www.dadabhagwan.in
                   


   અહો ! અહો ! 'દાદાવાણી', જગકલ્યાણી !

 

જ્ઞાની પુરુષની વાણી માટે જેટલું અહો અહો ભાવ થયા કરે તે ઓછું જ છે. તેથી પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર જિનેશ્વરની વાણી વિશે કહી જાય છે કે,

''અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નયનિક્ષેપે વ્યાખ્યાની છે,
સકલ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે.
ઉપમા આપવાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે.
અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.''
દાદાવાણી મેગેઝીન
1995 1996
1997 1998
1999 2000
2001 2002
2003 2004
2005 2006
2007 2008
2009 2010
 
 

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાનીની વાણી કેવળજ્ઞાન થવાને અવલંબનરૂપ છે ! વિષયનું વિરેચન ન કરાવે તો તે વાણી જ્ઞાનીની ન્હોય. જ્ઞાનીની વાણીની મહત્વતા વિશે જ્ઞાની જ કહી શકે. આત્મજાગૃતિ પ્રગટાવનાર, અજ્ઞાન માન્યતાઓથી સંપૂર્ણ મુક્ત કરાવનાર, આત્મામાં નિરંતર સ્થિર કરાવનાર અને મોક્ષે લઈ જતાં સુધી કલ્યાણકારી છે. ''વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય !'' એવા જ્ઞાની પુરુષ આ કાળને વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન આપણી વચ્ચે પ્રગટયા !

દાદાશ્રી પોતાની વાણીના અલૌકિક સ્વરૂપો પોતે જ કહી શકયા છે. બીજા લોકોને તો તેઓશ્રી કહે ત્યારે જ એની અદ્ભૂતતાની ખબર પડે ! એટલું જરૂર અનુભવમાં આવતું કે કેટલી કરુણાસભર, પ્રેમભરી વાણી છે. સામાના આત્મકલ્યાણના હેતુ સિવાય એમની વાત નહોતી. 'અમને જે સુખ વર્તે છે તેવું સુખ દરેકને હોજો' તે ભાવનામાં જ આખું જીવન એમનું વીત્યું. અને જ્ઞાન થયા પછી પણ એ ક્રમ ચાલુ રહ્યો. સવારના સાડા છ વાગ્યાથી તે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એકધારું લોકોને જ્ઞાનવાણી પીરસ્યા જ કરી છે. કેટલાંક તો ઊંધું બોલનારા આવે તો ય ત્યાં એટલી જ કરુણાથી કલ્યાણકારી વાણી નીકળતી એમની. પાછાં કહેતા કે એમને તો અમારી જોડે ભેદ હોય જ, એમને બુધ્ધિ છે ને, પણ મારે એમની સાથે અભેદતા જ હોય. એવી એમની મહાનતા હતી.

આખી દુનિયા જે માને છે તે અધ્યાત્મની દ્રષ્ટિએ જુદું છે, તો યુનિવર્સલ ફેક્ટ જગતને આપવા નિર્ભિકપણે તેઓ બોલી શક્યા. કારણ કે પોતે કરેક્ટ છે, પ્યૉર છે અને સામા પાસે કશું જોઈતું જ નથી, કોઈ પ્રકારનો ઘાટ નથી પછી શું ભય ? લોકસંજ્ઞાથી સંસારમાં ભટકાય ને જ્ઞાનીસંજ્ઞાથી મોક્ષ થાય. શરૂઆતમાં લોકસંજ્ઞામાંથી બહાર નીકળવું અઘરું લાગે. અંતે તો જ્ઞાનીની સંજ્ઞા પ્રમાણે જ સુખ લાગે, હિતકારી લાગે ને મોક્ષમાર્ગે પ્રગતિકારક લાગે. કડક, કઠણ છતાં સ્યાદ્વાદ વાણી આ કાળમાં આપણને સાંભળવા મળી તે આશ્ચર્ય છે. આત્યંતિક કલ્યાણની ભાવનાથી નીકળેલા એક એક શબ્દ કોઈ ધારણ કરે, પચાવે, તો ઠેઠ મોક્ષે પહોંચાડી દે, તેવા અદ્ભૂત વચનબળવાળી વાણી ! જેનાથી ભવિષ્યની પ્રજા માટે શાસ્ત્રો બની જશે. આવાં હળહળતા કળિકાળે આધ્યાત્મિક વિજ્ઞાનના આ શાસ્ત્રો આખા જગતનું કલ્યાણ કરી જશે !

પૂજ્ય દીપકભાઈ આજથી ૩૫ વર્ષ પહેલાં ૧૯૭૧-૭૨માં જ્યારે કેસેટો/સીડી પ્રચલિત ન હતી ત્યારે તેઓ ડાયરીઓમાં દાદાશ્રીની વાણી નોંધી લેતા. ત્યાર બાદ પૂજ્ય નીરુમા સાથે દાદાશ્રીની જ્ઞાનવાણી ટેપરેકોર્ડરની મદદથી ઓડીયો કેસેટોમાં રેકોર્ડ કરી લેતા. અક્રમ વિજ્ઞાન મેગેઝીન માટે અલગ અલગ વિષયો પર સામગ્રી એકઠી કરવામાં પૂજ્ય નીરુમાને સહાય કરતા. ૧૯૯૫થી 'દાદાવાણી' નામનું મેગેઝીન પ્રકાશિત થાય છે.

 
સમર્પણ
અહો ! અહો ! ગજબની દાદાવાણી;
પાતાળ ફોડી નીકળી સરવાણી!
લાખોના હ્રદયમાં જઈ સમાણી;
જે વાંચે, સાંભળે થાય મોક્ષ કમાણી!
ગજબનો પાવર આત્યંતિક કલ્યાણી;
સંસાર વ્યવહારે પણ હિતકારીણી!
ટેપરેકર્ડ કહી વીતરાગે નિજ વાણી;
અહોહો ! હદ કરી આપે જુદાપણાની!
કળિકાળમાં ન કદિ જે સંભળાણી;
અતિ અતિ કિંમતી છતાં માલિકી વિનાની!
ચાર ડિગ્રી કમી છતાં ય ભૂલ વિનાની;
તીર્થંકરોના સ્યાદ્વાદની કમી પૂરાણી !
તમામ તીર્થંકરોએ જેને પ્રમાણી;
દૂર અંધાર તત્કાળ અક્રમ જ્યોત જલાણી!
વાદી પ્રતિવાદી બન્નેથી કબૂલાણી;
કેવું વચનબળ, જ્ઞાનાવરણ ચિરાણી!
ઘેર ઘેર પહુંચી જગાડશે આપ્તવાણી;
વાંચતા જ બોલે, મારી જ વાત, મારા જ જ્ઞાની!
તમામ રહસ્યો, અહીં ખુલ્યાં તણા વાણી;
'સિધ્ધાંત વાણી'ના જગતને સમર્પાણી !
- ડૉ. નીરુબહેન અમીન
 
Copyright © 2008-2009 Dada Bhagwan Foundation. All rights reserved.
google
Web www.dadabhagwan.in