જાગૃતિ, અવળી વાણી સામે... સંપાદકીય જીવન વ્યવહારના અનુકૂલન માટે વાણી એ અનિવાર્ય માધ્યમ છે. પણ એ નોર્માલિટીમાં હોય ત્યાં સુધી પોતાને તેમ જ બીજાને હિતકર્તા બની રહે છે. પણ જ્યારે વાણી નોર્માલીટીની બહાર જાય છે ત્યારે એ અવળી વાણી બીજાને અહિતકર્તા બની અને સાથે સાથે એ પોતાનું પણ અહિત કરનારી થાય છે. વાણી સવળી કે અવળી શા આધારે બોલાય છે તેનું વિજ્ઞાન પરમ પૂજ્ય દાદાશ્રીએ ખુલ્લું કર્યું છે. કોઈ વ્યક્તિ પ્રત્યે અવળી વાણી ક્યારે નીકળે ? એ વ્યક્તિ માટે અવળા, નેગેટિવ અભિપ્રાય હોય તો. એવા અભિપ્રાય પાછળ એ વ્યક્તિ તરફથી અપમાન થયું હોય, એના પ્રત્યેના મોહનો માર પડ્યો હોય, ધાર્યું ના થતું હોય કે પોતાના લોભને કારણ એણે આપણું નુકસાન કર્યું લાગ્યું હોય તો નેગેટિવ અભિપ્રાય પડે. અર્થાત્ મૂળમાં અહંકારની ગાંઠ અને મોહ, માન, લોભ, ધાર્યું કરવાની એવા પોતાના દોષોના આધારે, પેલી અવળી વાણી નીકળી જતી હોય છે. મૂળ ગાંઠ ક્યારે છૂટે ? અભિપ્રાય ચોખ્ખા થાય તો વાણી સુધરી જાય ને સવળી નીકળે. પરમ પૂજ્ય દાદાશ્રી ઉદ્બોધિત આ વાણીનું વિજ્ઞાન સમજવામાં આવે તો વાણી થકી થતા ઘણા બધા દોષો નિવારી શકાય. નિશ્ચય તો હોવો જોઈએ કે અવળી વાણી કે જે બીજાને દુઃખ કરનારી છે, કષાય ઉત્પન્ન કરાવનારી છે, તેવી વાણી બોલવી ના જોઈએ. વિચક્ષણ માણસ એને કહેવાય, જે વિચારે કે અવળી વાણીના શા પરિણામ આવશે ! અવળી વાણી થકી બીજાના મન તૂટી જાય, હ્રદય ભગ્ન થઈ જાય, તેવું ના બને એ સાચવવું જોઈએ. કોઈ અવળી વાણી બોલે તો સવળી વાણીથી વ્યવહાર સુધારી લઈને કોઈને દુઃખ ના થાય તેવો વ્યવહાર કરવો જોઈએ. અવળું એટલે નીચે ઉતરવું અને સવળું ઉપર ચઢાવે. આચાર-વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય તો પરમાત્મા થઈ શકે એટલી શક્તિ મનુષ્યમાં રહેલી છે. ઊંધું, અવળું બોલવાથી, ટીકા કરવાથી જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે તે આત્મજ્ઞાનને અને કેવળજ્ઞાનને પણ બાધક છે. આપણે મહાત્માઓએ જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ માંડવાનો છે કે અવળી વાણી ના જ બોલવી જોઈએ. છતાં સંયોગાધીન વાણી અવળી નીકળે તો તેનું પ્રતિક્રમણ કરી લેવું. એટલે ચોખ્ખું થઈ જાય. અને અંતે તો ધ્યેય એવો હોવો જોઈએ કે જ્ઞાનીઓ જેવા સંયમમાં આવ્યા એવા સંયમમાં આવવું છે. એ સંયમ કોને કહેવાય કે શું થાય છે એ જોયા કરે. આ છેલ્લા સંયમ સુધી પહોંચવાના ધ્યેય પ્રાપ્તિ માટે આ વાણી આપણને જરૂરથી સહાયભૂત બની રહેશે, એ જ અભ્યર્થના.
દીપક દેસાઈ જાગૃતિ, અવળી વાણી સામે... અવળા ઉપયોગે આવરાય વચનબળ પ્રશ્નકર્તા : સરસ્વતી દેવીના કાયદા શા છે ? દાદાશ્રી : સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરું, જૂઠું બોલું, પ્રપંચ કરું તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય ? જે મહીં છે એ ના બોલું તો તારી પર સરસ્વતી કેવી રીતે રાજી થાય ? આજે કોઇનું વચનબળ શાથી નથી રહ્યું ? કારણ કે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરૂર- વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રિલેટિવ આત્માને બળવાન કરે. અત્યારે વચનબળ લુપ્ત થઇ ગયું છે અને મન ફ્રેકચર થઇ ગયું છે. આજે વચનબળ કેવાં હોય ? બાપ દીકરાને કહે કે, ભાઇ, ઊભો થા તો ? ત્યારે દીકરો આડો થઇ ને સૂઇ જાય ! પોતાનો દીકરો ના માને ! આ વચનબળ કેવી રીતે જતું રહ્યું ? વાણીનો ખોટો, અવળો ઉપયોગ કર્યો તેથી. વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય, વાણીનો કોઇ પણ વિભાવિક સ્વરૂપે ન લઇ જાય તો વચનબળ ઉત્પન્ન થાય. વાણીથી કેટલાકને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ બોલ્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું સત્ય જ બોલો અને પાછો સત્યનો આગ્રહ પકડી ના રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેકચર થઇ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે ! આ 'દાદા'ના જેવું વચનબળ હોવું જોઇએ. જૂઠું બોલે, પ્રપંચ કરે એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે 'હા, આને હું ઓળખું છું' તે અપવ્યય કહેવાય. અસર જ્ઞાનીના વચનબળની 'અમારું' વચનબળ તો અજાયબી કહેવાય ! 'અમારા' શબ્દો કેવા હોય ? શાસ્ત્રના શબ્દો ના હોય. શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય અને 'અમારા' પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહીં 'જ્ઞાન' હાજર થઇ જ જાય ! આત્મા જ પ્રગટ થઇ જાય ! અને પાછા જરાય વાગે નહી. 'અમારી' વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. 'આ' તો આખો 'જ્ઞાનાર્ક' છે ! એ પચે અને અજીર્ણ ના થાય ! જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય ! ગજબનું, જબરદસ્ત વચનબળ હોય !! એના એક-એક વચન પર જગત ઊછાળા મારશે ! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઇ જાય. 'અમારા' એક-એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે પણ અમારી વાણી મહીં ગજબના પ્રગટ થઇ ગયેલા પરમાત્માને સ્પર્શીને નીકળે છે, તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે ! સામાની ભાવના જોઇએ. અમે બોલીએ કે 'એય, કૂદ', તો સામો દસ ફૂટનો ખાડોય કૂદી જાય ! તો કેટલાક કહે છે કે, 'તમે શક્તિપાત કરો છો.' ના, અમારા વચનમાં જ એવું બળ છે ! કોઇ બહુ ડિપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. 'જ્ઞાની પુરુષ' તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. ગજબનું વચનબળ હોય ! 'હંુ' ને બોલનાર બે જુદા પ્રશ્નકર્તા : વાણીના વક્તા અને જ્ઞાતા, એ બન્ને વચ્ચેનો સંબંધ કયો ? દાદાશ્રી : 'હું' ને 'બોલનાર' બે જુદા છે. 'બોલનાર' ટેપરેકર્ડ છે અને 'હું' જાણનાર છું. 'આ ટેપરેકર્ડ શું વાગી રહી છે' એ જોયા કરું, જાણ્યા કરું. આમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે, કઈ ભૂલ છે ને કઈ નથી, એ બધું હું તપાસ રાખ્યા કરું છું. કયો શબ્દ અવળો નીકળ્યો, કયો શબ્દ સવળો નીકળ્યો, સામાને ફાયદો થઈ રહ્યો છે કે નહીં, કયો શબ્દ વાંધાજનક છે, કયો શબ્દ વધારે પડતો છે કે કયો શબ્દ ઓછો છે, કયો શબ્દ ગેરવાજબી છે, એમાં સામાને દુઃખ થશે કે કેમ, એનું મારે નિરંતર રિસર્ચ જેવું ચાલે. એટલે આ ટેપરેકર્ડ કેવી બોલે છે ને શું શું બોલે છે, એને જોવું ને જાણવું, એ જ મારા સ્ટડીમાં હોય. બધું ખ્યાલમાં આવી જાય. બનતાં સુધી ભૂલ વગરની ટેપ છે. પણ વખતે કોઈ વખત ભૂલ બનીયે જાય, કંઈ કહેવાય નહીં. જ્ઞાની વદે, જેમ છે તેમ... અમે જે શબ્દ બોલીએ ને, તે 'છે' એને છે કહીએ અને 'નથી' એને નથી કહીએ. 'નથી' એને અમારાથી 'છે' કહેવાય નહીં. નહીં તો ગુનો લાગે. કારણ કે અમે જવાબદાર છીએ. એટલે આ વસ્તુ જુદી છે. આ તો મારે જાતે ક્યારે કહેવું પડે છે ? તમે પૂછો ત્યારે મારે બોલવું પડે. નહીં તો આ બોલ્યાનો અર્થ જ નહીં ને ! 'સારી-ખોટી' મારાથી બોલાય નહીં અને છતાં બોલું તો મને વાંધો નથી. કારણ કે એ વાણી મારી નથી, એ ટેપરેકર્ડ છે. એ ટેપરેકર્ડ બોલે છે ને 'હું' જ્ઞાતા-દ્રષ્ટા છું. આ વાણી શું બોલી રહી છે, તે 'હું' તેને જોયા કરું છું. તે પાછો હુંય સાંભળું છું, હં. તમારે એવું ના માનવું કે હું નથી સાંભળતો. તમે જાણો કે દાદાજી અમને બધાને સંભળાવે છે ! અરે ભઈ, હુંય સાંભળું છું. આ રેકર્ડ વાગવાની શરૂ થાય છે, એટલે મને સાંભળવાની તે ઘડીએ ગમે છે. ખાવાનું-પીવાનું કશું ગમતું નથી. ભૂખેય ના લાગે, આ રેકર્ડ જ્યારે વાગે ત્યારે. હવે આ રેકર્ડ વાગે ને તમે જો એટલાં તન્મયાકાર થઈ જાવ, તો તમને પણ એવું થઈ જાય. પ્રશ્નકર્તા : અમે આપની વાણી કાને સાંભળીએ છીએ. આપ કઈ રીતે સાંભળો છો ? આપે કહ્યું ને, આ વાણી હુંય સાંભળું છું. દાદાશ્રી : ત્યારે હું કંઈ સાંભળ્યા વગર રહેતો હોઈશ ? મનેય જ્ઞાન થાય કે ના થાય, આવું સાંભળું એટલે ? એને હુંય સાંભળું છું ને ! અને ભૂલચૂક થતી હોય તો હુંય ભૂલ કાઢંુ ને ! ટેપની ભૂલ જડે જોનારાને પ્રશ્નકર્તા : ઓરિજિનલ ટેપરેકર્ડમાં ભૂલ હોય ? દાદાશ્રી : હા, કોઈક વખતે ભૂલ થઈ જાય. પણ તે જોવાની. હવે અમારો શું ગુનો થતો હશે ? અમારો કોઈ જાતનો ગુનો થાય નહીં. કારણ કે આ શરીરમાં હું રહેતો જ નથી. અઠ્ઠાવીસ વર્ષથી આ શરીરમાં ફર્સ્ટ નેબરર તરીકે રહું છું. તો પછી અમારા ગુના ક્યાં આગળ આવ્યા ? છતાંય આ 'પટેલ'ના ગુના છે. આ 'એ.એમ.પટેલ' ૩૫૬ ડિગ્રી ઉપર છે અને 'દાદા ભગવાન' પોતે ૩૬૦ ડિગ્રી પર છે. 'એ.એમ.પટેલ'ને ચાર ડિગ્રી ઓછી છે, એટલે કંઈ ભૂલ થવાનો સંભવ તો ખરો જ. ઓરિજિનલ ટેપરેકર્ડ ચાર ડિગ્રી કમીવાળી છે, પરફેક્ટ નથી. એટલે 'મારે' જોતાં રહેવું પડે. 'જોનાર' છે તે પૂરી ડિગ્રીથી જુએ છે એટલે એ ભૂલચૂક હોય તે સુધારી આપે. એ એની ભૂલો ભાંગશે એટલે કમ્પ્લીટ થઈ જશે. અત્યારે આ બોલાય છે, તેની જોખમદારી મારી નથી. કારણ કે હું આમાં જુદો છું. આ રેકર્ડ બોલી રહી છે, એટલે જોખમદારી નથી રહેતી. પણ જો ભૂલ થયેલી હોય તો અમે તરત નોંધ કરીએ. લોકોની પાસે ભૂલવાળી વાણી બોલવાની નથી. વાણી એકદમ ક્લિયર હોવી જોઈએ, બિલકુલ ભૂલ વગરની હોવી જોઈએ, એક સેન્ટ પણ ભૂલ ના હોવી જોઈએ. એક સેન્ટ જેટલી ભૂલથી લાખો માણસોને નુકસાન થઈ જાય. આખા દહાડામાં એકાદ ભૂલ નીકળે વખતે, તોય અમારી નોંધ હોય. હા, ભૂલ તો ચાલવી જ ના જોઈએ. ભૂલ ભાંગવી જ પડશે. આ પુદ્ગલની પણ ભૂલ ભાંગવી પડશે. આત્મામાં ભૂલ છે જ નહીં. ભૂલ કોની ભાંગવાની છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલની. દાદાશ્રી : હા. પુદ્ગલ કોનું ? આપણું ઊભું કરેલું. ભલે અત્યારે આપણે માલિક ના હોઈએ, પણ કોનું ઊભું કરેલું ? જવાબદારી કોની ? હુ ઈઝ રિસ્પોન્સિબલ ? પ્રશ્નકર્તા : આપણે પોતે જ. દાદાશ્રી : હા. માટે હવે આપણી ભૂલ એક પણ રહેવી ના જોઈએ. એ ભૂલોમાં કોઈ માણસની કે કોઈને દુઃખ આપવાની ક્રિયા જ નથી હોતી. ફક્ત અહીંથી વાણી જરા કઠણ નીકળી હોય અને એ ભાઈને વાગે, તો એ ભૂલ કહેવાય. વાણી સહેજ પણ વાગવી ના જોઈએ, સાચી વાત હોય તોય પણ વાગવી ન જોઈએ. એક અક્ષરેય અવળો ના બોલાય. એક અક્ષર તો શુંનું શું કરી નાખે. એટલે કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી હોય તો મને ખબર પડી જાય તરત જ, કે 'આ ટેપરેકર્ડ કેવી ઊતરી છે, કોનો દોષ આમાં ?' પછી દોષવાળાને (ફાઈલ નં.૧ને) કહી દઉં કે 'તમે માફી માગી લો. તમે આમ કેમ કર્યું ? તમે ભૂલ કરી છે.' એટલે માફી મંગાવી લઉં. કો'કને દુઃખ આપવા માટે આ ટેપરેકર્ડ નથી, સુખ આપવા માટે છે. એટલે આ તમારી જોડે વાત થાય ને, તોય અમારે મહીં મશીનરી ચાલુ જ હોય. અમને ભૂલો થતી દેખાય, ઓન ધી મોમેન્ટ. એમાં તો વાર જ નહીં. કારણ કે આ હું બોલતો નથી ને ! આ ટેપરેકર્ડ બોલે છે એટલે જવાબદારી મારી નથી. જવાબદાર ટેપરેકર્ડ છે. છતાંય મહીં મશીન ચાલુ હોય, જે ચોખ્ખું કરી નાખે બધું. પેપર ચોખ્ખું, ક્લિયર કરી નાખે. નહીં તો સામાનો અહંકાર ભગ્ન થાય ને ! એટલે એ ટેપરેકર્ડમાં શું ભૂલ આવી છે, તે પછી મારે સુધારવી પડે. જશ-અપજશના ધણી પોતે નહીં રેકર્ડ કોનું નામ કહેવાય કે જેને સારું બોલે તેનો જશ જોઈતો નથી કે ખોટું બોલે તેનો અપજશ જોઈતો નથી. એ વીતરાગ છે. વખતે ટેપરેકર્ડ કંઈ અવળું બોલે, તો એનો અપજશ અમે લેવા તૈયાર નથી અને સવળું બોલે તો તેનો જશ લેવા તૈયાર નથી. ટેપરકર્ડના જશ-અપજશના અમે માલિક નથી. છતાંય એને અપજશ આપવો હોય તો વાંધો નથી અને જશ આપવો હોય તોય કહીએ કે ટેપરેકર્ડ છે, શું કરવા જશ આપે છે ? કોઈ કહેશે, 'બહુ સરસ બોલ્યા' તોય ટેપરેકર્ડનું અને કોઈ કહેશે, 'ખરાબ બોલ્યા' તોય એ ટેપરેકર્ડનું. એમાં મારું કશું નહીં. 'હું' : 'બોલનાર' : 'અંબાલાલ' પ્રશ્નકર્તા : તો આ ટેપરેકર્ડમાં અંબાલાલભાઈનો ભાગ નહીં ? દાદાશ્રી : ના. આ બધાના માલિક એ પોતે. એટલે 'હું બોલું છું' એમ બોલેને તો તો માલિકીપણું થાય અને પોતે માલિક છે નહીં. માલિક હોય તો, એવું ના બોલે કે મારે નહોતું બોલવું તોય બોલાઈ જવાયું. લોકો તો એવું બોલે અને બોલ્યા પછી પસ્તાય કે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે પોતે બોલનાર છે નહીં. ટેપરેકર્ડ બોલે છે આ. અને ટેપરેકર્ડ અંબાલાલ બોલે તો એ કૉઝ કહેવાય. અને આ ટેપરેકર્ડ બોલે તો એ પરિણામ છે. એટલે આ બધા પરિણામ છે. અંબાલાલથી એમ ના કહેવાય કે 'હું બોલ્યો.' આ જગતના લોકો બધાય કહે કે 'હું બોલ્યો.' ન કરે વાત દેહ કદિ આ વર્લ્ડમાં કોઈ માણસ બોલી શકે જ નહીં ! જે બોલે છે, એ એમ કહે છે 'હું બોલ્યો.' પણ એ ભ્રાંતિ છે. વર્લ્ડમાં કોઈ માણસ ! બોલી શકે નહીં આવું જ્યારે કહું છું ત્યારે સાયન્ટિસ્ટોને સમજમાં ના આવ્યું ! પ્રશ્નકર્તા : હું તો તમારા શરીરને જોઉં છું, કે તમારું શરીર મારી સાથે વાત કરે છે. દાદાશ્રી : શરીર વાત નથી કરતું. શરીર જો વાત કરતું હોય ને, તો માણસ મરી ગયા પછી એનું શરીર આપણી જોડે વાત કરે. શરીર તો બોલતું હશે ? પ્રશ્નકર્તા : આપણને તો માણસ બોલતો દેખાય છે. માણસે બોલવાનો તો પુરુષાર્થ કર્યો ને ? દાદાશ્રી : એ તો આ ગાડીય બોલે છે. ભોં... ભોં... ભોં... પ્રશ્નકર્તા : સંભળાય છે એટલે બોલે છે, એ વાત તો ચોક્કસ ને ? દાદાશ્રી : ના, પણ ગાડીઓ બોલે છે ને ? ગાડીઓ ? તે ગાડી એ માણસ છે, જીવ છે ? પ્રશ્નકર્તા : એ બરાબર પણ આ સજીવ સૃષ્ટિ બોલે છે, એ વાત ખરીને ? માનવ સૃષ્ટિ બોલે છે, એ વાત તો ચોક્કસને ? દાદાશ્રી : 'બોલ્યું' કોનું નામ કહેવાય કે, પોતાને જેવું બોલવું હોય અને જેટલું બોલવું હોય એટલું જ બોલાય. પણ એવું બોલે છે ખરું ? એવું બને છે ખરું આખા દહાડામાં, તમારે બોલવું હોય શું ને બોલી જવાય શું ? પ્રશ્નકર્તા : જરૂર કરતાં વધારે બોલી જવાય કાં તો નાય બોલાય ! દાદાશ્રી : શું બોલવું હોય અને એને બદલે કેવુંય બોલી જવાય, એવું બને ખરું ? પ્રશ્નકર્તા : હા, એવું બને જ છે. દાદાશ્રી : તો પછી આ બોલનારો માણસ હોય તો એક વાક્યેય જુદું ના હોય. કોઈ ફેરો બોલ્યા પછી મનમાં એવું થયેલું કે આ ભૂલથી બોલાઈ જવાયું, એવી ખબર પડેલી ? ત્યારે તમે બોલનારા ને વળી પાછો બોલ અવળો શી રીતે નીકળ્યો ? માટે તમે બોલનાર બોલતા નથી, એની મેળે નીકળ્યા કરે. 'અમે' પણ એક અક્ષરેય બોલ્યા નથી અને કોઈની બોલવાની શક્તિ જ નથી ! બેઉ છે જડ આ બધા એને આધાર આપ્યા કરે છે કે 'આ મેં વ્યાખ્યાન કર્યું હતું, કેટલું સુંદર કર્યું હતું ?' એ બધા આધાર આપે ! કોઈ ભાષણ કરી રહ્યો હોય પછી એને આપણે કહીએ કે 'ફરી બોલો જોઈએ.' તો એ શું કહે ? એને એકુંય વાક્ય બોલતાં આવડે નહીં. એના કરતાં સ્કૂલના છોકરાં સારાં કે સાહેબ કહે કે એય ફરી બોલી જા તો, એ ફરી બોલી જાય. ગોખેલું હોય ને, છોકરાંઓએ તો ! એનો બધાને ગર્વરસ ઉત્પન્ન થાય કે હું કેવું સરસ બોલ્યો ! પછી અવળું બોલે, ત્યારે 'હું શું કરું ?' કહેશે. એવું ના હોવું જોઈએ. આ વ્યાખ્યાન આપે છે તે કોણ આપે છે ? આત્મા આપે છે ? આત્મામાં વાણી નામનો ગુણ જ નથી. તો તું કેવી રીતે બોલે ? માટે 'હું વ્યાખ્યાન કરું છું,' એ વાત જુઠી છે. આ વ્યાખ્યાન સાંભળે છે એ ચેતન છે ? વ્યાખ્યાન કરે છે તે ચેતન છે ? તમે બોલો છો, વ્યાખ્યાન સાંભળો છો, બધું કરો છો, એ બધામાં ચેતન છે નહીં. વ્યાખ્યાન જે કરે છે, તેમાંય ચેતન નથી. બોલો, ક્યાં સુધી મેં શોધખોળ કરી ! એમાં આખુંય ચેતન માની બેઠાં છે ! 'હું જ છું' અને એને સુધારે છે, એને સ્થિર કરે છે. અલ્યા, ચેતન જ ન્હોય આ તો ! આ તો પાવર ચેતન છે !!! ચેતનતા શબ્દમાં હોય નહીં, વર્લ્ડમાંય. શબ્દ બોલે છે, ભાષા બોલે છે, ત્યાં ચેતનતા ના હોય. ઉપદેશમાં ચેતનતા હોતી હશે ? ચેતનતા તો આદેશમાંય ના હોય. જોડે સમ્યક્ દ્ષ્ટિ જોઈએ હવે (ક્રમિક માર્ગમાં) એક બાજુ સમકિત થયેલું હોય, આત્મા પ્રાપ્ત કર્યો હોય ને થોડો અહંકાર બાકી હોય, ત્યારે એ ઉપદેશ આપી શકે. એટલે સમકિત પણ અહંકારી હોય, તો એનો ઉપદેશ કામનો. બાકી બહાર જે ઉપદેશ છે, તે તો કામના જ નહીં ને ! ખરી રીતે તો ઉપદેશ આ બધાથી અપાય નહીં. કારણ કે ભગવાનના કહેલામાં નથી એ. ભગવાને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી દ્ષ્ટિ ફરે નહીં, દ્ષ્ટિ સમ્યક્ થાય નહીં, ત્યાં સુધી આ જે ઉપદેશો આપે છે, એવું કરાય નહીં. જગતને હેલ્પ કોણ કરી શકે ? જેની દ્ષ્ટિ બદલાયેલી હોય, સવળી દ્ષ્ટિ થયેલી હોય, તે હેલ્પ કરી શકે. બાકી અવળી દ્ષ્ટિવાળો કોઈ પણ જાતની વાત કરે, એ હેલ્પ કરી શકે નહીં. એટલે સવળી દ્ષ્ટિ ના થાય ત્યાં સુધી કોઈને ઉપદેશ આપશો નહીં. જ્ઞાની બોલે, નિર્ભીકપણે અમે ચોખ્ખું જ કહી દઈએ. કારણ કે અમારે ઘાટ નથી, લાલચ નથી. તારું હિત એ જ અમારે જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય, તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ. આ જગતને અમે એકલાં જ નગ્ન સ્વરૂપે સત્ય કહીએ છીએ. અમે કઠણ બોલીએ. જ્ઞાનીના શાથી કઠણ શબ્દો હોય ? કારણ કે તેઓ નિર્ભીકપણે બોલે છે અને જગત આખું બીકનું માર્યું બોલે છે. ઉપર બાપો છે તેની બીક લાગે, કર્મ બંધાશે તેની બીક લાગે ! જ્યારે જ્ઞાની પુરુષને તો કોઈ જાતની બીક જ નથી. જ્ઞાની તો વર્લ્ડના ગમે તે માણસને જે ફેક્ટ છે તે કહી દે. કારણ કે જેને કશું જ જોઈતું નથી, પછી શું ? આવી કડક વાણી અમને વીતરાગને ન હોય. પણ શું કરીએ ? સામાના રોગને કાઢવા, ગજબની મહીં વીતરાગતા સાથે સંપૂર્ણ કરુણાભરી વાણી સરી પડે છે ! એમાં એમનોય દોષ નથી. એમની ઈચ્છા તો મોક્ષે જ જવાની છે, પણ અણસમજણથી અવળું થાય છે. કાળ જ બહુ વિચિત્ર આવ્યો છે. તેની આંધીમાં બધાં લપટાયાં છે. તમે અવળે રસ્તે ચાલ્યા જાવ અને આ અમને ગમે નહીં. ના બોલવું સારું લાગે. અમે બોલીએય નહીં, મૌન રહીએ, પણ શું થાય ? હવે આની પાછળ અમારે પ્રતિક્રમણ વિધિ કરવી પડે, તમને અવળે રસ્તે નહીં જવા દેવા. પા કલાક અમે શ્રુતજ્ઞાન ઉપર ઘાત કર્યો. એટેક કર્યો તે વિધિ કરવી પડે. પ્રશ્નકર્તા : પણ સમર્થન મળતું હોય તો એમાં એને વાંધો શો ? દાદાશ્રી : ના, એટેક તો કહેવાય જ ને ! આ શાસ્ત્ર એની મેળે બેસી રહ્યું'તું. તમે શા આધારે એટેક કરો છો ? ગમે તેવું હતું તોય એની મેળે સ્વતંત્ર હતું. એટલે મહીં એટેક કર્યો. અમે એક દોષ જવા ના દઈએ. એકે એક દોષ ધોઈ નાખવો પડે. આ જાણી જોઈને દોષ કર્યો, નહીં તો આમના મનમાં ભૂસું પેસી ગયું, તે પાછાં પેલા પુસ્તક વાંચીને માથાફોડ કર્યા કરે. અને એટેક એટલે એટેક ! હું કંઈ ઓછો સમજતો નથી ? અમારે તો 'ના' કહેવાનું કશું હોય જ નહીં. અમને તો 'હા'માં જ મોક્ષ છે. 'હા'થી મુક્તિ, પણ કો'ક ફેરો ઊંધે રસ્તે ચડી જતું હોય ગાડું, ત્યારે એમને કહેવું પડે ને ? સમજાયું ને ! અહોહો ! જ્ઞાનીની કરુણા ! પ્રશ્નકર્તા : એટલે આપણે સરળ જ થઈ જવાનું એવું ને ? દાદાશ્રી : હા, આ દુનિયામાં સરળને બહુ સારું, સરળને કશું અડે નહીં. અમે તો પહેલેથી મૂળ સરળ સ્વભાવના ને, તે અમને કશું અડે નહીં. અમે સરળ પણ સમજીને સરળ. 'વાંક-સરળતા' તો બહુ જીવોમાં છે. અમને સમજણ પડી ગઈ કે આ ભાઈનું બિલકુલ 'કરેક્ટ' છે, તો અમે બિલકુલ સરળ, બીજું કશું નહીં અને આ ભાઈ આડું રાખે છે તો પણ અમે જવા દઈએ પણ તે સમજીને જવા દઈએ. અમે જાણીએ કે આ આડું રાખે છે, કારણ કે એની શક્તિ વધારે હોય નહીં, માટે આડું કરે છે એ ! અમે કરુણા રાખીએ, પણ તેય સમજીને કરુણા રાખીએ. જ્ઞાનીએ દોહ્યા અનેક નવનીત પ્રશ્નકર્તા : આપને લાખો પ્રશ્નો પૂછાયા હશે, આડા-અવળા, ગાંડા-ઘેલા, પણ આપની મહીંથી વિજ્ઞાન જ નીકળે છે. દાદાશ્રી : હા. એટલે મારું કહેવાનું કે આ ગમે તેવું પૂછે, આપણને લાભ છે ને ! એ ખોટું શું છે ? એટલે આપણે એ જોવાનું છે કે વિજ્ઞાન શું નીકળે છે ! એ જુઓને આપણે ! અને આ જોવાનું ચૂકે, તો એ 'ચૂકનાર'નેય 'આપણે' જોવાનો. બસ, બીજું કશું નથી, આપણે ત્યાં બીજી ભાંજગડ જ નથી ને ! કેટલાંક તો પ્રશ્નો પૂછવામાંય એટેક કરે કે 'તમે આ શબ્દનું આવું કેમ કહો છો ?' તે અમે એનું સમાધાન કરાવીએ. સમાધાન થઈ જ જવું જોઈએ. ભલે ઊંધું-ચત્તું પૂછે, પણ ટાઈમ તો આમાં, સત્સંગમાં જ જવાનો છે ને બધો ? અને મારે મોઢેથી નીકળ્યું હશે તે કંઈ ખોટું-અવળું ઓછું નીકળવાનું છે, કશું ? એ તો ફાયદો થશે. વાત કઢાવનારને સંતોષ થાય છે ને ! આ તો કો'કને એવી વાત ના ગમે, એટલે 'આ ડખો કરે છે' એવું લાગે. વાણી છે પરાધીન કેટલાંક લોકો મારી અવળી વાત કરતાં હોય તો પછી હું તેને થોડીવાર પછી કહું, 'તું બોલ્યો, તે ફરી બોલી જા જોઈએ !' ત્યારે એ કહે, 'એ તો ના ફાવે.' ત્યારે શું જોઈને બોલે છે ? ભમરડો છે કે શું છે તું ? તને અક્ષરેય ભાન નથી, તે શું બોલ બોલ કરે છે ? લે, જેટલું બોલ્યા એવું ફરી બોલતા નહીં આવડે ? એવું અક્ષરેય બોલાય નહીં ! 'કોણ બોલે છે' એનું ભાન જ નથી ! આપણે કો'કને કહીએ, 'વિચારીને બોલો છો ?' ત્યારે એ કહે, 'બધું વિચારી રાખ્યું છે ત્યારે તો બોલાય છે.' પછી ખોટું પડે. ત્યારે શું કહે ? 'અરે ! હું જ અવળું બોલી ગયો.' અલ્યા, વિચારવું હતું ને ! અને ગાળો ભાંડે છે, ત્યારે ક્યાં વિચાર કરવા જાય છે ? વિચાર તો પહેલાં થઈ ગયેલા. પૂર્વભવમાં હિસાબ-બિસાબ, વિચાર-બિચાર બધું થઈને આ ગોઠવાયેલું જ છે. હવે મફતમાં વાણી બોલવાની છે. ક્રિયાથી નહીં, ભાવથી બીજ પડે માણસ અત્યારે જૂઠું બોલતો દેખાય છે, પણ આજે માણસ જૂઠું બોલી શકે જ નહીં, અગર તો એવી લુચ્ચાઈ કરી શકે જ નહીં, ચોરી કરી શકે જ નહીં, આજે એની શરૂઆત જ નથી, એ પહેલાં થઈ ગયેલું છે. શરૂઆત એની આજે દેખાય નહીં. જેની ચોરીની શરૂઆત થયેલી હોય, તે અહીં દેખાય નહીં. એ આજે શાહુકાર દેખાય. દેખાવમાં કાયમ શાહુકાર દેખાય, પણ એની મહીં ચોરીના બીજ પડતાં હોય. એ આપણને ખબર ના પડે; પણ જ્યારે એ વૃક્ષરૂપે થાય ત્યારે આપણને અહીં આગળ દેખાય. વૃક્ષરૂપે થયું ત્યારે લોક કહેશે કે, 'આ આજે ચોરીઓ કરે છે.' પણ ખરેખર તો એ કે' દહાડાનુંય હતું. પ્રશ્નકર્તા : આ જન્મમાં નવી ક્રિયા કોઈ કરી ના શકે ? દાદાશ્રી : નવી ક્રિયા આમ દેખાવમાં ના કરી શકે, પણ અંદર થઈ રહી હોય. પ્રશ્નકર્તા : હું અત્યારે સારું કરું, સેવા કરું, એ બધું જૂનું જ છે ? દાદાશ્રી : જૂનું જ છે, નવું તો કશું હોતું જ નથી. નવું અંદર થયા કરે છે કે જે તમને ખબર ના પડે. નવું અંદર બીજ પડ્યા કરે છે, એ ચાર્જ થયા કરે છે, એ ખબર ના પડે; પણ આ ડિસ્ચાર્જ જે થાય છે એટલું જ તમને ખબર પડે. એક માણસ સારું કામ કરતો હતો, તેમને પચાસ હજાર રૂપિયા ધર્મમાં દાન આપવાના કહ્યા. આપણે અહીં બેઠા છીએ ને આવી વાત કરી એટલે એમણે કહ્યું કે, 'હું પચાસ હજાર રૂપિયા આપીશ.' પછી એ એમને ઘેર ગયા. પાડોશીએ પૂછયું કે, 'તમે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યા ?' ત્યારે કહે છે કે, 'હું આપું એવો છું નહીં. પણ આ ભાઈનાં દબાણને લઈને મેં આપ્યા છે.' હવે પૂર્વભવે દાન કરવાના ભાવ કરેલા તે આજે દાન અપાયું, પણ અત્યારે બીજ પડી રહ્યું છે કે, 'હું કોઈને આપું એવો છું જ નહીં.' એટલે લઈ લઉં એવો છું ! તે લોકોનું લઈ લેવાનું બીજ પડી રહ્યું છે, એટલે દાન આપ્યું છતાં બીજ અવળું પાડ્યું ! પોતાનું જ સુધારવાની જરૂર પ્રશ્નકર્તા : આ છોકરાં શિક્ષકની સામે થઇ જાય છે, તે ક્યારે સુધરશે ? દાદાશ્રી : જે ભૂલના પરિણામ ભોગવે તેની ભૂલ છે. આ (કેટલાક) ગુરુઓ જ ઘનચક્કરો પાક્યા છે તે શિષ્યો સામા થાય છે. આ છોકરાં તો ડાહ્યા જ છે, પણ (કેટલાક) ગુરુઓ ને મા-બાપ એવાં પાક્યાં છે ! અને વડીલો જૂની પક્કડ પકડી રાખે પછી છોકરાં સામાં થાય જ ને ? અત્યારે મા-બાપનું ચારિત્ર એવું હોતું નથી કે છોકરાં સામાં ના થાય. આ તો વડીલોનું ચારિત્ર ઘટી ગયું છે, તેથી છોકરાં સામાં થાય છે. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઇ શકે છે. કોઈ માણસ બહુ આડું બોલતો હોય, તેને આપણે વઢીએ તે કોના જેવું છે ? આ સંડાસ ગંધાય તો તેના બારણાને લાતો માર માર કરીએ તો તે સુગંધીવાળું થાય ? લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે. પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે ? માટે પહેલાં તમારા પોતાના બગીચાનું સંભાળો પછી બીજાનું જોવા જાવ. તમારું સંભાળશો તો જ ફળ-ફૂલ મળશે. પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા, તેનાથી લોકો ઊલટાં બગડ્યા. સુધારવા જાય કે બગડે જ. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ એ મિનિંગલેસ છે. ત્યાં સુધી શબ્દ પણ પાછાં પડે. તમે કહો કે 'આવું ના કરીશ.' ત્યારે સામો કહે કે 'જાવ, અમે તો આવું જ કરવાના.' આ તો સામો વધારે અવળો ફર્યો. સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ. પણ જે પ્રયત્નો 'રીએક્શનરી' હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, 'આપણને આ શોભે નહીં.' બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો, પણ કહેવાથી એને જે દુઃખ થયું તેની અસર તમારા ઉપર આવશે. કહેવાનો વાંધો નથી. પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી રાખવું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી. એક શબ્દે સજાર્યું મહાભારત એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ 'આંધળાના આંધળા' આ શબ્દે તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું. આ જ મુખ્ય કારણ ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને ? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે કે ? પ્રશ્નકર્તા : એક શબ્દ ઉપર જ આ બધું ઘમસાણ થઈ ગયું ! દાદાશ્રી : એક શબ્દ ઉપર જ આ બધું થયેલું છે. એ શબ્દ જો ના નીકળ્યો હોત ને તો કશું થવાનું નહોતું. માટે શબ્દ બોલવામાં તો બહુ જ કંટ્રોલ હોવો જોઈએ. જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવો શબ્દ ના બોલાય. એના માટે રોજે રોજ અભ્યાસ કરવો જોઈએ. એટલે માણસે સાચવવું જોઈએ. કઠોર ભાષા પ્રશ્નકર્તા : વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય ? દાદાશ્રી : એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી. લોકોને બીવડાવવા માટે, ફફડાવવા માટે. પ્રશ્નકર્તા : એટલે આપણે એને પોષણ આપેલું. દાદાશ્રી : આપણે મોટી કરી હતી, ખરાબ કરી હતી. અને આપણે પાછી સુધારવી છે, તે આપણે સુધારી નાખો. કવિરાજ લખે છે ને, કે 'કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવળી ભાષા.' હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તોય વાણી સુધરી જાય. ત્યાં મૃદુ-ઋજુ ભાષા... પ્રશ્નકર્તા : 'કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે, તો તેનાં પ્રત્યે મૃદુ-ઋજુ ભાષા બોલો.' એટલે એનો વાંક ના જુઓ, એવું ? દાદાશ્રી : એનો વાંક જોવાનો ના હોય. એ કઠોર બોલે ને આપણે મૃદુ-ઋજુ બોલીએ. પ્રશ્નકર્તા : એ કઠોર હોય, એનું હ્રદય બહુ એવું હોય. દાદાશ્રી : એ આપણે જોવાની જરૂર નથી. એ કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ. કારણ કે આપણે છૂટવું છે. એને ગમે તે કરવું હોય એ કરે. એને બંધાવું ગમતું હોય કે છૂટવું ગમતું હોય તો એ જાણે. પણ આપણે તો છૂટવું છે. એટલે છૂટવાનો કામી બંધાવાની શરતો સ્વીકારે નહીં. અને સામો માણસ એગ્રિમેન્ટ કરાવી લેવા ફરતો હોય, એ કઠોર બોલે એટલે આપણે કઠોર બોલીએ, એ બંધાવાની શરત થઈ. આપણે તો છૂટવાના કામી જ છીએ. એ કઠણ બોલે તોય આપણે મૃદુ-ઋજુ ભાષા બોલવી જોઈએ. કારણ કે એ જવાબદાર નથી. એ તો ફાવે એવું બોલે. આપણે જવાબદાર છીએ. આપણે એક જ દિશામાં જવાનું છે. અવર્ણવાદ એટલે.... પ્રશ્નકર્તા : પેલી કલમ બોલીએ છીએને કે 'હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.' આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો 'એક્ઝેક્ટ' 'મિનિંગ' શું છે ? દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમેય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય. અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથીય ભારે ખરાબ વસ્તુ છે. અવર્ણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે ? સાદી નિંદા કરે છે. પણ ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ કહેવાય. પ્રશ્નકર્તા : ગાઢ નિંદા એ કેવી નિંદા ? દાદાશ્રી : એનું રૂપક જ ખરાબ દેખાડે. આમ સાધારણ નિંદા કરે કે 'એ તો માણસ સારા નથી.' એ સાધારણ નિંદા કહેવાય. પણ એના માટે પેલો પેલાને ઠસાવી દે, એ અવર્ણવાદ કહેવાય. કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : હોય ને ! દાદાશ્રી : ને થોડું અવળુંય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. 'આવી બાબતમાં જરા એવાં, પણ આ બીજી બાબતમાં બહુ સારાં.' આવું હોવું જોઈએ. અવર્ણવાદ - પરોક્ષ કે મૃત્યુ પામેલાનો પ્રશ્નકર્તા : ''હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'' બોલીએ છીએ તો આમાં મૃત્યુ પામેલાઓની પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ? દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો તો તમે ભયંકર દોષમાં પડો, આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું નામ પણ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું. આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એનેય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. જોખમ છે એમાં, બહુ મોટું જોખમ છે. તે વખતે પહેલાંના 'ઓપીનિયન'થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે. નિંદા કર્યાના પરિણામ કોઈ માણસની નિંદા ના કરાય. અરે, સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાંય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈનીય સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ 'મહાત્મા'ઓની ટીકા, નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે ? સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુદ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ છતાંય કોઈનું એક અક્ષરેય ના બોલીએ. એક અક્ષરેય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય. કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવાનો અર્થ જ નથી. સામાન્યભાવે વાત સમજવાની જરૂર. વ્યક્તિગત વાત કરવી, એ તો નિંદા કહેવાય. અને નિંદા એ તો અધોગતિમાં જવાની નિશાની ! કોઈની નિંદા કરો એટલે તમારે ખાતે ડેબિટ થયું અને પેલાને ખાતે ક્રેડિટ થયું. એવો ધંધો કોણ કરે ? અને માણસની નિંદા કરવી ને, એ જ માર્યા બરોબર છે. માટે નિંદામાં તો બિલકુલેય પડવું જ નહીં. માણસની નિંદા કોઈ દહાડો કરવી નહીં. એ પાપ જ છે. ન ઘટે પ્રતિપક્ષી ભાવ સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ. પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ? દાદાશ્રી : ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! પ્રતિપક્ષી ભાવ એટલે કોઈ ગાળ ભાંડે તો અમને આવું બોલ્યા જ કેમ ? એમ થાય 'સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું તેમ થાય.' અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું, ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે. આપણે કાગળમાં કોઈના માટે કશું ખોટું લખાઈ ગયું હોય. પણ એ કાગળ નાખ્યો નથી ત્યાં સુધી ફરી પાછું નીચે લખી શકાય કે 'ઉપર તમારા માટે બે શબ્દ ખરાબ લખી નખાયા છે તે, તે ઘડીએ મારા મગજમાં કંઈ ગાંડપણ ભરાયું હશે તેથી લખાયું. માટે માફ કરજો.' આવું લખો તો બધું માફ થઈ જાય. પણ તે ઘડીએ આમની આબરૂ જાય, એટલે ના લખે. આ આબરૂદારના કટકા બધા ! કેટલાંય કપડાં રાખે ત્યારે આબરૂ રહે છે. તેય પાછું ફાટ્યું હોય તો સાંધવું પડે, કપડું મેલું થયું હોય તો કકળાટ માંડે કે 'મારી સફેદ ટોપી ધોઈ જ નથી તમે ઈસ્ત્રી કેમ ના કરી ?' હવે ઈસ્ત્રી માટે કકળાટ માંડે. શેનાં હારું આબરૂ રાખે છે આ ? નાગો ફરું તોય લોક પૂજા કરે એવી આબરૂ ખોળી કાઢ. મહીં અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય, તેવું ફેરવી શકો તેમ છો, રસ્તો જાણવાની જરૂર છે. નિઃસ્પંદને સ્થંભિત ટેપીંગ પરમાણુ પરમાણુમાં ટેપ કરવાની શક્તિ છે. આંખોને ફિલમ ઊતારવાની શક્તિ છે. મહીં પાર વગરની શક્તિ છે. આ એક મહીંની મશીનરી પરથી આ બીજી બધી પાર વગરની મશીનરીઓ બને છે. એટલે આ (મહીંનું) મશીન જબરજસ્ત પાવરફૂલ છે. પ્રશ્નકર્તા : જેને ટેપ જ ના કરવું હોય, તેના માટે શું રસ્તો ? દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય. વાણી, વ્યવહારને આધીન વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું. જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ? ન્યાય શું કહે છે ? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બન્ને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો. વ્યવહાર ભગાઈ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુર્ત જ પ્રતિક્રમણ કરો. તમારે ના બોલવું હોય તોય બોલાઈ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે, તે આધારે જ નીકળે છે. કોઈ કોઈ જગ્યા તપાસી જોજો. કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તોય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઈકે તો તમારું જરાય નુકસાન ના કર્યું હોય તોય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? ત્યારે કહે, એવું સામાના વ્યવહારને આધીન થાય છે. જેવા વ્યવહારે વીંટાયું છે, તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વઢતા. તો હું કહું કે, તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર કરી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઇચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં કોઈ મહા પુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે. નહીં તો એવું અમારે ક્યાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી બીજાને ગાળો આપવાની ક્યાંથી હોય ? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે ! કવિ શું કહે છે કે, 'મૂઆ જેને કહે, એ તો અજર-અમર તપે, ગાળ્યું જેણે ખાધી, એના પૂરવનાં પાપોને બાળે.' કોઈ કહેશે, 'આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે ?' એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે. હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું. પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું, તેનું શું ? દાદાશ્રી : એ વ્યવહારાધીન છે. પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ? દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તોય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપજ્ઞાન ના હોય, તેણે વ્યવહાર, વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે. ભગવાન તો આમ થવાય તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે 'તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો' એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય-પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈનીય જોડે મતભેદ પડે નહીં. સવળું બોલી ટાળવો ક્લેશ પ્રશ્નકર્તા : દાદા બધાની બુદ્ધિ સરખી ના હોય, વિચારો સરખા ના હોય અને આપણે સારું કરીએ તોય કોઈ સમજે નહીં, એનું શું કરવાનું ? દાદાશ્રી : એવું કશુંય નથી. વિચાર સમજણ પડે છે બધાંયને પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે એવું. તેમ બધાના વિચાર ખોટા છે. એટલે વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકેય ભાન નથી બળ્યાં. આ તો મનમાં માની બેઠાં છે કે હું ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો ક્લેશ જ ના થાય. પોતે બધે એડજસ્ટેબલ હોય. આ બારણાં ખખડે તોય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તોય આપણને ના ગમે. આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, તમે બે ધોલો મારો તો સારું પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે ! પોતે વાંકો મૂઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે. લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણીજોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી ઘૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, 'આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણીજોઈને પડી રહેવું પડે. એટલે આબરૂ જ જાયને. એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો કેમ કરો છો ? લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. (કરવા જ હોય તો) બહાર જઈને કરજો અને બહેનો તમેય કરશો નહીં, હો ! પ્રશ્નકર્તા : વાણીથી કશોય કલેશ ના હોય. પણ મનમાં ક્લેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં બહુ હોય. તો એ ક્લેશ વગરનું ઘર કહેવું ? દાદાશ્રી : એ વધારે ક્લેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ ક્લેશ હોય જ અને પછી આપણને કહે, 'મને ચેન પડતું નથી.' તે ક્લેશની નિશાની. બધાંનો કહેવાનો અધિકાર ખરો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે. અબોલાથી નિકાલ થાય ? પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ? દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે 'કેમ છો ? કેમ નહીં ?' એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. જ્યારે ત્યારે એનો નિકાલ તો કરવો જ પડશેને ? અબોલા રહો રાખો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા, તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય. મૌનથી સુધરે પરિણામ પ્રશ્નકર્તા : સામાનો વ્યુપોઇન્ટ સમજાય નહીં તો શું કરવું? દાદાશ્રી : મૌન રહેવું. મૌન રહેવાથી અક્કલ હીણા માણસો શાણા ગણાયા. વખતે કહે કે, 'તારામાં છત નથી.' તો મૌન રહેવું. અને તે વખતે જો આપણે સામા થઇએ તો તે પેલાને યાદ રહેશે અને કહેશે કે, 'આ તો છત વગરનો જ છે.' પ્રશ્નકર્તા : મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ? દાદાશ્રી : પડે. પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ? દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે. પ્રશ્નકર્તા : કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ? દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઊલટું આ તો. અહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાઓનેય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું. આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરેય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ? પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા. દાદાશ્રી : જરાય છોકરાને કહેવાય નહીં. કારણ કે છોકરાએ જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું ત્યારે, અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તોય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારા વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી વાત સમજાય છે ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂઆ શેના સુધરે પણ ? અન્કવૉલિફાઈડ ફાધર્સ-મધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું કારણ એના મા-બાપને લીધે. આ તો જ્ઞાન લીધા પછી થોડા ડાહ્યા થાય. હવે થોડું ડહાપણ આવે કે ના આવે ? પ્રશ્નકર્તા : હા, આવે દાદા. દાદાશ્રી : તમે હિસાબ કાઢોને, તમને કોઈ નાનપણમાં વઢતા હોય તો મહીં કશી અસર થતી હતી ? શું થતું હતું ? પ્રશ્નકર્તા : ખોટું કરીએ છીએ એવું લાગે. મને ખબર પડી જતી કે હું ખોટું કરી રહ્યો છું. બેનો કહે છે કે અમને એવું લાગતું હતું કે આ બધા અમને વગર કામના લઢ લઢ કરે છે. દાદાશ્રી : હં, બધાને એમ જ લાગે. બહુ લઢે ત્યારે.... પ્રશ્નકર્તા : લાગે, દાદા. એમ લાગે કે મારી ભૂલ છે. દાદાશ્રી : કો'ક ફેરો લાગે. રોજ એમ કરે તો 'નકામા આ કચકચ કર્યા કરે છે' એમ માને. અને તમારા છોકરાં શું કહે, આ ડબલ કચકચ કરી રહ્યા છે, નકામા, યુઝલેસ ! નથી ફાયદો છતાં બોલાય ? પ્રશ્નકર્તા : જરૂર ના હોય ત્યાં બોલવાનો કંઈ અર્થ જ નથી ને ? દાદાશ્રી : એ એટલું જ જો સમજેને તો બોલ બંધ થઈ જાય. પણ બોલ બંધ થતાં નથી. એટલા માટે બોલવામાં અર્થ છે, એવું સમજે છે. બાકી બોલવાનો કશો અર્થ જ નથી, મીનીંગલેસ છે. 'બોલવાનું' એ તો ભ્રાંતિમાં વ્યવહાર છે એક જાતનો. ભ્રાંતિમાં એની જરૂર છે, પણ પછી જરૂર નથી. છતાંય બોલ્યા વગર છૂટકો જ ના થાય ને ! ભરેલો માલ તેથી ! સુધારવા માટે 'કહેવાનું' બંધ કરો આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને દરેકના એવાં જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઇને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ગાડીએ વહેલો જા. તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઇમે જાય. આપણે ના હોઇએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટાં એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઇ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો રિલેટિવ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય. પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી. દાદાશ્રી : જવાબદારી 'વ્યવસ્થિત'ની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો માબાપ ગાંડું બોલે પછી છોકરાંય ગાંડું કાઢે. પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઇથી બોલે છે. દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય. એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઇ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઇ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઇને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઇનું સુધરે નહીં. સુધરવાનું તો 'જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો માબાપની જવાબદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને કાપી ના નાખવું. બગડેલાને સુધારવું એ અમારાથી થઇ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ? છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહિના મૌન લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું. અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. ફરિયાદી જ ગુનેગાર પ્રશ્નકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું અને કોઈ નથી સમજી શકતું તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછા. દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાંય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી. દોષ તો આપણો જ હોય છે. એવા એવા માણસો છે કે જે પાડોશમાં આપણી જોડે કુટુંબ તરીકે હોયને, તો તે આપણાં બોલતાં પહેલાં આપણી વાત બધા સમજી જાય. પણ એવા આપણને કેમ ભેગા ના થયા અને આ લોકો જ કેમ ભેગા થયાં ? આમાં સિલેક્શન કોનું ? એટલે બધી જ ચીજ છે આ જગતમાં, પણ આપણને ભેગી નથી થતી એમાં ભૂલ કોની ? એટલે ઘરનાં ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી. પ્રશ્નકર્તા : પણ દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ? દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દ્ષ્ટિમાં આરોપી તું ઠરીશ. માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી. પ્રશ્નકર્તા : તો મારે શું કરવું ? દાદાશ્રી : 'એ' અવળા દેખાય તો કહેવું કે, 'એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે.' એમ ગુણાકાર થઈ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે. ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. 'જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે, આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. સવળી દ્ષ્ટિથી જુએ ત્યાં આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા કાકા-કાકીને એંસી વર્ષ થાય બેઉને, તોય પણ કાકાના મરી ગયા પછી તેરમાને દા'ડે કાકી સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ કાકાનું અવળું બોલતા હતા.' 'તોય પણ આવા ધણી ફરી નહીં મળે', એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને.... પ્રશ્નકર્તા : સારા હતા. દાદાશ્રી : એટલે આવા ધણી ફરી નહીં મળે એવી શોધખોળ કરતાં આવડે. ત્યારે કેટલી શોધખોળ હશે ? ખબર ના પડે ભઈ, અંદરખાને કેવા હતા તે ! આ તો બધી પ્રકૃતિ. સમજ સવળી, જ્ઞાન થકી 'જ્ઞાન' ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે 'ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.' અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે. એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમકિતબળ છે ! જબરજસ્ત સમકિતબળ છે. તે રાત-દા'ડો નિરંતર કામ કર્યા જ કરે ! પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ? દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે ? દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય. પ્રશ્નકર્તા : પણ તે વખતે 'જ્ઞાન' પણ એટલું જ જોરદાર ચાલે છે. દાદાશ્રી : હા, 'જ્ઞાને'ય જોરદાર ચાલે. આ 'અક્રમ વિજ્ઞાન' છે, એટલે મારંમાર, લડી કરીને પણ ઠેકાણે લાવી દે ! દુઃખ દઈને મોક્ષે ના જવાય પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું. દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈનેય દુઃખ ના થાય એ રીતે. કોઈનેય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો અને બધાંને સુખ આપીએ તો બધાં જવા દે. પાનચારો કરાવીએ તોય જવા દે, બીડી આપીએ તોય, છેવટે લવિંગનો દાણોય આપે તોય જવા દે. લોક આશા રાખે કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાના ? મોક્ષે જનારા મહેરબાન કહેવાય. તે મહેરબાની દાખવતાં દાખવતાં આપણે જવાનું. પ્રશ્નકર્તા : લોકોને આશા હોય, પણ આપણે આશા રાખવાની શી જરૂર ? દાદાશ્રી : આપણે આશા રાખવાની નહીં. આ તો એમને પાન-સોપારી કે કંઈક આપીને ચાલવા માંડવાનું. નહીં તો આ લોકો તો ઊંધું બોલીને અટકાવશે. એટલે આપણે અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું. લોક મોક્ષે એમ ને એમ ના જવા દે. લોકો તો કહેશે, 'અહીં શું દુઃખ છે તે ત્યાં હેંડ્યા ? અહીં અમારી જોડે મજા કરો ને ?' પ્રશ્નકર્તા : પણ આપણે લોકોનું સાંભળીએ તો ને ? દાદાશ્રી : સાંભળીએ નહીં તોય એ ઊંધું કરશે. એમને ચારેય દિશા ખુલ્લી હોય ને તમારે એક દિશા ખુલ્લી હોય. એટલે એમને શું? એ ઊંધું કરી શકે ને તમારાથી ઊંધું ના કરાય. બધાંને રાજી રાખવાનાં. રાજી કરીને ચાલતા થવાનું. આમ આપણી સામે તાકીને જોતો હોય ત્યાં તેને 'કેમ છો સાહેબ ?' કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ 'ટેસી'વાળા છે ! તે પાછું તોફાન માંડે ! પ્રશ્નકર્તા : આપણે સામાને રાજી કરવા જઈએ તો આપણામાં રાગ ના પેસી જાય ? દાદાશ્રી : એવી રીતે રાજી નહીં કરવાનું. આ પોલીસવાળાને કેવી રીતે રાજી રાખો છો ? પોલીસવાળા પર રાગ બેસે છે તમને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : રાજી તેય બધાંને કંઈ રાખવાની જરૂર નથી. આપણા રસ્તામાં કોઈ આડો આવે ત્યારે એને સમજાવીપટાવીને કામ કાઢી લેવાનું છે. આમને તો આડા આવતાં વાર ના લાગે. એમનો કોઈનો આપણને ધક્કો વાગી જાય, તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી-પટાવીને કામ કાઢી લેવા જેવું છે. જરૂર છે પ્રેમમય વાણીની એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે 'વહુ મને આમ કેમ કરે છે ?' વહુને એમ થાય કે 'આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?' એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે 'વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, 'હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય પછી ? જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે અને આ સંસારનું તો કશું આઘુપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે 'ચંદુભાઈ'ને કહેવું 'કામ કર્યે જાવ.' પછી આઘુપાછું થાય તોય વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા-લઢવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોય ને, તે બધું વઢે, લઢ્યા કરે. આ ગાયો-ભેંસો કંઈ રોજ લઢે છે કે કોઈ દહાડો ? કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચકચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવામાં આવે છે. મનમાં એમ માને કે 'મારા વગર ચાલશે નહીં. આ બધું બગડી જશે.' એ અહંકારને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું. પ્રતિભાવ કોને ? તમે કંઇક ખોટું બોલી ગયા ને પછી તમને અંદર એમ થાય કે, 'આ ખોટું થયું, આવું ના બોલવું જોઇએ' એ પ્રતિભાવ કહેવાય. જે તમે બોલો છો તેને જ તમે 'ના બોલવું જોઇએ' એવો જે ભાવ કરો એ પ્રતિભાવ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ એ જ પ્રતિભાવ ને ? દાદાશ્રી : મહીં જાગૃતિ હોય તો પ્રતિભાવ થાય. ગોળી છૂટી જાય પછી મનમાં એમ થાય કે 'ના છોડવી જોઇએ.' આ પ્રતિભાવ એ આપણો પુરુષાર્થ ગણાય છે. પ્રશ્નકર્તા : 'ડિસ્ચાર્જ'માં તન્મયાકાર થાય તો પાછા બીજા ભાવો પડે ને ? દાદાશ્રી : હા, બધું જોખમ ખરું ને ! પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઇ જાય. પ્રતિક્રમણ કરે એય પરભાવ. એનાથી પુણ્યૈ બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઇ ગયો એટલું ઓછું થયું. એટલે અજ્ઞાનીને પ્રતિભાવ ના થાય. એને જાગૃતિ જ ના હોયને કે આ ખોટું થાય છે. 'જ્ઞાની'ને પણ પ્રતિભાવ ના હોય. કારણ કે એમને ભાવ જ ઉત્પન્ન ના થાય, તો પ્રતિભાવ ક્યાંથી થાય ? એ સંપૂર્ણ જાગૃતિની નિશાની છે. અને જેને સમ્યક્ દર્શન થયું છે એવા જાગૃત મહાત્માઓને પ્રતિભાવ થાય. અવળા ભાવ થાય કે તરત જ જાગૃતિ એ દેખાડે ને તેની સામે પ્રતિભાવ ઉત્પન્ન થાય. સંયોગો, પર ને પરાધીન સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે અને 'શુદ્ધ ચેતન' તેનો જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે. સ્થૂળ સંયોગો એટલે બહારથી ભેગા થાય છે તે છે. સંયોગો ઉપાધિ સ્વરૂપ છે, છતાં તેના 'આપણે' જ્ઞાતા-દ્રષ્ટા રહી શકીએ છીએ. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. સૂક્ષ્મ સંયોગો, જે દેહની અંદર ઉત્પન્ન થાય છે. વાણીના સંયોગ તો પ્રગટ માલમ પડી જાય. વાણી સૂક્ષ્મ ભાવે ઉત્પન્ન થાય છે અને સ્થૂળ ભાવે પ્રગટ થાય છે. વાણીના સંયોગ સૂક્ષ્મ-સ્થૂળ કહેવાય. જેને આત્મા પ્રાપ્ત થયો છે, તે તો અત્યંત જાગ્રતપણે સ્થૂળ સંયોગો - સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગોનો જ્ઞાતા-દ્રષ્ટા રહે ને જાગૃતિપૂર્વક પ્રતિક્રમણ કરાવી એનો નિકાલ કરે. કારણ કે હવે દુકાન ખાલી કરવી છે એમ નક્કી હોય છે. અને આપણા અહીં જ્ઞાન લીધા પછી એવો ખોટો શબ્દ નીકળે તો એ તરત જ નક્કી કરે છે કે 'હવે સારું બોલવું છે, આ તો ભૂલ થઈ.' અને તમારે તો આ ભવમાં તમારી વાણી નક્કી જ થઈ ગયેલી છે, પરાધીન થઈ ગયેલી છે. કારણ કે તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમારે એનો વાંધો નહીં રાખવાનો. ઉકેલ લાવવો, નિકાલ લાવવો. તમે નિકાલ કરનાર. આ વાત જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે, તેને જ લાગુ પડે છે. દાદાએ આ બધું 'જ્ઞાન' આપ્યું છે ને, તે એક અવતારને માટે છે. પણ જેને બીજા અવતારોમાં હજુ વ્યવહાર રહેવાનો હોય અને આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, તે એવું બોલે કે 'વાણી પર-પરાધીન છે' એ ખોટું છે. કારણ કે એ ગાળો દે, લોકોને ગાળો દેવાય એટલી દે અને પછી આપણે કહીએ 'ગાળો કેમ દો છો ?' ત્યારે એ કહેશે, 'વાણી પર ને પરાધીન છે' એમ કંઈ વ્યવહાર ચાલે ? પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : આપણે તો પર-પરાધીન કહીએ, પર-પરાધીન સમજીએ અને ઉપરથી એનું પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ તો કરીએ પણ મોઢે હઉ માફી માગી લઈએ કે 'ભઈ, ભૂલ થઈ.' એવી માફી માગી લે કે ના માગી લે ? પ્રશ્નકર્તા : માગી લે. દાદાશ્રી : અને એ લોકો માફી કશું માગે એવાં નથી, પ્રતિક્રમણ કરે એવાં નથી. એટલે પછી મનમાં નક્કી ના થાય કે 'વાણી બહુ ખરાબ નીકળે છે. હવે સારી બોલાય તો સારું.' એટલે આવતે ભવ વાણી પાછી સારી થાય નહીં. પછી મનમાં નક્કી ના કરે કે આવું ખોટું નથી બોલવું, એટલે એની પ્રગતિ રુંધાઈ જાય. એમને ભાવ તો ચાલુ રહેવાના અને તમારે ભાવ બંધ કરી દીધો છે, ભાવકર્મ જ બંધ કરી દીધું છે. એમને ભાવકર્મ ચાલુ છે, એટલે વાણી પર ને પરાધીન છે. એવું બોલ્યે ના પોષાય એમને. જ્યારે આપણું વિજ્ઞાન જુદું છે. આપણે શું કહીએ છીએ ? એ સંજોગો બધા પર ને પરાધીન છે, એટલે આ તમારાથી ફરશે નહીં એકુંય સંજોગ. એ તમારાથી જુદા છે એટલે તમારી નાતના નથી કે તમારી જાતના નથી. તમારાથી ફરી શકે એવાં નથી. એ ઊલટાં તમને ફેરવશે. માટે એના તરફ દુર્લક્ષ સેવો, એમ કહેવા માગીએ છીએ. એ સંજોગો આવે ને જતા રહે, એની મેળે. વખત થાય એટલે જતા રહે. અવળી વાણીના ખપે પ્રતિક્રમણ 'સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે 'એક્ઝેક્ટ' છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. 'એક્ઝેક્ટ' આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો. પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે. દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ! હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય. પછી પસ્તાવો થાય. દાદાશ્રી : વાણીથી જે કંઇ બોલાય છે તેના આપણે 'જ્ઞાતા-દ્રષ્ટા.' પણ જેને એ દુઃખ પહોંચાડે, તેનું પ્રતિક્રમણ 'આપણે' 'બોલનારા' પાસે કરાવવું પડે. અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે આ 'અંબાલાલ પટેલ'ને ગાળો ભાંડે છે. પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે અમે સ્વીકારીએ નહીં, 'અમને' અડે નહીં. અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય. આપણાથી બે ડિગ્રી ઊંચો હોય તેની જોડે ગુણમાં રહીએ, એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, તો એ આરાધના કહેવાય. એમનું અવળું બોલીએ, નિંદા કરીએ તે વિરાધના કહેવાય. વિરાધનાથી નીચે પડી જવાય, આરાધનાથી ઊંચે ચઢાય. પરમાણુની અસર કેવી ? વર્લ્ડમાં એ પરમાણુ બધા જે છે રૂપી પરમાણુ, તે બધા જ પ્યૉર છે. પણ માણસ એમ બોલે છે, 'તમે નાલાયક છો.' આવું 'નાલાયક' બોલનારને ભાન નથી, સાંભળનારનેય ભાન નથી. હવે સાંભળનારને જેટલી અસર થઇ એટલા પરમાણુ એનામાં પેઠા અને આ બોલનારનેય પરમાણુ પહોંચે. તમે જેટલો કકળાટ કરશો તેટલા સામાના પરમાણુ તમારામાં પેસશે. તે સામોય બગડશે અને તમેય બગડશો. આપણે કોઈની આગળ બોલ્યા હોય કે આ જજ સારો નથી. પછી આપણે જજ આગળ જઈએ તો પેલા ખરાબ બોલ્યાના પરમાણુ છે તેની જજને આપણી આંખો ઉપરથી જ ખબર પડી જાય. પરમાણુ પહોંચે. તેમ આપણે કોઈની આગળ બોલી ગયા કે આ જજ સારો છે. તો તે થોડાક વખત પછી આપણામાં તેના માટે સારા પરમાણુ ભરેલા એટલે જજને સારાની અસર થાય જ. કશું જ અવળું વિચારવા જેવું નથી અને સવળુંય વિચારવા જેવુંુ નથી. (શુદ્ધ જોવા જેવું છે.) ધ્યેય તો આ છેલ્લા સંયમનો આપણે તો નિશ્ચય હોવો ઘટે કે અવળું બોલવું જ નથી છતાં કોઇની જોડે અવળું બોલાઇ જાય તો તમારે ચંદુભાઇને કહેવામાં વાંધો નહીં કે સામાને દુઃખ થાય એવું ના બોલો તો સારું. તેમ છતાં અવળું બોલાય તો આપણે ચંદુભાઇને કહેવું, 'તમે અતિક્રમણ કેમ કર્યું ? આ છોકરાને દુઃખ થાય એવું બોલ્યા માટે તમે પ્રતિક્રમણ કરો.' પછી છોકરાના નામનું પ્રતિક્રમણ કરવાનું. બસ, આટલું જ સમજવાનું છે. 'શું થાય છે' એમાં એ જોવાનું ચૂકે એને અસંયમ કહ્યો છે; અને સંયમ કોને કહેવાય કે 'શું થાય છે' એ જોયા જ કરે ! આ છેલ્લો સંયમ, આ જ્ઞાનીઓનો સંયમ કહેવાય. અને આ જગતના લોકો તો દેહના સંયમને સંયમ કહે છે. એ બધી સ્થૂળ વાતો છે અને 'આ' તો સંયમની છેલ્લી વાતો છે. 'આ' સંયમ આવ્યો તેને તો નિયમથી જ દેહ ધીમે ધીમે સંયમિત થતો જ જાય. માટે આ છેલ્લા સંયમમાં જ આવવા જેવું છે. - જય સચ્ચિદાનંદ |