાં. પ્રશ્શનકર્તા : દાદાજીનું ચારિત્ર જોતાં આવડે અને પ્રગટ થઈ જાય, એ શું ? દાદામાં સંપૂર્ણ ચારિત્ર પ્રગટ થયેલું છે. છતાં એવી કઈ ભૂલ છે કે દેખી શકાતું નથી ? દાદાશ્રી : ચારિત્ર સમજ્યો જ નથી ત્યાં આગળ ! ચારિત્રનું બાહ્ય લક્ષણ શું ? ત્યારે કહે, વીતરાગતા, રાગ-દ્વેષ થાય નહીં. ચારિત્ર અંદર છે કે નહીં તે ખોળવું હોય તો બાહ્ય લક્ષણ જોવા પડે. ગાળ ભાંડે તો પણ એની પર દ્વેષ નહીં અને ફૂલહાર ચડાવે તો એની પર રાગ નહીં. તો અંદર ચારિત્ર વર્તે છે એ નક્કી થઈ ગયું. આત્મજ્ઞાની પુરુષનું ચારિત્ર જોશો તો બહુ છે. આ નવી જ જાતનું ચારિત્ર છે. તે ચારિત્ર જ જોયા કરવાનું છે. આ શીખવા-કરવાનું કશું નથી, જોયા કરો. જુઓ ને જાણો, જુઓ ને જાણો. આ સમ્યક્ ચારિત્ર પછી કેવળચારિત્ર ઉત્પન્ન થશે. કેવળચારિત્ર હોય તેમાં આવું તેવું કશું કરવાનું ના હોય. અત્યારે સ્વ ને પર ભેગું ના થઈ જાય, એના માટે ઝાલી રાખવું પડે, એવું કેવળચારિત્રમાં ના હોય. પ્રશ્શનકર્તા : એની મેળે સહજ થાય. દાદાશ્રી : સહજ રહે એ તો ચારિત્ર જ જુદું હોય એ. અને જ્યાં સુધી પરમાં જવાનું અટકાવવું એ સમ્યક્ ચારિત્ર કહેવાય. બેને ભેગું ના થઈ જવા દેવું એ સમ્યક્ ચારિત્ર. અને પેલું તો કેવળજ્ઞાનમય ચારિત્ર એ તો બહુ ઊંચી વસ્તુ હોય. ભેગું થઈ જવા દેવું એ મિથ્યા ચારિત્ર કહેવાય. ભેગું ના થવા દેવું એ સમ્યક્ ચારિત્ર અને કેવળજ્ઞાનીને કેવળચારિત્ર વર્તે. એમને આવું ભેગું ના થવા દેવું એવું તેવું અટકાવવાનું ના હોય. - જય સચ્ચિદાનંદ |