પરીણિતોનેય સિદ્ધ થાય બ્રહ્મચર્ય સંપાદકીય આ કાળની વિચિત્રતા છે કે 'હોટલ' દીઠી નથી ને 'ચા' પીધી નથી, એવા હાલ વિષય વિકાર દોષો માટે થઈ પડ્યા છે. એવા કાળમાં વિષયના પરિણામો, જોખમો તે સંબંધી ભાન જ રહ્યું નથી. છતાં લગ્ન પ્રથાથી વિષયમાં મર્યાદા આવી જાય છે. હક્કના વિષયમાં નિયમથી રહેવું તોય માણસ પાછો મનુષ્યપણું પામશે, નહીં તો હક્કના વિષયમાં અનિયમ એને અધોગતિમાં લઈ જાય અને અણહક્કના વિષય તો અધોગતિ થઈ કેટલાય અવતાર બગાડી નાખે. એવા આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુષ્કર ગણાય છતાં આ કાળમાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે બ્રહ્મચર્યમાં વર્તીને હજારોને વર્તાવી શક્યા છે. પરણેલાઓને એવા પગથીયા સમજાવ્યા છે કે બહારનું ફેરફાર કરવો તે પરિણામ છે, તેને બદલે અંદર સમજ એવી ફેરફાર કરતા જાવ કે ધીમે ધીમે બહાર ફેરફાર લાવે. એક પત્નીવ્રત-એક પતિવ્રત તે આ કાળમાં બ્રહ્મચર્ય ગણાય, તેવું દાદાશ્રી ભગવાન વતી ગેરેન્ટી આપે છે. તો પછી પરણેલાઓ જ્ઞાનીની દ્ષ્ટિએ સમજી લઈને કેમ બ્રહ્મચર્યનો માર્ગ પૂરો ન કરી શકે ? પ્રસ્તુત અંકમાં લગ્નજીવનનો હેતુ તો એટલો જ છે કે લગ્ન કરવામાં સુખ છેે કે નહીં ? તેનો અનુભવ પ્રાપ્ત કરી છેવટે અધ્યાત્મ માર્ગે પ્રગતિ સાધવાનો છે. સંસારમાં આનો અનુભવ થયો તો તે પગથિયું જીતી ગયો, એમ અનુભવની કક્ષામાં આગળ વધવા માટે સંસાર છે. પણ પરણેલા માત્ર વિષયને જે સુખ માની લે છે ત્યાં જ્ઞાની લાલબત્તી ધરે છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ પોતે અનુભવ કથનો કહી જાય છે, કે વિષય મોહ માટે સ્ત્રીનો દોષ નથી, (વ્યવહાર) આત્મામાં દોષ છે. તે દોષ જવાથી આત્મા જે જુએ છે, તે અદ્ભૂત આનંદમય જ છે. માટે દોષ રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. પરમ પૂજ્ય દાદાશ્રી બ્રહ્મચર્યની સમજણ આત્માર્થીને સમજાવે છે અને સ્ત્રી કે પુરુષ બન્નેને શું જોખમ કે શું મોક્ષ માટે હિતાહિત, તેના સર્વ ફોડ પ્રાપ્ત કરાવે છે. બ્રહ્મચર્યમાં કેવી રીતે આગળ વધાય ને વ્રત સુધી પહોંચાય અને આત્માનો સ્પષ્ટ અનુભવ પમાય તેના સર્વ સોપાન અત્રે સંકલિત થયા છે. જે પુરુષાર્થીને માર્ગદર્શન બક્ષશે. દીપક દેસાઈ પરીણિતોનેય સિદ્ધ થાય બ્રહ્મચર્ય અનુભવથી 'સુખ'નું તારણ કાઢો પ્રશ્નકર્તા : અત્યારે છે તો આપણા હિન્દુ સમાજમાં બધા જે લગ્ન થાય છે, એ મા-બાપ ગોઠવી આપે છે અને પછી એ સક્સેસફુલ જતા નથી ને આખી જીંદગી એ લોકોને સહન કરવું પડે છે. તો કહે, એવો કોઈ રસ્તો છે કે આ આવું ના થાય ? દાદાશ્રી : એ તો ચોઈસ કરીને પૈણે તોય એવું થાય ને પેલું કરીને પૈણે તોય એવું થાય. કારણ કે લગ્નનું નામ જ ભાંગફોડ. એનું નામ જ ભાંગફોડ. આ ભાંગફોડ થયા વગર રહેવાનું નહીં. પ્રશ્નકર્તા : હેં દાદા, આપણે સરસ ડીઝાઈન કરી અને એવો તડબૂચું લઈ આવ્યા હોય... દાદાશ્રી : તડબૂચું લાવ્યા પછી કાપીએ ત્યારે પછી ધોળું નીકળે મહીં, લાલ નીકળે. કારણ કે લગ્ન એટલે ભાંગફોડ જ છે પોતે. પણ લગ્ન કેમ હિતકારી છે ? કેમ ફરજિયાત છે ? ત્યારે કહે છે કે એ અથડાઈ અથડાઈને માણસને ડેવલપ કરે છે. જીવમાત્રને ડેવલપ્ડ કરવા માટેનું સાધન છે એ. અથડાઈ અથડાઈને અનુભવ થઈને, એક્સપીરીયન્સ કરીને આગળ વધે છે. પ્રશ્નકર્તા : એટલે મોક્ષે જવાનું એ પણ એક પગથિયું ખરું ને ? દાદાશ્રી : એ જ પગથિયું છે, સ્ત્રી એ જ પગથિયું. સ્ત્રીને પુરુષ એ જ પગથિયું. મારે-ઝૂડે, ઠોકાઠોક કરે તો જ મોક્ષે જાય. એના ઉપરથી તારણ કાઢે કે પૈણવા જેવું નથી. પછી તે ઘડીએ એ બોલે. ગમે એટલી મોહવાળી હોય ને નક્કી કરે કે 'આ પૈણવા જેવું નથી, બળ્યો આ સંસાર !' એટલે કહું છું, પરણીને પછી તારણ કાઢજે. તારણ કાઢવામાં ભાંગફોડ છે જ વળી. હવે આ લોકો તારણ કાઢવાનું જાણે નહીં. એટલે શું કરે ? એ બ્લેમ (આરોપ) કર્યા જ કરે, એના કર્મ બંધાય. અને પછી જાનવરોમાં ફર્યા જ કરે અનંત અવતાર. તારણ કાઢવાનું હોય ને તો સમજી જાય કે આ ખરું, પ્રોફિટ કાઢવાનું ! શું અનુભવ થયો એ જોવાનું. લગ્ન એ મોજશોખ માટે નથી, અનુભવ માટે છે. અમે બધો અનુભવ કાઢી લીધેલો. છોકરીઓ પૂછે છે કે મારે પૈણવું કે ના પૈણવું ? મેં કહ્યું, જો પૈણ્યા વગર ચાલે એવું નથી અને પૈણીને પસ્તાયા વગરેય ચાલે એવું નથી. કારણ કે બધું જ્ઞાન આપનારું છે અને જો ચાલે એવું હોય, પહેલાં તું આ અનુભવ લઈને આવેલી હોય, તો અત્યારે ચાલે એવું હોય તો ચલાવી લે. બાકી 'પૈણવું એ કંઈ ગુનો છે' એવું નથી. એ જ્ઞાન આપનારું છે. તને જ્ઞાન ના મળ્યું ? પ્રશ્નકર્તા : બહુ મળ્યું, દાદા. દાદાશ્રી : હા. અને પેલો એમ ને એમ છે તે પૈણ્યા વગર જો એ થઈ ગયા હોય.... જગતનું કલ્યાણ કરવા માટે, તો મનમાં થોડું થોડું ખૂંચે. પૈણ્યા હોત તો સારું પડત. આખી જીંદગી ખૂંચે. હવે આ ખૂંચે જ નહીં. પ્રશ્નકર્તા : દાદા, હું ના પરણી હોત ને, તો મને આ જગત ને આ બધું શું છે, કંઈ સમજણ જ ના પડી હોત. દાદાશ્રી : એટલે મને વિચાર આવ્યો હતો કે બિચારી નથી પૈણતી, તે ઘરના બધા કહે છે કે નથી પૈણતી, નથી પૈણતી. મેં એને સમજણ પાડી કે બેન પૈણવા જેવું છે આ જગતમાં. પૈણીને પસ્તાવું તો પડશે, પણ આ પૈણવા જેવું તો છે જ આ જગતમાં. પણ મેં વિચારી જોયું. આ મેં આવી વાત શા માટે કરી હતી ? પણ અત્યારે મને ખબર પડી કે આ તો લાભકારી થયું. નહીં તો ખૂંચ્યા કરત કે આ પૈણ્યા હોત તો સારું પડત ! હવે ક્લીયર કટ. (આવતે ભવ) પૈણવાની ? તો કહે, 'નો. હવે જ્ઞાન લઈ લીધું છે.' 'પૈણવામાં શું વાંધો છે' એ જોઈ લીધું કે અનુભવ થવો જોઈએ ને ! નહીં તો મનમાં ખટક્યા કરે. તમને બધાને અનુભવ થયા ને ? પ્રશ્નકર્તા : થયા, દાદા. દાદાશ્રી : એમને વિચાર આવતો હતો કે આપણે બ્રાહ્મણ જોડે પૈણીએ તેથી આ વાંધા આવે છે ! તે હવે જૈન જોડે પૈણ્યા તે હવે ખબર પડીને એમાંય !! એય અનુભવ જોઈ લીધો ને, નહીં ? એ પણ અનુભવ મળે જ છે ને ! પ્રશ્નકર્તા : હવે તો પૈણવાનો નિશ્ચય જ બંધ કરી દીધો. દાદાશ્રી : અમેય હીરાબા જોડે અનુભવ બધો મેળવી લીધો. પછી તારવણી કરી કે ભઈ હવે અનુભવ કર્યો. પણ જો ગોદાગોદ કરીશું તો ફરી થોડાંક છમકલાં રહેશે. એના કરતાં આપણે હિસાબ ચોખ્ખો કરો ને ! એટલે ક્લીયર કટ એટલે બસ એટલું જ. ભાવ બગડે નહીં એની ઉપર ક્યારેય પણ. એ અવળું કરે તોય ભાવ ના બગડે. શા માટે આપણું બગાડવાનું ? એક અવતાર પાનાં પડ્યાં, તે પાનાં પૂરા કરવાનાં ને ! જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી અને ના થાય તો એ છોડી દેવાનું. દેવતા ક્યાં સુધી પકડવો ? જ્યાં સુધી પકડી શકવાની શક્તિ હોય ત્યાં સુધી અને દઝાય તો ? બધાની હદ હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : પૈણીને પસ્તાવાનું, પણ પસ્તાવાથી જ્ઞાન થાય. અનુભવજ્ઞાન થવું જોઈએ ને ? એમ ને એમ ચોપડી વાંચે તો કંઈ અનુભવજ્ઞાન થાય ? ચોપડી વાંચીને કંઈ વૈરાગ આવે ? વૈરાગ તો પસ્તાવો થાય ત્યારે થાય. આ લગ્ન થાય છે ત્યારથી મેરીડ લાઈફ (લગ્ન જીવન)નું ગલન થાય છે. તે એક દહાડો બધું જ ગલન થઈ જાય. માન્યું સુખ, છે અંતે દુઃખ આ સ્ત્રી-પુરુષના વિષય જે છે ને, તેમાં દાવા મંડાય. કારણ કે આ વિષયમાં બેની એક માલિકી છે અને મત બન્નેના જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે અને જેને તે ગુનેગારી ફરજિયાત છે, એને એનો નિકાલ કરવો પડે. પ્રશ્નકર્તા : ગુનેગારીમાં ના આવવું પડે, એટલા માટે પરણવું ના જોઈએ ? દાદાશ્રી : પરણવું ના જોઈએ કે પરણવું જોઈએ, એ આપણી સત્તાની વાત નથી. તારે નિશ્ચયભાવ રાખવો જોઈએ કે આમ ના હોય તો ઉત્તમ. જેમ ગાડીમાંથી પડવું જોઈએ, એવી ઇચ્છા કોઈને હોય છે ? આપણી ઇચ્છા કેવી હોય છે કે પડી ના જવાય તો સારું. છતાં પડી જવાય તો શું થાય ? એવી રીતે પરણવા માટે ના પડી જવાય તો સારું. એવા ભાવ આપણાં રહેવા જોઈએ. પ્રશ્નકર્તા : એટલે પરણવું એટલે ગાડીમાંથી પડી જવા બરાબર છે ? દાદાશ્રી : એવી રીતે જ છે ને, પણ એ નાછૂટકે જ હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પછી એને નાટકમાં (નાટકના રૂપમાં) લેવું પડે ? દાદાશ્રી : હાસ્તો, પછી છૂટકો જ નહીં ને ! પ્રશ્નકર્તા : પરણવામાં આટલું બધું જોખમ છે, એ સુખ દરાજ જેવું છે. તો પછી આ બધા જે પૈણે છે, તે નાછૂટકે પૈણ્યા છે ? કેમ પૈણે છે ? દાદાશ્રી : લોકો તો ખુશીથી, શોખથી પૈણે છે. આમાં દુઃખ છે એવું જાણતા નથી. એ તો એવું જ જાણે છે કે સરવાળે આમાં સુખ છે. થોડીઘણી ખોટ હોય પણ સરવાળે નફાવાળી આઈટમ છે એવું લોક જાણે છે. જ્યારે ખરી હકીકતમાં તદ્દન ખોટ જ છે. એ જ્યારે 'ઈન્કમટેક્ષ' ઑફિસમાં જાય ત્યારે (જ્ઞાની બતાડે તો) ખબર પડે કે આ બધી જ ખોટ હતી. અને તેય આપણા હાથમાં સત્તા નથી ને ! આ ભવમાં આપણા હાથમાં નથી ને ! આ ભવમાં તો અત્યારે હવે નવેસરથી આપણને 'ડિસીઝન' આવડી જાય, એટલે ચોખ્ખું થઈ જાય. શ્રીમદ્ રાજચંદ્રે એટલા માટે કહ્યું કે, 'દેખત ભૂલી ટળે' તો સર્વ દુઃખનો ક્ષય થાય. અને આપણું જ્ઞાન તો એવું છે કે દેખે અને ભૂલ થાય નહીં. કારણ કે દેખ્યું એટલે 'શુદ્ધાત્મા' એને દેખાવો જોઈએ ને 'શુદ્ધાત્મા' દેખાય પછી રાગ ના થાય. કૃપાળુદેવની વિચારક દ્ષ્ટિએ... કૃપાળુદેવના પત્રમાં શું લખ્યું છે ? 'સ્ત્રીના સંબંધમાં મારા વિચાર.' 'અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધજ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્ષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવાનું ચિહ્ન તે વિવેકથી દ્ષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી.' કૃપાળુદેવ શું કહે છે કે વમન કરવાને યોગ્ય પણ એ સ્થાન નથી. માટે બીજી સારી જગ્યાએ ઊલટી કરજો. વળી આગળ શું કહે છે કે, 'જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે.' જન્મભૂમિકા શાથી કહી કે આ જન્મભૂમિકા એવાં ને એવાં બધા કચરાને જ જન્મ આપે છે ! પ્રશ્નકર્તા : જુગુપ્સા એટલે શું ? દાદાશ્રી : જુગુપ્સા એટલે ચીઢ. જેની પર ચીઢ રહી છે, એ બધી જ ચીજો એમાં જ છે ને ! અલ્યા, રેશમી ચાદર બાંધી એટલે બધું સારું થઈ ગયું ? કૃપાળુદેવે તો બહુ બહુ લખ્યું છે, પણ લોકો શું સમજે બિચારા ? 'વળી, એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદ રૂપ જ છે. તે વેળાનો દેખાવ હ્રદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે આ શી ભૂલવણી ? ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ.' એટલે આ વિષયનું બહુ વિવરણ કરી કરીને તપાસ કરી જુઓ, એમ કૃપાળુદેવ કહેવા માગે છે. એની સુગંધી જોવી હોય તો, એ જગ્યા સોડી તો જો, તને કેવું લાગે છે ? વળી ઉઘાડી આંખે ધોળે દહાડે જુએ, તો એ જગ્યા રૂપાળી દેખાય ?! બધી જ રીતથી એની ચીઢ ચઢે ! 'એટલે માત્ર મોહદશાને લીધે, તેમ માન્યતા થઈ છે એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી. પણ ત્યાં ફરી (વ્યવહાર) આત્મા ન જ ખેંચાય એ વિવેક કરવા તેનું સહજ સૂચવન કર્યું છે. સ્ત્રીમાં દોષ નથી, પણ (વ્યવહાર) આત્મામાં દોષ છે અને તે દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે.' સ્ત્રીનો દોષ નથી, આપણી ભૂલનો દોષ છે, આપણી સમજણનો દોષ છે. સ્ત્રીનો શો દોષ ? જો સ્ત્રીમાં દોષ હોય તો તો પછી આ ભેંસોય સ્ત્રી (જાતિ) જ છે ને ? કેમ ત્યાં લોકો નથી ખેંચાતા ? આપણી અવળી સમજણ છે એટલે ખેંચાઈએ છીએ. એ અવળી સમજણ કાઢીએ એટલે બધું નીકળી જાય અને જ્યારે ત્યારે તો આ અવળી સમજણ કાઢ્યા વગર છૂટકો જ નથી. આ ગંદવાડો છે, એટલો બધો ગંદવાડો છે કે મને તો એ ચીઢ જ નથી જતી ! રાજા જીત્યે, જીતાયું આખું રાજ કૃપાળુદેવે તો શું કહ્યું છે કે, નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન. - શ્રીમદ્ રાજચંદ્ર આપણે અક્રમ માર્ગમાં સ્ત્રીને કાષ્ટની પૂતળી નહીં ગણવાની. આપણે આત્મા જોવો. આ તો ક્રમિક માર્ગવાળા કાષ્ટની પૂતળી કહે, પણ એ ગોઠવણી ક્યાં સુધી રહે ? જરા ફરી વિચાર આવે, તે ઘડીએ પાછું ઊડી જાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો ? એટલે નવયૌવનાને દેખી અને મહીં ચિત્ત ઝલાયું હોય, ત્યાં આગળ શુદ્ધાત્માને જો જો કરીએ એટલે બધું જતું રહે, ચિત્ત પછી છૂટી જાય. વિષય જીતવા માટે શુદ્ધાત્માને જુએ તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ, એ ત્યાગી ત્યાગ્યું બધું, કેવળ શોક સ્વરૂપ. - શ્રીમદ્ રાજચંદ્ર બધો શોક જ એનાથી ઊભો થયો છે. સ્ત્રીનો ત્યાગ થયો, એનાથી છૂટા થયા કે બધો ઉકેલ આવી ગયો. જે બધું નિરંતર શોકનું જ સ્વરૂપ છે. આખો દહાડો શોક, શોક ને શોક જ હોય. શોક જ મળતો હોય, એ પછી જતું રહે. નહીં તો જે વળગ્યું, તે પછી છૂટું જ ના થાય ને ? એક વિષયને જીતતાં, જીત્યો સહુ સંસાર, નૃપતિ જીતતાં જીતિયે, દળ, પૂર ને અધિકાર. - શ્રીમદ્ રાજચંદ્ર એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જિતાય. તેમ આ રાજા (વિષયરૂપી) જીત્યો કે બધું જ આપણા તાબામાં આવ્યું. તેથી અમે મુક્ત રહીએ છીએને ! આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું. અમને વિષયનો વિચાર સરખોય આવે નહીં. ટળે જ્ઞાન ને ધ્યાન... વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. - શ્રીમદ્ રાજચંદ્ર એક જ જો (અણહક્કનો) વિષય કર્યો તો બધું બગડી જાય. ફરી અનંત અવતારની ખોટ આવે અને નર્કગતિનો અધિકારી થાય. કયો વિષય છે તે નર્કગતિ ના કરે ? જે લોકમાન્ય હોય. કોઈ પરણેલો માણસ, એની સ્ત્રીને લઈને જતો હોય તો લોકો વાંધો ઉઠાવે ? પ્રશ્નકર્તા : ના ઉઠાવે. દાદાશ્રી : અને પરણેલો ના હોય ને જતો હોય તો ? પ્રશ્નકર્તા : તો વાંધો ઉઠાવે. દાદાશ્રી : એ લોકમાન્ય ના કહેવાય. એ નર્કગતિનો અધિકારી થાય. બંનેને નર્કમાં જવું પડે, બંનેને નર્કમાં સાથે રહેવું પડે પાછું. પ્રશ્નકર્તા : 'વિષયરૂપ અંકુરથી.....' એટલે ? દાદાશ્રી : અંકુર એટલે મહીં બીજ હોય ને એ વિચાર આવ્યો ને તેની મહીં તન્મયાકાર થાય, એ અંકુર કહેવાય. એ અંકુર ઊભું થયું કે ગયો..... તેથી આપણે નક્કી કરીએ છીએ ને કે વિચાર આવતાં પહેલાં ખેંચીને બહાર નાખી દેજો. એ અંકુર ફૂટ્યું કે પછી જ્ઞાન ને ધ્યાન બધું તૂટી જાય, ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : આ અક્રમ વિજ્ઞાનમાં પણ એવું જ હોય ? દાદાશ્રી : જ્ઞાન ને ધ્યાન ટળી જાય. વિચાર આવેને તો જ્ઞાન ને ધ્યાન એકલું જ નહીં પણ આત્મા (આત્મજાગૃતિ) જ જતો રહે. ક્રમિકમાં તો જ્ઞાન-ધ્યાન જતું રહે ને અક્રમમાં તો (કૃપાથી) આત્મજાગૃતિ આપેલી છે, તે જતી રહે. એટલે અંકુર સુધી કરાય નહીં. એ સેવનથી પાત્રતા પછી કૃપાળુદેવ તો શું કહે છે કે, પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિ માન. - શ્રીમદ્ રાજચંદ્ર બ્રહ્મચર્ય સેવે તો પાત્ર થાય, એમ કૃપાળુદેવ કહે છે. એમણે એમ નથી કહ્યું કે કેરીઓ ના ખાશો. મૂળ જ પકડ્યું છે આખું. જો સામો અજીવ હોત ને દાવો ના માંડે, તો બ્રહ્મચર્ય ના સેવત આપણે. પણ આ તો દાવો માંડે. જે નવવાડ વિશુદ્ધિથી, ધરે શિયળ સુખદાય. - શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્નકર્તા : નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની વ્યાખ્યા શું ? દાદાશ્રી : નવવાડ એટલે એવું છે ને, મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું. મનથી જે વિચારતા હોય, તે બધું વિચારવાનું નહીં. આગળના વિષયો યાદ આવે તો, તે ઘડીએ બધું વિસારે પાડી દેવાનું. વાણીથી બોલવાનું નહીં, દેહથી બહુ દૂર રહેવાનું. નવવાડ કહી છે ને, કે સ્ત્રી બેઠી હોય ત્યાં આપણે બેસવું નહીં, તેને જોવી નહીં. કોઈ વિષય ભોગવતો હોય તો આપણે ખાનગી રીતે તિરાડમાંથી જોવું નહીં. જોઈએ તોય આપણું મન બગડી જાય. આપણે પાછળ જે સંસાર ભોગવ્યો હોય, તેને યાદ કરવો નહીં. યાદ કરીએ એટલે ફરી પાછાં વિચાર આવે, આમ આવી રીતે બધી નવવાડો છે. સ્ત્રી બેઠી હોય તે જગ્યાએ બેસશો નહીં એવું કહે. પછી એ જગ્યા ઉપર શું થાય ? રાગ બેસે કે દ્વેષ બેસે ? દ્વેષ થયા કરે. ઊલટું, રાગ-દ્વેષનાં કારખાનાં વધ્યાં. એટલે નવવાડને આપણે શું કરીએ ? એના કરતાં એક વાડ કરી નાખને તોય બહુ થઈ ગયું. નવવાડ કરવા જતાં પાછાં બીજા રાગ-દ્વેષ ઊભાં થશે. એના કરતાં સ્થૂળ બ્રહ્મચર્ય પાળોને અને મનમાં જે વિચાર આવે તો એનાં પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. નવવાડ તો અત્યારે કોઈથી પણ થઈ શકે નહીં, એક-બે વાડ તો તૂટી ગયેલી હોય. તો તમે શી રીતે નવવાડ પૂરી કરી શકો ? આપણે તો અમે જે દેખાડ્યું છે એમાં રહો. આપણું (અક્રમની રીતે) કરે તો એમાં નવવાડ બધુંય આવી જાય છે. નવવાડનું (પાલન) કરવામાં અહંકારની જરૂર પડે. પણ આપણે ત્યાં (અક્રમમાં) તો (બાહ્ય ક્રિયા) કરવાનો માર્ગ જ નથી. પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરતી વખતે આપણે યાદ કરીએ છીએ, એટલે એનો નવો બંધ ના પડે ? દાદાશ્રી : હા, યાદ આવે, પણ પ્રતિક્રમણ એટલે આપણે શું કરવા માંગીએ છીએ કે વિષયને ઉડાડી દેવા માંગીએ છીએ અને પેલા તો લાલચને માટે યાદ કરે. બન્નેના ભાવમાં ફેર છે. પેલું યાદ આવે છે, તે લાલચથી યાદ આવે છે અને આ તો પ્રતિક્રમણથી યાદ આવે છે. પ્રતિક્રમણ કરવા પાછળ છોડવાનો ભાવ છે, જ્યારે પેલો લાલચનો ભાવ છે. એટલે બેઉના ભાવમાં ફેર છે. ભવ તેનો લવ પછી રહે, તત્ત્વ વચન એ ભાઈ. - શ્રીમદ્ રાજચંદ્ર 'લવ પછી' એટલે ભવ થોડા રહે પછી, ભવ ઓછા થઈ જાય. એ તત્ત્વ વચન છે, તત્ત્વનો સાર છે. સુંદર શિયળ સુરતરુ, મન-વાણી ને દેહ, જે નર-નારી સેવશે, અનુપમ ફળ લે તેહ. - શ્રીમદ્ રાજચંદ્ર શિયળ એટલે શીલવાન. મન-વચન-કાયાથી શીલવાનપણું રાખે, તે અનુપમ ફળ લે. પ્રશ્નકર્તા : શીલવાન કોને કહેવાય ? દાદાશ્રી : વિષયનો વિચાર ના આવે. જેને ક્રોધ-માન-માયા-લોભ ના થાય, એને શીલવાન કહેવાય. એકલો આ સ્ત્રીનો વિષય જ નહીં, પણ ક્રોધ-માન-માયા-લોભ પણ પોતાને વશ થયા હોય એટલે એ શીલવાન કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ પોતાને દુઃખ દે, બીજાને દુઃખ ના દે, એ 'કંટ્રોલેબલ' કહેવાય. ત્યાંથી ભગવાને એને 'શીલ' કહ્યું. પ્રશ્નકર્તા : એટલે મન-વચન-કાયાથી જીવમાત્રને કિંચિત્માત્ર પણ દુઃખ ન દેવું એ જે ભાવ છે, એ શીલવાન ? દાદાશ્રી : એ તો ભાવ છે જ. એ તો અહિંસક ભાવ કહેવાય છે. એ વસ્તુ જુદી છે અને આ તો સ્ત્રીસંબંધી વિષય જીત્યો, એ બધું જીત્યો. પ્રશ્નકર્તા : મેં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એક મહિનો કૃપાળુદેવનું આ પદ 'નિરખીને નવયૌવના' ગાયું હતું. દાદાશ્રી : આ પદ જે ગાયને તેમનું ચોખ્ખું થઈ જાય. આ પદ તો તમારે રોજ ગાવું જોઈએ, બબ્બે વખત ગાવું જોઈએ. એક વિષય જીતે તો આખું જગત જીતી ગયો, બસ ! ભલેને પછી ગમે તે ખાવ કે પીવો, એમાં કશું નડવાનું નથી. પણ આ જેણે જીત્યું, તે આખું જગત જીતી ગયો. આ એકલું જ, માણસ અહીં જ ફસાય છે. વિષય જીત્યો એટલે દુનિયાનો રાજાને ! કર્મો જ બંધાય નહીંને ! એમાંથી તો નર્યા કર્મો, ભયંકર કર્મો બંધાય. એક જ ફેરાનો વિષય એ કેટલાં જીવો ખલાસ કરી નાંખે ! એ બધા જીવોનું ઋણાનુબંધ બંધાય. એટલે આટલો એક વિષય જીતી જાય તો બહુ થઈ ગયું. સંસાર પરિભ્રમણનું મૂળ કારણ આ વિષય એક જ વસ્તુ એવી છે દુનિયામાં જે બંધનકારક થવાને માટે કારણ છે. એનાથી જગત ઊભું થયું છે. જગત આખું આમાંથી જ ઉત્પન્ન થયું છે અને એમાં બધું ઊભું થયું છે. માટે આને અત્યારે પહેલેથી અભિપ્રાય જ એવો ફેરવી નાખવો જોઈએ કે અભિપ્રાય બીજો રહે જ નહીં. રોજ રોજ અભિપ્રાય ફેરવવો જોઈએ સામાયિક કરીને, પ્રતિક્રમણ કરીને. પ્રશ્નકર્તા : માણસે પ્રતિક્રમણ કરીને પણ અભિપ્રાય ફેરવી નાખવો જોઈએ ? દાદાશ્રી : હા. અહીં આઠસો પાનાનું 'બ્રહ્મચર્ય'નું પુસ્તક લખ્યું છે, તે તમે વાંચ્યું ? આને 'વંડર ઑફ ધી વર્લ્ડ' (દુનિયાની અજાયબી) કહે છે. બ્રહ્મચર્ય રાખવું હોય તો સાધન આપ્યું છે. બીજું કોઈ સાધન નથી. કોઈ દહાડો બ્રહ્મચર્ય ઉપર આ હિન્દુસ્તાનમાં આવું પુસ્તક જ છપાયું નથી. કોણ છાપે ? જે બ્રહ્મચર્યવાળા હતા એ નવરા નહોતા અને નવરા હતા તે બ્રહ્મચર્યમાં હતા નહીં. મોઢે દેખાડવા સારુ બ્રહ્મચર્ય, નહીં તો ખેતરમાં બ્રહ્મચારી ફરે એના જેવા હોય મહીં કેટલાક તો ! ખેતરમાં બ્રહ્મચારી જોયેલા તમે ? એય બળદેય બિચારા બ્રહ્મચારી છેને ! સ્ત્રીનું મોઢું જ ના દેખાય એવું કરે છેને બધું. અલ્યા મૂઆ, સ્ત્રીઓના પેટે તો તીર્થંકરો પાકે છે, જે સ્ત્રીઓને પેટે જ્ઞાની પુરુષો પાકે છે, જે સ્ત્રીઓને પેટે આ પુરુષો પાક્યા છે, તે આ સ્ત્રીઓને જ દેખવાની બંધ કરી દીધી છે. સ્ત્રીઓનો શો દોષ છે, તારી અવળી દાનત તેમાં સ્ત્રી શું કરે ? માણસને પોતાની ભૂલ જોવાની આદત નથી. અને આપણને એવો રોગ હોય તો આપણે સ્ત્રીને ના જોવી. પણ આખો માર્ગ જ એવો ફેલાવવો ના જોઈએ ! મોટી ઉંમરે પરણ્યાથી... પહેલા સ્ત્રી ને પુરુષે સંસાર અભડાવેલો નહીં. પેલી ચૌદ વર્ષની પૈણે અને આ સોળ વર્ષનો પૈણે, તે થોડું ઘણું લીકેજ થયેલું હોય. ખાસ કંઈ લીકેજ નહીં. એ ત્યારથી ચાલ્યું તે પાંદડે-પાંદડે બેસે અને આ તો બધા લીકેજ થઈ ગયેલા. મોટી ઉંમરે પૈણ્યા એટલે શું થયેલું ? આખું લીકેજ જ થઈ ગયેલું હોય. એટલે પછી એક-બે રહ્યા હોય મહીં ફૂલ ! સમજાય એવી વાત છે કે ? 'આ વાત અમારી સાચી છે,' એવું અમે કોઈ વાર કહીએ નહીં. કારણ કે એ તો ખોટી પણ નીકળે. કારણ કે 'અમારી વાત સાચી છે,' એ અમારી દ્ષ્ટિમાં ! મોક્ષના માર્ગમાં અમારી વાત સાચી છે એવું હંડ્રેડ પરસેન્ટ કહીએ. પણ આમાં તો ખોટી પણ નીકળે, આ હવે બુદ્ધિનું કામ છે ! ગૃહસ્થતા, મોક્ષ માટે બાધક ? અમે શું કહ્યું છે, 'વિષય વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે.' એટલે અહીં સ્ટ્રોંગ રહેનાર હોય તો વાંધો નથી. આ તો ગૃહસ્થીઓના મનમાંથી ભય કાઢી નાખવા બોલું છું કે ભાઈ, તું મનમાં એમ ના ગભરાઈશ કે હું પૈણેલો છું અને આ સ્ત્રી મને નર્કે લઈ જશે. લગ્ન જુદી વસ્તુ છે અને મોક્ષમાર્ગ એય જુદી વસ્તુ છે. આ દેહની અંદર આત્મા તદ્દન જુદો છે. બેને લેવાદેવાય નથી એવો જુદો છે. આ તો ફક્ત ભ્રાંતિ છે. એથી મનમાં ભડકાટ રહ્યા કરે. પ્રશ્નકર્તા : નીડરતા એ બેદરકારી કહેવાય ને ? દાદાશ્રી : નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓય ડર્યા હતા, તો તમે એવાં કેવાં છો કે વિષયથી ડરો નહીં ?! મને કંઈ હવે નડવાનું નથી, એ વિષ છે. માટે વિષયથી ડરો. વિષય ભોગવો ખરાં પણ વિષયથી ડરો. જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલીને એ બધું ભોગવો ખરાં પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધિ થઈ પડશે, એટલાં માટે ડરો. એક બાવો ખોળી લાવો કે જેને આજ પૈણાવીએ આપણે અને મહિનો જો ઘર માંડે તો સાચું ! એ તો ત્રીજો જ દા'ડે નાસી જાય હંકે ! આ ફલાણું લઈ આવો, ફલાણું લઈ આવો કહ્યું કે ભાગી જાય. અને આ બાવાઓ લોકોને હેરાન કરે 'હવે તમારું શું થશે' કહેશે. એટલે મારે આ ભારે શબ્દો લખવા પડ્યા, કે 'વિષયો વિષ નથી, જાવ ભડકશો નહીં.' કહ્યું. હું તમારો ભડકાટ કાઢવા માટે આવ્યો છું. સહજ ભાવે વિષયો ભોગવોને ! (બન્નેને ખૂબ વિષયનો તાવ ચઢે ત્યારે) સહજ હોવું જોઈએ. સહજ ભાવે જો વિષયો ભોગવે તો વિષયો વિષયોને જ ભોગવે છે. આ તો સહજ ભાવે ભોગવતાં આવડતું નથી ને ! સાહજિક એટલે ? વિષય 'ડિસ્ચાર્જ સ્વરૂપ' છે. એમાં વૃત્તિઓથી જોખમદારી ઊભી થાય છે, ડખો થાય છે. વૃત્તિઓની વિષયમાં જરૂર જ નથી. સાહજિક એટલે ડખો ના કરે. કોઈપણ જાતનો સાહજિક એમાં વાંધો નથી, સાહજિક એટલે સહમતપૂર્વક. આપણને દાઢી કરવાનો ભાવ થયો અને પેલો ભાઈ આવીને ઊભો રહ્યો, તો કહે, 'આવો ! ચાલો, બેસો બા !' એવા સંજોગ બાઝતા હોવા જોઈએ. એ તો એક ભાઈ કહે છે કે 'હું બે કલાક સુધી (વિષય માટે) યાચના કરું છું, ત્યારે મને આ વિષય પ્રાપ્ત થાય છે.' ત્યારે મેં કહ્યું, 'મૂઆ, કઈ જાતનો માણસ, એના કરતાં તો સૂરસાગર ખોળી કાઢું તોય સારું, ઉકેલ આવી જાય.' ભીખ માગવાની હદ હોય કે ના હોય ? કેટલી હદ હોય ? એક ફેરો કહે કે 'આ તૈયારી કરો.' ત્યારે કહે, 'એ નહીં.' તો કહીએ, 'આ હેંડ્યા. નથી જોઈતું, બંધ હવે !' બન્નેને તાવ ચઢ્યે પીવાય દવા એટલે અમે કહ્યું તમને કે 'તાવ ચઢે તો દવા પી.' એ મારી વાત ગમી કે ના ગમી ? પ્રશ્નકર્તા : ગમી ને ! દાદાશ્રી : એવું ! ગમ્યું હોય તો આજથી શરૂ કરી દેવું. ના ગમતું હોય તો થોડા દહાડા પછી. આપણે ઉતાવળ શી છે ? પચ્ચીસ વર્ષ પછી !! આની કંઈ ઓછી જબરજસ્તી છે ? બાકી મોટામાં મોટી જોખમદારી તો આ વિષયની જોખમદારી છે ! છતાં અમે કહ્યું કે તાવ ચઢે તો જ દવા પીજે. તો અમારી જોખમદારી ને તમને મોક્ષમાર્ગમાં વાંધો નહીં આવે. આ આટલી બધી જોખમદારી લેવા છતાં તમે કહો છો કે અમને બરોબર પૂરી છૂટ નથી આપતા, તો તે તમારી ભૂલ જ છે ને ? તમને કેવું લાગે છે ? આપણું આ 'અક્રમ વિજ્ઞાન' છે ! સ્ત્રી સાથે રહેજો. આજે બધાં શાસ્ત્રોએ સ્ત્રી સાથે રહેવાની જ ના પાડી છે, ત્યારે અમે રહેવાનું કહીએ છીએ. પણ જોડે આ થર્મોમીટર આપીએ છીએ એટલે સ્ત્રીને દુઃખ ના થાય એવી રીતે વિષયનો વ્યવહાર રાખવો. પ્રશ્નકર્તા : એ તાવ ચઢતો બંધ થાય કે નહીં ? દાદાશ્રી : ના, એ તો ફરી પાછો ચઢે. પ્રશ્નકર્તા : તો એને બંધ કેવી રીતે કરવો ? દાદાશ્રી : એ બંધ ના કરશો. બન્નેને તાવ આવે ને દવા પીઓ તો જોખમદારી તમારી નહીં, પછી મારી જોખમદારી. જો શોખની ખાતર દવા પીતા હો તો તમારી જોખમદારી. હું જાણું છું કે તમે બધા પૈણેલા છો, એટલે બધાને કંઈ એમ ને એમ જ્ઞાન નથી આપ્યું ! પણ જોડે જોડે અક્રમની આ જવાબદારી લીધી છે કે આટલે સુધી કાયદામાં હો તો જોખમદાર હું છું. પ્રશ્નકર્તા : પત્નીની ઈચ્છા ના હોય અને પતિના ફોર્સથી દવા પીવી પડે, તો શું કરવું ? દાદાશ્રી : પણ એ તો શું કરે ? કોણે કહ્યું'તું, પૈણ ? પ્રશ્નકર્તા : ભોગવે તેની ભૂલ. પણ દાદા કંઈક એવું બતાવો ને, એવી કંઈક દવા બતાવો કે જેથી કરીને સામા માણસનું પ્રતિક્રમણ કરીએ, કશું કરીએ તો એમનું ઓછું થઈ જાય. દાદાશ્રી : એ તો આ વાત સમજણ પાડવાથી કે દાદાએ કહ્યું છે, કે આ તો પી પી કરવા જેવી ચીજ નથી. જરા પાંસરા ચાલો ને ! આપણું શરીર સારું રહે, મગજ સારું રહે તો ફાઈલનો નિકાલ થાય, નહીં તો ડિફોર્મ થઈ જાય. પ્રશ્નકર્તા : તાવ ચઢે જ નહીં એવું કંઈક કરી આપો ! દાદાશ્રી : એવું જ કરી આપ્યું છે પણ તમને હજુ... પ્રશ્નકર્તા : નિશ્ચય કાચો છે. દાદાશ્રી : નિશ્ચય કાચો છે. આ તો ઈફેક્ટ છે, આ ડિસ્ચાર્જ છે, એમ કરીને નિશ્ચય કાચો થઈ જાય છે. પ્રશ્નકર્તા : સમજમાં આવે એટલે વર્તનમાં આવે જ ને ? દાદાશ્રી : સમજમાં તો આવ્યું નથી. આ બુદ્ધિપૂર્વકનું સુખ નથી, એવું સમજમાં જ નથી આવ્યું. મેં જલેબી ખાવાની છૂટ આપી. દૂધપાક ખાવાની છૂટ આપી. આ દારૂમાં સુખ આવે છે, એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય. સીગારેટમાં સુખ આવે છે, એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય. આમ દેખાદેખીથી જ છે. આત્મજ્ઞાન પામ્યે આત્મસુખ ચખાય એક ફેરો જાણી લેવાની જ જરૂર છે કે તાવ આવે તો જ દવા પીવાય. પછી એ બાજુનું નક્કી થઈ ગયું, તો મન પછી એવું નક્કી રાખે છે. કારણ કે એને આત્મસુખ તો મળ્યું ને ! જેને કોઈ પ્રકારનું સુખ જ ના હોય, તેને તો પછી એ વિષય સુખ છે જ, એને તો આપણે વાળીએ જ નહીં અને એને તો વાળી શકીએ પણ નહીં. જ્યારે આ તો આત્મા તરફનું સુખ મળ્યું છે, તેથી પોતાના આ સુખમાં વળી જાય છે અને પાછું મન જ્યારે ક્યાંય સહેજ ટકરાય તો તે વખતે પાછું બહાર પેલી વિષય બાજુ નહીં વળતાં મહીં આત્મા બાજુ વળી જાય છે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તેને શું થાય ? આ મોક્ષનો માર્ગ છે. એટલે અહીં આટલું જ સમજજો જરા. તમને આ વાત ગમી કે ? આ 'અક્રમ જ્ઞાન' સાચું છે ને ? પ્રશ્નકર્તા : હા, સાચું છે. દાદાશ્રી : વિષયની હાજરીમાંય મોક્ષ થાય એવું આ 'જ્ઞાન' છે ને ! આ અમારી બહુ ઊંચી જાતની શોધખોળ છે ! તમને લાડવા-જલેબી બધું જ ખાવાની છૂટ આપી છે. કૃપાળુદેવે તો શું કહેલું કે, 'ભાવતી થાળી આવે તો બીજાને આપી દેજો.' તે કોઈએ બીજાને આપી દીધી ? એકેય એવો પાક્યો કે જેણે ભાવતી થાળી બીજાને આપી દીધી ? આ કોઈ આપી દે એવાં છે ? એ તો એક 'જ્ઞાની પુરુષ' એકલાં જ એવું કરે. જ્યારે મેં તો તમને કહ્યું કે, 'ભાવતી થાળી ખાજો નિરાંતે ! કેરીઓ ખાજો, રસ ખાજો.' કોઈએ આવી છૂટ આપી નથી. અત્યાર સુધી કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું કે સંસારીવેષે આમ થાય. આ તો બધાં શાસ્ત્રોએ 'સ્ત્રીથી છેટા ભાગો,' એવું કહેલું છે. પણ અમે આ નવી શોધખોળ કરી છે ! મારી આ નવી વૈજ્ઞાનિક શોધખોળ છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ ! અહીં આપણે પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ, એમાં એવી જવાબદારી રહેતી નથી. એથી અમે છૂટ આપી છે. બાકી શાસ્ત્રકારોએ તો આ હપુચું ઉડાડી જ મેલ્યું કે 'સ્ત્રીને છોડી દો' એમ કહી દીધું. પણ આ તો આપણું વિજ્ઞાન છે, એટલે એક બાજુ શાંતિ રહે એવું છે અને એટલે આજ્ઞામાં રહેવા તૈયાર થાય છે. બાકી છૂટ આપી છે, એનો જો ઊંધો અર્થ કરે તો તો આમાં માર ખાઈ જાય ને ! તેથી અમે હલકું કરી આપ્યું. આ જગતે જે માન્યું છે ને, સ્થૂળ ભાગ (બાહ્યાચાર)ને જ ધર્મની શરૂઆત માની છે. પણ અમે કહ્યું કે સ્થૂળ ભાગને જ ઉડાડી મૂકો ! આ કળિયુગમાં સ્થૂળ ભાગને પકડવા ગયા તેનો તો બધો માર છે ને ! સ્થૂળ ભાગ તો રોંગ જ છે અને કળિયુગમાં સ્થૂળ ભાગ જે રૂપકમાં છે તે તો એકુંય રાઈટ નથી, એટલે અમે કહ્યું કે જ્યાં નાદારી જ છે તે બહારનું ફેંકી દો, કટ ઓફ કરી નાખો અને એ તો રિઝલ્ટ છે. એને હવે લેટ ગો કરો. અક્રમ વિજ્ઞાન તો આ કાળની અજાયબી છે ! આ અક્રમ વિજ્ઞાન તો અગિયારમું આશ્ચર્ય છે ! માણસ સ્ત્રી સાથે રહીને જગતનાં દુઃખનો અભાવ અનુભવે એ બનેલું નથી ! જગત આખું દુઃખી છે, ત્યાં સંસારનાં દુઃખોનો અભાવ એ તો મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય ! મૂળ ભૂલ કઈ છે આમાં ? ભગવાને કહેલું કે, એક ભૂલ ના કરશો. કોનો વાંક છે ત્યાં ડામ દેજો ! પાડાનો વાંક અને પખાલીનો વાંક બન્નેનો વાંક જોજો અને પછી ડામ દેજો ! પણ આ જગતના લોકો તો પાડાના વાંકે પખાલીને ડામ દે છે ! 'આ ગુનો કોનો છે ?' એવી તપાસ તો કરવી જ જોઈએ ને ? આમ તો કહે છે કે 'મારે બ્રહ્મચર્ય પાળવું છે' ને પછી કહે છે કે 'મારે નથી ઇચ્છા છતાં દેહ આમ ખેંચાય છે.' તો તેં ઉપાય શો કર્યો ? તો કહેશે, 'દેહમાં ખાવાનું ઓછું નાખ્યું છે !' અલ્યા, પાડાને વાંકે પખાલીને ડામ શું કામ આપું છું ? પણ આ વાત એને શી રીતે સમજાય ? વિચાર કરને કે મારી ઇચ્છા નથી, તો આ દેહ ખેંચે છે કોણ ? આ દેહ તો ટાંકણી જેવો છે. જો લોહચુંબક સામું ધરશો તો ટાંકણી હાલ્યા કરશે ! આ દેહમાં 'ઇલેક્ટ્રિકલ બૉડી' છે. તે સરખે સરખા પરમાણુ મળી આવે તો 'બૉડી' ખેંચાય. પણ આ તો કહેશે, 'કાલથી હવે દેહને ખાવાનું નથી આપવું, આ દેહને હવે ભૂખ્યો રાખીશ !' અલ્યા, ભૂલ ખોળી કાઢને ! આ તો પૂરણ-ગલન છે. તે પૂરણ કર્યું છે, તો ગલન થશે જ. માટે મૂળ 'રૂટ કૉઝ' ખોળી કાઢ. પણ 'રૂટ કૉઝ' પોતાને પોતાની મેળે શી રીતે જડે ? એ તો જ્ઞાની પુરુષ જણાવી શકે. માટે જ્ઞાનીને ખોળ ! ને જ્ઞાની તો કો'ક ફેરો હોય, એ તો અતિ અતિ દુર્લભ છે ! પ્રશ્નકર્તા : આ બધું ચેતનમાં ક્યાંથી પેસી ગયું ? એમ કેમ ચાલુ થઈ ગયું ? દાદાશ્રી : એને એવું ભાન થયું કે 'આ હું ખેંચાઉ છું.' અને જો સમજણ હોય કે આ પૂતળું પેલા પૂતળા પાસે, એ બેમાં ઈલેક્ટ્રિસિટીને લઈને બેઉ ખેંચાય છે. તેને 'હું જાણનાર છું' એવું ભાન રહ્યું નહીં એને. ઈલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોહચુંબકતા ઉત્પન્ન થાય છે. એટલે મારે નહીં ખેંચાવું છતાં ખેંચાય છે. એટલે સમજાય એવું છે કે આ પોતે નથી ખેંચાતો. આ વિજ્ઞાન તો જાણ કે, 'કોણ ખેંચે છે ?' તારે નથી ખેંચાવું, તો કોણ તને ખેંચી ગયો ? બીજો કોણ માલિક છે, તે વચ્ચે ખેંચી ગયો ? ત્યારે કહે છે, 'હું ખેંચાઈ ગયો, મારું મન બગડી ગયું. મન નિર્બળ થઈ ગયું.' અલ્યા, તારું મન તને શાનું ખેંચે? મન ને તારે લેવાદેવા શું છે ? એ મિકેનિકલ એડજસ્ટમેન્ટ જુદું, તું જુદો. હવે બોલો, આખી દુનિયા માર ખાઈ જાય ને ! પરમાણુની અસરોમાં અજ્ઞાનતાથી ફસાયો આ તો ઈલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા પાવરવાળા થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચુંબકમાં કશું કોઈ વચ્ચે પેઠું મહીં ? ટાંકણીને આપણે શીખવાડ્યું'તું ? તું ઊંચી-નીચી થજે ? પ્રશ્નકર્તા : એને ઈલેક્ટ્રિસિટી અડે નહીં એવું ના થાય ? એને કંટ્રોલ ના કરાય ? દાદાશ્રી : આપણાથી કંટ્રોલ થાય નહીં. હંમેશાં ઈલેક્ટ્રિકલ વસ્તુને કંટ્રોલ કરી શકાય નહીં. કંટ્રોલ તો, એને એડજસ્ટમેન્ટ કરતાં પહેલા કંટ્રોલ કરી શકાય. પછી એડજસ્ટમેન્ટ નક્કી થયા પછી ના થાય. એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે. વિજ્ઞાનથી આ બધું ચાલે છે. હવે ખેંચાણ થાય તેને લોક કહે કે 'મને રાગ થયો.' અલ્યા, આત્માને રાગ તો થતો હશે ? આત્મા તો વીતરાગ છે. આત્માને રાગેય હોય નહીં ને દ્વેષેય હોય નહીં. આ તો બેઉ પોતે કલ્પેલા છે. એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ ચાલી જાય તો કશું છે જ નહીં. પાછું આ એક પ્રકારનું આકર્ષણ નથી. છોકરા પર પણ આકર્ષણ હોય છે. એટલે આ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટીથી આ બધા પરમાણુ લોહચુંબકની જેમ થઈ ગયા હોય છે, તે જો સામાના મળતાં પરમાણુ આવે તો ત્યાં ખેંચાણ થાય, બીજે ખેંચાણ થાય નહીં. લોહચુંબકનો તો આપણને અનુભવ છે ને ? તેમાં કોણ કોને રાગ કરે છે ? અને અહીં તો તમે રાગ કરતા નથી ને, કોઈને ? પેલું લોહચુંબક જેવું સ્વાભાવિક છે, તેવું આય સ્વાભાવિક છે. પણ આમાં શું કહે કે, 'મેં કર્યું', 'હું કરું છું' કહ્યું કે વળગ્યું પાછું ! નહીં તો કહેશે, 'મારાથી આવું થઈ ગયું !' અલ્યા, શું કરવા ફસાય છે !!! આકર્ષણ થાય તેને પાછું 'આ મારું, આટલું મારું' કર્યા કરે. અલ્યા, ન હોય તારું. આ મૂડીય તારી નથી અને આ મિલ્કતેય તારી નથી. તું શું કામ વગર કામનો ફસાય છે ? પૈણ્યો ત્યારથી 'મારી વાઈફ, મારી વાઈફ' કરે. પણ પૈણ્યા નહોતા તે ઘડીએ ? ત્યારે કહેશે, 'ત્યાર પહેલાં તો મારી નહોતી !' પૈણ્યા ત્યારથી (મમતાના) દોરડાથી બાંધ બાંધ કરે, 'મારી, મારી' કરે. પછી મરી જાય ત્યારે રડે. પૈણી નહોતી ત્યારે મારી નહોતી તો આ 'મારી' પેસી શી રીતે ગયું ? 'હવે ન હોય મારી, ન હોય મારી' કર તો આપણું વીંટેલું છે, તે છૂટી જાય ! લોક શું કહેશે, માયાને તેં પકડી છે, તો છોડી દે. પણ શી રીતે છૂટી જાય ? એટલે જ્ઞાની પુરુષ બધું છોડાવી દે. જ્ઞાની પુરુષ પોતે છૂટેલા હોય એ બધાને છોડાવી દે. એમની સાયન્ટિફિક રીતથી એ રસ્તો બતાવે કે આમ છૂટાય, નહીં તો બીજો છૂટવાનો રસ્તો નથી. એટલે મોક્ષમાર્ગ સમજવાનો છે. ખાલી સમજ સમજ કરવાનો છે. અહંકાર કરે માત્ર અહમ્કાર ભગવાન કહે છે કે, કન્ટ્રોલમાં નથી તે વિષયો છે. 'હું વિષય ભોગવું છું' તેવો અહંકાર કરે છે. જો તું વિષય ભોગવતો હોત તો તને સંતોષ થવો જોઈએ પણ તેવું નથી. 'વિષયી' એ વિષયને ભોગવતો નથી, એ તો પરમાણુનો હિસાબ છે. દરેક ઈન્દ્રિય પોતાના વિષયમાં નિપુણ છે પણ બીજા વિષયમાં નિપુણ નથી. નાકને જલેબી ચખાડીએ તો ગળી લાગે ? પરમાણુઓનો હિસાબ હોય ને તે ચૂકતે થાય તે વિષય નથી. પરંતુ તેમાં તન્મયતા તે જ વિષય છે. તેમાં ઇન્દ્રિયોનો પણ કંઈ જ રોલ નથી. તે તો માત્ર કન્વે કરે છે. તેથી જ અમે કહીએ છીએ કે ઇન્દ્રિયોના વિષય જીતે તે જિતેન્દ્રિય જીન નથી પણ જેની દ્ષ્ટિ દ્રષ્ટામાં પડી ગઈ, જેનું જ્ઞાન જ્ઞાતામાં આવી ગયું તે જિતેન્દ્રિય જીન છે ! ભગવાન મહાવીર પણ આમ જ કહેતા હતા. મોહ છૂટે, પારિણામિક દ્ષ્ટિથી આ પૂરણ-ગલનનું 'સાયન્સ' સમજાઇ જાય તેને વિષયસુખ મોળાં લાગે. આ જલેબી ધૂળમાં પડી હોય તોય ખંખેરીને ખાઇ જાય. તે ઘડીએ સવારે એ જલેબીની શી દશા થશે તેનું ભાન રહે ? ના. કારણ કે અશુચિનું ભાન નથી. આ દૂધપાક ખાધો હોય, પણ ઉલટી કરે તો કેવો દેખાય ? આ મહીં બધું અશુચિનું જ સંગ્રહસ્થાન છે. પણ એવી પારિણામિક દ્ષ્ટિ ઉત્પન્ન થવી જોઇએ ને ? ભયસ્થાન, વિષયદોષના આ એકલું જ ભયસ્થાન છે. પુરુષોને માટે સ્ત્રી એ ભયસ્થાન છે ને સ્ત્રીઓને માટે પુરુષ એ ભયસ્થાન છે. આ એકલું જ ભયસ્થાન છે. બીજો કોઈ ભય નથી. જેની જોડે કંઈક આકર્ષણ ઉત્પન્ન થાય. એવું આકર્ષણ કંઈ બધે ના હોય. એ પૂર્વભવનો હિસાબ હોય તો જ થાય, ત્યાં બહુ જાગૃત રહેવું પડે. દ્ષ્ટિદોષના ગુનાઓ વિષય તો ક્યારે હતો ? દ્વાપરમાં, ત્રેતામાં ને સત્યુગમાં, એ કાળમાં વિષય હતો કે જ્યારે સુગંધી આવતી હતી, એવા સુગંધીદાર વિષયો હતા. અત્યારે તો નરી દુર્ગંધી છે. વાત સાંભળે તોય માથું ચઢી જાય. અત્યારે વિષય જેવું રહ્યું છે જ ક્યાં ? આ તો પાશવતા થઈ ગઈ છે. આ તો બધું ખાય-પીવે એટલું જ, બાકી ભાન જ નથી. અને ભાન હોય તો તો પોતાને ઘેર ચાર છોડીઓ હોયને, કો'કની છોડીને ખરાબ દ્ષ્ટિથી જુએ જ નહીં. એને વિચાર આવવો જોઈએ કે મારી છોડીઓને કોઈ જુએ તો શું થાય ? પણ એને ભાન જ નથી, એ લોકોને તો. ભાન કેમ નથી ? ત્યાર કહે, સમજતો નથી ને અહંકાર પાર વગરનો છે. અહંકાર એટલે આંધળો જ, જો લોભનો અહંકાર હોય, તો લોભમાં અંધ હોય. માનનો અહંકાર હોય તો માનમાં અંધ હોય. વિષયનો હોય તો વિષયમાં અંધ હોય. એટલે મૂળ અહંકાર પૂરો આંધળો છેને, એટલે જેમાં તે ઘાલ્યો તેમાં આંધળો હોય, તે એ ઊંધું કર્યા જ કરે. પરસ્ત્રીદોષ જોખમોથી પાછા ફરો એક જણને કંઈક વિકારી કટેવ હતી. તે કટેવ છોડાવવા માટે મેં શું કહ્યું ? આ ગંદવાડામાં શું પડે છે ? બીજી બધી ચીજ વાપરોને ? સેંટ, અત્તર, બધું રાખી મૂકોને ! આ તમને નહીં ગમે ? તો કહે, 'આ મને ગમશે.' એટલે આમ કરીને આ મનને અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું છે. આ ગોળી ના હોય તો બીજી ગોળી આપવી, ને બીજી ના ફાવે તો ત્રીજી, એમ જાતજાતની ગોળીઓ (જ્ઞાનના એડજસ્ટમેન્ટ) બતાવી છે તે આપવી. ગમે તે ગોળીને મન વળગ્યું એટલે ચાલ્યું. પછી પેલા ગંદવાડામાંથી છૂટી જાયને ! માનવતાનો અધિકાર કેટલો ? કે જે પોતાની પરણત હોય, અધિકારનું હોય એટલું જ પોતાનું અને બીજું પારકું લેવાય નહીં. મારું એ મારું અને તારું એ તારું. તારું મારે જોઈએ નહીં, મારું તને આપું નહીં, એનું નામ માનવતા ! જેને પરસ્ત્રીનો ત્યાગ થયો, તે ભગવાન થવા માંડે. પરસ્ત્રી એ રોગ મોટો હશે કે નહીં ? બહુ મોટો કહેવાય ! એથી જ જગત ઊભું રહ્યું છે. એ ગાયો-ભેંસોને ચાલે, ત્યાં તો ચોરીય નથી ને બ્રાહ્મણેય નથી. ગાયો-ભેંસોમાં ચોરી (લગ્નનો માંડવો) હોય ? ત્યાં બ્રાહ્મણને બેસાડે નહીં ને ? આ તો મનુષ્યમાં તો વિવેક કરવામાં આવે છે અને કુદરતનું બંધન જ એવું છે. મનુષ્યમાં આવ્યો તે બંધન જ હોય, મહામુશ્કેલી ! તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને ? પ્રશ્નકર્તા : બહુ જ થાય છે. દાદાશ્રી : પસ્તાવામાં બળે તોય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે ?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે (વિજ્ઞાનના) બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ અમે પણ કરીએ. પ્રશ્નકર્તા : બન્ને પાર્ટીને (પક્ષને) સંમત હોય તો જોખમ ખરું ? દાદાશ્રી : સંમતિ હોય તોય જોખમ છે. બન્ને સામસામે ખુશી હોય એમાં શું દહાડો વળ્યો ? એ જ્યાં જવાની હોય ત્યાં આપણે જવું પડે. આપણે મોક્ષે જવું છે ને એના ધંધા આવાં છે, તો આપણી શી દશા થાય ? ગુણાકાર ક્યારે મળે ? એટલાં માટે શાસ્ત્રકારોએ દરેક શાસ્ત્રમાં વિવેકને માટે કહેલું છે કે પૈણજો. નહીં તો આ રખડેલ ઢોર હોય તો કોને ઘેર સાવધાની રહે ? પછી 'સેફસાઈડ' જ શું રહે ? કઈ જાતની સેફસાઈડ રહે ? તું કેમ બોલતો નથી ? પાછલી ચિંતામાં પડી ગયો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હું તને ધોઈ આપીશ. અમારે તો એટલું જોઈએ છે કે અત્યારે અમને ભેગા થયા પછી કોઈ ડખલ નથી ને ? પાછલી ડખલ હોય, તો તેને છોડવા માટે અમારી પાસે બહુ જાતના આંકડા (ઉપાય) છે. તારે મને ખાનગીમાં કહી દેવાનું. હું તને તરત ધોઈ આપીશ. કળિયુગમાં માણસની શું ભૂલ ના થાય ! કળિયુગ છે અને ભૂલ ના થાય, એવું બને જ નહીં ને ! સતીપણું થયે મોક્ષ પાકો ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તોય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના, 'મને મારો ધણી છે, ધણીવાળી છું' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો'ક ફેરો આવે છે, સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણા લોક ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ સતી થવાની ઇચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ? પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે. દાદાશ્રી : કયા બજારમાં ? કૉલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તોય ના લે. ગમે તેવું આપો તોય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય. અને માંસાહાર ક્યારેય ના કરતો હોય, પણ બે-ત્રણ દહાડાનો ભૂખ્યો હોય, તો મરી જવા તૈયાર થાય કે માંસાહાર કરે ? માંસાહાર કરે જ નહીં, ગમે તેવું થાય. અને બોલેય ખરો, મરી જઈશ પણ કરું નહીં, કોઈ દહાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે. પણ એને બે-ત્રણ દહાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો ? કોઈ દેખાડે તો ? પ્રશ્નકર્તા : તો કરી નાખે કદાચ, જીવવા માટે. દાદાશ્રી : કરી જ નાખે. અને ત્યાં ના કરે એ 'સતી' (સતીપણું) કહેવાય. મોંઢે બોલ્યો તો એવું જ હોય એને, મરી જવાય તોય ના કરું. એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે, ફક્ત એકલા જ વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તોય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, શાથી માની લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે ! એની મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છું, તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે જાણે કે આ રસ્તે ભટકતું હોય... બહુ સમજાતું નથી ને ? થોડું થોડું ? પ્રશ્નકર્તા : સમજાય છે કમ્પ્લીટ. પહેલા પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગમાં મને સમજાયેલું પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે. દાદાશ્રી : સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે. પ્રશ્નકર્તા : હા, દાદા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જનમ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી. દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતી જ નથી બિચારી. અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે. ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ આવો રસ્તો જાણે નહીં. એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એના ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત 'ઓફ' થઈ જાય, જતો રહે તોય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય ? પ્રશ્નકર્તા : સતીઓનું, સતી સ્ત્રીઓનું. દાદાશ્રી : જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે. એના બધા રોગ મટી જાય. પ્રશ્નકર્તા : દાદા, અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપને બતાવીને, અમારાથી પણ સતી થવાયને ? દાદાશ્રી : સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે. પ્રશ્નકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે ? દાદાશ્રી : સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે, એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. પેલી મૂળ સતી એ જન્મથી સતી હોય. એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાનાં ડાઘ રહી જાય અને ફરી પાછા પુરુષ થાવ. પણ પુરુષ થયા પછી, બધા પુરુષ સરખા ના હોય. કેટલાક સ્ત્રી જેવા પણ પુરુષ હોય. એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય અને પછી કપટ જો ઓગળી ગયું. પછી વખતે સતીપણું જો આવે, તો તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો સતી જેવું ક્લિયર થતું જાય, તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું (મોહ) ખલાસ થઈ જાય અને એ (પછી) મોક્ષે (પણ) જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ભોળા હોય બિચારા, જેમ નચાવે તેમ નાચે બિચારા. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં સતી સ્ત્રીઓ એકલી ના નચાવે. સતી તો પતિને પરમેશ્વર (ભગવાન) માને ! પ્રશ્નકર્તા : આવું જીવન બહુ ઓછાનું જોવા મળે. દાદાશ્રી : આ કળિયુગમાં ક્યાંથી હોય ? સતયુગમાંય કોઈક જ સતીઓ હોય, તો અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ? સામસામી કરારી દાવા આ સંસાર અબ્રહ્મચર્યથી ઊભો રહ્યો છે અને આવું કંઈ કેટલાંય કાળ સુધી ચાલ્યા કરશે. જે નિકાચીત દુઃખો છે એ અબ્રહ્મચર્યનાં છે. નિકાચીત દુઃખો એટલે સહન કરતાં ખસે નહીં, ગમે એટલા ઉપાય કરીએ તોય ખસે નહીં. બીજાં બધાં દુઃખો તો સહેજાસહેજ જતા રહે. જ્યારે નિકાચીતમાં તો બીજા માણસનો ક્લેઈમ રહે છે. બીજી બધી વસ્તુઓ ક્લેઈમ ના માંડે, પણ આ વિષયમાં તો તમે 'પ્રસંગ' છોડી દો તોય એ દાવો માંડે, અગર તો તમારી ઉપર વેર બાંધે. એ ક્લેઈમ જ ઊભા થાય પછી ! બે પાર્ટીના કરાર થયે તો એક પાર્ટી જ્યાં જાય ત્યાં બીજાએ જવું પડે, પૂરું કરવા માટે. માટે ૪૦૦ વોલ્ટ પાવર આને કહેવાય છે. ૪૦૦ વોલ્ટ આવે ત્યાં અડતા નથી, જાણે છે કે ૪૦૦ વોલ્ટ છે. ત્યાં ભય સિગ્નલ મારેલાં હોય છેને, એવું આ ભય સિગ્નલ મારે બતાવી દેવા પડે. આ અક્રમ વિજ્ઞાન છે, ભય સિગ્નલ આટલું જ છે. બીજું કોઇ ભય સિગ્નલ છે નહીં. અને અમારા પાંચ વાક્યો (આજ્ઞા)માં રહો તો કોઇ જાતનું ભય સિગ્નલ જ નથી. અમે જે વિજ્ઞાન આપ્યું છે તે પૂર્ણ જ્ઞાન છે. એ પાંચ વાક્યો એને હેલ્પ કરે છે, પ્રોટેક્ટ કરે છે અને તમે શુદ્ધાત્મા છો. પરવશ કરાવે ને લાચારીમાં બંધાય વેર એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે ત્યારે એક વખત અડવા દે ! ત્યારે એના કરતાં આ દરિયામાં સમાધિ લેતો હોય તે શું ખોટું ? શા હારુ આ ચાર વખત સાષ્ટાંગ ? પ્રશ્નકર્તા : આમાં સ્ત્રી શાથી આવું કરે છે ? દાદાશ્રી : એ એક પ્રકારનો અહંકાર છે. પ્રશ્નકર્તા : પણ એને પછી શું ફળ મળે ? દાદાશ્રી : કશો ફાયદો નહીં. પણ આમ અહંકાર કે 'જોયું ને, આ કેવો સીધો કરી નાખ્યો !' અને પેલો બિચારો લાલચથી કરેય એવું ! પણ સ્ત્રીને પછી ફળ ભોગવવું તો પડે ને ! પ્રશ્નકર્તા : એમાં સ્ત્રીપણાનો બચાવ કરે છે પોતે ? દાદાશ્રી : ના, સ્ત્રીપણાનો બચાવ નહીં. એ અહંકાર જ, રોફ માટે છે ને પેલાને માંકડાની પેઠ નચાવે. પછી એનાં 'રીએક્શન' તો આવે ને ? પેલોય વેર રાખે પછી કે 'હું તારા લાગમાં આવ્યો, ત્યારે તે મારો વેષ કર્યો ને મારી આબરૂ લીધી. તું લાગમાં આવે એટલી વાર છે !' તે પછી લઈ લે આબરૂ, ઘડીવારમાં ધૂળધાણી કરી નાખે પછી. લાલચુને તો કોઈ બઈ વિષય ના આપે ને, તો એને 'બા' કહે, એવાં બેભાન માણસો છે ! મારું શું કહેવાનું કે આત્મસુખ ચાખ્યા પછી પેલા સુખની જરૂર જ ક્યાં રહી ?! આપણું 'જ્ઞાન' શું કહે છે ? જગતમાં ભોગવવા જેવું છે શું ? તું અમથો આની મહીં ફાંફાં મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે ! પ્રશ્નકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય, તો તે શી રીતે છૂટે ? દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને ! પોતાનાં હિતને માટે છે ને ! નિશ્ચય કર્યા પછી, (વિષયમાંથી) છૂટ્યા પછી પેલી બાજુ (આત્મામાં) સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહેશે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે ! વિષય છૂટ્યે, ક્લેશ બંધ જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી, એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. 'ક્લેશ નથી જ કરવો' એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે અને જ્યાં ક્લેશ છે, ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને ! અને આ સંસારમાં જો વિષય ના હોત તો, ક્લેશ જ ના હોત. વિષય છે તેથી ક્લેશ છે, નહીં તો ક્લેશ જ હોત નહીં ! વિષયને એક્ઝેક્ટ ન્યાય બુદ્ધિથી જુએને તો ફરી વિષય કરવાનું માણસને મન જ ના થાય. પ્રશ્નકર્તા : પણ વિષય ચીજ જ એવી છે કે તે ન્યાય બુદ્ધિ જોવા ન દે. દાદાશ્રી : આ વિષય એવી વસ્તુ છે કે એક ફેરો અંધ થયો પછી ના જોવા દે. સૌથી ભારેમાં ભારે અંધ એટલે લોભાંધ અને એનાથી સેકન્ડ નંબર હોય તો વિષયાંધ. પ્રશ્નકર્તા : લોભાંધને વધારે કહેવાય ? દાદાશ્રી : અરે, લોભાંધની તો દુનિયામાં વાત જ જુદી છે ને ! લોભાંધ એ તો દુનિયાનો એક નવી જ જાતનો રાજા. વિષયવાળા તો મોક્ષે જવાને માટે પ્રયત્ન કરે. કારણ કે વિષયવાળાને તો ક્લેશ થાય ને ! એટલે પછી કંટાળે. જ્યારે લોભાંધને તો ક્લેશ પણ ના થાય. એ તો એની લક્ષ્મીની જ પાછળ પડેલો હોય, લક્ષ્મી કંઈ બગડતી નથીને એ જ જોયા કરે અને એમાં જ એ ખુશ. છોકરાંને ઘેર છોકરાં હોય, તોય એને લક્ષ્મીની જ પડેલી હોય. અને લક્ષ્મીને સાચવવા આવતો ભવ ત્યાં સાપ થઈને બગાડે. ઘરમાં ડખાડખીનું મૂળ કારણ ? પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા. દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલાં જેટલાં પુરુષો મજબૂત મનનાં છે તેને સ્ત્રી તો બિલકુલ આમ કહ્યામાં રહે છે. એક જણ છે તે બિચારો, દાદાનાં જ્ઞાનથી ખુશ થઈ ગયેલો. રોજ દર્શન કરવા આવે. આખો દહાડો અહીં પડી રહેવાનું મન થાય. વહુને કોઈ દહાડો તેડી લાવે નહીં. વહુ આવે નહીં. વહુ કહે છે, 'કેમ દાદાને ત્યાં ગયા ?' રોજ ડફળાય ડફળાય કરે. હવે પેલો કહે છે, 'મારે શું કરવું, આવવા જ નથી દેતી આ. શી રીતે વશ થાય ?' મેં કહ્યું 'બે-ત્રણ મહિના સુધી વિષયનો વિચાર ના આવવા દઈશ અને જ્ઞાન તો તેં લીધેલું છે. તો બને કે ના બને ?' 'હા, બને.' મેં કહ્યું, 'કરી જોજે.' પછી પેલી કહે છે, 'તમારે જ્યારે જવું હોય ત્યારે જજો પણ મને આવું ના કરશો' એ દાખલો બનેલોને, તે કહ્યો તમને ! પ્રશ્નકર્તા : હા, એવી બે-ચાર બીજી દવા બતાવી જાવ ને ! દાદાશ્રી : ના, ના, પણ દાખલો જે બન્યો એ કહ્યું મેં તમને. મારે કંઈ નવો બનાવવાનો છે કંઈ ? મને તો પહેલેથી આ આવડતો'તો. પ્રશ્નકર્તા : બીજા કંઈ આવડતા હોય, ખરેખર બે-ચાર બતાવી જાવ. તમે શું શું કરતા'તા, દાદા ? દાદાશ્રી : બહુ યાદ રહે છે કંઈ ? મને તો યાદ રહે નહીં ને બધું. આ તો દેખાય ત્યારે મહીં બોલી જઉં. પેલો માણસ આવતો થઈ ગયો, રાજીખુશીથી. મેં કહ્યું, જો મારી આ વિદ્યા-દવા કો'ક દહાડો પકડી લેજે પાછો હં ફરી, શોધખોળ કરેલી, દાદા આગળ શીખેલું પુસ્તકમાં ના લખેલું હોય. પુસ્તકમાં લખનાર લોક તો બાવા હતા, એમને વહુ હતી જ નહીં ત્યાં. આ તો મારે જાતે ટેસ્ટ કરવું પડ્યું. પ્રશ્નકર્તા : બીજું શું શોધખોળ કરી, તે બતાવી દો જરા. દાદાશ્રી : એ તો વખત આવે તેમ બતાવતા જ જઈએ છીએ. જેમ જેમ દહાડો, બધું કંઈ મંગળવારે ના નીકળી જાય. તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી પાશવતા છે. એનો ફોટો લે તો કેવો દેખાય ? કૂતરાં જેવો દેખાય ને ! માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી, સમજણવાળો હોય તેને વિચાર ના આવે ? ફોટો લે તો કેવો દેખાય ? તોય શરમ ના આવે ? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે ? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધોને, પછી તો આ એને મારે તોય એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે ! માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધાં દુઃખો છે. વીતરાગો કેવા ડાહ્યા ! ભગવાન મહાવીર તો ત્રીસ વર્ષે છૂટા થઈને હેય મસ્તીમાં ફરતાં હતા ! એક બેબીને મૂકીને હેંડ્યા ! એની (ફાઈલ નં.૨) જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવને તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે 'મારે નથી જોઈતું' ત્યારે એ કહેશે કે, 'ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, 'મારે સિનેમા જોવા જવું છે.' ત્યારે તમે ન જાવ તો કકળાટ ! આવી જ બન્યું જાણે ! કારણ કે સામો મિશ્રચેતન છે અને કરારી છે, એટલે દાવો માંડે ! પિતાની લાયકાતનું પ્રમાણ એટલે પોતાના ઘરમાં બધા માણસો પર બિલકુલ કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી નાકકટ્ટો થશે ત્યારે બૂમાબૂમ કરશે. પોતે શીલવાન હોય તો છોકરીઓ શીલવાન થાય, નહીં તો પોતાનું જ ઠેકાણું ના હોય તો છોકરીઓ તો બગડી જ જાયને પછી. ફાધરનો વ્યવહાર એવો ના દેખાવો જોઈએ કે છોકરીઓનાં મનમાં ફાધરનો સહેજેય દોષ દેખાય. છોકરીઓને ફાધરનો એક પણ દોષ ના દેખાય એવી રીતે ફાધરે જીવન જીવવું જોઈએ. આ તો કંઈ ફાધર છે ? આ તો અરધા જાનવર જ છે ! ફાધર તો કેવા હોય કે છોકરાંઓને એમની સહેજ પણ બાબત માલમ ના પડે. મેં તો અમારા ગામમાં એવા એવા માણસો જોયા છે કે આપણને માન ઊપજે. એવાય માણસ અમારા ગામમાં છે કે સ્ત્રી અને પુરુષ બાર મહિનામાં બે કે ત્રણ વખત જ 'ભેગાં' થવાનાં અને બાકી બન્નેની રૂમેય જુદી, મકાન એક જ, ખાવાપીવાનું એક જ જગ્યાએ, પણ સૂવાની રૂમો જુદી, વર્તવાનું જુદું. હવાયે એકબીજાની આવવા નહીં દેવાની ! એવો અમારા ગામમાં એક માણસ હતો. બહુ મર્દ માણસ, જેની આંખ આમ થતાંની સાથે જ હજારો માણસો ભડકી જાય, એવો પુરુષ ! અને અત્યારે આ લોક તો બધા જીવડાં બિચારાં ! પ્રશ્નકર્તા : પહેલાં તો સામાજિક ભયો પણ બહુ હતા ને ? દાદાશ્રી : હા, એ સામાજિક ભયની જરૂર હતી. એ ભયથી જ લોકો સીધા રહેતા હતા. અમારા વખતમાં તો વિચારેય નહોતા આવતા. એ છોડીઓ-છોકરાંઓ બધાં ફરે તોય વિચારો જ નહીં. એ જાતના સંસ્કારો જ નહીં. આ તો લોકોને બહુ ભયંકર બળતરા ઊભી થઈ છે. પછી મોટી ઉંમરે છોકરાઓ પૈણાવ્યા એટલે શું થાય ? પેલીનુંય ચિત્ત ખલાસ થઈ ગયું હોય ને પેલાનુંય ચિત્ત ખલાસ થઈ ગયું હોય. ચિત્તવૃતિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એવી પ્રથા બગાડે ચિત્તવૃત્તિઓ પ્રશ્નકર્તા : વ્યવહાર માત્ર એ કુદરત જ છે ને ? દાદાશ્રી : હા, તે કુદરત જ ને ! એ કુદરતની બહાર નથી. પ્રશ્નકર્તા : તો પછી આ બ્રહ્મચર્યની વાતો કરે છે, એ અકુદરતી નથી થતું ? દાદાશ્રી : અકુદરતી કરવાની જરૂર એટલા માટે છે કે આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે. અને 'બહુ સરસ છે, બહુ મઝાનું છે' એમ માનીને નર્યા પાર વગરનાં બીજ પાડે છે. પ્રશ્નકર્તા : કેટલાકને તો આમાં રુચિ જ નથી હોતી. રુચિ ઉત્પન્નેય નથી થતી અને કેટલાકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ? દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું. પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોય ને એવું ? દાદાશ્રી : પણ એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પછી ચિત્ત એનું હાથમાંથી છટકી જ જાય છે ! પોતે ના કહે તોય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું પણ આ છોકરાંઓ, જો એક જ ફેરો વિષયને અડ્યા હોયને, તે પછી રાત-દહાડો એનાં એ જ સ્વપ્નાં આવે. પ્રશ્નકર્તા : અને આ જે સાથે સૂવાની પ્રથા છે, એ અમુક પ્રથાઓ જ ખોટી છે ? દાદાશ્રી : એ બધી પ્રથાઓ ખોટી છે. આ તો સમજણવાળી પ્રજા નહિને, તે ઊંધું ઘાલી દીધું છે બધું ! પછી છોકરા-છોકરીઓ એમ જ માની લે છે કે આ પ્રમાણે હોય જ, આ જ મુખ્ય વસ્તુ છે, તેય જો સ્ત્રીને એના ધણીમાં જ ચિત્ત કાયમ રહેતું હોય તો વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ તે કાયમ રહેતું નથી ને ? દાદાશ્રી : અરે, બીજું જુએ છે ત્યારે પાછો ડખો કરે છે. એટલે ભાંજગડ છે. તે મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે. એનાથી જ બધો સંસાર ઊભો રહ્યો છે. વિકારમાં 'નિર્વિકાર' થતાં આવડે નહિ. વિકારમાં નિર્વિકાર થતાં જો આવડે તો એનું વીર્ય બધું ઊર્ધ્વગામી થાય. પ્રશ્નકર્તા : હા, પણ વિકારમાં નિર્વિકારી થવું એ કંઈ રમત વાત નથી. દાદાશ્રી : એ રમત વાત નથી ને, છતાં જ્ઞાની પુરુષની આજ્ઞાથી વિકારમાં નિર્વિકાર રહી શકાય એવું છે, નહિ તો આજ્ઞા શી રીતે અપાય ? જે બનવાનું છે, એને છોડાય શી રીતે ? પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા કરતાંય વિષયનો ફોર્સ બહુ જબરો હોય છે ને ? એટલે એ આજ્ઞા-બાજ્ઞા બધું ફેંકી દે ને ? દાદાશ્રી : ના, પેલાનો નિશ્ચય હોય તો અમારી આજ્ઞા એને કામ કર્યા કરે. ઘણા માણસોને કામ કરે છે. વ્રત કરાવે આત્માનો સ્પષ્ટ અનુભવ મોટામાં મોટી હરકત તો બહાર બધે દ્ષ્ટિ ખરાબ રાખવી તે છે. બીજું, એથી આગળ આમાં શું કરવું પડે કે આ જેમ વરસમાં સ્કૂલમાં દોઢ મહિનો રજા પડે છે એવું આ વિષયમાં જો એવી છ મહિના રજા લઈ લે તો એને ખબર પડી જાય કે આ સુખ ક્યાંથી આવે છે ? એટલે આ તો તેને સુખ આવે છે એ ચોક્કસ, પણ પરીક્ષા થતી નથી કે સાચું સુખ આમાં કયું ? અમને જુઓને, ચોવીસેય કલાક એકલા રૂમમાં બેસાડી રાખેને, તોય એ જ આનંદ હોય, જોડે કોઈ એકાદ માણસ હોય તોય એ જ આનંદ હોય અને લાખો માણસ હોય તોય એ જ આનંદ હોય. એનું કારણ શું ? અમારે નિરાલંબ સુખ ઉત્પન્ન થાય, અવલંબન જોઈએ નહીં. જગત આખુંય, જીવમાત્ર પરસ્પર છે, એટલે એકબીજાનું અવલંબન જોઈએ. તેથી તો આ લોકોએ લગ્નની શોધખોળ કરેલી કે લગ્ન કરો પછી સામસામી અવલંબન મળી રહે ! 'હું શુદ્ધાત્મા છું' એ શબ્દનું અવલંબન છે. પણ એ લીલી ઝંડીનો પ્રવેશ છે ! અને છેલ્લામાં છેલ્લું નિરાલંબ આત્મા, એને શબ્દનું કે કોઈ અવલંબન નહીં, એવો નિરાલંબ આત્મા ! ત્યાં સુધી હવે ગાડી ચાલે ! પણ એક ફેરો શબ્દાવલંબનથી ગાડી ચાલવી જોઈએ અને એ શબ્દાવલંબનવાળો શુદ્ધાત્મા અનુભવ હઉ આપે ! એટલે પૂછવા જેવું કશું નથી. આત્મા એકલો જ જાણવા જેવો છે. જે 'લક્ષ'માં આવ્યો, એ આત્મા જાણવા જેવો છે. આ માર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે. પોતાની જાતને લક્ષમાં રાખી બધું પૂછવું, પુદ્ગલનું ધ્યાન રાખવાની જરૂર નથી. આત્મા તમારી પાસે રહ્યો, તેનું ધ્યાન રાખવાનું છે. આત્માનો સ્પષ્ટ અનુભવ કરવો હોય તો વિષય છ-બાર મહિના બંધ કરવા. આ બધા અનુભવ તો થયા કરે છે, પણ બંને જોડે રહે તો ખબર ન પડે કે 'સુગંધી' ક્યાંથી આવે છે ? અમારી આજ્ઞાનો અમલ કર્યા પછી પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરો. પછી જ એ વિષય છૂટશે. અમારું આ જ્ઞાન, આ જે જે વાત કરીએ છીએ ને, એ બધાનો અમલ કર્યા પછી મહિનો-મહિનો દોષોનાં પ્રતિક્રમણ કરો. એટલે આપણને પોતાને ખાતરી થઈ જાય કે આ જ સાચું છે. આત્માની અનંત શક્તિ છે. કેટલાંકને બ્રહ્મચર્યવ્રત લીધા પછી ચમત્કાર થાય છે. પછી બહુ સુંદર પરિણતીઓ રહે છે અને પછી મનમાં વિષયના વિચારો જ બંધ થઈ જાય છે. પછી વિષય એને ગમે જ નહીં ! માણસને સુખ જ જોઈએ છે. તે સુખ મળતું હોય તો પછી કાદવમાં હાથ ઘાલવા કોઈ તૈયાર ના થાય. આ તો બહાર તાપ લાગે છે એટલે કાદવમાં હાથ ઘાલે છે, ઠંડક લાગે એટલા માટે, નહીં તો કાદવમાં કોઈ હાથ ઘાલતું હશે ? પણ શું થાય ? પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો આજ્ઞાનો ઉપયોગ રહેને તો વધારે આનંદ રહે ને ! દાદાશ્રી : એની તો વાત જ જુદી ને ! બ્રહ્મચર્ય પછી પાળવાનું. જ્ઞાનીની ચેતવણીથી ક્યારે ચેતીશું ? અબ્રહ્મચર્ય એ અનિશ્ચય છે. અનિશ્ચય છે એ ઉદયાધીન નથી. આ તો બધું ખાલી ભાન વગરનું, તે જાનવરની પેઠ જીવી રહ્યા છે. એ સ્ત્રીઓએ સમજવું જોઈએ અને પુરુષોએ સમજવું જોઈએ. મોક્ષે જવું હોય તો સુખ તો મોક્ષમાં છે. અને એ વિષય ના હોય તે દહાડે તું સુખ તો જો ! એક વર્ષ દહાડાનું બંધ કરીને જુઓ ! અનુભવ કરો ત્યારે થાય. પરમ દહાડે ચાર-પાંચ જણ આવ્યા હતા ને મેં તો ઊલ્ટું પૂછયું તો મને તો અરેરાટી છૂટી ગઈ કે આવાં માણસો છે હજુ ! હું તો જાણું કે વિષયમાં ડાહ્યા થઈ ગયા હશે ! ત્યારે વધુ વિષયી થયા. આ તો કોણ પૂછનાર છે, હવે તો દાદા છે ને માથે ! અલ્યા મૂઆ, આવું થયું ? બીજું બધું મેં છૂટ આપી છે. બીજા ચાર વિષયો (જે જડ જોડે છે), આંખના, બીજા એ કરો, પણ આ (મિશ્ર ચેતન જોડે) નહીં. આ સામું ક્લેઈમવાળું છે, એગ્રીમેન્ટવાળું છે, ભયંકર. એ જ્યાં જશે ત્યાં લઈ જશે. આવી પોલ તો ના ચાલે, અનિશ્ચય છે આ તો. એ તો કાઢવી જ પડે. બ્રહ્મચર્ય તો પહેલું જોઈએ. આમ નિશ્ચયથી તમે બ્રહ્મચારી જ છો પણ વ્યવહારથી ના થવું જોઈએ ? વ્યવહારથી થવું જોઈએ કે ના થવું જોઈએ ? વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દ્ષ્ટિ ના બગડે. પ્રશ્નકર્તા : એ તો એની ભૂમિકા પ્રમાણે થાય ને ? આ મનોબળ ઉપર કંઈ બધી વસ્તુનો આધાર રખાતો નથી. એની આધ્યાત્મિક સ્ટેજની ભૂમિકા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે ને ? દાદાશ્રી : એ શક્ય હોય કે ના હોય, પણ અત્યારે શક્ય થઈ પડ્યું છે. કેટલાંક સ્ત્રી-પુરુષો અમારી પાસે કાયમનું બ્રહ્મચર્યવ્રત લે છે. આ ભાઈ ને એમનાં વાઇફે નાની ઉંમરથી બ્રહ્મચર્યવ્રત લીધું છે. કારણ કે મહીં ગજબનું સુખ વર્તે. એટલું બધું સુખ વર્તે કે આ વિષય એમને યાદ જ નથી આવતો. ટ્રાયલ લેવા નિયમ-વ્રતના એક છ-બાર મહિના સ્ત્રી વિષયથી છેટાં થાય ને તો જ ભાન આવે. આ તો ભાન જ નહીં. આખો દહાડો એનું ઘેન ચઢ્યા કરે ને ઘેનમાં ને ઘેનમાં ફર્યા કરે. એટલે મહાત્માઓને કહીએ છીએ કે છ મહિના કે બાર મહિના કંઈક કરો ને ! તમારે શું વાંધો છે ? થોડા-ઘણાંએ એવું મનમાં નક્કી કર્યું ને વ્રતને ટ્રાયલમાંય મૂક્યું, તે બધાય મૂકે તો કામ થઈ જાય ને ! અત્યારે આ મોક્ષનું સાધન મળ્યું છે, બીજું બધું ખાવા-પીવાની છૂટ. આ એકલું જ નહીં. એનું વર્ણન ભગવાને કર્યું છે ને ! તે વર્ણન જો કદી કરવા જાય ને, આખું વર્ણન સાંભળે તો માણસ મરી જાય. જાનવરો સારા, બળ્યા ! એને કંઈ નિયમ હોય. આ (મનુષ્યો) તો જાનવરો જ જોઈ લો ને ! કારણ કે હજુ ઘેનમાં ને ઘેનમાં રહ્યા કરે છે. પરમ દિવસે ચાર-પાંચ મહાત્માઓએ કહ્યું, હું તો એ થઈ ગયો કે, 'અલ્યા, આવાં હજુ માણસો છે !' આપણને કેમ શોભે ? બીજે બધું કરોને, (બીજાં) બધા વિષયો છૂટ છે. આ વિષય બંધનકારક છે. સામી ફાઈલ છે, ક્લેઈમ છે આ તો. ત્રીસ વર્ષ સુધી બધા ફોર્સ હોય તો ઠીક છે અને ફોર્સ હોય તોય, પણ જેનો દ્ઢ નિશ્ચય છે, એને શું થવાનું ? બધું ખાવા-પીવાની છૂટ. છતાં પણ ખાવામાંય હરકત નહીં રાખો તો એ નુકસાન કરશે પછી. એનો ફોર્સ ત્યાં જાય ને ! મોક્ષે જવું હોય તો વિષય કાઢવો પડશે. હજારેક મહાત્માઓ છે, વર્ષ-વર્ષ દહાડાનું વ્રત લે છે. 'મને વર્ષ દહાડાનું વ્રત આપજો.' કહે છે. વર્ષ દહાડામાં એને ખબર પડી જાય. દુરુપયોગથી ચેતો પ્રશ્નકર્તા : આપણે વિષયમાં લપસ્યા તેમાં જોખમ તો ખરું, પણ તેમાં આપણી સત્તા કેટલી ? આપણે ન કરવું હોય તો એમાં આપણી સત્તા કેટલી ? દાદાશ્રી : બધીય સત્તા છે. 'એક્સિડંટ' તો કો'ક દહાડો હોય, રોજ ના થાય. એટલે રોજ કરો છો એ પોતાના 'વિલ પાવર'થી થાય છે. બાકી 'એક્સિડંટ' તો છ મહિને-બાર મહિને એકાદ દહાડો હોય અને તેને 'વ્યવસ્થિત' કહેવાય, રોજ 'એક્સિડંટ' થાય, તેને 'વ્યવસ્થિત' કહો તો, તે 'વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય. પ્રશ્નકર્તા : તો આમાં તો પોતાની જ નબળાઈ છે ને ? દાદાશ્રી : નબળાઈ એટલે પાર વગરની નબળાઈ ! આ તો માણસને મારી નાખે. તારી દાનત બગડી ત્યારથી ભગવાનની કૃપા ઓછી થવા માંડી એવું મને ખબર પડે ને ! દાનત ચોર છે એટલે પછી ખલાસ થઈ ગયું ! પ્રશ્નકર્તા : તો હવે એનો ઉપાય શું ? ભગવાનની કૃપા જો ઓછી થવા લાગે તો પછી તો પતી જ ગયું ને ? દાદાશ્રી : તે પછી આ દાનત ચોરી છોડી દેવી જોઈએ. એ તરફ દ્ષ્ટિ જ કેમ જવી જોઈએ ? એટલે બધી મીનિંગલેસ વાતો છે. આ તો તારે દ્ષ્ટિ કેળવવી જોઈએ કે કપડાં સાથે આમ આરપાર દેખાય એટલે કે પહેરેલ કપડે કપડાં રહિત દેખાય, પછી ચામડી રહિત દેખાય, એવી દ્ષ્ટિ કેળવવી પડે ત્યારે પોતાની સેફસાઈડ થાય ને ? આ શાથી બોલું છું ? માણસને મોહ શાથી થાય છે ? કપડાં પહેરેલાં દેખે છે ને મોહ થાય છે ! પણ અમારા જેવી આરપાર દ્ષ્ટિ થઈ જાય, પછી મોહ જ ઉત્પન્ન ના થાય ને ! પ્રશ્નકર્તા : વચ્ચે થોડા વખત એવું રહેતું, પછી ફરી એવું રહ્યું નહીં. દાદાશ્રી : એટલે દાનત ચોર છે. દાનત જ ખોટી હતી. અને વિષય એવી વસ્તુ છે કે ત્યાં આગળ એક્સેપ્શન જ ના હોય. આ તો તમારે પાંચ આજ્ઞા પાળવાની શક્તિ જ નથી. પાંચ આજ્ઞા પાળવાની હોય તોય હું એક્સેપ્શન ના આપું કોઈનેય ! કારણ કે આ વિષય તો તમને ક્યાંય સ્લિપ કરીને ખલાસ કરી નાખે. એટલે આ એક જ વિષય જો કદી ઓળંગી ગયો તો ખલાસ થઈ ગયું, એની સેફસાઈડ થઈ જાય ! અમારી આજ્ઞામાં રહો તો તમને સહેજે કૃપા મળે. દાદાને કશું લેવું નથી ને દેવુંય નથી. આજ્ઞામાં તમે રહો તો અમે જાણીએ કે આ લોકોએ આજ્ઞામાં રહીને દીપાવ્યું ! કોઈ માણસ પાંચ-સાત દહાડાનો ભૂખ્યો હોય, તો તે લડવા જાય ખરો ? ના, શાથી ? એનું મન ઓગળી ગયું હોય, એવું આ વિષયમાં છે. મન ઓગળી જાય, એટલે ટાઢું ટપ ! દ્ઢ નિશ્ચયે પરમ સુખ પમાય આ મેં જે તમને આપ્યું છે તે એટલું બધું સુખદાયી છે કે બીજું સુખ તમને મોળું પડી ગયેલું લાગે. એટલે ગમે જ નહીં, એટલું બધું એ સુખદાયી છે. પરમ સુખદાયી છે, પરમ સુખનું ધામ છે. એટલે બીજું બધું તો મોળું લાગે, ગમે જ નહીં, ઊલટું ચીતરી ચઢે. આ તો વકીલાત કરીને અર્થનો અનર્થ કરી નાખે કે આ બધું 'વ્યવસ્થિત' જ છે ને ! પણ જોખમ કેટલું બધું છે ! અણહક્કના વિષય એટલે કેવડું મોટું જોખમ કહેવાય ! તમે જે સ્ત્રી પૈણો એ જ તમારા હક્કનો વિષય. બીજો હક્કનો વિષય તમને લાગુ ના થાય, વિચારેય ન કરાય, દ્ષ્ટિય ના કરાય, ત્યારે આપણું સાયન્સ ખુલે છે !!! આપણું સાયન્સ તો આનાં આધાર પર, આનાં બેઝમેન્ટ ઉપર બધું રહેલું છે. જાણો ગંભીરતા, વ્રત લેતા પહેલા બ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને ? કો'કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે. ઉદયમાં આવે નહીં તો ઉલટો વાંધો પડી જાય, લોચો પડી જાય. બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય દબાય કરીએ તોય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. તમને કંઈ કોઈએ બાંધ્યા નથી કે તમે વ્રત લો જ ! મહીં જો વ્રત લેવા માટે ઇચ્છાઓ બહુ કૂદાકૂદ કરતી હોય તો જ વ્રત લેવું. કો'ક દહાડો વ્રત ભંગ થાય તો જ્ઞાની તેની દવા હઉ બતાવે. વિષયનો ક્યારેય વિચાર ના આવે તે બ્રહ્મચર્ય મહાવ્રત. જો વિષય યાદ આવે તો વ્રત તૂટ્યું. અમે બ્રહ્મચર્ય (વ્રત) માટે તમને આજ્ઞા આપીએ, તેમાં તમારી ભૂલચૂક થાય તો તેની જોખમદારી બહુ ભયંકર છે. તમે જો ભૂલચૂક ના ખાવ તો પછી બધું અમારી જોખમદારી પર ! તમે જે જે મારી આજ્ઞાપૂર્વક કરો તો તેમાં તમારી જોખમદારી નહીં અને મારી પણ જોખમદારી નહીં ! તમે આજ્ઞાપૂર્વક કરો એટલે તમારે અહંકાર ઊભો ના થાય. એટલે તમારી જોખમદારી નહીં અને તો પછી આજ્ઞા કરનારની જોખમદારી ખરી ને ? પણ આજ્ઞા કરનાર સ્યાદ્વાદ હોય તો, એમને શી રીતે જોખમદારી આવે ? એટલે પોતે જોખમ લે નહીં, એવી આજ્ઞા કરે. વ્રત એ કંઈ બજારું ચીજ છે ? વ્રત વગર માણસને બ્રહ્મચર્ય રહી શકે, પણ તે સહજ ભાવે હોય તો, નહીં તો મન કાચું પડી જાય. આ જ્ઞાન મળ્યા પછી સત્તા પોતાના હાથમાં આવી ગઈ, પરસત્તામાં હોવા છતાં સ્વસત્તામાં છે. જેનું મન બંધાયેલું નથી, તેનું મન પરસત્તામાં કામ કર્યા કરે. બંધાયેલા મન માટે તો દાદાનું વચનબળ કામ કરે, પેલા એવિડન્સ તોડી નાખે. જ્ઞાની પુરુષનું વચનબળ સંસારને ભજવાનું તોડી નાખે. બ્રહ્મચર્યથી માનવમાં દૈવી દશા જેને બ્રહ્મચર્યના વિચાર આવે, એ પ્રભાવશાળી કહેવાય ! દેવ જ કહેવાય ! અને અબ્રહ્મચર્યના વિચારો આવે એટલે સાધારણ માનવ જ ગણાય. પશુથી સાધારણ માનવ સુધીનાં બધાંને અબ્રહ્મચર્યના વિચાર આવે. અબ્રહ્મચર્યના વિચાર એ ખુલ્લી પાશવતા છે. જેને સમજદારી નથી, તે અબ્રહ્મચર્યમાં પડે છે. વિષય મુક્તિ થયે ચઢે દસમ ગુંઠાણે જેમાં સ્ત્રી 'પરિગ્રહ' ગણાય છે એ નવમું ગુંઠાણું ઓળંગે એટલે પછી એને કોઈ જવાબદારી ના રહી. નવમું ગુંઠાણું ઓળંગે એટલે કામ થઈ ગયું !!! સ્ત્રીનો પરિગ્રહ, મન-વચન-કાયાથી બંધ થાય ત્યારે વ્યવહારમાં દસમું ગુણસ્થાન ઊભું થાય. જ્યાં સુધી સ્ત્રી પરિગ્રહ ઓળંગ્યો નથી ત્યાં સુધી નવમું યે ઓળંગ્યું કહેવાય નહીં. સ્ત્રીનો વિચાર આવે તોય નવમું ના ઓળંગે, વિષયનો વિચાર આવે તોય નવમું ઓળંગી શકે નહીં, એટલે વ્યવહાર તો તમારે ઊંચો લાવવો જ પડશે ને ? નિશ્ચય જોડે વ્યવહારનેય ઉઠાવી લેવાનો છે. સ્ત્રી પરિગ્રહ છે ત્યાં સુધી વ્યવહાર ગુંઠાણું આઠમાંથી આગળ ખસે નહીં. એ પછી બ્રહ્મચર્યવ્રત પાળે ત્યાર પછી નવમું ગુંઠાણું ઓળંગે. સ્ત્રી નડતી નથી, અજ્ઞાન નડે છે. સ્ત્રી તો ફક્ત કેટલી નડે છે ? જે અવતારમાં મોક્ષે જવાનું હોય તે છેલ્લે દસ, પંદર કે પચ્ચીસ વર્ષ સ્ત્રીની ગેરહાજરી હોવી જોઈએ. તો જ એ ગુણસ્થાનક ચઢે, નહીં તો એ ગુણસ્થાનક ચઢે નહીં. નવમું ગુણસ્થાનક ક્યારે ચઢે ? કે સ્ત્રી જેને ત્યાં હોય નહીં તેને, અગર તો સ્ત્રી ભલે હોય પણ સ્ત્રીના વિચાર ના આવે, વિચાર- વર્તન ના હોય. સ્ત્રી જોડે વાંધો નથી. સ્ત્રી કંઈ નડતી નથી પણ સ્ત્રીના વિચાર, વર્તન ના હોય તો તે નવમું ગુંઠાણું ચઢી દસમામાં આવે. આ કાળમાં 'વ્યવહાર' દસમા ગુંઠાણાથી આગળ જઈ ના શકે અને 'નિશ્ચય' બારમા ગુંઠાણા સુધી જઈ શકે. 'જ્ઞાની પુરુષ'ને કેવું સરસ દેખાતું હશે ! બધે શુદ્ધાત્મા જ દેખાય. અમે નવમા ગુંઠાણામાંથી દસમા ગુંઠાણામાં જ્યારે ખસ્યા, ત્યારથી એય પાર વગરનું સુખ અનુભવ્યું ! એ સુખનો એક છાંટો જો બહાર પડે ને માણસ એ ચાખે તો વરસ દહાડા સુધી તે પરમ સુખિયો થઈ જાય !!! આ વિષયને લીધે જ બધી રીતે અંતરાયું છે ને આ જ મહારોગ છે. જ્ઞાની વર્તે નિરંતર નિર્વિકાર દશામાં પ્રશ્નકર્તા : એકાવતારમાં કર્મો ખપાવી કાઢવાં હોય તો, તે કેવી રીતે ખપે ? દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો બધુંય કરે, અક્રમ વિજ્ઞાની ચાહે સો કરે ! આ અક્રમ જ્ઞાની તો વર્લ્ડની અજાયબી છે ! મને ભેગો થયો તેનું કલ્યાણ થઈ જાય પણ ભેગો થવો જોઈએ. મારે તો 'ઓપન ટુ સ્કાય' જેવું છે. એક વાળ જેટલી પણ ચીજ ગુપ્ત રાખેલી નથી. આ જ્ઞાન થયા પછી અબ્રહ્મચર્યનું મનથી પણ કોઈ દહાડો મેં સેવન નથી કર્યું. વિષય મને વિચાર સરખોય નથી આવતો. સ્ત્રીઓનો દેખીને મને વિષય ઉત્પન્ન ના થાય. કારણ કે મને આત્મા જ દેખાય. નિર્વિચાર દશા, નિરીચ્છક દશા, કોઈ પણ પ્રકારની ઈચ્છા જ જેને નથી. આજ અઠ્ઠાવીસ વર્ષથી અમને (વિષયનો) વિચાર જ નહીં આવેલો. નિર્વિકારી દશા, નિર્વિકલ્પ દશા, કોઈ વિકલ્પ જ નહીં. આ તો જગતનું કલ્યાણ કરી નાખશે ! - જય સચ્ચિદાનંદ |