પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાંય દુઃખ અડે નહીં, ઉપાધિમાંય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ બધાં કર્મો પૂરાં થાય ત્યારે આત્યંતિક મોક્ષ છે.
જ્ઞાન લીધા પછી પાણી તથા વરાળ રૂપે રહેલાં અજ્ઞાન આવરણ રૂપ કર્મો જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઇ જાય છે અને બરફ જેવાં જામી ગયેલાં કર્મો ઉદયમાં આવે ત્યારે પાંચ આજ્ઞાપૂર્વક ઉકેલ લાવવાનો છે.
''હું શુદ્ધાત્મા છું'' અને કર્તા વ્યવસ્થિત શક્તિ - આ બે બાબતમાં જે નિઃશંક થયો તેને એકેય કર્મ બંધાતું નથી.
પહેલાં બીજાના દોષો જોવાતા હતા, હવે આત્મજ્ઞાન પછી પોતાના દોષો જુએ.
પ્રજ્ઞા એ આત્માની રિપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ) છે. જે આપણને સંસારમાં પેસવા ના દે અને આત્મલક્ષી મોક્ષનું જ બતાડે, પોતાના દોષો દેખાડે.
બીજાની ભૂલો બતાડે, અજંપો કરાવે, પોતાની ભૂલોનું રક્ષણ કરાવે, દલીલો કરે, નિરંતર સંસારમાં રાખે, ખરા-ખોટા ભોગવટામાં રાખે તે બુદ્ધિ.
આપણા બનેવી કમિશનર હોય તો જોતાની સાથે જ ખ્યાલમાં આવે કે બનેવી પણ છે અને કમિશનર પણ છે એવી રીતે દરેક જીવમાત્રને જોતાની સાથે ખ્યાલમાં આવે કે રીલેટિવ પેકીંગ જુદું છે અને રીયલમાં શુદ્ધાત્મા છે.
બધા જ પ્રયત્ન કર્યા પછી જે પરિણામ આવે તે વ્યવસ્થિત છે એમ સમજવું. પરિણામ આવ્યા પહેલા વ્યવસ્થિત ના બોલાય.
શુદ્ધાત્મા સિવાય આ ચંદુભાઈ (દરેકે ચંદુભાઈની જગ્યાએ પોતાનું નામ સમજવું) તથા ઘરના સભ્યો, કુટુંબના સભ્યો, ફ્રેન્ડ સર્કલ, બીઝનેસવાળા, કામવાળા, દૂધવાળા જેની સાથે કંઇ પણ વ્યવહાર થાય છેે, એ બધી ફાઈલો કહેવાય.
સામો આપણી સાથે સારું કરે કે ખરાબ કરે, આપણને કોઇ પણ આજ્ઞા યાદ આવે અને એના માટે આપણને રાગ-દ્વેષ ના થાય.
દાદાની પાંચ આજ્ઞા પાળવાથી, પૂજ્ય દીપકભાઈના પ્રત્યક્ષ સત્સંગમાં તથા સ્થાનિક સત્સંગમાં હાજરીથી, દાદાના પુસ્તકો વાંચવાથી, વીસીડી સત્સંગ જોવાથી, ચરણવિધિ કરવાથી, પૂજ્ય નીરુમાના ટી.વી. સત્સંગોથી તેમજ પ્રતિક્રમણ-સામાયિક કરવાથી.
જ્યારે સૂઇ જાવ ત્યારે આંખો મીંચીને 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બોલજો અને દાદા ભગવાન કે સીમંધર સ્વામીનું ચિત્રપટ આંખ સામે આવે તે રીતે નિદિધ્યાસન કરતાં કરતાં સૂઈ જવા
નિશ્ચય-વ્યવહાર'' ચરણવિધિ દિવસમાં એકવાર અચૂક કરવી, તે દાદાશ્રીની આજ્ઞા છે. ચરણવિધિથી આવરણ તૂટતાં જાય છે, આત્મજાગૃતિ વધે છે.
આત્મામાં વિશેષ રહેવા માટે પ્રત્યક્ષ સત્સંગમાં આવવાની ખૂબ જરૂર છે. પ્રત્યક્ષ સત્સંગમાં, તમારી ગૂંચો - પ્રત્યક્ષ જ્ઞાનીને પૂછાય, ચોપડીને થોડું પૂછાય ?
પ્રતિક્રમણ એટલે દોષો ધોવા અને સામાયિક એટલે દોષો જોવા.
સવારથી સાંજ સુધી દરેક પ્રસંગમાં પાંચ આજ્ઞા ક્યાં ક્યાં ચૂકાઈ, કોને દુઃખ થયું અને કયા કષાયથી દુઃખ થયું વગેરે દરરોજ ૧૦ મિનિટથી ૪૮ મિનિટની સામાયિકમાં જોવું.
આપણા મનથી, વર્તનથી, વાણીથી કોઇને દુઃખ થાય અથવા કોઇનાથી આપણને દુઃખ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું. સામો નિર્દોષ દેખાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં જોઇએ.
જે જે ભૂલ થઇ હોય તે યાદ કરીને સામેવાળાના શુદ્ધાત્મા પાસે પ્રતિક્રમણ કરીને માફી માગવાથી મુક્તિ થઈ શકે.
પહેલાં ક્રોધ આવતો હતો, એની પાછળ હિંસક ભાવ અને તાંતો હતો. હવે જ્ઞાન પછી તમારે હિંસકભાવ અને તાંતો બિલકુલેય ના હોય. ગુસ્સો થઇ જાય પણ પછી તરત પ્રતિક્રમણ ચાલુ થઇ જાય.
સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર ભગવાન છે, જે આપણી પૃથ્વી જેવા જ બીજા મહાવિદેહ નામના ક્ષેત્રમાં વિચરે છે.
ટંકોત્કીર્ણ એટલે તેલ અને પાણી બન્ને સાથે ભેગા કરીએ તોય બે એકાકાર ન થાય તેમ આત્માએ ગમે એટલા દેહ ધારણ કર્યા છતાં પુદ્ગલ અને આત્મા એકાકાર થતા નથી.
મારું સ્વરૂપ એવું છે કે કોઈ જીવને કિંચિત્માત્ર ક્યારેય પણ દુઃખ ન કરી શકે અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે આપણને ક્યારેય દુઃખ ન આપી શકે. જેમ બરફને અગ્નિ ન દઝાડી શકે તેવું.
આપણાં વાણી-વર્તન કે વિચારથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ન થાય એવો નિરંતરનો ભાવ તે આદર્શ વ્યવહાર કહેવાય.
|