કાઉન્ટરપુલી ગોઠવવી વ્યવહારમાં સંપાદકીય મનનો સ્વભાવ જ ચંચળ છે, જે ક્યારેય અચળ થઈ શકે નહીં. એટલે મનમાં વિચારો ફૂટ્યા વગર રહે નહીં. આ મનમાં ઉદ્ભવતા વિચારોની સ્પીડ દરેકને અલગ-અલગ હોય ! એક મિનિટમાં તો કેટલાય પર્યાય દેખાડી દે. એ વિચારની સ્પીડને પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) વૈજ્ઞાનિક ભાષામાં 'રિવોલ્યુશન પર મિનિટ'થી ઓળખાવે છે. બે જાતના રિવોલ્યુશન; આઉટર રિવોલ્યુશન ભૌતિક વિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ લાવે, જ્યારે ઈનર રિવોલ્યુશનથી આધ્યાત્મિક ડેવલ્પમેન્ટ થાય. દાદાશ્રીને જ્ઞાન થયા પહેલા આ હાઈ રિવોલ્યુશનને કારણે જીવનમાં બનતા પ્રસંગોમાં ઊભી થતી સૂઝમાંથી તારણ કાઢી, અનુભવની કસોટી ઉપર લઈ આધ્યાત્મિક ઉન્નતિ સાધતા અને તેના સાર રૂપે આ 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું. દાદાશ્રીને મનના રિવોલ્યુશન બહુ ઊંચા એટલે એમને લો (ઓછા) રિવોલ્યુશનવાળા જોડેના વ્યવહારમાં ગૂંચ ઊભી થાય. એટલે પછી એમણે કાઉન્ટરપુલીની ગોઠવણી કરવા માંડી. આ 'કાઉન્ટરપુલી' એટલે પોતાના વિચારની સ્પીડ ઓછી કરી સામેની વ્યક્તિની જે વિચારની સ્પીડ છે ત્યાં સુધી લાવીને પછી 'વાણી-વ્યવહાર' કરે, જેથી સામેની વ્યક્તિ આપણે જે કહેવા માંગીએ છીએ તે સરળતાથી સમજી શકે. તેનું ઉદાહરણ આપતા દાદાશ્રી કહે છે, કે હાઈસ્પીડ એન્જીન સાથે ઓછા રિવોલ્યુશનનો પંપ જોડીએ તો પંપનું શું થાય ? તૂટી જાય. એ નુકસાન ના થાય તે માટે એન્જીનને 'કાઉન્ટરપુલી' આપી, પટ્ટાથી પંપની પુલી સાથે જોડવામાં આવે તો બન્નેની ગતિ સરખી કરી શકાય, જેથી પંપનું યોગ્ય રીતે કાર્ય થઈ શકે. આ જ સૈદ્ધાંતિક સમજ જીવનમાં અપનાવવામાં આવે, તો વ્યવહારમાં મતભેદ ના થાય, અથડામણ ના થાય અને જીવન વ્યવહાર સરળ બને. દરેકના શિષ્ય થઈને રહેવું, એટલે લઘુતમ થવું તેમજ બાળક જોડે બાળક, પુત્ર જોડે મિત્ર થઈ જવું, હંુ બાપ નહીં પણ દીકરાનો દીકરો, કાકો નહીં પણ ભત્રીજાનો ભત્રીજો, દાદો નહીં પણ પૌત્રનો પૌત્ર, હસબન્ડ નહીં પણ વાઈફની વાઈફ, સાસુ નહીં પણ વહુની વહુ એ ભાવને કાઉન્ટરપુલીની ગોઠવણી કહેવાય છે. આ જીવનમાં મોટામાં મોટંુ દુઃખ ડિસ્એડજસ્ટમેન્ટનું છે. એટલે આમ સમજપૂર્વક કાઉન્ટરપુલી મૂકી એડજસ્ટમેન્ટ લેવામાં આવે તો સંસારના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી આવી શકે. દાદાશ્રી પોતે કાઉન્ટરપુલીની ગોઠવણીથી એડજસ્ટમેન્ટ લઈ, કોઈની પણ સાથે મતભેદ ના થાય તે રીતે, વ્યવહાર તો આદર્શ કર્યો, પણ સાથે સાથે અધ્યાત્મની ટોપ લેવલની વાતો મુમુક્ષુઓ-મહાત્માઓના લેવલ સુધી આવીને સરળ અને સાદી શૈલીમાં આપી. આવા કરુણાસાગર અનુપમ વિજ્ઞાનીના અદ્ભૂત જ્ઞાનને સમજી, જીવનમાં અપનાવી, આધ્યાત્મિક વિજ્ઞાનના રહસ્યોનો તાગ મેળવી, કામ કાઢી લઈને ધન્યતા અનુભવી લઈએ એ જ હ્રદયની ભાવના.
દીપક દેસાઈ મન ચંચળ, આત્મા અચળ પ્રશ્નકર્તા : મનુષ્યનું મન ચંચળ કેમ હોય છે? દાદાશ્રી : એનો સ્વભાવ જ ચંચળ છે. એ અચળ થાય એવું છે જ નહીં. મન મનોધર્મમાં રહેવું જ જોઈએ. નહીં તો સ્થિર થયું કે એ તો બ્લંટ (બુઠ્ઠું) થઈ જાય. પ્રશ્નકર્તા : મન ચંચળ છે, એ સ્થિર થોડો વખત જ રહી શકે છે. દાદાશ્રી : પણ મનની ચંચળતાને અચળતા કરવી એ ગુનો છે. મન ચંચળ છે, તો આત્મા અચળ છે. નહીં તો મનને અચળ કરશો તો આત્મા ચંચળ થશે. એવું છે, આ તો બધું બેલેન્સ (સમતોલન) છે. કાઉન્ટર વેઈટ છે બધાં. જો પાંચ શેરી આમ નાખશો તો આ બાજુ ત્રાજવું કંઈનું કંઈ ઊંચું જતું રહે. મનની સામે કાઉન્ટર વિચાર પ્રશ્નકર્તા : હવે આ મન જે વસ્તુ પકડે છે, એ જ પછી બહાર રીપ્રોડ્યુસ થાય છે ? દાદાશ્રી : હા, એ તો મનમાં જે છે ને, તે આવ્યા વગર રહે નહીં. એનો કાળ પાકે ત્યારે આવે. એટલે પાંચ ને વીસ મિનિટ થાય, જગ્યા ભેગી થાય ને બીજા સંજોગો ભેગા થાય ત્યારે એક્ઝોસ્ટ (ખાલી) થવા માંડે. એટલે આપણને એમ થાય કે આવા વિચારો કેમ આવે છે? હવે સાઠ વર્ષે પૈણવાનો વિચાર આવે. આમ તો છે તે પક્ષાઘાત થવા માંડ્યો હોય. અરે, સાઠ વર્ષે પૈણવાના વિચાર? એય આવે, બળ્યા ! તો એની સામે બીજું મૂકવું પડે. દરેકના સામે મૂકીએ નહીં ને તો પ્લસ-માઈનસ થાય નહીં ને ઊલટા તમે કંટાળીને હેરાન થઈ જશો. આ મન તો એવું છે ને, તે આપણા જે મોટા ઋષિઓ હતા ને, એમનાં તપમાં ભંગ કરાવી દીધો હતો. આ મનનો સ્વભાવ એવો છે. એટલે મનના સામું મૂકવું જોઈએ. તમે મૂકો છો કે કંઈ? પ્રશ્નકર્તા : સામે કાઉન્ટર વિચાર મૂકું. દાદાશ્રી : હા, કાઉન્ટર વિચાર મૂકવો જોઈએ. હંમેશાંય કાઉન્ટર વેઈટ મૂકવું જ પડે. એ તો મહાન જાગૃતિ જોઈએ, સંપૂર્ણ જાગૃતિ જોઈએ. આ જાગૃતિ મૂકીએને તો મન વશ થતું જાય, નહીં તો આપણે મનને વશ થતાં જઈએ. મનનાં 'રિવોલ્યુશન' પ્રશ્નકર્તા : એવું કહે છે કે ભગવાન મહાવીરને મન બરાબર વશ રહ્યા કરતું'તું. જ્યારે અમારું મન બહુ ચોગરદમ ફર ફર કરે છે. દાદાશ્રી : મન જેટલું ફરે ને એટલું સારું અને ના ફરતું હોય તો વધારે એને ગોદો મારીને ફેરવવું જોઈએ. આઇડલ (આળસુ) મન એ કામનું જ નહીં. આ મન ફરે નહીં તો એનું નામ મન જ ન હોય. નિરંતર વિચાર ફર્યા કરે. પ્રશ્નકર્તા : દાદા, બધાને કલ્પનાઓ બહુ નહીં આવતી હોય, પણ મને બહુ કલ્પનાઓ આવે છે. એક વસ્તુ કંઈ બને, એમાં બહુ કલ્પનાઓ આવે. દાદાશ્રી : મન બધું ચંચળને. મશીનરીના રિવોલ્યુશન (ગતિ) બહુ વધારેને ! તે હોય ને ! એ વધારે રિવોલ્યુશન ના હોય ને તો તમે તો એટલો બધો મોહ કરો કે આખા મુંબઈને માથે લઈને ફરો એવાં છો. એ રિવોલ્યુશનને લીધે જ મોહ બળ્યો છૂટ્યો છે ને! 'રિવોલ્યુશન' એટલે ? પ્રશ્નકર્તા : 'રિવોલ્યુશન' એટલે શું ? દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલુંય દેખાડી દે, એના બધા પર્યાયો' એટ-એ-ટાઇમ' દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો-બારસો 'રિવોલ્યુશન' ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય. આપણને બે હજાર રિવોલ્યુશન ફરતાં હોય તો મહાવીર ભગવાનને લાખ રિવોલ્યુશન ફરતા હોય એક મિનિટમાં. એટલે તમારી વાત, તમારા કહેતા પહેલા જ સમજી જાય. અહીં ગળે હોય ને વાત એ સમજી જાય. મહાવીર ભગવાનને જે રિવોલ્યુશન હતા એવા આ કાળમાં કોઈને રિવોલ્યુશન હોય નહીં. હવે એમની જોડે આપણે વાતચીત કરીએ, પણ શી રીતે મેળ પડે તે ? એટલે એ કોઈની જોડે વાતચીત કરે નહીં. એમને સહજ પરમાણુ નીકળ્યા કરે. એમની ભાષા તે સહુ સહુની ભાષામાં સમજી જાય. ભિન્નતા, રિવોલ્યુશનમાં બે જાતના રિવોલ્યુશન; એક આઉટર રિવોલ્યુશન અને બીજું ઈનર રિવોલ્યુશન. આઉટર રિવોલ્યુશન એ બહારના વિજ્ઞાનને સ્પીડી લાવે અને ફોરેનવાળાને ઈનર માટે રિવોલ્યુશન ના હોય છતાં એટલા ઈનર માટે ડેવલપ થતા જાય છે. અને અહીંના તો ફૂલી ડેવલપ આઠ પેઢીનો લોભ હોય. કો'કને મિનિટે ત્રણ હજાર રિવોલ્યુશન હોય, કોઈને પાંચસો રિવોલ્યુશન હોય. મારે તો બહુ ગાઢ રિવોલ્યુશન હતા, 'જ્ઞાન' નહીં તે ઘડીએ. એટલે મને કેટલી મુશ્કેલી પડી હશે ? બહુ જબરજસ્ત રિવોલ્યુશન, એક સેકન્ડમાં તો કંઈનું કંઈ ફરી વળે ! એટલે એ રિવોલ્યુશન વધારે હતા, તેથી તો પછી આ મોહ છોડવાનું મન થાય ને, બળ્યું ! આ તો નર્યું દુઃખદાયી છે, માટે મેલોને પૂળો. મનના રિવોલ્યુશનનો કર્યો ઉપયોગ આમ હંુ ત્યારે બાવીસ વર્ષનો હતો. હાલોલ રોડ ઉપર એક ગામ છે, ત્યાં આગળ હતો ને બસ આવી. અને હું આમ આવેલો કલાક પહેલેથી, પણ (હોટલમાં ચા-પાણી કરવા ગયો તે) હોટલમાંથી આવતાં જરાક જ એક મિનિટ મોડું થયું ને બસ ઊપડી ગઈ. એટલે આ વિષાદનું સ્થાન કહેવાય. જો આ પહેલેથી ના આવ્યા હોત અને તે ઘડીએ જો બસ આવી હોત તો આપણે જાણીએ કે 'લેટ' થયા ચાલો. તો બહુ વિષાદ ના થાય. આ તો પહેલેથી આવ્યા ને બસ ના પકડાઈ ! અને દોઢ કલાક પછી બીજી બસ આવે. હવે ત્યાં આગળ પેલું મારે જે દોઢ કલાક રાહ જોવાનું થયું ને, ત્યાં સ્થિતિ શું થઈ ? હવે રાહ જોવાની ને પાછાં જબરજસ્ત 'રિવોલ્યુશન'! એટલે એય મહીં મશીન ચાલ્યા કરે ! હવે એ ઘડભાંજ કેટલી થાય તે ! મજૂરને પચાસ ઘડભાંજ થાય ને મને લાખ થાય! તે જરાય કશું ગમે નહીં, ઊભું રહેવાનું ગમે નહીં. કોઈ કહેશે, 'આવો, બેસો' અને ગાદી હોય તોય પણ ગમે નહીં. હવે દોઢ કલાક તો વીસ કલાક જેવા લાગે. એટલે મેં કહ્યું કે, મોટામાં મોટી મૂર્ખાઈ હોય તો આ રાહ જોવી તે છે. આ દુનિયામાં કોઈ પણ માણસની કે કોઈ વસ્તુની રાહ જોવી એના જેવી ફુલિશનેસ નથી ! એટલે ત્યારથી રાહ જોવાનું બંધ કરી દીધું. અને જ્યારે રાહ જોવાનું થાય ને, તે ઘડીએ બીજું કામ સોંપી દીધેલું. રાહ તો જોવી જ પડે, છૂટકો જ નહીં ને ! પણ એને બદલે આપણે જાણ્યું કે આ રાહ જોવાનો ટાઈમ બહુ સરસ છે, નહીં તો ફાંફાં માર માર કરે કે એ આવી કે નહીં, ગાડી આવી કે નથી આવી ! એટલે તે ટાઈમે અમે બીજી ગોઠવણી કરી દીધેલી. એટલે પછી અમને નિરાંત ! એટલે તે દહાડે હું શું કરતો હતો ? કોઈ સંતોનું હોય અગર તો કૃપાળુદેવનું વાક્ય હોય, એ એનું હું બોલું નહીં. બોલે ત્યારે ગોખેલું કહેવાય. એને હું વાંચું બધું. પ્રશ્નકર્તા : એ વાંચો કેવી રીતે, દાદા ? ચોપડી વગર કેવી રીતે વાંચો ? દાદાશ્રી : ચોપડી વગર વાંચું. મને તો 'હે પ્રભુ' એ પેલાં લખેલાં દેખાય ને હું વાંચ્યા કરું. નહીં તો મન ગોખે, તો પાછું પેલું સંકલ્પ-વિકલ્પ ચાલુ ! અને પેલું ગોખવાનું તો રહ્યું એટલે મન થયું નવરું. 'હે પ્રભુ, હે પ્રભુ' બોલ્યા કરે અને મન નવરું પડ્યા કરતું હોય, મન બહાર જતું રહેલું હોય. એટલે મેં એડજસ્ટમેન્ટ લીધેલું. તે આમ દેખાય, 'હે પ્રભુ, હે પ્રભુ, શું કરું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.' એ શબ્દ-શબ્દ સાથે જ બધું, અક્ષર, માતર-બાતર, બધું સાથે દેખાય! કૃપાળુદેવે બીજો રસ્તો બતાડ્યો હતો, કે ઊંધું બોલ, છેલ્લેથી ઉપર આવ. ત્યારે લોકોને એનીય પ્રેક્ટિસ પડી ગઈ, ટેવ પડી ગઈ. મનનો સ્વભાવ એવો છે કે તમે જેમાં ઘાલોને, એને ટેવ પડી જાય, ગોખી નાખે. અને આ વાંચવાનું એમાં ગોખાય નહીં, આંખે દેખાવું જોઈએ. એટલે આ અમારી મોટામાં મોટી શોધખોળ, 'વાંચવાની' છે. અને પછી અમે બીજાને શીખવાડીએ. આ બધાને શીખવાડેલું કે વાંચીને બોલો. મૂંઝવણમાં ખીલી આંતરસૂઝ એટલે આ મૂંઝાયો માટે આ જ્ઞાન નીકળ્યું. દોઢ કલાક જો મૂંઝાયો ના હોત... પ્રશ્નકર્તા : એક મિનિટ ચૂક્યા ના હોત... દાદાશ્રી : એ મિનિટ ચૂક્યાને, તેના ફળરૂપે આ જ્ઞાન ઊભું થયું. એટલે ઠોકરો ખઈ ખઈને આ જ્ઞાન ઊભું થયું છે, સૂઝ ઊભી થઈ છે. જ્યારે ઠોકર વાગી કે સૂઝ ઊભી થઈ જાય. અને એ સૂઝ કાયમ મને હેલ્પિંગ જ રહે. એટલે પછી બાવીસ વર્ષથી મેં કશી રાહ જોઈ નથી. ગાડી સાડા ત્રણ કલાક 'લેટ' છે, એટલે આપણે જેમ તેમ ટાઈમ પસાર ના કરીએ અને આપણે ઉપયોગપૂર્વક રહેવાનું. જ્ઞાન પહેલાં કંઈ મંથન ? પ્રશ્નકર્તા : આપને આ જ્ઞાન થયું એ પહેલાં મંથન તો કર્યું હશે ને ? દાદાશ્રી : આખા વર્લ્ડની કોઈ ચીજ બાકી નથી રાખી વિચારવાની. વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે વિચાર્યા વગર બાકી રાખેલું હોય ! તેથી આ 'જ્ઞાન' આવેલું. અહીં તમે બે શબ્દ બોલો ત્યાં સુધીમાં મારે મહીં પદ આખું ચાલી જાય. એક મિનિટનાં પાંચ-પાંચ હજાર રિવોલ્યુશન ફરે. ગમે તેવા શાસ્ત્રોનો સાર બે મિનિટમાં કાઢી લઉં ! પુસ્તકમાં સર્વાંશ ના હોય, સર્વાંશ જ્ઞાની પુરુષ પાસે હોય. શાસ્ત્રો તો ડિરેક્શન બતાવે ! સીંચ્યું, ઉપરથી નીચે ઊતરી પ્રશ્નકર્તા : દાદાને જે જ્ઞાન થયું છે, એ આખી વસ્તુ આમ ઝીણામાં ઝીણી રીતે વિચાર કરીએ તો પણ એક્ઝેક્ટ પકડાતી નથી. દાદાશ્રી : પકડાય નહીં. આ એટલી બધી ટોપ ઉપરની વાત છે કે મારે નીચે ઉતરીને વાત કરવી પડે છે. એટલું બધું ટોપ ઉપર આ જ્ઞાન છે. આ લોકોને આ નીચે ઉતરીને વાત કરીએ ત્યારે આટલું સમજણ પડે છે તોય હજુ પૂરેપૂરી સમજણ પડતી નથી. ટોપ ઉપરની વાત કહું તો તો અક્ષરેય ના સમજણ પડે. પ્રશ્નકર્તા : બહાર બીજા બધાને તો જ્ઞાનીના લેવલ સુધી જવું પડે, જો આ વાત સમજવી હોય તો. અને આપ તો જે માણસ જે લેવલ પર હોય, તે લેવલ પર આવીને વાતની સમજણ પાડો છો. દાદાશ્રી : હા, તે લેવલ પર આવીએ, નહીં તો માણસ ફ્રેકચર થઈ જાય (ભાંગી જાય) ને ! અમારી વાણી કોઈ સમજી ના શકે ને ! અમારી વાણી સીધી જ સમજી શકે નહીં ને ! આ તો અમે કાઉન્ટરપુલીઓ રાખીને પછી નીચે ઉતરીએ. એ તો હું આ જે વાણી બોલું ને, તે હું ટોપ ઉપરનું બોલું છું. આ હકીકત ક્યાંની ? ટોપ ઉપરની છે આ. મારે નીચે ખબર આપવી હોય, નીચેવાળા પૂછે કે શું છે ઉપર ? એટલે હું ઉપર રહીને બોલું તો સમજાય નહીં. મારે નીચે આવીને બોલવું પડે. એટલે એમની ભાષામાં બોલવું પડે, વાત કરવી પડે. ગોઠવણી 'કાઉન્ટરપુલી'ની હવે એમની ભાષા એટલે શું ? પંદરસો રિવોલ્યુશનનું એન્જીન હોય, હવે તેને હજાર રિવોલ્યુશનનો પંપ જોઈન્ટ કરવો હોય, તો શું કરવું પડે? પ્રશ્નકર્તા : પુલી મૂકવી પડે. દાદાશ્રી : એટલે આમ સીધું જો જોઈન્ટ કરીએ તો પેલો પંપ તૂટી જાય. એટલે વચ્ચે 'કાઉન્ટરપુલી' ગોઠવવી પડે ! એટલે એવી રીતે મારે વાણીમાં એવું કરવું પડે છે. વાણી મારે નીચલી (એને સમજાય તેવી) ભાષામાં બોલવી પડે. પ્રશ્નકર્તા : તમારી આ વાતો છે, એ આમ બહુ ઝડપથી સમજી શકાય એવી નથી. એટલે બધા લોકો સમજી શકે નહીં. એ ઝીલવા માટે માનસિક ઓરીએન્ટેશન જોઈએ. દાદાશ્રી : હા, બરોબર છે, જોઈએ. પ્રશ્નકર્તા : છતાં આપના ફોડ એટલાં સ્પષ્ટ હોય છે અને સચોટ હોય છે કે કોઈને ગૂંચ ના પડે. દાદાશ્રી : છતાં લોકોને ગૂંચ પડી જાય. આ લોકો તો રોજ બિચારાં દાળભાત ખાઈને નીકળે છે. આ તો આમ કરતાં કરતાં બે-ચાર અવતારે મોક્ષે જશે તો બહુ થઈ ગયું ! સમજણ ભિન્ન-ભિન્ન પ્રત્યેકને પ્રશ્નકર્તા : ભાષામાંય કેટલાય પ્રકાર આવે છે. જેમ કે સાંકેતિક ભાષા એટલે અમુક શબ્દથી આખી વાત સમજી લેવાની. દાદાશ્રી : હા, એવું છે. તમારો કારકૂન હોય તેને તમે વાત કરો અને અજાણ્યો હોય તેને વાત કરો તો અજાણ્યો તો ગ્રાસ્પીંગ જ નહીં કરી શકે, શું કારણ? પ્રશ્નકર્તા : મૂળજી જેઠા માર્કેટમાં જેવો ઘરાક આવે તેવો ચાનો ઓર્ડર અપાય. સાદી ચા, સ્પેશ્યિલ ચા, દૂધવાળી ચા, ડબલ દૂધવાળી ચા, એ નોકર જ સમજે. દાદાશ્રી : અને ઘરાક ના સમજે. હવે આ જે માણસને તમારી વાત પહોંચતી નથી એનું શું કારણ ? ગ્રાસ્પીંગ કરી શકતો નથી. આમ ગોઠવી કાઉન્ટરપુલીઓ આ દરેકને અલગ અલગ રિવોલ્યુશન હોય. મિનિટે પાંચસો રિવોલ્યુશન ઊંચી સમજણવાળાના હોય. જ્યારે મિનિટે પચાસ રિવોલ્યુશન ઓછી સમજણ-વાળાને હોય. તે ચા પીતાં સુધી કશું ખબર જ ના હોય કે આ શું થઈ ગયું છે? શાથી? એ રિવોલ્યુશન બહુ ઓછાં છે. એને પચાસ રિવોલ્યુશન એટલે તમે એને વાત કહો, તો એ વાત પહોંચતાં બહુ વાર લાગે. તમે સાદી વ્યવહારની વાત કહો તો એને સમજણ ના પડે. એટલે પછી તમે બીજી રીતે સમજાવો, ત્યારે એને પહોંચે એ. (જ્ઞાન પહેલાંની વાત) હવે મારાં રિવોલ્યુશન બહુ એટલે મારી વાત આ ઊંચી નાતવાળાને સમજતાં બહુ વાર લાગતી હતી. આપણે સમજાવીએ ને એ સમજે નહીં. એટલે હું શું કહું કે 'અક્કલ વગરનો છે.' તે પછી મહીં પાવર બહુ વધી જાય. 'હું કહું છું ને સમજતો નથી ? કેવો મૂરખ માણસ છે?' આમ કહીને બધું એની પર ગુસ્સો કર્યા કરું. પછી મને સમજાયું કે આ રિવોલ્યુશન્સ ઓછાં છે અને એ સામાને પહોંચતું નથી. હવે આપણે સામાનો ગુનો કહીએ તે આપણો ગુનો છે. એટલે પછી મેં કાઉન્ટરપુલીઓ દેવા માંડી. કારણ કે પંદરસો રિવોલ્યુશનનો પંપ હોય અને એને ત્રણ હજારનું એન્જીન જોડ્યું હોય તો પંપ તોડી નાખે. તે એના માટે પુલી નાખવી પડે, કાઉન્ટરપુલી. આ ત્રણ હજારનું ભલે હોય અને પેલું પંદરસોનું ભલે હોય, પણ વચ્ચે પેલી પુલીઓ નાખવી પડે કે જેથી કરીને પેલાને પંદરસો મળી રહે. આપની સમજમાં આવે છે ને, કાઉન્ટરપુલી ? વાત એને સમજાય એવી રીતે કાઉન્ટરપુલી નાખવાની! એવું પછી મેં લોકોની જોડે વાત કરતાં કાઉન્ટરપુલી રાખવા માંડી. એટલે પછી મારે ગુસ્સે થવાનું બંધ થઈ ગયું. અમારે મહીં મહાવીર ભગવાન જેવા રિવોલ્યુશન ફરે પણ કાઉન્ટરપુલી ગોઠવીએ એટલે બધા જોડે મેળ પડે. કોઈ અમારાથી ત્રાસે નહીં. મજૂર પણ નહીં, કારણ અમે કોઈને દુઃખ આપવા આવ્યા નથી. રિવોલ્યુશન વધુ તેમ સમજ વધુ બુદ્ધિના 'રિવોલ્યુશન' જેને વધારે તેમ સમજશક્તિ વધારે. કહેતાં પહેલાં સમજી જાય. ઓછી સમજણવાળાને મિનિટમાં પચાસ 'રિવોલ્યુશન' હોય, જ્યારે 'ઈન્ટેલીજન્ટ' (બુદ્ધિશાળી)માં મિનિટમાં હજાર- બે હજાર હોય. જેમ 'રિવોલ્યુશન' વધારે તેમ આ 'જ્ઞાન' જલ્દી સમજાઈ જાય. જેમ રિવોલ્યુશન ઊંચા તેમ જાગૃતિ વધારે દરેકને જાગૃતિ જુદી જુદી હોય છે. હું જે કહેવા માંગું છું, એ તમે તમારી જાગૃતિ પ્રમાણે પકડો તો ગ્રાસ્પીંગ (ગ્રહણ) કરી શકો. મારું રિવોલ્યુશન મિનિટે પાંચ હજારનું હોય અને તમારું મિનિટે પાંચસોનું હોય તો શું થાય ? પકડી શકો નહીં. મારા શબ્દો ગ્રાસ્પીંગ કરી શકો નહીં. તમારું રિવોલ્યુશન ઊંચું જોઈએ. એ જાગૃતિ કહેવાય. જેમ જેમ ઊંચા રિવોલ્યુશન થાય તેમ તેમ જાગૃતિ વધતી જાય. સામો માણસ કહેતાં એક્ઝેક્ટ સમજી જાય, એ રિવોલ્યુશન વધારે કહેવાય. સમયની જાગૃતિ એટલે ? પ્રશ્નકર્તા : આ જે સમય જાગૃતિ અને વિચાર જાગૃતિ કહે છે, તે એ બેમાં શું ફેર ? દાદાશ્રી : વિચાર જાગૃતિ એ તો બહુ જાડી વસ્તુ છે. એ તો અત્યંત સ્થૂળ વસ્તુ છે. ચર થવું એ સૂક્ષ્મ છે અને વિચર સ્થૂળ છે. પ્રશ્નકર્તા : 'વિ'માં પણ જાગૃતિ અને 'ચર'માં પણ જાગૃતિ, એ સમયની જાગૃતિ સાથે સરખાવી શકાય? દાદાશ્રી : ના, એ સમય જાગૃતિ બહુ આગળ છે. સમયની જાગૃતિ એ તો બહુ છેલ્લી જાગૃતિ. પ્રશ્નકર્તા : હવે, એ સમયની જાગૃતિ એટલે કે એક પરમાણુની, આટલા ટાઈમમાં જાગૃતિ હોય, એટલે ટાઈમ અને જાગૃતિનો મેળ શું ? દાદાશ્રી : એક પરમાણુ બીજું પરમાણુને ઓળંગે, એને સમય કહે છે. પ્રશ્નકર્તા : આ એ સાયન્ટિસ્ટોએ અત્યાર લગીમાં તો નક્કી કર્યું છે, એક સેકન્ડનો દસ લાખમો ભાગ એ સમય ! દસ લાખમાં ભાગની જાગૃતિ એટલે શું ? એ સમયની જાગૃતિ એટલે શું? દાદાશ્રી : એ સમયસાર સુધી જગત પહોંચ્યું નથી. સમયનો સાર, એક સમયનો સાર જગતે પ્રાપ્ત કર્યો નથી. સમય એટલે આ જડ વસ્તુ છે ને, મટેરીઅલ, તેનો નાનામાં નાનો અણુ, અણુમાંથી પરમાણુ, અણુમાંથી વિભાજન કરતાં કરતાં પરમાણુ સુધી પહોંચે. પરમાણુ એ અવિભાજ્ય છે. એવું આ કાળનું અવિભાજ્ય સ્વરૂપ. કાળનું ભાજ્ય સ્વરૂપ ક્યાં ક્યાં કહેવાય ? આ તો વર્ષ દહાડો એના ભાગાકાર કરે તો મહિનાથી ભાગી શકાય. ૧૨ મહિના, મહિનાના ભાગાકાર કરે તો ત્રીસ દહાડાથી ભાગી શકાય, દિવસને ભાગાકાર કરે તો ૨૪ કલાકથી ભાગી શકાય, કલાકને ભાગાકાર કરે તો ૬૦ મિનિટથી ભાગી શકાય, મિનિટને ભાગાકારે કરે તો ૬૦ સેંકડથી ભાગી શકાય, પણ સેંકડના નાનામાં નાનો ભાગ તેને સમય આ લોકોએ શોધખોળ કરી છે. કેવી સાયન્ટિસ્ટોએ શોધખોળ કરી છે, આ વિજ્ઞાનીઓએ! મહાવીર સ્વામી અને ૨૪ તીર્થંકરો એ સમયે એ નાનામાં નાનો ભાગ 'સમય' ત્યાં સુધી પહોંચેલા હતા. મારે તો ૫૦૦ સમય સુધી નહોતું, એ એક સમય પર પહોંચ્યા'તા. ભગવાનનું એક 'સમય'નું રિવોલ્યુશન હોય. આ લોકોને સેકન્ડનું રિવોલ્યુશન ના હોય. કાળનું નાનામાં નાનું યુનિટ સમય. 'સમય'નું રિવોલ્યુશન થાય તે કેવળજ્ઞાની. સમયની સમજણ, સાદી શૈલીમાં આ એન્જિન હોય છે ને, તે કેટલાક ત્રણસો રિવોલ્યુશન મિનિટે ફરે છે, કેટલાક પંદરસો ફરે છે, કેટલાક ત્રણ હજાર ફરે છે. હવે એ ત્રણસો રિવોલ્યુશન ફરતું હોય અને પંપ છે તે પંદરસો રિવોલ્યુશનનો હોય તો પેલો પંપ ખેંચે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે એન્જિન પંદરસોવાળું હોય ને પંપ ત્રણસોવાળો હોય તો ? કેમ ના ખેંચે ? પ્રશ્નકર્તા : દાદા, પુલી નાખ્યા વગર તો ફરે જ નહીંને ! દાદાશ્રી : એન્જિન કેપેબલ (ક્ષમતાવાળું) છે. એના પંદરસો રિવોલ્યુશન છે અને પેલું છે તે ત્રણસો જ છે. તો કહે છે, પ્લસ-માઈનસ કરી નાખો એટલે બેની કાઉન્ટરપુલીઓ નાખી દો. એ કાઉન્ટરપુલીથી સ્પીડ વધારી શકાય, ઘટાડી શકાય. પંમ્પ નાનો ત્રણસો રિવોલ્યુશનનો હોય તો આપણે એને કાઉન્ટરપુલી આપી ઘટાડી શકીએ. હવે વધારવું હોય તો વધારીએ શકીએ. એ તો લોકો બધું કરતા શીખી ગયા. હવે એન્જિન ત્રણસો હોય તો પેલુ પંપ પંદરસો હોય તો ચાલે જ નહીં. ચાલે ખરું ? ના ચાલે. કારણ કે પેલો એન્જિનનો ફોર્સ જ નથી એટલો. હવે ફોર્સવાળું હોય તો આવું કાઉન્ટરપુલીઓ રાખવી પડે. હવે તમારી વાત તમે મજૂરને કહેવા જાઓ તો તમારી વાત સમજતા એને વાર લાગે ખરી ? પ્રશ્નકર્તા : વાર જ લાગે. દાદાશ્રી : અને આ ભાઈને કહેવા જાઓ તો? પ્રશ્નકર્તા : એને સમજ પડી જાય. દાદાશ્રી : કારણ કે આમના રિવોલ્યુશન તમને મળતા આવે અને પેલું તો તમારે મળતા ના આવે તો એ તમારે કાઉન્ટરપુલી નાખો ત્યારે એ રાગે પડે. હું દરેકની જોડે કાઉન્ટરપુલી નાખીને વાત કરું છું. બધાની જોડે હું મારી જો સીધી વાત કરું તો કોઈ પકડી શકે નહીં. એટલે જે લેવલે હું છું તે લેવલથી હું નીચે ઊતરીને વાત કરું છું, ત્યારે લોકો સમજી શકે છે. કેટલો બધો નીચે ઊતરું છું ત્યારે ! હવે તેમાંય પાછું દરેક માણસની સરખી સમજણ ના હોય. તમે સમજી શકો બીજા માટે તો મારે કાઉન્ટરપુલી મૂકવી પડે. આ અમે રિવોલ્યુશન બહુ ઓછા કરીને નીચે આવીએ છીએ ત્યારે તમારી જોડે વાત કરીએ છીએ. હું આખા રિવોલ્યુશન આપું તો બધા એન્જીન તૂટી જાય. રિવોલ્યુશન બે પ્રકારના પાછા. એક ઊંધા રિવોલ્યુશન ને એક છતા રિવોલ્યુશન. છતા રિવોલ્યુશન સમ્યક્માર્ગે લઈ જાય, ઊંધા રિવોલ્યુશન વિપરીત માર્ગે લઈ જાય. તે ઊંધા રિવોલ્યુશનવાળા તો બહુ મોટા મોટા ઓફીસરો હોય છે. તે તમને પૂછેને તો જવાબમાં એનો જવાબ અપાય જ નહીં, વિભંગી વાતો કરે. તે આપણા મગજમાં જ ના સમાય. વિભંગી બોલેને તે મને જવાબ દેતાં ના ફાવે. હું તો બેસી જઉં પેલા મજૂરની પેઠ. કારણ કે એ વિભંગી વાણી છે, ઊંધા રિવોલ્યુશન. મારા છતા રિવોલ્યુશન, તારા ઊંધા રિવોલ્યુશન. મારા એન્જીનનો તારા એન્જીન સાથે શી રીતે મેળ ખાય તે ? તને સમજણ પડી એ વાત ? પ્રશ્નકર્તા : હા. તારી જોડે અમારે વાત કરવી હોય તો મારે શું કરવું પડે ? મારે કાઉન્ટરપુલી નાખવી પડે. એટલે તારા મિનિટે પંદરસો રિવોલ્યુશન કે બે હજાર, મારે પાંચ-દસ હજાર હોય. એટલે મારે બીજી કાઉન્ટરપુલી નાખીને બે હજાર કરું, નહીં તો તને તોડી નાખે. અમારી વાત રિવોલ્યુશન વધારે હોય તે જ ગ્રાસ્પીંગ કરી શકે, નહીં તો ગ્રાસ્પીંગ કેમ કરી શકે? જ્ઞાનીની શોધ આ કાઉન્ટરપુલી હું દરેક માણસની જોડે 'કાઉન્ટરપુલી' નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી, કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઇની જોડે મતભેદ જ ના થાય ને! અમે જાણીએ કે આ ભાઇના આટલા જ 'રિવોલ્યુશન' છે. એટલે તે પ્રમાણે હું 'કાઉન્ટરપુલી' ગોઠવી દઉં. પ્રશ્નકર્તા : કોઇ પણ સામાના 'લેવલ' ઉપર આવે તો જ વાત થાય? દાદાશ્રી : હા, એના 'રિવોલ્યુશન' પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં 'રિવોલ્યુશન' ક્યાંના ક્યાં જઇ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! 'કાઉન્ટરપુલી' તમને નાખતાં ના આવડે, તેમાં ઓછાં 'રિવોલ્યુશન'વાળા એંજિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે 'કાઉન્ટરપુલી' નાખતાં ના આવડી! સામાના રિવોલ્યુશન ઓછા હોય તો બહુ ભાંજગડ ઊભી થાય. હવે અમને તો ખબર પડી જાય કે સામાના ઓછા રિવોલ્યુશન છે. એટલે અમે તરત જ કાઉન્ટરપુલી નાખી દઈએ. આ બાબા જોડે કાઉન્ટરપુલી અમે ના નાખીએ તો એની જોડે મારે મેળ કેવી રીતે પડે ? આપણે કાઉન્ટરપુલી ના ગોઠવીએ તો પેલાને પટ્ટો તૂટી જાય. આ તો મેં મારી જાતે આ થીયરીની શોધખોળ કરેલી. તે પહેલા સામસામી અથડાતું હતું, તે બધું કાઉન્ટરપુલી નાખવાથી બંધ થઈ ગયું. કાઉન્ટરપુલીથી ટળે મતભેદ આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી 'વાઇફ'ને સો 'રિવોલ્યુશન' હોય ને તમારા પાંચસો 'રિવોલ્યુશન' હોય અને તમને વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો 'એન્જિન' હઉ તૂટી જાય. 'રિવોલ્યુશન' સમજ્યા તમે ? કોઈને પાંચસો હોય, કોઇને હજાર હોય, કોઇને બારસો હોય. જેવું જેનું 'ડેવલપમેન્ટ' હોય તે પ્રમાણે 'રિવોલ્યુશન ' હોય . વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખો તો જ એને તમારી વાત પહોંચે. 'કાઉન્ટરપુલી' એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા 'રિવોલ્યુશન' ઘટાડી નાખવા પડે. બેના રિવોલ્યુશન સરખા કરવાં માટે કાઉન્ટરપુલી ગોઠવવી પડે. તે આ હસબન્ડને વાઈફની જોડે કાઉન્ટરપુલી ગોઠવતા ના આવડે એટલે પછી ઝઘડો જ થાય ને ! કાઉન્ટરપુલી જુદી નાખીને વાતચીત કરો. એટલે સામાને આપણી વાત પહોંચે. વાઈફ જોડે કાઉન્ટરપુલીની ગોઠવણી પ્રશ્નકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ? દાદાશ્રી : આ તમે જે કહો છોને, આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામેય ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. જરાય ઓળખતા નથી. મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાની ઓળખાણ મને ક્યારે પડી? સાઠ વર્ષે હીરાબાની ઓળખાણ પડી ! ૧૫ વર્ષનો હતો ત્યારે પૈણ્યો, ત્યાર પછી ૪૫ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે મેં આમને ઓળખ્યા કે આવાં છે. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયા? દાદાશ્રી : હા, જ્ઞાન થયા પછી ઓળખાયા, નહીં તો ઓળખાણ જ ના પડે. માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું ! એટલે આ વાક્ય 'એકબીજાને ઓળખે છે' એ વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી. પ્રશ્નકર્તા : તો હીરાબાને કઈ રીતે ઓળખ્યા તમે? એવું શું કર્યું કે જેથી ઓળખાણ પડી ? દાદાશ્રી : જોવાનો અભ્યાસ કરવા માંડ્યો. બધી પ્રકૃતિ કેવી છે તે બધું જોઈ લીધું. અને મનુષ્ય, જીવમાત્ર પ્રકૃતિના આધીન છે, સ્વાધિન નથી. પ્રશ્નકર્તા : હીરાબાની ઓળખાણ તમને સાઇઠમે વર્ષે પડી ? દાદાશ્રી : ઓળખાણ સાઠ વર્ષે પડી મહાપરાણે. આ જ્ઞાન થયું'તું તોય એક દહાડો મતભેદ પડી ગયો'તો. (ખરેખર એમણે સમજણથી મતભેદ થતાં પહેલાં ટાળી નાખ્યો હતો.) તે પછી બીજે દહાડે જઈને કહી આવ્યો, મેં કહ્યું, 'હં, મારી કાલે ભૂલ થઈ.' ત્યારે કહે, 'ના, તમારી શાની ભૂલ ?' ઓળખાણ પડે તો આ ડખલ જ નથી. મિત્રને સારી રીતે ઓળખીએ છીએ. તેય પૂરું નહીં પણ અમુકનો ઉદય ઓળખીએ છીએ. મિત્રની ઓળખાણ પડવાનો પ્રયત્ન શાથી કરીએ છીએ કે 'આપણે બંધન નથી ને ત્યાં બંધન બાંધવું છે.' રિયલી સ્પીકિંગ બંધન નથી અને પ્રેમથી બાંધવું છેને, એટલે ઝીણવટથી એને ઓળખ ઓળખ કરીએ છીએ અને આ વાઈફને તો 'માર ઊંધું ને કર સીધું', ઓળખવાનો પ્રયત્ન જ નહીં. પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું? ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પતિએ પત્નીને પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો. દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે સામાસામી ચોકઠાં રમવા બેસીએ, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ. પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ? દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તોય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર (દબાણ) ના લાવીએ. એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે બધા લોકોની પાસે કામ નથી લેતો ? બધા મારું કહેલું કરે કે ના કરે ? કરે. કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું. જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીતે કામ લઈ શકે નહીં. તમને જ્ઞાન આપેલું છે, માટે તમે બીજી રીતે કામ લઈ શકો. તે બીજી રીતે કહો તો બહુ ફેરફાર થાય. જ્ઞાન લીધા પહેલાં જે રીતે કહેતા હતા, એ જ્ઞાન લીધા પછીનામાં ફેરફાર કરવાનું કહું છું. બાકી બીજો, જે જ્ઞાન ના લીધેલું હોય એને અમારાથી ના કહેવાય. એકને કાઢી ના નાખીએ ત્યાં સુધી બીજું જડે નહીં. એકને ખસેડો તો બીજું જડે, એવું તમને સમજાયું કે ના સમજાયું ? જ્ઞાનીની ફ્લેક્સિબિલિટી પ્રશ્નકર્તા : દાદા, આપની સમકક્ષાનું આવે તો આપ શું કરો ? દાદાશ્રી : આની સમકક્ષા હોતી જ નથી. આ અજોડ પદ ગણાય છે. શાસ્ત્રકારોએ જ આને અજોડ કહ્યું છે. અમારી સમકક્ષાનો આવે તો હું એનો શિષ્ય થઈ જાઉં. અમે તો પહેલેથી નક્કી કરેલું છે કે દરેકના શિષ્ય થઈ જવું. એટલે એને અડચણ ના પડે. જે શિષ્ય થાય તે જ પોતાનો ગુરુ થશે, માટે ચેતીને ચાલજો. માટે ગુરુપણું કરી બેસશો નહીં. અને પેલાના શિષ્ય થઈએ તો અમને શું ફાયદો થાય ? અમે પેલાના જ ગુરુ થઈ બેઠા હોઈએ! અડચણ આવે તો અમને પૂછવા આવવું પડે! પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં, દાદા. દાદાશ્રી : અમે શિષ્ય થયા એટલે સંબંધ બંધાયો. એટલે ફરી એ અમારી પાસે શિષ્ય થઈને આવશે. અમે શિષ્ય ન થયા હોત તો એ અમારી પાસે આવત નહીં અને લાભ ઉઠાવે નહીં. અમને ટ્રેનમાં કોઈ મળે ને અમે 'જ્ઞાની' છીએ એમ એ જાણતો ના હોય, તોય અમે કાઉન્ટરપુલી ગોઠવી દઈએ, અમે પેસેન્જર છીએ એવી. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેની જોડે ચાલીસ 'રિવોલ્યુશન' ગોઠવી દઇએ (એના જેટલા કરી નાખીએ) એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્નકર્તા : મને એ જ પ્રશ્ન થાય છે કે રમકડાં જેવાં નાનાં નાગોડિયા છોકરાં જોડે તમને કેમનું ફાવે છે? દાદાશ્રી : અમે 'કાઉન્ટરપુલી'ઓના સેટ રાખીએ છીએ. એટલા બધા સેટ રાખીએ છીએ કે કોઈ માણસ અહીં આવ્યો કે તેવી જ અમારે 'કાઉન્ટરપુલી' ગોઠવી દેવાની. એટલે નાનું બાળક આવે ને મને જે' જે' કરે, તો મારે એની જોડે એની ભાષામાં વાતચીત કરવી પડે. એટલે અમારાથી બાળક ક્યારેય પણ ભય ના પામે. કાઉન્ટરપુલીથી એડજસ્ટ થાવ પ્રશ્નકર્તા : આજના છોકરાઓ ભણવા કરતાં રમતમાં ધ્યાન વધારે આપે છે, તેઓને ભણતર તરફ દોરવાં તેમની પાસેથી કેવી રીતે કામ લેવું, જેથી છોકરાઓ પ્રત્યે કંકાસ ઊભો ના થાય ? દાદાશ્રી : ઈનામની યોજના કાઢો ને ! એને નફો થાય એવું કંઈક દેખાડો તો લલકારશે. બીજો રસ્તો શું કરવાનો ? નહીં તો પ્રેમ રાખો. જો પ્રેમ હોય ને તો છોકરા બધુંય માને. મારી જોડે છોકરાઓ બધુંય માને છે. હું જે કહું એ કરવા તૈયાર છે. નહીં તો પછી આપણે એને સમજણ પાડ પાડ કરવી પડે. પછી જે કરે એ સાચું. પ્રશ્નકર્તા : પણ એ છોકરાને બીજી કોઈ લાઈનની અંદર રસ છે, ભણવામાં રસ નથી. દાદાશ્રી : એટલે છોકરાને રસ ના હોય ને, તે જેમ તેમ કરીને મેટ્રિક સુધી જાય તો બહુ થઈ ગયું. એ પછી બિઝનેસમેન થવાનો હોય અને પછી મહીં પ્રકૃતિ એવી હોય, તેને કોઈ શું કરે ? નહીં તો આપણે એને ભણવાનું છોડી દેવાનું કહીએ તોય ના છોડી દે. છોકરામાં જોવું કે કયા કયા ગુણો એનામાં વર્તે છે. તે આપણે જોવું કે ચોરી કરતો નથી, જાણી જોઈને જીવડાં મારતો નથી. એવું બધું જોઈ લેવું પડે, તો ચલાવી લેવાય. પ્રશ્નકર્તા : મૂળ પ્રશ્ન એમ છે કે છોકરાઓને ભણવા માટે આપણે ઘણી રીતે સમજાવીએ, પણ આપણે કહીએ તોય એ લોકો સમજતાં નથી, આપણું સાંભળતા નથી. દાદાશ્રી : ના, તે નથી સાંભળતા એટલે મા થતાં આવડ્યું નહીં તેથી. મા થતાં આવડે તો કેમ ના સાંભળે? કેમ એનો છોકરો માનતો નથી ? ત્યારે કહે, 'એણે એના મા-બાપનું માન્યું જ નહોતું ને !' પ્રશ્નકર્તા : દાદા, એમાં વાતાવરણનો દોષ ખરો કે નહિ ? દાદાશ્રી : ના, વાતાવરણનો દોષ નહીં. મા-બાપને મા-બાપ થતાં જ આવડ્યું નથી. મા-બાપ થવું એ તો બહુ મોટામાં મોટી જવાબદારી છે, વડાપ્રધાન થવું એ જવાબદારી ઓછી હોય. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? દાદાશ્રી : વડાપ્રધાન થવાનું એમાં તો લોકોનું ઓપરેશન થવાનું. આમાં તો પોતાનાં છોકરાનું જ ઓપરેશન થવાનું. ઘરમાં પેસીએ કે બાબો-બેબી બધાં ખુશ ખુશ થઈ જાય. અને અત્યારે તો છોકરાં શું કહે? 'અમારા ફાધર ઘરમાં ના આવે તો સારું. અલ્યા મૂઆ, શું થાય ત્યારે? આ નાનાં છોકરાં મોટી ઉંમરના માણસોથી ભડકે છે. કારણ કે એની અક્કલનો તાપ એ છોકરાં ઉપર પડે છે. એટલે છોકરું ભડકે પછી. એટલે શું કરવું પડે ? બાળક જેવું થઈ જવું પડે. એનાં જેવાં જ અણસમજણવાળા બાળક ! 'ડિલિંગ' જ બાળક જેવું કરવું પડે, ત્યારે એ સામા છોકરાં રમે આપણી જોડે. મારી જોડે બધાં, આવડું દોઢ વર્ષનું છોકરું હઉ રમે, આમ સરખે સરખા જ હોઈએ એવું રમે. એવું કંઈ પરિણામ તો આવવું જોઈએ ને ? આને વિચારજો ને તો એક દહાડો સમજાશે. જાણ્યું એટલે જડે અને નિષ્પક્ષપાતી વલણ હોવું જોઈએ. છતાં મહીં અજાગૃતિને લીધે ના યે જડે, તો પછી ધીમે રહીને કો'ક દહાડો જડે. બળ નહીં, જરૂર કળની કેટલાક તો છોકરો ભણતો ના હોય, પ્રશ્નનો જવાબ આપતો ના હોય તો માસ્તર એને વઢે ને, 'તને કંઈ સમજ પડે છે ? બોલ ને બોલ, મૂરખ બોલ !' હવે ત્યાં પરીક્ષામાં પાસ થાય માટે માસ્તરનું ટ્યુશન રાખે છે. પણ આમ કરે તો પેલો છોકરો બિચારો બાઘો બની જાય ને આ માસ્તર અકળાયા કરે. તે માસ્તરની શી દશા થાય ! તે આપણા જેવા જોનાર કહે કે એ બાઘો થઈ ગયો. તું શું કરવા આમ ગાંડા કાઢે છે ? પાંસરો મરને ! સીધો મરને ! નહિ તો તું તારી બઈના કામમાં નહિ રહું ! એ છોકરાંને તારી વાત મહીં પહોંચતી નથી, એટલે બાઘો થઈ ગયો બિચારો. એમાં આ ગાંડા કાઢ કાઢ કરે, ચિઢાય ચિઢાય કરે ને 'બોલને બોલ, કંઈ બોલતો નથી, મૂંગો થઈ ગયો છું.' અને આમ કાનપટ્ટી પકડાવે ! ચક્કર, શું કરવા આવું કર્યા કરે છે ? કેટલાય માસ્તરો આવું કરે છે. ટયુશન રાખે છે ને આવું ! કેટલાય કરે છે અને પછી શું કહે કે છોકરો મને માથે પડ્યો છે ! અલ્યા, છોકરો નથી માથે પડ્યો, તું છોકરાને માથે પડ્યો છે ? આપણે ના સમજીએ કે આ છોકરો ડલ છે ! એટલે આપણે એને ડલનેસમાં જેટલું પાણી પિવડાવાય એટલું પાવું, બીજું વધારાનું પાણી પાવું નહીં. એને કહીએ કે આ કવિતા ગોખી લાવજે. પછી ના બોલે તો કંઈ નહિ. પણ આ તો મનની કલ્પનાઓ કરે, 'મૂઆ બ ોલતો જ નથી, મૂંગો છે !' 'અલ્યા ! ન્હોય મૂંગો. તું શું વાત કહેવા માંગે છે એ એને પહોંચતી નથી. એટલે એ કુંઠિત થઈ ગયો છે બિચારો ! એને તું બહુ ગોદા માર માર કરીશ, તો એને શૉક લાગશે. ઈલેક્ટ્રિકનો શૉક લાગે ને માણસ જેવો થઈ જાય, એવો એ પછી થઈ જાય. વગર કામનો ગોદા માર માર કરે ! હવે જો એને બૈરી આવી મળી હોય ને ના સમજે એવી, તો શું થાય તે ? આખી જિન્દગી શી રીતે કાઢે ? પોતાની દ્ષ્ટિથી સામાને કેમ મપાય ? પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય, એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે. દાદાશ્રી : પોતાની દ્ષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્ષ્ટિ શોધી કાઢ. સામાની દ્ષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્ષ્ટિથી જો. આ તો પોતાની દ્ષ્ટિથી સામાને માપ માપ કરે છે. કેટલાં વિશેષણ બોલ્યો ? 'અલ્યા, મૂંગો છે, મરી જા ને!' પાછો 'મરી જા' હઉ કહે. છોકરાનો બાપ સાંભળે તો એ કહે, 'માસ્તર, એવું ના બોલશો. અમારો એકનો એક છોકરો છે.' આમ એના મા-બાપ પાછાં ક્લેઈમ માંડે કે માસ્તર આવું બોલશો નહિ. કહેશે, અમારું જે થવાનું હશે તે. ત્યારે માસ્તર કહેશે, અરે મૂઆ, આ મેં ચિંતા કરી તે જ મારી ભૂલ છે ને ? આ તો પહેલાં આવી ભૂલ થતી'તી. તેની વાત કરું. તે એક દિવસ ગાડામાં પેલો સલીયો બેઠો'તો અને હાંકેડું હતો, મંગો. તે મંગાએ કહ્યું, સલીયા, ગચ્ચા (ખાડા) આવે છે બધા, તે નાડું ઝાલજે. તે એણે તો પોતાનું નાડું ઝાલ્યું. તે ગચ્ચો આવ્યો ને તો ગબડીને પડ્યો બહાર. હવે સલીયો કહે છે, 'અલ્યા મૂઆ ! મને કહેવું તો હતું.' ત્યારે મંગો કહે, 'મેં કહ્યું'તું ને નાડું ઝાલજો.' તે આ નાડું ઝાલે પછી શું થાય ? એટલે આ પોતે પોતાની અણસમજણથી માર ખાય, તેમાં સલીયોય શું કરે ને મંગોય શું કરે તે ? જરૂર બાળ ભાષાની, બાળક જોડે પ્રશ્નકર્તા : તમે આ કાઉન્ટરપુલી ગોઠવવાની ને એ બધી જે વાત કરી, આ તો ટેકનીકલ મેટર છે. દાદાશ્રી : ટેકનીકલ છે. પ્રશ્નકર્તા : તે આમાં તો અહંકારથી પુલી ગોઠવાય, પણ કોઇ માણસની સાથે વાતો કરવામાં પેલો એટલો બધો મીકેનિકલ થઇ જાય છે, કે એની જાગૃતિ જતી રહે છે. દાદાશ્રી : માણસ જાત તો બહુ ચોક્કસ જાત છે. માણસ કંઈ ઘેલી જાત નથી. લોકો એ માણસ જાતની ઉપર પોતે અજ્ઞાન ઓઢે છે. નહિ તો કોઈ માણસ એવો નથી. આવડાં નાનાં ચાર વર્ષના છોકરાંને કહે કે, 'તું અક્કલ વગરનો છે, મારું સમજતો નથી.' ત્યાં કેવી રીતે બોલાય ? આ છોકરાંની જોડે લોકો એની કાલી કાલી ભાષામાં બોલે. આ ત્રણ-ચાર વર્ષની ઉંમરનાં છોકરાં જોડે મોટી ઉંમરનાં છોકરાં જેવું ના બોલે. શાથી એવું ના બોલે ? પ્રશ્નકર્તા : એને એની ભાષામાં વાત કરવી જોઈએ. દાદાશ્રી : પોતે બધું સમજે છે કે આ બાળક ભાષા છે. આપણે બાળક ભાષામાં વાત કરો, નહીં તો એ બિચારો સમજશે નહીં. એને તો કહેવું, 'જો બાબા, આ રમકડું પેલા જેવું છે ને ? તે પેલું જોયું હતું ને?' એમ બે-ચાર વખત કહેવું. ત્યારે એ કહેશે, 'હા.' ત્યારે આપણે જાણીએ કે આ મહીં પહોંચ્યું. હવે એવી રીતે આની જોડે આપણે વાત કરવી જોઈએ. આપણે જાણીએ કે આનું મગજ ડલ છે. એટલે આપણે જાણીએ કે બાળક જેવી અવસ્થા છે. એટલે 'બાબા, બાબા' કરવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ બાળકની અવસ્થા સમજવામાં ચેતનતાનો ઉપયોગ જોઈએ ? દાદાશ્રી : અરે, વગર ચેતનતાએ અજ્ઞાન દશામાંય બાળક જોડે એની મા સુંદર વ્યવહાર કરે છે. બાળકની જોડે એની મા સુંદર વ્યવહાર નહીં કરતી હોય? એમને એ કોણે શીખવાડ્યું ? પ્રશ્નકર્તા : એ તો કુદરતી છે. દાદાશ્રી : કુદરતી નહીં, આવી બધી આપણી અંદર જાગૃતિ છે. પણ મોટી ઉંમરનો થાય છે એટલે પાછો અહમ્ બહુ ઊભો થાય છે. ત્યાં તમને એમ થાય કે આ તો મોટો થયેલો છે. આ આવું કેમ કરે છે ? નાનાને આવું હોય, મોટાને પણ હોય ? પણ મોટાને બીજી ભાષામાં તું સમજ કે આ નાના કરતાંય મોટો વધારે ડલ છે બિચારો ! એટલે મોટો ડલ લાગે તો આપણે જાણવું કે ત્રણ વર્ષનું છોકરું છે. એટલે એની જોડે આપણે એવું વર્તન રાખવું જોઈએ. પછી આમથી આમ ગોદો મારે, તે પછી કોણ સાંભળે ? જરૂર, ફ્રેન્ડલી વ્યવહારની પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે ? દાદાશ્રી : અત્યારે છોકરા જોડે બાપ તરીકે વર્તન રાખો છો. એટલે આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. આપણે એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને દોષ ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં. પ્રશ્નકર્તા : માનસિક ઉંમર નાની હોય ને ? દાદાશ્રી : તે માનસિક ઉંમર જોઈને આપણે એડજસ્ટ કરવું જોઈએ. અમે દરેકની જોડે વાત કરીએ તે એની માનસિક ઉંમર કેટલી છે એ જોઈને એને જવાબ આપીએ. તેથી અમે કહીએ છીએ કે અમે કાઉન્ટરપુલી મૂકી દઈએ છીએ. એટલે અમારે અથડામણ થતી નથી, મતભેદ થતો નથી. એનું માનસિક ગ્રેડેશન, વાચિક ગ્રેડેશન, શરીરનું ગ્રેડેશન કેવું છે એ બધું જ જોઈ લઈએ. શરીરથી ઉંમરમાં મોટો છે, વાણીમાં બહુ જબરો છે, શૂરો છે પણ માનસિક બધું લૉ (નીચું) છે. એટલે રિવોલ્યુશન ઓછાં કરી નાખવાના. બાળક જેવું જ માની લેવાનું. પ્રશ્નકર્તા : મારે મારા મોટા દીકરા જોડે બહુ ખટપટ થાય છે, તો કાઉન્ટરપુલી ક્યારે નાખવી ? કયા પ્રકારની ? એ સમજણ પડતી નથી અને ઇચ્છા ન હોવા છતાં બફાટ થઈ જતો હોય છે, તો શું કરવું? દાદાશ્રી : અરે, ઇચ્છા વગરેય બફાટ થઈ જાય છે ! આ તો હું તમને રસ્તો દેખાડું છું, તે રસ્તે ધીમે ધીમે તમારે ગોઠવણી કરવાની છે. બાબો દસ-બાર વરસનો હોય, એની જોડે તમે વાત કરો, તો તમારી વાત સમજે કે ના સમજે ? અમુક વાતો ન સમજે ને ! એવું ના બને ? પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ જ કહું છું, આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે. દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો, તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે! તમે શું કહેવા માગો છો, તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે, મારો વ્યુ પોઈન્ટ આવો છે, હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ. એટલે આપણો એની જોડે ફોડ કરી લેવો જોઈએ અને કેવો ? ફ્રેન્ડલી ટોનમાં (મિત્રતાપૂર્વક) હોવો જોઈએ. તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી બાળકોને ફ્રેંડ (મિત્ર) તરીકે સ્વીકારજો. નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય? બાળ બુદ્ધિ રાખી કરવો વ્યવહાર 'કોઈને દુઃખ ન થાય' એવી બુદ્ધિ હોવી જોઈએ. નાનું બાળક હોય તેનેય દુઃખ ન થાય એવી બુદ્ધિ હોવી જોઈએ. એ બાળક જોડે બાળક જેવું મેળવી લઈએ. ત્યાં તીક્ષ્ણ બુદ્ધિ રાખીએ તો શું થાય, બાળક જોડે? બાળક છોલાઈ જાય બિચારો. એટલે આવી વાત છે, બીજી કંઈ નહીં. પ્રશ્નકર્તા : તો વડીલો સાથે કેવી બુદ્ધિ રાખવાની? એમાં તીક્ષ્ણ બુદ્ધિ રાખવાની ? દાદાશ્રી : વડીલો સાથે બાળક જેવી બુદ્ધિ રાખવાની. પ્રશ્નકર્તા : એમના પણ જૂના બધા વિચારો ચુસ્ત થઈ ગયા હોય! દાદાશ્રી : ના, વિચારો એવા બધા થઈ ગયા હોય, તેની જોડે બાળક જેવી બુદ્ધિ રાખીએ એટલે આપણી બુદ્ધિ એને વાગે નહીં. ફ્રેન્ડ બની ગોઠવો કાઉન્ટરપુલી આમ પ્રશ્નકર્તા : મા-બાપ અને છોકરાંઓ વચ્ચે કેવું રિલેશન હોવું જોઈએ ? એ લોકોની લાઈફમાં આપણે કેટલે સુધી ઇન્ટરફીયર થવું જોઈએ ? કઈ ઉંમર સુધી અને કેવી રીતે ? દાદાશ્રી : સોળ વર્ષ પછી આપણા ફ્રેન્ડ તરીકે ગણવો જોઈએ. મા-બાપના હક્કો છોડી દેવા પડે અને પછી ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : સોળ વર્ષ પછી છોકરું કંઈ ખરાબ કામ કરતું હોય, જેમાં એને હાર્મ (નુકસાન) થવાનું હોય તો આપણે એે રોકવું ? દાદાશ્રી : ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ, ફ્રેન્ડ તરીકે રોકવાનું, તો વાંધો નહીં આવે. ફાધર બનીને કહેશો તો થોડો વાંધો આવશે. પ્રશ્નકર્તા : ફ્રેન્ડ તરીકે રોકવાની કોશિશ, કરીએ અને ના માને તો એને ખોટું કરવા દેવું ? દાદાશ્રી : તો પછી એને કરવા દેવાનું. એ તો ચાલ્યા જ કરવાનું. નહીં તો આપણે એને જો કદી માર મારીશું તો સામો થશે અગર એ કાર્ય ગુપ્ત રાખે, છાનું રાખશે. એને ફ્રેન્ડ તરીકે સમજ પાડવી જોઈએ કે આમાં શું ફાયદો ? આમાં જેલ થાય, એવું બધું થાય એવી ફ્રેન્ડ તરીકે સમજ પાડવી જોઈએ, ફાધર-મધર તરીકે નહીં. ફાધર-મધરનો ફોર્સ હોય છે. એ ફોર્સ ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા : આપણને દુઃખ થાય એવું કહે અને કહ્યું ના માને તો એને પૈસા આપવાનું, કોલેજની ફી આપવાની બધું બંધ કરી દેવાનું ? દાદાશ્રી : ના, એ તો ફરજિયાત છે, ઇટ ઇઝ એ ડ્યુટી. યુ આર ડ્યુટી બાઉન્ડ. એ ગાળો ભાંડે તોય આપવા પડે. તમે ફ્રેન્ડશીપ કરશો તો સુધરશે. ફ્રેન્ડશીપ હશે તે છોકરા સુધરશે. બાકી ફાધર-મધર તરીકે રહો છો, રોફ પાડવા જાવ છો, એ જોખમ છે બધું ! ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ અને બહાર ફ્રેન્ડ ખોળે જ નહીં એ રીતે રહેવું જોઈએ. આ ફ્રેન્ડ તો એની જોડે પાના રમવા જોઈએ, બધું જ એની જોડે કરવું જોઈએ. તું આવ્યા પછી અમે ચા પીશું, એવું કહેવું જોઈએ. આપણે બધાએ સાથે ચા પીવાની. 'યોર ફ્રેન્ડ' (તમારો મિત્ર) હોય એ રીતે વર્તવું જોઈએ તો એ છોકરા તમારાં રહેશે. નહીં તો છોકરાં તમારાં થાય જ નહીં. બાપની પાછળ છોકરો મરી ગયો કોઈ ? બધાય ઘેર આવીને નાસ્તો કરે, આ છોકરાં એ છોકરા છે નહીં, આ તો ખાલી કુદરતી નિયમને આધારે દેખાય છે એટલું જ. પહેલાં ફ્રેન્ડ તરીકે તમે નક્કી કરો તો રહી શકાય. જેમ ફ્રેન્ડને રીસ ચડે એવું બોલતા નથી. એ અવળું કરતો હોય તો આપણે ફ્રેન્ડને સમજાવીએ કેટલું ? એ માને ત્યાં સુધી. ના માને તો આપણે પછી કહીએ, તારી મરજીની વાત ! અને મનમાં ફ્રેન્ડ થવા માટે પહેલું શું કરવું પડે ? બાહ્ય વ્યવહારમાં હું એનો ફાધર છું, પણ અંદરખાને મનમાં આપણે માનવું કે હું એનો છોકરો છું. ત્યારે ફ ્રેન્ડશીપ થ ાય, નહીં તો થાય નહીં ! ફાધર ફ્રેન્ડ કેવી રીતે થાય? ત્યારે કહે, લેવલ લઈએ ત્યારે. લેવલ કેવી રીતે લેવાય? ત્યારે કહે, એના મનમાં એવું માને કે હું આનો છોકરો થઉં છું અને આવું કહે તો કામ થઈ જાય. કેટલાક લોકો કહે છે ને કામ થઈ યે જાય છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને સોળ વર્ષ પછી એના ફ્રેન્ડ થવાનું, પણ સોળ વર્ષ પહેલાં પણ ફ્રેન્ડશીપ જ રાખવાની ? દાદાશ્રી : એ તો બહુ સારું. પણ દસ-અગિયાર વર્ષ સુધી તો આપણે ફ્રેન્ડશીપ રખાય નહીં. ત્યાં સુધી ભૂલચૂક થાય, તો એને સમજણ પાડવી જોઈએ. એકાદ ધોલ મારવીય પડે, દસ-અગિયાર વર્ષ સુધી. એ બાપની મૂંછો ખેંચતો હોય તો ધોલ મારવી પડે. બાપ થવા ગયેલાને, એ માર ખઈને મરી ગયેલા. દાદાએ આપી અનુભવની ચાવી સુધારવાના તો પ્રયત્ન બધાએ કરવા જોઈએ, દરેક માણસે. પણ પ્રયત્નો સફળ થવા જોઈએ. બાપ થયો અને છોકરાને સુધારવા માટે એ બાપપણું છોડી દે એમ છે ? 'હું ફાધર છું' એ છોડી દે ખરો ? પ્રશ્નકર્તા : જો એ સુધરતો હોય તો અહમ્ ભાવ, દ્વેષ બધું કાઢીને એને સુધારવાના પ્રયત્નો કરવાં જોઈએ? દાદાશ્રી : તમારે બાપ તરીકેના ભાવ છોડી દેવા પડે. પ્રશ્નકર્તા : 'આ મારો દીકરો' એમ માનવાનું નહીં ને 'હું બાપ છું' એમ નહીં માનવાનું ? દાદાશ્રી : તો તો એના જેવો એકુંય નિયમ જ નહીં. પ્રશ્નકર્તા : તો બાપે કેવી રીતે બાપ થવું ? બાપે બાપ થવા શું કરવું? દાદાશ્રી : એક દાખલો આપું, તમને હેલ્પ કરે, તમને એડજસ્ટ થાય એટલા માટે. અમારા એક છેટેના ભત્રીજાનો દીકરો હતો અને ખાસ કરીને મારાથી બે-ત્રણ વર્ષ નાનો. ભત્રીજાનો દીકરો એટલે મને 'દાદા' કહે. એટલે હું જ્યારે જઉં તો એની મેળે પ્રેમથી 'દાદા ક્યારના આવ્યા, દાદા આમ છે, તેમ છે' બોલ બોલ કર્યા કરે. જાણે પોતાના જ દાદા હોય એવું. એટલે પછી મારા મન ઉપર બોજો વધવા માંડ્યો કે સાલું વારેઘડીએ 'દાદા, દાદા' કરે છે. મને ઉપકાર ચઢ્યા કરે કે 'અરેરે, દાદા થયા પણ આપણે આનું કશું કામ કર્યું નહીં.' એટલે બોજો વધે કે ના વધે ? પ્રશ્નકર્તા : વધે. દાદાશ્રી : આ છોકરો આખો દહાડો બાપુજી, બાપુજી કરે ને, તો આપણો બોજો વધી જાય તે વખતે. એટલે પછી મેં વિચાર કર્યો કે આ બોજો થશે. તો હવે શું કરીશ ? આ તો માથા ઉપર બોજો ચઢતો જશે દહાડે દહાડે. એ તો 'દાદા, દાદા' કહ્યા જ કરવાનો. તો આ બોજો ઉતારવો કેમ ? આવું બને કે ના બને? પછી આપણી આંખ નરમ થઈ જાય. એટલે સત્ય બોલતા પણ ડરીએ આપણે. એટલે આ પ્રશ્ને મને મૂંઝવેલો, વીસ વર્ષની ઉંમરે. કારણ કે હું ઘણાં ખરાનો દાદો થઉં. એટલે લોકો 'દાદા, દાદા' કરે. કેટલાક માણસો 'દાદા, દાદા' કરે ને તે ઉપલક જેવો વ્યવહાર રાખે તો મને બોજો વધી ના જાય. પણ આ તો જાણે પોતાના દાદા હોય એવું પ્રેમથી બોલે ને, તો મને બહુ બોજો લાગવા માંડ્યો. પછી વિચાર કર્યો. મેં કહ્યું, 'હવે આ બોજો શી રીતે ઉતરે ?' અને એમ કહીએ કે 'તું મને દાદા ના કહીશ.' તો પછી એય ખોટું કહેવાય. એય કહે, 'વ્યવહારમાં તમને દાદા ના કહું તો હું શું કહું ?' એટલે આમેય ગુંચામણ અને આમેય ગુંચામણ ઊભી થઈ. એવા બે-ચાર જણ હતા તે મને પ્રેમથી દાદા કહે. તે મારો સ્વભાવ બધો પ્રેમવાળો અને બીજા બધા તો ઉપલક 'દાદા ક્યારના આવ્યા છો?' હું કહું કે પરમ દહાડે આવ્યો. એ પછી કશુંય નહીં, લટકતી સલામ. પણ આ તો રેગ્યુલર સલામ કરે છે. મેં શોધખોળ કરી કે એ મને 'દાદા' કહે ને હું મનથી એને 'દાદા' માનું. એ જ્યારે મને 'દાદા' કહે ત્યારે હું એને મનથી 'દાદા' કહું એટલે પ્લસ-માઈનસ કર્યા કરું, છેદ ઉડાડી દઉં. હું એને મનથી દાદા કહું એટલે મારું મન બહુ સારું રહેવા માંડ્યું, હલકું થવા માંડ્યું. તેમ તેમ પેલાને એટ્રેક્શન વધારે થવા માંડ્યું. હું એને મનથી દાદા માનું એટલે પછી એના મનમાં મારી વાત પહોંચે ને ! ઓહોહો ! એમને કેટલો મારી ઉપર ભાવ છે. આ બહુ સમજવા જેવી વાત છે. આવી ટૂંકી વાત આમ કોઈ વખત નીકળે. તો આ કહી દઉં. તમને આવી જો ગોઠવણી કરતાં આવડે તો કલ્યાણ થઈ જાય એવું છે. એટલે પછી શું કર્યું? આવો વ્યવહાર ચાલે એટલે એના મનમાં એમ જ લાગે કે દાદા જેવા કોઈ માણસ મળે નહીં. હવે એના પોતાના કાકા હતા, તે એના કાકા ફક્ત એનાથી પાંચ વર્ષ મોટા અને મારી ઉંમરના. હવે એના કાકા આફ્રિકાથી આવે ત્યારે એને ત્યાં ઉતરે. કાકા આવે એટલે પેલી ભત્રીજાની વહુ તો વેઢમી બનાવે ! તે વેઢમી જમે સારી રીતે. દૂધપાક બનાવે, શ્રીખંડ-પૂરીનું જમણ જમતા જાય, ચા-નાસ્તા કરતા જાય અને પછી આ કાકા સાંજ પડે શું કરે ? 'મને તારો હિસાબ દેખાડ. આ તને આટલો પગાર મળે છે, તે તું આ બધું પૂરું શી રીતે કરું છું ? કાકા શ્રીખંડ-પૂરીઓ ખાતા જાય ને કચકચ કરતા જાય કે આવું આવું છે તે ખર્ચા કરવાના રાખશો, તો તમે શી રીતે જીવશો, શી રીતે આ નોકરીમાં પોસાય ? એવું જ્યારે હોય ત્યારે કકળાટ કરે. પેલા બિચારા એમ જાણે કે આપણા કાકા આવ્યા છે, એટલે જમાડો બરાબર અને પેલા કકળાટ કર્યા વગર રહે નહીં. અને જેમ બાપ ટૈડકાવે, એમ કાકો ટૈડકાવે. આવું કંઈ જીવવાનું ફાવે ? ના જીવાય ને! એટલે પેલો બિચારો કંટાળી ગયો. આ કાકા હેરાન કરી નાખે છે. પછી એ ભત્રીજાને થોડું બેએક હજારનું દેવું થયું હશે. તે કાકાએ એક ફેરો કહ્યું, 'હું તારું દેવું આપવા તૈયાર છું. તું મને તારું દેવું કહે. કોને કોને છે એ ?' એટલે પેલાને જાણે કે આ કાકા તો અવળું બોલે છે અને પછી આપતોય નથી અને એના કરતાં આપણે ના કહેવું એ શું ખોટું ! આપણી આબરૂમાં રહીએ એ સારું. એટલે પેલાએ કહ્યું નહીં. આમ ભત્રીજો બધું શરમથી નભાવી લે. બિચારો બોલે નહીં. પણ એના મનમાં કાકા ઉપર જરાય પ્રેમ ના રહ્યો. પછી એના કાકા મને કહેવા માંડ્યા, જે મારો ભત્રીજો થાય. મને કહે છે, 'આ શું સમજે છે ? આ દેવું છે, આને મારે અડધા પૈસા આપવા છે, હજારેક હું આપું પણ ના પાડે છે. આ કઈ જાતનો માણસ છે! મેં કહ્યું, 'આ યે દુનિયા નવી જાતની ને ! કાં તો એને ભત્રીજો થતાં નથી આવડતું ને કાં તો તને કાકા થતાં નથી આવડતું. કંઈક ભૂલ છે આમાં.' ત્યારે પછી પેલો કાકો કહે છે, 'કંઈ કહેતો જ નથી. એની બિમારી અડવા દેતોય નથી. કેવો આમ નફ્્ફ્ટ માણસ છે તે !' મેં કહ્યું, 'એવો નથી ભઈ, હું એવો નથી માનતો.' ત્યારે કહે, 'તમને એના ઉપર વિશ્વાસ છે ?' મેં કહ્યું, 'સો ટકા વિશ્વાસ છે.' એટલી વારમાં પેલો ઉપરથી નીચે ઉતર્યો. એ બહાર જતો હતો. મેં કહ્યું, 'ભઈ, અહીં આય બા, તારે દેવું છે ?' ત્યારે કહેે, 'હા, મારે દેવું છે.' 'કેટલુંક છે તે ?' ત્યારે કહે, 'દાદા, ફલાણાનું, ફલાણાનું, આ બધું થઈને સોળસો-સત્તરસો રૂપિયા દેવું છે, વધારે છે નહીં.' પછી મેં કહ્યું કે 'સારું, તું જા.' પછી પેલાને કહ્યું, 'જો તું કહું છું ને કે નાલાયક માણસ છે, આ તો લાયક માણસ છે.' ત્યારે કહે, 'તમારી પાસે શી રીતે કબૂલ કરે છે અને મને કહેતો નથી ! તમે કંઈક કરામત કરી! મારી પર ભાવ જ નહીં રાખતો, હું આપવા ફરું તોય!' મેં કહ્ય ું, 'ના લે, કોઈ કાકોય ના લે. તું તો આંગળી વાળીને મારીને આપવા માંગું છું. લે હાથ ઝાલ પહેલાં.' પછી એવું કહ્યું કે 'પચાસ આપું છું, આપી આવ જા ! હાથ ધર, બીજા પચાસ આપું.' તે અલ્યા ! આ તો ક્ષત્રિય પુત્ર છે. ઘર વેચી દેશે પણ આવું કોઈ ના લે. આવું લેતું હશે ? તે પછી મને કહે છે, 'કંઈક તમારી પાસે કરામત છે.' મેં કહ્યું, 'તું કાકો થઈને બેઠો છું.' મોટા કાકા આવ્યા! હેંડતા આવડે નહીં ને મોટા કાકા થઈને બેઠા છે તે ! ત્યારે કહે છે, 'તમે દાદા નહીં થયા ?' મેં કહ્યું, 'એ મને દાદા કહે, તો હું એને મનથી દાદા માનું. એમ કરીને પ્લસ-માઈનસ કરું છું. એ મને મોઢે કહી શકે. મારાથી મોઢે ના કહેવાય, નહીં તો બહાર ખોટું દેખાય ને !' બીજી કોઈ કરામત નથી. તું કાકો છું તો એ તારો કાકો છે એવું માની લે. આવો કીમિયો વાપરશો ? આ દુનિયામાં બધુંય ચાલે. આ તો આ વાત નીકળી ત્યારે જ ને ! પ્લસ-માઈનસની વાત. આ તમને કામ લાગશે. તમે જો જો તો ખરાં, કંઈ એક મોટો ચમત્કાર છે આ. મારા એક-એક વાક્યમાં ચમત્કાર થઈ જશે. પોતાનું આમાં કશું બગડે નહીં. આ તો એકલા બાપ થઈને, એકાંતિક ! અલ્યા, અનેકાંત રાખને ! એટલે તે દહાડે એ નાની ઉંમરમાં મેં એમ નક્કી કરેલું કે આ બોજો વધે છે તે મેં પછી આંતરિકથી એને દાદા તરીકે માન્યો. એ મને કહે, તે પહેલાં હું એને મનથી દાદા કહી દઉં. એટલે એને મનમાં હિણપદ આવે જ નહીં. અને કોઈ દહાડો મેં એને છંછેડ્યો નથી કે દાદા તરીકે એને મેં ટૈડકાવ્યો નથી. એવું કોઈ દહાડો બને નહીં, પ્રેમ જ હોય. ટૈડકાવીએ ક્યારે, એકાંતિક થઈ જાય, હું દાદો થઈ જઉં અને એ પૌત્ર થઈ જાય એટલે પછી ટૈડકાવીએ તો ધાંધલ ચાલુ થઈ જાય. બોલો, હવે આવી સમજ ના હોય ત્યાં સુધી દીકરાના બાપ થતાં શી રીતે આવડે ? પ્રશ્નકર્તા : અત્યારે સાથે રહેવું હોય તો બાપે દીકરાના દીકરા તરીકે રહેવું જોઈએ, એ એક જ રીત છે ? દાદાશ્રી : હા. એ મને દાદા કહે છે, તે ઘડીએ હું એને દાદા માનું છું. એ પ્લસ-માઈનસ થઈ ગયું એટલે મને એની તરફ તિરસ્કાર રહે નહીં. 'હું દાદો છું' એવું મને ભાન રહે નહીં. આવી બધી કળાઓ જોઈએ. આ તો એમ ને એમ બાપ થઈ ગયા. છોકરો આપણી પાસેથી ખસે નહીં, એવા બાપ થવું જોઈએ. હું એને દાદો માનું એટલે મારી જોડે બેઠો હોય તો એ ખસે નહીં અને બહારગામ ગયા હોય તો એના કાકાની પથારી ના કરે, મારી પહેલી કરી નાખે. જુઓને, એનું દેવું મને કહી દીધું ને ! એનો કાકો તો સજ્જડ જ થઈ ગયો ! 'તમે કંઈક ચાવી મારો છો.' કહે છે. કહ્યું, 'દેખ અમારી ચાવી!' એવું ના આવડે ? આય કળા છે ને ! આ કળા નાની ઉંમરમાં મને આવડી. પ્રશ્નકર્તા : તે વખતે તમારી ઉંમર કેટલી હશે? દાદાશ્રી : એ ૨૦-૨૨ વર્ષ. હું જાણું કે હું દાદો થઈ બેસું, તો પછી મારો પારો વધતો જ જાય ને એનો ઓછો થતો જાય. એનું લેવલ ક્યારે આવે ? 'આવો દાદા, આવો દાદા' કહે, એટલે થઈ ગયો દાદો! ઊંધા ફેરવો તોય દાદા, એવા દાદા આપણે નથી જોઈતા ! પ્લસ-માઈનસથી ઉડાડી દો. નહીં તો સામા માટે તિરસ્કાર થાય. પ્રશ્નકર્તા : બાપ એવું વિચારે કે છોકરો મને કેમ એડજસ્ટ ના થાય? દાદાશ્રી : એ તો એનું બાપપણું છે એટલે. બેભાનપણું છે. બાપપણું એટલે બેભાનપણું. ધણીપણું એ બેભાનપણું. જ્યાં 'પણું' આવ્યું એ બેભાનપણું. ઘરમાં 'તમે મોટા' સંભળાય છે એ જ તમારી ભૂલ છે. તમે 'મોટા' એવું સાંભળો જ નહીં. એ કહે તેનો વાંધો નહીં, પણ તમે એને સાંભળો નહીં, જો તમને રોગ ચઢતો હોય તો અને જો રોગ ના ચઢતો હોય તો નિરાંતે સાંભળો. એ શબ્દ રોગ કરનારા હોય તો તમે ના સાંભળો. નહીં તો 'તમે મોટા, હું નાનો' એવું છે તે પ્લસ-માઈનસ કરી નાખો, તો બોજો વધશે નહીં ને બધાને આનંદ રહેશે. આ સમજણ પડી પ્લસ-માઈનસની ? આ પ્લસ-માઈનસની સિસ્ટમ, જો તમને આવડે તો સ્વીકારી લેજો. વાણીની અસરો વસમી પ્રશ્નકર્તા : કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે, પણ મન અને હ્રદય સાફ હોય છે. દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય, પણ સામાને હ્રદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. બાકી એવું છે ને, બોલનાર તો હ્રદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય. પ્રશ્નકર્તા : સામાને ઘણી વખત અસર નથી થતી. દાદાશ્રી : થયેલી ! એ તો દેખાવ કરે એટલું જ. અંદર બધું અસર કરે. મન તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. શબ્દ વખતે ખરાબ નીકળ્યો, પણ સામાને અસર થયા વગર રહે નહીં. શબ્દ હંમેશાં દિલ પર ઘા કરે. કેટલાક તો એવા બોલ બોલે છે, તે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. એટલે આ તો જાત જાતનાં લોક. બોલ શબ્દ બહુ વસમો છે. શબ્દ જો ના હોય ને, તો કામ જ થઈ જાય. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહજ છે. આ કાળમાં વાણીથી જ બંધ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. પ્રશ્નકર્તા : આપે કહેલું કે નાનો બાળક હોય, એની પાસે આપણે કેવી રીતે બોલીએ છીએ, એ રીતની વાણી હોવી જોઈએ. દાદાશ્રી : હા, એ રીતની. ત્યાં કેમ સાચવીને બોલે છે ? નાનું બાળક હોય તો કાઉન્ટરપુલી નાખીને બોલે. ગુસ્સો થયેલો હોય તોય તરત ફેરવી નાખે. કોઈને સહેજેય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. 'કાઉન્ટરપુલી' એ એડજસ્ટમેન્ટની રીત એટલે આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને 'જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ. તારાં 'રિવોલ્યુશનો' અઢારસોનાં હોય ને સામાનાં છસો હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવાં પડે. શીખો ફ્યુઝ નાખવો કેમ ? સંસારમાં આપણે આટલું જ ઓળખવાનું છે કે આ 'મશીનરી' કેવી છે ! એનો 'ફયુઝ' ઊડી જાય તો શી રીતે 'ફયુઝ' બેસાડી આપવો. સામાની પ્રકૃતિને 'એડજસ્ટ' થતાં આવડવું જોઇએ. અમારે જો સામાનો 'ફયુઝ' ઊડી જાય તોય અમારું એડજસ્ટમેન્ટ હોય. પણ સામાનું 'એડજસ્ટમેન્ટ' તૂટે તો શું થાય ? 'ફયુઝ' ગયો. એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઇ ફયુઝ નાખી આપે તો પાછું રાગે પડે, નહીં તો ત્યાં સુધી એ ગૂંચાય. પ્રશ્નકર્તા : લોક કહેતા હોય કે 'તમે આવા છો, તમે તેવા છો', તો ત્યાં કેવી રીતે એ એડજેસ્ટમેન્ટ લેવું? દાદાશ્રી : લોક ગમે તે કહેતા હોય, પણ આપણને એવી અસર ના થવી જોઇએ કે 'હું આવો છું'. આપણે તો 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બસ એટલું જ હોવું જોઇએ. આત્માનું કોઇ પણ ચિંતવન નકામું જતું નથી. એટલું સારું છે કે જાડા થરમાં ચિંતવન થાય છે એટલે ચાલી જાય છે. ઊંચી જાતના ચિંતવનમાં એક મિનિટના પાંચ હજારના 'રિવોલ્યુશન' હોય. દરેકનું ચિંતવન જુદું જુદું હોય, એવું અનંત જાતનું ચિંતવન છે. તેથી તો આ જગતમાં જાતજાતનાં લોકો દેખાય છે ને ! સંસારની વિકરાળતા સમજાય તો સંસાર આખો દગો છે. એમાં કોઇ આપણો સગો નથી. એવા આ સંસારની વિકરાળતા જો સમજાઇ જાય તો મોક્ષની ઇચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર વેઇટ છે. આજે વિકરાળતા લાગે છે છતાંય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઇ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના, એ તો ક્યારેય પણ સોનું ના થાય. તેથી આવાં સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કાંઇક સુખ લઇ આવું છું. આમ કરીશ એટલે કંઇક સુખ મળશે. પણ ત્યાંય માર ખાય છે. આ અમારી ઝીણી વાત છે. જાડી વાતોથી તો સંસાર ઊભો છે ! જો 'જ્ઞાની પુરુષ' આ સંસારની વિકરાળતાનું માત્ર વર્ણન જ કરે તો એને થઇ જ જાય કે, 'આવો અતિ કઠિન સંસાર છે ? આમાંથી તો છુટાય એવું નથી. માટે એ આખો કેસ ઊંચે મૂકવાનો.' 'હા બાપા ! હા બાપા!' કરીને ઉકેલ લાવવાનો. 'સમભાવે નિકાલ' કરવા જેવું છે જગત! ઓવરડ્રાફ્ટ વાપર્યો એડવાન્સમાં ચાર ઘરના માલિક, પણ ઘેર પાંચ રૂપિયા ના હોય ને ભાવનગરના રાજા જેવો રોફ હોય ! ત્યારે એ અહંકારને શું કરવાનો? પ્રશ્નકર્તા : દાદા, પણ કેટલીક વાર વ્યવહારમાં એવું બને છે કે માણસ આવું બધું રાખે છેને, એને એવું મળી આવે છે. દાદાશ્રી : મળી આવે પણ બધા પાપ બાંધીને મળી આવે છે. એનો નિયમ જ એવો છે, બધું તારું ખર્ચીને, તારું કાઉન્ટર વેઈટ મૂકીને તું આ લે અને આજે હોય નહીં તો ઓવરડ્રાફ્ટ લે. એ ઓવરડ્રાફ્ટ લઈને પછી મનુષ્યમાંથી જાનવરમાં જ જાય છે. ઠોકાઠોક કરીને લીધેલું કામનું નહીં, એ તો આપણી પુણ્યૈનું સહજ મળેલું હોવું જોઈએ. એટલે મળી રહે છે પણ બધા ઓવરડ્રાફ્ટ લે છે. મનમાં ચોરીના વિચારો ખસતા નથી, જૂઠના વિચારો, કપટના વિચારો ખસતા નથી, પ્રપંચના વિચારો ખસતા નથી. પછી શું, નર્યું પાપ જ બંધાયા કરે ને ? આ બધું ના હોવું જોઈએ, મળી જાય તો પણ ! એટલા માટે હું તો ભેખ (સંન્યાસ) લેવા તૈયાર હતો કે આમ જો દોષ બંધાતા હોય તો ભેખ લેવો સારો. નર્યું ભયંકર ઉપાધિઓ, આટલા તાપમાં બફાયા ! અજ્ઞાનતામાં તો બહુ સમજણવાળો માણસ, એક કલાક જે બફાય છે, એ બફારાને લઈને મનમાં એમ થાય કે બળ્યું, હવે કશું જોઈતું નથી. જાડી બુદ્ધિવાળાને બફારો ઓછો સમજણ પડે, પણ સૂક્ષ્મ બુદ્ધિવાળાને બફારો કેમ કરીને સહન થાય ? એ તો અજાયબી છે ! બળાપો એ કાઉન્ટરવેઈટ હિન્દુસ્તાનમાં જે ક્રોધ-માન-માયા-લોભ છે, એવા આખી દુનિયામાં કોઈ જગ્યાએ જડે નહીં અને આ લોકોને જે બળતરા છે, એવી બળતરા પણ દુનિયામાં ખોળવા જાય તો જડે નહીં. કારણ કે જેટલું બુદ્ધિનું જોર, જેટલો બુદ્ધિનો વિકાસ થયો અને એના પ્રમાણમાં બળાપો થવો જ જોઈએ. એ કાઉન્ટર વેઈટ છે. એટલે એ કહે છે કે, 'બળ્યું, આમાં શું સુખ છે ?' આ બંગલા-મોટર બધું છે પણ આ કાયમ બળાપો યે છે. માટે સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. પછી એની કલ્પના બીજી જગ્યાએ સુખ ખોળતી થઈ કે મુક્તિમાં સુખ છે, અપરિગ્રહમાં સુખ છે, એવું એને પછી ભાન થાય છે. આ તો બહુ જાગૃત લોકો, તેથી દુઃખી છે ને આ બધા. આપણે અહીંયાં બીજું કશું દુઃખ નથી. આયુષ્ય ટૂંકંુ ને ધાંધલ ઝાઝી શાને ? મોટામાં મોટું દુઃખ શેનું છે ? ડિસ્એડજસ્ટમેન્ટનું, ત્યાં 'એડજસ્ટ એવરીવ્હેર' કરે તો શું વાંધો છે ? પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ. દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે 'દાદા'એ કહ્યું છે કે 'એડજસ્ટ એવરીવ્હેર', તો 'એડજસ્ટ' થયા કરે. કોઈ કહે કે, 'તમે ચોર છો' તો કહેવું કે 'યુ આર કરેક્ટ' અને થોડીવાર પછી એ કહે કે, 'ના, તમે ચોરી નથી કરી' તોય 'યુ આર કરેક્ટ' કહીએ. સ્ત્રી દોઢસો રૂપિયાની સાડી લાવવાનું કહે તો આપણે પચ્ચીસ વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે, સમજવું પડે! એવું છે, બ્રહ્માનો એક દિવસ એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે 'ઠીક છે, એડજસ્ટ શા માટે થઈએ ? 'દાવો માંડ' કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? 'એડજસ્ટ' થઈએ કે પછી 'દાવો માંડો' કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી પતાવવું હોય, તેને શું કરવું પડે ? એડજસ્ટ થઈને ટૂંકાવી દેવું. નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે ? બીબી જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી ? અને સવારે નાસ્તોય સારો ના મળે. વાંકા પ્રમાણે વાંકું મળે પ્રશ્નકર્તા : હું 'વાઈફ' જોડે બહુ 'એડજસ્ટ' થવા જાઉં છું પણ થવાતું નથી. દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ? પણ સ્ત્રી જાતિ તો તમારું 'કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું 'વ્યવસ્થિત' છે, એવું કહ્યું છે ને ! પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે. દાદાશ્રી : તે તમને સીધા કરવા જ જોઈએ. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ! સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. પત્ની તો છે કાઉન્ટર વેઈટ વાઈફ ઇઝ ધી કાઉન્ટર વેઇટ ઑફ મેન (હસબન્ડ-પતિ). એ જો કાઉન્ટર વેઇટ ના હોય તો માણસ ગબડી પડે. પ્રશ્નકર્તા : એ ના સમજાયું. દાદાશ્રી : આ એન્જીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે. નહીં તો એન્જીન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઇટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણે હોય નહીં. આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય ! આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. એ એનું કાઉન્ટર વેઇટ છે. પુરુષોને માટે સ્ત્રીઓ એ 'કાઉન્ટર વેઈટ' છે. તે ઓછું પડે ત્યાં છોડીઓ 'કાઉન્ટર વેઈટ' છે. 'કાઉન્ટર વેઈટ' વિના ચાલે જ નહીં. નહીં તો ઊથલી પડે ! અપનાવો જ્ઞાનીની જ્ઞાનકળા કોઈક દહાડે વાઈફ કહે, 'પેલી સાડી મને નહીં લઈ આપો? મને પેલી સાડી લઈ આપવી પડશે.' ત્યારે પેલો કહે કે કેટલી કિંમત તેં જોઈ હતી? ત્યારે કહે, 'બાવીસસો રૂપિયાની છે, વધારે નથી !' તો આ કહે, 'તમે બાવીસસોની જ છે, કહો છો પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે ? અત્યારે અહીં સાંધા તૂટે છે. બસો-ત્રણસોની હોય તો લઈ આપું, પણ તું બાવીસસોની કહું છું.' એ રીસાઈને બેસી રહ્યાં. હવે શી દશા થાય તે? મનમાં એમેય થાય કે બળ્યું આથી ના પૈણ્યો હોય તો સારું ! પૈણ્યા પછી પસ્તાય એ શું કામમાં લાગે ? એટલે આ દુઃખો છે. પ્રશ્નકર્તા : આપ એમ કહેવા માંગો છો કે બાઈને બાવીસસો રૂપિયાની સાડી લઈ આપવાની ? દાદાશ્રી : લઈ આપવી કે ના લઈ આપવી એ તમારી આવડત ઉપર આધાર રાખે છે. રીસાઈને રોજ રાત્રે ખાવાનું નહીં કરું, કહેશે. ત્યારે શું કરીએ આપણે? ક્યાંથી રસોઈયા લઈ આવીએ ? એટલે પછી દેવું કરીને પણ લઈ આપવી પડે ને ? આપણે એવું બનાવી દો કે એની મેળે સાડી લાવે જ નહીં. જો આપણને મહિનાના આઠસો પાઉન્ડ મળતા હોય, તો આપણે સો પાઉન્ડ આપણા ખર્ચી માટે રાખી અને સાતસો એમને આપી દઈએ. પછી આપણને કહે, સાડી લઈ આપો ? અને ઊલટી આપણે એમની મશ્કરી કરવી, કે પેલી સાડી સરસ છે, કેમ લાવતા નથી? એનો વેત (ગોઠવણ) એણે કરવાનો હોય ! આ તો આપણે વેત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. આ બધી કળા હું જ્ઞાન થતાં પહેલાં શીખેલો, પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું છે. તો બોલો, આ કળા નથી તેથી જ આ દુઃખ છેને ! આમાં તમને સમજણ પડીને ? ભૂલ તો આપણી જ છે ને, કળા નથી તેની ને ? કળા શીખવાની જરૂર છે. તમે બોલ્યા નહીં ? કાઉન્ટરપુલીથી થાય કામ સરળ પ્રશ્નકર્તા : કાઉન્ટરપુલી નાખ્યા વગર વ્યવહાર કરે એટલે ? દાદાશ્રી : તૂટી જાય, પેલો પંપ તૂટી જાય ! પેલું પંદરસો રિવોલ્યુશનનું હોય ને આ ત્રણસો રિવોલ્યુશનનું હોય તે પંપ તોડી નાખે કે ના તોડી નાખે ? પ્રશ્નકર્તા : એ તો બરાબર છે, દાદા. દાદાશ્રી : નહીં તો મતભેદ ઊભા થઈ જાય. આમાં તોડી ના નાખે. મતભેદ ઊભા થઈ જાય. અમે કાઉન્ટરપુલી નાખી દઈએ. અમે જાણીએ કે આ છે તે વાણિયાભાઈ છે ને આમનામાં આટલા રિવોલ્યુશન હોય એટલે એ પ્રમાણે કાઉન્ટરપુલી નાખી દઈએ ને પછી વાતચીત કરીએ. પ્રશ્નકર્તા : અમારાથી એ નથી થતું. અમને એની તકલીફ પડે છે. કાઉન્ટરપુલી ઓટોમેટિક નખાતી નથી. તમે જેમ ઓટોમેટિક પેલી કાઉન્ટરપુલી નાખી દોને ! દાદાશ્રી : અમને સમજાય કે આ આટલી કાઉન્ટરપુલીની જરૂર છે. પ્રશ્નકર્તા : પણ એની જાગૃતિ નથી આવતી. અને અમે આમેય અમારા રિવોલ્યુશનથી ચાલ્યા કરીએ એટલે બધે ડખા ને ડખા, ઝઘડાં ને તોડફોડ થયા કરે છે. દાદાશ્રી : તમને કાઉન્ટરપુલીઓ રાખતા આવડતી નથી, પછી શું થાય ? પ્રશ્નકર્તા : હા, એટલે એનું શું કરવાનું ? એ જરા બતાવી નાખોને એટલે અમારો પાર આવે ! દાદાશ્રી : કાઉન્ટરપુલી મૂકો તો કામ થાય. પ્રશ્નકર્તા : હા પણ એ કાઉન્ટરપુલીય અથડાયા-કૂટાયા પછી વિચાર કરે. કાઉન્ટરપુલી નહોતી એટલે થયું પાછું. પણ એ દરમિયાનમાં તો બધું તોડફોડ, મશીન ફાટ-ફાટ થઈ જાય. દાદાશ્રી : મશીન તૂટ્યું એટલે સમજવું કાઉન્ટરપુલી નથી મૂકી. અને કાઉન્ટરપુલી નાખીએ એટલે પેલો પંપ તૂટી ના જાય અને ફર્સ્ટ કલાસ પાણી કાઢે. માર, કાઉન્ટરપુલી ગોઠવતાં ન આવડે તેનો તમને કાઉન્ટરપુલીની આ વાત સમજાઈને ? પ્રશ્નકર્તા : હા, એટલે એની સ્પીડ પર તમારે આવવું પડે. દાદાશ્રી : હા, નહીં તો પેલો તોડી નાખે. તમારે પમ્પનું પંદરસો રિવોલ્યુશન હોય અને એન્જીન ત્રણ હજાર હોર્સ પાવરનું હોય, ત્રણ હજારના રિવોલ્યુશનનો પટ્ટો સીધો આપે તો તોડી નાખે, ધાગા કાઢી નાખે. એટલે તમારે કેલ્ક્યુલેશન મૂકીને વચ્ચે બીજી એને કાઉન્ટરપુલી મૂકવાની. તે પેલાં રિવોલ્યુશન ત્રણ હજાર છે તે પંદરસો થઇ જાય. તો પછી પમ્પ ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : તમે કહો છો ને એમ એનાં લેવલમાં આવીને વાત કરવી, કાઉન્ટરપુલી મૂકી દેવી ! દાદાશ્રી : ના, એ તો ગમે તે ગોઠવણી કરીને એને પહોંચે એવું કરવું જોઇએ. આપણે ના સમજીએ કે આ આપણાં રિવોલ્યુશન ત્રણ હજાર છે અને આનાં રિવોલ્યુશન પંદરસો છે. હવે ત્રણ હજારવાળું એન્જીન પંદરસો રિવોલ્યુશનવાળાં પંપને ફેરવવાં જાય, પાંચ મિનિટમાં ટુકડાં કરી નાખે. તેવાં આ મનુષ્યો છે. શેઠ છે તે પાંચ હજાર રિવોલ્યુશનનો હોય અને નોકર પાંચસો રિવોલ્યુશનનો હોય. તે નોકરને 'અક્કલ વગરનો, મૂરખ છું, ગધેડો છું' કહે ! તે મૂઆ, મૂરખ ના હોત તો તારે ત્યાં નોકરી શું કરવા કરત તે ? એવું છોકરાએ શેઠને ના કહેવું જોઇએ કે 'ભઇ, હું મૂરખને ત્યાં, આવાં ગધેડાને ત્યાં ?' 'મૂરખને ઓળખતોય નથી ?' કહીએ. હવે સંસારમાં આવું છે. એટલે આપણે લેવલમાં ગોઠવવું જોઇએ એની જોડે કે ભઇ આ પંદરસો રિવોલ્યુશન છે, એટલે એ કાઉન્ટરપુલી ગોઠવીને એનાં રિવોલ્યુશન સરખાં કરવાં જોઇએ. કાઉન્ટરપુલી શી રીતે ગોઠવાય? ત્યારે કહે, 'બીજી મોટી પુલી લાવે, તેનાં ઉપરથી આપે. અને મોટી ઉપરથી નાની ઉપર લઇ જાય. આનાથી મોટી પુલીમાં આંટા ઓછાં થાય. આંટા ઓછાં થઇને પછી પેલી નાનીમાં પંદરસો થઇને આપે અને પંપ ચાલ્યા કરે.' આ તો કાઉન્ટરપુલી ગોઠવતાં નથી આવડતું, તેનો માર ખા ખા કર્યા કરે. ત્યાં મૌન રહેવું સારું પ્રશ્નકર્તા : આપણાં પંદરસો ને સામાનાં ત્રણ હજાર તો પછી એનું શું કરવું? દાદાશ્રી : આપણે ત્યાં મૌન રહેવું. મૌન રહે એ સારું. બોલ્યો કે ગાંડામાં ઢસડે. એવું તો આપણે મૌન રહ્યો કે ડાહ્યો. મૌનમાં જે ડહાપણ છે એવું કોઇ વસ્તુમાં ડહાપણ નથી. કશું ના આવડતું હોય પણ મૌનવાળો હોય તે શોભે. અને બહુ આવડતું હોય પણ બોલ બોલ કરે એટલે ! નક્કી કરે, પરિણામ આવે આપણને વધુ લાઈટ હોય તો એને ડીમ કરી શકાય પણ ડીમ લાઈટવાળાને વધુ ન કરી શકાય. આપણું વધુ લાઈટ છે ને એટલે ડીમ લાઈટ કરીને એની જોડે બેસવું. મારે લાઈટ વધી જાય તો આ ભાઈ જોડે કેવી રીતે કામ લેવું, એ ફિટ કરી દો છો ને ? એવું બધે ફિટ કરી દેવાનું. આપણે ફિટ કરી દેવાનું છે, બધી અનંત શક્તિ છે ! તમે દાદાનું નામ દઈને કહો કે હે દાદાજી, મને ફિટ થજો તો ફિટ થઈ જાય તરત અને આપણા ભાવમાં નક્કી છે કે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના હો. એવું આપણે નક્કી કરેલું હોય તો તેને દુઃખ થાય જ નહીં. એટલે આપણે નક્કી કરવું જોઈએ. પ્રશ્નકર્તા : મારે એ જાણવું છે કે ઓછા રિવોલ્યુશનવાળો કઈ રીતે કાઉન્ટરપુલી મૂકી શકે ? દાદાશ્રી : આપણા જ્ઞાનથી મૂકી શકાય. સામો બોલે તે વખતે પોતે જ્ઞાનમાં જ રહે. એટલે પેલો છો ને બોલ્યા કરે. નહીં તો પેલો ગૂંચાયા કરે ને આપણે જ્ઞાનમાં રહીએ તો સામો ગૂંચાય નહીં. મોટું મોટા જોડે કામ કરી શકે, મોટું નાના જોડે કામ કરી શકે એવું કાઉન્ટરપુલીથી થઈ શકે. પ્રશ્નકર્તા : પણ કાઉન્ટરપુલી એક્ઝેક્ટ કેવી રીતે ગોઠવાય? એની કોઈ રીત હોય ? દાદાશ્રી : એની કોઈ રીત હોતી નથી. એ તો અમારું જો જો કરવાનું કે અમે કેવી રીતે બધા જોડે એડજસ્ટ કરીએ છીએ. એ ધીમે ધીમે તમારે ગોઠવણી કરી બધી અને તમારે નક્કી કરવું કે મારે કાઉન્ટરપુલી ગોઠવવી છે, તો તે પ્રમાણે થાય. વિજ્ઞાન જાણ્યે આવે ઉકેલ એવું છે ને, બધાયને પૂરી સમજવાની શક્તિ નહીં ને ! ગ્રાસ્પીંગ પાવર નહીં ને ! દરેકનો ગ્રાસ્પીંગ પાવર જુદો જુદો હોય. મને એક મિનિટ સમજવાની જરૂર છે અને એક ગુંઠાણું જ મારી જોડે બેસવાની જરૂર છે. પણ એટલો પાવર ક્યાંથી લાવે ? જેટલા એચ.પી.નો પાવર લેવાનો તેટલા એચ.પી. તમારા હોવા જોઈએ. આ તો દસ હજાર રિવોલ્યુશન હોય, તેને કાઉન્ટર-પુલીઓ નાખી નાખીને ત્રણસો રિવોલ્યુશનના પમ્પ જોડે જોડીએ છીએ તો પમ્પ ચાલે, નહીં તો કાઉન્ટરપુલી કાઢી નાખે તો પેલું તોડી નાખે. આ તો કામ કાઢી લેવાનું છે. અને તેય મારે તેટલા જ રિવોલ્યુશન છે. તમારે જ્યાં સુધી આ બધા પઝલ તૂટે નહીં ત્યાં સુધી રિવોલ્યુશન વધે નહીં ને! આ સાયન્સ બધું આમ પદ્ધતિસરનું જાણવું જ પડશેને ત્યારે ઉકેલ આવશે. - જય સચ્ચિદાનંદ |