જૂન, ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરના રેલ્વેના બાંકડા પર અંબાલાલ મૂળજીભાઈ પટેલ બેઠેલા. સોનગઢ-વ્યારાથી વડોદરા જતાં વચ્ચે તાપ્તી રેલ્વેમાંથી ઊતરી વડોદરા જતી ગાડીની રાહ જોવા જતાં, કુદરતે અધ્યાત્મ માર્ગનું અદ્ભુત આશ્ચર્ય એ સમયે સર્જ્યું !
કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા 'દાદા ભગવાન', અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? આ બધાં કોણ ? કર્મ શું ? બંધન શું ? મુક્તિ શું ? મુક્તિનો ઉપાય શું ?..... એવાં અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ સંપૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ભાદરણના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પરમ 'સત્'ને જ જાણવાની, સત્ને જ પામવાની ને સત્ સ્વરૂપ થવાની બચપણથી જ ઝંખના ધરાવનાર એ ભવ્ય પાત્ર માંહી 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું.
એમને પ્રાપ્ત થયું એ આશ્ચર્ય તો સર્જાયું. પણ એ આશ્ચર્યમાં ય આશ્ચર્ય એટલે એમણે જે જોયું, જાણ્યું ને અનુભવ્યું તે અન્યને પણ એ દ્ષ્ટિ ખોલાવી શકવાની તેઓની એ સમર્થતા ! પોતે પોતાનું કરી છૂટી જનારા ઘણા નીકળે, પણ પોતાની સાથે હજારોને છોડાવવાની સમર્થતા સહિત છૂટનારા તો કેવળ તીર્થંકરો અથવા તો જ્ઞાનીઓમાંય કો'ક જ જ્ઞાની હોય. એવા વિરલ જ્ઞાની કે જેમણે આ કળિકાળને અનુરૂપ 'ઈન્સ્ટન્ટ' આત્મજ્ઞાન પ્રાપ્તિનો અદ્ભૂત માર્ગ ખુલ્લો કર્યો, જે 'અક્રમ' તરીકે ઓળખાયો ! 'અક્રમ' એટલે અહંકારનો ફૂલસ્ટોપ માર્ગ ને 'ક્રમ' એટલે અહંકારનો કૉમા માર્ગ. 'અક્રમ' એટલે ક્રમ નહીં તે. ક્રમ એટલે પગથિયે પગથિયે ઉપર ચઢવાનું ને 'અક્રમ' એટલે લિફટમાં તુર્ત પહોંચી જવાનું ! ક્રમ એ ધોરી માર્ગ છે, કાયમનો માર્ગ છે. જ્યારે 'અક્રમ' એ અપવાદ માર્ગ છે, 'ડાયવર્ઝન' છે.
ક્રમમાર્ગ ક્યાં સુધી ચાલે ? જ્યાં સુધી મન-વચન-કાયાની એકતા હોય, એટલે કે જેવું મનમાં તેવું જ વાણીમાં ને તેવું જ વર્તનમાં હોય, જે આ કાળમાં નિરાપવાદે અશક્ય છે. તેથી ક્રમનો પુલ વચ્ચેથી તૂટ્યો ને કુદરતે મોક્ષમાર્ગ ચાલુ રાખવા આ છેલ્લી તકરૂપે આ 'ડાયવર્ઝન' - 'અક્રમ માર્ગ' જગતને આપ્યો. આ છેલ્લી તક જેણે ઝડપી તે 'પેલે' પાર પામી ગયા.
ક્રમમાર્ગમાં પાત્રની શુધ્ધિ કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભને શુધ્ધ કરતાં કરતાં અંતે અહંકારને પણ સંપૂર્ણ શુધ્ધ કરવાનો હોય છે, કે જેમાં એક પણ પરમાણુ ક્રોધનું, માનનું, માયાનું કે લોભનું ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુધ્ધ થાય ને શુધ્ધાત્મ સ્વરૂપ સાથે અભેદ થાય.
આ કાળમાં આ માર્ગ અશક્ય થઈ પડવાને કારણે 'અક્રમ વિજ્ઞાન'ની સમજણ થકી મન-વચન-કાયાની અશુધ્ધિને અકબંધ રાખી 'ડિરેક્ટ' અહંકાર શુધ્ધ થઈ જાય ને પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ જાય એવું છે. ત્યાર બાદ મન-વચન-કાયાની અશુધ્ધિઓ ક્રમે ક્રમે ઉદયમાં આવે, એટલે તેની સંપૂર્ણ શુધ્ધિ 'જ્ઞાની'ની આજ્ઞામાં રહેતાં સહેજે થઈ જાય.
આ દુષમકાળમાં કઠણ કર્મોમાંય સંસારની સર્વ જવાબદારીઓ આદર્શ રીતે અદા કરતાં કરતાં પણ નિરંતર 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ રહે છે. અને 'અક્રમ વિજ્ઞાન'ની અજાયબ દેણ તો જુઓ ! સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય, એવી આ અપૂર્વ વાત એકવાર તો માન્યામાં જ ના આવે, છતાં આ હકીકત બની છે.
આવાં અજાયબ 'અક્રમ વિજ્ઞાન'ના પ્રગટીકરણ માટેના પાત્રની પસંદગી કયા લક્ષણોને કારણે કુદરતે કરી હશે એનો ઉત્તર તો પ્રસ્તુત સંકલનમાં એ પાત્રના પૂર્વાશ્રમના પ્રસંગો તેમ જ જ્ઞાન પછીની જાગૃતિની પરાકાષ્ઠાનો પ્રકાશ પાથરતા પ્રસંગો જ કહી જાય છે.
જીવનમાં કડવા-મીઠા પ્રસંગો કોને નહીં પીરસાયા હોય ? એમાંથી 'જ્ઞાની' પણ વંચિત શીદને હોઈ શકે ? જીવનની ચાંદનીનો ને અમાસનો આસ્વાદ જ્ઞાન-અજ્ઞાન દશામાં અનુભવતા જ્ઞાનીની તે પ્રત્યેની દ્ષ્ટિ કંઈ અનોખી, આગવી ને મૌલિક હોય છે. સામાન્ય પ્રસંગો કે જેમાંથી અજ્ઞાની જીવો હજારો વાર પસાર થતા હોય છે, છતાં નથી તેમાં કંઈ અંતરસૂઝ ખીલતી કે નથી કોઈ તે વેદવાની સમ્યક દ્ષ્ટિ દેખાતી. જ્યારે 'જ્ઞાની' તો અજ્ઞાન દશામાં, અરે ! જન્મથી જ સમ્યક દર્શનને પમાડનારી દ્ષ્ટિ લાવેલા હોય છે. પ્રત્યેક પ્રસંગમાંથી વીતરાગ દર્શનને તારવી લઈ પોતે સમ્યક માર્ગ શોધન કરી લે છે. આમ હજારો વાર અજ્ઞાનીઓને અનુભવમાં આવતા પ્રસંગો જેવા જ પ્રસંગોમાં 'જ્ઞાની' કંઈક નવું જ જ્ઞાન ખોળી કાઢે છે.
એમના બાળપણના પ્રસંગો જેવા કે માતાએ વૈષ્ણવ સંપ્રદાયની કંઠી પહેરવા કહ્યું, ત્યારે બોલી ઊઠ્યા - 'પ્રકાશ ધરે તે મારા ગુરુ. કુગુરુ કરતાં નુગરો સારો.' આવા પ્રસ્તુત પ્રસંગો પ્રકાશિત કરતાં, કોઈ વ્યક્તિને કે તે વર્તનને ન જોતાં તેમાં જ્ઞાનીની બાળદશાથી વર્તતી અદ્ભુત વિચારશ્રેણી, અદ્ભુત દ્ષ્ટિ તેમજ જ્ઞાનસ્થિતિ બાદ વર્તતી દશા પ્રત્યે લક્ષ રાખીને તેનો 'સ્ટડી' (અભ્યાસ) કરવા જેવો છે.