મોક્ષમાર્ગે પ્રગતિ સધાય, જ્ઞાનીના પરિચયે

સંપાદકીય

અજ્ઞાનથી ચિત્તઅશુદ્ધિ થઈ. ચિત્તશુદ્ધિ ના થાય ત્યાં સુધી પોતાને આત્માનો પરિચય કેમ કરીને થાય ? ચિત્તશુદ્ધિનો ઉપાય છે જ્ઞાની પુરુષનો પરિચય. જ્ઞાની પુરુષ કે જેમને આત્માનો સંપૂર્ણ અનુભવ થયો છે, કષાય-વિષય-મમત્વનું એક પણ પરમાણુ નથી, અહંકાર મુક્ત છે એવા જ્ઞાની પુરુષનો પરિચય થવો એ અપૂર્વ લાભ કહેવાય છે. જ્ઞાની પુરુષ થકી દ્રષ્ટિબદલાય છે અને રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે ને રાઈટ બિલીફ બેસે છે. પોતાને 'સ્વ'નો પરિચય થાય છે અને 'હંુ શુદ્ધાત્મા છું' એ અનુભવ થાય છે. આવો અનુપમ લાભ મળ્યા પછી શું કરવાનું રહે છે ? ત્યારે કહે, પાંચ આજ્ઞા પાળી જ્ઞાનને વધુ ને વધુ જ્ઞાનીના સાંનિધ્યમાં રહી સમજી લેવાનું રહે છે. જ્ઞાન મેળવવા માટે જેટલો જ્ઞાનીનો પરિચય જરૂરી છે, એટલો જ પરિચય સત્સંગનો કેળવવો જરૂરી છે. સત્સંગથી બધા કર્મો ઢીલા થઈ જાય એટલે આજ્ઞા પાળવામાં સરળતા રહે.

જ્ઞાન મળ્યું એટલે લોક પરિચયથી મુક્ત થઈ ગયા, છતાં આપણી દ્ઢ ભાવના હોવી ઘટે કે જ્ઞાનીનો-સત્સંગનો પરિચય તો મળવો જ જોઈએ. જેટલો પરિચય વધુ એટલો લાભ વધુ. કિંમત આજ્ઞાની છે છતાં રૂબરૂ મળવાથી ડિરેક્ટ શક્તિઓ પ્રાપ્ત થાય છે. સંસારના પરિચય માટે આખી જીંદગી કાઢે છે તો પછી પોતાના આત્મકલ્યાણ માટે જ્ઞાનીનો પરિચય શું ના રાખવો જોઈએ ?

મેડિકલ કોલેજમાં એડમીશન મળી ગયું એટલે ઓછા ડૉક્ટર થઈ ગયા કહેવાય ? ડીગ્રી મેળવવા દર વર્ષે અમુક દિવસો કોલેજમાં હાજરી ના આપવી પડે ? અને ધંધો કરતાં હોય તો ધંધા ઉપર ના જાય તો ચાલે ? જે રીતે આ રિલેટિવ ચીજ વસ્તુ પ્રાપ્ત કરવા તેની અગત્યતા મૂકી છે તેમ આત્મા પ્રાપ્ત કર્યા પછી પૂર્ણત્વ પામવા માટે વર્ષના ૩૦૦ કલાક પ્રત્યક્ષ સત્સંગ પાછળ અવશ્ય કાઢવા જોઈએ. છોડ વાવ્યા પછી તેની માવજત ના થાય તો ? પાણીનું સિંચન ના થાય તો ? એવી રીતે જ્ઞાનબીજથી શુદ્ધાત્માની પ્રતીતિ રૂપે છોડનું અંકુરણ તો થયું પણ તેની વૃદ્ધિ માટે, પૂર્ણ અનુભવદશા સુધી પહોંચવા માટે સત્સંગરૂપી પાણીનું સિંચન થવું ખૂબ જ જરૂરી છે.

અત્રે સંકલિત પરમ પૂજ્ય દાદાશ્રીની સત્સંગ સરવાણીમાં આત્મા પ્રાપ્ત થયા પછી આત્મજાગૃતિ માટે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સત્સંગની મહત્વતા દ્રષ્ટિગોચર થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે કરોડો અવતારે જે પ્રાપ્ત ના થાય તે આપણને જ્ઞાની કૃપાથી માત્ર કલાકમાં પ્રાપ્ત થાય છે. પણ એટલેથી પૂરું થઈ જતું નથી. બીજથી પૂનમ સુધી પહોંચવાના પુરુષાર્થની સાચી સમજ પ્રાપ્ત કરી, 'શુદ્ધાત્મા છું'ની પ્રતીતિને અનુભવ સુધી લાવવા માટે પ્રત્યક્ષ સત્સંગની અગત્યતા ખૂબ જ છે. જ્ઞાની પુરુષના હ્રદયનો મર્મ પામવા, સ્પષ્ટવેદન સુધી પહોંચવાના પુરુષાર્થને સાર્થક કરવા પ્રત્યક્ષ સત્સંગ પરિચયનો લાભ લઈ, કૃતાર્થતાને પામીએ એજ ભાવના સાથે...

દીપક દેસાઈ...

મોક્ષમાર્ગે પ્રગતિ સધાય, જ્ઞાનીના પરિચયે

આત્મનુભવ થાય ત્યારે

પ્રશ્નકર્તા : આત્માનુભવ થયો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : 'પોતાની' પ્રતીતિ થાય ત્યારે. 'પોતે આત્મા છે' એવી પ્રતીતિ પોતાને થાય અને 'હું ચંદુલાલ છું' એ વાત ખોટી નીકળી એવો અનુભવ થાય, ત્યારે જાણવું કે અજ્ઞાન ગયું.

જ્ઞાનીઓએ આત્માનો અનુભવ કોને કહ્યો? ગઈ કાલ સુધી જે દેખાતું હતું તે ઊડ્યું ને નવી જ જાતનું દેખાયું. અનંત અવતારથી ભટકતા હતા, ને જે 'રિલેટીવ' દેખાતું હતું તે ગયું અને નવી જાતનું 'રિયલ' દેખાવાનું શરૂ થયું. દ્શ્યને અદ્શ્ય કર્યું ને અદ્શ્ય હતું તે દ્શ્ય થયું. એ આત્માનો અનુભવ ! આત્માનો અનુભવ જેને સંપૂર્ણ થયો છે એ 'જ્ઞાની પુરુષ' કહેવાય. એ આખા બ્રહ્યાંડનું વર્ણન આપી શકે. બધા જ જવાબો આપી શકે. ગમે તેનું પૂછે, ખુદાનું પૂછે, ક્રાઈસ્ટનું પૂછે, કૃષ્ણનું પૂછે કે મહાવીરનું પૂછે તોય 'જ્ઞાની' તેનાં જવાબ આપી શકે.

નિસ્પૃહી પુરુષો અને વીતરાગોની વાણી હ્રદયદ્રાવક હોય ! ચિત્તશુદ્ધિનો નાનામાં નાનો ઉપાય, તે નિસ્પૃહી પુરુષનો પરિચય અને દર્શન અને છેલ્લામાં છેલ્લો ઉપાય 'જ્ઞાની'નું દર્શન ! આ સિવાય ચિત્તશુદ્ધિનો કોઈ ઉપાય જ નથી સંસારમાં.

દાદા સાનિધ્યમાં વર્તે સમાધિ

પ્રશ્નકર્તા : દાદાની પાસે બેસવાથી શાંતિ થઈ જાય અને સંસારભાવ છૂટી જાય છે એ કેવી રીતે બને છે ? એ શક્તિ ખરીને દાદાની ?

દાદાશ્રી : એ દાદાની શક્તિ નથી. બરફની પાસે બેસીએ એટલે સ્વભાવથી જ ઠંડક લાગે એ બરફની શક્તિ નથી. નહીં તો બરફેય બૂમાબૂમ કરે કે, 'મારે લીધે કેવા તમને ઠંડા કર્યા મેં !' મેર, તું શું ઠંડો કરતો'તો ! તારો સ્વભાવ છે એ તો. એટલે અમારા સ્વભાવથી થાય છે.

અમારામાં એક પરમાણુ વિષયનું નથી, એક પરમાણુ મમતાનું નથી, તો પછી મમતા જ જ્યાં ના હોય, અહંકાર ના હોય ત્યાં શું બીજું હોય ? એટલે જોડે બેસે છે એનું તો કલ્યાણ જ થઈ ગયું ને !

અપૂર્વ લાભ, જ્ઞાની પરિચયે

આ જે તમને મારી જોડે પરિચય થયો ને, એ જ ઘણો લાભ થઈ ગયો. આને અપૂર્વ લાભ કહેવાય છે, કોઈ કાળે સાંભળ્યો ના હોય એવો લાભ કહેવાય છે.

ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોયને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોયને ? એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય, એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય. જે એની મેળે પ્રાપ્ત થાય. અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે.

તમારો આત્મા અનુભવેય તમારી દ્રષ્ટિએ સાચો છે, ખોટો નથી પણ અંશ અનુભવ છે અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છે. તે તમને એમાં લાભ થાય, પણ હજુ પ્રગતિ માંડશે ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. જ્ઞાનીના પરિચયમાં વિશેષ રહીને જ્ઞાન બધું સમજી લેવાનું છે. કરવાનું કશુંય નથી. પણ અજ્ઞાને કરીને ઊભા કરેલાંનો જ્ઞાને કરીને છેદ કરવાનો છે. પુદ્ગલમાં જે ખળભળાટ છે તે બંધ થઈ જાય એટલે આત્માનો અનુભવ થાય. પેરાલિસીસ થાય તોય સુખ ના જતું રહે તેનું નામ આત્માનુભવ. માથું દુઃખે, ભૂખ લાગે, બહાર ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ મહીં શાતા જતી નથી એને આત્માનુભવ કહ્યો. આત્માનુભવ તો દુઃખનેય સુખ કરી આપે અને મિથ્યાત્વીને તો સુખમાંય દુઃખ લાગે. કારણ કે દ્રષ્ટિફેર છે. યથાર્થ, જેમ છે તેમ દેખાતું નથી, ઊંધું દેખાય છે. માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બાકી ક્રિયાઓ લાખો અવતાર કર્યા કરશો તોય તેનું ફળ સંસાર જ મળશે.

જ્ઞાની પરિચયથી થાય દ્રષ્ટિફેર

ુ્રશ્નકર્તાઃ આ દ્રષ્ટિબદલવાની શરૂઆત શી રીતે થાય ?

દાદાશ્રી : દ્રષ્ટિ બદલવાની શરૂઆત તો, જ્યારે 'જ્ઞાની પુરુષ' મળે અને એમની પાસે સત્સંગ સાંભળવા આવીએ તો આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય. અત્યારે તમે સાંભળો છો તે તમારી થોડી થોડી દ્રષ્ટિફેર થાય. એમ કરતાં કરતાં અમુક પરિચય થાય એકાદ મહિનો, બે મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. અને નહિ તો 'જ્ઞાની પુરુષ'ને કહીએ કે સાહેબ, મારી દ્રષ્ટિબદલી આપો, તો એક દહાડામાંય, એક કલાકમાં જ બદલી આપે !

'જ્ઞાની'ની દ્રષ્ટિએ દ્રષ્ટિમળી ગઈ કે થઈ રહ્યું ! એના માટે 'જ્ઞાની' પાસે પરિચયમાં રહેવું પડે.

નિવેડાની રીતિ નોખી

હંમેશાં આ દ્રષ્ટિતો કેવી છે ? આમ (આંખ ઉપર આંગળીનું દબાણ આવે તે રીતે) બેઠાં હોય તો આપણને એક જ લાઈટને બદલે બે લાઈટ દેખાય. આંખ જરા આમ થઈ જાય તો બે દેખાય કે ના દેખાય ? હવે ખરેખર તો એક જ છે છતાં બે દેખાય છે. આપણે રકાબીમાં ચા પીતાં હોઈએ તોય ઘણી વખત રકાબીની અંદર એ સર્કલ હોય ને, તે બબ્બે દેખાય. એનું શું કારણ ? કે બે આંખો છે, એટલે બધું ડબલ દેખાય છે. આ આંખોય જુએ છે અને પેલી મહીંલી આંખોય જુએ છે, પણ તે મિથ્યાદ્રષ્ટિછે. એટલે આ બધું ઊંધું દેખાડે છે. જો છતું દેખાડે તો બધી ઉપાધિ રહિત થાય, સર્વ ઉપાધિ રહિત થાય. વીતરાગ વિજ્ઞાન એવું છે કે સર્વ દુઃખોનો ક્ષય કરનારું છે, એ વિજ્ઞાન જ એવું છે કે સર્વ દુઃખોથી મુક્ત કરે. અને 'વિજ્ઞાન' જ એવું હોય, વિજ્ઞાન હંમેશાં ક્રિયાકારી હોય. એટલે એ વિજ્ઞાન જાણ્યા પછી વિજ્ઞાન જ કામ કર્યા કરે, તમારે કશું કરવાનું નહિ. તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી બુદ્ધિ છે. અને જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે અને અહંકાર છે ત્યાં સુધી આનો નિવેડો લાવવો હોય તોય નહિ આવે.

'ઈગોઈઝમ' જ અધર્મ છે અને 'ઈગોઈઝમ' નથી તે જ ધર્મ છે. પ્રત્યક્ષ 'જ્ઞાની'ની હાજરી સિવાય 'ઈગોઈઝમ' ઘટે તેમ જ નથી.

અજ્ઞાનના પરિચયે ઊભી શંકા

શાસ્ત્રો જો બહુ જ વાંચ વાંચ કર્યા હોય ને, તે બધું આગળ આગળ પડઘા પાડ્યા કરે. એટલે માણસ ત્યાં આગળ ગૂંચાઈ જાય. અને ગૂંચાઈ જાય એટલે સંદેહ ઊભા થાય, શંકા ઊભી થાય. એ શંકાઓ જ આ સંસારની બહાર નીકળવા દેતી નથી. ઘણા કાળનો શાસ્ત્રનો પરિચય હોય એટલે પછી આપણને મહીં શંકાઓ ઊભી થાય. એટલે જેટલું જાણે છે એટલું એ તો ઊલટું વધારે ખૂંચે. એ જાણેલાને ભગવાને 'ઓવરવાઈઝપણું' કહ્યું છે.

જ્ઞાની પરિચયે વૃદ્ધિ થાય સમ્યક્

અહંકાર હોય એટલે એ લાઈટ બુદ્ધિ સ્વરૂપે હોય છે. બુદ્ધિ એ પરપ્રકાશક છે, એટલે આપણે સ્વરૂપને જોવું હોય તો ના જોવા દે. આ બધી બુદ્ધિ વિપરીત કેમ કહેવાય છે ? ત્યારે કહે, કે સ્વાભાવિક બુદ્ધિ નથી એટલે. સ્વાભાવિક નથી એટલે સંસારાનુગામી છે માટે વિપરીત કહેવાય. આપણને સંસારમાં ભટકાવનારી છે. ભલે ને દેવગતિમાં ગયા પણ પાછું અહીં ગધેડા થવાનું ! એવું આ ચાર ગતિમાં ભટક ભટક ભટક ! એટલે બુદ્ધિ ભટકાવનારી છે.

ભૌતિક સુખોમાં સુખ દેખાડે, એ વિપરીત બુદ્ધિ કહેવાય અને સુખ મોક્ષમાર્ગમાં છે અગર તો આત્મામાં છે એવું જે દેખાડે એ સમ્યક્ બુદ્ધિ કહેવાય. વિપરીત બુદ્ધિનું જોર બહુ છે, જબરજસ્ત. એટલા માટે અમે તમારી બુદ્ધિ સમ્યક્ કરવા માટે આવાં તમને પ્રશ્નોના જવાબ આપીએ અને તમને ખુલાસા થાય, બધી જાતના ખુલાસા થાય.

આ વિપરીત બુદ્ધિ છે, એને સમ્યક્ કરવાની છે. વિપરીત બુદ્ધિ સમ્યક્ કેમ કરીને થાય ? એક જ સમ્યક્ બુદ્ધિવાળાને જુએ, એટલે વિપરીત બુદ્ધિવાળો જાણે કે આપણું ખોટું છે આ. એટલે ફેરવી નાખે તરત, જુએ તો. કહેવાથી, ઉપદેશથી ના ફરે, ઉપદેશથી ફરે જ નહીં, જોવાથી જ ફરે.

ુ્રશ્નકર્તાઃ માણસની પાસે કદાચ સમ્યક્ બુદ્ધિ હોય, વિપરીત બુદ્ધિ ના હોય, એવું ના બને ?

દાદાશ્રી : એ સમ્યક્ બુદ્ધિ કેવી રીતે આવે ? સમ્યક્ બુદ્ધિ ક્યારે આવે ? જ્ઞાનીને ભેગો થયેલો હોવો જોઈએ અગર તો પૂર્વે સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થયેલી હોય તો, નહીં તો સમ્યક્ બુદ્ધિ હોય નહીં.

પ્રશ્નકર્તાઃ પણ એ તો વિપરીત બુદ્ધિ ઘટે ને સમ્યક્ બુદ્ધિ વધે તો ?

દાદાશ્રી : સમ્યક્ બુદ્ધિ ક્યાંથી લાવે ? સમ્યક્ બુદ્ધિ, એ કંઈ ખાણ નથી. સમ્યક્ બુદ્ધિ તો પ્લેટેડ વસ્તુ છે. બુદ્ધિ ઉપર પ્લેટિંગ (ઢોળ) કરે એવું હોય છે. અને તે એનું પ્લેટિંગ જ્ઞાની પુરુષ એકલા જ કરી શકે. તમારી બુદ્ધિ અમે પ્લેટિંગ કરી નાખીએ તો સમ્યક્ બુદ્ધિ થાય, નહીં તો ત્યાં સુધી વિપરીત બુદ્ધિ કહેવાય.

જ્ઞાની પુરુષ પાસે સત્સંગમાં બેસે, પરિચય સેવે ત્યારે એ વિપરીત બુદ્ધિ સમ્યક્ બુદ્ધિ થાય. તમે મારી જોડે બેસો, વાત સાંભળ સાંભળ કરો તો આની આજ બુદ્ધિ ફેરફાર થઈ જાય, સમ્યક્ થઈ જાય અને સમ્યક્ થઈ એટલે પછી ઈમોશનલ ના કરે. એ બુદ્ધિ એવી સરસ ચલાવે ને મોક્ષમાં લઈ જાય, એવા વિચારોવાળી થાય. એ બુદ્ધિ કામ લાગે. ત્યાં સુધી તો આ વિપરીત બુદ્ધિ. કિંચિત્માત્ર ભાન નથી જીવને. ભટક ભટક કરવાનો શું હેતુ ? શેને માટે જન્મે છે ? જીવન શું છે ? શેને માટે ખઉં છું, પીવું છું ? કશું ભાન નથી. એમ ને એમ ઉઘાડી આંખે જગત ઊંઘે છે. એમ કેમ પોષાય ? હિન્દુસ્તાનમાં જન્મ્યા અને ઉઘાડી આંખે ઊંઘીએ એ કેમ પોષાય ?

એકાદ પ્રશ્ન પૂછવાનો વાંધો નહીં, કે આવા સંજોગો આવે તો અમારે શું કરવું એવું બધું અહીં પૂછી શકાય. તો હું તેનો ખુલાસો આપું. આ જ્ઞાન ના હોય તો સમ્યક્ બુદ્ધિથીય ઉકેલ આવે, પણ સાંભળ્યું હોય તો. તે વખતે મારા શબ્દો હાજર થાય. કારણ કે અમારું વચનબળ હોય એટલે શબ્દો હાજર થાય.

આવરણ ભેદી શબ્દો પહોંચે આત્માને

પ્રશ્નકર્તાઃ કોઈ પણ માણસ દાદા પાસે આવે, એટલે દાદાનું જે જ્ઞાન છે એ એની બુદ્ધિથી જ એણે પહેલાં સમજવાનું ને ? દાદાનું 'જ્ઞાન' લીધા પછી બુદ્ધિની વાત પર બની જાય ?

દાદાશ્રી : પછી છે તે બુદ્ધિનું ચલણ જ બંધ થઈ જાય. પછી ચલણ છે તે પ્રજ્ઞાનું થાય. પ્રજ્ઞાનો સ્વભાવ છે કે નિરંતર મોક્ષે લઈ જવા માટે જ તમને ચેતવ ચેતવ કર્યા કરે.

અધ્યાત્મ સમજવા માટે અહીં આવે એ તો બુદ્ધિથી નથી સમજતો. મારી પાસે બુદ્ધિથી સમજી શકે જ નહીં કોઈ માણસ. કેમ કે હું જે વાણી બોલું છુંને, તે વાણી આવરણો તોડીને આત્માને ટચ થાય છે અને એને પોતાને સમજાય છે. બાકી હું જે બોલું છે એને બુદ્ધિ વિશ્શલેષણ કરી શકે જ નહીં. ઊલટી બુદ્ધિ થાકી જાય. બુદ્ધિ આપણને હેરાન કરી નાખે. એ બુદ્ધિને આમાં વાપરવી જ નહીં. એની જરૂરિયાત જ નથી રહેતી.

આ હું જે બોલું છું એ આવરણભેદી શબ્દો છે. એટલે આવરણ ભેદીને એના આત્માને પહોંચે છે અને હું શું કહું છું કે તમારો આત્મા કબૂલ કરે તો જ એક્સેપ્ટ કરજો. ને તમારો આત્મા કબૂલ કરે છે. એટલે આમાં હવે બુદ્ધિ છેટી રહે છે.

પ્રશ્નકર્તાઃ તો દાદાનું જ્ઞાન લીધા પછી મહાત્માઓને દાદા પાસે વારંવાર આવવાનું મન થાય તે પ્રજ્ઞાથી કે બુદ્ધિથી ?

દાદાશ્રી : બુદ્ધિ ને પ્રજ્ઞાનું બેઉનું કામ નથી. પ્રજ્ઞા ને બુદ્ધિનું કામ જુદું છે. અમુક ભાગ પ્રજ્ઞાનો. બીજું આ તેડી લાવે એ બધું પુણ્યૈનું !

પ્રશ્નકર્તાઃ હા, એ બરોબર છે પણ એ પાછંુ પ્રજ્ઞા કામ કરતી હોય ત્યારે થાયને ?

દાદાશ્રી : પ્રજ્ઞા એ કામ કરતી હોય, તો બધા મહાત્મા આવવા જોઈએને ! પણ બધા આવી શકતાં નથી. કહે છે ને, મારે હમણે થોડી પુણ્યૈ કાચી પડી જાય છે. પ્રજ્ઞા જ એના માટે જવાબદાર હોય તો તો બધાય આવવા જોઈએને ?

પુણ્યથી પ્રાપ્ત સુસંયોગ

આ તારો અમારી સાથેનો સંજોગ પુણ્યના આધારે છે. તારું પુણ્ય ખલાસ થાય એમાં અમે શું કરીએ ? અને તું માની બેસે કે આ સંજોગો જ મારે જોઈએ. પછી શું થાય ? માર ખાઈ જશે. માથું હઉ તૂટી જશે. જેટલો મળ્યો એટલો લાભ. એનો આનંદ માણવો, કે મારું પુણ્ય જાગ્યું છે. તું એમ માને છે કે આ ધારેલો સંયોગ ભેગો થાય ?

પ્રશ્નકર્તા : એવું નહિ.

દાદાશ્રી : ત્યારે ? કોઈ કાયદેસર જ છે ને કે ગેરકાયદેસર હશે ?

પ્રશ્નકર્તા : કાયદેસર જ.

દાદાશ્રી : ત્યાર પછી માની બેસીએ તો શું થાય ? એ તો કો'ક ફેરો પુણ્ય જાગે ત્યારે ભેગો થઈ જાય, પછી વિખૂટા પડે ત્યારે ખબર પડી જાય. માટે વિખૂટા પડેલી સ્થિતિમાં અનુભવ કર્યો હોય તો પછી આપણને વાંધો નહીંને ?

ભાગેડુ વૃત્તિથી કંઈ કર્મથી છૂટાય ? હું વડોદરામાં હોઉં, તું વડોદરામાં હોઉં તોય કર્મ ભેગાં નહિ થવા દે. આ જ્ઞાન આપેલું છે. જે વખતે જે ભેગું થયું તે 'વ્યવસ્થિત' ને તેનો સમભાવે નિકાલ, બસ આટલી જ વાત છે.

દાદાની પાસે પુણ્ય હોય ત્યાં સુધી વખત મળી આવે, એ પુણ્યનો ઉપકાર માનવાનો. આ કાયમનું તો હોતું હશે કંઈ ? એવી આશાયે કેમ રખાય ?

જ્ઞાનીનું સાંનિધ્ય એ જ મોક્ષ

આ તો દાદાને મળવાનું એટલું જ કારણ છે કે સ્પીડી ઉકેલ આવે, જલદી. અને મારી જોડે છ મહિના ફરે તો ખલાસ થઈ ગયુંને ! સ્પીડી એનો મેળ પડી જાય. સત્સંગથી બધાં કર્મો ઢીલાં થઈ જાય. ઢીલાં થઈ જાય એટલે આજ્ઞા પાળવામાં સરળતા થાય.

હજુ કેટલા કલાકોનો તમારો-મારો પરિચય છે કહો ? આ બધો મૂળ તો લોક પરિચય, એમાં રહીનેે મોક્ષમાર્ગને પામવા હારુ આખી જિંદગી કાઢતા હતા. પણ આ તો રોકડો મોક્ષ મળે છે, એના માટે ટાઈમ કાઢવાનો છે. પેલો મોક્ષમાર્ગ તો આગળ પાછો ભૂલોય પડે, છતાં તેને માટે આખી જીંદગીઓ કાઢતા હતા, તો આને માટે પરિચય ના જોઈએ ?

જ્ઞાન મળ્યું એનો અર્થ એવો કે આપણે લોક પરિચયથી મુક્ત થઈ ગયા. છતાં આપણે એવી સ્ટ્રોંગ ભાવના જોઈએ કે જ્ઞાનીનો પરિચય મળવો જોઈએ. નિરંતર આવતાં-જતાં ગમે ત્યારે, જેટલો આ પરિચય એટલો લાભ.

પ્રશ્નકર્તા : મારે શું થાય છે કે, મારી તબિયત જરા નબળી રહેને એટલે દાદાનો લાભ લેવાય નહીં, એ જરાક અંતરાય છે.

દાદાશ્રી : એવું છે ને, આ દાદાનો લાભ તો જેટલા દહાડા મળ્યો એટલા દહાડા ખરો. એટલે જેટલો લેવાય એટલો લેવો. હવે અહીં (દાદા) આવે કે તરત લેવો. ના આવે ત્યાં સુધી નિદિધ્યાસનમાં રહેવું. દાદા એટલે કોણ ? નિદિધ્યાસનથી દાદા હાજર થાય, પણ આજ્ઞા એ મુખ્ય દાદા, એમની આજ્ઞા પાળવાનો જ મોટો ધ્યેય રાખવાનો, બીજું કશું કરવા જેવું નથી. કિંમત આત્માની છે, રૂબરૂ તો ફક્ત ડિરેક્ટ શક્તિઓ મળે એટલા માટે છે. આ દેખાય છે એ દાદા ન્હોય. આ દાદાથી 'અમે' તો છૂટા થઈ ગયા છીએ. તમે સંભારો તો 'દાદા' તમારી જોડે જ હોય.

પ્રશ્નકર્તા : આ દાદાથી પણ આપ છૂટા થયા છો ?

દાદાશ્રી : છૂટા રહીએ છીએ. તેથી તમને બધાંને લાભ થાયને ! અહીંયા જે સંભારે તેનું ત્યાં (પહોંચી જાય). અમે બોલીએ છીએને, કે ભઈ, અમે છૂટા છીએ. આ દેખાય એ દાદા ન્હોય, આ તો પબ્લિક ટ્રસ્ટ ! જેના હાથમાં આવ્યું તેના બાપનું. અમારા હાથમાંય નથી.

સંસાર પરિચય છૂટ્યે વિસારે પડે

અમને સંસાર વિસારે પડી ગયો હોય. અમને સહી કરતાંય આવડતી નથી. પંદર-વીસ વરસથી કશું લખ્યું જ નથી એટલે બધું વિસારે પડી ગયું છે. આ સંસાર એની મેળે વિસારે પડી જાય એવો છે. એના માટે આટલા બધા પ્રયોગ કરવાની જરૂર નથી. પરિચય છૂટ્યો કે વિસારે પડે. એટલે પરિચય છૂટવો જોઇએ. સાધારણ વ્યવહારનો વાંધો નથી, પણ પરિચયનો વાંધો છે.

પ્રશ્નકર્તા : આ સંસારના પરિચયથી જ બધો ડખો થઈ જાય છે ને ?

દાદાશ્રી : આપણે ડખા વગરના થયા એટલે બધા ડખાવાળા બેઠા હોય તોય આપણને શું અડે ? 'અમે' તો મૂળથી ડખા વગરના માણસ. 'અમારી' હાજરીથી જ બધો ડખો જતો રહે. 'જેને' 'આત્મા'માં જ મુકામ છે, 'તેને' શી ભાંજગડ ? મુકામ જ 'આત્મા'માં છે, 'તેને' વ્યવહાર નડતો નથી.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જ્યાં ભય લાગે ને, ત્યાં મન વારંવાર જાય છે.

દાદાશ્રી : મનને અને આપણે લેવાય નહીં ને દેવાય નહીં, નહાવાનુંય નહીં ને નીચોવવાનુંય નહીં. બાજુની રૂમમાં લોક ધાંધલ કરતાં હોય, વાતો કરતાં હોય, ઉપર માથાફોડ કરતાં હોય તો આપણે શું લેવાદેવા ? એવું આ જોડેની રૂમમાં (આ દેહમાં) મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. બધા કૂદાકૂદ કરતાં હોય ને તો આપણે શું ? આપણે જોયા કરવાનું.

(આ જ્ઞાન પછી) આપણે શુદ્ધાત્મા થયા. અનાદિનો અજ્ઞાનનો પરિચય હતો ને, તે હજુ અજ્ઞાન ઊભું થયા કરે. તે આપણે એમને કહીએ કે 'હવે તમે ગમે તેવી બૂમો પાડો તોય અમે સાંભળવાનાં નથી.' તો પણ અનાદિનો પરિચય, તે ટેવ જાય નહીં.

શુદ્ધાત્માની ગાદી પર બેસવાનો પરિચય

જગત આખું પ્રતિપક્ષી ભાવથી કર્મ બાંધે છે. સ્વરૂપજ્ઞાનીને પ્રતિપક્ષી ભાવ ના હોય. અસર થાય પણ કર્મ ના બંધાય ! અને જ્યારે પરાક્રમ ઊભું થાય ત્યારે તો અસર પણ ના થાય. અસરમાં શું થાય કે કોઇ ગાળ ભાંડે તો 'આ મને આવું બોલ્યા જ કેમ ?' એમ થાય. પણ પરાક્રમ શું કહે છે કે, 'તે તારી ભૂલ હશે માટે જ કહે છે, ને ખોટ ગઇ તે વેપાર કરતાં આવડતું નથી તેથી.' આમ પોતે પોતાની જોડે વાતચીત કરીએ તો પોતાની ઓળખાણ થાય, (પોતાનો) પરિચય થાય. 'પોતાની' ગાદી પર, શુદ્ધાત્માની ગાદી પર બેસવાનો પરિચય થાય. આ તો ગાદી પરથી તરત ઊઠી જાય છે ! એ અનાદિકાળ (દેહાધ્યાસ)નો પરિચય છે તેથી અને ભોગવટો બાકી રહ્યો છે તેથી !

પ્રેક્ટિસથી ખીલે દીવ્યદ્રષ્ટિ

હવે બહાર જશો તો વાપરશો ને દિવ્યચક્ષુ ? એવું છે ને, અનાદિનો અજ્ઞાન પરિચય છે, તે આનાં માટે થોડું પ્રેક્ટિસમાં લેવા માટે બે-ચાર વખત અભ્યાસ કરશો ને પછી ચાલુ થઈ જશે.

પરિચયથી પામ્યા પ્રતીતિ

તમારે આત્માનું લક્ષ કેટલો વખત રહેતું હશે ?

પ્રશ્નકર્તા : રહ્યા જ કરે છે.

દાદાશ્રી : નિરંતર રહે. એટલે જેણે મારી જોડે વધારે પરિચય રાખ્યો છેને, એને નિરંતર એવું રહે. કારણ કે આ આત્માનું અનુભવ જ્ઞાન છે. આત્માનું લક્ષ બેઠેલું છે, તે નિરંતર રહે.

પ્રશ્નકર્તા : પણ ઓફીસમાં કામમાં હોય ત્યારે નિરંતર નથી રહેતું.

દાદાશ્રી : કામમાં હોય ત્યારે નથી રહેતું એનો અર્થ એ કે તે ઘડીએ લક્ષમાં નથી રહેતું, પણ પ્રતીતિમાં હોય છેને !

પ્રશ્નકર્તા : પ્રસંગ આવે ત્યારે જ્ઞાન હાજર ના રહે, પણ પછી હાજર થાય તો આપણે શું સમજવું ? આપણી સમજમાં ઊણપ, પુરુષાર્થમાં કચાશ કે જાગૃતિનો અભાવ ?

દાદાશ્રી : આમાં જાગૃતિનો અભાવ, પુરુષાર્થની કચાશ કે સમજમાં ઊણપ નથી. ફક્ત એ પ્રસંગે જ્ઞાન હાજર ના રહે. અત્યારે કોઈની જોડે છે તે લેવડ-દેવડનો હિસાબ કરતો હોય, તે વખતે લક્ષ ના રહે કોઈ દા'ડોય. તે ઘડીએ શું રહે ?

પ્રશ્નકર્તા : તે વખતે કમ્પ્લિટ ધ્યાન એ લેવડ-દેવડમાં જ હોય.

દાદાશ્રી : તે ઘડીએ લક્ષ ના રહે એટલે તમને એમ લાગે કે આ મહીં એકાકાર થઈ ગયું, પણ પ્રતીતિ જતી નથી. નિરંતર પ્રતીતિ રહે જ !

પ્રશ્નકર્તા : એટલે પાછું એ કામકાજ દૂર થાય એટલે ફરી મૂળ સ્વરૂપમાં આવી જવાય ?

દાદાશ્રી : નિરંતર પ્રતીતિનો તાર છે માટે એ મૂળ સ્વરૂપમાં અવાય છે, નહીં તો ના અવાય. નિરંતર તાર છે એ નિરંતર પ્રતીતિ એટલે ક્ષાયક સમકિત કહેવાય. તે આ નિરંતર પ્રતીતિને લઈને એની જોડે ભાંજગડ પૂરી થઈ કે પાછો 'હું શુદ્ધાત્મા' થઈ ગયો, એ જ લક્ષ. પછી લક્ષમાં અવાય અને લક્ષમાં આવ્યા પછી જો કદી એકાંત મળી ગયું કોઈ જગ્યાએ, તો અનુભવમાંય અવાય. અનુભવ રસ ચાખે એટલે પોતાનો જે આત્મસ્વભાવ છે એનો અનુભવ વર્તે, લક્ષ વર્તે, પ્રતીતિ વર્તે. આ ત્રણ પગથિયાથી નીચે ઊતરે નહીં. નિરંતર પ્રતીતિવાળું છે આ. ક્રમિક માર્ગમાં તો પ્રતીતિ ક્ષયોપશમ હોય. ઘડીમાં પ્રતીતિ હોય, ઘડીમાં ઊડી ગયેલી હોય. ઘડીમાં ઉપશમ થયેલી હોય, ઘડીમાં એ ક્ષય થયેલી હોય અને આ તો નિરંતર ક્ષાયક પ્રતીતિ કહેવાય. ચોવીસ કલાક પ્રતીતિ જાય નહીં. નિરંતર, આખી જિંદગી સુધી 'હું શુદ્ધાત્મા છું' એ પ્રતીતિ જાય નહીં. અને પહેલાં ચોવીસેય કલાક 'હું ચંદુભાઈ છું' એ પ્રતીતિ જાય નહીં. પહેલાં તમારે ચોવીસ કલાક 'હું ચંદુભાઈ છું' એવી પ્રતીતિ રહેતી હતી ?

પ્રશ્નકર્તા : હા, પહેલા એવું જ હતું.

દાદાશ્રી : નિરંતર, ચોવીસેય કલાક ? થોડીવાર 'આત્મા છું' આવતું હશે ?

પ્રશ્નકર્તા : ના રે ના. જનરલ મેનેજર છું ને આ છું ને તે છું બધું એવું રહેતું હતું.

દાદાશ્રી : એ પ્રતીતિ એટલે રોંગ બિલિફ, એનું નામ મિથ્યાત્વ. અને આ પ્રતીતિ એ રાઈટ બિલિફ, એનું નામ સમ્યક્ દર્શન. જો આ સમ્યક્ દર્શન ઉત્પન્ન થયું છે, વળી ક્ષાયક !

પ્રશ્નકર્તા : આમ તો અંદરથી છૂટો છું એવું જ, આમ સમજણમાં બરાબર છે પણ આમ કોઈવાર હજી ભેળસેળ થઈ જાય છે એવું લાગે.

દાદાશ્રી : ના, એમ નહીં. તમને પૂછે કે તમે ચંદુલાલ છો કે શુદ્ધાત્મા, તો શું કહો ?

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા. એમાં તો વિકલ્પ જ નથી.

દાદાશ્રી : તો પછી એ જ કહેવાનું. બીજું તમારે આમ રહે છે કે નથી રહેતું એ જોવાનું નહીં. એવું કશું જોવાનું જ ના હોય. તમારી પ્રતીતિમાં શું છે, એટલું જ જોવાનું હોય.

પ્રશ્નકર્તા : પ્રતીતિમાં તો દાદા મળ્યા એટલે બધું સચોટ થઈ ગયું.

દાદાશ્રી : બસ, એટલું જ જોવાનું હોય. બીજું પેલું કશું જ જોવાનું ના હોય. એ નિરંતર પ્રતીતિનો તાર છે અને તેથી લક્ષ બેસે, નહીં તો લક્ષ રહે નહીં. લક્ષ બેસે જ નહીંને ! અને કોઈની જોડે વાતો કરીએ ત્યારે લક્ષ ચૂકી જઈએ, પણ વાતો પૂરી થાય કે પાછું લક્ષ આવી જાય.

એ નિરંતર પ્રતીતિનો તાર, ક્ષાયક સમકિત, ક્ષાયક સમ્યક્ દર્શન, એ સિદ્ધ ભગવાનના આઠ ગુણોમાંનો એક ગુણ. એટલે ૧/૮ સિદ્ધ દશા અહીં ઉત્પન્ન થાય છે.

એટલે આપણે પ્રતીતિ બેસવી જોઈએ. 'આપણે કોણ છીએ' એવી પ્રતીતિ બેસે એટલે છૂટકારો થઈ જ ગયો. પ્રતીતિ એટલે વિઝા મળી ગયા મોક્ષના અને પછી ટિકિટ મળી જાય એટલે ઉકેલ આવી ગયો. ટિકિટ ના હોય તોય ભાંજગડ, વિઝા ના હોય તોય ભાંજગડ. બન્ને ભેગું થયું એટલે જ્યારે તારીખ આપે એટલે જશો. એ તારીખે નહીં નિવેડો આવે તો બીજી તારીખ ગોઠવી દો. પણ આ બે ભેગું થયું કે ચાલ્યું.

'સંગનો રંગ' પ્રતીતિના પ્રતાપે

અહીં જ્ઞાન આપ્યા પછી બીજે દહાડેથી આપણને આત્માની પ્રતીતિ બેસે છે. પ્રતીતિ બેસતી નથી બીજે દહાડે ?

પ્રશ્નકર્તા : હા, બેસી જાય છે.

દાદાશ્રી : પછી એથી વધારે શું જોઈએ ? આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે જેનાથી બીજે દહાડે આત્માની પ્રતીતિ બેસે.

પ્રશ્નકર્તા : દાદા, એ કોઈને પ્રતીતિ તો ખાલી પુસ્તકો વાંચવાથી પણ થાયને ?

દાદાશ્રી : ના, એ પ્રતીતિ ના કહેવાય.

પ્રશ્નકર્તા : દાદાની આપ્તવાણી ને આપ્તસૂત્ર એવાં છે કે દાદાને ન મળ્યા હોય તોય એમાં પ્રતીતિ જેવું લાગે છે.

દાદાશ્રી : એ પ્રતીતિ તો બુદ્ધિની પ્રતીતિ, આ મૂળ પ્રતીતિ ના કહેવાય. એ કામમાં લાગે જ નહીં. એ ક્યારે ફરી જાય એ કહેવાય નહીં. એ તો હમણે સર્ટિફિકેટ આપે અને પછી બે કલાક પછી બીજું સર્ટિફિકેટ આપે. પ્રતીતિ એટલે ફરી જાય નહીં, એનું નામ પ્રતીતિ કહેવાય. આ તમને બેઠી પ્રતીતિ. પ્રતીતિ એનું નામ કહેવાય કે હવે એ જગ્યા છોડે નહીં. પછી પાછું બહુ માર પડે તો આમ થઈ જાય, આમ થઈ જાય (વાંકીચૂકી થાય) પણ જગ્યા ના છોડે.

તમને એ જ પ્રતીતિ આપેલી છે. ગમે એટલું સંસારનું દબાણ આવે, ભયંકર દબાણ આવે, તે સામે ફાંસી આવીને ઊભી રહે તોય પણ પ્રતીતિ ના જાય. પ્રતીતિ સનાતન વસ્તુ છે. એ કંઈ એવી વસ્તુ નથી શ્રદ્ધા-ખાતરી જેવી, એ શ્રદ્ધા તો ઊઠી યે જાય કાલે સવારે. પ્રતીતિ ના જાય. ખાતરી તો ખસી જાય, પણ પ્રતીતિ ના ખસે.

પ્રતિ + ઇતિ, ઇતિ શબ્દ આત્માને લાગુ થાય છે. જેમ નેતિ કહે છે ને, ન-ઇતિ, ન-ઇતિ એવું ઇતિ આત્માને લાગુ થાય છે, પ્રતીતિ. એક આત્મા સિવાય વર્લ્ડમાં બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ શબ્દ બોલાય નહીં. અને પ્રતીતિ એ ક્યારેય પણ ઊઠે નહીં. મારી નાખે તોય જાય નહીં. એ મોંઢે બોલે ખરાં કે તમારા ઉપર બિલકુલ શ્રદ્ધા નથી, આમ છે તેમ છે. ગાંડું-ઘેલું બોલે તોય પણ પ્રતીતિ બેઠેલી જાય નહીં. ક્ષાયક પ્રતીતિ છે. કંઈ જેવી તેવી વસ્તુ છે તે ? કૃષ્ણ ભગવાને પ્રાપ્ત કરી હતી એવી ક્ષાયક પ્રતીતિ છે. આ ચોંટી તે ચોંટી. તો પછી થોડા કલાકમાં કેમ મારી જોડે સંગ તૂટતો નથી એનો ? પરિચય તો લાંબો થયો નથી, એ પ્રતીતિનો પ્રતાપ. મારી જોડે વાંકોચૂકો થઈ જાય, એ એનો કર્મનો ઉદય એવો હોય ત્યારે બિચારાનો. એ હું સમજું પણ એની પ્રતીતિ નહીં જાય.

પ્રશ્નકર્તા : એટલે એકદમ દ્ઢ ખાતરી થઈ જાય એ પ્રતીતિ ?

દાદાશ્રી : ખાતરી એટલે પ્રોમિસ. આ પ્રોમિસ ભંગ થતાં કેટલી વાર લાગે ? આ તો પ્રતીતિ ! અને તે કઈ પ્રતીતિમાં તમને બેસાડ્યા છે ? આ પ્રતીતિમાંય નહીં, તમને ગાઢ પ્રતીતિમાં બેસાડ્યા છે. તીર્થંકરો અવગાઢ પ્રતીતિમાં હતા.

અમને અવગાઢ પ્રતીતિ હોય. ભલે તીર્થંકર નથી પણ અમને અવગાઢ પ્રતીતિ હોય. તમને ગાઢમાં બેસાડેલા છે. અને ક્રમિક માર્ગમાં પ્રતીતિ શબ્દથી હોય, આ અક્રમ માર્ગમાં અનુભવથી હોય. પછી લક્ષણ ઊભાં થાય, ક્ષમાનાં લક્ષણ દેખાય, નમ્રતાનાં લક્ષણ દેખાય, સરળતાનાં લક્ષણ દેખાય, સંતોષનાં લક્ષણ દેખાય. બધાં લક્ષણો દેખાય. આ પ્રતીતિ બેઠાંનું લક્ષણ શું ? ત્યારે કહે, આ બધાં લક્ષણો દેખાય. હમણાં કોઈ તમને ભારે ગાળો બોલી જાય ને તે તમે ઊકળો અને પછી છેવટે એને ક્ષમા આપી દો. પહેલાં હતાં એ ચંદુલાલ તમે ન્હોયને અત્યારે ?

પ્રશ્નકર્તા : એ ઘણો ફરક છે.

દાદાશ્રી : એટલે પ્રતીતિ બેઠી છે તેને લીધે. પાછી નમ્રતા, એય તમને દેખાતી હશે કે પહેલાં નમ્ર ન્હોતો, અક્કડ હતો અને અક્કડમાંથી ક્યાંથી અકડાઈ ઓછી થઈ ગઈ ! સરળતા તો હતી જ જાણે કે પણ વાળનાર જોઈએ સારો માણસ. પછી સંતોષ ન્હોતો, તેય સંતોષ ઉત્પન્ન થયો. કંઈક તો ઉત્પન્ન થયોને ! વ્યવસ્થિતને તાબે છે ને એમ કહીએ એટલે એનું નામ સંતોષ ને હું કર્તા ત્યાં અસંતોષ.

કર્તાભાવથી ભાવકર્મ

'હું કર્તા છું' એ ભાન રાખવું, તે જે કંઈ થાય એ ભાવકર્મ કહેવાય. 'હું આનો કર્તા છું', એ ભાવકર્મ. ભોક્તા ભાવે ભોગવ્યું એ પણ ભાવકર્મ કહેવાય. આ જ્ઞાન પછી આપણે ભોક્તા ભાવે ભોગવતા નથી, નિકાલ ભાવે ભોગવીએ છીએ. 'હું કર્તા નથી, આ વ્યવસ્થિત કર્તા છે' એવું તો રહ્યું છે ને ? ત્યાર પછી શું ? તો ભાવકર્મ ઊડી ગયા.

સંજોગોના દબાણથી બદલાઈ બિલિફ

પ્રશ્નકર્તા : ભાવકર્મ કોને થાય છે, એ જરા સમજવું છે. આ ભાવકર્મ કોણ કરે છે ?

દાદાશ્રી : એ તો એવું છે ને, ભાવકર્મ એ વસ્તુસ્થિતિમાં આત્માની જ શક્તિ છે. એ (વ્યવહાર) આત્માની બિલિફ ચેન્જ થાય છે. એની બિલિફ જ, જ્ઞાનને કશું થતું નથી. બિલિફને જ થાય છે.

હવે ભાવકર્મ કેમ થાય છે ? ત્યારે કહે, આત્મા તો જોઈ-જાણી શકે એવો છે. પણ આ સમસરણ માર્ગમાં જે બધા સંજોગો ભેગા થયા, એ બધી છ વસ્તુઓ, તેને લઈને પડદા, આંખો પર (દ્રવ્યકર્મ રૂપી) પાટા બંધાય છે. આ આઠ (દ્રવ્ય) કર્મમાંથી ચાર કર્મ (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય)ના આંખે પાટા બાંધ્યા છે અને બીજા જે ચાર કર્મ (નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ, વેદનીયકર્મ) આમ દેહથી ભોગવવાનાં.

દ્રવ્યકર્મ એ ચાર કર્મના પાટા બંધાય છે ને તેને લીધે બધું ઊંધું દેખાય છે ને બધું ઊંધું ચાલ્યા કરે છે. પોતાની જાતને માને છે ઊંધું એ ભાવકર્મ. એ જ્ઞાન આપીએ એટલે પાટા નીકળી જાય. પછી પાછું સીધું ચાલે. પણ એ ભાવકર્મનો કર્તા કોણ છે ખરેખર ? ત્યારે કહે, અહંકાર. જે ભોગવે છે તે. આત્મા આમાં ભોગવતો નથી.

તૂટે આવરણો સત્સંગથી

પ્રશ્નકર્તા : એ ભાવનું મને બરોબર હજી સમજાયું નથી.

દાદાશ્રી : આ આખી જીંદગીનું જે કારણ એ કૉઝિઝ છે, તે આવતે ભવ પાટારૂપે આવે છે. આવરણરૂપે એટલે પાટા, પણ જરાં લીલું હોય તો લીલું દેખાય, પીળું હોય તો પીળું દેખાય. એટલે ભાવ જુદા જુદા ઉત્પન્ન થાય લોકોને !

પ્રશ્નકર્તા : તો પાછું આ દ્રવ્યકર્મ એ આવતા ભવનું કારણ થયુંને ?

દાદાશ્રી : આવતા ભવનું કારણ એ જ પાટા (દ્રવ્યકર્મ). જે આત્માને આંધળો બનાવે છે તે. જેથી ભાવ કરે છે, નહીં તો આત્મા ભાવ કરે જ નહીં કોઈ દહાડોય.

પ્રશ્નકર્તા : ભાવ તો પ્રતિષ્ઠિત આત્મા જ કરે ને, દાદા ? શુદ્ધાત્મા તો કરે જ નહીં ને ?

દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા પણ વસ્તુસ્થિતિમાં ભાવ કરે જ નહીં ને ! શુદ્ધાત્માય ભાવ કરે નહીં. આ તો 'હું ચંદુભાઈ છું' એમ જે માને છે, એ વ્યવહાર આત્મા ભાવ કરે છે. પ્રતિષ્ઠિત આત્મા તો ભાવથી જ ઊભો થયો છે ને ! જો ભાવ ના હોત તો એ પ્રતિષ્ઠિત આત્મા હોત જ નહીં.

આ નડે છે ઊંધા પાટા જ. હવે એ ઊંધા પાટા શું છે ? પૂર્વના હિસાબનું આપણું ફળ છે, તે આપણને જે ઊંધું દેખાડે છે.

પ્રશ્નકર્તા : એનું જોર કેટલું હોય ?

દાદાશ્રી : જોર તો એવું છે ને કે એ એનું મૂળ કારણનું જેટલું જોર હોય ને એટલું જ કાર્યમાં જોર થાય. કારણ જોરદાર હોયને, તો કાર્ય જોરદાર હોય. કારણ ઢીલું હોય તો કાર્ય ઢીલું.

આપણે જ્ઞાન આપીએ છીએને, તે ઘણોખરો આવરણનો ભાગ ઊડી જાય છે. પણ કેટલાંકને મહીં પચતું નથી આ. વિજ્ઞાન પચતું નથી. જેમ જેમ પચશે ને તેમ તેમ ખુલાસો થતો જાય. એકદમ પચે નહીં ને ! પણ સત્સંગમાં પડી રહે તો એનું ગાડું રાગે પડી જાય. કારણ કે આ સત્સંગ એવી વસ્તુ છે કે એનું આવરણ તૂટતું જ જાય દહાડે-દહાડે, પણ પરિચય જરૂરી છે.

બી વાવ્યા પછી પાણી ના છંટાય ત્યાં ?

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી પણ 'હું શુદ્ધાત્મા છું' એવો આઇડિયા લાવવો પડે છે એ થોડું અઘરું લાગે છે.

દાદાશ્રી : ના, રાખવું પડે નહીં, એની મેળે જ રહે. તે એને માટે શું કરવું પડે ? એ પછી મારી પાસે આવવું-જવું પડે અને પાણી જે છાંટવાનું એ છંટાતું નથી. એટલે આ બધુંય અઘરું થઈ જાય છે. આપણે ધંધા ઉપર ધ્યાન ન રાખીએ તો ધંધાનું શું થાય ?

પ્રશ્નકર્તા : ડાઉન થઈ જાય.

દાદાશ્રી : હા, એવું આ પણ છે. જ્ઞાન લઈ આવ્યા એટલે આને પાણી છાંટવું પડે, તો છોડવો ઊંચો થાય. છોડવો હોયને નાનો, તેનેય પાણી છાંટવું પડે. તે કોઈ દહાડો મહિને-બે મહિને જરા પાણી છાંટીએ આપણે.

પ્રશ્નકર્તા : ઘેર છાંટીએ છીએ.

દાદાશ્રી : ના, પણ એ ઘેર છે તે એવું ના ચાલે. એ ચાલતું હશે ? રૂબરૂ જ્ઞાની અહીં આવ્યા હોય ને આપણે એની વેલ્યુ જ ના હોય ! સ્કૂલમાં ગયેલા કે નહીં ગયેલા ? કેટલાં વર્ષ ગયેલા ?

પ્રશ્નકર્તા : દશ વર્ષ.

દાદાશ્રી : ત્યારે શું શીખ્યા એમાં ? ભાષા ! આ અંગ્રેજી ભાષા હારુ દશ વર્ષ કાઢ્યા, તો અહીંયા મારી પાસે તો છ મહિના કહું છું. છ મહિના મારી પાછળ ફરેને તો કામ થઈ જાય.

નિશ્ચય સ્ટ્રોંગ તો અંતરાય બ્રેક

પ્રશ્નકર્તા : બહારના પ્રોગ્રામ નક્કી થયેલા છે. એટલે આવવાની તકલીફ પડે એવી છે.

દાદાશ્રી : એ તો આપણો ભાવ સ્ટ્રોંગ હોય તો પેલું તૂટી જાય. મહીં આપણો ભાવ સ્ટ્રોંગ છે કે ઢીલો છે એ જોઈ લેવાનું. એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું.

ગેરન્ટી સત્સંગથી, સાંસારિક નફાની

મારે ત્યાં બધા વેપારીઓ આવે છે ને, તે બહુ ઊંચા વેપારી હોય. તે કલાક દુકાને મોડા જાયને, તે રૂપિયા પાંચસો-હજારનું નુકસાન થાય એવા. તે મેં કહ્યું, અહીંયા આવશો તેટલો વખત નુકસાન નહીં જાય અને જો વચ્ચે રસ્તામાં કોઈ દુકાનમાં અડધો કલાક ઊભા રહેશો, તો તમને નુકસાન થશે. અહીં આવશો તો જોખમદારી મારી. કારણ કે આમાં મારે કંઈ લેવાદેવા નથી. માટે અહીં તમારા આત્મા માટે જ આવ્યા છો. એટલે બધાને કહું છું, તમને કોઈ રીતે ખોટ નહીં જાય, અહીંયા આવશો તો.

પ્રશ્નકર્તા : બુદ્ધિવાળાને બુદ્ધિનો ત્યાગ કરી શકાય તોય એ ઘણું કહેવાય !

દાદાશ્રી : એ તો એમનેય બુદ્ધિ હેરાન તો કરે-છેતરે. આમ કરે, તેમ કરે પણ એ અમને છોડતાં જ નથીને !

એવું છેને, આ શુદ્ધાત્મા પદ તો કોઈ છોડેય નહીંને ! અહીં તો રોજ ચીપિયા માર માર કરે તોય આ પદ ના છોડવું જોઈએ.

દાદાના સત્સંગની અલૌકિકતાઓ

એ જો કર્મના ઉદય બહુ ભારે આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહો. ઉદય ભારે એટલે પછી તો ટાઢો પાડી દઈને સત્સંગમાં જ બેસી રહેવું. એવું ચાલ્યા જ કરે. કેવા કેવા કર્મના ઉદય આવે એ કહેવાય નહીં.

અહીં બેઠા એટલે કંઈ ન કરો તોય મહીં ફેરફાર થયા જ કરે. કારણ કે સત્સંગ છે. સત્ એટલે આત્મા, એનો સંગ ! આ પ્રગટ થયેલું સત્, તે તેના સંગમાં બેઠા એ છેલ્લામાં છેલ્લો સત્સંગ કહેવાય. બીજા બધા સત્સંગ ખરા પણ છેલ્લામાં છેલ્લો સત્સંગ નહીં. જેમ આ બોમ્બે સેન્ટ્રલ છે, પછી આ ગાડી આગળ જવાની નથી.

પ્રશ્નકર્તા : વિશેષ જાગૃતિ વધે એનો ઉપાય શું ?

દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડ્યા રહેવું તે.

પ્રશ્નકર્તા : આપની પાસે છ મહિના બેસે ત્યારે એનું સ્થૂળ પરિવર્તન થાય, પછી સૂક્ષ્મમાં ફેરફાર થાય, એવું કહો છો.

દાદાશ્રી : હા, ખાલી બેસવાથી જ ફેરફાર થયા કરે.

પ્રશ્નકર્તા : સ્થૂળ પરિવર્તન એટલે શું ?

દાદાશ્રી : સ્થૂળ પરિવર્તન એટલે બહારના ભાગની એને મુશ્કેલીઓ બધી ઊડી ગઈ, અંદરની રહી ફક્ત ! પછી ફરી જો એટલો સત્સંગ થાય તો અંદરનીય મુશ્કેલીઓ ઊડી જાય. બેઉ ખલાસ થઈ ગયું, તો સંપૂર્ણ થઈ ગયો. એટલે આ પરિચય કરવો જોઈએ. બે કલાક, ત્રણ કલાક, પાંચ કલાક. જેટલા જમે કર્યા એટલો તો લાભ. લોકો જ્ઞાન મળ્યા પછી એમ સમજી જાય છે કે હવે આપણે કામ તો કંઈ રહ્યું જ નહીં. પણ પરિવર્તન તો થયું જ નથી !

પ્રશ્નકર્તા : મહાત્માઓએ શું ગરજ રાખવી જોઈએ, પૂર્ણપદ માટે ?

દાદાશ્રી : જેટલું બને એટલું દાદાની પાસે જીવન કાઢવું એ જ ગરજ, બીજી કોઈ ગરજ નહીંં. રાત-દહાડો, ગમે ત્યાં પણ દાદાની પાસે ને પાસે રહેવું. એમની વીસીનીટીમાં(દ્રષ્ટિપડે એમ) રહેવું.

પ્રશ્નકર્તા : આપણે આ જે સત્સંગ કરીએ છીએ એ પુણ્યના ખાનામાં જાય કે શુદ્ધ કર્મના ખાનામાં જાય ?

દાદાશ્રી : એ તો એવું છેને કે આ જે શુદ્ધ થયા છે, અહંકારથી વિમુક્ત થયા છે, એને શુદ્ધના જ ખાનામાં જાય. અને જેને અહંકાર છે, 'આ હું છું' ત્યાં સુધી આનું ફળ જો જોઈતું હોય તો પુણ્ય એકલું જ હોય. અને જો આ પ્રમાણે વર્તે તો મુક્તિય પામી જાય. બાકી, ફળ તો બહુ મોટી પુણ્યૈ બંધાય. સાચા આત્માની વાત સાંભળવી, એની પર થોડી ઘણી શ્રદ્ધા બેસવી, એ કંઈ જેવી તેવી વાત છે ?

આપણે અહીં સત્સંગ કરીએ છીએને, આ જે વાતચીત થાય છેને, તે ઘડીએ દેવો સાંભળવા આવે છે ! આવી વાત તો દુનિયામાં ક્યારેય બની જ નથી. આ શેની વાત ચાલે છે ? અહીં આગળ સંસારની કિંચિત્માત્ર વાત નથી, આ વાતમાં એક સેન્ટ પણ સંસારનો ભાગ બિલકુલ નથી.

આંકડા મેળવી ગૂંથી લો મોક્ષમાળ

પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપના પરિચયમાં આવીને, અહીંયા હવે બીજું અમારે શું કરવાનું ?

દાદાશ્રી : એવું છે ને, તમારે જ્યાં અટક્યું હોય, તે જ્ઞાન અહીં જાણી લેવાનું. પણ એ સંજોગ રોજ ના નીકળે. એ જ્ઞાન, એ વાણી એવી વસ્તુ નથી કે તમે હમણે કાઢવા જાવ તો નીકળે. કારણ કે આ વાણી એ રેકર્ડ છે. જેટલી રેકર્ડ નીકળતી હોય એટલી નીકળે. એટલે પછી જેટલો વધુ તમે ટાઈમ અહીં આવો, તો ત્યારે એ વાત નીકળે. તે જ્ઞાન તમને મળે તે દહાડે.

અહીં આગળ પોતાની સેફસાઈડ માટે સમજી લેવાનું છે. અમે જે કહીએ ને, તેય પૂરેપૂરું ના સમજાય, બળ્યું. પોતાની ગરણી હોય એ પ્રમાણે ગાળે.

પ્રશ્નકર્તા : આપણે જેટલું સમજતા હોઈએ, એને સાચું માની લઈએ તો પછી ઊલટું ના થાય ?

દાદાશ્રી : સાચું માની ના લેવાય. પોતાના મનમાં જે લાભ થાય એ સાચો. અને કો'કને તો આ જવાબ ના અપાય.

પ્રશ્નકર્તા : કો'કને માટે નહીં. પોતાને માટે પૂછાય ને ?

દાદાશ્રી : અહીં બધું પોતાને માટે સમજવાનું. પણ તે જેટલી સમજણ પડે તેટલી સાચી. ગરણી જેવી હોય તે પ્રમાણે સમજણ પડે. એટલે પોતાના માટે પૂછપરછ કરીને સમજી લેવાનું. 'આ શું છે એ મારે સમજવું છે. મને આ હરકત આવી.' તે બધું સમજી લેવાનું.

આ જ્ઞાન ઝીણવટથી સમજી લેવું પડે. કારણ કે આ જ્ઞાન કલાકમાં જ આપેલું છે. કેવડું મોટું જ્ઞાન ! તે એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ જ્ઞાન અહીં માત્ર એક કલાકમાં થાય છે ! પણ બેઝિક (જ્ઞાન પ્રાપ્ત) થાય છે. પછી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવાર સમજવા માટે તો તમે મારી પાસે બેસો ને પૂછપરછ કરો, ત્યારે હું તમને સમજાવું. એટલે અમે કહીએ છીએને કે સત્સંગની બહુ જ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા (ગૂંચવાડા) પૂછતા જાવને, તે આંકડા મહીં ખૂલતા જાય.

પ્રશ્નકર્તા : આપની અમુક વાણી જે નીકળે છે ને, તે ફરી સમજવા માટે પૂછી લેવી જોઈએ ?

દાદાશ્રી : એ તો જેને ખૂંચે, તેણે પૂછી લેવી. મારે નીચે કાંકરો ક્યાંથી આવે છે ? બાકી બધાને રસ્તે ચઢાવવાનાં છે ને ! પાછળ પડી ગયો હોય તેનેય.

પરિચયથી થવાય તે રૂપ

પ્રશ્નકર્તા : આપે જે આપ્યું છે તેનાથી, આ કાળમાં આપ જે સ્થિતિમાં પહોંચ્યા છો, તે સ્થિતિ સુધી અમે પહોંચી શકીએ ખરા ?

દાદાશ્રી : આપણું બીજું કામ જ શું છે ? આપને નિરાકુળતા પ્રાપ્ત થઈ છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : નિરાકુળતા એ સિદ્ધ ભગવાનનો ૧/૮ ગુણ છે. ૧/૮ સિદ્ધ થયા. પછી ચૌદ આની બાકી રહે. તે પછી થઈ જશે. સિદ્ધ થયા છો ને ? સિક્કો વાગી ગયો ને ? પછી શો ભો ? નિરાકુળતા ઉત્પન્ન થાય, પછી શું રહે બાકી ? નહીં તો ચિંતા-વરીઝ ભટકાય ભટકાય કરે. 'ઇગોઇઝમ' ભટકાય ભટકાય કરે છે.

પ્રાપ્ત થાય જ્ઞાની પાસે નિરાકુળ આનંદ

આખા જગતમાં જે આનંદ છે, તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ છે અને 'જ્ઞાન' થયા પછી નિરાકુળ આનંદ ઊભો થાય છે.

આનંદ બે પ્રકારના : એક આપણને 'બિઝનેસ'માં ખૂબ રૂપિયા મળી જાય, સારો સોદો થઈ ગયો, તે ઘડીએ આનંદ થાય. પણ તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્ચ્છિત આનંદ કહેવાય. છોકરો પૈણાવે, છોડી પૈણાવે તે ઘડીએ આનંદ થાય, તે પણ આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્ચ્છિત આનંદ કહેવાય અને નિરાકુળ આનંદ થાય તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો.

પ્રશ્નકર્તા : આ જે નિરાકુળ આનંદ કહીએ છીએ એ કયો કહેવાય ?

દાદાશ્રી : અહીં સત્સંગમાં જે બધો આનંદ થાય છે, તે નિરાકુળ આનંદ છે. અહીં આકુળતા-વ્યાકુળતા ના હોય.

આકુળ-વ્યાકુળવાળા આનંદમાં શું થાય કે મહીં ઝંઝટ ચાલ્યા કરતી હોય. અહીં ઝંઝટ બંધ હોય અને જગત વિસ્મૃતિ રહ્યા કરે. હમણાં કોઈ વસ્તુને લઈને આનંદ આવે તો આપણે સમજીએ કે આ પૌદ્ગલિક આનંદ છે. આ તો સહજ સુખ ! એટલે નિરાકુળ આનંદ. આકુળતા-વ્યાકુળતા નહીં. જાણે ઠરી ગયેલા હોઈએ એવું આપણને લાગે. ઉન્માદ કશો ના હોય.

'જ્ઞાની પુરુષ' પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય. પુદ્ગલની કંઈ લેવાદેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું, તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયું ને એ સહજસુખના સ્વપદમાં રહ્યો, તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય ! જેનો પરિચય કરીએ તે રૂપ આપણે થઈએ.

જ્ઞાનીનું સાંનિધ્ય ખીલવે જાગૃતિ

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી, આ પુદ્ગલની પરિણતીમાં જે ફેરફાર થાય છે, તે શાથી દેખાય છે ?

દાદાશ્રી : એ જાગૃતિ વધ્યાથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, આવું કેમ થતું હશે કે કોઈવાર જાગૃતિ રહ્યા કરે અને પછી બીજે વ્યવહારનું કરવાનું હોય એમાં ગુલ્લા વાગ્યા કરે.

દાદાશ્રી : એ તો આપણે અહીં છે તે લોકો ઘોંઘાટ કરતા હોય તો અહીં વાત ના સંભળાયને આપણને ? એના જેવું છે આ. મહીં કર્મનો ઉદય આવ્યો, તે ઘડીએ બધું મહીં આમ ગૂંગળામણ થાય. એનો વાંધો નહીં, એ નુકસાનકર્તા નથી. તે ઘડીએ કંઈ જાગૃતિ ગઈ નથી. જાગૃતિ જ હોય છે. આ જાગૃતિ પૂરેપૂરી રહેતી નથી, ઝોકું ખઈ જાય.

મેં કહ્યું, આ જાગૃતિ છે પણ ખીલી નથી. એટલા માટે અમે બોલ બોલ કરીએ તો ખીલે. આ સાઈડની ખીલે, પેલી સાઈડની ખીલે. આ કોર્નરની ખીલે, પેલા કોર્નરની ખીલે. એટલે બધી જાગૃતિ ખીલે. એટલા માટે બોલીએ, કરવાનું નથી કહેતા.

પ્રશ્નકર્તા : જાગૃતિનો જે ક્રમ હોય એ પ્રમાણે જ જાગૃતિ રહે, એ જાગૃતિને વધારવાનો કોઈ રસ્તો ખરો ?

દાદાશ્રી : હા. અમારી પાસે બેસ-બેસ કરે તો આ જાગૃતિ વધે. એટલા સારુ રોજ આવ આવ કરે છે ને લોકો ! નહીં તો એક જ દહાડો ના કરી દઉં ? સારા કાળમાં તો એક જ વખત કરવાનું હોય. આ તો કેટલા બધા દેવાળાવાળા ! હા, ભયંકર દેવાળાવાળા. નાદાર સીટની ઉપર બેઠેલા. તે રોજ રોજ વિધિઓ કરું તોય દેવું પતતું નથી. પણ છતાંય આમ કરતાં કરતાં પતી જશે.

હાજર થયું તે જ જ્ઞાન

પ્રશ્નકર્તા : આમ સતત જાગૃતિ ના રહે પણ ટાણું આવે ત્યારે જ્ઞાન હાજર થઈ જાય છે.

દાદાશ્રી : હાજર થઈ જાય છે. જે હંમેશાં હાજર થાય, એનું નામ જ જ્ઞાન કહેવાય. હાજર ના થાય એ જ્ઞાન જ કેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : તમે અમને આત્મા ને બધું છૂટું કરી આપો છો, પછી અમારે આત્મામાં જ રહેવું જોઈએને ? પછી બધું મિક્ષ્ચર કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : એવું છે ને, આ ઉપાધિને 'જોવાની' છે, તેમાં ઉપાધિમાં તું હાથ ઘાલું તો દઝાય. આપણે હોળી જોવાથી કંઈ આપણી આંખ દઝાય નહીં. પણ આપણે મહીં આ પેલું નાળિયેર કાઢવા હાથ ઘાલીએ તો દઝાઈએ. એટલે તું નાળિયેર કાઢવા હાથ ઘાલતો'તો, તેનું આ થઈ ગયું.

પ્રશ્નકર્તા : પણ આપણે છૂટા પડી ગયા પછી નાળિયેર લેવા જઈએ છીએ, એ ના થવું જોઈએ ને ?

દાદાશ્રી : હા. આ જતાં રહીએ છીએ એટલે હજુ તમારી જાગૃતિ છે, તે જાગૃતિને હડસેલો મારીને તમે પેલામાં ઘૂસો છો. કારણ કે કર્મના ઉદય ભારે છે. એટલે એક માણસ ક્યાં સુધી જીરવી શકે આ ? આંગળી પર છે તે નળનું પાણી પડતું હોય તો ક્યાં સુધી આમ આંગળી રાખી શકે ? ત્યારે કહે, અડધો ઇંચ, પોણો ઇંચ હોય પણ બે ઇંચનો ફોર્સ પડે તો આંગળી ખસી જાય. તે આ કર્મના ઉદય એવા ભારે ને તો જાગૃતિ ખસી જાય. કોલેજમાં ડીગ્રી લેવા જતાં કેટલાં વર્ષો ગયેલાં ?

પ્રશ્નકર્તા : છ.

દાદાશ્રી : એટલાં વરસોની મારે જરૂર નથી. હું તો કહું છું કે છ જ મહિના તમે મારી જોડે રહોને, બહુ થઈ ગયું ! આખા અનંત અવતારની ખોટ વળી જાય.

જાગ્રતનું સાંનિધ્ય વધારે જાગૃતિ

પ્રશ્નકર્તા : અમારે હવે થોડી થોડી જાગૃતિ વધે છે, પણ બહુ વધારવી હોય તો શું કરવું ?

દાદાશ્રી : જાગૃતિ વધારવી હોય તેણે જાગ્રત જોડે બેસવું. એવું છે ને, બધા ઝોકાં ખાતા હોય તો પછી આપણનેય ઝોકાં આવે. બધા જાગૃત જોડે હોય તો, જો ઝોકું આવતું હોય એય બંધ થઈ જાય. માટે જાગૃત જોડે બેસવું. અત્યારે રાગ હોય તો બહુ ત્યારે જ્ઞાની ઉપર થાય કે જ્ઞાનીના ફોલોઅર્સ ઉપર થાય, બીજો બહાર તો નથી થતો ને ?

પ્રશ્નકર્તા : બીજો રાગ ના થાય.

દાદાશ્રી : તો આ રાગને તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ કહ્યું છે. એ રાગથી તો આપણે એમની પાસે બેસવાના સંજોગો ભેગા થાય ને એનું ફળ આપણને જાગૃતિ ઊભી થઈ જાય. દીવો ઝપાટાબંધ સળગતો થઈ જાય. સ્ટેશન પર પ્લેટફોર્મ પર બધા બેઠા હોયને, આપણી જોડેવાળા બેઠેલા બધા ઝોકાં ખાતાં હોય તો પછી આપણે સત્સંગ કરતાં કરતાંય ઝોકાં ખઈએ. એટલે આ જેની જોડે બેસીએને તેવું ફળ મળે. ઊંઘતા જોડે બેસો તો ઊંઘતું ને જાગતા જોડે બેસે તો જાગૃતિનું ફળ મળે. ધંધા ઉપર જાય તો પછી એ લોકો જોડે જ બેસવું પડેને ?

પ્રશ્નકર્તા : બેસવું પડે. એટલે એમાં અજાગૃતિ થાયને ?

દાદાશ્રી : હા, થાયને ! સ્વાભાવિક થાય. એટલે તેને તે વખતે જાણ્યા કરેને તેય એક જાગૃતિ છે. આનાથી અજાગૃતિ ઉત્પન્ન થઈ છે, એવું જાણ્યા કરે તેય એક જાગૃતિ છે.

પ્રશ્નકર્તા : દાદાજી, આ જાગૃતિને અટકાવનારા કારણો પાછળનાં છે કે અત્યારનાં પણ કોઈક છે ?

દાદાશ્રી : પાછળનાં કારણો તો બધાં અજાગૃતિવાળા જ હતા. અત્યારે જે જ્ઞાન આપ્યું છે એ પછીના કારણો આજ્ઞામાં રહે તો તેટલી જાગૃતિ ઊંચી રહે.

પ્રશ્નકર્તા : તો અત્યારનાં જાગૃતિને અટકાવનારા કારણો કયાં એ ?

દાદાશ્રી : મારી જોડે બહુ પરિચયમાં ના અવાતું હોય, મારી વાત પૂરી સમજાતી ના હોય.

પ્રશ્નકર્તા : આપની વાતને પોતે પૂર્ણ રીતે સમજી શકે ખરો ?

દાદાશ્રી : કેમ ના સમજી શકે ? પરિચયમાં રહે ને પોતે સમજવાનું નક્કી કર્યું છે, પછી કેમ ના સમજી શકે ?

પ્રશ્નકર્તા : નક્કી કર્યા છતાં હજી નથી સમજાતું, એનું શું કારણ ?

દાદાશ્રી : પરિચય નથી. એનો સાંધો કાપી નાખે છે. આજ બે કલાક બેઠો અને પાછું કાચું કપાયું ને પાછો બીજે દા'ડે બે કલાક નકામા જાય, એના કરતાં આખું લાંબા સમય સુધી અખંડ બેઠો હોય ને, તો ઉકેલ આવે.

પ્રશ્નકર્તા : પણ એ તો પછી બહારના સંયોગને આધીન છે ને ? આપનો સાંધો મેળવવાનો નિશ્ચય હોય....

દાદાશ્રી : એ બરોબર છે. તેથી આપણે કહીએ છીએ ને, વ્યવસ્થિત છે. એવાં સંજોગ ભેગા થવા જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એ નિશ્ચય છે માટે આગળ ભેગું થશે જરૂર ? આ નિશ્ચય છે એટલે વ્યવસ્થિત બદલાશે ?

દાદાશ્રી : એ તો બદલાય ને ! વ્યવસ્થિત બદલાયા જ કરે. જેવો આપણો નિશ્ચય હોય ને, તે બાજુ જ વ્યવસ્થિત જાય. જે દિશામાં આપણો નિશ્ચય હોયને, તે દિશામાં જ વ્યવસ્થિતને જવું પડે. વ્યવસ્થિતનો નિયમ એવો છે કે તારો નિશ્ચય કઈ બાજુ છે ?

પ્રશ્નકર્તા : પણ પેલા આગળના નિશ્ચય પછી તો ન નડે ને ?

દાદાશ્રી : આગળનું તો અહીં લેવાદેવા નથી. આજે શું નિશ્ચય છે ! પણ એ નિશ્ચય વિરોધાભાસ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિ આગળ બધા લાચાર હોય છે.

દાદાશ્રી : અસામાન્ય પુરુષો જ ફક્ત પ્રકૃતિ આગળ લાચાર ના થાય. બાકી બધાય પ્રકૃતિ આગળ લાચાર.

થાય ફેરફાર જ્ઞાની જોડે રહેવાથી

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી હવે મારે કોઈની સાથે નથી ટકરાવાતું, બધે સાચવી લઉં. પણ આમની સાથે છ-આઠ મહિને, જો કે હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ એમની સાથે આંતરિક તપ ના થાય, એમને કહેવાઈ જ જાય.

દાદાશ્રી : તે વાંધો નહીં. એ તો તારે નિકાલ કર્યે જ છૂટકોને ! એમણે નિકાલ કરવો, પછી તમારે નિકાલ કરવો, ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની નહીં કહેવાય, બે જણની જ ભૂલ હોય. કોઈકની ચાળીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી સિત્તેર ટકા, એંસી ટકા હોય. એ બેની કંઈક ભૂલ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં.

દાદાશ્રી : એ આવી જાય.

પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં.

દાદાશ્રી : એટલે એ ધીમે ધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા કરે.

પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, અણી ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારા કષાયો ઉત્પન્ન થાય, એના પર જો કાબૂ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ !

દાદાશ્રી : એવું છે ને, કાબૂ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ કષાયો મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે.

એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય કે, 'ચંદુલાલ, કેમ છે, કેમ નહીં,' એ વાતો કરવા જેવી એ જ ઉપાય. શું કહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ?

દાદાશ્રી : એવું કહેવાય. એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય, તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાનેય કરવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું, એવું માની લે.

પ્રતિક્રમણ કર્યું એટલે હવે આપણો આ બાબતનો અભિપ્રાય છૂટ્યો કે આ જ સાચું છે અને આ ખોટું છે. એ આપણો અભિપ્રાય તૂટી ગયો.

ફાઈલોથી અટક્યું સ્પષ્ટ વેદન

પ્રશ્નકર્તા : દાદા, આપણા જ્ઞાન પછી મહાત્માઓને એટલી ખબર પડી કે આત્મા અનંત સુખનું ધામ છે. હવે એ જે સ્પષ્ટ વેદન અનુભવમાં આવવું જોઈએ, ત્યાં બાધક કારણ કયું છે ?

દાદાશ્રી : એ વેદનમાં બાધક કારણ ફાઈલોનું બહુ જોર છે. એ ફાઈલોનું જોર જો વધારે ના રહે તો અનુભવ વધતો જાય.

એવું છેને, કોઈ બપોરે દોઢ વાગે કહે કે મારે બહાર જવામાં શું હરકત છે ? ત્યારે કહે, ભઈ, અત્યારે દોઢ વાગ્યો છે. પાંચ વાગે જજેને, નહીં તો અકળામણમાં તારો દમ નીકળી જશે ! એટલે આ ફાઈલોનું જોર છે ને, તેને લીધે બધું આમ થયા કરે. ફાઈલો ઓછી થશે એટલે એની મેળે જ ફેર પડશે. ફાઈલો ઓછી થાયને એવું કરો. પાંચ આજ્ઞા પાળો. બસ એટલું જ કરવાનું, બીજું કરવાનું છે નહીં.

આ બધી ફાઈલો ઓછી થશેને, પછી તો આનંદ માશે નહીં. આનંદ ઊભરાશે ને પાડોશવાળાનેય લાભ થશે. કારણ કે કોઈ પણ વસ્તુ ઊભરાય એટલે બહાર નીકળે, ને બહાર નીકળે એ બીજાંને કામ લાગે. તે પાડોશીનેય લાભ થશે. અત્યારે ફાઈલનો નિકાલ કરવામાં જ આનંદ આવતો નથી. આ ડખા બધા એ આનંદને ચાખવા દેતા નથી.

પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ જ્ઞાન મળ્યા પછી કેટલા વખતમાં થઈ જાય ?

દાદાશ્રી : એ તો જેવી ચીકણી, આમ બહુ ચીકણી હોય તો આખી જિંદગી ચાલ્યા કરે અને મોળી હોય તો દસ-બાર મહિનામાં ઊડી જાય.

પ્રશ્નકર્તા : ના, પણ એટલે એક લાઈફમાં થઈ જાય કે બે-ચાર લાઈફમાં થઈ જાય કે કેટલો વખત લાગે જ્ઞાન મળ્યા પછી ?

દાદાશ્રી : ના, એક-બે અવતાર. જેને (ફાઈલોનો) નિકાલ કરવો છે, તેને વાર ના લાગે. નિકાલ નથી કરવો, તેને બહુ વખત જાય. નિવેડો લાવવો છે, એને વાર નથી. મૂળ આત્મશક્તિનો સ્વભાવ શું છે કે જો તમારે નિવેડો લાવવો છે, તો એ નિવેડો લાવવામાં હેલ્પ કરશે. નિવેડો લાવવો હોય તો અક્રમમાં આવી જવાનું અને અત્યારે આવી જ ગયો છે માર્ગ. પણ તમે પરિચયમાં રહેતા નથી ? અહીં કેટલા કલાક મારા પરિચયમાં રહેલા એ કહો ?

પ્રશ્નકર્તા : દસેક કલાક પૂરા રહ્યા હોઈશું.

દાદાશ્રી : હવે દસ કલાકમાં તમે આવડું મોટું જ્ઞાન માંગો છો ! અત્યારે તમારે ત્યાં આવ્યું છે એ જ મોટી અજાયબી છે ! દસ કલાકમાં આવડું મોટું ફળ ભોગવો છો, નહીં ? જ્ઞાની પુરુષની જોડે એક-બે કલાક કાઢવા હોય તો બહુ પુણ્યૈ જોઈએ. દસ કલાકનું ફળ આટલું મળે છે, તો પછી છસ્સો કલાક કાઢ્યાનું ફળ કેટલું હશે ?

પાડોશીના પરિણામ ન્હોય આપણા

પ્રશ્નકર્તા : કોઈ વખત તો ફાઈલોનો સમભાવે નિકાલ થતો નથી.

દાદાશ્રી : સમભાવે નિકાલ નથી થતો એ જેણે 'જાણ્યું' એ આત્મધર્મ અને સમભાવે નિકાલ થવો - ના થવો એ પુદ્ગલધર્મ. બેનાં ધર્મ જુદા છે. પુદ્ગલનો ધર્મ ના થાય, તેમાં આપણે શું લેવાદેવા ? આપણે તો 'જાણ્યું' ખરું ને ? 'જાણ્યું' એ આપણે આપણા ધર્મમાં છીએ. પુદ્ગલનો ધર્મ હોય કે નાય હોય, આપણે લેવાદેવા નથી. પુદ્ગલ ધર્મ જુદો, આત્મધર્મ જુદો. આત્મધર્મ એટલે નિરંતર 'જાણ્યા' કરવું, સંપૂર્ણ જાગૃતિ. એક પરમાણુ ઊડ્યું હોય તો ખબર પડે, એનું નામ આત્મા. પારકી પુદ્ગલ પીડામાં પડશો નહીં. પુદ્ગલ તો ઘડીમાં ઊંચું થાય, નીચું થાય. 'જાણ્યા' કરવું એ આપણો ધર્મ ને ઊંચા-નીચા થવું, મતભેદ થવો એ તો જૂનો પરિચય, વધે તો ગમે અને ઘટે તો ના ગમે. એ ધર્મ ના રહેવો જોઈએ આપણો. એ પરિચય પહેલાંનો છે. એટલે આપણે કહી દેવાનું કે આમ નથી આપણું, આ આપણું ન્હોય. એ પાડોશીનાં પરિણામ છે. દાદાએ ના કહ્યું, છતાં આપણું માનીએ તેને પછી દાદા શું કરે ?

એટલે આપણે સમભાવે નિકાલ આ રીતે કરવાનો છે. એટલે છૂટકો થઈ ગયો. પછી એ ખરાબ હોય, દુનિયા વગોવી નાખે એવું હોય તોય પણ આપણને બાધક નથી, એને 'જોઈએ' જ. 'જોનાર'ને જોવાની વસ્તુ સાથે કોઈ સંબંધ હોતો નથી. જોવાની વસ્તુ ગમે એવી ખરાબ હોય તોય મહીં 'જોનાર'ને, દ્રષ્ટાને કંઈ રાગેય નથી થતો ને દ્વેષેય નથી થતો. 'જોનાર'ને કંઈ લેવા-દેવા નથી. મહીં ખરાબમાં ખરાબ આખું જગત નિંદા કરે એવાં ભાવ ઉત્પન્ન થયા હોય, ડિસ્ચાર્જમાં આવ્યા હોય તોય એને આપણે જોયા કરવાં. 'ઓહોહો ! એવું કેવું ચંદુભાઈ ? તમને તો હું લાયક જાણતો'તો પણ તમે છો નાલાયક', એમ કહેવું જરા.

પ્રશ્નકર્તા : બરોબર છે પણ ખરાબ ભાવ થાય તો ?

દાદાશ્રી : ખરાબ ભાવ થાય તોય 'જોયા' કરવાનું. ખરાબ વર્તન થાય તેય 'જોયા' કરો.

પ્રશ્નકર્તા : વાણી નીકળે તોય 'જોયા' કરવું ?

દાદાશ્રી : વાણી નીકળે તોય 'જોયા' કરવું. એ નીકળે તોય જુદા રહેવું. થોડીવાર પછી જુદા થાય પણ તે થવું જોઈએ. થોડીવાર પછી જુદું થાય પણ સ્ટેપિંગ લે. એટલે બીજા સ્ટેપે ખલાસ થઈ જાય. અને એમાં તો જોઈએ તોય અંબાલાલ, આ જ્ઞાની પુરુષ વાતો કરતાં હોયને, તે અમને દેખાય બધું. જે જે કરતાં હોય એ બધું દેખાય. એટલે તમારે છે તે આ કરવાનું છે, આ ભાવો કરવાના છે. અત્યારે પહેલે સ્ટેપે દૂર ના થાય એકદમ એટલે એકાદ સ્ટેપ વધારે, એટલે બે-ત્રણ અવતાર કહીએ છીએને !

પૂર્વેના પરિચયથી ભાસે થાક

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાને આખો દિવસ જોતાં જોતાં થાક લાગે છે તો થાકનાર કોણ છે ?

દાદાશ્રી : એ થાકેય આપણા મનમાં જે ખોટી અસરો પડે છે ત્યારે એ અસર જ થાકે, બીજું કોઈ પણ થાકતું નથી. થાકે જ નહીં ને ! જોનાર થાકે નહીં, કામ કરનાર થાકે.

પ્રશ્નકર્તા : જોનાર તો પ્રજ્ઞા છે ને ?

દાદાશ્રી : પ્રજ્ઞા જ, અત્યારે તો પ્રજ્ઞા જ કામ કરે છે ને ! જ્યાં સુધી આ બધી ડખલ છે, ત્યાં સુધી પ્રજ્ઞા કામ કરવાની. પછી ડખલ ના હોય તો આત્મા.

પ્રશ્નકર્તા : પણ દાદા, થાકી તો જવાય છે. ઘણીવાર એમ થાય કે આ બધું ક્યારે બંધ થશે ? તો એ થાક લાગે ત્યારે જ એવું થાય ને ? સહજ હોય તો ના થાય ને ?

દાદાશ્રી : એ થાક લાગે તેય છે તે ભાસે છે એવું. થાક તો લાગે જ નહીં ને ! જોનારને કંઈ થાક ના લાગે, કામ કરનારને થાક લાગે. જોનારને તો થાક અડે જ નહીં. એ આ પહેલાનો પરિચય ખરોને થાકી જવાનો, એને એમ લાગે કે થાક લાગી ગયો.

પ્રશ્નકર્તા : આ મન આમ કેમ કરે છે ? વચન આમ કેમ નીકળ્યું ? એવાં થોડાક અભિપ્રાયો અંદર થતાં હશે, એટલે પણ થાક લાગતો હશે કદાચ.

દાદાશ્રી : અભિપ્રાય. હા, એવું બધું થતું હોય.

જોવું પોતાના એક પુદ્ગલને જ

પ્રશ્નકર્તા : અમે જુદા જોવાનો પ્રયત્ન કરીએ પણ થોડીવાર રહે પછી ખસી જાય.

દાદાશ્રી : આપણે બહારનો અભ્યાસ વધારેને ! જુદાપણાનો બિલકુલ અભ્યાસ જ નથી ને ! કોઈ પુદ્ગલની વસ્તુ એવી તેવી હોય તેની ઉપર આપણે ઉપયોગે કરીને નિરીક્ષણ કરતાં હોય તો ખ્યાલમાં રહેને, એવું એ પોતાના પુદ્ગલને જોવાનું છે.

પ્રશ્નકર્તા : એટલે પોતાના એક જ પુદ્ગલની બહાર કોઈ ડખલ નહીં ?

દાદાશ્રી : બીજું શું ? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. જોઈ શકાય જ નહીંને ! બહાર જ ડખલ કરે, એવું કહેવા માંગે છે. આપણે જોવાનો અભ્યાસ કરો પણ થાય નહીં. થોડી થોડી વાર રહે પાછું ચૂકી જાય, બાકી બહાર જ જતું રહે.

પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ?

દાદાશ્રી : એ પ્રયત્ન એનો એ જ હોય, પણ થાય નહીંને, રહે નહીંને ! જાય ને આવે, જાય ને આવે, એ જાણી રાખવાનું છે. એક જ પુદ્ગલ જોવાનું છે. ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યાં છે, બધું નિરંતર એનું નિરીક્ષણ કરવું એ શું છે ? એ જ કમ્પ્લિટ શુદ્ધાત્મા !

થાય વીતરાગ વ્યવહાર, જ્ઞાની પરિચયે

પ્રશ્નકર્તા : ધારો કે, ભગવાન મહાવીર પુદ્ગલને જુએ છે અને એ વખતે ગૌતમ સ્વામી એમને પ્રશ્ન પૂછે તો એ જવાબ નીકળે ને ?

દાદાશ્રી : તોય એ પોતે તો એક જ પુદ્ગલને જોતાં હોય.

પ્રશ્નકર્તા : તો એ જવાબ બહારનો ભાગ આપે (વૃત્તિઓ) ને ?

દાદાશ્રી : પોતે જવાબ ના આપે, તે ઘડીએ જે પુદ્ગલ ભાગ હતો, તેનો તે જ ભાગ જવાબ આપે.

પ્રશ્નકર્તા : બરોબર છે. પણ બહારનો ભાગ આપણે કોને કહીએ છીએ, એક પુદ્ગલ અને તે સિવાયનો ભાગ ?

દાદાશ્રી : જોનાર અને જાણનાર છે, એને બહારનો ભાગ હોતો નથી. આ તું બોલી રહ્યો છું ને તેને જુએ-જાણે એને જ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : તો દાદા એવી સ્ટેજ એની મેળે આવશે ?

દાદાશ્રી : આપણે તો એ પ્રયત્નમાં રહીએ ને, આ કરવાનું એવું બધું હોયને !

પ્રશ્નકર્તા : એક જ ભાવમાં રહેવાનું ?

દાદાશ્રી : એક જ ભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં જ રહેવાનું.

પ્રશ્નકર્તા : અત્યારે તો એ કઠિન પડે, એમ કહે છે.

દાદાશ્રી : ના, અત્યારે એ ના હોયને ! અત્યારે બહાર જોવું પડે આપણે. પણ તે એટેચમેન્ટ વગરનું હોય તો એ છે તે જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય અને એટેચમેન્ટ સહિત હોય તો છે તે ઇન્દ્રિયજ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : તન્મય થઈ જાય તો ઇન્દ્રિયજ્ઞાન આવી જાય ?

દાદાશ્રી : ના. કોઈવાર તન્મય થઈ જાય તોય નહીં, એટેચમેન્ટ સહિત હોય તો જ ઇન્દ્રિયજ્ઞાન કહેવાય. એટેચમેન્ટ નથી તોય પણ તન્મય થઈ જાય કોઈ જગ્યાએ. પણ એ તન્મય થવું એ પદ્ધતિસર નથી. એ ફરી કો'ક વખત એને છૂટું કરવું પડશે. એકધારું જ હોવું જોઈએ. તન્મય થાય તો જાણવું કે આપણામાં ગ્રંથિ છે. તે ગ્રંથિ છૂટવી જોઈશે !

પછી વ્યવહાર જ આખો એટેચમેન્ટ વગરનો થઈ જાય છે. વીતરાગ વ્યવહાર થઈ જાય છે. ઘણાં માણસોને વીતરાગ વ્યવહાર થઈ ગયેલો છે. પણ તે અમારા પરિચયમાં રહેવાના. આ તે ઠેઠ દૂરથી દોડધામ દોડધામ કરે, પરિચયમાં ના રહેવું પડે ?

જ્ઞાન પરિણમે, થાય સહજ

આ 'જ્ઞાન' પરિણામ પામે ને કર્મો બધાં ઓછાં થઈ જાય એટલે સહજ થતો જાય. અત્યારે અંશે અંશે કરીને સહજ થઈ રહ્યો છે તે સંપૂર્ણ સહજ થઈ જાય. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જાય, જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ થાય. હવે તમને ખાતરી થઈ ગઈ છે ને કે માર્ગ મળી ગયો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જેને એ ખાતરી થઈ જાય તેનો અંત આવે. દરેક વસ્તુનો અંત આવે; વિચારનો અંત આવે; જ્ઞાનનો અંત આવે, બધાંનો અંત આવે પણ એક અજ્ઞાનનો અંત ના આવે !

દ્રષ્ટામાં દ્રષ્ટિપડી એવું જે લોકો કહે છે ને, એ તો દ્રષ્ટાથી ઘણાં છેટે છે. એમને દ્રષ્ટા પ્રાપ્ત કરતાં કરતાં તો ઘણો કાળ જશે. અને આપણને તો દ્રષ્ટા પ્રાપ્ત થઈ ગયેલો છે. જેને જગત ખોળે છે તે આપણી પાસે છે. હવે એનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ કેમ કરવો એ આપણું કામ, એ પુરુષાર્થ કહેવાય.

તમે ઘરમાંથી બહાર નીકળો એટલે શુદ્ધ ઉપયોગ મૂકો એટલે રિયલ ને રિલેટિવ બધું જોતાં જોતાં આગળ જવાય. તે વખતે શુદ્ધ ઉપયોગ રહે. અહીં કોઈની જોડે વાતચીત કરવા માંડી તે ઘડીએ વાતચીત કરતા રહીએ અને શુદ્ધ ઉપયોગ મહીં રાખ્યા કરાય. વાતચીત કરે એ 'ચંદુલાલ' કરે ને 'આપણે' બધું જોયા કરીએ. ઉપયોગ એ રીતે રહી શકે એમ છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી.

કષાયોના ઉપશમથી વધે જાગૃતિ

મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય, વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય, એનું નામ શુદ્ધ ઉપયોગ. જાગૃતિ આવતાં વાર લાગે. ધીમે ધીમે જેમ જેમ કષાયો ઉપશમ થાય, નિકાલી કષાયો - 'ડિસ્ચાર્જ' કષાયો ઓછા થાય તેમ તેમ જાગૃતિ વધે. હવે નવા કષાય ચાર્જ થાય નહીં, પણ જે 'ડિસ્ચાર્જ' કષાયો છે તેનું 'ડિસ્ચાર્જ' થયા જ કરવાનું.

અમે તમારે ઘેર આવ્યા ને તમે વાઈફ જોડે અકળાયા હો તો અમે કંઈ નોંધ ના કરીએ કે તમે આ ખોટું કરો છો. એ અકળામણ તમારી 'ડિસ્ચાર્જ' થતી છે. તમને 'જ્ઞાન' આપ્યું છે એટલે તમે કાચા ના પડો, પણ 'ડિસ્ચાર્જ' તો થાય જ ને ? અમે એટલું જ જોઈ લઈએ કે ઉપયોગ હતો કે નહીં.

પ્રશ્નકર્તા : દ્રષ્ટિનો દ્રષ્ટા ગોતવાની વાત હજુ મને સમજાઈ નથી, તે મને જરા સમજાવો.

દાદાશ્રી : આપણે દ્રષ્ટા ગોતીને બેઠા છીએ પણ જેને સ્વરૂપનું ભાન ના હોય તેને કહીએ કે 'તારી દ્રષ્ટિપડે છે એ તો દ્શ્ય છે પણ ત્યાં દ્રષ્ટા કોણ છે, તેની તપાસ કર.' એવું અમે કહેવા માંગીએ છીએ.

બહાર તો આ ઇન્દ્રિયદ્રષ્ટિછે. પણ જ્યારે મનની બધી ક્રિયાઓ- મન શું શું બોલે છે ? શું વિચારે છે ? પછી બુદ્ધિની ક્રિયા-બુદ્ધિ શું શું દેખાડે છે ? પછી ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે ? અહંકાર 'ડિપ્રેસ' થાય છે કે 'એલીવેટ' થાય છે ? આ બધાને જોયા કરવું એ જ આપણો દ્રષ્ટા. દ્રષ્ટિનો વિષય એ દ્શ્ય ને આપણે દ્રષ્ટા.

પ્રશ્નકર્તા : બહારના કે અંદરના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઉદય હોય ત્યારે આપણે જાણીએ કે આ મારો સ્વભાવ નથી, ત્યારે અનુભવ થાય ને ?

દાદાશ્રી : હા, થાય ને ! મારો સ્વભાવ આ નથી એવું જે સમજે છે તે 'પોતાના સ્વભાવ'માં સ્થિર થાય છે. ગમે તેટલા 'ચંદુલાલ' અકળાયા હોય તોય 'તમારી' જાગૃતિ જાય નહીં એવું આ જ્ઞાન છે અને અકળામણ તો થયા વગર રહેવાની જ નહીં, કારણ કે મહીં ભરેલો માલ છે ને !

'ડિસ્ચાર્જ' એટલે ઊલટી થાય છે એના જેવી વાત ! કોઈ માણસની ઊલટી આપણા પર થઈ, તેથી કરીને તેને વઢાય નહીં, કારણ કે એને બિચારાને કરવું નથી પણ થઈ જાય. તેને એ શું કરે ? એમ આ કષાયો ઊલટીની જેમ 'ડિસ્ચાર્જ' થાય છે. પછી સારું થઈ જાય, ભૂમિકા ચોખ્ખી થતી જાય.

ઉપયોગ, જ્ઞાનીની હાજરીમાં

ઉપયોગ કોને કહેવાય કે હજાર-હજારની નોટ ગણતો હોય ત્યાંથી એનો ઉપયોગ બીજી જગ્યાએ જાય ખરો ? એનું નામ ઉપયોગ કહેવાય. અમારો ઉપયોગ નિરંતર એવો રહેવાનો. અમારી હાજરીમાં રહો તો તમારેય ઉપયોગ રહે.

પ્રશ્નકર્તા : આ પદમાં કે બીજામાં જુદા જુદા પ્રમાણમાં રસ હોય છે એટલે એવું થાય છે ?

દાદાશ્રી : રસને કેળવવાની જરૂર નથી. આપણે તો ઉપયોગ દેવાનો છે. આપણે કહી દેવાનું, ''ચંદુલાલ, દાદાના દરબારમાં બેઠા છો. હવે અહીં જે જે ચાલે તેમાં તમે ઉપયોગ દઈને ચાલો.'' પછી આપણે 'જોયા' કરવાનું, ઉપયોગ ચૂકો તો તરત કહેવાનું, 'ચંદુલાલ ચૂક્યા, આવું ના હોવું જોઈએ.'

મને કોઈ પાંચની નોટ કે દસની નોટનું પરચૂરણ આપે તો હું કોઈ દહાડો ગણવા ના બેસું. ૨૫-૫૦ પૈસા ઓછા આપ્યા હશે પણ એટલું ગણતાં મારો ટાઈમ કેટલો નકામો જાય ? લક્ષ્મીજીની બાબતમાં નિઃસ્પૃહ નથી થઈ જવાનું, પણ તેમાં ઉપયોગ ના દેવાય. ઉપયોગ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.

આ ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે ? રાત-દહાડો 'દાદા' સાંભર સાંભર કરે. એમના વગર ગમે નહીં. એમનો વિરહ લાગે ત્યારે એમાંથી 'ઇલેક્ટ્રિસિટી' ઝરતાં પ્રકાશ મારે (મોહરૂપી આવરણ તૂટે), આખો સ્વયં પ્રકાશ !

જાગે વિરહની વેદના, મોક્ષે જનારાને

પ્રશ્નકર્તા : જ્ઞાનીના પુરુષના પરિચયમાં ના રહેવાય અને 'જ્ઞાની પુરુષ'ના વિરહમાં જે વેદના ઉત્પન્ન થાય એને કેવી વેદના કહેવાય ?

દાદાશ્રી : એ વેદના તો ઓહોહો ! મહીં 'ઈલેક્ટ્રિસિટી' ઉત્પન્ન થાય અને તેનાથી સ્વરૂપ તેજવાન થતું જાય. એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. વિરહની વેદનાનો તો મહાભાગ્યે જ ઉદય થાય. ઘણાં કાળના પરિચયથી તેને એ થાય. જેને મોક્ષે જવાનું હોય તેને એ વેદના જાગે ! એની તમારે બહુ ઉતાવળ કરવા જેવી નથી. આટલા બધા અવતાર બગાડ્યા, હવે એક-બે અવતાર માટે શી ખોટ જવાની છે ? આટલા અવતાર ભટક ભટક કર્યા, તેનો થાક ના લાગ્યો ને હવે બે અવતાર માટે થાક લાગી જવાનો છે ? જો વિરહીની વેદના ઉત્પન્ન થાય. વિરહીનો અર્થ શો ? ચેન જ ના પડે. ત્યારે સમજવું કે જંજાળથી છૂટ્યા.

સુવાસથી લોક ખેંચાય

પ્રશ્નકર્તા : દાદાના પરિચયમાં આવનાર ને દાદાના સત્સંગમાં રહેનારાનું ચારિત્ર જે છે તે અંદરથી ખીલતું હોય, તો પછી એની સુવાસ બહાર દેખાય ખરી કે નહીં, દાદા ?

દાદાશ્રી : બધું જેટલું ખીલે ને, એટલી જ સુવાસ બહાર આવે. અંદર ખીલ્યું હોય તોય બહાર આવે અને બહાર ખીલ્યું હોય તોય બહાર આવે. ખીલેલું તો કંઈ ગુપ્ત રહેતું નથી. અરે, તમે મનમાં ભાવ નક્કી કર્યો હોય કે આ મહાત્માઓને મારે કોઈ પણ જાતની અડચણ નથી પડવા દેવી એવો ભાવ કર્યો હોય ને, તોય મહાત્માઓને વાત પહોંચી જાય. તમે કોઈને કહ્યું ના હોય તોય વાત પહોંચી જાય એવું આ વિજ્ઞાન છે. આ એવાં બધાં પાપ ધોવાઈ ગયાં છે કે એ એટલું બધું ક્લિયર થઈ ગયું છે, કે અત્યારે તમે આવું અંદર ગુપ્ત કંઈ કરશો તોય પણ બધાને પહોંચી જશે.

પ્રશ્નકર્તા : પણ દાદા, મારું શું કહેવું છે કે દાદા પાસે જે આવે છે, તેની અંદર દરેકને એવી ભાવના થાય છે કે અમને જે મળ્યું, તે લોકોને કેમ કરીને મળે ! હવે લોકોને આપવા જઈશું તો લોકો તો પહેલાં પેલું વર્તન જોશે.

દાદાશ્રી : હા, એ તો એ જુએને પણ !

પ્રશ્નકર્તા : એટલે હવે દાદા પાસે આવનારાઓની અમુક પ્રકારની ડિસિપ્લીન, અમુક પ્રકારનું વર્તન...

દાદાશ્રી : એ તો ધીમે ધીમે આવશે. પણ હમણે તો તમારી જાતે કરવા જશો તો બીજું તમારું જોઈ અને તમારી ખોડો કાઢશે, 'આ તમે કેમ વકીલાત કરો છો ?' કહેશે. એટલે તમારે તો એને શું કરવું એ આમ અટાવી-પટાવીને અહીં દાદાની પાસે તેડી લાવવા. હું રાગે પાડી દઉં પછી. કેટલાંય રાગે પડી ગયાને ! અત્યારે તમે રાગે પાડવા જશો તો નહીં પડે. કારણ કે વાંધા ઊઠાવે કે તમે આમ કેમ કરો છો ? અને મને એવું કહે નહીં ને ! મારી પાસે કહેવા જેવું છે નહીં ને !

જ્ઞાનીઓ જ સમજાવી શકે જ્ઞાન

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ થકી અમોને જે જ્ઞાન થાય એ બીજાને સમજાવી શકાય નહીં ?

દાદાશ્રી : એ સમજાવી શકવું સહેલું નથી. જ્ઞાન તો આમને હઉ થયેલું છે, પણ એમનાથી સમજાવી શકાય નહીં. અમે એકલાં જ સમજાવી શકીએ, અગર તો આ નીરુબેન થોડું થોડું સમજાવે. જે વધુ પરિચયમાં આવ્યા હોય, એ થોડું થોડું સમજાવે. આ ભાઈ થોડું, બહુ જૂજ સમજાવે પણ સમજાવે. પરિચયમાં આવ્યા ને ! પરિચય વધારે લેવો જોઈએ અમારી જોડે, તો બધું સમજાવી શકે.

યથાર્થ અનુભવથી દર્શન પરિણામે જ્ઞાનમાં

આપણે અહીં જ્ઞાન આપે છેને, ત્યારે અનુભવ ટચ થાય છે એટલે પ્રતીતિ બેસે છે. પણ સંપૂર્ણ અનુભવ ના કહેવાય. ત્યારે દુનિયાનો કાયદો એવો છે કે દરેક વસ્તુની પહેલાં પ્રતીતિ બેસે. કંઈ પણ તમે સમજણ પાડો કે, 'ભઈ, આવી જાતની કસરત કરવાથી તમને શરીર ને બધું સારું થઈ જશે.' એ સાંભળતાં જ, એ સારું સાંભળેને બરોબર પદ્ધતિસરનું તો એની પ્રતીતિ બેસી જાય. અને પ્રતીતિ બેસે એટલે પોતે એની ક્રિયા શરૂઆત કરે. અને શરૂઆત કરે ત્યાર પછી એને અનુભવ થાય, પછી એ જાણ્યું કહેવાય. પછી એ બીજાને જણાવી શકે. પ્રતીતિ બેઠેલી હોય ને જણાવે, એમાં ભલીવાર ના હોય. એટલે આ પ્રતીતિ બેઠા પછી તમને અનુભવમાં આવે ત્યાર પછી એ જે દર્શન હતું, તેનું બધું જ્ઞાન થતું જાય.

પ્રશ્નકર્તા : અનુભવની કક્ષા કેવી રીતે આપણે જાણી શકીએ ?

દાદાશ્રી : જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે, તે એ અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ. અને જેટલી બાબતમાં જ્યાં જ્યાં અસર કરે, તે હજુ કક્ષા બાકી રહી છે.

તો ભગવાન પૂર્ણ પ્રગટે

અમારું આપેલું જ્ઞાન, એ તો એક્ઝેક્ટ એની જગ્યાએ છે. મૂળ સ્વરૂપે જે જ્ઞાન આપેલું, એ મૂળ સ્વરૂપની તમને એક્ઝેક્ટનેસ હજુ આવી નથી પૂરેપૂરી. મૂળ સ્વરૂપે જ્યારે એક્ઝેક્ટનેસ આવશે ત્યારે પછી વધઘટ નહીં રહે. એટલે એક દહાડો બધા અંતરાય તૂટી જશે ને ભગવાન થઈને ઊભો રહેશે, જે આપણું મૂળ સ્વરૂપ છે. અત્યારે તમારામાં જ્ઞાન સ્વરૂપે છે જ ભગવાન, પછી એ વિજ્ઞાન સ્વરૂપ થશે, ફૂલ પ્રગટ !

'હું'ને ઓળખનારો, થયો ભગવાન

પ્રશ્નકર્તા : આ તો આપનું વાક્ય એવું નીકળેલું કે અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવો છે. એટલે અહંકારને ઓળખવાનો ?

દાદાશ્રી : અહંકારને ઓળખે તો બહુ થઈ ગયુંને ! કોઈ અહંકારને ઓળખી શકે નહિને !

પ્રશ્નકર્તા : એ ના સમજાયું. અહંકારને ઓળખવો એટલે શું ?

દાદાશ્રી : અહંકારને ઓળખે એટલે આખા પુદ્ગલને ઓળખવું. 'હું'ના કહેનારને સારી રીતે ઓળખવા, આખા પુદ્ગલને ઓળખ્યું, તો ભગવાન જ થઈ ગયોને !

પ્રશ્નકર્તા : એ 'હું' એટલે આખું પુદ્ગલ ઓળખવું એવુંને ?

દાદાશ્રી : 'હું' એટલે જ આખું પુદ્ગલ. હું એટલે બીજું કોઈ નહિ. માટે આ પુદ્ગલ બધું અહંકારનું જ છે. એ અહંકારને ઓળખે એનું કલ્યાણ થઈ જાય.

પ્રશ્નકર્તા : હવે અહંકાર પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ પોતે એમાંથી શુદ્ધ થાય છે કઈ રીતે ? અશુદ્ધ તરફથી શુદ્ધમાં એ કઈ રીતે આવે છે ?

દાદાશ્રી : એ શેની ભજના છે ? શુદ્ધની ભજના હોય તો શુદ્ધ થાય. 'હું શુદ્ધાત્મા છું' એ ભજના હોય તો શુદ્ધ થાય. નહિ તો 'હું રાજા છું' તો રાજા થઈ જાય.

ભજના કરે એ અહંકાર જ. અશુદ્ધની ભજના કરે છે ત્યાં સુધી આવો અશુદ્ધ થાય છે, શુદ્ધની ભજના કરે તો આવો શુદ્ધ થઈ જાય. જેવું ચિંતવે એવો થયા કરે. આખો દહાડો ચોરીઓ કરતો હોય એ શુદ્ધાત્માની શી રીતે ભજના કરે ? 'હું ચોર જ છું' એવી ભજના થયા કરેને ? અને તે ચોર થઈ જ જાય.

પ્રશ્નકર્તા : એટલે આ પાછું એ જેવો વ્યવહાર કરે એવી એની ભજના હોય જ ?

દાદાશ્રી : વ્યવહાર ઉપર જ ભજના બધી. એની ભજના હોય એ પ્રમાણે જ વ્યવહાર હોય અને વ્યવહાર હોય એ પ્રમાણે ભજના હોય. એક ફક્ત છેલ્લા અવતારમાં જ્ઞાન થયા પછી વ્યવહાર અને ભજના બે જુદી હોય. વ્યવહાર નકામો છે અને નિશ્ચય કામનો છે, ત્યારે એ બાજુ ભજના ચાલે કે વ્યવહારનો હવે નિવેડો લાવવાનો છે.

અનુભવથી શ્રેણી મંડાય પરિચયથી

થિયરેટિકલ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય અને પ્રેક્ટિકલ એ અનુભવ છે. સમજ પૂર્ણ ને અનુભવ પૂર્ણ, એનું નામ જ્યોતિ. એ જ જ્યોતિ, એ જ જ્ઞાન, એ જ પરમાત્મા.

પ્રશ્નકર્તા : પણ એ આપની સાથે રહીએ, ત્યારે જ સમજ આવેને ?

દાદાશ્રી : જેમ જેમ પરિચય વધતો જાયને, તેમ તેમ પ્રકાશ વધતો જાય. અને જોડે રહીને પરિચય વધ્યો, એનું નામ અનુભવ.

પ્રશ્નકર્તા : દાદાજી, શ્રદ્ધા ને પરિચયમાં ફેર ?

દાદાશ્રી : પરિચયથી શ્રદ્ધા બેસે, પણ શ્રદ્ધા બેઠા પછી પણ પરિચય વધે તેમ પછી પાછો અનુભવ થાય. વધારાના પરિચયથી શ્રદ્ધા બેસી એ પછી પરિચય શું કામ કરે ? ત્યારે કહે, અનુભવ થતાં જાય. માટે પરિચયમાં રહેવું.

પ્રત્યક્ષ પરિચય ન મળે ત્યારે

પ્રશ્નકર્તા : દાદાજી, પરિચયમાં ના રહેવાય તોે પુસ્તકો કેટલી હેલ્પ કરે ?

દાદાશ્રી : બધું હેલ્પ કરે. બધી આ અહીંની દરેક ચીજ દાદાની, એ શબ્દો દાદાનાં છે, આશય દાદાનો છે, એટલે બધું હેલ્પ કરે.

પ્રશ્નકર્તા : પણ સાક્ષાત્ પરિચય ને આમાં ફેર ને ?

દાદાશ્રી : એ તો ફેર ગણવા જાય તો બધામાં ફેર હોય. માટે આપણે તો જે વખતે જે આવ્યું તે કરવું. દાદા ના હોય ત્યારે શું કરવું ? દાદાનું પુસ્તક છે તે વાંચવું. પુસ્તકમાં દાદા જ છેને ! નહીં તો આંખો મીંચીએ કે તરત દાદા દેખાય !

પ્રત્યક્ષને પૂછીને સાધી લો પ્રગતિ

જે રસ્તે હું આવ્યો છું, એ રસ્તો મેં તમને આપી દીધો છે. મારો અનુભવનો જ રસ્તો આપ્યો છે. આ અનુભવનો રસ્તો કોઈ જગ્યાએ શાસ્ત્રમાં હોય નહીં. એક પણ શબ્દ એવો નથી શાસ્ત્રમાં કે જે અનુભવનો રસ્તો હોય, ને આ કાળના લોકોને કામ લાગે !

પ્રશ્નકર્તા : એટલે આપ ઘણી વખતે કહો છો કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ કરી લો.

દાદાશ્રી : એ જ અમે કહીએ છેને કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ એટલે. તમને તમારો અનુભવ થયો હોય, એ તમારો અનુભવ ગૂંચાતો હોય એટલે અમારા અનુભવથી પૂછી લો એટલે તમારો અનુભવ ગૂંચાતો નીકળી જાય. એ અનુભવ તમને ફીટ થઈ ગયો. બસ એ જ કરી લેવાનું છે. અમારી પાસે અનુભવનો સ્ટોક છે. તમારે હવે અનુભવ થતાં આવે છે, આ સાચું કે તે સાચું એ પૂછી લીધું. એટલે નિવેડો આવી ગયો.

- જય સચ્ચિદાનંદ